શુક્રવાર, 1 સપ્ટેમ્બર, 2023

વાસ્તવિક શિક્ષણ

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0GHnEQeixyniAhSMVSdPp71hTEsGqAsQLv6ezEhnf9jRRn6i9nV7v49zx5opQCBYNl&id=100002947160151&mibextid=Nif5oz



"ખોટું કહેવાય કે હું આઠ વર્ષની થઈ ગઈ હોવાં છતાં મને ઈંગ્લીશ બરાબર વાંચતા નથી આવડતું.. ગુજરાતીની જેમ હું પહેલેથી જ અંગ્રેજી લખતી અને વાંચતી હોત તો હું પણ કડકડાટ ઇંગ્લિશ વાંચતી હોત.. મારે તમારી મદદની જરૂર ન પડતી.." તન્વીએ રડતાં રડતાં એની મમ્મીને ફરિયાદ કરી..

..અને આ 'ભંગારમાં નાંખી દીધેલો લેખ' ફરી જીવંત થઈ ઉઠ્યો!!
**************

વર્ષ 2005માં પ્રાઇવેટ શાળામાં નોકરીએ લાગ્યો ત્યારે ટેક્સ્ટબુકનાં બે પુઠ્ઠા વચ્ચેનાં કન્ટેન્ટ પર સારી એવી પકડ હોવાને લીધે હું ખૂબ જલ્દીથી 'સારા શિક્ષક' તરીકે ઘણાં  બાળકોને ટ્યુશન કરાવતો થઈ ગયેલો! ભરપૂર ટ્યુશન કરતી વખતે એ નહોતી ખબર કે વાસ્તવમાં શિક્ષણ એટલે શું? ..અને શિક્ષકત્વ એટલે શું?.. 2007માં ગીરના છેવાડે નોકરી લાગી અને હું સમજી શક્યો કે વાસ્તવિક શિક્ષણ તો ટેકસ્ટબુકના બે પુઠ્ઠાની બહાર શરૂ થાય છે!! 

2013માં અમદાવાદ બદલી થઈ. જે વિદ્યાર્થીઓનું મેં અહીં ભરપૂર ટ્યુશન રાખેલું, એમને માત્ર બે પુઠ્ઠા વચ્ચેનું ભણાવ્યાનો અફસોસ હદયને કોરી ખાતો હતો! તેથી.. એક દિવસ મારાં એક વિદ્યાર્થીનું ઘર શોધતાં શોધતાં હું એના ઘરનાં દરવાજે પહોંચ્યો, અને ગભરાતા હદયથી દરવાજો ખખડાવ્યો.. દરવાજો ખુલ્યો.. વિદ્યાર્થી મને ઓળખી ગયો પણ એનાં મમ્મી-પપ્પાને મારે મારી ઓળખાણ આપવી પડી.. થોડી ઔપચારિક વાતો પછી મેં માત્ર બે પુઠ્ઠા વચ્ચેનું ભણાવ્યા બદલ એમની માફી માંગી! ..આવું કરવા બદલ હું ભોંઠો પડ્યો, પણ હદયનો ભાર હળવો થયો અને હું ત્યાંથી નીકળી ગયો! ..ફરી ત્યાં જવાની હિંમત આજ સુધી નથી કરી શક્યો! બદલી થયાં પછી અહીં પણ શરૂશરૂમાં ટ્યુશન માટેની ઓફર આવેલી, પણ સવિનય નકારી કાઢી હતી, કેમ કે બે પૂઠ્ઠા વચ્ચેનું ભણાવીને હું બે પૈસા તો કમાઈ લઈશ, પણ રાષ્ટ્રને એક વિચારશીલ નાગરિકની જગ્યાએ 'ઘેટું' ભેટ ધરીશ એનું શું??!!
***********

શિક્ષક: નીચેના..
વિ.1: નીચેના..
વિ. 2: નીચેના..

શિક્ષક: શબ્દોના..
વિ. 1: શબ્દોના..
વિ. 2: શબ્દોના..

શિક્ષક: સમાનાર્થી..
વિ. 1: સમાનાર્થી..
વિ. 2: સમાનાર્થી..

શિક્ષક: લખો..
વિ. 1: લખો..
વિ. 2: આપો..

શિક્ષક: 'આપો' નહિ.. લખો..
વિ. 2: આપો નહિ.. લખો..

શિક્ષક: હંમ.. ખાલી 'લખો' બોલવાનું.. 'આપો' નહિ બોલવાનું.. બોલ હવે.. 'લખો'..
વિ. 2: લખો..

શિક્ષક: બહુ સરસ.. ચલો હવે બોલજો હો.. પહેલો શબ્દ  છે.. આકાશ..
વિ. 1: પહેલો શબ્દ છે આકાશ..
વિ. 2: પહેલો શબ્દ છે આકાશ..

શિક્ષક: બરાબર..
વિ. 1: બરાબર..
વિ. 2: બરાબર..

શિક્ષક: આભ..
વિ. 1: આભ..
વિ. 2: આભ..

શિક્ષક: અલ્પવિરામ..
વિ. 1: અલ્પવિરામ..
વિ. 2: અલ્પવિરામ..

શિક્ષક: ગગન..
વિ. 1: ગગન..
વિ. 2: ગગન..
.
.
☝️☝️ઉપરના આખા મુદ્દામાં શિક્ષક માત્ર આટલું જ ભણાવવા માંગતા હતા કે ''આકાશ = આભ, ગગન"

ઓનલાઈન શિક્ષણમાં મારી દીકરીને શિક્ષક આ બધું ભણાવી રહ્યા હતા ત્યારે મને જોરથી હસવું આવ્યું, કેમ કે મને તો આ સમાનાર્થી શબ્દોમાં.. 

શિક્ષક બોલે, "બોલો પોપટ.. મિઠ્ઠું"
..તો પોપટ (વિધાર્થી) બોલે, "મિઠ્ઠું"

શિક્ષક બોલે, "બોલો પોપટ.. રામ.."
તો પોપટ-વિધાર્થી બોલે, "રામ.."

...એવું જ સંભળાતું હતું!
************

શિક્ષણ શબ્દનો વાસ્તવિક અર્થ તો એટલો વિશાળ છે કે એને અહીં લિમિટેડ શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરવું એટલે સાગરને ગાગરમાં સમાવવા બરાબર થાય! અમદાવાદનાં 'ટ્યુશનિયા' હોંશિયાર શિક્ષકને (..એટલે કે મને!!) પાંચ વર્ષનો ટેણીયો જ્યારે ગીરમાં સિંહોથી કેવીરીતે બચાય એ સમજાવે ત્યારે બે પુઠ્ઠા વચ્ચેનું જ્ઞાન નકામું સાબિત થઈ જાય છે! બે અક્ષર ઓછો આવડતો હોય એવું બાળક જ્યારે ગંગાસતી કે નરસિંહ મહેતાનું ભજન સમજાવી જાય ત્યારે મારાં 'ફાંકડા અંગ્રેજી'નો પોપટ બની જાય છે! શહેરોમાં (હવે ગામડાઓમાં પણ!!) અંગ્રેજી માધ્યમોની પાછળ ઘેલો થતો સમાજ જ્યારે.. 'A ફોર એપલ' જેવો બાળક 'Z ફોર ઝીબ્રા' જેવો બનીને વડીલોને માન આપતા શીખતો નથી ત્યારે... થપ્પડ મારીને પોતાનો ગાલ લાલ રાખે છે!! 

શોર્ટ એન્ડ સ્વીટ..

'પ્રામાણિકતા', 'નિષ્ઠા', 'સત્ય', 'સ્વચ્છતા', 'વિનમ્રતા'.. જેવાં અઘરાં શબ્દો વાંચનાર બાળક 'બે પુઠ્ઠા' વચ્ચેનાં શિક્ષણમાં તો હોંશિયાર થઈ જાય છે, પણ 'વાસ્તવિક શિક્ષણ'માં ઠોઠ સાબિત થાય છે! શાળાઓમાં બાળકને આવાં શબ્દો વાંચતા તો શીખવાડાય છે, પણ મૂલ્ય નહિ!! ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ રોડ પર થૂંકતા કે ટ્રાફિક રુલને તોડતાં એક સેકન્ડનો પણ વિચાર ન કરે તો શું એને શિક્ષિત કહી શકાય ખરાં?? મેં કોઈ વીડિયોમાં જોયેલું-સાંભળેલું કે જ્યારથી કેળવણીની જગ્યાએ શિક્ષણ શબ્દ વપરાતો થયો ત્યારથી મૂલ્યોની ઘોર ખોદાવાની શરૂ થઈ છે! 'વાસ્તવિક શિક્ષણ/કેળવણી' અને 'બે પુઠ્ઠા વચ્ચેનાં શિક્ષણ'માં આ જ ફરક છે!! 

'પોપટીયાં' અને 'ગોખણિયાં' એવાં બે પુઠ્ઠા વચ્ચેનાં 'પરીક્ષાલક્ષી નૉલેજ'થી, દેશમાં એક એવી પેઢી તૈયાર થઈ રહી છે કે જેમનું દિમાગ કૈક અલગ વિચારવાની જગ્યાએ.. 'બધા જે કરે છે એ જ કરવાનું (ઘેટાંચાલ.. યુ નો?!!) વિચારે છે'! નવનીતો અને ગાઈડોમાંથી માહિતીઓ ગોખી-ગોખીને હોંશિયાર થતાં વિદ્યાર્થીઓ.. મોટાં થયા બાદ કોઈ મુદ્દા/વાત/વિચાર બાબતે 'ફેક્ટચેક' કરીને સત્ય શોધવા/જાણવાની જગ્યાએ 'વોટ્સએપ યુનિવર્સિટી' નામની ગાઈડમાં ભરોસો કરતાં થઈ જાય છે! ..પરિણામે અત્યારે આપણે કયા એક જ પ્રકારનું વિચારતાં 'ઘેટાં'ઓની ભીડમાં ઘેરાયેલાં છીએ એ કહેવાની જરૂર ખરાં?? 
**************

સંસ્કૃતમાં ધો.10 માં મારે 97 માર્ક્સ છે, એનો મતલબ મને સંસ્કૃતમાં મારા વિશે 5-7 વાક્યો આવડવા જોઈએ.. પણ સંસ્કૃતમાં મને શું આવડે છે?? બાબાજીનું ..?!?!

 ..તો શું હું ખરેખર સંસ્કૃત ભણ્યો છું? ..કે ખાલી શ્લોકો અને એનાં ભાષાંતરનું જ રટ્ટૂ માર્યું છે?? ..સંસ્કૃતમાં 97 આવ્યા બદલ મને શરમ આવે છે.. મારી જાત પર! 

2015માં M.A.નું લાસ્ટ સેમ છોડી દીધું અને પરીક્ષા જ ન આપી એનું કારણ પણ આ જ!! મારુ લખાણ હું જાણું છું કેવું છે? કોઈ સબ્જેક્ટ પરનાં 'મૌલિક લખાણને કારણે આવેલી એટીકેટી' સોલ્વ કરવાં જ્યારે ફરી પરીક્ષા આપવાની થઈ ત્યારે નક્કી કરેલું કે વાંચ્યા વગર જઈશ.. અને જો પાસ થઈ ગયો તો ભણવાનું છોડી દઈશ!! ..પ્રશ્નોનાં જવાબને ગોળ-ગોળ, પાનાં ભરાય એવડો મોટો લખીને હું પાસ થઈ ગયો.. અને M.A. કમ્પ્લીટ કરવામાં માત્ર 5 પેપર બાકી હોવાં છતાં મેં ભણવાનું છોડી દીધું!! ...આજેય M.A. કમ્પ્લીટ ન કરવા બદલ મને કોઈ અફસોસ નથી!!

ગ્રેજ્યુએશનમાં પણ આ જ અનુભવ થયો.. વાસ્તવમાં બધા જ પેપરો રી-ચેકીંગ કરાવવા હતાં.. પણ માત્ર બે જ વિષય રી-ચેકીંગ થઈ શકતા હતા.. થર્ડ યરમાં ઓછાં માર્ક્સ આવવા બદલ કંટાળીને બે સબ્જેક્ટ માટે પેપર રી-ચેકીંગનું ફોર્મ ભર્યું.. અને માર્ક્સ સુધર્યા!! 
***********

ભાષામાં ચાહે કોઈપણ ધોરણ હોય.. એમાં કોઈ ચોક્કસ વસ્તુ/બાબત/મુદ્દો ભણવાનો હોય છે, નહિ કે એનું કોઈ વિષયવસ્તુ!! જેમ કે..

ધોરણ ૩માં સંવાદ ભણવાના આવે છે. કોઈ કેરેકટર કોઈ સંવાદ બોલે તો તેમાં ("...")અવતરણ ચિહ્ન ક્યાં/કેવી રીતે મૂકાય..? સંવાદ કેવી રીતે બોલાય..? બોલાતી ભાષાને કેવી રીતે લખાય..? આ બધુ શિક્ષકે બાળકને શીખવવાનું હોય છે!!

જ્યારે અહીં..?! ..શિક્ષકો માટે અગત્યનું છે- 'વાંદરાનું નામ શું હતું??' ..અલા સાહેબ.. વાંદરાનું નામ 'ખટખટ' હોય કે 'ખટમલ' હોય.. શુ ફેર પડે? વાસ્તવમાં આ પાઠમાં સંવાદ કેવી રીતે બોલાય/લખાય એ વસ્તુ અગત્યની છે!! ..અને કવિતાઓમાં પ્રાસ અગત્યનો છે!! તકલીફ ત્યાં છે કે 'વાંદરાનું નામ ખટખટ છે' એવું બોલનાર/લખનાર બાળકને હોંશિયારનું લેબલ મળે છે અને સંવાદ કેવી રીતે લખાય, એ સમજી જનાર બાળકને 'શૂન્ય'નું!!

લેખની શરૂઆતમાં શિક્ષકે બાળકોને.. પોતે જે બોલે છે એ રિપીટ કરવામાં/કરાવવામાં.. એટલી હદે પોપટ બનાવ્યા/બનાવી રહ્યા છે કે બાળક 'લખો'ની જગ્યાએ 'આપો' બોલે તો પણ શિક્ષક ચલાવી લેવાના મૂડમાં નથી!! ..પછી ભલેને બંનેનો ભાવાર્થ એક જ કેમ ના થતો હોય??!! 

(,) અલ્પવિરામના ચિહ્નને 'અલ્પવિરામ' એમ રિપીટેટિવ બોલીને ન બતાવાનું હોય.. પણ 'આભ, ગગન' બોલીએ ત્યારે જ વચ્ચે અટકીને પ્રેક્ટિકલી શીખવવું/સમજાવવું પડે!! ..ધીમે ધીમે બાળક કોઈ મુદ્દા/શબ્દોની વચ્ચે અલ્પવિરામ 'ક્યાં' આવે એ આપોઆપ સમજે/પૂછે ત્યારે 'અલ્પવિરામ'ની સમજ સ્પષ્ટ કરવી જોઈએ!!

કવિતામાં 'પ્રાસવાળા'શબ્દો તરફ બાળકનું ધ્યાન જાય તેવી પ્રવૃત્તિઓ/પ્રશ્નો પૂછવા પડે, નહિ કે 'ટીકુબેન ક્યાં છુપાયા છે', એ સવાલ!! શરૂઆતના ધોરણોમાં ગુજરાતી વિષયમાં સોમાંથી નેવું-સો માર્ક્સ લાવનાર બાળકો, ધોરણ ૧૦માં આવતાં સુધી, ગણિત કરતા 'ભાષા' વિષયમાં વધુ શા માટે નાપાસ થતા હશે, એ સમજાય છે?? 

માર્ક્સ વધુ લાવવા વિષયવસ્તુને અગત્ય આપી, અપેક્ષિત/નવનીત/ગાઈડનો ઉપયોગ કરવા ટેવાયેલાં બાળકો/શિક્ષકો.. ખરેખર શું અગત્યનું છે? ..એ શીખે/શીખવાડે/શોધે જ નહિ, તો અંતે રાષ્ટ્રને કેવી પેઢી ભેટમાં મળે??

'વોટ્સએપ યુનિવર્સિટી' નામની ગાઈડની સાચી-ખોટી બાબતોને સ્વીકારવાવાળી દંભી-ભક્ત પેઢી સ્તો!! 
**************

પ્રાઇવેટ શાળામાં બાળકોને કોમ્પિટિશન મળે છે.. બિલકુલ સાચું!! ..પણ તકલીફ એ છે કે ત્યાં પહેલો નંબર જ લાવવાનું શીખવાડે છે!! રમત-ગમત હોય કે ભણવાનો કોઈ મુદ્દો..,, બાળકને એ રમત કે મુદ્દો શીખવા/રમવાની પ્રોસેસમાં મજા આવવી/ભાગ લે.. એ વધુ જરૂરી છે!! પહેલો કે બીજો.. આવા નંબર તો માત્ર એક આંકડો છે!!

ખાનગી શાળાનાં શિક્ષક/બાળકનાં વાલી તરીકે શું આપણે ક્યારેય આપણાં બાળકને એવું શીખવ્યું છે કે હારવું-જીતવું કે પહેલો-બીજો નંબર લાવવો જરૂરી નથી.. પણ રમવું જરૂરી છે!!?? આપણે બધાં બાળકને એવું જ પૂછીએ કે, 'કેટલાં માર્ક્સ આવ્યા?' ..તો બાળક પણ એવું જ શીખે કે.. 'માર્ક્સ વધુ લાવવા જરૂરી છે, નહિ કે શીખવું/બીજાને શીખવવું!!' ..પહેલો નંબર લાવવો જરૂરી છે, નહિ કે જાણવું!! 

સતત આવું જ શીખતી પેઢી અંતે સ્વાર્થી જ બનતાં શીખે છે! ..દેશમાં કોઈ સ્ત્રી/યુવતી/છોકરીનાં 'ચારિત્ર્યહનન'નાં સમાચારથી કે પછી કોઈનાં મૃત્યુના સમાચારથી કે પછી ભ્રષ્ટાચારના સમાચારથી આપણને શા માટે ફરક નથી પડતો, એ સમજાય છે?? 

..કારણ કે આપણે એવું જ શીખ્યાં છીએ કે, મારાં માર્ક્સ વધારે આવવા જોઈએ.. બીજાનું જે થવું હોય એ થાય!! મારો જ પહેલો નંબર આવવો જોઈએ.. અને બીજાનો મારાં પછી!! ...ભૂલેચુકેય જો બીજાનાં માર્ક્સ વધારે આવે તો બાળક શેનો શિકાર બને છે? ..ઈર્ષ્યા, ગુસ્સો, સરખામણી, ફ્રસ્ટ્રેશન, તણાવ, ડિપ્રેશન વગેરે.. વગેરે..!! ..અને નાપાસ થયું તો?? 

'પાંચમા ધોરણમાં ફેઈલ થવાની બીકે બાળકે આત્મહત્યા કરી' ..શુ આવા સમાચાર કોઈને યાદ છે??
.
''છોડો યાર.. મારું બાળક તો પહેલો નંબર પાસ થયું છે ને..?? એણે આત્મહત્યા કરી એમાં મારે શું??"
**************

પ્રાઇવેટ શાળામાં કોમ્પિટિશન ચોક્કસ મળે છે, પણ સરકારી શાળામાં મળે છે.. સંવેદના, લાગણી, મદદ કરવાનો ભાવ! એકને ન આવડતું હોય તો બીજાને શીખવવાની હોડ જામે છે અહીં!! અહીં અભાવોમાં પણ ખુશ કેમ રહેવું એ આપોઆપ શીખાય છે!! અહીં કોઈ હરીફાઈ નથી.. બધા બાળકો પોતપોતાની દુનિયામાં મસ્ત છે.. બધાં પોતપોતાની ઝડપે શીખે છે! ગાઈડો અને નવનીતોથી દુર પુસ્તકમાંથી જવાબો શોધવામાં આવે છે.. અને એટલે જ સ્તો, ઓછું ભણેલો મોટેભાગે પ્રામાણિક અને મહેનતુ હશે પણ વધુ ભણેલો? ..એટલો જ વધુ ભ્રષ્ટાચારી અને ડરપોક!! ક્યારેક કોઈ જગ્યાએ ફરવા જાઓ તો જોજો કે ભણેલી પેઢી વધુ ગંદકી/અસ્વચ્છતા ફેલાવે છે કે અભણ પ્રજા?? 

આપોઆપ સમજાશે કે.. 'સ્વચ્છતા' ઇઝીલી વાંચનાર બાળક 'સ્વતંત્રતાના હકનો લુપ હોલ શોધી' કચરો ગમે ત્યાં નાંખતા નહિ અચકાય! 'સત્ય' વાંચનાર બાળક 'મૌખિક અભિવ્યક્તિની આઝાદીનો ફાયદો ઉઠાવી' ઇઝીલી ખોટું બોલશે.. અને અંગ્રેજીમાં 'help others' વાંચનાર બાળક 'સમાનતાનાં હકના ચીંથરા ઉડાવી' બીજા બાળકને ગણિતનો દાખલો નહિ શીખવાડે!!

પરીક્ષાલક્ષી 'બે પુઠ્ઠા' વચ્ચેનાં ભણતરનું આનાંથી વધુ કરુણ પરિણામ રાષ્ટ્ર માટે બીજું શું હોઈ શકે??!!
*************

ધોરણ ૧-૨માં તન્વીને મારી જ મ્યુનિસિપલ સરકારી શાળામાં ભણાવી છે! તન્વીને મારાં વર્ગમાં જ મારી સાથે જ ભણાવવા માટે હું મોટા ધોરણમાંથી ધોરણ ૧-૨ (પ્રજ્ઞા)નો શિક્ષક બન્યો! આ દરમિયાન અમને કેવાં-કેવાં વાક્યો સાંભળવા મળ્યા છે એની એક ઝલક લખું તો..

"તમે તમારી દીકરીને સરકારી સ્કૂલમાં ભણાવો છો?"
"અહીં એને કોમ્પિટિશનવાળું વાતાવરણ નહિ મળે."
"આવાં..(જાતિગત શબ્દ)..બાળકોની વચ્ચે આપણાં બાળકને થોડું ભણાવાય?"
"તમે બંને શિક્ષક છો તોય સરકારીમાં ભણાવો છો?"
"સરકારીમાં કાંઈ સારું નથી ભણાવાતું!"
"એનાં પર પર્સનલી ધ્યાન નહિ આપી શકાય"
"સાહેબ બધી વાત બરાબર.. પણ કોઈ સારી સ્કૂલમાં તન્વીને એનાં જેવાં બાળકો મળશે.. આ શાળાની બહારની વસ્તુઓ/બાળકો/લોકોને જોશે.. તો એનું વિઝન ખુલશે.."
.
.
વાક્યો તો ખૂટે એમ નથી.. ઉલ્ટામાં શિક્ષણનાં એક ઉચ્ચ અધિકારી મારી શાળાને 'ભંગાર સ્કૂલ' કહીને પણ સંબોધન કરે છે!!

આ બધામાં મારો બચાવ શુ??
.
.
"સર.. સરકારી સ્કૂલમાં 'રમતાં-રમતાં ભણવાનું' વાતાવરણ મળે.. પ્રાઇવેટ શાળામાં તો ભણવાનું જ બર્ડન મળે.." 

(પ્રાઇવેટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારા સગા ભત્રીજાનું ધો.૧નું દફતર મને વજનદાર લાગતા જોયેલું તો એમાંથી ૧૪ પુસ્તકો નીકળેલાં! ..નોટો, કંપાસ અને પાણીની બોટલનું વજન અલગ!! પ્રાઇવેટ શાળાઓમાં ગધેડાની જેમ (સોરી.. 'Z ફોર ઝીબ્રા'ની જેમ!) 'વજન ઉચકવાની કોમ્પિટિશન' જરૂરથી મળી રહે એમ છે!!)

બિલકુલ ભારરૂપ(બર્ડન) ન બને એ રીતે તન્વી ધોરણ ૧-૨ મારા વર્ગમાં જ મારા હાથનીચે 'રમતાં-રમતાં' ભણી છે! જેને હું વર્ષો પહેલાં અમુક બાળકોને બે પુઠ્ઠા વચ્ચેનું ભણાવ્યાનાં પ્રાયશ્ચિતરૂપે લખી શકું છું!!

...આમ છતાંય આ ટાઈપના વાક્યો સાંભળી-સાંભળીને (અને વર્ગ/ધોરણ/વિષય બદલી ન શકવાનાં નિયમને કારણે હવે તન્વી મારાં વર્ગમાં ભણી ન શકે!) નક્કી કર્યું કે ધોરણ-૩માં તન્વી આવે ત્યારે કોઈ સારી પ્રાઇવેટ સ્કૂલમાં અમે એપ્લાય કરીશું.. વધુમાં નક્કી કર્યું કે માત્ર એક જ સ્કૂલમાં એડમિશન માટે ટ્રાય કરીશું! ..એડમિશન મળે તો ઠીક અને ન મળે તો આપણી મ્યુનિસિપલ સરકારી શાળા ક્યાં નથી??!! 

જોઈ શકું છું કે તન્વીનું બર્ડન વધી ગયું છે! નવી નવી માહિતીઓનાં (માત્ર 'ટિપિકલ' શૈક્ષણિક ઈન્ફોર્મેશન જ.. વાસ્તવિક શિક્ષણ નહિ!!) ભાર હેઠળ બે પુઠ્ઠા વચ્ચેનું એ ભણી રહી છે!! આવાં ભણતરને લોકો 'સારું ભણવાનું' કહે છે, પણ હું નહિ!! 

ધો.૩માં મારી તન્વી જે રીતે 'પરીક્ષાલક્ષી' જ ભણી રહી છે, એ જોઈને મારો જીવ બળી જાય છે..  કેમ કે રાષ્ટ્રની હજારો શાળાઓમાં 'પોપટો' તૈયાર થઈ રહ્યા છે.. અને સારા વિચારશીલ નાગરિકો?? ..નહિવત!! 

તન્વી 'વોટ્સએપ યુનિવર્સિટીનો ગોખણીયો પોપટ' ન બને એવી ઈશ્વરને હદયથી પ્રાર્થના!!

રવિવાર, 20 ઑગસ્ટ, 2023

ધીરુભાઈ અને કોકિલાબેન

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0bodNGaCh1WFUY63FN4Men4XgoENHhNhCZEXPYYackg9osDyCuXbrDC5EqM4qaZRLl&id=100002947160151&mibextid=Nif5oz


"તમારાં મનમાં કોઈ પાપ નથી ને.. એટલે તમારાં હાથે મરી ગયેલું ઝાડવું પણ જીવી જાય છે.." ધીરુભાઈ બોલ્યા.

હું હસ્યો, "ખરેખર તો તમારી મહેનત જ આ ઝાડવાઓને જીવાડે છે. મારુ ચાલે તો આ દરેક ઝાડવાઓ ઉપર ધીરુભાઈ અને કોકિલાબેનનું નામ લખી દઉં.."
************

ધીરુભાઈ અને કોકિલાબેન...

એકદમ નિર્લેપ ભાવે જીવતાં સાધુ દંપતી!! એમનું ચોખ્ખું મન કોઈપણ અનુભવી શકે એવાં!! મારી શાળાનાં ઉજાડ પ્રાંગણને હર્યુભર્યું બનાવનાર ભગવાનના માણસ!!

ધીરુભાઈનું મૂળ કામ અમારી શાળાના સિક્યોરિટી તરીકે છે પણ શાળાને પોતીકી ગણી આખી શાળામાં જે રીતે અવનવાં ઝાડ અને શાકભાજી વાવ્યા છે એ જોઈને કોઈની પણ નજર ઠરે! કીડા કે જીવાત ન થાય એટલે ચૂલામાંની રાખ આખા બગીચામાં છાંટે! મેદાનમાં પાણી ભરાતું હતું ત્યાં પોતાનાં ખર્ચે ટ્રેકટર ભરીને માટી છાંટી દે! જ્યાં ને ત્યાં ઝાડી-ઝાંખરા હતાં એ કોઈનેય પૂછ્યા વગર જ હટાવી દીધાં.. ને આખા મેદાન ફરતે સરસ મજાનાં શાકભાજી વાવી દીધાં! 180 રૂ.ના ધાણા લાવી કોથમીર વાવી, એ ઉપરાંત, રીંગણાં, દૂધી, ભીંડા, ગલકા અને મૅની મૉર!! ફુલડાઓનો તો કોઈ તોટો નથી! જો કોઇના મનમાં એમ થતું હોય કે છોડવા તો અમે વાવેલાં, તો મારે એમને એ કહેવામાં કોઈ નાનપ નથી કે જાળવણી તો ધીરૂભાઇએ કરેલી છે. (આ હું કોને જવાબ આપું છું એ કહેવાની જરૂરત ખરી!!??)
*************

એક પરિપત્ર થયો કે શાળામાં શિક્ષકવાઇઝ ઝાડ/છોડ વાવવાની હોડ જામી હોય એવું લાગ્યું! મારે સહેજેય કશું પણ વાવવાની ઈચ્છા નહોતી પણ છેલ્લો છોડ, કે જે લગભગ મરી ગયેલો મારાં ભાગે આવ્યો.. ધીરુભાઈ કહે, "સાહેબ આ છોડ અહીં વાવી દો. સાચા ભાવથી વાવજો.. ઊગી જશે!"

મેં કહ્યું, "જો ઊગી જાય તો આ છોડ/ઝાડને હું તમારું નામ આપીશ."

..અને ખરેખર પંદર દિવસ પછી મારી પાસે આવ્યા, અને હાથ પકડી કહે, "જુઓ.. આ તમારા હાથે વાવેલો છોડ.. કેવો મસ્ત ફુલ્યો ફાલ્યો છે એ જુઓ.. મેં કીધું'તું ને સારા ભાવથી વાવજો.. એ ઊગી જશે.''

...અને બસ એમને મારા પર ભરોસો થઈ ગયો છે કે મારો હાથ સારો છે! એક આડવાત.. સારા છોડ જોઈને જે વૃક્ષો/છોડ વાવવામાં આવેલાં એ બધાં ઉગ્યા નથી!!
************

હું જાણું છું.. મને ઝાડ/છોડ/વનસ્પતિની બહુ ખબર પડતી નથી! બે પુઠ્ઠા વચ્ચે જે ભણ્યો એ જ યાદ છે.. 'વનસ્પતિને ઉગવા પાણી, ખાતર અને સૂર્યપ્રકાશ જોઈએ!' ..મારુ વનસ્પતિનું જ્ઞાન અહીં પૂરું થઈ જાય છે!! ..પણ કોઈ ગુરુ મળે તો શીખવામાં પાછો ન પડું, એ મારો સ્વભાવ હું જાણું છું. વેલાકોટ(તા.ગિરગઢડા, જી.ગીર સોમનાથ) શાળામાં રહેતો, ત્યારે મારી સાથે રહેતાં બે-ત્રણ વિદ્યાર્થીઓ સાથે ભેગાં મળીને ભીંડા અને ડોડા વાવેલાં.. ખાધેલાં ય ખરાં! ભણવામાં એ જ શીખેલો કે વનસ્પતિના બિયાંથી બીજી વનસ્પતિ ઉગે, એટલે એવી ઘણી વનસ્પતિનાં બિયાનાં અખતરા કરેલા, પણ ઉગ્યા નહોતાં, આ છોકરાઓએ એ શીખવાડેલું કે બધાનાં બિયાં ન ઉગે, બજારમાંથી જે મળે એ વધુ સારાં ઉગે! જ્યારે ભીંડાનું બીજ પહેલીવખત જોયું ત્યારે મને ખૂબ નવાઈ લાગેલી! શિક્ષક હોવા છતાંય મારાં અનેક ગુરુઓ રહ્યા છે, ધીરુભાઈ હાલ પૂરતાં મારા પર્યાવરણના ગુરુ છે. 

એકવાર મને હાથમાં પાવડો પકડાવી દીધો, અને ખાડો ખોદવા કહ્યું. મેં ખાડો ખોડવાની શરૂઆત કરી ત્યાં તો ખિજાઈને કહે, "દમ લગાવો થોડો.. આ શું કરો છો??"
આખરે ખાડો ખોદયા પછી જાંબુડીનો છોડ આપી મારા હાથે વવડાવ્યો! પછી કહે, "હવે જોજો.. આ ઉગે એ!"
એમને મારાં પર ભરોસો છે અને મને એમના પર!! અમારો એકબીજા પરનો શાળાના મેદાન બાબતે આવો ભરોસો છે. હાલ જાંબુડો ખીલ્યો છે ખરાં! 
*************

કોકિલાબેન.. 
નાના અને ગરીબ માણસોમાં હોય એ બધી જ ધાર્મિક બદીઓનો એમનાં પર ખૂબ પ્રભાવ છે! મારે શ્રાવણમાં એકટાણું હોવાં છતાં એક દિવસ દશામાંની શીરાની પ્રસાદી લઈ આવ્યા.. મેં એમનો ચહેરો જોયો.. કોઈ સાક્ષાત દેવી જેવો ચહેરો લાગ્યો.. ઉપવાસમાં ન ખવાય તોય પ્રસાદી ખાધી.. (આમેય હું કોઈ પ્રસાદી, ઉપવાસ હોય કે ના હોય, ખાવાની છોડતો નથી! યુવાવસ્થામાં ઘણીવાર મમ્મી-પપ્પા સાથે કોઈ વૈચારિક માન્યતાઓ બાબતે મતભેદ થાય, ત્યારે હું ગુસ્સામાં ખાવાનું છોડી દેતો. એ 'ભૂખ'નાં દિવસોમાં હું રસ્તામાં આવતા બધાં જ મંદિરોમાં માત્ર પ્રસાદી માટે જ જતો.. જેથી એની મુઠ્ઠી ભરીને લીધેલી પ્રસાદીમાં મારો દિવસ નીકળી જાય! કોઈ મંદિરમાં પ્રસાદી ન મળે તો બીજી વાર જવાનું પણ નહિ, હું એવો સ્વાભિમાનીય ખરો!) એ ખુશ થઈ ગયા! કોકિલાબેન દરેક રૂમના દરવાજે ઊભાં રહી પૂછે, "કચરો વાળી દઉં?"

..અને હું ખિજાઉ, કેમ કે મને એમાં મારાં મમ્મી જ કામ કરતાં દેખાય! વળી, મને એમ પણ થાય કે શિક્ષક પોતાની જાતે રૂમનો કચરો ન વાળી શકે??!! 
***********

આજે શાળાએ આવ્યો ત્યારે ધીરુભાઈ ક્યાંકથી ગાયનું છાણ લઈને એમાં પાણી નાંખીને છોડવાઓમાં નાખતા હતા. હું મારી જાતને રોકી ન શક્યો.. મેં તનુને કહ્યું, "ચલ બેટાં, તારે નાખવું હોય તો તું ય આવી જા.."

ધીરુભાઈ કહે, "સાહેબ તમે રહેવા દો.. હાથમાં વાસ બેસી જશે તો બપોરે ખાવાનુંય નહિ ભાવે."

મેં કહ્યું, "સૂગ તો મનમાં હોય.. મને એવું કંઈ નહીં થાય.. તમે મને ખાલી એટલું કહો કે નાખવાનું ક્યાં અને કઈ રીતે છે?"

બસ.. ઝાડ/છોડવાઓમાં પાણીવાળું છાણ નાખ્યું.. કૈક કર્યા/શીખ્યાનો સંતોષ થયો!! બદલામાં એ કહે, "ફુલડાંઓની વચ્ચે તમારી બેબીને ઉભી રાખી ફોટો પાડો.. મસ્ત આવશે." 
**************

અહીં મારી શાળાનો ઉજ્જડ ફોટો પણ મુકું છું, અને હાલ ધીરુભાઈને કારણે 'હરિયાળા' થયેલાં મેદાનનો પણ ફોટો મુકું છું! અમુક અમારી વચ્ચે થયેલી વાતચીતનો વિડીયો પણ મુકું છું! એક સરળ સ્વભાવનું પણ સતત ઝઘડતું રહેતું, અને છતાંય એકબીજાને પ્રેમ કરતું ગરીબ દંપતી કેવું હોય એ સમજાશે! ..નિઃસ્વાર્થ ભાવે આટલું બધું કરવાવાળા ધીરુભાઈનો સિક્યોરિટી તરીકે પગાર શું છે? મહિને માત્ર 1500₹!! 
**************

"દોઢસો રૂપિયાની તેલ થઈ ગયું.. રોજના 50 રૂપિયામાં ઘર કેમ ચલાવવું?" કોકિલાબેન આવું બોલ્યા તો મારો જીવ બળી ગયો.. કરશનભાઈનાં શબ્દો આજેય સાક્ષાત છે..

"છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું પણ દોહ્યલું,
ને અમીરોની કબર પર ઘીના દિવા થાય છે."

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

આપણામાંથી મોટાભાગનાં લોકો કેવી રીતે ભણ્યા છીએ?? ખરેખર આપણાં ઇન્ટેલેક્ચ્યુઅલો શા માટે વિદેશમાં સ્થાયી થવાનું વિચારે છે??

આપણામાંથી મોટાભાગનાં લોકો કેવી રીતે ભણ્યા છીએ?? ખરેખર આપણાં ઇન્ટેલેક્ચ્યુઅલો શા માટે વિદેશમાં સ્થાયી થવાનું વિચારે છે?? 
*********

ધોરણ ૧ માં હતો ત્યારે મને હજુયે એવું યાદ છે કે શિક્ષક પાટીમાં કોઈ મૂળાક્ષર/અંક લખી દેતાં અને કહેતા કે "આ ઘૂંટ!" ..અને હું ઘૂંટવા લાગતો! મને એ આવડતું એટલે હું હોંશિયાર કહેવાતો! 

......'પોતાનો કક્કો જ ખરો છે', એવું બાળકનાં મનમાં 'બ્રેઇન વોશિંગ'થી નાંખવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે! 

એક શિક્ષકે બાળકને 'ક' શીખવાડ્યા પછી જોયું કે બાળકે  તેની પાટીમાં 'ક' લખ્યો તો છે, પણ એ ઉંધો છે! ..એટલે સાહેબ એને ફરીથી 'ક' ઘૂંટવા આપે છે. બાળક 'ક' ઘૂંટે તો છે, પણ અનેકવાર ઘૂંટયા પછીયે એ ઉંધો જ 'ક' લખે છે! ..ઉંધો 'ક' જોઈ સાહેબ ખીજાય છે, અને બાળકને એક થપ્પડ મારી દે છે!! બાળક સમજી નથી શકતો કે સાહેબે એનાં પર કેમ ખીજાયા?? એને શા માટે થપ્પડ પડી?? એ બાળક કશુંયે બોલ્યા વિના પાછો 'ક' ઘૂંટવા લાગ્યો!!... 

સમય જતાં બાળકને 'ક' કેવી રીતે લખાય એ આવડી તો ગયું.. પણ બાળકને પડેલી આ થપ્પડની લાંબાગાળે આપણાં દેશ પર શું અસર પડી, એ જાણો છો?? 

વર્ગમાં રહેલું ભણવામાં હોશિયાર બાળક બધાને વ્હાલું લાગે છે. વર્ગમાં શિક્ષકે કહ્યું, "આ સ્પેલિંગ પાંચ વખત જોઈજોઈને લખી નાંખ." એટલે ભણવામાં હોશિયાર બાળક પોતાને એ સ્પેલિંગ આવડતા હોવા છતાં તરત જ લખવા માંડે છે! એ ક્યારેય એવું વિચારતો નથી કે શા માટે મારે આ લખવું જોઈએ? એ સવાલ નથી પૂછતો.. માત્ર આદેશને ફોલો કરે છે, અને એ વિચાર્યા વગરની વેઠ ઉતાર્યા બાદ જયારે એ શિક્ષકને પોતાનું સુંદર અક્ષરવાળું લખાણ બતાવે છે, ત્યારે સાહેબ વર્ગમાં એનાં વખાણ કરે છે. આ નકામાં વખાણની ઘેલછા બાળકને નાનપણથી જ વિવેકબુદ્ધિ વાપર્યા વિના આદેશને ફોલો કરવાની, જે કુટેવ પાડે છે એનાં કારણે લાંબા ગાળે આપણા દેશ પર શુ અસર પડી એ જાણો છો??

'ભણવું/શીખવું' એ બાળકનું મુખ્ય કામ હોય છે અને આ જ કામ કરવા માટે જો તેના વાલી એને એવું કહે કે, "તું જે-તે ધોરણમાં જો પહેલો નંબર લાવીશ/સારા ટકા લાવીશ તો તને સાયકલ/મોબાઈલ/જે માંગે એ લઈ આપીશું." ...અને બાળક ખરેખર પહેલો નંબર લાવે ત્યારે એને જે જોઈએ એ મળે છે! ...તો આની લાંબાગાળે આપણાં સમાજ પર શું અસર પડી એ જાણો છો??
*********

બાળકને શું ભૂલ છે, એ એને ખબર જ નહતી, છતાંય એને થપ્પડ પડી! એને એની ભૂલ જાતે જ સમજવાની તક જ ન મળી, એનાં કારણે એ એવું સમજતો થયો કે મારાં શિક્ષક/વાલી હંમેશા સાચા જ હોય છે! એમને બધું જ આવડે છે, અને એ ક્યારેય ખોટાં હોઈ જ ન શકે! એ જેવું કહે એવું જ કરનાર આવા કહ્યાંગરા બાળકોને વાલીઓ/શિક્ષકો હોંશિયારની કેટેગરીમાં રાખે છે. જેથી બાળકનાં મનમાં નાનપણથી જ એવું ફીડ થઈ જાય છે કે હોંશિયાર બનવા માટે વાલીઓ/શિક્ષકો જે કહે એ વિવેકબુદ્ધિ વાપર્યા વગર કે સવાલ પૂછ્યા વગર કરી નાખવું! સ્પેલિંગ આવડતા હોવા છતાં પાંચ વખત લખીને પ્રસંશા મેળવનાર બાળકમાં મોટાં થયાં પછીયે ખોટાંનો વિરોધ ન કરવાની વૃત્તિ પેદા થઈ! પહેલો નંબર/સારા પર્સન્ટેજ લાવીને પોતાને ગમતી વસ્તુ મેળવનાર બાળક મોટું થઈને જ્યારે કોઈ હોદ્દા પર બેસે છે ત્યારે પોતાનું જ કામ કરવા માટે એ લાંચની ઈચ્છા રાખતો થાય છે! 

*નાનપણથી જ જેને પોતાના વડીલ સાચું માને એવું જ કરવાની, ખોટાંનો વિરોધ ન કરવાની અને પોતાનું જ કામ કરવા માટે લાંચ લેવાની ભરપૂર પ્રેક્ટિસ મળી હોય એવું બાળક મોટું થઈને વોટ્સએપ યુનિવર્સિટીમાં/મીડિયામાં/સોશિયલ મીડિયામાં દેખાતાં સમાચારોનું તથ્ય જાણ્યા વગર જ ખોટાંને સાચું માની લે એમાં શી નવાઈ??!!*
આપણામાંથી મોટાભાગનાં આવી જ રીતે તો ભણ્યા છીએ!! 
***********

આવી જ રીતે ભણ્યા હોવાં છતાં આપણાંમાંથી જ ખરેખર 'એજ્યુકેટેડ' લોકો એવું સમજી ચુક્યા છે કે ખાટલે મોટી ખોડ ક્યાં છે??!! પોતાનું તો જે થવાનું હતું એ થયું પણ પોતાનું બાળક આવા ખોડંગાઈ ગયેલા ખાટલામાં/અંધભક્તિમાં સડે એનાં કરતાં વિશ્વની શ્રેષ્ઠ કન્ટ્રીઝમાં સ્થાયી થાય તો એનું જીવન તો સુધરે!! જેમ જંગલમાં સિંહ અગાઉના સિંહથી જન્મેલા બાળકોને મારી નાંખીને પોતાનું જિન્સ આગળ વધારે છે એમ જ માનવજીન્સનો પણ આ જ સ્વભાવ છે કે પોતાનાં જિન્સને શ્રેષ્ઠ મળે! આવી વિચારધારાથી પ્રેરાઈને લોકો હવે પોતાનાં બાળકોને વિદેશમાં મોકલવા લાગ્યા છે!

બાળક પણ જે આઉટડેટેડ છે એવો કરીક્યુલમ ભણીને વિદેશ ભણવા જાય ત્યારે સૌથી પહેલાં એને ત્યાંની શિક્ષાને અનુરૂપ બને છે! એ ત્યાં જુએ છે કે અહીંનું શિક્ષણ 'દિમાગની બત્તી' ખોલે છે. સવાલો પૂછનારને પ્રોત્સાહન મળે છે. પોતાની ભૂલ સમજવાની તક મળે છે. માનવજીવનનું મૂલ્ય અહીં કરતાં ત્યાં વધુ છે એ સમજે છે. શોર્ટ એન્ડ સ્વીટ, વૈચારિક આઝાદીનો સ્વાદ ચાખનાર બાળક પછી ઓર્થોડોકસ ગુલામીમાં ન જ જીવે! માટે એ ફરી પાછું અહીં આવતું જ નથી અને મોટેભાગે ત્યાંજ સ્થાયી થઈ જાય છે! કારણ કે ખરું શિક્ષણ તો ઓર્થોડોકસ વિચારધારાથી આઝાદી જ આપવાનું કામ કરશે!! બાકી.. ડિગ્રીધારી શિક્ષણ માટે વોટ્સએપ યુનિવર્સિટી છે જ ને??!!
**********

યજ્ઞેશ રાજપુત
લ.તા.3.8.23

સોમવાર, 20 માર્ચ, 2023

માસ્તર મારેય નહિ અને ભણાવેય નહિ..

શું એક શિક્ષક તરીકે તમે કયારેય નોંધ્યું છે ખરાં?.. કે કોઈ 'નિષ્ઠાવાન' શિક્ષકનાં વર્ગમાં ભણતું એક પ્યોર, શુદ્ધ, હોંશિયાર, પ્રામાણિક બાળક જ્યારે એક 'નઠારા અને અનીતિવાન' શિક્ષકનાં વર્ગમાં જાય છે ત્યારે અચાનક જ બે-ત્રણ મહિનામાં જ એની પ્યોરિટી, શુદ્ધતા અને પ્રામાણિકતા ગાયબ થઈ જાય છે! એ અચાનક જ તોફાની બની જાય છે. એનામાં સ્વાર્થીપણું આવી જાય છે. આખા વર્ગને સાચવતું એ બાળક અચાનક જ મારામારી કરવાવાળો ન્યુસન્સ બની જાય છે! જો કે ભણવામાં તો એ હોંશિયાર જ રહે છે.. બસ, મૂલ્યોનો હ્રાસ થઈ જાય છે??!!
*******

હું આજે પણ મારા પ્રાઈમરીના શિક્ષકોને ધિક્કારું છું. મને આજે સમજાય છે કે કયો શિક્ષક સારો હતો અને કયો ખરાબ? (એમાંનો એક આજે આચાર્ય બન્યો છે, અને હું જાહેરમાં એને ધિક્કારું છું. મારા મનમાં એનાં વિશે કશું હોય કે ના હોય, પણ માન તો નથી જ!)

મને આજેય યાદ છે.. હું વર્ગનો સૌથી હોંશિયાર વિદ્યાર્થી હતો, કેમ કે મને વાંચતા અને લખતા આવડતું. પરીક્ષા સમયે હું નિશ્ચિંત બનીને શાળાએ જતો. પરીક્ષા શરૂ થતી અને હું પેપર ઉપર નામ-નંબર લખીને રાહ જોતો મારા શિક્ષકની! એ થોડીજ વારમાં આવતાં- હાથમાં જવાબો લખેલું પેપર લઈને! હું એ જવાબો જોઈ-જોઈને પેપર લખી નાંખતો. એ સાહેબ થોડીવારમાં બીજા કોરા પેપરો લઈને આવતા અને હું એ કોરા પેપરોમાં માત્ર જવાબો લખીને આપી દેતો. સાહેબ મને એ કોરાં પેપરોમાં નામ લખવાનું ના પાડતા. એકાદ કલાક પછી એ સાહેબ મારુ લખેલુ પેપર આખા વર્ગમાં ફેરવતાં જેથી બધાં એ જવાબો લખી શકે! પરીક્ષા પત્યા પછી એ સાહેબ મને શાળાએ આવવાનું કહેતાં. હું જાઉં ત્યારે એ બીજા બાળકોના ખોટા લખેલા જવાબો ભૂંસીને સાચા જવાબો લખવાનું કહેતા. બસ.. હું વર્ગનો હોંશિયાર વિદ્યાર્થી હતો ને?!! ..એટલે આ બધું કરતો! 

મને આજે સમજાય છે કે એ શા માટે મારી પાસે આવું બધું કરાવતાં? મારા પ્રાથમિક શાળાજીવનમાં મેં જોયેલા શિક્ષકોમાં આળસુ અને કામચોર શિક્ષકો વધુ હતા. એક શિક્ષક તો 'માસ્તર મારેય નહિ ને ભણાવેય નહિ ટાઇપનો હતો'- એક નંબરનો પ્રમાદી! બસ.. એનું બધું જ કામ મારી પાસે કરાવતો. હાજરીપત્રક લખવાથી માંડીને બધું જ! હું આવા શિક્ષકોનાં વર્ગમાં હતો ત્યાં સુધી મને મારો વર્ગ જ સારો લાગતો. વર્ગનો હોંશિયાર બાળક હોઈ એ કામચોર સાહેબે મને માથે ચડાવી ફટવી નાંખેલો એટલે બીજા વર્ગનાં બાળકો સાથે હું ઝઘડતો અને મારી ભૂલ હોવા છતાં ઘણીવખત એમને માર પણ ખવડાવતો! 

આજે હું જે પણ કંઈ સારો નાગરિક હોઈશ, તો એ માત્ર મારા પદ્માબેન, બાલુ સાહેબ, હસમુખ ટીચર, વોરા સાહેબ જેવાં ઉત્તમ શિક્ષકને કારણે છું.
********

દરેક શિક્ષક પોતાને શ્રેષ્ઠ જ ગણતો હોય છે. (..છતાંય પોતાનાં બાળકને પોતાનાં વર્ગમાં જ નહીં ભણાવે એ પોસીબલ છે!) એને એવું જ લાગતું હોય છે કે એ બાળકોને સારું જ શીખવાડી રહયો છે. પણ શું સારું અને શું ખરાબ એની પ્રત્યેક વ્યક્તિએ વ્યાખ્યા અલગ અલગ હોય છે. કામચોર શિક્ષક પરીક્ષામાં બાળકને જવાબો લખાવી દે એ એનાં માટે સત્ય છે, અને આ જ બાબત નિષ્ઠાવાન શિક્ષક માટે અસત્ય છે. છતાંય સંગત એવી અસર! ઇર્ષ્યાળુ અને ઝઘડાળું વ્યક્તિત્વ ધરાવતાં શિક્ષકના વર્ગના મહત્તમ (..રિપીટ.. બધા નહિ, પણ મહત્તમ!) બાળકો એનાં શિક્ષક જેવા જ હોય એવું લાગતું હોય છે. સારો સ્વભાવ ધરાવતા શિક્ષકનાં બાળકો હંમેશા સારો સ્વભાવ ધરાવતા હોય છે. મહેનતુ શિક્ષકનાં બાળકો મહેનતુ અને સ્વચ્છતા પ્રિય શિક્ષકનાં બાળકો સ્વચ્છતાને પસંદ કરવાવાળા હોય છે. વિચારશીલ વ્યક્તિત્વવાળો શિક્ષક પોતાના બાળકને નવા વિચાર આપવામાં પ્રખર રહેશે! ભક્તિમાં ડૂબેલો શિક્ષક બાળકને વિચાર-તર્કશૂન્ય ભક્ત જ બનાવે! આ મારો વ્યક્તિગત 'પોઇન્ટ ઓફ વ્યૂ' છે, જરૂરી નથી બધા શિક્ષકો આવું વિચારતા હોય! ..પણ સમાન્યતઃ કોઈ શિક્ષકને ઉપરનો સવાલ પૂછો, તો એનું સૌથી પહેલું રિએક્શન કદાચ 'હા' માં જ આવે, કે 'જેવો શિક્ષક એવા બાળકો!' ..અને 'જેવો આચાર્ય એવી સ્કૂલ!' ('યથા રાજા તથા પ્રજા' એ કહેવત શા માટે પડી હશે??)

શિક્ષકને રાષ્ટ્રની ધરોહર એમને એમ નથી કહેવાતું..!! કોઈપણ રાષ્ટ્રનું પ્રલય અને નિર્માણ એનાં શિક્ષકનાં ખોળામાં છે એ પણ એમને એમ નથી કહેવાતું!! ..અને શિક્ષક કભી સાધારણ નહીં હોતા, એ પણ એમને એમ નથી કહેવાતું!!

કોઈને વધુ પરસેન્ટ આવે તો બધા એને ડોકટર, એન્જીયર બનવાની સલાહ આપે છે. પણ જો મીડીયમ ટકા આવે તો શું કહેશે?? બી.એડ. કરી લો.. શિક્ષક તો બની જ જશો!! જેમ ચાણક્યને ચંદ્રગુપ્તમાં નાનપણમાં જ રાજાના લક્ષણો દેખાઈ ગયા એમ અમુક લોકો જન્મજાત શિક્ષકો હોય છે. એ પોતાના વિદ્યાર્થીઓને સારા નાગરિક બનાવી શકે!! ..પણ કશું જ ન બની શકનાર જ્યારે શિક્ષક બને ત્યારે શું થાય?? એક આખી પેઢી બરબાદ થાય.. રાષ્ટ્ર બરબાદ થાય..! વિકસિત દેશોમાં શિક્ષક બનવાની લાયેબિલિટી જેવાં-તેવાંને નથી મળી જતી. વિષય નિષ્ણાત હોવા માત્રથી જ શિક્ષક નથી બની જવાતું, પણ સાથે સાથે મૂલ્યનિષ્ઠ પણ હોવું ઘટે!

એક શિક્ષક તરીકે તમે કોઈ બાળકમાં આવો મૂલ્યોમાં થતો ફેરફાર જોયો છે?? જો જોયો હોય તો આ ક્લિપ જુઓ.. શામાટે આવું થાય છે એ સમજાઈ જશે!!

*There is no such thing as bad student, only bad teacher.*
***********
https://youtu.be/phdkomQxo9Q

ગુરુવાર, 9 માર્ચ, 2023

અણમોલ કૌટુંબિક સલાહો

*સુપ્રીમ કોર્ટના કૌટુંબિક વિખવાદનો ઉકેલ લાવતા નામદાર ન્યાયમૂર્તિ સાહેબ ની અમૂલ્ય અને ઉપયોગી સલાહ.*

૧..... ક્યારેય તમારા પુત્ર અને પુત્રવધૂ ને તમારી સાથે રાખવા ઉત્સુક ન બનો.      તેમને પોતાની રીતે પોતાનું ઘર લઈ જુદા રહેવા સમજાવો. એમ કરવાથી પુત્ર સાથે અને તેના સાસરિયા સાથે સારા સંબંધો રહે છે અને પુત્ર ને પોતાનું ઘર પોતે જ બનાવવાની જવાબદારી પણ છે, તે હકીકત નું ભાન થાય છે.

૨.... તમારી પુત્રવધૂ ને પુત્રવધૂ જ માનો દીકરી નહીં. 
તેને તમારી મિત્ર માનો. તમે તમારા પુત્ર ને જે રીતે ગણો છો એ રીતે પુત્રવધૂ ને ન ગણી શકાય, કારણ કે તમે ક્યારેક જો કોઇ વાતે વઢશો કે ઠપકો આપશો તો એ જીંદગીમાં ક્યારેય નહીં ભુલે, કારણ કે તે એવું દ્ઢ રીતે માનતી હોય છે કે તેને સુધારવાનો કે વઢવાનો હક ફક્ત ને ફક્ત તેની મા નો છે તમારો નહીં.

૩..... તમારો પુત્ર હવે પરણેલો અને વયસ્ક છે અને પોતાનું સારું-નરસુ સમજે છે,  એટલે તેની પત્નીના ચારિત્ર્ય ની અને તેની આદતો ને જોવાની જવાબદારી તેની છે, તમારી નહીં. એ યાદ રાખો. 

૪.....જ્યારે તમે સાથે રહેતા હો ત્યારે પણ એકબીજાની જવાબદારી ફોડ પાડી સમજાવી દેવી. જ્યાં સુધી તમને તમારી પુત્રવધૂ પ્રેમથી વિનંતી ન કરે ત્યાં સુધી રોજીંદા જીવનમાં તેમના છોકરા સાચવવા કે કપડાં ધોવાથી લઈને કોઈ કામ જો તમારાથી થઈ શકે તેમ હોય તોજ તે કરવાની જવાબદારી લેવી અને કામ કરી આપ્યા પછી કોઇ પણ પ્રકારની આશા રાખવી જોઈએ નહીં.

૫.... જ્યારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી કે ઝઘડાઓ થયા હોય તે બાબતે તમારે બહેરા અને મુંગા થઈ જવું. આજકાલના પુત્ર અને પુત્રવધૂ ને તેમની અંગત બાબતમાં કોઈનો ચંચુપાત ગમતો નથી. આ તેમનો અંગત મામલો છે અને તેનો ઉકેલ તેમને જ લાવવા દો અને આ ઉમરે આવું થતું જ હોય છે તેમ માનો.

૬.....તેમના સંતાનો એ તેમના જ છે અને તેમને કેમ ઉછેરવા તે અને સારા સંસ્કાર આપવાની અને કેમ ભણાવવા તે સૌ જવાબદારી તેમની જ છે તમારી હરગીઝ નથી તે ખાસ સમજો.

૭......તમારી પુત્રવધૂ તમારી લાગણી સમજે, તમારી વાત માને કે તમારી સેવા કરે એ જવાબદારી તમારા પુત્રની છે, પુત્રવધૂની નહીં,  તે ખાસ ધ્યાનમાં રાખો. તમે તમારા પુત્રને કેવી રીતે ઉછેર્યો છે અને કેવા સંસ્કાર આપ્યા છે તેના ઉપર બધું નિર્ભર છે.

૮..... તમારી નિવૃત્તિનું પ્લાનિંગ તમારી રીતે તમારે જ કરવાનું હોય છે. તેમાં પુત્ર મદદરૂપ થાય તો સારી વાત છે પણ તમારે તેની આશા રાખવી નહીં. તમારી અડધી કરતાં વઘુ જીંદગી પસાર થઈ ગઈ છે અને હજુ ઘણું જીવવાનું છે, જોવાનું છે, જાણવાનું છે, માણવાનું છે તેમ સમજી નિવૃત્તિનું પ્લાનિંગ કરવું.

૯..... તમારી નિવૃત્તિ કેવી અને કેટલી સુંદર રીતે માણવી એ ફક્ત તમારા ઉપર નિર્ભર છે. જે અને જેટલી શક્ય હોય તે બધી જ મજા કરો અને બને તો તમારી બધી જ બચત બધી જ સંપત્તિ જીવતાજીવત જે યોગ્ય લાગે તે મોજ મજામાં વાપરી નાખો, જેથી ભરપૂર જીંદગી જીવ્યા નો સંતોષ થાય

૧૦.... તમારા Grand Children તમારા પુત્ર એ તમારા કુટુંબ ને આપેલી સોગાદ છે એમ માનો.જેને આપણે મૂડીનું વ્યાજ  કહીએ છીએ.

૧૧....હવે લાગણીઓની બહું અપેક્ષા ન રાખવી, નથી મળવાની તેની માનસિક તૈયારી રાખવી, જેથી તૂટી ન જવાય, અને મળતી રહે તો બોનસ માની મનોમન ખુશ રહેવું. 

૧૨.....તમારા વિના શું થશે એ ચિંતા કર્યા વગર વણજોઈતી લાશોનું વજન લઈને ન ફરવું, તમે ન હતાં ત્યારે આ જગત હતું અને તમે નહીં હોવ ત્યારે પણ આ જગત ચાલતું રહેશે. કદાચ તમારા ગયા પછી સારું પણ ચાલતું હોય. 

૧૩.....દીકરા દીકરીને સરખું મહત્વ આપવું, સાસરે જતી રહેવાની છે એનો અર્થ એ નથી કે તમોને કામ નહીં આવે, કોઈપણ તકલીફમાં દીકરી જ બધું પડતું મૂકીને આવતી હોય છે. 

          *આ છે  જીંદગી જીવવાની જડીબુટ્ટી.*🙏🏼
 જે ન્યાયમૂર્તિ એ સલાહ લખેલ છે જે ખુબજ સરસ છે આ પેસ્ટને વધુ લોકો સુધી પહોંચાડવા મહેરબાની

શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2023

મારા પેનલ(વાર્ષિક નિરીક્ષણ)ના અનુભવો

"તમારી શાળાનાં ગુણોત્સવમાં જે પણ માર્ક્સ આવશે, એમાંથી વીસ-પચ્ચીસ ટકા માર્ક્સ માત્ર તમારાં વર્ગને કારણે આવશે."

"તમે યાર આટલું સરસ કરો છો તો બીજા શિક્ષકોને પણ કહેતાં હોય તો!!" 
.
.
..આ વાક્યોએ ગયા વર્ષે મારા શિક્ષકત્વ પર લાગેલાં બધાં લાંછનોને ધોઈ નાંખ્યા!!
*********

અચાનક જ શાળાનાં આચાર્યશ્રી એ મને કહ્યું કે સુપરવાઇઝર સાહેબે તમને પેનલ(વાર્ષિક નિરીક્ષણ) માટે એમની સાથે જવા કહ્યું છે. હું આ સાંભળી ખુશ પણ થયો અને દુઃખી પણ!! 

મેં તરત જ અમારા આચાર્યશ્રીને હસતા હસતા કહ્યું, "સાચું કહું તો સાહેબ, મને ક્યારેય મારા વર્ગનાં બાળકોને છોડીને પેનલમાં જવું ન જ ગમે, પણ હું માત્ર એટલા માટે પેનલમાં જવા તૈયાર છું કેમ કે પેનલમાં હું ઘણી શાળાઓમાં ફરીશ, અને ઘણું નવું શીખીશ. હું માનું છું કે જ્ઞાન મળે ત્યાંથી લૂંટી લેવું જોઈએ." 

..અને એ સાંજે જ આચાર્યશ્રીએ મેસેજ આપ્યાં કે બીજા દિવસે મારે એક શાળામાં વાર્ષિક નિરીક્ષણ માટે જવાનું છે. રાત્રે સૂતાં પહેલાં મેં નક્કી કર્યું કે હું મારાં સી.આર.સી. તરીકેના વર્ગ નિરીક્ષણના અનુભવને સુપેરે કામે લગાડીશ. હું સંપૂર્ણપણે તટસ્થ મૂલ્યાંકન કરીશ.
**********

શિક્ષક તરીકેનાં મારા સોળ વર્ષનાં અનુભવને જોરે હું એટલું તો સમજી જ શક્યો છું કે દરેક શાળા, દરેક શિક્ષક અને દરેક બાળક એકબીજાથી અલગ અલગ હોય છે. એનું વાર્ષિક નિરીક્ષણ એક જ ચશ્માંથી, મતલબ કે એક જ 'પોઇન્ટ ઓફ વ્યુ'થી ન કરી શકાય! પોતાની શાળાનાં સ્થાનિક વાતાવરણને અનુરૂપ દરેક શિક્ષકની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. જરૂરી એ છે કે શિક્ષક પોતાનાં શિક્ષકત્વને ઉજાળવા (કે પછી ઉજાડવા! ) કેટલી મહેનત કરી રહ્યો છે? અને કેટલાં પ્રયત્નો કરી રહ્યો છે?? 

એક શાળાનું વાર્ષિક નિરીક્ષણ એટલે એની વહીવટી ચકાસણીની સાથે સાથે એનાં શિક્ષકોની બાળકોને કેળવવાની મહેનત અને પ્રયત્નો પર પણ એટલી જ આધારિત છે, જેટલી એક સિક્કાની બે બાજુ! કેમ કે શિક્ષણ અને કેળવણી બંને અલગ વસ્તુઓ છે! શિક્ષણ માત્ર બાળકોને અક્ષરજ્ઞાન શીખવે છે, જ્યારે કેળવણી.. બાળકોનાં અક્ષરજ્ઞાનની સાથે મૂલ્યો પર પણ વધુ ભાર આપે છે! શિક્ષિત પેનલિસ્ટ ચોપડાંઓ અને ફાઈલો પર વધુ ભાર મૂકે છે, જ્યારે કેળવાયેલો પેનલિસ્ટ બાળકોની કેળવણી પર વધુ ભાર મૂકે છે. મને અહીં શિક્ષકનું વાર્ષિક નિરીક્ષણનું કામ સોંપાયું હતું, એટલે મારે શિક્ષક કેટલો કેળવાયેલો છે, એ જોવાનું હતું. કેમ કે વાર્ષિક નિરીક્ષણનાં ડરથી દરેક શિક્ષક પોતાનું વહીવટી કામ તો રાત્રે જાગીને પણ પૂર્ણ કરી જ દેવાનો હતો, એ હું સ્વાનુભવથી સારી પેઠે જણાવી શકું છું.
*********

બીજા દિવસે નિયત સમયે હું જે-તે શાળામાં પહોંચી ગયો, અને મેદાનમાં બહાર અમારા સુપરવાઈઝર સાહેબની રાહ જોતો બેઠો. ધારું તો સીધો જ ઓફિસમાં જઈ શક્યો હોત, પણ મને એમ કરવું ઠીક ન લાગ્યું, કેમ કે હું મારી જાતને એટલો પણ શ્રેષ્ઠ નથી ગણતો, કે હું કોઈ શાળાનું વાતાવરણ સમજ્યા વિના એનાં વાતાવરણમાં ઘુસી જાઉં અને બધાનું મૂલ્યાંકન કરી નાખું! હું કોઈ અધિકારી તો છું નહિ, સી.આર.સી. હતો ત્યારે પણ મારા ક્લસ્ટરમાં આવતી પંદર શાળાઓનાં વાતાવરણને સમજ્યા વિના કોઈ ડીસીજન કે પૂર્વગ્રહો નહોતાં લીધાં. 

થોડીવારમાં એક પેનલિસ્ટ મિત્રને જોઈને ટાઢક વળી, અને વાર્ષિક નિરીક્ષણનું પત્રક સમજ્યો. મેં પ્રથમ દ્રષ્ટિએ જ નોંધી લીધું કે પત્રકમાં એક શિક્ષકનું નિરીક્ષણ એનાં કાગળકામની ચકાસણી અને ફાઈલોની પૂર્ણતા પર આધારિત હતું. ઘણીવખત કોઈ શિક્ષક બાળકો પાછળ ખૂબ મહેનતુ હોય છે પરંતુ વર્ગના કાગળકામમાં ખૂબ જ નબળો હોવાને કારણે પેનલિસ્ટ મિત્રોની નજરમાં ઠોઠ પુરવાર થતાં હોય છે! પ્રવાહની વિરુદ્ધમાં જવું મને પોષાય એમ નથી, માટે હું કશું બોલ્યાં વિના શિક્ષકોનું મૂલ્યાંકન કરવા એમનાં વર્ગો તરફ ચાલ્યો. મારુ કામ પ્રજ્ઞા વર્ગો પૂરતું સીમિત હતું, પરંતુ ધોરણ 3 થી 8ના વર્ગોનો પણ સારો એવો અનુભવ હતો, માટે અન્ય વર્ગો પણ ચકાસવામાં કોઈ તકલીફ નહોતી.
**********

લગભગ સાતેક સ્કૂલનાં પંદરથી વધુ વર્ગો ચકાસ્યા! ...હા, વર્ગો જ ચકાસ્યા.. શિક્ષકને ચકાસવું એ તો લોઢાના ચણા ચાવવા જેવું છે કેમ કે કાગળકામમાં જ પાવરધા હોય એવાં શિક્ષકો રાતે જાગીને પોતે કામ કર્યું હોવાના પુરાવા ઉભા કરી લીધા હતા! નવા નકોર ટી.એલ.એમ. જોઈને કોઈને પણ સમજાઈ જાય કે આ તો રાતોરાત ઉભા કરેલા છે! દરેક સ્કૂલનું વાતાવરણ જુદું હતું - અમુક શાળાઓ પોઝિટિવ વાતાવરણ વાળી હતી તો અમુક નેગેટિવ!

એક શિક્ષકનો વર્ગ ખરેખર સરસ હતો. મને એની ઈર્ષ્યા થઈ આવી, કેમ કે મને સૌથી વધુ જે લાગી આવેલું એ હતું.. 'લગભગ બધાં જ બાળકો ગુજરાતી બોલતાં હતા, જ્યારે મારી શાળામાં ભણતાં 95% બાળકો હિન્દી-ઉર્દુ ભાષા જ સમજે છે, જેને ગુજરાતી ભણાવવું ખરેખર મુશ્કેલ છે.' મને હંમેશા એક જ વિચાર આવતો, 'જો મારી શાળાના બાળકો પણ આવું જ ગુજરાતી બોલતાં-સમજતાં હોત તો..??!!' ખેર, જે રસ્તો મારો હતો જ નહિ, એનાં વિશે વિચારવું શુ?? (એ શિક્ષકનાં રૂમમાંથી બહાર નીકળતી વખતે એ શિક્ષકે મને ધરાર અટકાવી પૂછ્યું, ''યજ્ઞેશભાઈ, કોઈક તો સુધારો બતાવતા જાઓ..''
મેં હસતા હસતા બધું 'ઓકે' છે, એવું કહ્યું તોયે એ ના માન્યા એટલે મેં કહ્યું, ''તમારા વર્ગનાં બાળકોના ચંપલ જો તમે બહાર ઉતરાવતા હોવ તો તમે પણ હવેથી ચંપલ વર્ગમાં ના પહેરશો." ..બસ આ સાંભળી એમને શુ ખોટું લાગ્યું કે આજેય એ મને જોઈને મોં મચકોડે છે!!)

એક શાળામાં એક શિક્ષકનો વર્ગ આખો પ્રજ્ઞા મટિરિયલથી ભરેલો હતો. મેં પૂછ્યું, "આટલું બધું મટીરીયલ તમને કંઈ રીતે મળ્યું?' જવાબ મળ્યો, 'આચાર્યને કહીએ એટલે લગભગ એ મેળવી જ આપે, અથવા તો ખર્ચો આપી જ દે.' આ સાંભળી હું એક વસ્તુ સમજી શક્યો, 'અઢળક રૂપિયા આવતાં હોવાં છતાં શિક્ષકોને મટીરીયલ પૂરું પાડવામાં નબળાં આચાર્યો શિક્ષકોને પણ નબળાં જ બનાવતાં હોય છે! જ્યાં આચાર્ય જ ભ્રષ્ટ હોય ત્યાં શિક્ષકો પાસે શુ અપેક્ષા રાખવી?(વાઈસેવરસા, ભ્રષ્ટાચારની નદીનું ઉદગમસ્થાન કયું છે એ જણાવવાની જરૂર ખરી?) શિક્ષકો સ્વખર્ચે જેટલું કરી શકતાં એટલું તો કરતાં જ હતાં.. પણ એ ધોરણ ૧/૨ ના નાનકડાં બાળકો માટે પૂરતું હોતું નથી! 

વળી, મેં એ પણ જોયું કે મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોઈ દરેક શિક્ષક પોતાનાં વર્ગમાં એવરેજ કરતાં વધુ બાળકોને ભણાવી રહ્યો છે. અથવા તો સાવ ઓછાં બાળકો થકી પરેશાન છે. ૧૫૦-૨૦૦ થી વધુ બાળકો ધરાવતી શાળામાં જો માત્ર બે-ત્રણ જ આચાર્ય સહિત શિક્ષકો હોય તો એવાં શિક્ષકો પાસે ન તો કાગળકામ પૂરું હોય કે ન તો બાળકનો વર્ગ બરાબર હોય! મને આવા શિક્ષકો માટે સિમ્પેથી છે!! છતાંય, એક વાત આવી સ્થિતિમાં આવી પડેલાં શિક્ષકો માટે હું ખાસ લખીશ કે 'નિરાશાજનક પરિસ્થિતિમાં પણ જો 50% કામ કર્યું હોય તો હું એને રિવ્યુમાં ગ્લોરીફાય કરીને 70-80% બતાવી શકું, પણ રોદણાં રડીને 0% કામ કર્યું હોય અને એને ગ્લોરીફાય કરું તો વધુ મોટો '0' દેખાય!' ..હું આવા 0% વાળા શિક્ષક માટે ખોટા વખાણ ન કરી શકું!!

એક શાળા એવી પણ હતી, કે જેમાં ખુદ શિક્ષકને જ એ નહોતી ખબર કે એ પોતે કયું ધોરણ ભણાવે છે? મેં મિત્રભાવે કહ્યું, "સાવ આવું તો ના ચાલે ને, કે તમને તમારો વર્ગ પણ ખબર ના હોય?" ..તો એમનો સ્ટાન્ડરડાઈઝ જવાબ મળ્યો, "બસ સાહેબ હવે આ છેલ્લું વર્ષ અને છેલ્લું ઇન્ક્રીમેન્ટ છે.. હવે શું વર્ગ સાચવીએ? આખી જિંદગી આ જ તો ઢસરડા કર્યા છે!" આ સાંભળી હું હતપ્રભ થઈ ગયેલો!

પેનલિસ્ટ મિત્રોની ઘટ વાર્ષિક નિરીક્ષણમાં પણ અનુભવાઈ! પેનલ નિરીક્ષણમાં આવતાં અમુક મિત્રો કોઈ શિક્ષકની સાથે 'અણબનાવ' ન થાય એટલે બધાનું સારું સારું જ બોલતાં અને લખતાં! ટૂંકમાં, મિત્રભાવ નિભાવતા!

પોલિટિકલી વગવાળા શિક્ષકોને કશું જ ના થાય, એ હું સુપેરે જાણતો હતો, જે સત્ય જ છે, એ જોઈ શક્યો! ..અને ખરેખર કામ કરતાં શિક્ષકો ભગવાનથી ડરે છે, અમારાં જેવાં લોકોથી નહિ, એ પણ હું અનુભવી શક્યો!!

પેનલિસ્ટ તરીકે આટલા વર્ગોની ચકાસણીનો આ નિચોડ કહી શકાય, કે કોઈ પણ વર્ગ નબળો નથી.. નબળું હોય તો સૌ પ્રથમ બાળકનું ઘર/સમાજનું વાતાવરણ! ..બીજા નંબરે શાળાનું વાતાવરણ, તથા આચાર્ય અને શિક્ષકની માનસિકતા! ..અને ત્રીજા નંબરે, વર્ગ તપાસનાર પેનલિસ્ટની નજર! કેમ કે જો એ 'તટસ્થ' બનીને આવ્યો હશે તો એને જે દેખાય છે એ જ જોશે, 'બીટવીન ધ લાઇન્સ' નહિ જોઈ શકે.. જો 'મિત્ર' બનીને આવ્યો હશે તો નબળાં કામમાં પણ 'પોઝિટિવ' જોશે.. અને 'રિવેન્જ'નાં ભાવથી આવ્યો હશે તો..??
***********

"તમને એ શાળાનાં પ્રજ્ઞા વર્ગો જોવાની મજા આવશે.. બધાં એ સ્કૂલને વખાણે છે. તમારે ત્યાં આવવું જોઈએ." અમારા સુપરવાઈઝર સાહેબે મને કહ્યું.

મારી પોતાની ઈચ્છા એ શાળામાં, ન જ જવાની (રિપીટ.. ન જ જવાની!) હતી, છતાંય મારે જવું પડશે, એવું લાગતાં મેં મારા બીજા પેનલિસ્ટ મિત્રને કહ્યું, "મને ત્યાં મજા નહિ આવે. એ શાળાનાં પેપરો મેં મોડરેટ કરેલાં છે, મને ખબર છે, ત્યાં કેટલું સાચું છે અને કેટલું ખોટું છે? ઉલટાનું ત્યાં જે પ્રિન્સીપાલ છે એ એટલી હદે મહત્વકાંક્ષી છે કે ભૂલે ચુકે પણ જો મને કૈક ખોટું દેખાઈ ગયું તો એ એનો બદલો લીધાં વગર મને નહિ છોડે!" ..આનાં જવાબમાં એ મિત્રે કહ્યું, "ખુદ સુપરવાઈઝર સાહેબે તમને ત્યાં આવવાનું કહ્યું છે તો આપણે શું કરી શકીએ?"

..કમને મારે બીજાં દિવસે ત્યાં જવું પડ્યું! ..અને મને જે ડર હતો એ સાચો પડ્યો!!
***********

એક સાઉથ મુવીની એક કલીપ છે કે એક શાળાની મુલાકાતમાં એક કલેકટર આવે છે ત્યારે એ શાળાની પ્રિન્સિપાલનું રુવાડૂય નથી ફરકતું! એ નોર્મલ દિવસની જેમ જ પોતાનું કામ કરે છે.. કેમ કે આચાર્ય જાણે છે કે બધું કામ બરાબર જ થાય છે!

મારા સી.આર.સી. તરીકેના અનુભવથી પણ હું સમજી શક્યો છું કે કોઈનાં અચાનક આવવાથી જો શાળાના નોર્મલ કામમાં કોઈ ફરક ના પડતો હોય તો એ શાળાનું અને શિક્ષકોનું કામ બેસ્ટ જ હોવાનું! (અથવા તો શાળામાં કોઈ વગદાર/માથાભારે હોય તો પણ ફરક ના જ પડે!).. જો કોઈના આવવાથી બધું એબનોર્મલ થઈ જાય, અને આવનારને  'સ્પેશિયલ અટેંશન' મળે તો સમજવું કે શાળાનાં પ્રિન્સીપાલ નથી ઇચ્છતા કે આવનાર કંઈ નબળું જુએ! ટૂંકમાં, બધું જ પરફેક્ટ હોય તો એ ભ્રમણા હોઈ શકે, રાતોરાત ઉભું કરેલું હોઈ શકે! 

હું આ શાળામાં ગયો એ સાથે જ મને આવું ફિલ થયાં વગર રહ્યું નહિ, આમેય હું એક મહત્વકાંક્ષી પ્રિન્સીપાલનાં એમ્પાયરમાં પ્રવેશ્યો હતો! શાળામાં જતાંની સાથે જ એવું ભપકાદાર સ્વાગત થયું કે મને લાગ્યું કે 'અપૂન ઇ જ ભગવાન હૈ!'.. મૂળ તો આવા ભપકામાં મને શાળાનું કશું નબળું ન દેખાય એવી પ્રિન્સીપાલની મહત્વકાંક્ષા હું જોઈ શકતો હતો! શાળાનો આવો ભપકો કોઈ અહંકારી અધિકારી/નેતાને ગમે, મને નહિ! હું શાળાનાં વર્ગો/બાળકોને જોવા આવેલો સામાન્ય શિક્ષક હતો કે જેને સારું સારું પોતાની શાળામાં લઈ જવું હતું! કદાચ મારાં મનનો આ ભાવ એ પ્રિન્સીપાલ સમજી ગયેલા. 

હું મારું જે કામ કરવા આવેલો, એ કરવા પ્રજ્ઞા વર્ગમાં ઘૂસ્યો. આખો વર્ગ પરફેક્ટ હતો. શિક્ષકો પણ સજ્જ હતા. મારી આજુબાજુ બધી ફાઈલો ગોઠવી દેવામાં આવેલી. બાળકોનું વર્ક, પ્રોજેકટ બધું જ બરાબર હતું! ..પણ મને જે ચીજ ખટકી એ એજ હતી કે ધોરણ ૧/૨ના બધાં જ બાળકો, બધું જ કેવી રીતે સાચું લખી શકે?? ધોરણ ૧માં પ્રવેશતાં બાળકોની સ્વ.પોથી આખા વર્ષને અંતે પણ કેવી રીતે ફાટયા વગર રહી શકે?? ધોરણ ૧માં પ્રવેશતાં બધાં જ બાળકો આટલી હદે ભૂલ વગરનું કેવી રીતે લખી શકે?? બધાં જ બાળકોનાં બધાં જ પ્રોજેકટ/લેખિતવર્ક આટલી હદે સહેજ પણ ડાઘ વગરનાં- સ્વચ્છ કેવી રીતે હોઈ શકે?? 

મારાં વર્ગનાં બાળકોની સ્વ.પોથીનાં તો વર્ષના અંતે ચીંથરા ઉડી ગયા હોય છે! શરૂઆતના એકમોનું તો કચ્ચરઘાણ નીકળી ગયું હોય! મારા વર્ગનાં બાળકોનું કલરકામ તો એવું હોય કે જાણે કે આખી દુનિયા રંગબેરંગી હોય!! બાળકોએ કરેલું પ્રોજેક્ટ વર્ક તો જાણે કાદવમાં ઉગેલા કમળો! કોરોના વખતે ઘરે આપેલાં ચિટકકામમાં ગુંદર ના મળે તો બાળકોએ લોટ કે ભાતના દાણા પણ ચોંટાડયા હોય!! ચિત્રકામમાં બટાકું ટામેટાં જેવું દેખાય અને ટામેટું ભોલા મરચાં (કેપ્સિકમ) જેવું! 'ન', 'મ', 'ગ', 'જ' લખવાની મારા બાળકોએ એવી પ્રેક્ટિસ કરી હોય કે રબરથી ખોટું લખેલું ભૂસવામાં જ નોટબુક કે સ્વ.પોથીના ઘણાં પાનાં ફાટેલાં દેખાઈ આવે! અક્ષર લેખનમાં બાળકની ભૂલ દેખાય, બાળકે કરેલી કોશિશ દેખાય, પ્રખ્યાત બાળ મનોવૈજ્ઞાનિક થોર્નડાઈકનો 'પ્રયત્ન અને ભૂલ'નો નિયમ (આપણે બધાં પીટીસી/બીએડમાં ભણેલાં જ છીએ આ નિયમને!)  મારા વર્ગમાંના બાળકોના ચહેરા પર પણ દેખાય! ટૂંકમાં, દરેક કામ બાળકે જ કરેલું છે એ સ્પષ્ટ દેખાતું હોય! હવે ધોરણ ૧/૨ ના નાના બાળકોએ કરેલું આવું કામ મારે મન શ્રેષ્ઠ છે, કોઈને મન ન પણ હોય!

હજુ એક આડવાત.. મારી પોતાની શાળામાં એક શિક્ષિકા હતાં, કે જેમના પ્રજ્ઞા વર્ગનાં એક પણ બાળકની સ્વ.પોથી ફાટતી જ નહોતી! એમનું પણ દરેક પ્રોજેક્ટ વર્ક સ્વચ્છ જ હોય!.. મેં એક દિવસ આટલી સ્વચ્છ સ્વ.પોથીનું રહસ્ય જાણ્યું! એ શિક્ષિકાબેન શાળાનાં મોટાં ધોરણનાં બાળકો પાસે આ ધો.૧/૨નાં બાળકોની સ્વ.પોથી તથા પ્રોજેક્ટ  કાર્ય લખાવી દેતાં!.. જ્યારે હું તો બાળકની સ્વ.પોથી, ભૂલેચુકેય જો બાળકનાં મોટાં ભાઈ-બહેન કે મમ્મી-પાપાએ લખેલું હોવાનું જાણતો તો દરેકને રૂબરૂ બોલાવી ફિટકારતો!!

પ્રજ્ઞા શિક્ષક તરીકેના આવાં અનુભવે મારા મગજમાં ઘંટડી વગાડી કે શું અહીં આવી રીતે જ સ્વ.પોથી લખાવાતી હશે કે શું?? શિક્ષકને સીધું પૂછીએ તો કોઈ સાચું ન બોલે.. આખરે મેં એ શિક્ષક જોડે વાતોનો તંતુ જોડ્યો! વિશ્વાસમાં લઈ પૂછ્યું, "દરેક બાળકની સ્વ.પોથી આટલી હદે ભૂલરહિત, સ્વચ્છ અને ફાટયા વગરની, સુંદર અક્ષરવાળી કઈ રીતે હોઈ શકે?" 

..અને એ શિક્ષક સાચું બોલી ગયા! 

આ શાળાના વાર્ષિક પેપરો મેં જ્યારે મોડરેટ કર્યા હતા, ત્યારે જેવું 'ખોખલાપણું' મેં અનુભવેલું, એવું જ અત્યારે અનુભવ્યું! ભપકાદાર સ્વાગત અને આંજી નાંખે એવાં દેખાડાનાં રીવ્યુ માટે હું જાણી જોઈને ના રોકાયો અને વધુ ઘૂંટન અનુભવવા કરતાં ત્યાંથી વહેલો નીકળી ગયો! 

હું નીકળવા જતો હતો એ દરમિયાન એ પ્રિન્સીપાલે મને ધરાર પૂછ્યું, "કેવું રહ્યું?" 

બસ.. મેં અહીં જ એક ભૂલ કરી દીધી! હું બને ત્યાં સુધી બોલુ જ નહીં, પણ અહીં ન રહેવાયું અને માત્ર એક જ વાક્ય બોલીને મેં મારા પગ પર કુહાડો મારી દીધો, "શક્ય હોય તો બાળકને જાતે જ બધું લખવા કહેવું, મોટાં ભાઈ-બહેન કે બીજા બાળકો પાસે ન લખાવવું!"

...અને બસ, થઈ રહ્યું! મેં જોયું કે એ પ્રિન્સિપાલનાં ભવાં ઊંચા ચડી ગયા હતા! બે દિવસ પછી મારી શાળાનાં ઇન્સ્પેકશનમાં એ પ્રિન્સીપાલ ખુદ મારા વર્ગનું નિરીક્ષણ કરવા આવ્યા! શાળામાં આવતાંની સાથે જ, હજુ બાળકોની હાજરી પૂરું એ પહેલાં જ, એ મારા વર્ગમાં આવી ગયા અને મને કહ્યું, "હવે હું તમારો વર્ગ જોવા માંગુ છું. જોઉં છું તમારો વર્ગ કેવો છે?!!"

હું એમનો ચહેરો જોતાં જ સમજી ગયો કે આજે હું ચાહે ગમે તેટલી કોશિશ કરું, મારો વર્ગ આજે આખી શાળામાં સૌથી ખરાબ જ દેખાવાનો છે. આખરે એ પ્રિન્સીપાલ મારા બોલેલા વાક્યનો બદલો લઈને જ જંપશે! 

બાળકોની હાજરી લખવા ઓફિસમાં ગયો ત્યારે મેં અંગત શિક્ષકમિત્રને તરત જ આ ભવિષ્ય ભાખ્યું કે, "આજે હું સૌથી ખરાબ શિક્ષક સાબિત થવાનો છું."
*************

દિવસઅંતે, હું સાચો પડ્યો! રીવ્યુ શરૂ થયું.. 

"મેં યજ્ઞેશભાઈનો વર્ગ જેવો વિચાર્યો હતો એવો છે જ નહિ! કોઈપણ બાળકની સ્વ.પોથી બરાબર લખેલી જ નથી." (શુ કામ નહિ હોય એનું કારણ મેં ઉપર જણાવેલું જ છે - થોર્નડાઈકનો પ્રયત્ન અને ભૂલનો નિયમ!!)  "અમુક બાળકોની પાસે સ્વ.પોથી છે જ નહિ!" (સત્ય એ છે કે દરેક બાળક માટે પૂરતી સ્વ.પોથી આવી જ નહોતી! મેં પોતે જૂની સ્વ.પોથીઓ રબરથી ભૂંસી-ભૂંસીને બાળકને આપેલી!) "કોઈ બાળકને વાંચતા આવડતું જ નથી." (સત્ય એ છે કે મારાં એ જ બાળકોને ભણાવતાં હાલનાં શિક્ષિકાબેન 'બાળકોને મસ્ત વાંચતા આવડે છે' એવું વખાણતાં હોય છે. આ વર્ષના પેનલમાં આવેલાં એચ.ટાટ.મિત્રે પણ એ વર્ગ વખાણ્યો છે!) "પ્રજ્ઞા મુજબ વર્ગ ચાલતો નથી." (હું આ સ્વીકારું છું કેમ કે ટુકડી પ્રમાણે પ્રજ્ઞા વર્ગ ભણાવવા સામે પાર્ટનર પણ 'પ્રજ્ઞા પેટર્ન' માટે તૈયાર હોવો જોઈએ.)

..દર વખતે ખુદ સુપરવાઇઝર સાહેબ આવીને જેમનું શિક્ષણકાર્ય ખૂબ જ નબળું હોવાનું કહી જતાં, એ દરેક શિક્ષકનાં શિક્ષણકાર્યના એ દિવસે ખૂબ વખાણ થયાં! કારણ કે 'મામાના ઘરે માં જ પીરસનારી હોય' તો કાંઈ ઘટે?? (મતલબ કે વર્ગનું નિરીક્ષણ કરવા આવેલ પેનલિસ્ટ મિત્ર જ હોય તો કંઈ ખોટું થોડું ઘટે?)
**********

છેલ્લાં એક વર્ષથી મારા શિક્ષકત્વ પર જે લાંછન લાગેલું તે સૌ પ્રથમ એસ.આઈ.(સ્કૂલ ઇન્સ્પેક્ટર)એ આવીને ભાંગ્યું! જ્યારે તેણે શાળામાં મારો વર્ગ તપાસીને અને આદર્શ પાઠ જોઈને કહ્યું, "તમારી શાળાનાં ગુણોત્સવમાં જે પણ માર્ક્સ આવશે, એમાંથી વીસ-પચ્ચીસ ટકા માર્ક્સ માત્ર તમારા વર્ગને કારણે આવશે."

..અને બીજું, આ વર્ષનાં વાર્ષિક નિરીક્ષણ વખતે આવેલાં પેનલિસ્ટ એચ.ટાટ.મિત્રએ જ્યારે મારો વર્ગ તપાસ્યો, ત્યારે એમણે પણ કહ્યું, "તમે યાર આટલું સરસ કરો છો તો બીજા શિક્ષકોને પણ કહેતાં હોય તો!!" 

આ વખતે આજે પેનલ રીવ્યુ વખતે આખી શાળામાં મારો વર્ગ સૌથી સરસ સાબિત થયો!!
**********

મારા શિક્ષકત્વ પર લાગેલું લાંછન એક 'રિવેન્જ' હતું, એવું મને લાગે છે. પોસીબલ છે કે આ વાંચનારને કે એ પ્રિન્સિપાલને ન લાગે! હું સમજી શકું છું, પણ એનાંથી મારી અંદરનો શિક્ષક તો મરી જતો નથી! બધાની નજરમાં જો હું પરફેક્ટ સાબિત થાઉં, તો... મેં ઉપર લખ્યું તેમ, 'બધું જ પરફેક્ટ હોય તો કાં તો એ ભ્રમણા હોઈ શકે, કાં તો એ રાતોરાત ઉભું કરેલું હોઈ શકે!' આપણું દિલથી કરેલું કામ કોઈકને ખટકે, તો કોઈને ખપે.. બીજું શું??
************

-યજ્ઞેશ રાજપુત
લ.તા. 17 ફેબ્રુઆરી 2023











બુધવાર, 1 ફેબ્રુઆરી, 2023

સ્ક્યુબા ડાઇવિંગ 9.1.23

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02wBHXZA9zp7Z2z5rxhgPWTJPzbXSG78uyGMpRzB8buDVVFDBLdpibYuwJz2R7HTiyl&id=100002947160151&mibextid=Nif5oz


..દરિયાની અંદર પાણીનું દબાણ જ એટલું હતું કે મારા કાનમાં જબ્બર સનક ઉપડી! માથાની નસો ફૂલી ગઈ હતી એ હું પાક્કું કહી શકું છું! મેં ડાઈવરને મારા કાન તરફ ઈશારો કર્યો. એમણે મને 'ઈકવિલાઈઝ' કરવા કહ્યું.. 

મારું ઈકવિલાઈઝ ચાલુ જ હતું.. પણ માથાની ફૂલેલી નસો અને કાનની સનક ઓછી નહોતી થતી! છતાંય મેં 'થંબ ડાઉન' કરી છેક નીચે લઈ જવા ઈશારો કર્યો.. કેમ કે હું જાણતો હતો કે પ્રથમ અનુભવ જ લાઈફટાઈમ સાથે રહેશે.. ત્યારબાદ થનારા દરેક અનુભવ એ 'ધારણા' જ બની રહેશે!

..અને મારા પગ દરિયાની અંદરની કોમળ રેતીમાં પડ્યા.. હું ત્યાં ચાલ્યો.. બેઠો.. દરિયાની અંદરની રેતી મારા હાથમાં લીધી.. રંગબેરંગી માછલીઓનું ઝુંડ મારી પાસે જ તરી રહ્યું હતું!! 
********

મારા માનસિક ટ્રાવેલ બકેટમાં 'સ્ક્યુબા ડાઈવિંગ' હતું જ.. તો જ્યારે મને એ કરવાની તક મળે તો હું 'પીછેહટ' કેવી રીતે કરું?? 

અમારા ત્રણેય ગાઈડ-ડાઈવરો-'જીદુ', 'જેસ્લીન' અને 'જીઓ'- એ અમને દરિયાની અંદરના ઈશારા સમજાવી દીધા હતા, અને આમેય અમારે એમની સાથે મોટાભાગે ઇશારાથી કામ કરવું પડે એમ હતું કેમ કે  માત્ર કેરાલિયન અને ઈંગ્લીશ લેંગ્વેજ જ બોલતાં અને સમજતા હતા!

તન્વીનો ડર એનાં ચહેરા પર દેખાતો હતો.. પણ એ છે સાહસિક, એ હું વિનાસંકોચે કહી શકું છું! સૌથી પહેલાં એ 'સ્ક્યુબા ડાઈવ' કરવા ગઈ! એ જલ્દી જ દરિયા સાથે માનસિક 'કનેક્ટ' થઈ એ હું જોઈ શક્યો! 

'સ્ક્યુબા ડાઈવ' બાદ બહાર આવી એ ઠુઠરતાં ઠુઠરતાં બોલી, "મજા તો આવી, પણ મારી બાજુમાં એક મોટી માછલી મેં જોઈ એટલે મેં બહાર નીકળવા કહ્યું!"

બીજા નંબરે સૌથી 'ઇઝી' મારા અર્ધાંગિની હતા! એ દરિયાના પેટાળમાંથી છીપલાં અને શંખલા વીણી લાવ્યા! બહાર નીકળ્યા બાદ 'ડાઇવિંગ'ની ખુશી એમનાં ચહેરા પર દેખાય છે!

છેક છેલ્લે મારો વારો હતો.. મને સૌથી વધારે ચિંતા મારી આંખોના નંબરની હતી! દૂરના 4 નંબરમાં મને નજીકમાં તરતી માછલી પણ ન દેખાય! ..પણ 'દરિયાઈ ચશ્મા'માં માછલીઓ જોઈ શકાશે એવું જાણવા મળ્યું.

હું બોટના પ્લેટફોર્મ પર ઉતર્યો.. અને 'એંકઝાયટી' શરૂ થઈ! મને એમ હતું કે તન્વી કદાચ નહિ કરી શકે, પણ ઉલટાનું મારે 'દરિયા' સાથે 'ઇઝી' થવા કોશિશ કરવી પડી! મેં તન્વી અને મારા અર્ધાંગિની કરતા વધુ સમય લીધો! 

..આખરે મેં 'થંબ ડાઉન'નો ઈશારો કર્યો, અને મારા જીવનની 'યાદગાર' ક્ષણો શરૂ થઈ!

જ્યારે હું 'ડાઈવ' કરી બહાર આવ્યો ત્યારે એક સેકન્ડ આંખો બંધ કરી આખું ડાઈવ રિવાઇન્ડ કર્યું અને દરિયાને થેંક્સ કહ્યું!!
********

મારા ટ્રાવેલ બકેટમાં 'સ્કાય ડાઇવિંગ' પણ છે.. હું આકાશમાંથી જમીન તરફ 'ફ્રી ફોલ'ની રાહ જોઈ રહ્યો છું!!

-યજ્ઞેશ રાજપુત
લ.તા. 1.2.23

..દરિયાની અંદર પાણીનું દબાણ જ એટલું હતું કે મારા કાનમાં જબ્બર સનક ઉપડી! માથાની નસો ફૂલી ગઈ હતી એ હું પાક્કું કહી શકું છું! મેં ડાઈવરને મારા કાન તરફ ઈશારો કર્યો. એમણે મને 'ઈકવિલાઈઝ' કરવા કહ્યું.. 

મારું ઈકવિલાઈઝ ચાલુ જ હતું.. પણ માથાની ફૂલેલી નસો અને કાનની સનક ઓછી નહોતી થતી! છતાંય મેં 'થંબ ડાઉન' કરી છેક નીચે લઈ જવા ઈશારો કર્યો.. કેમ કે હું જાણતો હતો કે પ્રથમ અનુભવ જ લાઈફટાઈમ સાથે રહેશે.. ત્યારબાદ થનારા દરેક અનુભવ એ 'ધારણા' જ બની રહેશે!

..અને મારા પગ દરિયાની અંદરની કોમળ રેતીમાં પડ્યા.. હું ત્યાં ચાલ્યો.. બેઠો.. દરિયાની અંદરની રેતી મારા હાથમાં લીધી.. રંગબેરંગી માછલીઓનું ઝુંડ મારી પાસે જ તરી રહ્યું હતું!! 
********

મારા માનસિક ટ્રાવેલ બકેટમાં 'સ્ક્યુબા ડાઈવિંગ' હતું જ.. તો જ્યારે મને એ કરવાની તક મળે તો હું 'પીછેહટ' કેવી રીતે કરું?? 

અમારા ત્રણેય ગાઈડ-ડાઈવરો-'જીદુ', 'જેસ્લીન' અને 'જીઓ'- એ અમને દરિયાની અંદરના ઈશારા સમજાવી દીધા હતા, અને આમેય અમારે એમની સાથે મોટાભાગે ઇશારાથી કામ કરવું પડે એમ હતું કેમ કે  માત્ર કેરાલિયન અને ઈંગ્લીશ લેંગ્વેજ જ બોલતાં અને સમજતા હતા!

તન્વીનો ડર એનાં ચહેરા પર દેખાતો હતો.. પણ એ છે સાહસિક, એ હું વિનાસંકોચે કહી શકું છું! સૌથી પહેલાં એ 'સ્ક્યુબા ડાઈવ' કરવા ગઈ! એ જલ્દી જ દરિયા સાથે માનસિક 'કનેક્ટ' થઈ એ હું જોઈ શક્યો! 

'સ્ક્યુબા ડાઈવ' બાદ બહાર આવી એ ઠુઠરતાં ઠુઠરતાં બોલી, "મજા તો આવી, પણ મારી બાજુમાં એક મોટી માછલી મેં જોઈ એટલે મેં બહાર નીકળવા કહ્યું!"

બીજા નંબરે સૌથી 'ઇઝી' મારા અર્ધાંગિની હતા! એ દરિયાના પેટાળમાંથી છીપલાં અને શંખલા વીણી લાવ્યા! બહાર નીકળ્યા બાદ 'ડાઇવિંગ'ની ખુશી એમનાં ચહેરા પર દેખાય છે!

છેક છેલ્લે મારો વારો હતો.. મને સૌથી વધારે ચિંતા મારી આંખોના નંબરની હતી! દૂરના 4 નંબરમાં મને નજીકમાં તરતી માછલી પણ ન દેખાય! ..પણ 'દરિયાઈ ચશ્મા'માં માછલીઓ જોઈ શકાશે એવું જાણવા મળ્યું.

હું બોટના પ્લેટફોર્મ પર ઉતર્યો.. અને 'એંકઝાયટી' શરૂ થઈ! મને એમ હતું કે તન્વી કદાચ નહિ કરી શકે, પણ ઉલટાનું મારે 'દરિયા' સાથે 'ઇઝી' થવા કોશિશ કરવી પડી! મેં તન્વી અને મારા અર્ધાંગિની કરતા વધુ સમય લીધો! 

..આખરે મેં 'થંબ ડાઉન'નો ઈશારો કર્યો, અને મારા જીવનની 'યાદગાર' ક્ષણો શરૂ થઈ!

જ્યારે હું 'ડાઈવ' કરી બહાર આવ્યો ત્યારે એક સેકન્ડ આંખો બંધ કરી આખું ડાઈવ રિવાઇન્ડ કર્યું અને દરિયાને થેંક્સ કહ્યું!!
********

મારા ટ્રાવેલ બકેટમાં 'સ્કાય ડાઇવિંગ' પણ છે.. હું આકાશમાંથી જમીન તરફ 'ફ્રી ફોલ'ની રાહ જોઈ રહ્યો છું!!

-યજ્ઞેશ રાજપુત
લ.તા. 1.2.23

..દરિયાની અંદર પાણીનું દબાણ જ એટલું હતું કે મારા કાનમાં જબ્બર સનક ઉપડી! માથાની નસો ફૂલી ગઈ હતી એ હું પાક્કું કહી શકું છું! મેં ડાઈવરને મારા કાન તરફ ઈશારો કર્યો. એમણે મને 'ઈકવિલાઈઝ' કરવા કહ્યું.. 

મારું ઈકવિલાઈઝ ચાલુ જ હતું.. પણ માથાની ફૂલેલી નસો અને કાનની સનક ઓછી નહોતી થતી! છતાંય મેં 'થંબ ડાઉન' કરી છેક નીચે લઈ જવા ઈશારો કર્યો.. કેમ કે હું જાણતો હતો કે પ્રથમ અનુભવ જ લાઈફટાઈમ સાથે રહેશે.. ત્યારબાદ થનારા દરેક અનુભવ એ 'ધારણા' જ બની રહેશે!

..અને મારા પગ દરિયાની અંદરની કોમળ રેતીમાં પડ્યા.. હું ત્યાં ચાલ્યો.. બેઠો.. દરિયાની અંદરની રેતી મારા હાથમાં લીધી.. રંગબેરંગી માછલીઓનું ઝુંડ મારી પાસે જ તરી રહ્યું હતું!! 
********

મારા માનસિક ટ્રાવેલ બકેટમાં 'સ્ક્યુબા ડાઈવિંગ' હતું જ.. તો જ્યારે મને એ કરવાની તક મળે તો હું 'પીછેહટ' કેવી રીતે કરું?? 

અમારા ત્રણેય ગાઈડ-ડાઈવરો-'જીદુ', 'જેસ્લીન' અને 'જીઓ'- એ અમને દરિયાની અંદરના ઈશારા સમજાવી દીધા હતા, અને આમેય અમારે એમની સાથે મોટાભાગે ઇશારાથી કામ કરવું પડે એમ હતું કેમ કે  માત્ર કેરાલિયન અને ઈંગ્લીશ લેંગ્વેજ જ બોલતાં અને સમજતા હતા!

તન્વીનો ડર એનાં ચહેરા પર દેખાતો હતો.. પણ એ છે સાહસિક, એ હું વિનાસંકોચે કહી શકું છું! સૌથી પહેલાં એ 'સ્ક્યુબા ડાઈવ' કરવા ગઈ! એ જલ્દી જ દરિયા સાથે માનસિક 'કનેક્ટ' થઈ એ હું જોઈ શક્યો! 

'સ્ક્યુબા ડાઈવ' બાદ બહાર આવી એ ઠુઠરતાં ઠુઠરતાં બોલી, "મજા તો આવી, પણ મારી બાજુમાં એક મોટી માછલી મેં જોઈ એટલે મેં બહાર નીકળવા કહ્યું!"

બીજા નંબરે સૌથી 'ઇઝી' મારા અર્ધાંગિની હતા! એ દરિયાના પેટાળમાંથી છીપલાં અને શંખલા વીણી લાવ્યા! બહાર નીકળ્યા બાદ 'ડાઇવિંગ'ની ખુશી એમનાં ચહેરા પર દેખાય છે!

છેક છેલ્લે મારો વારો હતો.. મને સૌથી વધારે ચિંતા મારી આંખોના નંબરની હતી! દૂરના 4 નંબરમાં મને નજીકમાં તરતી માછલી પણ ન દેખાય! ..પણ 'દરિયાઈ ચશ્મા'માં માછલીઓ જોઈ શકાશે એવું જાણવા મળ્યું.

હું બોટના પ્લેટફોર્મ પર ઉતર્યો.. અને 'એંકઝાયટી' શરૂ થઈ! મને એમ હતું કે તન્વી કદાચ નહિ કરી શકે, પણ ઉલટાનું મારે 'દરિયા' સાથે 'ઇઝી' થવા કોશિશ કરવી પડી! મેં તન્વી અને મારા અર્ધાંગિની કરતા વધુ સમય લીધો! 

..આખરે મેં 'થંબ ડાઉન'નો ઈશારો કર્યો, અને મારા જીવનની 'યાદગાર' ક્ષણો શરૂ થઈ!

જ્યારે હું 'ડાઈવ' કરી બહાર આવ્યો ત્યારે એક સેકન્ડ આંખો બંધ કરી આખું ડાઈવ રિવાઇન્ડ કર્યું અને દરિયાને થેંક્સ કહ્યું!!
********

મારા ટ્રાવેલ બકેટમાં 'સ્કાય ડાઇવિંગ' પણ છે.. હું આકાશમાંથી જમીન તરફ 'ફ્રી ફોલ'ની રાહ જોઈ રહ્યો છું!!

-યજ્ઞેશ રાજપુત
લ.તા. 1.2.23