રવિવાર, 20 ઑક્ટોબર, 2019


બાહ્યનિરીક્ષકનું નિરીક્ષણ:
આર્તનાદ (ભાગ 7)

*****

હું બપોરે 2:30 વાગે બાહ્યનિરીક્ષકની કામગીરી પૂરી કરી સ્કૂલે પહોંચ્યો. ઘણા બાળકો એવા હતા જે રેગ્યુલર આવતા હતા, પણ હવે નહોતા આવતા! કેમ કે ભરચક ભીડ જેવા ક્લાસમાં કોણ બેસે? રોજ ગણિત કોણ ભણે? (120+ રજીસ્ટર બાળકો, એ પણ ધો.૧/૨ના, એમાંથી લગભગ 80+ હાજર રહેતાં હોય, એમાંય 1 જ શિક્ષક!!)
તન્વી મને જોઈને દોડીને મારી પાસે આવી અને રડવા મંડી! કારણ પૂછતાં જાણવા મળ્યું કે.. (વાંચો - તન્વીએ આજની રોજનીશીમાં એનું કારણ લખ્યું છે!)

*****

"સાહેબ હું ધો.૧/૨ પ્રજ્ઞા શિક્ષક છું. મારે વર્ગ ચાલુ રાખવાનો છે. મારુ નામ બાહ્યનિરીક્ષકમાં છે, તો મારે શું કરવાનું?" મેં મારા એસ.એસ.એ.ના ઉપરી અધિકારીને જાણીજોઇને પૂછ્યું.

"કંઈ નૈ, ઓર્ડર આવ્યો છે તો કરવાનું."

'એઝ એક્સપેક્ટેડ' જવાબથી નિરાશા થઈ! થોડો ગુસ્સો પણ હતો, કેમ કે બાહ્યનિરીક્ષક તરીકેની કામગીરીમાં મારા આદર્શોને લઈ હું બીજી સ્કૂલો સાથે થનારા સંઘર્ષથી બચવા માંગતો હતો. 

*****

સાચું પૂછો તો બાહ્યનિરીક્ષકની કામગીરીમાં "ખાયા-પિયા કુછ નહીં, ઔર ગ્લાસ તોડા બારાના" જેવું થયું!! બાહ્યનિરીક્ષકની કામગીરીમાં બીજી સ્કૂલમાં જવાનું હોઇ મારી સ્કૂલ/વર્ગમાં પડતી મારી સતત ગેરહાજરીને કારણે મારા ધો.૧/૨નાં વર્ગમાં રેગ્યુલર આવતાં બાળકોની સંખ્યામાં આપણી ઇકોનોમિની જેમ ધરખમ મંદી આવી ગઈ!! ...અને બીજી સ્કૂલોમાં બાહ્યનિરીક્ષક તરીકે મારે કશું ઉખાડવાનું નહતું!! સુપરવિઝન કરતાં શિક્ષકોએ તો જે કરવાનું હતું, એ જ કર્યું!! મારા આદર્શો મારા સુધી જ સીમિત  રહયા, કેમ કે કામ સારી/સાચી રીતે કરવામાં ઘણીવખત પીઠ પાછળ મજાક બનીએ એ વધારામાં!!

'ઘર કા ભેદી લંકા ઢાયે' ની જેમ હું કોઈ 'ઘરકા ભેદી' તો નથી કે 'સ્કૂલ'ની લંકા ઢાઉ?!! ..અને માનો કે હું લંકા ઢાઈ બી દઉં તો પછી શું?? એકે તો પોતાની પહોંચ બહુ ઉપર સુધી અને મીડિયામાં પણ છે, એ પણ બતાવ્યું!

******

★કોઈ ઉપરી અધિકારી આવે ત્યારે જો હું એવો દેખાડો કરું કે હું બાહ્યનિરીક્ષણ કરું છું, તો વાસ્તવમાં હું ડરપોક છું! ઓફિસમાં બેઠાં બેઠાં ઝોલા ખાવા/ગપ્પા મારવા હોય તો ઈજ્જતથી ખાવા જોઈએ, પછી ભલે ગમે તે આવે!! ડરવું ના જોઈએ.

★અધિકારીઓનાં આવતા પહેલા એવાં પાક્કા મેસેજો કેવી રીતે આવી જતા હશે કે, 'તેઓ આવે છે..!!' ..શું એટલા માટે કે ઈશુ/બુદ્ધે કહ્યું હતું કે 'જેણે પોતાની લાઈફમાં ક્યારેય પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારે..' ના ન્યાયે 'મારા ત્યાં આવતા પહેલા તમે બધું બરાબર કરી નાંખો, જેથી મારે પથ્થર મારી મારા પાપ-પુણ્યની પોટલીમાં વધારો ના કરવો પડે!'

◆મિત્રની સ્કૂલમાં હોઈએ તો બે બાજુનું દુઃખ!! કહીએ તો ય દુઃખ અને ના કહીએ તોય દુઃખ! હદય આત્માને ઉધઈની જેમ કોરી ખાય એ લટકામાં! મેં ઘરે આવીને ઈશ્વરને સિરિયસલી પ્રાર્થના પણ કરી કે, "હે પ્રભુ, તું મને સત્ય શું અને અસત્ય શું એ સમજાવ! હું જે કરું છું એ સાચું કે બધા જે કરે છે એ સાચું??!!"

◆આ કામગીરીમાં જે ખરેખર 'સાચા શિક્ષકો' છે, એમનાં ઉપર અવિશ્વાસ રાખ્યાનું દુઃખ કમસે કમ મારા માટે તો 'પીરાણાનાં કચરાના ડુંગર' જેવડું છે!આવા અવિશ્વાસનું વાતાવરણ ઉભું કરવાનો કોઈ મતલબ ખરા?

◆બાહ્યનિરીક્ષક પોતે જે શાળામાંથી આવે છે, એ શાળામાં પરીક્ષા દરમિયાન એની ગેરહાજરીને કારણે એના વર્ગના વિદ્યાર્થીઓની હાજરી ઓછી થાય જ છે.. પૂછો કોઈ બી શિક્ષકને!! પ્રાથમિક વર્ગોમાંના નાનાં બાળકો માટે એમનાં શિક્ષક, ચાહે ગમે તેવા હોય, સર્વસ્વ છે! એ કહે એ જ સાચું! એની ગેરહાજરીમાં બાળક ઘરે જઈને એકવાર તો એવું ચોક્કસ બોલતું હશે કે, "મારા સર/ટીચર નથી આવતા. મારે પણ નથી જવું." (આ મુદ્દો મારી ધારણા છે અને ખોટું પડવાની સંભાવના ઓછી છે!)

******

પરીક્ષામાં પુછાયેલો એક પ્રશ્ન જુઓ:- 'આખા દિવસ દરમિયાન તમારી આંખમાં પાટો બાંધી રાખવામાં આવે તો..? તમારા અનુભવો લખો.'
આપણાં માટે કદાચ સહેલો લાગે તેવો પ્રશ્ન છે, પણ બાળક જવાબમાં શું લખે છે, એનો આધાર માત્ર તેના અગાઉના ધોરણોમાં થયેલી માનસિક કસરતને આધારિત છે! સરકારી શાળાઓમાં ભણતા મોટાભાગના સામાજિક/માનસિક/આર્થિક ગરીબ/નબળા વર્ગના બાળકોની સ્વતંત્ર વિચારધારા વિકસે અને તેમની વૈચારિક ક્ષમતા વધે તે હેતુસર જો આવા પ્રશ્નો સરકારી શાળામાં પુછાતા હોય તો ખાનગી શાળાઓમાં કેમ નહીં? આ પદ્ધતિ શ્રેષ્ઠ છે તો ઉપરી અધિકારીઓ પોતાના બાળકોને શા માટે સરકારી શાળામાં નથી ભણાવતા?? શિક્ષણખાતાના જ 99% લોકો ખાનગી શાળામાં પોતાના બાળકને કેમ ભણાવે છે?? આ મોટો સવાલ છે!!

પ્રાઇવેટ સ્કૂલવાળાએ તોતિંગ ફી ઉઘરાવી હોવાના કારણે જાણીતા પબ્લિકેશન્સવાળાઓની 'મોસ્ટ આઈએમપી' જેવી હાસ્યાસ્પદ પ્રશ્નાવલીઓમાંથી જ પેપરો કાઢતા હોય છે! સરવાળે બાળકની ગોખણપટ્ટીનું જ માપ નીકળે છે. ખાનગી શાળામાં 5-6 માસના અભ્યાસક્રમને ગોખીને ત્રણ કલાકની પરીક્ષાઓમાં બાળકે યાદશક્તિની કેટલાં માર્કસની ઉલટી કરી એના આધારે એ કેટલો હોંશિયાર કે નબળો છે, એ જોવામાં આવે છે!! ..અને માર્કશીટમાં દેખાતી આવી સારી ટકાવારી જ ઉચ્ચ અભ્યાસમાં કામ લાગે છે, વૈચારિક ટકાવારી માર્કશીટમાં દેખાતી નથી!!

******

*મારા બ્લોગમાં લખેલાં આ કિસ્સાઓ 100% સત્ય સાથે આજે પણ યથાવત છે:*

બ્લોગ:-૧(પરીક્ષા બાબતે)

"હું હજુયે કહું છું, છોકરાઓને પરીક્ષામાં બતાવી દેવાનું બંધ કરી દેવું જોઈએ." મેં દલીલ કરી.

"...પણ એનાથી થશે શું?" મારા કરતા સીનીયર એવા એક શિક્ષકે વળતો સવાલ કર્યો.

હું થોડીવાર સુધી એમની સામે જોઈ રહ્યો, પછી કહ્યું, "જસ્ટ વિચારો, એક બાળક ઘરેથી તૈયારી કરીને નિશાળે પરીક્ષા આપવા આવે છે. પ્રશ્નપેપરમાં એક ખાલી જગ્યાના ત્રણ ઓપ્શનમાંથી તે, સાહેબે શીખવાડેલું અને વાંચેલું યાદ કરીને એક ઓપ્શન પસંદ કરે છે, અને જ્વાબવહીમાં પૂર્ણ આત્મવિશ્વાસથી તે લખે છે! અચાનક જ... એક શિક્ષક પરીક્ષાખંડમાં પ્રવેશે છે, અને ઝટકાથી તેણે લખેલો જવાબ જોઇને કહે છે, "આ નહિ...  પણ આ  જવાબ સાચો છે, એ લખી નાંખ...!!" એ તો બાળક છે, શું ખોટું શું સાચું, એનું એને તો ભાન નથી..એ તો તમે કીધું તે તરત જ લખી નાંખશે..  પણ એક શિક્ષક તરીકે તમે ક્યારેય વિચાર્યું છે, એ બાળકની નિર્ણયશક્તિનું શું થયું હશે?? એ ભફ.. દઈને છેક ઉપરથી નીચે એવી રીતે પછડાઈ હશે કે પછી ક્યારેય ઉભી જ નહિ થઈ શકે !!.."

મેં આવું કહ્યું  તેથી ખબર નહિ કેમ? ..પણ એ સાહેબને હસવું  આવ્યું. તેને કહ્યું, " જો આપણે તેને નહિ લખાવીએ તો આપણે, ડાબા હાથે એ લખવું પડશે. એના કરતા તો એ સારું નહિ,  કે આપણે જ એમને લખાવી દઈએ. આપણું કામ તો ઘટી જાય ને?"

*****

બ્લોગ:૨ (સ્વતંત્ર લેખન બાબતે)

એક ઉપરી અધિકારીશ્રી અમારી શાળામાં પરીક્ષા દરમિયાન વિઝિટમાં આવ્યા. અને મારુ તપાસેલું બંડલ ચેક કરવા માંગ્યું. એમણે જોયું કે મેં એક પેપરમાં 'pensil' લખેલા સ્પેલીંગને અડધો માર્ક આપ્યો છે. તો એ કહે, "આ સ્પેલિંગ ખોટો છે, તો પણ તમે એને સાચો આપ્યો છે, કેમ?"

મેં કહ્યું, "બેન, બાળકે એ સ્પેલિંગ જાતે જ લખ્યો છે. એટલે એના પ્રયત્નનો અડધો માર્ક મેં એને આપ્યો છે."

"તમારો બેઝિક પણ હું અડધો કરી દઉં તો??"

સીધી જ પગાર કાપવાની વાત કરી એટલે હું સડક થઇ ગયો.. છતાંય મેં કહ્યું, "તમને ઠીક લાગે એ કરો બીજું શું?"

"આવું ના ચાલે ને.. ખોટું છે તો ખોટું આપો.. અડધો માર્ક પણ શું કામ આપો છો? તમે બહુ ઉદાર દિલે માર્ક આપ્યા છે.."

"બેન, હું ભણાવામાં એટલો જ કડક છું.. અને આમેય આપણે શિક્ષકો બીજાની ભૂલો જોવા જ ટેવાયેલાં હોઈએ છીએ, પ્રયત્નો નહિં!!" આટલું બોલીને મેં ચુપ્પી સાધી લીધી!!

*બાળકે કરેલા પ્રયત્નની કોઈ કિંમત જ નહિ?? જો મેં એ સ્પેલિંગ જાતે જ સુધારીને પૂરો માર્ક આપ્યો હોત તો ચાલત એમ ને?? મતલબ કે હું ખોટું કરું તો સાચો અને સાચું કરું તો ખોટો??  મારો પગાર ચાલુ રહે એ માટે મારે ખોટું કરવાનું? કદાચ.. અધિકારીઓ આવા પ્રયત્નોની કિંમત નહીં જ સમજી શકતા હોય.. પછી  ભલે ને એ પ્રયત્ન બાળકનો હોય કે શિક્ષકનો!! કદાચ એટલે જ શિક્ષકો પેપરમાં લખાવી દેતા હશે અથવા તો ખુદ લખતા હશે!!*

'યથા રાજા તથા પ્રજા' શું આ કહેવત હજુ પણ લાગુ પડતી હશે ખરા??!!

******

બ્લોગ 3 (મોડરેશન અંગે)

"હેલો.. તમે મારા બંડલ મોડરેશનમાં ચેક કર્યા હતા, એ જ ને??"

"હા.. બોલો શું કામ હતું??"

"તમે મારા તપાસેલા બંડલમાં આટલા બધા સુધારા શું કામ કર્યા છે? મેં પણ તમારી સ્કૂલના બંડલ ચેક કર્યા છે, પણ મેં આવા કોઈ સુધારા નથી કર્યા, મેં તો સીધી સહી જ કરી દીધી છે!! એક કામ કરો, તમારી સ્કૂલના બંડલ લઈને અત્યારેને અત્યારે જ અહીં પાછા આવો.. મારે પણ સુધારા કરવા છે!!" એ બેન એકદમ ગુસ્સાથી બોલ્યા.

"મારા આચાર્યને મળો.." કહીને મેં ફોન મૂકી દીધો!

ફોન મુક્યાં પછીનું રિ-એક્શન એ આવ્યું કે થોડી જ વારમાં મારા બીજા એક સી.આર.સી.મિત્રનો ફોન મારા પર આવ્યો. કારણ કે આ બેન એમના નજીકના સગામાં થતા હતા!! મારે એમને ફોન પર અડધા કલાક સુધી ખુલાસાઓ આપવા પડ્યા!! ...માત્ર એટલા માટે કેમ કે એ મારા મિત્ર છે! સાચું કરવાનું ખરેખર ખાંડાની ધાર પર ચાલવા જેવું છે!!*

*કોણે આ બેનને રોક્યા હશે સાચી રીતે બંડલ ચેક કરતા?? કદાચ.. એ જાણે છે કે બધાએ એવી રીતે જ મોડરેશન કર્યું હશે, જેવી રીતે એમણે કર્યું!! ..અને હું માનું છું કે મારી શાળાના જે ધોરણનું એમણે મોડરેશન કર્યું હશે, એ પેપરો પણ આવી રીતે જ લખાયા હશે!! બીજું શું??
 "આવ ભાઈ હરખા, આપણે બે સરખા.."

હવે માનો કે આ બેન મારા બન્ડલ મોડરેશનમાં ચેક કરવા આવે તો એ મારા બાળકોએ કરેલા સાચા પ્રયત્નોને સમજી શકશે ખરા??

******

*ડોન્ટ થિંક એવર*

તમારું બાળક પરીક્ષા આપી ઘરે આવે અને કહે કે 'મેં તો બધું આજુબાજુમાંથી જોઈ લીધું/સાહેબે બતાવ્યું' તો શું તમને ગમે?? ઘણાને ગમતું હશે પણ... મને તો નહિ ગમે!

ઈશ્વરની સાક્ષીએ જવાબ આપજો, "શું તમને ગમશે?"

********