તા.૨૬.૧.૨૦૨૦
શાળાનાં આચાર્યશ્રી જ્યોત્સનાબેનનાં હસ્તે શાલ ઓઢાડી અને કોરીસાહેબના હસ્તે વટવા કલસ્ટરનાં 'પ્રતિભાશાળી શિક્ષક'નું નાનકડું સન્માન-પ્રમાણપત્ર મળ્યું! ૧૫ વર્ષની ફરજમાં પહેલી વખત એવું થયું હશે કે વર્ગના ખૂણામાં કામ કરતા શિક્ષકોનું કંઈક સન્માન થયું હોય! બાકી તો વગદાર અથવા ખુશામતખોર હોય અને જેણે જિંદગીમાં ક્યારેય ચોક ના પકડ્યો હોય એવાં જ ૯૦% શિક્ષકોનું સન્માન થતું જોયું છે!! સારું લાગે છે જ્યારે સન્માન મળે છે. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મનમાં સૂક્ષ્મ અભિમાન પણ ના પ્રવેશે એનું ધ્યાન રાખજે! જે જગ્યાએ કામ કર્યું છે, એ જગ્યાએ હંમેશા ઉજ્જડ જમીનમાં આંબો ઉગાડવાની કોશિશ કરી છે.. દિલ સે!! આ સાવ નાનકડાં એચિવમેન્ટ માટે જે રસ્તો કંડારાયો છે, એ નાનોસુનો તો નથી જ!
*******
૨૦૦૫ માં પીટીસી પૂરું કરીને પ્રાઇવેટ શાળામાં મહિને માત્ર ૮૦૦₹ માં નોકરીએ લાગ્યો! અમદાવાદમાં એવી ઘણી ખાનગી શાળાઓ છે કે જે બિલાડીના ટોપની જેમ ખૂણે-ખાંચરે ઉગી નીકળી છે, જ્યાં રમવાનું મેદાન પણ ના હોય! એવી શાળામાં માત્ર ભણાવવા સિવાય કોઈ જ કામ હોતું નથી, એટલે બાળકોને બધું જ આવડે! વળી, ૧૦૦ માંથી ૯૫ માર્ક બાળકે મેળવ્યા હોય તોયે પૂછે કે ૫ માર્ક કેમ ઓછા આવ્યા?.. એવા જાગૃત વાલીઓ હોય એટલે બાળકોને ઘરેથી (ટ્યુશનેથી!!) ભણાવીને શાળાએ મોકલે!! હું ત્યારે સારો અને મહેનતુ શિક્ષક ગણાતો એટલે ૨૦૦૭માં જ્યારે નોકરી આવી ત્યારે બાળકોને ભણાવવાની જે ખેવના રાખેલી એ વાસ્તવિકતાની ધરતી પર 'ધબ્બ..' દઈને પછડાઈ!
********
અમદાવાદથી ૪૦૦ કિમી દૂર ગિરગઢડા પેસેન્ટરની વેળાકોટ પ્રા. શાળામાં હાજર થવાનો ઓર્ડર તા.૧૮.૩.૦૭ ના સાંજે ૬:૦૦ વાગે હાથમાં આવ્યો, ત્યારે ઘરે જવાને બદલે સીધા જ શાળાએ જવાનું વિચાર્યું! રાતે ૧૧:૦૦ વાગે જૂનાગઢથી ઉના પહોંચ્યો, ત્યારે અમદાવાદી ભૂત મનમાં હોઈ વિચારેલું કે ગિરગઢડા જવા કોઈ પણ વાહન (છેવટે ટ્રક પણ!!) મળી જ જશે!.. પણ વાસ્તવિકતાનો સામનો ત્યારે થયો કે જ્યારે ખબર પડી કે ઉનાથી ગિરગઢડા જવા છેલ્લી દૂધની ગાડી ૭:૦૦ વાગે જાય છે, પછી કોઈ વાહન મળતું જ નથી! એમાંય બાજુમાં જ ગીરના જંગલના સિંહોની બીક પણ ત્યારે લાગતી હતી!!
નામી-અનામી એ દરેક લોકોનો હું ધન્યવાદ કરું છું, કે જેમણે મુજ અજાણ્યાને રાતે ૧:૪૫ વાગે ગિરગઢડા પહોંચાડ્યો!
બીજી સવારે વેળાકોટ જવા ૮:૦૦ વાગ્યાનો હું રીક્ષા સ્ટેન્ડએ બેઠો! છેક ૧૧ વાગે છકડો રીક્ષા મળી! (ભૂરાની) રિક્ષામાં લગભગ અમે ૨૦ જેટલાં લોકો હોઈશું! સ્ત્રીઓ અને બાળકો નીચે બેઠેલા, અને પુરુષોએ ઉભા રહેવાનું હતું. ઉબડખાબડ રસ્તામાં જ્યારે રીક્ષા ચાલી ત્યારે મેં એટલી સજ્જડ રીતે છકડો રીક્ષા પકડી રાખેલી કે ક્યાંક પડી ન જાઉં! સનવાવથી વેળાકોટ માત્ર ૫ કિમી હોવાં છતાં છેક ૧૨:૧૫ પહોંચ્યા, એ દરમિયાન બે વખત નદી-નાળામાં રિક્ષાને ધક્કો મારવા ઉતરવું પડેલું!!
આખરે વેળાકોટ પહોંચ્યો ત્યારે શાળા છૂટવાનો સમય થઈ ગયેલો!! સવારની શાળા હતી. શાળાએ જવા વાહન મળતું જ નહીં. વળી, ત્યાંના રસ્તાઓમાં બાઈક જ ચાલી શકતી, જે આવડતી નહોતી!
..એટલે શાળાએ જવાનો ભયંકર સંઘર્ષ શરૂ થયો!!
********
ગિરગઢડામાં આચાર્યશ્રીએ રહેવાનું ગોઠવેલું. (શરૂઆતમાં હું, બાલુ અને પુરોહિત સાથે રહેતાં, પણ મારો લીલા શાકભાજીનો ખોરાક વધુ હોઇ ગિરગઢડા કોલોનીમાં એકલા રહેવાનું શરૂ કરેલું!) ત્યાંથી શાળા ૧૧ કિમી થાય. જે મિત્રો સ્થાનિક જૂનાગઢના હતા, એ લોકોએ એકબીજાની ઓળખાણ કાઢી એવું સેટિંગ કરી દીધેલું કે બાઇકમાં બે જણ જઇ શકે! મારે તો બાપ-દાદાનું ય કોઈ સગું નહોતું કે એવું થાય! રસ્તો ખરાબ એટલે કોઈ પોતાની બાઈક પર ત્રીજા વ્યક્તિને ન બેસાડે! 'અમદાવાદી હરામજાદી' એવી ત્યાંની માનસિકતા ય ખરી! વળી, મારો સ્વભાવ પણ અંતર્મુખી અને મેચ્યોરિટી શૂન્ય એટલે જલ્દી કોઈની સાથે ના ભળું! ...આખરે એકલાં જ શાળાએ જવાનું વિચાર્યું.
*********
રોજ વહેલી સવારે સાડા ત્રણ વાગે ઉઠવાનું, ૪:૩૦ વાગે ૧૦ પુરી અને ચા બનાવી ખાવાનું , અને ભડભાખરે સવારે ૫ વાગે ગિરગઢડાથી વેળાકોટ શાળાએ જવા ૧૧ કિમી ચાલીને જવા ઘરેથી નીકળી જવાનું! રસ્તામાં અંધારું જ હોય, અને જંગલી જનવરોનો ડર પણ લાગે.. પણ એક જ વસ્તુ દેખાય- શાળાએ ટાઇમસર પહોંચવું! હું અમદાવાદી ખરોને?.. એટલે પંક્ચ્યુલ હતો!! રાઈટ ૭:૩૦ સુધીમાં શાળાએ પહોંચી જતો! શાળાની એક ચાવી આચાર્યશ્રીએ મને આપેલી! અઠવાડિયાના ચારેક દિવસ તો શાળાનો દરવાજો મારા હાથે જ ખૂલતો! 'તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો..' ની જગ્યાએ "હમ કો મન કી શક્તિ દેના..' પ્રાર્થના જાતે ગાઈને બાળકોને શીખવાડેલી. બાઈકવાળા મીત્રો મોટેભાગે મારા પછી જ શાળાએ પહોંચતા! સેમ વસ્તુ છૂટવા સમયે થાય.. ૧૨:૩૦ વાગે શાળા છૂટે એટલે પાછું ૧૧ કિમી ચાલીને પાછો ઘેર પહોંચું ત્યારે ઘણીવખત સાંજના ૪ વાગી જાય! ગમે તેટલી ગરમી હોય કે ગમે તેટલો વરસાદ હોય હું શાળાએ પહોંચ્યો જ હોઉં! (એક વખત યાદ છે મને.. ચાલુ વરસાદમાં સવારે ચાલીને હું શાળાએ પહોંચ્યો. એક કલાક સુધી કોઈ ન આવ્યું. મેં આચાર્યને ફોન કર્યો. એમને કહ્યું, "વધારે વરસાદને કારણે શાળામાં રજા જાહેર થઈ છે." તો મેં કહ્યું, "સાહેબ મને ફોન ન કરાય?" એમણે કહ્યું, "મને એમ કે તમને ખબર હશે!" ..પાછો ચાલીને ઘેર જવા નીકળ્યો ત્યારે ધોધમાર વરસાદ પડેલો અને હું પણ થાકીને ૧૧:૩૦ ઘેર પહોંચ્યો ત્યારે ધોધમાર રડ્યો હતો!) પાછો એટલી હદનો થાકી જતો કે આવીને કપડાં બદલ્યા વગર જ સુઈ જતો! કકડીને ભૂખ લાગી હોય પણ ખાવાનું બનાવવાના હોંશ ના હોય! ત્યાં બજારમાં ત્યારે હોટલ પણ નહોતી કે બહાર ખાઈ લઉં! નાસ્તાની લારી 'ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન' જેવી હતી, પણ એમાં એટલું ન મળે કે પેટ ભરાય! ..અને માત્ર ૨૫૦૦₹ ના પગારમાં ઘરભાડાથી માંડીને બધો ખર્ચો પાર પાડવો શક્ય નહોતું! રોજના અંદાજે ૨૨ કિમી ચાલવાનું અને ૧ જ ટાઈમ જમવાનું! (બાજુમાં રહેતાં અશ્વિન અને એનાં કુટુંબનો હદયથી આભાર કે જેઓ ઘણીવાર મારા માટે જમવાનું મોકલાવતા!) ચારેક મહિના પછી એક સાયકલ લીધેલી! ..પણ ત્યાં સુધીમાં અમુક લોકો માટે હું 'હાંસિપાત્ર' બની ચુક્યો હતો, અને કેટલાંક લોકો માટે દયાપાત્ર! 'માસ્તર.. હવે બહુ કંજુસાઈ ન કરો.. ગાડી(બાઈક) લઇ લ્યો!' આવા તો ઘણા ટોણા સાંભળવા મળતા! મારી મજાક ઉડાવતી લોકોની આંખો મને જીવતાજીવ મારી નાંખતી! ..એવું થતું કે 'ધરતી જગ્યા દે અને હું એમાં છુપાઈ જઉં!' કોઈ મને જોવે નહીં એટલે હું વહેલી સવારે સાયકલ લઈને નીકળી પડતો.. અને વેળાકોટથી ૧ કિમી દૂર એક ખેતરમાં સાયકલ મૂકતો! મેં એવાં અજાણ્યા રસ્તાઓ પણ શોધી કાઢેલા કે જ્યાં માણસોની બહુ અવરજવર ન હોય!
બાળપણથી મોટો થયો ત્યાં સુધી મમ્મી-પપ્પાને પણ આવી રીતે જ જોયા છે. પપ્પા છેલ્લાં ૪૪ વર્ષથી (૧૯૭૬થી) આજે પણ અમદાવાદમાં રીક્ષા ચલાવે છે, અને મમ્મી ધારે તો ઘરે રહી શકતાં હોવા છતાં સવારે મણીનગરથી ઉપડતી ૨૦૦/૩૦૦ નંબરની પહેલી બસમાં બેસીને બાપુનગર ફેકટરીઓ સાફ કરવા જાય છે. (એ એવું કહે છે કે, 'હાથ-પગ ચાલે છે ત્યાં સુધી કામ કરતી રહું, તો બીમાર નહીં પડું!') બાળપણમાં ભીડભંજન પાસેની ઝૂંપડપટ્ટીમાં પણ રહેલાં! કુલ મળીને ત્રીસેક જેટલી જગ્યાઓમાં ભાડે રહેલાં! મમ્મી-પપ્પાના ભેગાં કરેલાં રૂપિયાથી શાળાએ જવા બાઈક ખરીદુ તો નપાવટ કહેવાઉં! શાળાએ જવા બાઈક ન લઈ શકવાનું આ કારણ એ મજાક ઉડાવતી આંખો ન જ સમજી શકે, એ દેખીતું હતું! ..એટલે એમનાં ટોણાનો હું કોઈ જ જવાબ ન આપતો. બસ.. નક્કી કરેલું કે, બાઈક હું મારા પૈસે જ લઈશ!
ગિરગઢડામાં બે-ચાર વેપારી મિત્રોને ટ્યુશન માટે બાળકો શોધી આપવા કહેલું. આચાર્યશ્રી પ્રધાનસાહેબ પણ કામે આવ્યા! ..અને આઠેક જેટલાં બાળકો ટ્યુશન માટે આવતા થયાં! બાઈક લેવા અધીરો બનેલો, એટલે પૈસા ભેગાં કરવા વધુ કંજુસાઈ પણ કરતો. ૨૫૦૦₹ ના પગારની સાથે નોકરી લાગ્યાને બરાબર નવ મહિને નવેમ્બર ૨૦૦૭માં ૧૮૦૦૦₹ ભેગા કરીને હું અમદાવાદ આવ્યો, અને મમ્મીને પૈસા આપતા કહેલું, "મને સેકન્ડ હેન્ડ બાઈક લઈ આપો." ..અને મમ્મી બાપુનગરમાં ચિરાગ ડાયમન્ડની સામે હીરો-હોન્ડા કંપનીમાં સાફ-સફાઈનું કામ કરતાં ત્યાંથી થોડાંક પોતાનાં પૈસા જોડીને કેશમાં ૪૬૦૦૦નું બાઈક લઈ આપ્યું! જે દિવસે હું પહેલી વખત બાઈક લઈને શાળાએ ગયો, એ દિવસે જ મેં સનવાવની નદી પાસે કાળોતરો (નાગ) રસ્તામાં જ જોયો. નવાઈની વાત એ કે હું રોજ એ જ રસ્તેથી અંધારામાં ચાલીને નીકળતો, ત્યારે કોઈ જ જંગલી જાનવરનો ભેટો નહોતો થયો!
સ્કૂલે બાઈક લઈને પહોંચ્યા પછી મને યાદ છે ઘણાં લોકોની મારા પ્રત્યેની નજર બદલાઈ ગયેલી! શાળાનાં ગોપાલસાહેબ, પ્રધાનસાહેબ, બાલુ અને હું દીવ પણ ગયેલાં! મમ્મી-પપ્પાના બાકી નીકળતા 30000 દોઢેક વર્ષમાં ચૂકતે કરી દીધેલાં! આજેય હું એ જ બાઈક ચલાવું છું!
********
લગભગ સાડા ત્રણસો મકાન ધરાવતાં વેળાકોટ ગામ સજા માટે વગોવાયેલું હતું! (એક સાહેબ સજામાં અહીં બદલી પામેલા!) અગાઉ ગામમાં ક્યારેય કોઈ શિક્ષક પરમેનેન્ટ નહોતું રહ્યું! ઘરભાડુ, લાઈટબીલ, પેટ્રોલ, જમવાનો અને અન્ય ખર્ચ... ૨૫૦૦ માં તો ક્યાંથી પૂરું થાય! સાહેબને વાત કરી મારે વેળાકોટ જ રહેવું છે! ૯૫% ઘરમાં સંડાસ હતાં જ નહીં.. એટલે શાળાના સ્ટોરરૂમમાં વ્યવસ્થા થઈ. શાળાનું સંડાસ પણ અમુક લોકોએ પથ્થર નાંખીને જામ કરી દીધેલું. એ હાથ નાખીને સાફ કરેલું. પહેલી જ સાંજે શાળા છૂટ્યા પછી કેટલાંક લોકો કોથળી વેચવા મેદાનમાં આવ્યા. મેં ડરતાં-ડરતાં પણ હિંમત રાખી ના પાડી. પછી ક્યારેય ન આવ્યા. જે ગામને લોકોએ વગોવેલું, એ ગામ મને ક્યારેય નથી કનડયું! સાંજે ક્યારેક ગામમાં આંટો મારવા નીકળું અને ગામનો ડાંડ માણસ સામે પીધેલો મળે, તો એ કહેતો, "માસ્તર.. આજે બોલાય એવું નથી." હું ગોપાલસાહેબની જેમ બેઘડી ખિજાઉ પણ ખરા! બે-ચાર બાળકો (યોગલો, જાદવ અને એની ટોળકી!) લગભગ મારી સાથે જ શાળામાં રહેતાં, ખાતાં અને ઊંઘતા! રોજ સવારે એ લોકો બાજુનાં ખેતરમાંથી લાકડા (પૂછ્યા વગર) લઈ આવે અને ભઠ્ઠો કરી પાણી ગરમ કરે. ઘણાં બાળકો રજાના દિવસે શાળાએ આવી નહાતાં થયેલાં, અને પછી તો રોજ નહાતાં. શાળાના મેદાનના ખૂણામાં જ એમણે નાનકડું ખેતર જેવું બનાવેલું. જ્યાં હું પણ ભીંડા, ટામેટા, રીંગણાં અને ડોડા વાવતાં શીખેલો, અને ખાધેલાં ય ખરા! આ બાળકોએ મને જંગલમાં ભમતાં-ફરતાં અને કબડ્ડી રમતાં (ગોપાલસાહેબ એટલે કબડ્ડીના ગુરુ!) શિખવાડેલું! એકાદ મહિનો શાળામાં સવારે યોગકેન્દ્ર ચલાવવાનો પણ અખતરો કરેલો.. જે સફળ નહોતો રહ્યો! ગામની હોળી મને આજેય યાદ છે! ૨૦૧૦નાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેં રાવણનો રોલ પણ કરેલો! શાળામાં ભણતાં બાળકોને સાથે રાખીને એક શોર્ટફિલ્મ પણ બનાવેલી- "હું અને ઝાકળનાં બે બિંદુ!" (મ્યુઝિકની કોપીરાઇટને કારણે યુટ્યૂબ પરથી ડિલીટ કરી નાંખી! બાળકો સાથે ભેગાં મળીને ગાંડા કાઢેલા, બીજું શું??😊😊) કુલ બે વખત મળીને હું ગામમાં દોઢેક વર્ષથી વધુ સમય રહ્યો હતો.
**********
મને હંમેશા એમ થતું કે નાના ધોરણોમાં બરાબર કામ નથી થતું એટલે મોટાં ધોરણોમાં તકલીફ પડે છે! મેં સામેથી ધોરણ ૧ (૪૪ બાળકો) માંગ્યું. મધ્યસત્ર પછી એકવાર રામ વંશે મને કહ્યું, "મારો સોકરો 'હાથીપગો' એવું વાંસી ગયો. ખરેખર તમેં બઉ સરસ ભણાવો સો." ..બસ.. આ મારો રિવોર્ડ!! ...એ પણ પ્રજ્ઞા વગર!!
રમતોત્સવમાં હંમેશા મોટાં બાળકો જ ભાગ લે, એટલે મેં, ભરત(ધો.૨ના શિક્ષક) અને પુરોહિત (ધો.૩ના શિક્ષક) સ્વતંત્ર રીતે ધો. ૧-૨-૩ નું રમતોત્સવનું આયોજન કરેલું! (૨૦૧૨ સુધી શિક્ષક તરીકે જે કામ કર્યું, એ પછીના સમયમાં નથી થઈ શકતું! કમસે કમ એ સમયે અમે બાળકો સાથે જ રહેતાં- વર્ગ અને શાળામાં! અત્યારે તો 'શિક્ષક શોભે વર્ગમાં' ની જગ્યાએ 'શિક્ષક શોભે ભીડમાં' થયું છે!) એ રમતોત્સવમાં એક જ નિયમ હતો- કોઈ બાળક બાકી ના રહેવું જોઈએ! ૩ દિવસ ચાલેલો એ રમતોત્સવ! આવા કેટકેટલાય સંસ્મરણો છે- વર્ગોના/પ્રવાસના/બાળકોના/વાલીઓના/ગામના/જંગલના... દિલથી શિક્ષક તરીકે કામ કર્યાના!
૨૦૧૩માં અમદાવાદ ટ્રાન્સફર થઈ, અને આ રીતનું જ કામ હજુયે ચાલુ જ રાખ્યું છે! અહીંના અનુભવો સમયાંતરે બ્લોગમાં લખતો રહુ છું.
**********
http://threecolour.blogspot.com/2019/07/blog-post.html
*********
'પ્રતિભાશાળી શિક્ષક'- આ સન્માન આપવાની શરૂઆત આ જ વર્ષ/સત્રથી થઈ છે. દરેક સત્રને અંતે બીજા શિક્ષકોને આ સન્માન મળવાનું જ છે, પણ વટવા કલસ્ટરના બધાં જ શિક્ષકોમાં મારી સૌથી પહેલી પસંદગી થઈ એની ખુશી વિશેષ છે! જે પણ નામી-અનામી લોકોએ મારી પસંદગી કરી છે હું એમનો હદયથી આભાર માનું છું.
********
ડોન્ટ થિંક એવર:-
મારે કંઈ કહેવાનું હોય તો હું હાથ જોડીને શિક્ષણખાતા અને એમના નાના-મોટાં બધાં અધિકારીઓને શું કહું?... માત્ર એટલી જ વિનંતી કરું કે "અમને નિર્ભયતા આપો, અને અમારું જે મૂળ કામ છે, એ કરવાં દો."
**********
યજ્ઞેશ રાજપૂત