મંગળવાર, 10 માર્ચ, 2020

ફોરવર્ડ કરેલું..

https://www.facebook.com/100000085403295/posts/3152659821413500/

કામનો ઈરાદો માણસના સુખનો આધાર! - મોહમ્મદ માંકડ
 
એક સૂફીકથા આ પ્રમાણે છે.

એક નાનકડા ગામમાં, એક ગરીબ ભરવાડ બકરીઓ રાખીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હતો. તે બોલી શકતો હતો, પરંતુ તદ્દન બહેરો હતો.

તાજું, લીલું ઘાસ ચરાવવા માટે રોજ બકરીઓને લઈને એ ગામથી થોડી દૂર આવેલી ટેકરી ઉપર લઈ જતો હતો. એ બહેરો હતો એ ખરું, પરંતુ એથી એને કશો ફરક પડતો નહોતો. એક દિવસ એણે જોયું તો ખબર પડી કે એની પત્ની બપોરનું એનું ભાથું આપવાનું જ ભૂલી ગઈ હતી. અગાઉ આવું બન્યું ત્યારે દીકરા સાથે પાછળથી એણે ભાથું મોકલી આપ્યું હતું, પરંતુ આજે તો સૂરજ માથે આવી જવા છતાં હજુ સુધી કશું આવ્યું નહોતું.

ભરવાડે વિચાર્યું કે, હું ઘેર જઈ આવું. દિવસ આથમે ત્યાં સુધી ભૂખ્યાપેટે હું અહીં રહી નહીં શકું. એની નજર ટેકરી ઉપર ઘાસ કાપતા એક માણસ પર પડી. એની પાસે એ પહોંચી ગયો અને કહ્યું, ‘ભાઈ, મારી બકરીઓ ઉપર જરા નજર રાખતા રહેશો? એ બધી આઘીપાછી ન થઈ જાય. મારી પત્નીએ મૂર્ખાઈ કરી છે, આજે બપોરનું ખાણું મૂકવાનું જ ભૂલી ગઈ છે. એ માટે મારે ઘેર જવું પડશે.’

હવે પેલો ઘાસ કાપવાવાળો પણ બહેરો હતો. એણે એક શબ્દ પણ સાંભળ્યો નહોતો. એટલે એણે કહ્યું:

‘હું મારાં ઢોર માટે જે ચારો કાપું છું એમાંથી તને મારે શા માટે કાંઈ આપવું જોઈએ? મારા ઘેર એક ગાય અને બે ઘેટાં છે. જો તને ઘાસ આપું તો એના માટે ઘાસ લેવા માટે મારે ઘણે દૂર જવું પડશે. અત્યારે મારી પાસે થોડું ઘણું લઈ જવા માટે છે એમાંથી તને હું કશું આપવા માગતો નથી. માટે મારો પીછો છોડ.’

એણે હાથ હલાવ્યો, ‘જા ભાઈ, જા.’ અને મૂછમાં હસ્યો. પણ બકરીવાળા બહેરા ભરવાડે તો કશું જ સાંભળ્યું નહોતું. એણે કહ્યું, ‘મારા મિત્ર, સંમત થવા બદલ આભાર. હું જઈને તરત જ પાછો આવું છું. ઈશ્વરના આશીર્વાદ તમારા ઉપર હજો, તેં મારા મનને શાંતિ આપી છે. દોડતો-દોડતો એ ગામમાં પહોંચ્યો અને પોતાના ઘેર જઈને જોયું તો તેની પત્ની તાવમાં પટકાયેલી હતી અને એક પડોશી બાઈ એની સંભાળ લઈ રહી હતી. ભરવાડ પોતાનું ભાથું લઈને ફરી ટેકરી ઉપર પહોંચી ગયો. એણે બકરીઓ ગણી લીધી. પૂરેપૂરી હતી, એક પણ આઘીપાછી થઈ નહોતી.’

પેલો ચારો વાઢવાવાળો તો હજી પોતાના કામમાં વ્યસ્ત હતો. ભરવાડ મનોમન બોલ્યો, ‘ચારો વાઢતો આ માણસ કેટલો ભલો કહેવાય. એણે બરાબર ધ્યાન રાખ્યું છે કે મારું એક પણ પશુ રખડતું-ભટકતું ક્યાંય ચાલ્યું ન જાય. મારે એની આ મહેરબાની બદલ એનો આભાર ન માનવો જોઈએ? મારી આ એક નાનકડી બકરીનો પગ આમેય ખરાબ છે. હું એ બકરી જ એને ભેટ આપી દઉં તો કેમ? બકરીને એણે ખભે નાખી અને પેલા તરફ ચાલવા માંડયું. નજીક પહોંચીને કહ્યું,’જો ભાઈ, હું નહોતો ત્યારે તેં મારી બકરીઓનું ધ્યાન રાખ્યું હતું એટલે હું તારા માટે આ ભેટ લાવ્યો છું. મારી કમનસીબ પત્નીને આજે તાવ આવ્યો છે, મને લાગે છે કે, મારો આટલો જ ખુલાસો પૂરતો છે.’

પરંતુ ચારો ભેગો કરતાં એ બહેરાએ, ભરવાડના કોઈ શબ્દો સાંભળ્યા નહોતા. એ ક્રોધથી બરાડયો, ‘નાલાયક માણસ, તું નહોતો ત્યારે મેં એ તરફ નજરેય કરી નથી. તારી બકરીનો પગ લંગડો થઈ જાય એમાં હું કઈ રીતે જવાબદાર ગણાઉં? હું તો મારો ચારો કાપવામાં રોકાયેલો હતો. એ કઈ રીતે બન્યું એની મને તો કાંઈ ખબર જ નથી. જતો રહે, નહીં તો મારે તને તગેડી મૂકવો પડશે.’

ભરવાડ પેલાને ખીજાયેલો જોઈને નવાઈ પામી રહ્યો હતો. ચારાવાળો નારાજ થઈને શું બોલતો હતો તે એ સાંભળી શકતો નહોતો પરંતુ એનો ક્રોધી ચહેરો જોઈને એને આશ્ચર્ય થતું હતું. એટલે બાજુમાંથી ઘોડા પર બેસીને પસાર થઈ રહેલા એક મુસાફરને તેણે મદદ માટે બોલાવ્યો.

‘મહેરબાન, માફ કરજો. પણ મને એ કહેશો કે ચારાવાળો ભાઈ શું કહે છે? હું કાને બહેરો છું. મને એ સમજાતું નથી કે હું આ બકરી એને ભેટ આપું છું, એનો એ ઉગ્ર થઈને કેમ અસ્વીકાર કરે છે?’

ભરવાડ અને ચારાવાળો, પોતપોતાની વાત બૂમબરાડા પાડીને પેલા ઘોડાવાળા મુસાફરને કરવા લાગ્યા. હવે, સાચી વાત એવી હતી કે એ એક ઘોડાચોર હતો અને પેલા બંનેની જેમ જ બહેરો હતો. એ કશું જ સાંભળતો નહોતો. ભૂલો પડી ગયો હતો એટલે જાણવા માગતો હતો કે આ કઈ જગ્યા છે,પોતે ક્યાં આવી પહોંચ્યો છે? પરંતુ જ્યારે તેણે પેલા બે જણને ગુસ્સે ભરાયેલા જોયા ત્યારે કહ્યું, ‘હા ભાઈઓ, હું કબૂલ કરું છું કે મેં ઘોડો ચોર્યો છે, પરંતુ હું જાણતો નહોતો કે એ તમારો હશે. મને માફ કરો. મેં કોઈક નબળી ક્ષણે લાલચમાં આવી જઈને આ અવિચારી કૃત્ય કરેલું છે!’

હવે, પેલો ચારાવાળો તાડૂક્યો, ‘બકરી લંગડી થઈ ગઈ એની સાથે મારે કાંઈ લાગતુંવળગતું નથી.’

બીજી તરફ બકરીવાળા ભરવાડે ઘોડાવાળાને વિનંતિ કરી, ‘એને પૂછો કે એ મારી ભેટ શા માટે સ્વીકારતો નથી. હું તો એની તરફના આદરના લીધે આ આપવા માગું છું.’

ચોરે કહ્યું, ‘મેં ઘોડો લઈ લીધો એ હું કબૂલ કરું છું. પણ હું બહેરો છું એટલે આ ઘોડો તમારા બેમાંથી કોની માલિકીનો છે, એ હું સાંભળી શકતો નથી.’

બરાબર એ જ વખતે એક ઉંમરલાયક દરવેશ નજરે પડયા. ધૂળિયા રસ્તે ગામ તરફ એ જઈ રહ્યા હતા. ચારાવાળો એમની પાસે દોડી ગયો. એમના ઝભ્ભાની ચાળ હળવેકથી ખેંચીને કહ્યું, ‘આદરણીય દરવેશ, હું એક બહેરો માણસ છું. આ બંને જે કહે છે એમાં ધડ-માથાની મને ખબર પડતી નથી. આપ આપના ડહાપણથી એ નક્કી કરી કહો કે એ બંને શા માટે બૂમબરાડા પાડે છે.’

પરંતુ દરવેશ મૂંગા હતા. એમને વાચા નહોતી એટલે જવાબ આપી શક્યા નહીં. પણ એમની નજીક જઈને ત્રણે બહેરાઓના ચહેરા તાકીને જોવા માંડયા. બહેરાઓએ બોલવાનું બંધ કરી દીધું.

દરવેશે પોતાની તીવ્ર અને વેધક દૃષ્ટિથી પહેલાં એકની સામે અને પછી બીજાની સામે જોયું. પેલાં બંને બેચેની અનુભવવા લાગ્યા.

દરવેશની ચમકદાર કાળી આંખો સાચી કડી મેળવવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા જાણે કે ત્રાટક કરવા લાગી. બધાં ફફડવા લાગ્યા. પોતે તંત્રવિદ્યાનો કે કોઈ કામણટૂમણનો ભોગ બની જશે એ બીકે ત્રણે ડરવા લાગ્યા.

અચાનક ચપળતાપૂર્વક કૂદીને ચોરે ઘોડા ઉપર સવારી કરી લીધી અને સડસડાટ ઘોડાને મારી મૂક્યો. ભરવાડે પોતાની બકરીઓને વાળવા માંડી. ભેગી કરીને ટેકરી ઉપર લઈ જવા માંડી. ચારાવાળો આંખો નીચી કરી, ચારાની ગાંસડી બાંધી, ખભે ચડાવીને ટેકરી પરથી પોતાના ઘર તરફ ચાલવા માંડયો.

દરવેશ પણ પોતાની સફરમાં ચાલી નીકળ્યા અને વિચારવા લાગ્યા કે, ક્યારેક વાચા પણ વાતચીત કરવા માટે કેટલું બિનઉપયોગી માધ્યમ થઈ જાય છે? જાણે કે, માણસને વાચા હોય જ નહીં!

સૂફીકથાઓ જુદાજુદા સંદર્ભમાં જુદીજુદી રીતે સમજાતી હોય છે. સામાન્ય વ્યક્તિ એમાંથી અમુક અર્થ તારવે છે તો વિદ્વાન જુદો અર્થ, વધારાનો અર્થ પણ તારવી શકે છે. શ્રદ્ધાવાન કે ભક્ત વળી જુદી જ રીતે એને સમજે છે અને એટલે જ, કદાચ એ વિશાળ સમુદાયને સ્પર્શી શકે છે.

અહીં એક અર્થ એવો છે કે બહેરાંઓ મૂંગા નથી છતાં એમની વાત એ સમજાવી શકતા નથી અને દરવેશ બહેરાં નથી છતાં પોતે મૂંગા હોવાના કારણે પોતાની વાતને સમજાવી શકતા નથી. જે બોલી શકે છે એમને કોઈ સાંભળનાર નથી અને જે સાંભળે છે એ બોલી શકતા નથી.

જિંદગીમાં પણ કદાચ એવું જ બને છે કે જે લોકોના લાભ-ફાયદા માટે આખી જિંદગી આક્રોશ કરતા રહે, બોલતા જ રહે પણ એમનું કોઈ સાંભળતા જ નથી, બહેરા કાને અથડાઈને બધું પાછું પડે છે. અને કેટલાક લોકો એવા હોય છે કે જે સાંભળે છે પણ પોતાની ગમે તેવી વાત, ઉપયોગી હોવા છતાં કહી શકતાં જ નથી એવા લોકોના મૌનથી લોકોને, સમાજને, રાજ્યને ઘણું નુકસાન થાય છે.

તમે પણ તમારી રીતે આ કથામાંથી કોઈ જુદો જ અર્થ તારવી શકો છો.

બુધવાર, 4 માર્ચ, 2020

દરિદ્રતા: અનિલ અને વિષ્ણુ

વીડિયો જોવામાં આ વાંચવાનું ના ભૂલતા!!
👇👇

દરિદ્રતા..??
કરુણા..??
દુઃખ..??
ખુશી..??
ભૂખ..??
અભાવ..??
બાળ મજુરી..??
ખાનાબદોશી..??
ગરીબી..??
મુફલિસી..??
ખુદદારી..??
ખુમારી..??
.
.
શું કહેશો આને?? આજે વોટ્સએપમાં ફરતું ફરતું આવ્યું..!

માનો કે આ બાળકો તમારી શાળામાં/વર્ગમાં હોય અને નિયમિત ન હોય તો તમે શું કરશો?? પહેલીવાત તો એ કે આ બાળકોને કઈ શાળા એડમિશન આપશે?.. ખાનગી કે સરકારી?? ખાનગી શાળાનાં "સ્માર્ટ" બાળકો યુનિફોર્મ માપનો ન હોય તોય શાળાએ ન જાય.. અને આની સરખામણીમાં સરકારી શાળામાં ભણતાં આવા હજારો બાળકો માં-બાપના અભાવમાં પણ હસીને વાત કરી શકતાં હોય તો આમાંથી તમે કોને વધુ જીંદાદીલ કહેશો?? "અક્ષરજ્ઞાન"ની સરખામણીમાં "સર્વાઇવલ અને જીંદાદિલી" નામના મૂલ્યશિક્ષણનું કોઈ મહત્વ જ નહીં??
લાખો-કરોડોમાં આળોટતા બાળકો ફિલ્મ-ટીવીમાં કલાને નામે મજુરી કરે અને આવા હજારો બાળકો જીવવા માટે કામ કરે.. તો ખરેખર બાળમજૂરી કઈ?? ..અને માનસિક બાલમજૂર કોણ?? કાલની એક પોસ્ટ પર એક સાહેબે કહ્યું, "અમે વહીવટી અને કન્ટેન્ટ બંને વિષયોમાં પાસ થઈને 'મોટાં સાહેબ' બન્યા છીએ! એટલે અમે શિક્ષણનાં જીવ તો છીએ જ!" 

"અરે ભલા માણસ.. મોટાં સાહેબ બનવા અને ચાઈલ્ડ સાયકોલોજી સમજવા 'થોથા' નહીં, 'સમય' ફાળવવો પડે- આવા બાળકોની સાથે બેસવાનો અને એમની સાથે વાત કરવાનો..!! એક જ દિવસ શાળામાં 'મિત્ર નહિં, પણ સાહેબ' થઈને આવો, અને એક વર્ગમાં માત્ર પંદર મિનિટ ફાળવો, એમાં તમે કોઈ બાળકને અમુક બાબત કેમ નથી આવડતી, અને શિક્ષકોએ કરેલાં પ્રયત્નોની આંકણી તમે નહિ કરી શકો! આ આંકણી કરવા 'કાન અને હદય' બંને જોઈએ, જે તમને મળેલી 'ડિગ્રી'ઓના ભારથી છેક નીચે દબાઈ ગયા છે!"

'બધ્ધાને બધ્ધુ આવડવું જ જોઈએ' એવી માનસિકતામાં રાચતા 'ભણેલાં સાહેબો'ને ચાઈલ્ડ-સાઇકોલોજીનું એટલુંયે જ્ઞાન નહિ હોય કે "ભૂખ્યા ભણવા જવાય ના ગોપાલા!!"

https://m.facebook.com/story.php?story_fbid=2698675243574021&id=100002947160151

ભારતીય શિક્ષણ પ્રણાલીને થપ્પડ મારતાં નાઝીમ અને દિલાવરખાં

"અલા.. નાઝીમ, તું અહીં ક્યાંથી?" નામ કદાચ ભુલાઈ ગયું હોય એટલે મેં કન્ફર્મ કરવા પૂછ્યું, "તારું નામ નાઝીમ જ ને??"

"હાં સર.." 
એનું નામ મને હજીયે યાદ છે, એ સાંભળીને એનાં ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ! એ ખુશ થતાં બોલ્યો, "મૈને નયા ફોન લિયા હૈ.."
*****

૨૦૧૩ માં મારાં વર્ગમાં હતો એ! બિચારો કોશિશ તો ઘણી કરે, પણ કાંઈ આવડે જ નહીં! ..પણ શાળાના તથા બહારના કામ પરફેક્ટ કરી જાણે!! પોતાની લંબાઈ પહોળાઈને કારણે વર્ગમાં બીજાં બાળકો કરતાં મોટો લાગે, પણ ખુશ મિજાજી! શાળાના એ વર્ષનાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં 'નન્હા મુન્ના રાહી હું..' ગીત પર બીજાં એનાં કરતાં ખરેખર નાના બાળકો સાથે એણે પરફોર્મ કર્યું, ત્યારે એની ખૂબ મસ્તી કરેલી, 'તું ક્યારથી નન્હો મુન્નો થઈ ગયો ભાઈ..??' 

ભણવામાં ભલીવાર નહીં થાય, એ બહુ જલ્દી સમજી ગયેલો! પરિણામે શાળામાંથી સર્ટી લઈ એ.સી. રીપેરીંગ શીખવા માંડેલો, અને હવે સ્ટીલ પાલિસનું કૈક કામ કરે છે.  રોજના ૪૦૦-૫૦૦ કમાય છે અને પરિવારને નાણાંકીય મદદ કરે છે, જ્યારે એની જ સાથેનાં બીજાં બાળકો હજુયે ભણવાના નામે રખડપટ્ટી કરતા હું જોઉં છું, ત્યારે ખરેખર હું મારી એ વાત પર વધુ દ્રઢ થતો જાઉં છું કે ભારતીય મૂળ શિક્ષણ પ્રણાલીમાં આ બાળક વધુ ફિટ બેસે છે! વધુ ભણેલો દરેક કામને નાના-મોટાની દ્રષ્ટિએ જોતો હોય છે, અને એવો અહમ પણ રાખતો હોય છે કે, "હું આટલો ભણેલો, આવું નિમ્ન કામ કરૂં?" પરિણામે બેરોજગાર બને છે! જ્યારે આ ટાઈપના દરેક લોકો, કે જેઓ ભલે વધુ ભણ્યા ના હોય પણ દરેક કામ/નોકરીનું માન જાળવે છે, પરિણામે એમને બેરોજગારી નડતી નથી! અને નાની ઉંમરમાં જ મેચ્યોરિટી સાથે વટથી જીવતા હોય છે! આ જ બાળક મારા વર્ગમાં હતો, ત્યારે 'પ્રિય બાળક' (૧૦૦ કરોડ શુક્રાણુઓમાંથી જે શુક્રાણુ સૌથી વધુ બળવાન હોય એ ઈશ્વરના આશીર્વાદથી બાળક બને છે, અને માત્ર અક્ષરજ્ઞાન ન આવડવાને કારણે શિક્ષણખાતું એને 'પ્રિય બાળક' એવું ઉપમાન આપીને ઈશ્વરનું અપમાન કરે છે!!) કહેવાતો!.. પણ હાલ આ જ બાળક વટથી મને કહેવા આવ્યો છે કે "જબ મેરી શાદી હોગી, તબ મૈં આપકો બુલાઊંગા!" આવા બાળકો આપણી ભારતીય શિક્ષણ પ્રણાલીને એક મોટી 'થપ્પડ' સમાન છે, કે જેઓ પોતાના કૌશલ્ય થકી મારી જેમ સરકારી નોકરી કરીને 'સોનાનાં પિંજરા'માં બંધ નથી રહ્યા!! 

મારી શાળામાં જ ભણતો દિલાવરખાં પણ આવી જ રીતે આપણી 'કારકુન પેદા કરતી શિક્ષણ પ્રણાલી'ને 'થપ્પડ' મારીને વટથી કાલુપુર શાકમાર્કેટમાં પોતાનો ધંધો જમાવીને પોતાનું કુટુંબ ચલાવી રહ્યો છે! હું જ્યારે જ્યારે શાકમાર્કેટમાં જઉં ત્યારે એની પાસેથી શાક લેવાનું ચૂકતો નથી! 'દિલાવરખાં' પોતાની જીભ કાપવાનો મદારીનો ખેલ કરતો! ..અને નાનપણથી જ પોતાની ૩ બહેનોની સાથે કુટુંબનું પણ પૂરું કરતો! હું આજેય એને 'જાદુગર' જ કહું છું, કેમ કે વર્ગમાં ઘણીવાર એ પોતાના મદારીના નાના નાના ખેલ કરી બીજા બાળકોને મોજ કરાવી દેતો! આવા લોકો કોઈનાય મોહતાજ નથી હોતા! બસ.. પોતાનું કુટુંબ એ જ એમની દુનિયા!

વીડિયો નીચેની લિન્કમાં👇👇

https://m.facebook.com/story.php?story_fbid=2719258251515720&id=100002947160151