https://m.facebook.com/story.php?story_fbid=3041425482632327&id=100002947160151
મદમસ્ત અભિમાની રાજા સિંહ જંગલમાં ફરી રહ્યો છે. રસ્તામાં એને હરણ મળ્યુ. એણે છાકટાઈથી હરણને પૂછ્યું, "એય હરણીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"
સાચબોલું હરણ સાચું બોલ્યુ, "હા રાજા.. તમે નિર્બળોનું લોહી ચુસો છો, એટલે તમારું મોં ગંધાય છે."
"હેં..?" સિંહ ગુસ્સે ભરાયો, "તું એક રાજાને એવું કહી રહ્યો છે કે 'તમારું મોં ગંધાય છે'??" ..આટલું બોલીને સિંહે પોતાનો પંજો ઉગામ્યો અને હરણને મારી નાંખ્યું!
દૂર બેઠેલાં ખંધા વાંદરાએ આ જોયું, અને રાજા એને કાંઈ પૂછે એ પહેલાં ત્યાંથી ભાગવા પગ ઉપાડે છે.. ત્યાં જ સિંહની ત્રાડ સંભળાઈ, "એય વાંદરીના.. ઉભો રહે!"
ફફડી ગયેલો વાંદરો ઉભો રહયો! મદમસ્ત રાજા સિંહ એની પાસે આવ્યો અને પૂછ્યું, "એય વાંદરીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"
હરણની હાલત જોઈને વાંદરાએ ખોટું બોલવાનું વિચાર્યું, "ના રાજાજી.. તમે તો રાજા કહેવાવ.. તમારું મોં થોડું ગંધાય?? તમારા મોં માંથી તો સરસ સુગંધ આવે છે."
"હેં..?" સિંહ ગુસ્સે ભરાયો, "હું રોજ નિર્બળ પ્રજાજનોનું લોહી પીવું છું, અને 'મારું મોં ગંધાતુ નથી' એવું બોલીને એક રાજાની સામે તું જુઠ્ઠું બોલે છે??" આટલું બોલીને સિંહે ફરી પોતાનો શક્તિશાળી પંજો ઉગામ્યો અને વાંદરાને મારી નાંખ્યો!
હવે, સસલાનો વારો હતો..! એ જ ઉદ્ધતાઈથી અને એ જ અભિમાનથી રાજા સિંહે સસલાને પૂછ્યું, "એય સસલીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"
હરણ અને વાંદરાની જે હાલત થઈ એ નજર સામે હોવાથી ચતુર સસલાએ જવાબ આપ્યો, "માફ કરશો.. રાજાજી.. મને સખત શરદી થઈ છે. મારું નાક બંધ છે માટે હું ચોક્કસપણે એવું નથી કહી શકતો કે તમારું મોં ગંધાય છે કે નહિ?"
સસલાના આવા જવાબથી રાજા મૂંઝાયો અને કહ્યું, "તારું નાક બંધ છે, એટલે તને જવા દઉં છું."
સસલું જીવ બચાવીને ભાગ્યું!
*************
ઘણાં હરણાં જેવા છે, જે સાચું બોલીને જીવ ગુમાવે છે, નોકરી છોડે છે! ઘણાં વાંદરા જેવાં ગુંડાઓ છે, જે ડરે છે કે ક્યાંક રાજાની સત્યતા બહાર આવી ગઈ તો રાજા એને નહિ છોડે! ઘણાં સસલાં જેવાં છે, જે પોતાનું ઘર-કુટુંબ રખડી ન પડે એટલે ખોટાં બહાના કરીને તલવા ચાટીને પણ નોકરી કરે છે અને તક મળતાં જ છટકી જાય છે!
સસલું આ જ નીતિને કારણે જીવતું રહ્યું! સાચાબોલા હરણો મરી રહ્યાં છે! ગુંડા વાંદરાઓ ડરે છે કે રાજાનું 'અસત્ય' બહાર ન આવી જાય! સસલું ધારે તો હરણનો સાથ આપીને 'સત્ય'નું પલડું ભારે કરીને રાજાની ઉદ્ધતાઈને મ્હાત આપી શકે એમ છે, પણ એ એવું નથી કરતો.. કારણ કે એનાં જીવનનો એક જ ધ્યેય છે, 'બીજાનું જે થવું હોય એ થાય, આપણે આપણું કરો.'
સસલાની આ જ નીતિને કારણે રાજા મદમસ્ત બન્યો છે. જંગલરાજ બન્યું છે. નીતિ-નિયમો, કાનૂન બધું નિર્બળોને લાગુ પડે છે. ચાટુકારોનો વાળ પણ વાંકો થતો નથી.
************
...ઉપરની વાર્તા હજુ અધૂરી છે, મેરે દોસ્ત!
રાજાની ખુશામતખોરી કરીને જીવી રહેલાં સસલાઓ ઈચ્છે છે કે હવે આ રાજા મરે તો સારું! ..પણ, રાજાનો વિરોધ કરવામાં પોતાનું ઘર પરિવાર રખડી પડે, એ ડરથી સસલાઓ બહાનેબાજ અને ચોર બન્યાં છે! મદમસ્ત થયેલો સિંહ આખા જંગલનાં નિર્બળ પ્રાણીઓને વિના કારણ ઘમરોળી રહ્યો છે! જંગલનાં હાથીને આની ખબર પડતાં એ નક્કી કરે છે કે હવે મદમસ્ત સિંહને ઠમઠોરવો રહ્યો! ..અને એ સિંહનાં રોજિંદા રસ્તે ઉભો રહી જાય છે.
'બેફામ' સિંહ પોતાનાં રસ્તા પર હાથીને ઉભેલો જોઈ તાડૂકે છે, "એય હાથીડાં.. અહીં આવ.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"
હાથીએ સિંહને કોઈ ભાવ ન આપ્યો! એટલે સિંહ ગર્જ્યો, "એય હાથણીના.. બહેરો થઈ ગયો છે કે શું? અહીં આવ.. જો.. મારું મોઢું ગંધાય છે કે નહીં??"
હાથીએ કોઈ જ જવાબ ન આપ્યો, એટલે સિંહે ગુસ્સામાં ગર્જના કરી, અને હાથીને મારવા પંજો ઉગામ્યો..
ત્યાં તો..
હાથીએ જ ત્વરાથી સિંહને એની સૂંઢમાં પકડીને એવો ફેરવ્યો.. એવો ફેરવ્યો.. અને ફેરવીને એટલો દૂર ફેંકી દીધો કે એની પીદુડી બહાર નીકળી ગઈ!
ધૂળમાં રગડોળાયેલો સિંહ માંડ માંડ ઉભો થયો, અને ધૂળ ખંખેરતા કહ્યું, "હાથીભાઈ.. તમારે નહોતું બોલવું તો ના પાડવી'તી, પણ આમ ઉછાળીને ફેંકાય તો નહિ ને??"
સિંહની આવી હાલત જોઈને ખુશ થયેલાં સસલાઓમાં જોમ આવ્યું. એમણે હાથીને રાજા બનવા કહ્યું! ..પણ હાથીએ સસલાઓને કહ્યું, "આ જ કામ જંગલનાં દરેક પ્રાણીઓ ભેગાં મળીને કરી શક્યા હોત! ..પણ તમે નાત-જાત અને સ્વાર્થનાં વાડામાંથી બહાર નીકળો તો કરો ને?? હરણની હાલત જોઈને શિયાળ વિચારે છે કે 'હાશ! હું બચી ગયું!' વાંદરાની હાલત જોઈને મોર પોતે બચી ગયાની ખુશી મનાવે છે! સસલું બચી ગયું એટલે હરણ અને વાંદરા દુઃખી થાય છે! મારા રાજા બન્યા પછી તમે આવું નહિ કરો એની શી ગેરંટી??"
હાથીના આ સવાલનો સસલાઓ પાસે કોઈ જવાબ નહોતો.. એટલે એ ત્યાંથી જતાં રહ્યા!
...અને 'મરી-મરીને જીવવા માટે' અને માત્ર પોતાનું કુટુંબ બરાબર ચાલે એ માટે સિંહના 'નોકર' બનીને નોકરી કરવા માંડ્યા!! ચૂપચાપ.. કોઈપણ જાતનાં વિરોધ વગર..!!
જેઓ આ મદમસ્ત સિંહને ઠમઠોરી શકે એમ છે, એવાં હાથીઓ રાજા બનવા તૈયાર નથી! સિંહ હાથીને હેરાન કરતો નથી, એટલે હાથીને સિંહનું શાસન બરાબર લાગે છે! સિંહ મદમસ્ત થયો છે એમાં જેટલો વાંક સસલાઓનો છે, એટલો જ હાથીનો પણ છે! 'મરો' તો બિચારા ગરીબ અને નિર્બળ જાનવરોનો થયો છે.. કે જેઓના ઘરમાં જ હાંડલા કુશતી કરતાં હોય ત્યાં શું સિંહનો વિરોધ કરવા નીકળે??
***********
વર્ષ ૨૦૧૫ માં સી.આર.સી.કો.ઓ. તરીકે હતો, ત્યારે શૈક્ષણિક કાર્ય સિવાયના વધારાનાં કામોને લઈને જ્યારે એક સાચા શિક્ષકની ફરિયાદ સાંભળેલી ત્યારે ખૂબ જ વ્યથિત થયેલો! મારા માનસિક દુઃખનો ઉભરો ઠાલવવા મારા ગુરૂ પદે જેમને ગણું છું (..હાલ એચ.ટાટ આચાર્ય છે!) એમની પાસે ગયો અને બધી વાત કરી! એમણે મારા મનનું સમાધાન કરવા ભગવદગીતાનો એક પ્રસંગ કહ્યો..
અર્જુન પોતાનાં જ કુટુંબીજનોને યુદ્ધમાં નહિ મારવાનું કહી જ્યારે શસ્ત્રો હેઠાં મૂકી દે છે, ત્યારે કૃષ્ણ એને સમજાવતા કહે છે કે, "જેમને તું જીવતા સમજે છે એ.. આ તારા કુટુંબીજનો.. વાસ્તવમાં તો મરેલા જ છે! એમને નહિ મારીને તું શું કામ અધર્મ આચરી રહ્યો છે? જો તું એમને નહિ મારે, તો કોઈ બીજું એમને મારીને યશ પામશે, માટે તું જ આ યશ અને કીર્તિ ભોગવ, યુદ્ધ કર."
"મતલબ..?" મેં પૂછ્યું.
મારા ગુરુ મિત્રે કહ્યું, "મતલબ કે.. જેમનું શોષણ થવાનું લખ્યું જ છે, એ કોઈ પણ ભોગે શોષિત થશે જ!! 'આ' એમનું શોષણ કરીને યશ અને કીર્તિ નહિ મેળવે, તો 'પેલો' એમનું શોષણ કરીને યશ અને કીર્તિ મેળવશે! એટલે.. 'આ'-શિક્ષકોનાં કુટુંબીજન જ- શિક્ષકોનું શોષણ કરીને કીર્તિ અને યશ બંને ભોગવી રહ્યા છે."
**********
મને ખબર નહિ, આ કોઈ સમજી શકશે કે કેમ? પણ હવે.. શિક્ષકોને જે કામ સોંપાવાનું છે, એ વોટ્સએપમાં વાંચીને ઉપરનો પાંચ વર્ષ પહેલાનો કિસ્સો યાદ આવી ગયો! શિક્ષકના 'કુટુંબીજનો' જ શિક્ષકનું શોષણ કરીને યશ અને કીર્તિ બંને ભોગવી રહ્યા છે, કારણ કે.. જે 'ભીષ્મ' અને 'દ્રોણાચાર્ય' જેવાં કુટુંબીજન- આ શોષણ અટકાવવાની શક્તિ રાખે છે.. એ બધાં 'ગુડબુક'માં રહેવા ચૂપ થઈ ગયા છે!
**********
"રંગ દે બસંતી" મુવી આજેય સ્મૃતિપટલ પર ચહેકી રહ્યું છે:
"जिंदगी जीने के दो ही तरीके होते है.. एक.. जो हो रहा है होने दो.. बर्दाश्त करते जाओ.. या फिर.. जिम्मेदारी उठाओ उसे बदलनेकी.."