રવિવાર, 20 નવેમ્બર, 2011

ગુણોત્સવ કે ગુનોત્સવ??

ગુણોત્સવ કે ગુનોત્સવ?? 

@@@@@

"તમે માનશો? મેં નક્કી કરેલું કે, વેકેશન પછીના પંદર દિવસ સુધી મારા વર્ગના છોકરાઓને, જે એમને ભણવું છે, એ હું ભણાવીશ.... પણ હવે લાગે છે કે એમ નહિ થાય!!"

મારા સ્ટાફ(અને અંગત)મિત્ર ભરત પરમારે થોડી નિરાશાથી કહ્યું, અને એ સાથે જ મને હસવું આવી ગયું...!!

@@@@@

શનિવારે શિક્ષક મીટીંગ હતી, અને ન જાણે કેમ? મેં દરેક શિક્ષકના ચહેરા પર એક અજાણ્યો ભય જોયો, જે ખરેખર તો ના જ હોવો જોઈંએ.......

"આ વખતે ગુણોત્સવમાં ૭૦% કન્ટેન્ટ અને ૩૦% બીજી વસ્તુઓમાંથી મૂલ્યાંકન થવાનું છે."
-- ઉપરનું વિધાન રૂરલ (કે બેકવર્ડ) વિસ્તારની શાળાઓમાં નોકરી(?) કરતા લગભગ દરેક શિક્ષકને ગભરાવી મુકે એમ છે, અને એમાં પણ ત્યારે તો ખાસ કે જ્યારે તે પ્રાયમરી (લેવલનો!!!) શિક્ષક હોય....

@@@@@

પર્સનલ વ્યુ:

ગુણ+ ઉત્સવ = ગુણોત્સવ... બાળક ઉંમર વધવાની સાથે, જે ગુણો(મૂલ્યો)ને, પોતાની આસપાસના  વાતાવરણ, સમાજ, માતાપિતા અને શિક્ષકોમાંથી શીખ્યો છે, તેને ઓળખવાની પ્રક્રિયા એટલે જ (...હું માનું છું એ!)  ગુણોત્સવ..!!!  આખરે એ ગુણો થકી જ તો બાળક પોતાનું આવનારું જીવન જીવવાનો છે... જો એ સારા ગુણો શીખ્યો હશે તો સારું જીવન (..અહી પણ પ્રશ્નાર્થચિન્હ મુકવું પડે એમ છે!) જીવશે, નહીતર નહિ!!

શિક્ષક તરીકેના મારા ૭ વર્ષના અનુભવમાંથી મેં જોયું છે,,, ઘણા બાળકોની યાદશક્તિ સારી હોય છે,(જેને આપણે હોશિયાર કહીએ છીએ!!) અને ઘણાની સમજશક્તિ!!(મધ્યમ અથવા નબળો!!) ઘણા સારું લખી-બોલી શકે છે, તો ઘણા સારું રમે છે! ઘણા સારી લીડરશીપ કરી શકે છે, તો ઘણા સારી ખેતી!! ઘણા સારું ગાય છે, તો ઘણા સારું મૌન પાળે છે!! મેં એવા બાળકો પણ જોયા છે, જે હોશિયાર હોઈ, ઘમંડમાં વડીલોને પણ ઉતારી પાડે છે, અને એવા ઠોઠ નિશાળિયા પણ જોયા છે, જે દરરોજ સાહેબનો માર ખાતા હોવા છતાપણ તેમને માન આપવાનું ચૂકતા નથી!! મેં અનુભવ્યું છે કે દરેકમાં એક સ્પાર્ક હોય છે, તો શું તે સ્પાર્કનું મૂલ્ય... જે તે ધોરણના પુસ્તકિયા(..કે ગોખણીયા??) જ્ઞાનના મૂલ્ય કરતા ઓછું કીમતી છે?? આ વાત સમજી શકનાર શિક્ષક (..અને સરવાળે બાળક પણ) ગુણોત્સવ ગ્રેડેશનમાં નીચલા ગ્રેડ મેળવે છે... કારણ કે તેઓ વિષયવસ્તુના ૭૦% સુધી પહોચી શક્યા નથી!! આપણે દરેકે આ અનુભવેલું છે કે કેટલાક લોકો એવા હોય છે કે જેઓં અમુક ધોરણ સુધી સાવ ઠોઠ હોય છે, અને પછી... ના જાણે તેમનામાં શું પરિવર્તન આવી જાય છે કે તેઓ અત્યંત હોશિયાર વ્યક્તિ તરીકે ઉભરી આવે છે!!! ..તો શું તેમની આવી શક્તિઓને આમ ટકાવારીમાં વિભાજીત કરી દેવાની?? ..મારો કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે કોઈ બાળકની વિશિષ્ટ શક્તિઓને ઓળખીને પણ એવું કેવી રીતે ભાખી શકીએ કે.. આ હોશિયાર, મધ્યમ કે ઠોઠ છે???

ખરેખર તો એક શિક્ષક(=માતાપિતા=સમાજ) તરીકે આપણે બાળકના સ્પાર્કને ઓળખીને, તેના સારથિ બનવાનું છે... નહિ કે,, આપણો કક્કો ઘૂટાવીને (ભણાવી નાખીને!!) તેના સ્વતંત્ર વિચારોને બાંધી નાંખનાર જેલર!!! ...અને ખાસ બીજું એ કે, બાળકના ગુણોનો ઉત્સવ કરવો એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, નહિ કે.. શાળાદીઠ એક દિવસનો કાર્યક્રમ!!

@@@@@

ગુણોત્સવ એ અમુક શાળાઓ દીઠ એક દિવસનો એવો કાર્યક્રમ છે, કે જેમાં ઉચ્ચકક્ષાએથી એક એવા અધિકારી, પોતાના લાઈઝન અધિકારી સાથે આવે છે કે જેઓ એક દિવસમાં જ બાળકમાં કયા ગુણોનો વિકાસ થયો છે તે ચકાસી લે છે!!(...પછી ભલે બાળક ઘણું બધું જાણતું હોવા છતાંપણ અજાણ્યા અધિકારીઓની સામે શરમમાં કશું બોલે કે નહિ..) ...અને તેમાંપણ જો આવનાર અધિકારી શું કરવાનું છે,, તે ના સમજી શકે તો  લાઈઝન અધિકારી(સ્થાનિક સી.આર.સી.કો.ઓ.) જ તેમનું બધ્ધું (કાગળ)કામ(!!) પણ પૂરું કરી નાખે છે..!! વર્ગમાં બેઠેલા બાળકોની એક દિવસ પુરતી જગ્યાઓ બદલાવાય છે,, સંયમી શિક્ષકો કામ કરવા લાગી જાય છે,, નાના ભૂલકાઓ પણ પોતાની પ્રકૃતિ ભૂલીને શાંત અને શિસ્ત-બદ્ધ બની જાય છે,, વર્ગોમાં શાંતિ છવાઈ જાય છે,, શાળાઓ સ્વચ્છ અને મેદાનો સુઘડ દેખાય છે,, રીશેષમાં બાળકોનો અવાજ રોજ કરતા ધીમો ધીમો આવે છે,, અને આ એક દિવસ માટે શાળા, શાળા મટીને બાળકોનું શાંતિ-ઘર બની જાય છે!!....... અને સાંજે પાચ વાગે જેવા એ અધિકારી જાય છે કે તરત જ એ શાંતિ-ઘર પાછી શાળા બની જાય છે...!!  

શાળા એ જીવતું ખંડેર છે, જો એમાં એક દિવસ માટે પણ બાળક પોતાની પ્રકૃતિ ભૂલતું હોય તો..!!

@@@@@

સ્વામી વિવેકાનંદનું લખાણ મેં ક્યાય વાંચેલું, જેનું અર્થગ્રહણ મેં આમ કરેલું, "જો વ્યક્તિ પોતાના કાર્યને પ્રેમ કરતો હશે, તો ક્યારેય તેના પ્રત્યે ભયભીત નહિ થાય,, પણ જો એમ નહિ હોય તો સૌથી વધુ ભયભીત તે જ હશે."

શ્રી વેળાકોટ પ્રા. શાળા, તા.ઉના, જી. જુનાગઢ.... લખનાર આ નિશાળમાં શિક્ષક છે,, અને વાતો સંભળાય છે કે આ ગુણોત્સવમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમારી નિશાળના રૂટ ઉપર છે, મનમાં થોડી શંકા-કુશંકાઓ ચોક્કસ છે,, પણ અત્યારથી નક્કી કરી લીધું છે કે હું મારા વર્ગના બાળકોની સ્વાભાવિક પ્રકૃતિને એક સેકંડ માટે પણ ભૂલવા નહિ દઉં,,.. કે તેમને તેમના સ્વભાવથી વિરુદ્ધ અટકાવીશ પણ નહિ.

@@@@@

આ લખું છું એ દરમિયાન...

અમારા મકાનમાલિકનો  દીકરો પણ મારી જેમ પ્રાઈમરી શિક્ષક જ છે. રવિવાર હોઈ પોતાના ઘરે આવ્યો, અને સાથે સાથે પોતાની નિશાળમાં હાલમાંજ પૂર્ણ થયેલી છ-માસિક પરીક્ષાના ધો.૬-૭-૮ ના વિદ્યાર્થીઓએ લખેલા જવાબ પેપરો પણ લઈ આવ્યો.. આવતાની સાથે જ તેને બાજુમાં રહેતા ધો.૫ માં ભણતા છોકરાને બોલાવીને સાચા જવાબ લખેલું પેપર આપીને  કહ્યું, "આ જવાબો જોઇને બાકીના પેપરોમાં ખરાબ અક્ષરે બધા જવાબો લખી નાખ, લખાઈ જાય એટલે મારી પાસેથી ૫ રૂપિયા લેતો જજે."

અમારા મકાનમાલિક કહે છે કે અમે તેને ....લાખ રૂપિયા ખર્ચીને આટલું ભણાવ્યો છે..!! કેમિસ્ટ્રી(..કે  મિસ્ટ્રી??) માં માસ્ટર થઇ માસ્તર બનેલ દીકરાની બીજી ઈચ્છા છે કે માસ્તરાણી સાથે પરણવું, કે જેથી કરીને પેપરો તપાસવામાં (..કે લખવામાં) એ તેની મદદ કરે,, કમસે કમ આ ૫ રૂપિયા તો બચી જાય!! (..તેની પહેલી ઈચ્છા માસ્તર બનવાની હતી!!)

@@@@@

મારે મન ખરો ગુણોત્સવ એ જ હોવો જોઈએ,, જેમાં બાળકે વિકસાવેલા જીવનઘડતરના મૂલ્યોનું મહત્વ વધારે હોય, નહિ કે માત્ર શિક્ષક(=માતાપિતા=સમાજ) ધ્વારા બાળકને,,,... પોતાની મોજે રહીને નહિ પણ ધરાર,,,... ગુણોત્સવ આવતો હોવાથી દસ-વીસ વાર લખવા આપીને, ગોખાવીને કે પછી વંચાવીને, માંડ માંડ વાંચતા લખતા શીખેલું બાળક!! ...કારણ કે નાનપણથી જ ડરતા શીખેલું બાળક, મોટું થયા પછી, જેટલું વધારે ભણેલું હશે એટલું જ વધારે ડરતા શીખે છે!!

@@@@@

રવિવાર, 13 નવેમ્બર, 2011

અલૌકિક અને અતુલ્ય!!

અલૌકિક અને અતુલ્ય!!

MAGNIFICENT DESOLATION  અને  T-REX!!

@@@@@

વર્ષ ૨૦૦૨.

અમદાવાદમાં સાયન્સ-સીટીનું ઉદ્ઘાટન થયું!! મનમાં તેનું ચિત્ર રજુ થતું હતું- ન જાણે એ કેવું હશે? કદાચ એવું કે,, એકવાર અંદર ઘુસ્યા પછી હેરી પોટરની જેમ જાદુઈ નગરીમાં ખોવાઈ જવાનું હશે!! (એક પર્સનલ વ્યુ:- બાપુનગર ગુજ. શાળા નં. ૯ માં વિજ્ઞાન ભણતી વખતે અમારા શિક્ષકે જો તેને પ્રેક્ટીકલી ભણાવ્યો હોત તો હું આ વિષયને થીયરીકલ સમજીને બોરિંગ ના ગણાતો હોત!!)વિજ્ઞાનના અવનવા આશ્ચર્યો ઉપરાંત ક્યારેય ના જોયેલા પ્રયોગો!! ...અને આ બધાથી વિશેષ: 3D આઈમેક્ષ થીએટર!!

હું હંમેશાથી ફિલ્મો જોવાનો વારસાગત કીડો રહ્યો છું. (પપ્પાને એકવાર પૂછયુ હતું  કે તમે કેટલા પિકચરો જોતા? તો જવાબમાં તેમણે કહેલું, "બઉ નહોતો જોતો, બસ અઠવાડિયામાં ૫-૬ દિવસ જ જોતો!!) એટલે સાયન્સ સિટીમાં સૌથી વધુ આકર્ષણ તો 3D આઈમેક્ષ થીએટરનું જ હતું. હમેશા વિચારતો,, 3D ફિલ્મો કેવી હોતી હશે?


@@@@@


વર્ષ ૨૦૧૧


નવ વર્ષના અંતે છેક મુહુર્ત આવ્યું, અને હું સાયન્સ સિટીમાં પ્રવેશ્યો...

..મનમાં જેટલા પણ ચિત્રો હતા, એ બધ્ધાં જ ભાંગીને ભુક્કો થઇ ગયા..!! અફસોસ,,  હું કોઈ જાદુઈ નગરીમાં નહોતો!  થ્રિલ રાઇડમાં થ્રિલ નહોતું, અને સાયન્સ શોપમાં કોઈ સાયન્ટીફીક વસ્તુઓ જ નહોતી! (શક્ય છે કે મનમાં સાયન્સ સીટીનું જે ચિત્ર હતું એ કઈક વધારે જ અપેક્ષાવાળું  હતું. શરૂઆતમાં એવું કશુપણ અજાયબ જોવા જ ન મળ્યું, હું ત્યાં સાયન્ટીફીક જાદુઈ નગરી જોવા ગયો હતો, સુંદર જોગીંગ નગરી નહિ !! તેથી વધારે મહેનત કરવા કરતા હું સીધો જ 3D આઈમેક્ષ થીએટર તરફ વળી ગયો!!........ )

@@@@@

MAGNIFICENT DESOLATION  મતલબ  ભવ્ય વિરાનગી !! (Walking on the moon)


ચંદ્ર ઉપર ઉતરતી વખતે રાખવાની થતી દરેક કાળજી મેં કરી છે. મારો સ્પેસશૂટ પણ મેં પહેરી લીધો છે, હવાનું દબાણ પણ બરાબર છે, બધ્ધી જ ગણતરીઓ યોગ્ય છે, અને હવે હું મારા એપોલો યાનનો દરવાજો ખોલી રહ્યો છું,..... હૃદય એક થડકારો ચુક્યું, અને.....  આપણા ચાંદામામાની ભવ્ય વિરાનગી મારી નજર સામે જ હતી!! .....મેં ચાંદામામાને હરાવી દીધા અને તેમની ઉપર વિજયી સ્મિત કરીને મારો પગ મુક્યો!!.....

જો હું ચંદ્ર ઉપર ભૂલો પડી જાઉં તો...??? ...ત્યાંથી પૃથ્વીને જોઇને હું...,, મારું કુટુંબ, મારો પરિવાર, મારો સમાજ કે મારા દેશ કરતા બુમો પાડું,,... "મારી પ્રુથ્વીઈઈ......."

ધરતીને વેડ્ફનારા પ્રત્યેક લોકો જો એ વિરાનગીમાં ભૂલા પડી જાયને તો.. આપોઆપ એમને પૃથ્વીની કિંમત સમજાઈ જાય!!..

અવકાશમાં જઈને મૃત્યુને ભેટેલા અવકાશયાત્રીઓના જ્યારે નામ અને ફોટા બતાવ્યા ત્યારે મારી નજર તેમાં કલ્પના ચાવલાને શોધતી હતી!!

3D એટલે શું? એ હું સમજી ગયો છું.!! એ એક એવું મૃગજળ છે, કે જે આપણાથી એક જ ઇંચ દુર હોવા છતાં તેને પકડી શકાતું નથી,, છતાય આપણી તરસ છીપાઈ જાય છે!! તેની સામે D2h  કનેક્શનવાળું ક્લીયર ચિત્ર પણ ઝાંખું લાગે છે!!

@@@@@

T-rex  મતલબ ટાઈનૌસૌરસ રેક્સ!!


જો આપણે સાડા ૬ કરોડ વર્ષ પહેલા.. અચાનક પહોંચી જઈએ તો...?? ડાયનોસૌરસના યુગનો સાવજ- ટાઈનૌસૌરસ રેક્સ,, આપણાથી માત્ર બે ઇંચ દુરથી ગર્જના કરે તો..?? (..અને એ પણ એટલું દુરથી કે આપણે તેના મોઢામાંના દાંત પણ ક્લીઅર્લી ગણી શકીએ!!) આપણી નજર પણ ટૂંકી પડે એવા પડછંદ વૃક્ષોથી ઘેરાયલા જંગલમાં જો આપણે એકલા ખોવાઈ ગયા હોઈએ તો..??...

આ બધ્ધા જ સવાલોના જવાબ મને T-rex માંથી મળી ગયા!!

હું આજે પણ એ દ્રશ્યો ભૂલી શક્યો નથી!!.......

@@@@@

આ ફિલ્મો જોતી વખતે ખબર નહિ કેમ પણ હું જાણે ટ્રાન્સમાં પહોચી ગયો હતો...!! ઘણીવાર  આપણે  સાવ નાનીનાની ક્ષુલ્લક વાતોમાં ખોવાયેલા હોઈએ છીએ, અને સાયન્સ આપણી કલ્પના બહાર કેટલું બધું આગળ નીકળી જતું હોય છે!! સાયન્સ સિટીમાંથી હું આજ વાત શીખ્યો છું....



  








શનિવાર, 12 નવેમ્બર, 2011

"હું હજુયે કહું છું, છોકરાઓને પરીક્ષામાં બતાવી દેવાનું બંધ કરી દેવું જોઈએ."

થોડા દિવસ પહેલા....

મારું નામ યજ્ઞેશ છે, અને હું છેલ્લા સાડા ચાર વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. અનુભવો તો ઘણા બધા છે, પણ આજથી જ લખવાનું શરુ કરું છું...

સાડા ત્રણ વર્ષ પહેલા બનેલા પ્રસંગોથી વાતની શરૂઆત કરું છું...

@@@

"હું હજુયે કહું છું, છોકરાઓને પરીક્ષામાં બતાવી દેવાનું બંધ કરી દેવું જોઈએ." મેં દલીલ કરી.

"...પણ એનાથી થશે શું?" મારા કરતા સીનીયર એવા એક શિક્ષકે વળતો સવાલ કર્યો.

હું થોડીવાર સુધી એમની સામે જોઈ રહ્યો, પછી કહ્યું, "જસ્ટ વિચારો, એક બાળક ઘરેથી તૈયારી કરીને નિશાળે પરીક્ષા આપવા આવે છે. પ્રશ્નપેપરમાં એક ખાલી જગ્યાના ત્રણ ઓપ્શનમાંથી તે, સાહેબે શીખવાડેલું અને વાંચેલું યાદ કરીને એક ઓપ્શન પસંદ કરે છે, અને જ્વાબવહીમાં પૂર્ણ આત્મવિશ્વાસથી તે લખે છે! અચાનક જ... એક શિક્ષક પરીક્ષાખંડમાં પ્રવેશે છે, અને ઝટકાથી તેણે લખેલો જવાબ જોઇને કહે છે, "આ નહિ...  પણ આ  જવાબ સાચો છે, એ લખી નાંખ...!! એ તો બાળક છે, શું ખોટું શું સાચું, એનું એને તો ભાન નથી..એ તો તમે કીધું તે તરત જ લખી નાંખશે..  પણ એક શિક્ષક તરીકે તમે ક્યારેય વિચાર્યું છે, એ બાળકની નિર્ણયશક્તિનું શું થયું હશે?? એ ભફ.. દઈને છેક ઉપરથી નીચે એવી રીતે પછડાઈ હશે કે પછી ક્યારેય ઉભી જ નહિ થઈ શકે !!.."

મેં આવું કહ્યું  તેથી ખબર નહિ કેમ? ..પણ એ સાહેબને હસવું  આવ્યું. તેને કહ્યું, " જો આપણે તેને નહિ લખાવીએ તો આપણે, ડાબા હાથે એ લખવું પડશે. એના કરતા તો એ સારું નહિ,  કે આપણે જ એમને લખવી દઈએ. આપણું કામ તો ઘટી જાય ને?"

...અને હું આગળ વધુ  ન બોલી શક્યો.

@@@

"તું આખો દિવસ અહી જ બેઠો રહે છે અને રમતો રહે છે, એના કરતા ઘરે જઈને કૈક વાંચને..કાલે સામાજિક વિજ્ઞાનનું પેપર છે ને?.." ....ધોરણ ૬ માં ભણતા જાદવને મે કહ્યું. (હું જે ગામમાં શિક્ષક છું, તે એક પછાત ગામ છે, પરિણામે ત્યાં, સ્થાનિક કોઈ જ શિક્ષક રહેતું નથી.., પણ ૨૫૦૦ રૂ/- માં ઘરખર્ચ પણ નીકળી ના શકતા, હું દસેક મહિના જેટલો સમય ગામની નિશાળમાં જ રહી ચુક્યો છું. ઉપરોક્ત સંવાદ આ દરમિયાન થયેલો.)

"સાહેબ બધું બતાવી તો દે જ છે, પછી વાંચવાની ક્યાં જરૂર જ છે??.." જાદવના આવા બિન્દાસ જવાબથી હું તો ડઘાઈ જ ગયો!!


...અને  ખરેખર બીજા દિવસે, પરીક્ષા હતી એ વિષયના શિક્ષકે ૪૦ ગુણના બધા જ પ્રશ્નોના જવાબ, છોકરાઓને સાચ્ચે જ બતાવી દીધેલા, અને બાકીના પ્રશ્નોના જવાબ માટે 'ઓંપન બુક એક્ઝામ' નું બહાનું કરીને, છોકરાઓને પુસ્તકો પણ આપી દીધા હતા!

@@@



મોટા ધોરણમાં ભણાવતી વખતે જયારે પણ તક મળતી ત્યારે હું બાળકોને હમેશા, પરીક્ષામાં આવડે તેવું, પણ જાતે જ લખવાનું કહેતો. જો કોઈ શિક્ષક પરીક્ષામાં બતાવે, તો પણ પોતાને આવડે તેવું લખવાનું કહેતો... શિક્ષકોને તો કહેવું જ વ્યર્થ હતું. (મારા પાકા શિક્ષક મિત્રે પણ અનુભવ્યું હતું કે બતાવ્યા વગર પણ બાળકો પાસીંગ ગુણ તો મેળવી જ લે છે. તેમણે એ પણ અનુભવ્યું હતું કે પરિણામે બાળકો ભણવામાં વધુ ધ્યાન આપતા થયા હતા. )મને યાદ છે,, કદાચ  ૨% બાળકો જ જાતે લખતા!! (..અને હોશિયાર હોવા છતાં હોવા જોઈએ તેના કરતા ઓછા ગુણ મેળવતા!)

મારા સ્ટાફ મિત્રોમાં, હું મારા વિચારોને કારણે બહુ ભળી શકતો નહોતો,, તેથી અમારા આચાર્યને મે પહેલું ધોરણ મને આપવા કહ્યું... અને તે મંજુર થયું!! આજે છેલ્લા બે વર્ષથી હું પહેલું ધોરણ ભણાવું  છું, અને એ નાના ભૂલકાઓ મને ગમે તેવી સ્થિતિમાં પણ ખુશ કેમ રહેવું, તે શીખવાડે છે!!


@@@


મને આ લખવા માટે પ્રેરિત કરતો પ્રસંગ એક માસ અગાઉ બની ગયો...


બે વર્ષ પહેલા મારા વર્ગ (ધો.૭)માં ભણતો છોકરો-- દિવ્યેશ,, મારી પાસે આવ્યો, અને એકદમ નિર્ભયતાથી બોલ્યો, "યજ્ઞેશ સાહેબ, ખરેખર તમારો ખુબ ખુબ આભાર, તમે અમને પરીક્ષામાં ક્યારેય નહોતા બતાવતા."


મે આશ્ચર્યથી પૂછ્યું, "કેમ, શું થયું?"

તે બોલ્યો, "સાહેબ હું હવે બહાર હોસ્ટેલમાં રહીને ભણું છું, અને ત્યાં તો પરીક્ષામાં કોઈ બતાવતું જ નથી. આવડે એવું લખવાનું હોય છે. પાસ તો પાસ અને નાપાસ તો નાપાસ! અહી તો બધા સાહેબો બતાવી દે છે એ બહુ ખોટું કહેવાય, પછી જ્યારે બહાર ભણતા હોઈએ અને કશું આવડે નહિ ને ત્યારે, નાપાસ થવાય છે."

"કેમ, તું નાપાસ થયો?" મે પૂછ્યું.

"નાં.." તેણે કહ્યું, "..માર્ક્સ થોડા ઓછા આવે છે."

"તું જેટલી મહેનત કરે છે, એટલા તો આવે છે જ ને?" મે સહેજ હસતા હસતા કહ્યું.

"હા.." તેણે પણ હસીને જવાબ આપ્યો.

"તો પછી શું વાંધો છે? તું મહેનત કર, અને તારા પર વિશ્વાસ રાખ."

થોડીવાર પછી તે બોલ્યો, "મે બધા સાહેબને કહ્યું, કે તમારે પરીક્ષામાં કોઈને બતાવવું ના જોઈએ. તો એ કહે... 'એ તો તમને શિષ્યવૃત્તિ મળે એટલે તમને લખાવતા હતા!'"

@@@

હું આ ક્યારેય સમજી નહિ શકું.. વાર્ષિક મળતી ૧૫૦ રૂ/- ની શિષ્યવૃત્તિ માટે બાળકની નિર્ણયશક્તિની ઘોર ખોદી નાંખવી, એ કેટલે અંશે યોગ્ય કહેવાય? પોતાના વિષયમાં બાળકો સારા માર્ક્સ લાવે છે તે બતાવવા, કે પછી પોતાનું કામ ઘટાડવા, તેમણે પસંદ કરેલા ઓપ્શનનું કોઈ મૂલ્ય જ નહિ? જીવનમાં આપણો પસંદ કરેલો વિકલ્પ પણ ખોટો હોય છે, તો શું કોઈ આપણું મોરલ તોડી નાંખે તો એ આપણને ગમશે? ખોટો જવાબ તો પછીથી પણ સુધારી શકાય છે, પરંતુ તેનાથી વિશેષ બાળક જીવનમાં પોતાના નિર્ણયો જાતે જ લેતા શીખે, તે અગત્યનું નથી?

@@@

જાદવ ધોરણ ૭ સુધી તો સહેલાઈથી પાસ થઇ ગયો, પણ પછી હાઇસ્કુલમાં ટકી ના શકતા, ભણવાનું અધવચ્ચેથી છોડીને નવસારી હીરા ઘસવા જતો રહ્યો છે.