રવિવાર, 20 નવેમ્બર, 2011

ગુણોત્સવ કે ગુનોત્સવ??

ગુણોત્સવ કે ગુનોત્સવ?? 

@@@@@

"તમે માનશો? મેં નક્કી કરેલું કે, વેકેશન પછીના પંદર દિવસ સુધી મારા વર્ગના છોકરાઓને, જે એમને ભણવું છે, એ હું ભણાવીશ.... પણ હવે લાગે છે કે એમ નહિ થાય!!"

મારા સ્ટાફ(અને અંગત)મિત્ર ભરત પરમારે થોડી નિરાશાથી કહ્યું, અને એ સાથે જ મને હસવું આવી ગયું...!!

@@@@@

શનિવારે શિક્ષક મીટીંગ હતી, અને ન જાણે કેમ? મેં દરેક શિક્ષકના ચહેરા પર એક અજાણ્યો ભય જોયો, જે ખરેખર તો ના જ હોવો જોઈંએ.......

"આ વખતે ગુણોત્સવમાં ૭૦% કન્ટેન્ટ અને ૩૦% બીજી વસ્તુઓમાંથી મૂલ્યાંકન થવાનું છે."
-- ઉપરનું વિધાન રૂરલ (કે બેકવર્ડ) વિસ્તારની શાળાઓમાં નોકરી(?) કરતા લગભગ દરેક શિક્ષકને ગભરાવી મુકે એમ છે, અને એમાં પણ ત્યારે તો ખાસ કે જ્યારે તે પ્રાયમરી (લેવલનો!!!) શિક્ષક હોય....

@@@@@

પર્સનલ વ્યુ:

ગુણ+ ઉત્સવ = ગુણોત્સવ... બાળક ઉંમર વધવાની સાથે, જે ગુણો(મૂલ્યો)ને, પોતાની આસપાસના  વાતાવરણ, સમાજ, માતાપિતા અને શિક્ષકોમાંથી શીખ્યો છે, તેને ઓળખવાની પ્રક્રિયા એટલે જ (...હું માનું છું એ!)  ગુણોત્સવ..!!!  આખરે એ ગુણો થકી જ તો બાળક પોતાનું આવનારું જીવન જીવવાનો છે... જો એ સારા ગુણો શીખ્યો હશે તો સારું જીવન (..અહી પણ પ્રશ્નાર્થચિન્હ મુકવું પડે એમ છે!) જીવશે, નહીતર નહિ!!

શિક્ષક તરીકેના મારા ૭ વર્ષના અનુભવમાંથી મેં જોયું છે,,, ઘણા બાળકોની યાદશક્તિ સારી હોય છે,(જેને આપણે હોશિયાર કહીએ છીએ!!) અને ઘણાની સમજશક્તિ!!(મધ્યમ અથવા નબળો!!) ઘણા સારું લખી-બોલી શકે છે, તો ઘણા સારું રમે છે! ઘણા સારી લીડરશીપ કરી શકે છે, તો ઘણા સારી ખેતી!! ઘણા સારું ગાય છે, તો ઘણા સારું મૌન પાળે છે!! મેં એવા બાળકો પણ જોયા છે, જે હોશિયાર હોઈ, ઘમંડમાં વડીલોને પણ ઉતારી પાડે છે, અને એવા ઠોઠ નિશાળિયા પણ જોયા છે, જે દરરોજ સાહેબનો માર ખાતા હોવા છતાપણ તેમને માન આપવાનું ચૂકતા નથી!! મેં અનુભવ્યું છે કે દરેકમાં એક સ્પાર્ક હોય છે, તો શું તે સ્પાર્કનું મૂલ્ય... જે તે ધોરણના પુસ્તકિયા(..કે ગોખણીયા??) જ્ઞાનના મૂલ્ય કરતા ઓછું કીમતી છે?? આ વાત સમજી શકનાર શિક્ષક (..અને સરવાળે બાળક પણ) ગુણોત્સવ ગ્રેડેશનમાં નીચલા ગ્રેડ મેળવે છે... કારણ કે તેઓ વિષયવસ્તુના ૭૦% સુધી પહોચી શક્યા નથી!! આપણે દરેકે આ અનુભવેલું છે કે કેટલાક લોકો એવા હોય છે કે જેઓં અમુક ધોરણ સુધી સાવ ઠોઠ હોય છે, અને પછી... ના જાણે તેમનામાં શું પરિવર્તન આવી જાય છે કે તેઓ અત્યંત હોશિયાર વ્યક્તિ તરીકે ઉભરી આવે છે!!! ..તો શું તેમની આવી શક્તિઓને આમ ટકાવારીમાં વિભાજીત કરી દેવાની?? ..મારો કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે કોઈ બાળકની વિશિષ્ટ શક્તિઓને ઓળખીને પણ એવું કેવી રીતે ભાખી શકીએ કે.. આ હોશિયાર, મધ્યમ કે ઠોઠ છે???

ખરેખર તો એક શિક્ષક(=માતાપિતા=સમાજ) તરીકે આપણે બાળકના સ્પાર્કને ઓળખીને, તેના સારથિ બનવાનું છે... નહિ કે,, આપણો કક્કો ઘૂટાવીને (ભણાવી નાખીને!!) તેના સ્વતંત્ર વિચારોને બાંધી નાંખનાર જેલર!!! ...અને ખાસ બીજું એ કે, બાળકના ગુણોનો ઉત્સવ કરવો એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, નહિ કે.. શાળાદીઠ એક દિવસનો કાર્યક્રમ!!

@@@@@

ગુણોત્સવ એ અમુક શાળાઓ દીઠ એક દિવસનો એવો કાર્યક્રમ છે, કે જેમાં ઉચ્ચકક્ષાએથી એક એવા અધિકારી, પોતાના લાઈઝન અધિકારી સાથે આવે છે કે જેઓ એક દિવસમાં જ બાળકમાં કયા ગુણોનો વિકાસ થયો છે તે ચકાસી લે છે!!(...પછી ભલે બાળક ઘણું બધું જાણતું હોવા છતાંપણ અજાણ્યા અધિકારીઓની સામે શરમમાં કશું બોલે કે નહિ..) ...અને તેમાંપણ જો આવનાર અધિકારી શું કરવાનું છે,, તે ના સમજી શકે તો  લાઈઝન અધિકારી(સ્થાનિક સી.આર.સી.કો.ઓ.) જ તેમનું બધ્ધું (કાગળ)કામ(!!) પણ પૂરું કરી નાખે છે..!! વર્ગમાં બેઠેલા બાળકોની એક દિવસ પુરતી જગ્યાઓ બદલાવાય છે,, સંયમી શિક્ષકો કામ કરવા લાગી જાય છે,, નાના ભૂલકાઓ પણ પોતાની પ્રકૃતિ ભૂલીને શાંત અને શિસ્ત-બદ્ધ બની જાય છે,, વર્ગોમાં શાંતિ છવાઈ જાય છે,, શાળાઓ સ્વચ્છ અને મેદાનો સુઘડ દેખાય છે,, રીશેષમાં બાળકોનો અવાજ રોજ કરતા ધીમો ધીમો આવે છે,, અને આ એક દિવસ માટે શાળા, શાળા મટીને બાળકોનું શાંતિ-ઘર બની જાય છે!!....... અને સાંજે પાચ વાગે જેવા એ અધિકારી જાય છે કે તરત જ એ શાંતિ-ઘર પાછી શાળા બની જાય છે...!!  

શાળા એ જીવતું ખંડેર છે, જો એમાં એક દિવસ માટે પણ બાળક પોતાની પ્રકૃતિ ભૂલતું હોય તો..!!

@@@@@

સ્વામી વિવેકાનંદનું લખાણ મેં ક્યાય વાંચેલું, જેનું અર્થગ્રહણ મેં આમ કરેલું, "જો વ્યક્તિ પોતાના કાર્યને પ્રેમ કરતો હશે, તો ક્યારેય તેના પ્રત્યે ભયભીત નહિ થાય,, પણ જો એમ નહિ હોય તો સૌથી વધુ ભયભીત તે જ હશે."

શ્રી વેળાકોટ પ્રા. શાળા, તા.ઉના, જી. જુનાગઢ.... લખનાર આ નિશાળમાં શિક્ષક છે,, અને વાતો સંભળાય છે કે આ ગુણોત્સવમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમારી નિશાળના રૂટ ઉપર છે, મનમાં થોડી શંકા-કુશંકાઓ ચોક્કસ છે,, પણ અત્યારથી નક્કી કરી લીધું છે કે હું મારા વર્ગના બાળકોની સ્વાભાવિક પ્રકૃતિને એક સેકંડ માટે પણ ભૂલવા નહિ દઉં,,.. કે તેમને તેમના સ્વભાવથી વિરુદ્ધ અટકાવીશ પણ નહિ.

@@@@@

આ લખું છું એ દરમિયાન...

અમારા મકાનમાલિકનો  દીકરો પણ મારી જેમ પ્રાઈમરી શિક્ષક જ છે. રવિવાર હોઈ પોતાના ઘરે આવ્યો, અને સાથે સાથે પોતાની નિશાળમાં હાલમાંજ પૂર્ણ થયેલી છ-માસિક પરીક્ષાના ધો.૬-૭-૮ ના વિદ્યાર્થીઓએ લખેલા જવાબ પેપરો પણ લઈ આવ્યો.. આવતાની સાથે જ તેને બાજુમાં રહેતા ધો.૫ માં ભણતા છોકરાને બોલાવીને સાચા જવાબ લખેલું પેપર આપીને  કહ્યું, "આ જવાબો જોઇને બાકીના પેપરોમાં ખરાબ અક્ષરે બધા જવાબો લખી નાખ, લખાઈ જાય એટલે મારી પાસેથી ૫ રૂપિયા લેતો જજે."

અમારા મકાનમાલિક કહે છે કે અમે તેને ....લાખ રૂપિયા ખર્ચીને આટલું ભણાવ્યો છે..!! કેમિસ્ટ્રી(..કે  મિસ્ટ્રી??) માં માસ્ટર થઇ માસ્તર બનેલ દીકરાની બીજી ઈચ્છા છે કે માસ્તરાણી સાથે પરણવું, કે જેથી કરીને પેપરો તપાસવામાં (..કે લખવામાં) એ તેની મદદ કરે,, કમસે કમ આ ૫ રૂપિયા તો બચી જાય!! (..તેની પહેલી ઈચ્છા માસ્તર બનવાની હતી!!)

@@@@@

મારે મન ખરો ગુણોત્સવ એ જ હોવો જોઈએ,, જેમાં બાળકે વિકસાવેલા જીવનઘડતરના મૂલ્યોનું મહત્વ વધારે હોય, નહિ કે માત્ર શિક્ષક(=માતાપિતા=સમાજ) ધ્વારા બાળકને,,,... પોતાની મોજે રહીને નહિ પણ ધરાર,,,... ગુણોત્સવ આવતો હોવાથી દસ-વીસ વાર લખવા આપીને, ગોખાવીને કે પછી વંચાવીને, માંડ માંડ વાંચતા લખતા શીખેલું બાળક!! ...કારણ કે નાનપણથી જ ડરતા શીખેલું બાળક, મોટું થયા પછી, જેટલું વધારે ભણેલું હશે એટલું જ વધારે ડરતા શીખે છે!!

@@@@@

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો