સોમવાર, 26 ડિસેમ્બર, 2011

'હું'- ક્યાં જતો રહ્યો છે તું?

'હું'- ક્યાં જતો રહ્યો છે તું?

'હું'- તને યાદ છે? એકવાર તું બાળમંદિરે ગયો હતો ત્યારે વરસાદ આવ્યો હતો.. તું કેવો રડવા માંડ્યો હતો... પણ આખરે રડતા રડતા તું પલળીને જ્યારે ઘરે પહોચ્યો ત્યારે મમ્મી સામે તે કેવી જુઠી બહાદુરીથી કહ્યું'તું, ''મમ્મી, આટલો બધો વરસાદ પડ્યો, તો પણ હું રડ્યો નહિ, અને એકલો જ ઘરે આવી ગયો!''

'હું'- તને યાદ છે? નિશાળે પ્રાર્થના કરતી વખતે તું કેવો એક આંખ ખુલ્લી રાખતો હતો... જેવી-તેવી પ્રાર્થના ગાતો અને પ્રતિજ્ઞા વખતે બધું અગડમ-બગડમ બોલતો હતો!!

'હું'- તને યાદ છે? તું રીશેષમાં કેવો તારી બહેનની બહેનપણીઓ સાથે સાંકળ સાતતાળી રમતો હતો... અને એમના માથાની રીબીન પણ ખેચીને ભાગી જતો હતો!!

'હું'- તને યાદ છે? તું અને તારી બહેન કેવા ઘરે ખબર નાં પડે એમ... ક્યારેક રૂપિયાની કોઠા-આમલીની ચટણી છુપાઈને ખાતા હતા... અને ક્યારેક કોઠા પણ લડાવતા હતા!!

'હું'- તારા વર્ગમાં ભણતી પેલી છોકરી તને યાદ છે?.. જે તને બહુ જ ગમતી હતી!! તું કેવો કારણ વગર એના ઘર પાસેથી, એ જોવા મળી જાય એ લાલચે નીકળતો... અને એવી ઈચ્છા પણ રાખતો કે પરીક્ષામાં એના માર્ક તારા કરતા વધારે આવે... આખરે તે કેવું એના ભાઈ સાથે દોસ્તી કરીને એની સાથે રમવા માંડ્યું હતું!!

'હું'- તને યાદ છે? નીશાળથી ઘર સુધીનો ૫ કિમીનો રસ્તો તું કેવો પગેથી પથ્થરને મારતા મારતા, અને આજુબાજુની પરવા કર્યા વગર જોરજોરથી ગીતો ગાતા-ગાતા પસાર કરી લેતો... રસ્તાની ટપાલપેટીમાં તું પાન-મસાલા અને ગુટકાની પડીકીઓ, કોઈ જોવે નહિ તેમ નાંખતો... અને બસ સ્ટેન્ડ પર હાથ લંબાવીને બસ ઉભી રખાવતો, અને પાછો બસ ઉભી રહે કે તરત જ ભાગી જતો!!

'હું'- તને યાદ છે? નિશાળની વંડી ઠેક્વાની મનાઈ હોવા છતાં વંડી ઠેકતાં એકવાર તું પકડાઈ ગયો હતો... ત્યારે તું કેવો રડવા માંડેલો? પણ સાહેબે તું રડતો હોઈ જવા દીધેલો, પણ બાકીના બધાને માર પડેલો!!

'હું'- તને યાદ છે? પરીક્ષા હોય ત્યારે તું કેવો તારા મિત્રોની સાથે મંદિરે જતો... કે તારા પેપરો સારા જાય!! ..અને જાણે કે ભગવાને તારી પ્રાર્થના સાંભળી હોય તેમ તારા સાહેબો કેવા તને જવાબો બતાવી જતા.. અને તારા મિત્રોને પણ બતાવવાનું કહેતા..(..કે જેથી તેમના પેપરો પણ સારા જાય!!)!!

'હું'- તને યાદ છે? તારા વર્ગમાં ભણતા પેલા મુસ્લિમ છોકરા- 'શાહ મોહમ્મદ'થી તું કેવો ડરતો? જો કે એ તને ક્યારેય હેરાન પણ ન કરતો હોવા છતાંપણ તું કેવો સાહેબને જઈને એ તને મારે છે, એવું ખોટું બોલતો હતો... પણ અંતે એ તારો મિત્ર બની જતા તું કેવો એની સાથે રમતો અને એના ખભે પણ ચડી જતો!!

 'હું'- તને યાદ છે? એકવાર નિશાળેથી ઘરે જતા તું કેવો ઘરનો રસ્તો ભૂલી ગયો હતો........??

'હું'- તને યાદ છે? પ્રાર્થનામાં તારા દ્વારા થયેલી તારી પહેલી રજૂઆત... એ ગીત હતું, "સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ...".. અને એ પછી આખી નિશાળમાં તું કેવો પ્રખ્યાત થઇ ગયેલો??

'હું'- શું તને ઈલા મેડમ યાદ છે?... એ કેટલા સુંદર હતા, નૈ? એમની સાડીમાંથી કેવી સરસ સુગંધ આવતી હતી... અને એમને ખાલી જોવા માટે તું કેવો સ્ટાફ રૂમ સુધી લંબાતો હતો....!! અંગ્રેજીમાં તારા હાઈસ્ટ માર્ક આવતા એમને કેવું તારા ખભા પર હાથ મુકીને આખા વર્ગની વચ્ચે તારા વખાણ કર્યા હતા.. અને એમના સ્પર્શમાત્રથી તું કેવો ખુશખુશાલ થઇ ગયો હતો!!
 
'હું'- તું જ્યારે પહેલીવાર તારા મમ્મી સાથે અંબર ટોકીઝમાં ફિલ્મ જોવા ગયો હતો.."દેશ રે જોયા.." અને એ ફિલ્મ જોયા પછી તને કેવી એની હિરોઈન રોમાં માણેક ગમવા માંડી હતી!!

'હું'- તને યાદ છે? દર વેકેશનમાં મમ્મી કેવા તને કામ પર મોકલી દેતા હતા? શેરડીના રસની દુકાનમાં સતત ૧૪-૧૫ કલાક ઉભા રહીને, ગ્રાહકોને પાણી આપતા તું કેવો થાકીને લોથ થઇ જતો.. અને બદલામાં માત્ર ૨૦ રૂપિયા જ મળતા!! ... અને છેવટે તું શેરડીના રસના પૈસાની ચોરી કરતા શીખી ગયેલો??

'હું'- તને યાદ છે? માસિક માત્ર ૯૦૦ રૂપિયા કમાવા માટે તું રોજના ૪૦ કિમીની સાયકલીંગ કરતો હતો?

'હું'- તને યાદ છે? આપકમાઈના ભેગા કરેલા રૂપિયાથી તને ફિલ્મોનો શોખ લાગતા તું કેવો દર રવિવારે મોર્નિંગ શોમાં ફિલ્મ જોવા થીએટરમાં પહોચી જતો!!

'હું'- તને યાદ છે? ટાઈટેનિક, પરફેક્ટ એકઝોર્સીસ્ત, જુરાસિક પાર્ક જેવી ફિલ્મો જોયા બાદ તે સ્વગત એવું કહેલું કે ગુજરાતી ફિલ્મો જો આવી બનતી હોત તો મઝા પડી જાત!

'હું'- તને યાદ છે? એકવાર પરીક્ષામાં તું ચોરી કરતા પકડાઈ ગયો હતો.. અને પહેલીવાર તારા હ્રદયમાંથી પસ્તાવાનું એક કાવ્ય ફૂટી નીકળ્યું હતું.. "ફરી ફરીને ભૂલો થતી, ફરી છે મારી મતિ..."!!

'હું'- તને યાદ છે? તને પસંદ હતી એ છોકારી એકવાર તારા ઘર પાસેથી નીકળી, ત્યારે એને જોઇને તું તારા ઘરેથી કોઈને પણ કશું કીધા વગર જ દુર દુર ભાગી ગયો હતો.... કારણ કે તું એવું નહોતો ઈચ્છતો કે એને  ખબર પડી જાય કે તમે ઝૂપડપટ્ટીમાં રહો છો!!

'હું'- તું તારા વર્ગની પેલી સૌથી હોશિયાર છોકરીને કોઈ જોવે નહિ એમ કેવો ચોરી-ચોરી છુપાઈને જોઈ લેતો.. અને જ્યારે એ તારી પાસે આવી હતી, ત્યારે તું કેવો પરસેવે રેબઝેબ થઈને, મો ખુલ્લું રાખીને તેને જોઈ રહ્યો હતો.. અને તું કશું બોલી ના શકયો, એટલે  એ કેવી હસતી-હસતી જતી રહી હતી..... શું તને એ યાદ છે??!!

'હું'- તું કેટલો નિર્દોષ હતો?? તે જ્યારે પહેલીવાર ડીસ્કવરી પર 'ઉદબીલાવલ'(જળબિલાડી) નો એપિસોડ  જોયો... ત્યારે એ જાણીને તું અંદરથી કેવો હચમચી ગયો હતો કે લગભગ દરેક જાનવર પોતાનું કૌશલ્ય શીખીને મોટું થાય છે ત્યારે એના માં-બાપ એનું જીવન એની રીતે જીવવા દેવા તેને છોડીને જતા રહે છે.... અથવા તો એ પોતે જ પોતાના માં-બાપને છોડી દે છે!!! 'સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ' નો નિયમ તું આબાદ રીતે સમજી ગયો હતો, અને નક્કી કરી લીધું હતું કે પોતે પણ જલ્દીથી ભણીને પગભર થશે અને માતા-પિતાને છોડીને જાતે જ પોતાનું જીવન જીવશે... સંસાર માંડશે!!

'હું'- ...અને તે કર્યું પણ એમજ!! જ્યારે તે પહેલીવાર જાતે જ જીવન જીવવાનું શરુ કર્યું કે તરત જ તે કેવા સારા-નરસા અનુભવો કર્યા હતા??? રેગીંગ..... પહેલીવાર બ્લુ ફિલ્મ જોઇને ગભરાઈ જવું..... પૈસાની અછતમાં પોતાના શોખને દાબી દેવો.... બાઈક ન હોવાથી નોકરી માટે રોજના ૨૦ કિમી ચાલીને થાકી જવું... જાતે જ રસોઈ બનાવવાની હોવાથી મોટેભાગે એકટાણું જમવું.... સંસાર ચલાવવા જરૂર પડે એવી જીવન જરૂરિયાતની નાનામાં નાની વસ્તુઓ ઘણીવાર કેટલી મુશ્કેલીઓ પછી મળે છે તેનો અહેસાસ કરવો.... વસ્તુઓના અભાવમાં જીવતા શીખવું... નાની નાની ભૂલોમાં લોકોની હાંસીનો ભોગ બનવું... બીજાની પાસે સારી વસ્તુઓ જોઇને લઘુતાગ્રંથી અનુભવવી તો ક્યારેક યોગકેન્દ્ર ચલાવીને ગુરુતાગ્રંથી!!.... ક્યારેક હતાશા અને નિરાશા, તો ક્યારેક સુખ અને આનંદ!!

'હું'- તું જાણે છે, આજે તું કેવો થઇ ગયો છે? આજે તારામાંથી નિર્દોષતા ક્યાંક ચાલી ગઈ છે... સાવ  અદોદળો અને માનસિક ડીપ્રેશ રહેવા લાગ્યો છે તું... નાની નાની ચિંતાઓને કારણે ખુશ થવાની દરેક તકોને બાયપાસ કરતા શીખી ગયો છે તું... ફિલ્મો જોવાના તારા શોખને તે સાવ જ મારી નાંખ્યો છે... માતા-પિતાને પણ ઘણા અંશે તું ભૂલી ગયો છે... તું તેમને પણ બાયપાસ કરે છે, જે ક્યારેય સારું ના કહેવાય... તારી અંદરથી બીજાનું દર્દ સમજવાની શક્તિ જ જાણે હણાઈ ગઈ છે.. તું સાવ બદલાઈ ગયો છે... તું બધાને રમાડતો થઇ ગયો છે... જાણે તારી અંદરનો જ નિર્દોષ ભગવાન ક્યાંક હણાઈ ગયો છે, એમ તું કશું પણ ખોટું કરતા સહેજ પણ અચકાતો નથી... કેવો ડરપોક થઇ ગયો છે તું...!!!

@@@@@

થોડાક દિવસ પહેલા મેં મારા ધો.૧ના છોકરાઓને એક વાર્તા કીધી:

એક શિકારી હતો. એ રોજ સવાર પડે કે જંગલમાં પક્ષીઓનો શિકાર કરવા જતો.  અને પછી કોઈ પક્ષીનો શિકાર કરીને શહેરમાં જઈને વેચી નાંખતો. આવી રીતે એ પૈસા કમાતો.

એક દિવસ એ આવી રીતે પક્ષીનો શિકાર કરવા જંગલમાં ગયો, પણ એને ક્યાય એક પણ પક્ષી મળ્યું જ નહિ! એ આખો દિવસ જંગલમાં ભટક્યો, બપોર થઇ ગઈ, છેવટે થાકીને એ એક ઝાડ નીચે થોડીવાર આરામ કરવા બેઠો! ધોમધખતા તાપમાં ઝાડ નીચે સરસ ઠંડો પવન વાતો હતો, એટલે એ તો તરત જ સુઈ ગયો!!

હવે એ ઝાડ ઉપર એક હંસ અને એક કાગડો રહેતા હતા. બંને પાક્કા મિત્રો!! સુતેલા શિકારીને જોઇને કાગડાએ  હંસને કહ્યું, "જુઓ હંસભાઈ, આ એ જ શિકારી છે, જે આપણને મારવા અહી આવે છે. ચાલો આપણે એને અહીંથી ભગાડી મુકીએ."

હંસે કહ્યું, "નહિ નહિ કાગડાભાઇ, એ બિચારો આખો દિવસ જંગલમાં ભટકીને થાકી ગયો છે. એટલે એ આપણા
આશરે આવ્યો છે, અને અહી શાંતિથી સુઈ ગયો છે. થોડીવાર પછી એ જાતે જ અહીંથી જતો રહેશે."
કાગડાને હંસની વાત નાં ગમી એટલે એ મો મચડીને રિસાઈને બેસી ગયો.

થોડીવાર પછી હંસે જોયું કે એ શિકારીના મો પર સૂરજનો તાપ આવી રહ્યો હતો. તેથી તેણે પોતાની વિશાળ પાંખો ફેલાવીને શિકારીના ચહેરા પર છાયડો કર્યો...!! કાગડો આ ન જોઈ શક્યો, તેને હંસ ઉપર બહુ જ ગુસ્સો આવ્યો.શિકારીને એકલેહાથે ભગાડવા માટે કાગડો ગુસ્સામાં ઉડ્યો, અને શિકારીના મો ઉપર ચરકીને ઉડી ગયો!! 

અચાનક મો ઉપર ચરક પડતા શિકારી હડબડાઈને ઉભો થઇ ગયો, અને ઝાડ ઉપર જોયું.... જોયું તો ત્યાં હંસ પાંખો ફેલાવીને બેઠો હતો!... શિકારીને થયું કે આ હંસ જ એની ઉપર ચરક્યો છે, તેથી ગુસ્સામાં આવીને તેને પોતાનું બાણ ચડાવ્યું અને હંસને બાણ વડે વીંધી નાખ્યો...

બાણ વાગતા જ હંસ ઝાડ પરથી નીચે પટકાયો અને મરી ગયો...!! શિકારીને આમ પણ આખા દિવસ દરમિયાન એક પણ પક્ષી મળ્યું ન હતું, તેથી તે મરેલા હંસને લઈને મો લૂછતો લૂછતો ત્યાંથી જતો રહ્યો...!!!




અને છોકરાઓ ચુપ!!

મેં  કહ્યું, "....વાર્તા પૂરી!!"  તોયે છોકરાઓ કશું બોલ્યા વગર એકબીજાને જોવા લાગ્યા!! (૫૪ છોકરાઓમાંથી માંડ ૫ એવા હતા જે હસી રહ્યા હતા!!) મને કઈ ન સમજાયું!!

દરેક શિક્ષક પૂછે એમ મેં પણ પૂછ્યું, "તમને શું થવું ગમે? કાગડો, હંસ કે શિકારી?"

દસેક જણ બોલ્યા, "કાગડો"... માત્ર એક છોકરો બોલ્યો, "શિકારી"(એના પપ્પા મચ્છી વેચવાનો ધંધો કરે છે!)
અને બાકીના બોલ્યા, "હંસ"!!!

હવે ચુપ થવાનો વારો મારો હતો!!

દરેક બાળકમાં હંસ થવાનું જ પડ્યું હોય છે, તો પછી કોણ તેને કાગડો કે શિકારી થવાનું પ્રેરે છે?? મારા માટે આ બહુ મોટો પ્રશ્ન છે.....!!!

@@@@@

ફ્રીલી જીવવું... નિર્દોષ જુઠું બોલવું અને પછી હસવું.... ગમે તેવી પરિસ્થિતિમાં પણ એન્જોય કરવું... કારણ વગર ટહેલવું... ભૂલોની પરવા કર્યા વગર કામ આવડે એવું કરી બતાવવું... ઇઝીલી રડવું... દરેક વસ્તુને જિજ્ઞાસુ આંખોથી આશ્ચર્યથી જોવું... સાહેબે માર્યું કે પછી મિત્રોએ ન રમાડ્યું, એ બીજી જ મીનીટે ભૂલી જવું... રૂપિયા કે સંબંધો કરતા એક નાનકડી ટીકડાગોળીમાં ખુશ થઇ જવું... મેલું અને ધેલું થઈને બિન્દાસ રખડવું... !!!...... હકુના મટાટા.... યાને કોઈ ચિંતા નહિ..!!

આ બધીજ વિશેષતાઓ ઈશ્વરની હોય છે... અને હું ખુશ છું કે દરરોજ નિશાળે મારી સાથે ઈશ્વર હોય છે.... કારણ કે મારો "હું" તો ક્યાંક ખોવાઈ ગયો છે...!!!

@@@@@
















રવિવાર, 4 ડિસેમ્બર, 2011

સિંઘમ

સિંઘમ

@@@@@

"મુખ્યમંત્રી આવવાના છે તો _ _ _ ગામની સ્કુલમાં ફરીથી રંગ કરાવી દે જો.." ઉપરથી જીલ્લાના મુખ્ય અધિકારીને ફોન આવ્યો.


"મુખ્યમંત્રી આવવાના છે તો _ _ _ ગામની સ્કુલમાં ફરીથી રંગ કરાવી દેજો.." મુખ્ય અધિકારીનો તાલુકામાં ફોન આવ્યો.


"મુખ્યમંત્રી આવવાના છે તો _ _ _ ગામની સ્કુલમાં ફરીથી રંગ કરાવી દે જો.." તાલુકાનો _ _ _ ગામની સ્કુલના આચાર્યને ફોન આવ્યો.



જવાબમાં એ ગામની સ્કુલના આચાર્યે કહ્યું, "હા સાહેબ... કરી નાખીશું."

@@@@@

બે દિવસ પછી...


એક અધિકારીએ એ આચાર્યને ફોન પર પૂછ્યું, "શું સાહેબ.. રંગ થઇ ગયો?"


"બસ સાહેબ.. રંગ કરવાનું ચાલુ જ છે." આચાર્યે કહ્યું.


જવાબ મળતા જ એ અધિકારીએ તાલુકાને કહ્યું, "રંગ થઇ ગયો.."


તાલુકાએ જીલ્લાના મુખ્ય અધિકારીને કહ્યું, "રંગ થઇ ગયો.."


મુખ્ય અધિકારીએ ઉપર કહ્યું, "રંગ થઇ ગયો.."

@@@@@

વધુ બીજા બે દિવસ પછી..

એક ઉપરી અધિકારી એ ગામની શાળાની મુલાકાતે આવ્યા, અને નિશાળનો રંગ જોઈ આચાર્યને કહ્યું, "..આમાં ક્યાં રંગ થયેલો છે?"


"..તો મેં એવું ક્યાં કહેલું કે રંગ થઇ ગયો? મેં તો કહેલું કે રંગ કરવાનું ચાલુ જ છે.. ત્યાં બીજી નિશાળે જુઓ રંગ ચાલુ જ છે." આચાર્યે સ્પષ્ટતા કરી.


તેણે તરત જ તાલુકામાં ફોન કર્યો, અને મોબાઈલનું સ્પીકર ઓન કરી પૂછ્યું, "_ _ _ ગામની નિશાળનો રંગ થઇ ગયો?"


સામેથી જવાબ આવ્યો, "હા હા સાહેબ.. એ તો બે દિવસ પહેલા જ થઇ ગયો."


"..બસ તમે બધા આમ ને આમ જ પોલમપોલ ચલાવો છો?" અધિકારીએ કહ્યું.

@@@@@

કાલે થયેલી શિક્ષકોની મીટીંગમાં આ સાંભળીને હું એટલું હસ્યો છું કે.. ના પૂછો વાત!


...આ હતો ગુણોત્સવ!!


...અંતે મુખ્યમંત્રી તો આવ્યા જ નહિ...!!!


આવો જ રમુજી પ્રસંગ એક ગામની કન્યા શાળાનો હતો...  શિક્ષણખાતાના એક અધિકારીએ 'નો આર્ગુંમેન્ટ' કહીને પરાણે એક જુનીઅર શિક્ષકને ચાર દિવસ માટે આચાર્ય બનાવી દીધો.. {..રીટાયર થવાના જુજ વર્ષો બાકી હોઈ અમુક ગૌધા સીનીયર શિક્ષકો જાડી ચામડીના બની ચુક્યા હોય છે!!} ગુણોત્સવની તૈયારીરૂપે રૂ. ૩૨૦૦૦ ના ખર્ચે રાતના એક-બે વાગ્યા સુધી જાગીને તેણે બધી તૈયારીઓ કરી હતી.. રાત રાતભર ઘાંઘોવાંગો થઈને તેણે બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા.. અને...અંતે મુખ્યમંત્રી તો આવ્યા જ નહિ...!!!


હવે આ ૩૨૦૦૦ રૂપિયા જે ખર્ચાયા.. એ ક્યાંથી રીકવર થશે????


ઓફકોર્સ.. સ્કુલમાં આવનારી ગ્રાન્ટમાંથી અથવા થનારા ભવિષ્યના બાંધકામમાંથી...!!!

@@@@@

એક શિક્ષકે બાંધકામ અધિકારીને - નિશાળમાં એક રૂમ બંધાય છે, તેના આવનારા હપ્તાના દસ ટકા લેખે થતા રૂપિયા(હજાર-હજારની થોકડી)- ચૂકવ્યા!!


"શું આવા અધિકારીઓ વિરુદ્ધ એ.સી.બી.માં જાણ ન કરી શકાય..??" મેં એ શિક્ષકને પૂછયું.

"..પણ પછી બધે મારે જ હાડહાડ થવાનું ને? ..અને આમ પણ આમાં આના એકલાનો ભાગ નથી હોતો. છેક ઉપર સુધી બધાનો ૨-૫ % ભાગ હોય છે.{મારી એક મિત્ર થોડા વર્ષ પહેલા શિક્ષણ ખાતાની એક ઓફિસમાં કામ કરતી હતી. એ ઓફિસમાં કામ કરતા એક બાંધકામ અધિકારી  એકવાર એવું બોલ્યો હતો કે 'બહુ રૂપિયા ભેગા થઇ ગયા, હું આ બધા નાખીશ ક્યાં?'}" એ શિક્ષકે બચાવ કર્યો, "આ બધું આમ જ ચાલતું હોય છે, બદલામાં હું જે પછાત ગામડામાં શિક્ષક છું ત્યાં સુધી નિશાળ બની જાય તો કમસે કમ આપણું નામ તો રહી જાય ને? {પોતાનું નામ લોકો યાદ રાખે એ માટે એ શિક્ષકે  નિશાળમાં ઘણીવાર ઘરના રૂપિયા નાખીને પણ નિશાળને પછાત બનવા દીધી નથી!! દારૂડિયા ગામને જાગૃત કરવામાં તેને પોતાની નોકરીના ૧૨ વર્ષ ખર્ચી નાખ્યા છે, અને પોતાની સારપને કારણે ઘણીવાર સહન પણ કરવું પડ્યું છે!}


...ખબર નહિ કેમ? પણ મનમાં તરત જ વિચાર આવી ગયો કે,આવું કરવું એના કરતા શિક્ષક ના બનવું સારું!!

@@@@@

શિક્ષણ ખાતાની એક ઓફિસમાં કામ કરતી મારી મિત્ર - અને હું, સ્ટેટની તાલીમ વખતે કોન્ટેક્ટમાં આવેલા. {એ સમયે એને માત્ર બે મહિનાની જ નોકરી થયેલી..} સાત મહિનાના એ સમયગાળા દરમિયાન હું તેનામાંથી જો કોઈ વસ્તુ શીખ્યો હોઉં તો એ એકમાત્ર પ્રમાણિકતા!!

નીચલા લેવલની તાલીમનું સંપૂર્ણ આયોજન એને કરવાનું હતું. તાલીમ પૂર્ણ થયે ત્રણેક લાખ જેટલી રકમમાંથી બત્રીસ હજાર વધેલા..!! એ રૂપિયા તથા બધા જ બીલ-વાઉચર લઇ મારી એ મિત્ર  એકાઉન્ટ ઓફિસર પાસે હિસાબ ક્લીયર કરવા ગઈ, ત્યારે ઓફિસરે તેને પૂછ્યું, ".. આટલા રૂપિયા તમારે વધ્યા કેવી રીતે?"  


"જરૂર કરતા ઓછા શિક્ષકો હાજર રહ્યા હતા અને જમવાની ડીશ પણ ૧૦૫ ની બદલે ૮૫ રૂ. માં થઇ. આ ઉપરાંત બીજા પણ કેટલાક ખર્ચાઓ ઓછા થયા હતા, એટલે દસ ટકા જેટલી રકમ વધવાની જ હતી ને?" મારી મિત્રએ કહ્યું. 


"રૂપિયા વધારવાના હોય જ નહિ." એકાઉન્ટ ઓફિસર બોલ્યો, " .. અને આમાં મારો ભાગ ક્યાં?"

"શેનો ભાગ?"એણે પૂછ્યું.


"કેમ? તમારી આ ફાઈલ મારી સહીથી તો ક્લીયર થશે. અને પછી ઉપરી અધિકારીઓ પાસે જશે." એકાઉન્ટ ઓફિસરે હસીને કહ્યું.


મારી એ મિત્રે કહ્યું, "જેટલો હોવો જોઈએ એટલો હિસાબ તો મેં બતાવ્યો જ છે, અને રહી વાત તમારી, તો તમારે જે કરવું હોય તે કરો."


એણે તરત જ સ્ટેટમાં ફોન કરી આ વાતની જાણ કરી, ત્યારે જવાબ મળ્યો, "..બધાને સાચવી લેવાના!"


તત્કાલીન ઉપરી અધિકારી પાસે ફાઈલ જયારે પહોચી, ત્યારે તેમણે પણ પોતાનો ભાગ માંગેલો!! 

...ગર્વથી હું એટલું તો ચોક્કસ કહી શકું છું કે મારી એ મિત્રે,એમાંથી એકેયને ભાગ નહોતો આપ્યો.. પણ માનસિક ત્રસ્ત થયા પછી મહિનાઓ બાદ એની ફાઈલ ક્લીયર થઇ શકી હતી!! 


આ જ રીતે બીજી એક તાલીમ માટે આવેલા સાડા પાંચ લાખમાંથી સવા લાખ પાછા જમા કરાવતી વખતે પણ એકાઉન્ટ ઓફિસર અને ઉપરી અધિકારીએ તેને ઓછી હેરાન નહોતી કરી..!!

એક કાર્યક્રમની ૨૦ લાખની જુન માસની ગ્રાન્ટ છેક ડીસેમ્બર-જાન્યુઆરીમાં આવતા, તેણે તે ગ્રાન્ટ રીલીઝ જ ના કરી... પરિણામે તે ગ્રાન્ટ સીધી સ્ટેટમાંથી જ રીલીઝ થઇ, અને ઘણા લોકોને મલાઈ પણ ખાવા મળી હતી! {એક અધિકારીએ ૧૨૦૦રૂ. આપી  ૧૪૦૦ રૂ.નું બીલ આપવાનું કહેલું!}

@@@@@

એ ઉપરી અધિકારી માટે એનું આ મંતવ્ય છે, "વાંદરાના હાથમાં અરીસો આવી ગયો હોય એમ એને આ પોસ્ટ મળેલી!  {એક એવી એ.ટી.ડી.શિક્ષિકા હતા, કે જે પરીક્ષા આપવા જ નહોતી ગઈ, ઓળખાણથી કોઈક બીજું પરીક્ષા આપવા ગયેલું અને એના નામનું સાચું સર્ટીફીકેટ આવેલું! આજે એ શિક્ષિકા વર્ગમાં એક ફૂદ્ડું પણ દોરતી નથી! ...અને સંગીત શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકે પણ, એકપણ દિવસ વર્ગમાં ગયા વગર સર્ટી. મેળવેલું, અને એ ભાઈએ કોઈ દિવસ આજસુધી જોડકણું પણ ગાયું નથી!!} અને એ હમેશા એવું જ કહેતો કે છાશને જેટલી વલોવીએ, એટલું માખણ મળે! મતલબ કે ગ્રાન્ટ રીલીઝ કરતા પહેલા આપણી ટકાવારી કાઢી જ લેવાની હોય.. તો જ માખણ ખાવા મળે!!"  

@@@@@

'સિંઘમ' બકવાસ હોવા છતાં લોકોને શા માટે આટલી ગમી?

હું સમજુ છું કે, પ્રમાણિક વ્યક્તિત્વ આપણને આકર્ષે છે, અને હું તેના તરફ આકર્ષાયો હતો!! આજે તેણે એ નોકરી છોડી દીધી છે!! તેના શબ્દોમાં,..'મારા સ્વભાવને કારણે ઓફિસમાં ભળી ના શકવું, અને પાછું સતત હેરાન થવું એના કરતા વહેલી કે મોડી,  હું આ નોકરી છોડવાની તો હતી જ!!' 

એ વ્યક્તિ વાસ્તવિક સિંઘમ કરતા ઉતરતી કક્ષાની તો ન જ હતી!! એક સામાન્ય શિક્ષક સાથે તેણે લગ્ન કર્યા છે, અને એ શિક્ષક મારા માટે એક આશ્ચર્યથી વિશેષ કઈ જ નથી!! 
@@@@@