રવિવાર, 4 ડિસેમ્બર, 2011

સિંઘમ

સિંઘમ

@@@@@

"મુખ્યમંત્રી આવવાના છે તો _ _ _ ગામની સ્કુલમાં ફરીથી રંગ કરાવી દે જો.." ઉપરથી જીલ્લાના મુખ્ય અધિકારીને ફોન આવ્યો.


"મુખ્યમંત્રી આવવાના છે તો _ _ _ ગામની સ્કુલમાં ફરીથી રંગ કરાવી દેજો.." મુખ્ય અધિકારીનો તાલુકામાં ફોન આવ્યો.


"મુખ્યમંત્રી આવવાના છે તો _ _ _ ગામની સ્કુલમાં ફરીથી રંગ કરાવી દે જો.." તાલુકાનો _ _ _ ગામની સ્કુલના આચાર્યને ફોન આવ્યો.



જવાબમાં એ ગામની સ્કુલના આચાર્યે કહ્યું, "હા સાહેબ... કરી નાખીશું."

@@@@@

બે દિવસ પછી...


એક અધિકારીએ એ આચાર્યને ફોન પર પૂછ્યું, "શું સાહેબ.. રંગ થઇ ગયો?"


"બસ સાહેબ.. રંગ કરવાનું ચાલુ જ છે." આચાર્યે કહ્યું.


જવાબ મળતા જ એ અધિકારીએ તાલુકાને કહ્યું, "રંગ થઇ ગયો.."


તાલુકાએ જીલ્લાના મુખ્ય અધિકારીને કહ્યું, "રંગ થઇ ગયો.."


મુખ્ય અધિકારીએ ઉપર કહ્યું, "રંગ થઇ ગયો.."

@@@@@

વધુ બીજા બે દિવસ પછી..

એક ઉપરી અધિકારી એ ગામની શાળાની મુલાકાતે આવ્યા, અને નિશાળનો રંગ જોઈ આચાર્યને કહ્યું, "..આમાં ક્યાં રંગ થયેલો છે?"


"..તો મેં એવું ક્યાં કહેલું કે રંગ થઇ ગયો? મેં તો કહેલું કે રંગ કરવાનું ચાલુ જ છે.. ત્યાં બીજી નિશાળે જુઓ રંગ ચાલુ જ છે." આચાર્યે સ્પષ્ટતા કરી.


તેણે તરત જ તાલુકામાં ફોન કર્યો, અને મોબાઈલનું સ્પીકર ઓન કરી પૂછ્યું, "_ _ _ ગામની નિશાળનો રંગ થઇ ગયો?"


સામેથી જવાબ આવ્યો, "હા હા સાહેબ.. એ તો બે દિવસ પહેલા જ થઇ ગયો."


"..બસ તમે બધા આમ ને આમ જ પોલમપોલ ચલાવો છો?" અધિકારીએ કહ્યું.

@@@@@

કાલે થયેલી શિક્ષકોની મીટીંગમાં આ સાંભળીને હું એટલું હસ્યો છું કે.. ના પૂછો વાત!


...આ હતો ગુણોત્સવ!!


...અંતે મુખ્યમંત્રી તો આવ્યા જ નહિ...!!!


આવો જ રમુજી પ્રસંગ એક ગામની કન્યા શાળાનો હતો...  શિક્ષણખાતાના એક અધિકારીએ 'નો આર્ગુંમેન્ટ' કહીને પરાણે એક જુનીઅર શિક્ષકને ચાર દિવસ માટે આચાર્ય બનાવી દીધો.. {..રીટાયર થવાના જુજ વર્ષો બાકી હોઈ અમુક ગૌધા સીનીયર શિક્ષકો જાડી ચામડીના બની ચુક્યા હોય છે!!} ગુણોત્સવની તૈયારીરૂપે રૂ. ૩૨૦૦૦ ના ખર્ચે રાતના એક-બે વાગ્યા સુધી જાગીને તેણે બધી તૈયારીઓ કરી હતી.. રાત રાતભર ઘાંઘોવાંગો થઈને તેણે બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા.. અને...અંતે મુખ્યમંત્રી તો આવ્યા જ નહિ...!!!


હવે આ ૩૨૦૦૦ રૂપિયા જે ખર્ચાયા.. એ ક્યાંથી રીકવર થશે????


ઓફકોર્સ.. સ્કુલમાં આવનારી ગ્રાન્ટમાંથી અથવા થનારા ભવિષ્યના બાંધકામમાંથી...!!!

@@@@@

એક શિક્ષકે બાંધકામ અધિકારીને - નિશાળમાં એક રૂમ બંધાય છે, તેના આવનારા હપ્તાના દસ ટકા લેખે થતા રૂપિયા(હજાર-હજારની થોકડી)- ચૂકવ્યા!!


"શું આવા અધિકારીઓ વિરુદ્ધ એ.સી.બી.માં જાણ ન કરી શકાય..??" મેં એ શિક્ષકને પૂછયું.

"..પણ પછી બધે મારે જ હાડહાડ થવાનું ને? ..અને આમ પણ આમાં આના એકલાનો ભાગ નથી હોતો. છેક ઉપર સુધી બધાનો ૨-૫ % ભાગ હોય છે.{મારી એક મિત્ર થોડા વર્ષ પહેલા શિક્ષણ ખાતાની એક ઓફિસમાં કામ કરતી હતી. એ ઓફિસમાં કામ કરતા એક બાંધકામ અધિકારી  એકવાર એવું બોલ્યો હતો કે 'બહુ રૂપિયા ભેગા થઇ ગયા, હું આ બધા નાખીશ ક્યાં?'}" એ શિક્ષકે બચાવ કર્યો, "આ બધું આમ જ ચાલતું હોય છે, બદલામાં હું જે પછાત ગામડામાં શિક્ષક છું ત્યાં સુધી નિશાળ બની જાય તો કમસે કમ આપણું નામ તો રહી જાય ને? {પોતાનું નામ લોકો યાદ રાખે એ માટે એ શિક્ષકે  નિશાળમાં ઘણીવાર ઘરના રૂપિયા નાખીને પણ નિશાળને પછાત બનવા દીધી નથી!! દારૂડિયા ગામને જાગૃત કરવામાં તેને પોતાની નોકરીના ૧૨ વર્ષ ખર્ચી નાખ્યા છે, અને પોતાની સારપને કારણે ઘણીવાર સહન પણ કરવું પડ્યું છે!}


...ખબર નહિ કેમ? પણ મનમાં તરત જ વિચાર આવી ગયો કે,આવું કરવું એના કરતા શિક્ષક ના બનવું સારું!!

@@@@@

શિક્ષણ ખાતાની એક ઓફિસમાં કામ કરતી મારી મિત્ર - અને હું, સ્ટેટની તાલીમ વખતે કોન્ટેક્ટમાં આવેલા. {એ સમયે એને માત્ર બે મહિનાની જ નોકરી થયેલી..} સાત મહિનાના એ સમયગાળા દરમિયાન હું તેનામાંથી જો કોઈ વસ્તુ શીખ્યો હોઉં તો એ એકમાત્ર પ્રમાણિકતા!!

નીચલા લેવલની તાલીમનું સંપૂર્ણ આયોજન એને કરવાનું હતું. તાલીમ પૂર્ણ થયે ત્રણેક લાખ જેટલી રકમમાંથી બત્રીસ હજાર વધેલા..!! એ રૂપિયા તથા બધા જ બીલ-વાઉચર લઇ મારી એ મિત્ર  એકાઉન્ટ ઓફિસર પાસે હિસાબ ક્લીયર કરવા ગઈ, ત્યારે ઓફિસરે તેને પૂછ્યું, ".. આટલા રૂપિયા તમારે વધ્યા કેવી રીતે?"  


"જરૂર કરતા ઓછા શિક્ષકો હાજર રહ્યા હતા અને જમવાની ડીશ પણ ૧૦૫ ની બદલે ૮૫ રૂ. માં થઇ. આ ઉપરાંત બીજા પણ કેટલાક ખર્ચાઓ ઓછા થયા હતા, એટલે દસ ટકા જેટલી રકમ વધવાની જ હતી ને?" મારી મિત્રએ કહ્યું. 


"રૂપિયા વધારવાના હોય જ નહિ." એકાઉન્ટ ઓફિસર બોલ્યો, " .. અને આમાં મારો ભાગ ક્યાં?"

"શેનો ભાગ?"એણે પૂછ્યું.


"કેમ? તમારી આ ફાઈલ મારી સહીથી તો ક્લીયર થશે. અને પછી ઉપરી અધિકારીઓ પાસે જશે." એકાઉન્ટ ઓફિસરે હસીને કહ્યું.


મારી એ મિત્રે કહ્યું, "જેટલો હોવો જોઈએ એટલો હિસાબ તો મેં બતાવ્યો જ છે, અને રહી વાત તમારી, તો તમારે જે કરવું હોય તે કરો."


એણે તરત જ સ્ટેટમાં ફોન કરી આ વાતની જાણ કરી, ત્યારે જવાબ મળ્યો, "..બધાને સાચવી લેવાના!"


તત્કાલીન ઉપરી અધિકારી પાસે ફાઈલ જયારે પહોચી, ત્યારે તેમણે પણ પોતાનો ભાગ માંગેલો!! 

...ગર્વથી હું એટલું તો ચોક્કસ કહી શકું છું કે મારી એ મિત્રે,એમાંથી એકેયને ભાગ નહોતો આપ્યો.. પણ માનસિક ત્રસ્ત થયા પછી મહિનાઓ બાદ એની ફાઈલ ક્લીયર થઇ શકી હતી!! 


આ જ રીતે બીજી એક તાલીમ માટે આવેલા સાડા પાંચ લાખમાંથી સવા લાખ પાછા જમા કરાવતી વખતે પણ એકાઉન્ટ ઓફિસર અને ઉપરી અધિકારીએ તેને ઓછી હેરાન નહોતી કરી..!!

એક કાર્યક્રમની ૨૦ લાખની જુન માસની ગ્રાન્ટ છેક ડીસેમ્બર-જાન્યુઆરીમાં આવતા, તેણે તે ગ્રાન્ટ રીલીઝ જ ના કરી... પરિણામે તે ગ્રાન્ટ સીધી સ્ટેટમાંથી જ રીલીઝ થઇ, અને ઘણા લોકોને મલાઈ પણ ખાવા મળી હતી! {એક અધિકારીએ ૧૨૦૦રૂ. આપી  ૧૪૦૦ રૂ.નું બીલ આપવાનું કહેલું!}

@@@@@

એ ઉપરી અધિકારી માટે એનું આ મંતવ્ય છે, "વાંદરાના હાથમાં અરીસો આવી ગયો હોય એમ એને આ પોસ્ટ મળેલી!  {એક એવી એ.ટી.ડી.શિક્ષિકા હતા, કે જે પરીક્ષા આપવા જ નહોતી ગઈ, ઓળખાણથી કોઈક બીજું પરીક્ષા આપવા ગયેલું અને એના નામનું સાચું સર્ટીફીકેટ આવેલું! આજે એ શિક્ષિકા વર્ગમાં એક ફૂદ્ડું પણ દોરતી નથી! ...અને સંગીત શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકે પણ, એકપણ દિવસ વર્ગમાં ગયા વગર સર્ટી. મેળવેલું, અને એ ભાઈએ કોઈ દિવસ આજસુધી જોડકણું પણ ગાયું નથી!!} અને એ હમેશા એવું જ કહેતો કે છાશને જેટલી વલોવીએ, એટલું માખણ મળે! મતલબ કે ગ્રાન્ટ રીલીઝ કરતા પહેલા આપણી ટકાવારી કાઢી જ લેવાની હોય.. તો જ માખણ ખાવા મળે!!"  

@@@@@

'સિંઘમ' બકવાસ હોવા છતાં લોકોને શા માટે આટલી ગમી?

હું સમજુ છું કે, પ્રમાણિક વ્યક્તિત્વ આપણને આકર્ષે છે, અને હું તેના તરફ આકર્ષાયો હતો!! આજે તેણે એ નોકરી છોડી દીધી છે!! તેના શબ્દોમાં,..'મારા સ્વભાવને કારણે ઓફિસમાં ભળી ના શકવું, અને પાછું સતત હેરાન થવું એના કરતા વહેલી કે મોડી,  હું આ નોકરી છોડવાની તો હતી જ!!' 

એ વ્યક્તિ વાસ્તવિક સિંઘમ કરતા ઉતરતી કક્ષાની તો ન જ હતી!! એક સામાન્ય શિક્ષક સાથે તેણે લગ્ન કર્યા છે, અને એ શિક્ષક મારા માટે એક આશ્ચર્યથી વિશેષ કઈ જ નથી!! 
@@@@@

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો