ગુરુવાર, 27 સપ્ટેમ્બર, 2012

શ્રી ગણેશનું 'ગણેશાય નમ:'

શ્રી ગણેશનું  'ગણેશાય નમ:' 

@@@@@

ગણેશ :  ઓહો  !! તે આ વખતે તો બહુ જ ઝાકમઝોળ કરી છે, હોં ભાઈ !!

હું         :  આ લેલે .. તમે આ શું બોલ્યા ?? તમે તો અમારા દુંદાળાદેવ .. 'માય ફ્રેન્ડ ગણેશા'..!!

ગણેશ :  મારું નામ ગણેશ છે, ગણેશા નહિ ..!!

હું         : એ હા બાપા હા .  મને ખબર છે ! એ તો બધા બોલે છે ને , એટલે હુંય  'ગણેશા'  બોલું છું !!

ગણેશ :  ઓહો  !! હવે મને ખબર પડી , બધા જે કરે છે એના દેખાદેખી તું પણ એ જ કરે છે .. બરાબર ને??

હું        :  " ????... "

ગણેશ :  ના સમજ્યો??...  આપણા ગામમાં પેલા ત્રણ મરાઠીભાઈઓ રહે છે  એમને તો તું ઓળખે ને??.. 

હું       :  હા હા .. તુકારામ , શિવરામ અને કાશીરામ  ને ..??

ગણેશ :  હમમ ... એ જ !!  આપણા ગામમાં એકમાત્ર એ ભાઈઓજ મને દર વર્ષે એમના ઘરઆંગણે બેસાડતા..,, પણ આ વખતે તો તે એમના દેખાદેખી જ મને બજારની વચ્ચે બેસાડયો  છે, ખરું ને??..

હું        :  ના ભાઈ ના ..  એવું તમને કોણે કીધું??..

ગણેશ :  તે જ ...!

હું       :  મેં ??... મેં તમને એવું ક્યારે કીધું ??..

ગણેશ :  ગયે વર્ષે તું જયારે એમના ઘરે મારા દર્શન કરવા આવ્યો હતો , ત્યારે તે એવું નક્કી નહોતું કરી લીધું કે હવેથી તું ..  એમના કરતા પણ વધારે તામઝામ અને ઝાકમઝોળ સાથે બજારની વચ્ચે મને બેસાડશે ..?

હું        : " !!!... ????... !!!... "

ગણેશ :  ( હસતા હસતા)..  ગન્નુંસે ટક્કર .. ?? મારી સામે ખોટું નહિ બોલવાનું !... મને તરત જ ખબર પડી જશે .

હું        :  એક્ચ્યુલી એવું છે ને કે,,.. એ લોકો રહ્યા 'મરાઠી' અને આપણે રહ્યા 'ગુજરાતી'..!! હવે આપણે 'મરાઠીઓના ગણપતિ'ને નમવા એમના ઘેર જવું, એના કરતા આપણા 'ગુજરાતીઓના ગણેશ'ને ભરબઝારે ગુજરાતીઓની વચ્ચે બેસાડીયે, એ જ સારું નહિ?? ..એય પાછા 'ઇકો ફ્રેન્ડલી ગણેશા'..!! ...અને આમેય એ લોકો આપણા લેવલના ન કહેવાય , એટલે એમના ઘરની પ્રસાદી ખાવી ..???  .. મારો કહેવાનો મતલબ તમે સમજો છો ને ???....

ગણેશ :  હમમ ...??

હું        :  .. અને હા,,  બીજી એક વાત .. બાજુના ગામવાળાનેય મેં તો કહી દીધું છે, કે તમારા દર્શન કરવા અહીયા જ આવે, અને મોટું બધું દાન પણ કરે .. 'બીજે ક્યાંય (!!)' જઈને દાન કરવાની જરૂર નથી !!!

ગણેશ : મતલબ કે મારે હવેથી અહી જ બેસવું ... તું એમ કહેવા માંગે છે ને ??..

હું        : તો પછી શું??..  અહી તો જુઓ .. તમારા માટે 25 કિલોનો ચુરમાનો લાડુ બનાવ્યો છે ..! ..અને પાછા રોજેરોજ  મોંઘાભાવના મોદકનો થાળ તો ખરો જ ..!! ..અને હા,, અમારો ખર્ચો બાદ કરતા પણ જો દાન વધશે ને .. તો છેલ્લા દિવસે તમને છપ્પન જાતના પક્વાનનો  'અન્નકૂટ'  પણ ધરાવીશું,, એવો વિચાર છે !!

ગણેશ :  આ આપણા ગામના ઝાંપે રહેતા લોકોના ઘેર 'અન્નખૂટ' છે, અને તમે મને 'અન્નકૂટ' ધરાવો , એ સારું લાગે છે હેં ??.. હું તો  તમારા બધાના 'ભાવનો ભૂખ્યો'  છું ..!!

હું        :  આ તમને ગમે તેટલું કહીએ ને .. તમે સમજતા જ નથી,,  હજુયે  'ભાવનો ભૂખ્યો છું' ની પીપુડી વગાડ્યા કરો છો ..!  અરે ભગવાન , આજનો જમાનો  'દેખાડાનો જમાનો'  છે .. આપણે જેટલું મોટું મોટું દેખાડીશું ને, એટલું જ લોકો વધારે જોવા આવશે .. અને તમારા નામથી આ આખી દાનપેટી છલકાવી  દેશે ..!!

ગણેશ : "  ????...  "

હું        :  ...અને છેલ્લા દિવસે પણ તમને એમને એમ થોડા જવા દઈશું??.. બેન્ડવાજાને ડીસ્કાવાળુ 'ડી .જે .'મંગાવ્યું છે ..! ગામઆખાના છોકરાઓને ભેગા કરીને ... અને રસ્તો રોકીને .. 'મુન્ની અને શીલા..'ના ગીતો વગાડતા અને ડિસ્કા કરતા દરિયે લઇ જશું , અને ત્યાં તમને ડુબાડીશું ..!!
     
ગણેશ : શું કહ્યું ??.. મને દરિયામાં નાખશો ??.. દસ દિવસ આટઆટલી શ્રદ્ધાપૂર્વક મને ભજ્યા પછી તમે મને દરિયામાં ડુબાડશો ??

હું        :  હા .. બધા આમ જ કરતા હોય છે !! નદી, તળાવ, કેનાલ, ખાડા અથવા તો દરિયામાં તમને પધરાવી દે છે..!! બદલામાં આપણને તો 'મોજ પડી જવાની છે મોજ '..!!

ગણેશ : " !!!... ????... !!!... "

હું        : કેમ ??... કેમ તમે હવે કંઈ બોલતા નથી ..?? ...

ગણેશ : (ખોંખારો ખાઈને ગળે ભરાયેલ ડૂમાને (..અને ડુસકાને પણ..) માંડમાંડ ગળતા ..)  એક્ચ્યુલી ... હવે હું બધું સમજી ગયો છું ..!!

હું        : શું સમજી ગયા છો ??...

ગણેશ : એ જ કે ... તમે મારું   'ગણેશાય નમ:'  કરી નાંખવાના છો  !!!!
                       
@@@@@

              ..... અને ભગવાન શ્રી ગણેશ 25 કિલોના ચુરમાના લાડુની સામે જોયા વગર  "ઇકો ફ્રેન્ડલી મૂર્તિ" બની ગયા ..!!

              જય શ્રી ગણેશ !!!

 @@@@@

(ફોટા સૌજન્ય :- જનકભાઈ શાહ )
          













રવિવાર, 23 સપ્ટેમ્બર, 2012

ઇન્ટીગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્ડ ચાઈલ્ડ ( I .E .D .) અને વિકલાંગ બાળકો

"સર્વ શિક્ષા અભિયાન મિશન " અંતર્ગત હાલમાં ઇન્ટીગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્ડ ચાઈલ્ડ ( I .E .D .)ની તાલીમ હાલમાં ચાલી રહી છે, કે જેનો મૂળ ઉદ્દેશ વિકલાંગ બાળકો શાળામાં નિયમિત આવે તે છે .

હાલ ગુજરાતના ગામડાઓમાં એવા ઘણા બાળકો છે , કે જેઓ જન્મજાત અથવા તો આકસ્મિક વિકલાંગ છે . અહી એ વાત યાદ રહે કે 'વિકલાંગ' નો અર્થ વિસ્તૃત રીતે લેવાનો છે .....
H .I .~ બાળક બહેરું-મૂંગું હોય ...
V .I .~ આંશિક અથવા સંપૂર્ણ અંધ (વધુ સારા શબ્દોમાં 'પ્રજ્ઞાચક્ષુ'..) હોય ...
O .H .~ શારીરિક વિકલાંગતા ...
M .R .~ માનસિક બીમાર હોય ...
                                                   ........અને આ ઉપરાંત અન્ય કોઈ પણ રીતે ડિસેબલ્ડ બાળક હોય,, તેવા
દરેક બાળકોને આપણી શાળાઓમાં બીજા નોર્મલ બાળકોની સાથે 'સહશિક્ષણ' કેવી રીતે આપવું ??  તે માટેના વર્કશોપમાં હું  ભાગ લઇ રહ્યો છું , તે બાબતની થોડી ચર્ચા કરવી છે .......!!!

@@@@@

મારા વર્ગમાં આવા બે છોકરાઓ છે ..

રમેશ સુખા ભીલ ~H .I. વિકલાંગ         અને        હરેશ ગોરધન શિયાળ ~V .I . વિકલાંગ

 .............ઉપરોક્ત બંને બાળકો માટે મારી, નોર્મલ બાળકોની સાથે 'સહશિક્ષણ' આપવાની રીત એક જ છે ...

* બંનેમાંથી કોઈનેય ક્યારેય નીગ્લેટ ના કરો ....
* ફેસ રીડીંગ (જેટલું આવડે છે એટલું ..) દ્વારા (...અભ્યાસનો કોઈ મુદ્દો તેઓ સમજી શકશે કે કેમ?)
    તેમની માનસિક સ્થીતિ નો ખ્યાલ રાખવો ....       
* તેઓ નોર્મલ છે ,, એ રીતે જ વર્તો ....
* કોઈ બીજા બાળકો તેમનું નામ ન પાડે, (...કે પછી મારા દ્વારા પણ તેનું નામ ન પડે) તેનો કડક રીતે
     અમલ કરવું ....

                                 .......બસ,,, આટલુંક જ ...!!!

@@@@@

અનુભવે એ જોઈ શક્યો છું કે બંને બીજા કોઈ શિક્ષક મિત્ર પાસે જાય કે ન જાય, પણ એક જ અવાજે મારી પાસે  તરત જ આવે છે ..!  બ્હેરો-મૂંગો રમેશ અનુલેખન કરતા શીખી ગયો છે, અને પ્રજ્ઞાચક્ષુ હરેશ કોઈ પણ સવાલનો, આવડે એવો જવાબ આપતા શીખી ગયો છે ..!! સાવ ગંદો ગોબરો રમેશ હવે સ્વચ્છ થઈને આવે છે, અને વાતે વાતે બીજાને મારવા દોડતો જક્કી અને શંકાશીલ સ્વભાવનો હરેશ નમ્રતાથી દરેકની સાથે હળીમળીને વાતો કરે છે ..!!!

આ બાળકોને  આપવાનું થતું 'સ્પેશીયલ શિક્ષણ'  તો મને નથી આવડતું, પણ મને તેમનો સારો-નરસો મિજાજ પારખતા આવડે છે।।

@@@@@

તાલીમ વર્કશોપમાં આજે એક તજજ્ઞ મિત્ર ચાર વિકલાંગ બાળકોને લઇ આવ્યા ..!! ....સાથે તેમના વાલી પણ હતા ...!!


 ~ આ  બાળકીને  'ઓટીઝમ' નામની વિકલાંગતા છે ..  જેના કારણે
         તે 'હાઈપર એક્ટીવ' છે ..!! 





     

~ 5 વર્ષની આ બાળકી 'સેરેબ્રલ પાલ્સી(C.P.)' નામની વિકલાંગતા
        છે..  જેના કારણે  તે બરાબર બેસી પણ શકતી નથી ..!!



         
 

~ આ બંને બાળકીઓને 'સેરેબ્રલ પાલ્સી(C.P.)' નામની વિકલાંગતા
        છે..  જેના કારણે  તેઓ માંડ માંડ ચાલી શકતી હતી ..!!
                   
                   
@@@@@


 આ તજજ્ઞમિત્ર વિકલાંગ બાળકોના ક્ષેત્રમાં ખરેખર તજજ્ઞ છે . તેમને મળતી દરેક પ્રકારની ટ્રીટમેન્ટ તથા બેનીફીટથી અવગત છે, અને તેમનું કામ ખરેખર સરાહનીય છે, પરંતુ એક બાબતે તેઓ ... મને એમ લાગે છે કે પાછા પડ્યા ...!! આ તજજ્ઞ મિત્રે આ વિકલાંગ બાળકોને અમારી સમક્ષ એવી રીતે પેશ કર્યા,,  કે જાણે કોઈ મા-બાપ ઘરે મહેમાન આવે ત્યારે પોતાના બાળકને,  ..મહેમાનની સામે દબાણપૂર્વક ' ABCD ' બોલવાનું ન કહેતા હોય ..?? જાણે કે કોઈ મોટો ડોક્ટર બોડી સાયન્સ સમજાવવા દર્દીને એક 'વસ્તુ' સમજતો ન હોય ..??

આ બાળકો પ્રત્યેનો તેમનો વ્યવહાર કંઈક અજીબ લાગતો હતો ..!! માંડમાંડ બેસી, ઉભી કે ચાલી શકતા આ બાળકોને ... તજજ્ઞમિત્ર પરાણે ઉભા રાખતા અને ચલાવતા ...!! તેમની અને તેમના માતા-પિતાની હાજરીમાં .. આ બાળકોની બીમારીને મોટી પણ કરી બતાવી ..!! પોતાના વિકલાંગતા અંગેના જ્ઞાનનું પ્રદર્શન કરવા તેમણે આ બાળકોને અમારી સામે પ્રદર્શનીમાં ગોઠવ્યા હતા ...!!

અચાનક અમારી વચ્ચે પોતાને પામીને ... આ બાળકો પોતાનો નોર્મલ વ્યવહાર નહતા કરતા, પરંતુ .. મૂંઝાઈને અમારા બધાની નજરોનો સામનો કરી રહયા હતા ..,,,, અને અમે સૌ તેમની સામે મોએથી 'ટીચ્કાર' બોલાવતા તેમને દયામણી નજરોથી જોઈ રહ્યા હતા ..!!

@@@@@

 વિજ્ઞાનમેળામાં પ્રોજેક્ટ/વસ્તુની સંકલ્પના સ્પષ્ટ કરવા તેનું વર્કિંગ મોડેલ મુકવું યોગ્ય છે, પરંતુ વિકલાંગ વ્યક્તિઓની પરીસ્થિતી (...અને મન:સ્થિતી પણ ..!!) સમજાવવા તેમને (..ખાસ કરીને બાળકોને) વર્કિંગ મોડેલ તરીકે અજાણ્યા લોકોની વચ્ચે મૂકી દેવા ... એ મારા મતે યોગ્ય નથી .

તેમની પરીસ્થિતી અને મન:સ્થિતી સમજાવવા તેમના લાક્ષણિક વર્તનોના વિડીઓ અથવા તો તેમને સંલગ્ન ડોકયુંમેન્ટરી ફિલ્મો બતાવવી વધુ યોગ્ય છે, એમ હું માનું છું . (જેમકે , 'ઓટીઝમ' માટે 'બરફી',
'બહેરું-મૂંગા(H .I .)' માટે 'બ્લેક', અને એ ઉપરાંત યુટ્યુબ પરની આ સબ્જેક્ટ માટેની સેંકડો શોર્ટ ફિલ્મો ..!!)

@@@@@

"લોકો હંમેશા મને 'દયામણી' નજરે જુએ"... એ ક્યા વ્યક્તિને ગમે ...!!!???
જે લોકો સાજા-નરવા હોય, એમને પણ આ નથી ગમતું હોતું ..!!!

@@@@@

"વિકલાંગ વ્યક્તિઓને સાચા અર્થમાં સમજવા 'દયામણી નજરો' નહિ, પરંતુ 'કરુણાસભર હ્રદય' હોવું આવશ્યક છે", એમ મારું વ્યક્તિગત માનવું છે .

@@@@@





















શનિવાર, 8 સપ્ટેમ્બર, 2012

"ચોખ્ખાઈ કરે ભલાઈ "



આ વખતે ધોરણ 2 માં પાઠ 3 "ચોખ્ખાઈ કરે ભલાઈ " સમજાવ્યો ...

"ચોખ્ખાઈ" શબ્દની કોઈ પણ જાતની સંકલ્પના એ નાના ટબુકડાંઓમાં નહોતી,...આ શબ્દ સમજાવવા મેં એમને પહેલાતો વર્ગમાં પડેલા કાગળિયાં લઇ કચરાપેટીમાં નાખવા કહ્યું ..પછી પૂછ્યું, "ચોખ્ખાઈ શું હોય એ કંઈ ખબર પડી કે નઈ??"

થોડાક સમજ્યા અને થોડાક ના સમજ્યા,...

મેં એક સારું લખાણ કરી શકતો હોય એવા બાળકની નોટનું પાનું બધા બાળકને બતાવ્યું,.. અને એની સાપેક્ષે એક બાળક, કે જે સારું લખાણ નથી કરતો,... એની નોટ બતાવી પૂછ્યું, "હવે કંઈ ખબર પડે છે, "ચોખ્ખાઈ" શું હોય છે?"

હજી આવા બે પ્રયોગો કર્યા બાદ લગભગ બધા જ બાળકો એ સમજી શક્યા કે "ચોખ્ખાઈ" શું હોય છે??
ત્યારબાદ ચોખ્ખાઈ કેવી રીતે આપણું ભલું કરે, એ બાબતની થોડી ચર્ચા કરી,.

સાંજે  જ્યારે છોકરાઓને બહાર મેદાનમાં રમવા મોકલ્યા, ત્યારે એ દિવસનું એમનું ગુજરાતીનું લેસન હતું કે .. "રમતા પહેલા નિશાળના મેદાનમાંથી બધો જ કચરો ભેગો કરીને મેદાન ચોખ્ખું કરવાનું છે,.."

લેસન સાંભળીને બધા  ખુશ થઇ ગયા,.. અને મારા આશ્ચર્યની વચ્ચે એમને પાંચ મીનીટમાં જ આખું મેદાન ચોખ્ખું કરી નાખ્યું,.. અને તેઓએ મને એ સમજાવી દીધું કે "ચોખ્ખાઈ" શબ્દ શું હોય છે!!!!