ગુરુવાર, 27 સપ્ટેમ્બર, 2012

શ્રી ગણેશનું 'ગણેશાય નમ:'

શ્રી ગણેશનું  'ગણેશાય નમ:' 

@@@@@

ગણેશ :  ઓહો  !! તે આ વખતે તો બહુ જ ઝાકમઝોળ કરી છે, હોં ભાઈ !!

હું         :  આ લેલે .. તમે આ શું બોલ્યા ?? તમે તો અમારા દુંદાળાદેવ .. 'માય ફ્રેન્ડ ગણેશા'..!!

ગણેશ :  મારું નામ ગણેશ છે, ગણેશા નહિ ..!!

હું         : એ હા બાપા હા .  મને ખબર છે ! એ તો બધા બોલે છે ને , એટલે હુંય  'ગણેશા'  બોલું છું !!

ગણેશ :  ઓહો  !! હવે મને ખબર પડી , બધા જે કરે છે એના દેખાદેખી તું પણ એ જ કરે છે .. બરાબર ને??

હું        :  " ????... "

ગણેશ :  ના સમજ્યો??...  આપણા ગામમાં પેલા ત્રણ મરાઠીભાઈઓ રહે છે  એમને તો તું ઓળખે ને??.. 

હું       :  હા હા .. તુકારામ , શિવરામ અને કાશીરામ  ને ..??

ગણેશ :  હમમ ... એ જ !!  આપણા ગામમાં એકમાત્ર એ ભાઈઓજ મને દર વર્ષે એમના ઘરઆંગણે બેસાડતા..,, પણ આ વખતે તો તે એમના દેખાદેખી જ મને બજારની વચ્ચે બેસાડયો  છે, ખરું ને??..

હું        :  ના ભાઈ ના ..  એવું તમને કોણે કીધું??..

ગણેશ :  તે જ ...!

હું       :  મેં ??... મેં તમને એવું ક્યારે કીધું ??..

ગણેશ :  ગયે વર્ષે તું જયારે એમના ઘરે મારા દર્શન કરવા આવ્યો હતો , ત્યારે તે એવું નક્કી નહોતું કરી લીધું કે હવેથી તું ..  એમના કરતા પણ વધારે તામઝામ અને ઝાકમઝોળ સાથે બજારની વચ્ચે મને બેસાડશે ..?

હું        : " !!!... ????... !!!... "

ગણેશ :  ( હસતા હસતા)..  ગન્નુંસે ટક્કર .. ?? મારી સામે ખોટું નહિ બોલવાનું !... મને તરત જ ખબર પડી જશે .

હું        :  એક્ચ્યુલી એવું છે ને કે,,.. એ લોકો રહ્યા 'મરાઠી' અને આપણે રહ્યા 'ગુજરાતી'..!! હવે આપણે 'મરાઠીઓના ગણપતિ'ને નમવા એમના ઘેર જવું, એના કરતા આપણા 'ગુજરાતીઓના ગણેશ'ને ભરબઝારે ગુજરાતીઓની વચ્ચે બેસાડીયે, એ જ સારું નહિ?? ..એય પાછા 'ઇકો ફ્રેન્ડલી ગણેશા'..!! ...અને આમેય એ લોકો આપણા લેવલના ન કહેવાય , એટલે એમના ઘરની પ્રસાદી ખાવી ..???  .. મારો કહેવાનો મતલબ તમે સમજો છો ને ???....

ગણેશ :  હમમ ...??

હું        :  .. અને હા,,  બીજી એક વાત .. બાજુના ગામવાળાનેય મેં તો કહી દીધું છે, કે તમારા દર્શન કરવા અહીયા જ આવે, અને મોટું બધું દાન પણ કરે .. 'બીજે ક્યાંય (!!)' જઈને દાન કરવાની જરૂર નથી !!!

ગણેશ : મતલબ કે મારે હવેથી અહી જ બેસવું ... તું એમ કહેવા માંગે છે ને ??..

હું        : તો પછી શું??..  અહી તો જુઓ .. તમારા માટે 25 કિલોનો ચુરમાનો લાડુ બનાવ્યો છે ..! ..અને પાછા રોજેરોજ  મોંઘાભાવના મોદકનો થાળ તો ખરો જ ..!! ..અને હા,, અમારો ખર્ચો બાદ કરતા પણ જો દાન વધશે ને .. તો છેલ્લા દિવસે તમને છપ્પન જાતના પક્વાનનો  'અન્નકૂટ'  પણ ધરાવીશું,, એવો વિચાર છે !!

ગણેશ :  આ આપણા ગામના ઝાંપે રહેતા લોકોના ઘેર 'અન્નખૂટ' છે, અને તમે મને 'અન્નકૂટ' ધરાવો , એ સારું લાગે છે હેં ??.. હું તો  તમારા બધાના 'ભાવનો ભૂખ્યો'  છું ..!!

હું        :  આ તમને ગમે તેટલું કહીએ ને .. તમે સમજતા જ નથી,,  હજુયે  'ભાવનો ભૂખ્યો છું' ની પીપુડી વગાડ્યા કરો છો ..!  અરે ભગવાન , આજનો જમાનો  'દેખાડાનો જમાનો'  છે .. આપણે જેટલું મોટું મોટું દેખાડીશું ને, એટલું જ લોકો વધારે જોવા આવશે .. અને તમારા નામથી આ આખી દાનપેટી છલકાવી  દેશે ..!!

ગણેશ : "  ????...  "

હું        :  ...અને છેલ્લા દિવસે પણ તમને એમને એમ થોડા જવા દઈશું??.. બેન્ડવાજાને ડીસ્કાવાળુ 'ડી .જે .'મંગાવ્યું છે ..! ગામઆખાના છોકરાઓને ભેગા કરીને ... અને રસ્તો રોકીને .. 'મુન્ની અને શીલા..'ના ગીતો વગાડતા અને ડિસ્કા કરતા દરિયે લઇ જશું , અને ત્યાં તમને ડુબાડીશું ..!!
     
ગણેશ : શું કહ્યું ??.. મને દરિયામાં નાખશો ??.. દસ દિવસ આટઆટલી શ્રદ્ધાપૂર્વક મને ભજ્યા પછી તમે મને દરિયામાં ડુબાડશો ??

હું        :  હા .. બધા આમ જ કરતા હોય છે !! નદી, તળાવ, કેનાલ, ખાડા અથવા તો દરિયામાં તમને પધરાવી દે છે..!! બદલામાં આપણને તો 'મોજ પડી જવાની છે મોજ '..!!

ગણેશ : " !!!... ????... !!!... "

હું        : કેમ ??... કેમ તમે હવે કંઈ બોલતા નથી ..?? ...

ગણેશ : (ખોંખારો ખાઈને ગળે ભરાયેલ ડૂમાને (..અને ડુસકાને પણ..) માંડમાંડ ગળતા ..)  એક્ચ્યુલી ... હવે હું બધું સમજી ગયો છું ..!!

હું        : શું સમજી ગયા છો ??...

ગણેશ : એ જ કે ... તમે મારું   'ગણેશાય નમ:'  કરી નાંખવાના છો  !!!!
                       
@@@@@

              ..... અને ભગવાન શ્રી ગણેશ 25 કિલોના ચુરમાના લાડુની સામે જોયા વગર  "ઇકો ફ્રેન્ડલી મૂર્તિ" બની ગયા ..!!

              જય શ્રી ગણેશ !!!

 @@@@@

(ફોટા સૌજન્ય :- જનકભાઈ શાહ )
          













ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો