બુધવાર, 31 ઑક્ટોબર, 2018

જીવનમાં દર વખતે ખોદતાં રહેવું જરૂરી નથી, પણ ક્યાં અટકવું એ જાણવું જરૂરી છે!!

ઘણીવાર જીવનમાં એવું જોવામાં અનુભવમાં આવ્યું હોય છે કે 'જો હજુ થોડો પ્રયત્ન કર્યો હોતતો.. આ મળી જાત!!'  આ ફોટામાં એક ભાઈએ હજુ થોડું ખોદ્યું હોત તો.. એને હીરા મળત!! 

...પણ હું વિચારું છું કે જીવનમાં એવી ઘણી પળો ચોક્કસ આવતી હોય છે કે જ્યાંથી આપણે દેખીતો લાભ છોડીને વળી ગયા હોઈએ, અને પછી સમજાતું હોય છે કે 'સારું થયું, વળી ગયા!! બાકી આપણે પણ એમાં ફસાઈ ગયા હોત!'
એક વાર્તા યાદ આવે છે... 

એક બેકાર માણસ કામની શોધમાં જાય છે. રસ્તામાં એને એક માણસ મળે છે, જેની પાસે અઢળક ચાંદી (રૂપું) હોય છે. પેલો બેકાર માણસ એ આદમીને પૂછે છે કે આટલું બધું રૂપું ક્યાંથી લાવ્યા?' તો પેલો એક જગ્યા બતાવી જવાબ આપે છે કે 'અહી ખોદવા માંડ. તને ચાંદી મળશે. પણ જો તારે સોનું જોઈતું હોય તો મારો મિત્ર આગળ ગયો છે, એ તને બતાવશે કે ક્યાંથી સોનું મળશે?' આટલું બોલી પેલો માણસ જતો રહ્યો. આપણો બેકાર મિત્ર સોનાની લ્હાયમાં આગળ જાય છે. આગળ એને બીજો આદમી મળે છે, જેની પાસે અઢળક સોનું છે. આપણો બેકાર મિત્ર સોના વિષે એને પૂછે છે, તો પેલો એક જગ્યા બતાવી કહે, "અહી ખોદવા માંડ. તને સોનું મળશે. પણ જો તારે હીરા જોઈતા હોય તો મારો મિત્ર આગળ ગયો છે, એ તને બતાવશે કે ક્યાંથી હીરા મળશે?' આપણો બેકાર મિત્ર વિચારે છે કે સોનું લઈને જતો રહું! પણ પોતાના આત્માના અવાજને અવગણીને એ હીરાની લાલચમાં આગળ જાય છે. આગળ એને એક આદમી ઝાડની નીચે દુખી હાલતમાં જોવા મળે છે. એની આજુબાજુ હીરા વેરાયેલા પડ્યા છે, અને એના માથા ઉપર એક ચક્ર ફરી રહ્યું છે. એની આવી સ્થિતિ જોઇને આપણો દોઢો મિત્ર એને પૂછે છે, "તમે કોણ છો? આ હીરા તમારી આજુબાજુ કેમ વેરાયેલા છે? અને આ ચક્ર તમારા માથે કેમ ફરી રહ્યું છે?" ......આટલું પુછતાની સાથે જ પેલું ચક્ર આપણા બેકાર અને દોઢા મિત્રની માથે આવી ગયું. એ ચક્રના વજન અને તાપથી એ દુઃખી-દુઃખી થઇ ગયો. પેલો આદમી, કે જેના માથેથી ચક્ર હટી ગયું હતું, એ ઉભો થયો, અને જવા માંડ્યો! આપણા દુઃખી મિત્રે પેલાને અટકાવીને પૂછ્યું, "તમે મને મુકીને ક્યાં જાઓ છો? આ ચક્ર તારા પરથી મારા માથે કેવી રીતે આવી ગયું? એ મને આટલું દુઃખ શું કામ આપી રહ્યું છે?" પેલો આદમી જતા-જતા બોલ્યો, "હું પણ તારી જેમ લાલચુ બનીને અહી હીરા શોધવા આવ્યો હતો. પણ જેમ જેમ મને હીરા મળતા ગયા એમ એમ આ લાલચનું ચક્ર વધતું ગયું, અને હું દુઃખી થતો ગયો. હવે તારી હાલત પણ આજ થવાની છે, જેવી મારી હતી! હીરા શોધવા માટે તું આ જમીન ખોદતો રહે, તને હીરા ચોક્કસ મળશે, પણ તારા જીવનમાંથી સ્વતંત્રતાનું સુખ જતું રહેશે. રૂપું અને સોનાથી તું સુખેથી રહી શક્યો હોત, પણ હીરાની લાલચે તું આ લાલચ-દુઃખના ચક્રમાં ફસાયો, અને હું મુક્ત થયો. તારો ખુબ ખુબ આભાર! સમૃદ્ધિ એક એવો શાપ છે, કે જે આપણને શાંતિથી સુવા,જમવા કે રહેવા દેતું નથી."    

............દરેક વખતે ખોદવું જરૂરી નથી. કારણ કે દર વખતે હીરા જ હોય એ જરૂરી નથી!! શક્ય છે કે આગળ રાક્ષસ આપણને ગળી જવા બેઠો હોય! ટૂંકમાં, આત્મા કહે કે 'બેટા, હજી ખોદ..' ..તો ખોદવાનું!! પણ.. મન મારીને ખોદવા કરતા છોડી દેવું- જતું કરવું, સરવાળે વધુ સારું હોય છે!! ઇન શોર્ટ, ખોદકામ ઇન્ટરનલ હોય તો ચોક્કસ સુખ આપે,  એક્સ્ટર્નલ હોય તો?? ...આપણો માંહલો કહે, એમ કરવું!!  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો