શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2020

સવાલોના પિંજરામાં.. (આર્તનાદ ભાગ ૧૪)

પ્રજ્ઞા અભિગમ જો એટલો જ સારો હોય તો એની ચારે મોઢે વાહ-વાહ કરતા ૯૯% અધિકારીઓ/શિક્ષકો પોતાના જ બાળકોને શા માટે પ્રજ્ઞા વર્ગમાં નથી મૂકતા? 
અને જો એટલું જ ખરાબ હોય તો માત્ર સરકારી શાળામાં ભણતાં નબળાં/ગરીબ વર્ગનાં બાળકો પર આ અભિગમનો પ્રયોગ શા માટે? 

૯૦% એચ.ટાટ., એસ.આઈ., સી.આર.સી., બી.આર.સી. કે વાઈસેવરસા અધિકારીઓ એવાં જ શા માટે છે કે જેમને ચોક પકડવો પણ ગમતો નથી? જેઓ શિક્ષણના જીવ જ ના હોય એવાં જ લોકો શા માટે વર્ગો/શાળાઓ ચેક કરવા આવે છે? શિક્ષકોને કરવા પડતા કામોનો બોજો પોતે વેંઢારવો ના પડે એટલે મોટાભાગનાં શિક્ષકો અધિકારી બનવાની રેસમાં લાગી ગયા હોય એવું કેમ લાગે છે? આવું સ્વાર્થીપણું શા માટે?

૯૯% અધિકારીઓ ત્યારે જ શાળામાં શા માટે આવે છે કે જ્યારે એમને ખબર હોય કે એમનોય ઉપરી શાળામાં આવવાનો છે? ..ને આવો ડરપોક વ્યક્તિ શાળામાં આવીને પોતાનાં સ્વબચાવ માટે સુચનાબુકમાં અવાસ્તવિક સૂચનાઓ શા માટે લખીને ભાગે છે? એ એક પણ વર્ગમાં બાળકોની પાસે બેસતોય નથી, અને પોતાની હોશિયારીઓના બણગાં ફૂંકવામાંથી ઊંચો કેમ નથી આવતો?

ફલાનો આવશે તો આ જોશે, ઢીકનો આવશે તો આ માંગશે.. વર્ગમાં ખરેખર કામ કરતા શિક્ષકોને એવું સતત શા માટે બીવડાવવામાં આવે છે? કેમ એક પણ અધિકારી મિત્ર/માર્ગદર્શક બનીને નથી આવતો? કેમ એક પણ અધિકારીને સાચો શિક્ષક નિર્ભયતાથી કશું કહી/પૂછી શકતો નથી? આવું ડરનું વાતાવરણ શા માટે? ડરેલો કેવી રીતે ભારતના ભવિષ્યને નિર્ભય બનાવી શકે?

માત્ર કાગળ કામ સારું હોય અથવા ચાપલુસી કરી શકતો હોય તો એ ખુશામતખોર સારો, અને વર્ગનાં ખૂણામાં કોઈનેય નડ્યા વગર પૂરી નિષ્ઠાથી શિક્ષણકાર્ય કરતો હોય એવો સૌથી વધુ સહન કરતો હોય એવું શા માટે છે? વર્ષ ૨૦૧૨/૧૩ પછી જ લગભગ દરેક સાચા શિક્ષકને શા માટે શાળાએ મૂંઝારો અનુભવાઇ રહ્યો છે?

શું સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સાચી દિશામાં જઇ રહી છે? કે પછી માત્ર શિક્ષિત બેરોજગાર જ પેદા થઈ રહ્યા છે? અત્યારની શિક્ષણવ્યવસ્થા માત્ર અક્ષરજ્ઞાનને જ શા માટે મહત્વ આપે છે? મૂલ્યશિક્ષણ શા માટે ભૂલાવાઈ રહ્યું છે? પ્રામાણિકતા, સત્ય, નિષ્ઠા, વફાદારી, દેશદાઝ, ચારિત્ર્ય, વિનમ્રતા, વિવેક, સારા-નરસાનું ભાન, એકતા, પ્રેમ, નિઃસ્વાર્થતા અને ગાંધીજીના અગિયાર વ્રતો વાંચી શકતું બાળક એનો અર્થ સમજી શકતો હોવા છતાં શા માટે જીવનમાં ઉતારી શકતો નથી? 

અસ્થિરતા અને અસમાનતા સીધા જ હદયમાં ખૂંચે છે! "આંખ આડા કાન" રાખીને જોતાં લોકો આને નેગેટિવિટી ગણે તો ભલે ગણે, પણ આ નગ્ન વાસ્તવિકતા છે! દીવાલની પેલે પારની વાસ્તવિકતા ક્યાં સુધી લોકોની નજરથી છુપાવી શકાશે?

સોમવાર, 3 ફેબ્રુઆરી, 2020

'રણમાં ખીલ્યું ગુલાબ!' (આર્તનાદ ભાગ ૧૩)

નવો ચોપડો લાવ્યે હજી માંડ અઠવાડિયું થયું ત્યાં તો હાલત એવી છે કે જાણે... *રણમાં ખીલ્યું ગુલાબ!!*
*******

"સ્કૂલ કબ છુટેગી?" 

જ્યારે ધોરણ ૧ શરૂ થયું ત્યારે હંમેશા રડતાં રડતાં આ સવાલ પૂછતો સાહીદ હવે આ જ સવાલ હસતાં હસતાં પૂછે છે! કારણ કે એને ખબર છે કે હું એક જ જવાબ આપીશ, "તીન બજે!!"

...બસ, ફરક એ છે કે એ હવે હસતાં હસતાં કહે છે, "તીન બજે નહીં, સાડે પાંચ બજે સ્કૂલ છૂટતી હૈ!"
********

મારાં ગુરુદેવ સાથે જ્યારે પણ વાત થાય, ત્યારે એ ચોક્કસ સવાલ પૂછે કે, "પહેલાંના સાધુઓ તપ કરવા વનમાં કેમ જતાં? કારણકે વન એ પ્રકૃતિ છે. ત્યાં તમને કોઈ ડિસ્ટર્બન્સ નહિ થાય! જે જેમ છે એમ જ દેખાશે. તકલીફ ત્યાં જ થાય છે જ્યારે આપણે એને ઉપવન બનાવવાની કોશિશ કરીએ છીએ. વનમાં જે શાંતિ મળે એ ઉપવનમાં તો ન જ મળે!"

ધોરણ ૧ માં ભણતો સાહીદ- પ્રકૃતિનો ચહેરો છે! ત્યાં કોઈ ચિંતા નથી! માત્ર હાસ્ય છે! પાનું ફાટ્યું તોય શું અને ના ફાટ્યું તોય શું? જરૂરી એ છે કે એણે લખ્યું! ..એને આવડ્યું! આટલું ગંદુ-ફાટેલું લેખન કરીને જ્યારે એ મારી પાસે 'નિર્ભયતા'થી આવે અને બતાવે, ત્યારે એની હજાર ભૂલો માફ! કારણ કે નિર્ભયતા એ જ મોટો ગુણ! 

ધોરણ ૧/૨ માં ભણતાં 'વન' 'ઉપવન' બનવાનાં જ છે.. પણ ભયભીત થઈને નહિ! ..વાર લાગશે- સમય લેશે- પણ નિર્ભયતાથી ઉપવન બનશે! 
********

*ડોન્ટ થિંક એવર*

શિક્ષકો/અધિકારીઓ જ ભયભીત હોય, તો એ ક્યાંથી નિર્ભયતા શીખવે? 'ઉપવન' બનાવવાની લ્હાયમાં ક્યાંક 'ઉકરડો' ન બની જાય!!