શુક્રવાર, 26 જૂન, 2020
બુધવાર, 24 જૂન, 2020
*ટપાલ ખાતુ:- સાચે જ ટપાલો ખાઈ જાય છે!!*
રવિવાર, 21 જૂન, 2020
Happy Father's day 21 jun 2020
"ટીનું, તારે આવવું હોય તો ચાલ.. બેટા.. આવતાં મોડું થશે." હું કહી-કહીને થાક્યો, પણ એ ન આવી તે ન જ આવી! ઘરે જ રહી. બજારમાંથી આવ્યો ત્યારે એ ખુશ હતી. હું નાહીને ડીસઈન્ફેકટ થઈ જેવો બેઠો કે એક કાગળને ગોળ ફિન્ડલું વાળીને એ આવી અને મને કહે, "પપ્પા, આ તમારું સરપ્રાઈઝ!"
અંદરખાને તો મને ખબર હતી કે આવું કશુંક તો કરશે જ! ..પણ સૌથી વધુ અચંબો મોબાઈલમાં અમારા બંનેનો એક ફોટો એણે એની જાતે જ એડિટ કર્યો, એ વાતનો રહ્યો! જ્યારથી એને ફોટાનું એડિટિંગ કરવાનો ચસ્કો લાગ્યો છે, ત્યારથી એને મોબાઈલ દિવસના અમુક કલાકો આપું છું ખરા! શું ખબર કદાચ આ જ એડીટિંગનું ફિલ્ડ એનું કેરિયર બને! રહી વાત મોબાઇલની તો એમાં સારું પણ છે અને ખરાબ પણ! આખો દિવસ મોબાઈલમાં ગેમ રમતાં બાળકો કરતાં આ એડિટિંગ કરવું એ કૈક 'હટકે' લાગે છે, એટલે 'પાવર ડીરેકટર' એપ પણ મોબાઈલમાં રાખી છે. સૌથી સુંદર રહ્યું, એનું અને મારું જાતે જ દોરેલું ચિત્ર!
બજારમાંથી આવ્યા બાદ ફરી 'કન્ટ્રોલ સેન્ટર'ની ડ્યુટી પર જવા તૈયાર થયો, તો એણે એક ચિઠ્ઠી આપી! મેં વાંચી, અને આજે ન ગયો! આખરે મારી દીકરી હું આજે એની સાથે રહું, એમ ઈચ્છે છે! એક દિવસ તો હું એનાં માટે કાઢી જ શકું ને? આટલી મોડી રાતે આ પોસ્ટ કરવાનું એક કારણ આ પણ છે કે 'હું' આજે 'એની' સાથે જ રહ્યો!
થેંક્યું તન્વી!.. આજનો દિવસ મેમોરેબલ બનાવવા માટે!!
#fathersday
શનિવાર, 13 જૂન, 2020
"ઓનલાઈન શિક્ષણ" અને "કૂપમંડુકો"
"ઓનલાઈન શિક્ષણ"
(બહુ જ બધુ લખાયું છે આનાં ઉપર! લખાતું પણ રહેશે! ભવિષ્ય પણ કદાચ આ જ હશે! પરિવર્તન જરૂરી પણ છે! પરંતુ.. ક્યાંક કશુંક ખૂટે છે!)
**********
મારી ૬ વર્ષની નાનકડી દીકરીનાં હાલ 'મેન્ટલ એરિથમેટિક'નાં વર્ગો ઓનલાઈન ચાલે છે. અઠવાડિયે એક વખત કલાસ લેવાય છે. હું પોતે સરકારી કર્મચારી હોઈ ૨૦૦૦૦ નો ફોન એફોર્ડ કરી શકું છું. મારી પાસે જુના મોબાઈલ છે. જેમાં આ ઓનલાઈન ક્લાસની 'ઝૂમ' એપ્લિકેશન એક્સેસ થતી જ નથી. દર સોમવારે કલાસ આવવાનો હોઈ મારે ફરજિયાત પણે જ્યાં હોઉં ત્યાંથી ૬ વાગતાં પહેલાં ઘરે આવી જઉં પડે, અને ફોન દીકરીના કલાસ માટે આપી દેવો પડે! ફ્લેટમાં રહું છું, એટલે હું અંદરના રૂમમાં જતો રહું. ઘરમાં લગભગ શાંતિ છવાઈ જાય. મારાં અનુભવે મેં જોયું છે કે મારી દીકરી ઓનલાઈન ભણતી હોય ત્યારે હું ખાલી જોવાં આવું તો ય એનું ભણવામાંથી ધ્યાન હટી જતું હોય છે, ત્યાં જો એક જ રૂમ/રૂમ રસોડાનું ઘર હોય અને રહેવાવાળા ઝાઝા હોય તો ઓનલાઈન ક્લાસમાં ભણવું સંભવે જ નહીં, આ વાસ્તવિકતા છે! ઘરમાં ૫-૭ જણ રહેતાં હોય, એમાંય નાનાં બાળકો હોય તો પણ ઓનલાઈન ક્લાસમાં બાળકનું ભણવામાંથી ધ્યાન હટે/લાગે જ નહીં એવુંય બને! ટીચરની રૂબરૂ હાજરીમાં મારી દીકરી જેવું પર્ફોર્મન્સ આપતી હતી એ પર્ફોર્મન્સમાં ઓગણીસ-વીસનો ફરક આવ્યો છે. ક્લાસિસમાં ટીચરની મળતી 'હૂંફ' એને મોબાઈલમાં ન જ મળે! ઘણીવખત કોઈ અઘરો ટોપિક ન સમજાય ત્યારે ટીચરની હૂંફ આવશ્યક છે. હું અને મારી અર્ધાંગિની, બંને ટીચર જ છીએ, અને છતાંય એવું કહી શકીએ કે મારી દીકરી માટે એનાં ટીચર જે કહે એ જ અંતિમ સત્ય છે! આ શક્તિ છે એક શિક્ષકની! ..અને આ ભરોસો છે એક વિદ્યાર્થીનો એનાં ટીચર પ્રત્યેનો! ..જે ઓનલાઇન શિક્ષણમાં ઝાંખું પડે છે. ઓનલાઈન ભણતી વખતે ટીચર કશુંક લેશન કે ટેક્સ્ટ મોકલે, વળી ક્યારેક નેટ જતું રહે, એકસાથે ઘણાં બાળકો બોલતા હોય, સ્ક્રીન છેડછાડ થતી હોય.. ત્યારે ખરેખર બાળક મૂંઝાય છે. બે કલાક ચાલતા કલાસ દરમિયાન ફરજિયાતપણે મારી અર્ધાંગિનીને મારી દીકરી પાસે બેસવું જ પડે, એવી સ્થિતિ છે! આતો સારું છે કે, એ પોતે ગણિતની ટીચર છે એટલે દીકરીને કશું ન સમજાય તો બધું સમજાવે છે. જો એ ટીચર ન હોત તો..? અથવા ગણિતમાં મારી જેમ હોત તો..? મારી દીકરીને ભણવામાં પડતી મુશ્કેલીઓ મોબાઈલમાં બેઠેલી ટીચર ન જ સમજી શકે એ દેખીતું છે. માત્ર ૫-૬ બાળકોને, એ પણ 'એજ્યુકેટેડ અને સધ્ધર' ફેમિલીના છે એવાં બાળકોને ઓનલાઈન ભણાવવાના હોવાં છતાં એ ટીચર બે કલાકના અંતે થાકી જતાં હોય એવું લાગે! વીડિયોમાં અમે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે દરેક બાળકની સાથે એનાં વાલી બેઠાં જ હોય છે, પ્લસ ટીચર પણ ઓનલાઈન હોય.. આમ એક બાળકની પાછળ વનપ્લસ લોકોનો માનવકલાક વેડફાય! બીજું એક સખત.. સબળુ-નબળું જે ગણો એ.. પાસું એ છે કે મારી દીકરી હવે, મોબાઇલની પાછળ રોજીંદો વધુ સમય ફાળવે છે, જેનું રેડિએશન આવનારા સમયમાં શુ નુકસાન કરશે, એ નક્કી નથી!
આ વાત થઈ એવાં લોકોની કે જેઓ ઓનલાઈન કલાસ એફોર્ડ કરી શકે છે. હવે વાત કરું એવાં લોકોની કે જેઓની દુનિયા જ કંઈક અલગ છે! વાત કરું છું, 'ગ્રાઉન્ડ રિયાલિટી'ની! મધ્યમ-ગરીબ બાળકો અને એમનાં વાલીઓની!
આગળ જણાવ્યું તેમ હું એક એવી જગ્યાએ બાળકોને ભણાવતો સરકારી શિક્ષક છું જ્યાં ભણવા આવનારા બાળકો અને એમનાં વાલીઓ 'રોજનું કમાઈને રોજનું ખાવાવાળા' છે! આવાં લોકોનાં ઘરમાં એવરેજ ૪-૫ બાળકો હોય તે દેખીતું છે! ભાગ્યે જ કોઈક ઘર એવું મળે કે જેમના ઘરમાં બાળકોને 'માંગે એ મળે' જેવું વાતાવરણ હોય! સરકારી ધોરણે ઘણું અભ્યાસિક મટીરીયલ હવે વોટ્સએપ થ્રુ વાલી-બાળકને પહોંચાડવાનું હોય છે, જેથી બાળક ઘરે ભણી શકે! કોન્સેપ્ટ સારો છે, પણ સહેજેય વાસ્તવિક નથી! મારાં વર્ગમાં ભણતાં ૧૧૦ બાળકોમાંથી મારા વોટ્સએપ કોન્ટેક્ટમાં જેમનું નામ ફ્લેશ થતું હોય એવાં ફુલ્લી ૫૦ બાળકો માંડ છે! આવું મટીરીયલ એકસાથે બધાં બાળકોને પહોંચાડી શકાય એટલે મેં ગ્રુપ બનાવ્યું તો એક જ દિવસમાં પંદરેક જણ 'લેફ્ટ' થઈ ગયા! ફોન કરીને કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે એ વોટ્સએપ વાળા નંબર કાંતો પડોશીના હતાં, કાંતો સગા-વહાલાંના, કે જેમને આ મટીરીયલ સાથે કોઈ લેવાં-દેવાં ન હતું! બાકી વધ્યા એમાંથી, આ ભણવાનું મટીરીયલ મારા મોકલ્યા પછી 'SEEN' કરતાં હોય એવા માંડ ૧૨-૧૫ જણ છે, અને આમાંથી બાળકોને ઘરે બેસીને ભણાવી શકે એવા ગણીને માત્ર ૬-૭! મતલબ પૂરાં ૧૦ ટકાય નહિ! કોઈ મટીરીયલ હું મોકલું એટલે તરત જ ૬-૭ વાલીઓ ફોન કરે અને પૂછે, "એ ક્યાં ભેજા હૈ તુમને?" મારે બધું સમજાવવું પડે! વાલી પૂછે, "ઇસકો નોટમેં લીખનેકા યું??" હું 'હા' પાડુ એટલે 'જેવું મોકલ્યું એવી જ' સવાલો લખેલી નોટ તૈયાર થાય! બાળક મોબાઈલમાં જોઈ-જોઈને નોટમાં 'ઉતારો' કરે એને વાલી એવું સમજે કે 'મેરા બચ્ચા ફોન સે પઢતા હૈ!' સરકારી શાળાઓમાં ભણતાં બાળકોની/વાલીઓની/શિક્ષકોની વધતેઓછે અંશે દરેક જગ્યાએ (રિપીટ, દરેક જગ્યાએ!) આ જ વાસ્તવિકતા છે!
આ લોકડાઉન દરમિયાન અમારે ઘણાં વાલીઓનો કોન્ટેક્ટ કરવાનો થયો છે, પણ અડધા અડધ વાલીઓના મોબાઈલ બંધ આવ્યા. કોરોના ને લઈ રૂબરૂ જવું જોખમી હોવાં છતાં જ્યારે હું રૂબરૂ ગયો છું, ત્યારે જાણવા મળ્યું કે 'ઘરમેં ખાને કે વાંધે હો, વહાં મોબાઈલ કા રિચાર્જ કહાં સે કરવાએ?' સાડા ડબલાવાળા ફોનમાં પણ કંઈક ૩૬₹ વાળું રિચાર્જ કરાવવું પડે છે. લોકડાઉનમાં બધાં ઘરે જ હોય તો રિચાર્જની જરૂર રહેતી નથી! કોઈક વાલીનાં બેંક એકાઉન્ટમાં બાળકોના MDM ના પૈસા જમા થાય એ માટે વોટ્સએપથી ખાતાં નંબર મંગાવીએ તો અડધી કલાકે ખબર પડે કે આજુબાજુ કોઈની પાસે નેટ ચાલુ જ નથી. વોટ્સએપ ક્યાંથી કરે? ખાતા નમ્બર ક્યો કહેવાય એ પણ ન સમજી શકતાં અને પોતાનું બાળક ક્યાં ધોરણમાં છે એ પણ ખબર ના હોય એવાં મહત્તમ વાલીઓ જો ઓનલાઈન શિક્ષણ ચાલુ થાય તો બાળકને અભ્યાસમાં શુ મદદ કરે? એ મોટો પ્રશ્ન છે! એક રૂમમાં ૫-૮ લોકો રહેતાં હોય તો કઈ શાંત જગ્યાએ જઈ બાળક ભણે એ પણ સવાલ છે! ...અને સૌથી મોટી વિકરાળ સમસ્યા એ છે કે 'બાળકો બધું જ સમજતાં હોય છે!' જે ઘરમાં હાંડલા કુસ્તી કરતાં હોય ત્યાં બાળકો ભણવામાં ધ્યાન ન જ આપી શકે, કેમકે પહેલાં ધોરણમાં ભણતું પાંચ વર્ષનું બાળક પણ બધ્ધુ જ સમજે છે કે કેવી રીતે એનાં મમ્મી-પપ્પા આ મહામારીમાં સર્વાઇવ કરે છે??!! 'ભૂખ્યા પેટે ભણવાનું ન જ થાય ગોપાલા!'
***********
મારી દીકરી તન્વીએ હાલમાં જ 'ફુલણજી દેડકા'ની વાર્તા કરેલી, કે જેમાં 'કુવામાંના દેડકાં' એ કુવાની બહારની દુનિયા જોઈ જ નથી! કદાચ, આપણાં નિર્ણાયકો મંત્રીઓ અને અધિકારીઓ આવા જ કહી શકાય! કેમ કે..
હું જ્યારે પણ છાપામાં, ટીવીમાં, સોશિયલ મીડિયામાં કોઈ ગરીબ/મધ્યમ/તવંગર કુટુંબના ૨૫ વર્ષનાં યુવાન કે યુવતીને IAS/IPS કે UPSC જેવી એક્ઝામ પાસ કરતાં જોઉં છું ત્યારે એમનાં પર 'પ્રાઉડ' તો થાય જ છે, પણ એક વિચાર આવ્યા વગર રહેતો નથી!! આવી પરીક્ષાઓ પાસ કરવા માટે આવા યુવાનો/યુવતીઓએ ખૂબ જ મહેનત કરી હશે. દિવસોના દિવસો સુધી પોતાને ઘરના એક ખૂણામાં બંધ કરી દીધી હશે. અઢાર-વીસ કલાકનું વાંચન કર્યું હશે. પોતાને સમાજ-ઘર-પરિવારથી અલગ કરી દીધાં હશે. આવી અઘરી એક્ઝામો પાસ કરનાર બધાં જ ટોપરો 'ચતુર' તો હશે જ, પણ એમાં 'રેંચો' કેટલાં હશે?
જેને 'ઘરનાં ખૂણા'ની જ દુનિયા જોઈ છે, એને સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ ચલાવવા આપીએ તો શું થાય?
એક દ્રશ્ય મનમાં આવે છે:
કોઈ માં-બાપ અને એનું બાળક કોઈ કારણસર મોટી ઓફિસમાં જાય છે. એમને કોઈ કાગળમાં 'મોટાં સાહેબ'ની સહી કરાવવી છે. 'સાહેબ' એમની ઓફિસમાં મિટિંગમાં બેઠાં છે. પટાવાળો એ લોકોને બહાર બેસવાનું કહે છે. થોડીવારમાં એ સાહેબ મિટિંગ પૂરી કરીને બહાર નીકળે છે, અને કેટલીયે વખતથી એમની રાહ જોઈ રહેલાં એ કુટુંબની સામે જોયા વગર જ 'સડસડાટ' જતાં રહે છે!પટાવાળો એમને થોડીવાર પછી અથવા તો કાલે આવવાનું કહે છે! આ કુટુંબ એક એવાં અધિકારીનાં રુતબાને નજરે જુએ છે, કે જેની પાછળ 'સાહેબ..સાહેબ..' કરીને ફરનારાની મોટી ફોજ છે, એ.સી.ઓફીસ છે, સરકારી ગાડી છે, બંગલો છે, અને સૌથી અગત્યનું એની પાસે 'પાવર' છે!
હવે, જે બાળકે નાનપણમાં આ દ્રશ્ય જોયું છે, એ પોતાનાં માં-બાપની સામે જુએ છે, અને નક્કી કરે છે કે 'હું પણ આવો બનીશ. મોટો સાહેબ.. સૂટ-બૂટ પહેરેલો.. અને હંમેશા 'બીઝી' દેખાતો.. અકડાઇને ચાલતો.. કોઈને 'ભાવ' ન આપતો.. વગેરે.. વગેરે..'
અથવા તો..
આ જ દ્રશ્યને ઊલટું વિચારીએ, તો 'મોટાં સાહેબ'નાં આવા રુતબાને જોઈને માં/બાપ પોતાનાં બાળકને ખૂબ ભણી-ગણીને આવા 'મોટાં સાહેબ' બને એવી ઈચ્છા રાખે છે.
અહીં સુધી બધું બરાબર છે. હવે, આ કાલ્પનિક દ્રશ્યને આગળ વધારીએ..
હવે આ બાળક 'મોટાં સાહેબ' બનવા માટે તનતોડ મહેનત કરે છે. એનું એક જ લક્ષ્ય છે-"મોટાં સાહેબ બનવું!"
એ રોજનાં પંદર-વીસ કલાક વાંચે છે. ટકાવારી ઊંચી અને 'વિજ્ઞાન'નાં વિદ્યાર્થી બનવાની લાયકાત હોવા છતાં તે બાળક પોતાને ઘરનાં એક ખૂણામાં પુસ્તકોનાં થોથાની વચ્ચે પૂરી દે છે. માં-બાપ પણ એની મહેનતથી ખુશ છે. એને એકાંતમાં રાખવાની બનતી મદદ કરે છે. એ નથી સમાજમાં/મિત્રોમાં હળતો-ભળતો, કે પછી નથી ઘરની બહાર નીકળતો. 'ઇન્ફોર્મેટિવ થોથા'ઓની સાથે સાથે 'પોઝિટિવ થીંકીંગ' અને 'મોટીવેશનલ' પુસ્તકો વાંચીને એ UPSC/GPSC/IAS/IPS જેવી કોઈ હાર્ડ એક્ઝામને પોતાની ઉંમરના ૨૫માં વર્ષે જ ક્રેક કરે છે, અને કલેકટર બને છે.
વાહ.. સપનું પૂરું થયું! પોતે અચાનક લાઈમલાઈટમાં આવી 'સ્ટાર' બની ગયો છે. છાપા-મીડિયા-ટીવીમાં આટલી નાની ઉંમરે એ છવાઈ ગયો છે. એનું પોસ્ટિંગ કોઈ સારી જગ્યાએ છે. માં-બાપ ખુશ છે. હવે એની પાસે જે એનું લક્ષ્ય હતું એ છે - "પાવર"!
બ્રાવો..!
હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે...
જેણે ક્યારેય 'ઘર' સાચવવા/ચલાવવામાં પોતાના માં-બાપની મદદ પણ નથી કરી, એ નાની ઉંમરનાં 'મોટાં બાળક'ને આવી એક્ઝામ પાસ કર્યા પછી આખો 'જિલ્લો' કે પછી, પોતાનો 'ક્રાએટેરિયા' ચલાવવાનો પરવાનો મળી જાય છે! (સમજાય છે?.. નાની ઉંમરમાં 'એડમિનિસ્ટ્રેટિવ અધિકારી' બનવાનાં સપનાં ના-લાયક યુવાનો શું કામ જોતાં થઈ જાય છે?? ઘરમાં બેઠેલાં 'નવરાં'ઓ ગર્વથી એવું શું કામ કહેતા હોય છે, 'કોમ્પિટિટિવ એક્ઝામ'ની તૈયારી કરું છું??!! કેમ કે એ જાણે છે કે, 'જો એ પાસ થઈ ગયો તો 'શૂન્ય' પ્રેક્ટિકલ અનુભવે એ 'મોટો સાહેબ' બનશે!! 'ક્ષેત્ર-અનુભવ'નું અહીં કોઈ મહત્વ છે જ નહીં! સિસ્ટમમાં 'સાલું' ક્યાંક તો કશુંક ખૂટે છે!)
જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ' રેંચો બનશે તો લોકોનું 'ભલું' કરવાં કોઈ લાલચુ નેતાની સામે પડીને પણ કામ કરશે.. બિલકુલ પ્રામાણિકતાથી! ..અને આવા નેતાની સામે પડવા બદલ સતત 'બદલીઓ'નો પુરસ્કાર અને લોકોનો આદર-પ્રેમ મેળવશે! એ એવો અધિકારી ક્યારેય નહિ બને કે જે કોઈનાં માતાપિતાને રાહ જોવડાવ્યા બાદ 'સડસડાટ' જતો રહે! 'ડાઉન ટુ અર્થ' રહીને 'ગ્રાઉન્ડ રિયાલિટી'ને આધારે પોતાનાં નિર્ણયો લેશે!
પરંતુ.. જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ' ચતુર નીકળ્યો તો..???
'ઇન્ફોર્મેટિવ થોથા' વાંચીને 'મોટા સાહેબ' બનેલાં આ યુવાને 'ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી/પુસ્તકોની બહારની દુનિયા જોઈ જ નથી! પોતાને 'થ્રી ઈડિયટ'ના 'રેંચો' માનતા આવાં 'ચતુરો' ચોર નેતાઓને એ જ દેખાડે છે, જે એ જોવા માંગે છે! ..અને એમની 'ગુડબુક'માં રહે છે! આ નેતાઓ પણ કેવા? અભણ હોય તો ય ચાલે! હું ખેડૂત નથી, તોય કૃષિમંત્રી બની શકું એવું જ કંઈક!! (એક માણસ પોતાની ભૂખ મટાડવા બીજા માણસના મરવાની રાહ જોતો એની બાજુમાં બેઠો હોય, એવો ભયંકર દુષ્કાળ જ્યારે અમુક સો વર્ષો પહેલાં ચીનમાં પડયો હતો, ત્યારે ચીનના તે સમયના રાજાને નવાઈ લાગતા કહેલું, "આ લોકો માણસને શુ કામ ખાય છે? માણસની જગ્યાએ મુરઘીનો સેરવો કેમ નથી પીતાં?!!" એ રાજા એટલી પણ ગ્રાઉન્ડ રિયાલિટી નહોતો સમજતો, કે જ્યારે કોઈ જાનવર જ બાકી ન રહ્યું હોય, ત્યારે જ લોકો એકબીજાને જ ખાવાના ને!! અંતે, એ રાજાએ લોકો પોતાનાં સંતાનોને વેચી શકશે, એવો ઠરાવેલું! ..જેથી લોકો (સેરવો!! હા.. હા..😁😁) ખાવા પામી શકે! સંદર્ભ: માર્ચ ૨૦૨૦ સફારી!)
આ નાની ઉંમરના 'મોટાં સાહેબ' પાછાં 'ઉછળતું લોહી' હોઈ, પોતાનાં નિર્ણયોની સામે કોઈ વિરોધ કરે તો..? રિયાલિટી સમજ્યા વગર જ 'કડક હાથે પગલાં' લે! કારણ કે એણે નાનપણમાં 'મોટાં સાહેબો'ને આવાં જ 'ભાવ' ન આપતાં જોયાં છે! આવાં 'ચતુરો'નો વિરોધ કરવાં કરતાં 'ખોટું' કરવું સારું, એવું માનનારા વધે છે! પરિણામે કોઈ પણ કાર્ય, માત્ર ને માત્ર, 'પરિણામ લક્ષી' બને છે, 'વાસ્તવિક લક્ષી' નહિ! ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી સામે આંખ આડા કાન થાય છે. મતલબ કે, મારા દીકરી 'ઓનલાઈન' શિક્ષણ લઈ શકે છે, એટલે બધાં જ લોકો લઈ શકે, સમથિંગ એવું જ! હું ૨૦૦૦૦ નો ફોન રાખી શકું તો બધાં રાખી જ શકે.. એવું જ કંઈક! પોતાની આવક કરોડોમાં છે એટલે ગરીબ-મધ્યમવર્ગના લોકોની આવક ૬૦૦૦૦૦-૧૮૦૦૦૦ વચ્ચે છે એવું જ કંઈક!! મારુ પેટ ભરેલું છે, એટલે કોઈ ભૂખ્યું નથી એવું જ કંઈક!! પરિણામે સતત નિર્ણયો બદલાતા રહે, કોઈ કામ સ્થાયી થાય જ નહીં! પરિપત્રો 'નિર્ણય' નહિ, પણ 'પ્રયોગ' બને! પોતાનાં તુઘલખી નિર્ણયોને સાચા સાબિત કરવા 'પરિપત્ર પર પરિપત્ર' અને 'પાવર'નો ઉપયોગ થાય, અને પીસાય કોણ? કહેવાની જરૂર ખરી??!!
ક્લાસ વન એકઝામની તૈયારી કરતા 21 થી 25 વર્ષના યુવકો/યુવતીઓ, દિવસના બાર-પંદર કલાક વાંચવા માટે પોતાને ઘરના એક રૂમમાં બંધ કરીને, જયારે GPSC/UPSC જેવી એક્ઝામો પાસ કરે છે અને કોઈ મોટા હોદ્દા પર બેસે છે ત્યારે એમને સામાન્ય પ્રજાજનો/કર્મચારીઓ/પોતાના વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો શું ખ્યાલ હોય? જે હજી પરણીને ઘર ચલાવતા નથી થયા એમને પોતાના 'ક્રાયેટેરીયા' વિસ્તાર ચલાવવાનો શું અનુભવ હોય? 'યુવાનીનું ઊછળતું લોહી' પોતાના 'પુસ્તકિયા જ્ઞાન'ના જોરે એ.સી. ઓફિસમાં બેસીને 'બ્યુરોક્રસી' હેઠળ કોઈ અભણ નેતાની ઈચ્છાઓને પૂરી કરવા વાસ્તવિક દુનિયામાં એવા અવાસ્તવિક અને તુઘલખી નિર્ણયો લેતા હોય છે કે જેનાથી સામાન્ય પ્રજાજનોની કમ્મર ભાંગી જાય છે!! ..અને 'વિવેક' 'પ્રમાણિકતા' 'સત્ય' અને 'નિષ્ઠા' માત્ર કાગળ પર રહી જાય છે!! વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા.. જ્યાં વર્ષોના અનુભવીઓ નહિ, પણ 'પુસ્તકિયા જ્ઞાની'ઓ મોટા હોદ્દા પર બેસે છે, અને 'નહીવત ભણેલાં' મંત્રીઓ બને છે!
રવિવાર, 7 જૂન, 2020
તન્વીની ભવિષ્યની વાર્તાઓ
શનિવાર, 6 જૂન, 2020
શુક્રવાર, 5 જૂન, 2020
BEING RAVAN!
Being Ravan!
વર્ષ ૨૦૧૦ નું યાદગાર સંભારણું!
**************************
બાળપણમાં અમદાવાદમાં બાપુનગર ગુજરાતી શાળા નં. ૯ માં ભણતો હતો, ત્યારે રાષ્ટ્રીય તહેવાર વખતે આવો નાનકડો એકાદ કલાકનો કાર્યક્રમ થતો હોવાનું સંભારણું છે. ત્યારબાદ જે શાળામાં ભણ્યો ત્યાં મેદાન હતાં જ નહીં! જ્યાં હતાં ત્યાં પણ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો થતાં હોય એવું યાદ નથી.. મતલબ કે થતાં જ નહીં! ૨૦૦૩-૨૦૦૫ પીટીસી વખતે બધાને એવું જ લાગતું કે હું સારું એન્કરિંગ કરી શકતો હોઈશ, એટલે આવા રેરલી થતાં કાર્યક્રમોમાં માઈક જ સાંભળવા મળે! ૨૦૦૫ માં પીટીસી પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં નિકોલ પાસે એક ખાનગી શાળામાં નોકરી લાગી ત્યાં તો સમ ખાવા પુરતુંય મેદાન ન હતું. શાળાનું ધાબુ એ મેદાન! અમદાવાદમાં દર ૧૦૦૦ મીટરે એક શાળા છે, એમાં બાળકોને ખાલી બે પુંઠ્ઠા વચ્ચેનું જ શિક્ષણ આપવામાં આવે છે! બાળકોની વધારાની શક્તિઓ ખીલવવા માટે સમય અને અવકાશ જ નથી.. એમાંય બાળકોને ગોખણીયા 'પોપટ' બનાવી દેવાં અભ્યાસક્રમની લ્હાયમાં ક્યારેય ન થાય! હવે તો મોટી હાઈ-ફાઈ ઇન્ટરનેશનલ શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાનાં બાળકને સ્ટેજ મળે એટલે 'પૈસા ફેંકો અને સ્ટેજ મેળવો' એવું થઈ ગયું હોય એવુંય લાગે છે!
માર્ચ ૨૦૦૭ માં વેળાકોટમાં નોકરીની શરૂઆત થઈ. દર વર્ષે ૨૬ મી જાન્યુઆરીએ શાળામાં એક મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય. જાન્યુઆરી ૨૦૦૮ માં પહેલી વખત એવું લાગ્યું કે શાળામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતાં હોય છે. ઉત્તરાયણ પછીના ૧૨ દિવસ આખી શાળા કાર્યક્રમની તૈયારીઓમાં લાગી જાય. જેમાં ચોક્કસ આયોજનો પણ થાય, રિહર્સલ થાય, વસ્તુઓ ભેગી કરવામાં આવે, બાળકોને પોતાની આંતરિક શક્તિઓ ખીલવવાની પૂરેપૂરી તક મળે! મેં પીટીસીનું ઘીસ્યુપીટયું એક ભુવાનું નાટક અને કવ્વાલી કરાવી. આચાર્ય તરફથી છૂટો દોર મળ્યો. બાળકો પણ એવા કે જે પાત્ર આપ્યું હોય એ કરવામાં નાનપ કે શરમ ન અનુભવે. નાટક થયું, કવ્વાલી થઈ. કાર્યક્રમ એટલે શું? એની સંકલ્પના ક્લિયર થઈ. મેં નક્કી કર્યું કે હવે દર વર્ષે એક જ કાર્યક્રમ કરવો જ.. અને એ પણ એવો કરવો.. કે 'છાકો' પડી જાય!
જાન્યુઆરી ૨૦૦૯.. 'વંદે માતરમ' ગીત પર પરફોર્મ કરાવવાનું નક્કી કર્યું. એ સમયે આજનાં જેવાં રિયાલિટી શોઝની હજુ શરૂઆત થયેલી. કોરિયોગ્રાફી કરવી હતી.. અને ગીત દરમિયાન બાળકોનું ડાન્સનું મુવમેન્ટ કેવું હોવું જોઈએ.. એ વિચારવા માટે આ 'વંદે માતરમ' ગીત આખી રાત સાંભળેલું! મનમાં સ્ટેપ નક્કી થયા અને બાળકોએ અદ્દલ ઝીલ્યા. ગીતમાં વચ્ચે ૧૨ બાળકોનાં બે પિરામિડ પણ ગોપાલ સાહેબની મદદથી થયાં.. મજા આવી ગઈ.. પર્ફોર્મન્સનાં ખૂબ વખાણ થયાં. મારી હિંમત પણ ખુલી. મારી પણ આંતરિક શક્તિઓ બહાર આવતી હોવાનું લાગ્યું.
વર્ષ ૨૦૧૦.. 'જળ કમળ છાંડી જાને બાળા..'ને પસંદ કર્યું. પહેલાં ધોરણનાં એક છોકરાંને કૃષ્ણ બનાવી 'કાલીયા નાગદમન' પર પર્ફોર્મન્સ કરાવ્યું. ધો.૭ નાં ૯ હટ્ટાકટ્ટ બાળકો નાગ બન્યાં. સાઉન્ડ રેકોર્ડિંગ મારાં હેંડીકેમમાં કર્યું, અને આ નાટક આખા કાર્યક્રમનો સેન્ટર બન્યો. મોટાભાગનાં લોકો ધો.૩ સુધીના બાળકો પાસે માત્ર અભિનયગીતો જ કરાવતાં.. જ્યારે મેં ધો.૧ ના બાળકને નાગ પર નચાવ્યો.. મેઈન કેરેકટર કરાવ્યું, અને એણે પણ મોજથી ભૂલ વગર કર્યું! મને મજા આવી ગઈ. હું સમજ્યો કે કોઈપણ નાટકમાં સાઉન્ડનું ખૂબ જ મહત્વ છે.
..અને હવે જાન્યુઆરી ૨૦૧૧. સ્વદેશ ફિલ્મના પલ પલ હૈ ભારી.. વાળું ગીત પસંદ કર્યું. હવે ક્યાંક ક્યાંક એવું લાગતું કે બાળકો પણ મારાં કાર્યક્રમમાં ભાગ લેવાં ઉત્સુક રહેતાં. ધો.૪ ની કાજલ મારાં બતાવ્યા પ્રમાણે મુવમેન્ટ આપીને સારું પરફોર્મ કરતી. એ સીતા બની. ધો.૧/૨ બાળકો વાનરસેના બનશે. 'આખ્યાન'વાળા પાસેથી વસ્ત્રો આવ્યા. બધું નક્કી થયું.. પણ 'રાવણ' નક્કી ન થાય! કાર્યક્રમના ૧ દિવસ પહેલાં મેં જ રાવણ બનવાનું નક્કી કર્યું. મહત્તમ વેળાકોટ ગામ 'રામ'જીવન પ્રસંગ જોવાં ભેગું થયેલું. ..અને એ દિવસે હું 'રાવણ' બન્યો. મારાં જીવનનો આ એક યાદગાર પ્રસંગ છે. રાવણનાં અટ્ટહાસ્ય માટે નાટક દરમિયાન ખૂબ જ જોરથી હસેલો! ..આજેય આ જોઈને એટલો જ આનંદ થાય છે.. જેટલો એ સમયે થયેલો! શાળાનાં બાળકોની સાથે સ્ટેજ પર પરફોર્મ કરવું મારાં માટે મોટી વાત છે. કારણ કે મને આ અગાઉ કોઈએય આને લાયક નહોતો સમજ્યો! કેવું બન્યું, એ અગત્યનું નથી.. મજા આવી એ વધુ અગત્યનું છે!
ત્યારબાદના ક્રમશઃ વર્ષોમાં મારાં દ્વારા તૈયાર થયેલું નાટક/ગીત/પર્ફોર્મન્સ આખા સાંસ્કૃતિક કાર્યક્રમનાં મધ્યમાં જ રજૂ થતું રહ્યું છે. 'ટીટોડીનું નાટક' અને 'ચારણ કન્યા'ને આજેય ત્યાં બધાં યાદ કરતાં જ હશે, એવું હું માનું છું.
વર્ષ ૨૦૧૩ માં અમદાવાદમાં આવ્યા પછી અહીંની શાળામાં થતાં સાંસ્કૃતિક કાર્યક્રમોનાં અનુભવો વિશે ફરી ક્યારેક વાત!!😊😊
https://youtu.be/4YYrAcxLiVY
ફેસબુક લિંક: https://www.facebook.com/100002947160151/posts/2935687473206129/