શુક્રવાર, 5 જૂન, 2020

BEING RAVAN!

Being Ravan!
વર્ષ ૨૦૧૦ નું યાદગાર સંભારણું!

**************************

બાળપણમાં અમદાવાદમાં બાપુનગર ગુજરાતી શાળા નં. ૯ માં ભણતો હતો, ત્યારે રાષ્ટ્રીય તહેવાર વખતે આવો નાનકડો એકાદ કલાકનો કાર્યક્રમ થતો હોવાનું સંભારણું છે. ત્યારબાદ જે શાળામાં ભણ્યો ત્યાં મેદાન હતાં જ નહીં! જ્યાં હતાં ત્યાં પણ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો થતાં હોય એવું યાદ નથી.. મતલબ કે થતાં જ નહીં! ૨૦૦૩-૨૦૦૫ પીટીસી વખતે બધાને એવું જ લાગતું કે હું સારું એન્કરિંગ કરી શકતો હોઈશ, એટલે આવા રેરલી થતાં કાર્યક્રમોમાં માઈક જ સાંભળવા મળે! ૨૦૦૫ માં પીટીસી પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં નિકોલ પાસે એક ખાનગી શાળામાં નોકરી લાગી ત્યાં તો સમ ખાવા પુરતુંય મેદાન ન હતું. શાળાનું ધાબુ એ મેદાન! અમદાવાદમાં દર ૧૦૦૦ મીટરે એક શાળા છે, એમાં બાળકોને ખાલી બે પુંઠ્ઠા વચ્ચેનું જ શિક્ષણ આપવામાં આવે છે! બાળકોની વધારાની શક્તિઓ ખીલવવા માટે સમય અને અવકાશ જ નથી.. એમાંય બાળકોને ગોખણીયા 'પોપટ' બનાવી દેવાં અભ્યાસક્રમની લ્હાયમાં ક્યારેય ન થાય! હવે તો મોટી હાઈ-ફાઈ ઇન્ટરનેશનલ શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાનાં બાળકને સ્ટેજ મળે એટલે 'પૈસા ફેંકો અને સ્ટેજ મેળવો' એવું થઈ ગયું હોય એવુંય લાગે છે!

માર્ચ ૨૦૦૭ માં વેળાકોટમાં નોકરીની શરૂઆત થઈ. દર વર્ષે ૨૬ મી જાન્યુઆરીએ શાળામાં એક મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય. જાન્યુઆરી ૨૦૦૮ માં પહેલી વખત એવું લાગ્યું કે શાળામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતાં હોય છે. ઉત્તરાયણ પછીના ૧૨ દિવસ આખી શાળા કાર્યક્રમની તૈયારીઓમાં લાગી જાય. જેમાં ચોક્કસ આયોજનો પણ થાય, રિહર્સલ થાય, વસ્તુઓ ભેગી કરવામાં આવે, બાળકોને પોતાની આંતરિક શક્તિઓ ખીલવવાની પૂરેપૂરી તક મળે! મેં પીટીસીનું ઘીસ્યુપીટયું એક ભુવાનું નાટક અને  કવ્વાલી કરાવી. આચાર્ય તરફથી છૂટો દોર મળ્યો. બાળકો પણ એવા કે જે પાત્ર આપ્યું હોય એ કરવામાં નાનપ કે શરમ ન અનુભવે. નાટક થયું, કવ્વાલી થઈ. કાર્યક્રમ એટલે શું? એની સંકલ્પના ક્લિયર થઈ. મેં નક્કી કર્યું કે હવે દર વર્ષે એક જ કાર્યક્રમ કરવો જ.. અને એ પણ એવો કરવો.. કે 'છાકો' પડી જાય!

જાન્યુઆરી ૨૦૦૯.. 'વંદે માતરમ' ગીત પર પરફોર્મ કરાવવાનું નક્કી કર્યું. એ સમયે આજનાં જેવાં રિયાલિટી શોઝની હજુ શરૂઆત થયેલી. કોરિયોગ્રાફી કરવી હતી.. અને ગીત દરમિયાન બાળકોનું ડાન્સનું મુવમેન્ટ કેવું હોવું જોઈએ.. એ વિચારવા માટે આ 'વંદે માતરમ' ગીત આખી રાત સાંભળેલું! મનમાં સ્ટેપ નક્કી થયા અને બાળકોએ અદ્દલ ઝીલ્યા. ગીતમાં વચ્ચે ૧૨ બાળકોનાં બે પિરામિડ પણ ગોપાલ સાહેબની મદદથી થયાં.. મજા આવી ગઈ.. પર્ફોર્મન્સનાં ખૂબ વખાણ થયાં. મારી હિંમત પણ ખુલી. મારી પણ આંતરિક શક્તિઓ બહાર આવતી હોવાનું લાગ્યું.

વર્ષ ૨૦૧૦.. 'જળ કમળ છાંડી જાને બાળા..'ને પસંદ કર્યું. પહેલાં ધોરણનાં એક છોકરાંને કૃષ્ણ બનાવી 'કાલીયા નાગદમન' પર પર્ફોર્મન્સ કરાવ્યું. ધો.૭ નાં ૯ હટ્ટાકટ્ટ બાળકો નાગ બન્યાં. સાઉન્ડ રેકોર્ડિંગ મારાં હેંડીકેમમાં કર્યું, અને આ નાટક આખા કાર્યક્રમનો સેન્ટર બન્યો. મોટાભાગનાં લોકો ધો.૩ સુધીના બાળકો પાસે માત્ર અભિનયગીતો જ કરાવતાં.. જ્યારે મેં ધો.૧ ના બાળકને નાગ પર નચાવ્યો.. મેઈન કેરેકટર કરાવ્યું, અને એણે પણ મોજથી ભૂલ વગર કર્યું! મને મજા આવી ગઈ. હું સમજ્યો કે કોઈપણ નાટકમાં સાઉન્ડનું ખૂબ જ મહત્વ છે.

..અને હવે જાન્યુઆરી ૨૦૧૧. સ્વદેશ ફિલ્મના પલ પલ હૈ ભારી.. વાળું ગીત પસંદ કર્યું. હવે ક્યાંક ક્યાંક એવું લાગતું કે બાળકો પણ મારાં કાર્યક્રમમાં ભાગ લેવાં ઉત્સુક રહેતાં. ધો.૪ ની કાજલ મારાં બતાવ્યા પ્રમાણે મુવમેન્ટ આપીને સારું પરફોર્મ કરતી. એ સીતા બની. ધો.૧/૨ બાળકો વાનરસેના બનશે. 'આખ્યાન'વાળા પાસેથી વસ્ત્રો આવ્યા. બધું નક્કી થયું.. પણ 'રાવણ' નક્કી ન થાય! કાર્યક્રમના ૧ દિવસ પહેલાં મેં જ રાવણ બનવાનું નક્કી કર્યું. મહત્તમ વેળાકોટ ગામ 'રામ'જીવન પ્રસંગ જોવાં ભેગું થયેલું. ..અને એ દિવસે હું 'રાવણ' બન્યો. મારાં જીવનનો આ એક યાદગાર પ્રસંગ છે. રાવણનાં અટ્ટહાસ્ય માટે નાટક દરમિયાન ખૂબ જ જોરથી હસેલો! ..આજેય આ જોઈને એટલો જ આનંદ થાય છે.. જેટલો એ સમયે થયેલો! શાળાનાં બાળકોની સાથે સ્ટેજ પર પરફોર્મ કરવું મારાં માટે મોટી વાત છે. કારણ કે મને આ અગાઉ કોઈએય આને લાયક નહોતો સમજ્યો! કેવું બન્યું, એ અગત્યનું નથી.. મજા આવી એ વધુ અગત્યનું છે!

ત્યારબાદના ક્રમશઃ વર્ષોમાં મારાં દ્વારા તૈયાર થયેલું નાટક/ગીત/પર્ફોર્મન્સ આખા સાંસ્કૃતિક કાર્યક્રમનાં મધ્યમાં જ રજૂ થતું રહ્યું છે. 'ટીટોડીનું નાટક' અને 'ચારણ કન્યા'ને આજેય ત્યાં બધાં યાદ કરતાં જ હશે, એવું હું માનું છું.

વર્ષ ૨૦૧૩ માં અમદાવાદમાં આવ્યા પછી અહીંની શાળામાં થતાં સાંસ્કૃતિક કાર્યક્રમોનાં અનુભવો વિશે ફરી ક્યારેક વાત!!😊😊

https://youtu.be/4YYrAcxLiVY

ફેસબુક લિંક: https://www.facebook.com/100002947160151/posts/2935687473206129/



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો