*...આખરે દીકરી પોતાનાં જન્મ પહેલાં એનાં પિતાને પોતાની પાસે બોલાવીને જ જંપી!!*
(આજની તારીખે અહીં અમદાવાદમાં હાજર થયો, એનાં ૭ વર્ષ પૂરાં થયાં હોવાની યાદમાં આ લેખ એ દરેક મિત્રોને સમર્પિત, કે જેઓ પોતાનાં વતનમાં આવવાની રાહ જોઈ રહ્યા છે.)
***********
તા.21.3.2012 ને વેળાકોટ પ્રા. શાળામાં નોકરીને 5 વર્ષ પૂરાં થયાં ને હદયમાં આનંદ થયો.. હાશ.. 2500 વાળા પાંચ વર્ષ પૂરાં થયાં..!!
********
માંડ માંડ આ વર્ષો પસાર થયેલાં.. અભાવોનાં વર્ષો હતા એ.. અને દોઢ મહિના પછી પહેલો ફૂલ પગાર 18.5.12 એ બેંકમાં જમાં થયો.. ત્યારની એ ફીલિંગ્સ હજુયે અનુભવી શકું છું! હવે ફૂલ પગારવાળી પાછલી જિંદગી જીવનસાથી અને કુટુંબ સાથે શાંતિથી વિતે એવી 'મહેચ્છાઓ' હજુ આકાર લઈ રહી હતી ત્યાં જ એક અઠવાડિયા પછી તા. 25.5.12 એ ગાંધીનગરથી ફોન આવ્યો, "હલો.. તમને ઓર્ડર મળે કે ના મળે, ગાંધીનગર આવી જજો.."
અમે તા.28.5.12 એ ગાંધીનગર પહોંચ્યા, ને પત્નીશ્રી ને નોકરીનો ઓર્ડર મળ્યો, એ પણ અમદાવાદ કોર્પોરેશનમાં!
નોકરી મળ્યાની ખુશી અનુભવું કે પત્નીજીથી હવે અલગ રહેવાનું દુઃખ અનુભવું, એ ન સમજી શક્યો! બધી 'મહેચ્છા'ઓને 'ફ્લશ' કરીને ભારે હદયે પત્નીજીને અમદાવાદ મૂકીને પાછો ફર્યો.
એવો ફૂલ પગાર શુ કામનો કે જેને વાપરવાવાળી જ ન હોય??!! મારું શરીર અહીં હોય, ને મન અમદાવાદમાં હોય! આંખો કેલેન્ડરમાં રજાના દિવસોની રાહ જોતી હોય..! રજા એક દિવસની હોય, બે દિવસની હોય કે પછી અઠવાડિયાની.. ભાગુ અમદાવાદ! અત્યારસુધીની 5 વર્ષની નોકરીમાં વર્ષાન્તે જે 'સી.એલ.' વાપર્યા વગર જતી રહેતી એ હવે ખૂટવા મંડી! કોડીનાર-ગાંધીનગરની એસ.ટી. બસોના ડ્રાઈવર-કંડકટર હવે ઓળખવા મંડેલા! વેલાકોટ થી અમદાવાદ પહોંચતા ૧૨ કલાક થઈ જતાં. મારા પછી બસમાં ચડતા લોકોને વચ્ચેના સ્ટેશનોએ મારા કરતાં વહેલાં ઉતરતા જોઈ એમની ઈર્ષ્યા થતી! હદય પ્રાર્થના કરતું કે કાશ.. બદલી કેમ્પ થાય અને મારો વારો અમદાવાદમાં આવે.. અને હું પણ આવી રીતે છેલ્લી વખત બસમાં બેસું.. મારો બધો સામાન લઈ અમદાવાદ જવા..!! ..પણ બદલી કેમ્પના ફોર્મ છેક ડિસેમ્બરમાં ભરાતા.. માંડ માંડ છ મહિના પસાર થયા ને અંતે ડિસેમ્બર આવ્યો..!
બદલીનું ફોર્મ ભર્યું.. એકસો વખત ફોર્મ ચેક કર્યું હશે કે રખેને ક્યાંય કોઇ ભૂલ રહી જાય અને ફોર્મ રિજેક્ટ થાય, તો તો હું મરી જ જાઉં ને?? હજાર વખત તાલુકે પુછાવરાવ્યું કે ફોર્મ અમદાવાદ પહોંચી તો ગયું હશે ને?? ક્યાંક વચ્ચે ગેરવલ્લે તો નહી જતું રહે ને? ક્યાંક ફોર્મ લઈ જતી ગાડીને વચ્ચે એક્સીડેન્ટ ન થઈ જાય??!! ભગવાન પરની શ્રદ્ધા ઓલરેડી હતી તો ખરાં જ, પણ હતી એનાં કરતાં વધી ગઈ! ભગવાનને કરવાની પ્રાર્થના પણ ગોખાઈ ગઈ! બસ.. હવે ટ્રાન્સફરની જ રાહ જોવાતી હતી!
એવામાં સમાચાર મળ્યા કે.. હું હજુ એક બંધનમાં બંધાવાનો હતો.. માત્ર પત્નીજી જ નહિ, પણ હવે એક નાનકડું 'બાઉં' પણ દુનિયામાં આવવાની તૈયારી કરી રહ્યું હતું.. અને હવે એ પણ મારી રાહ જોતું હતું.. કે હું ક્યારે અમદાવાદ હંમેશ માટે આવું??
2013 ના ઉનાળુ વેકેશને મારતે ઘોડે (સોરી.. બાઈકે!) અમદાવાદ ગયો.. વેકેશનના 35 દિવસ પછી પાછાં ફરતી વખતે અમરેલી પહોંચ્યો ને ચાલુ બાઈકે 'આંખો' ચાલુ થઈ!! ...શું કરું કાંઈ સમજાતું ન હતું!! અહીં ૪૦૦ કિમિ દૂર હું એકલો, અને ત્યાં ૪૦૦ કિમિ દૂર મારા પત્નીજી એકલાં!
***********
ખૂબ ઈચ્છા હતી કે આ સમયે પત્નીજી ભારતીય અધ્યાત્મને વાંચે અને સમજે! છેલ્લા દસેક વર્ષથી મારા ઘરે નિયમિત 'સફારી' આવે છે.. એમાં મારાં પત્નીજી માત્ર છેલ્લું જ પાનું વાંચે.. કે જે 'ગણિત'નું હોય!! હવે જેમને માત્ર ગણિત જ ગમતું હોય, એ ભારતીય અધ્યાત્મ તો કેમ વાંચે?? હું રવિવારની રજાની રાહ જોતો..
રવિવારની સવાર પડે એટલે ફોન ચાલુ થાય.. તે છેક સાંજે મુકાય! આ દરમિયાન ભારતીય ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોનું હું ખુદ વાંચન કરતો અને મારાં પત્નીજી ફોન પર સાંભળતા.. હું મને આવડે એવું અર્થઘટન કરી સમજાવતો. (ઉદાહરણ તરીકે, જુઓ.. આ લિંક.. https://youtu.be/Ltiuv2vE74c )
...એવામાં એક ખુશીનાં સમાચાર મળ્યા! એક મહિના પછી તા.13.7.13નાં રોજ મારાં નામે એક પત્ર આવ્યો.. અમદાવાદ કોર્પોરેશનમાંથી! એક અઠવાડિયા પછી તા.19.7.13નાં રોજ અમદાવાદ સ્કૂલબોર્ડનો ટ્રાન્સફર કૅમ્પ હતો, જેમાં મારે હાજર રહેવાનું હતું! હું ખુશીનો માર્યો, 19 મી તારીખે કેમ્પમાં પહોંચ્યો, અને રંગે-ચંગે મારા હાથમાં એક અઠવાડિયામાં અમદાવાદમાં હાજર થવાનો ઓર્ડર મળ્યો.
********
"ન જાણ્યું જાનકીનાથે, કાલે શું થવાનું છે??"
..બધું બરાબર જ થાય તો જિંદગી શાની?? હું પાછો વેલાકોટ પહોંચ્યો, ત્યાં મિત્ર જગદીશ ડાંગરે એક ખરાબ સમાચાર આપ્યા.. બદલીનાં નવા નિયમાનુસાર જો શાળામાં 10 ટકા કરતાં વધુ શિક્ષકોની ઘટ હોય તો કોઈનેય છુટા કરવાના ન હતાં!! માર્યા ઠાર..
હું ડરતો-ડરતો જૂનાગઢ જિલ્લા મથકે પહોંચ્યો.. અને મારાં આશ્ચર્ય વચ્ચે મને જિલ્લામાંથી છૂટાં થયાનો ઓર્ડર મળી ગયો!! બસ.. હવે તાલુકે છૂટો થઈશ અને પછી અમદાવાદ!!
બીજાં દિવસે હું તાલુકા મથકે ગયો. ત્યાંના સાહેબે જાણે મારી સાથે 'બાપે માર્યા વેર..' હોય એમ વર્તન કરી મને કાઢી મુક્યો! ..અને કહ્યું, "જ્યારે તમારી શાળામાં પૂરેપૂરો સ્ટાફ હશે તો જ તમે છુટા થશો."
હું તો રડવા જેવો થઈ ગયો..! કારણ કે અમારી શાળામાં પૂરેપૂરો સ્ટાફ ત્યારે જ થાય જ્યારે 1 થી 5 માં હજુ વધુ 2 શિક્ષકોની ભરતી થાય! ..ખોટું નહિ કહું, પણ હું જે ગામની શાળામાં હતો, ત્યાં ભાગ્યે જ કોઈ આવવા તૈયાર થતું.. આવતું તો પણ સજામાં અથવા તો છેલ્લાં વિકલ્પે, જ્યારે બીજી કોઈ જગ્યા જ ન બચી હોય ત્યારે!! કદાચ પૂરેપૂરો સ્ટાફ થાય તો પણ સિનિયોરિટી મુજબ એક જ શિક્ષક છૂટો થાય એમ હતું, જ્યારે મારો નંબર ત્રીજો હતો!! ટૂંકમાં કહું તો.. હવે તો કોઈ 'ચમત્કાર' જ મને અમદાવાદ હાજર કરી શકે એમ હતું!!
***********
હું પાછો એક વખત જિલ્લાએ ગયો.. વિનંતી કરી.. ત્યાંથી પણ કાઢી મૂકાયો! વળતામાં મારા નામ-જોગ એક લેટર જિલ્લામથકે થી તાલુકા મથકે થયો.. અને તાલુકા મથકેથી પે-સેન્ટરે.. અને ત્યાંથી શાળામાં, કે.. "જ્યાં સુધી પૂરેપૂરો સ્ટાફ વેલાકોટ પ્રા. શાળામાં ન થાય, અને સિનિયોરિટી મુજબ મારો વારો ન આવે ત્યાં સુધી મને છૂટો ન કરવો!!"
હું સખત ડિપ્રેસડ થઈ ગયો! ઘરે આવીને રડ્યો.. કારણ કે અમદાવાદના રસ્તાઓ પણ ન જાણતાં પત્નીજી, સગર્ભા અવસ્થામાં આ શહેરમાં એકલાં ભાડે રહેતાં હતાં, અને હું અહીં કશું કરી શકું એમ ન હતો! એ ચિંતા સખત થતી કે આ દરમિયાન ન કરે ઈશ્વરને કાંઈ તબિયત ગરબડ થાય તો તાત્કાલિક કેમ છેક વેલાકોટથી અહીં પહોંચવું??
હું વધુને વધુ 'ચૂપ' થઈ ગયો!
...આ દરમિયાન જ્યારે પણ રજા આવે ત્યારે પત્નીજી સાથે આખો દિવસ ભારતીય અધ્યાત્મની પુસ્તકોની ફોન પર ચર્ચા ચાલુ રાખી.. અને એક દિવસ 'કર્મનો સિદ્ધાંત' પુસ્તક હાથમાં આવ્યું!! સાવ નાનકડી એવી આ પુસ્તિકાની ચર્ચાએ મને વિચારતો કરી મૂક્યો!! આખો ઓગષ્ટ આ પુસ્તકની ચર્ચા પત્નીજી સાથે ચાલી. સમગ્ર ચર્ચાને અંતે એક નિષ્કર્ષ પર આવ્યો, "જો કર્મ બાકી હોય તો જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી એ તમારો પીછો છોડતું નથી."
..અને નિરાશા ખંખેરીને હું મારા શિક્ષક તરીકેના કાર્યમાં લાગી ગયો! હું અને બસ મારો વર્ગ.. બાળકોને શિક્ષણ આપવા સિવાયનું દરેક કર્મ મેં વર્જિત ગણ્યું!! ..આખરે મારે અમદાવાદ જવા મારો વેલાકોટનો 'કામનો ક્વોટા' પૂરો કરવો હતો!
'કર્મનો સિદ્ધાંત' પછી 'ભગવદગીતા'નો વારો હતો.. એક પછી એક અધ્યાય પૂર્ણ થતાં ગયા!! ફોન પર અધ્યાત્મની ચર્ચા જેમ-જેમ આગળ વધતી ગઈ એમ એમ ડિપ્રેશન ગાયબ થતું ગયું! 'કર્મયોગ', 'ભક્તિયોગ' અને 'જ્ઞાનયોગ'માં હું 'કર્મયોગી' જ બની શકું એમ હતો! ડિપ્રેશન થોડું ઓછું થતાં હું મારા સ્ટાફમિત્રો સાથે ફરી ક્રિકેટ રમવા લાગ્યો હતો! મને ક્રિકેટ રમતાં ઓછું આવડે, છતાંય એક ઈચ્છા રાખેલી, કે હું એક 'સિક્સ' મારું, કે જે ક્યારેય નહોતો મારી શક્યો, હંમેશા 'આઉટ' જ થઈ જાઉં!
અહીં અમદાવાદમાં નાનું 'બાઉં' પણ આવવાની તડામાર તૈયારીઓ કરી રહ્યું હતું.. મેં પત્નીજીને એક વાત કહી, "જો આવનારું 'બાઉં' એનાં નસીબમાં એવું લખાવીને આવ્યું હશે કે એનાં આવતાં પહેલાં હું ત્યાં આવીશ, તો હું ગમે તે રીતે અહીંથી છૂટો થઈને ત્યાં આવીશ, અને જો નસીબમાં એવું નહિ હોય, તો આપણે ગમે તેટલાં ધમપછાડા કરીએ.. હું ત્યાં નહિ આવી શકું!"
હું દર શનિવારે બપોરે/રાતે બસમાં અમદાવાદ જવા બેસતો, અને માત્ર ૧૨ કલાક અમદાવાદમાં કાઢીને પાછો સોમવારે પાછો વેલાકોટમાં આવી જતો!
*******
વર્ષ ૨૦૧૧ માં ધો.૧ લીધું ત્યારે એક સંકલ્પ કરેલો, 'આ બાળકોને હું એવું શિક્ષણ આપીશ કે તેઓ જ્યારે ધો.૩ ની પહેલી વખત લેખિત પરીક્ષા આપશે ત્યારે તેઓ તેમની જાતે જ નામ-નંબર સહિતનું આખું પેપર લખશે.. હું એમને કોઈ જ જાતની મદદ નહિ કરું!!'
ઓક્ટોબર આવ્યો, ને સત્રાંત પરીક્ષાઓ ચાલુ થઈ! પહેલી જ વખત લેખિત પરીક્ષા આપતાં ધો.૩ ના બાળકોએ ખૂબ જ સુંદર રીતે જાતે જ પેપર લખ્યા.. નામ-નંબર સહિત! મને સંતોષ થયો.
સમગ્ર સત્રાંત પરીક્ષા પૂરી થયાં બાદ હજુ શાળા સમય પૂરો થવાને થોડો સમય બાકી હોઈ અમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.. હું જે ટીમમાં હતો એ ટીમ હારવાની નક્કી જ હતું, અને બેટિંગમાં મારો વારો આવ્યો. સામેની ટીમના કપ્તાન શિક્ષક મિત્ર જગદીશભાઈ સારું ક્રિકેટ રમતાં, અને હું મોટાભાગે એમની સ્પિન બોલિંગમાં જ આઉટ થતો. હું આગળ વધ્યો.. અને આંખો મીંચીને બેટ ફેરવ્યું, 'સિક્સ' લાગી ગઈ!!.. મારી ટીમે બુમો પાડી.. આ લખતી વખતે ય હું રોમાંચિત છું!!
...કદાચ મારો આ જ 'કામનો ક્વોટા' બાકી રહી ગયો હતો..!! જે પૂરો થયો..
બીજાં દિવસથી બે દિવસની શિક્ષક તાલીમ શરૂ થતી હતી.. અને પછી દિવાળી વેકેશન!!
*********
તા.૨૯.૧૦.૧૩ શિક્ષક તાલીમનો બીજો દિવસ.. જાણવા મળ્યું કે માત્ર આ વખત પૂરતું સરકારે ૧૦% ની જગ્યાએ ૫૦% સ્ટાફને છુટા કરવાનો નિર્ણય લીધો છે.
બે વાગે અમારાં આચાર્ય ગોપાલસાહેબ આવીને કહે, "ચલો મારી સાથે.. તમને પે-સેન્ટરના આચાર્ય બોલાવે છે."
હું આચાર્ય સાથે ઓફિસમાં ગયો, તો પે-સેન્ટરના આચાર્ય કહે, "તાત્કાલિક તાલુકે જાઓ.. તમને છુટા કરવાના છે."
જરૂરી કાગળિયા લઈને હું તાલુકે ગયો.. ત્યાંના મને જોઈને ભડકતા સાહેબે પાછી રોન કાઢી, "હું તમને છુટાં ન કરી શકું."
આ સાંભળીને હું પાછો ગભરાયો! મેં દલીલ કરી કહ્યું, "અમારા પે-સેન્ટરના આચાર્યે તો મને એમ કહ્યું કે મને તાલુકે છુટાં કરવાના છે.."
એ સાહેબ અહંકારથી અને ગુસ્સાથી ઊભાં થઈને અંદરની મોટાં સાહેબની ઓફિસમાં ગયાં, હું પણ પાછળ પાછળ ગયો! પેલાંએ મને છૂટો ન કરવા માટે માંડીને બધી વાત કરી, ત્યાં તો પેલાં મોટાં સાહેબનો જોરથી અવાજ આવ્યો.. "છુટાં કરો આ ભાઈને.."
એ સાહેબ બહાર આવ્યા, ને મારાં છુટાં થવાનાં કાગળો પર સહી કરી નાંખી! ...હું તાલુકેથી છૂટી તરત પે-સેન્ટરે આવ્યો. ગોપાલસાહેબની મૈત્રીક ભલામણથી પે-સેન્ટર આચાર્યે પાંચ વાગી ગયા હોવાં છતાં વધુ સમય રોકાઈને મારાં છુટાં થવાના કાગળો પર સહી કરી.. અને બીજા દિવસે.. એટલે કે આજની તારીખે ૩૦.૧૦.૧૩ એ, બરાબર સાત વર્ષ પહેલાં.. અહીં અમદાવાદમાં હાજર થવા ૨૯ ની સાંજે તાત્કાલિક બસમાં બેઠો..!
હું અહીં ૩૦.૧૦.૧૩ એ હાજર થયો.. બીજાં દિવસથી એટલે કે ૩૧ તારીખથી દિવાળી વેકેશન પડતું હતું!!
....અને બેસતાં વર્ષે એટલે કે, મારાં અહીં હાજર થયાને બરાબર પાંચમાં દિવસે તા.૪-૧૧-૧૩ એ 'તન્વી'નો જન્મ થયો!!
...આખરે દીકરી પોતાનાં જન્મ પહેલાં એનાં પિતાને પોતાની પાસે બોલાવીને જ જંપી!!
**********
"માંડ માંડ છુટાં થયાની ફાઇલ" નામથી એક ફાઇલ મેં મારા કબાટમાં સંઘરી રાખી છે! જેમાં અમે કેટ-કેટલાં કાગળીયાઓ કરેલાં.. એની સમગ્રતયા એક એક કોપી સંઘરી રાખી છે.
**********
લ.તા. ૩૦.૧૦.૨૦
Vah Rajput kharekhar romanchit thay gyo. Dangar
જવાબ આપોકાઢી નાખોTX sir
કાઢી નાખો