ગુરુવાર, 2 સપ્ટેમ્બર, 2021

વાસ્તવિક શિક્ષણ તો બે પૂંઠાની બહાર શરૂ થાય છે..

"ખોટું કહેવાય કે હું આઠ વર્ષની થઈ ગઈ હોવાં છતાં મને ઈંગ્લીશ બરાબર વાંચતા નથી આવડતું.. ગુજરાતીની જેમ હું પહેલેથી જ અંગ્રેજી લખતી અને વાંચતી હોત તો હું પણ કડકડાટ ઇંગ્લિશ વાંચતી હોત.. મારે તમારી મદદની જરૂર ન પડતી.." તન્વીએ રડતાં રડતાં એની મમ્મીને ફરિયાદ કરી..

..અને આ 'ભંગારમાં નાંખી દીધેલો લેખ' ફરી જીવંત થઈ ઉઠ્યો!!
**************

વર્ષ 2005માં પ્રાઇવેટ શાળામાં નોકરીએ લાગ્યો ત્યારે ટેક્સ્ટબુકનાં બે પુઠ્ઠા વચ્ચેનાં કન્ટેન્ટ પર સારી એવી પકડ હોવાને લીધે હું ખૂબ જલ્દીથી 'સારા શિક્ષક' તરીકે ઘણાં  બાળકોને ટ્યુશન કરાવતો થઈ ગયેલો! ભરપૂર ટ્યુશન કરતી વખતે એ નહોતી ખબર કે વાસ્તવમાં શિક્ષણ એટલે શું? ..અને શિક્ષકત્વ એટલે શું?.. 2007માં ગીરના છેવાડે નોકરી લાગી અને હું સમજી શક્યો કે વાસ્તવિક શિક્ષણ તો ટેકસ્ટબુકના બે પુઠ્ઠાની બહાર શરૂ થાય છે!! 

2013માં અમદાવાદ બદલી થઈ. જે વિદ્યાર્થીઓનું મેં અહીં ભરપૂર ટ્યુશન રાખેલું, એમને માત્ર બે પુઠ્ઠા વચ્ચેનું ભણાવ્યાનો અફસોસ હદયને કોરી ખાતો હતો! તેથી.. એક દિવસ મારાં એક વિદ્યાર્થીનું ઘર શોધતાં શોધતાં હું એના ઘરનાં દરવાજે પહોંચ્યો, અને ગભરાતા હદયથી દરવાજો ખખડાવ્યો.. દરવાજો ખુલ્યો.. વિદ્યાર્થી મને ઓળખી ગયો પણ એનાં મમ્મી-પપ્પાને મારે મારી ઓળખાણ આપવી પડી.. થોડી ઔપચારિક વાતો પછી મેં માત્ર બે પુઠ્ઠા વચ્ચેનું ભણાવ્યા બદલ એમની માફી માંગી! ..આવું કરવા બદલ હું ભોંઠો પડ્યો, પણ હદયનો ભાર હળવો થયો અને હું ત્યાંથી નીકળી ગયો! ..ફરી ત્યાં જવાની હિંમત આજ સુધી નથી કરી શક્યો! બદલી થયાં પછી અહીં પણ શરૂશરૂમાં ટ્યુશન માટેની ઓફર આવેલી, પણ સવિનય નકારી કાઢી હતી, કેમ કે બે પૂઠ્ઠા વચ્ચેનું ભણાવીને હું બે પૈસા તો કમાઈ લઈશ, પણ રાષ્ટ્રને એક વિચારશીલ નાગરિકની જગ્યાએ 'ઘેટું' ભેટ ધરીશ એનું શું??!!
***********

શિક્ષક: નીચેના..
વિ.1: નીચેના..
વિ. 2: નીચેના..

શિક્ષક: શબ્દોના..
વિ. 1: શબ્દોના..
વિ. 2: શબ્દોના..

શિક્ષક: સમાનાર્થી..
વિ. 1: સમાનાર્થી..
વિ. 2: સમાનાર્થી..

શિક્ષક: લખો..
વિ. 1: લખો..
વિ. 2: આપો..

શિક્ષક: 'આપો' નહિ.. લખો..
વિ. 2: આપો નહિ.. લખો..

શિક્ષક: હંમ.. ખાલી 'લખો' બોલવાનું.. 'આપો' નહિ બોલવાનું.. બોલ હવે.. 'લખો'..
વિ. 2: લખો..

શિક્ષક: બહુ સરસ.. ચલો હવે બોલજો હો.. પહેલો શબ્દ  છે.. આકાશ..
વિ. 1: પહેલો શબ્દ છે આકાશ..
વિ. 2: પહેલો શબ્દ છે આકાશ..

શિક્ષક: બરાબર..
વિ. 1: બરાબર..
વિ. 2: બરાબર..

શિક્ષક: આભ..
વિ. 1: આભ..
વિ. 2: આભ..

શિક્ષક: અલ્પવિરામ..
વિ. 1: અલ્પવિરામ..
વિ. 2: અલ્પવિરામ..

શિક્ષક: ગગન..
વિ. 1: ગગન..
વિ. 2: ગગન..
.
.
☝️☝️ઉપરના આખા મુદ્દામાં શિક્ષક માત્ર આટલું જ ભણાવવા માંગતા હતા કે ''આકાશ = આભ, ગગન"

ઓનલાઈન શિક્ષણમાં મારી દીકરીને શિક્ષક આ બધું ભણાવી રહ્યા હતા ત્યારે મને જોરથી હસવું આવ્યું, કેમ કે મને તો આ સમાનાર્થી શબ્દોમાં.. 

શિક્ષક બોલે, "બોલો પોપટ.. મિઠ્ઠું"
..તો પોપટ (વિધાર્થી) બોલે, "મિઠ્ઠું"

શિક્ષક બોલે, "બોલો પોપટ.. રામ.."
તો પોપટ-વિધાર્થી બોલે, "રામ.."

...એવું જ સંભળાતું હતું!
************

શિક્ષણ શબ્દનો વાસ્તવિક અર્થ તો એટલો વિશાળ છે કે એને અહીં લિમિટેડ શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરવું એટલે સાગરને ગાગરમાં સમાવવા બરાબર થાય! અમદાવાદનાં 'ટ્યુશનિયા' હોંશિયાર શિક્ષકને (..એટલે કે મને!!) પાંચ વર્ષનો ટેણીયો જ્યારે ગીરમાં સિંહોથી કેવીરીતે બચાય એ સમજાવે ત્યારે બે પુઠ્ઠા વચ્ચેનું જ્ઞાન નકામું સાબિત થઈ જાય છે! બે અક્ષર ઓછો આવડતો હોય એવું બાળક જ્યારે ગંગાસતી કે નરસિંહ મહેતાનું ભજન સમજાવી જાય ત્યારે મારાં 'ફાંકડા અંગ્રેજી'નો પોપટ બની જાય છે! શહેરોમાં (હવે ગામડાઓમાં પણ!!) અંગ્રેજી માધ્યમોની પાછળ ઘેલો થતો સમાજ જ્યારે.. 'A ફોર એપલ' જેવો બાળક 'Z ફોર ઝીબ્રા' જેવો બનીને વડીલોને માન આપતા શીખતો નથી ત્યારે... થપ્પડ મારીને પોતાનો ગાલ લાલ રાખે છે!! 

શોર્ટ એન્ડ સ્વીટ..

'પ્રામાણિકતા', 'નિષ્ઠા', 'સત્ય', 'સ્વચ્છતા', 'વિનમ્રતા'.. જેવાં અઘરાં શબ્દો વાંચનાર બાળક 'બે પુઠ્ઠા' વચ્ચેનાં શિક્ષણમાં તો હોંશિયાર થઈ જાય છે, પણ 'વાસ્તવિક શિક્ષણ'માં ઠોઠ સાબિત થાય છે! શાળાઓમાં બાળકને આવાં શબ્દો વાંચતા તો શીખવાડાય છે, પણ મૂલ્ય નહિ!! ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ રોડ પર થૂંકતા કે ટ્રાફિક રુલને તોડતાં એક સેકન્ડનો પણ વિચાર ન કરે તો શું એને શિક્ષિત કહી શકાય ખરાં?? મેં કોઈ વીડિયોમાં જોયેલું-સાંભળેલું કે જ્યારથી કેળવણીની જગ્યાએ શિક્ષણ શબ્દ વપરાતો થયો ત્યારથી મૂલ્યોની ઘોર ખોદાવાની શરૂ થઈ છે! 'વાસ્તવિક શિક્ષણ/કેળવણી' અને 'બે પુઠ્ઠા વચ્ચેનાં શિક્ષણ'માં આ જ ફરક છે!! 

'પોપટીયાં' અને 'ગોખણિયાં' એવાં બે પુઠ્ઠા વચ્ચેનાં 'પરીક્ષાલક્ષી નૉલેજ'થી, દેશમાં એક એવી પેઢી તૈયાર થઈ રહી છે કે જેમનું દિમાગ કૈક અલગ વિચારવાની જગ્યાએ.. 'બધા જે કરે છે એ જ કરવાનું (ઘેટાંચાલ.. યુ નો?!!) વિચારે છે'! નવનીતો અને ગાઈડોમાંથી માહિતીઓ ગોખી-ગોખીને હોંશિયાર થતાં વિદ્યાર્થીઓ.. મોટાં થયા બાદ કોઈ મુદ્દા/વાત/વિચાર બાબતે 'ફેક્ટચેક' કરીને સત્ય શોધવા/જાણવાની જગ્યાએ 'વોટ્સએપ યુનિવર્સિટી' નામની ગાઈડમાં ભરોસો કરતાં થઈ જાય છે! ..પરિણામે અત્યારે આપણે કયા એક જ પ્રકારનું વિચારતાં 'ઘેટાં'ઓની ભીડમાં ઘેરાયેલાં છીએ એ કહેવાની જરૂર ખરાં?? 
**************

સંસ્કૃતમાં ધો.10 માં મારે 97 માર્ક્સ છે, એનો મતલબ મને સંસ્કૃતમાં મારા વિશે 5-7 વાક્યો આવડવા જોઈએ.. પણ સંસ્કૃતમાં મને શું આવડે છે?? બાબાજીનું ..?!?!

 ..તો શું હું ખરેખર સંસ્કૃત ભણ્યો છું? ..કે ખાલી શ્લોકો અને એનાં ભાષાંતરનું જ રટ્ટૂ માર્યું છે?? ..સંસ્કૃતમાં 97 આવ્યા બદલ મને શરમ આવે છે.. મારી જાત પર! 

2015માં M.A.નું લાસ્ટ સેમ છોડી દીધું અને પરીક્ષા જ ન આપી એનું કારણ પણ આ જ!! મારુ લખાણ હું જાણું છું કેવું છે? કોઈ સબ્જેક્ટ પરનાં 'મૌલિક લખાણને કારણે આવેલી એટીકેટી' સોલ્વ કરવાં જ્યારે ફરી પરીક્ષા આપવાની થઈ ત્યારે નક્કી કરેલું કે વાંચ્યા વગર જઈશ.. અને જો પાસ થઈ ગયો તો ભણવાનું છોડી દઈશ!! ..પ્રશ્નોનાં જવાબને ગોળ-ગોળ, પાનાં ભરાય એવડો મોટો લખીને હું પાસ થઈ ગયો.. અને M.A. કમ્પ્લીટ કરવામાં માત્ર 5 પેપર બાકી હોવાં છતાં મેં ભણવાનું છોડી દીધું!! ...આજેય M.A. કમ્પ્લીટ ન કરવા બદલ મને કોઈ અફસોસ નથી!!

ગ્રેજ્યુએશનમાં પણ આ જ અનુભવ થયો.. વાસ્તવમાં બધા જ પેપરો રી-ચેકીંગ કરાવવા હતાં.. પણ માત્ર બે જ વિષય રી-ચેકીંગ થઈ શકતા હતા.. થર્ડ યરમાં ઓછાં માર્ક્સ આવવા બદલ કંટાળીને બે સબ્જેક્ટ માટે પેપર રી-ચેકીંગનું ફોર્મ ભર્યું.. અને માર્ક્સ સુધર્યા!! 
***********

ભાષામાં ચાહે કોઈપણ ધોરણ હોય.. એમાં કોઈ ચોક્કસ વસ્તુ/બાબત/મુદ્દો ભણવાનો હોય છે, નહિ કે એનું કોઈ વિષયવસ્તુ!! જેમ કે..

ધોરણ ૩માં સંવાદ ભણવાના આવે છે. કોઈ કેરેકટર કોઈ સંવાદ બોલે તો તેમાં ("...")અવતરણ ચિહ્ન ક્યાં/કેવી રીતે મૂકાય..? સંવાદ કેવી રીતે બોલાય..? બોલાતી ભાષાને કેવી રીતે લખાય..? આ બધુ શિક્ષકે બાળકને શીખવવાનું હોય છે!!

જ્યારે અહીં..?! ..શિક્ષકો માટે અગત્યનું છે- 'વાંદરાનું નામ શું હતું??' ..અલા સાહેબ.. વાંદરાનું નામ 'ખટખટ' હોય કે 'ખટમલ' હોય.. શુ ફેર પડે? વાસ્તવમાં આ પાઠમાં સંવાદ કેવી રીતે બોલાય/લખાય એ વસ્તુ અગત્યની છે!! ..અને કવિતાઓમાં પ્રાસ અગત્યનો છે!! તકલીફ ત્યાં છે કે 'વાંદરાનું નામ ખટખટ છે' એવું બોલનાર/લખનાર બાળકને હોંશિયારનું લેબલ મળે છે અને સંવાદ કેવી રીતે લખાય, એ સમજી જનાર બાળકને 'શૂન્ય'નું!!

લેખની શરૂઆતમાં શિક્ષકે બાળકોને.. પોતે જે બોલે છે એ રિપીટ કરવામાં/કરાવવામાં.. એટલી હદે પોપટ બનાવ્યા/બનાવી રહ્યા છે કે બાળક 'લખો'ની જગ્યાએ 'આપો' બોલે તો પણ શિક્ષક ચલાવી લેવાના મૂડમાં નથી!! ..પછી ભલેને બંનેનો ભાવાર્થ એક જ કેમ ના થતો હોય??!! 

(,) અલ્પવિરામના ચિહ્નને 'અલ્પવિરામ' એમ રિપીટેટિવ બોલીને ન બતાવાનું હોય.. પણ 'આભ, ગગન' બોલીએ ત્યારે જ વચ્ચે અટકીને પ્રેક્ટિકલી શીખવવું/સમજાવવું પડે!! ..ધીમે ધીમે બાળક કોઈ મુદ્દા/શબ્દોની વચ્ચે અલ્પવિરામ 'ક્યાં' આવે એ આપોઆપ સમજે/પૂછે ત્યારે 'અલ્પવિરામ'ની સમજ સ્પષ્ટ કરવી જોઈએ!!

કવિતામાં 'પ્રાસવાળા'શબ્દો તરફ બાળકનું ધ્યાન જાય તેવી પ્રવૃત્તિઓ/પ્રશ્નો પૂછવા પડે, નહિ કે 'ટીકુબેન ક્યાં છુપાયા છે', એ સવાલ!! શરૂઆતના ધોરણોમાં ગુજરાતી વિષયમાં સોમાંથી નેવું-સો માર્ક્સ લાવનાર બાળકો, ધોરણ ૧૦માં આવતાં સુધી, ગણિત કરતા 'ભાષા' વિષયમાં વધુ શા માટે નાપાસ થતા હશે, એ સમજાય છે?? 

માર્ક્સ વધુ લાવવા વિષયવસ્તુને અગત્ય આપી, અપેક્ષિત/નવનીત/ગાઈડનો ઉપયોગ કરવા ટેવાયેલાં બાળકો/શિક્ષકો.. ખરેખર શું અગત્યનું છે? ..એ શીખે/શીખવાડે/શોધે જ નહિ, તો અંતે રાષ્ટ્રને કેવી પેઢી ભેટમાં મળે??

'વોટ્સએપ યુનિવર્સિટી' નામની ગાઈડની સાચી-ખોટી બાબતોને સ્વીકારવાવાળી દંભી-ભક્ત પેઢી સ્તો!! 
**************

પ્રાઇવેટ શાળામાં બાળકોને કોમ્પિટિશન મળે છે.. બિલકુલ સાચું!! ..પણ તકલીફ એ છે કે ત્યાં પહેલો નંબર જ લાવવાનું શીખવાડે છે!! રમત-ગમત હોય કે ભણવાનો કોઈ મુદ્દો..,, બાળકને એ રમત કે મુદ્દો શીખવા/રમવાની પ્રોસેસમાં મજા આવવી/ભાગ લે.. એ વધુ જરૂરી છે!! પહેલો કે બીજો.. આવા નંબર તો માત્ર એક આંકડો છે!!

ખાનગી શાળાનાં શિક્ષક/બાળકનાં વાલી તરીકે શું આપણે ક્યારેય આપણાં બાળકને એવું શીખવ્યું છે કે હારવું-જીતવું કે પહેલો-બીજો નંબર લાવવો જરૂરી નથી.. પણ રમવું જરૂરી છે!!?? આપણે બધાં બાળકને એવું જ પૂછીએ કે, 'કેટલાં માર્ક્સ આવ્યા?' ..તો બાળક પણ એવું જ શીખે કે.. 'માર્ક્સ વધુ લાવવા જરૂરી છે, નહિ કે શીખવું/બીજાને શીખવવું!!' ..પહેલો નંબર લાવવો જરૂરી છે, નહિ કે જાણવું!! 

સતત આવું જ શીખતી પેઢી અંતે સ્વાર્થી જ બનતાં શીખે છે! ..દેશમાં કોઈ સ્ત્રી/યુવતી/છોકરીનાં 'ચારિત્ર્યહનન'નાં સમાચારથી કે પછી કોઈનાં મૃત્યુના સમાચારથી કે પછી ભ્રષ્ટાચારના સમાચારથી આપણને શા માટે ફરક નથી પડતો, એ સમજાય છે?? 

..કારણ કે આપણે એવું જ શીખ્યાં છીએ કે, મારાં માર્ક્સ વધારે આવવા જોઈએ.. બીજાનું જે થવું હોય એ થાય!! મારો જ પહેલો નંબર આવવો જોઈએ.. અને બીજાનો મારાં પછી!! ...ભૂલેચુકેય જો બીજાનાં માર્ક્સ વધારે આવે તો બાળક શેનો શિકાર બને છે? ..ઈર્ષ્યા, ગુસ્સો, સરખામણી, ફ્રસ્ટ્રેશન, તણાવ, ડિપ્રેશન વગેરે.. વગેરે..!! ..અને નાપાસ થયું તો?? 

'પાંચમા ધોરણમાં ફેઈલ થવાની બીકે બાળકે આત્મહત્યા કરી' ..શુ આવા સમાચાર કોઈને યાદ છે??
.
''છોડો યાર.. મારું બાળક તો પહેલો નંબર પાસ થયું છે ને..?? એણે આત્મહત્યા કરી એમાં મારે શું??"
**************

પ્રાઇવેટ શાળામાં કોમ્પિટિશન ચોક્કસ મળે છે, પણ સરકારી શાળામાં મળે છે.. સંવેદના, લાગણી, મદદ કરવાનો ભાવ! એકને ન આવડતું હોય તો બીજાને શીખવવાની હોડ જામે છે અહીં!! અહીં અભાવોમાં પણ ખુશ કેમ રહેવું એ આપોઆપ શીખાય છે!! અહીં કોઈ હરીફાઈ નથી.. બધા બાળકો પોતપોતાની દુનિયામાં મસ્ત છે.. બધાં પોતપોતાની ઝડપે શીખે છે! ગાઈડો અને નવનીતોથી દુર પુસ્તકમાંથી જવાબો શોધવામાં આવે છે.. અને એટલે જ સ્તો, ઓછું ભણેલો મોટેભાગે પ્રામાણિક અને મહેનતુ હશે પણ વધુ ભણેલો? ..એટલો જ વધુ ભ્રષ્ટાચારી અને ડરપોક!! ક્યારેક કોઈ જગ્યાએ ફરવા જાઓ તો જોજો કે ભણેલી પેઢી વધુ ગંદકી/અસ્વચ્છતા ફેલાવે છે કે અભણ પ્રજા?? 

આપોઆપ સમજાશે કે.. 'સ્વચ્છતા' ઇઝીલી વાંચનાર બાળક 'સ્વતંત્રતાના હકનો લુપ હોલ શોધી' કચરો ગમે ત્યાં નાંખતા નહિ અચકાય! 'સત્ય' વાંચનાર બાળક 'મૌખિક અભિવ્યક્તિની આઝાદીનો ફાયદો ઉઠાવી' ઇઝીલી ખોટું બોલશે.. અને અંગ્રેજીમાં 'help others' વાંચનાર બાળક 'સમાનતાનાં હકના ચીંથરા ઉડાવી' બીજા બાળકને ગણિતનો દાખલો નહિ શીખવાડે!!

પરીક્ષાલક્ષી 'બે પુઠ્ઠા' વચ્ચેનાં ભણતરનું આનાંથી વધુ કરુણ પરિણામ રાષ્ટ્ર માટે બીજું શું હોઈ શકે??!!
*************

ધોરણ ૧-૨માં તન્વીને મારી જ મ્યુનિસિપલ સરકારી શાળામાં ભણાવી છે! તન્વીને મારાં વર્ગમાં જ મારી સાથે જ ભણાવવા માટે હું મોટા ધોરણમાંથી ધોરણ ૧-૨ (પ્રજ્ઞા)નો શિક્ષક બન્યો! આ દરમિયાન અમને કેવાં-કેવાં વાક્યો સાંભળવા મળ્યા છે એની એક ઝલક લખું તો..

"તમે તમારી દીકરીને સરકારી સ્કૂલમાં ભણાવો છો?"
"અહીં એને કોમ્પિટિશનવાળું વાતાવરણ નહિ મળે."
"આવાં..(જાતિગત શબ્દ)..બાળકોની વચ્ચે આપણાં બાળકને થોડું ભણાવાય?"
"તમે બંને શિક્ષક છો તોય સરકારીમાં ભણાવો છો?"
"સરકારીમાં કાંઈ સારું નથી ભણાવાતું!"
"એનાં પર પર્સનલી ધ્યાન નહિ આપી શકાય"
"સાહેબ બધી વાત બરાબર.. પણ કોઈ સારી સ્કૂલમાં તન્વીને એનાં જેવાં બાળકો મળશે.. આ શાળાની બહારની વસ્તુઓ/બાળકો/લોકોને જોશે.. તો એનું વિઝન ખુલશે.."
.
.
વાક્યો તો ખૂટે એમ નથી.. ઉલ્ટામાં શિક્ષણનાં એક ઉચ્ચ અધિકારી મારી શાળાને 'ભંગાર સ્કૂલ' કહીને પણ સંબોધન કરે છે!!

આ બધામાં મારો બચાવ શુ??
.
.
"સર.. સરકારી સ્કૂલમાં 'રમતાં-રમતાં ભણવાનું' વાતાવરણ મળે.. પ્રાઇવેટ શાળામાં તો ભણવાનું જ બર્ડન મળે.." 

(પ્રાઇવેટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારા સગા ભત્રીજાનું ધો.૧નું દફતર મને વજનદાર લાગતા જોયેલું તો એમાંથી ૧૪ પુસ્તકો નીકળેલાં! ..નોટો, કંપાસ અને પાણીની બોટલનું વજન અલગ!! પ્રાઇવેટ શાળાઓમાં ગધેડાની જેમ (સોરી.. 'Z ફોર ઝીબ્રા'ની જેમ!) 'વજન ઉચકવાની કોમ્પિટિશન' જરૂરથી મળી રહે એમ છે!!)

બિલકુલ ભારરૂપ(બર્ડન) ન બને એ રીતે તન્વી ધોરણ ૧-૨ મારા વર્ગમાં જ મારા હાથનીચે 'રમતાં-રમતાં' ભણી છે! જેને હું વર્ષો પહેલાં અમુક બાળકોને બે પુઠ્ઠા વચ્ચેનું ભણાવ્યાનાં પ્રાયશ્ચિતરૂપે લખી શકું છું!!

...આમ છતાંય આ ટાઈપના વાક્યો સાંભળી-સાંભળીને (અને વર્ગ/ધોરણ/વિષય બદલી ન શકવાનાં નિયમને કારણે હવે તન્વી મારાં વર્ગમાં ભણી ન શકે!) નક્કી કર્યું કે ધોરણ-૩માં તન્વી આવે ત્યારે કોઈ સારી પ્રાઇવેટ સ્કૂલમાં અમે એપ્લાય કરીશું.. વધુમાં નક્કી કર્યું કે માત્ર એક જ સ્કૂલમાં એડમિશન માટે ટ્રાય કરીશું! ..એડમિશન મળે તો ઠીક અને ન મળે તો આપણી મ્યુનિસિપલ સરકારી શાળા ક્યાં નથી??!! 

જોઈ શકું છું કે તન્વીનું બર્ડન વધી ગયું છે! નવી નવી માહિતીઓનાં (માત્ર 'ટિપિકલ' શૈક્ષણિક ઈન્ફોર્મેશન જ.. વાસ્તવિક મૂલ્યશિક્ષણ નહિ!!) ભાર હેઠળ બે પુઠ્ઠા વચ્ચેનું એ ભણી રહી છે!! આવાં ભણતરને લોકો 'સારું ભણવાનું' કહે છે, પણ હું નહિ!! 

ધો.૩માં મારી તન્વી જે રીતે 'પરીક્ષાલક્ષી' જ ભણી રહી છે, એ જોઈને મારો જીવ બળી જાય છે..  કેમ કે રાષ્ટ્રની હજારો શાળાઓમાં 'પોપટો' તૈયાર થઈ રહ્યા છે.. અને સારા વિચારશીલ નાગરિકો?? ..નહિવત!! 

તન્વી 'વોટ્સએપ યુનિવર્સિટીનો ગોખણીયો પોપટ' ન બને એવી ઈશ્વરને હદયથી પ્રાર્થના!!
*************

ગાંધીજીનાં વિચારોની જેમ એમનાં ત્રણ વાંદરાય શાશ્વત છે:
ખોટું જુઓ ત્યાં આંખો બંધ કરો..
ખોટું સાંભળો ત્યાં કાન બંધ કરો..
સત્ય બોલવાનું થાય ત્યાં મોં બંધ કરો..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો