મંગળવાર, 14 જુલાઈ, 2020

સિંહ મદમસ્ત થયો એમ વાંક કોનો??

https://m.facebook.com/story.php?story_fbid=3041425482632327&id=100002947160151

મદમસ્ત અભિમાની રાજા સિંહ જંગલમાં ફરી રહ્યો છે. રસ્તામાં એને હરણ મળ્યુ. એણે છાકટાઈથી હરણને પૂછ્યું, "એય હરણીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

સાચબોલું હરણ સાચું બોલ્યુ, "હા રાજા.. તમે નિર્બળોનું લોહી ચુસો છો, એટલે તમારું મોં ગંધાય છે."

"હેં..?" સિંહ ગુસ્સે ભરાયો, "તું એક રાજાને એવું કહી રહ્યો છે કે 'તમારું મોં ગંધાય છે'??" ..આટલું બોલીને સિંહે પોતાનો પંજો ઉગામ્યો અને હરણને મારી નાંખ્યું!

દૂર બેઠેલાં ખંધા વાંદરાએ આ જોયું, અને રાજા એને કાંઈ પૂછે એ પહેલાં ત્યાંથી ભાગવા પગ ઉપાડે છે.. ત્યાં જ સિંહની ત્રાડ સંભળાઈ, "એય વાંદરીના.. ઉભો રહે!"

ફફડી ગયેલો વાંદરો ઉભો રહયો! મદમસ્ત રાજા સિંહ એની પાસે આવ્યો અને પૂછ્યું, "એય વાંદરીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

હરણની હાલત જોઈને વાંદરાએ ખોટું બોલવાનું વિચાર્યું, "ના રાજાજી.. તમે તો રાજા કહેવાવ.. તમારું મોં થોડું ગંધાય?? તમારા મોં માંથી તો સરસ સુગંધ આવે છે."

"હેં..?" સિંહ ગુસ્સે ભરાયો, "હું રોજ નિર્બળ પ્રજાજનોનું લોહી પીવું છું, અને 'મારું મોં ગંધાતુ નથી' એવું બોલીને એક રાજાની સામે તું જુઠ્ઠું બોલે છે??" આટલું બોલીને સિંહે ફરી પોતાનો શક્તિશાળી પંજો ઉગામ્યો અને વાંદરાને મારી નાંખ્યો! 

હવે, સસલાનો વારો હતો..! એ જ ઉદ્ધતાઈથી અને એ જ અભિમાનથી રાજા સિંહે સસલાને પૂછ્યું, "એય સસલીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

હરણ અને વાંદરાની જે હાલત થઈ એ નજર સામે હોવાથી ચતુર સસલાએ જવાબ આપ્યો, "માફ કરશો.. રાજાજી.. મને સખત શરદી થઈ છે. મારું નાક બંધ છે માટે હું ચોક્કસપણે એવું નથી કહી શકતો કે તમારું મોં ગંધાય છે કે નહિ?"

સસલાના આવા જવાબથી રાજા મૂંઝાયો અને કહ્યું, "તારું નાક બંધ છે, એટલે તને જવા દઉં છું." 

સસલું જીવ બચાવીને ભાગ્યું!

*************

ઘણાં હરણાં જેવા છે, જે સાચું બોલીને જીવ ગુમાવે છે, નોકરી છોડે છે! ઘણાં વાંદરા જેવાં ગુંડાઓ છે, જે ડરે છે કે ક્યાંક રાજાની સત્યતા બહાર આવી ગઈ તો રાજા એને નહિ છોડે! ઘણાં સસલાં જેવાં છે, જે પોતાનું ઘર-કુટુંબ રખડી ન પડે એટલે ખોટાં બહાના કરીને તલવા ચાટીને પણ નોકરી કરે છે અને તક મળતાં જ છટકી જાય છે! 

સસલું આ જ નીતિને કારણે જીવતું રહ્યું! સાચાબોલા હરણો મરી રહ્યાં છે! ગુંડા વાંદરાઓ ડરે છે કે રાજાનું 'અસત્ય' બહાર ન આવી જાય! સસલું ધારે તો હરણનો સાથ આપીને 'સત્ય'નું પલડું ભારે કરીને રાજાની ઉદ્ધતાઈને મ્હાત આપી શકે એમ છે, પણ એ એવું નથી કરતો.. કારણ કે એનાં જીવનનો એક જ ધ્યેય છે, 'બીજાનું જે થવું હોય એ થાય, આપણે આપણું કરો.' 

સસલાની આ જ નીતિને કારણે રાજા મદમસ્ત બન્યો છે. જંગલરાજ બન્યું છે. નીતિ-નિયમો, કાનૂન બધું નિર્બળોને લાગુ પડે છે. ચાટુકારોનો વાળ પણ વાંકો થતો નથી. 

************

...ઉપરની વાર્તા હજુ અધૂરી છે, મેરે દોસ્ત! 

રાજાની ખુશામતખોરી કરીને જીવી રહેલાં સસલાઓ ઈચ્છે છે કે હવે આ રાજા મરે તો સારું! ..પણ, રાજાનો વિરોધ કરવામાં પોતાનું ઘર પરિવાર રખડી પડે, એ ડરથી સસલાઓ બહાનેબાજ અને ચોર બન્યાં છે! મદમસ્ત થયેલો સિંહ આખા જંગલનાં નિર્બળ પ્રાણીઓને વિના કારણ ઘમરોળી રહ્યો છે! જંગલનાં હાથીને આની ખબર પડતાં એ નક્કી કરે છે કે હવે મદમસ્ત સિંહને ઠમઠોરવો રહ્યો! ..અને એ સિંહનાં રોજિંદા રસ્તે ઉભો રહી જાય છે.

'બેફામ' સિંહ પોતાનાં રસ્તા પર હાથીને ઉભેલો જોઈ તાડૂકે છે, "એય હાથીડાં.. અહીં આવ.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

હાથીએ સિંહને કોઈ ભાવ ન આપ્યો! એટલે સિંહ ગર્જ્યો, "એય હાથણીના.. બહેરો થઈ ગયો છે કે શું? અહીં આવ.. જો.. મારું મોઢું ગંધાય છે કે નહીં??"

હાથીએ કોઈ જ જવાબ ન આપ્યો, એટલે સિંહે ગુસ્સામાં  ગર્જના કરી, અને હાથીને મારવા પંજો ઉગામ્યો.. 

ત્યાં તો.. 

હાથીએ જ ત્વરાથી સિંહને એની સૂંઢમાં પકડીને એવો ફેરવ્યો.. એવો ફેરવ્યો.. અને ફેરવીને એટલો દૂર ફેંકી દીધો કે એની પીદુડી બહાર નીકળી ગઈ! 

ધૂળમાં રગડોળાયેલો સિંહ માંડ માંડ ઉભો થયો, અને ધૂળ ખંખેરતા કહ્યું, "હાથીભાઈ.. તમારે નહોતું બોલવું તો ના પાડવી'તી, પણ આમ ઉછાળીને ફેંકાય તો નહિ ને??"

સિંહની આવી હાલત જોઈને ખુશ થયેલાં સસલાઓમાં જોમ આવ્યું. એમણે હાથીને રાજા બનવા કહ્યું! ..પણ હાથીએ સસલાઓને કહ્યું, "આ જ કામ જંગલનાં દરેક પ્રાણીઓ ભેગાં મળીને કરી શક્યા હોત! ..પણ તમે નાત-જાત અને સ્વાર્થનાં વાડામાંથી બહાર નીકળો તો કરો ને?? હરણની હાલત જોઈને શિયાળ વિચારે છે કે 'હાશ! હું બચી ગયું!' વાંદરાની હાલત જોઈને મોર પોતે બચી ગયાની ખુશી મનાવે છે! સસલું બચી ગયું એટલે હરણ અને વાંદરા દુઃખી થાય છે! મારા રાજા બન્યા પછી તમે આવું નહિ કરો એની શી ગેરંટી??"

હાથીના આ સવાલનો સસલાઓ પાસે કોઈ જવાબ નહોતો.. એટલે એ ત્યાંથી જતાં રહ્યા!
...અને 'મરી-મરીને જીવવા માટે' અને માત્ર પોતાનું કુટુંબ બરાબર ચાલે એ માટે સિંહના 'નોકર' બનીને નોકરી કરવા માંડ્યા!! ચૂપચાપ.. કોઈપણ જાતનાં વિરોધ વગર..!! 

જેઓ આ મદમસ્ત સિંહને ઠમઠોરી શકે એમ છે, એવાં હાથીઓ રાજા બનવા તૈયાર નથી! સિંહ હાથીને હેરાન કરતો નથી, એટલે હાથીને સિંહનું શાસન બરાબર લાગે છે! સિંહ મદમસ્ત થયો છે એમાં જેટલો વાંક સસલાઓનો છે, એટલો જ હાથીનો પણ છે! 'મરો' તો બિચારા ગરીબ અને નિર્બળ જાનવરોનો થયો છે.. કે જેઓના ઘરમાં જ હાંડલા કુશતી કરતાં હોય ત્યાં શું સિંહનો વિરોધ કરવા નીકળે??

***********

વર્ષ ૨૦૧૫ માં સી.આર.સી.કો.ઓ. તરીકે હતો, ત્યારે શૈક્ષણિક કાર્ય સિવાયના વધારાનાં કામોને લઈને જ્યારે એક સાચા શિક્ષકની ફરિયાદ સાંભળેલી ત્યારે ખૂબ જ વ્યથિત થયેલો! મારા માનસિક દુઃખનો ઉભરો ઠાલવવા મારા ગુરૂ પદે જેમને ગણું છું (..હાલ એચ.ટાટ આચાર્ય છે!) એમની પાસે ગયો અને બધી વાત કરી! એમણે મારા મનનું સમાધાન કરવા ભગવદગીતાનો એક પ્રસંગ કહ્યો..

અર્જુન પોતાનાં જ કુટુંબીજનોને યુદ્ધમાં નહિ મારવાનું કહી જ્યારે શસ્ત્રો હેઠાં મૂકી દે છે, ત્યારે કૃષ્ણ એને સમજાવતા કહે છે કે, "જેમને તું જીવતા સમજે છે એ..  આ તારા કુટુંબીજનો.. વાસ્તવમાં તો મરેલા જ છે! એમને નહિ મારીને તું શું કામ અધર્મ આચરી રહ્યો છે? જો તું એમને નહિ મારે, તો કોઈ બીજું એમને મારીને યશ પામશે, માટે તું જ આ યશ અને કીર્તિ ભોગવ, યુદ્ધ કર."

"મતલબ..?" મેં પૂછ્યું.

મારા ગુરુ મિત્રે કહ્યું, "મતલબ કે.. જેમનું શોષણ થવાનું લખ્યું જ છે, એ કોઈ પણ ભોગે શોષિત થશે જ!! 'આ' એમનું શોષણ કરીને યશ અને કીર્તિ નહિ મેળવે, તો 'પેલો' એમનું શોષણ કરીને યશ અને કીર્તિ મેળવશે! એટલે.. 'આ'-શિક્ષકોનાં કુટુંબીજન જ- શિક્ષકોનું શોષણ કરીને કીર્તિ અને યશ બંને ભોગવી રહ્યા છે."

**********

મને ખબર નહિ, આ કોઈ સમજી શકશે કે કેમ? પણ હવે.. શિક્ષકોને જે કામ સોંપાવાનું છે, એ વોટ્સએપમાં વાંચીને ઉપરનો પાંચ વર્ષ પહેલાનો કિસ્સો યાદ આવી ગયો! શિક્ષકના 'કુટુંબીજનો' જ શિક્ષકનું શોષણ કરીને યશ અને કીર્તિ બંને ભોગવી રહ્યા છે, કારણ કે.. જે 'ભીષ્મ' અને 'દ્રોણાચાર્ય' જેવાં કુટુંબીજન- આ શોષણ અટકાવવાની શક્તિ રાખે છે.. એ બધાં 'ગુડબુક'માં રહેવા ચૂપ થઈ ગયા છે! 

**********

"રંગ દે બસંતી" મુવી આજેય સ્મૃતિપટલ પર ચહેકી રહ્યું છે: 
"जिंदगी जीने के दो ही तरीके होते है.. एक.. जो हो रहा है होने दो.. बर्दाश्त करते जाओ.. या फिर.. जिम्मेदारी उठाओ उसे बदलनेकी.."

શનિવાર, 11 જુલાઈ, 2020

અલગારી રખડપટટી !!

અલગારી રખડપટટી !!

200 મીટર સુધીની ભરબપોરે મારી પોણા બે વષઁની દીકરી સાથે આજે રજાના દવસે કરેલી મોર જોવા માટેની અલગારી રખડપટટી એની નજરને શું શીખવી ગઈ??

ખેતરનાં ખુલ્લા મેદાનમાં પડવુ - આખડવું..
નાના-નાના ફૂલો પર ફૂદા અને ભમરાની ઉડાઉડ..
મોરનાં અવાજ..
ઢોર ચારતાં ગોવાળ 'વિજય'  સાથેની એ મુલાકાત અને સરપ્રાઇઝીંગલી..
એક ભેંસનું પાડાને જણવું!!

અમદાવાદ સીટીની ભાગોળે રહેવાનો ફાયદો શું??
બીજું તો શું હોય??

....માત્ર 200 મીટર દૂર જ.... પ્રકૃતિ!!

બુધવાર, 1 જુલાઈ, 2020

"શૈક્ષણિક સંવાદ" (ફેસબુકમાં અમુક ફોટા કેવી રીતે વાંચવા.. એ સમજાવતી વખતે આ સંવાદ થયો!)

"શૈક્ષણિક સંવાદ" (ફેસબુકમાં અમુક ફોટા કેવી રીતે વાંચવા.. એ સમજાવતી વખતે આ સંવાદ થયો!)

મને એવું લાગે છે કે આ સંવાદ 'વર્તમાન'માં જેમની સાથે થવો જોઈએ, એ સૌ આ વાસ્તવિકતા જાણતાં હોવાં છતાં કશું કરી શકતાં નથી! ..એટલે શું ખબર..? કદાચ 'ભવિષ્ય'ની સાથે સંવાદ કરવાથી આપણી 'એજ્યુકેશન સિસ્ટમ'માં કશુંક ચેન્જ આવે..!! 

***********

એક યુવાન અને એક વૃદ્ધ દાદા પડોશી હતાં. એ બંનેએ ઘરનાં આંગણામાં ફૂલછોડ વાવ્યા. દાદા પોતાનાં ફુલછોડને બહુ ન સાચવે.. ખાતર-પાણીયે બે-ત્રણ દિવસે આપે, ક્યારેક ન પણ આપે! એટલે એમનાં બગીચાના ફૂલ બહુ મોટાં અને સુંદર ન હતા. જ્યારે પેલો યુવાન ફુલછોડની ખૂબ કાળજી રાખે. દરરોજ ખાતર પાણી આપે. એનાં બગીચાના ફૂલ ખૂબ જ મોટાં અને સુંદર હતા.

એક દિવસ વાવાઝોડું આવ્યું. યુવાનના બગીચાના બધાં જ છોડ ઉખડી ગયા, જ્યારે દાદાનાં બગીચાના છોડ બચી ગયા. યુવાને આ જોઈ દાદાને પૂછ્યું, "તમે તો ફુલછોડની એટલી કાળજીયે નહોતાં રાખતા, છતાંય બચી ગયા.. જ્યારે મારા ફુલછોડને હું ખૂબ સાચવતો, છતાંય તૂટી ગયા, ઉખડી ગયા? આવું કેમ થયું?"

દાદાએ કહ્યું, "તમારી જનરેશનની આજ તો ખામી છે કે તમે ફુલછોડને એટલું બધું ખાતર-પાણી આપો છો કે એનાં મૂળિયાં ઊંડે સુધી જતાં જ નથી, એટલે સામાન્ય વાવાઝોડામાંય ઉખડી જાય છે! હું રોજ ખાતર-પાણી નહતો આપતો, એટલે મારા ફૂલછોડે પોતાને સર્વાઈવ કરવા પોતાનાં મૂળિયાં છેક જમીનમાં ઊંડે સુધી મોકલ્યા અને આ વાવાઝોડામાં બચી ગયા!"

************

શાળા નક્કી કરતી વખતે મોટાં ભાગના પેરેન્ટ્સ પોતાનાં બાળકને કોઈ તકલીફ ન પડે એવી શાળાઓ ધ્યાનમાં લે છે! ..ઇવન શાળાઓ પણ હવે પેરેન્ટ્સને આંજી દેવા એમનાં બાળકને કોઈ તકલીફ ન પડે એટલે શાળામાં મળતી ફેસિલિટીની જ એડવર્તાઇઝ કરે છે. કોઈપણ તકલીફ વગર ભણતું બાળક 'સુંદર મોટાં ફૂલ' જેવું તો બને  છે, પણ જીવનની મુશ્કેલી સામે ટકી શકતું નથી. બે-પાંચ કિમિ દૂર શાળા હોય તોય વેન બંધાવી દેતાં વાલીઓ અને આપણી શિક્ષણ સંસ્થાઓ, મારાં મતે, આપણાં દેશને એક ખોખલી પેઢી ભેટ ધરી રહ્યાં હોય એવું લાગે! મેં નજરે જોયું છે કે સહેજ નાણાંકીય સ્થિતિ સારી થતાં વેંત જ વાલી પોતાનાં બાળકને ખાનગી શાળામાં મૂકે છે! કોઈ વિષયમાં સહેજ ઓછાં માર્ક આવે, કે પછી એ વિષય જ ન આવડે તો આપણી શિક્ષણ પદ્ધતિ એવાં બાળકને 'ડોબું' સાબિત કરે છે. 

***************

મારાં વર્ગમાં સચિન તેંડુલકર ભણે છે, એ ક્રિકેટ સારું રમે છે. મારાં વર્ગમાં અમિતાભ બચ્ચન પણ ભણે છે, એ એક્ટિંગ સારી કરે છે. મારા વર્ગમાં કોકિલકંઠી લતા મંગેશકર પણ છે, એ ખૂબ સુંદર ગાય છે. મારા વર્ગમાં એક અબ્દુલ કલામ પણ છે, એ હંમેશા કંઈક નવું વિચારે છે. મારાં વર્ગમાં દારાસિંઘ પણ છે, એ હંમેશા લડવા તત્પર રહે છે. મારા વર્ગમાં એક સરદાર પટેલ પણ છે, એ આખા વર્ગને સારું લીડ કરે છે. અને હા.. વિવેકાનંદ તો રહી જ ગયો, કે જે ઉત્તમ સ્પીચ આપે છે. શકુન્તલાદેવી પણ છે, જે ગણિત સારું કરે છે. મોહનદાસ પણ છે, જે કોઈપણ પરિસ્થિતિમાં સાચું જ બોલે છે. એક સ્ટીવન સ્પીલબર્ગ પણ છે, જે નાટક જ કરતો હોય છે. એક દશરથ માંઝી પણ છે, જે ધૂની મિજાજનો છે. એક ડૉ. બાબાસાહેબ પણ છે, જે ખૂબ હોંશિયાર છે. એક ડિઝાઈનર મનીષ પણ છે, જેને ફેશનની સેન્સ છે. એક ૪૦૦-૫૦૦ કિમિ ચાલતો મજૂર પણ છે, જે ક્યારેય થાકતો નથી. એક મધર ટેરેસા પણ છે, જે પોતાનાં દરેક ભાઈ-બહેન પર કરુણામય છે. એક શૅફ સંજીવ પણ છે, જે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એક રવીન્દ્રનાથ ટાગોર પણ છે, જે સુંદર કવિતા લખે છે. એક વિજય માલ્યા પણ છે, જે બધાને છેતરે છે, ચોરી કરે છે. આ બધાની પોતાની આગવી સ્ટાઇલ છે, છટા છે, આવડત છે. એક લિયોનાર્દ વિન્સી પોતાની કલ્પનાઓને રંગો વડે બતાવે છે. આ સિવાય એવાં ઘણાં બાળકો છે, કે જેની શક્તિઓની તો મને પણ ખબર નથી!

હવે પરીક્ષા આવે છે.. એ બધાં બાળકોની! હું એમને પેપર આપું છું. પરીક્ષામાં પુછાયું છે..
પ્ર.૧   E = mc2 સમજાવો.
પ્ર.૨   (a+b) (a-b) = ? 
પ્ર.૩   ફલાણી યોજનાઓ વિશે લખો.
પ્ર.૪   ગ્લોબલ વોર્મિગ કેવી રીતે ઘટાડશો?
પ્ર.૫   અલંકાર-છંદનું ઉદાહરણ આપો.
પ્ર.૬  Write essay on "Importance of ENGLISH."
પ્ર.૭   ઔરંગઝેબની ઉદારતાઓ જણાવો.
પ્ર.૮   સજીવની રચના સમજાવો.
પ્ર.૯   લોકશાહી એટલે શું?
પ્ર.૧૦ "મલ્ટીનેશનલ કંપની અને આર્થિક પ્રગતિ" નોંધ લખો.

ત્રણ કલાક 'આવડે એવી ઊલટી' કર્યા પછી મારા વર્ગનું પર્ફોર્મન્સ નબળું દેખાય છે. આ પરફોર્મન્સથી હું તો નિરાશ છું જ, સાથે સાથે  બાળક, પેરેન્ટ્સ અને આખો સમાજ નિરાશ થાય છે. મારા વર્ગના અમુક બાળકોએ ખૂબ સારું પરફોર્મન્સ પણ આપ્યું છે. આવાં 'ટોપર' બાળકો જ્યારે જીવન સ્ટાર્ટ કરે છે, ત્યારે આ સવાલોનું કોઈ જ મહત્વ ન રહેતાં 'ટોપરાં'ની જેમ છીણાય છે, અને એમાંથી એકાદ 'આત્મહત્યા' પણ કરે છે! નાનપણથી જ મારાં માર્ક્સ વધુ આવે એવું વિચારતો બાળક મોટો થઈને સ્વાર્થી બને છે. સંવેદના ન શીખતું બાળક બીજાનાં દુઃખને સમજી શકતો નથી, અને પોતાનાં ફાયદા માટે ખોટું કરતાં અચકાતો નથી. ઘરડાં ઘર ભરાતાં જાય છે. અમીર-ગરીબની ખાઈ મોટી થતી જાય છે. સમાનતા, સ્વતંત્રતા, પ્રામાણિકતા બધું જ 'ટૂંકનોંધો'માં જ રહી જાય છે. સુવિચારો દીવાલ પર શોભે છે. આત્મ સમ્માન ગીરવે મુકાય છે, ખુશામત ખોરી શરૂ થાય છે. 'ખોટું કરવું' એ સત્ય બને છે. ગુંડાઓ પૂજાય છે. 

મેં પરીક્ષા વખતે બાળકને ગમે તે ચોપડી ખોલી એવું પૂછ્યું, "આ વાંચ તો.." .......એનાં કરતાં એમ પૂછ્યું હોત.. કે, "બેટા, આ બે પુંઠ્ઠા વચ્ચેનું છોડ.. તને શું આવડે છે, એ તું બતાવ.. આના આધારે તું હોંશિયાર કે નબળો, એ નક્કી થશે.."

....તો કદાચ મારા વર્ગનું દરેક બાળક પોતાની શક્તિઓ પિછાણીને 'આત્મનિર્ભર' બની શક્યું હોત! વર્ગમાં પોતાની આવડતનો ડંકો વગાડનાર વિશ્વમાં ડંકો વગાડવા સજ્જ બન્યું હોત! બધાં ને બધું આવડવું જરૂરી નથી એવું વાલીઓ સમજતા હોત..! બીજું બધું છોડો.. કમસે કમ પોતાની શક્તિઓ પર ગર્વ કરતું બાળક "આત્મહત્યા" તો ન જ કરતું! 'આત્મનિર્ભર' અને 'આત્મસમ્માન' શબ્દ સમજતા હોત! પોતાની સમજતું બાળક બીજાને સમજી શકત! ઘરડાઘર ન ભરાતાં! માર્કસનું મહત્વ ન રહેતા પરમાર્થનું વિચારત! ખુશામતખોરીની જગ્યાએ સાચાંને સાચું અને ખોટાને ખોટું કહેતાં શીખત! સિંહ ભલે ન બનત, પણ ઘેટુંય ન બનત! 

કદાચ મારા વાક્યો ઓવર હોઈ શકે, પણ ક્યાંક તો સત્ય હશે જ! તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી 'વન' નંબરની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો ભારતમાં ભૂતકાળમાં હતી, અને હવે? પ્રથમ પચાસમાંય આવવા ફાંફા મારવા પડે, તો સમજો.. ભારતનો ભૂતકાળ ભવ્ય હતો, કેમકે શિક્ષણ પ્રણાલી સ્વદેશી હતી! માર્ક્સ વાળી.. અને વાદી નહિ! ખાટલે મોટી ખોડ.. 'એજ્યુકેશન સિસ્ટમ'માં છે, અને આપણે શોધીએ છીએ..??!! ક્યાં..??!!

***********

"તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી વિદ્યાપીઠો વિદેશી આક્રમણ સામે જ્યારે તૂટતી હતી, ત્યારે એ સમયના/રાજ્યના રાજાઓ/લોકો શુ કરતાં હશે??"
.
.
"મારે શું?? આનો જવાબ આપીને મને શું મળવાનું?? તે હું જવાબ આપું?? જેને શોધવું હોય એ શોધે."

વિડિઓ નીચેની લિન્કમાં..👇👇

https://m.facebook.com/story.php?story_fbid=3005111419597067&id=100002947160151

બુધવાર, 24 જૂન, 2020

*ટપાલ ખાતુ:- સાચે જ ટપાલો ખાઈ જાય છે!!*

*ટપાલ ખાતુ:- 
સાચે જ ટપાલો ખાઈ જાય છે!!*

દાદાનો જન્મદિવસ હતો, એટલે તન્વીએ સરસ મજાનું બર્થડે કાર્ડ બનાવ્યુ. પોસ્ટ ઓફિસે નાંખ્યુ પણ ખરું!! ..પણ પોસ્ટ ખાતુ જો પોસ્ટ નિયત સરનામે પહોંચાડી દે તો ક્યાંક સૂરજ પશ્ચિમે ન ઉગી જાય?? ..એટલે માનવજાતને બચાવવા આ વખતે ફરી પોસ્ટખાતાએ પત્ર નિયત સરનામે ન પહોંચાડ્યો!!

કેટલાંય કાગળો(સરકારી/ખાનગી બધાં..), કે જે બાય પોસ્ટ ઘરે આવવાના હોય છે, એ આવતાં જ નથી! પોસ્ટમેનને ફોન કર્યો, 'પોસ્ટ આવે તો ફોન તો કરો, હું આવીને લઈ જઈશ..' તો જવાબ મળે છે, 'તમારી પોસ્ટ આવશે તો તમને મળી જશે, મને ફોન નહિ કરવાનો!'
..અરે ભાઈ, કોઇ આને સમજાવો કે બે-બે મહિના થઈ ગયાં હોવાં છતાં જો કાગળ ઘરે ના પહોંચે તો માણસ તમને ફોન પણ ના કરે??

કારણો ચાહે જે હોય એ.. જો પોસ્ટ નિયત સરનામે પહોંચવાની જ ના હોય, તો સરકારે શાળાકીય પુસ્તકોમાંથી પોસ્ટખાતાનું ચેપ્ટર જ કાઢી નાંખવું જોઈએ. ખાલીખોટી આશા બાંધવી કે 'આજે પોસ્ટ આવશે!!'

રવિવાર, 21 જૂન, 2020

Happy Father's day 21 jun 2020

"ટીનું, તારે આવવું હોય તો ચાલ.. બેટા.. આવતાં મોડું થશે." હું કહી-કહીને થાક્યો, પણ એ ન આવી તે ન જ આવી! ઘરે જ રહી. બજારમાંથી આવ્યો ત્યારે એ ખુશ હતી. હું નાહીને ડીસઈન્ફેકટ થઈ જેવો બેઠો કે એક કાગળને ગોળ ફિન્ડલું વાળીને એ આવી અને મને કહે, "પપ્પા, આ તમારું સરપ્રાઈઝ!"

અંદરખાને તો મને ખબર હતી કે આવું કશુંક તો કરશે જ! ..પણ સૌથી વધુ અચંબો મોબાઈલમાં અમારા બંનેનો એક ફોટો એણે એની જાતે જ એડિટ કર્યો, એ વાતનો રહ્યો! જ્યારથી એને ફોટાનું એડિટિંગ કરવાનો ચસ્કો લાગ્યો છે, ત્યારથી એને મોબાઈલ દિવસના અમુક કલાકો આપું છું ખરા! શું ખબર કદાચ આ જ એડીટિંગનું ફિલ્ડ એનું કેરિયર બને! રહી વાત મોબાઇલની તો એમાં સારું પણ છે અને ખરાબ પણ! આખો દિવસ મોબાઈલમાં ગેમ રમતાં બાળકો કરતાં આ એડિટિંગ કરવું એ કૈક 'હટકે' લાગે છે, એટલે 'પાવર ડીરેકટર' એપ પણ મોબાઈલમાં રાખી છે. સૌથી સુંદર રહ્યું, એનું અને મારું જાતે જ દોરેલું ચિત્ર!

બજારમાંથી આવ્યા બાદ ફરી 'કન્ટ્રોલ સેન્ટર'ની ડ્યુટી પર જવા તૈયાર થયો, તો એણે એક ચિઠ્ઠી આપી! મેં વાંચી, અને આજે ન ગયો! આખરે મારી દીકરી હું આજે એની સાથે રહું, એમ ઈચ્છે છે! એક દિવસ તો હું એનાં માટે કાઢી જ શકું ને? આટલી મોડી રાતે આ પોસ્ટ કરવાનું એક કારણ આ પણ છે કે 'હું' આજે 'એની' સાથે જ રહ્યો!

થેંક્યું તન્વી!.. આજનો દિવસ મેમોરેબલ બનાવવા માટે!!
#fathersday


શનિવાર, 13 જૂન, 2020

"ઓનલાઈન શિક્ષણ" અને "કૂપમંડુકો"

"ઓનલાઈન શિક્ષણ"

(બહુ જ બધુ લખાયું છે આનાં ઉપર! લખાતું પણ રહેશે! ભવિષ્ય પણ કદાચ આ જ હશે! પરિવર્તન જરૂરી પણ છે! પરંતુ.. ક્યાંક કશુંક ખૂટે છે!)

**********

મારી ૬ વર્ષની નાનકડી દીકરીનાં હાલ 'મેન્ટલ એરિથમેટિક'નાં વર્ગો ઓનલાઈન ચાલે છે. અઠવાડિયે એક વખત કલાસ લેવાય છે. હું પોતે સરકારી કર્મચારી હોઈ ૨૦૦૦૦ નો ફોન એફોર્ડ કરી શકું છું. મારી પાસે જુના મોબાઈલ છે. જેમાં આ ઓનલાઈન ક્લાસની 'ઝૂમ' એપ્લિકેશન એક્સેસ થતી જ નથી. દર સોમવારે કલાસ આવવાનો હોઈ મારે ફરજિયાત પણે જ્યાં હોઉં ત્યાંથી ૬ વાગતાં પહેલાં ઘરે આવી જઉં પડે, અને ફોન દીકરીના કલાસ માટે આપી દેવો પડે! ફ્લેટમાં રહું છું, એટલે હું અંદરના રૂમમાં જતો રહું. ઘરમાં લગભગ શાંતિ છવાઈ જાય. મારાં અનુભવે મેં જોયું છે કે મારી દીકરી ઓનલાઈન ભણતી હોય ત્યારે હું ખાલી જોવાં આવું તો ય એનું ભણવામાંથી ધ્યાન હટી જતું હોય છે, ત્યાં જો એક જ રૂમ/રૂમ રસોડાનું ઘર હોય અને રહેવાવાળા ઝાઝા હોય તો ઓનલાઈન ક્લાસમાં ભણવું સંભવે જ નહીં, આ વાસ્તવિકતા છે! ઘરમાં ૫-૭ જણ રહેતાં હોય, એમાંય નાનાં બાળકો હોય તો પણ ઓનલાઈન ક્લાસમાં બાળકનું ભણવામાંથી ધ્યાન હટે/લાગે જ નહીં એવુંય બને! ટીચરની રૂબરૂ હાજરીમાં મારી દીકરી જેવું પર્ફોર્મન્સ આપતી હતી એ પર્ફોર્મન્સમાં ઓગણીસ-વીસનો ફરક આવ્યો છે. ક્લાસિસમાં ટીચરની મળતી 'હૂંફ' એને મોબાઈલમાં ન જ મળે! ઘણીવખત કોઈ અઘરો ટોપિક ન સમજાય ત્યારે ટીચરની હૂંફ આવશ્યક છે. હું અને મારી અર્ધાંગિની, બંને ટીચર જ છીએ, અને છતાંય એવું કહી શકીએ કે મારી દીકરી માટે એનાં ટીચર જે કહે એ જ અંતિમ સત્ય છે! આ શક્તિ છે એક શિક્ષકની! ..અને આ ભરોસો છે એક વિદ્યાર્થીનો એનાં ટીચર પ્રત્યેનો! ..જે ઓનલાઇન શિક્ષણમાં ઝાંખું પડે છે.  ઓનલાઈન ભણતી વખતે ટીચર કશુંક લેશન કે ટેક્સ્ટ મોકલે, વળી ક્યારેક નેટ જતું રહે, એકસાથે ઘણાં બાળકો બોલતા હોય, સ્ક્રીન છેડછાડ થતી હોય.. ત્યારે ખરેખર બાળક મૂંઝાય છે. બે કલાક ચાલતા કલાસ દરમિયાન ફરજિયાતપણે મારી અર્ધાંગિનીને મારી દીકરી પાસે બેસવું જ પડે, એવી સ્થિતિ છે! આતો સારું છે કે, એ પોતે ગણિતની ટીચર છે એટલે દીકરીને કશું ન સમજાય તો બધું સમજાવે છે. જો એ ટીચર ન હોત તો..? અથવા ગણિતમાં મારી જેમ હોત તો..? મારી દીકરીને ભણવામાં પડતી મુશ્કેલીઓ મોબાઈલમાં બેઠેલી ટીચર ન જ સમજી શકે એ દેખીતું છે. માત્ર ૫-૬ બાળકોને, એ પણ 'એજ્યુકેટેડ અને સધ્ધર' ફેમિલીના છે એવાં બાળકોને ઓનલાઈન ભણાવવાના હોવાં છતાં એ ટીચર બે કલાકના અંતે થાકી જતાં હોય એવું લાગે! વીડિયોમાં અમે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે દરેક બાળકની સાથે એનાં વાલી બેઠાં જ હોય છે, પ્લસ ટીચર પણ ઓનલાઈન હોય.. આમ એક બાળકની પાછળ વનપ્લસ લોકોનો માનવકલાક વેડફાય! બીજું એક સખત.. સબળુ-નબળું જે ગણો એ.. પાસું એ છે કે મારી દીકરી હવે, મોબાઇલની પાછળ રોજીંદો વધુ સમય ફાળવે છે, જેનું રેડિએશન આવનારા સમયમાં શુ નુકસાન કરશે, એ નક્કી નથી!

આ વાત થઈ એવાં લોકોની કે જેઓ ઓનલાઈન કલાસ એફોર્ડ કરી શકે છે. હવે વાત કરું એવાં લોકોની કે જેઓની દુનિયા જ કંઈક અલગ છે! વાત કરું છું, 'ગ્રાઉન્ડ  રિયાલિટી'ની! મધ્યમ-ગરીબ બાળકો અને એમનાં વાલીઓની!

આગળ જણાવ્યું તેમ હું એક એવી જગ્યાએ બાળકોને ભણાવતો સરકારી શિક્ષક છું જ્યાં ભણવા આવનારા બાળકો અને એમનાં વાલીઓ 'રોજનું કમાઈને રોજનું ખાવાવાળા' છે! આવાં લોકોનાં ઘરમાં એવરેજ ૪-૫ બાળકો હોય તે દેખીતું છે! ભાગ્યે જ કોઈક ઘર એવું મળે કે જેમના ઘરમાં બાળકોને 'માંગે એ મળે' જેવું વાતાવરણ હોય! સરકારી ધોરણે ઘણું અભ્યાસિક મટીરીયલ હવે વોટ્સએપ થ્રુ વાલી-બાળકને પહોંચાડવાનું હોય છે, જેથી બાળક ઘરે ભણી શકે! કોન્સેપ્ટ સારો છે, પણ સહેજેય વાસ્તવિક નથી! મારાં વર્ગમાં ભણતાં ૧૧૦ બાળકોમાંથી મારા વોટ્સએપ કોન્ટેક્ટમાં જેમનું નામ ફ્લેશ થતું હોય એવાં ફુલ્લી ૫૦ બાળકો માંડ છે! આવું મટીરીયલ એકસાથે બધાં બાળકોને પહોંચાડી શકાય એટલે મેં ગ્રુપ બનાવ્યું તો એક જ દિવસમાં પંદરેક જણ 'લેફ્ટ' થઈ ગયા! ફોન કરીને કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે એ વોટ્સએપ વાળા નંબર કાંતો પડોશીના હતાં, કાંતો સગા-વહાલાંના, કે જેમને આ મટીરીયલ સાથે કોઈ લેવાં-દેવાં ન હતું! બાકી વધ્યા એમાંથી, આ ભણવાનું મટીરીયલ મારા મોકલ્યા પછી 'SEEN' કરતાં હોય એવા માંડ ૧૨-૧૫ જણ છે, અને આમાંથી બાળકોને ઘરે બેસીને ભણાવી શકે એવા ગણીને માત્ર ૬-૭! મતલબ પૂરાં ૧૦ ટકાય નહિ! કોઈ મટીરીયલ હું મોકલું એટલે તરત જ ૬-૭ વાલીઓ ફોન કરે અને પૂછે, "એ ક્યાં ભેજા હૈ તુમને?" મારે બધું સમજાવવું પડે! વાલી પૂછે, "ઇસકો નોટમેં લીખનેકા યું??" હું 'હા' પાડુ એટલે 'જેવું મોકલ્યું એવી જ' સવાલો લખેલી નોટ તૈયાર થાય! બાળક મોબાઈલમાં જોઈ-જોઈને નોટમાં 'ઉતારો' કરે એને વાલી એવું સમજે કે 'મેરા બચ્ચા ફોન સે પઢતા હૈ!' સરકારી શાળાઓમાં ભણતાં બાળકોની/વાલીઓની/શિક્ષકોની વધતેઓછે અંશે દરેક જગ્યાએ (રિપીટ, દરેક જગ્યાએ!) આ જ વાસ્તવિકતા છે!

આ લોકડાઉન દરમિયાન અમારે ઘણાં વાલીઓનો કોન્ટેક્ટ કરવાનો થયો છે, પણ અડધા અડધ વાલીઓના મોબાઈલ બંધ આવ્યા. કોરોના ને લઈ રૂબરૂ જવું જોખમી હોવાં છતાં જ્યારે હું રૂબરૂ ગયો છું, ત્યારે જાણવા મળ્યું કે 'ઘરમેં ખાને કે વાંધે હો, વહાં મોબાઈલ કા રિચાર્જ કહાં સે કરવાએ?' સાડા ડબલાવાળા ફોનમાં પણ કંઈક ૩૬₹ વાળું રિચાર્જ કરાવવું પડે છે. લોકડાઉનમાં બધાં ઘરે જ હોય તો રિચાર્જની જરૂર રહેતી નથી! કોઈક વાલીનાં બેંક એકાઉન્ટમાં બાળકોના MDM ના પૈસા જમા થાય એ માટે વોટ્સએપથી ખાતાં નંબર મંગાવીએ તો અડધી કલાકે ખબર પડે કે આજુબાજુ કોઈની પાસે નેટ ચાલુ જ નથી. વોટ્સએપ ક્યાંથી કરે? ખાતા નમ્બર ક્યો કહેવાય એ પણ ન સમજી શકતાં અને પોતાનું બાળક ક્યાં ધોરણમાં છે એ પણ ખબર ના હોય એવાં મહત્તમ વાલીઓ જો ઓનલાઈન શિક્ષણ ચાલુ થાય તો બાળકને અભ્યાસમાં શુ મદદ કરે? એ મોટો પ્રશ્ન છે! એક રૂમમાં ૫-૮ લોકો રહેતાં હોય તો કઈ શાંત જગ્યાએ જઈ બાળક ભણે એ પણ સવાલ છે! ...અને સૌથી મોટી વિકરાળ સમસ્યા એ છે કે 'બાળકો બધું જ સમજતાં હોય છે!' જે ઘરમાં હાંડલા કુસ્તી કરતાં હોય ત્યાં બાળકો ભણવામાં ધ્યાન ન જ આપી શકે, કેમકે પહેલાં ધોરણમાં ભણતું પાંચ વર્ષનું બાળક પણ બધ્ધુ જ સમજે છે કે કેવી રીતે એનાં મમ્મી-પપ્પા આ મહામારીમાં સર્વાઇવ કરે છે??!! 'ભૂખ્યા પેટે ભણવાનું ન જ થાય ગોપાલા!'

***********

મારી દીકરી તન્વીએ હાલમાં જ 'ફુલણજી દેડકા'ની વાર્તા કરેલી, કે જેમાં 'કુવામાંના દેડકાં' એ કુવાની બહારની દુનિયા જોઈ જ નથી! કદાચ, આપણાં નિર્ણાયકો મંત્રીઓ અને અધિકારીઓ આવા જ કહી શકાય! કેમ કે..

હું જ્યારે પણ છાપામાં, ટીવીમાં, સોશિયલ મીડિયામાં કોઈ ગરીબ/મધ્યમ/તવંગર કુટુંબના ૨૫ વર્ષનાં યુવાન કે યુવતીને IAS/IPS કે UPSC જેવી એક્ઝામ પાસ કરતાં જોઉં છું ત્યારે એમનાં પર 'પ્રાઉડ' તો થાય જ છે, પણ એક વિચાર આવ્યા વગર રહેતો નથી!! આવી પરીક્ષાઓ પાસ કરવા માટે આવા યુવાનો/યુવતીઓએ ખૂબ જ મહેનત કરી હશે. દિવસોના દિવસો સુધી પોતાને ઘરના એક ખૂણામાં બંધ કરી દીધી હશે. અઢાર-વીસ કલાકનું વાંચન કર્યું હશે. પોતાને સમાજ-ઘર-પરિવારથી અલગ કરી દીધાં હશે. આવી અઘરી એક્ઝામો પાસ કરનાર બધાં જ ટોપરો 'ચતુર' તો હશે જ, પણ એમાં 'રેંચો' કેટલાં હશે?
જેને 'ઘરનાં ખૂણા'ની જ દુનિયા જોઈ છે, એને સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ ચલાવવા આપીએ તો શું થાય?

એક દ્રશ્ય મનમાં આવે છે:

કોઈ માં-બાપ અને એનું બાળક કોઈ કારણસર મોટી ઓફિસમાં જાય છે. એમને કોઈ કાગળમાં 'મોટાં સાહેબ'ની સહી કરાવવી છે. 'સાહેબ' એમની ઓફિસમાં મિટિંગમાં બેઠાં છે. પટાવાળો એ લોકોને બહાર બેસવાનું કહે છે. થોડીવારમાં એ સાહેબ મિટિંગ પૂરી કરીને બહાર નીકળે છે, અને કેટલીયે વખતથી એમની રાહ જોઈ રહેલાં એ કુટુંબની સામે જોયા વગર જ 'સડસડાટ' જતાં રહે છે!પટાવાળો એમને થોડીવાર પછી અથવા તો કાલે આવવાનું કહે છે! આ કુટુંબ એક એવાં અધિકારીનાં રુતબાને નજરે જુએ છે, કે જેની પાછળ 'સાહેબ..સાહેબ..' કરીને ફરનારાની મોટી ફોજ છે, એ.સી.ઓફીસ છે, સરકારી ગાડી છે, બંગલો છે, અને સૌથી અગત્યનું એની પાસે 'પાવર' છે!

હવે, જે બાળકે નાનપણમાં આ દ્રશ્ય જોયું છે, એ પોતાનાં માં-બાપની સામે જુએ છે, અને નક્કી કરે છે કે 'હું પણ આવો બનીશ. મોટો સાહેબ.. સૂટ-બૂટ પહેરેલો.. અને હંમેશા 'બીઝી' દેખાતો.. અકડાઇને ચાલતો.. કોઈને 'ભાવ' ન આપતો.. વગેરે.. વગેરે..'

અથવા તો..

આ જ દ્રશ્યને ઊલટું વિચારીએ, તો 'મોટાં સાહેબ'નાં આવા રુતબાને જોઈને માં/બાપ પોતાનાં બાળકને ખૂબ ભણી-ગણીને આવા 'મોટાં સાહેબ' બને એવી ઈચ્છા રાખે છે.

અહીં સુધી બધું બરાબર છે. હવે, આ કાલ્પનિક દ્રશ્યને આગળ વધારીએ..

હવે આ બાળક 'મોટાં સાહેબ' બનવા માટે તનતોડ મહેનત કરે છે. એનું એક જ લક્ષ્ય છે-"મોટાં સાહેબ બનવું!"
એ રોજનાં પંદર-વીસ કલાક વાંચે છે. ટકાવારી ઊંચી અને 'વિજ્ઞાન'નાં વિદ્યાર્થી બનવાની લાયકાત હોવા છતાં તે બાળક પોતાને ઘરનાં એક ખૂણામાં પુસ્તકોનાં થોથાની વચ્ચે પૂરી દે છે. માં-બાપ પણ એની મહેનતથી ખુશ છે. એને એકાંતમાં રાખવાની બનતી મદદ કરે છે. એ નથી સમાજમાં/મિત્રોમાં હળતો-ભળતો, કે પછી નથી ઘરની બહાર નીકળતો. 'ઇન્ફોર્મેટિવ થોથા'ઓની સાથે સાથે 'પોઝિટિવ થીંકીંગ' અને 'મોટીવેશનલ' પુસ્તકો વાંચીને એ UPSC/GPSC/IAS/IPS જેવી કોઈ હાર્ડ એક્ઝામને પોતાની ઉંમરના ૨૫માં વર્ષે જ ક્રેક કરે છે, અને કલેકટર બને છે.

વાહ.. સપનું પૂરું થયું! પોતે અચાનક લાઈમલાઈટમાં આવી 'સ્ટાર' બની ગયો છે. છાપા-મીડિયા-ટીવીમાં આટલી નાની ઉંમરે એ છવાઈ ગયો છે. એનું પોસ્ટિંગ કોઈ સારી જગ્યાએ છે. માં-બાપ ખુશ છે. હવે એની પાસે જે એનું લક્ષ્ય હતું એ છે - "પાવર"!
બ્રાવો..!

હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે...

જેણે ક્યારેય 'ઘર' સાચવવા/ચલાવવામાં પોતાના માં-બાપની મદદ પણ નથી કરી, એ નાની ઉંમરનાં 'મોટાં બાળક'ને આવી એક્ઝામ પાસ કર્યા પછી આખો 'જિલ્લો' કે પછી, પોતાનો 'ક્રાએટેરિયા' ચલાવવાનો પરવાનો મળી જાય છે! (સમજાય છે?.. નાની ઉંમરમાં 'એડમિનિસ્ટ્રેટિવ અધિકારી' બનવાનાં સપનાં ના-લાયક યુવાનો શું કામ જોતાં થઈ જાય છે?? ઘરમાં બેઠેલાં 'નવરાં'ઓ ગર્વથી એવું શું કામ કહેતા હોય છે, 'કોમ્પિટિટિવ એક્ઝામ'ની તૈયારી કરું છું??!! કેમ કે એ જાણે છે કે, 'જો એ પાસ થઈ ગયો તો 'શૂન્ય' પ્રેક્ટિકલ અનુભવે એ 'મોટો સાહેબ' બનશે!! 'ક્ષેત્ર-અનુભવ'નું અહીં કોઈ મહત્વ છે જ નહીં! સિસ્ટમમાં 'સાલું' ક્યાંક તો કશુંક ખૂટે છે!)

જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ'  રેંચો બનશે તો લોકોનું 'ભલું' કરવાં કોઈ લાલચુ નેતાની સામે પડીને પણ કામ કરશે.. બિલકુલ પ્રામાણિકતાથી! ..અને આવા નેતાની સામે પડવા બદલ સતત 'બદલીઓ'નો પુરસ્કાર અને લોકોનો આદર-પ્રેમ મેળવશે! એ એવો અધિકારી ક્યારેય નહિ બને કે જે કોઈનાં માતાપિતાને રાહ જોવડાવ્યા બાદ 'સડસડાટ' જતો રહે! 'ડાઉન ટુ અર્થ' રહીને 'ગ્રાઉન્ડ રિયાલિટી'ને આધારે પોતાનાં નિર્ણયો લેશે!

પરંતુ.. જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ' ચતુર નીકળ્યો તો..???

'ઇન્ફોર્મેટિવ થોથા' વાંચીને 'મોટા સાહેબ' બનેલાં આ યુવાને 'ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી/પુસ્તકોની બહારની દુનિયા જોઈ જ નથી! પોતાને 'થ્રી ઈડિયટ'ના 'રેંચો' માનતા આવાં 'ચતુરો' ચોર નેતાઓને એ જ દેખાડે છે, જે એ જોવા માંગે છે! ..અને એમની 'ગુડબુક'માં રહે છે! આ નેતાઓ પણ કેવા? અભણ હોય તો ય ચાલે! હું ખેડૂત નથી, તોય કૃષિમંત્રી બની શકું એવું જ કંઈક!! (એક માણસ પોતાની ભૂખ મટાડવા બીજા માણસના મરવાની રાહ જોતો એની બાજુમાં બેઠો હોય, એવો ભયંકર દુષ્કાળ જ્યારે અમુક સો વર્ષો પહેલાં ચીનમાં પડયો હતો, ત્યારે ચીનના તે સમયના રાજાને નવાઈ લાગતા કહેલું, "આ લોકો માણસને શુ કામ ખાય છે? માણસની જગ્યાએ મુરઘીનો સેરવો કેમ નથી પીતાં?!!" એ રાજા એટલી પણ ગ્રાઉન્ડ રિયાલિટી નહોતો સમજતો, કે જ્યારે કોઈ જાનવર જ બાકી ન રહ્યું હોય, ત્યારે જ લોકો એકબીજાને જ ખાવાના ને!! અંતે, એ રાજાએ લોકો પોતાનાં સંતાનોને વેચી શકશે, એવો ઠરાવેલું! ..જેથી લોકો (સેરવો!! હા.. હા..😁😁) ખાવા પામી શકે! સંદર્ભ: માર્ચ ૨૦૨૦ સફારી!)

આ નાની ઉંમરના 'મોટાં સાહેબ' પાછાં 'ઉછળતું લોહી' હોઈ, પોતાનાં નિર્ણયોની સામે કોઈ વિરોધ કરે તો..? રિયાલિટી સમજ્યા વગર જ 'કડક હાથે પગલાં' લે! કારણ કે એણે નાનપણમાં 'મોટાં સાહેબો'ને આવાં જ 'ભાવ' ન આપતાં જોયાં છે! આવાં 'ચતુરો'નો વિરોધ કરવાં કરતાં 'ખોટું' કરવું સારું, એવું માનનારા વધે છે! પરિણામે કોઈ પણ કાર્ય, માત્ર ને માત્ર, 'પરિણામ લક્ષી' બને છે, 'વાસ્તવિક લક્ષી' નહિ! ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી સામે આંખ આડા કાન થાય છે. મતલબ કે, મારા દીકરી 'ઓનલાઈન' શિક્ષણ લઈ શકે છે, એટલે બધાં જ લોકો લઈ શકે, સમથિંગ એવું જ! હું ૨૦૦૦૦ નો ફોન રાખી શકું તો બધાં રાખી જ શકે.. એવું જ કંઈક! પોતાની આવક કરોડોમાં છે એટલે ગરીબ-મધ્યમવર્ગના લોકોની આવક ૬૦૦૦૦૦-૧૮૦૦૦૦ વચ્ચે છે એવું જ કંઈક!! મારુ પેટ ભરેલું છે, એટલે કોઈ ભૂખ્યું નથી એવું જ કંઈક!! પરિણામે સતત નિર્ણયો બદલાતા રહે, કોઈ કામ સ્થાયી થાય જ નહીં! પરિપત્રો 'નિર્ણય' નહિ, પણ 'પ્રયોગ' બને! પોતાનાં તુઘલખી નિર્ણયોને સાચા સાબિત કરવા 'પરિપત્ર પર પરિપત્ર' અને 'પાવર'નો ઉપયોગ થાય, અને પીસાય કોણ? કહેવાની જરૂર ખરી??!!

ક્લાસ વન એકઝામની તૈયારી કરતા 21 થી 25 વર્ષના યુવકો/યુવતીઓ, દિવસના બાર-પંદર કલાક વાંચવા માટે પોતાને ઘરના એક રૂમમાં બંધ કરીને, જયારે GPSC/UPSC જેવી એક્ઝામો પાસ કરે છે અને કોઈ મોટા હોદ્દા પર બેસે છે ત્યારે એમને સામાન્ય પ્રજાજનો/કર્મચારીઓ/પોતાના વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો શું ખ્યાલ હોય? જે હજી પરણીને ઘર ચલાવતા નથી થયા એમને પોતાના 'ક્રાયેટેરીયા' વિસ્તાર ચલાવવાનો શું અનુભવ હોય? 'યુવાનીનું ઊછળતું લોહી' પોતાના 'પુસ્તકિયા જ્ઞાન'ના જોરે એ.સી. ઓફિસમાં બેસીને 'બ્યુરોક્રસી' હેઠળ કોઈ અભણ નેતાની ઈચ્છાઓને પૂરી કરવા વાસ્તવિક દુનિયામાં એવા અવાસ્તવિક અને તુઘલખી નિર્ણયો લેતા હોય છે કે જેનાથી સામાન્ય પ્રજાજનોની કમ્મર ભાંગી જાય છે!! ..અને 'વિવેક' 'પ્રમાણિકતા' 'સત્ય' અને 'નિષ્ઠા' માત્ર કાગળ પર રહી જાય છે!! વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા.. જ્યાં વર્ષોના અનુભવીઓ નહિ, પણ 'પુસ્તકિયા જ્ઞાની'ઓ મોટા હોદ્દા પર બેસે છે, અને 'નહીવત ભણેલાં' મંત્રીઓ બને છે!