શનિવાર, 14 ઑગસ્ટ, 2021

જ્યારે દીકરી ઘર માટે ૫૦૧₹ આપે છે..

"પપ્પા, એક મિનિટ બેસો ને.." તન્વીએ થોડું ડરતાં ડરતાં કહ્યું.

"અરે બેટા.. અત્યારે મોડું થાય છે અને ક્યાં તું પણ..??" હું અકળાયો, પણ એને 'ના' ન પાડી શક્યો! "સારું જા.. જે કરવું હોય એ ફટાફટ કરજે."

એ અંદર ગઈ.. અને મુઠ્ઠીમાં 500₹ લઈને આવી અને બોલી, "લો.. આપણે ઘર લેવું છે ને?.. તો આ મારાં તરફથી 500₹!" ..આટલું બોલતાં બોલતાં તો એ રડી ગઈ!!

હું અને તનુની મમ્મી, બંને સ્પીચલેસ! ..શુ બોલવું એ જ ન સમજાયું..!! 

થોડીવારમાં જ મને આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ અને જોરથી એને ગળે લગાડતાં મારાં મોઢેથી વ્હાલનાં ત્રણ શબ્દો સરી પડ્યા, "અરે મારી દીકરી..!!"

જે દ્રશ્યો ટીવી/સિનેમામાં ભજવાય છે એ દ્રશ્યો રિયલમાં મારાં ઘરે ભજવાઈ ગયું!!
**********

મને હંમેશા એવી ઈચ્છા રહી કે ઘર એવું હોય જ્યાં આંગણે એક ઝાડ હોય, ઝાડ પર પંખીઓનાં માળા હોય, આંગણું હોય, આંગણામાં તુલસીના છોડવા હોય, ધાબે વેલ ઊગી હોય અને હું ત્યાં બેસીને મેડિટેશન કરતો હોઉં, અને શાંતિથી પ્રકૃતિનો અવાજ સાંભળતો હોઉં!!
ફ્લેટમાં એ બધું શક્ય ક્યાં? છતાંય શ્રીમતીજીની 'ભાવેચ્છા'એ ફ્લેટને પણ 'શાંતિઘર' બનાવેલું, એવું હું કહી શકું એમ છું, કેમ કે ત્રીજે માળ ઝાડ નહોતું તોય પંખીઓના માળા ૩૬૫×૨૪ દિવસ બંધાતા હતા..!!

ક્યાંય રસ્તા પર જતો હોઉં અને નીચેનાં 'જગ્યા'વાળા ઘર જોઉં તો ઈર્ષ્યા થાય! જોકે મોટેભાગે આવી જગ્યાવાળા સરસ ઘરોમાં રહેતાં લોકો આંગણામાં 'ઉપવન' બનાવવા કરતાં રૂમો ખેંચીને વધુ મોટું ઘર બનાવવાની કુમતિ જ ધરાવતા હોય છે!! મારી હંમેશા આવી ઈચ્છાને ધ્યાને લઈ એકવાર શ્રીમતીજીએ કહ્યું પણ ખરાં, "ધારીએ તો હમણાં હાલ આવું ઘર લઈ શકીએ પણ પછી બહુ શોષાવું પડશે..!"

હું પણ સંમત હતો.. કેમ કે હાલ જે ફ્લેટ હતો એનીય લોનના હપ્તા ચાલુ જ હતા.. વળી, ક્રેડિટ સોસાયટીની લોનેય ખરી!! મારો લગભગ ૭૦-૮૦% પગાર તો લોન જ ખાઈ જાય, શ્રીમતીજીનાં પગારથી બીજું બધું થાય! એટલે મન વાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો! 

આજે જ સમાચારમાં વાંચ્યું.. કે રાની મુખરજીએ સાત કરોડનો આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યો!! હું આનો સીધો મતલબ એ જ કાઢું છું કે વિશ્વમાં (ખાસ તો ભારતમાં..!!) રહેતી મોટાભાગની વ્યક્તિને 'ઘર' જ જોઈતું હોય છે! જોકે કરોડોનાં ગગનચુંબી આલીશાન ફ્લેટ કરતાં જમીન સાથે જોડાયેલું 'નાનું ઘર' મને વધુ આકર્ષે છે!! ..પણ જમીન સાથે જોડાયેલા ઘરનો 'ભાવ' સાંભળીને ચક્કર ન આવી જાય તો જ નવાઈ!!
************

થોડા દિવસ પહેલાં એક શિક્ષક મિત્ર સાથે મારે ઘર લેવાની ઈચ્છા બાબતે અને મકાનોના મોંઘાદાટ ભાવ બાબતે ચર્ચા થઈ તો એ કહે, "હવે પચાસ-સાઈઠ લાખ રૂપિયા તો બધાની પાસે હોય જ ને?!! વીસ-પચ્ચીસ લાખના ઘરેણાં હોય.. દસ-પંદર લાખ બેંકમાં હોય.. અને બીજાં પંદર-વીસ લાખ કુટુંબી પાસેથી મળી જાય.. બાકીની લોન લઈ લેવાની.. એટલે તમારું નીચેનું ઘર તૈયાર.. એમાં શું વળી??!!"

એ મિત્ર આવું એટલી સલુકાઈથી બોલ્યા કે હું તો ભોંઠો પડી ગયો!! અહીં તો મારી પાસે પાંચ લાખ પણ રોકડાં નીકળે એમ નહોતાં.. અને આ મિત્ર અડધો કરોડતો બધાની પાસે હોય એવું ઇઝીલી બોલતા હતાં! મને સમજાયું કે મારે મારી 'ઘર' બાબતની અજ્ઞાનતાનું પ્રદર્શન બધાની સામે ન કરવું!!
*************

મારા અંગત મિત્ર કમ માર્ગદર્શક અરુણસાહેબ સાથે મારે નિયમિત કોઈને કોઈ બાબતે ચર્ચા થાય. એમણે એક વખત એમનાં છોકરાને અમેરિકા મોકલવા કેવી કેવી રીતે રૂપિયા ભેગાં કર્યા એ બાબતની ચર્ચા કરી, અને કહ્યું, "માનો કે કાલ ઉઠીને તન્વી વિદેશ ભણવા જાય તો તમે કઈ રીતે પૈસા ભેગા કરો??"

મેં માથું ખંજવાળ્યું.. તો એ કહે, "એક વાત કહું.. અત્યારે રિયલ એસ્ટેટમાં રોકાણ કરો તો તમારી તન્વી મોટી થાય ત્યારે તમને મોટી મદદ મળી રહે.."

મને તરત જ મારા જૂની શાળાના આચાર્ય ગોપાલસાહેબની એક વાત યાદ આવી ગઈ, "એક શિક્ષક પોતાની સમગ્ર નોકરી દરમિયાન પોતાનાં ઘર સિવાય કશું ન કરી શકે!" 

મને અરુણસાહેબની વાત યોગ્ય લાગી. એમણે કહ્યું, "હજુયે તમારી ઉંમર નાની છે.. થોડું સાહસ કરો.."
***********

ઘર જોવાનું શરૂ કર્યું.. પણ જેમ જેમ નવા બાંધકામના ઘર જોતો ગયો એમ એમ એમનાં 'ભાવ' સાંભળીને છાતીનાં પાટિયાં બેસવા લાગ્યા!! સાલું.. આપણા બજેટમાં તો નીચેનું ઘર મળવું જ મુશ્કેલ છે, એ સમજાયું! રી-સેલ મકાનનું પણ વિચાર્યું.. અવનવી એપ ડાઉનલોડ કરી.. ૪૦ જેટલા મકાનો જોયાં.. કેટલાંક ફોટામાં તો કેટલાક સ્થળ પર જઈને!! જેમ એરિયા સારો એમ ભાવ ડબલ-ત્રિપલ થાય!! એવું તો સાહસ પણ કેમ કરવું, કે જેમાં ઘરમાં ખાવાનાય પૈસા ન બચે??!! એટલે એક રકમ નક્કી કરી.. એનાંથી ઉપરનું ન વિચારવું, એવું નક્કી કર્યું!! પાછું ઘર જોવાનું શરૂ કર્યું.. પણ હજુયે વેંત (વેંત નહિ.. હાથ!!) ટૂંકી પડે! રૂબરૂ અમુક ઘર જોવાય ગયો પણ ન ગમ્યાં.. કેમ કે જગ્યા તો હોય જ નહિ! મારે તો થોડી જગ્યાવાળું લેવું હતું!! રિસેલ મકાનમાં સમજાયું કે જુના મકાનમાં પૂરતી લોન મળવી મુશ્કેલ હતી, વળી બાંધકામ વર્ષો જૂનું હોય તો રીનોવેશનનો ખર્ચો કેમ કાઢવો, એ ય પ્રશ્ન હતો!! નવા બાંધકામના મકાનોય સાથે સાથે જોવાનું ચાલુ રાખ્યું.. ફ્લેટનો અનુભવ હતો એટલે બિલ્ડરો જોડે વાત થતાં સમજ્યો કે બધાં બિલ્ડરો ખંધા જ હોય છે! ..જાણે કે જમીન/મકાનના ભાવ વધારવા તો એમને મન ખાવાનો ખેલ ન હોય?!! 

બીજું એ પણ સમજાયું કે હવે બિલ્ડરો નીચેનાં મકાનમાં હવે માત્ર '૩/૪/૫ બીએચકે વીલા' જ બનાવે છે.. કે જે મારા માટે નકામાં હતાં કેમ કે એક્ચ્યુલી તો એ લાંબા-લાંબા અને ઊંચા-ઊંચા રો-હાઉસ ટાઈપના મકાનો જ લાગતાં!! જગ્યાના નામે સમ ખાવા પૂરતો એક ખાટલો પાથરીએ એટલી જ જગ્યા હોય!! વળી, ઉપરના માળે ૨-૩ રૂમો બંધ રહે એવાં મકાનોની ઈએમઆઈ ભરવી યોગ્ય ન કહેવાય, કેમ કે એવાં મકાનોમાં સીડી પણ અંદર આપી હોય જેનાંથી કોઈને ઉપરના રૂમને ભાડે આપીને આવકનો સ્ત્રોત પણ ઉભો કરવો અસંભવ થઈ જાય! ..અને 'ભાવ'નું તો પૂછવું જ શું? એમાંય થોડી જગ્યાવાળું કોર્નરનું મકાન માંગીએ તો ભરી બજારે વેચાઈ જઈએ તો પણ મેળ ન પડે એવો ભાવ!! 

...આખરે આ તરફ વિચારવાનું બંધ જ કરી દીધું!! 
*********

મારી મરી ગયેલી ઈચ્છાઓનો મેં ચાર-પાંચ દિવસ માતમ પણ મનાવ્યો, ક્યાંય મન ન લાગે! કોરોનાને કારણે ક્યાંય ફરવા જવું પણ સંભવ ન હતું.. બીજી લહેર પણ 'પિક' પર હતી! આખરે કંટાળીને રવિવારે સાંજે અચાનક મંદિર જવાનું મન થયું.. જેથી 'મન' થોડું શાંત થાય! જનરલી હું એવો ધાર્મિક નથી, પણ ક્યારેક મંદિરે જવાનું મન થઇ જાય ખરું! મંદિરેથી પાછા ફરતી વખતે અચાનક એક નવી સ્કીમનાં ટેનામેન્ટ કોઈ એપમાં જોયેલા એ રસ્તો દેખાયો.. ત્યાં બાઇક વાળી મકાન જોવા ગયો.. પસંદ આવ્યું.. બિલ્ડર સાથે વાત થઈ.. બજેટમાં પણ આવે એમ હતું.. જગ્યા પણ હતી.. નીચેનું પણ હતું.. કોઈ બંધ રૂમની ઈએમઆઈ ભરવી ન પડે અને કોઈ મહેમાન આવે તો અલગ રૂમમાં રોકાઈ શકે એટલું જરૂરિયાત પૂરતું ય ખરું!!...

..આગળ એક શિક્ષકમિત્ર ત્યાં રહેતા હતા એ પણ મળી ગયા.. અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! હવે.. લોન માટે દોડવાનું હતું!!
*********

મારી પગારસ્લીપ જોઈને લોન એક્ઝિક્યુટિવે ના પાડી.. શ્રીમતીજીની પગારસ્લીપ પણ આપી તો એક્ઝિક્યુટિવે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો.. ૮૦% લોન થઈ શકે એમ હતી!! ..પણ બાકીની ૨૦% રકમ કે જે રોકડમાં આપવાની હતી.. એની ચિંતા થઈ!! સરકારી નોકરિયાત પાસે લોન નામના હથિયારથી લડવાની શક્તિ આવે.. પણ રોકડ ક્યાંથી કાઢવું?? એ પ્રશ્ન ઉભો થયો.. મારા બધા શેર્સ/મ્યુચ્યુઅલ ફન્ડ/બચતો બધું ભેગું કરતાં પણ રૂપિયા ઘટ્યા.. સખત ચિંતા થઈ!! ..પણ ગમે તે થાય.. 'આ સાહસ તો કરવું જ' એવું નક્કી કર્યું.. ડાઉન પેમેન્ટ ભરવા જવાનો દિવસ નક્કી કર્યો.. ઉતાવળ હતી.. અને તન્વીએ કહ્યું, "પપ્પા એક મિનિટ બેસોને.."

..આગળ કયો સંવાદ થયો અને તન્વીએ શુ કર્યું એ લેખની શરૂઆતમાં જ લખી નાખ્યું છે!! તન્વીએ પોતાનાં ગલ્લામાંથી ૫૦૦₹ કાઢીને આપ્યા, અને કહ્યું, "લો.. આપણે ઘર લેવું છે ને?? ..તો આ મારા તરફથી ૫૦૦₹!!"

હું સખત ભાવુક થઈ ગયો.. તન્વીની મમ્મીની આંખનાં ખૂણા પણ ભરાઈ ગયા!! અમે બંને એને ભેટી પડ્યા.. એ પણ રડતી હતી!! 

તન્વી આવું કરશે એનો સ્વપ્નેય ખ્યાલ નહોતો!! અજાણતાં જ એક ફિલ્મી દ્રશ્ય ભજવાઈ ગયું!
************

બિલ્ડર પાસે તન્વીએ આપેલાં ૫૦૧₹ થી જ મકાન બુક કરાવ્યું.. જ્યારે બુકીંગ એમાઉન્ટ ૫૧૦૦૦₹ હતી!! બિલ્ડરને આ વાતની ખબર પડી ત્યારે તેણે તન્વીને આઇસ્ક્રીમ પણ ખવડાવ્યું!! 

આ સમગ્ર પ્રસંગનો વિડીયો ઉતારવાનું અચાનક યાદ આવ્યું.. એ બિલકુલ એડિટ કર્યા વગર મુકું છું!! ..અને આઈસ્ક્રીમ ખાતી તન્વી પણ!! 

શોર્ટ અને સ્વીટ, બાળકો બધું સમજે છે, જાણે છે.. બાળકો ક્યારેય નાના નથી હોતા!!😊😊

ઘર એવું હોય જ્યાં આંગણે એક ઝાડ હોય, ઝાડ પર પંખીઓનાં માળા હોય, આંગણું હોય, આંગણામાં તુલસીના છોડવા હોય, ધાબે વેલ ઊગી હોય અને હું ત્યાં બેસીને મેડિટેશન કરતો હોઉં, અને શાંતિથી પ્રકૃતિનો અવાજ સાંભળતો હોઉં.... આગળ ઇશ્વરેચ્છા!!

https://youtu.be/EkoN_Vo79AA

https://m.facebook.com/story.php?story_fbid=4162373647204166&id=100002947160151

બુધવાર, 4 ઑગસ્ટ, 2021

*ઘરડાંઘર શા માટે ઉભરાય છે??*

*ઘરડાંઘર શા માટે ઉભરાય છે??*

હું નાનો હતો ત્યારે મારા ઘરે ત્રણે ત્રણ છાપાં આવતા - ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્યભાસ્કર! એમાં બુધવાર અને રવિવારની પૂર્તિઓ મને વાંચવી એટલી ગમતી કે આ દિવસોએ પેપર વાંચતાં મને ઓછામાં ઓછાં ત્રણ-ચાર કલાક તો થઈ જ જતાં!! પુસ્તકો તો હતાં જ નહિ, પણ પૂર્તિઓમાં કશું બાકી ન રાખતો! બધું વાંચતો.. દરેકને વાંચતો.. અને આમ જ હું લોકોને વાંચતા વિચારતાં પણ શીખ્યો! નવાં વિચારો ધરાવતો થયો.. સમજતો થયો.. દુનિયા કઈ તરફ જઈ રહી છે એ જ્યારે સમજાયું ત્યારે હું એક સુંદર દુનિયામાં રહું એનાં સપના પણ જોતો! વાંચનથી દુનિયા નજર સામે આવી જાય છે.. એ ખોટું તો નથી જ! ..પણ જેમ જેમ જ્ઞાન વધે એમ એમ મૂંઝારો પણ વધતો જાય છે! સંવેદનશીલતા વ્યક્તિને વ્યથિત કરતી હોય છે! પોતાની આસપાસ ઘટતી ખોટી બાબતો, ખોટાં લોકો અને ખોટી વસ્તુઓની સમજ વધતી જાય ત્યારે આ અકળામણ પણ વધતી જાય છે! ..ક્યાં જવું એ સમજાતું નથી! જો તમે 'રોકસ્ટાર' મુવી જોયું હોય તો સમજાશે કે 'રોકસ્ટાર' જોર્ડનને અને 'રંગ દે બસંતી'માં અસ્લમને એનાં કુટુંબથી કઇ બાબતે અકળામણ હતી!!?? 
************

એક વાર્તા વાંચેલી.. હિન્દીમાં હતી.. અધકચરી યાદ છે!! 

એક બાર-પંદર વર્ષનો છોકરો હતો. એનાં ઘરની બાજુમાં  પતિ-પત્ની અને બાળકવાળું મોડર્ન કુટુંબ ભાડે રહેવા આવે છે. ત્રણેય પોતાની દુનિયામાં મસ્ત છે. એ ઘરમાં રહેતી સ્ત્રી ખૂબ હસમુખી અને શાલીન છે. છતાંય એ કુટુંબ ત્યાં ટૂંક સમયમાં જ લોકોની અદેખાઈનો અને ઇર્ષ્યાનો ભોગ બને છે. આ બધું પેલો છોકરો જોવે છે અને એનાં મનમાં દ્વંદ્વ શરૂ થાય છે.. કઈ બાબતનો દ્વંદ્વ??

એ છોકરાનાં મનમાં એ શાલીન સ્ત્રીની, પોતાની મમ્મીની તથા સોસાયટીમાં રહેતી બીજી સ્ત્રીઓની વચ્ચે તુલના શરૂ થાય છે! એક વખત ક્રિકેટ રમતાં બોલ એ શાલીન સ્ત્રીના ઘરમાં ગયો.. તો બીજી સ્ત્રીઓની જેમ એણે બોલ નહોતો લઈ લીધો! એ સહેજ પણ નહોતી ખીજાઈ, ઉલટાનું દરેક બાળકને શરબત પીવડાવેલું! એ સ્ત્રીએ આવું કર્યું એટલે એ છોકરાની મમ્મી એ સ્ત્રીને સમજાવવા ગયેલી કે આવું કરીને સોસાયટીના છોકરાઓને માથે નહિ ચડાવો! છોકરાંને આ જોઈને પોતાની મમ્મી પર ગુસ્સો ચડે છે. 

એમનાં ઘરમાં પતિ-પત્ની હંમેશા ખુશ જોવા મળે છે, ક્યારેય ઝઘડાની વાત નહિ, જ્યારે છોકરો પોતાનાં ઘરને જુએ છે ત્યારે એનાં મમ્મી-પપ્પા વચ્ચે થતાં ઝઘડાથી કંટાળે છે! એ વિચારે છે મારાં મમ્મી-પપ્પા કેવાં ઝઘડાળું છે! પોતાની મમ્મી નાની નાની વાતમાં એ શાલીન સ્ત્રીની ઈર્ષ્યા કરે એ છોકરાંને બિલકુલ નથી ગમતું! વળી, એની મમ્મી સોસાયટીની બીજી સ્ત્રીઓની સાથે બેસીને એ શાલીન સ્ત્રીની અદેખાઈ જ કરતી હોય છે! .."બહુ નવાઈની જો તો  કેવાં નવાં કપડાં પહેરે છે?" "જો તો બધાની સાથે કેવી હસી હસીને વાત કરે છે?" "જો તો એનાં પતિની રાહ જોઇને કેવી ઉભી રહે છે?" "બધાં છોકરાઓને તો કેવાં માથે ચડાવ્યા છે?" ...આવા બધાં વાક્યો હવે દરરોજ એ છોકરો એની મમ્મીના અને સોસાયટીની બીજી સ્ત્રીઓના મોઢે બોલતાં સાંભળતો અને દુઃખી થઈ જતો! એક દિવસ તો બધી સ્ત્રીઓએ ભેગી થઈને હદ કરી નાંખી અને એ સ્ત્રી પર કોઈ લાંછન લગાવી દીધું! બધી સ્ત્રીઓ ભેગી થઈને એની સાથે ઝઘડે છે! ..અંતે તેઓ મકાન ખાલી કરીને જતાં રહે છે! ..અને સોસાયટીની બધી સ્ત્રીઓની સાથે એની મમ્મી પણ એમને જતાં જોઈને ખુશ થઈ જાય છે! ..એમનાં જતાં રહ્યાં પછી એ છોકરો પોતાની મમ્મીને જોઈને શું વિચારે છે..?? 

"કાશ... પેલી શાલીન સ્ત્રી મારી મમ્મી હોત તો કેવું સારું થાત!! હું એમનાં ઘેર જન્મ્યો હોત તો કેવું સારું થાત!!"

.....કદાચ ઘરડાંઘરો ઉભરાવાનું કારણ માત્ર સંતાનો ખરાબ હોય છે, એ નથી હોતું.. ઘણીવાર માતા-પિતા પણ એટલાં ખરાબ હોય છે, સંતાન કંટાળીને એમને છોડી દેતું હોય છે! તાળી બે હાથે જ વાગતી હોય છે. ફાંસીએ ચડેલો ગુનેગાર મૃત્યુ પહેલાંની પોતાની અંતિમ ઇચ્છામાં પોતાની માતાનું નાક કરડી ખાય છે.. એ વાર્તા યાદ છે ખરાં??
**************

દંભી ધાર્મિકતા, નર્યો દંભ, અસત્ય, અવિશ્વાસ, ઈર્ષ્યા, નેગેટિવ વિચારધારા, છોકરાં-છોકરીઓ વચ્ચે ભેદભાવ, ભૂત-ભુવા અને ડાકલાં, પગ ખીંચાઈ, લૂંટભાવ, ગામ આખામાં ગંદવાડ ફેલાવીને આંગણું ચોખ્ખું રાખવાની દુર્ભાવના, ઝઘડાંખોર વૃત્તિ, કોઈનો પ્રસંગ બગાડવો, ચોરી, જુગાર, આંકડા રમવા, પરિવારના લોકો વચ્ચે ખોટું બોલવું, અહીંની વાત ત્યાં ને ત્યાંની વાત અહીં કરવી(નિંદા), કોઈને એક-બીજાની વાત કરીને ચડાવવું, નાત-જાતમાં અને ઊંચ-નીચમાં માનવું, આસ્થા સત્સંગ જેવી ચેનલોમાં આવતા કૂપમંડુકોની વાતોમાં અંધભક્તિ રાખવી, 'મારું મારું મારું અને તારું મારું સહિયારું' વાળી વૃત્તિ રાખવી, ઘરની વહુઓ પર શંકા રાખવી, છોકરીઓને દાબમાં રાખવી અને છોકરાંઓને સ્વતંત્રતા આપવી, વહુઓને પહેલું બાળક હંમેશા છોકરો જ હોવો જોઈએ તો જ ઘરની વહુ સાચી-એવું માનવું, છોકરો ન થાય ત્યાં સુધી વહુઓને બાળક પેદા કરવાનું મશીન સમજવું, વંશ તો છોકરાંઓ જ આગળ વધારે એવું માનવું... 
.
.
.
પોઝિટિવ બાબતો ઓછી હોય અને બદીઓ વધુ હોય એવાં કુટુંબમાં રહેવાથી ખુશીથી વધુ દુઃખ થતું હોય છે! એવા ઘરમાં અકળામણ થાય છે, મૂંઝારો થાય છે! માતા-પિતા જ્યારે પોતાનાં સંતાનને રિટાયરમેન્ટ ફંડ ગણી બેસે ત્યારે સંતાન પોતાનાં માતા-પિતાને, ભગવાનતુલ્ય ગણતાં હોવાં છતાં, અંતે હારી-થાકીને છોડવું વધુ પસંદ કરે છે! આવી બદીઓ ધરાવતાં માતાપિતાએ એ સમજવું જ રહ્યું કે એમનાં સંતાનને બધી 'ખબર' પડે છે!

સંતાનના જન્મ વખતે માતા-પિતા જો એવું વિચારીને એને જન્મ આપવાનાં હોય કે મારાં ઘરડાં ઘડપણે એ મને સાચવશે.. તો એવાં માતા-પિતાએ સંતાન પેદા કરવા કરતાં કોઈ વફાદાર નોકર નોકરીએ રાખવો વધુ સારું રહે! ..કમસેકમ સંતાન નપાવટ નીકળ્યાંનો ગામ આખામાં ઢંઢેરો તો ન પીટવો પડે! 

'ભૂલો ભલે બીજું બધું..' ટાઈપના ગીતો  અને 'જનની ની જોડ સખી..', 'માં તે માં..' ટાઈપના સુવિચારો જે બાળકના કાનમાં નાનપણથી જ સંભળાતા હોય એવા, માતા-પિતાને મહાન ગણવાવાળા 'સેવાધારી શ્રવણ'નાં આ દેશમાં એવા બાળકો કેટલાં.. કે જે રાજેશ ખન્નાના 'અવતાર' કે અમિતાભ બચ્ચનનાં 'બાગબાન' ટાઈપના પિક્ચરોમાં દેખાડે છે?? ...બહુ ઓછા!! છતાંય ટીવી-સિરિયલો અને ફિલ્મોએ સંતાનોમાં દીકરાને વિલન ચીતરવા સિવાય કંઈ કર્યું નથી! 'વહુ આવશે તો દીકરો અમને છોડીને જતો રહેશે'  ટાઈપનો ડર સતાવતો હોય તો ઈજ્જતથી એમને જવા દેવાય! ઈજ્જતથી પોતે જીવાય, કોઈના ઉપર આધાર ન રાખવો પડે એવું આયોજન યુવાનીમાં જ કરાય! ...હાં, બીમારીમાં સપડાયા હોઈએ કે પથારીવશ હોઈએ એ વાત અલગ છે!!

માતા-પિતાએ સંતાનને ભરપૂર પ્રેમ અને વિશ્વાસ સિવાય કશું જ નહીં આપ્યું હોય તો પણ ભરોસો રાખજો, એ એમને એકલાં નહિ મૂકે! માતાપિતાએ ઈજ્જત કમાવી પડે છે, સંતાનો પાસે માંગવાની ન હોય! માતાપિતાએ સંતાનને નાનપણથી જ ઉપર બતાવેલી બદીઓ જ શીખવી હોય તો ઘરડાં થયાં પછી એ તમને સાચવશે એવી ઈચ્છા રાખવી નકામી છે! બાવળ જ વાવ્યો હોય તો કેરી ક્યાંથી મળે?? ..સરવાળે ઘરડાંઘર ઉભરાતા જાય છે! 
************

"બેટા, અમે તને એટલાં માટે પેદા નથી કર્યો કે તું અમને સાચવે.. તારી ઈચ્છા હોય તો સાચવજે.. બાકી તું તારું જીવન રાજીખુશીથી પસાર કરજે.. અમારી ચિંતા કરીને તું દુઃખી ન થઈશ.. જ્યારે પહેલીવાર તને જોયો હતો ત્યારે અમે બહુ રાજી થયેલાં.. તું જ્યાં હોઈશ ત્યાં અમે તને જોઈને રાજી થઈશું.. અને હા, મુશ્કેલી આવે તો ગભરાતો નહિ.. અમે શક્ય એટલી તને હૂંફ આપીશું.." 

..આવુ બોલીને સંતાનને 'હળવું' કરવાનો માં-બાપનો પ્રયાસ હોય.. તો સંતાન પણ માં-બાપને 'ભારરૂપ' નહિ, પણ 'હળવાફુલ' ગણીને સાચવે!! 
*************

"બહુ નવાઈનો મોટો સાહેબ થઈ ગયો છે તે ખબર છે.. બહુ બોલીશ નહિ..!!" 

...કોઈ બદી છોડવાની વાત કરું ત્યારે કુટુંબ તરફથી મળતો આવો જવાબ મને એમનાંથી વધુ ને વધુ દૂર લઈ જાય છે!! હું જ્યારે એમની બદીઓમાં/વાતોમાં/વર્તનોમાં/જડ રિચ્યુઅલોમાં ફિટ નથી થતો.. ત્યારે તેઓ મારા પર બિલકુલ એવું લાંછન લગાડે છે જેવું પેલી વાર્તામાં છોકરાંની મમ્મીએ પેલી શાલીન સ્ત્રી ઉપર લગાડેલું! એ બધાં ભેગાં મળીને બિલકુલ એવી રીતે જ મારી સાથે ઝઘડે છે જેવું સોસાયટીની સ્ત્રીઓ પેલી શાલીન સ્ત્રી ઉપર તૂટી પડેલાં! ..અંતે હું ત્યાંથી બધું છોડીને જતો રહું છું.. અને વધુને વધુ દૂર થતો જાઉં છું!! 
***********

લગ્ન થાય ત્યારે નવયુગલને કપડાં, વાસણ, ઘરેણાં, અન્ય ઘરઘથ્થુ વસ્તુઓ અને ચાંલ્લો (પૈસા) આપવાનો રિવાજ શા માટે હશે?? 

કદાચ એટલે જ કે.. નવયુગલ હવે જાતે એમનું જીવન શરૂ કરે! નવયુગલ કુટુંબીજનો ઉપર અને કુટુંબીજનો નવયુગલો ઉપર ભારરૂપ ન બને એટલે જ આ રિવાજ પડ્યો હશે! ...પણ આપણાં વડવાઓ/માતા-પિતાઓ એને પોતાની મિલકત અને વહેવાર સમજી બેઠાં હોય એવું લાગ્યા વગર રહેતું નથી! અહીં એકબીજાને છોડવાની વાત નથી, પણ પારિવારિક હૂંફની વાત છે! 

પુરાણોમાં 'વાનપ્રસ્થાશ્રમ' અને 'સન્યાસઆશ્રમ'નો ઉલ્લેખ શા માટે હશે?? તે સમજાય છે??

-યજ્ઞેશ રાજપૂત
લ.તા. ૨.૮.૨૧

https://m.facebook.com/story.php?story_fbid=4127545037353694&id=100002947160151

ગુરુવાર, 29 જુલાઈ, 2021

શિષ્યવૃત્તિ

શિષ્યવૃત્તિ (આર્તનાદ ભાગ ૨)
(છેક સુધી વાંચવા વિનંતી)
*****

"લો, આ બોનફાઇડ લઇ જાઓ, અને સદામનું આધારકાર્ડ બનાવવાનું છે. ગામની ઝોનલ ઓફિસે ૨૫-૩૦ રૂપિયા લેશે અને તમને બનાવી આપશે." મેં ધોરણ ૧ માં નવા દાખલ થયેલા સદામની મમ્મીને કહ્યું.

"ઇતને મેં બન તો જાયેગાના?? કિ જ્યાદા પૈસે લગેન્ગે??" રોજ માત્ર ૨૦૦-૩૦૦ કમાતા હોય અને ૭-૮ સભ્યોવાળા પરિવારનું માંડ ઘર ચાલતું હોય એવા સદામના મમ્મી પૈસાની ચિંતા કરી આવો સવાલ પૂછે એ સ્વાભાવિક હતું. 

"ઇતને હી લેંગે.. અગર આપ પ્રાઇવેટમેં બનાઓગે, તો જ્યાદા પૈસે લગતે હૈ." મેં એમને થોડું ચિડાઈને કહ્યું, કારણ કે ધો.૧ ના મારા વર્ગમાં કુલ ૬૦ બાળકોમાંથી લગભગ ૮૦℅ બાળકોના આધારકાર્ડ અને બેંક એકાઉન્ટના ફોર્મ ભરીને મારે એમને આપવાના હતા. અત્યારે હું પોતે લગભગ ૪-૫ વાલીઓથી ઘેરાયેલો હતો. 

"નઈ, ઉસમેં ક્યાં હૈ? મેરે તીન બચ્ચે યહાઁ પઢતે હૈ.. સબકે આધારકાર્ડ નિકલવાને કે હૈ.. તો ખબર પડે ને, કિ કિતને પૈસે લગેન્ગે.. ઇસલિયે પુછા." સદામની મમ્મીએ ચોખવટ કરી.

"સુબહ જલ્દી જાના.. ઝોનલ ઑફિસમેં રોજ કે સિર્ફ ૩૦ લોગો કે હી આધારકાર્ડ નિકલતે હૈ.. ઔર હા, સદ્દામ કો સાથ લેતે જાના, ઉસકી ઉન્ગલીઓકી છાપ લગેગી." મેં જરૂરી સૂચનાઓ ઝડપથી આપી એમને રવાના કર્યા.

ગામડાઓમાં સરકારીશાળા જ સર્વસ્વ હોય, એટલે મોટા-નાના બધા એ જ શાળામાં ભણે! (જો કે ગામડામાં પણ હવે તંત્રની મહેરબાનીથી ખાનગી શાળાનું દુષણ ઘુસી ચૂક્યું છે!) પણ શહેરોમાં દર એક કિલોમીટરે દુકાનોમાં પણ ખાનગી શાળાઓ ચાલતી હોય છે! વળી, આવી શાળાઓ 'દેખાડામાં' માનતા અને 'કહેવાતા' સમૃદ્ધ હોય એવા બાળકોને જ એડમિશન આપે, એટલે અભણ અને મજૂર વર્ગમાંથી આવતા જેમને મન 'રોજની કમાઈ'નું વધુ મહત્વ છે, એવાં વાલીઓ પોતાના બાળકોને સરકારી મ્યુનિસિપાલીટી સ્કૂલમાં દાખલ કરતા હોય છે. (સમૃદ્ધ અને સાક્ષર વાલીઓના બાળકોના એડમિશન મ્યુનિસિપલ સરકારી શાળામાં એવરેજ માત્ર ૨% થી ૧૦℅!!)
*****

૨ દિવસ પછી સદ્દામ શાળાએ આવ્યો! મેં પૂછ્યું, "ક્યાં હતો ૨ દિવસ??"

"વો આપને જો કાગઝ દીયેલા ને.. આધારકાર્ડ કે લીયે.. વહાં ગયેલે.." સદામની મમ્મીએ કહ્યું.

"બન ગયા આધારકાર્ડ?? વો પ્રિન્ટ લાયે?" એક બાળકનું આધારકાર્ડ બન્યાના ઉત્સાહમાં મેં પૂછ્યું.

"નહીં.. દો દિન સલિંગ ગયે, લેકિન વહાં બહોત બડી લંબી લાઈન લગતી હૈ.. ઔર ફિર ઇસકે પપ્પાકો ભી સુબહ કામ પે જાના હોતા હૈ.. તો એક દિન મૈને ભી કામ પે રજા રખ્ખી.. લેકિન વહાં વો બોલતે હૈ, પુરાવા લાઓ.. અબ પુરાવા કહાં સે લાએ.. હમ તો ભાડે સે રહેતે હૈ.."

"..તો ભાડા કરાર બનવા લો ના." મેં કહ્યું.

"અબ મકાનમાલિક કહાં ભાડા કરાર કરને દેતે હૈ? માન લો કર ભી દિયા, તો ફિર ૧૧ મહિને મેં મકાન ખાલી કરના પડતા હૈ.. વારેઘડીએ મકાન ખાલી કરને મેં બહોત તકલીફ પડતી હૈ.."

"આજ નહીં તો કલ, આધારકાર્ડ બનવાના તો પડેગા હી ના?? પ્રાઇવેટમે બનવા લો.." આ વાતચીત ચાલતી હતી એ દરમિયાન એક વાલીએ તરત જ કહ્યું, "પાંચસો રૂપિયે લેતે હૈ.. પ્રાઇવેટવાલે! આપકો તો સિર્ફ બોલના હૈ.. લેકિન ૨-૩ બચ્ચે હો તો એક-દો હજાર કહાં સે લાયે??"

હું ચૂપ થઈ ગયો!

થોડીવાર પછી મેં ધીમેથી કહ્યું, "કુછ ભી કરો, આધારકાર્ડ ઔર બેંક એકાઉન્ટ નહીં હોગા તો શિષ્યવૃત્તિ કે પૈસે નહીં આયેંગે."
******

૧૫-૧૬ દિવસ પછી સદામના મમ્મી સદામનું આધારકાર્ડ લઈને હાજર થયા! મેં પૂછ્યું, "કૈસે નિકલા?"

"૨૦૦૦ રૂપયે લગ ગયે.. તીન બચ્ચો કા આધારકાર્ડ નિકલવાને મેં..!" 

સદામની મમ્મીની આંખોમાં પોતાની 'રોજની કમાઈ'ના અમુક દિવસો પડ્યા, અને અંદાજે ૨૦૦૦ રૂપિયાથી ઘરમાં જે ખાડો પડ્યો, એની વેદના સ્પષ્ટ દેખાય છે!! (સાચું કહું તો એક શિક્ષક તરીકે જ્યારે હું આવી વેદનામયી આંખો કે ચહેરો જોઉં છું, ત્યારે મને સરકાર અને તંત્ર પર ગુસ્સો આવે છે. પોતાની એ.સી. ઓફિસોમાંથી આદેશો છોડતા પહેલાં એ લોકો આવા નાના માણસોનો બિલકુલ વિચાર નહીં કરતા હોય?!! આ ફરિયાદ તો ઈશ્વરને પણ છે!!)

"અબ બેંક એકાઉન્ટ ભી ખુલવા લો.. 'શાયદ' યહાં પૈસે નહીં લગેન્ગે. તુમ્હારા એક ફોટો ઔર સદામ કે દો ફોટો લગેન્ગે." મેં કહ્યું.

"સદામ કે ફોટો પડવાને પડેન્ગે.. દો દિન બાદ દૂગી"
*******

૨ દિવસ પછી સદામના મમ્મીએ મને ફોટા આપ્યા એટલે મેં એમને 'ઝીરો' પૈસાથી બેંક એકાઉન્ટ ખુલે એનું ફોર્મ ભરી આપ્યું. બે દિવસ પછી એ પાછા મારી પાસે આવ્યા..

"આપ તો બોલતે થે કુછ પૈસે નહીં લગેન્ગે, વો બેંકવાલે ખાતા ખુલવાને કે લિયે ૧૦૦૦ રૂપયે માંગતે હૈ.. અબ મૈં હજાર રૂપયે કહાં સે લાઉ??" 

હું શોકડ થઈ ગયો! તરત જ એ બેનને અમારા આચાર્ય  પાસે લઈ ગયો. મેં આખી બીના જણાવી એમને કહ્યું, "હવે આ બેનને ત્રણ બાળકો છે, તો ખાતા ખોલાવવા માટે ૩૦૦૦ રૂપિયા ક્યાંથી લાવે બોલો??"

અમારા આચાર્યબેન તંત્રએ માંગેલા 'આંકડાઓમાં' વ્યસ્ત હતા! એ બોલ્યા, "જેટલું થાય એટલું કરો."

મેં સદામની મમ્મીને કહ્યું, "ખાતું ખૂલે તો ખોલાવો.. ના ખુલે તો વાંધો નહીં." (બેંકવાળાઓને દંડવાવાળું કોઈ જ નથી!! અંધેરી નગરી છે આ!! હદયનો આર્તનાદ છે આ!!)
******

શિષ્યવૃત્તિનું ખાતું 'ઝીરો' પૈસાથી ખોલવાનું હોવા છતાં આ બેંકવાળાઓ જે રીતે નાના માણસોને હેરાન કરે છે, એ અસહ્ય છે. જ્યારે બાળક પાસે આધારકાર્ડ કે બેંક એકાઉન્ટ નથી હોતું, ત્યારે એક પણ અધિકારી એ સાંભળવા તૈયાર નથી કે શા માટે નથી? કેટલા બધા પ્રોબ્લેમ છે વાલીઓના? આવા બધા દૌડા કરે તો એમની 'રોજની કમાઈ' ગુમાવે છે. ભાડેથી રહે છે. પોતાના પણ પુરાવા હોતા નથી. (શા માટે નથી?.. એ પાછો અલગ મુદ્દો છે!) માત્ર એક બાળક હોય તો હજુ એ પહોંચે પણ ૩-૪ હોય તો ક્યાં જાય? એમાંય વળી લાંબી લાઈનો, અને ધક્કા પર ધક્કા!! બાળકોની નિશાળમાં ગેરહાજરી વધે! વાલીઓ ઘણીવખત તો બાળકને શાળાએ મોકલવાનું જ બંધ કરી દે! ..અને વિચારે, આના કરતાં બાળકને પોતાની સાથે મજૂરીએ લઇ જવું વધુ સારું!! શુ તમે વિચારી શકો.. ક્રિમિનલો મોટેભાગે અભાવોમાં રહેતા લોકો જ શા માટે હોય છે?? ..અને એક્ચ્યુઅલ ક્રિમિનલ કોણ??
******

૧૫ દિવસ પછી સદામના મમ્મી ઉપરની ચિઠ્ઠી લઈને મને આપી! હું એ આપને શેર કરું છું. ખાસ જોશો કે બેંકવાળાએ કેટલા રૂપિયાથી ખાતું ખોલી આપ્યું છે?!!

 *અહીં ખાસ નોંધ લેશો કે સદામને નિમિત્ત બનાવી મેં સમગ્ર વાલીવર્ગની વેદના વર્ણવી છે. કારણ કે આવું કદાચ આખા ગુજરાતના બાળકો અને વાલીઓ સાથે થતું જ હશે, એમાં કોઈ શંકા નથી!!*

-યજ્ઞેશ રાજપૂત
 (આર્તનાદ ભાગ ૨)

ગુરુવાર, 1 જુલાઈ, 2021

..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

હું કોઈ કવિ નથી.. કે નથી આ કોઈ કવિતા..
આ તો સ્ટ્રેટ ટુ હાર્ટ છે..!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!
*****

પહેલાં.. જે પેજ ભરી-ભરીને લખાતું.. 
એ હવે બે લીટીમાં પતી જાય છે!! 
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. કશુંક જોઈને દિલમાં બળતરા થતી.. 
હવે ઠંડુ પાણી રેડી દઉં છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. કશુંક નવું કરવાં દોડધામ થતી..
હવે થોડો આરામ કરી લઉં છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. દરેક ચીજને બાળકની નજરે જોતો..
હવે 'દુનિયા'ની નજરે જોઉં છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. વગર વિચારે કૂદી પડતો..
હવે ઊંડાઈ માપી લઉં છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. કશુંક બદલવાની રાહ પકડતો..
હવે ખુદને જ બદલવાની કોશિશ કરું છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. દંભીઓની ભીડમાં મૂંઝાતો મુરઝાતો..
હવે ધર્મનું નામ જ 'સગવડીયો' છે.. એ જોઈને હસી લઉં છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. દેશદાઝમાં માત્ર લોહી ઉકળતું..
હવે તો હદય પણ ઉકળે છે..!!
..લાગે છે 'મેચ્યોરિટી'નાં સૉફ્ટવેરમાં અહીં જ કયાંક 'એરર' આવી છે!!

******

-યજ્ઞેશ રાજપુત
 લ.તા.૨.૭.૨૧

બુધવાર, 30 જૂન, 2021

શૈક્ષણિક સંવાદ

https://m.facebook.com/story.php?story_fbid=3005111419597067&id=100002947160151

"શૈક્ષણિક સંવાદ" (ફેસબુકમાં અમુક ફોટા કેવી રીતે વાંચવા.. એ સમજાવતી વખતે આ સંવાદ થયો!)

મને એવું લાગે છે કે આ સંવાદ 'વર્તમાન'માં જેમની સાથે થવો જોઈએ, એ સૌ આ વાસ્તવિકતા જાણતાં હોવાં છતાં કશું કરી શકતાં નથી! ..એટલે શું ખબર..? કદાચ 'ભવિષ્ય'ની સાથે સંવાદ કરવાથી આપણી 'એજ્યુકેશન સિસ્ટમ'માં કશુંક ચેન્જ આવે..!! 

***********

એક યુવાન અને એક વૃદ્ધ દાદા પડોશી હતાં. એ બંનેએ ઘરનાં આંગણામાં ફૂલછોડ વાવ્યા. દાદા પોતાનાં ફુલછોડને બહુ ન સાચવે.. ખાતર-પાણીયે બે-ત્રણ દિવસે આપે, ક્યારેક ન પણ આપે! એટલે એમનાં બગીચાના ફૂલ બહુ મોટાં અને સુંદર ન હતા. જ્યારે પેલો યુવાન ફુલછોડની ખૂબ કાળજી રાખે. દરરોજ ખાતર પાણી આપે. એનાં બગીચાના ફૂલ ખૂબ જ મોટાં અને સુંદર હતા.

એક દિવસ વાવાઝોડું આવ્યું. યુવાનના બગીચાના બધાં જ છોડ ઉખડી ગયા, જ્યારે દાદાનાં બગીચાના છોડ બચી ગયા. યુવાને આ જોઈ દાદાને પૂછ્યું, "તમે તો ફુલછોડની એટલી કાળજીયે નહોતાં રાખતા, છતાંય બચી ગયા.. જ્યારે મારા ફુલછોડને હું ખૂબ સાચવતો, છતાંય તૂટી ગયા, ઉખડી ગયા? આવું કેમ થયું?"

દાદાએ કહ્યું, "તમારી જનરેશનની આજ તો ખામી છે કે તમે ફુલછોડને એટલું બધું ખાતર-પાણી આપો છો કે એનાં મૂળિયાં ઊંડે સુધી જતાં જ નથી, એટલે સામાન્ય વાવાઝોડામાંય ઉખડી જાય છે! હું રોજ ખાતર-પાણી નહતો આપતો, એટલે મારા ફૂલછોડે પોતાને સર્વાઈવ કરવા પોતાનાં મૂળિયાં છેક જમીનમાં ઊંડે સુધી મોકલ્યા અને આ વાવાઝોડામાં બચી ગયા!"

************

શાળા નક્કી કરતી વખતે મોટાં ભાગના પેરેન્ટ્સ પોતાનાં બાળકને કોઈ તકલીફ ન પડે એવી શાળાઓ ધ્યાનમાં લે છે! ..ઇવન શાળાઓ પણ હવે પેરેન્ટ્સને આંજી દેવા એમનાં બાળકને કોઈ તકલીફ ન પડે એટલે શાળામાં મળતી ફેસિલિટીની જ એડવર્તાઇઝ કરે છે. કોઈપણ તકલીફ વગર ભણતું બાળક 'સુંદર મોટાં ફૂલ' જેવું તો બને  છે, પણ જીવનની મુશ્કેલી સામે ટકી શકતું નથી. બે-પાંચ કિમિ દૂર શાળા હોય તોય વેન બંધાવી દેતાં વાલીઓ અને આપણી શિક્ષણ સંસ્થાઓ, મારાં મતે, આપણાં દેશને એક ખોખલી પેઢી ભેટ ધરી રહ્યાં હોય એવું લાગે! મેં નજરે જોયું છે કે સહેજ નાણાંકીય સ્થિતિ સારી થતાં વેંત જ વાલી પોતાનાં બાળકને ખાનગી શાળામાં મૂકે છે! કોઈ વિષયમાં સહેજ ઓછાં માર્ક આવે, કે પછી એ વિષય જ ન આવડે તો આપણી શિક્ષણ પદ્ધતિ એવાં બાળકને 'ડોબું' સાબિત કરે છે. 

***************

મારાં વર્ગમાં સચિન તેંડુલકર ભણે છે, એ ક્રિકેટ સારું રમે છે. મારાં વર્ગમાં અમિતાભ બચ્ચન પણ ભણે છે, એ એક્ટિંગ સારી કરે છે. મારા વર્ગમાં કોકિલકંઠી લતા મંગેશકર પણ છે, એ ખૂબ સુંદર ગાય છે. મારા વર્ગમાં એક અબ્દુલ કલામ પણ છે, એ હંમેશા કંઈક નવું વિચારે છે. મારાં વર્ગમાં દારાસિંઘ પણ છે, એ હંમેશા લડવા તત્પર રહે છે. મારા વર્ગમાં એક સરદાર પટેલ પણ છે, એ આખા વર્ગને સારું લીડ કરે છે. અને હા.. વિવેકાનંદ તો રહી જ ગયો, કે જે ઉત્તમ સ્પીચ આપે છે. શકુન્તલાદેવી પણ છે, જે ગણિત સારું કરે છે. મોહનદાસ પણ છે, જે કોઈપણ પરિસ્થિતિમાં સાચું જ બોલે છે. એક સ્ટીવન સ્પીલબર્ગ પણ છે, જે નાટક જ કરતો હોય છે. એક દશરથ માંઝી પણ છે, જે ધૂની મિજાજનો છે. એક ડૉ. બાબાસાહેબ પણ છે, જે ખૂબ હોંશિયાર છે. એક ડિઝાઈનર મનીષ પણ છે, જેને ફેશનની સેન્સ છે. એક ૪૦૦-૫૦૦ કિમિ ચાલતો મજૂર પણ છે, જે ક્યારેય થાકતો નથી. એક મધર ટેરેસા પણ છે, જે પોતાનાં દરેક ભાઈ-બહેન પર કરુણામય છે. એક શૅફ સંજીવ પણ છે, જે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એક રવીન્દ્રનાથ ટાગોર પણ છે, જે સુંદર કવિતા લખે છે. એક વિજય માલ્યા પણ છે, જે બધાને છેતરે છે, ચોરી કરે છે. આ બધાની પોતાની આગવી સ્ટાઇલ છે, છટા છે, આવડત છે. એક લિયોનાર્દ વિન્સી પોતાની કલ્પનાઓને રંગો વડે બતાવે છે. આ સિવાય એવાં ઘણાં બાળકો છે, કે જેની શક્તિઓની તો મને પણ ખબર નથી!

હવે પરીક્ષા આવે છે.. એ બધાં બાળકોની! હું એમને પેપર આપું છું. પરીક્ષામાં પુછાયું છે..
પ્ર.૧   E = mc2 સમજાવો.
પ્ર.૨   (a+b) (a-b) = ? 
પ્ર.૩   ફલાણી યોજનાઓ વિશે લખો.
પ્ર.૪   ગ્લોબલ વોર્મિગ કેવી રીતે ઘટાડશો?
પ્ર.૫   અલંકાર-છંદનું ઉદાહરણ આપો.
પ્ર.૬  Write essay on "Importance of ENGLISH."
પ્ર.૭   ઔરંગઝેબની ઉદારતાઓ જણાવો.
પ્ર.૮   સજીવની રચના સમજાવો.
પ્ર.૯   લોકશાહી એટલે શું?
પ્ર.૧૦ "મલ્ટીનેશનલ કંપની અને આર્થિક પ્રગતિ" નોંધ લખો.

ત્રણ કલાક 'આવડે એવી ઊલટી' કર્યા પછી મારા વર્ગનું પર્ફોર્મન્સ નબળું દેખાય છે. આ પરફોર્મન્સથી હું તો નિરાશ છું જ, સાથે સાથે  બાળક, પેરેન્ટ્સ અને આખો સમાજ નિરાશ થાય છે. મારા વર્ગના અમુક બાળકોએ ખૂબ સારું પરફોર્મન્સ પણ આપ્યું છે. આવાં 'ટોપર' બાળકો જ્યારે જીવન સ્ટાર્ટ કરે છે, ત્યારે આ સવાલોનું કોઈ જ મહત્વ ન રહેતાં 'ટોપરાં'ની જેમ છીણાય છે, અને એમાંથી એકાદ 'આત્મહત્યા' પણ કરે છે! નાનપણથી જ મારાં માર્ક્સ વધુ આવે એવું વિચારતો બાળક મોટો થઈને સ્વાર્થી બને છે. સંવેદના ન શીખતું બાળક બીજાનાં દુઃખને સમજી શકતો નથી, અને પોતાનાં ફાયદા માટે ખોટું કરતાં અચકાતો નથી. ઘરડાં ઘર ભરાતાં જાય છે. અમીર-ગરીબની ખાઈ મોટી થતી જાય છે. સમાનતા, સ્વતંત્રતા, પ્રામાણિકતા બધું જ 'ટૂંકનોંધો'માં જ રહી જાય છે. સુવિચારો દીવાલ પર શોભે છે. આત્મ સમ્માન ગીરવે મુકાય છે, ખુશામત ખોરી શરૂ થાય છે. 'ખોટું કરવું' એ સત્ય બને છે. ગુંડાઓ પૂજાય છે. 

મેં પરીક્ષા વખતે બાળકને ગમે તે ચોપડી ખોલી એવું પૂછ્યું, "આ વાંચ તો.." .......એનાં કરતાં એમ પૂછ્યું હોત.. કે, "બેટા, આ બે પુંઠ્ઠા વચ્ચેનું છોડ.. તને શું આવડે છે, એ તું બતાવ.. આના આધારે તું હોંશિયાર કે નબળો, એ નક્કી થશે.."

....તો કદાચ મારા વર્ગનું દરેક બાળક પોતાની શક્તિઓ પિછાણીને 'આત્મનિર્ભર' બની શક્યું હોત! વર્ગમાં પોતાની આવડતનો ડંકો વગાડનાર વિશ્વમાં ડંકો વગાડવા સજ્જ બન્યું હોત! બધાં ને બધું આવડવું જરૂરી નથી એવું વાલીઓ સમજતા હોત..! બીજું બધું છોડો.. કમસે કમ પોતાની શક્તિઓ પર ગર્વ કરતું બાળક "આત્મહત્યા" તો ન જ કરતું! 'આત્મનિર્ભર' અને 'આત્મસમ્માન' શબ્દ સમજતા હોત! પોતાને સમજતું બાળક બીજાને સમજી શકત! ઘરડાઘર ન ભરાતાં! માર્કસનું મહત્વ ન રહેતા પરમાર્થનું વિચારત! ખુશામતખોરીની જગ્યાએ સાચાંને સાચું અને ખોટાને ખોટું કહેતાં શીખત! સિંહ ભલે ન બનત, પણ ઘેટુંય ન બનત! 

કદાચ મારા વાક્યો ઓવર હોઈ શકે, પણ ક્યાંક તો સત્ય હશે જ! તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી 'વન' નંબરની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો ભારતમાં ભૂતકાળમાં હતી, અને હવે? પ્રથમ પચાસમાંય આવવા ફાંફા મારવા પડે, તો સમજો.. ભારતનો ભૂતકાળ ભવ્ય હતો, કેમકે શિક્ષણ પ્રણાલી સ્વદેશી હતી! માર્ક્સ વાળી.. અને વાદી નહિ! ખાટલે મોટી ખોડ.. 'એજ્યુકેશન સિસ્ટમ'માં છે, અને આપણે શોધીએ છીએ..??!! ક્યાં..??!!

***********

"તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી વિદ્યાપીઠો વિદેશી આક્રમણ સામે જ્યારે તૂટતી હતી, ત્યારે એ સમયના/રાજ્યના રાજાઓ/લોકો શુ કરતાં હશે??"
.
.
"મારે શું?? આનો જવાબ આપીને મને શું મળવાનું?? તે હું જવાબ આપું?? જેને શોધવું હોય એ શોધે."

મંગળવાર, 19 જાન્યુઆરી, 2021

કાચની બરનીની વાર્તા

⭕MOTIVATION⭕

एक प्रोफ़ेसर कक्षा में आये और उन्होंने छात्रों से कहा कि वे 
आज जीवन का एक महत्वपूर्ण पाठ पढाने वाले हैं ...

उन्होंने अपने साथ लाई एक काँच की बडी बरनी ( जार ) टेबल पर रखा और उसमें 
टेबल टेनिस की गेंदें डालने लगे और तब तक डालते रहे जब तक कि उसमें एक भी गेंद समाने की जगह नहीं बची ... 
उन्होंने छात्रों से पूछा - क्या बरनी पूरी भर गई ? हाँ ... 
आवाज आई ... 
फ़िर प्रोफ़ेसर साहब ने छोटे - छोटे कंकर उसमें भरने शुरु किये धीरे - धीरे बरनी को हिलाया तो काफ़ी सारे कंकर उसमें जहाँ जगह खाली थी , समा गये , 
फ़िर से प्रोफ़ेसर साहब ने पूछा , क्या अब बरनी भर गई है , छात्रों ने एक बार फ़िर हाँ ... कहा 
अब प्रोफ़ेसर साहब ने रेत की थैली से हौले - हौले उस बरनी में रेत डालना शुरु किया , वह रेत भी उस जार में जहाँ संभव था बैठ गई , अब छात्र अपनी नादानी पर हँसे ... 
फ़िर प्रोफ़ेसर साहब ने पूछा , क्यों अब तो यह बरनी पूरी भर गई ना ? हाँ 
.. अब तो पूरी भर गई है .. सभी ने एक स्वर में कहा .. 

सर ने टेबल के नीचे से 
चाय के दो कप निकालकर उसमें की चाय जार में डाली , चाय भी रेत के बीच स्थित 
थोडी सी जगह में सोख ली गई ... 

प्रोफ़ेसर साहब ने गंभीर आवाज में समझाना शुरु किया 

इस काँच की बरनी को तुम लोग अपना जीवन समझो .... 

टेबल टेनिस की गेंदें सबसे महत्वपूर्ण भाग अर्थात भगवान , परिवार , बच्चे , मित्र , स्वास्थ्य और शौक हैं , 

छोटे कंकर मतलब तुम्हारी नौकरी , कार , बडा़ मकान आदि हैं , और 

रेत का मतलब और भी छोटी - छोटी बेकार सी बातें , मनमुटाव , झगडे़ है .. 

अब यदि तुमने काँच की बरनी में सबसे पहले रेत भरी होती तो टेबल टेनिस की गेंदों और कंकरों के लिये जगह ही नहीं बचती , या 
कंकर भर दिये होते तो गेंदें नहीं भर पाते , रेत जरूर आ सकती थी ... 
ठीक यही बात जीवन पर लागू होती है ... 

यदि तुम छोटी - छोटी बातों के पीछे पडे़ रहोगे 
और अपनी ऊर्जा उसमें नष्ट करोगे तो तुम्हारे पास मुख्य बातों के लिये अधिक समय 
नहीं रहेगा ... 

मन के सुख के लिये क्या जरूरी है ये तुम्हें तय करना है । अपने 
बच्चों के साथ खेलो , बगीचे में पानी डालो , सुबह पत्नी के साथ घूमने निकल जाओ , 
घर के बेकार सामान को बाहर निकाल फ़ेंको , मेडिकल चेक - अप करवाओ ... 
टेबल टेनिस गेंदों की फ़िक्र पहले करो , वही महत्वपूर्ण है ... पहले तय करो कि क्या जरूरी है 
... बाकी सब तो रेत है .. 
छात्र बडे़ ध्यान से सुन रहे थे .. 

अचानक एक ने पूछा , सर लेकिन आपने यह नहीं बताया 
कि " चाय के दो कप " क्या हैं ? 

प्रोफ़ेसर मुस्कुराये , बोले .. मैं सोच ही रहा था कि अभी तक ये सवाल किसी ने क्यों नहीं किया ... 
इसका उत्तर यह है कि , जीवन हमें कितना ही परिपूर्ण और संतुष्ट लगे , लेकिन 
अपने खास मित्र के साथ दो कप चाय पीने की जगह हमेशा होनी चाहिये । 

( अपने खास मित्रों और निकट के व्यक्तियों को यह विचार तत्काल बाँट दो .. मैंने अभी - अभी यही किया

રવિવાર, 3 જાન્યુઆરી, 2021

કોવિડ ડ્યુટીના 6 મહિના

આજે શાળામાં શિક્ષક વાઇઝ કોને કેટલી કોવિડ 19 ડ્યુટી કરી એના કુલ દિવસો મંગાવ્યા.. 21 માર્ચ લોકડાઉન થી અત્યારસુધીના..

મારા 163 દિવસ ડ્યુટીનાં થયા.. (હજુયે આ ડ્યુટી ચાલુ જ છે! હવે અલમોસ્ટ 6 મહિના થશે!)

🥴🥴🥴

મનમાં શાંતિ એ વાતનીય ખરી કે શાળા બંધ હોવા છતાં આ સમય દરમિયાન જ્યારે જ્યારે જેટલો સમય મળ્યો એ સમયમાં મારા શિક્ષકત્વને શોભે એવા હોમલર્નિંગ વીડિયો બનાવ્યા છે..😊😊

કુલ રિલીઝ થયેલા હોમલર્નિંગ વીડિયોની સંખ્યા 69!!

🤗🤗

128 gb ની મેમરીવાળા ફોનમાં અત્યારે માત્ર 10 gb બાકી છે.. 54 gb ના કુલ મળીને અંદાજે 100 જેટલા વીડિયો ફોનમાં જ પડ્યા છે.. *જેને યુટ્યૂબ પર રિલીઝ કરવાના હજુયે બાકી છે..* 20 gb જેટલો ડેટા એડિટિંગ કરવાનો બાકી છે.. 😊😊 જેઓ મને પર્સનલી ઓળખે છે.. અને મારી ચેનલને *subscribe* કરેલી છે એઓ જાણે છે કે લગભગ છેલ્લા ચાર મહિનાથી રેગ્યુલરલી અઠવાડિયે 4 દિવસ મારા વીડિયો રોજમરોજ રિલીઝ કરી રહ્યો છું.. હજુયે એ આશા છે કે બધા જ વીડિયો રિલીઝ કરી શકીશ..

વીડિયો બનાવવા માટે તૈયારી કરવી, શૂટિંગ કરવું, એડિટિંગ કરવું.. અને સાથે સાથે કોવિડ ડ્યુટી પ્લસ સ્કૂલના વાલી સંપર્કથી માંડીને એકાઉન્ટ ભેગા કરવા અને પુસ્તકો બાળકોના ઘેર ઘેર પહોંચાડવા સુધીના નાના-મોટા કામ પણ ખરાં! ..અને ફેમિલીમેન પણ ખરો! મારા પત્નીજી, જે પોતે પણ શિક્ષક છે, એની મદદ વગર આ બધું શક્ય નથી! એને તો મારા કરતાં પણ કામ વધી જાય.. કેમ કે ઉચ્ચ પ્રાઇમરીમાં, એમાંય મેથ્સ-સાયન્સના શિક્ષક હોવાથી ઘર, સ્કૂલ, એકમ કસોટી અને કોવિડ ડ્યુટીનુય કામ ખરું! (એને 93 દિવસ આજની તારીખે થયાં.. હજુયે ડ્યુટી ચાલુ છે!)

..અને વ્હાલી ડાહી દીકરી તન્વીને કેમ ભુલાય! દરરોજ એક કલાક એની સાથે કોઈને કોઈ વાતની ચર્ચા થાય એ લટકામાં! 👍👍🤗🤗

બાય ધ વે, અમે હવે નિશાચર બની ચુક્યા છીએ!! 🥱🥱🙇‍♂️🙇‍♂️ રાતનાં બારેક વાગે અમારી રાત પડે છે..!! ..અને સવારનો સમય બદલાયો નથી.😊😊

*ઘરે શીખીએ પ્રવૃત્તિઓ અને હોમલર્નિંગ માટે નીચેની લિંક પર ક્લિક કરો*

https://youtube.com/user/rajputyagnesh