શનિવાર, 6 ઑક્ટોબર, 2012

"શું તમને ગાંધીજી જેવા થવું ગમે??"

"શું તમને ગાંધીજી જેવા થવું ગમે??"

@@@@@


"શું તમે ગાંધીબાપુને જોયા છે??" મેં પૂછ્યું .

"હા હા .. મેં જોયા છે .."
"મેં જોયા છે .." મોટાભાગના છોકરાઓએ રીતસરની રાડો (ચીસો ) પાડીને જવાબ આપ્યો ..!!


"અચ્છા,, .. ક્યાં જોયા છે??"

"એ ઓલાની વાડીએ રહે છે .."
"આમ આઘે આઘે રે'છે .." મોટાભાગનાઓએ પાછો એકસાથે જવાબ આપ્યો ..!!

--- આ તો મારી અપેક્ષા બહારનો જવાબ હતો ..!! મેં ફરી પૂછ્યું,"એ ત્યાં શું કરે છે??"

"રમે છે ..!!"

"શું રમે છે??" મારી જીજ્ઞાસા વધી .

"કબડ્ડી ..!!"

"કબડ્ડી ..?? કોની ભેગા ..??"

"અમારી ભેગા ..!!"
"અહી ઝાંપાની વાડીએ અમારી ભેગા રમતા હોય છે ..!!" છોકરાઓએ એકદમ નોર્મલી જવાબ આપ્યો .

 હું મુન્ઝાયો ..!! મેં ફરીથી પૂછ્યું, "તમારી ભેગા રમે છે, એમ??.. અચ્છા, એ બીજું શું શું કરે છે??"

"આમ ગામમાં બધું માંગવા નીકળે છે ..!!"

---આ જવાબથી મારું આશ્ચર્ય વધ્યું, "શું માંગવા નીકળે છે??"

છોકરાઓએ એકદમ નિખાલસતાથી જવાબ આપ્યો, "લોટ ને બાજરોને એવું બધું ..!!"

"ઓ હો ..!!" મારા મનમાં એકદમથી લાઈટ થઇ, "અરે ભગવાન .. એ બાપુ નહિ, આપણા ગાંધીજીબાપુને તમે ક્યારેય જોયા છે??"

"હા, અહિયાં સામે ઓફિસમાં એમનો ફોટો છે .." આખરે એક છોકરાએ સાચો જવાબ આપ્યો ..!!

---અને મારા હૈયાને ટાઢક વળી . હાશ, છોકરાઓને હજુયે ગાંધીબાપુ યાદ તો છે ..!!

@@@@@

નાનપણમાં માંસ આરોગ્યું , અને બીડીના ઠુંઠા પણ પીધા , સોનાના કડાનો કટકો પણ ચોર્યો ... અને ડર લાગતો  હોવા છતાં પિતા પાસે જઈ લખાણમાં માફી પણ માંગી , અને ત્યારબાદ જીવનભર ન તો માંસાહાર કર્યો , ન તો વ્યસન કર્યું કે ન તો ચોરી કરી ..!!

અંધારામાં બીક લાગતા કામવાળી બાઈ રંભા પાસેથી 'રામ' નામનો મંત્ર મળ્યો .. જેને જીવનમાંથી 'ડર' નામની વસ્તુને જ કાઢી મૂકી ..!!

પિતાની અંતિમ ઘડીએ પોતાની કામેચ્છા સંતોષવા કસ્તુર(બા)ના વિચારોમાં ખોવાયેલા રહ્યા .. એ બાબતનો જીવનભરનો અફસોસ જીરવ્યો ...!!

'શ્રવણ' અને 'રાજા હરિશ્ચંદ્ર'નો ઊંડો પ્રભાવ ..!!

'વીમો લેવો એ તો ઈશ્વર પરની શ્રદ્ધા પર શંકા કરવી કહેવાય' - એમ લાગવાથી લીધેલો વીમો જતો કરવો ..!!

શરમાળપણું એટલું બધું કે નિશાળ છૂટતા રીતસરનું ભાગીને ઘરે જવું ..!!

ભારતના અમુક લોકોને શરીર ઢાંકવા પૂરતા કપડા પણ નથી , તે જોઈ પોતે માત્ર એક પોતડી જ ધારણ કરવી ..!!

'મરકી'માં સપડાયેલા ..  લોકોની સેવા એવી લગનથી કરી કે ખુદ ડોક્ટર અને નર્સને તેનો ચેપ લાગ્યો , પણ ઈશ્વર પરના પોતાના ભરોસાને કારણે પોતે હેમખેમ તેમની સેવા કરી શક્યા , અને એ પણ ચેપનો ભોગ બન્યા વગર ...!!

ખોરાક, માટી, દૂધ અને નમક જેવી ચીજોના પ્રયોગો માત્ર પોતાના જ પર નહિ , પરંતુ અન્યો પર પણ નિર્ભયપણે કર્યા ..!!

@@@@@

'લગે રહો મુન્નાભાઈ' શું એક માત્ર ફિલ્મ હતી??

મારા મતે નહિ ..!!  .... એક વ્યક્તિ પોતાના કેમિકલ લોચાને કારણે શું કરી શકે છે, અને શું નથી કરી શકતી .. તે દર્શાવતું દર્પણ હતી ..!! ગાંધીની અંદર સત્યની વધુમાં વધુ નજીક પહોચવાની જે 'બર્નિંગ ડીઝાયર' હતી .. તે તેમના મૃત્યુ પછી પણ ચાલવાની છે .. તેનો એક પૈગામ હતી ..!!

વધુમાં ધોરણ-5 માં અંગ્રેજીમાં 'મહાત્મા ગાંધી' પાઠ ચલાવતા પહેલા મારે ગાંધીને વાંચવા જોઈએ, અને સમજવા જોઈએ .. તેમ અંતરમને અવાજ કરતા 'સત્યના પ્રયોગો' ઉછીની માંગીને એક જ બેઠકે પૂર્ણ કરી ..!! સાચું કહું તો , બાળપણના પ્રસંગો સિવાય કશું જ ન સમજાયું ..!! બેક ટુ બેક બીજીવાર વાંચી .. થોડું થોડું સમજાયું ..!! બેક ટુ બેક ત્રીજીવાર વાંચી .....  ઉપર બેઠેલો ભગવાન જાણે છે , અને બીજો  હું જાણું છું , મારી અંદર બેઠેલા ભગવાનના અવાજને સંભાળવાની કોશિશ ત્યારથી ચાલુ જ છે,,, અને અનુભવે સમજી શક્યો છું કે તેનું સત્ય બહુ આકરું છે ..!!

ગાંધીજી જેવો વીરલો જ એ સત્યસમી ખાંડાની ધાર પર ચાલી શકે ..!! બાકી સાબરમતી આશ્રમના ઓરડામાં બેઠા બેઠા, કોઈ સુકલકડી પોતડીવાળો બુઢ્ઢો એમ કહે કે 'મીઠા પરના કરને દૂર કરવા હું 'દાંડીકૂચ' કરીશ' .. અને એ સાંભળીને અને જોઇને આખું ભારતસહિતનું વિશ્વ ખળભળે ખરા??....  આપણામાંથી કોઈ એનો એક ટકોય જાહેરાત કરે તો ..?? કદાચ સગી જનેતા ય સમજી જશે કે આ 'બબુચક' ખાલ્લીખોટો પોતાની રહીસહી ઈજ્જતના ધજાગરા કાઢવા બેઠો છે ..!!

@@@@@

ત્રીજી ઓક્ટોબરે વાંચન પર્વને એક્બાજુ મુકીને ધોરણ-2 ના છોકરાઓને ગાંધીજીના બાળપણની વાર્તાઓ એમની ભાષામાં કહી . એટલા નાના ચંચળ છોકરાઓ સહેજ પણ કંટાળ્યા વગર રસપૂર્વક સાંભળતા રહ્યા ...!! સમગ્ર ચર્ચાને અંતે મારો એક સવાલ હતો , "શું તમને ગાંધીજી જેવા થવું ગમે??"

બધાએ 'હા' પાડી . અંતે મેં કહ્યું , "નહિ , કોઈએ પણ ગાંધીજી જેવા નથી થવાનું ..!! તમારે બધાએ તમારા જેવા થવાનું છે, કારણ કે મો હન જયારે એના જેવો થયો ત્યારે તે ગાંધી બન્યો હતો ..!!"

@@@@@

ઉપરના ચિત્રો મારા વર્ગના (ધોરણ-2) બાળકોએ દોરેલા 'ગાંધીજી'ના ચિત્રો છે ..!!

@@@@@



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો