''એ ટેણી.. બે કટિંગ લઈ આવ..''
''એ ટેણી.. બે કટિંગ લઈ આવ..''
હમણાં જ ભાઈ શ્રી કે.જી.પરમારસાહેબની પોસ્ટ જોઈને ભૂતકાળ પાછો જીવંત થઈ ગયો....
અને વિચાર આવ્યો કે.. દિવસનાં ૧૪ થી ૧પ કલાક ચાની કીટલી પર કામ કરતાં નાના છોકરાઓને.. તમે આવું કામ શા માટે કરો છો?... એવું આપણામાંથી કેટલા લોકોએ એમને કે એમનાં મા-બાપને પૂછયું હશે??.. અથવા તો એવા અનુભવમાંથી પસાર થયા હશે??..
×××××××
બાપુનગર અંબર ટોકિઝની બાજુમાં હજુયે 'દિલખુશ રસ સેન્ટર' ઉનાળો આવતા ચાલુ થઈ જાય છે. હવે જયારે જયારે ત્યાંથી નીકળવાનું થાય છે ત્યારે ત્યાં જોઈને મન ખિન્ન થઈ જાય છે.
કયાંકથી ખબર પડી કે ત્યાં ગ્રાહકોને પાણી અને શેરડીનો રસ પીવડાવવા માટે નાના છોકરાંઓની જરૂર છે, એટલે મમ્મીએ પરાણે ત્યાં ધકેલ્યા, અને મારે જાવું પડયું. મને ત્યાં બિલકુલ પણ નહતું ગમતું. સવારે ૯ વાગે ત્યાં પહોંચી જવાનું.. તે છેક રાતનાં ૧૧-૧ર વાગ્યા સુધી રહેવાનું. આ દરમિયાન જો કોઈ ગ્રાહક ના હોય તો બેસવા મળે.. બાકી ઉભા જ રહેવાનું. બેસીએ તો તરત જ ગાળ તૈયાર હોય. ગ્રાહક આવે એટલે તરત જ પાણી પીવડાવવાનું. રાત પડતા સુધીમાં તો પગમાં આંટા ચડી ગયા હોય. થાકીને લોથપોથ થઈ જવાય.
અમે ૮-૯ છોકરાંઓ હતા. અને સૂચના હતી કે સારા કપડાં પહેરીને આવવાનું, કે જેથી કરીને કોઈ ચેકીંગમાં આવે તો ખબર ન પડે કે અહીં 'બાળ મજૂર' છે. નવાઈની વાત તો એ હતી કે સામે જ પોલીસવાળા (એસ.આર.પી.) હતા. એ રસ મંગાવે ત્યારે અમે જ આપવા જતા. બાજુમાં જ મોટી બજાર (ભીડભંજન) ભરાતી. બજારમાં મમ્મીઓ એમનાં છોકરાંઓને લઈને ફરવા જાય ત્યારે એમને જોઈને મારો જીવ બળી જતો.
અંબર ટોકિઝનો શો પૂરો થાય ત્યારે ભીડ બહુ જ થતી. પિકચર જોઈને ઘણી પબ્િલક અહીં રસ પીવા આવતી. ચારે બાજુથી અવાજો આવવા મંડતા.. ''એ ટેણી..પાણી લઈ આવ..''... ''એ ટેણી.. રસનાં બે મોટા ગ્લાસ લઈ આવ..''.... અને અમારે દોડી-દોડીને કામ કરવું પડતું. મોટાંભાગનાં ગ્રાહકો સારાં હોય પણ કેટલાંક એવા ખરાબ હોય ને કે.. નાનકડી વાતમાં ગાળો બોલે. કયારેક થપ્પડ પણ મારી દે. પાણી પીવે એના કરતા ઢોળે વધારે. ''ગ્લાસ બરાબર ધોજે..'' , ''જા, થોડો બરફ લેતો આવ..'' એવી ઘણી બધી સૂચનાઓ પણ આપે. સાથે જો કોઈ છોકરી હોય તો એને ખુશ કરવા અમારી મજાક પણ ઉડાવે. હું એવા લોકોને પાણી પાઈને તરત જ ભાગું.
જે છોકરાંઓનાં ઘર નજીક હતા, એઓ તો ઘરે જમવા જતા અને શાંતિથી જમીને કલાકે પાછા ફરે. અમારૂં ઘર દૂર હતું , એટલે સવારે ઘરેથી નીકળીએ ત્યારે ટીફીન લઈને જ જતા અને બપોરે ત્યાં જ જમી લેતા. અમે બહું જ ધીમે ધીમે જમતા, કે જેથી કરીને એટલો સમય કામ ન કરવું પડે અને થોડો સમય બેસવા પણ મળે.
અમુક ગ્રાહક રસના પૈસા અમને આપતા, અને અમારે એ પૈસા કાઉન્ટર પર જમા કરાવવાના હોય. પરંતુ આ દરમિયાન કેટલાંક છોકરાંઓ ચોરી કરતાં શીખ્યા હતા. ગ્રાહક પૈસા આપે એટલે શેઠની નજર ચૂકવીને કેટલાંક એ પૈસા પોતાની પાસે છુપાવી દેતાં. હું પણ એમ શીખ્યો. પણ એક દિવસ પકડાઈ ગયો.. ગાળોની સાથે થપ્પડ પણ ખાધી. જોકે રાહત એ વાતની હતી કે ઘણાંને આ બાબતમાં માર પડી ચૂકયો હતો. એટલે કોઈ એ બાબતે મારી સામે જોઈ હસ્યું ન હતું.
માની શકો??.. દિવસના ૧૪ થી ૧પ કલાક વૈતરૂં કરવાના કેટલાં રૂપિયા મળતા??.. માત્ર ર૦ રૂપિયા.
રોજ રાતે ૧૧-૧૧:૩૦ જેવું થાય એટલે શેઠ અમને રોકડાં ર૦ રૂપિયા દેતા. અને અમે ખુશ થઈને ઘેર જતા. ઘરે પહોંચીયે ત્યારે ૧ર:૩૦ થઈ જાય. ખાતા-ખાતા પણ ઉંઘ આવતી હોય એટલે ખાધું ન ખાધું કરીને સૂઈ જતો.
બીજાં દિવસની બદસૂરત સવાર ફરીથી એ ગધ્ધાવૈતરૂં કરાવવા માટે તૈયાર જ ઉભી હોય. . . . . .
×××××××
મારે પણ બીજાં છોકરાંઓની જેમ રમવું'તું. મારે પણ બીજાં છોકરાંઓની જેમ મમ્મી-પપ્પાની સાથે ફરવું'તું. મારે એ બધ્ધું જ કરવું'તું, કે જે બીજાં છોકરાંઓ વેકેશનમાં કરતા હતા. પણ...
બસ, હવે આગળ નથી લખવું.
×××××××
અનુભવે સમજાય છે કે એવાં બહું જ ઓછા કિસ્સા હોય છે કે જેમાં નાનકડાં બાળકને ખરેખર ભણવાનું છોડીને આવું કામ કરવું પડે છે. બાકી મોટાભાગનાં કિસ્સામાં મા-બાપની માનસિક ગરીબી જ નાનકડાં છોકરાઓને અવળાં રસ્તે લઈ જવા કાફી હોય છે. ભયંકર સંઘષ્ર્ા હોવા છતાં.. ટીન-એજ બાળક સાથેનો.. એનાં માતા-પિતાનો પ્રેમ, મિત્રતા અને સમજદારીભયર્ો વ્યવહાર જ એને એ શીખવાડવા માટે કાફી હોય છે કે, ...''પૈસા ભલે ભગવાન નથી, પણ ભગવાનથી ઓછો પણ નથી.''
..........નહિ કે એ વ્યવહાર, કે જેમાં બાળક ચોરી કરેલાં બે-પાંચ રૂપિયા ઘેર લાવે, અને નાની રકમ હોવાને કારણે મા-બાપ એને કશુંયે કહે પણનહિ.
×××××××
ડોન્ટ થિંક એવર:-
ગરીબ/જરૂરિયાતમંદોના બાળકો ઘર ચલાવવા/પેટ ભરવા કામ કરે એને 'બાળમજૂરી' કહેવાતું હોય તો ધનાઢયોના બાળકો ટીવી/સિરિયલ/ફિલ્મોમાં એક્ટિંગ કરી પૈસા કમાય એને કલા કઈ રીતે કહેવાય? એમને તો ઘર ચલાવવાની જવાબદારી પણ નથી!! શું એંઠા થાળી/ગ્લાસ ધોવા એ કલા નથી??
××××××××
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો