આર્તનાદ (ભાગ 8)
"કોણ બોલ્યું એ??"
******
એ કોણ દાર્શનિક છે? ..અને કોણ સરમુખત્યાર?..
એ તો યાદ નથી.. પણ કિસ્સો અકબંધ વાંચનસ્મૃતિમાં સચવાયેલો છે!!
એક દાર્શનિક પોતે યુવાન હતો તે સમયનાં સરમુખત્યાર શાસકે કરેલા અન્યાયો વિશે પોતાના શિષ્યોને બધું જણાવી રહ્યો હતો. બધાં લોકો કેવી રીતે એ શાસકની ખુશામતખોરી કરતા હતા અને સત્ય બોલનારને કેવી યાતનાઓ ભોગવવી પડતી હતી તે કહી રહ્યો હતો.
"..તો તમે એનો વિરોધ કેમ ના કર્યો?" એક શિષ્યે વચ્ચે જ અટકાવતા પૂછ્યું.
તરત જ એ દાર્શનિકે જોરથી ટેબલ પર હાથ પછાડયો અને એકદમ ગુસ્સામાં જોરથી બોલ્યો, "કોણ બોલ્યું એ? કોણ બોલ્યું?"
પોતાના ગુરુને આટલાં ગુસ્સામાં જોઈ બધા ચૂપ થઈ ગયા. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. પૂછનાર શિષ્યને
લાગ્યું કે હવે તો તેનું આવી જ બન્યું!!
થોડીવારનાં સન્નાટા પછી એ દાર્શનિક પાછો હળવા મૂડમાં બોલ્યો, "મેં પણ આ જ કર્યું હતું.. ચૂપ થઈ ગયો હતો!"
બધા શિષ્યોને સમજાઈ ગયું કે જો ગુરુએ એ શાસકનો વિરોધ કર્યો હોત તો આજે એ જીવતા ના હોત!!
********
ચાણક્ય વિદેશી આક્રમણથી સાવચેત થવા વિલાસી ધનનંદને ચેતવવા જ્યારે દરબારમાં જાય છે, ત્યારે તે જુએ છે કે ધનનંદ ખુશામતખોરોથી ઘેરાયેલો છે. આ ખુશામતખોરો રાજ્યનાં એ વિદ્વાન માણસો છે, કે જેઓએ પોતાનું ઘરપરિવાર/ગુજરાન ચલાવવા ધનનંદની ખુશામતખોરીનો આશરો લીધેલો કારણ કે ધનનંદના કોઈ પણ નિર્ણયનો વિરોધ કરવો એ મૃત્યુનાં સ્વીકાર કરવા બરાબર હતું! ચાણક્ય ધારત તો એ પણ ખુશામતખોરી કરી શક્યો હોત, પણ એણે સ્વીકાર્યું અપમાન!
....થોડાં જ વખતમાં ધનનંદ અને તેનાં રાજ્યનું પતન થયું!
*********
પેલાં વિદેશી દાર્શનિક અને આપણાં દેશી ચાણકયમાં ફરક શું? ભારતનો ભૂતકાળ ભવ્ય હતો, છે અને રહેશે!!
...પણ વર્તમાન નહિ!!
*********
આપણી આસપાસ થતું ઘણું ખોટું, આપણે સુપેરે જાણતાં હોવા છતાં આપણે તેનો વિરોધ નથી કરી શકતા! વિરોધ ના કરવાનાં કારણોમાં મોટેભાગે તો 'મારે શું?' અને 'મારું શું?' જ હોય છે! ..પણ હમણાં હમણાંથી અનુભવાય છે કે 'મારે શું?' અને 'મારું શું?' કરતાંય વિશેષ ડર, બની બેઠેલાં ધનનંદોનો છે કે જેઓ ચાતક નજરે રાહ જોઇને બેઠા હોય છે કે ક્યારે કોઈ એમનો વિરોધ કરે અને એ આવા વિરોધીઓને વેંતરીને એમનું શક્તિપ્રદર્શન કરે?!! મતલબ કે પોતાની ભૂલો તરફ કોઈ આંગળી ન ચીંધે એટલે 'ડરનું રાજકારણ' રમીને પોતાનો બચાવ કરતા આવા વિદ્વાનો દેશને બરબાદ કરવામાં એટલા જ જવાબદાર રહેશે જેટલાં જવાબદાર ધનનંદનાં વિદ્વાનો હતા! ભૂતકાળનાં ચાણકયએ તો વિરોધ કરીને અપમાનના કડવા ઘૂંટ ગળ્યા, પણ વર્તમાનનાં ચાણકય ક્યાં?? પોતાની નોકરી બચાવવા/ઘર ચલાવવા માટે કરવામાં આવતી ખુશામતખોરીની કોઈ હદ તો હોય ને?? કૂતરો જેમ ઘર ભાળે તેમ આવી ખુશામતખોરીનાં ઓઠા હેઠળ આચરવામાં આવતી કામચોરીમાં ચાણકય નહીં પણ ચંચિયાઓ પેદા થઈ રહ્યા છે! આવા વિદ્વાન ચાંચિયાઓ શાળાઓમાં એક આખી પેઢીને બરબાદ કરીને પાછા એવા બણગાં ફૂંકે છે કે "શિક્ષક કભી સાધારણ નહિ હોતા!' વર્તમાન સંજોગોમાં આમેય કશુંયે ના બની/કરી શકનાર શિક્ષક બનવાનું/ટ્યુશનનું જ વિચારતો હોય છે. નાનપણથી જ શિક્ષક બનવાનો ગોલ નક્કી કરીને શિક્ષત્વ કરનારા આપણી આસપાસ કેટલાં?? લગભગ નહિવત!! ..પછી ચાણકય ક્યાંથી પેદા થાય??!! ખુશામતખોર, આળસુ, કામચોર અને આંખ મીંચીને ખોટું કામ કરનારા અને પોતાનાં માથે આવેલી જવાબદારીને યેનકેન રીતે બીજાને માથે ધકેલવાનું જાણનાર 'બોલબચ્ચન બિરબલો' જ પેદા થાય ને!! (બિરબલ એટલાં માટે કે તેઓ પોતાની છેતરામણી વાકપટુંતાથી ગમે તેવાને બાટલીમાં પુરી શકતા હોય છે!)
*******
હું સી.આર.સી.કૉ ઓર્ડિ. હતો, ત્યારે એક ટ્રેનીંગમાં મળેલી ગ્રાન્ટના લગભગ 6800+૱ રિટર્ન કર્યા, ત્યારે બીજા ચાર સી.આર.સી.ઓએ મને રૂપિયા રિટર્ન ના કરવા સમજાવતા કહ્યું કે, "ગ્રાન્ટ પાછી નહિ કરવાની!" વધુ તકલીફ ત્યારે થયેલી કે જ્યારે મારી નજરમાં આદર્શ એવાં અધિકારીએ પણ આ જ કહ્યું ત્યારે સાચું પૂછો તો હું મૂંઝવણમાં મુકાયો હતો! ગ્રાન્ટ ખાવી કે વાપરવી? ઘરે ગયો અને મારી નાનકડી દીકરી તન્વીનો ચહેરો જોયો, વિચાર આવ્યો કે આ મોટી થઈને કશુંક ખોટું કરશે તો હું એને શું કહીશ? એ જાણશે કે મારા પપ્પા આવુ કરતાં હતાં ત્યારે હું શું મોં બતાવીશ?.. એક વર્ષમાં જ મેં સી.આર.સી. પદ ઈજ્જતથી છોડી દીધું! (પદ સામેથી છોડવાનાં ઘણા કારણોમાંનું એક કારણ આ પણ છે!!) એક સાચાં વડીલ શિક્ષિકાબેનશ્રી આનંદીબેનનું આ દરમિયાન મારાથી કોઈ કારણસર અપમાન થયેલું, તે માટે દિલગીરી વ્યક્ત કરવા બે વર્ષે હું હિંમત ભેગી કરી શક્યો.. એમની માફી માંગી!! ("સી.આર.સી.નું સરવૈયું" આર્તનાદ ભાગ 7 લ.તા.31/3/16 વાંચો:- http://threecolour.blogspot.com/2016/03/blog-post.html )
********
દાર્શનિક જેવું કરું તો મારાં બાળકો પણ અન્યાય સામે ચૂપ થઇ જાય અને ચાણકય જેવું કરવા જાઉં તો સામે ધનનંદો બેઠા છે! શેક્સપિયરન કેરેકટર જેવી 'ટુ બી ઓર નોટ ટુ બી' જેવી સ્થિતિમાં બેઠો હતો, ત્યાં મારી દીકરી મારી પાસે આવીને મને કહે, "તમે નિરાશ કેમ છો?"
મેં કહ્યું, "હું નિરાશ નથી પણ મારા ઉપરી અધિકારીઓ મને ધરાર ખોટું કરવાની ફરજ પાડે તો મારે શું કરવું મને નથી સમજાતું એટલે થોડો મૂંઝવણમાં છું. શું તું મને કહીશ મારે શું કરવું??"
એનો જવાબ આ વીડિયોમાં છે. હાલ તો નક્કી જ છે કે દીકરીએ જે કહ્યું એ કરવું.. બાકી પછી જે થાય એ સમય અને સંજોગો જોઈને 'પડશે એવાં દેવાશે!' ...બીજું શું??
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો