સોમવાર, 25 નવેમ્બર, 2019

'મૂછાળી માં' રીટર્ન્સ!!

'મૂછાળી માં' રીટર્ન્સ!!

*********

આ લેખ સંપૂર્ણપણે કાલ્પનિક છે! પ્રસંગોનો આધાર ગીજુભાઈ બધેકાના પાત્ર 'લક્ષ્મીરામભાઈ માસ્તર'નાં 'દિવા સ્વપ્ન'માંથી લેવામાં આવ્યાં છે, જેની સંપૂર્ણ ક્રેડીટ હું 'ગીજુભાઈ બધેકા'ના લેખનને અને તેમના જે આધારભૂત માલિકો છે તેમને આપું છું! કોઈનોય યશ લેવાનો મારે મન સહેજ પણ ઈચ્છા નથી! પીટીસીમાં ભણતી વખતે જયારે 'દિવા-સ્વપ્ન' અને 'તોતોચાન' વાંચેલું ત્યારે વિચાર હતો કે જેવું લક્ષ્મીરામભાઈ માસ્તર બાળકોને ભણાવતા, એમ ભણાવીશું! ...પણ વાસ્તવિક દુનિયામાં જયારે 'સરકારી માસ્તર' તરીકે શિક્ષક બન્યો ત્યારે આ જીવતાં-જાગતાં હયાત 'લક્ષ્મીરામભાઈ માસ્તર'(...એટલે કે હાલના પ્રાથમિક શિક્ષકો!!)ની શી વલે થાય છે? એ સંપૂર્ણપણે કાલ્પનિક રીતે વર્ણવ્યું છે! કોઈનાય નિર્ણયોને હું પડકારતો નથી કે નથી વિરોધ કરતો! આ માત્ર મનોરંજન માટે લખેલો લેખ છે!

********

ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે. (સોર્સ: વિકિપીડિયા)

********

પ્રથમ ખંડ
પ્રયોગની શરૂઆત

(૧)

હું મારા બધા જ સર્કેટીફીકેટ લઈને કેળવણીના વડા પાસે ગયો અને પ્રાથમિક શાળાનો એક વર્ગ સોંપવાની માંગણી કરી. ઉપરી સાહેબ હસ્યા અને કહ્યું, "તમારા બધા જ ડોક્યુમેન્ટ તો બરાબર છે, પણ તમે ટેટ પાસ નથી એટલે તમે નોકરી કરવાને લાયક બનતાં નથી! મહેરબાની કરીને તમે પહેલા ટેટ પાસ કરી આવો પછી હું તમને એક પ્રાથમિકનો વર્ગ સોપું!"

હું મૂંઝાયો, કહ્યું,"ટેટ પાસ કરવી જરૂરી છે? મેં ઘણું વાંચ્યું વિચાર્યું છે. શિક્ષણ પ્રત્યેની મારી કલ્પનામાં કેટલું સત્ય છે એ મારે વાસ્તવિકતા આણવી છે જેથી મને સમજાય કે કેટલું સત્ય છે અને કેટલું પોલાણ?"

"એવું ના ચાલે.. તમે કહો એટલે મારે કરવાનું?!.." ઉપરી ખીજાયા, "જુઓ, મારે ઘણા કામ છે. તમે ટેટ પાસ કરીને આવો પછીં વાત કરીએ!આવી રીતે તો ઘણા લોકો પ્રયોગો કરવા આવે! ..અને એનો અબાધિત અધિકાર તો અમારી પાસે છે."

એટલામાં એ ઉપરીનો મોબાઈલ રણક્યો, સામે છેડેથી કોઈ એમનું પણ ઉપરી બોલતું હતું! ફોન મૂક્યા પછી એ સાહેબ હસતાં હસતાં બોલ્યા, "તમારે પહેલાં કહેવું જોઈએ ને તમે મોટાં સાહેબના ઓળખીતા છો! આ બધી ભાંજગડ જ ના થાય ને??"

હું મરક્યો! ઉપરી સાહેબે વધુ સમય બગાડ્યા વગર કહ્યું, "પણ તમારે શિક્ષક બનવા માટેનો બ્રિજકોર્ષ કરવો પડશે. એ સિવાય નહિ ચાલે!"

 "ચોક્કસ કરી લઈશ. મને ખાલી જણાવજો કે ક્યારે ફોર્મ ભરાય છે?"

જવાબમાં એ સાહેબે ચશ્માંમાંથી આંખો બહાર કાઢી કહ્યું, "છાપું અથવા શિક્ષણની સાઈટ જોતું રહેવાનું! ખબર પડી જશે કે ક્યારે ફોર્મ ભરાય છે? વારુ, બોલો ત્યારે કઈ જગ્યાએ પ્રાથમીકનો વર્ગ આપું?"

મેં મારા ઘરનું સરનામું ધર્યું, જેથી મને મારા ઘરની નજીક શાળા મળી શકે! મારે આમેય ખાલી શિક્ષણ  સુધારણાના  પ્રયોગો  જ કરવા હતા!

"લોકો દસ-દસ વર્ષ સુધી રાહ જોવે છે ત્યારે માંડ-માંડ એમને વતન નસીબ થાય છે! તમે નસીબદાર છો કે તમને ઘરની નજીકની જ શાળા મળશે." પેલાં ઉપરીએ કહ્યું, "બહાર થોડીવાર બેસો.. હું તમારો ઓર્ડર કઢાવું છું."

અડધો કલાક વીતી ગયો હોવા છતાં ઓર્ડર ના મળતા હું ઓફિસમાં ગયો, અને ઓર્ડર વિષે પૃચ્છા કરી! જવાબ મળ્યો, "રિશેષ પડી ગઈ છે એટલે બધા ક્લાર્કો જમવા બેઠા છે. થોડીવાર લાગશે!" એટલે હું પોતે પણ ભૂખ્યો થયો હોવા છતાં ઓફિસની બહાર બાંકડા પર બેસી રહ્યો! ત્યાં અનુભવ્યું કે કેટલાંક શિક્ષકો પોતાનાં નાના-મોટાં કામો સર્વિસ બુકમાં ના નોંધાવા બદલ અકળાઈને બેઠાં હતા!

આખરે રિશેષ પૂરી થઇ અને મને પ્રવાસી શિક્ષકનો ઓર્ડર મળ્યો! મેં ઉપરીને વિનંતી કરી, "મહેરબાની કરીને શાળામાં એવું ના કહેતાં કે હું કોણ છું? જો શાળા-સ્ટાફ જાણશે કે હું ગાંધીનગરવાળા સાહેબનો પરિચિત છું તો મારાથી સજાગ બની જશે! મારે તો શાળા, શિક્ષક અને બાળકોની વાસ્તવિકતા જોવી અને જાણવી છે!"

સાહેબ મંજુર થયા, અને મને શિક્ષક-બોન્ડ પર સહી કરાવી! આ બાબતની પૃચ્છા કરતા ઉપરીએ કહ્યું કે, "જુઓ તમે એક વર્ષ સુધી નોકરી નહિ છોડી શકો!"

આ સાંભળી હું અંદરથી રાજી થયો! તેઓએ મને પ્રવાસી શિક્ષકની  નિયમાવલી આપી! પગારભથ્થા ન લેવા મેં કહ્યું તો કહે, "જો પગારભથ્થા નહિ લો તો બધાને ખબર પડી જશે કે તમે કોણ છો?" છેવટે મેં સ્વીકાર્યું અને નિયમાવલીને આદરથી જોઈ ગયો!

"કયું વર્ષ (ધોરણ!!) મને આપશો?" મેં પૂછ્યું! ..તો ઉપરીએ સંભળાવ્યું, "એ આચાર્ય નક્કી કરશે. મોટેભાગે તો જે ધોરણમાં શિક્ષકો ઓછા હશે એ જ મળશે! ..અને બીજી વાત એક વખત ધોરણ સ્વીકાર્યા પછી ત્રણ વર્ષ સુધી બદલી નહિ શકો!!"

આખરે મેં ઓર્ડર ખિસ્સામાં મૂક્યો. એ સાહેબ હું બહાર નીકળું એ પહેલા છેલ્લી વખત બોલ્યા, "તમારે  જે કરવું હોય એ છૂટ, પણ બધું નિયમોમાં રહીને કરજો! તમારે પરિપત્રોને પણ અનુસરવાના રહેશે અને અઠવાડિક પરીક્ષાને આધારે તમારું મૂલ્યાંકન થશે.. એ યાદ રાખજો!"

મેં કહ્યું, "કબૂલ છે. આપ મને અખતરા કરવાની છૂટ આપો છો તો આપને જ મારૂ કામ બતાવી સંતોષ પામીશ. આપ જ મારી સફળતા-નિષ્ફળતાના કારણો સમજી શકશો!"

આટલું બોલી હું ઓફિસમાંથી બહાર નીકળ્યો!

(૨)

પ્રવાસી શિક્ષકનો ઓર્ડર લઈને હું સીધો જ શાળાએ પહોચ્યો. જેથી ખબર પડે કે કયું વર્ષ મને અખતરાઓ માટે મળવાનું છે? શાળાનાં મેદાનમાં બે-ત્રણ છોકરાઓને જોઇને 'ઓફીસ ક્યાં છે?' એવું પૂછ્યું, તો એમણે મને સામો સવાલ પૂછ્યો, "કઈ ઓફીસ? હિન્દીવાળાની, ગુજરાતીવાળાની  કે ઉર્દુવાળાની?"

હું મૂંઝાયો! મેં ઓર્ડર ખિસ્સામાંથી બહાર કાઢ્યો, અને 'ગુજરાતી શાળા નં ૪' લખેલું જોઇને કહ્યું, "ગુજરાતી ઓફીસ"

પેલાં છોકરાઓએ બતાવેલી દિશામાં હું આગળ વધ્યો અને ઓફિસમાં દાખલ થયો. ઓફિસમાં પાંચ-પાંચ જણને જોઇને કોણ આચાર્ય હતું, એ સમજાયું જ નહિ! બે જણ કોમ્પ્યુટર પાસે બેઠા હતા! બે જણ ફાઈલો ખતાળી રહ્યા હતા, અને એક જણ તિજોરી પાસે ઉભું હતું! બધાં પરસેવે રેબઝેબ હતા! મને એ બધાને ડીસ્ટર્બ કરવાનું યોગ્ય ના લાગ્યું, પણ હવે હું પણ આ શાળાનો સભ્ય હોઈ આદરથી પૂછ્યું, "આ ગુજરાતી શાળાની જ ઓફિસને??"

આ સાંભળી ફાઈલ ખતાળી રહેલાં એક બેન ફરિયાદની ભાષામાં બોલ્યા, "મોટાંબેન, મુસ્કાનના વાલી આવી ગયા છે. એનું સર્ટી લેવા!!"

તિજોરીમાંથી ડોકું નાખીને કૈક શોધી રહેલાં મોટાંબેને આ સાંભળીને ડોકું બહાર કાઢ્યું, અને એકદમથી ખીજાઈને બોલ્યા, "કેમ મુસ્કાન ભણવા નથી આવતી? એક મહિનો થયો.. કેટલી વાર ફોનો કરવાના તમને? પાછાં ફોનેય બંધ રાખો છો અને ઘરે પણ કોઈ હોતું નથી! અમારે શું કરવાનું બોલો??"

આવા સ્વાગતથી હું ડઘાઈ ગયો!! મેં તરત જ હાથમાંનો ઓર્ડર પેલાં 'વિકરાળ' મોટાંબેન સામે ડરતાં ડરતા લંબાવ્યો!! 'સરકારી' કાગળ જોઈ પેલાં બેન ચોક્યા, અને કોમ્પ્યુટરમાં કામ કરતાં ભાઈને કહ્યું, "ઓ મુકેશભાઈ, આ જોવો તો શું છે?" ..એટલું બોલીને એ પાછા તિજોરી ખાતાળવા લાગ્યા!

"લાવો.." મુકેશભાઈએ મારી સામે હાથ લંબાવ્યો. કાગળ જોઈ એ બોલ્યા, "મોટાબેન આ તમારા કામનું છે. શાળામાં નવા શિક્ષક આવ્યા છે."

આ સાંભળીને મોટાબેનનાં ચહેરાં પર તરત જ ચમકાવી ગઈ! એમણે તીજોરી છોડી મારો ઓર્ડર હાથમાં લીધો અને પ્લાસ્ટીકની 'નબળી' ખુરશી બતાવી બેસવા ઈશારો કરી ખુશ થતાં કહ્યું, "ભલું થાજો બાપા.. આખરે શિક્ષક મળ્યા ખરા!!"

..પછી સાડીના છેડાથી પરસેવો લુંછતા મને 'મુસ્કાનના વાલી' સમજવા માટે મોટાબેને માફી પણ માંગી અને એ પણ જણાવ્યું કે કેવી રીતે ઉપલી ઓફિસોમાંથી અડધા જ કલાકમાં તાત્કાલિક બધી માહિતીઓની હાર્ડ અને સોફ્ટ કોપી મંગાવવામાં આવી હોઈ બધા વર્ગો ભેગા કરીને શાળાનાં ચાર શિક્ષકોને વર્ગ છોડીને ઓફિસમાં રોકવામાં આવ્યા હતા!!






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો