સોમવાર, 21 ફેબ્રુઆરી, 2022

..અને મેં મારા શ્રીમતીજી સાથે ફરીથી લગ્ન કર્યા એટલે અમે આજેય અમારી બે લગ્નતારીખ ઉજવીએ છીએ!

..અને મેં મારા શ્રીમતીજી સાથે ફરીવાર લગ્ન કર્યા એટલે અમે આજેય અમારી બે લગ્નતારીખ ઉજવીએ છીએ!



(મેં મારા વડીલની વાત માની હોત તો કદાચ આજે હું મારા 'ગમતાં પાત્ર'ને સોશિયલ સાઇટ પર શોધતો હોત! ..કોઈ જુએ નહિ એમ એની ડીપી/પ્રોફાઈલ ચેક કરતો હોત! ..અથવા એને કોઈ કાળીયા/ભદ્દાં વ્યક્તિ સાથે પરણેલી જોઈને કે ડીડીએલજે મુવી જોઈને ક્યારેક તો અફસોસ કરતો જ હોત કે.. 'કાશ મેં થોડી હિંમત કરી હોત તો આજે એ મારી સાથે હોત!')
************

''અમે સમાજમાં જે વહેવાર કર્યો હોય એ ઘરનાં આવા લગ્ન પ્રસંગોમાં તો પાછો આવે!'' ઘરનાં વડીલે દલીલ કરી.

એમની આવી દલીલમાં મારો જવાબ હતો.. ''પાછો મેળવવાની લાલચે થતાં વહેવારને કે સમાજને હું માનતો નથી. તમે માનતા હોવ તો ભાઈના લગ્નમાં એવી ઈચ્છા રાખજો. પાંચ-પચ્ચીસ હજારના વહેવારને પાછો લેવા માટે હું લગ્નમાં લાખો ખરચું, એવો ગાંડો નથી!''

"..પણ તમારે લગ્ન તો કરવા જ પડશે." વડીલે જીદ કરી!

"..તો હું ક્યાં ના પાડું છું?" મેં કહ્યું, "મારી ત્રણ શરતો છે.. તમે એ માનો.. તો હું તૈયાર જ છું! ..બાકી અમે જેવી રીતે રહીએ છીએ એમાં મને તો કોઈ વાંધો દેખાતો નથી!"

મારી આ વાત સાંભળીને વડીલે ગુસ્સામાં મોં ફેરવી લીધું! એટલે મેં મારી શરતો કહેવાનું શરૂ કર્યું, "પહેલી શરત.. સ્ત્રીનાં ઘેરથી કંઈ જ માંગવાનું નહિ, કે કંઈ મળે એવી ઈચ્છા પણ રાખવાની નહિ! બીજી શરત.. લગ્નનો સંપૂર્ણ ખર્ચ હું જ કરીશ, તમારે તમારો એક રૂપિયોય ખર્ચવો નહિ! ..અને ત્રીજી શરત.. મારા સાવ નગણ્ય પગારમાં સમાજના ચાર કુટુંબને જ તમે બોલાવી શકશો.. હવે કયા ચાર કુટુંબને લગ્નમાં બોલાવવા એ તમારે નક્કી કરવાનું!"

હું જાણતો જ હતો કે મારા લગ્ન માટેની આ શરતો મંજુર થવાની જ છે, કેમ કે 'જ્ઞાતિ અને સમાજ'ને ખૂબ માનતા મારા વડીલને 'સમાજના ખણખોદીયા' લોકોનાં સવાલોથી બચવા ભાઈના લગ્ન વખતે અમને સામેલ કર્યા વિના છૂટકો ન હતો! ..પછી ભલે એ અમારા મેરેજનોંધણીનાં સર્ટિફિકેટને સ્વીકારે કે ના સ્વીકારે!!
***********

બાર વર્ષની તરુણાવસ્થામાં મારા મિત્ર નીરવ પટેલને ઘેર 'ડિસ્કવરી'માં ઉદબિલાવ/જળબિલાડીનાં બચ્ચાંની જીવનીનો એક એપિસોડ જોયેલો! માતા ઉદબિલાવ પોતાનાં નાજુક બચ્ચાંને જન્મ આપ્યા બાદ 'સર્વાઇવલ' માટે બધું જ શીખવાડે છે! ..પણ પછી બચ્ચું મોટું થતાં, એ જ માતા ઉદબિલાવ, પોતાનાં બચ્ચાંને જાતે જ ત્યજી દે છે. બચ્ચું ભયાનક જંગલમાં ટકી રહેવા, જીવતું રહેવા ખૂબ સંઘર્ષ કરે છે, અને પોતાનાં 'સર્વાઇવલ' માટે પોતાનાથી પણ ખૂબ મોટાં અને ખૂંખાર ઉદબિલાવ સાથે ફાઈટ કરે છે. એ ઘવાય છે પણ અંતે એને ફાઈટમાં હરાવે છે. ઘવાયેલું બચ્ચું એ નદીકિનારાની સુંદર જગ્યાને પોતાનું ઘર બનાવે છે. થોડાં સમય બાદ.. એ યુવાન બચ્ચું એક સુંદર જીવનસાથીને મેળવે છે, અને પોતાનો 'જિન્સ' આગળ વધારે છે. એ બચ્ચું પોતાનાં 'દમ' પર પોતાનું જીવન જીવે છે.

આ એપિસોડથી હું એટલો પ્રભાવિત થયેલો કે બસ.. મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે 'હું પણ મારાં દમ પર જીવીશ અને લગ્ન પણ મારા દમ પર કરીશ.'
*********

ધો.7માં પહેલાં નંબરે પાસ થઈને આગળ ભણવાનો ખર્ચ જાતે જ ઉઠાવવા, બાપુનગર અંબર ટોકીઝ પાસે 'દિલખુશ રસ સેન્ટર'માં સવારના નવ વાગ્યાથી રાતનાં અગિયાર વાગ્યા સુધી સતત ચૌદ કલાક ઊભાં રહીને, શેરડીનો રસ પીવા આવતા ગ્રાહકોને પાણી પીવડાવવા દરરોજના માત્ર 20₹ લેખે વેકેશનના 35 દિવસનાં લગભગ 700₹ જ્યારે વડીલના હાથમાં આપ્યા, ત્યારે જ સમજાઈ ચૂક્યું હતું કે 'રૂપિયા કમાવા અને જાતે જીવવું સહેલું તો નથી જ!' 

..બસ એ પછી, ધો.૮માં પાકીટ બનાવવાના કારખાને, ધો.૯માં પાણીની પરબે, ધો.૧૦ હીરાનાં કારખાને, ધો.૧૧ ગેરેજમાં અને ધો.૧૨ ચોપડા બનાવતી ગોપી કંપનીમાં લેબરવર્ક કરી ભણવાનો ખર્ચ જાતે જ ઉઠાવવા દરેક વેકેશને કોઈને કોઈ કામે લાગી જતો! તરુણાવસ્થાને અંતે શિક્ષક તરીકેના (ખાનગી શાળા+ટ્યુશનનાં) 1200₹ નો પહેલો પગાર ઘરનાં વડીલના હાથમાં આપતાં જ્યારે એવું કહ્યુ કે, "આને મારા ખાધા-ખોરાકીના ખર્ચ તરીકે ગણજો. હવેથી હું એક રૂપિયોય તમારી પાસેથી નહિ લઉં! હું જે પણ કરીશ, ખુદ કરીશ.. બાકી નહિ કરું!" ..ત્યારે મારામાં એ ઉદબિલાવની જીવનીનું 'સર્વાઈવલ'નું રોપાયેલું બીજ હવે વૃક્ષ બની રહ્યું હતું! થોડાં જ સમયમાં વધુ ટ્યુશન કરીને ખાધા-ખોરાકી અને ઘરભાડાનાં ખર્ચા બાદ કરીને જે પૈસા બચેલા એ બેંકમાં મૂકવા સ્ટાફમિત્ર (અને એફબી મિત્ર પણ!) ડૉ.પ્રભાબેન પટેલને ગેરંટર બનાવી ખુદનું પહેલું ખાતું ખોલાવ્યું ત્યારનો આનંદ અવર્ણનિય હતો! 2007માં નોકરી લાગ્યા બાદ  'ખૂંખાર ઉદબિલાવ'ને હરાવવા જે આંતરિક અને માનસિક 'ઇનફાઈટ' થઈ એનાં વિશે આગળ (https://www.facebook.com/100002947160151/posts/2651717768269769/) લખી ચુક્યો છું! હું જાણ્યે-અજાણ્યે એ ઉદબિલાવને અનુસરી રહ્યો હતો! 

વર્ષ 2009 દરમિયાન હું નોકરીમાં સ્ટેબલ થઈ ચૂક્યો હતો! ત્યારે ડાયરી લખવાનો શોખ હતો. મારા એક મિત્રનાં લગ્ન થતાં મેં એ દિવસે ડાયરીમાં છેલ્લી લીટી લખી, "કાશ.. હવે આ ખાલીપો દૂર કરવા કોઈ મારાં જીવનમાં પણ પ્રવેશે એવી ઈશ્વરને પ્રાર્થના!' 

...અને ઈશ્વરે જાણે કે મારી ડાયરી વાંચી હોય એમ મારી અંદરનો ઉદબિલાવ પાછો સળવળ્યો!!
*********

ડાયરી બંધ કર્યાને બીજે જ દિવસે સીઆરસી તરફથી મેસેજ મળ્યા કે 'મારે માસ્ટર ટ્રેનર તાલીમ લેવાં ગાંધીનગર જવાનું છે!' મારું વતન અમદાવાદ, એટલે ઘરેય જવા મળે, એ લાલચે મેં 'હા' કહી! ..અને હું ગાંધીનગર - કોબા ખાતે પહોંચ્યો!

હું અને બીજા બે-ત્રણ મિત્રો તાલીમમાં મોડાં પહોંચ્યા હોઈ સ્ટેટ અધિકારીએ અમને ખૂબ ખખડાવ્યા! હું કશુંયે બોલ્યા વિના નીચી મૂંડી કરીને બેસી ગયો! ..થોડીજ વારમાં મારા જિલ્લા પ્રતિનિધિ તાલીમનું મટીરીયલ લઇને મને આપવા મારી પાસે આવ્યા એટલે મેં માથું ઊંચું કરી એમની તરફ જોયું અને એમને જોતાં જ જાણે કે હદય એક 'ધબકારો' ચૂકી ગયું! ..હું પહોળી આંખે એ પ્રતિનિધિને જોઈ રહ્યો..!!
.
.
'શું સમય ક્યારેય થંભે ખરા?'
.
.
..હા, થંભે છે! ..મેં પહેલીવાર અનુભવ્યું!!

એ 'બે સેકન્ડ'નો સમય મારા માટે ખૂબ ધીમે ચાલ્યો! બધું જ જાણે કે સ્લોમોશનમાં ચાલતું હતું! એ 'જિલ્લા પ્રતિનિધિ'એ મને જે કહ્યું એ આજેય એમનાં રણકતાં અવાજમાં ક્લિયર સંભળાય છે, "આમાં અત્યારે દિવાસ્વપ્ન નથી. આજ સાંજ સુધીમાં તમને આપી દઈશ." ('દિવાસ્વપ્ન' ગિજુભાઈ બધેકાનું પુસ્તક છે.)

એ બે સેકન્ડનો સમય સાચે જ 'દિવાસ્વપ્ન' નહોતો! એ જિલ્લા પતિનિધીને જોઈને હદયમાં ઘંટડી વાગી કે 'લગ્ન કરવા તો આની સાથે, બાકી નહિ!'

ઉંમરના ચોવીસનાં પડાવે પહોંચવા દરમિયાન જેટલી લેડીઝના સંપર્કમાં આવેલો, એમની સાથે ભાગ્યેજ વાત કરી હશે! ..અને ક્યારેક વાત કરવાની થાય તો પણ પરસેવે રેબઝેબ થઈ જતો! ..જીભ થોથવાઈ જતી! ..'એ થપ્પડ મારશે તો..?' એવી બીક પણ લાગતી!.. 
(કેશોદમાં ચૂંટણી અધિકારી તરીકે ગયો ત્યારે અમારી સુરક્ષા માટે પંજાબી બ્લેક કમાન્ડો હતા. રાત્રે એમની સાથે સત્સંગમાં બેઠો ત્યારે એમણે મારા 6 ફીટ અને 52 કિલો વજનના સુકલકડી શરીરને જોઈને પૂછ્યું, "સાહબ, આપકી કોઈ ગર્લફ્રેન્ડ હૈ ક્યા?" મેં 'ના' પાડી તો મને કહે, "આપ ગર્લફ્રેન્ડ બના લો, આપકા વજન બઢ જાયેગા!") 
  ..પણ અહીં જાણે ઈશ્વરીય સંકેત હતો! હિંમત એકદમ ખુલી ગયેલી! મનોમન નક્કી કર્યું કે 'આ ત્રણ દિવસની તાલીમમાં એવું તો કંઇક કરી જ દેખાડવું કે એ 'જિલ્લા પ્રતિનિધિ'ની નજરમાં આવી જઈએ!'

..અને કુદરતી થયું પણ એવું જ! મારા પર્ફોર્મન્સનાં જોરે હું એ 'જિલ્લા પ્રતિનિધિ'ને ઠીક ઠીક પ્રભાવિત કરી શક્યો! જિલ્લાના માસ્ટર ટ્રેનર તરીકે અંતિમ દિવસે મેં સામેથી એમની પાસે જઈ એમનો કોન્ટેકટ નંબર માંગ્યો. નંબર સેવ કરતા મેં એમને કહ્યું, "હું તમારા નામની પાછળ 'બેન' નહિ લખું!''

..આ સાંભળતા જ એમણે તરત મારી સામે જોયું! સ્ત્રી સહજ છઠ્ઠી ઇન્દ્રિયથી એ સમજી જ ગયા હશે કે 'હું શું કહેવા માંગતો હતો!!?'

અંતિમ દિવસે એમણે મને બે 'દિવાસ્વપ્ન' આપેલાં! થોડાં દિવસની ફોનમાં થયેલી ફોર્મલ વાતચીત અને ટ્રેનિંગ દરમિયાનની મુલાકાતમાં એમણે એવું કશુંક તો મારામાં જોયું જ હશે કે જેનાંથી અમે નજીક આવી શક્યા!
**********

હું દસ-બાર વર્ષનો હોઈશ ત્યારે સરસપુરની એક ચાલીમાં ભાડે રહેતા હતા! ઘરમાં ટીવી નહોતું એટલે 'શક્તિમાન' જોવા બાજુના ઘરમાં જતો! મને પાણીની તરસ લાગી તો એ પડોશી 'ભલીબાઈ'એ મને પાણી પીવા આપ્યું! મેં એમનાં ઘેર પાણી પીધું એમાં મારા વડીલ મને ખૂબ વઢેલા, કેમ કે હું એમને મન 'અભડાઈ' ગયેલો!

(મને મળેલાં આ 'ઠપકાં'ના બદલામાં મારા મિત્ર રાજેશ પરમારના ઘેર મેં ખાવાનું શરૂ કરી દીધેલું અને મારા વડીલને કહેલું, "મારે જોઉં છે કે એમનાં ઘેર ખાવાથી મને શું થાય છે?" ..હું સ્વીકારું છું કે સમયાંતરે ઘરનાં વડીલોનાં આવા ઘણા રૂઢિચુસ્ત વિચારોની સામે મારા બંડખોર સ્વભાવે મને માનસિક રીતે ધીમે-ધીમે એમનાંથી દૂર કર્યો છે!)

હવે જે કુટુંબની વિચારધારામાં 'પોતાની જ'  જ્ઞાતિ અને સમાજનું પ્રભુત્વ હોય ત્યાં મને ગમતાં બીજી જ્ઞાતિનાં પાત્રને તેઓ કેવી રીતે સ્વીકારે?? વળી, અમારી વચ્ચે ઉંમરનો પણ ગૅપ હતો! સખત દલીલોની વચ્ચે મેં દ્રઢતાથી કહ્યું, "..પણ મને એ ગમે છે!"  ..એ દિવસે સખત શાબ્દિક અપમાન થયું! આ અપમાન અસહ્ય હતું. 

મેં કશું બોલ્યા વિના મારી બેગ ભરી અને વેકેશન હોવા છતાં, પાછા નોકરીના સ્થળે પહોંચી જવા ઘરેથી તાત્કાલિક વિદાય લીધી! આઠેક કિમી ચાલતા ચાલતા હું એસ.ટી. પહોંચ્યો ત્યારે બપોરના એક વાગી ચૂક્યો હતો! છ કલાક પછી સાંજે સાત વાગ્યે ઉનાની બસ હતી. વડીલને આ રીતે ગુસ્સામાં છોડી જવું યોગ્ય નહોતું લાગતું, એટલે મનમાં નક્કી કર્યું કે 'જો આ છ કલાકો દરમિયાન વડીલ તરફથી મને એક પણ ફોન આવશે તો હું પાછો ઘેર પાછો ફરી જઈશ!' 

સાંજે સાત વાગ્યા, પણ વડીલ તરફથી એકપણ ફોન ન આવ્યો! હું હજુયે રાહ જોવા તૈયાર હતો.. સાત પછી આઠ વાગ્યાની બસ હતી.. અને છેલ્લી બસ સાડા આઠે હતી! મેં સાડા આઠ સુધી, ઘરેથી એક પણ ફોન (છેવટે મિસ્કોલ પણ!) આવે એની રાહ જોઈ, પણ કોઈ ફોન ન આવ્યો!

વડીલ તરફથી તો છોડો, પણ ઘરનાં કોઈ બીજા સભ્યોએ પણ મને કોઈ જ ફોન ન કરતા હું સખત નિરાશ થયો! 'મેં એવું તો શું કરી નાંખેલું કે ઘરે કોઈને મારી જરૂર જ ન હતી'.. એ હું સમજી ન શક્યો! મેં સાડા આઠની ગાંધીનગર-કોડીનાર બસમાં બેસી અમદાવાદથી વિદાય થવાનું નક્કી કર્યું.
************

ઘરેથી નીકળ્યે આઠ મહિના જેટલો સમય વીતી ચૂક્યો હતો, છતાંય વડીલ તરફથી ન તો કોઈ જ ફોન આવ્યો, કે ન મેં એમની સાથે ક્યારેય વાત કરી! આ દરમિયાન હું ભલે અમદાવાદ જતો નહોતો, પણ મને ગમતાં એ 'જિલ્લા પ્રતિનિધિ' પોતાની જોબને કારણે જ્યારે ગાંધીનગર જાય ત્યારે અમદાવાદ મારા ઘરે બધાને મળવા ચોક્કસ જતા! મારા વડીલ મારી સાથે ચાહે જેવું વર્તન કરે, પણ મારા 'ગમતાં પાત્ર' સાથે હંમેશા સારી રીતે વર્તતા હતા! 

'વડીલ સામે શું જીદ કરવી?' એવું વિચારી એકદિવસ મેં સામેથી, ફરીવાર મને 'ગમતાં પાત્ર' બાબતે વાત કરવા વડીલને ફોન કર્યો, પણ હજુયે એ મારી સાથે સરખી રીતે વાત કરવા તૈયાર ન હતા! એમણે ફોન ઉપાડ્યો તો ખરાં, પણ મારો અવાજ સાંભળીને બાજુમાં મૂકી દીધો!! હું 'હેલો.. હેલો..' કરતો રહ્યો, પણ ઘરનાં કોઈએ વાત કરવાની પણ તસ્દી ન લીધી! મેં મારો 'ટાટા'નો ફોન ત્યારે ગુસ્સામાં પછાડી તોડી નાંખેલો! હું સમજી ચુક્યો હતો કે હવે મારા ઘરે વડીલ તરફથી કોઈ પણ પ્રકારની આશા રાખવી નકામી છે. 
***********

આ સમય દરમિયાન હું મારા 'ગમતાં પાત્ર'ની સાથે નિયમિત ફોન કોન્ટેકટમાં હતો! મારા મનની બધી 'ભડાશ' હું 'સાથી' સાથે શૅર કરતો. કલાકો સુધી ફોન પર વાતો થતી. એકાદ દિવસની રજામાં ક્યારેક રૂબરૂ પણ મળતા. 

એકવાર 'સાથી'એ મને એની મોટીબેનને મળવા બોલાવ્યો. એમણે જે રીતે એમની મોટીબેનનું વર્ણન કરેલું..?!! ..એ જોતાં નક્કી જ હતું કે એ મને ચોક્કસ જાહેરમાં થપ્પડ મારશે! ..હું ડરતાં ડરતાં પણ ફૂલ લઈને ગયો, અને એમની 'આંખમાં આંખ' મિલાવીને હિંમતથી એમને ફૂલ આપ્યું!! ..પછી શું??...
.
.
કશું ખોટું કરવાનો ભાવ હદયમાં હોય જ નહિ, તો કોઈ થપ્પડ શું કામ મારે??

નાનકડાં ગામમાં આવી વાત બહુ વધુ સમય છુપાયેલી રહેતી નથી! સ્થાનિક આગેવાન કહી શકાય એવાં એક વ્યક્તિને અમારી કોઈક રીતે ખબર પડી ગઈ! મારું 'ગમતું પાત્ર' અને એ આગેવાન એક જ જ્ઞાતિનાં હતા. એણે મને ફોન કરી બોલાવ્યો, અને 'કરડાકુ' મોં કરી કહ્યું, "તું જે કરે છે એ બંધ કરી દેજે." ..એની આવી વાતથી હું તો ડરી ગયેલો, કારણ કે હું એની આર્થિક, સામાજિક અને રાજકીય.. બધી જ પ્રકારની વગથી થોડો ઘણો પરિચિત હતો! 

જો કે મને સૌથી મોટો ડર 'છોકરી' તરફનો જ હતો, કેમ કે જો અણીનાં સમયે છોકરી ફરી જાય તો પોલીસ 'ઢાંઢા' ભાંગી નાંખતા સહેજેય વિચાર ન કરે! મારા ઘરની બાજુમાં ગીર-જંગલનો એક ડુંગરો હતો. ત્યાં એક મંદિર હતું. હું ત્યાં એકલો જઈને બેઠો, અને વિચારે ચડ્યો, 'ઘરનો તો કોઈ સપોર્ટ છે જ નહિ, કે નથી આખા સૌરાષ્ટ્રમાં કોઈ સગુ-વ્હાલું! નોકરી વગર છોકરી લાવું તો એને ખવડાવવું શું?..' 

લગભગ ત્રણેક કલાક બાદ મેં આખરે એક નિર્ણય કર્યો..!!
**********

"જો.. મારો પગાર ખાલી ૨૫૦૦₹ છે! આઠ આનાનુંયે કોઈ જાતનું વ્યસન નથી! તને એવું લાગતું હોય કે તું આટલા રૂપિયામાં ઘર સંભાળી શકીશ, તો હું મેરેજ માટે તૈયાર છું! મારા ઘરનાં દરવાજા તારા માટે ખુલ્લાં જ છે, આવી જા ઘરે! ભરોસો રાખજે, જેટલું શક્ય બનશે એટલું સારી રીતે તને રાખીશ, ભૂખે નહિ રહેવા દઉં!" મેં દ્રઢતાથી મારાં 'ગમતાં પાત્ર'-એ પ્રતિનિધિને કહ્યું.

મારા 'ગમતાં સાથી'નો રિસ્પોન્સ પોઝિટિવ જ હતો! ..એટલે મેં એમને એમનાં ઘરે મારી વાત કરવા કહ્યું. થોડાં દિવસ પછી જવાબ મળ્યો, "વેઈટ એન્ડ વૉચ!"
**********

એકાદ-બે મહિના માંડ વીત્યાં હશે ત્યાં એવું થયું કે અમારે ઘરે કોઈનેય જાણ કર્યા વિના જ તાત્કાલિક 'કોર્ટમેરેજ'નો નિર્ણય કરવો પડ્યો! મારી શાળાનાં ભૂતપૂર્વ આચાર્ય પ્રધાન સાહેબ, કે જેઓ એલ.એલ.બી. હતા, મેં એમને ફોન કર્યો અને બધી જ વાત કરી કહ્યું, "સાહેબ, અમારે કોર્ટમેરેજ કરવા છે."

લાંબી મૂછો અને સ્વભાવે નીડર એવાં પ્રધાન સાહેબે પ્રાથમિક સવાલો પૂછ્યા બાદ અમારા જવાબથી સંમત થઈ 'તથાસ્તુ' કરતાં જ અમે અમારાં ડોક્યુમેન્ટ એમને આપ્યા, અને પંદરેક દિવસમાં અમારા હાથમાં લીગલી 'કોર્ટમેરેજ'નું સર્ટી હતું! તારીખ હતી.. 21.2.10, એટલે કે બરાબર બાર વર્ષ પહેલાંની.. આજની!

મેરેજનોંધણી બાદ અમે લીગલી તો પતિ-પત્ની બની ચુક્યા હતા, છતાંય સાવ અંગત મિત્રો સિવાય કોઈનેય અમારા મેરેજની જાણ ન હતી! ગિરનારીબાબાનાં ચરણોમાં, ગિરનાર પર્વતનું 'પચાસમુ પગથિયું' એક દિવસની રજામાં એકબીજાને મળવાનું અમારું નિશ્ચિત સ્થાન બની ચૂક્યું હતું! લગભગ ત્રણેક મહિના સુધી આમ ચાલ્યું હશે, પણ સાવ ઓછાં પગારમાં વારેઘડીએ ગિરનાર આવવું-જવું મને પોસાતું ન હતું. આખરે મેં જીદ કરી, "હવે એક દિવસ નક્કી કરી લો.. અને આવી જાઓ મારા ઘરે!"

અર્ધાંગિનીજીએ કહ્યું, "તમે એક સારું મકાન રાખી લો, હું આવી જઈશ!"

એમની જિલ્લા પ્રતિનિધિની જોબ હજુ ચાલુ હતી એટલે મેં પૂછ્યું, "..પણ તમારી નોકરી ચાલુ છે ને?"

"કેમ?.." એમણે મારી સામે જોઈ પૂછ્યું, "તમે છો ને..?"

"હું તો છું જ..!" મેં દ્રઢતાથી કહ્યું, "..પણ તમને એવું તો નહિ લાગે ને, કે મારા કારણે તમારે નોકરી છોડવી પડી?"

"એપ્રિલમાં મારો અગિયાર મહિનાનો જોબ-કોન્ટ્રેક્ટ પૂરો થાય છે. મે મહિનામાં હું આવી જઈશ."
**********

મે-૨૦૧૦ ની પહેલી તારીખ, વેકેશનની શરૂઆતે ગોપાલસાહેબની મદદથી મેં એક મકાન ભાડે રાખ્યું! મારા અર્ધાંગિની એ દિવસે મારો સામાન હેરફેર કરવા પણ આવ્યા અને સાંજે પાછા ફરતી વખતે કહ્યું, "હું ત્રણ દિવસ પછી ચાર તારીખે સાંજે અહીં આવી જઈશ. મને બસ સ્ટેન્ડે લેવા આવજો!"

....અને ચાર તારીખ સવારથી અર્ધાંગિનીનો ફોન સ્વીચઓફ આવતો હતો!

અમદાવાદ છોડયે એક વર્ષ પસાર થઈ ગયું હતું! મેં આમેય ઘર-કુટુંબ તરફથી બધી આશા છોડી દીધેલી, એટલે કોર્ટમેરેજ કરી લીધાંની હજુયે કોઈને જાણ નહોતી કરી! ...અને એ જ દિવસે મારા વડીલ અને ભાઈનું નવા ઘરે આગમન થયું!! ...કેમ કે મારા ભાઈની સગાઈ નક્કી થઈ હતી!
**********

છેક.. એક વર્ષ પછી વડીલને ઘરે જોઈને રાજી થવાને બદલે મારી ચિંતા બેવડાઈ ગઈ હતી! 

બિલકુલ સામાજિક રીતરિવાજ મુજબ જ ભાઈની સગાઈ કરવાની હોઈ જો હું જ સગાઈમાં હાજર ન હોઉં તો મારા વડીલ, સમાજનાં લોકોને શુ જવાબ આપે?? ..એટલે એમનું મારા ઘરે આવવું વાજબી જ હતું! વળી,
સાંજે ચાર વાગે મારા અર્ધાંગિની આવશે કે નહિ, એ એમનો ફોન સ્વીચઓફ આવતો હોઈ મને ખબર જ નહતી! ..અને બીજું, વડીલને કેવી રીતે કહેવું કે ભાઈના લગ્ન પહેલાં મેં મેરેજ કરી લીધાં છે?? ..અને આજે પાછા મારા અર્ધાંગિની 'ગૃહપ્રવેશ' પણ કરવાનાં છે, જો આવી જશે તો..!!

ચાર વાગતાં પહેલાં મેં જેમતેમ કરીને ભાઈ અને વડીલને મારી બાઈક આપી સોમનાથ દર્શન કરી આવવા મનાવી લીધા! ..અને હું બસ સ્ટેન્ડે પહોંચી ચાર વાગ્યાની રાહ જોવા લાગ્યો! હું સતત મારા અર્ધાંગિનીને કૉલ કરી રહયો હતો પણ ફોન હજુયે સ્વીચઓફ જ આવતો હતો! ઘડિયાળનો કાંટોય ખસતો જ નહતો! 

'અર્ધાંગિનીજીએ એમનાં ઘેર શુ કહ્યું હશે?', 'કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને?', 'ફોન કેમ સ્વીચઓફ હશે?', 'અર્ધાંગિનીની જગ્યાએ જો ક્યાંક પોલીસ આવી તો?', 'ભરબજારમાં વડીલની સામે ઈજ્જતના ધજાગરા છૂટી જશે?!' ...અનેક સવાલોથી માથું ભમી રહ્યું હતું!!

..બરાબર ચારને પાંચે બસ આવી! 

મારા પર પૂર્ણ ભરોસો રાખીને મારી 'જીવનસાથી', પોતાની જોબ-કુટુંબ છોડીને, બે બેગ લઈને, હંમેશ માટે મારી સાથે રહેવા, બસમાંથી નીચે ઉતરી! ..એમને જોઈને મારા શરીરમાં વિજળીવેગે એક ઝણઝણાટી પસાર થઈ ગઈ! ..'હાશકારા' સાથે મારી અંદર મિશ્ર ભાવો દોડી રહ્યા હતા! હું સંપૂર્ણ સભાન અવસ્થામાં જાણતો હતો કે 'હવે આ 'જીવનસાથી'ને સાચવવાની સંપૂર્ણ જવાબદારી મારી છે!'

મેં એમની બેગ લીધી, અને તરત જ કહ્યું, "અમદાવાદથી વડીલ અને મોટાભાઈ આવ્યા છે! શું કરવું એ મને કંઈ ખબર નથી પડતી!"

અમદાવાદથી વડીલ આવ્યાની વાત સાંભળી શ્રીમતીજીનાં ચહેરા પર આવેલી સફેદીને હું જોઈ રહ્યો! ..પણ મને ગળા સુધી ખાતરી હતી કે, 'મેં પસંદ કરેલું પાત્ર મારા કરતાં વધુ મેચ્યોર છે! એ ચોક્કસ બધું સાંભળી લેશે!'

મોટાભાઈ અને વડીલને સોમનાથ મોકલેલાં એટલે એમની ગેરહાજરીમાં મારા અર્ધાંગિનીજીએ 'ગૃહપ્રવેશ' કર્યો અને થોડી જ વારમાં એક ચમત્કારિક મેસેજ મળ્યા..
.
'સરકારે મારો ફિક્સ પગાર 2500₹ થી વધારીને 4500₹ કર્યો હતો!'

'હાશ.. હવે શ્રીમતીજીને હું વધુ સારી રીતે રાખી શકીશ!' મારા મનમાં થયું! ..જોકે બધી ખુશી વડીલ ઘરે આવે ત્યારે શું થશે, એનાં પર હતી!!
***********

અંતે એ જ થયું..!!
વડીલ બીજા જ દિવસે કશું જ બોલ્યા વિના અમદાવાદ જવા રવાના થઈ ગયા! 

મેં રોક્યા પણ નહિ, કેમ કે મને હજુ 'સ્થાનિક ડર' હતો! વડીલની સામે 'કશું ન બનવાનું બને' એનાં કરતાં, એમને અહીંથી જવા દેવાનું જ મને ઠીક લાગ્યું! મારા શ્રીમતીજીની 'મક્કમતા' જ મારા સ્થાનિક ડરની સામે મારી ઢાલ બનીને ઉભી હતી' -એ હું સારી પેઠે જાણતો હતો! 

મનમાં સખત ડર વચ્ચે પંદરેક દિવસ બાદ શ્રીમતીજીના ઘરેથી ફોન આવ્યો, "તમે બંને ઘરે આવો."

મારામાં એવો કોઈ 'એબ' નથી, કે જેનાં કારણે મારો કોઈ અસ્વીકાર કરે, એવું હું આજેય મારા માટે માનુ છું! પૂર્ણ નિષ્ઠાથી મારી ફરજ બજાવુ છું અને કોઈ જ જાતના ખોટાં રસ્તે ફસાયેલો નથી. બને એટલું સત્યની નજીક રહેવા પ્રયાસ કરું છું અને જ્ઞાતિવાદને બિલકુલ ગણકારતો નથી. જે પણ કર્યું હતું એ પૂર્ણ હિંમત અને સંપૂર્ણ જવાબદારીથી કર્યું હતું, એમાં મારો સ્વીકાર કરવો જ રહ્યો! 

શ્રીમતીજીનાં ઘરેથી આજે પણ સૌ એમની દીકરી, એટલે કે મારા અર્ધાંગિનીજી બાબતે બિલકુલ નિશ્ચિંત છે!!
************

સમાજમાં મારા વડીલને કોઈ સવાલોના જવાબ આપવા ન પડે, એટલે દોઢેક વર્ષ સુધી હું અમદાવાદ આવવાનું ટાળતો રહ્યો! ..જોકે નજીકના કુટુંબીજનોને તો ખબર પડી જ ગઈ હતી કે અમે કોર્ટમેરેજ કરી લીધા છે!

આખરે ભાઈના લગ્નની તારીખ નજીક આવતા વડીલે જીદ કરી કે 'અમે સામાજિક રીતરિવાજ મુજબ ચાર ફેરા ફરીને લગ્ન કરીએ, જેથી સમાજમાં સૌ અમને સ્વીકારે!'

મારા અભાવોમાં વીતેલાં બાળપણમાં સમાજનું કોઈ ક્યારેય અમારા ઘરે આવ્યું જ નહતું કે ના અમે ક્યારેય કોઈનાય ઘેર ગયા! ..એટલે હું ભાગ્યેજ જ્ઞાતિસમાજના કોઈને ઓળખું છું અને કદાચ એટલે જ, મારે મન જ્ઞાતિસમાજનું આજેય કોઈ મહત્વ નથી! મારે મન હંમેશા જ્ઞાતિ-સમાજ કરતા વ્યક્તિનું મહત્વ વધુ રહ્યું છે. હવે હદયમાં જ્યાં 'વસુધૈવ કુટુંબકમ્'નો ભાવ પ્રબળ હોય ત્યાં 'જ્ઞાતિસમાજ-કુટુંબ' ગૌણ બની જાય છે. 

વડીલની જીદને કારણે હું ફરીવાર મારી જ 'અર્ધાંગિની' સાથે લગ્ન કરવા તૈયાર તો થયો, પણ હું જાણતો જ હતો કે.. સમાજમાં લગ્ન બાબતે ચાલ્યા આવતાં રીતિરીવાજોની સામે મારો બંડખોર સ્વભાવ મને, ફરીથી મારા જ વડીલ/કુટુંબની સામે સંઘર્ષમાં ઉતારશે!!
********

લગ્ન એટલે બે વ્યક્તિ 'સ્વેચ્છા'થી એકબીજાને પસંદ કરી પોતાનું જીવન રાજીખુશીથી વિતાવે છે એવું હું માનું છું! માતા-પિતાએ પોતાનાં બાળકોને એટલાં કેપેબલ તો બનાવવા જ જોઈએ કે એ સાચા-ખોટા વ્યક્તિની કંઈક અંશે પરખ કરી શકે, અને બાળકોએ પણ સાવ માતા-પિતા પર ડિપેન્ડ રહેવું ના શોભે! દુષ્યંત-શકુન્તલાના 'ગાંધર્વ વિવાહ' અને સુભદ્રા-અર્જુનના ભાગીને કરેલાં લગ્ન પણ મારા મતે એટલાં જ પવિત્ર છે જેટલાં રામ-સીતાના લગ્ન! ..કેમ કે અંતે તો સ્ત્રીને જ 'સ્વયંવર'નો હક છે. 

આપણાં પિતૃપ્રધાન સમાજમાં હાલ સાવ ઊલટું છે! છોકરાંવાળા મૂછો ઊંચી રાખે છે, જ્યારે છોકરીવાળા 'બિચારાં' બને છે! લગ્ન પછી અપાતાં 'સાજ-સામાન' નવદંપતિ પોતાનું જીવન જાતે જ જીવે/સહવાસ કરે એ માટે હોવો જોઈએ, નહિ કે સમાજમાં પોતાનું 'સ્ટેટ્સ' દેખાડવાનાં મોહ માટે! આજેય શા માટે લગ્ન પછી છોકરીને આપવાના સામાનના ટ્રેકટર/ખટારાઓ ભરાય છે?? ખટારાઓ ભરાય એટલું કોઈ માંગે તો 'ખતરો' સમજવું જોઈએ!

ખરેખર તો, મધ્યમવર્ગના દરેક લોકોએ છોકરીઓને લગ્ન બાદ સામાનના ખટારાઓની જગ્યાએ લગ્ન પહેલાં ભરપૂર શિક્ષણ આપવાની જરૂર છે. લગ્નમાં દંભ-દેખાડા માટે થનારાં ખર્ચની રકમને ઓછી કરી, નવદંપતિ જાતે જ એમની 'જીવનનૈયા' પાર પાડે એ માટે એમની 'ભવિષ્યનિધિ' તરીકે ઇન્વેસ્ટ કરી આપવી જોઈએ. ..જેથી મુશ્કેલીનાં સમયમાં વ્યક્તિ ખુદદાર બની એ રકમનો ઉપયોગ કરી શકે! અહીં માત્ર મધ્યમવર્ગની જ વાત થાય છે, જો તમે કરોડોપતિ હોવ તો વાપરોને.. કોણ રોકે છે? ..પણ દેખાદેખીમાં 'ઘર બાળીને ઘી ન પીવું જોઈએ!'
***********

હવે લગ્ન અંગેના મારા આવા વિચારોની સામે મારા વડીલની સમાજના લોકોને 'અમે લગ્ન કરીએ છીએ' -એ દેખાડવાની જીદને હું એમને એમ તો પૂરી કરું એમ હતો નહિ! ..એટલે મેં લગ્ન માટેની ત્રણ શરતો રાખી! (જે લેખની શરૂઆતમાં જ બતાવી છે.) 

દોઢેક મહિનાનાં અબોલા પછી મારી ત્રણેય શરતો મંજુર થઈ, અને એ સાથે જ મારી પેટા શરતો ચાલુ થઈ!
.
'લગ્ન ગાયત્રી મંદિરમાં સાદાઈથી થશે!'
'લગ્નમાં પહેરવાનાં કપડાં એવાં હોવા જોઈએ, કે જેને રૂટિનમાં અમે પહેરી શકીએ.. હું નથી ઇચ્છતો કે મોંઘભાવના કપડાં માત્ર એક દિવસ પહેર્યા પછી કબાટમાં જગ્યા રોકે!'
'સ્ત્રીનાં ઘેરથી કોઈ વસ્તુ આવે તો એ વસ્તુ સ્ત્રીધન છે. એ વસ્તુ વાપરીએ એમાં હરકત નહિ, પણ એમાં આપણો કોઈ હક જતાવવો નહિ!'
'લગ્નમાં હું કોઈને હેરાન કરવા માંગતો નથી, એટલે લગ્નમાં મહેમાનોને સીધાં હોટલમાં જમવા લઈ જઈશું, જેથી તેઓ જમ્યા બાદ સીધાં પોતાનાં નિશ્ચિત ટાઈમટેબલ પ્રમાણે પોતાના કામે જઈ શકે!'

'કોર્ટમેરેજ થકી પહેલેથી જ અર્ધાંગિની' એવી મારી પત્નીજીને પણ મેં અંગતમાં પહેલેથી જ એવું કહી રાખેલું કે, ''હું તમને આપું એ, અને તમારા ઘેરથી તમને મળે એ જ તમારું છે! મારાં ઘેરથી તમને કંઈ પણ મળે એ તમારું નથી, એ યાદ રાખજો! મારા ઘેરથી મળેલી વસ્તુઓ કોઈ પાછી માંગે તો રાજીખુશીથી આપી દેજો, એમાં કોઈ હક રાખતા નહિ.. ઈવન મંગળસૂત્રમાં પણ નહિ!! હું તમને જ્યારે ખુદના દમ પર મંગળસૂત્ર લઈ આપું ત્યારે જ તમે મંગળસૂત્ર પહેરજો, બાકી ના પહેરતાં!''

...અને આખરે ગાયત્રી મંદિરમાં લગ્નની નિશ્ચિત તારીખ 6.11.11 આવી ગઈ! વહેલી સવારે હું જ મારાં લગ્નના હાર-ફૂલ લેવા ફુલબજારમાં ગયેલો! બાપુનગર ગાયત્રી મંદિરે સવારે જઈ મેં જ ખુરશીઓ ગોઠવેલી! સવારે નવ વાગ્યે લગ્ન શરૂ થયા.. સાડા અગિયારે લગ્નવિધિ પતી, અને ત્યાંથી સીધા હોટલમાં મહેમાનોને જમાડી સાડા બાર સુધીમાં બધાં છૂટાંય પડી ગયા! મારી બચતનાં ૩૫૦૦૦₹ માંથી ૨૮૦૦૦₹માં લગ્ન પણ ખુદના દમ પર જ કર્યા!

..અને આ રીતે અમે બંને મારા ભાઈના લગ્નમાં હાજર રહેવા લાયક બન્યા- લગ્નનો સામાજિક દેખાડો કરીને!!
થોડાં જ વખતમાં મારા અર્ધાંગિનીજીએ લગ્નમાં ઘરેથી મળેલી દરેક વસ્તુઓ પરત કરી દીધી.
*************

અમે આજેય અમારી બે લગ્નતારીખ ઉજવીએ છીએ. મોટેભાગે હું 21.2.10 વાળી લગ્નતિથીને વધુ માનું છું. 

લગ્નતિથી નિમિત્તે છેલ્લાં કેટલાંક વર્ષોથી મારા શ્રીમતીજીને નિશ્ચિત કંઈક ભેટ આપું છું. ભેટ પણ કેવી હોય??.. કે જે અમારું ઘર સાચવવાની એમની મહેનતને ઓછી કરે!.. મતલબ કે.. મીક્ષર, સેન્ડવીચ ટોસ્ટર, વોશિંગ મશીન, બ્લેન્ડર, ઘરઘંટી, ઓનલાઈન કલાસ લઈ શકે એ માટે ફોન, વોર્ડરોબ, જયુપીટર.. અને સાથે એક મસ્ત મજાનું ફૂલ પણ ખરું!! 

લગ્નના અગિયાર વર્ષ પછી છેક ગયે વર્ષે એમને મંગળસૂત્ર આપી શક્યો..!! ઘરનાં સાદા કપડાંમાં જ્યારે એમને મંગળસૂત્ર પહેરાવ્યું ત્યારે.. જાણે કે અમે પહેલીવાર લગ્ન કર્યા હોય એમ એમનો ચહેરો મહેકી રહ્યો હતો!

આજ સુધી એમને મારી પાસેથી એક જ વસ્તુ માંગી છે, જે હું મોટેભાગે હસીને ટાળી દઉં છું!
"એય સાંભળો ને.. તમારાં માટે કપડાં લઈ આવીએ!"
**********

મારા શ્રીમતીજી ઉંમરમાં મારા કરતાં ચાર વર્ષ મોટાં છે! ..અને અમારી આ સ્ટોરી જાણતાં એક મિત્ર કહે, "રાજાને ગમે એ રાણી, ખરું ને?"

"રાજા બનવા માટે જરૂરી છે કે ઘરની સ્ત્રીને 'ખુદના દમ' પર રાણી બનાવીને રાખીએ, બાકી બાપાનાં પૈસે રાજા બનવાવાળા ઘણાં છે!" મેં કહ્યું.
**********

-યજ્ઞેશ રાજપૂત
લ.તા.21.2.22
 
 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો