વેલેન્ટાઈન વિરલાઓ 'એરેન્જ મેરેજ'માં મળે કે 'લવમેરેજ'માં??
************
અત્યારે લગ્નોની ધૂમ સિઝન ચાલી રહી છે. ઘણાંને લગ્નોમાં મહાલવું બહુ ગમતું હોય છે, પણ મને સહેજેય નહિ! ક્યાંક લગ્નમાં જવું જ પડે એમ હોય તો જમવાના સમયે જ જાઉં, જેથી જમીને તરત ભાગી શકાય! લગભગ તો કોઈને કોઈ બહાનું કરીને ન જ જાઉં, કેમ કે લગ્નપ્રસંગ એ સામાજિક દેખાડા અને ભપકાથી વિશેષ કશું જ નથી, એવું હંમેશા લાગ્યું છે! વ્યક્તિ ધનાઢય હોય અને લગ્નપ્રસંગમાં કરોડો રૂપિયા ખર્ચે તો સમજી શકાય છે, પણ હંમેશા દેખાદેખીમાં માનતો મધ્યમવર્ગ, પોતાનાં જીવનઆખીની કમાણી લગ્નોમાં 'ધામધૂમ' કરી ઉડાવી દે, એ મારે મન નરી મુર્ખતા જ છે! ખરેખર તો, યુવાનોએ 'એક દિવસનાં રાજા' બનવા ખુદના દમ પર (માં-બાપના નહિ!) 'ચાદર જેટલાં જ પગ' તાણવા જોઈએ, એવું હું પર્સનલી માનું છું! લગ્નો રાજશ્રી મૂવીઝની જેમ ઇઝીલી તો નથી જ થતાં!
**********
મહત્તમ મધ્યમવર્ગીય ઘરોમાં બાળક યુવાન થાય એટલે એ પગભર થયો હોય કે ના થયો હોય, એને વેળાસર 'ખીલે બાંધવા' માં-બાપ તરફથી થતી મથામણો ખૂબ વહેલી શરૂ થઈ જતી હોય છે! સૌથી પહેલાં તો પોતાની જ્ઞાતિમાં જ લગ્નલાયક છોકરો/છોકરી શોધવા માં-બાપ ધંધે લાગે છે! પોતાનાં બાળકનું સમાજમાં માર્કેટિંગ કરવા ભરપૂર જૂઠનો પણ સહારો લેવામાં આવે છે. જો લગ્નલાયક છોકરો/છોકરી પોતાની જ્ઞાતિ/સમાજમાંથી મળી જાય, એટલે પછી બંને પક્ષે શરૂ થાય છે એકબીજા પર 'પ્રભાવ' પાડવાની હરીફાઈ અને પોતાનું ઘર, કુટુંબ, જ્ઞાતિ અને સમાજમાં પોતાનું 'સ્ટેટ્સ' દેખાડવા અને જોવાની પરંપરા!
સમાજનાં લોકો ચીંધે એ વિજાતીય પાત્રને ઘરે જઈને, ચા-નાસ્તો-સમોસા ખાઈને, બંને પક્ષના વડીલો એકબીજાની આર્થિક અને સામાજિક ક્ષમતા ચેક કરે છે, અને એમનાં યુવાન લગ્નલાયક બાળકને, જેની સાથે આખી જિંદગી વિતાવવાની છે એની સાથે, ચાર-પાંચ રૂબરૂ મુલાકાત અને દરરોજની રાત્રી-ટેલિફોનિક વાતચીત પરથી પસંદ કે નાપસંદ કરવાની ફરજ પાડે છે!
'તને ગમશે તો જ આગળ વધીશું'- વાળું બ્રહ્મવાક્ય વારંવાર બોલીને વડીલો દ્વારા બાળકોનાં મનમાં એવું ઠસાવવામાં આવે છે કે 'જીવનસાથીની પસંદગીનો નિર્ણય તેનો પોતાનો છે!' ..જોકે માં-બાપે તો પહેલેથી જ 'મનોમન' નક્કી કરી લીધું હોય છે કે 'પોતાનું બાળક આને પસંદ કરે અને આને ના-પસંદ કરે!'
હવે જે માં-બાપે આખી જિંદગી પોતાનાં બાળકોને એવું શીખવાડ્યું હોય કે 'અજાણ્યા સાથે ન બોલવું' ..એ જ માં-બાપ અચાનક જ, પોતાનું બાળક કોઈ અજાણ્યા સાથે આખી જિંદગી વિતાવે એ માટે, પરણાવી દેવાં તૈયાર થઈ જાય છે! 'હું તો મારાં મમ્મી-પપ્પા જ્યાં કહેશે ત્યાં જ જ્ઞાતિમાં જ પરણીશ!' ..વાળી વિચારધારાવાળા બાળકો સમાજમાં આદર્શ બાળકો કહેવાય છે! ..પછી ભલે ને એ તારક મહેતાવાળા 'પોપટલાલ' કેમ ન બની જાય?!
જો લગ્નપ્રસંગ સમોસુતરો પાર પડે અને છોકરો/છોકરી સારાં નીકળે તો માં-બાપ પોતાનાં કુટુંબ/સમાજ/જ્ઞાતિમાં ગર્વથી જશ લેતાં થાકતા નથી કે, ''જોયું??.. મારાં બાળકોને મેં કેવી સારી જગ્યાએ ધામધૂમથી પરણાવ્યા?!!'
..પણ જો કુંડળીનાં 36 ગુણ મળતાં હોવા છતાંય જો થોડાં જ સમયમાં કુટુંબ/નવદંપતિમાં મનમેળ ન બેસે અને ઝઘડા શરૂ થઈ જાય તો..??? 'તને ગમશે તો જ આગળ વધીશું'- એવું બ્રહ્મવાક્ય બોલવાવાળા માં-બાપ યુ-ટર્ન લઈને 'મેં તો પહેલાંથી જ કહ્યું હતું..' ટાઈપના વાક્યો સંભળાવીને બધો બ્લેમ બાળકો પર જ નાંખી દેતાં સહેજ પણ અચકાતાં નથી!
..આખરે રોજેરોજના ઝઘડાથી કંટાળીને, પોતાની આખી જિંદગીની કમાણી ખર્ચીને, પોતે કરાવેલા લગ્નને ટકાવવા, માં-બાપ/નવદંપતિ એકબીજાને ઇમોશનલી બ્લેકમેઈલ અથવા સામાજિક/માનસિક દબાણ કરે છે! માં-બાપ દ્વારા 'લગ્નમાં કરેલું આર્થિક ઇન્વેસ્ટમેન્ટ' જ એટલું બધું હોય છે કે નવદંપતી મને-કમને પણ કુટુંબની અને પોતાની સામાજિક ઈજ્જત બચાવવા જીવનભર સાથે રહેવા અથવા માં-બાપથી દૂર રહેવા તૈયાર થઈ જાય છે! આમ, 'એરેન્જ કરેલાં મેરેજ' યેનકેન પ્રકારે ટકી જતાં 'એરેન્જ મેરેજ જ સારાં' એવું સમાજને સર્ટિફિકેટ આપી શકાય છે!
..પણ એક મિનિટ!
..લગ્નની આ બધી ભાંજગડ પહેલાં જ યુવાન બાળક બીજા કોઈ છોકરાં/છોકરીને પહેલેથી જ પ્રેમ કરતું હોય તો?? ..અને એની સાથે જ પરણવા માંગતું હોય તો??..
વેઇટ.. વેઇટ!!..
જો બાળકની પસંદગીના પાત્રને અપનાવવાની રૂઢી-વિરુદ્ધની હિંમત કે સામાજિક આઝાદી માં-બાપમાં ના હોય અને પોતાને ગમતાં 'સાથી'ની સાથે લવમેરેજ કરીને એને સાચવવાની કે આપેલાં વચનો નિભાવવાની ત્રેવડ કે તાકાત બાળકોમાં ના હોય, તો એકબીજાની ઈજ્જત ના જાય એટલે પોતાની આખી જિંદગીને દાવ પર લગાવી, માં-બાપની પસંદગીનાં પાત્ર સાથે જ પરણી જવામાં જ બાળકોની ભલાઈ છે, એ હું ભારપૂર્વક માનું છું!
માત્ર 'અફેક્શન'ને જ સાચો પ્રેમ માની, મેચ્યોરિટી વગર જ અને 'પગભર' થયાં વગર જ, માત્ર 'શારીરિક ભૂખ'નો પરણ-'વા' ઉપડે એટલે જીવનની કડવી વાસ્તવિકતાને નજરઅંદાજ કરીને ભાગી જતાં બીમાર માંયકાંગલા હૈયાઓ જ મોટેભાગે લવમેરેજ નિષ્ફળ જવાનું કારણ બને છે! શારીરિક ભૂખ તૃપ્ત થયાં પછી ખિસ્સું ખાલી થાય અને પેટની ભૂખ લાગે ત્યારે ખબર પડે છે કે 'પ્રેમથી પેટ ભરાતું નથી!'
નાદાન બાળકો એકબીજાની આવી દુર્દશા ના કરે એ હેતુસર લવમેરેજ કરતાં, 'એરેન્જ મેરેજ' વધુ વિશ્વાસપાત્ર છે! ..પછી ભલેને પોતાનાં ગમતાં પાત્રને, બીજાની સાથે પરણેલાં જોઈને જિંદગીભર ઝુરવું કેમ ના પડે??!! ..અને ડીડીએલજે મુવી જોઈને 'થોડીક હિંમત કરી હોત તો આજે હું પણ મારા 'ગમતાં પાત્ર'ની સાથે હોત' -વાળો ડાયલોગ 'મનોમન' બોલીને જિંદગીભર અફસોસ કેમ ના કરવો પડે??!!
સમાજમાં એવાં વિરલાઓ બહુ ઓછાં હોય છે કે જે 'લગ્ન' નામનાં કૂવામાં પડવાનું જ હોય તો, સમાજનાં લોકો ભેગાં થઈને, ઉંચકીને, કોઈ અજાણ્યા પાત્ર સાથે કૂવામાં ફેંકે એના કરતાં.. પોતાને જ 'ગમતાં' અને જાણીતાં પાત્ર સાથે, જાતે જ કૂવામાં કુદવાનું વધુ પસંદ કરે છે! આવાં વિરલાઓ પોતાનાં કુટુંબ/જ્ઞાતિ/પરિવાર/સમાજ સામે ઝઝૂમીને પોતાને 'ગમતાં પાત્ર'ને જીતે છે, અને જિંદગીભર સુખદુઃખમાં સાથે રહીને વટથી લવમેરેજને સાર્થક કરે છે!
તમારી આજુબાજુમાં/કોન્ટેક્ટમાં આવાં વિરલાઓ ચોક્કસ હશે જ કે જે એરેન્જ મેરેજની આંટીઘૂંટીમાં પડ્યા બાદ 'લવ' કરવાને બદલે, પહેલાં 'લવ' કરીને પછી મેરેજનું એરેન્જમેન્ટ કરે છે!! ..અને પાછાં આ ચક્રવ્યૂહને ભેદીને જીવનભર એકબીજાનાં 'વેલેન્ટાઈન' બની રહે છે!! ...છે કોઈ? ..યાદ આવ્યું??
**********
લેખનો બીજો ભાગ
તા. 21.2.22 એ..
-યજ્ઞેશ રાજપૂત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો