શનિવાર, 16 નવેમ્બર, 2024

સાચો જીવનસાથી

કિસ્સો ૧:

એક પ્રેમીયુગલને (અથવા પતિ-પત્ની ધારી લો!) કોરો કાગળ આપવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે પોતાનાં પાર્ટનરની ખામીઓ લખો. પ્રેમિકા(અથવા પ્રેમી!) કાગળ ભરીને પોતાનાં પ્રેમીની ખામીઓ લખે છે. જ્યારે પ્રેમી પોતાની પ્રેમિકાની એકેય ખામીઓ  કશુંયે લખી શકતો નથી અને કાગળ કોરું રાખી દે છે. કારણ આપતા કહે છે, "મને મારી પ્રેમિકા જેવી છે એવી પસંદ છે." 

કિસ્સો ૨:

લગ્ન બાદની પહેલી સવારે પતિ પોતાની પત્ની માટે કોફી બનાવીને લાવે છે. પત્ની ખુશ થઈને કોફી પીવે છે. પતિ પોતાની પત્નીની ખુશી જોઈને નક્કી કરે છે કે એ હવેથી દરરોજ સવારે એનાં માટે કોફી બનાવશે. લગ્નજીવનના ઘણાં વર્ષો સુધી પતિ પોતાનું કોફી બનાવીને પત્નીને આપવાનું રૂટિન ક્યારેય ચૂકતો નથી. પચાસમી એનિવર્સરીનાં ધ્રુજતા હાથે જ્યારે એ પોતાની પત્નીને કોફી આપે છે ત્યારે પત્નીજી રડવા લાગે છે. પતિ કારણ પૂછે છે તો એ કહે છે, "લગ્નના પહેલા દિવસે તો મેં તમારું માન રાખવા કોફી પી લીધી, પણ મને ખબર નહોતી કે આવી ખરાબ કોફી પચાસ વર્ષ સુધી મારે પીવી પડશે. તમે ક્યારેય પૂછ્યું ખરાં કે મને કોફી ભાવે છે ખરાં??"
***********

મિત્રોની બાબતમાં આપણી માન્યતા છે કે સાચો મિત્ર એવો હોય કે જે આપણે ખોટું કરતા હોઈએ તો ખોટું છે એમ આપણા મોંઢામોઢ કહે, અને સાચું કરતા હોઈએ તો આપણા પડખે ઉભો રહે. જો કોઈ મિત્ર આવી હિંમત ના રાખે તો એ મિત્રતા સ્વાર્થી કહી શકાય.

...પણ જીવનસાથીની બાબતમાં આપણે આવુ માનતા નથી. પ્રથમ કિસ્સામાં જ્યારે પ્રેમી એવું કહે કે, "એ જેવી છે એવી મને પસંદ છે" ..તો એ પ્રેમ નથી, પણ સ્વાર્થ છે. શા માટે એ જેવી છે/અથવા જેવો છે એવો પસંદ હોવો જોઈએ?? બીજા કિસ્સામાં પણ જીવનભર શા માટે પત્નીએ કોફી પીવી જોઈએ?? પહેલાં જ કહી દીધું હોત તો કદાચ પતિ પચાસ વર્ષ સુધી ઘસડાતો ના હોત! જો પત્ની/પતિ કંઇક ખરાબ/ખોટું કરે તો શા માટે પતિ/પત્નીએ એને 'એ ખોટું કરે છે' એવું કહીને શા માટે ના સુધારવો જોઈએ?? શુ જીવનભર વેંઢારવું જરૂરી છે??

આપણી ખરાબ બાબતો પર ટકોર કરીને આપણને સુધારીને ઉચ્ચ કક્ષાએ લઈ જાય એ જ જીવનસાથી સાચો કહેવાય અને આવો જ જીવનસાથી સાચો મિત્ર પણ બની શકે! બાકી પતિ/પત્નીમાં માત્ર 'ગીવ એન્ડ ટેક'નો જ સંબંધ રહી જાય છે.

આપણા પિતૃસત્તા સમાજમાં સ્ત્રીની ભૂલ બતાવવાનો ઇજારો માત્ર પુરુષ પાસે જ છે. પત્નીની ભૂલને પતિ જાહેરમાં કહી શકે છે, પણ પત્ની પોતાનાં પતિની ભૂલ જાહેરમાં કહી શકતી નથી. 
*********

આ લખવાનું મન ખાસ તો એટલે થયું કારણ કે હાલમાંજ અમારી ટ્રીપ દરમિયાન અમારે એક રિલેટિવને ત્યાં જવાનું થયું. ત્યાં એમનાં કોઈ વડીલ રિલેટિવ દિવાળી નિમિત્તે મળવા આવેલા. વાતવાતમાં એ વડીલે કહ્યું, "એક વાર હું અને મારા વાઈફ રસ્તામાં જતા હતા તો એણે કંઈક ભૂલ કરી તો મેં એને એક લપ્પડ જમાવી દીધી."

લપ્પડ એટલે શું એ ખબર હોવા છતાં મેં સ્પષ્ટતા કરવા પૂછ્યું, "લપ્પડ એટલે??"

"થપ્પડ.." એ હસતાં હસતાં બોલ્યા.

મેં વિરોધ નોંધાવતા કહ્યું, "માની શકાય કે એમની કોઈ ભૂલ હશે, પણ તમે એમને થપ્પડ મારી એને આટલું ઇઝીલી અને હસતાં હસતાં જાહેરમાં વાત કરીને.. નોર્મલાઈઝ શું કામ કરો છો?"

..તો એ વડીલ રિલેટિવ મને કહે, "અરે ગુસ્સામાં હાથ ઉપાડ્યો તો એમાં શું થઈ ગયું??"

મેં કહ્યું, "જુઓ, મેટર તમારી છે. મારે બોલવાનો હક નથી પણ તમે એને જાહેરમાં બોલીને નોર્મલાઈઝ શું કામ કરો છો, મારું એમ કહેવું છે..!! તમારી અંગત મેટરને શું તમે અંગત ના રાખી શકો?? માનો કે તમારી કોઈ ભૂલ બાબતે એમણે તમને જાહેરમાં થપ્પડ મારી હોત, તો શું તમે આટલું જ નોર્મલ બનીને હસતાં હસતાં વાત કરતાં હોત ખરાં?? તમારી દીકરીને એનો પતિ જાહેરમાં મારે તો તમે આટલું જ નોર્મલ બનીને મને વાત કરશો ખરાં??"

..એ શોકડ થઈને ચૂપ થઈ ગયા! 

થોડીવારમાં એમનો કોઈ જવાબ ના આવતાં એ વડીલ રિલેટિવના બચાવમાં એમનાં વૃદ્ધ (અને જડ!) પિતા આંશિક ગુસ્સામાં બોલ્યા, "અરે યહી તો સમાજ કી રીત હૈ, ઔર સમાજ ઐસે હી ચલતા હૈ. તુમ અભી કે છોકરે લોગ યે બાત નહિ સમજોગે."
***********

ડોન્ટ થિંક એવર:

લગ્નમંડપમાં મજાક કરતા પત્નીની નાની બહેનને જોઈ પતિ બોલ્યો, "સાળી તો અડધી ઘરવાળી હોય છે."
આ સાંભળી બધા મજાકમાં હસવા લાગ્યા! 

પતિની બાજુમાં જ ઉભેલા એનાં નાના ભાઈને જોઈ પત્નીએ પણ લલકાર્યું, "દેવર પણ હવેથી મારો અડધો ઘરવાળો છે." 

...આ સાંભળતાની સાથે જ હસનારા બધાનાં મોં સિવાઈ ગયા!!

-યજ્ઞેશ રાજપુત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો