રવિવાર, 10 નવેમ્બર, 2024

મારું વસિયતનામુ

*મારું વસીયતનામું*

(સર વિનોદ વામજાની પ્રેરણાથી)

*આજથી હું મારું વસિયતનામું લખી રહ્યો છું. જેમાં હું જો જીવતો રહીશ તો સમયાન્તરે સમજણ વધતાં સુધારા–વધારા કરતો રહીશ. જો આજે જ મરી જાઉં તો આ જ વસિયતનામાને અંતિમ ગણવું. મારા કુટુમ્બીજનો–મીત્રોને અનુરોધ કરું છું કે પોતાના અંગત મોહને બાજુ પર રાખી આ વસીયતને અનુસરે.*

*- યજ્ઞેશ રાજપુત*

આપણાં હીન્દુશાસ્ત્રોના મુખ્ય ગ્રંથ ભાગવત ગીતા અનુસાર શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી આ મૃત શરીરની કાંઈ કીમ્મત નથી. પરંતુ હું કોઈ જ પ્રકારની આત્મામાં માનતો નથી. જેમ ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગાં મળીને પાણી બને, એમ કોઈ ચોક્કસ તત્ત્વો ભેગાં મળીને મારુ શરીર બન્યું હશે અને આવા જ કોઈ રાસાયણિક પ્રક્રિયાથી હું સજીવ થયો હોઈશ એવું હું માનુ છું. કર્મ શુ છે અને એનું ફળ મળે કે ના મળે, પુનર્જન્મ હોય કે નહિ.. આ બધા સવાલોનો જ્યાં સુધી મને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી હું કોઈ જ પ્રકારના કર્મના સિદ્ધાંતને માનતો નથી. આપણા સમાજમાં મૃતદેહને ટીલાં–ટપકાં, (ક્રીયા–કર્મકાંડ) કરવામાં આવે છે. તથા સમય, શક્તી અને સામગ્રીનો ઘણો બગાડ થાય છે. તેનાથી સમાજ અને રાષ્ટ્રને ભારે નુકસાન થઈ રહ્યું છે. રુઢી–રીવાજ–પરંપરા માત્ર બ્રાહ્મણવાદને પોષનારા રહ્યા છે. બીજી કોઈ રીતે તર્કસંગત કે અર્થપૂર્ણ લાગતા નથી, કે નથી શાસ્ત્રસંગત. નિશ્ચેતન મડદાને લાડ લડાવવા કરતાં જીવતા મનુષ્ય પ્રત્યે માનવતા દાખવવી આદર્શ ગણાય. શબ પ્રત્યે સહાનુભુતિ દર્શાવવા કરતાં તેના કુટુંબને સહકાર આપવો વધારે સારું ગણાય. હાલનાં બદલાયેલાં માનવમૂલ્યોના સંદર્ભમાં વિચારવાનો સમય પાકી ગયો છે.

મારા મૃત્યુથી તેમને દુઃખ થતું હશે જેમનો હું આધાર હતો, જેમને હું ચાહતો હતો. પરંતુ જે બની ગયું તે તો કુદરતનો ક્રમ છે. પ્રકૃતિની પ્રક્રિયા છે. મૃત્યુને નિવારી શકાતું નથી. તેથી કોઈએ શોક કરવો નહીં અને બધાએ દુઃખ ભુલી હળવા (રીલેક્સ) થવાનો પ્રયત્ન કરવો. મારા આત્માની શાંતિની ચિંતા કરવાને બદલે પોતાના જ મનની સ્વસ્થતા કેળવવી.

મારા જીવન દરમિયાન જેમણે મને પ્રેમ, લાગણી અને હુંફ આપ્યાં છે, સહકાર અને મદદ કરી છે તે સર્વનો હું આભાર માનું છું. તથા મારાથી કાંઈ ભુલ થઈ હોય, દુઃખ થયું હોય, લાગણી દુભાઈ હોય તો તે બધાની અંતઃકરણપુર્વક માફી માગું છું. જો કે મેં મારી જીન્દગીમાં કોઈને કારણ–અકારણ કષ્ટ આપવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નથી.

મારા મૃત્યુ બાદ માત્ર ઇષ્ટદેવને પ્રાર્થના કરજો. બધી ધાર્મીક વીધીનાં પ્રતીક રુપે મુખમાં તુલસીપત્ર મુકજો. પરન્તુ ગંગાજળ, ચન્દનનું તીલક કે ઘીનો દીવો વગેરે કાંઈ કરશો નહીં. સુગંધીત અગરબત્તી કરતાં રહી વાતાવરણ હળવું કરજો. મારા દેહને માટીમાં જ ભળવાનું હોવાથી નવડાવવાની વીધી કરશો નહીં.

હું કદાચ મોટો માણસ થઈ જાઉં તો પણ મારા શબને નમન કે પ્રણામ કરશો નહીં. ફુલહારના ઢગલા કે અત્તર છાંટવાની ક્રીયા કરશો નહીં. અખબારમાં ફોટા કે શ્રદ્ધાંજલી આપી છાપાંની કીમતી જગ્યા રોકશો નહીં. લાંબી સ્મશાનયાત્રા કાઢવાની ચેષ્ટા કરશો નહીં. જો કે અત્યારે મારા જેવા અતિસામાન્ય માણસ માટે આવું થવાની કોઈ શક્યતા નથી.  પણ મારો હેતુ જનસમાજને સારી પ્રેરણા મળે તે છે.

મારા મૃતદેહ સમક્ષ દર્દભરી રીતે ભજન–કીર્તન કે ધુન ગાવાં નહીં કે રોકકોળ કરવી નહીં. તેનાથી આસપાસનાં બાળકો, બીમાર અને સંવેદનશીલ માણસો પર ગંભીર માનસિક અસર પડતી હોય છે. જ્યાં ખુબ રોવાનો (છાજીયાં લેવાનો) રીવાજ હોય તે બંધ કરાવવો ઘટે. આવું કરવાથી મરનાર, જીવીત થવાનો નથી; પણ કુટુમ્બીજનોના દુઃખમાં વધારો થાય છે, એટલી સમજણ દાખવીએ; છતાં કોઈને શોક પાળવો હોય તો વ્યસન/ બીનજરુરી ખર્ચ પર કાપ મુકે. મારા શબને અગ્નિ દેવાનો અધિકાર હું મારી પત્નીને સૌ પ્રથમ આપું છું. સમાજ/કુટુંબના લોકો સ્ત્રીઓ સ્મશાને ના આવે એવું કહે એટલે મારી પત્ની મને અગ્નિસંસ્કાર ના આપે એવું ના બને. જો મારી પત્ની પોતાની ઈચ્છાથી મને અગ્નિસંસ્કાર આપવા ના માંગતી હોય તો મારી દીકરીને આ અધિકાર આપું છું. મારા અગ્નિસંસ્કાર બાબતે મેં જે કંઈ લખ્યું છે એ મારી પત્ની અને દીકરી બંનેને લાગુ પડે છે. જો એ બંને પણ પોતાની ઈચ્છાથી મને અગ્નિસંસ્કારની ના પાડે તો મારા અંગત કુટુંબીજનોમાંથી કોઈ પણ મને અગ્નિ આપી શકશે.

મારા મૃત્યુ પછી ઘરનું વાતાવરણ ઝડપથી સામાન્ય બની જાય તેમ કરવું. વાર તિથિના બાધ વગર બેસણું માત્ર એક દિવસનું જ  રાખવું. તેમાંય કોઈને આવવાનો આગ્રહ કરવો નહીં. કોણ આવ્યા ને, કોણ નથી આવ્યા તેની પુછપરછ ન કરવી. કોઈ ન આવ્યું હોય તેનું માઠું લગાડવું નહીં. સ્ત્રીઓએ પણ પુરુષોની જેમ સામાન્ય પોશાકમાં આવવું. કુટુંબીઓએ થોડા જ સમયમાં કામકાજમાં લાગી જઈ, મન હળવું બનાવવાનો પ્રત્યન કરવો. મારા જેવાનાં મૃત્યુનો કાંઈ શોક ના હોય!

લોકો તેમનાં કામધંધા, નોકરી, અભ્યાસ છોડીને મારા ઘર સુધી આવે તો જ શોક પ્રગટ થાય તેવું હું માનતો નથી. સાચું દુઃખ દિલમાં હોય છે. અને પ્રદર્શન (દંભ) વ્યક્ત કરવાનો કોઈ અર્થ નથી. અંગત લોકો સિવાય કોઈએ બહારગામથી તો આવવું જ નહીં. પોતાના ઘરે જ શોક મનાવી આશ્વાસનપત્ર વોટ્સએપ/મેસેજ/ફોનથી પાઠવે તેવું બધાને સ્પષ્ટ જણાવવું. નજીક રહેનારા  લોકો પણ આવું કરી શકે છે. આપણા સમાજમાં આ બાબતે જે ખોટા (દંભી) રીવાજો પડી ગયા છે તેને તાત્કાલીક અટકાવવા જોઈએ.

મારા મૃત્યુને કારણે પરીવારના કે સમાજના કોઈ સારા પ્રસંગને અટકાવશો નહીં. મૃત્યુ દરમિયાન કોઈ તહેવાર હોય તો ઠીક લાગે એમ કરવું પણ બાદમાં આવતાં તહેવારો મન ભરીને ઉજવવા.  એટલું જ નહીં; પણ જે સગાં–સંબંધીને ત્યાં પ્રસંગ હોય તેને સામે ચાલીને પ્રસંગ ચાલુ રાખવા સંદેશો મોકલવો. મારું મૃત્યુ રાત્રે થયું હોય તો અન્ય લોકોને સવારે જ જાણ કરાવી. રાત્રે જાણ કરી કોઈને એમની  ઉંઘમાં ખલેલ (ડીસ્ટર્બ) કરવા નહીં.

મારા મૃત્યુ બાદ મારાં પત્નીનાં કપડાં, શૃંગાર કે અન્ય અલંકાર–શોખમાં કાંઈ ફેરફાર કરવાની જરુર નથી. તે ઈચ્છે તો જરુર પુનર્લગ્ન કરે. બાળકો અંગે વિચારવાનો અધીકાર તેને જ આપવો તે ન્યાયી ગણાશે. પણ મારી દીકરી પુખ્ત હોય તો તે પોતાની રીતે જીવી શકે છે. કુટુંબનો કોઈ સભ્ય સુતક, મુંડન કે અન્ય શોક પ્રદર્શિત ન કરે. 

મારા અન્તકાળ સમયે નજીકની નેત્રહૉસ્પીટલ, મેડીકલ કૉલેજને જાણ કરી નેત્રદાન, દેહદાનની વ્યવસ્થા કરી દેવી. મારું મૃત્યુ મગજ ફેઈલથી થયું હોય તો હૃદય, કીડની… વગેરે અંગોનાં દાન કરી દેવાં. સંજોગોવસાત દેહદાન વગેરે કાંઈ ના થઈ શકે તો અગ્નિસંસ્કાર કરવો. અગ્નિસંસ્કાર વખતે જો ઉપલબ્ધ હોય તો ઇલેક્ટ્રિકરીતે શબને બાળવું. લાકડાં વાપરી પર્યાવરણને નુકશાન ના કરવું. મારું મૃત્યુ, મારા ઘર બહાર, ટ્રેન, બસ, પ્લેન કે પછી કોઈ અકસ્માત વગેરેમાં થયું હોય તો જે તે સ્થળે સમુહમાં જેમ થતું હોય તેમ કરવું.

મારું મૃત્યુ ઘર/વતનથી દુર કે હૉસ્પીટલમાં થયું હોય તો મારા દેહને ઘરે લઈ આવવાનો આગ્રહ ન રાખવો; પરન્તુ ત્યાંથી જ મારી ઈચ્છા મુજબ દેહદાન, નેત્રદાન કે ભુમીસંસ્કાર કરવાં. મારું મૃત્યુ જો કોઈ ગમ્ભીર અકસ્માત કે રહસ્યમય સંજોગોમાં થયું હોય તો અન્તીમ ક્રીયા અનુકુળતા પ્રમાણે કરવી. તેવા સંજોગોમાં પોસ્ટમોર્ટમ કે અન્ય કાનુની પ્રક્રીયાને જરુરી માન/સહકાર આપવાં.

વૃદ્ધાવસ્થાનાં અન્તીમ દીવસોમાં હું ગમ્ભીર–અસાધ્ય રોગથી પીડાતો હોઉં અને સભાન અવસ્થામાં ન હોઉં તો મને દવા–ઈન્જેક્શનથી લાંબો સમય જીવડવાનો આગ્રહ રાખશો નહીં. ઈચ્છામૃત્યુ કાયદેસર હોય તો મને દર્દરહીત મૃત્યુ આપી દેવું. અને તે દરમીયાન હૃદય, કીડની, લીવર સ્કીન વગેરે શક્ય તમામ અંગોનું દાન કરી દેવું. મારી માંદગીથી બધા હેરાન થાય, કુટુમ્બ આર્થીક બોજમાં દબાઈ જાય તેવું ઈચ્છતો નથી. માણસ કેટલું જીવ્યા કરતાં; કેવું જીવ્યો તે મહત્ત્વનું છે.

મારા મૃત્યુ નીમીત્તે કોઈ પણ પ્રકારની મરણોત્તર ધાર્મીક વીધી કરવી નહીં. બારમું–તેરમું (પાણીઢોળ) કથા–સપ્તાહ–કીર્તન, શ્રાદ્ધ, તર્પણ, વરસી, પીંડદાન, બ્રહ્મભોજન વગેરે કરાવવાં નહીં. આ બધા કર્મકાંડો બ્રાહ્મણોએ સ્વલક્ષી–સ્વહીતમાં ઉભા કર્યા છે; તે સમાજલક્ષી કે ગરીબલક્ષી થવા જોઈએ. ઘણા લોકો ટેક્સચોરી કે ગરીબોનું શોષણ કરીને આવકના 10% ધર્મ–કર્મકાંડ–મન્દીર પાછળ ખર્ચતા હોય તેનો શો અર્થ? ‘ગાય દોહીને કુતરાને પાવા જેવું!’ મારાં માતા–પિતા જીવતાં હોય તો તેઓની સામાન્ય ધાર્મિક ઈચ્છાને માન આપવું. પણ જો તેઓ કોઈ પણ જાતની પૂજા-પાઠ, ધાર્મિક વિધિ, કર્મકાંડ કે બ્રાહ્મણવાદીઓને ઉત્તેજન આપે એવું કંઈ પણ કરવાનું કહે તો પણ કશું કરવું નહિ. માત્ર આગળ જણાવ્યું તેમ મુખમાં તુલસીપત્ર મૂકવું. એનાથી વિશેષ કશું જ ન કરવું.

મેં મારું જીવન પ્રામાણીકતા અને માનવતાવાદી રીતે જીવવાનો પ્રયત્ન કર્યો છે. તેનો મને સન્તોષ છે. હું ભુત–પ્રેતમાં માનતો નથી. તો મર્યા પછી મારે કોઈને નડવાનું કોઈ કારણ નથી. આમેય કુટુમ્બ માટે આજીવન ભોગ આપનાર, મર્યા પછી અચાનક શા માટે નડે? તેમ છતાં મારી કોઈ ઈચ્છા/વાસના (હશે તો) પુરી કરવા નડવું હશે, તો દેશના દુશ્મનોને નડીશ. બધા ભારતીયો આમ કરે તો દુશ્મનો આમ જ ખતમ થઈ જાય! શું આ શક્ય છે? તો ખરેખર, સમાજને કોણ નડે છે? ‘નડતર’નો વીચાર ફેલાવનાર જ!

મારા મૃત્યુ બાદ મારી મીલકત માટે (જો હોય તો) ઝઘડવું નહીં કે વારસા સમ્બન્ધી વાદ–વીવાદ કરવા નહીં. મારા આર્થીક વીલ મુજબ મારી સમ્પત્તીની વહેંચણીની બાબતો મેં મારી પત્નીને સમજાવેલી જ છે. એ જે કરે એને માન આપવું. અને મને મારી પત્ની પર પૂર્ણ ભરોસો છે કે તે મારે જેને જે આપવાનું છે એ નિર્વિવાદ લોભ લાલચ વગર આપી જ દેશે. આ ઉપરાંત, હું ઇચ્છીશ  કે મારી પત્ની નીચેનામાંથી કંઈક સામાજિક દાન એની ઈચ્છા મુજબ કરે. 

(1) શાળાઓમાં બાળકોને નોટબુક, પેન્સીલ, પેન, ચોકલેટ, બીસ્કીટનું વીતરણ કરવું.

(2) ગરીબ વીદ્યાર્થીઓને પુસ્તકો તથા સ્કોલરશીપ આપવી.

(3) ગરીબ–પછાત લોકોને પૈસા તથા અનાજ લઈ આપવું.

(4) નજીકનાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, બહેરા–મુંગા–અન્ધજનની શાળા/આશ્રમમાં દાન અને ભોજન પ્રબન્ધ કરવો.

(5) સાર્વજનીક નેત્ર, રક્ત હૉસ્પીટલમાં દાન કે દર્દીઓ માટે દવા–ભોજન વ્યવસ્થા કરવી.

(6) યુદ્ધ–કટોકટી જેવા સમયમાં રાષ્ટ્રને મદદ કરવી તથા સૈનીકોનાં વારસદારોને આર્થીક સહાય કરાવી.

(7) અન્ય સમાજ ઉપયોગી કાર્યમાં મદદ કરવી.

(8) લાઈબ્રેરીમાં સમાજસુધારકોનાં પુસ્તકો લઈ આપવાં.

(10) સર્વ પ્રાણીઓને સમાનભાવે ઘાસચારો આપવો.

(11) મારા નામે ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરવું.

(12) આ વસ્તી વીસ્ફોટમાં નો ચાઈલ્ડ, વન ચાઈલ્ડ ગરીબ દમ્પતીને પ્રોત્સાહક પુરસ્કાર આપવાં. વસ્તી નીયન્ત્રણ આજના સમયની સૌથી મોટી સેવા છે.

લોકો આવું કરે તેવું હું ઈચ્છું છું જેથી આપણા સમાજના ઘણા પ્રશ્નો હલ થાય. ઈશ્વરના નામે સ્વાર્થી વર્ગ પ્રજાના ધનને ધર્મ/મન્દીર તરફ (પોતા તરફ) વાળે છે. તેમાં કાપ મુકવો જરુરી છે. આ વસીયત મેં મારી બુદ્ધી પ્રમાણે તૈયાર કર્યું છે. આ મારા અંગત વીચારો છે. ખામી જણાય તો મારી અલ્પમતી માટે ક્ષમા કરશો. સર્વને બધું જ સર્વસ્વીકૃત ન પણ બને. મારો હેતુ લોકો અને સમગ્ર રાષ્ટ્રના હીત માટે છે. તે સર્વ કોઈ સમજી શકશે.

– યજ્ઞેશ રાજપૂત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો