સોમવાર, 29 જુલાઈ, 2019

*શિષ્યવૃત્તિ* (આર્તનાદ ભાગ ૨)

*શિષ્યવૃત્તિ*
(આર્તનાદ ભાગ ૨)

 *અહીં ખાસ નોંધ લેશો કે સદામને નિમિત્ત બનાવી મેં સમગ્ર વાલીવર્ગ અને શિક્ષકવર્ગની વેદના વર્ણવી છે. કારણ કે આવું કદાચ આખા ગુજરાતના બાળકો અને વાલીઓ સાથે થતું જ હશે, એમાં કોઈ શંકા નથી!!*

*****

"લો, આ બોનફાઇડ લઇ જાઓ, અને સદામનું આધારકાર્ડ બનાવવાનું છે. ગામની ઝોનલ ઓફિસે ૨૫-૩૦ રૂપિયા લેશે અને તમને બનાવી આપશે." મેં ધોરણ ૧ માં નવા દાખલ થયેલા સદામની મમ્મીને કહ્યું.

"ઇતને મેં બન તો જાયેગાના?? કિ જ્યાદા પૈસે લગેન્ગે??" રોજ માત્ર ૨૦૦-૩૦૦ કમાતા હોય અને ૭-૮ સભ્યોવાળા પરિવારનું માંડ ઘર ચાલતું હોય એવા સદામના મમ્મી પૈસાની ચિંતા કરી આવો સવાલ પૂછે એ સ્વાભાવિક હતું.

"ઇતને હી લેંગે.. અગર આપ પ્રાઇવેટમેં બનાઓગે, તો જ્યાદા પૈસે લગતે હૈ." મેં એમને થોડું ચિડાઈને કહ્યું, કારણ કે ધો.૧ ના મારા વર્ગમાં કુલ ૬૦ બાળકોમાંથી લગભગ ૮૦℅ બાળકોના આધારકાર્ડ અને બેંક એકાઉન્ટના ફોર્મ ભરીને મારે એમને આપવાના હતા. અત્યારે હું પોતે લગભગ ૪-૫ વાલીઓથી ઘેરાયેલો હતો.

"નઈ, ઉસમેં ક્યાં હૈ? મેરે તીન બચ્ચે યહાઁ પઢતે હૈ.. સબકે આધારકાર્ડ નિકલવાને કે હૈ.. તો ખબર પડે ને, કિ કિતને પૈસે લગેન્ગે.. ઇસલિયે પુછા." સદામની મમ્મીએ ચોખવટ કરી.

"સુબહ જલ્દી જાના.. ઝોનલ ઑફિસમેં રોજ કે સિર્ફ ૩૦ લોગો કે હી આધારકાર્ડ નિકલતે હૈ.. ઔર હા, સદ્દામ કો સાથ લેતે જાના, ઉસકી ઉન્ગલીઓકી છાપ લગેગી." મેં જરૂરી સૂચનાઓ ઝડપથી આપી એમને રવાના કર્યા.

ગામડાઓમાં સરકારીશાળા જ સર્વસ્વ હોય, એટલે મોટા-નાના બધા એ જ શાળામાં ભણે! (જો કે ગામડામાં પણ હવે તંત્રની મહેરબાનીથી ખાનગી શાળાનું દુષણ ઘુસી ચૂક્યું છે!) પણ શહેરોમાં દર એક કિલોમીટરે દુકાનોમાં પણ ખાનગી શાળાઓ ચાલતી હોય છે! વળી, આવી શાળાઓ 'દેખાડામાં' માનતા અને 'કહેવાતા' સમૃદ્ધ હોય એવા બાળકોને જ એડમિશન આપે, એટલે અભણ અને મજૂર વર્ગમાંથી આવતા જેમને મન 'રોજની કમાઈ'નું વધુ મહત્વ છે, એવાં વાલીઓ પોતાના બાળકોને સરકારી મ્યુનિસિપાલીટી સ્કૂલમાં દાખલ કરતા હોય છે. (સમૃદ્ધ અને સાક્ષર વાલીઓના બાળકોના એડમિશન મ્યુનિસિપલ સરકારી શાળામાં એવરેજ માત્ર ૨% થી ૧૦℅!!)
*****

૨ દિવસ પછી સદ્દામ શાળાએ આવ્યો! મેં પૂછ્યું, "ક્યાં હતો ૨ દિવસ??"

"વો આપને જો કાગઝ દીયેલા ને.. આધારકાર્ડ કે લીયે.. વહાં ગયેલે.." સદામની મમ્મીએ કહ્યું.

"બન ગયા આધારકાર્ડ?? વો પ્રિન્ટ લાયે?" એક બાળકનું આધારકાર્ડ બન્યાના ઉત્સાહમાં મેં પૂછ્યું.

"નહીં.. દો દિન સલિંગ ગયે, લેકિન વહાં બહોત બડી લંબી લાઈન લગતી હૈ.. ઔર ફિર ઇસકે પપ્પાકો ભી સુબહ કામ પે જાના હોતા હૈ.. તો એક દિન મૈને ભી કામ પે રજા રખ્ખી.. લેકિન વહાં વો બોલતે હૈ, પુરાવા લાઓ.. અબ પુરાવા કહાં સે લાએ.. હમ તો ભાડે સે રહેતે હૈ.."

"..તો ભાડા કરાર બનવા લો ના." મેં કહ્યું.

"અબ મકાનમાલિક કહાં ભાડા કરાર કરને દેતે હૈ? માન લો કર ભી દિયા, તો ફિર ૧૧ મહિને મેં મકાન ખાલી કરના પડતા હૈ.. વારેઘડીએ મકાન ખાલી કરને મેં બહોત તકલીફ પડતી હૈ.."

"પ્રાઇવેટમે બનવા લો.." મેં કહ્યું.

આ વાતચીત ચાલતી હતી એ દરમિયાન એક વાલીએ તરત જ કહ્યું, "પાંચસો રૂપિયે લેતે હૈ પ્રાઇવેટવાલે! આપકો તો સિર્ફ બોલના હૈ.. લેકિન ૨-૩ બચ્ચે હો તો એક-દો હજાર કહાં સે લાયે??"

હું ચૂપ થઈ ગયો!

થોડીવાર પછી મેં ધીમેથી કહ્યું, "કુછ ભી કરો, આધારકાર્ડ ઔર બેંક એકાઉન્ટ નહીં હોગા તો શિષ્યવૃત્તિ કે પૈસે નહીં આયેંગે."
******

૧૫-૧૬ દિવસ પછી સદામના મમ્મી સદામનું આધારકાર્ડ લઈને હાજર થયા! મેં પૂછ્યું, "કૈસે નિકલા?"

"૨૦૦૦ રૂપયે લગ ગયે.. તીન બચ્ચો કા આધારકાર્ડ નિકલવાને મેં..!"

સદામની મમ્મીની આંખોમાં પોતાની 'રોજની કમાઈ'ના અમુક દિવસો પડ્યા, અને અંદાજે ૨૦૦૦ રૂપિયાથી ઘરમાં જે ખાડો પડ્યો, એની વેદના સ્પષ્ટ દેખાય છે!! (સાચું કહું તો એક શિક્ષક તરીકે જ્યારે હું આવી વેદનામયી આંખો કે ચહેરો જોઉં છું, ત્યારે મને સરકાર અને તંત્ર પર ગુસ્સો આવે છે. એ લોકો આવા નાના માણસોનો બિલકુલ વિચાર નહીં કરતા હોય?!! આ ફરિયાદ તો ઈશ્વરને પણ છે!!)

"અબ બેંક એકાઉન્ટ ભી ખુલવા લો.. શાયદ યહાં પૈસે નહીં લગેન્ગે. તુમ્હારા એક ફોટો ઔર સદામ કે દો ફોટો લગેન્ગે." મેં કહ્યું.

"સદામ કે ફોટો પડવાને પડેન્ગે.. દો દિન બાદ દૂગી"
*******

બે દિવસ પછી સદામના મમ્મીએ મને ફોટા આપ્યા એટલે મેં એમને 'ઝીરો' પૈસાથી બેંક એકાઉન્ટ ખુલે એનું ફોર્મ ભરી આપ્યું. બે દિવસ પછી એ પાછા મારી પાસે આવ્યા..

"આપ તો બોલતે થે કુછ પૈસે નહીં લગેન્ગે, વો બેંકવાલે ખાતા ખુલવાને કે લિયે ૧૦૦૦ રૂપયે માંગતે હૈ.. અબ મૈં હજાર રૂપયે કહાં સે લાઉ??"

હું શોકડ થઈ ગયો! તરત જ એ બેનને અમારા આચાર્ય  પાસે લઈ ગયો. મેં આખી બીના જણાવી એમને કહ્યું, "હવે આ બેનને ત્રણ બાળકો છે, તો ખાતા ખોલાવવા માટે ૩૦૦૦ રૂપિયા ક્યાંથી લાવે બોલો??"

અમારા આચાર્યબેન તંત્રએ માંગેલા 'આંકડાઓમાં' વ્યસ્ત હતા! એ બોલ્યા, "જેટલું થાય એટલું કરો."

મેં સદામની મમ્મીને કહ્યું, "ખાતું ખૂલે તો ખોલાવો.. ના ખુલે તો વાંધો નહીં." (બેંકવાળાઓને દંડવાવાળું કોઈ જ નથી!! અંધેરી નગરી છે આ!! હદયનો આર્તનાદ છે આ!!)
******

શિષ્યવૃત્તિનું ખાતું 'ઝીરો' પૈસાથી ખોલવાનું હોવા છતાં આ બેંકવાળાઓ જે રીતે નાના માણસોને હેરાન કરે છે, એ અસહ્ય છે. જ્યારે બાળક પાસે આધારકાર્ડ કે બેંક એકાઉન્ટ નથી હોતું, ત્યારે એક પણ અધિકારી એ સાંભળવા તૈયાર નથી કે શા માટે નથી? કેટલા બધા પ્રોબ્લેમ છે વાલીઓના? આવા બધા દૌડા કરે તો એમની 'રોજની કમાઈ' ગુમાવે છે. ભાડેથી રહે છે. પોતાના પણ પુરાવા હોતા નથી. (શા માટે નથી?.. એ પાછો અલગ મુદ્દો છે!) માત્ર એક બાળક હોય તો હજુ એ પહોંચે પણ ૩-૪ હોય તો ક્યાં જાય? એમાંય વળી લાંબી લાઈનો, અને ધક્કા પર ધક્કા!! બાળકોની નિશાળમાં ગેરહાજરી વધે! વાલીઓ ઘણીવખત તો બાળકને શાળાએ મોકલવાનું જ બંધ કરી દે! ..અને વિચારે, આના કરતાં બાળકને પોતાની સાથે મજૂરીએ લઇ જવું વધુ સારું!! શુ તમે વિચારી શકો.. ક્રિમિનલો મોટેભાગે અભાવોમાં રહેતા લોકો જ શા માટે હોય છે?? ..અને એક્ચ્યુઅલ ક્રિમિનલ કોણ??
******

૧૫ દિવસ પછી સદામના મમ્મી ઉપરની ચિઠ્ઠી લઈને મને આપી! હું એ આપને શેર કરું છું. ખાસ જોશો કે બેંકવાળાએ કેટલા રૂપિયાથી ખાતું ખોલી આપ્યું છે?!!

-યજ્ઞેશ રાજપૂત
 (આર્તનાદ ભાગ ૨)

શુક્રવાર, 19 જુલાઈ, 2019

'ના' આવડી જવાની ખુશી!

*'ના' આવડી જવાની ખુશી!!* (આર્તનાદ ભાગ-૧)
*****

હું એક શિક્ષક છું. નખશિખ શિક્ષક! પાક્કું એટલા માટે કહી શકું છું કારણ કે હું જાણું છું હું શિક્ષક છું. હું જ્યારે જ્યારે મારી ગિરેબાનમાં જોઉં છું, ત્યારે મારી જાતને હું શિક્ષક તરીકે જ જોઉં છું. ઘણા શિક્ષકો હોતા જ નથી. એ માત્ર પગારદાર નોકરી કરે છે- ભણાવવાની!! શુ ભણાવવાની?.. કોને ભણાવવાની?.. એ એમને પણ ખબર નથી! ..પણ એટલી જ ખબર છે એ લોકો નોકરી કરે છે - 'ભણાવવાની'! એ લોકો બધાને ભણાવી શકે છે.. વાલીને, અધિકારીને, સમાજને.. અને પોતાના આતમરામને પણ! ..પણ હું નથી ભણાવી શકતો- ..એમાંય મારા આતમરામને ખાસ!! એ જ્યારે મને પૂછે છે કે "આજે તે શું કર્યું?" ત્યારે હું એની સામે નજર નથી મિલાવી શકતો! અંતે.. હું એને એક જવાબ આપું છું..
*****

તમે નહીં જાણતા હોવ.. પણ હું જ્યારે આ લખું છું ત્યારે મારું હદય ભરાઈ ગયું છે.. કેમ કે મારે પૂરી પ્રામાણિકતાથી, પૂરી નિષ્ઠાથી મારું કામ કરવું છે. ..પણ નથી કરી શકતો. ડર લાગે છે, અપમાનનો! ક્યારેક ક્યારેક પાછો હિંમતવાન બનીને એનો સામનો કરી લઉં છું. પણ ક્યારેક પોતાને વિવશતાની સાંકળોમાં બાંધેલો જોઉં છું. કોઈનેય કહી નથી શકતો ત્યારે આકાશમાં જોઉં છું.. એ આશાએ.. કે 'છે કોઈ, જે અમારું સાંભળે??' જેટલા લોકો આવે છે એ માત્ર ભૂલો શોધવા જ આવે છે.. કોઈ નથી.. કોઈ નથી એવું જે અમારા મિત્ર બનીને આવે અને અમને પૂછે, "કે તમારી તકલીફ શુ છે??" કેટલું બધું કહેવું છે અમારે.. પણ હવે તો દર્દ એટલો નસૂર બની ગયો છે કે રડવુંય નથી આવતું.. અને હસવુંય નથી આવતું!! આવા વિચારોથી ઘેરાઉ છું ત્યારે ડર લાગે છે કે ક્યાંક હું 'નેગેટિવ' તો નથી બની ગયો ને?? પણ કદાચ.. એવું નથી!! હું નેગેટિવ નથી, પોઝિટિવ પણ નથી.. અને એટલો ઉચ્ચ કક્ષાએ પણ નથી પહોંચ્યો કે 'સ્થિતપ્રજ્ઞ' બની જાઉં. કારણ કે હું એક શિક્ષક છું!! મારા વર્ગમાં રહેલા ૬૦ બાળકોને હું જોઉં છું ત્યારે એ વિચાર આવ્યા વગર નથી રહેતો કે સામે બેઠેલા ૬૦ બાળકોના માતાપિતાએ મારા પર ભરોસો મુક્યો છે, કે હું એમના બાળકને સારી રીતે ભણાવીશ!! ..પણ મારા ઉપરીઓને મારા પર ભરોસો નથી કે હું એમને ભણાવીશ!! એ રોજ આવે છે અને મને બીવડાવે છે.. કે જો તું આમ નહીં કરે ને?તો.. હું તારું અપમાન કરીશ! એ અધિકારીઓ એવાં 'પગારદાર' શિક્ષકોને કશું જ નથી કરી શકતા કે જે વગવાળા છે, પૈસાવાળા છે! હું મારી આમદાનીથી માંડ મારું ધર ચલાવી શકું એ પણ છીનવાઈ જાય તો મારા કુટુંબનું શું? એ વિચારે ચડું ત્યારે બીજી 'કમાઈ' કરવાનું વિચારું છું. પણ કરી નથી શકતો કારણ કે હું એક શિક્ષક છું! અને જો કદાચ હિમ્મત પણ કરું તો હું સફળ થાઉં, એની કોઈ ગેરંટી નથી, કારણ કે હું ૬૦ મા-બાપને છેતરી શકું એમ નથી! જેટલા અધિકારી એટલા વિચાર! એક કહે આમ કરો તો બીજો કહે આમ! એક કહે તમે બરાબર કર્યું છે, તો બીજો કહે તમે બરાબર કર્યું નથી! એમનામાં કોઈ જ એકસૂત્રતા નથી! શું કોઈ પરીક્ષા પાસ કરવા માત્રથી જ એ અધિકારી બનવાને લાયક બની જાય છે?? એમને મન એ શિક્ષક સારો કે જે એમની આગળ..પાછળ.. ફરે!! 'હાજી.. હાજી..' કરે!! હું તો એ પણ નથી કરી શકતો, કેમ કે મારે ભણાવવું છે! 'હાજી.. હાજી..' કરીને સમય નથી બગાડવો! બાળકને ભણાવતી વખતે હું સમય પણ ભૂલી જાઉં છું, અરે પેશાબ કરવાનું કે પાણી પીવાનું પણ યાદ નથી આવતું, કેમ કે મને મજા આવે છે બાળકોની સાથે, એમને ભણાવવામાં!! એ કોઈનેય નથી દેખાતું કે હું ધ્યાનસ્થ છું, મારા બાળકોની સાથે.. અને ઘુસી જાય છે મારી મેડિટેશનની જગ્યામાં - મારા વર્ગમાં! સાવ ક્ષુલ્લક લાગતી બાબતમાં- 'તમે પાટલી કેમ નથી મૂકી?' કહીને એ મારા ભગવાન જેવા બાળકોની સામે મારું અપમાન કરે છે?!!બાળક બિચારું શું જાણે કે શું થયું?.. એ નિર્દોષતાથી આવે મારી પાસે.. અને એની કાલીઘેલી ભાષામાં મને કહે, "મને નથી આવડતું" ..અને હું એના પર ગુસ્સે થઈ જાઉં.. અને હળવો ધબ્બો મારતા કહું, "કેટલી વખત સમજાઉ તને.. તો યે તને નથી આવડતું.." ..અને બીજી જ મિનિટે મને સમજાય કે આવું બોલીને મેં એનું મોરલ તોડી નાખ્યું! કોઈનેય નથી ખબર, પણ એ 'હળવો ધબ્બો' મને કેટલો જોરથી વાગ્યો છે?!! કારણ કે 'હું' અને 'મારા બાળકો' - અમે એકાકાર છીએ!! એ જ્યારે મારી સામે જુએ છે એની નાનકડી આંખોથી, ત્યારે હું આખેઆખો ચિરાઈ જાઉં છું!! ..અને એ ઉપરીની આંખોમાં મને પોતાના 'અહમ'ને પોષવાની વૃત્તિનો વિજય થતો દેખાય છે!! એના ચહેરા પર કોઈને ખાલીખોટી ખખડાવવાનો આનંદ છે! એને એક પ્રકારની મજા આવે છે, પોતાના 'ઉપરીપણાં'ને સાબિત કરવાની!! એ લોકો નથી જાણતા કે "બાળક કોઈ ટેબલ પર પડેલું આધારકાર્ડનું ફોર્મ નથી કે બે મિનિટ માં ભરાઈ જાય!! એ એક 'ચેતન' છે, જેને પોતાને ગમતું કરવું છે, જેને મન મજા આવવી એ અગત્યનું છે!! દ્રોણાચાર્ય જેવા વિદ્વાન પણ એક અર્જુન બનાવી શક્યા, પોતાના ૧૦૫ વિદ્યાર્થીઓ માંથી! હવે આટલા બધા બાળકો હોય તો સ્વાભાવિક છે, બધા પર વ્યક્તિગત ધ્યાન ન રહે! તોયે અહીં તો બધાને બધું આવડવું જોઈએ નો રાગ આલાપાય છે. શું એવું ન થઇ શકે કે શિક્ષણના અધિકારીઓ પોતે એક વર્ગ દત્તક લે! કે જે ૫૦/૬૦ નો હોય?!! ..અને એ લોકો નિશ્ચિત સમયમર્યાદામાં વર્ગના બધ્ધાંજ બાળકોને બધ્ધુ જ શીખવાડી દે, ભણાવી દે!! એ લોકો પાંચ મિનિટ પણ વર્ગમાં રોકાવા તૈયાર નથી હોતા!! એ ક્યારેય વર્ગમાં નહીં બેસે, નહીં જુએ કે શિક્ષકો શુ કરે છે? કેવી રીતે કેવી સ્થિતિમાં ભણાવે છે? શું એ ક્યારેય શિક્ષકોની જેમ નીચે ન બેસી શકે? સુચનાબુકમાં માત્ર અવાસ્તવિક સૂચનાઓ લખીને એ લોકો માત્ર પોતાનો બચાવ કરવા આવતા હોય એવું લાગે છે! સુચનાબુક ક્યારે માર્ગદર્શનબુક બનશે??એક દિવસ આવવું અને ઝાઝું બધું માન માંગવું..! આવે ત્યારે મિટિંગ અને માર્ગદર્શનના બહાના હેઠળ બધાને કલાકો સુધી રોકી રાખે, એમાં એ એવું ક્યારેય ન પૂછે કે 'તમારે શું તકલીફ છે?' માત્ર પોતાની કડકાઈના અને પોતાની વણમાંગી 'એકશનો'નાં જ બણગાં ફૂંકે!! 'મેં આમ કરી નાખ્યું, અને મેં તેમ કરી નાખ્યું..' આહ.. એમને આવું બધું બોલવાની તો શું મજા આવે? 'આત્મશ્લાધા'ની પણ એક હદ હોય!! એમને મન તો પોતાનું બાળક ભણે છે એવી કોઈ 'પોર્શ એરિયાની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા' અને 'બિચારા માંડ રોજી મેળવી શકનારા સરકારી શાળામાં ભણતા' બધા જ બાળકોને સરખું જ આવડવું જોઈએ!!?? અરે ભાઈ, તમારે કોઈ દિવસ તમારી પ્રિય વ્યક્તિ જોડે થોડું બોલવાનું થયું હોય ત્યારે જોજો કે તમને આખો દિવસ નહીં ગમે!! ક્યાંય મન નહિ લાગે.. હવે જે બાળક રોજ પોતાના ઘરમાં 'હાંડલા' અને 'માં-બાપ'ને કૂસ્તી કરતા જોતો હોય એને મન 'ભણવું' એના કરતા અગત્યની વસ્તુ પોતાના મિત્ર જોડે રમવું અને શિક્ષકની પાસે 'વાલી' તરીકેની હૂંફ મેળવવું વધુ જરૂરી છે!! 'ચાઈલ્ડ સાયકોલોજી'ને માત્ર પુસ્તકમાં ભણવી, એના કરતાં 'બાળમાનસ'ને સમજવા માટે તમે લોકો કશુંય બોલ્યા વગર માત્ર અડધો કલાક વર્ગમાં બેસો ને તોય અધિકારી તરીકે તમે ટૂંકમાં સમજી જાઓ કે ખાટલે ક્યાં મોટી ખોડ છે?? કોઈ બાળકને કેમ આ નથી આવડતું, એમાં ઘણા પરિબળો કામ કરતા હોય છે એ સર્વવિદિત છે.. શિક્ષક તો માત્ર નિમિત્ત બને છે!! સાયકોલોજી ભણી હોય તો ખાસ યાદ કરજો કે 'બુદ્ધિ' વારસાગત હોઈ શકે છે. ભણેલા માં-બાપના સંતાનો થોડા જ પ્રયત્ને વધુ શીખે છે. પણ માંડ પૂરું કરતા અભણ માતા-પિતા હોય તો બાળકને શીખવામાં વાર લાગવાની!! અત્યારે સિનારિયો એ છે કે બધા બાળકને અમુક દિવસમાં બધ્ધુ જ આવડવું જોઈએ..! પછી ભલે એ શાળામાં આવે કે ન આવે!! 'મુછાળી માં' ગિજુભાઈ બધેકાએ પણ જ્યારે શિક્ષણના પ્રયોગો આચર્યા ત્યારે ચોથું ધોરણ સંભાળતી વખતે પોતાના ઉપરીઓને કહી દીધેલું કે મને મારી રીતના ભણાવવા દેજો, મહેરબાની કરીને મને કનડતા નૈ! અને 'દિવાસ્વપ્ન' જો કોઈ અધિકારીએ વાંચ્યું હોય તો(!!) યાદ હશે કે એમને પોતાના વિસ્તારના વાતાવરણ મુજબ વર્ગમાં ઘણા પ્રયોગો કરેલા, જેમાં ઘણા સફળ હતા, તો ઘણા નિષ્ફળ!! છતાંય વર્ષાન્તે ખુદ એમના જ ઉપરીઅધિકારી એમના વર્ગની સફળતાનાં વખાણ કરે છે! જેણે ક્યારેય ખુદ વર્ગમાં ભણાવ્યું જ નથી એવા લોકો શિક્ષણવિદ્વાનોની જેમ અધિકારી બનીને શિક્ષણની ચિંતા કરવા બેસે ત્યારે એમનું 'દિવાસ્વપ્ન' બિચારા ગરીબ લોકોના બાળકો જેમાં ભણે છે એવી સરકારી શાળાઓની ઘોર ખોદે એમાં શી નવાઈ??!! કારણ કે આવી સરકારી શાળાઓમાં એમનાં સંતાનો તો ભણતા જ નથી!!
*****

આતમરામનો સવાલ હજી ઉભો જ છે.. "આજે તે શું કર્યું??" મારો જવાબ - "જ્યારે મને 'હળવો ધબ્બો' જોરથી વાગ્યો ત્યારે મેં બમણી ઈચ્છાથી એ બાળકને 'ન' ની બાજુમાં કાનો કરીયે તો 'ના' થાય.. એવું શીખવાડ્યું. અને થોડીવારમાં જ એણે જ્યારે 'નાક' શબ્દમાંથી 'ના' ને શોધી કાઢ્યો, ત્યારે મેં એ બાળકની આંખમાં એક ખુશી જોઈ! 'ના' આવડી જવાની ખુશી!

મારા આતમરામે 'પ્રવૃત્તિ રજીસ્ટર'માં મારા નામની આગળ માઇલસ્ટોન પૂરો થયાનું 'ટિક' કર્યું હોય, અને પેલા અધિકારીને 'રેમેડીયલ'ની લિસ્ટમાં નાખીને ઈશ્વર સમક્ષ મોકલી આપ્યો હોય એવું લાગ્યું!!
*****

મંગળવાર, 2 જુલાઈ, 2019

Education system will sink our whole country, sure!!

એક ગામ હતું. એ ગામમાં એક હોટલ હતી. એ હોટલમાં એટલું સારું ખાવાનું મળતું કે આજુબાજુના હજારો ગામડાઓમાં એની નામના હતી! વળી, એક જ હોટલ હોવાને કારણે ગામના ગરીબ-તવંગર બધાં ભેગા મળીને ભેદભાવ રાખ્યા વગર સાથે જમતા, એટલે એ હોટલ પણ ધમધોકાર ચાલતી. ગામના સરપંચની નફાની કોઈ ભાવના નહતી, એટલે બધાને લગભગ મફતમાં જ સારામાં સારું ખાવાનું મળી રહેતું.

એક દિવસ એ ગામમાં એક ધનવાન વેપારી રહેવા આવ્યો. ગામની હોટલને ધમધોકાર ચાલતી જોઈ એના વેપારી દિમાગમાં એક હોટલ ખોલવાનો વિચાર આવ્યો. પણ જ્યાં ગામનો સરપંચ પણ મફતમાં જમતો હોય ત્યાં એની હોટલમાં પૈસા આપીને કોણ ખાવા આવે? સહેજેય નિરાશ થયા વગર એ ગામના સરપંચને ઘરે એક મોંઘી ગીફ્ટ લઈને ગયો. મોંઘીદાટ ગીફ્ટ જોઇને સરપંચ તો ખુશ થઇ ગયો! ધીમે રહીને  એણે સરપંચને કહ્યું કે, "આપણે આપણા જેવાં સમૃદ્ધ લોકો સાથે જમવું જોઈએ. ગામના ગરીબ લોકો સાથે જમવામાં તમારું સ્ટેટ્સ નીચું જાય છે."

સરપંચના મનમાં આ વાત તીરની જેમ ખૂંચી ગઈ! એણે વેપારીને પૂછ્યું, "તો મારું સ્ટેટ્સ જાળવવા મારે શું કરવું જોઈએ?'' તરત જ લાગ જોઇને એ વેપારીએ કહ્યું, ''ગામના સમૃદ્ધ લોકો પોતાનું સ્ટેટ્સ જાળવી શકે એ માટે હું અહી ગામનાં પાદરે એક 'સમૃદ્ધ હોટલ' ખોલું તો કેવું રહે? બદલામાં હું તમને મારી હોટલની કુલ આવકનો અડધો હિસ્સો તમને આપી દઈશ. વળી, તમારે જયારે પણ જમવાની ઈચ્છા થાય ત્યારે ત્યાં આવી જવાનું! તમારી પાસેથી હું એક રૂપિયો પણ નહિ લઉં!!"

વેપારીની આ વાત સરપંચના મનમાં ઉતરી ગઈ. સરપંચ હવેથી જયારે પણ ભૂખ લાગે ત્યારે ગામના પાદરે આવેલી 'સમૃદ્ધ હોટલ'માં જમવા જતો. ધીમે-ધીમે ગામના બધા પૈસાદાર લોકોએ પોતાનું સ્ટેટ્સ જાળવવા  'સમૃદ્ધ હોટલ'માં જમવા જવાનું શરુ કર્યું, જેમાં ગામમાં 'મફત'માં ચાલતી હોટલનો માલિક પણ સામેલ હતો!!

થોડાંક સમયમાં એવો વખત આવી ગયો કે ગામની 'મફત'માં ચાલતી હોટલમાં સારામાં સારું ખાવાનું મળતું હોવા છતાં ઘરાકી ઘટવા લાગી! હવે આ હોટલમાં માત્ર ગામના એવા લોકો જ જમવા આવતા, જેઓ પેલી સમૃદ્ધ હોટલમાં ખાઈ શકવા સક્ષમ ન હતા! ગ્રાહકો ઘટવાથી હોટલ બંધ થઇ જવાની અણી પર આવી ગઈ! જો આ હોટલ બંધ થઇ જાય તો આજુબાજુના ગામડાઓમાં પોતાની ઈજ્જત શું રહે? તેથી આબરૂ બચાવવા સરપંચથી માંડીને ગામના બધા લોકો આ હોટલ કેવી રીતે ચાલતી રહે, તે વિચારવા લાગ્યા! હોટલને સરસ મજાનું બિલ્ડીંગ બનાવી આપવામાં આવ્યું. ઘરાકોને જાતે કશું ના કરવું પડે, એ માટે હોટલમાં વેઈટર-સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો. જે આ હોટલમાં ખાવા આવે એના ખાતામાં સામેથી પૈસા પણ આપવાની જાહેરાતો થઇ! હોટલના આખા સ્ટાફને આ જાહેરાતો બધા સુધી પહોચે એ માટે ગામે-ગામ મોકલી દેવામાં આવ્યા. ...પણ બધું જ વ્યર્થ!!  કેમ કે સરપંચથી માંડીને હોટલના કર્મચારીઓ સુધ્ધા પણ હવે પોતાનું સ્ટેટ્સ જાળવવા પેલી 'સમૃદ્ધ હોટલ'માં જ ખાવા જાય છે! વળી, જાહેરાતોથી લલચાઈને જયારે પણ કોઈ આ હોટલમાં ખાવા આવે ત્યારે એમની સેવામાં કોઈ કર્મચારી/સ્ટાફ હાજર જ નથી હોતો! કેમ કે બધા આ હોટલની જાહેરાતના કામોમાં જ રોકાયેલા હોય છે! આ હોટલની આવી હાલત માટે બધા એકબીજાને ખો આપે છે. માલિક કહે છે કે કર્મચારીઓ ખરાબ છે, અને કર્મચારીઓ કહે છે કે માલિકની નીતિઓ ખરાબ છે!!
.
.
૧૦૦%.. આ હોટલ ડૂબશે!!

*******
જ્યાં હોટલનો માલિક પોતે બીજે ખાવા જતો હોય તો એની હોટલમાં કોણ ખાવા આવશે?? ડીટ્ટો.... શિક્ષણ ખાતાનું પણ આવું જ છે!! બધા ખાલી કાગારોળ મચાવે છે. કોઈ નક્કર પગલા ક્યારેય નહિ લેવાય! ખરેખર તો, જયારે કોઈ બાબતને મઠારવાનું આપણા હાથમાંથી જતું રહ્યું હોય ત્યારે એને એની હાલત પર છોડી દેવી જોઈએ! સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ અનુસાર એનામાં તાકાત હશે તો જીવશે, નહીતર મરશે!

શિક્ષણ નામનું જહાજ તરશે કે ડૂબશે??
GOD KNOWS..

મંગળવાર, 26 માર્ચ, 2019

*"અંધેરી બિલ્ડીંગ ને..??!!"*.....

*"અંધેરી બિલ્ડીંગ ને..??!!"*.....

સમજનેવાલે સમજ ગયે હૈ ના સમજે વો અનાડી હૈ!!

******

એક બિલ્ડીંગ(ફ્લેટ)માં 5 ફ્લોર છે. બિલ્ડીંગનો સેક્રેટરી ફ્લેટની વીજળી બચે અને રહેવાસીઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે એ માટે નિયમ બનાવે છે, કે ફ્લેટમાં બપોરના ૧૧ થી ૫ સૌએ સ્વેચ્છાએ સીડીનો ઉપયોગ કરવો! નિયમ સારો હોઈ લગભગ ૬૦% લોકો એનું પાલન કરે છે, પરંતુ ૪૦% જેટલાં વિધ્ન સંતોષીઓ આ નિયમનું પાલન નથી કરતા..!!

પરિણામે રાજા તાત્કાલિક એક બેઠક બોલાવે છે અને બધાને પૂછે છે કે "ફ્લેટનાં સારા ભવિષ્ય માટે બધા આ નિયમનું પાલન કરે એ માટે કોને દંડ કરવો જોઈએ?"

મંત્રીઓ ખૂબ વિચારીને ફ્લેટનાં એકજણ પર દોષનો ટોપલો નાંખે છે. એ કોણ હશે?? સોચો... સોચો...  વિચારો... વિચારો...!!!

તમે માનો યા ના માનો... દંડ ફ્લેટના સેક્રેટરીને થાય છે!! કારણ કે એ બધાને નિયમમાં ના રાખી શક્યો!!

....અને દંડ પણ કેવો? ફ્લેટનું જેટલું લાઈટબીલ આવે છે એ સેક્રેટરીએ ભરવાનું!! ..અને સિડી ચડીને જેના પગ દુઃખતા હોય એમને રાજા તરફથી આપવામાં આવતો દેશીમલમ લગાડી આપવાનો/પગ દબાવી આપવાના!! ફ્લેટના બધા રહેવાસીઓના આરોગ્યનું ધ્યાન રાખવાનું!! ફ્લેટના લોકોની માહિતીઓ રાખવાની!!આ ઉપરાંત, ફ્લેટની સફાઈ કરવાની, મંત્રીઓના કાર્યક્રમોમાં જવાનું, ઉત્સવો ઉજવવાના, સ્પર્ધાઓ કરવાની,  બધાના બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવાના, આધાર કાર્ડ અને ચૂંટણીકાર્ડ બનાવી આપવાના, ફ્લેટમાં બધાંનાં બાળકોને સાચવવાના, કોઈના ઘરે મહેમાન આવે તો ચા-નાસ્તાની વ્યવસ્થા કરવાની.. વગેરે.. વગેરે..!! પાછું આ બધ્ધું સેક્રેટરી પોતે જ કરે છે, એનાં પુરાવારૂપે રાજાને ફોટા/અહેવાલો પણ મોકલવાના!!

....વધુમાં મંત્રીઓએ ઠરાવ્યું કે પેલાં ૪૦% લોકો, કે જેઓ સીડી ચડતાં નથી, એ લોકો સીડી ચડતા થાય એ માટે 'સેક્રેટરી'(!?!?) ને સીડી ચડવાની તાલીમ આપવામાં આવશે!! રોજેરોજ કેટલા લોકો સીડી ચડ્યા અને કેટલા લોકો લિફ્ટમાં ગયા એના ઓનલાઈન આંકડા માંગવામાં આવશે!! એકેએકને ટ્રેક કરીને ઘરે ઘરે જઈને માઈક્રોપ્લાનિંગ કરીને લોકસંપર્ક રજીસ્ટર નિભાવવાનુ રહેશે, અને એમાં દરેકને સમજાવ્યા બદલની સહી કરાવવાની રહેશે!!

ભારોભાર મુશ્કેલીઓ વેઠીને ગમેતેમ કરીને સેક્રેટરી ૯૫% ને નિયમ પાળતા કરી દે છે!

 વર્ષાંતે રાજાનાં મંત્રીઓ આવીને મૂલ્યાંકન કરે છે અને સેક્રેટરીની ભૂલો કાઢતા તેને નોટિસ આપે છે!!

(૧) જે ૯૫% લોકો સીડી ચડતાં થઈ ગયા છે એમાંથી ૫% લોકો બહારગામ ગયા હોવાં છતાં  લોકસંપર્ક રજીસ્ટરમાં સેક્રેટરીએ પોતાની અને એમની સહી અને તારીખ નહોતી લખી!!

(૨) આ ૯૫% લોકોમાંથી મોટાંભાગનાએ બપોરનાં ૧૧ થી ૫ નીચે આવવાનું/ઉપર ચડવાનું બંધ કરી દીધું હોવાથી સ્વાસ્થ્યનો મુખ્ય હેતુ સરતો નથી.

(૩) લોકોનાં પગ દુ:ખતા બંધ થઈ ગયા હોવાથી રાજા તરફથી આપવામાં આવતો દેશીમલમ વપરાયો નથી, જેની સંપૂર્ણ જવાબદારી સેક્રેટરીની ફીક્સ કરવામાં આવી.

(૪) ફ્લેટના ૫% લોકો કે જેઓ સીડી નથી ચડી શકતા.. જેમાં (a) બીમાર લોકો-જયાં સુધી સાજા ન થઈ જાય, (b) વૃદ્ધો- સ્વર્ગવાસી ન થઈ જાય અને (c) નાના બાળકો- જયાં સુધી મોટા ન થઈ જાય ત્યાં સુધી સેક્રેટરીએ જાતે જ એમને પોતાના ખભા પર ઊંચકીને ઉપર/નીચે કરાવવાનું રહેશે. એ દરેકની તારીખ અને સમયવાર લોકસંપર્ક રજીસ્ટરમાં અને ઓનલાઈન નોંધ કરવાની રહેશે.

(૫) ઉપરોક્ત (a),(b) અને (c)  માં જે લોકોનો સમાવેશ થાય છે, એ લોકોની કમિટી બનાવી સેક્રેટરીનું ધ્યાન રાખવાનું કહેવામાં આવશે કે સેક્રેટરી નિયમિત લિફ્ટની લાઈટ ચાલુ કરે છે કે નઈ!!

...ઉપરોક્ત પાંચેય સૂચનોનો ચુસ્તરીતે અમલ નહિ થાય તો,  સેક્રેટરીને IPC નિયમ નં ૮૪ હેઠળ ફ્લેટ ખાલી કરવાની ફરજ પાડવામાં આવશે!!

..............બોલો, છે ને "અંધેરી બિલ્ડીંગ ને..??!!"..........

🔥 *આર્તનાદ* 🔥

રવિવાર, 24 માર્ચ, 2019

લાઇફ મેનેજમેન્ટ

ધર્મ ડેસ્કઃ- એક વખત એક નવયુવક કોઈ સાધુ પાસે પહોંચ્યા અને બોલ્યા - ગુરુદેવ, હું મારા જીવનથી ખૂબ પરેશાન છું, કૃપા આ પરેશાનીથી નીકળવાનો ઉપાય જણાવો. સાધુએ કહ્યુ - એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી મીઠું નાખો અને તેને પી જાઓ.

યુવકે એવું જ કર્યુ. સાધુએ પૂછ્યુ - તેનો સ્વાદ કેવો લાગ્યો. યુવકે પાણી થૂકતા કહ્યુ - ખૂબ જ ખરાબ, એકદમ ખારું. સાધુએ હસતા કહ્યુ - એક વખત ફરી પોતાના હાથમાં એક મુઠ્ઠી મીઠું લો અને મારી પાછલ-પાછળ આવો.

બંને ધીમે-ધીમે આગળ વધવા લાગ્યા અને થોડા દૂર જઈને સાફ પાણીના એક ઝરણાં સામે રોકાઇ ગયા. સાધુએ યુવકને કહ્યુ - તારી મુઠ્ઠીમાં જે મીઠું છે તેને આ ઝરણાંના પાણીમાં નાખી દે. યુવકે એવું જ કર્યુ. તેના પછી સાધુએ યુવકને કહ્યુ - હવે આ ઝરણાંનું પાણી પીવો. યુવકે પાણી પીધું.

એક વખત ફરી સાધુએ પૂછ્યુ - જણાવો તેનો સ્વાદ કેવો છે, શું અત્યારે પણ તને આ ખારો લાગી રહ્યો છે? યુવકે કહ્યુ - ના, ગુરુદેવ, આ તો મીઠું છે, ખૂબ સારું છે.

સાધુ અને યુવક ઝરણાંના કિનારે બેસી ગયા. સાધુએ યુવકને ખૂબ જ શાંતિથી કહ્યુ - જીવનના દુઃખ એકદમ મીઠાંની જેમ છે ન તેનાથી ઓછું ન વધુ.
આપણે કેટલા દુઃખનો સ્વાદ લઇએ છીએ એ તેના ઉપર નિર્ભર કરે છે કે આપણે તેને કયા પાત્રમાં નાખી રહ્યા છીએ એટલે જ્યારે તમે દુઃખી હોવ તો માત્ર આટલું કરી શકો છો કે સ્વયંને ઝરણાં જેટલું મોટું બનાવી લો, ગ્લાસ ન બન્યા રહો.

લાઇફ મેનેજમેન્ટ

દુઃખ આપણાં જીવનનો એક ભાગ છે, એ આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણાં દુઃખની સાથે કેવી રીતે જીવન જીવવું છે. કાં તો આપણે કાયમ આપણાં દુઃખના ભાર નીચે દબાયેલા રહીએ અથવા પછી તે દુઃખોને દૂર કરવાનો ઉપાય શોધીએ. તમારા મનને ઝરણાંના સમાન વિશાળ બનાવો ન કે ગ્લાસની જેમ નાનો.
ધર્મ ડેસ્કઃ- આજે રામકૃષ્ણ પરમહંસજીની જયંતી ઉજવવામાં આવી છે. પરમહંસજી સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. તેમના જીવનના અનેક એવા પ્રસંગ પ્રચલિત છે જેમાં સુખી જીવનના રહસ્ય છુપાયેલા છે. અહીં જાણો એક પ્રસંગ, જેમાં જણાવવામાં આવ્યો છે કે લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચી શકો છો.

- એક વખત રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યની સાથે ચાલતા-ચાલતા નદીના કિનારે પહોંચ્યા. કિનારા પર તેમણે જોયું કે માછીમાર માછલી પકડી રહ્યો છે. પરમહંસજીએ શિષ્યને કહ્યુ કે જાળમાં ફંસાયેલી આ માછલીઓને ધ્યાનથી જુઓ. જાળમાં અનેક માંછલીઓ ફંસાયેલી હતી.

- ગુરુએ શિષ્યને કહ્યુ કે આ જાળમાં ત્રણ પ્રકારની માછલીઓ છે. પહેલી એ જે એવું માની ચૂકી છે કે હવે તેમનું જીવન પૂરું થઈ ગયું છે. તેના કારણે તે પ્રાણ બચાવવાના પ્રયાસ જ નથી કરી રહી. બીજી માછલીઓ એ છે બચવાના પ્રયાસ કરી રહી છે પરંતુ જાળમાંથી બહાર નથી નીકળી શકતી. ત્રીજા પ્રકારની માછલીઓ સૌથી ખાસ છે જે જાળથી બહાર નીકળવાના પ્રયાસ કરી રહી છે. આ માછલીઓ બહાર નીકળવામાં સફળ પણ થઈ ગઈ અને પ્રાણ બચાવીને તરીને દૂર નીકળી ગઈ.

- એવી જ રીતે મનુષ્યોના પણ ત્રણ પ્રકાર છે. પહેલા એવા લોકો જે પરેશાનીઓને અને દુઃખોને પોતાનું નસીબ માનીને એવી જ સ્થિતિમાં મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા છે. બીજા એવા લોકો છે જે દુઃખો દૂર કરવાના પ્રયાસ કરે છે પરંતુ તેમને મુક્તિનો કોઈ માર્ગ નથી મળી શકતો. ત્રીજા પ્રકારના લોકો જે પ્રયાસ પણ કરે છે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચે પણ છે.

- જો આપણે કોઈ લક્ષ્ય સુધી પહોંચવા ઈચ્છીએ છીએ તો તેના માટે સતત પ્રયાસ કરવા જોઈએ. પ્રયાસ ત્યાં સુધી કરતા રહેવા જોઈએ જ્યાં સુધી સફળતા ન મળી જાય.

ધર્મ ડેસ્કઃ- આ એક લોકકથા છે. કોઈ નગરમાં એક કઠિયારો હતો. તેની પત્ની એક દિવસ ખૂબ બીમાર થઈ ગઈ. કઠિયારો તેને વૈદ્ય પાસે લઈ ગયો. વૈદ્યે કઠિયારાને કહ્યુ કે તારે કેટલાક દુર્લભા ફળ અને ઔષધીઓ તારી પત્નીને ખવડાવવી પડશે. થોડાં દિવસ સુધી તે સતત આ વસ્તુઓ ખાશે તો ઠીક થઈ જશે. નજરની આજુબાજુના જંગલોમાં આવી ઔષધીઓ અને ફળ નહોતા મળી રહ્યા. વૈદ્યે કઠિયારાને કહ્યુ કે રાજમહેલના બગીચામાં આ પ્રકારના ફળ અને ઔષધીઓ છે.
રાજાના મહેલથી રોજ ફળ અને ઔષધીઓ લાવવી શક્ય ન હતી. કઠિયારો એર વિદ્યા જાણતો હતો જેનાથી તે મંત્રોના માધ્યમથી વૃક્ષની ડાળખીઓ પોતાની તરફ ઝૂકાવી શકતા હતા. તે રોજ બગીચાની બહારની દીવાલ પાસે ઊભા રહીને તેના માધ્યમથી ફળ અને ઔષધીઓ તોડીને લઈ જતો. એક દિવસ ચોકીદારે આ જોઇ લીધું. તેણે કઠિયારાને પકડીને રાજા સામે પ્રસ્તુત કર્યો. રાજા આ જાણીને ચકિત હતા કે કોઈ તાકાત વિના વૃક્ષોની ડાળખીઓ પોતાની તરફ કેવી રીતે ઝૂકાવી શકે છે. રાજાએ તેને માફ કર્યો અને રોજ જરૂરી ઔષધીઓ અને ફળ તેના ઘરે મોકલવાનો આદેશ પણ સૈનિકોને આપ્યો પરંતુ રાજાએ એક શરત રાખી કે તેને રાજાને આ વિદ્યા શીખવવી પડશે. કઠિયારો માની ગયો. તે રોજ આવીને રાજા સામે બેસીને તેમને શીખવવા લાગ્યો. મહિનો વીતી ગયો પરંતુ રાજા બધા પ્રયાસો કરવા છતાં પણ શીખી નહોતા શકતા. રાજા પરેશાન હતા. આ વાત તેમણે એક મંત્રીને જણાવી. મંત્રીએ રાજાને પૂછ્યુ તો રાજાએ જણાવ્યું કે કઠિયારો રોજ શીખવવા આવે છે પરંતુ બધા અભ્યાસ પછી પણ હું કંઈ શીખી નથી શકતો. મંત્રીએ રાજાને કહ્યુ કે તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. તેના કારણે તે વિદ્યા તમે શીખી નથી શકતા. રાજાએ કહ્યુ કેવી ભૂલ.
મંત્રીએ કહ્યુ તમે સિંહાસન પર બેસીને કઠિયારાને પોતાની સામે બેસાડો છો. રાજાએ કહ્યુ હા તો તેમાં શું ખોટું છે. મંત્રીએ કહ્યુ કે તમે તેની પાસે કંઈક શીખવા ઈચ્છો છો એટલે તે તમારો ગુરુ છે, તમે તમારા ગુરુની બરાબરીમાં બેસીને ક્યારેય કંઈ નથી શીખી શકવાના. તે ભલે તમારા રાજ્યનો એક સામાન્ય કઠિયારો હોય પરંતુ તમે તેની પાસે એક વિદ્યા શીખી રહ્યા છો, પહેલા તેને ગુરુના સમાન સન્માન આપો. તેને ઉપર બેસાડીને જેમ શિષ્ય નીચે બેસીને શીખે છે એવી રીતે શીખો. રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો.
બીજા દિવસે રાજાએ એવું જ કર્યુ અને ધીમે-ધીમે તેને કઠિયારાની વિદ્યા સમજ આવવા લાગી. થોડાં દિવસમાં રાજાએ તે વિદ્યા સંપૂર્ણ રીતે શીખી લીધી. તેના પછી ગુરુ દક્ષિણમાં કઠિયારાને રાજમહેલના બગીચા જેવો જ એક બગીચો બનાવીને દાન કર્યો
કથાનો સાર
જો તમે કોઈ પાસે કંઈ શીખવા ઈચ્છો છો તો તેની યોગ્ય રીત છે કે શીખવાનારને ગુરુની જેમ સંપૂર્ણ સન્માન આપો. જો ગુરુ પ્રત્યે સન્માન નહીં રહે તો તમારી શીખેલી વિદ્યા તમારા કામ નથી આવી શકતી.

પૌરાણિક સમયમાં એક વ્યક્તિને તેની પત્ની સાથે વારંવાર ઝગડા થતા હતા. રોજ-રોજના ઝગડાથી કંટાળીને બધુ જ ત્યાગી જંગલમાં જતો રહ્યો. થોડે દૂર નીકળ્યા બાદ તેણે મહાત્મા બુદ્ધ અને તેમના શિષ્યો જોયા. બુદ્ધ તેમના શિષ્યો સાથે એ જ જંગલમાં રહી રહ્યા હતા. તેણે બુદ્ધને ગુરૂ માની એ જ જંગલમાં રહેવાનું શરૂ કર્યું.

થોડા દિવસ બાદ બુદ્ધે એ વ્યક્તિને કહ્યું કે, મને તરસ લાગી છે, પાસેની નદીમાંથી પાણી લઈ આવ. ગુરૂની આજ્ઞા માની તે પાણી લેવા નદી કિનારે ગયો.
નદી કિનારે પહોંચીને તેણે જોયું કે, જંગલી પ્રાણીઓની ઉછળ-કૂદના કારણે પાણી ગંદુ થઈ ગયું હતું. નીચે જામેલી માટી ઉપર આવી ગઈ હતી. તેણે વિચાર્યું કે, આવું પાણી લઈ જવાનો કોઇ જ ફાયદો નથી.
પાછા ફરીને તેણે ગુરૂદેવને આખી વાત જણાવી. થોડીવાર બાદ બુદ્ધે તેને ફરી પાણી લાવવાનું કહ્યું.

- ગુરૂનો આદેશ માની એ વ્યક્તિ પાછો નદી તરફ ગયો. રસ્તામાં તેણે વિચાર્યું કે, ગુરૂજીએ મને કારણ વગર જ ફરી મોકલ્યો. પાણી એટલું ગંદુ છે કે, તેને પી જ ન શકાય.

- વ્યક્તિ નદી કિનારે પહોંચ્યો તો, તેણે જોયું કે, પાણી એકદમ ચોખ્ખુ હતું. નદીની ગંદકી નીચે બેસી ગઈ હતી. આ જોઇને તેને આશ્ચર્ય થયું.

- પાણી લઈને તે બુદ્ધ પાસે પહોંચ્યો. તેણે ગુરૂજીને પૂછ્યું કે, તમને કેવી રીતે ખબર પડી કે, હવે પાણી ચોખ્ખુ મળશે?

- બુદ્ધે તેને સમજાવ્યું કે, પ્રાણીઓ પાણીમાં ઉછળ-કૂદ કરી રહ્યાં હતાં એટલે પાણી ગંદુ થઈ ગયું હતું. થોડીવારમાં પ્રાણીઓ ત્યાંથી જતાં રહ્યાં એટલે નદીનું પાણી શાંત થઈ ગયું. ધીરે-ધીરે બધી જ ગંદકી પણ નીચે બેસી ગઈ.

- બુદ્ધે આગળ જણાવ્યું કે, આવું જ આપણી સાથે પણ થાય છે. જ્યારે આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે ત્યારે મનમાં ઉથલ-પુથલ થવા લાગે છે અને શાંતિ ભંગ થાય છે. આવી સ્થિતિમાં મોટાભાગે આપણે ખોટો નિર્ણય કઈ લઈએ છીએ. મનની ઉથલ-પુથલ શાંત થવાની રાહ જોવી જોઇએ. ધીરજ ધરી રાખવી જોઇએ. શાંત મને કોઇ નિર્ણય લઈએ તો, યોગ્ય નિર્ણય લઈ શકાય છે.

- એ વ્યક્તિને સમજાઇ ગયું કે, તેણે ઘર છોડવાનો નિર્ણય અશાંત મને લીધો હતો, જે ખોટો હતો. તેણે બુદ્ધની પાછા ફરવાની આજ્ઞા લીધી અને પત્ની પાસે પાછો ફરી ગયો.

કથાની શીખ

આ કથાની શીખ એ છે કે, પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ થાય તો એ સમયે બંનેએ ધીરજથી કામ લેવું જોઇએ. બધુ શાંત થયા બાદ બંનેને બધુ જ સરખી રીતે સમજાઇ જશે અને ખોટો નિર્ણય લેવાશે નહીં. ધીરજથી કામ લેવાથી પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા અટકે છે.

ભિખારી અને રૂપિયાની કહાની તમને જીવન નું મૂલ્ય સમજવી દેશે

એક રાજાનો જન્મદિવ હતો. સવારે જયારે તે નીકળ્યા ત્યારે તેણે નક્કી કર્યું હતું કે તે રસ્તા માં મળનારા સૌથી પહેલા વ્યક્તિ ને આજે પુરી રીતે સંતુષ્ટ કરી દેશે. એવામાં તેને એક ભિખારી મળ્યો. ભિખારી એ જયારે રાજા ની સામે ભીખ માંગી તો રાજા એ એક તાંબા નો સિક્કો તેના તરફ ઉછાળ્યો. સિક્કો ભિખારી ના હાથ ને અડીને બાજુની ગટર માં જઈને પડી ગયો. ભિખારી આ ગટર માં હાથ નાખીને તાંબા ના સિક્કા ને શોધવા લાગ્યો. રાજા એ તેને બોલાવીને બીજો તાંબા નો સિક્કો આપ્યો. ભિખારી એ ખુશ થઈને તે સિક્કાને પોતાના ખિસ્સા માં મૂકી દીધો, અને પાછો જઈને ગટર માં પડેલા સિક્કા ને શોધવા લાગ્યો. એવામાં રાજા ને લાગ્યું કે આ ભિખારી ખુબ જ ગરીબ છે..
રાજા એ ભિખારીને પાછો પોતાની પાસે બોલાવ્યો અને ચાંદી નો એક સિક્કો આપ્યો. રાજા નો જય-જયકાર કરતા ચાંદી નો સિક્કો ભિખારીએ લઇ લીધો અને ફરીથી જઈને ગટરમાં પડેલો તાંબા નો સિક્કો શોધવા લાગ્યો. રાજા એ ફરીથી તે ભિખારીને પોતાની પાસે બોલાવ્યો અને એક સોનાનો સિક્કો આપ્યો.
ભિખારી ખુશીમાં નાચવા લાગ્યો અને ફરીથી તે ગટર ના તરફ વધવા લાગ્યો. એવામાં રાજા ને ખુબ જ ખોટું લાગ્યું. તેણે પોતે નક્કી કરેલી વાત યાદ આવી ગઈ કે સૌ પ્રથમ મળનારા વ્યક્તિ ને આજે સંતુષ્ટ કરવાનો છે. તેણે ભિખારીને ફરીથી બોલાવ્યો અને કહ્યું કે હું તને 1000 અશર્ફિયાઁ આપું છું. હવે તો ખુશ અને સંતુષ્ટ થઇ જા. ભીખારી બોલ્યો-”સરકાર હું ખુશ અને સંતુષ્ટ ત્યારે જ થઇ શકીશ, જયારે ગટર માં પડેલો પહેલો તાંબા નો સિક્કો મને મળી જાશે”.
આપણો હાલ પણ આ ભિખારી જેવો જ છે. ”આપણને પરમાત્મા એ માનવ રૂપી એક અનમોલ ખજાનો આપ્યો છે અને આપણે તેને ભૂલીને સંસાર રૂપી ગટર માં તાંબા ના સિક્કા ને શોધવામાં પૂરું જીવન વ્યતીત કરી નાખીએ છીએ. આ અનમોલ માનવ જીવનનનો દરેક કોઈએ ઉપીયોગ કરવો જોઈએ, આપણું જીવન ધન્ય થઇ જાશે. સૌથી મોટું ધન છે સંતોષ, જેની પાસે સંતોષ નથી હોતું તેના વ્યર્થ ની ચિંતાઓ નો અંત છેલ્લા શ્વાશ સુધી પણ નથી થાતો.
એક દારૂડિયો પહોંચ્યો વિનોબા ભાવે પાસે, તેણે કહ્યું, હું રોજ દારૂ છોડવાનો પ્રયત્ન કરું છું, પરંતુ મારાથી છૂટતો જ નથી, તેમણે દારૂડિયાને એક થાંભલા દ્વારા આપ્યું સમાધાન

આ ઘટના કેટલાક દશક પહેલાંની છે. ભારતના મહાન વિચારક મહાત્મા વિનોબા ભાવે દરરોજ કેટલાક લોકોને મળતા હતા. લોકો મોટાભાગે તેમની સમસ્યાઓ લઈને જતા હતા, મહાત્મા ભાવે પોતાની શૈલીમાં તેમને સમજાવતા હતા. એક દિવસ તેઓ કેટલાક લોકો સાથે બેઠા હતા. ત્યારે એક વ્યક્તિ તેમને મળવા આવી. તે પોતાની દારૂની આદતથી કંટાળી ગયો હતો. દરૂ છોડવા ઇચ્છે છે, છતાં છૂટી નથી રહ્યો.
દારૂડિયાએ હાથ જોડીને મહાત્મા ભાવેને પ્રાર્થના કરી કે, ભાવેજી, હું રોજ સંકલ્પ કરું છું કે આજે જ દારૂ છોડી દઈશ, પરંતુ દરરોજ સંકલ્પ તૂટી જાય છે. દારૂની આદતે તેની જાતને એ રીતે પકડી રાખી છે કે, તે છોડી જ નથી શકતો.

મહાત્મા ભાવેએ જવાબ આપ્યો, 'તું પોતે જ તારી પરિસ્થિતિ માટે જવાબદાર છે.'

દારૂડિયાએ જવાબ આપ્યો, "નહીં મહાત્માજી, હું તો રોજ છોડવા ઇચ્છું છું, પરંતુ મારી આ આદતે મને બહુ ખરાબ રીતે ઘેરી રાખ્યો છે. આ લત છૂટી જ નથી રહી."

મહાત્મા ભાવેએ કહ્યું, "આવું નથી, તું ભ્રમમાં જીવી રહ્યો છે. તારી સંકલ્પશક્તિ નબળી છે."

દારૂડિયાએ ફરી કહ્યું, "ના મહાત્માજી, હું સાચે જ દારૂ છોડવા ઇચ્છી રહ્યો છું, પરંતુ તે છૂટી જ નથી રહ્યો."

મહાત્મા ભાવે એ દારૂડિયાની મુશ્કેલી સમજી ગયા. તેમણે કહ્યું કે, તું સાંજે મારા ઘરે આવીને મને મળ. હું તને સમાધાન જણાવી દઈશ. દારૂની લત છૂટી જશે. નક્કી કરેલ સમયે દારૂડિયો મહાત્મા ભાવેના ઘરે પહોંચ્યો. તેણે જોયું કે, મહાત્મા ભાવે એક થાંભલાને બંને હાથે પકડી ઊભા હતા. દારૂડિયાને જોઇને તે જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા. આ થાંભલાએ મને પકડી રાખ્યો છે, તું મારી મદદ કર. મને આનાથી છોડાવ પછી જ હું તને તારું સમાધાન આપી શકીશ. દારૂડિયો આશ્ચર્યથી જોઇ રહ્યો હતો. તેણે કહ્યું, મહાત્માજી, થાંભલાએ તમને નહીં, તમે થાંભલાને પકડી રાખ્યો છે. તમે જ તો થાંભલાને પકડી રાખ્યો છે. તમે હાથ દૂર કરી લો, જાતે જ છૂટી જશે.

મહાત્મા ભાવે હસ્યા. થાંભલાને છોડીને તેઓ દારૂડિયા પાસે આવ્યા અને બોલ્યા બસ ભાઈ હું પણ તને આ જ સમજાવવા ઇચ્છું છું. દારૂએ તને નહીં, તેં દારૂને પકડી રાખ્યું છે. જ્યાં સુધી તું જાતે પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી દારૂ નહીં છોડી શકે. દારૂડિયાને વાત સમજાઇ ગઈ. તે મહાત્માના ભાવેના પગમાં પડી ગયો.

લાઇફ મેનેજમેન્ટ- જીવનમાં એવી ઘણી ખરાબ આદતો હોય છે, જેમાં આપણે બંધાયેલા છીએ, પરંતુ એમ માનીએ છીએ કે, આ આદતોએ આપણને બાંધીને રાખ્યા છે. જો જીવનમાં સફળતા ઇચ્છતા હોય તો, આ ખરાબીઓને છોડવાનો સંકલ્પ આપણો જ હોવો જોઇએ. આપણી ખરાબીઓ આપણા સિવાય બીજું કોઇજ આપણાથી દૂર નથી કરી શકતું.
❤️💔❤️💖

આપણે જીવન મા પાપ નથી કર્યા.. છતાં આપણાં જીવન માં કષ્ટ ક્યાંથી આવ્યાં..???

એક રાજા પોતાના મહેલના આંગણમાં બ્રાહ્મણોને ભોજન કરાવી રહ્યો હતો.
રાજાનો રસોઇયો ખુલ્લા આંગણમાં જ રસોઇ બનાવી રહ્યો હતો. એ જ સમયે એક સમડી પોતાના પગના પંજામાં એક જીવતો સાપ લઈને રાજાના મહેલ પરથી પસાર થઈ.
આ જ સમયે આત્મરક્ષા માટે સાપે સમડી પર ઝહેર આંક્યું.
આ ઝેર બ્રાહ્મણો માટે બની રહેલ ભોજનમાં પડ્યું. કોઇને આ વાતની જાણ જ નહોંતી થઈ. ઝેરી ભોજન ખાવાથી બ્રાહ્મણોનું મૃત્યું થઈ ગયું. રાજાને આ વાતનું ખૂબજ દુ:ખ થયું. આ પરિસ્થિતિમાં યમરાજ માટે પણ નિર્ણય લેવો મુશ્કેલ થઈ ગયો કે, આ પાપ કર્મ કોના ખાતામાં જશે?

રાજા- જેને ખબર જ નહોંતી કે ભોજન ઝેરી બની ગયું છે.. કે
રસોઇયો- જેને ખબર જ નહોંતી કે રસોઇ બનાવતી વખતે એ ઝેરી બની ગયું છે... કે
સમડી- જે ઝેરી સાપને લઈને રાજા ના મહેલ પરથી પસાર થઈ... કે
સાપ- જેણે પોતાની રક્ષા માટે ઝહેર આંક્યું હતું...

આ પાપ કર્મ કોના ખાતામાં લખવું એ નિર્ણય લઈ નહોંતા શકતા યમરાજ. ઘટના બાદ એક દિવસ થોડા બ્રાહ્મણ રાજાને મળવા આવ્યા અને તેમણે કોઇ મહિલાને મહેલ જવા માટેનો રસ્તો પૂછ્યો. મહિલાએ રસ્તો બતાવ્યો અને સાથે એ પણ જણાવ્યું કે, આ રાજા બ્રાહ્મણોના ભોજનમાં ઝેર ભેળવીને તેમને મારી નાખે છે...

જેવા મહિલાએ આ શબ્દો કહ્યા કે, એ જ સમયે યમરાજે નક્કી કરી દીધું કે, એ મૃત બ્રાહ્મણોના મૃત્યુનું પાપ એ મહિલાના ખાતામાં જશે અને તેણે જ એ પાપનું ફળ ભોગવવું પડશે. યમદૂતોએ જ્યારે આનું કારણ પૂછ્યું ત્યારે યમરાજે કહ્યું કે, જ્યારે કોઇ વ્યક્તિ પાપ કરે છે ત્યારે તેને ખૂબજ આંદ મળે છે.

એ બ્રાહ્મણોની હત્યાથી રાજાને આનંદ નહોંતો મળ્યો કે રસોઇયાને પણ નહોંતો મળ્યો, સાપ કે સમડીને પણ આનંદ નહોંતો મળ્યો. પરંતુ આ પાપ કર્મ ઘટનાની નિંદા કરવાનો ભાવ રાખતી એ મહિલાને ચોક્કસથી આનંદ મળ્યો. માટે રાજાથી અજાણતાં થયેલ એ પાપ-કર્મનું ફળ હવે આ મહિલાના ખાતામાં જશે.

એક વિચાર:-
મોટાભાગે આપણે વિચારીએ છીએ કે, આપણે જીવનમાં કોઇ જ પાપ નથી કર્યાં, છતાં આપણા જીવનમાં કષ્ટ કેવી રીતે આવ્યાં? આ કષ્ટ બીજે ક્યાંયથી નહીં, પણ લોકોની નિંદા કરવાથી થતાં પાપ કર્મોમાંથી આવે છે. ઘણીવાર લોકોથી ભૂલથી પાપ થઈ જાય છે અને લોકો બહુ ઉત્સાહથી એકબીજાને જણાવે છે. આ જ તેમની સૌથી મોટી ભૂલ હોય છે. માટે ક્યારેય કોઇની નિંદા ન કરવી જોઇએ.

ખરાબ કામ કરનારા, બીજાને દુઃખ પહોંચાડનાર અને બીજાનું ધન લૂંટનાર વ્યક્તિને ક્યારેય અતિથિ ન બનાવવા જોઈએ



શનિવાર, 23 માર્ચ, 2019

🔥 *આર્તનાદ* 🔥

*ગણિતનો આ દાખલો કોઈ સમજાવી શકશે ખરાં??*

ધારો કે એક ગામમાં ૧૦૦ યુવાન લોકો રહે છે. ગામમાં ચૂંટણી યોજાય છે. ચૂંટણીનાં દિવસે વૉટ આપવા માટે બધાએ જવાનું છે, પણ વૉટ આપવાનો નિર્ણય વ્યક્તિગત હોઈ માનો કે ૧૦૦ માંથી ૧૫ લોકો મત આપવા નથી જતાં. હવે બચ્યા ૮૫ લોકો! આ ૮૫ માંથી માનો કે ૧૫ લોકો NOTA ને મત આપે છે! હવે બચ્યા ૭૦ લોકો! હવે આ ૭૦ લોકો વૉટ આપવા જાય છે!

માનો કે કુલ ૨ ઉમેદવાર હોય તો જે ઉમેદવાર ૩૬ મત મેળવે એ વિજયી ગણાય! મતલબ કે.. જે વ્યક્તિને ગામનાં ૩૬ લોકો પસંદ કરે છે, તે વ્યક્તિ ૧૦૦ લોકો પર રાજ કરશે!!
મતલબ કે *રાજા બનવા તમારે ૩૬% મેળવવા જરુરી છે!!*

માનો કે ૩ ઉમેદવાર હોય તો એવરેજ ગણતાં ૨૪% જરુરી છે!! ૫ હોય તો ૧૫%, અને ૧૦ હોય તો માત્ર ૮%!! ..અને એમાંય કોઈ મોટી ચૂંટણી હોય તો આવા ૮% થી ૧૦% વાળા ૪/૫ પક્ષવાળા લોકો ભેગાં મળીને બાકીનાં ૬૫% લોકો ઉપર રાજ કરી શકે છે, નિર્ણયો થોપી શકે છે!! મતલબ કે *જો તમે સરેરાશ ૮% લાવો તો પણ રાજા બનીને બીજાં ૯૨% લોકો ઉપર તમારા નિર્ણયો થોપી શકો છો!!*

આ દાખલાનો સીધો મતલબ એ છે કે રાજા બનવા ૮% થી ૩૬% જોઈએ.. પણ બીજા ધોરણનાં એક બાળકને ધોરણ ૩ ને લાયક બનવા ૧૦૦% *(રીપિટ.. ૧૦૦%!!)*  જોઈએ!!

ટેક્નિશિયન,
ગાયક,
ચિત્રકાર,
રમતવીર,
લીડરશીપ,(..ગુણો!!)
સત્ય,
નિષ્ઠા,
પ્રામાણિકતા,
વિનમ્રતા,
આદર.. (મૂલ્યો!!)

..જેવાં *શબ્દો વાંચનાર* બાળક ધોરણ ૩ માં જવાને લાયક છે, પણ *પ્રેક્ટિકલી જાણનાર* નહિ!!

છે ને અદ્ભૂત આ દાખલો!!

🔥 *આર્તનાદ* 🔥


[23/03, 8:47 PM] Hasumatiben: Upcharatmak ni vakhya su thay?
[23/03, 10:35 PM] Yagnesh Rajput: અણીનાં સમયે ચૂંટણી જીતવા માટે ઉમેદવાર ખોટું કરતા અચકાતો નથી. લોકોને ભજીયા/સમોસા પાર્ટી કરાવવી, દારુની રેલમછેલ, રૂપિયા પૈસાની લ્હાણી, આજીજી/ધાકધમકીથી માંડીને લાલચ આપવા સુધી એ બધ્ધુ જ કરે છે!

ઊપચારાત્મક એટલે આપણું અને આપણી સંસ્થાનું સારું દેખાડવા માટે આપણી આત્માને મારીને, બને એટલું સાચું-ખોટું કરીને પણ આવનાર અધિકારીને સારું લાગે એ બધ્ધુ જ ભયભીત બનીને કરવું!!


મંગળવાર, 29 જાન્યુઆરી, 2019

શિક્ષણનાં વિચારો

એક ઇન્સપેક્ટર શાળામાં આવ્યા, એક વર્ગમાં ગયા..
અને બાળકોને તપાસવાનું શરૂ કર્યું. આ ઇન્સપેક્ટર પોતે હમણાં જ ખાતાકીય પરીક્ષા પાસ કરીને ઇન્સ્પેક્ટર બન્યા હતા, એટલે 'આજે તો આ સ્કૂલમાં મારો 'છાકો' પાડી દેવો છે' એવો પહેલેથી જ પૂર્વગ્રહ બાંધીને આવ્યા હતા.

પોતાના આયોજન મુજબ એમણે બાળકોની સામે જ પોતાનાથી ૨૦ વર્ષના વધુ અનુભવી અને ખરેખર હજારો બાળકોના માર્ગદર્શક એવા સાચા શિક્ષકને નાની નાની વાતમાં ધમકાવાનું શરૂ કર્યું!!

"આને કેમ આટલુય વાંચતા નથી આવડતું?"

"સાહેબ આ છોકરો રેગ્યુલર શાળાએ આવતો નથી, કેમકે એનાં.."
"હવે તમારા જેવા માસ્તરો હોય તો છોકરા ક્યાંથી આવે, હંમમ??"

....આપણે વિચારી શકીએ કે એ ઇન્સપેક્ટરે કેવી રીતે બધાને તતડાવ્યા હશે?!!

હવે આપણી કલ્પના એક કદમ આપણે આગળ વધારીએ..
માનો કે આ જ શાળામાં કોઈ એક નેતાનું સગું-વ્હાલું કે ભારોભાર વગવાળું શિક્ષક હોય તો શું થાય??

"ખરેખર આ શાળામાં શિક્ષકો તો કામ કરે જ છે, પણ વાલીઓ એવા છેને, કે શાળામાં બાળકોને મોકલતા જ નથી..!!" ...અથવા તો વાઈસેવરસા આવું જ કોઈ સ્ટેટમેન્ટ એ ઇન્સપેક્ટર આપે!! કદાચ આપ સૌ મારી આ વાત સાથે સંમત હશો..

*****

મેં એક ફોટો જોયો હતો..

કીડી, ઉંદર, પક્ષી, વાંદરો, કૂતરો, હાથી અને માછલી ભણવા બેઠા છે.. સામે એક સાહેબ એમની પરીક્ષા લઇ રહ્યા છે, અને પરીક્ષામાં પૂછ્યું છે, "સામે રહેલા ઝાડ પર જે પહેલા ચડી જાય એ પરીક્ષામાં પાસ!!"

આપણી શિક્ષણ પદ્ધતિમાં આપ સૌનું સ્વાગત છે!!

 વર્ગમાં એક બાળક કીડી જેવું હોય, જેને શારીરિક કામ જ ગમતું હોય.. વર્ગમાં એક બાળક ઉંદર જેવું હોય, જેને નુકસાન-તોફાન કરવું ગમતું હોય.. વર્ગમાં એક બાળક પક્ષી જેવું હોય, જેને પોતાના ગગનમાં ઉડવું ગમતું હોય.. વર્ગમાં એક બાળક વાંદરા જેવું હોય, જે નકલચી-ગોખણિયું હોય.. વર્ગમાં એક બાળક કૂતરા જેવું હોય, જે વફાદાર/ઝગડાખોર હોય.. વર્ગમાં એક બાળક એક બાળક હાથી જેવું હોય, જે કૌટુંબિક(નાના ભાઈબહેન માટે જ આવતું હોય)/મિડ-ડે મિલ માટે જ આવતું હોય..
અને વર્ગમાં એક બાળક માછલી જેવું હોય, જે શિક્ષણની દુનિયાનું જ ન હોય, એની દુનિયા જ કોઈ બીજી હોય!!

આવી સમજદારી કોઈ ઇન્સપેક્ટરમાં ક્યારે આવે??..

આ ઇન્સ્પેક્ટર પોતે જ સાદી ગાણિતિક ક્રિયાઓ કોમ્પ્યુટરની એક્સલ શીટમાં કરતો હશે.. અને બાળકોને ૨૦ સુધીના ઘડિયા મોઢે ના આવડવા બદલ શિક્ષકને ધમકાવતો હશે..!!

આ ઇન્સ્પેક્ટર પોતાના બાળકને ક્યારેય સરકારી શાળામાં ભણવા નહીં મૂકે, અને સરકારી શાળાના 'બિચારા ગરીબ' બાળકોને ભણાવવાની દુહાઈઓ આપતો હશે..!!

વિચારો, આપણા ઘરમાં 'હાંડલા કુસ્તી કરતા હોય', તો શું આપણું મન ક્યાંય લાગશે ખરા?? શુ આ જ પોઝિશન બાળકોની પણ ન હોય શકે??
નાનકડું બાળક મોબાઇલ ઓપરેટ કરવા માંડે, તો આપણે ગર્વથી કહીશું, 'આજના જમાનાના છોકરાવને બધી ખબર પડે છે!!'...
.....પણ મોટાં હોવા છતાંય આપણને ખબર નથી પડતી કે કોઈ બાળકને 'બે પૂંઠા વચ્ચેનું' કેમ નથી આવડતું, એમાં ઘણા કારણો હોઈ  શકે.. સામાજિક, કૌટુંબિક, વાતાવરણીય, માનસિક, શારીરિક.. શક્ય છે કે એના ઘરમાં પણ 'હાંડલા કુસ્તી કરતા હોય'!!

જે ખરેખર શિક્ષકમિત્રો છે, એ ચોક્કસ જાણતાં હશે કે જે બાળકને કશું જ ન આવડતું હોય, એ પણ દરરોજ શાળાએ આવતું હશે તો થોડા મહિના બાદ આપોઆપ એને કશુંક તો આવડવા જ મંડશે!! ...અને હોંશિયાર બાળકના ઘરમાં ઉપર મુજબની કોઈ એક પણ તકલીફ આવે તો એને નબળું/મધ્યમ બનતા પણ જોયું હશે!!  ...સમગ્ર શાળાકીય વર્ષો દરમિયાન સાવ જ ઠોઠ રહેલું બાળક અચાનક જ દસમા/બારમાં ધોરણમાં રેન્કર સાબિત થયાના ઘણા દાખલા આપણી નજર સામે હશે, શક્ય છે કે આપણાંમાંનું જ કોઈ આનું જીવતું ઉદાહરણ હોય!! કુછ ભી હો શકતા હૈ!!

*****
મારા સાહેબ મને હંમેશા કહેતા કે જેને પોતાના કામથી પ્રેમ નથી એ ડરે, જેને પ્રેમ છે એ ન ડરે!!

...અને છતાંય ડર (સૌથી મોટો ડર અપમાનનો જ હોય!!) લાગતો હોય તો..?? આપણાથી નાના માણસોનું આપણે ઘણીવાર કશું જ નથી બગાડી શકતા.. એમ સમજવાનું કે આવેલ અધિકારી આપણાં શિક્ષકત્વનાં અનુભવથી ઘણો નાનો છે!! ...ચૂપ રહેવું!!

*****

વરસાદથી બચવાના બે જ ઉપાય છે, કાં તો છત્રી ઓઢી લેવી, કાં તો બાજ બનીને વાદળથી પણ ઊંચું 'વજૂદ' મેળવી લેવું.

-યજ્ઞેશ રાજપૂત.