મંગળવાર, 19 મે, 2020

મૃત્યુ વિશે...!!

મૃત્યુ વિશે...!!

લોકો મૃત્યુને આટલું ઓકવર્ડ શું કામ બનાવી દેતા હશે?

કોઈ વ્યક્તિ મરી જાય, અને એની ખબર એના કુટુંબ સિવાય બીજા કોઈને પડે તો એ એમના કુટુંબને જલ્દીથી  નહિ જણાવે!! પહેલા તો બધા એમની સામે જોશે! જોનારની નજર જ એવી હોય કે પેલાને તરત જ પોતાના અસ્તિત્વ પર જ શંકા જાય કે 'આ બધા મારી સામે આવી રીતે શું કામ જોવે છે?' થોડીવારે એ પૂછશે, "શું થયું?"

"કઈ નઈ..!!" આવો જવાબ આપીને બધા થોડા આઘાપાછા થશે, અને પછી પાછા બાઘાઓની જેમ ઊંચા શ્વાશે એ વ્યક્તિને જોયા કરશે!

શું કામ?.. કેમ?? વહેલા-મોડા એમને ખબર તો પડવાની જ છે ને?? હા, આપણે એમને 'ધડ' દઈને ન કહી શકીએ કે 'અલા ભાઈ, તારા બાપા મરી ગયા છે, જા ઘરે દોડ!!' કે પછી 'અલ્યા તારી મા મરી ગઈ છે, હવે રડવા માંડ!!' ..પણ એને મૃત્યુના સમાચાર વિષે થોડું માનસિક સજ્જ કરીને સમયસર વાત તો જણાવી શકીએ ને? આવું સસ્પેન્સ ક્રિએટ કરવા કરતા!!

વધારે આશ્ચર્ય તો પછી એ વાતે થાય છે જયારે કોઈના મૃત્યુ પાછળ કોઈ રડે તો આજુબાજુ બેઠેલા એને શાંત પાડવા થનગને, અને ના રડે તો એને રડાવવા માટે ધમપછાડા કરે!!.. ખુલીને રડવા પણ નઈ દેવાનું.. અને માનસિક મજબુત પણ નઈ બનવા દેવાનું!! આવું કેવું? પોતાના સ્વજનના મૃત્યુ પછી એ વ્યક્તિનું જે રીએક્શન આવવાનું છે, એ તો કદાચ વહેલું-મોડું આવવાનું જ છે.. તો પછી આટલું ઓકવર્ડ બનાવવાની કોઈ જરૂર ખરા?? મેં એક વાર્તા ક્યાંક વાંચી હતી.. મને શેર કરવી ગમશે.. એક્ચ્યુલી બે વાર્તા છે..!!

એક રાજાને અચાનક ખબર પડી કે આજે એને યમરાજ લેવા આવવાના છે. એણે તરત જ પોતાનો પવનવેગી પાણીદાર ઘોડો મંગાવ્યો. અને પોતાનું રાજ્ય છોડીને દુરદુર.. યમરાજ ના પહોચી શકે એટલો દુર જવા લાગ્યો. લગાતાર આખો દિવસ ઘોડેસવારી કરીને સાંજે સુરજ ઢળતા તે એક ઝાડ નીચે ઉભો રહ્યો. તરત જ યમરાજ પ્રગટ થયા અને એ રાજાને કહ્યું, "ખરેખર તારો ઘોડો પવનવેગી છે!" રાજાએ ઘોડાના વખાણ કરવાનું કારણ પૂછ્યું તો યમરાજે કહ્યું, "મને શંકા હતી કે આટલા ઓછા સમયમાં તું અહિયાં પહોચીશ કે કેમ? પણ તારા ઘોડાએ ખરેખર કમાલ કરી અને અને તને ટાઈમસર અહી પહોચાડી દીઘો!" રાજાને કઈ ના સમજાયું. તરત જ ઝાડની એક વિશાળ ડાળ રાજાના માથે પડી અને તે મૃત્યુની નજીક પહોચી ગયો!  મરતા રાજાને યમરાજે કહ્યું, "રાજા તારું મૃત્યુ અહી ઝાડ નીચે લખેલું હતું!" આ સાંભળી રાજાને તરત જ સમજાઈ ગયું કે જો તે મહેલમાં જ રહ્યો હોત તો જીવતો રહ્યો હોત..!! આ આઘાતમાં તે મૃત્યુ પામ્યો!!

ભગવાન વિષ્ણુનું ગરુડ અને એક ચકલી સ્વર્ગના દરવાજે બેઠા હતા. એટલામાં કોઈક કારણસર યમરાજ ભગવાન વિષ્ણુને મળવા એમના દરબારે આવ્યા! પણ ત્યાં એક ચકલીને ગરુડ પાસે બેઠેલી જોઇને એમને બહુ આશ્ચર્ય થયું. એમને કરડી નજરે ચકલીને પૂછ્યું, "તું અહિયાં શું કરે છે?" ચકલી યમરાજને જોઇને બી ગઈ, અને કશું ના બોલી શકી. "ઠીક છે, હું હમણાં આવું છું." કહી યમરાજ વિષ્ણુ ભગવાનના દરબારમાં પ્રવેશ્યા. થોડીવાર પછી બહાર આવ્યા અને જોયું કે હવે ચકલી ગરુડ પાસે બેઠી નહતી! તેમને ગરુડને પૂછ્યું, "પેલી ચકલી ક્યાં ગઈ?" ગરુડે કહ્યું, "તમને જોઇને એ બી ગઈ એટલે મને એ ચકલીએ મૃત્યુલોકમાં એક ઊંચા પર્વત પર મૂકી આવવા વિનંતી કરી, એટલે હું એ ચકલીને ત્યાં મૂકી આવ્યો." યમરાજ આ સાંભળી ખુશ થઇ ગયા. ગરુડે આશ્ચર્યથી પૂછ્યું, "આપ આ સાંભળી ખુશ શા માટે થયા?" તો યમરાજે કહ્યું, "આજે એ ચકલીનું મૃત્યુ એ પર્વત પર થવાનું છે. સારું થયું તું એને ઝડપથી ત્યાં મૂકી આવ્યો. બાકી વિધિનું વિધાન આજે ફેરવાઈ જાત!!"

ઉપરની બે વાર્તા ઉપરાંત પેલી ભગવાન બુદ્ધની 'જેના ઘરે આજ સુધી કોઈ મૃત્યુ ના પામ્યું હોય એવા ઘરેથી રાઈના દાણા લઇ આવવા' વાળી કિસા ગૌતમીની વાર્તા પણ ક્યાં જાણીતી નથી??

આપણામાંથી કોણ એવું નઈ જાણતું હોય કે આપણે બધા એકને એક દિવસે તો મરવાના જ છીએ? મોટામાં મોટા વ્યસનીને પૂછો અથવા તો રાહ ચાલતા સામાન્ય વ્યક્તિને પૂછો, તો એ બિન્દાસ થઈને કહેશે, "યાર, એકને એક દિવસ મરવાનું જ છે ને?" ....પછી શું છે? ઘરમાં બેઠા હોવ ને અચાનક માથે પંખો પડ્યો ને મરી ગયા..!! અથવા તો પછી માનો કે આપણે ક્યાંક બહાર ફરી રહ્યા છીએ અને અચાનક અકસ્માત થયો ને આપણે ગુજરી ગયા!! શું કરી લેવાનું એમાં? એક્ચ્યુલી તો  મારા મતે મૃત્યુને જેટલું ઓકવર્ડ બનાવીએ એટલું એ વધારે ભય પેદા કરનારું બને!!

જો એવી ખબર પડી જાય કે હવે મૃત્યુ નજીક છે, તો શું કરવું? મૃત્યુ આવવા સુધીની દરેક પળને આનંદના રાજેશ ખન્નાની જેમ અને દસવિદાનીયા ફિલ્મની જેમ જિંદગીને જીવી લેવી જોઈએ. જો કોઈને એમ લાગતું હોય કે 'આવું જોવું, કહેવું, લખવું અને વાંચવું સહેલું છે.' તો મરતા પહેલા તમારે જે કામો પુરા કરવાની ઈચ્છા હોય, એમાંથી એક કામ.. માત્ર એક જ કામ, કે જે આપણે પૂરું કરી શકતા હોય એ કામ અત્યારથી જ કરવા માંડવું!!

મારા સ્વજન પણ એક દિવસ સ્વર્ગે (...ઓફકોર્સ, સ્વર્ગે જ સ્તો!!) સીધાવવાના છે. જો એ દિવસ આજનો જ હોય તો હું શું કરું? બેશક, એમને શક્ય એટલો પ્રેમ આપું!! ..પણ જો એ કામ હું આજે જ, અને અત્યારે પણ કરી જ શકતો હોઉં તો મારે એમના મૃત્યુનો દિવસ આવવાની રાહ જોવાની જરૂર ખરી?? ...કમસે કમ 'હું' કે 'એઓ' એકબીજાની ગેરહાજરીમાં, માનો કે મૃત્યુ પામીએ તો એવો અફસોસ તો ન રહે કે, ..મેં એમને પ્રેમ નથી આપ્યો, કે પછી મારે એમની સાથે આ કામ હતું અને હું પૂરું ના કરી શક્યો!! મારું જીવન કોઈ ફિલ્મ થોડી છે કે બધું પૂરું થઇ જાય??.. પણ હા, જેટલું બને એટલું પૂરું કરવાનો પ્રયત્ન તો કરું!! ..આટલું કર્યા પછીયે સ્વજનના મૃત્યુથી રડવું આવે તો 'હૈયાફાટ' રડવું. આમેય નસીબદાર જ નાના બાળકની જેમ હૈયાફાટ હસી કે રડી શકતા હોય છે!! ...પણ રડવું ના આવે તો ધરાર રડવાની મને તો કોઈ જ જરૂર લગતી નથી, એ પણ ખાલી લોકોને દેખાડવા કે '...જોવ, હું રડું છું!' ..ઘણા લોકોને તો જોઇને જ ખબર પડી જાય કે આને રડવું-બડવું કઈ આવતું નથી, તોયે ખાલીખોટા 'એ..એ..' અને 'હો..હો..' કરીને તણાય છે! આવા લોકો પાછા હજુ તો મરનારની ચિતા પણ ના હોલવાઈ હોય એ પહેલા એમની સંપત્તિ અને ખર્ચા માટે ઝઘડો શરુ કરી દેતા હોય છે!! ..અને સાંત્વના આપવાવાળા બાકી બધા બીજા દિવસથી પોતપોતાના કામધંધે લાગી જતા હોય છે!

મૃત્યુને સ્વીકારવા માટે આ માત્ર એક પગદંડી છે. આનાથી સહેલો રસ્તો સો ટકા કોકની પાસે હશે!! મૃત્યુનો સ્વીકાર એની સાથે સંવાદ કરાવે, બાકી વિરોધ તો ....ભય અને વિવાદ સિવાય બીજું કશું જ ના કરે!!

-યજ્ઞેશ રાજપુત (લ.તા. ૧૧-૧૨-૨૦૧૬)

...જયારે દીકરીએ દાદાની ઈચ્છા પૂરી કરી!!

...જયારે દીકરીએ દાદાની ઈચ્છા પૂરી કરી!!

*******
"એક રીક્ષા ધ્યાનમાં છે, મારે એ લેવી છે." પપ્પાએ અચાનક જ કહ્યું.
"હવે આ ઉંમરે તમને રીક્ષા લાવી આપું તો લોકો મને ગાંડો ગણે.." મેં કહ્યું.
"તો હું ઘરે રહીને શું કરું? એના કરતા જે થોડો બહાર હરતો-ફરતો રહું તો સારું નઈ?"
હું શું બોલું? થોડી રકઝક પછી મારો જવાબ હતો.. "તમારી ઈચ્છા છે ને? જાઓ, લઈ લો. બસ.. તમારી ઈચ્છા પૂરી કરો."

******
૧૯૭૮ થી એ ભાડાની રીક્ષા ચલાવે છે. એના પહેલા બેએક વર્ષ એમણે  રીક્ષાની ગેરેજમાં કામ કર્યું. (..કદાચ કરવું પડ્યું, કેમ કે એમના મોટાભાઈએ દાદાની મિલકતમાંથી કશું જ ના આપ્યું, અને સામાન ઘરની બહાર ફેકીને કાઢી મુક્યા!!) રીક્ષા-લાઈનમાં બધા સારા નથી હોતા. એ પણ 'ગંદી સોબત'માં ફસાયા. મમ્મીએ બચતમાંથી એક રીક્ષા લીધેલી, પણ એમની એ 'ગંદી સોબતે' વધુ ડુબાડ્યા! પરિણામે પાછું ભાડાની રીક્ષા પર આવી જવું પડ્યું! 

ત્યારથી આજ સુધી આ 'ભાડાની રીક્ષા'ની સફર ચાલુ રહી. એક વર્ષ પહેલા 'ભાડા'ની આવી જ જ્દ્દોજ્હ્દમાં રીક્ષા માલિક સાથે બોલવાનું થયું. મેં રીક્ષા મૂકી દેવા કહ્યું. પણ એ ના માન્યા!

ત્યારથી મનમાં ચાલતું હતું કે પપ્પાને પોતાની જ એક રીક્ષા લાવી દઉં! ..પણ પીછેહટ કરતો, કેમ કે લોકો તરત જ કહે, પોતે ગવર્નમેન્ટ નોકરી કરે છે, તો પણ બાપને રીક્ષા ચલાવવાનું કહે છે?!! વધુ કશું વિચાર્યા વગર મેં એમને જે કરવું હોય એ કરવા દીધું!  

થોડા દિવસ પહેલા એ અચાનક શાળાએ મળ્યા, અને ઉપરનો સંવાદ થયો! એમની ખુબ જ ઈચ્છા હતી, રીક્ષા લેવાની! પહેલીવાર એમને કૈક માંગ્યું.  હું શું કરતો? મારી પાસે જેટલી બચત છે, એ રીક્ષા માટે પુરતી નહતી! ...તરત વિચાર આવ્યો, તન્વી માટે યથાશક્તિ કરેલી બચત શું કામમાં આવશે? તન્વી માટે બચાવેલી રકમમાંથી આખરે દાદાની 'પોતાની રીક્ષા' આવી ગઈ!! 
 
*******
આજે તન્વીના હાથે જ 'પોતાની રીક્ષા'નો શુભારંભ થયો! 
આ રીક્ષાની કિંમત જે હોય એ, અમારે મન તો કો'કની 'નવી કાર' કરતાં પણ વધારે છે!!

બુધવાર, 22 એપ્રિલ, 2020

શાળા લાઈબ્રેરી


પાર્ટ-1
• નામ: રાજપૂત યજ્ઞેશકુમાર કૈલાશચંદ્ર
• હોદ્દો: આ.શિ.
• શાળા DISE CODE  : 24071204342
• શાળાનું નામ : વટવા ગુજરાતી લલ  ડાયા તારીખ:
• રહેઠાણ:
પાર્ટ-2
• વિશેષ લાયકાત:
• ભણાવતા ધોરણ:
• ભણાવતા વિષય:
પાર્ટ-3
વય જૂથ:
1. 6 થી 10 વર્ષ
2. 10 થી 14 વર્ષ
3. 14 થી 18 વર્ષ
કૃતિનો પ્રકાર:
વાર્તા
કવિતા
લેખ
ઉપદેશ
લોકકથા
પૌરાણિક કથા
લોકગીત
જીવન ચરિત્ર
સ્થાનિક લોકજગત
કાલ્પનિક તેમજ ખગોળીય ઘટનાઓ
સ્થાનિક ઇતિહાસ
અન્ય
કૃતિનું શીર્ષક:
કૃતિનો ટૂંકસાર મહત્તમ ૬૦ થી ૭૦ શબ્દોમાં:
કૃતિ નિર્માણ માટે કોઈ સંદર્ભ સાહિત્ય નો ઉપયોગ કરેલ છે હા કે ના જો હા તો
2
3
4
5
કૃતિ માટે સમગ્ર શિક્ષા ગાંધીનગરને મંજૂરી
કોપીરાઇટ અંગે કોઈ પ્રશ્ન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે
તેની સાથે એક કાગળ પાર નીચે આપેલી માહિતી લખી અને સહી કરી ફોટો ફોર્મેટમાં અપલોડ કરો.
"કોપીરાઇટ અંગે કોઈ પ્રશ્ન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.

મારી કૃતિની પ્રસ્તુતિ માટે હું સમગ્ર શિક્ષા ગાંધીનગરને મંજૂરી આપું છું.

સહી"
આપની કૃતિ અહીં અપલોડ કરો pdf અથવા ફોટો ફોર્મેટ માં વર્કપ્લેસ પર અપલોડ કરો.
https://gujaratpublicschools.workplace.com/groups/1383491608488763/
"તન્વીની સમજદારી"

એક નાનકડી છોકરી હતી. એનું નામ તન્વી. એ ભારે બોલકી. આખો દિવસ બોલ-બોલ જ કર્યા કરે. ઘરમાં બધાં તન્વીને ઓછું બોલવાનું કહે, પણ એનાં મમ્મીને તન્વી બોલે એ બહુ ગમે.

રોજ રાતે સૂતી વખતે તન્વીના મમ્મી તન્વીને એનાં પપ્પાનો મોબાઈલ નંબર અને ઘરનું સરનામું બોલાવડાવે, અને પછી જ સુવડાવે. એટલે તન્વીને એનાં પપ્પાનો મોબાઈલ નંબર અને ઘરનું સરનામું યાદ રહી ગયેલું. જ્યારે કોઈ અજાણ્યું માણસ ઘરે આવે એટલે તન્વી એમને કહે, "કંઈ કામ હોય તો મારા પપ્પાને ફોન કરો." એવું બોલીને એ ફટાક દઈને એનાં પપ્પાનો મોબાઈલ નંબર બોલી જાય. આટલી નાનકડી તન્વીને એનાં પપ્પાનો મોબાઈલ નંબર અને ઘરનું સરનામું આવડે છે એ જોઈ બધાને નવાઈ લાગે.

એક દિવસ તન્વી એનાં મમ્મી-પપ્પા સાથે મેળામાં ફરવા ગઈ. મેળામાં તો બહુ જ બધી વસ્તુઓ હતી. ચકડોળ, હિંચકા, હોડી, ફુગ્ગા, આઈસ્ક્રીમ, બબલ્સ.. એવું બધું જોવામાં તન્વી એવી ખોવાઈ ગઈ કે ક્યારે એનાં પપ્પાનો હાથ છૂટી ગયો, એ એને યાદ જ ન રહ્યું, અને.. તન્વી મેળામાં ખોવાઈ ગઈ. એણે આજુબાજુ જોયું, 'મમ્મી.. પપ્પા..' બુમો પણ પાડી, પણ માણસોની ભીડમાં તન્વીને એનાં મમ્મી-પપ્પા ક્યાંય ના દેખાયાં. તન્વી તો રડવા જેવી થઈ ગઈ. 

..પણ તન્વી સમજદાર હતી. એને રાતે સૂતી વખતે મમ્મીની કીધેલી વાત યાદ આવી, "ખોવાઈ જઈએ ત્યારે ક્યારેય ગભરાવું ના જોઈએ. કોઈ સારાં માણસને જોઈને પપ્પાનો મોબાઈલ નંબર અને ઘરનું સરનામું કહેવું જોઈએ." 

તન્વીએ તરત જ આજુબાજુ જોયું. થોડે દુર ઝાડ નીચે એક આંટી, અંકલ અને એમનાં બાળકો બેઠાં હતાં. એ સારાં લોકો લાગતાં તન્વી એમની પાસે ગઈ, અને પોતે ખોવાઈ ગઈ છે, એવું કહી એનાં પપ્પાનો મોબાઈલ નંબર અને ઘરનું સરનામું કહ્યું. પેલાં અંકલે તરત જ ખિસ્સામાંથી એમનો મોબાઈલ કાઢ્યો, અને તન્વીના પપ્પાને ફોન કરી તન્વી એમની પાસે છે એવું કહ્યું.

તન્વીનાં મમ્મી-પપ્પા પણ તન્વીને જ શોધી રહ્યાં હતાં. તેઓ તરત જ દોડતાં દોડતાં એ ઝાડ નીચે આવ્યા, અને તન્વીને જોઈને એની મમ્મીએ તો ખુશ થઈને એને ઊંચકી લીધી. તન્વીનાં પપ્પાએ પેલાં અંકલનો આભાર માન્યો, અને બધાને આઈસ્ક્રીમ ખવડાવી. 

તન્વીની સમજદારીથી તન્વી એનાં મમ્મી-પપ્પાને પાછી મળી ગઈ.

મંગળવાર, 21 એપ્રિલ, 2020

21-4-17 ફેસબુક પોસ્ટ

जिसके भी विचार हो, एकदम सही है...!!

હું માસ્તર બન્યો એનો સાફ મતલબ છે કે લાંબી બુધ્ધિ ન જ હોય. પણ આટલી ઓછી બુદ્ધિમાં એ મને એટલી ખબર પડે છે કે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણની હાલત ભુંડણાંએ તરબુચ તોડી નાખ્યું હોય એવી થઈ ગઈ છે. શિક્ષકને નટ બજાણીયાના કુતરા જેવા કરી દિધા છે. નટીયો વસ્તુ ફેકે એ લેવા કયારે ને કયાં હળી કાઢવી. શિક્ષા કરવી નહીં, નાપાસ કરવા નહી, હાજરી ગણવી નહી.. સત્તા શુન્ય જવાદારી હજાર. પછી કુલડીમાં સાંઢીયો પુરવા જેવી વાત થઈ. અપવ્યય(drop out) લગભગ શૂન્ય થયો નામાંકન સો ટકા થયા તો એના માટે સરકાર અને શિક્ષણના ઉચ્ચ અધિકારાઓ એકબીજાની પીઠ થબથબાવે છે. બીજી બાજુ શિક્ષણનું સ્તર કથડયું તો જવાબદાર માસ્તરો.!! વાહ રે... આ બધાને શુ કહેવા શિક્ષણના બુટલેગરો? પણ એમ કહેશું તો બુટલેગરો અને દારૂડીયાઓને અપમાન લાગશે. શિક્ષણના ચાંચિયા કહેશું તો સોમાલીયા વાળા મોઢું બગાડશે. માટે માનનીય શિક્ષણવિ(વા)દો કહીશું.માત્રને માત્ર શિક્ષકોના કારણે બગડેલ શિક્ષણમાં પણ સાત ધોરણ ભણેલ છોકરાંને પણ એટલી ખબર તો પડે જ છે કે ન આવડે એને નાપાસ કરવા જોઈએ.. આ વાતને આપણા શિક્ષણવિ(વા)દો ને સમજતાં સાડા નવ વરહ લાગ્યાં..! પાછો એમાં વળી એવો નિર્ણય લેવાય રહ્યો છે કે ઈન્સટોલમેન્ટમાં નાપાસ કરવા. માત્ર ત્રીજા, પાંચમા અને આઠમાં ધોરણમાં છઠ્ઠા ધોરણનું ન આવડે એનેય આઠમાંમાં લઈ જવાનો લ્યૌ...પણ જે તે ધો. માં નાપાસતો નહી જ કરવાના. આ લોજીક સમજાય તો મને કાગળ લખજો નો સમજાય તો આપણાં શિક્ષણખાતાને લખજો એને સમજાણું હશે તો તમને સમજાવી દેશે ગમે તેમ કરીને...
        રહી વાત શિક્ષણના અખતરાઓની.. મારા પરમ મિત્ર નાગાજણભાઈ માસ્તરે એક સરસ કોમેન્ટ કરેલી કે જ્યારથી જીવદયાવાળાએ ઉદર, સસલા ને ભુડળાં પર પ્રયોગો કરવાની ના પાડી ત્યારથી તમામ પ્રયોગો પ્રાથમિક શિક્ષણમાં શરૂ કર્યા. છોકરાંવ જેવું કામ આદર્યુ, બીજ વાવે પછી દર કલાકે ખોદી ને જોવે ઉગ્યું કે નહી. હમણાં હમણાં તો હદ થઈ ગઈ.. કોઈ એક શિક્ષણના સુપર માનવે એવો ધડાકો કર્યો કે શિક્ષકોની પરિક્ષા લેવાશે.! હું ગેરેન્ટી આપુ એકેય શિક્ષક નાપાસ નહી થાય. કારણ કે અમે તો ભણાવવાનું મુકી ને ભણવાનુ ચાલુ કરશું એ પણ અગીયારથી પાંચમાં.. પણ આખરે ભોગ વિદ્યાર્થીઓનો લેવાશે. આવા ગુણોત્સવો આવ્યા પછી જ પ્રાથમિકના બાળકોને ચોરી કરતાં આવડયું છે. બાકી આ બાળકોને ખબર જ નહોતી કે પેપરમાં ચોરી પણ કરવાની હોય.. અને એ અમારી માસ્તરૂની મજબુરી કે એવુ પણ શીખવવું પડ્યું. હવે આમાથી ઈજનેર બનશે, કોઈ કંપનીના સીઈઓ બનશે, અઆઈએએસ બનશે, મુખ્યમંત્રી પણ બનશે.. પણ મારી લેખીત ગેરેન્ટી એક પણ ગાંધીજી, ભગતસિહ કે બાબાસાહેબ નહી જ બને. કારણ આ બધા મહા પુરૂષોના આદર્શોના મર્ડર અમભ જ કર્યા છે કે કરવા પડ્યા છે. અહી ફકત ગુણ(માર્ક) જોવાય છે ગુણ(મૂલ્ય) નથી જોવાતાં.
     જે શાળાઓમાં જેમની માથે પંદર પોલીસ કેઈસ થયા હોય એવા ચાર ચોપડી ભણેલ નેતાઓ છોકરાઓની હાજરીમાં ચાણ્કયોને ખખડાવતા હોય. આ દ્રશ્ય જોનાર વિદ્યાર્થી શું બનશે? ગુણોત્સવમાં આવનાર સનદી અધિકારીઓ ગુરૂઓનું મુલ્યાંકન કરે છે પણ પોતે તેમાંથી કેટલા ઈમાનદાર હશે? જો કે મોટાભાગના સારા અધિકારીઓ ને ગુરૂઓની કસોટી કરવી નથી ગમતી. પણ બધાની મજબુરી હોય.. હમણાં મને એક ખાનગીશાળાના અભણ સંચાલકે પુછયું શિક્ષણ કથળવાનું કારણ શું હશે? મે કહ્યું તમારા મોબાઈલમાં ફ્રન્ટ કેમેરો કેટલા મેગા પિક્ષલનો છે જુઓ તો? 
 કથળેલ પ્રાથમિક શિક્ષણ માટે જવાબદાર 
----પોપટ ખુંટી

મંગળવાર, 10 માર્ચ, 2020

ફોરવર્ડ કરેલું..

https://www.facebook.com/100000085403295/posts/3152659821413500/

કામનો ઈરાદો માણસના સુખનો આધાર! - મોહમ્મદ માંકડ
 
એક સૂફીકથા આ પ્રમાણે છે.

એક નાનકડા ગામમાં, એક ગરીબ ભરવાડ બકરીઓ રાખીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હતો. તે બોલી શકતો હતો, પરંતુ તદ્દન બહેરો હતો.

તાજું, લીલું ઘાસ ચરાવવા માટે રોજ બકરીઓને લઈને એ ગામથી થોડી દૂર આવેલી ટેકરી ઉપર લઈ જતો હતો. એ બહેરો હતો એ ખરું, પરંતુ એથી એને કશો ફરક પડતો નહોતો. એક દિવસ એણે જોયું તો ખબર પડી કે એની પત્ની બપોરનું એનું ભાથું આપવાનું જ ભૂલી ગઈ હતી. અગાઉ આવું બન્યું ત્યારે દીકરા સાથે પાછળથી એણે ભાથું મોકલી આપ્યું હતું, પરંતુ આજે તો સૂરજ માથે આવી જવા છતાં હજુ સુધી કશું આવ્યું નહોતું.

ભરવાડે વિચાર્યું કે, હું ઘેર જઈ આવું. દિવસ આથમે ત્યાં સુધી ભૂખ્યાપેટે હું અહીં રહી નહીં શકું. એની નજર ટેકરી ઉપર ઘાસ કાપતા એક માણસ પર પડી. એની પાસે એ પહોંચી ગયો અને કહ્યું, ‘ભાઈ, મારી બકરીઓ ઉપર જરા નજર રાખતા રહેશો? એ બધી આઘીપાછી ન થઈ જાય. મારી પત્નીએ મૂર્ખાઈ કરી છે, આજે બપોરનું ખાણું મૂકવાનું જ ભૂલી ગઈ છે. એ માટે મારે ઘેર જવું પડશે.’

હવે પેલો ઘાસ કાપવાવાળો પણ બહેરો હતો. એણે એક શબ્દ પણ સાંભળ્યો નહોતો. એટલે એણે કહ્યું:

‘હું મારાં ઢોર માટે જે ચારો કાપું છું એમાંથી તને મારે શા માટે કાંઈ આપવું જોઈએ? મારા ઘેર એક ગાય અને બે ઘેટાં છે. જો તને ઘાસ આપું તો એના માટે ઘાસ લેવા માટે મારે ઘણે દૂર જવું પડશે. અત્યારે મારી પાસે થોડું ઘણું લઈ જવા માટે છે એમાંથી તને હું કશું આપવા માગતો નથી. માટે મારો પીછો છોડ.’

એણે હાથ હલાવ્યો, ‘જા ભાઈ, જા.’ અને મૂછમાં હસ્યો. પણ બકરીવાળા બહેરા ભરવાડે તો કશું જ સાંભળ્યું નહોતું. એણે કહ્યું, ‘મારા મિત્ર, સંમત થવા બદલ આભાર. હું જઈને તરત જ પાછો આવું છું. ઈશ્વરના આશીર્વાદ તમારા ઉપર હજો, તેં મારા મનને શાંતિ આપી છે. દોડતો-દોડતો એ ગામમાં પહોંચ્યો અને પોતાના ઘેર જઈને જોયું તો તેની પત્ની તાવમાં પટકાયેલી હતી અને એક પડોશી બાઈ એની સંભાળ લઈ રહી હતી. ભરવાડ પોતાનું ભાથું લઈને ફરી ટેકરી ઉપર પહોંચી ગયો. એણે બકરીઓ ગણી લીધી. પૂરેપૂરી હતી, એક પણ આઘીપાછી થઈ નહોતી.’

પેલો ચારો વાઢવાવાળો તો હજી પોતાના કામમાં વ્યસ્ત હતો. ભરવાડ મનોમન બોલ્યો, ‘ચારો વાઢતો આ માણસ કેટલો ભલો કહેવાય. એણે બરાબર ધ્યાન રાખ્યું છે કે મારું એક પણ પશુ રખડતું-ભટકતું ક્યાંય ચાલ્યું ન જાય. મારે એની આ મહેરબાની બદલ એનો આભાર ન માનવો જોઈએ? મારી આ એક નાનકડી બકરીનો પગ આમેય ખરાબ છે. હું એ બકરી જ એને ભેટ આપી દઉં તો કેમ? બકરીને એણે ખભે નાખી અને પેલા તરફ ચાલવા માંડયું. નજીક પહોંચીને કહ્યું,’જો ભાઈ, હું નહોતો ત્યારે તેં મારી બકરીઓનું ધ્યાન રાખ્યું હતું એટલે હું તારા માટે આ ભેટ લાવ્યો છું. મારી કમનસીબ પત્નીને આજે તાવ આવ્યો છે, મને લાગે છે કે, મારો આટલો જ ખુલાસો પૂરતો છે.’

પરંતુ ચારો ભેગો કરતાં એ બહેરાએ, ભરવાડના કોઈ શબ્દો સાંભળ્યા નહોતા. એ ક્રોધથી બરાડયો, ‘નાલાયક માણસ, તું નહોતો ત્યારે મેં એ તરફ નજરેય કરી નથી. તારી બકરીનો પગ લંગડો થઈ જાય એમાં હું કઈ રીતે જવાબદાર ગણાઉં? હું તો મારો ચારો કાપવામાં રોકાયેલો હતો. એ કઈ રીતે બન્યું એની મને તો કાંઈ ખબર જ નથી. જતો રહે, નહીં તો મારે તને તગેડી મૂકવો પડશે.’

ભરવાડ પેલાને ખીજાયેલો જોઈને નવાઈ પામી રહ્યો હતો. ચારાવાળો નારાજ થઈને શું બોલતો હતો તે એ સાંભળી શકતો નહોતો પરંતુ એનો ક્રોધી ચહેરો જોઈને એને આશ્ચર્ય થતું હતું. એટલે બાજુમાંથી ઘોડા પર બેસીને પસાર થઈ રહેલા એક મુસાફરને તેણે મદદ માટે બોલાવ્યો.

‘મહેરબાન, માફ કરજો. પણ મને એ કહેશો કે ચારાવાળો ભાઈ શું કહે છે? હું કાને બહેરો છું. મને એ સમજાતું નથી કે હું આ બકરી એને ભેટ આપું છું, એનો એ ઉગ્ર થઈને કેમ અસ્વીકાર કરે છે?’

ભરવાડ અને ચારાવાળો, પોતપોતાની વાત બૂમબરાડા પાડીને પેલા ઘોડાવાળા મુસાફરને કરવા લાગ્યા. હવે, સાચી વાત એવી હતી કે એ એક ઘોડાચોર હતો અને પેલા બંનેની જેમ જ બહેરો હતો. એ કશું જ સાંભળતો નહોતો. ભૂલો પડી ગયો હતો એટલે જાણવા માગતો હતો કે આ કઈ જગ્યા છે,પોતે ક્યાં આવી પહોંચ્યો છે? પરંતુ જ્યારે તેણે પેલા બે જણને ગુસ્સે ભરાયેલા જોયા ત્યારે કહ્યું, ‘હા ભાઈઓ, હું કબૂલ કરું છું કે મેં ઘોડો ચોર્યો છે, પરંતુ હું જાણતો નહોતો કે એ તમારો હશે. મને માફ કરો. મેં કોઈક નબળી ક્ષણે લાલચમાં આવી જઈને આ અવિચારી કૃત્ય કરેલું છે!’

હવે, પેલો ચારાવાળો તાડૂક્યો, ‘બકરી લંગડી થઈ ગઈ એની સાથે મારે કાંઈ લાગતુંવળગતું નથી.’

બીજી તરફ બકરીવાળા ભરવાડે ઘોડાવાળાને વિનંતિ કરી, ‘એને પૂછો કે એ મારી ભેટ શા માટે સ્વીકારતો નથી. હું તો એની તરફના આદરના લીધે આ આપવા માગું છું.’

ચોરે કહ્યું, ‘મેં ઘોડો લઈ લીધો એ હું કબૂલ કરું છું. પણ હું બહેરો છું એટલે આ ઘોડો તમારા બેમાંથી કોની માલિકીનો છે, એ હું સાંભળી શકતો નથી.’

બરાબર એ જ વખતે એક ઉંમરલાયક દરવેશ નજરે પડયા. ધૂળિયા રસ્તે ગામ તરફ એ જઈ રહ્યા હતા. ચારાવાળો એમની પાસે દોડી ગયો. એમના ઝભ્ભાની ચાળ હળવેકથી ખેંચીને કહ્યું, ‘આદરણીય દરવેશ, હું એક બહેરો માણસ છું. આ બંને જે કહે છે એમાં ધડ-માથાની મને ખબર પડતી નથી. આપ આપના ડહાપણથી એ નક્કી કરી કહો કે એ બંને શા માટે બૂમબરાડા પાડે છે.’

પરંતુ દરવેશ મૂંગા હતા. એમને વાચા નહોતી એટલે જવાબ આપી શક્યા નહીં. પણ એમની નજીક જઈને ત્રણે બહેરાઓના ચહેરા તાકીને જોવા માંડયા. બહેરાઓએ બોલવાનું બંધ કરી દીધું.

દરવેશે પોતાની તીવ્ર અને વેધક દૃષ્ટિથી પહેલાં એકની સામે અને પછી બીજાની સામે જોયું. પેલાં બંને બેચેની અનુભવવા લાગ્યા.

દરવેશની ચમકદાર કાળી આંખો સાચી કડી મેળવવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા જાણે કે ત્રાટક કરવા લાગી. બધાં ફફડવા લાગ્યા. પોતે તંત્રવિદ્યાનો કે કોઈ કામણટૂમણનો ભોગ બની જશે એ બીકે ત્રણે ડરવા લાગ્યા.

અચાનક ચપળતાપૂર્વક કૂદીને ચોરે ઘોડા ઉપર સવારી કરી લીધી અને સડસડાટ ઘોડાને મારી મૂક્યો. ભરવાડે પોતાની બકરીઓને વાળવા માંડી. ભેગી કરીને ટેકરી ઉપર લઈ જવા માંડી. ચારાવાળો આંખો નીચી કરી, ચારાની ગાંસડી બાંધી, ખભે ચડાવીને ટેકરી પરથી પોતાના ઘર તરફ ચાલવા માંડયો.

દરવેશ પણ પોતાની સફરમાં ચાલી નીકળ્યા અને વિચારવા લાગ્યા કે, ક્યારેક વાચા પણ વાતચીત કરવા માટે કેટલું બિનઉપયોગી માધ્યમ થઈ જાય છે? જાણે કે, માણસને વાચા હોય જ નહીં!

સૂફીકથાઓ જુદાજુદા સંદર્ભમાં જુદીજુદી રીતે સમજાતી હોય છે. સામાન્ય વ્યક્તિ એમાંથી અમુક અર્થ તારવે છે તો વિદ્વાન જુદો અર્થ, વધારાનો અર્થ પણ તારવી શકે છે. શ્રદ્ધાવાન કે ભક્ત વળી જુદી જ રીતે એને સમજે છે અને એટલે જ, કદાચ એ વિશાળ સમુદાયને સ્પર્શી શકે છે.

અહીં એક અર્થ એવો છે કે બહેરાંઓ મૂંગા નથી છતાં એમની વાત એ સમજાવી શકતા નથી અને દરવેશ બહેરાં નથી છતાં પોતે મૂંગા હોવાના કારણે પોતાની વાતને સમજાવી શકતા નથી. જે બોલી શકે છે એમને કોઈ સાંભળનાર નથી અને જે સાંભળે છે એ બોલી શકતા નથી.

જિંદગીમાં પણ કદાચ એવું જ બને છે કે જે લોકોના લાભ-ફાયદા માટે આખી જિંદગી આક્રોશ કરતા રહે, બોલતા જ રહે પણ એમનું કોઈ સાંભળતા જ નથી, બહેરા કાને અથડાઈને બધું પાછું પડે છે. અને કેટલાક લોકો એવા હોય છે કે જે સાંભળે છે પણ પોતાની ગમે તેવી વાત, ઉપયોગી હોવા છતાં કહી શકતાં જ નથી એવા લોકોના મૌનથી લોકોને, સમાજને, રાજ્યને ઘણું નુકસાન થાય છે.

તમે પણ તમારી રીતે આ કથામાંથી કોઈ જુદો જ અર્થ તારવી શકો છો.

બુધવાર, 4 માર્ચ, 2020

દરિદ્રતા: અનિલ અને વિષ્ણુ

વીડિયો જોવામાં આ વાંચવાનું ના ભૂલતા!!
👇👇

દરિદ્રતા..??
કરુણા..??
દુઃખ..??
ખુશી..??
ભૂખ..??
અભાવ..??
બાળ મજુરી..??
ખાનાબદોશી..??
ગરીબી..??
મુફલિસી..??
ખુદદારી..??
ખુમારી..??
.
.
શું કહેશો આને?? આજે વોટ્સએપમાં ફરતું ફરતું આવ્યું..!

માનો કે આ બાળકો તમારી શાળામાં/વર્ગમાં હોય અને નિયમિત ન હોય તો તમે શું કરશો?? પહેલીવાત તો એ કે આ બાળકોને કઈ શાળા એડમિશન આપશે?.. ખાનગી કે સરકારી?? ખાનગી શાળાનાં "સ્માર્ટ" બાળકો યુનિફોર્મ માપનો ન હોય તોય શાળાએ ન જાય.. અને આની સરખામણીમાં સરકારી શાળામાં ભણતાં આવા હજારો બાળકો માં-બાપના અભાવમાં પણ હસીને વાત કરી શકતાં હોય તો આમાંથી તમે કોને વધુ જીંદાદીલ કહેશો?? "અક્ષરજ્ઞાન"ની સરખામણીમાં "સર્વાઇવલ અને જીંદાદિલી" નામના મૂલ્યશિક્ષણનું કોઈ મહત્વ જ નહીં??
લાખો-કરોડોમાં આળોટતા બાળકો ફિલ્મ-ટીવીમાં કલાને નામે મજુરી કરે અને આવા હજારો બાળકો જીવવા માટે કામ કરે.. તો ખરેખર બાળમજૂરી કઈ?? ..અને માનસિક બાલમજૂર કોણ?? કાલની એક પોસ્ટ પર એક સાહેબે કહ્યું, "અમે વહીવટી અને કન્ટેન્ટ બંને વિષયોમાં પાસ થઈને 'મોટાં સાહેબ' બન્યા છીએ! એટલે અમે શિક્ષણનાં જીવ તો છીએ જ!" 

"અરે ભલા માણસ.. મોટાં સાહેબ બનવા અને ચાઈલ્ડ સાયકોલોજી સમજવા 'થોથા' નહીં, 'સમય' ફાળવવો પડે- આવા બાળકોની સાથે બેસવાનો અને એમની સાથે વાત કરવાનો..!! એક જ દિવસ શાળામાં 'મિત્ર નહિં, પણ સાહેબ' થઈને આવો, અને એક વર્ગમાં માત્ર પંદર મિનિટ ફાળવો, એમાં તમે કોઈ બાળકને અમુક બાબત કેમ નથી આવડતી, અને શિક્ષકોએ કરેલાં પ્રયત્નોની આંકણી તમે નહિ કરી શકો! આ આંકણી કરવા 'કાન અને હદય' બંને જોઈએ, જે તમને મળેલી 'ડિગ્રી'ઓના ભારથી છેક નીચે દબાઈ ગયા છે!"

'બધ્ધાને બધ્ધુ આવડવું જ જોઈએ' એવી માનસિકતામાં રાચતા 'ભણેલાં સાહેબો'ને ચાઈલ્ડ-સાઇકોલોજીનું એટલુંયે જ્ઞાન નહિ હોય કે "ભૂખ્યા ભણવા જવાય ના ગોપાલા!!"

https://m.facebook.com/story.php?story_fbid=2698675243574021&id=100002947160151

ભારતીય શિક્ષણ પ્રણાલીને થપ્પડ મારતાં નાઝીમ અને દિલાવરખાં

"અલા.. નાઝીમ, તું અહીં ક્યાંથી?" નામ કદાચ ભુલાઈ ગયું હોય એટલે મેં કન્ફર્મ કરવા પૂછ્યું, "તારું નામ નાઝીમ જ ને??"

"હાં સર.." 
એનું નામ મને હજીયે યાદ છે, એ સાંભળીને એનાં ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ! એ ખુશ થતાં બોલ્યો, "મૈને નયા ફોન લિયા હૈ.."
*****

૨૦૧૩ માં મારાં વર્ગમાં હતો એ! બિચારો કોશિશ તો ઘણી કરે, પણ કાંઈ આવડે જ નહીં! ..પણ શાળાના તથા બહારના કામ પરફેક્ટ કરી જાણે!! પોતાની લંબાઈ પહોળાઈને કારણે વર્ગમાં બીજાં બાળકો કરતાં મોટો લાગે, પણ ખુશ મિજાજી! શાળાના એ વર્ષનાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં 'નન્હા મુન્ના રાહી હું..' ગીત પર બીજાં એનાં કરતાં ખરેખર નાના બાળકો સાથે એણે પરફોર્મ કર્યું, ત્યારે એની ખૂબ મસ્તી કરેલી, 'તું ક્યારથી નન્હો મુન્નો થઈ ગયો ભાઈ..??' 

ભણવામાં ભલીવાર નહીં થાય, એ બહુ જલ્દી સમજી ગયેલો! પરિણામે શાળામાંથી સર્ટી લઈ એ.સી. રીપેરીંગ શીખવા માંડેલો, અને હવે સ્ટીલ પાલિસનું કૈક કામ કરે છે.  રોજના ૪૦૦-૫૦૦ કમાય છે અને પરિવારને નાણાંકીય મદદ કરે છે, જ્યારે એની જ સાથેનાં બીજાં બાળકો હજુયે ભણવાના નામે રખડપટ્ટી કરતા હું જોઉં છું, ત્યારે ખરેખર હું મારી એ વાત પર વધુ દ્રઢ થતો જાઉં છું કે ભારતીય મૂળ શિક્ષણ પ્રણાલીમાં આ બાળક વધુ ફિટ બેસે છે! વધુ ભણેલો દરેક કામને નાના-મોટાની દ્રષ્ટિએ જોતો હોય છે, અને એવો અહમ પણ રાખતો હોય છે કે, "હું આટલો ભણેલો, આવું નિમ્ન કામ કરૂં?" પરિણામે બેરોજગાર બને છે! જ્યારે આ ટાઈપના દરેક લોકો, કે જેઓ ભલે વધુ ભણ્યા ના હોય પણ દરેક કામ/નોકરીનું માન જાળવે છે, પરિણામે એમને બેરોજગારી નડતી નથી! અને નાની ઉંમરમાં જ મેચ્યોરિટી સાથે વટથી જીવતા હોય છે! આ જ બાળક મારા વર્ગમાં હતો, ત્યારે 'પ્રિય બાળક' (૧૦૦ કરોડ શુક્રાણુઓમાંથી જે શુક્રાણુ સૌથી વધુ બળવાન હોય એ ઈશ્વરના આશીર્વાદથી બાળક બને છે, અને માત્ર અક્ષરજ્ઞાન ન આવડવાને કારણે શિક્ષણખાતું એને 'પ્રિય બાળક' એવું ઉપમાન આપીને ઈશ્વરનું અપમાન કરે છે!!) કહેવાતો!.. પણ હાલ આ જ બાળક વટથી મને કહેવા આવ્યો છે કે "જબ મેરી શાદી હોગી, તબ મૈં આપકો બુલાઊંગા!" આવા બાળકો આપણી ભારતીય શિક્ષણ પ્રણાલીને એક મોટી 'થપ્પડ' સમાન છે, કે જેઓ પોતાના કૌશલ્ય થકી મારી જેમ સરકારી નોકરી કરીને 'સોનાનાં પિંજરા'માં બંધ નથી રહ્યા!! 

મારી શાળામાં જ ભણતો દિલાવરખાં પણ આવી જ રીતે આપણી 'કારકુન પેદા કરતી શિક્ષણ પ્રણાલી'ને 'થપ્પડ' મારીને વટથી કાલુપુર શાકમાર્કેટમાં પોતાનો ધંધો જમાવીને પોતાનું કુટુંબ ચલાવી રહ્યો છે! હું જ્યારે જ્યારે શાકમાર્કેટમાં જઉં ત્યારે એની પાસેથી શાક લેવાનું ચૂકતો નથી! 'દિલાવરખાં' પોતાની જીભ કાપવાનો મદારીનો ખેલ કરતો! ..અને નાનપણથી જ પોતાની ૩ બહેનોની સાથે કુટુંબનું પણ પૂરું કરતો! હું આજેય એને 'જાદુગર' જ કહું છું, કેમ કે વર્ગમાં ઘણીવાર એ પોતાના મદારીના નાના નાના ખેલ કરી બીજા બાળકોને મોજ કરાવી દેતો! આવા લોકો કોઈનાય મોહતાજ નથી હોતા! બસ.. પોતાનું કુટુંબ એ જ એમની દુનિયા!

વીડિયો નીચેની લિન્કમાં👇👇

https://m.facebook.com/story.php?story_fbid=2719258251515720&id=100002947160151