...જયારે દીકરીએ દાદાની ઈચ્છા પૂરી કરી!!
*******
"એક રીક્ષા ધ્યાનમાં છે, મારે એ લેવી છે." પપ્પાએ અચાનક જ કહ્યું.
"હવે આ ઉંમરે તમને રીક્ષા લાવી આપું તો લોકો મને ગાંડો ગણે.." મેં કહ્યું.
"તો હું ઘરે રહીને શું કરું? એના કરતા જે થોડો બહાર હરતો-ફરતો રહું તો સારું નઈ?"
હું શું બોલું? થોડી રકઝક પછી મારો જવાબ હતો.. "તમારી ઈચ્છા છે ને? જાઓ, લઈ લો. બસ.. તમારી ઈચ્છા પૂરી કરો."
******
૧૯૭૮ થી એ ભાડાની રીક્ષા ચલાવે છે. એના પહેલા બેએક વર્ષ એમણે રીક્ષાની ગેરેજમાં કામ કર્યું. (..કદાચ કરવું પડ્યું, કેમ કે એમના મોટાભાઈએ દાદાની મિલકતમાંથી કશું જ ના આપ્યું, અને સામાન ઘરની બહાર ફેકીને કાઢી મુક્યા!!) રીક્ષા-લાઈનમાં બધા સારા નથી હોતા. એ પણ 'ગંદી સોબત'માં ફસાયા. મમ્મીએ બચતમાંથી એક રીક્ષા લીધેલી, પણ એમની એ 'ગંદી સોબતે' વધુ ડુબાડ્યા! પરિણામે પાછું ભાડાની રીક્ષા પર આવી જવું પડ્યું!
ત્યારથી આજ સુધી આ 'ભાડાની રીક્ષા'ની સફર ચાલુ રહી. એક વર્ષ પહેલા 'ભાડા'ની આવી જ જ્દ્દોજ્હ્દમાં રીક્ષા માલિક સાથે બોલવાનું થયું. મેં રીક્ષા મૂકી દેવા કહ્યું. પણ એ ના માન્યા!
ત્યારથી મનમાં ચાલતું હતું કે પપ્પાને પોતાની જ એક રીક્ષા લાવી દઉં! ..પણ પીછેહટ કરતો, કેમ કે લોકો તરત જ કહે, પોતે ગવર્નમેન્ટ નોકરી કરે છે, તો પણ બાપને રીક્ષા ચલાવવાનું કહે છે?!! વધુ કશું વિચાર્યા વગર મેં એમને જે કરવું હોય એ કરવા દીધું!
થોડા દિવસ પહેલા એ અચાનક શાળાએ મળ્યા, અને ઉપરનો સંવાદ થયો! એમની ખુબ જ ઈચ્છા હતી, રીક્ષા લેવાની! પહેલીવાર એમને કૈક માંગ્યું. હું શું કરતો? મારી પાસે જેટલી બચત છે, એ રીક્ષા માટે પુરતી નહતી! ...તરત વિચાર આવ્યો, તન્વી માટે યથાશક્તિ કરેલી બચત શું કામમાં આવશે? તન્વી માટે બચાવેલી રકમમાંથી આખરે દાદાની 'પોતાની રીક્ષા' આવી ગઈ!!
*******
આજે તન્વીના હાથે જ 'પોતાની રીક્ષા'નો શુભારંભ થયો!
આ રીક્ષાની કિંમત જે હોય એ, અમારે મન તો કો'કની 'નવી કાર' કરતાં પણ વધારે છે!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો