બુધવાર, 31 ઑક્ટોબર, 2012

'માથે ઓઢી લેવાનું' જરૂરી નથી ..!!

'માથે ઓઢી લેવાનું' જરૂરી નથી ..!!

@@@@@

મારો આ બ્લોગ વાંચનાર દરેક શિક્ષકમિત્રો  માટે અહી ખાસ વાત એ નોંધુ છું કે સરકારી શાળાકીય પરીક્ષા અંગેના આ વિચારો મારા છે . કોઈ પણ શિક્ષક મિત્રે આ બધું પોતાના 'માથે ઓઢી લેવાનું' જરૂરી નથી ..!!

@@@@@

બરાબર એક વર્ષ પહેલા જયારે મેં બ્લોગ લખવાની શરૂઆત કરી ત્યારે મારા શિક્ષક-જીવનમાં એક પ્રસંગ એવો બની ગયો હતો કે મને .. એ સારી રીતે સમજાઈ ગયું કે પરીક્ષામાં બાળકોને એક શબ્દ પણ ન બતાવીને મેં કશુંપણ ખોટું કર્યું ન હતું ..!! અત્યારે સરકારી શાળાઓમાં પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે મને મારો લખેલો આ પહેલો બ્લોગ યાદ આવે છે . અત્યંત દુ:ખ સાથે એ ફરીથી લખવું પડે છે કે હજુયે પરિસ્થિતિ 'જૈસે થે' છે ..!!

અપવાદ અને ખુશીની વાત એ છે કે મારા સ્ટાફ મિત્ર- ..... ભાઈ અને બીજા જે શિક્ષક મિત્રો પરીક્ષામાં બાળકોને નથી બતાવતા, તેઓ અનુભવે એ જોઈ શક્યા હશે કે બાળકો પરીક્ષામાં ખરેખર ઘણું જ સારું લખે છે . બાળકો દ્વારા થયેલી ભૂલોમાં તેઓ (શિક્ષકમિત્રો ) એ સમજી શક્યા છે કે હજુ કયો મુદ્દો બાળકો બરાબર નથી સમજયા?.. અને કયા મુદ્દામાં તેઓએ હજુ વધુ મહેનત કરવાની જરૂર છે ?.. આ ઉપરાંત , લગભગ 60% થી 75% બાળકો તેમની મહેનત/સમજણથી ઇઝીલી પાસ થઇ શકે છે .. !! બાકીના 25% થી 40% બાળકોનું થોડું બેક્ગ્રાઉન્ડ ચેક કરીશું તો સમજાશે કે શા માટે તેઓ પરીક્ષામાં નથી લખી શકતા?.. (માનસિક ઉંમર નાની હોવી, 11 પ્રકારની વિકલાંગતાઓમાંથી કોઈ એક યા વધુ પ્રકારની વિકલાંગતા  હોવી, ફેમીલી બેકગ્રાઉન્ડનો પ્રોબ્લેમ હોવો .. જેવી સંશોધન માંગી લેતી સમસ્યાઓ મોટેભાગે કારણભૂત હોય છે .) .. અને જો આપણે એ પણ ન કરી શકીએ તો .. આમેય સરકારી નિયમાનુસાર તેમને પાસ કરી જ દેવાના છે .. તો પછી બાળકોને પરીક્ષામાં જવાબ બતાવી દેવાનો  કોઈ અર્થ રહેતો જ નથી ..!!

@@@@@


બ્લોગનું નામ :-  થોડા દિવસ પહેલા.... 

સાડા ચાર વર્ષ પહેલા બનેલા પ્રસંગોથી વાતની શરૂઆત કરું છું...

@@@@@

"હું હજુયે કહું છું, છોકરાઓને પરીક્ષામાં બતાવી દેવાનું બંધ કરી દેવું જોઈએ." મેં દલીલ કરી.

"...પણ એનાથી થશે શું?" મારા કરતા સીનીયર એવા એક શિક્ષકે વળતો સવાલ કર્યો.

હું થોડીવાર સુધી એમની સામે જોઈ રહ્યો, પછી કહ્યું, "જસ્ટ વિચારો, એક બાળક ઘરેથી તૈયારી કરીને નિશાળે પરીક્ષા આપવા આવે છે. પ્રશ્નપેપરમાં એક ખાલી જગ્યાના ત્રણ ઓપ્શનમાંથી તે, સાહેબે શીખવાડેલું અને વાંચેલું યાદ કરીને એક ઓપ્શન પસંદ કરે છે, અને જ્વાબવહીમાં પૂર્ણ આત્મવિશ્વાસથી તે લખે છે! અચાનક જ... એક શિક્ષક પરીક્ષાખંડમાં પ્રવેશે છે, અને ઝટકાથી તેણે લખેલો જવાબ જોઇને કહે છે, "આ નહિ...  પણ આ  જવાબ સાચો છે, એ લખી નાંખ...!!" એ તો બાળક છે, શું ખોટું શું સાચું, એનું એને તો ભાન નથી..એ તો તમે કીધું તે તરત જ લખી નાંખશે..  પણ એક શિક્ષક તરીકે તમે ક્યારેય વિચાર્યું છે, એ બાળકની નિર્ણયશક્તિનું શું થયું હશે?? એ ભફ.. દઈને છેક ઉપરથી નીચે એવી રીતે પછડાઈ હશે કે પછી ક્યારેય ઉભી જ નહિ થઈ શકે !!.."

મેં આવું કહ્યું  તેથી ખબર નહિ કેમ? ..પણ એ સાહેબને હસવું  આવ્યું. તેને કહ્યું, " જો આપણે તેને નહિ લખાવીએ તો આપણે, ડાબા હાથે એ લખવું પડશે. એના કરતા તો એ સારું નહિ,  કે આપણે જ એમને લખવી દઈએ. આપણું કામ તો ઘટી જાય ને?"

...અને હું આગળ વધુ  ન બોલી શક્યો.

@@@@@

"તું આખો દિવસ અહી જ બેઠો રહે છે અને રમતો રહે છે, એના કરતા ઘરે જઈને કૈક વાંચને..કાલે સામાજિક વિજ્ઞાનનું પેપર છે ને?.." ....ધોરણ ૬ માં ભણતા જાદવને મે કહ્યું. (હું જે ગામમાં શિક્ષક છું, તે એક પછાત ગામ છે, પરિણામે ત્યાં, સ્થાનિક કોઈ જ શિક્ષક રહેતું નથી.., પણ ૨૫૦૦ રૂ/- માં ઘરખર્ચ પણ નીકળી ના શકતા, હું દસેક મહિના જેટલો સમય ગામની નિશાળમાં જ રહી ચુક્યો છું. ઉપરોક્ત સંવાદ આ દરમિયાન થયેલો.)

"સાહેબ બધું બતાવી તો દે જ છે, પછી વાંચવાની ક્યાં જરૂર જ છે??.." જાદવના આવા બિન્દાસ જવાબથી હું તો ડઘાઈ જ ગયો!!

...અને  ખરેખર બીજા દિવસે, પરીક્ષા હતી એ વિષયના શિક્ષકે ૪૦ ગુણના બધા જ પ્રશ્નોના જવાબ, છોકરાઓને સાચ્ચે જ બતાવી દીધેલા, અને બાકીના પ્રશ્નોના જવાબ માટે 'ઓંપન બુક એક્ઝામ' નું બહાનું કરીને, છોકરાઓને પુસ્તકો પણ આપી દીધા હતા!

@@@@@

મોટા ધોરણમાં ભણાવતી વખતે જયારે પણ તક મળતી ત્યારે હું બાળકોને હમેશા, પરીક્ષામાં આવડે તેવું, પણ જાતે જ લખવાનું કહેતો. જો કોઈ શિક્ષક પરીક્ષામાં બતાવે, તો પણ પોતાને આવડે તેવું લખવાનું કહેતો... શિક્ષકોને તો કહેવું જ વ્યર્થ હતું. (મારા પાકા શિક્ષક મિત્રે પણ અનુભવ્યું હતું કે બતાવ્યા વગર પણ બાળકો પાસીંગ ગુણ તો મેળવી જ લે છે. તેમણે એ પણ અનુભવ્યું હતું કે પરિણામે બાળકો ભણવામાં વધુ ધ્યાન આપતા થયા હતા. )મને યાદ છે,, કદાચ  ૨% બાળકો જ જાતે લખતા!! (..અને હોશિયાર હોવા છતાં હોવા જોઈએ તેના કરતા ઓછા ગુણ મેળવતા!)

મારા સ્ટાફ મિત્રોમાં, હું મારા વિચારોને કારણે બહુ ભળી શકતો નહોતો,, તેથી અમારા આચાર્યને મે પહેલું ધોરણ મને આપવા કહ્યું... અને તે મંજુર થયું!! આજે છેલ્લા બે વર્ષથી હું પહેલું ધોરણ ભણાવું  છું, અને એ નાના ભૂલકાઓ મને ગમે તેવી સ્થિતિમાં પણ ખુશ કેમ રહેવું, તે શીખવાડે છે!!

@@@@@

મને આ લખવા માટે પ્રેરિત કરતો પ્રસંગ એક માસ અગાઉ બની ગયો...

બે વર્ષ પહેલા મારા વર્ગ (ધો.૭)માં ભણતો છોકરો-- દિવ્યેશ,, મારી પાસે આવ્યો, અને એકદમ નિર્ભયતાથી બોલ્યો, "યજ્ઞેશ સાહેબ, ખરેખર તમારો ખુબ ખુબ આભાર, તમે અમને પરીક્ષામાં ક્યારેય નહોતા બતાવતા."

મે આશ્ચર્યથી પૂછ્યું, "કેમ, શું થયું?"

તે બોલ્યો, "સાહેબ હું હવે બહાર હોસ્ટેલમાં રહીને ભણું છું, અને ત્યાં તો પરીક્ષામાં કોઈ બતાવતું જ નથી. આવડે એવું લખવાનું હોય છે. પાસ તો પાસ અને નાપાસ તો નાપાસ! અહી તો બધા સાહેબો બતાવી દે છે એ બહુ ખોટું કહેવાય, પછી જ્યારે બહાર ભણતા હોઈએ અને કશું આવડે નહિ ને ત્યારે, નાપાસ થવાય છે."

"કેમ, તું નાપાસ થયો?" મે પૂછ્યું.

"નાં.." તેણે કહ્યું, "..માર્ક્સ થોડા ઓછા આવે છે."

"તું જેટલી મહેનત કરે છે, એટલા તો આવે છે જ ને?" મે સહેજ હસતા હસતા કહ્યું.

"હા.." તેણે પણ હસીને જવાબ આપ્યો.

"તો પછી શું વાંધો છે? તું મહેનત કર, અને તારા પર વિશ્વાસ રાખ."

થોડીવાર પછી તે બોલ્યો, "મે બધા સાહેબને કહ્યું, કે તમારે પરીક્ષામાં કોઈને બતાવવું ના જોઈએ. તો એ કહે... 'એ તો તમને શિષ્યવૃત્તિ મળે એટલે તમને લખાવતા હતા!'"

@@@@@

હું આ ક્યારેય સમજી નહિ શકું.. વાર્ષિક મળતી ૧૫૦ રૂ/- (હાલ 350 રૂ /-)ની શિષ્યવૃત્તિ માટે બાળકની નિર્ણયશક્તિની ઘોર ખોદી નાંખવી, એ કેટલે અંશે યોગ્ય કહેવાય? પોતાના વિષયમાં બાળકો સારા માર્ક્સ લાવે છે તે બતાવવા, કે પછી પોતાનું કામ ઘટાડવા, તેમણે પસંદ કરેલા ઓપ્શનનું કોઈ મૂલ્ય જ નહિ? જીવનમાં આપણો પસંદ કરેલો વિકલ્પ પણ ખોટો હોય છે, તો શું કોઈ આપણું મોરલ તોડી નાંખે તો એ આપણને ગમશે? ખોટો જવાબ તો પછીથી પણ સુધારી શકાય છે, પરંતુ તેનાથી વિશેષ બાળક જીવનમાં પોતાના નિર્ણયો જાતે જ લેતા શીખે, તે અગત્યનું નથી?

@@@@@

જાદવ ધોરણ ૭ સુધી તો સહેલાઈથી પાસ થઇ ગયો, પણ પછી હાઇસ્કુલમાં ટકી ના શકતા, ભણવાનું અધવચ્ચેથી છોડીને નવસારી હીરા ઘસવા જતો રહ્યો છે.

@@@@@


બુધવાર, 24 ઑક્ટોબર, 2012

"વાંચન પર્વ" અંગે ...આ બ્લોગ નાનકડી કિરણને અર્પણ ....

 "વાંચન પર્વ" અંગે ...
આ બ્લોગ નાનકડી  કિરણને  અર્પણ ....

@@@@@

મારા એક શિક્ષકમિત્રની શાળામાં એમના જીલ્લાના શિક્ષણાધિકારી "વાંચન પર્વ" બાબતે મોનીટરીંગ પર આવ્યા. એટલે એક બીજા શિક્ષકમિત્રે એમને પૂછ્યું, "જીલ્લા શિક્ષણાધિકારી સાહેબે 'વાંચન પર્વ' બાબતે તમને શું કહ્યું??"...

મારા આ શિક્ષકમિત્રે જવાબ પાઠવ્યો, "..એમણે કહ્યું કે જ્યાં સુધી બધા જ બાળકોને વાંચતા ન આવડી જાય ત્યાં સુધી આ 'વાંચન પર્વ' ચલાવવાનું છે ..!!"

તો એ શિક્ષકમિત્રે ફરીથી પૂછ્યું, "હું તો મારી નિશાળમાં ગણિત ભણાવું છું. જો છોકરાઓને ગણિત ના આવડે તો એ બાબતે તો સાહેબે કશું કીધું નથી ને??"

"!!!...!!!...!!!"

શું કોઈને યાદ છે કે આપણે ભણવામાં એક કાવ્ય આવતું હતું કે એક સસલાના માથે પાંદડું પડ્યું , તો આભ પડ્યું એમ સમજીને એ સસલું આખું જંગલ માથે લ્યે છે ...!! કોઈને યાદ છે એ કાવ્યનું નામ શું હતું??

@@@@@

રાજકીય રીતે આ પહેલા "વાંચે ગુજરાત .." પર્વ ઉજવવામાં આવ્યો હતો . ખરેખર , આ જાણીને મને વધુ ખુશી થઇ હતી .. કેમ કે એ બહાને જો લોકો/શિક્ષકો  કંઈક વાંચશે, તો વાંચનનું વાતાવરણ ખડું થતા આપોઆપ બાળકો પણ વાંચન તરફ પ્રેરાશે ..,, સદનસીબે થોડા દિવસ સુધી બધું બરાબર ચાલ્યું પણ ખરા!! ..પણ બદનસીબે થોડા દિવસ પછી આ 'ફુગ્ગા'ની પણ હવા નીકળી ગઈ ..!! ખોટેખોટા ઉપજાવી કાઢેલા ફોટાઓ ઉપલા લેવલે મોકલી દેવામાં આવ્યા ..!! ગામમાં પણ પુસ્તકો વહેચવામાં આવ્યા હતા .. થોડા દિવસ પછી ગામની દુકાનોમાંથી એ પુસ્તકોના પાના 'પડીકા' બાંધવા માટે વપરાયા હતા ..( અપવાદ ,  ધાર્મિક પુસ્તકોને ઘરના વણવપરાયેલા ખૂણામાં ધૂળ ખાવા સાચવી રાખ્યા હશે ..!! )..!!

@@@@@

"વાંચે ગુજરાત .." હીટ (??) થતા હવે વારો આવ્યો "વાંચન પર્વ " નો ..

"વાંચન પર્વ"-- ખરેખર કેટલો સરસ મજાનો કન્સેપ્ટ છે!!??..

દરેક લોકો વાંચતા થાય , અને દરેક પોતાના જ્ઞાનને સમૃદ્ધ કરતા થાય ..!!

 ...પણ મોટો અફસોસ એ છે કે એ 'સરકારી પર્વ' છે .. અને બીજી કરુણતા એ કે.. આ 'પર્વ' પરાણે માથે ઠોકી બેસાડવામાં આવ્યો ..!! પરિણામ એ આવ્યું કે અંતિમ દિવસે (..મતલબ કે તા: 11/10/'12 ના રોજ ..) 'વાંચન પર્વ ' લઘુતાગ્રંથીમાં આવી ગયો છે , અને 'સરકારી પર્વ' ગુરુતાગ્રંથીમાં બિરાજમાન છે ..!!
(તા .ક .:- વાંચન પર્વ તા : 30/10 સુધી લંબાવવામાં આવ્યું છે .)

@@@@@

એક અનુભૂતિ :-

ધોરણ : 2 નો વર્ગ
વર્ગમાં બાળકોની સંખ્યા : 45  (વર્ગની કુલ સંખ્યા :- 51)
સમય : અંદાજે 1:30 બપોર ( વાંચન પર્વ 11 થી 2 વાગ્યા સુધી કરાવવું, એ પણ સરકારે નક્કી કરી આપ્યું છે ..!!)


મારા વર્ગમાં બાળકો વાંચતા થાય , એ હેતુસર હું કાળાભાઈ (..બ્લેકબોર્ડ!!) પર 'માથે માત્રા' વાળા શબ્દો કેમ વંચાય તે સમજાવી રહ્યો હતો . લગભગદરેક બાળકોનું ધ્યાન હતું , ( ..આ શબ્દ એટલા માટે લખવો પડે, કેમ કે 6 કે 7 વર્ષની ઉંમરવાળું બાળક સતત એક જ જગ્યાએ ધ્યાન ન આપી શકે ..!!) પણ એક છોકરી:- કિરણ .. ઉંચી નીચી થઇ રહી હતી . મારું તે તરફ ધ્યાન હોવા છતાં હું બે-ધ્યાન રહ્યો . તે અચાનક ઉભી થઇ .. અને એ સાથે જ વર્ગના તમામ નાના બાળકોનું ધ્યાન તે તરફ ફંટાયું .. બધા એ બાજુ જોવા લાગ્યા ..!!એ જોઈને ખબર નહિ કેમ ?? ..પણ મારો પારો આકાશે ચડી ગયો ..!

કિરણ આવી, અને બોલી : "સાહેબ , મારો ભાઈ બીમાર પડી ગયો ને , તો એ ઘરે જ રોકાઈ ગયો છે .. મારા મમ્મીએ કીધું'તું કે એનું દફતર લઇ આવજે ..! હું લઇ આવું ..??"

હું ગુસ્સાથી બરાડ્યો , ".. પણ બેન .. તું અત્યારે અહી ભણવામાં ધ્યાન આપને .. અત્યારે દફતર લાવવાનું તને ક્યાંથી યાદ આવે છે ?? નથી લાવવાનું , બેસી જા અત્યારે ..!! રીશેષમાં લઇ આવજે ..!!"

@@@@@

જીવનમાં દરેકને ક્યારેક તો એ અનુભવ થતો જ હશે છે કે .. જયારે કોઈ પ્રસંગ આપણા માનસમાં 'બિલોરી કાચમાં દેખાતા સ્પષ્ટ ચિત્ર'ની જેમ અંકિત થઇ જાય , ત્યારે આપણે આપણી ભૂલ સ્પષ્ટ જોઈ શકતા હોઈએ છીએ ..!!

બસ , એ બે લીટીના ગુસ્સેલ બરાડામાં હું મારી ભૂલ સ્પષ્ટપણે જોઈ શકું છું ..!!

એ નાનકડી છોકરીની આંખમાં મેં એના ભાઈ પ્રત્યેનો પ્રેમ જોયો છે ..! એક આજ્ઞાંકિત પુત્રી જોઈ છે ..! કોઈ એના ભાઈના દફતરમાંથી કશું ચોરી ના જાય,એ ચિંતા જોઈ છે ..! હું બધાની સામે એને ખિજાયો .. એટલે મારા પ્રત્યેની થોડી નારાજગી જોઈ છે ..!

..પણ એ બધાની ઉપર સૌથી મોટો વસવસો એ છે કે .. હું એને સમજી ન શક્યો ..!! મારે એ સમજવું જોઈએ કે એ નાનકડી છોકરી અત્યારે  કશું પણ શીખવા સમજવા તૈયાર/સક્ષમ નથી . બાળકોને 'ભણાવી' નાંખવાની લ્હાયમાંને લ્હાયમાં મારા મનમાં એ વિચાર કદી ન આવ્યો કે , "મારા વર્ગના બાળકોને  હું જે ભણાવું છું , તે તેઓ ભણવા/શીખવા/સમજવા તૈયાર છે ખરા??"

હવે મારો 'માહ્યલો' મને ગુસ્સામાં બરાડી-બરાડીને કહેતો હતો કે, "આ જ વાત તું એ નાનકડી છોકરીને શાંતિથી પણ સમજાવી  શક્યો હોત કે નંઈ ??..!!"

હું શું બોલું?? ભણાવવાનું બંધ કરીને ચુપચાપ બેસી ગયો ..! એ છોકરીને એના ભાઈનું દફતર લેવા જવા દીધી . દફતર લઈને આવ્યા બાદ તેને શાંતિ થઇ . મેં ફરી ભણાવવાનું શરુ કર્યું . હવે એનું ધ્યાન હું જે સમજાવતો હતો , કમસે કમ એમાં તો હતું જ ..!!

..પણ આમ થવાનું કારણ શું??

@@@@@

નિશાળે આવતાની સાથે જ 'આચાર્યશ્રી'એ જણાવી દીધું કે તમારા વર્ગના વાંચન પર્વના 0 થી 10 ગુણવાળા છોકરાઓનું પત્રક આપવાનું છે ..!

                                ................ હું માનું છું કે આપણી સામે બેઠેલા બાળકોનું 0 થી 10 ગુણમાં વર્ગીકરણ કરવું કોઈ કાળે શક્ય જ નથી , કારણ કે 'આ બાળક 5 ગુણવાળો છે, અને આ 6 ગુણવાળો છે' ... એ નક્કી કરવાનો કોઈ 'ચોક્કસ માપદંડ' છે જ નહિ ..!! કયો બાળક કઈ શક્તિ લઈને જન્મ્યો છે , જો એ આપણે જોઈ શકતા હોત તો નોંધવું પડત કે આ બાળક અમુક વિષયમાં પાવરધો (..10 ગુણવાળો ) છે , તો અમુકમાં નબળો (..0 ગુણને લાયક .!!) છે..!! (એવા ઘણા મહાન પુરુષોના કિસ્સા નોંધાયા છે , કે જેમના શિક્ષકે એમ કીધું હોય કે આ બાળક મોટો થઈને કશું જ નહિ કરી શકે!! ..અને એવા બાળકોએ મોટા થઈને આખી દુનિયાને પોતાની વિચક્ષણ બુદ્ધિનો પરચો આપ્યો હોય ..!!)

વાંચન  પર્વનો સમય 11 થી 2 નો રાખવાનો છે ..!!

                                ..................અરે ભાઈ !! કોઈ પણ નવી વસ્તુ શીખવા માટે જેમ કોઈ સમય / ઉંમર નક્કી નથી હોતી , તેમ બાળકને પણ 11 થી 2 દરમિયાન પરાણે માથે હથોડા ઝીંકી ઝીંકીને વાંચન કરાવવાનો કોઈ અર્થ સરતો નથી ..!! મારા અનુભવે હું જોઈ શક્યો છું કે દિવસ દરમિયાન એવો સમય આવતો  હોય છે કે જયારે બાળકો (..મોટાભાગના!!) કશું પણ શીખવા-સમજવા માટે પોતાને શક્તિમાન સમજતા હોય છે, એ પળે શિક્ષણનો કોઈ અઘરો મુદ્દો પણ .. તેઓ ઇઝીલી સમજી જાય છે ..!! જો કે એ સમય ગમે તે હોઈ શકે છે .... શાળા છૂટવાની છેલ્લી અડધી કલાક પણ હોય , અને શાળા શરુ થયાને શરૂઆતનો સમય પણ હોય ..!! બસ , એ જ સમયે જો તેમને યોગ્ય રીતે સમજાવવામાં આવે તો ફરજીયાત 11 થી 2 નો સમય રાખવો જરૂરી નથી ..!! (અમારા આચાર્યએ ફરમાન જારી કરી દીધું છે કે દરેક શિક્ષકોએ ફરજીયાત દૈનિક નોંધપોથીમાં 11 થી 2 "વાંચન પર્વ" લખવાનું છે , અને એ જ કરાવવાનું છે ..!! જો અમે પરિપત્રો (..!!) પણ પુરા વાંચતા ન હોઈએ , તો બાળકોને ફરજીયાત વાંચવાનું દબાણ કેવી રીતે કરી શકીએ??)

દરેક બાળકને પર્સનલી વાંચતા શીખવવાનું છે ..!!

                                 .....................નાના ધોરણોમાં દર 40 બાળકોએ 1 શિક્ષક હોય, તેમ નક્કી કરવામાં આવ્યું છે ..!! તેમ છતાં, મારી શાળાની જ વાત કરું તો , ધો-1 માં 55,  ધો- 2 માં 51, ધો-3 માં 63, ધો-4 માં 63  ની સંખ્યા છે . ચારેય ધોરણમાં એક-એક જ શિક્ષક છે, જયારે દેખીતી રીતે 8 હોવા જોઈએ ..!! (..ધો- 4 બ માં બીજા શિક્ષક તરીકે ખુદ ગબ્બર (.. યૂ નો ?? મતલબ આચાર્ય પોતે..!!) જ છે, જે ક્યારેય વર્ગમાં જતા જ નથી ..!! અને બીજી એક સત્ય વાત , મારી જીવનસંગીની જે શાળામાં છે , ત્યાં ધો-1 થી 5 ના કુલ અંદાજે 750 બાળકો વચ્ચે માત્ર 1 જ શિક્ષક છે ..!!) મોટા ધોરણમાં 35 બાળકોએ 1 શિક્ષક હોય તેમ નક્કી કરવામાં આવ્યું છે , એની સામે મારી શાળામાં મોટા ધોરણમાં એવરેજ દર 30 બાળકોએ 1 શિક્ષક છે ..!! હવે , વિચારવાનું એ છે કે ધો- 1 થી 4 ના સરેરાશ 56 બાળકો વચ્ચે 1 શિક્ષક (.. કે જે ખરેખર બાળકોની પાછળ જહેમત ઉઠાવતો હોય , એવો શિક્ષક..!!) પાસેથી આપણે વધુમાં વધુ કેટલી અપેક્ષા રાખી શકીએ ?? ..કે તે દરેક બાળકને પર્સનલી વાંચતા શીખવે ..?? (આ સવાલોના જવાબ આપતા પહેલા અમુક જાણીતા દેશોના શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો રેશિયો જાણી લેવો જરૂરી છે . આ ઉપરાંત , મને એમ લાગે છે કે નાના ધોરણોમાં શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો રેશિયો 30 કરતા પણ ઓછો હોવો જોઈએ ..!!)

દરેક શિક્ષક પોતે માનતો હોય , એના કરતા વર્ગના બાળકો ઓછા જ હોશિયાર હોવાના ..! પરિણામે ઘણીવાર કોઈ હોશિયાર બાળકને સાવ સહેલો શબ્દ પણ વાંચતા ન આવડે ત્યારે .. શિક્ષક પોતે જ થોડો નિરાશ થતો હોય છે ..!! ગણિતમાં જ રસ ધરાવતા અને અઘરી ગાણિતિક ક્રિયાઓ સરળતાથી કરી શકતા બાળકને 'ગણિત' જ વાંચતા ન આવડતું હોય તે શક્ય છે ..!! આ બાળકને પરાણે વાંચન કરાવો , તો શક્ય છે કે એ પોતાને (અલબત , શિક્ષક/બાળકો દ્વારા બોલાતા 'તને વાંચતા નહિ આવડે, તું બેસી જા ..' 'તું ઠોઠ છે ..' ..જેવા વાક્યો સાંભળીને ..!! ) 'નબળો' ગણવા માંડે, અને વાંચન ન કરી શકવાના કારણે ક્યારેક શિક્ષકના હાથે સજા પણ પામે ..! ખરેખર અભ્યાસ કરવા માંગતા/હોશિયાર (..વધુ સારી ભાષામાં, સારી રીતે ગોખી શકતા!!) બાળકો સજા પામ્યા બાદ કદાચ માનસિક ગોખણપટ્ટી કરીને (..'ક' ને કાનો 'કા' .. 'ક' ને માથે એક માતર 'કે '..!!) વાંચતા શીખી પણ જાય ... પણ પછીથી દરેક બાળકો પર થતો આ 'સજા'નો પ્રયોગ અંતે તો ડ્રોપ આઉટ રેશિયો વધારે છે ..!!

ન જાણે એ આપણે ક્યારે સમજીશું , કે દરેક બાળકને ગુજરાતી વાંચવું ગમતું નથી અને દરેક બાળકને ગણિતના દાખલામાં ગતાગમ પડતી નથી ..! દરેક બાળકના પોતાના જ શોખના/ગમતા ક્ષેત્રો હોય છે, જેમાં તે આગળ વધવા માંગે છે .. પરંતુ આપણે તેને દબાણપૂર્વક આપણો જ કક્કો ઘૂંટવાની ફરજ પાડીએ છીએ, પરિણામે એક સ્વ-(..અને સ્વતંત્ર!!)-વિચારવિહીન પ્રજા પેદા થતી જ જાય છે !! (એક કહેવત છે કે "કુવામાં હોય તો હવાડામાં આવે"..!! એ કહેવત એમ હોવી જોઈએ કે ''કુવામાં હોય એ જ હવાડામાં આવે" ..!! કારણ કે જ્યાં શિક્ષકોને જ સ્વતંત્રપણે બાળકોને શું ભણાવવું ?? (..કેવી રીતે ભણાવવું ??.. એ આખો અલગ મુદ્દો છે ..!! ) તે વિચારવાનો અવકાશ નથી , તો એ પોતાના બાળકોને મૌલિક વિચાર કરતા શું ધૂળ શીખવાડવાનો?? ઊંચામાં ઉંચી ટકાવારી સાથે શિક્ષક બન્યા પછી પણ જો 'મુલ્ય' અને 'ગુણ' વચ્ચેનો તફાવત ન સમજાય તો .. એના કરતા 'પેધી ગયેલા' માસ્તરો સારા !! ) 

@@@@@

મેં ક્યાંક વાંચ્યું હતું કે .. પુરાણોમાં મોટા-મોટા રાજાઓને પણ આશ્રમોમાં જતા પહેલા પોતાના રથ ઈત્યાદી વસ્તુઓ ત્યાગીને , એક સામાન્ય માણસ બનીને ત્યાં ચાલતા-ચાલતા જવું પડતું .. કે જેથી કરીને આશ્રમ જેવી પવિત્ર જગ્યા પોતાના રાજકારણ/અહંથી દુષિત ન થાય ..!

આજે દરેક શાળામાં (..એ પણ માત્ર સરકારી જ!!) ફરજીયાત અમુક રાજકારણી/નેતાઓના ફોટા લગાડવા પડે છે ..!! સતત રાજકારણીઓના મહત્તા દર્શાવતા વાતાવરણને કારણે હવે શાળાઓમાં શિક્ષણ કરતા રાજકારણની વાતો વધુ રસપૂર્વક થતી હોય છે . રાજકારણીઓની જેમ હવે શિક્ષક પણ 'કામ ઓછું અને વાતો વધુ' કરતો થયો છે . કોઈ મોટા નેતાની શિક્ષણને લગતી જાહેરાતને એટલી હદે ગંભીરતાથી અમલમાં મુકવામાં આવે  છે કે વર્ગમાં સારામાં સારું કામ આપતા શિક્ષકને  , પોતાનું કામ પડતું મુકીને પહેલા એ કરવું પડે છે ..!! પોતે કરેલા/ન કરેલા કામોના લેખિત પુરાવાઓ / અઢળક ટેબલવર્ક / સતત મીટીંગો /આંકડાઓની  માયાજાળમાં પોતાને સાબિત કરવા એ , એટલીહદે રચ્યો-પચ્યો રહે છે કે એ પોતાનું મૂળ કામ ભૂલીને માત્ર ખરું/ખોટું કાગળકામ કમ્પ્લીટ કરતા શીખી જાય છે ..!! ત્યારબાદ જો સમય મળે તો પાછો પોતાના વર્ગમાં ફરે છે , અને જુએ છે કે બાળકોના શિક્ષણકાર્યમાં તે ઘણો પાછળ રહી ગયો છે ..!! તે ફરીથી ભણાવવા મંડી પડે છે . હજુ તો માંડ બાળકોની સાથે એક લયમાં આવે, ત્યાં એક બીજો 'સરકારી પર્વ' આવી ચુક્યો હોય છે ..!! ફરીથી તે 'ફીનીક્સ' પંખીની જેમ વર્ગના બાળકોના ખરા/ખોટા આંકડા મોકલવા તૈયાર થઇ જાય છે ..!!

સતત સ્ટ્રેસમાં (અલબત્ત , ઘણાને ઘરનું પણ સ્ટ્રેસ હોવાનું જ ..!!) રહેવાને કારણે બાળકની બાળસહજવૃતિ  (..વાતો કરવી , થોડી મસ્તી કરવી , લેશન ન લાવવું  કે પછી ભણવામાં ધ્યાન ન આપવું જેવી સામાન્ય ક્રિયાઓ ..) સમજવાને બદલે ધીરજ ખોઈને (.."ધીરજ" શબ્દનો અર્થ સમજવા છતાં ..!!) બાળક પર ગુસ્સે થાય છે/ ફડાકા ઝીંકી દે છે .

એક આડવાત :

"વાંચન પર્વ"ના મોડ્યુલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે "આ વાંચન પર્વમાં કોઈ પણ જાતની આંકડાકીય માહિતી મોકલવાની નથી . શિક્ષક ઈચ્છે તો '  0 થી 10 ગુણ' , 'સારૂ/ મધ્યમ /નબળો ' અથવા 'A B C D ગ્રેડ' અનુસાર બાળકોનું વર્ગીકરણ કરી શકે ."

આમ છતા હાલમાં થયેલી મીટીંગમાં અમારા સી .આર .સી . સાહેબે ત્રણ પ્રકારના જાતજાતના ફોર્મેટમાં પત્રકો આપતા કહ્યું કે ,"આ પત્રકો અનુસાર વાંચન પર્વના આંકડા મોકલવાના છે . જો કોઈના મનમાં એમ હોય કે વાંચન પર્વના કોઈ પણ પ્રકારના આંકડા તો મોકલવાના જ નથી , તો પછી આ પત્રકો શું કામ ભરવા જોઈએ? ..તો એનો જવાબ એ છે કે એ બહાને તમે વર્ગમાં કંઈક કરો ..!!" (આનો સીધો અર્થ એ થાય છે કે અમારા ઉપરી અધીકારીઓના મનમાં એમ છે કે અમે સૌ શિક્ષકો વર્ગમાં ગોદડું ઓઢીને સુઈ જઈએ છીએ ...!! અરે .. જયારે જયારે આ અધિકારીઓ નિશાળની મુલાકાતે આવ્યા છે ત્યારે મોટાભાગના અધિકારીઓ કાં તો ઓફિસમાંથી બહાર નીકળતા જ નથી , કાં તો કેટલું સારું કાગળકામ થયું છે?.. તેના પરથી શિક્ષક/શાળાનું મૂલ્યાંકન કરી નાંખે છે ..!! આ અધિકારીઓ ક્યારેય બાળમાનસને સમજી શકે , તેવા હોતા જ નથી ..! (શું કોઈને ગુણોત્સવવાળા અધિકારીઓ યાદ આવે છે?? ખીખીખી ...!!) એમને મન સાવ પછાત ગામડામાં રહેતું , અને માં-બાપની નબળી માનસિકતાને કારણે માંડ-માંડ ભણી શકતું બાળક એટલું જ હોશિયાર હોવું જોઈએ , જેટલું કોઈ પ્રાઈવેટ/ઇન્ટરનેશનલ સ્કુલમાં ભણતું તેમનું બાળક હોય ..!! )

@@@@@

મારા વિચારો : "વાંચન પર્વ" અંગે ...

                               ....................ખરેખર બહું જ સારો 'તહેવાર' છે ..!! ..પણ એ યાદ રાખવું ઘટે કે ....

                              આપણે જીવંત બાળકો સાથે કામ કરવાનું છે, નહિ કે ટેબલ ઉપર પડેલા કાગળીયાઓ સાથે , કે ફટાફટ બધુ પતી/આવડી જાય ..!! ..માટે એની કોઈ નિશ્ચિત સમય મર્યાદા ન હોવી જોઈએ . 

                              બાળકની શીખવાની/વાંચનની  ક્ષમતામાં ઘણા પરીબળો ભાગ ભજવતા હોય છે, જેમ કે , માનસિક ઉંમર , ઘરનું / શાળાનું વાતાવરણ , શીખવવાની પદ્ધતિ , શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું સાયુજ્ય .. વિ ...! માટે સૌ પ્રથમ 'બાળ મનોવિજ્ઞાન' સમજવું જરૂરી છે , નહિ કે માત્ર 'ભણાવી નાંખવું ' ..!!

                               વર્ષાન્તે (..માર્ચ /એપ્રિલ માસ દરમિયાન ..!!) "વાંચન પર્વ" જરૂરથી ઉજવી શકાય , જેથી કરીને હોશિયાર બાળકોને અભ્યાસક્રમનું રી-વિઝન થાય .. અને મધ્યમ/નબળા બાળકોને ઉપચારાત્મક શિક્ષણ પણ આપી શકાય ..! હા, જો શિક્ષક ઈચ્છે તો ચાલુ  દીવસ દરમિયાન , એની અનુકુળતાએ "નબળા બાળકોનું સંકલિત શિક્ષણ" કરી શકે ..!!

                                દરેકના અનુભવમાં એકવાર તો એવું આવ્યુ જ હશે કે અમુક 'નબળો' બાળક બહુ જ ટુંકા સમયમાં 'હોશિયાર' બનીને ઉભરી આવ્યો હોય ..! કોઈ પણ બાળકને વાંચન/ગણન/લેખન શીખવવા શિક્ષકના પ્રયત્નો 100% જરૂરી છે . પરંતુ ઘણીવાર તે સમજવા માટે બાળકને સમય આપવો પણ એટલુ જ જરૂરી છે ..!! ..માટે બાળકનું વાંચન/ગણન/લેખન માટે 'ગુણ/ગ્રેડ'માં વિભાજન ન કરવું જોઈએ, કે જેથી કરીને આપણા મનમાં પણ તેની એવી કોઈ છાપ ઉભી થાય !!

@@@@@

ડોન્ટ થિંક એવર :-

"આઝાદી" શબ્દ સારી રીતે વાંચી શકતું બાળક "આઝાદી"નો જ અર્થ નહિ સમજે તો??
"પ્રામાણિકતા""સત્ય" "નિષ્ઠા" કે "ધીરજ" જેવા ગુણો વાંચીને કેળવાતા નથી ..!!
(અનુભવે એમ સમજાયું છે કે ઓછું ભણેલા/રખડપટ્ટી કરતા બાળકોમાં સામાજિકતા/લીડરશીપના ગુણો ભારોભાર જોવા મળે છે , જયારે વધુ ભણેલા/હોશિયાર મોટેભાગે બીકણ/શંકાશીલ હોય છે ..!!  I .A .S . કક્ષાના અધિકારીઓ ચાર ચોપડી પાસ રાજકારણીઓની કદમબોસી કરતા ક્યાં નથી જોવા મળતા ??!! ઉ . ભારતના અ-શિક્ષિત રાજ્યનો કોઈ ઓછું ભણેલો નેતા લાખો/કરોડોનો ભ્રષ્ટાચાર કરે .. અને દ . ભારતના શિક્ષિત રાજ્યનો કોઈ શિક્ષિત નેતા અબજો/ખર્વોનો ભ્રષ્ટાચાર કરે છે ..!! ..તો એવા એજ્યુકેટેડ વ્યક્તિને આપણે શું કહીશું ..?? ...??)


@@@@@

મારા ગાલ પર , એની વેધક નજરો વડે 'સટ્ટાક ...!!" કરીને થપ્પડ મારી , મને મારી ભૂલનું ભાન કરાવવા બદલ તથા આ બ્લોગ લખવા પ્રેરણા પૂરી પાડવા બદલ .. 6 વર્ષની નાનકડી  કિરણને હૃદયના ધન્યવાદ !!

@@@@@

 

















રવિવાર, 7 ઑક્ટોબર, 2012

share this ....

નામ :- ભાલીયા કુલદીપ ગોબરભાઈ

ઉંમર :- 12 વર્ષ

વિકલાંગતા :- M .R . (મેન્ટલી રીટાયર્ડ )

વિષય :- "ઉર્જા સંરક્ષણ" અંગેની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર 12 વર્ષનો કુલદીપ  (I.E.D. શિક્ષકના જણાવ્યા મુજબ ) 60% થી 80% સુધીનો માનસિક બીમાર બાળક છે . આ ચિત્ર સ્પર્ધા અંતર્ગત ઉર્જાના બચાવ સબબ ચિત્ર બાળકોએ દોરવા અંગેની માહિતી આપવામાં આવી હતી . કુલદીપ ચિત્રમાં રસ ધરાવતો બાળક છે . પોતાના ઉર્જાના બચાવ અંગેની માહિતી તેણે આ ચિત્ર દ્વારા રજુ કરી છે ...



@@@@@

અત્રે યાદ રહે કે "ઉર્જા સંરક્ષણ" માટેના ચિત્રો કેવા હોવા જોઈએ ..? ..તેની પ્રાથમિક સમજ શાળાના શિક્ષકો દ્વારા રફ ચિત્ર દોરીને આપવામાં આવી હતી . પરંતુ ત્યારબાદ બાળકોએ પોતાની કલ્પનાશક્તિને જોરે ચિત્રો દોર્યા હતા . કુલદીપના ચિત્રનું મહત્વ એ કારણોસર વધી જાય છે કે તે માનસિક વિકલાંગ હોવા છતાં પોતાની પ્રબળ યાદશક્તિને જોરે પોતાના માનસિક ચિત્રને કાગળ ઉપર પરિવર્તિત કરી શકે છે .

આ ઉપરાંત, કોઈ પણ દ્રશ્ય શ્રાવ્ય વસ્તુને (..વિડીઓ , ચિત્ર ,પ્રસંગ વગેરે ..) એકવાર જોયા બાદ તે આબાદ રીતે તેની નકલ કરી શકે છે . (જેમકે, સાંસ્કૃતિક કાર્યક્રમોના નાટકની નકલ , ફિલ્મ -ટીવીના પ્રસંગોની નકલ , જાદુગર મદારી કે ભુવાની નકલ, વિ .) શાળાની પ્રાર્થનામાં યોગથી માંડીને દરેક સુચનાઓનો અમલ તે યોગ્ય રીતે કરી શકે છે .

મારું એમ માનવું છે કે જો કુલદીપને તેને યોગ્ય હોય તેવી શાળામાં શિક્ષણ આપવામાં આવે તો કદાચ તે વધુ સારું શીખી શકે તેમ છે અને એ ઉપરાંત, કદાચ પોતાનું જીવન ભવિષ્યમાં વધુ સારી રીતે જીવી શકે તેમ છે .

@@@@@

આપના પ્રતિભાવો તથા આવા બાળકોને યોગ્ય શાળા/સંસ્થાની માહિતી આપવા વિનંતી છે .


share  this ....





શનિવાર, 6 ઑક્ટોબર, 2012

"શું તમને ગાંધીજી જેવા થવું ગમે??"

"શું તમને ગાંધીજી જેવા થવું ગમે??"

@@@@@


"શું તમે ગાંધીબાપુને જોયા છે??" મેં પૂછ્યું .

"હા હા .. મેં જોયા છે .."
"મેં જોયા છે .." મોટાભાગના છોકરાઓએ રીતસરની રાડો (ચીસો ) પાડીને જવાબ આપ્યો ..!!


"અચ્છા,, .. ક્યાં જોયા છે??"

"એ ઓલાની વાડીએ રહે છે .."
"આમ આઘે આઘે રે'છે .." મોટાભાગનાઓએ પાછો એકસાથે જવાબ આપ્યો ..!!

--- આ તો મારી અપેક્ષા બહારનો જવાબ હતો ..!! મેં ફરી પૂછ્યું,"એ ત્યાં શું કરે છે??"

"રમે છે ..!!"

"શું રમે છે??" મારી જીજ્ઞાસા વધી .

"કબડ્ડી ..!!"

"કબડ્ડી ..?? કોની ભેગા ..??"

"અમારી ભેગા ..!!"
"અહી ઝાંપાની વાડીએ અમારી ભેગા રમતા હોય છે ..!!" છોકરાઓએ એકદમ નોર્મલી જવાબ આપ્યો .

 હું મુન્ઝાયો ..!! મેં ફરીથી પૂછ્યું, "તમારી ભેગા રમે છે, એમ??.. અચ્છા, એ બીજું શું શું કરે છે??"

"આમ ગામમાં બધું માંગવા નીકળે છે ..!!"

---આ જવાબથી મારું આશ્ચર્ય વધ્યું, "શું માંગવા નીકળે છે??"

છોકરાઓએ એકદમ નિખાલસતાથી જવાબ આપ્યો, "લોટ ને બાજરોને એવું બધું ..!!"

"ઓ હો ..!!" મારા મનમાં એકદમથી લાઈટ થઇ, "અરે ભગવાન .. એ બાપુ નહિ, આપણા ગાંધીજીબાપુને તમે ક્યારેય જોયા છે??"

"હા, અહિયાં સામે ઓફિસમાં એમનો ફોટો છે .." આખરે એક છોકરાએ સાચો જવાબ આપ્યો ..!!

---અને મારા હૈયાને ટાઢક વળી . હાશ, છોકરાઓને હજુયે ગાંધીબાપુ યાદ તો છે ..!!

@@@@@

નાનપણમાં માંસ આરોગ્યું , અને બીડીના ઠુંઠા પણ પીધા , સોનાના કડાનો કટકો પણ ચોર્યો ... અને ડર લાગતો  હોવા છતાં પિતા પાસે જઈ લખાણમાં માફી પણ માંગી , અને ત્યારબાદ જીવનભર ન તો માંસાહાર કર્યો , ન તો વ્યસન કર્યું કે ન તો ચોરી કરી ..!!

અંધારામાં બીક લાગતા કામવાળી બાઈ રંભા પાસેથી 'રામ' નામનો મંત્ર મળ્યો .. જેને જીવનમાંથી 'ડર' નામની વસ્તુને જ કાઢી મૂકી ..!!

પિતાની અંતિમ ઘડીએ પોતાની કામેચ્છા સંતોષવા કસ્તુર(બા)ના વિચારોમાં ખોવાયેલા રહ્યા .. એ બાબતનો જીવનભરનો અફસોસ જીરવ્યો ...!!

'શ્રવણ' અને 'રાજા હરિશ્ચંદ્ર'નો ઊંડો પ્રભાવ ..!!

'વીમો લેવો એ તો ઈશ્વર પરની શ્રદ્ધા પર શંકા કરવી કહેવાય' - એમ લાગવાથી લીધેલો વીમો જતો કરવો ..!!

શરમાળપણું એટલું બધું કે નિશાળ છૂટતા રીતસરનું ભાગીને ઘરે જવું ..!!

ભારતના અમુક લોકોને શરીર ઢાંકવા પૂરતા કપડા પણ નથી , તે જોઈ પોતે માત્ર એક પોતડી જ ધારણ કરવી ..!!

'મરકી'માં સપડાયેલા ..  લોકોની સેવા એવી લગનથી કરી કે ખુદ ડોક્ટર અને નર્સને તેનો ચેપ લાગ્યો , પણ ઈશ્વર પરના પોતાના ભરોસાને કારણે પોતે હેમખેમ તેમની સેવા કરી શક્યા , અને એ પણ ચેપનો ભોગ બન્યા વગર ...!!

ખોરાક, માટી, દૂધ અને નમક જેવી ચીજોના પ્રયોગો માત્ર પોતાના જ પર નહિ , પરંતુ અન્યો પર પણ નિર્ભયપણે કર્યા ..!!

@@@@@

'લગે રહો મુન્નાભાઈ' શું એક માત્ર ફિલ્મ હતી??

મારા મતે નહિ ..!!  .... એક વ્યક્તિ પોતાના કેમિકલ લોચાને કારણે શું કરી શકે છે, અને શું નથી કરી શકતી .. તે દર્શાવતું દર્પણ હતી ..!! ગાંધીની અંદર સત્યની વધુમાં વધુ નજીક પહોચવાની જે 'બર્નિંગ ડીઝાયર' હતી .. તે તેમના મૃત્યુ પછી પણ ચાલવાની છે .. તેનો એક પૈગામ હતી ..!!

વધુમાં ધોરણ-5 માં અંગ્રેજીમાં 'મહાત્મા ગાંધી' પાઠ ચલાવતા પહેલા મારે ગાંધીને વાંચવા જોઈએ, અને સમજવા જોઈએ .. તેમ અંતરમને અવાજ કરતા 'સત્યના પ્રયોગો' ઉછીની માંગીને એક જ બેઠકે પૂર્ણ કરી ..!! સાચું કહું તો , બાળપણના પ્રસંગો સિવાય કશું જ ન સમજાયું ..!! બેક ટુ બેક બીજીવાર વાંચી .. થોડું થોડું સમજાયું ..!! બેક ટુ બેક ત્રીજીવાર વાંચી .....  ઉપર બેઠેલો ભગવાન જાણે છે , અને બીજો  હું જાણું છું , મારી અંદર બેઠેલા ભગવાનના અવાજને સંભાળવાની કોશિશ ત્યારથી ચાલુ જ છે,,, અને અનુભવે સમજી શક્યો છું કે તેનું સત્ય બહુ આકરું છે ..!!

ગાંધીજી જેવો વીરલો જ એ સત્યસમી ખાંડાની ધાર પર ચાલી શકે ..!! બાકી સાબરમતી આશ્રમના ઓરડામાં બેઠા બેઠા, કોઈ સુકલકડી પોતડીવાળો બુઢ્ઢો એમ કહે કે 'મીઠા પરના કરને દૂર કરવા હું 'દાંડીકૂચ' કરીશ' .. અને એ સાંભળીને અને જોઇને આખું ભારતસહિતનું વિશ્વ ખળભળે ખરા??....  આપણામાંથી કોઈ એનો એક ટકોય જાહેરાત કરે તો ..?? કદાચ સગી જનેતા ય સમજી જશે કે આ 'બબુચક' ખાલ્લીખોટો પોતાની રહીસહી ઈજ્જતના ધજાગરા કાઢવા બેઠો છે ..!!

@@@@@

ત્રીજી ઓક્ટોબરે વાંચન પર્વને એક્બાજુ મુકીને ધોરણ-2 ના છોકરાઓને ગાંધીજીના બાળપણની વાર્તાઓ એમની ભાષામાં કહી . એટલા નાના ચંચળ છોકરાઓ સહેજ પણ કંટાળ્યા વગર રસપૂર્વક સાંભળતા રહ્યા ...!! સમગ્ર ચર્ચાને અંતે મારો એક સવાલ હતો , "શું તમને ગાંધીજી જેવા થવું ગમે??"

બધાએ 'હા' પાડી . અંતે મેં કહ્યું , "નહિ , કોઈએ પણ ગાંધીજી જેવા નથી થવાનું ..!! તમારે બધાએ તમારા જેવા થવાનું છે, કારણ કે મો હન જયારે એના જેવો થયો ત્યારે તે ગાંધી બન્યો હતો ..!!"

@@@@@

ઉપરના ચિત્રો મારા વર્ગના (ધોરણ-2) બાળકોએ દોરેલા 'ગાંધીજી'ના ચિત્રો છે ..!!

@@@@@