'માથે ઓઢી લેવાનું' જરૂરી નથી ..!!
@@@@@
@@@@@
મારો આ બ્લોગ વાંચનાર દરેક શિક્ષકમિત્રો માટે અહી ખાસ વાત એ નોંધુ છું કે સરકારી શાળાકીય પરીક્ષા અંગેના આ વિચારો મારા છે . કોઈ પણ શિક્ષક મિત્રે આ બધું પોતાના 'માથે ઓઢી લેવાનું' જરૂરી નથી ..!!
@@@@@
બરાબર એક વર્ષ પહેલા જયારે મેં બ્લોગ લખવાની શરૂઆત કરી ત્યારે મારા શિક્ષક-જીવનમાં એક પ્રસંગ એવો બની ગયો હતો કે મને .. એ સારી રીતે સમજાઈ ગયું કે પરીક્ષામાં બાળકોને એક શબ્દ પણ ન બતાવીને મેં કશુંપણ ખોટું કર્યું ન હતું ..!! અત્યારે સરકારી શાળાઓમાં પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે મને મારો લખેલો આ પહેલો બ્લોગ યાદ આવે છે . અત્યંત દુ:ખ સાથે એ ફરીથી લખવું પડે છે કે હજુયે પરિસ્થિતિ 'જૈસે થે' છે ..!!
અપવાદ અને ખુશીની વાત એ છે કે મારા સ્ટાફ મિત્ર- ..... ભાઈ અને બીજા જે શિક્ષક મિત્રો પરીક્ષામાં બાળકોને નથી બતાવતા, તેઓ અનુભવે એ જોઈ શક્યા હશે કે બાળકો પરીક્ષામાં ખરેખર ઘણું જ સારું લખે છે . બાળકો દ્વારા થયેલી ભૂલોમાં તેઓ (શિક્ષકમિત્રો ) એ સમજી શક્યા છે કે હજુ કયો મુદ્દો બાળકો બરાબર નથી સમજયા?.. અને કયા મુદ્દામાં તેઓએ હજુ વધુ મહેનત કરવાની જરૂર છે ?.. આ ઉપરાંત , લગભગ 60% થી 75% બાળકો તેમની મહેનત/સમજણથી ઇઝીલી પાસ થઇ શકે છે .. !! બાકીના 25% થી 40% બાળકોનું થોડું બેક્ગ્રાઉન્ડ ચેક કરીશું તો સમજાશે કે શા માટે તેઓ પરીક્ષામાં નથી લખી શકતા?.. (માનસિક ઉંમર નાની હોવી, 11 પ્રકારની વિકલાંગતાઓમાંથી કોઈ એક યા વધુ પ્રકારની વિકલાંગતા હોવી, ફેમીલી બેકગ્રાઉન્ડનો પ્રોબ્લેમ હોવો .. જેવી સંશોધન માંગી લેતી સમસ્યાઓ મોટેભાગે કારણભૂત હોય છે .) .. અને જો આપણે એ પણ ન કરી શકીએ તો .. આમેય સરકારી નિયમાનુસાર તેમને પાસ કરી જ દેવાના છે .. તો પછી બાળકોને પરીક્ષામાં જવાબ બતાવી દેવાનો કોઈ અર્થ રહેતો જ નથી ..!!
@@@@@
બ્લોગનું નામ :- થોડા દિવસ પહેલા....
સાડા ચાર વર્ષ પહેલા બનેલા પ્રસંગોથી વાતની શરૂઆત કરું છું...
@@@@@
"હું હજુયે કહું છું, છોકરાઓને પરીક્ષામાં બતાવી દેવાનું બંધ કરી દેવું જોઈએ." મેં દલીલ કરી.
"...પણ એનાથી થશે શું?" મારા કરતા સીનીયર એવા એક શિક્ષકે વળતો સવાલ કર્યો.
હું થોડીવાર સુધી એમની સામે જોઈ રહ્યો, પછી કહ્યું, "જસ્ટ વિચારો, એક બાળક ઘરેથી તૈયારી કરીને નિશાળે પરીક્ષા આપવા આવે છે. પ્રશ્નપેપરમાં એક ખાલી જગ્યાના ત્રણ ઓપ્શનમાંથી તે, સાહેબે શીખવાડેલું અને વાંચેલું યાદ કરીને એક ઓપ્શન પસંદ કરે છે, અને જ્વાબવહીમાં પૂર્ણ આત્મવિશ્વાસથી તે લખે છે! અચાનક જ... એક શિક્ષક પરીક્ષાખંડમાં પ્રવેશે છે, અને ઝટકાથી તેણે લખેલો જવાબ જોઇને કહે છે, "આ નહિ... પણ આ જવાબ સાચો છે, એ લખી નાંખ...!!" એ તો બાળક છે, શું ખોટું શું સાચું, એનું એને તો ભાન નથી..એ તો તમે કીધું તે તરત જ લખી નાંખશે.. પણ એક શિક્ષક તરીકે તમે ક્યારેય વિચાર્યું છે, એ બાળકની નિર્ણયશક્તિનું શું થયું હશે?? એ ભફ.. દઈને છેક ઉપરથી નીચે એવી રીતે પછડાઈ હશે કે પછી ક્યારેય ઉભી જ નહિ થઈ શકે !!.."
મેં આવું કહ્યું તેથી ખબર નહિ કેમ? ..પણ એ સાહેબને હસવું આવ્યું. તેને કહ્યું, " જો આપણે તેને નહિ લખાવીએ તો આપણે, ડાબા હાથે એ લખવું પડશે. એના કરતા તો એ સારું નહિ, કે આપણે જ એમને લખવી દઈએ. આપણું કામ તો ઘટી જાય ને?"
...અને હું આગળ વધુ ન બોલી શક્યો.
@@@@@
"તું આખો દિવસ અહી જ બેઠો રહે છે અને રમતો રહે છે, એના કરતા ઘરે જઈને કૈક વાંચને..કાલે સામાજિક વિજ્ઞાનનું પેપર છે ને?.." ....ધોરણ ૬ માં ભણતા જાદવને મે કહ્યું. (હું જે ગામમાં શિક્ષક છું, તે એક પછાત ગામ છે, પરિણામે ત્યાં, સ્થાનિક કોઈ જ શિક્ષક રહેતું નથી.., પણ ૨૫૦૦ રૂ/- માં ઘરખર્ચ પણ નીકળી ના શકતા, હું દસેક મહિના જેટલો સમય ગામની નિશાળમાં જ રહી ચુક્યો છું. ઉપરોક્ત સંવાદ આ દરમિયાન થયેલો.)
"સાહેબ બધું બતાવી તો દે જ છે, પછી વાંચવાની ક્યાં જરૂર જ છે??.." જાદવના આવા બિન્દાસ જવાબથી હું તો ડઘાઈ જ ગયો!!
...અને ખરેખર બીજા દિવસે, પરીક્ષા હતી એ વિષયના શિક્ષકે ૪૦ ગુણના બધા જ પ્રશ્નોના જવાબ, છોકરાઓને સાચ્ચે જ બતાવી દીધેલા, અને બાકીના પ્રશ્નોના જવાબ માટે 'ઓંપન બુક એક્ઝામ' નું બહાનું કરીને, છોકરાઓને પુસ્તકો પણ આપી દીધા હતા!
@@@@@
મોટા ધોરણમાં ભણાવતી વખતે જયારે પણ તક મળતી ત્યારે હું બાળકોને હમેશા, પરીક્ષામાં આવડે તેવું, પણ જાતે જ લખવાનું કહેતો. જો કોઈ શિક્ષક પરીક્ષામાં બતાવે, તો પણ પોતાને આવડે તેવું લખવાનું કહેતો... શિક્ષકોને તો કહેવું જ વ્યર્થ હતું. (મારા પાકા શિક્ષક મિત્રે પણ અનુભવ્યું હતું કે બતાવ્યા વગર પણ બાળકો પાસીંગ ગુણ તો મેળવી જ લે છે. તેમણે એ પણ અનુભવ્યું હતું કે પરિણામે બાળકો ભણવામાં વધુ ધ્યાન આપતા થયા હતા. )મને યાદ છે,, કદાચ ૨% બાળકો જ જાતે લખતા!! (..અને હોશિયાર હોવા છતાં હોવા જોઈએ તેના કરતા ઓછા ગુણ મેળવતા!)
મારા સ્ટાફ મિત્રોમાં, હું મારા વિચારોને કારણે બહુ ભળી શકતો નહોતો,, તેથી અમારા આચાર્યને મે પહેલું ધોરણ મને આપવા કહ્યું... અને તે મંજુર થયું!! આજે છેલ્લા બે વર્ષથી હું પહેલું ધોરણ ભણાવું છું, અને એ નાના ભૂલકાઓ મને ગમે તેવી સ્થિતિમાં પણ ખુશ કેમ રહેવું, તે શીખવાડે છે!!
@@@@@
મને આ લખવા માટે પ્રેરિત કરતો પ્રસંગ એક માસ અગાઉ બની ગયો...
બે વર્ષ પહેલા મારા વર્ગ (ધો.૭)માં ભણતો છોકરો-- દિવ્યેશ,, મારી પાસે આવ્યો, અને એકદમ નિર્ભયતાથી બોલ્યો, "યજ્ઞેશ સાહેબ, ખરેખર તમારો ખુબ ખુબ આભાર, તમે અમને પરીક્ષામાં ક્યારેય નહોતા બતાવતા."
મે આશ્ચર્યથી પૂછ્યું, "કેમ, શું થયું?"
તે બોલ્યો, "સાહેબ હું હવે બહાર હોસ્ટેલમાં રહીને ભણું છું, અને ત્યાં તો પરીક્ષામાં કોઈ બતાવતું જ નથી. આવડે એવું લખવાનું હોય છે. પાસ તો પાસ અને નાપાસ તો નાપાસ! અહી તો બધા સાહેબો બતાવી દે છે એ બહુ ખોટું કહેવાય, પછી જ્યારે બહાર ભણતા હોઈએ અને કશું આવડે નહિ ને ત્યારે, નાપાસ થવાય છે."
"કેમ, તું નાપાસ થયો?" મે પૂછ્યું.
"નાં.." તેણે કહ્યું, "..માર્ક્સ થોડા ઓછા આવે છે."
"તું જેટલી મહેનત કરે છે, એટલા તો આવે છે જ ને?" મે સહેજ હસતા હસતા કહ્યું.
"હા.." તેણે પણ હસીને જવાબ આપ્યો.
"તો પછી શું વાંધો છે? તું મહેનત કર, અને તારા પર વિશ્વાસ રાખ."
થોડીવાર પછી તે બોલ્યો, "મે બધા સાહેબને કહ્યું, કે તમારે પરીક્ષામાં કોઈને બતાવવું ના જોઈએ. તો એ કહે... 'એ તો તમને શિષ્યવૃત્તિ મળે એટલે તમને લખાવતા હતા!'"
@@@@@
હું આ ક્યારેય સમજી નહિ શકું.. વાર્ષિક મળતી ૧૫૦ રૂ/- (હાલ 350 રૂ /-)ની શિષ્યવૃત્તિ માટે બાળકની નિર્ણયશક્તિની ઘોર ખોદી નાંખવી, એ કેટલે અંશે યોગ્ય કહેવાય? પોતાના વિષયમાં બાળકો સારા માર્ક્સ લાવે છે તે બતાવવા, કે પછી પોતાનું કામ ઘટાડવા, તેમણે પસંદ કરેલા ઓપ્શનનું કોઈ મૂલ્ય જ નહિ? જીવનમાં આપણો પસંદ કરેલો વિકલ્પ પણ ખોટો હોય છે, તો શું કોઈ આપણું મોરલ તોડી નાંખે તો એ આપણને ગમશે? ખોટો જવાબ તો પછીથી પણ સુધારી શકાય છે, પરંતુ તેનાથી વિશેષ બાળક જીવનમાં પોતાના નિર્ણયો જાતે જ લેતા શીખે, તે અગત્યનું નથી?
@@@@@
જાદવ ધોરણ ૭ સુધી તો સહેલાઈથી પાસ થઇ ગયો, પણ પછી હાઇસ્કુલમાં ટકી ના શકતા, ભણવાનું અધવચ્ચેથી છોડીને નવસારી હીરા ઘસવા જતો રહ્યો છે.
@@@@@
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો