અહમ ઘવાય ત્યારે..!!
હું ગઈકાલેજ એ અધિકારીની
ઓફિસે ગયો. એમની એસ.એસ.એ. ના અધિકારીઓ સાથે મીટીંગ ચાલતી હતી. એટલે હું બહાર ઉભો
રહ્યો. લગભગ અડધી કલાક જેવું થયું હશે, ત્યાં એ અધિકારીએ મીટીંગ પતાવી, ઓફીસ બંધ
કરવા માંડી. એટલે મારી જેમ એ અધિકારીને મળવા માટે બીજા બે જણા ઉભા હતા. એમાંથી એક
જણ તુરંત જ અંદર ગયો. અને એના હાથમાં જે હસ્તલીખિત અરજી હતી, એ જોઇને આ અધિકારી
ભડક્યા. એક તો એ બરાબર લખાયેલી જ ના હતી. અરજીની શરૂઆતમાં ના તો એણે પોતાનું નામ
કે હોદ્દો લખેલો હતો કે ના બીજું કઈ!! સીધું જ ‘પ્રતિ’ કરીને એને લખેલું ‘આ.શિ.શાસનાધિકારી
સાહેબ’!! ...અને આ સાહેબ ભડક્યા!!
પેલાને તતડાવતા ગુસ્સામાં કહ્યું, “આ શું લઈને
આવ્યા છો તમે? પોતાની જાતને બહુ સ્માર્ટ સમજો છો? નથી તમારું નામ લખ્યું, કે નથી
તમારો હોદ્દો લખ્યો? કઈ ખબર પડે છે તમને કે અરજી કેમ લખાય? ...અને આ શુ લખ્યું છે?
આ.શિ.શાસનાધિકારી એટલે શું? બોલો તો..”
પેલો ગેગેફેગે થઇ ગયો. અને
કહ્યું, “આ.. એટલે આસીસ્ટન્ટ અને..”
પેલા અધિકારી વધુ ભડક્યા, “..અને
આ ‘શિ’ એટલે શું? હું શિક્ષક છું કઈ? બોલો તો.. ‘શિ’ એટલે શું?”
પેલો ભાઈ ચુપચાપ ઉભો
રહ્યો!!
આપણા અધિકારી સાહેબ
ગુસ્સામાં સમસમી રહ્યા! અને એ કાગળ વાંચ્યા વગર જ કહ્યું, “જાઓ.. જતા રહો.. હું
જોઈ લઈશ તમારું જે કામ હશે એ..” અને આટલું બોલી પેલું કાગળ ટેબલ પર જ મૂકી દીધું.
મને આશ્ચર્ય થયું!! આ
અધિકારી પોતાની જાતને એક શિક્ષક સમજવામાં પણ શું ‘નાનપ’ અનુભવતા હશે?? પ્રથમ તો એ
શિક્ષક જ છે ને?? ..પછી એ એક અધિકારી છે!! મારો પ્રશ્ન ત્યાં નથી કે પેલા ભાઈએ એમનું
સંબોધન ખોટું કર્યું, મને તો એ પણ ખબર નથી કે પેલા ભાઈ શિક્ષક હતા કે નહિ? ..પ્રશ્ન ત્યાં છે કે આપણા આ અધિકારીએ જે રીતે
એને ગુસ્સામાં પૂછ્યું કે ‘આ ‘શિ’ એટલે શું? હું શિક્ષક છું કઈ?’ સંભાળીને જ થોડું
આશ્ચર્ય થયું, કેમકે કાં તો આ અધિકારી અભિમાની છે, અથવા તો એ પોતાની જાતને ‘શિક્ષક’ સમજવામાં નાનપ અનુભવતા હશે!! છોડો,
જે હોય એ.. પણ હવે મને ખાતરી હતી કે...(???????)
હવે મારો વારો હતો..
મને જોઇને એ તરત જ બોલ્યા, “તમારું
તો પેલી રજા જમા કરાવવાનું કામ છે ને? આ રજા કોને જમા કરવાની છે?”
આડવાત: છેલ્લા તેર મહિનાથી (યસ.. તેર મહિના!! એક વર્ષ અને માથે એક મહિનો!!) હું મારી સી.આર.સી.
કો ઓર્ડી. તરીકે વેકેશનમાં કામ કર્યા બદલની રજા સર્વિસ બુકમાં જમા કરાવવા માટે રીતસરની
જહેમત ઉઠાવી રહ્યો છું. ઓફિસમાં જેને આ રજા જમા કરવાનું કામ કરવાનું છે એ ભાઈને
હું રૂબરૂ રીતસરનો કરગર્યો છું, કેટલીય વાર ટેલીફોનીક વાતચીત પણ કરી ચુક્યો છું, પણ
બધું જ નિરર્થક રહ્યું છે!! ઓફિસોમાં જવું હવે બેકાર છે એમ લાગતા.. હું
ઓ.આઈ.સી.ટી.ટી., યુ.આર.સી.અને અનુભવી હોય એવા સી.આર.સી.ની પણ મદદ માંગી ચુક્યો
છું. પણ બધું જ નકામું ઠર્યું!! છેલ્લે મારી પાસે એક જ ઓપ્શન બાકી રહ્યું હતું કે
હું એસ.એસ.એ. ના અમારા ઇન્ચાર્જ વડા એવા આ સાહેબને રૂબરૂ મળું..!! આ સાહેબને પણ
હું ત્રણ થી ચાર વાર આ બાબતે રૂબરૂ મળી મૌખિકમાં વિનંતી કરી, છેલ્લે લેખિતમાં પણ વિનંતી
કરી, છતાંય કામ ના થયું!! ..એટલે એમણે મને એમ કહ્યું કે ‘મને તમે મેસેજ કરતા રહેજો
જેથી મને ‘યાદ’ રહે..!!’ મેં એમને આ બાબતે મેસેજ પણ કર્યા છતાંય કામ ના થયું!!
..એટલે હું પાછો લેખિતમાં વિનંતી અને યાદીપત્ર (નમ્ર યાદીપત્ર!!) લઈને એમની પાસે
આવ્યો હતો, અને એમને મને જોતાની સાથે જ સૌથી પહેલો જ સવાલ પૂછ્યો ‘આ રજા કોને જમા
કરાવવાની છે!!'(??)
પહેલા તો હું થોડો ચુપ
રહ્યો, પણ પછી કહ્યું, “સર, મુખ્ય ઓફિસે ફલાણાભાઈને જમા કરવાની છે.”
“શું કહે છે એ?”
દર વખતે એકનો એક સવાલ સાંભળીને હું કંટાળ્યો હતો. પણ કંટાળાને એકબાજુએ રાખી મેં કહ્યું, “એ ના પાડે છે.”
એ અધિકારી આ દરમિયાન મારું
નમ્ર યાદીપત્ર(!!) પાના ફેરવી-ફેરવીને જોઈ રહ્યા હતા!! ..અને ત્રીજા નંબરના પાના
પર આવીને એ અટકી ગયા.. અને એને ધારી-ધારીને જોયા પછી એમના ચહેરા પર ગુસ્સાની લકીરો
અંકાઈ ગઈ!! એમણે ગુસ્સામાં પૂછ્યું, “આ શું છે?”
આડવાત: આ નમ્ર યાદીપત્રમાં
મેં સૌથી પહેલા મારી અરજી મુકેલી.. પછી સૌથી પહેલી વખત મેં જે અરજી આપેલી એની કોપી
મુકેલી, અને પછી ત્રીજા પાને મેં એમને જેટલા મેસેજ કર્યા હતા એના સ્ક્રીનશોટનું પ્રિન્ટઆઉટ મુકેલુ, એ પણ માત્ર એમના રેફરન્સ
માટે!! આપણા સાહેબ આ સ્ક્રીનશોટ જોઇને ભડકેલા!!
“સાહેબ તમે કીધું હતું કે
મને મેસેજ કરીને યાદી અપાવજો, તો એ બાબતે મેં તમને જે યાદી કરાવેલી, એ છે!!”
“તમે મારા મનમાં તમારી જે
છાપ હતી, એ ભૂંસી રહ્યા છો. હું તમને એક સારા વ્યક્તિ તરીકે ગણતો હતો અને તમે મારા
વિરુદ્ધ આવા મેસેજોની પ્રિન્ટ કઢાવીને એવીડેન્સ તરીકે મુકો છો કે તમે મને કેટલીવાર યાદી
અપાવી??”
હું સડક થઇ ગયો! મેં માત્ર
રેફરન્સ માટે આ પ્રિન્ટઆઉટ મુકેલી, જેથી એ પેલા રજા જમા કરાવવાવાળા ભાઈને જોર
કરીને મારી રજા જમા કરાવવાનું કહી શકે, નહિ કે આ અધિકારી વિરુદ્ધ એવીડેન્સ તરીકે!!
વળી, મારા અનુભવે મેં જોયું છે કે આ અધિકારી માત્ર કાગળકામને જ ગણકારે છે, એટલે મને એમ હતું કે એ મને આવું યાદ કરાવવાનું કહેશે, એટલે એમની યાદી માટે મેં આવી પ્રિન્ટઆઉટ મુકેલી!!
“સર, એક વર્ષ અને માથે એક
મહિનો થયો. તેર મહિનાથી મારું આ કામ થતું નથી એટલે મેં ખાલી તમારી યાદી માટે આ
મુક્યું છે. તમારા વિરુદ્ધ...”
મારી વાત વચ્ચેથી જ કાપતા એ
બોલ્યા, “દસ-દસ વર્ષથી લોકો ધક્કા ખાય છે, તોય કોર્પોરેશનમાં એમનાં કામ નથી થતા!! હું
તમારી વાત સંભાળું છું તો એમાં મારો વાંક શું??”
“સર, એવું નથી. છતાંય તમને
ખોટું લાગ્યું હોય તો હું માફી માંગું છું. સોરી!!” મેં માફી માંગી.
“હવે તમે આ કામ તમારી જાતે
જ કરાવી લેજો. અને આજ પછી તમારું કોઈ કામ લઈને અહી આવજો. જોઉં છું કેવી રીતે તમારું
કામ કરું છું??” એ અધિકારીએ ભડકીને ઓફિસનો દરવાજો બંધ કરી દીધો!!
પછી જે થયું, એ લખવાનો મતલબ
નથી, કેમકે મેં રીતસરના એમની પાસે ચાર થી પાંચ વખત માફી માંગી, ‘સોરી’પણ કહ્યું. એ કશું બોલ્યા
વગર, ઇવન મારી સામે જોયા વગર જ પોતાની કારમાં બેસીને ત્યાંથી જતા રહ્યા!!
મને એવું લાગે છે કે મેં
એમનો ‘ઈગો’ અજાણતાજ હર્ટ કરી દીધો હતો!! કદાચ કોઈ બાબતે મારાથી એમની દુઃખતી નસ
દબાઈ ગઈ હતી!! કારણ કે એ જે રીતે હર્ટ થયા હતા, એ જોઇને મને એવું લાગે છે કે કદાચ
એમને પેલા રજા જમા કરવાવાળા ભાઈને સુચના આપી હોવા છતાં એણે આમની વાત માની નથી, અને
વળી હું પાછો આવા યાદીપત્રો લઈને એમની પાસે ગયો હોવો જોઈએ!! વળી, આખા
કોર્પોરેશનમાં આ અધિકારીની છાપ એવી છે કે એમની પાસે જાઓ તો એ આપણું કામ ચોક્કસ
કરાવી આપશે! એક સારા, કડક અને કામચોર શિક્ષકોને કામ કરતા કરનાર અધિકારી તરીકેની એમની જે છાપ મારા જેવા ઘણા શિક્ષકોના મનમાં છે, એ મારા આવા યાદીપત્રોને કારણે ધોવાઇ હોવાનો
પણ એમને આંતરીક ડર હોવો જોઈએ!! આ ઉપરાંત, એ પણ બની શકે કે મારાથી ખરેખર
જે થયું એને કારણે પણ આ ગુસ્સો હોઈ શકે!!
માનો કે મારા જેવો જ
પ્રોબ્લેમ કોઈ પોલીટીકલ પાર્ટી સાથે સાંઠ-ગાંઠ ધરાવતા વ્યક્તિને અથવા તો
ગુંડાગર્દી વાળા શિક્ષકને હોત, તો એનું કામ આટલું અટક્યું હોત?? શું આ જ આપણા
અધિકારી આવા વ્યક્તિને અરજી લખતા ના આવડતી હોત તો એના પર એવી રીતે, સેમ જ, ગુસ્સે
થયા હોત?? હું જાણું છું કે એવા ઘણા અધિકારીઓ અને પોલીટીશીયનો છે જેમને કશુંયે
આવડતું ન હોય કે ખબર સુધ્ધાં ના પડતી હોય છતાંય એની પગચંપી નથી કરવી પડતી??...
આપણાથી નાના અને નબળાં પર કોણ જોર નથી અજમાવતું?.. અને એમાંય શિક્ષક જમાત હોય તો..??
..બધાને ચડી બેસવાની મજા પડે છે!!
છોડોને.. જે હોય એ.. અને જે થયું
એ..!! મને એવું લાગે છે કે આપણે સૌએ, આપણે કોઈ એવા હોદ્દા પર હોઈએ કે જેનાથી આપણે
કોઈનું કામ કરી શકતા હોઈએ, તો એ કામ તરત જ કરી નાખવું જોઈએ! ઈશ્વરે કેટલો ભરોષો
રાખીને આપણને આ માટે પસંદ કર્યા હશે? શક્ય છે કે મારી સાથે જે થયું, એ મેં કોઈ
બીજાની સાથે આવું કર્યું હશે એનો બદલો મળ્યો હોય!!
અત્યારે હાલને હાલ જ હું
ઈશ્વરને મારા હૃદયથી પ્રાર્થના કરું છું કે જો મેં આવું કોઈની સાથે કર્યું હોય તો
મને નાદાન ગણી મારી એ ભૂલની મને ક્ષમા આપે! મારે બીજું કશું જ ખુલાસો કે સ્પષ્ટતા
નથી આપવું, બસ, મેં જેની સાથે આવું કર્યું હોય એની પાસેથી હું ક્ષમા માંગું છું!! ઈશ્વર
મને એ ગુના માટે માફ કરે!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો