પ્રકરણ ૧
“તમે તો સાહેબ કહેવાવ, તમારી પાસે થોડી પૈસાની તાણ હોય!!”
થોડા દિવસ પહેલા મારી
જુનાગઢ (હાલ ગીર-સોમનાથ) જીલ્લાની જૂની શાળાના ગામનાં એક રહેવાસીભાઈનો મારા પર ફોન આવ્યો. અજાણ્યો નંબર
જોઇને પહેલા તો મેં ફોન જ ના ઉપાડ્યો.. પણ પછી ફોન ઉપાડી ‘હેલો..’ કર્યું.
“હા, સાહેબ.. ક્યાં છો?”
“કોણ??” મેં
પૂછ્યું.
“એ હું.. વેળાકોટથી –આતા
બોલું. એ કેમ છો સાહેબ?”
-આતાનો અવાજ સંભાળીને પહેલાતો હું કશું જ ના બોલ્યો, પણ પછી કંટાળા સાથે કહ્યું, “બોલો –આતા..”
“શું તબિયત-પાણી મજામાં
ને?”
“હા હા.. બોલોને.. શું કામ
હતું?” મેં બહુ ભાવ ના આપ્યો!
“ઘરના બધા?.. મારા બેનને
બધા મજામાં તો છે ને?..” એમણે પાછો ખોટેખોટો આનંદ બતાવતા પૂછ્યું.
“બોલોને –આતા, શું કામ છે?
અત્યારે હું ચાલુ બાઈકે છું..” ઝડપથી વાત પતાવવા માંગતો હોઈ હું ઉતાવળે ઘરની બહાર
નીકળ્યો.. જેથી રોડ પરથી પસાર થતા વાહનોના અવાજો એને ફોન પર સંભળાય..!
“તમે અત્યારે કામમાં હોવ તો
હું પછી વાત કરું..” –આતાએ જુઠી સંવેદનશીલતા બતાવી.
મેં ફરી ઉતાવળ કરી કહ્યું,
“નઈ નઈ.. અત્યારે જ બોલો, જે કામ હોય એ.. હું સાંભળું જ છું.. બોલો..”
“હા.. તો.. એમાં એવું છે ને
કે.. દીપિકા નઈ?.. તમારા વર્ગમાં ભણતી’તી એ..??...” (છોકરીનું નામ મેં બદલ્યું છે)
“હા..હા..”
“...એના લગન જેની સાથે
કર્યા છે ને.. એ અમારા જમાઈ કાલે અમદાવાદ આવવાના છે..”
...આ સંભાળતાની સાથે જ હું
સમજી ગયો કે છેલ્લા ચાર વર્ષથી જેણે ક્યારેય ફોન સુધ્ધાં નથી કર્યો એને આમ અચાનક જ
કેવી રીતે મારી યાદ આવી ગઈ??.. છતાંય આમન્યા જાળવી મેં પૂછ્યું, “હાં તો..?”
“..તો એ, કાનો (દીપિકાનો
ભાઈ) અને એમના બે-ત્રણ દોસ્તો બધા કાલે અમદાવાદ ખરીદી કરવા આવવાના છે, તો.. તમે
થોડો ટાઈમ કાઢીને એમની સાથે રહેજો ને.. એમાં એવું છે ને તમે સાથે હોવ તો થોડા ઓછા
છેતરાય, એમ..!!”
એ લોકો છેતરાશે જ.. એવો
એમને ચોક્કસ વિશ્વાસ હતો, એટલે મને થોડું હસવું આવ્યું!.. પણ તરત જ હસવું ખાળી મેં
મારી બહાનાબાજી ચાલુ કરી, “હાં..હા.. ચોક્કસ રહેતો.. પણ એમાં એવું છે ને કે.. કાલે
મારે ગાંધીનગર એક મીટીંગમાં જવું પડે એમ છે એટલે.. મને એવુ લાગે છે કે મેળ નહિ પડે..!!”
“સાંભળો સાહેબ.. એ બધા આજે
રાતે નીકળવાના છે. સવારે ત્યાં આવી જશે.. તમે ના આવવાના હોવ તો કોકને મોકલજો ને
એમની સાથે.. એમાં એવું છે કે કોક એમની સાથે હોય તો બિચારા ભૂલાય ના પડે અને પૈસાય
ઘટે તો એમને વાંધો ના આવે ને?.. સમજ્યા તમે?.. તમે તો એમના સાહેબ કહેવાવ ને?!
તમારી પાસે થોડી પૈસાની તાણ હોય?!”
.......હવે તીર બરાબર
નિશાના પર લાગ્યું!! હું જાણતો જ હતો કે શું કામ હતું, અને શા માટે આ –આતાએ આટલા
વર્ષે યાદ કર્યા છે??.. મારા દિમાગમાં અંદાજે દસેક વર્ષ પહેલાની વાત તાજી થઇ ગઈ!!
દસેક વર્ષ પહેલા વેળાકોટ ગામ સજાવાળું ગામ તરીકે વગોવાયેલું હતું! અમુક કર્મચારીઓની
સજારૂપે આ ગામમાં બદલી પણ થયેલી! કોઈ શિક્ષક ત્યાં રહેતું ના હતું. બધા જ આજુબાજુના ગામડામાંથી
અપ-ડાઉન કરતા હતા, પણ મેં ત્યાં રહેવાનું સાહસ કરેલું!! અંદાજે સાડા ત્રણસો
મકાનોવાળું ગામ, પણ એકેયના ઘરે સંડાસ નહિ!! બધા બહાર જ જાય.. અને જે વ્યક્તિ
પહેલેથી જ અમદાવાદ જેવી સિટીમાં રહી હોય એને બહાર જવાનું ફાવે એમ નહતું, એટલે મેં
શાળાના સ્ટોરરૂમમાં રહેવાનું શરુ કરેલું, જેથી શાળાના પ્રાંગણમાંની સુવિધાઓ વાપરી
શકાય!!
એક આડવાત- એ જ સાંજે શાળા
છૂટ્યા પછી ગામના ધંધાવાળા(!!) રોજની જેમ શાળાના મેદાનમાં આવી ધંધો શરુ કરેલો!! ..એમને
જોઈને ડરી ગયેલો હોવા છતાં થોડી હિંમત રાખી એમને કહી દીધેલું કે, “આજ પછી અહી આવતા
નઈ..!!” ગામડાઓની શાળાઓમાં શિક્ષકોનું હજુયે ઘણું માન છે. એ લોકો ત્યારપછી ક્યારેય
શાળાના મેદાનમાં ડોકાયા ન હતા!! વળી, કોઈ પીધેલી હાલતમાં દેખાઈ જાય તો તરત જ
સામેથી કહી દે, “માસ્તર.. આજે રહેવા દેજો.. બોલાય એવી હાલત છે નઈ..!!”
થોડા દિવસ પછી રાતે જમીને
બહાર ઓટલા પર એકલો બેઠેલો, ત્યારે આપણા –આતાની દીપિકાએ આવીને કહ્યું, “સાહેબ, મારા
બુપા (-એટલે કે, પપ્પા!!) તમને બોલાવે છે.”
મેં સંમતિ દર્શાવી. થોડીવાર
પછી ત્યાં બેસવા ગયો. –આતા સાથે ઠીકઠાક વાતચીત થઇ. એટલામાં સંગીતા ચા લઇ આવી! ‘ચા’
પીધા પછી આતાએ ખરી વાતચીત શરુ કરી!
“પગાર તો સારો એવો હશે નઈ..
તમારો??”—આતાએ વાતની શરૂઆત કરી!
“ક્યાંથી સારો? ૨૫૦૦ રૂપિયા
છે!..” મેં ચહેરો હસતો રાખી થોડી નિરાશાથી કહ્યું, “..આટલામાં ગીરગઢડામાં (ગામનું
તાલુકા સ્થળ!) પૂરું નહતું થતું, એટલે તો અહી રહેવા આવવું પડ્યું!”
“અહી ગામડામાં તો તમારી
પાસે પૈસા બચતા હશે નઈ? એટલો બધો ખર્ચો તો અહિયાં ના હોય ને?” –આતાની વાતોમાં
રહેલી ચાલાકી સમજવા પુરતો હું સક્ષમ નહતો!
“બચે તો ખરા! ..પણ એટલાય
નઈ!” મેં હસતા મોઢે કહ્યું.
“સાહેબ એમાં એવું છે ને
કે..” –આતાએ ‘ચા’ પાઈને એની કિંમત વસુલવાનું શરુ કર્યું, “..મારે અત્યારે પૈસાની
બહુ જરૂર છે, અને ઘરમાં અત્યારે બિલકુલ પૈસા છે જ નઈ.. તમે થોડી મદદ કરી દો તો..” –આતા
ગરીબડું મો કરી અટકી ગયા!
...આમેય નાનપણથી જ ગામડામાં રહેતા લોકો હમેશા ગરીબ જ હોય
છે, એવું સિટીમાં રહેનારા મારા જેવા લોકોના મનમાં આવી માન્યતા દ્રઢપણે ઘર કરી ગઈ
હોય છે!.. એટલે મેં વિના સંકોચે –આતાના નામે ત્રણસો રૂપિયાની બલી ચડાવી દીધી!
ત્યારબાદ તો આ લગભગ રૂટીન જ બની ગયું હતું કે, જયારે –આતા સામેથી ‘ચા’ પીવા બોલાવે
ત્યારે આ પરાણે પાયેલી ‘ચા’ની કિંમત વસુલે જ!! આમ કરતા-કરતા આ ‘માનસિક’ગરીબડા –આતાએ
મારી પાસેથી એમની પાયેલી ‘ચા’ના ધીમે-ધીમે કરીને અંદાજે ત્રણેક હજાર રૂપિયા ઉસેટી લીધેલા!!
એક દિવસ તો હદ થઇ! દીપિકાના
ભાઈ કાનાના લગનના ફુલેકા વખતે આ ગરીબ –આતાએ દસ-દસની નોટોના બંડલની છોળો ગામ આખામાં
ઉછાળેલી!! ..અને હું ચોંકી ઉઠેલો! મેં તરત જ અમારા આચાર્યને આ વાત કરી તો એમને મને
ચેતવ્યો કે આના ઘરે બહુ નઈ જવાનું!! એણે અમારા આચાર્યના પણ ઘણા રૂપિયા ઉસેટેલા!!
...થોડા દિવસ પછી કચવાતા મને મેં એમની પાસે મારા બાકી નીકળતા પૈસાની માંગણી કરી
ત્યારે એમણે ‘ખંધુ’ હસતા કહેલું, “તમે તો સાહેબ કહેવાવ, તમારી પાસે થોડી પૈસાની
તાણ હોય!!”
દસેક વર્ષ પહેલા થયેલા આ
અનુભવથી હું ઘણું શીખેલો! પરિણામે –આતાના આવેલા ફોનથી જ હું સમજી ગયો હતો કે એમને
મારે કોઈપણ સંજોગોમાં મદદ કરવાની નથી!! મેં એમને ટાળવા માટે તરત જ કહ્યું, “હા..
લ્યો તો જોઈશું હો.. કાનો અને જમાઈ અમદાવાદ પહોચે તો એમને કહેજો કે મને ફોન કરે..!!”
“તમારી પાસે એનો ફોન નંબર
તો છે ને??” –આતાએ પૂછ્યું.
“ના.. મારી પાસે નંબર તો
નથી.. એક કામ કરો ને.. મને એ નંબર પરથી એક મિસકોલ મારી દો ને.. એટલે હું સેવ કરી
લઉં..!!” મેં કહ્યું.
“સારું..સારું.. હું કાનાને
કહી દઉં છું કે તમને એક મિસકોલ મારી દે!!” –આતા ઉત્સાહમાં આવી ગયા!
......ત્યારબાદ ઔપચારિક
વાતો કરી મેં ફોન મુક્યો! થોડીવારમાં એક મિસકોલ આવ્યો. મેં તરત જ આ બંને નંબર
બ્લેકલીસ્ટમાં નાંખી દીધા!!
લ.તા. ૨૬/૦૬/૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો