"આવું ના કરશો, મોટા બેન.. છોકરાઓના પેપરમાં કશું જ ના લખશો. એમને જે લખ્યું છે એ સ્વીકારો. કમ સે કમ એમને પરીક્ષાની ગંભીરતા તો સમજવા દો." મેં કહ્યું.
"મને ખબર છે.. પણ હું શું કરું? તમે જુઓ તો ખરા.. છોકરાઓ કશું લખતા જ નથી. એમને આમ સાવ જ ઝીરો માર્ક કેમ આપી દઉં?" મોટાબેને લાચારી બતાવી.
ઉપરનો સંવાદ પરીક્ષા શરુ થઇ ત્યારથી રોજેરોજ મારી અને મોટાબેન વચ્ચે થતો. મોટાબેન સાચા હતા. ખરેખર અમારા બંનેના ધોરણ 5 ના વર્ગો 42-42 ના હતા. માંડ-માંડ 15 બાળકો 40 માંથી 14 અથવા 14+ માર્ક લાવી શકતા હતા. હું પોતે પણ પરીક્ષાના બાળકોએ પેપરને જોઈને નિરાશ હતો. પણ શું થાય? વિલનો ઓછા ન હતા.
*****
બાળક પરીક્ષામાં લખી નથી શકતું... શા માટે??
આ વખતે સત્ર-વર્ષની શરૂઆત જ રમઝાન માસથી થઇ હતી. અમારી શાળામાં લગભગ 90% બાળકો મુસ્લિમ છે. (મારા વર્ગમાં 42 માંથી માત્ર 6 જ બાળકો હિન્દૂ છે.) રમઝાન માસમાં આ બાળકો મહદંશે શાળામાં આવતા જ નથી. (રમઝાન માસમાં વર્ગની એવરેજ હાજરી માત્ર 9-10!!) રમઝાન ઈદ પછી તરત જ 'વિશ્વ યોગ ડે' અને 'પ્રવેશોત્સવ'! માંડ એમાંથી ઉકલ્યા ત્યાં 'ડોનેટ ટુ રીડ' અને 'ઓરી-રુબેલા રસીકરણ' ચાલ્યું. ('ડોનેટ ટુ રીડ' માં તો ફરજીયાત શિક્ષકદીઠ 35 પુસ્તકોનો ટાર્ગેટ અપાયો હતો!!) ખબર નહિ પણ, મુસ્લિમ એરિયામાં એવી અફવા ફેલાયેલી કે 'હમારે વંશ કો ખતમ કરનેકે લિયે યે ઇન્જેક્શન દીયે જા રહે હૈ..' આને કારણે પાછી બાળકોની શાળામાં આવવાની સંખ્યા ઠપ થઇ ગઈ! માંડ એ પત્યું, ત્યાં 'મિશન વિદ્યા' હાજર થઇ ગયું. દોઢ મહિનો એમાં ઘુસ્યો. (એકદમ સાચું કહું તો, ખરેખર જે બાળકો માટે મિશન વિદ્યા હતું, એ બાળકો જ રેગ્યુલર શાળાએ નથી આવતા! જો શાળામાં આવતા હોય તો મિશન વિદ્યાની જરૂર જ ના પડત!! કાશ.. આરટીઈ ની જેમ વાલીઓ માટે પણ એવો કાયદો ઘડાયો હોત કે જેમાં વાલીને પણ બાળકોને શાળાએ ન મોકલવા બદલ દંડ થાય. ભારતમાં ગાયકવાડ જેવા રાજાની ખોટ વર્તાય છે. કે જેમણે બાળકોને શાળાએ ન મોકલવા બદલ વાલીઓને દંડ કરેલો!! વિચારો, ગાયકવાડ અને અકબર ઓછું ભણેલા/અભણ હતા એટલે જ એ શિક્ષણનું મહત્વ સમજતા હતા! આપણે અહીંયા તો વધુ ભણેલા અભણ અધિકારીઓ ડોક્ટરેટ ની પદવી મેળવીને સરકારી સ્કૂલોના બાળકો પર જાત-જાતના પ્રયોગો કરી રહ્યા છે.. જાણે કોઈ ડોક્ટર મેડિસિનના પ્રયોગો અબોલ જાનવરો પર ન કરતો હોય એમ!! ...અને એ પણ માત્ર આપણા પોલિટિશિયનોને ખુશ રાખવા! ઈશ્વર માફ નહિ કરે આવા તલવા ચાટવાવાળાઓને!!) આ બધું ચાલુ હતું, એ દરમિયાન 'બી.એલ.ઓ. કામગીરી', 'અવનવા ઉત્સવો/તાયફાઓ/ફતવાઓ/મેળાઓ', 'તાલીમો', 'ઓનલાઇન ઍન્ટ્રીઓ', 'બેન્ક ના ધક્કાઓ', 'બદલાયેલા પુસ્તકોના પુરા કરવાનો અભ્યાસક્રમનું પ્રેશર કુકર' તો સીટીઓ મારી જ રહ્યું હતું!! (જેમ કે, ફરજીયાત ખાદી ગ્રામોદ્યોગમાંથી 2000 રૂ. ની ખરીદીનું બિલ લાવો!!)છેલ્લા એક મહિનામાં વળી પાછું ધોરણ 3 થી 5 માં પિરિયડ પદ્ધતિ કરી! હજુ ઓછું પડતું હોય એમ નવરાત્રીનું વેકેશન જાહેર કર્યું!! અધૂરા માસે જન્મેલું બાળક તરત દોડતું ના થાય, પણ સરકારને તરત દોડતું કરવું હતું એટલે વળી પાછું પરીક્ષા પદ્ધતિમાં ભારેખમ ફેરફારો કર્યાં!! ફેરફારો તો ચાલો હજી ઠીક છે.. પણ પેપર ચેકીંગ, ઓનલાઇન માર્ક્સ અપલોડિંગ અને બીજી શાળાના 25% પેપર મોડરેટિંગનું કામ ફરજીયાત પરીક્ષા પત્યાને એક જ દિવસમાં પતાવી દેવાનું!! (??!!.. હા, પતાવી દેવાનું!!) આમાંનું કશુંયે પાછું ખાનગી સ્કૂલોને લાગુ ના પડતું હોય(કારણ કે ખાનગી શાળાઓમાં આ જ અધિકારીઓના બાળકો ભણે છે!!) માત્ર સરકારી સ્કૂલોમાં જ લાગુ પડતું હોય!!(કેમ કે સરકારી શાળાઓમાં ગરીબ બાળકો ભણે છે!!) એમાંય વળી કોર્પોરેશનનો પોતાનો વહીવટ!! ....એટલે ઓનલાઇન એન્ટ્રીઓ સ્ટેટમાં પણ કરવાની અને કોર્પોરેશનમાં પણ કરવાની!! હજુ વેકેશન પછી રાષ્ટ્રીય ગણિત-વિજ્ઞાન અમદાવાદમાં યોજવાનો છે, એટલે આ લોકો આખા કોર્પોરેશનના શિક્ષકોને બાનમાં લેશે! (હે ભગવાન, બચાવો અમ અબોલ શિક્ષકોને!! આવા ટૂંકી દ્રષ્ટિવાળા અધિકારીઓ બાળકોને ભણાવવા દેતા નથી. અને એમને બધ્ધુંજ આવડવું જોઈએ, એવો દુરાગ્રહ પણ રાખે છે. બાળકો મશીન નથી, એ જીવતીજાગતી ચેતના છે. શીખવું/શીખવવું એ લાંબા ગાળાની પ્રોસેસ છે, જેમાં શિક્ષક અને બાળક નામના બંને ધ્રુવો આ પ્રોસેસ માટે તૈયાર હોવા જોઈએ. પંક્ચરવાળા વાહનને તમે એક્સપ્રેસ હાઇવે પર 100ની સ્પીડે દોડાવી શકતા નથી!) આ બધી બાબતોમાં બાળક સાથે શિક્ષક તરીકે લય નથી મેળવી શકાતો!! અને.. પરિણામ એટલું ગંભીર આવે છે કે બાળક પરીક્ષામાં કશું જ લખી નથી શકતો!! (નવરાત્રી વેકેશન એટલું બધું નડ્યું છે કે પરીક્ષા પહેલાની છેલ્લી ઘડીનું રીવીઝન જ ના થયું! પરિણામે સત્રાંત પરીક્ષાના બાળકોના પરિણામ પર ખુબ જ ગંભીર અસર થઇ છે. ઓનલાઇન માર્ક્સની એન્ટ્રીઓમાં આ ઓછા પરિણામના સાચા મૂલ્યાંકનની સજારૂપે પાછું મિશન વિદ્યા ચલાવવાનું છે!!)
બાળક પરીક્ષામાં નથી લખી શકતું એનું સૌથી મોટું કારણ તો એક ઉદાહરણ આપીને સમજાવું....
મારા ફ્લેટમાં 5 ફ્લોર છે. ફ્લેટની વીજળી બચે અને સ્વાસ્થ્ય પણ સારું રહે એ માટે એક નિયમ બનાવવામાં આવે છે કે ફ્લેટમાં બપોરના 12 થી 5 સૌએ સ્વેચ્છાએ સીડીનો ઉપયોગ કરવો. આ નિયમ સારો છે અને મારે એ કરવું છે એટલે હું કરીશ. પણ હવે આ નિયમ મારા ફ્લેટના બધા રહેવાસીઓ કરે એ જરૂરી નથી! અમુક કરશે, અમુક નહિ કરે! હવે વિચારો, બધા આ નિયમનું પાલન કરે એ માટે કોને દંડ કરવો જોઈએ? એને કે જે નિયમમાં માનતા નથી કે પછી એને કે જે નિયમ ફોલો કરે છે?? સોચો... સોચો... વિચારો... વિચારો...
તમે માનો યા ના માનો... દંડ ફ્લેટના સેક્રેટરીને થાય છે!! કારણ કે એ બધાને નિયમમાં ના રાખી શક્યો!! ....અને દંડ પણ કેવો? ફ્લેટનું જેટલું લાઈટબીલ આવે છે એ સેક્રેટરીએ ભરવાનું!! ..અને સિડી ચડીને જેના પગ દુઃખતા હોય એને પગ દબાવી આપવાના!! ફ્લેટના બધા રહેવાસીઓના આરોગ્યનું ધ્યાન રાખવાનું!! બધાના બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવાના!! આધાર કાર્ડ કઢાવી આપવાના!! ફ્લેટના લોકોની માહિતીઓ રાખવાની!!આ ઉપરાંત, ફ્લેટની સફાઈ કરવાની, મંત્રીઓના કાર્યક્રમોમાં જવાનું, ઉત્સવો ઉજવવાના.. વગેરે.. વગેરે..!! પાછું આ બધ્ધું સેક્રેટરી પોતે જ કરે છે, એ બતાવવા રાજાને ફોટા/અહેવાલો પણ મોકલવાના!! હવે.. વર્ષાન્તે રાજાના મંત્રીઓ આવીને એ સેક્રેટરીનું મૂલ્યાંકન કરશે કે બધા ફ્લેટમાં સીડી ચડે છે કે નઈ?? જો નઈ ચડતા હોય તો બધા ફ્લેટમાં સીડી ચડતા થાય એ માટે 'સેક્રેટરી'(!!) ને સીડી ચડવાની તાલીમ આપવામાં આવશે!! રોજેરોજ કેટલા લોકો સીડી ચડ્યા અને કેટલા લોકો લિફ્ટમાં ગયા એના આંકડા માંગવામાં આવશે!! ફ્લેટના બીમાર, વૃદ્ધો અને એવા લોકોં કે જે ક્યારેય સીડી ચડતા નથી, એવા લોકોની કમિટી બનાવી સેક્રેટરીનું ધ્યાન રાખવાનું કહેવામાં આવશે કે સેક્રેટરી નિયમિત લિફ્ટની લાઈટ ચાલુ કરે છે કે નઈ!! ....અને છતાંય જો લોકો સીડીનો ઉપયોગ નહિ કરતા થાય તો સેક્રેટરીનો પગાર કાપી લેવામાં આવશે!! ..............બોલો, 'અંધેરી નગરી ને ગંડુ રાજા..." વાર્તા જેવું છે કે નઈ??
બસ.. હવે, ડિટ્ટો ટુ ડિટ્ટો.. ઉપરના ઉદાહરણને શિક્ષણમાં લાગુ કરો!!
બપોરે/સવારે શાળાએ જવું, ભણવું એ નિયમ સારો છે. પણ બાળકો સ્કૂલમાં આવે કે ના આવે એમને પાસ કરવાના!! ભણે કે ના ભણે, શિષ્યવૃત્તિઓ-નોટ-ચોપડા-દફતર-ગણવેશ બધ્ધું આપવાનું!! વધારામાં.. સરકારના પણ કાર્યક્રમોમાં પણ જવાનું!!
ઉત્સવો ઉજવવાના!! આંકડાઓ/અહેવાલો/ફોટાઓ મોકલવાના!! બધ્ધું કરવાનું!! પણ.. બાળકોને ભણાવવાં દેવાના નઈ!! અને... છેલ્લે રિઝલ્ટ માંગવાનું!! જો રિઝલ્ટ સારું ના મળે તો શિક્ષકોને દંડવાના!! બાળકને શાળાએ ના મોકલવા બદલ વાલીને બિલકુલ જવાબદાર નહિ ગણવાના!! શિક્ષકને શાળામાં/વર્ગમાં ના રહેવા દેવા બદલ ખુદ સરકારને પોતાને દોષિત નહિ ગણવાનું!! પણ.. શિક્ષકોને જાહેરમાં ભાંડવાના!! અંધેરી નગરી ને ગંડુ રાજા (આ કોણ??.. સમજી ગયા ને??), ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા!!
*****
બાળક પોતે પરીક્ષામાં લખતો થાય એ માટે સૌથી પહેલા તો એને પોતાને જ ભણવામાં રસ હોવો જોઈએ!! બાળકને ભણવામાં લગની હશે, તો શિક્ષકને પણ ભણાવવાની મજા આવશે!! (ડો. બાબાસાહેબ આંબેડકરનું જીવન આનું જીવતુંજાગતું ઉદાહરણ છે!!) માતા-પિતા પણ બાળકના અભ્યાસને લઈને ગંભીર હોવા જોઈએ. બાળક-વાલી, શિક્ષક અને સરકાર-સમાજ આ ત્રણેયમાંથી એકેય નબળું જણાય તો એને તાત્કાલિક દંડ આપવો જોઈએ!! પછી ભલે એ ખુદ સરકાર પોતે જ કેમ ના હોય??
*****
પરીક્ષાનો છેલ્લો દિવસ બાકી હતો ને આસિ. શાસનાધિકારીશ્રી સ્કૂલ વિઝિટમાં આવ્યા. તપાસેલાં પેપરો જોવા માંગ્યા. મેં આપ્યા. જેમ-જેમ પેપરો ચેક કરતા ગયા એમએમ ભૂલો પકડાતી ગઈ. અને એ ભૂલો કોની પકડાઈ?? અમારા મોટાબેનની!! ..અને ત્યારપછી મોટાબેને નક્કી કર્યું કે હવેથી કોઈ દિવસ આવું ખોટું નહિ કરું!!
*****
ડોન્ટ થિન્ક એવર
આધ્યાત્મિક દુનિયામાં ક્યારેય કોઈ વસ્તુ સાચી કે ખોટીએ આપણા હોતી જ નથી. વસ્તુ સાચી કે ખોટી ત્યારે જ હોય છે જયારે આપણા મનમાં એની વ્યાખ્યા બંધાય છે!! અમારા મોટાબેન આ વાત સમજી મને માફ કરે!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો