સોમવાર, 25 મે, 2026

બર્થ ડે 23.5.26 (જ્યારે તમન્ના ઘરે આવી)

https://www.facebook.com/share/p/18Z9RrwvYy/

23 મે 2026.

સાંજે અચાનક રિંગ વાગી, "સર, આપ ઘર પે હો?"
"હા.." મેં કહ્યું.
"આજ આપકા બર્થ ડે હૈ ના..?"

આ સવાલથી મને હસવું આવ્યું. કેમ કે  સામાન્ય રીતે હું બર્થડે ઉજવતો નથી. કારણ કે હવે મને લાગે છે કે માણસનો જન્મ એ દિવસે નથી થતો જ્યારે એ શરીર લઈને દુનિયામાં આવે છે.
માણસનો જન્મ એ દિવસે થાય છે જ્યારે એ પહેલી વાર પોતાને જોઈ લે છે. પોતાની અંદરની ખોટ, અહં, ડર, માન્યતાઓ અને બેહોશીને જ્યારે તે ઓળખવા લાગે છે ત્યારે  એ દિવસે થોડું “નવું” જન્મે છે. 

પણ આ વખતે 23 મે મને અંદરથી સ્પર્શી ગઈ. મેં કહ્યું, "હા બેટા.. આજ મેરા બર્થડે હૈ."

"આપકે ઘર કા લોકેશન ભેજો.. મૈં મેરે પપ્પા કે સાથ આપકે ઘર આ રહી હું. મુજે આપસે મિલના હૈ."

"આજ..અભી આ રહી હો તુમ?"

"હા સર.. લોકેશન ભેજો.." ..અને ફોન કટ! 

આજનો દિવસ મારા માટે રોજના જેવો જ સામાન્ય હતો. અને એક દીકરી મને આશ્ચર્યમાં નાંખી ગઈ. (ઘરમાં પણ આજનો દિવસ કોઈને યાદ ન હતો.) 
******

સાંજે મારા વર્ગમાં ધોરણ 4માં ભણતી એ નાનકડી દીકરી ઘરે આવી. હાથમાં નાનકડી ગિફ્ટ હતી.

એના પપ્પાએ કહ્યું —
“એ ઘણા દિવસથી તમારા બર્થડેના દિવસો નોટમાં લખીને ગણી રહી હતી.”

આ વાત સામાન્ય લાગે,  પણ મને અંદરથી હચમચાવી ગઈ હતી.  કારણ કે હું જાણું છું — આ દીકરી માત્ર “સર”ને મળવા આવી નહોતી. એ એવી જગ્યા શોધતી આવી હતી જ્યાં એને વિચારવાની છૂટ મળે છે. જ્યાં એને માત્ર પાઠ્યપુસ્તક નહીં, પોતાને જોવાની શરૂઆત મળે છે. હું વર્ગમાં ઘણી વાર આત્મ અવલોકન, જાગૃતિ, ચેતના જેવા વિષયો વિશે વાત કરું છું. સામાન્ય રીતે આ શબ્દો બાળકોને અઘરા લાગે, એટલે એમની ઉંમર અનુસાર આ શબ્દો હોય કે જેમાં મારા સવાલો એમને એમની અંદર ઉતારે છે. એવું ઘણી વખત બન્યું છે કે મારો આખો ધોરણ 4 નો વર્ગ 'પિનડ્રોપ' સાઇલેન્સથી કલાકો સુધી બેઠો હોય, ન કોઈ રજા માંગે, ન કોઈ રિસેશમાં જાય. અંતે મારે કહેવું પડે કે, "બેટા પહેલા રિસેશમાં જઈ આવો."

'ભણાવવું' માત્ર બે પૂંઠા વચ્ચેનું નથી, પણ પુસ્તકની બહારનું છે. અને જે બાળકો માત્ર ટેક્સ્ટ બુક ભણે છે એ મોટા થઈને 'ઉઠાં' ભણાવવાનું તો શીખી જ જાય છે. આનાથી બચવા માટે દરેક પાઠને અંતે 'સ્વયં-જાગૃતિ (self observation) ના હું પાંચ સવાલો બાળકોને આપું છું કે જે શીખેલા એકમને કેવી રીતે જીવન સાથે જોડે છે એને અનુરૂપ હોય છે. ટેક્સ્ટ બુકનો પાઠ પૂર્ણ થતાં જો મને ૩ દિવસ લાગતો હોય, તો માનવું કે હજુ વધુ એક દિવસ આ પાંચ પ્રશ્નોની ચર્ચામાં જશે, એ પાક્કું!

કેટલાક સવાલો, અહીં મુકું છું..

- પરીક્ષામાં કેમ જવાબો જોઈને ના લખવા જોઈએ?
- નાગદમન કવિતાનો વાસ્તવિક નાગ કોણ છે અને ક્યાં છે?
- ખુદા/ભગવાન કોણ છે?
- ઈમાનદારી એટલે શું?
- આપણી નદીઓ ગંદી કેમ છે?
- શું માતાપિતા કે શિક્ષક ખરેખર ભગવાન છે?
- ગમે તેને પગે કેમ ન લાગવું જોઈએ?
- તમારે ભણવું કેમ જોઈએ?

શિક્ષણની સાચી પ્રોસેસ એ છે કે જેમાં બાળકો પોતાની beliefs ને આંખો બંધ કરીને માને નહિ, પણ સવાલ પૂછે. (તમારે કેમ ભણવું જોઈએ? - જયારે ધોરણ ૮ પૂર્ણ કરીને જતા બાળકોને કર્યો ત્યારે અફસોસ કે એકેય પાસે સાચો જવાબ ન હતો. જે જવાબ હતા એ રટારટાયા હતા.)

ઘણા બાળકો માટે આ પ્રશ્નો માત્ર પ્રશ્નો જ હોય છે.  પણ આ દીકરી સાંભળે છે. પ્રશ્નોને અંદર લે છે. પ્રશ્ન કરે છે. હું એના ચહેરા પર ઘણી વાર એક સચ્ચી તલપ જોઉં છું — “મારે સમજવું છે.”

જ્યારે એ પહેલી વાર પ્રાઇવેટ શાળામાંથી મારા વર્ગમાં આવી હતી ત્યારે ખાસ કશું આવડતું નહોતું. આજે એ એના પપ્પાને લઈને લાઇબ્રેરીમાં (ગાંધી પુલ પાસે) જાય છે. એ એને સમજમાં આવે એવાં પુસ્તકો વાંચે છે. ચર્ચા કરે છે. ધીમે ધીમે અંદર કંઈક જાગતું દેખાય છે.

અને સાચું કહું તો —

મને એ દિકરીમાં "ધર્મ" નહિ, પણ એક ચેતના દેખાય છે જે ઉપર ઉઠવા માંગે છે. પણ સમાજ એટલો સરળ નથી. બેહોશ છે. આજના સમયમાં પહેલા ધર્મ બતાવવામાં આવે છે, પછી માણસ. 

બાળક જન્મે છે ખુલ્લું, સ્વતંત્ર, આઝાદ, સહજ…

..પણ ધીમે ધીમે એને ડર, ભેદભાવ અને બંધનો પહેરાવી દેવામાં આવે છે. એટલે ક્યારેક મને એની ચિંતા થાય છે. કારણ કે બાળકનું મન સ્પંજ જેવું હોય છે. જેની પાસે રહેશે, એને શોષી લેશે. જો એને જાગૃત લોકોને મળશે — તો ખીલી ઊઠશે.
અને જો એને સંકુચિત, ડરેલા, અહંકારી લોકો મળશે — તો કદાચ એ પણ ભીડનો ભાગ બની જશે.

શિક્ષક તરીકે મારી સૌથી મોટી આંતરિક લડાઈ માર્ક્સ માટે નથી. મારી લડાઈ એ છે કે કોઈ બાળક અંદરથી મરી ન જાય.
આ દીકરી જ્યારે ગિફ્ટ લઈને આવી ત્યારે મને ગિફ્ટમાં શું છે એમાં રસ નહોતો.

મને એમાં આ દેખાયું —
કે હજુ પણ કોઈ બાળક જ્ઞાન તરફ પ્યાસાની જેમ દોડીને આવે છે.

અને કદાચ…
એ જ ક્ષણે મને લાગ્યું —
“હા, આજે ખરેખર મારો જન્મદિવસ છે.”

- યજ્ઞેશ રાજપુત
લ.તા. 25.5.26

રવિવાર, 19 એપ્રિલ, 2026

"GOAT LIFE" કે "સાચી જિંદગી??"નોકરી કરી રહ્યા છો કે જીવી રહ્યા છો??

https://www.facebook.com/share/p/18ieqibgey/

"GOAT LIFE" કે "સાચી જિંદગી??"
નોકરી કરી રહ્યા છો કે જીવી રહ્યા છો??

**************

સ્ટાફમાંથી બે શિક્ષક મિત્રો નિવૃત્ત થાય છે. રૂઢિગત જે કરીએ છીએ એ જ રૂટિન કરતાં રહેવાનું હવે બદલાતો વિચાર વિરોધ કરે છે, એટલે સ્ટાફમાંથી પૈસા ઉઘરાવી નિવૃત્ત થતાં મિત્રોને કંઈક વસ્તુ અને સન્માન આપી વિદાય કરીએ બદલામાં નિવૃત્ત થતા મિત્રો શાળામાં કંઈક ભેટ આપે, અને બધાને હોટલમાં જમવા લઈ જાય- આ બધું મને હવે 'લેન-દેન-વેપાર' જેવું લાગે છે. એટલે મને આમાંથી બાકાત રાખવા વિનંતી કરી.

બંને નિવૃત્ત થતા મિત્રો મારા વડીલ સમાન છે. મને હંમેશા મદદરૂપ રહ્યા છે. એક સાહેબ તો મારા જન્મ પહેલાથી નોકરી કરે છે. હું બંનેને પસંદ કરું છું. 'લેન-દેન-વ્યાપાર' કરવા કરતાં એક શિક્ષકને શોભે એમ મેં હવેથી આવા દરેક પ્રસંગોએ 'પૈસા કરતા પુસ્તક' આપવાનો નિર્ણય કર્યો છે. હવેથી લગ્ન પ્રસંગોમાં પણ 'ચાંલ્લા કરતાં ચેતનવંતા પુસ્તકો' જ આપવાનું નક્કી કર્યું છે. પણ યક્ષ પ્રશ્ન હંમેશા ઉદ્દભવતો રહે છે કે આવા પ્રસંગોએ વ્યક્તિ વધુ ઉન્નત, આંતરિક જાગૃતિ તરફ ચેતનવંતો બને એ માટે પુસ્તક કયું આપવું?? એટલે અહીં પણ બંને મિત્રો માટે આ પ્રશ્ન આવ્યો.. અંતે એક ધ્યાને આવ્યું..

**GOAT DAYS**

---

(ખોડા સાહેબે બે વર્ષ પહેલાં જ સ્વૈચ્છીક રાજીનામુ આપી દીધું છે પણ અહીં એમનો પ્રસંગ યાદગાર છે.)

"પંચાવન થયા પણ આજેય મને તાવ પણ ના આવે.." ખિસ્સામાંથી લવિંગ કાઢીને મોઢામાં મૂકીને અડીખમ ઊભા ખોડા સાહેબ બોલ્યા.

..અને સાચે જ ખોડાસાહેબ પંચાવનમાં પણ એવા જ હતા. BLO તરીકે વટવાના ચાર માળીયા ચડવાના હોય તો પણ સડસડાટ ચડી જાય. અને ત્રણ માળની શાળામાં પણ રોજના ચાર પાંચ વખત પગથિયાં ચડી ઉતરી જાય. એમને હંમેશા પોતાના સ્વાસ્થ્ય પર ગર્વ રહ્યો. અને અચાનક એક દિવસ...

...ચક્કર આવ્યા, અને ખુરશી પર ફસડાઈ પડ્યા. તાત્કાલિક ઘરે મોકલવામાં આવ્યા. અને બે દિવસ પછી હાથમાં 'રિઝાઇન'નું કાગળ તૈયાર કરીને આવ્યા અને ત્રણ મહિનામાં જ નોકરી મૂકી દીધી!

બધાંએ કહ્યું, " અરે સાહેબ, દોઢ વર્ષ જ રહ્યું છે. ધીમે ધીમે ખેંચાઈ જશે. નોકરી શું કામ મુકો છો?"

"બસ હવે આપણને ખબર પડી ગઈ છે કે નોકરી છોડવાનો વખત આવી ગયો છે." એ ગર્વભેર બોલ્યા.

હું સ્ટાફની વચ્ચે જાહેરમાં તો ન બોલી શક્યો પણ હાથ પકડીને એમને દૂર લઈ ગયો અને બોલ્યો, "સાહેબ હું તમારા નિર્ણયને માન આપું છું. કારણ વગર નોકરી કરતાં રહેવું જરૂરી નથી. ખરેખર જરૂર ના હોય તો ગુલામી ન જ કરાય."

..આમેય ખોડાસાહેબ બધી રીતે સંપન્ન હતા. બાળકો પણ સેટ થઈ ચૂક્યા હતા. હરતાં ફરતાં જ આઝાદ થવું એ બહાદુરનું કામ હોય છે બાકી જીવનભર 'GOAT LIFE' (એકસરખી જીવનશૈલી) જીવવાવાળા ઝાઝા બધા હોય છે.

...જેમ જેમ પુસ્તક વંચાતું ગયું એમ એમ  સમજાતું જાય કે આપણે પણ ક્યાં માણસનું જીવન જીવીએ છીએ? આપણે પણ 'બકરાં લાઈફ' તો જીવીએ છીએ.

---

(1)
નજીબ એક સારું ઘર બને અને બાળકને સારી જિંદગી મળે એ માટે ઘર અને પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને ગલ્ફ દેશ અરબમાં નોકરીઅર્થે જાય છે અને ઘેટાં બકરા સાચવવાની ભયંકર મજૂરીમાં જેલ કરતા પણ બદતર સ્થિતિમાં ફસાઈ જાય છે.

👉 નોકરી આવું જ 'સોનાનું સુરક્ષિત પીંજરું' છે. 
*જો ઘર પરિવાર નબળું, મધ્યમ હોય તો આ સોનાનું પીંજરું તમને સધ્ધર કરી શકે.* પણ અંતે જે અંદરથી બંધાઈ જવાની સ્થિતિ આપી જાય એ બદતર હોય છે.

(2)
ઘણી વખત છૂટવાની તક નજીબને મળે છે પણ માનસિક ગુલામી એટલી મજબૂત હોય કે ચાહીને પણ નથી છૂટી શકતો.

👉 ઘણીવાર માણસ પાસે વિકલ્પ હોય છે, પણ “સિક્યોરિટી” અને “લોકો શું કહેશે?” નો ડર એને નોકરીમાં બાંધી રાખે છે. 
(ન કહેવાય, ન સહેવાય, ન રહેવાય, ન છોડાય.. ની સ્થિતિ!)

(3)
ખુબુસ, પાણી અને બકરીનું વાસ મારતું દૂધ! નજીબને આ જ જમવાનું હતું. સવારે ઉઠવાથી લઈને રાત્રે ઊંઘવા સુધી એકની એક રૂટીન લાઈફ એટલે GOAT DAYS!

👉 નોકરી પણ રૂટિન લાઈફ જ આપે છે. શરૂ શરૂમાં ખૂબ ગમે અને એક સમય એવો આવે આ એક જ જીવનશૈલી આપણા રગ-રગમાં એવી ભળી જાય કે આપણે રૂટિન 'GOAT LIFE'ને જ શ્રેષ્ઠ લાઈફ ગણવા લાગીએ છીએ.

(4)
એક ખૂંખાર બકરો પોતાની શક્તિ બતાવવા નજીબને એક જ ભેંટુ મારીને એનો હાથ તોડી દે છે. નજીબ એને કશું જ નથી કરી શકતો. બસ જીવનભર એનાંથી ડરીને દૂર દૂર ભાગતો રહે છે. એકવાર આવો જ એક બકરો નજીબનો જીવ પણ બચાવે છે.

👉 નોકરીમાં પણ કેટલાક “ખૂંખાર” લોકો ડરાવે છે, પણ ક્યારેક એ જ સિસ્ટમમાં બચાવ પણ આપે છે —
અને આપણે આખી જિંદગી એ જ સંતુલનમાં જીવતા રહીએ છીએ.

(5)
નજીબ માનસિક બંધાયેલો હતો — બહાર નીકળવું મુશ્કેલ હતું. એક દિવસ એનો ભાઈ હકીમ એને મળી જાય છે કે જે પોતે પણ બકરા સંભાળવા ફસાયેલો છે. એને જોઈને નજીબને ખૂબ આનંદ થાય છે.

👉 જયારે  માણસ ગુલામીમાં મનથી બંધાઈ જાય છે. ત્યારે બીજાને પણ એ બંધનમાં જોઈ આનંદ પામે છે.

(6)
નજીબ ભાગવાનો નિર્ણય લે છે, અને કિલોમીટરો લાંબા રણપ્રદેશમાં ફસાઈ જાય છે. આગળ શું આવશે એની કોઈ ખાતરી નથી.

👉 નોકરી છોડવાનો નિર્ણય પણ એવો જ છે. જ્યારે મહિનાની શરૂઆતે પગાર આવતો બંધ થઈ જાય છે ત્યારે ઝાટકો લાગે છે. ભવિષ્યની અનિશ્ચિતતા ઘેરી વળે છે.

(7)
જેનાં ભરોસે નજીબ સ્વતંત્રતા માટે ભાગે છે એ જ માર્ગદર્શક ઇબ્રાહિમ પોતે જ રસ્તો ભૂલી જાય છે. રણ પ્રદેશની ચિલચીલાટી ગરમીથી નજીબના ભાઈ હકીમનું ભૂખ અને તરસથી દર્દનાક મૃત્યુ થાય છે અને એ રેતીના તોફાનમાં ક્યાંક દબાઈ ખોવાઈ જાય છે.

👉 'આપણને નોકરીમાંથી કાઢી મૂકે તોયે ફરક નહિ પડે'- જેવી ફાંકા ફોજદારીની સંગતે ચડી નોકરી છોડી દેનારાઓને દાળ-રોટીનાં પણ ફાંફા પડી જાય છે એવા ઘણા કિસ્સાઓ આપણી આસપાસ જોવા મળે જ છે. અભાવોમાં આવી વ્યક્તિ ક્યાંક ખોવાઈ જાય છે. ગરીબીમાં મરી જાય છે. માટે પહેલાં ફાઈનાન્સિયલ વ્યવસ્થા કરી લેવી પડે. 

(8)
અંતે નજીબ એક અજાણી વ્યક્તિ કુંજક્કલ સુધી પહોંચે છે. જે એને પાછો પોતાના વતનમાં મોકલે છે. એને “આભાર” કહેવાનો મોકો પણ નથી મળતો. એ ઘરે પાછો આવે છે — ખાલી હાથે… ન પૈસા… ન સામાન… પણ એક વસ્તુ લઈને આવે છે — આઝાદી.

👉 નોકરીમાં પણ એવું જ છે —
ઘણા લોકો આખી જિંદગી કમાણી, સુવિધા, સિક્યોરિટી પાછળ દોડે છે…
પણ અંતે સમજાય છે કે 'ખાલી હાથ આયે થે હમ.. ખાલી હાથ જાયેંગે..'

(9)
અંતે ખબર પડે છે —
નજીબ તો સાચી કંપનીમાં જ નોકરી કરવા જવાનો હતો… માત્ર થોડો મોડો પડ્યો… અને ખોટા માણસના હાથમાં પડી ગયો.

👉 નોકરીમાં પણ આવું જ બને છે —
ઘણા લોકો પોતાની ક્ષમતા મુજબ બીજી મોટી તકો માટે લાયક હોય છે, પણ એક ખોટો નિર્ણય, એક ખોટી પસંદગી… અને આખી જિંદગી ખોટી નોકરીમાં “ફસાઈ” જાય છે.

(10)
જેલમાં હમિદ — એકમાત્ર મિત્ર… રોજ પોતાના દેશમાં પરત જવા આશા સેવે છે પણ એનો અબરાર(માલિક) એને પાછો ગુલામીમાં ઢસડી જાય છે. એ રોકકળ કરી મૂકે છે. અને બીજા જ દિવસે એના નામની વતન પરત ફરવાની બૂમ પડે છે. 

👉 નોકરીમાં પણ એવું જ છે —
ઘણા લોકો આખી જિંદગી રાહ જુએ છે - “એક દિવસ બધું બદલાશે…” પણ એ “મોકો” ક્યારેય આવતો જ નથી. આવે છે માત્ર ગુલામી માનસિકતા - અંદરનું ખાલીપણું - બંધાઈ ગયાની સ્થિતિ!

---

ટૂંક સાર:

👉 GOAT LIFE→ એકસરખી બંધાયેલી જીવનશૈલી.

👉 દરેક નોકરી ગુલામી નથી. ઘણા લોકો માટે એ વિકાસ, સેવા અને સ્થિરતા પણ આપે છે. સવાલ નોકરીનો નથી…
સવાલ છે — આપણે તેમાં શું બની રહ્યા છીએ?

👉 આર્થિક યોજના, જવાબદારીઓ અને માનસિક તૈયારી વગર લેવાયેલો નિર્ણય મુશ્કેલીઓ પણ લાવી શકે. 

👉 આ લેખ કોઈ નોકરી અથવા વ્યક્તિને ખોટી ઠેરવવાનો પ્રયત્ન નથી. માત્ર એક વિચાર છે — કે દરેક વ્યક્તિએ પોતાની જિંદગી વિશે એકવાર ચોક્કસ વિચારવું જોઈએ.

👉  સાચી નોકરી એ છે, જે તમને અંદરથી આઝાદ બનાવે, 
જાગૃત બનાવે, સત્ય તરફ લઈ જાય. પણ જો એવું નથી - 
તો પછી વિચારવાનો સમય આવી ગયો છે --
      "આપણે શું પસંદ કરીએ છીએ?
   સુરક્ષિત બંધન… કે જાગૃત આઝાદી?"

---

એક વિચાર મનમાં આવે છે —
ખોડા સાહેબ પાસે માત્ર દોઢ વર્ષ બાકી હતું…
જો દોઢ દાયકા બાકી હોત, તો શું એ જ નિર્ણય લેતા?

---

બાય ધ વે, નિવૃત્તિ વખતે અપાતા સન્માનપત્રોમાં પણ હવે મારા વિચારો વિરોધ કરે છે. સાચું કહું તો મેં આવા સન્માનપત્રો ક્યારેય ધ્યાનથી વાંચ્યા જ નથી. જેનું સન્માનપત્ર હોય એના સિવાય કોઈ ધ્યાનથી વાંચતુ હોય એવું લાગતું પણ નથી. કારણ કે.. આવા સન્માનપત્રોમાં..

👉  “આદર્શ, નિષ્કલંક, સર્વોત્તમ” — જેવા શબ્દો ઓવર સ્ટેટમેન્ટ હોય એવું લાગે છે.

👉  જીવનની ખામીઓના સ્વીકારનો અભાવ જોવા મળે છે.

👉 માત્ર એકપક્ષીય પ્રશંસા જ હોય છે.

👉  જ્યારે સત્ય...
- વ્યક્તિએ વર્ષો સુધી સેવા આપી એમાં કંઈક સારું કર્યું હશે અને ક્યાંક ચૂક પણ થઈ હશે - એ બધું લખાતું નથી.

..એટલે હું વિચારતો હતો કે એવું તો કેવું સન્માપત્ર હોય કે જે બધા ધ્યાનથી વાંચવા પ્રેરાય? અંતે મેં માત્ર મારા અંતરમન અનુસાર એક સન્માનપત્ર બનાવ્યું. જે ફોટામાં આપું છું. (જો કોઈ ઈચ્છે તો યોગ્ય સુધારા વધારા કરી શકે. બાકી નિવૃત્તિના રૂઢિગત રાખો તો પણ ઠીક!)

યજ્ઞેશ રાજપૂત
લ.તા. 19.4.26

રવિવાર, 8 માર્ચ, 2026

શાળાના વાર્ષિકોત્સવ : બજારવાદ અને અહંનો ઉત્સવ

https://www.facebook.com/share/p/1CN616ZxhM/


*શાળાના વાર્ષિકોત્સવ : બજારવાદ અને અહંનો ઉત્સવ*

👉 લેખની શરૂઆતે એક સ્પષ્ટતા: 
આ લેખ કોઈ ચોક્કસ શાળા, શિક્ષક અથવા સંસ્થા વિશે નથી. શિક્ષણમાં ચાલી રહેલી એક સામાન્ય પ્રવૃત્તિ વિશે વિચાર કરવા માટે લખાયો છે.

ખાસ નોંધ: 
👉 આપણે બધા જ એક જ સમાજનો ભાગ છીએ. શિક્ષકો પણ એ જ સમાજમાંથી આવે છે, વાલીઓ પણ અને સંસ્થાઓ પણ! તેથી શક્ય છે કે આપણે જે કાર્યક્રમો ગોઠવીએ છીએ તે પણ અજાણતા એ જ સામાજિક દબાણનું પરિણામ હોય:

- કાર્યક્રમ ભવ્ય લાગવો જોઈએ
- મહેમાનો ખુશ થવા જોઈએ
- દાતાઓ સંતોષ પામવા જોઈએ
....
આવા દબાણ વચ્ચે ઘણીવાર બાળકનું મૂળ સ્વરૂપ ક્યાંક પાછળ રહી જાય છે. આથી *આ લેખ ટીકા નથી,
પરંતુ એક સંવાદની શરૂઆત છે.*

*******

આજે એક શાળાનો વાર્ષિક ઉત્સવ/રંગારંગ કાર્યક્રમ જોઈ રહ્યો હતો. એ દરમિયાન વિચારોનું ચકડોળ ચાલુ થયું..

- દરેક કાર્યક્રમમાં આખું સ્ટેજ બાળકોથી ભરેલું હતું.
- બધાનું ડ્રેસ અપ એકસરખું જ હતું.
- દરેક બાળક જીવંત હોવા છતાં રોબોટની જેમ એક જેવું જ નાચતું હતું.
- નબળું નાચતા બાળકો પાછળની રૉ માં અને સારું નાચતા બાળકો આગળ હતા.
- ત્રણ કલાકની ઉજવણીમાં 8 કાર્યક્રમમાં નાના-મોટા બાળકો હિન્દી ફિલ્મોના સોંગ અથવા તો સોશિયલ મીડિયામાં વાયરલ સોંગ અથવા રીમિક્સ સોંગ પર નાચતા હતા.
- (શાળાકીય/બિનશાળાકીય) દરેક કાર્યક્રમોમાં 'અમારો ભૂતકાળ અને સંસ્કૃતિ કેટલી ભવ્ય હતી'- એવું (વાગોળવૃત્તિ) પ્રદર્શિત કરતું એકાદ સોંગ પર ડાન્સ હોય જ છે.. અહીં પણ હતું!!
- સમાજ અને વ્યક્તિ જાગૃતિનો માત્ર એક જ કાર્યક્રમ હતો, જે માત્ર ગેરલાભ દર્શાવતો એકતરફી હતો. કાર્યક્રમનો વિષય હતો : મોબાઈલનું દૂષણ!!  
- સ્પષ્ટ પણે વ્યક્તિ કે સમાજની આંતરિક ચેતનાને જાગૃત કરે એવું કોઈ નાટક કે કાર્યક્રમ નહિ.. મોટેભાગે બધા ડાન્સ જ હતા.
- નાના-મોટા દરેક બાળકને જેન્ડર તરીકે ઓળખ મળે એવું ડ્રેસ-અપ હતું. વ્યક્તિ તરીકે ઓળખ મળે એવું ડ્રેસ-અપ ન હતું. જેમ કે છોકરીઓ માટે સ્ટ્રોંગ મેકઅપ અને પરી જેવા/ગુલાબી/ચમકીલા અને ભડકીલા રંગના વસ્ત્રો હતા પણ છોકરાઓ માટે આવું કંઈ ન હતું.
- ધાર્મિક કટ્ટરતા વધે એવો એક કાર્યક્રમ પણ હતો! (પ્રોપેગેંડા ફિલ્મોનું એક દ્રશ્ય!)
- કાર્યક્રમની વચ્ચે વચ્ચે હોંશિયાર, વધુ હાજર તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા અને હરીફાઈઓમાં વિજેતા બાળકોને ઇનામ મળે એવું આયોજન હતું. (હું જેમના બાળકોને આવું ઇનામ નહોતું મળ્યું એવાં વાલીઓ અને બાળકોના ચહેરા જોઈ રહ્યો હતો- લઘુતાગ્રંથિથી ગ્રસ્ત હતા!)
- ચાલુ કાર્યક્રમ દરમિયાન દાતાઓનાં અહંને વધારવા સતત એમનું નામ સ્ટેજ પરથી બોલાતું હતું. મોટા દાતાઓનો અહં વધુ મોટો કરવા એમનું સન્માન પણ કરવામાં આવતું હતું. લોકો પ્રેમથી નહિ, પણ સન્માનિત થવા શાળામાં પૈસા (દાન!!) આપતા હોય એવું વાતાવરણ હતું. 

ટૂંકમાં, આવા વાર્ષિક ઉત્સવો/રંગારંગ કાર્યક્રમોમાં..
- દેખાવ (પ્રદર્શન)
- સ્પર્ધા (ઇનામ)
- અહં 
- ભેદભાવ 
- લોકપ્રિયતા
આ પાંચ બાબતો વધારે જોવા મળે છે.

********

ભારતીય મહાકાવ્ય મહાભારતમાં એક પ્રસંગ આવે છે.
ગુરુ દ્રોણાચાર્યે પોતાના શિષ્યોની શસ્ત્રવિદ્યાનું પ્રદર્શન ગોઠવ્યું. આ એક પ્રકારનો વાર્ષિક ઉત્સવ જ હતો. એમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાની કળા બતાવી.

ભીમે શક્તિ બતાવી.
અર્જુને તીરંદાજી બતાવી.
.
લોકોએ તાળીઓ પાડી. પણ એ જ પ્રદર્શનના અંતે
એક અનોખો યુવાન આગળ આવ્યો — કર્ણ!! તેની પ્રતિભા અર્જુન જેટલી જ હતી. પણ તેને માત્ર એટલા માટે નકારી દેવામાં આવ્યો કારણ કે તે “સૂત્રપુત્ર” હતો.
.
બસ, આ જ ક્ષણે વાર્ષિક પ્રદર્શનનો આ ઉત્સવ અહંનો ઉત્સવ બની ગયો અને આ મહાકાવ્યનો અંત વિનાશથી થયો.

આ પ્રસંગ આપણને એક સૂક્ષ્મ સંદેશ આપે છે:
જ્યાં પ્રદર્શન વધારે હોય
ત્યાં તુલના જન્મે છે.
જ્યાં તુલના જન્મે
ત્યાં અહં જન્મે છે.
અને જ્યાં અહં જન્મે
ત્યાં વિનાશ અનિવાર્ય બને છે.

********

બજારવાદ : જ્યારે બાળક “ઉત્પાદન” બની જાય છે.

આધુનિક સમાજમાં બજારવાદ (Market Culture) માત્ર બજારમાં નથી. તે હવે શિક્ષણમાં પણ પ્રવેશી ગયો છે. બજારવાદની સૌથી મોટી ખાસિયત છે:

- બધું વેચાણમાં ફેરવવું
- બધું દેખાવમાં ફેરવવું
- બધું સ્પર્ધામાં ફેરવવું

અને જ્યારે આ ત્રણ વસ્તુઓ શાળામાં આવે છે ત્યારે
બાળક પણ એક પ્રકારનું “પ્રોડક્ટ” બની જાય છે.

વાર્ષિક ઉત્સવોમાં આપણે ઘણીવાર જોયું છે:
- બાળક કલાકો સુધી રિહર્સલ કરે છે
- એકસરખા ડ્રેસ પહેરે છે
- એકસરખા સ્ટેપ કરે છે
- એકસરખા સ્મિત સાથે સ્ટેજ પર ઉભા રહે છે

આ બધું જોઈને એક પ્રશ્ન ઊભો થાય છે:
👉 અહીં બાળક પોતાની અભિવ્યક્તિ કરી રહ્યો છે
કે પછી બાળકને એક સુંદર “પ્રોડક્ટ” બનાવી રજૂ કરવામાં આવી રહ્યો છે?

બજારવાદમાં વસ્તુઓને સુંદર પેકિંગમાં રજૂ કરવામાં આવે છે. શાળાના આવા કાર્યક્રમોમાં પણ ઘણીવાર એવું જ લાગે છે:

- ચમકતા ડ્રેસ
- લાઇટિંગ
- મ્યુઝિક
- કોરિયોગ્રાફી

પરંતુ અંદર પ્રશ્ન એ છે: શું આ બધું બાળક માટે છે? 
કે દર્શકો માટે છે?

જો કાર્યક્રમનો હેતુ બાળકની આંતરિક શક્તિ બહાર લાવવાનો હોય તો તેમાં સ્વતંત્રતા, વિવિધતા, અપૂર્ણતા અને સચ્ચાઈ જોઈએ. પરંતુ જ્યાં બધું એકસરખું હોય
ત્યાં ઘણીવાર અંદરથી સ્વતંત્રતા ઓછી હોય છે.

*********

*શિક્ષણનો હેતુ મુક્તિ છે, પ્રદર્શન નહીં.*

- જ્યાં અહં અને પ્રદર્શન વધારે હોય ત્યાં જાગૃતિ ઓછી હોય છે. 
- ઈનામો દ્વારા અહં અને લઘુતાગ્રંથિ બંને જન્મે છે. 

👉 કેટલાંક સવાલો -

1. ફિલ્મી દ્રશ્યો અને ગીતો દ્વારા શું બાળકો બજાર(પૂંજીવાદ)ની સંસ્કૃતિમાં નથી જઇ રહ્યા??

2. ધાર્મિક કટ્ટરતાવાળા દ્રશ્યો ભજીવીને અને ગીતોમાં ડાન્સ કરીને બાળકોના મનમાં ધાર્મિક અથવા ઐતિહાસિક દ્વેષનું બીજ નથી રોપાઇ રહ્યું??

3. વાર્ષિક ઉત્સવ શિક્ષણનો એક ભાગ નહિ, પરંતુ અહંની ફેક્ટરી/અહંનો ઉત્સવ નથી બની ગયો??

4. દાતા, સન્માન, મેડલ જેવી વસ્તુઓને કારણે "સા વિદ્યા યા વિમુક્તયે" જેવું બ્રહ્મવાક્ય માત્ર દીવાલ પરનો સુવિચાર નથી બની ગયું??

5. આવા કાર્યક્રમમાં બાળક પોતાને વ્યક્ત કરી રહ્યો છે કે લોકોના એન્ટરટેઇનમેન્ટ માટે નાટક કરી રહ્યો છે??

6. જો બાળક પોતે આનંદથી નાચે તો નૃત્ય ધ્યાન બની શકે એટલે નૃત્ય, સંગીત અને ઉત્સવ બાળક માટે જરૂરી છે પરંતુ એકસરખો ડ્રેસ, એકસરખા સ્ટેપ, રિહર્સલથી તૈયાર થયેલો ડાન્સ એ નૃત્ય નથી પરંતુ તાલીમ છે.
- *શું આવો તાલીમી ડાન્સ બાળકોને નકલી અને મશીન (રોબોટ) નથી બનાવી રહ્યો??*

********

*એક પ્રાર્થના*

*શાળાના ઉત્સવો બંધ કરવાની જરૂર નથી.*
 પરંતુ કદાચ હવે સમય આવ્યો છે કે આપણે એક સવાલ પૂછીએ:

*શું આપણા ઉત્સવો બાળકોને મુક્ત કરી રહ્યા છે
કે વધુ શરતી (conditioned) બનાવી રહ્યા છે?*

જો આપણે આ સવાલ ઈમાનદારીથી પૂછીએ તો કદાચ
આપણા ઉત્સવો પણ બદલાશે અને શિક્ષણ પણ!!.. અને કદાચ ત્યારે બાળક કહી શકશે:

“હું બીજા કરતા સારું બનવા નથી આવ્યો,
હું મારા અંદર જે છે તે ખીલવવા આવ્યો છું.”

**********

*એક નવો વિચાર:*

*ચેતન સર્જનોત્સવ*
 👉 જેનો મુખ્ય હેતુ...

- સત્ય અને સ્વતંત્ર વિચાર (જેમાં બાળકો પોતાની સર્જનાત્મકતા રજૂ કરે)
- આંતરિક પ્રેરણા (જેમાં બાળક પોતાની ક્ષમતા બતાવે)
- નવું સર્જન અને આનંદ (જેમાં બાળક પોતાનું સ્ટાર્ટઅપ, કલા, કવિતા, કારીગરી પ્રસ્તુત કરે)
- આત્માવલોકન અને જાગૃતિ (જેમાં તુલના ઓછી અને સ્વતંત્ર અભિવ્યક્તિ વધુ હોય) 

આ મોડેલને નામ આપી શકાય:
🌱 “ચેતન સર્જન ઉત્સવ”
- આ વાર્ષિક ઉત્સવ નહીં, પણ બાળકોની આંતરિક ક્ષમતાનો ઉત્સવ હશે.

(1) *મુખ્ય સિદ્ધાંત*
- કોઈ સ્પર્ધા નહીં
- કોઈ મેડલ / રેન્કિંગ નહીં
- કોઈ જબરદસ્તી નહીં
- બાળક જે ઈચ્છે તે રજૂ કરે
- પ્રદર્શન નહીં, માત્ર અભિવ્યક્તિ

(2) *કાર્યક્રમની રચના*
👉 આ કાર્યક્રમને 5 વિભાગમાં વહેંચી શકાય:

🎨 1. સર્જન ગેલેરી
બાળકો પોતાની બનાવેલી વસ્તુઓ લાવે:
- ચિત્ર
- માટીની વસ્તુ
- કાગળની કલા
- વૈજ્ઞાનિક મોડેલ
- નાની શોધ
- રિસાયકલ વસ્તુઓ
👉 આ બધી વસ્તુઓ બાળક પોતે ઉભું રહી સમજાવે એટલે બાળક અહીં શિક્ષક બની જાય છે.

✍️ 2. અભિવ્યક્તિ મંચ
👉 બાળકો પોતાની આંતરિક લાગણી વ્યક્ત કરે:
- કવિતા
- વાર્તા
- ગીત
- વિચાર
- અનુભવ
👉 કોઈ સ્ક્રિપ્ટ નહીં, કોઈ પ્રોફેશનલ તાલીમ નહીં.

🧠 3. વિચાર સંવાદ
👉 મંચ ઉપર બાળકો ચર્ચા કરે: 
ઉદાહરણ:
- મોબાઇલ સારો કે ખરાબ?
- પ્રકૃતિ બચાવવી કેમ?
- સાચું મિત્ર કોણ?
👉 આ વિવેક વિકાસ માટે છે.

🛠️ 4. કૌશલ્ય પ્રદર્શન
👉 બાળકો પોતાની જીવંત (live) કલા બતાવે:
- સંગીત
- ચિત્ર
- હસ્તકલા
- ખેતી
- રસોઈ
- પ્રોગ્રામિંગ
- રમત કૌશલ્ય

💡 5. બાળ સ્ટાર્ટ-અપ ખૂણો
👉 બાળકો પોતાની બનાવેલી વસ્તુ વેચી શકે:
- ચિત્ર
- હસ્તકલા
- છોડ
- પુસ્તિકા
- ઘરેલું વસ્તુ
👉 આનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે, અર્થતંત્ર સમજાય અને સર્જનનું મૂલ્ય સમજે.

(3) *દાતાઓની ભૂમિકા*

👉 દાતા સ્ટેજ ઉપર સન્માન પામવા નહીં પરંતુ..
- દાતા બાળકો પાસેથી વસ્તુ ખરીદે
- સર્જનને પ્રોત્સાહન આપે
- સાધનો માટે સહાય આપે

(4) *શિક્ષક અને શાળા/સંસ્થાની ભૂમિકા*

👉 શિક્ષક બને..
- માર્ગદર્શક
- નિરીક્ષક
- પ્રેરક

👉 શાળા/સંસ્થા બને..
- એન્ટરટેઇનમેન્ટનું પ્રદર્શની સ્થળ નહિ, પરંતુ બાળકની 'અભિવ્યક્તિનું પ્લેટફોર્મ'.

(5) *કાર્યક્રમની શરૂઆત*

બાળકો સાથે 2 મિનિટ શાંતિ સાથે.. મુખ્ય સંદેશ: 
“આજે આપણે એકબીજાની અંદરની સુંદરતા અને અભિવ્યક્તિ જોવા મળ્યા છીએ.”

(6) *કાર્યક્રમનો અંત*

- કોઈ ઇનામ નહીં.
માત્ર એક વાત:
"આજે દરેક બાળક અનોખો છે.”

(7) *આ નવા વિચાર/દ્રષ્ટિકોણનો અર્થ*

- બાળક પોતાની અંદર જોવાનું શીખે.
- બાળક સમાજના દબાણ વગર વિચારવાનું શીખે.
- બાળક આનંદથી સર્જન કરે.

(8) *સૌથી સુંદર પરિણામ*

👉 બાળક વિચારશે:
“હું બીજા કરતા સારું બનવા નથી આવ્યો,
હું મારા અંદર જે છે તે ખીલવા આવ્યો છું.”

ટૂંકમાં, *ચેતન સર્જન ઉત્સવ નો મુખ્ય ધ્યેય બાળકોને 'ઉત્પાદન' તરીકે પ્રેઝન્ટ કરીને (મોટેભાગે નચાવી - નચાવીને) લોકોને મનોરંજન/એન્ટરટેઇનમેન્ટ મળે એ નથી કરવું, પણ બાળકને બાળક જ રહેવા દઈ અભિવ્યક્ત થવા દેવું છે.*

*********

શિક્ષણનો મૂળ હેતુ શું છે?
પ્રદર્શન?
કે મુક્તિ?

ભારતીય પરંપરામાં એક સુંદર વાક્ય છે:
“સા વિદ્યા યા વિમુક્તયે”
અર્થાત્:
જે શિક્ષણ મુક્તિ આપે તે જ સાચું શિક્ષણ.

👉 જો શિક્ષણ બાળકને વધુ સ્પર્ધાત્મક બનાવે પણ અંદરથી અસુરક્ષિત રાખે તો એ અધૂરું શિક્ષણ છે.
👉 જો શિક્ષણ બાળકને વધુ હોશિયાર બનાવે પણ અંદરથી અહંકારી બનાવે તો એ પણ અધૂરું શિક્ષણ છે.

*આપણે આપણા બાળકો માટે કયો ઉત્સવ ઇચ્છીએ છીએ — પ્રદર્શનનો ઉત્સવ કે અભિવ્યક્તિનો ઉત્સવ??*

*આપણે આપણા બાળકોને સ્ટેજ પર સુંદર દેખાડવા માંગીએ છીએ કે જીવનમાં અંદરથી સુંદર બનતા જોવા માંગીએ છીએ?*

*******

આ લેખ કોઈ અંતિમ સત્ય નથી.
માત્ર એક શિક્ષક તરીકે ઉદ્ભવેલા વિચારો છે.
શિક્ષણ વિષય પર ખુલ્લો સંવાદ જ વધુ સારું શિક્ષણ બનાવે છે.

- યજ્ઞેશ રાજપુત
લ.તા. 9.3.26

રવિવાર, 8 ફેબ્રુઆરી, 2026

આ લેખ “શિક્ષકો માટે" નથી.આ લેખ બાળકો માટપણ નથી.આ લેખ: 👉 માનવ મન માટે છે.

આ લેખ “શિક્ષકો માટે" નથી.
આ લેખ બાળકો માટપણ નથી.
આ લેખ: 👉 માનવ મન માટે છે.

******

હું ખરેખર સમજવા માંગુ છું કે શા માટે અમુક બાળકો આવા એકસરખા લાગતા અક્ષરો/શબ્દો જ રિપીટેટિવ લખતા હોય છે?
એમનાં મનમાં એવું તો શું ચાલતું હોય છે કે કોઈ પણ વિષયોના કોઈપણ સવાલોના જવાબોમાં આ એકસરખા રિપોટેટિવ શબ્દો/અંકો લખે?
.
ઉદાહરણ તરીકે સમજાવું તો તારે જમીન પર પિક્ચરમાં ઈશાન 3×9= 3 જવાબ જે રીતે લખે છે એ દરમિયાન એના મનમાં સોલર સિસ્ટમના ગ્રહોનું યુદ્ધ ચાલતું હોય છે.. જેમાં એ 3 નંબરના ગ્રહ પૃથ્વીને 9 નંબરના ગ્રહ પ્લુટોને કાઢીને રિપ્લેસ કરે છે.. કારણ કે વૈજ્ઞાનિકોએ પ્લુટોને ગ્રહ ગણ્યા પછી એની બાદબાકી કરી હતી.. (પહેલી કોમેન્ટમાં લિંક મુકું છું.)

કેટલી વસ્તુઓ બાળકોના મનમાં ચાલતી હશે જ્યારે પરીક્ષામાં કોઈ સવાલોના જવાબો એ લખતા હશે?? મારે ખરેખર જાણવું છે કે પરીક્ષાના સવાલોના જવાબો લખતી વખતે એમના મનમાં શુ ચાલે છે?? જો શિક્ષક તરીકે હું એ સમજવા લાગું કે બાળકના મનમાં શું ચાલે છે, તો મૂલ્યાંકનનો અર્થ પણ બદલાઈ જાય.

*******

..આવા સવાલો ઉઠે ત્યારે એક શિક્ષકનું ખરું શિક્ષકત્વ ખીલે છે!

જ્યારે પરીક્ષા દરમિયાન અથવા ભણાવતી વખતે બાળકની નોટ/પેપર ચેક કરીએ ત્યારે આપણે જોઈએ છીએ કે બાળકો આવું લખે છે. આપણી શિક્ષણ પ્રણાલી/વ્યવવસ્થાનું  દબાણ એવું છે કે મોટાભાગનાં શિક્ષકો ફરિયાદ તરફ સરકી જાય છે-
.
"બાળકને ગમે એટલું ભણાવીએ પણ કશું આવડતું જ નથી."
"પરીક્ષામાં કશું લખતા જ નથી."
"અરે જોઈ-જોઈને પણ બાળકો નથી લખતા."
"આખો દિવસ બસ તોફાન..તોફાન.. પછી પરીક્ષામાં કશું ઉકાળતા નથી."
"ડબ્બા છે સાવ."
.
.....અને બીજું ઘણું બધું બોલતા હોય છે. ઘણા શિક્ષકો તો બિચારા આવા બાળકોને ધોઈ નાંખતા હોય છે. ઘણા શિક્ષકો લિટરલી પરીક્ષામાં બાળકોને ખાલી સવાલો-સવાલો લખવાનું કહે અને પછી જવાબો લખેલું પેપર ફેરવીને જવાબો લખાવે છે. બોર્ડ ઉપર પણ જવાબો લખાવતા હોય એવા ઓછા નથી.

જોકે આપણો લેખ શિક્ષકો શુ કરે છે એ માટે નથી!! 
.....માટે બાળકો આવું શા માટે લખે છે એના પર ફોકસ કરીએ તો સમજાય કે એ આવું ઘણા બધા કારણોસર થાય છે.

👉 જો બાળકને આંશિક/પૂર્ણ વાંચતા આવડતું હોવા છતાં આવું લખતું હોય તો પૂર્ણ સંભવ છે કે એને પ્રશ્ન વંચાય છે પણ પ્રશ્ન સમજવાની ઉર્જા જ બચી નથી. ટાઈમલિમિટમાં પેપર પૂર્ણ કરવાનો ડર અને ગભરાટ મનમાં માનસિક ચકરાવો ઉભો કરે છે અને મગજ જવાબનો વિચાર છોડીને લખવાની એક પેટર્ન પકડી લે. જેમ કે, એકનો એક અંક અથવા અક્ષર/શબ્દ/વાક્ય જ લખ-લખ કરવું.

યાદ કરો, આપણામાંથી જ કોઈકે નાનપણમાં કોઈ પરીક્ષામાં એકનું એક વાક્ય દર બીજા ફકરા/જવાબમાં વારંવાર/ફેરવી-ફેરવીને લખેલું જ હશે. કારણ કે સવાલ 5 માર્ક્સનો હોઈ લાંબો મોટો લખવો પડે, પણ જવાબમાં શુ લખવું એ વાક્યો યાદ ન આવવાના કારણે/વિચારી શકતા જ ન હતા અને એમાંય પાછું ટાઈમલિમિટમાં પેપર પણ પૂરું કરવાનું હોય ત્યારે ખાસ!

બરાબર સમજો, બાળકનું મગજ જ્યારે સર્વાઇવલ મોડમાં હોય ત્યારે એ રિપીટેટિવ વસ્તુઓ કરે છે. આપણા પર પણ કોઈ બાબતનો આરોપ લાગ્યો હોય ત્યારે આપણે રિપીટેટિવ સર્વાઇવલ મોડમાં જઈને આપણા બચાવમાં એકનીએક વાતો એક યા બીજાની સામે કરતા રહીએ એમ..!! આ જાણીજોઈને નથી થતું.. બસ, સ્વ-બચાવ માટે થાય છે.

👉 વ્યક્તિનું મગજ આમ તો ઉકેલવું સહેલું નથી કેમકે અબજો ન્યુરોન્સ કેટલીય ક્રિયાઓ અને ઇમેજોમાં વહેચાયેલું છે. ...છતાંય બાળકોના મગજની કેટલીક બાબતો સમજી શકાય એવી હોય છે.

● વિચારશક્તિ પર કંટ્રોલ: (I.Q.)
ભણવામાં હોંશિયાર હોય એવા બાળકોમાં આવી વિચારશક્તિ પર કંટ્રોલ જોવા મળે છે. એ ધારે ત્યારે વિચારીને સાચો જવાબ આપી શકે, પણ ભણાવામાં નબળા બાળકોને વિચાર શક્તિ પર કંટ્રોલ હોતો નથી. એ તારે જમીન પરના ઇશાનની જેમ ઘણું બધું વિચારે છે. કાં તો એ ઓવર થીંકર છે અથવા તો બ્લેન્ક માઈન્ડ છે. કશું જ વિચારી શકતો નથી.

આપણને ચાઈનીઝ ભાષા કે સ્પેનિશ ભાષામાં લખેલું વાંચવાનું કહેવામાં આવે તો આપણે શું વાંચીએ? કશું વિચારી પણ ના શકીએ કે શું લખેલું છે?! તમિલ કે તેલુગુ બોલતા ના આવડતું હોય તો બોલવામાં ગપ્પા પણ ન મારી શકીએ! ...બસ આવો જ પ્રોબ્લેમ વિચારશક્તિ પર કંટ્રોલ ન હોય તો નબળા બાળકોને થાય છે. અને પછી પરીક્ષામાં શરૂ કરે છે મહાન ગપ્પા લખવાનું!.. અથવા પેપરનું પાનું કોરું છોડવાનું!

સાયકોલોજી કહે છે કે બુધ્ધિ (દિમાગ) વારસાગત હોય છે. ભણેલા માતાપિતાનું બાળક ભણવામાં હોંશિયાર હોય અને અભણ માતાપિતાનું બાળક નબળું! (મારા એક શિક્ષકમિત્ર હંમેશા કહેતા કે 'જેવી માં એવું બાળક!' બાય ધ વે, એ પિતા ઉપર કેમ કશી કોમેન્ટ નહીં કરતા હોય?.. એ એક સ્વતંત્ર લેખ લખી શકાય એવો વિષય છે.)

● લાગણી વાળું દિમાગ : (E.Q.)
ઘરમાં હાન્ડલા કુસ્તી કરતા હોય અને કોઈ તમને 'મોજમાં રહેવાનું' કહે તો દિમાગની નસ ખેંચાય કે નહીં?? એક બાળક ઘરમાં હંમેશા ઝઘડા જ થતા જોતું હોય, માતા-પિતાને ક્યારેય પ્રેમથી વાતો કરતા પણ જોયા જ ન હોય, રોટી-કપડાં-મકાનની કિલ્લત રહેતી હોય, માતા-પિતા બેય પોતપોતાનામાં કામ-ધંધાર્થે રચ્યા પચ્યા રહેતા હોય, પિતા વ્યસની/ધમાલિયો હોય, માતા કે પિતાએ બીજા લગ્ન કર્યા હોય.. અને આવા અનેક કારણોસર જો બાળકને પ્રેમભરી હૂંફ પણ ન મળતી હોય તો બહુ મોટી સંભાવના છે કે એ પેપર/પરીક્ષા/ભણવામાં નબળું પ્રદર્શન જ કરે. આવા બાળકો કાં તો સાવ ચૂપ થઈ જાય અથવા ભયંકર તોફાની-ઝઘડાળું!

...ઉપરની બેય/અથવા એક વસ્તુ જો કોઈ બાળક સાથે થતી હોય તો પરીક્ષા દરમિયાન એનું મગજ એક ઓટો-પાઈલટ મોડમાં જતું રહે. પરીક્ષામાં એને માત્ર એટલું જ ખબર પડે છે કે "કંઈક તો લખવાનું છે." ..અને એ એને જે સરળ લાગે છે એ લખે છે. મતલબ, રિપીટેટિવ શબ્દો/અક્ષરો/અંકો!

👉 બાળકનું બેધ્યાનપણું:
લેખની શરૂઆતમાં તારે જમીન પર ઈશાન પરીક્ષામાં જે કરે છે એ આનું ઉદાહરણ છે. મનમાં જે ચાલતું હોય એ બાળક લખે. જેમ કે, કાર્ટૂન, મોબાઇલની ગેમ, અધૂરી કાલ્પનિક વાતો, રમતો.. પરીક્ષામાં એણે જે જવાબ લખ્યો છે એ સાચો જ છે એવો એ કોન્ફિડન્સ રાખે છે. ..પણ આપણા/શિક્ષકો માટે એનો જવાબ (એને લખતા-વાંચતા આવડતું ના હોય એટલે) આડા ઉભા લીટા/ખાલી અક્ષરો/એકનું એક રિપીટેટિવ લખાણ બની જાય છે.

👉 અગત્યનો સવાલ:
એકનું એક લખાણ શુ સૂચવે છે? આવું લખાણ જોવા મળે તો આપણે/શિક્ષકોએ શુ સમજવું?

● બાળકનું મગજ ડર, ગભરાટ, પરીક્ષાની ટાઈમલિમિટ, IQ,EQ.. જેવા કારણોસર હેંગ થઈ ગયું છે. ભણાવતી વખતે સાચા જવાબો બોલી/લખી બતાવતું બાળક આવા ખરા સમયે ધારીને પણ સાચો જવાબ નહીં જ લખી/બોલી શકે. ઇન્સ્પેકશન વખતે ઘણા શિક્ષકોને અનુભવ હશે કે બાળકો કોઈ અધિકારી સામે સાચો જવાબ આવડતો હોવા છતાં ખોટો આપે/બોલે/લખે છે.

● "પરીક્ષામાં આવડે એવું કંઈક તો લખજો જ.. પેપર કોરું છોડતા નહિ." જેવી અર્થવગરની સૂચનાઓ આપતા શિક્ષકો અજાણતા જ બાળકોના મનમાં એવો ડર નાંખે છે કે પેપર કોરું છોડવું નહિ! ...પરિણામ સ્વરૂપે બાળક આખું પેપર અગડમ-બગડમ અક્ષરો/શબ્દો/વાક્યોથી લખી દે! આપણે/શિક્ષકોએ એ સમજવું પડશે કે આ સૂચના માત્ર હોંશિયાર/પોતાની આગવી વિચારશક્તિ ધરાવતા બાળકને લાગુ પડે છે. આવી સૂચનાઓ સમૂહમાં ન આપવાની હોય!

● ઘર, પરિવાર, સમાજ, મિત્રો અને શિક્ષકોમાં ભણવામાં 'ડબ્બા' બની ગયેલી પોતાની છાપના જવાબમાં બાળક પરીક્ષામાં એકનો એક અક્ષર/શબ્દ/વાક્ય/અંક વારંવાર લખે છે. એ પોતાને સાબિત કરવા માંગે છે કે 'જુઓ, હું પણ જવાબ લખું છું અને પેપર કોરું છોડતો નથી.' ..અને આ બાબત એના પોતાના કાબૂ/કંટ્રોલમાં છે એ બતાવવા નોટ/જવાબવહીના પાના કશું ન આવડતું હોવા છતાં ભરતો જાય છે.

👉 આપણને/શિક્ષકોને પોતાને પણ જો આવો સવાલ પૂછવામાં આવે કે, "તમારાથી દૂર રહેતું બાળક અચાનક તમને મળવા આવે તો તમને શુ અનુભવ થાય છે? એ લખો." .. તો યકીન માનો કે આપણે/શિક્ષકો પણ પાંચ-દસ લીટી માંડ લખી શકીશું, કેમ કે લાગણી/વિચારોને અનુભવવા જેટલા સહેલા છે એટલા જ લખવા અઘરા છે. અને એમાંય જો લખતા-વાંચતા ન આવડતું હોય એવી ભાષામાં લખવાનું કહેવામાં આવે તો આપણે પણ પેપર કોરું જ છોડીશું અથવા આવડે એવું રિપીટેટિવ અક્ષરો/શબ્દો/વાક્યોમાંજ લખીશું. કારણ કે આપણે સાચું કેવી રીતે લખવું એ સ્પષ્ટ નથી, એટલે ખોટું લખીએ છીએ. બાળકની સ્થિતિ પણ આવી જ છે.

યાદ રહે,

👉 બાળક ખોટું લખતું નથી, એ પોતાની હાલત લખે છે.

👉 જ્યારે મન ડામાડોળ હોય ત્યારે ક્રિયાનું પુનરાવર્તન થાય છે.

👉 આપણે/શિક્ષકો જ્યારે ફરિયાદ કરીએ છીએ કે.. બાળકોને કશું આવડતું જ નથી./બાળકો પરીક્ષામાં કશું લખતા જ નથી./બાળકો જોઈજોઈને પણ નથી લખતા... ત્યારે બાળક વધુ બંધ/હેંગ થઈ જાય છે. એના મગજમાં ઓટોપાઇલટ મોડ 'ઓન' થઈ જાય છે.

👉 બાળકનો વિશ્વાસ જીતવા ફરિયાદ નહિ, પણ આપણું એટીટ્યુડ બદલવુ પડે. જેમ કે,

● “તે ખોટું નથી લખ્યું.”
-----આ પહેલી લાઇન જાળ તોડે છે અને બાળકના મનમાં તરત થાય છે: “હું બચી ગયો.”

● “તે જે લખ્યું એ હું જોઈ શકું છું.”
-----અહીં “સમજું છું” નહીં, પણ “જોઈ શકું છું” કહેવું મહત્વનું છે. સમજ્યા વગર પણ જોવાની ખાતરી બાળકને વિશ્વાસ અપાવે છે.

● “લખતી વખતે તારો હાથ ચાલતો હતો, પણ મન ક્યાંક બીજે હતું.”
-----બાળકને પકડ્યા વગર પણ પકડવું. તે તરત જ પોતાની ભૂલ સમજશે.

● “તું મને કહી શકે છે કે એ સમયે મનમાં શું ચાલતું હતું?”
-----આ પછી 10–20 સેકન્ડ ચુપ! આ મૌન જ સાચો પ્રશ્ન છે. જો બાળક અજીબ વાત/કોઈ મનઘડંત કાલ્પનિક વાર્તા/બહાનું બતાવે કહે તો અટકાવવું નહીં કે સુધારવું પણ નહીં. ધીમે ધીમે વિશ્વાસ સંપાદિત થતાં મૂળ કારણ બહાર આવશે કે એના મનમાં શુ ચાલે છે?

👉 આ કામ કોઈ સિલેબસમાં નથી, માર્કશીટમાં પણ નથી.. પણ જીવનમાં છે!

...આના ઉપાય રૂપે હાલ ધોરણ 4 ના વર્ગ શિક્ષક તરીકે મારા વર્ગમાં દરરોજ અડધો કલાક 'ખુદ કો જાનો'- વર્ગ પ્રોજેકટનો એક પ્રયાસ ચાલી રહ્યો છે જ્યાં અમુક બાળકો પોતાની અંદર શું ચાલે છે એ લખી શકે છે. (એક ફોટો પણ મુકું છું.)

---

લેખ લાંબો થઈ રહ્યો છે, પણ આ બે કિસ્સા લખ્યા વગર પૂરો નહિ થાય!

(1) એક અધિકારી ઇન્સ્પેકશનમાં આવી મારા ચેક કરેલા પેપરો તપાસવા માંગ્યા. એક બાળકે 'Pencil' નો સ્પેલિંગ 'Pancil' લખ્યો હતો. મેં અડધો માર્ક્સ આપ્યો હતો. તો એ કોઈપણ પ્રકારની સ્પષ્ટતા વગર સીધું બોલ્યા, "તમારો બેઝિક પણ અડધો કરી દઉં તો..?"
..એમના આ રીએક્શનથી હું હતપ્રભ હતો.
મેં કહ્યું, "તમને ઠીક લાગે એ કરો."

..જ્યારે વ્યવસ્થામાં અવિશ્વાસ ઘૂસી જાય, ત્યારે પ્રયત્નો પણ દેખાતા નથી! 

હું એમને કેવી રીતે સમજાવી શકવાનો હતો કે બાળકે જાતે જ આખા પેપરો લખેલા છે!! બાળકે જાતે કરેલાં પ્રયત્નોનું મૂલ્યાંકન માર્ક્સથી જ થતું હોય તો એમાં અડધો માર્ક્સ પણ આપવો જ રહ્યો!!

(2) દીકરી Z મારા વર્ગમાં હતી ત્યાં સુધી એ શીખેલી કે પરીક્ષામાં જાતે પેપર લખવું અને હવે બીજા શિક્ષકના વર્ગમાં જતા, પરીક્ષા દરમિયાન મને મળવા આવી. પરીક્ષામાં શુ થાય છે એ જાણીને મેં કહ્યું, "દીકરી Z, જાતે પેપર લખવું."

બીજા દિવસે એ મારી પાસે આવી રડી પડી!
એણે કહ્યું , "મૈને ખુદ પેપર લીખા તો વો ટીચરને પૂરે કલાસ કે સામને મુજે થપ્પડ માર દિયા ઓર બોલી, મૈને કહાં થા કિ જવાબ મત લીખના સિર્ફ સવાલ લીખના, ફિર ભી તુને જવાબ કયું લીખા?"

...હું ફરી હતપ્રભ થઈ ગયો!

---

અંતે,
“બાળકની ભૂલ સુધારતા પહેલા
બાળકને માણસ માનવો પડે.”

-યજ્ઞેશ રાજપુત
લ.તા. 8.2.26

https://www.facebook.com/share/1D17ejxQC4/

શુક્રવાર, 29 ઑગસ્ટ, 2025

ઓનલાઈન કલાસ: મગજની મગજમારી!!

https://www.facebook.com/share/p/1EwKZ73xu6/



ઓનલાઈન કલાસ: મગજની મગજમારી!!

*********

એક મોબાઈલ સેટ કરવા માટે આ વખતે આવું ગતકડું કર્યું!! બાળકની સાથે ઘરનાં એક વ્યક્તિએ ફરજીયાત પોતાનાં કામનો મોહ ત્યાગીને બેસવું જ પડે!! ઓનલાઈન કલાસ લેતાં મેડમનો અવાજ એટલો ધીમો આવે કે.. બાળકનાં નાનકડાં કાનમાં હેન્ડ્સ ફ્રીનાં ભૂંગળા કાન દુખાડે એનાં કરતાં 1500નું બ્લ્યુટુથ સ્પીકર વસાવવું જરૂરી લાગ્યું!! ..આ ઓનલાઈન કલાસ માટે 20000 નો ફોન લેવો પડેલો એ લટકામાં!! લગભગ 22-25 બાળકો એકસાથે ઓનલાઈન 'મેમ.. મેમ..' ચિલ્લાતા હોય!! આખું ઘર બાનમાં આવી જાય!! ઘરમાં 144 લાગુ પડે છે!! એક કરતાં વધુ બાળકો હોય અને ઘરમાં એક જ રૂમ હોય તો પછી પૂછવું જ શુ?? વર્ગમાં બાળક અભ્યાસમાં જેટલું ધ્યાન રાખે છે એ ઓનલાઈનમાં નથી જ રાખતું એ અનુભવી શકાય છે!! (અપવાદને બાદ કરતાં..) શિક્ષક પણ પર્સનલી ધ્યાન નથી આપી શકતાં એ જોઈ શકું છું!! 

માંડ મજૂરી કરી પેટિયું રળતા લોકો પોતાનાં બાળકોને આમ ઓનલાઈન ન ભણાવી શકવા બદલ ફ્રસ્ટેટેડ થઈ ગુસ્સાથી લઘુતાગ્રંથિ અનુભવે એમાં શી નવાઈ??  ..કે તેઓની પાસે સાદો ફોન છે, સ્માર્ટ ફોન નહિ!! 

*********
 
👉 હું ભણતો ત્યારે અમારાં ટીચરને અમે "બહેન" કહેતાં..!!
👉 હું નોકરીએ લાગ્યો ત્યારે મારાં સાથી શિક્ષકબહેને બાળકોને "બહેન" ના કહેતાં "ટીચર" કહેવું, એવી શીખવાડેલું!! (એમનાં કહ્યાનુસર બાળક એમને 'બહેન' એવું ઉદબોધન કરે ત્યારે એમને 'પોતે પાણી પીવડાવવાવાળા બહેન' હોય એવું લાગતું!!)
👉 હવે... મારી દીકરી એનાં "ટીચર"ને "મેમ.. મેમ.." કરે છે..!!

**********

મારી દીકરી એમનાં શિક્ષકને "મેમ" કહે ત્યાં સુધી વાંધો નથી.. પણ જીવનનાં રોડ ઉપર એ ટોપ-ગિયરમાં આવે ત્યારે અંધ-ઘેટાંઓની પાછળ "મેં.. મેં.." કરીને છતી આંખે ખાડામાં ન પડે એ માટે મારે અત્યારથી જાગૃત રહેવું રહ્યું.. બાકી હરિઈચ્છા!!

***********
લ.તા. 30.8.20

શુક્રવાર, 15 ઑગસ્ટ, 2025

દીકરી 65 દિવસ પછી ઘેર આવી

https://www.facebook.com/share/174VNPFQ6M/

આજે દીકરી 65 દિવસ પછી ઘેર આવી. જ્યારે ગઈ હતી ત્યારે મેં એને ભારતના મહાન વ્યક્તિત્વોનાં જીવનચરિત્રોની 24 ચોપડીઓ આપેલી અને કહ્યું હતું કે "હોસ્ટેલમાં ફ્રી ટાઈમમાં વાંચજે."

હવે એ ઘેર આવી છે એટલે મેં પૂછ્યું,"તને કોના વિશે વાંચવું વધુ ગમ્યું??" મને એમ કે એ ચોક્કસ કોઈ વૈજ્ઞાનિક વિશે કહેશે, પણ હું ખોટો ઠર્યો.

એણે કહ્યું,"ડૉ. આંબેડકર વિશે..!!"

"શું કીધું?? ડૉ. બાબાસાહેબ આંબેડકર??" મને નવાઈ લાગી.

"..તો એમાં આટલા ચોંકો છો શુ કામ??" એણે પૂછ્યું.

હું થોથવાયો! મેં કહ્યું, "બેટા મને નવાઈ એટલા માટે લાગે છે કેમ કે મેં ક્યારેય કોઈ 11-12 વર્ષના બચ્ચાંના મોઢે બાબાસાહેબને વાંચવું ગમ્યું એવું કહેતા સાંભળ્યું નથી. મને પણ એમ જ હતું કે તું કોઈ વૈજ્ઞાનિકનું નામ બોલીશ. પણ તે બાબાસાહેબનું નામ લીધું એ મને ખરેખર ગમ્યું છે."

"મને વિક્રમ સારાભાઈ, અબ્દુલ કલામ.. પછી કલ્પના ચાવલા વિશે પણ ગમ્યું. મેં સૌથી પહેલા તો બધા વૈજ્ઞાનિકોની જ ચોપડીઓ વાંચી પણ આંબેડકરની ચોપડી વાંચવામાં બહુ મજા આવી."

"કેમ?" મેં પૂછ્યું.

"બીજુ તો કઈ વધારે યાદ નથી.. પણ મને એક વાત એમની એ બહુ જ ગમી કે એમની પાસે કોઈ સપોર્ટ નહોતો તો પણ એમને જે કરવું હતું એ.. એ કરીને જ જમ્પયા!"

"મતલબ??" મેં વધુ જાણવા કોશિશ કરી.

"મતલબ.. તમે જ વિચારો કોઇ એમને પાસે નહોતું બેસાડતું.. એમની જોડે એમની જાતિને કારણે કોઈ બરાબર વાતોયે નહોતું કરતું તોયે એ એટલું ભણ્યા કે આજે પણ.. આટલા વર્ષો પછી પણ એમનું લખેલું સંવિધાન આજે બધાને માનવું પડે છે."

"બહુ સરસ.. હજુ કાંઈ યાદ છે એમના વિશે??"

"હા.. એમની પત્નીને કોઈ મંદિરે જવું હતું તો એમને ના પાડી દીધી કે જ્યાં આપણું સન્માન ના થતું હોય એવાં મંદિરે જવાનો કોઈ મતલબ નથી."

"પછી??.." મારી ઉત્સુકતા વધી રહી હતી.

"મને બહુ યાદ નથી પણ કદાચ બૌદ્ધ ધર્મ માટે એમને એમનું ઘર પણ આપી દીધુ હતું."

"હંમમ.. પછી??"

"બસ.. બીજું કાંઈ નહીં પણ વિચારો તો ખરાં.. એમનું લખેલું સંવિધાન બધાને માનવું પડે છે અને કોઈ સપોર્ટ નહોતો તો પણ એમને જે ઇચ્છયું એ કરીને જમ્પયા!"

"બહુ સરસ બેટા.. હજુ બીજા કોઈ વિશે તને યાદ છે??"

"હા.. વૈજ્ઞાનિકનું નામ તો યાદ નથી પણ એમનો કિસ્સો યાદ છે. બધા મોટા મોટા નેતાઓ અને વૈજ્ઞાનિકોની હાજરીમાં એમને રોકેટ ઉડાડયું પણ રોકેટ ફૂસ્સ થઈ ગયું અને ઉડયું જ નહીં. અને તોયે એમને કોશિશ ચાલુ રાખી અને આખરે રોકેટ ઉડાડીને જ જમ્પયા!"

"એ અબ્દુલ કલામ હતા.."

"મને એક વાત તો સમજાઈ જ છે કે મને એવાં લોકો વિશે વાંચવાનું ગમે છે કે જેઓ પહેલાં પ્રયત્ને ફ્લોપ રહ્યા હોય પણ તોયે કોશિશ ચાલુ રાખીને આખરે પોતાને જે કરવું છે એ કરીને જ રહે છે." દીકરી આટલું બોલીને કશુંક કરવા જતી રહી!

સાંજે 5 વાગે વાત થઈ પણ મનમાં ઘુમરાયા કરતી હતી આખરે આ લખ્યું ત્યારે રાહત થઈ. પહેલા આવા ઘણા કિસ્સા લખતો પણ હવે ભાગ્યે જ લખું છું.

-યજ્ઞેશ રાજપુત
લ.તા.15.8.25

શુક્રવાર, 8 ઑગસ્ટ, 2025

કેવું કહેવાય નહિ??દેશમાં શું ચાલી રહ્યું છે.. એ ટોળીને કઈ ખબર જ નથી..!!

https://www.facebook.com/share/p/1BACKKb7Cs/

કેવું કહેવાય નહિ??
દેશમાં શું ચાલી રહ્યું છે.. એ ટોળીને કઈ ખબર જ નથી..!! એમને એ વાતનો કોઈ ફરક જ નથી કે કઈ રીતે એ લૂંટાઈ રહ્યા છે??.. કઈ રીતે એમનાં ખિસ્સા કપાઈ રહ્યા છે??.. કઈ રીતે બધું ધીમે ધીમે ખલાસ થઈ રહ્યું છે??.. કઈ રીતે એ દેશના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે??
.
બસ.. ફરક એક જ વાતનો પડે છે એ બધાંને.. એ ટોળીને..
.
કે..
.
.
આજે હું કયુ બહાનું બતાવીને મોડા પહોંચું અને વહેલા જઉં?? ..આજે હું કયા પ્રકારની કામચોરી કરું??.. આજે હું ક્યા ટાઈમપાસ કરું??.. મારો પગાર કેવી રીતે વધતો જ જાય??.. પેલાંએ આટલો લાભ લીધો તો હું પણ કેમ આવો લાભ ન લઉં??.. હું કેવી રીતે એને નુકશાન કરું??.. હું કેવી રીતે બધાને છેતરું??.. હું કેવી રીતે નાની નાની બાબતોમાં ઝઘડો કરું??.. હું કેવી રીતે દેશના નાનકડા ભવિષ્યોને ચોરી કરતા શીખવું??..

ન જાણે એવી કેટલીયે ક્ષુલ્લક બાબતોમાં એ ટોળી- એ  બધાં એવી રીતે રમમાણ છે કે દેશમાં શુ ચાલી રહ્યું છે એની એમને ખબર જ નથી!! બસ.. સ્વાર્થ.. સ્વાર્થ.. અને સ્વાર્થ!! એમનું અંતિમ ધ્યેય સ્વાર્થ જ છે!! એમની અંતિમ નજર બસ.. નકલી લાભ લેવાનાં ઈરાદામાં જ સમાયેલી છે!! કેવું અદ્ભૂત કહેવાય નહિ??!! ..કેમ કે આ ટોળી પોતાને શું કહે છે.. જાણો છો??

હું નહિ કહી શકું.. કેમ કે હું આ સ્વાર્થીઓના ટોળાનું જ એક સભ્ય છું!! નકામું.. નાકારું.. અને માયકાંગલું!! એ લોકો કહે છે, " આત્મા અમર છે.." ..અને હું કહું છું, "મારી તો રોજ મરે છે.. પળેપળ.. ક્ષણેક્ષણ.. પ્રત્યેક સેકન્ડે!!" ..જ્યારે જ્યારે હું મારા દેશનાં ભવિષ્યોને આવા સ્વાર્થીઓના ટોળામાં ઘેરાયેલાં જોઉં છું ત્યારે હું રોજ મરું છું..!! ..અને ગુસ્સે થાઉં છું કે "હે ઈશ્વર? હું જાણું છું કે તું છે જ નહિ..!!  ..અને એટલે જ હું કહું જ છું કે આ સહદેવની સ્થિતિએથી.. મતલબ કે ઊંડા અંધારેથી.. તું જ પ્રકાશ તરફ લઈ જા.. મતલબ કે જાડી ચામડીનો બનાવી દે મને..  સંવેદનાથી નિષ્ઠુરતા તરફ લઈ જા.. ક્રિકેટ, ટીવી, સિરિયલો, કોમેડી, સોશિયલ મીડિયા અને લોકનિંદામાં એટલું ડુબાડી દે કે દેશ વિશે વિચારવાનો ટાઈમ જ ન મળે.. અને લોકોનું બૂરું કરવામાં અને લોકોને છેતરવામાં હું એટલો પાવરધો બનું કે આ ટોળીની સાથે મેઈનસ્ટ્રીમમાં આવી શકું!! 

..અને હા.. છેલ્લે એક વાત.. હું જાણું છું કે તું છે જ નહિ એટલે મને સાંભળવાનો ય નથી..!! ..સાચું કહું તો તારે આ સાંભળવાની જરૂર પણ નથી!! કારણ કે એ ટોળી જેવું કરે છે એવું જ હું કરવા માંડુ તો મારામાં અને એમનામાં ફરક શુ રહેશે??"

સોમવાર, 4 ઑગસ્ટ, 2025

ચકલી, કબૂતર, કાબર, ખિસકોલી પછી હવે કાગડાનો વારો આવ્યો!!

https://www.facebook.com/share/v/1CfSwuoaQZ/

ચકલી, કબૂતર, કાબર, ખિસકોલી પછી હવે કાગડાનો વારો આવ્યો!! 

.....છેક ત્રીજે માળ ફ્લેટ હોવાં છતાં આખરે કાગડાએ પણ શરૂઆત કરી તો દીધી જ!! લગભગ 500 ગ્રામ જેટલા લોખંડના તાર તો માળો ન બાંધે એટલે હટાવી દીધેલા! (વિડીયોમાં બતાવ્યું છે!!) ..તોય આજે પાછું ઘર બાંધી તો દીધું જ!!😊😊 નવાઈની વાત તો એ છે કે એકસરખાં કહી શકાય એવાં માપનાં લોખંડના તાર/સળિયા આ 'કાગડાં કપલ' લાવે છે ક્યાંથી એ નથી સમજાતું!! 

કબૂતર અને ચકલી તો હવે યાદ પણ નથી એટલી વખત માળો બનાવ્યો છે! કાબરે 3-4 વખત અને ખિસકોલીએ પણ 2-3 વખત ઘર બનાવ્યું છે! કાગડો-કાગડી દરરોજ બપોરે આવીને બેસે, પણ એ નહોતું વિચાર્યું કે એ ય માળો બનાવશે!! 

અત્યારસુધી કેટલાં લોકોએ ઘરે વિઝીટ કરી છે??
ઉપર જણાવ્યું તેમ ચકલી, કબૂતર, કાબર, ખિસકોલી અને કાગડો તો ખરાં જ!! ..પણ એ સિવાય.. 

👉 નાગ (..ફૅણવાળો હતો એટલે સાપ ન લખ્યું! ભગવાનની કૃપા કે પાંચમે માળ રહેવાવાળા ભાઈએ લિફ્ટથી ઉપર જતાં અચાનક નાગને અમારે ત્રીજે માળના ઘરમાં ઘૂસતા જોઈ ગયેલાં, અને પડોશી મિત્રે ફોન કરીને જણાવેલું! અમે કોઈ ઘરમાં નહોતાં.. જો કોઈએ ન જણાવ્યું હોત તો સંભવ છે કે કોઈને કરડ્યો હોત.. કેમ કે અમે સોફા પાસે નીચે ઉંઘીએ છીએ અને નાગ સોફા નીચે લપાઈને બેઠેલો- લગભગ 3/3.5 ફૂટનો!), 
👉 બુલબુલ (કાળો માથાળો!), 
👉 અબાબીલ (દીવાલ પર માટીનું ઘર બનાવે એ!! જો એનું નામ બીજું કાંઈ હોય તો તમે સમજી જજો.. અને મને કહેજો!) 
👉 નાની કથ્થાઈ રંગની પીળા-સફેદ રંગના ટપકાંવાળી ચકલી, 
👉 નાની લીલા રંગની ચકલી, 
👉 ચામાચીડિયું (૨ વખત!.. એક વખત તો ઘરમાં એવી રીતે ઘુસેલું કે આવીને સીધું સૂતેલી નાનકડી તન્વીનાં પેટ પર ચોંટી ગયેલું, અને બહાર કાઢતાં બિચારું થોડું ઇનજર્ડ પણ થયેલું, પણ આખરે ઉડી ગયેલું!).. 

...હવે કોઈ એકાદ રહી ગયું હોય એવું બનેય ખરાં!!
વેલ.. કાગડાં ફેમિલીને બેસ્ટ વિશિસ!!💐💐

મેં ઘરે કહ્યું, "હવે તો મોરની રાહ જોઉં છું!!"😊😊

ગુરુવાર, 24 જુલાઈ, 2025

માનો કે કોરોના જાય જ નહીં તો?? આપણને બચાવવા 'એલિયન' આવે ખરાં?? કે પછી આપણે જ 'એલિયન' બની જઈએ??

https://www.facebook.com/share/p/1C7ZLmzuoB/

માનો કે કોરોના જાય જ નહીં તો?? આપણને બચાવવા 'એલિયન' આવે ખરાં?? કે પછી આપણે જ 'એલિયન' બની જઈએ?? 

*****

'ઇન્ટરસ્ટેલર' મુવીમાં પૃથ્વી રહેવાલાયક ન રહેતાં નાયક બ્લેકહોલનાં રસ્તે બીજી દુનિયા શોધવા જાય છે, ત્યારે કોઈક કારણસર એ 'ટ્રેસેરેક્ટ' નામના આયામમાં ફસાઈ જાય છે, જ્યાંથી તે પોતાનાં સમયના ભૂતકાળને જોઈ શકે છે! ભૂતકાળને જોઈ શકાય છે, પણ એમાં કોઈ ફેરફાર નથી કરી શકાતો! એટલે એ પોતાની દીકરી માટે એક એવાં સિગ્નલ છોડે છે, જેનાંથી એની દીકરી પૃથ્વીના લોકોનું 'સર્વાઈવલ' કરી શકે! અંતે, જેવું નાયકની દીકરી એનાં પિતાએ રચેલા એ સિગ્નલ્સનો તાળો મેળવે છે, એ સાથે જ નાયક 'ટ્રેસેરેક્ટ' નામનાં આયામમાંથી મુક્ત થઈ જાય છે! એ વિચારે છે, આ આયામ બનાવ્યો કોણે? તો અંતે જવાબ મળે છે: ભવિષ્યના માનવોએ પોતાની મરવા પડેલી પૃથ્વીનાં લોકોને બચાવવા આ આયામ રચેલો, જે એનું કાર્ય પૂર્ણ થતાંની સાથે જ નાશ પામ્યો! આ ભવિષ્યનાં માણસો એટલે કોણ?? શું આપણે જેમને એલિયન કહીએ છીએ, એ વાસ્તવમાં આપણે જ છીએ??

*********

કોરોના આવવાથી આપણી ઘણીખરી લાઈફ સ્ટાઇલ બદલાઈ છે. આ ક્યારે જશે એનું કંઈ નક્કી નથી! આ નાનકડો વાયરસ ગમે ત્યાં રહી શકે એવું જાણમાં છે: માથાથી લઈને પગની પાની સુધી, કપડામાં, ઘરેણામાં, બુટ-ચંપલમાં.. ઘણી જગ્યાએ! તમારી ઇમ્યુનિટી સારી હોય તો તમને કંઈ ન થાય, પણ સરકારી આદેશો અને મહામારીના નિયમોનું તો પાલન કરવું જ રહ્યું! સરકારી સંશોધન મુજબ હાલ માસ્ક ફરજિયાત બન્યો છે, અને આગળ જતાં કદાચ એવાં દિવસોય આવે કે માથાથી પગ સુધી ઢંકાય એવા કપડાં પહેરવા પડે, ઘડિયાળ-ઘરેણાં જેવી વસ્તુઓને ત્યજવી પડે અને સાદા ચંપલ પહેરવાનો વખતેય આવે, જેથી ધોઈ શકાય! માનો કે આ બધું પરમેનેન્ટ ચાલુ જ રહ્યું તો?? કોરોના વાયરસ અથવા આવો જ કોઈ વાયરસ પોતાની જિનેટિક બ્લુપ્રિન્ટ બદલીને વધુને વધુ ખતરનાક થઈને આ પૃથ્વી પર ટકી જાય તો શું થઈ શકે??

આશરે દસેક લાખ વર્ષ પછી શું હોય??

સૌથી પહેલાં સંપૂર્ણ શરીર ઢંકાય એવાં કવર(PPE કીટ જેવો પહેરવા-ઉતારવામાં 'માથાનો દુઃખાવો' બને એ ટાઈપનું નહિ!!)ની શોધ થાય અને એ કવર દરેકે પહેરવો ફરજીયાત બને! 'નેચરલ સિલેક્શન' મુજબ એવું કહેવાય છે કે સજીવોને પોતાનાં જે અંગની જરૂર ન જણાય એ અંગ સમયાંતરે જાતે જ લુપ્ત થઈ જાય છે!(માણસને જેમ પૂંછડીની જરૂરિયાત ન રહેતાં પૂંછડી કાળક્રમે નાશ પામી એમ જ સ્તો!) જો હંમેશને માટે આ ટાઈપના બોડી-માસ્ક પહેરવાનું થાય, તો કદાચ ભવિષ્યમાં આપણાં માથાનાં વાળ ઉગે જ નહી, એવું આપણું માથું હોય!! આપણું સપ્રમાણ-લાબું નાક 'નેચરલ સિલેક્શન'માં 'ચીબુ' થાય, અને/અથવા નાકની જગ્યાએ માત્ર કાણાં જ રહે!  કાનની ખાસ જરૂરિયાત ન રહેતાં ત્યાંય કાણાં રહે એવું બને! સતત ચપોચપ ચીટકેલું રહેતું બોડી-માસ્ક શક્ય છે કે ચરબી ઉતારવામાં મદદરૂપ બને અથવા વાઇરસથી બચવા બહારનું ખાવાનું બંધ થતાં આપોઆપ લોકો સ્લિમ-ટ્રિમ બને! (લોકડાઉન ક્યાં સુધી? આવાં વાયરસની સાથે જીવવા માટે લોકોએ ટેવ પાડવી જ રહી! 'સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ'નો નિયમ અનુસાર 'નબળાં'ઓને દુનિયામાંથી રજા મળી જવાની!) લોકોની એવરેજ ઉંમર ઘટે! સામાજિક અંતર ઘટતાં લોકોની પ્રકૃતિ ઝઘડખોર અને એકલવાયી બને! ચોરી, લૂંટફાટ અને વર્કફ્રોમ હોમ વધતા લોકો ઓછાં અજવાળાંવાળા ઘરોમાં/બંકરોમાં/અંધારી ગુફાઓમાં રહેતાં હોય એવુંય બને! સતત અંધારામાં રહેવાનું હોઈ લોકોની આંખો મોટી ચળકતી બને! છુપાઈને રહેતાં હોવાથી અને ઓક્સિજન પૂરતો ન મળતો હોવાથી 'નેચરલ સિલેક્શન'માં લોકો ઠીંગણા બને! સતત ગ્લોવ્સ પહેરવાથી આંગળીઓની જરૂરિયાત ન લાગતા શરીરમાં બે-ત્રણ આંગળીઓ જ બચે! આંગળીઓ અને અંગુઠા મજબૂત, મોટા અને સતત કોમ્પ્યુટર/એ ટાઈપના મશીનોના બટનો દબાવવાના હોઈ અણીવાળાં બને! સતત મશીનો/કોમ્પ્યુટર સાથે કામ કરવાનું હોઇ લોકોનું દિમાગ વધુ તેજ અને મોટું બનતાં માથું વધુ મોટું બને! ..એટલે ભવિષ્યના માનવોનાં નાક-કાન-મોં 'ચીબુ', આંખો-માથું મોટાં, વાળ વગરનું ઠીંગણું અને પાતળું કદ હોય એનું બને! 

કુદરતી વસ્તુઓ વધુ ફુલેફલે, અથવા તો 'વિકાસ'ની લ્હાયમાં સંપૂર્ણ નાશ પામે! અત્યારે જે રીતે આપણે બધાં ભેગાં મળીને પૃથ્વીની ઘોર ખોદી રહ્યા છે એ જોતાં પૃથ્વી રહેવાલાયક જ ન રહે એની વધુ સંભાવના છે! ..માટે એ તરફ 'કલ્પનાના ઘોડાં' દોડાવીએ તો..

આખી પૃથ્વીની જીવસૃષ્ટિ નાશ થવાને આરે આવી ગઈ હોય એવું બને! ખંડેર બિલ્ડીંગો દેખાતી હોય! દિવસ દરમિયાન ઊડતી ધૂળ અને ધોમધખતા તાપ-ગરમીમાં લોકો બહાર ન નીકળી શકતાં હોઈ લોકો નિશાચર બને! રાત પડે લોકો ઘરની બહાર માત્ર ઓક્સિજન ખરીદવા જેવી જીવનજરૂરિયાત હોય તો જ નીકળતા હોય! અમીર-ગરીબની ખાઈ એટલી ઊંડી થઈ ગઈ હોય કે ગરીબો અંધારા ખૂણા/બંકરો/ગુફાઓમાં રહેતા હોય અને અમીરો પરવાનગી વગર કોઈ ચડી ન શકે એવા ટાવરોમાં! અમીરો અને નેતાઓ પૃથ્વીની બચી-કૂચી કુદરતી વસ્તુઓ ખરીદી/વાપરી/નાશ કરી શકે એવા સક્ષમ બને, અને ગરીબો જીવવાની જદ્દોજહદમાં વધુ ખૂંખાર બને! કુદરતી વસ્તુઓની ઘટ પડતાં છેવટે બ્રહ્માંડમાં શુદ્ધ હવા-પાણી અને નેચરલ રીસોર્સથી ભરપૂર હોય એવાં બીજાં સધ્ધર ગ્રહની શોધ કરવામાં આવે! છેવટે.. એ ગ્રહ મળી આવતાં પૃથ્વી પર 'નીચલી પાયરી'માં રહેતાં ગરીબોને છોડીને માત્ર અમીરો, ઇન્ટેલેક્ચ્યુઅલો અને 'વિશેષ' વ્યક્તિઓ ત્યાં રહેવા જતાં રહે એવું બને! થોડાંક હજારો વર્ષોમાં સંપૂર્ણપણે માણસોનો નાશ થતાં પૃથ્વી ફરી ફુલેફળે છે, અને અમુક લાખો-કરોડો વર્ષો પછી પાછી નેચરલ રીસોર્સથી ભરપૂર બની ફરી સજીવોને રહેવાલાયક બને છે!

હવે વિચારો.. કરોડો વર્ષો પહેલાં પૃથ્વીને છોડીને જતાં રહેલાં લોકો નવી ટેક્નોલોજીમાં પાવરધા બન્યા છે! ..અને અચાનક એક દિવસ પાછી પોતાની પૃથ્વીની શુભેચ્છા મુલાકાત લેવાં પોતાની 'ઊડતી રકાબી' જેવું યાન લઈને આવે છે!! ....તો આપણી પૃથ્વી પર જે સજીવોએ ફરી જન્મ લીધો છે, એ લોકો આ 'પોતીકા મહેમાનો'ને જોઈને શુ કહેશે??? 

ચીબાં નાક-કાન-મોં વાળા, મોટી આંખો અને મોટાં માથાંવાળા, વાળ વગરનાં, ઠીંગણાં અને પાતળા કદવાળા વિચિત્ર દેખાતાં... 'એલિયન' જ સ્તો!! 

*********

યજ્ઞેશ રાજપૂત
લ.તા.25.7.20

રવિવાર, 20 જુલાઈ, 2025

Naked & Afraid

Naked & Afraid

https://www.facebook.com/share/p/199uKovWyD/

છેલ્લાં ઘણા વખતથી ડિસ્કવરી પર લેટ નાઈટ આવતો આ શૉ ચોક્કસ જોઉં છું. અડાબીડ જંગલમાં એક સ્ત્રી અને એક પુરુષ 21 દિવસ Naked રહીને સર્વાઈવ કરવાનું! એમને પોતાની સાથે માત્ર 1-1 સર્વાઇવલ આઈટમ સાથે લાવવાની છૂટ મળે! 14 દિવસ થી 60 દિવસ સુધીની આ ચેલેન્જમાં મોટેભાગે તો સર્વાઇવલ એક્સપર્ટ અથવા આર્મી મેન/વુમન જ હોય, પણ ક્યારેક જેમની શરૂઆતની સર્વાઇવલ રેટિંગ (PSR) 4 ની આસપાસ હોય એ લોકો પણ હોય છે. એક સ્ત્રી-પુરુષને Naked રહેવાનું હોય, એટલે અજાણતાં જ લોકો એને 'ગંદી સોચ'ની નજરે જુએ, પણ વાસ્તવમાં સિનારિયો કંઈક અલગ જ જોવા મળે! ચેલેન્જ શરૂ થતાં પહેલાં જેમણે ભાગ લીધો હોય એમને લોકલ સર્વાઇવલ એક્સપર્ટ પાસેથી જે-તે જંગલ/વિસ્તાર/એરિયામાં કેવી રીતે સર્વાઈવ કરી શકાય તેની ટિપ્સ મળે, પછી જ્યારે ચેલેન્જ શરૂ થાય ત્યારે સ્થળ-સમય-સંજોગ પ્રમાણે બે અજાણ્યા પાર્ટનર કેવી રીતે Naked રહીને 21 દિવસ સર્વાઈવ કરે છે, એ ખરેખર જોવાં લાયક રહે છે.

આફ્રિકાનું જંગલ હોય, પનામા-એમેઝોનનું જંગલ હોય, ઓસ્ટ્રેલિયાનું રણ હોય, વર્ષા જંગલો હોય, કોઈ ટાપુ હોય,  વિષુવવૃત્તની ધોમધખતી ગરમી હોય અને અલાસ્કાનો થીજવી દેતો હિમ પણ હોય.. જ્યાં 21 દિવસ સર્વાઈવ કરવાનું હોય, એ પણ NAKED! રાત પડે એટલે મચ્છરો લોહી પીતાં હોય, સેન્ડ ફ્લાઇસ કનડતી હોય, જેગુઆર-લેપર્ડ-હાથી-મગર-સાપ-કરોળિયા-રીંછ જેવાં ખતરનાક જંગલી/ઝેરી જાનવરોનો ડર પણ હોય! પાણી ન મળે, ખાવાનું ન મળે, શેલ્ટર રિસતું હોય, આગ પ્રગટાવી શકાય એવું વાતાવરણ ન હોય, પાર્ટનર આળસુ-બીમાર-વિરુદ્ધ સ્વભાવનો કો-ઓપરેટિવ ન હોય! વાવાઝોડું-વરસાદ-આગ-પૂર આવે.. સતત ભયનાં ઓથાર વચ્ચે સર્વાઈવ કરવાનું! દિવસે કેમેરા-ક્રુ સાથે હોય, પણ રાતે નહિ! ..જ્યારે ખરેખર ભય તો રાતે જ હોય! પ્રચંડ માનસિક દબાણમાં જીવવાનું અને છતાંય ક્યાંક પડી-ખડી જઈએ તો શારીરિક નુકસાન થાય એ અલગ! શરીરને માફક ન આવે એવા વાતાવરણમાં બીમાર પડીએ અથવા તો ક્રિટિકલ સંજોગોમાં સ્થાનિક ડોકટર મારફત/હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા મળે ખરાં! 

મોટેભાગે પાર્ટનર ગમે તેવો હોય, તો પણ છેક સુધી ટકે એ માટે બીજો પાર્ટનર સરવાઈવલનું બધું કામ કરીને પણ એ 21 દિવસ એની સાથે ચેલેન્જ પૂરું કરે એવું ઈચ્છે! એની સાર-સંભાળ રાખે, સંવાદ કરે, માફી માંગે, ઝઘડે, સમજદારી રાખે, પ્રોત્સાહિત કરે! કોઈ પાર્ટનર અધવચ્ચેથી જતો રહે તો બીજો વ્યક્તિ એકલો ચેલેન્જ પુરી કરે અથવા એને બીજો પાર્ટનર મળે! સાથે શિકાર શોધવા જાય, શેલ્ટર સુધારે, આગ સળગાવે અને એકબીજાની જરૂરિયાતોને સમજે તો ચેલેન્જ ગમે તેવી મુશ્કેલીમાં પણ પૂરું કરે! ..અને છતાંય પૂરું ન થાય એવું લાગે, બીમાર હોઈએ તો અધવચ્ચેથી છોડી દે!

21 દિવસનાં ચેલેન્જમાં 4 થી 24 કિલો સુધીનું વજન ગુમાવીને એક્ટ્રેશન પોઇન્ટ સુધી પહોંચવાની દડમજલ ઓછી ન હોય! એવાં એવાં સરવાઈવલિસ્ટ એમાં હોય છે કે જેઓ ગમે તેવી અઘરી પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળે, પોતાનાં પર ભરોસો રાખે, પોતાનું કંઈક સાબિત કરવાની ઈચ્છા હોય.. અને આવી ભયંકર માનસિક કવાયત-પ્રેશર પછી જ્યારે 21 દિવસ પૂરા કરે ત્યારે એની નજરમાં પોતે કંઈક છે એવો વિશ્વાસ બેસે, આત્મવિશ્વાસ વધ્યો હોય! અધૂરું છોડીને જનારાઓ પાછા પોતાને સાબિત કરવા આ ચેલેન્જમાં પાર્ટીસિપેટ કરવા એપ્લાય કરે! વધુ તો.. 'દેખો તો જાનો!'

*************

મારી દીકરી તન્વી પણ આ શૉ ની શોખીન છે. એણે મને પૂછ્યું, "પપ્પા તમે હોવ તો ચેલેન્જ પૂરું કરો ખરાં?"

શું જવાબ આપું એને??!!

રોજેરોજ Naked અધિકારીઓ/રાજકારણીઓના Naked આદેશો માનીને જે રીતના હું મારું શિક્ષકત્વ ખોઈને Naked (..યુઝલેસ!) કામો કરી રહ્યો છું, એ જોઈને Afraid થઈ જઉં છું કે ક્યાંક તું પણ મારી જેમ ગુલામ/નોકર ન બને! ..અને આમેય આવાં શૉ ફોરેનમાં એટલે જ હોય છે કેમ કે ત્યાંના લોકો શારીરિક Naked ભલે દેખાતાં હોય, માનસિક Naked હોય એવું ક્યારેય લાગ્યું નથી! એ લોકો જંગલના જાનવરોને મારીને ભલે ખાતાં હોય, પણ ગરીબ/અસહાય/નિર્બળોનું અને એમનાં પરિવારોનું જીવતેજીવ લોહી ચૂસતાં નથી! એ લોકો Naked ભલે હોય, પણ દંભી હોય એવું સહેજેય લાગ્યું નથી! આજ સુધી મેં એક પણ શૉમાં કોઈનેય કોઈનાય અંધભક્ત બનીને કોઈની બાધાઓ રાખતાં-તાવીજ-દોરા બાંધતા જોયાં નથી! કોઈનેય કોઈની ખુશામતખોરી કરતાં જોયાં નથી, ઉલટાનું અજાણ્યા પાર્ટનરને બચાવવા છેક સુધી લડતાં જોયા છે! એ જેવાં છે એવા સ્પષ્ટ દેખાય છે, કોઈ મહોરું પહેર્યું હોય, લાગણી વેડા કરતાં હોય એવું લાગ્યું નથી! તેઓ બધાનું સમ્માન કરે કે ન કરે, અપમાન કરતાં હોય એવું ક્યારેય લાગ્યું નથી! એકબીજાની ખામીઓને સ્વીકારતા જોયા છે, અને ખૂબીઓને વખાણતા જોયાં છે! સન્માન ખાતર કંઈક કરી દેખાડવાનો 'ભાવ' એમનાં ચહેરા પર દેખાય છે, કોઈની 'ટાંગ' ખેંચવાની આદત હોય એવું લાગ્યું નથી! 

Naked તો આપણો સમાજ છે, જ્યાં સામાન્ય પ્રજાજનો Afraid બનીને જીવે છે!! અહીંનો કોઈ સામાન્ય મજૂર પણ જો આ ડિસ્કવરીના શૉમાં જાય તો 21 દિવસ ભૂખ્યા રહેવામાં એને બહુ તકલીફ પડે એવું લાગતું નથી! જેની આદત પડી ગઈ હોય ત્યાં તકલીફ શેની?? ..પણ હા, કોઈને Naked જોઈને એનાં મનમાં કુટુંબ વધારવાનો વિચાર આવે તો કાંઈ કહેવાય નહીં!!

બુધવાર, 16 જુલાઈ, 2025

તન્વી નું રસોડું

(બાળકને રસોડાનું કામ કરાવતી/શીખવતી વખતે માતા-પિતા કે વડીલનું માર્ગદર્શન જરૂરી છે. અહીં તન્વીએ એની મમ્મીનાં માર્ગદર્શન હેઠળ જ બધું કામ કર્યું છે.)


https://www.facebook.com/share/v/1RAb3KtESi/


બાળક ચાહે છોકરો હોય કે છોકરી હોય, સાત-આઠ વર્ષનાં થયેથી રસોડાના નાના-મોટાં કામ પ્રત્યે એ ધીમે-ધીમે રસ કેળવે અથવા શીખે એ જરૂરી છે. ગામડામાં નોકરી વખતે જોયેલું કે બહુ નાની ઉંમરથી જ છોકરીઓ (અફસોસ, કે છોકરાંઓને માતા-પિતા રસોડામાં નથી મોકલતા!!☹️) રસોડામાં મમ્મીને મદદ કરવા લાગી હોય છે. કેડે બાળકને ઉંચકીને માર્કેટમાં ફરતી માતા અને જમવાનું બનાવતી વખતે માતાનાં ખોળે રમતું બાળક શ્રેષ્ઠ દ્રશ્ય છે. બાળકનાં બુનિયાદી ઘડતરમાં એ 'પાક'કલામાં શાકભાજી ઓળખે, મસાલાને જાણે, વસ્તુઓ કેવી રીતે બને તથા જરૂરી વસ્તુઓ કેટલી માત્રામાં નંખાય.. એ બધી બાબતો બાળકો જાણે તે જરૂરી છે. અગત્યની બાબત એ કે જાતે કરેલું લાંબા સમય સુધી યાદ રહે છે. શાકભાજી સમારતી વખતે ચપ્પુ પકડવાનું જ્ઞાન અને રોટલી તવા પર નાખવાનો અનુભવ એ જેવો-તેવો નથી.

લીંબાસી પીટીસી વખતે જ્યારે સવારે ઉઠી બુનિયાદી કામ (મેદાન વાળવું, સફાઈ કરવી, પાણી ભરવું, કપડાં ધોવા, જમીને જાતે ડિશ ધોવું, સંડાસ-બાથરૂમની સફાઈની સજા, બાગકામ, શાકભાજી-દૂધ ખરીદવું, અનાજ સફાઈ વગેરે..) કરવાનું થયું, ત્યારે સમજાઈ ગયેલું, કે જે માતા-પિતા પોતાનાં બાળકને ઘરનું કોઈ જ કામ નથી કરવાં દેતાં એ માતા-પિતા ખરેખર તો બાળકનાં ગુનેગાર છે! પીટીસીના રસોડામાં શાકભાજી-મરચાં-આદુ સમારતી વખતે અડધાં દિવસ સુધી બળતો હાથ અને ભર-ગરમીમાં રોટલી છૂટી પાડવા જવું એ કેટલું અઘરું છે એ સમજાતા રજામાં ઘેર જઈએ ત્યારે મમ્મીને રસોડામાં મદદ કરવાનું આત્મજ્ઞાન અમારામાંથી ઘણાને લાધ્યું હશે એવું હું માનું છું! ..અને લગ્ન પછીય પોતાની પત્નીને રસોડામાં મદદ કરવાનું ય વિચાર્યું હશે એ શક્ય છે!

મમ્મી સવારે સાડા ત્રણ વાગે ઉઠીને જમવાનું બનાવે એ દ્રશ્ય મારાં અનુભવમાં અંકિત છે. મમ્મીને રોટલી વણવામાં મદદ કરતાં બનતો નકશો એ દુનિયાનાં કોઈપણ દેશનાં નકશા કરતા પણ વધુ આનંદ આપે છે. ગિરગઢડામાં નોકરી લાગી અને એકલાં રહેવાનું શરૂ થયું ત્યારે મમ્મીને રસોડાનો બધો જ જરૂરી સામાન લઈ આપવા કહેલું, અને ત્યારે ગિરગઢડામાં (હાલ તાલુકા પ્લેસ છે!) કોઈ હોટલ/નાસ્તાની લારી ન મળે! સમ ખાવા પૂરતી એકાદ હતી ખરાં, પણ સાંજ પડતાં સુધીમાં બધું આટોપાઈ જાય! ગામડામાં તમને શું સ્ટ્રીટ ફૂડ મળે?? આ ગોપાલના ગાંઠિયા/નમકીનના પેકેટોનું ચલણ પણ દસ-બાર વર્ષથી જ વધ્યું છે. હું, પુરોહિતભાઈ અને બાલુભાઈએ અઠવાડિયું જેમ-તેમ ખેંચેલું, પણ પછી સમજાઈ ગયેલું, કે પેટની ભૂખ ભાંગવા 'જાત મહેનત જીંદાબાદ' જરૂરી છે. 'રસોડાનું વિજ્ઞાન' સમજવા  'હિંમતે મર્દા તો મદદે ખુદા' કરીને ઝંપલાવ્યું, એટલે શરૂઆતમાં તો ન આવડ્યું, પછી બગડ્યું, પછી સુધર્યું અને પછી આવડી ગયું! 'ભૂખ' શુ ન શીખવાડે??

હાલ અમે જેટલાં નોકરીએ એ સમયે લાગેલાં એ બધાં, કમસેકમ પત્નીજીની ગેરહાજરીમાં ક્યારેય ભૂખ્યા ન રહીએ, અને એમની હાજરીમાં એમને મદદેય કરીયે એવાં પાવરધા છીએ! વર્ષ ૨૦૧૩ માં અમદાવાદ આવ્યા પછી જોયું છે કે જેટલાં નવાં શિક્ષકો ભરતીમાં આવ્યા છે એમાંથી મોટાભાગનાં બહાર જમવાનું/ટિફિન વ્યવસ્થા ગોઠવી લેતાં હોય છે! ઇવન જે બહેનો શિક્ષિકાઓ તરીકે આવી છે એ પણ જાતે જમવા બનાવવાનો સમય ફાળવી શકતી હોવાં છતાં જ્યારે આવી કોઈ વ્યવસ્થા કરે ત્યારે મને, હવે નવાઈ લાગતી નથી! (એક સત્યાવીસ વર્ષની શિક્ષિકાને હજુયે જમવાનું બનાવતાં ન આવડતું હોય તો એનાં માતા-પિતાને હું ધન્યવાદ આપું છું!) માતા-પિતા પણ એવું ઇચ્છતા હોય કે એમનું બાળક જમવા બનાવવાની ભાંજગડમાં પડવા કરતાં કોઈ ટિફિન વ્યવસ્થા/બહાર જમી લેવાનું સૂચવતાં હોય છે. જો ખરેખર એટલું બીઝી શેડ્યુલ હોય કે સમય ન મળે તો આવી વ્યવસ્થા ગોઠવી શકાય, પણ વિકેન્ડમાં ક્યારેક તો જાતે જમવાનું બનાવવાનો આનંદ લેવો જ જોઈએ, એવું હું પર્સનલ માનું છું.

બાળકને બે ચોપડી ઓછી આવડશે તો ચાલશે, પણ રસોડાના વિજ્ઞાનથી એને પરિચિત કરવો એ દરેક માતા-પિતાની ફરજ છે, પછી એ છોકરો હોય કે છોકરી હોય, કોઈ ફરક ન રાખવો જોઈએ. શું ખબર લોકડાઉન જેવા કાળમાં કોઈ હોટલ ચાલુ ન હોય, ત્યારે આ અનુભવ કામ લાગી જાય!😊😊

યજ્ઞેશ રાજપુત
લ.તા. 14.7.20

શુક્રવાર, 11 જુલાઈ, 2025

...અને આખો ફ્લૅટ અંધશ્રદ્ધાથી ગંધાઈ ઉઠ્યો!!

...અને આખો ફ્લૅટ અંધશ્રદ્ધાથી ગંધાઈ ઉઠ્યો!! (અલબત્ત, અંધશ્રધ્ધામાં ના માનવું એ મારી શ્રદ્ધા છે!!)
********

https://www.facebook.com/share/p/1EBcUzckDG/

થોડાં દિવસ પહેલાં ફ્લેટમાંથી બાઇક કાઢી શાળાએ જતાં સવારના પહોરમાં અનુભવાયું કે કોઈ અજીબ વાસ/દુર્ગંધ આવી રહી છે. શેનાં કારણે આ દુર્ગંધ આવતી હશે.. મને ન સમજાયું! ..પણ ચાર-પાંચ દિવસ પછી બગીચમાં એ વાતનો ફોડ પડ્યો!!

હમણાં હમણાંથી 'દેખા-દેખીની અદેખાઈ'માં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે - કૂતરાં પાળવાનો! ડિસ્કવરી જોવાનો શોખીન હોઈ એક બાબત જોઈ છે કે જે વિદેશી ભારતમાં આવે એ રસ્તા પર ગાય/કૂતરાં જોઈને ખૂબ નવાઈ પામે છે! છેલ્લે TLC પર એક વિદેશીએ કટાક્ષમાં પણ કહેલું, "અગર આપકો કહીં પે ભી મવેશી દિખ જાયે તો સમજ લિજીએ આપ ભારતમે હો!" ...આવું ધ્યાનમાં પણ આવ્યું છે કે આવાં જ વિદેશીઓ જો અહીં ભારતમાં જ વસી જાય તો પાછા રસ્તે રખડતાં કૂતરાં-બિલાડાની સેવા કરવા લાગી જાય! (ભારતમાં રસ્તે રખડતાં કૂતરાં-બિલાડા સિવાયના જાનવરોની સેવા કરવામાં આપણી 'સેવા' પણ થઈ શકે.. એવું વિદેશીઓ પણ જાણે છે, એટલે જ એ માત્ર કૂતરાં-બિલાડાની જ સેવા કરે છે!!) વિદેશીઓ આવું શુ કામ કરતા હશે?? મને લાગે છે કે એ લોકો એવું એટલાં માટે કરતા હશે કેમ કે એમનાં દેશોમાં રસ્તે રખડતાં જાનવરો જોવા મળતા નથી. વળી, મારા એક વિદેશ જઈ આવેલાં મિત્રના કહ્યાનુસાર ત્યાં માણસોય ઓછાં જોવા મળે! હવે આવામાં એકલતા દૂર કરવા ઘરમાં કૂતરાં-બિલાડા પાળ્યા હોય તો એકલું-એકલું ન લાગે, એટલે એઓ આવા પાલતુ જાનવરોને પાળતા હશે..!!

..પણ આપણે અહીં ભારતમાં તો આવું કોઈ કારણ નથી!! ફ્લેટનાં રેગ્યુલર મેન્ટેન્સ દેવાનાં પણ ફાંફા હોય.. ઘરમાં રાંધવાના ઠેકાણા ન હોય.. સ્વચ્છતા અને ઘરને '36' નો આંકડો હોય... તોય એક જણાએ 'હાઈબ્રીડ' કૂતરો પાળ્યો હોય, એટલે મારુ સ્ટેટ્સ જાળવવા મારેય કૂતરો પાળવો જરૂરી બની જાય છે.. એવું માનવાવાળાની બિલ્કુલ કમી નથી!!..

સીડીએથી આવતાં-જતા બધાને ભસતો હોય.. ડાઘીયા જેવો લાગતો હોય.. ટ્રેઇન્ડ પણ એવી રીતે જ કર્યો હોય કે એ ક્યારેય કોઈ એંગલથી 'પાલતુ' ન લાગતો હોય તોય આવા લોકો પોતાનાં 'અન-ટ્રેઇન્ડ' કૂતરાને બધા પોતાનાં ઘરનો સભ્ય માને એવી ખોટી જીદ લઈને ફરતાં હોય છે! (સાદી ભાષામાં, કૂતરાં પાળવાની ત્રેવડ ન હોય!!) ઘરનાં નાનાં દીકરા/બાળકનું નામ ભલે 'રમેશ/સુરેશ' હોય પણ આ 'ડામિશ ડાઘીયા'નું નામ તો 'અંગ્રેજી'માં જ હોવું જોઈએ.. એવો ટ્રેન્ડ તેઓ બખૂબી નિભાવતાં હોય છે! કૂતરાં માટે રોજનાં 100 રૂ./કલાકોનો સમય ખર્ચવા બિલકુલ ન ખચકાતા આવા લોકો પોતાનાં ઘરના છોકરાવને બે-ટાઈમ સરસ ભોજન બનાવી આપવામાંય જાણે અપરાધભાવ અનુભવતા હોય એમ કુતરાંઓની સાથે સાથે એમનાં ઘરનાં છોકરાઓ પણ એ 'ડાઘીયા'ની સાથે એક જ વાટકામાં દૂધ-પારલે ખાઈ લે તો એમાં એમને કોઈ વાંધો નથી હોતો.. કેમ કે આ લોકો માટે કૂતરો તો બાળકો કરતાંય સૌથી અગત્યનો ઘરનો સભ્ય હોય છે!

પૂનમ/અમાસ હોય ત્યારે કૂતરાને ઘરની બહાર ન કઢાય.. એવી દ્રઢ 'શ્રદ્ધા' (..કે અંધ શ્રદ્ધા?!!) ને કારણે આ લોકો આવા સ્પેશિયલ દિવસે પોતાનાં પાલતુ ચો-પગા 'સભ્ય'ને ઘરની બહાર કાઢતાં હોતાં નથી!! ..પણ એ ગોઝારી પૂનમ/અમાસના દિવસે ભૂલથી કૂતરાને 'પીપીછીછી' કરવા બહાર કાઢ્યો, અને એ બીમાર પડી ગયો!! શું થાય.. ઘર આખામાં કૂતરાએ વોમીટ કરી હશે તે કોઈને ખબર ન પડે એમ પાણીથી ઘર ધોઈને બધું પાણી નીચે પાર્કિંગ એરિયામાં જવા દીધું.. અને આખો ફ્લૅટ 'વોમીટની અંધશ્રદ્ધા'થી ગંધાઈ ઉઠ્યો!! 

ઘરનું બાળક બીમાર પડે તો રૂપિયાની પેરાસીટમોલ ખવડાવતાં આવા લોકો પોતાનાં 'ડાઘીયા'ને 'ડાઘીયાઓના મોંઘાદાટ દવાખાને' લઈ ગયા હશે કે કેમ એ તો રામજાણે.. પણ એક વાત તો છે.. 'શેરીના કૂતરાં'ને પણ જો 'પૂનમ/અમાસ' નડતી હોત.. તો તો આવા સ્પેશ્યલ દિવસોના બીજા દિવસે 'વોમીટ'ની નદીઓ ન વહેતી હોત??!! 

જેણે 'જુમો ભીસ્તી' અને  'કાશીમાંનો કૂતરો' પાઠ વાંચ્યો/અનુભવ્યો હોય એ જ આનો જવાબ આપી શકે.. બાકીનાં..?? ...'ડંબેશનાં ડાઘીયા'ને પોતાનાં ઘરનો સભ્ય માની દૂધ-પારલે ખવડાવે!!

યજ્ઞેશ રાજપુત
લ.તા.11.7.21

શુક્રવાર, 4 જુલાઈ, 2025

"money is yours, but resources are ours!"

https://www.facebook.com/share/p/19BPyifvqJ/

રોકેટિયાઓએ જ્યારે દલીલ કરી કે, "અમે પૈસા તો ચૂકવીએ છીએ ને??" ત્યારે એ જાગૃત જર્મન નાગરિકે જવાબ આપેલો, "money is yours, but resources are ours!" (પૈસા તમારા છે, પણ ખોરાક તો અમારા દેશનો છે ને??)

મોટી-મોટી હોટલોનું ફૂડ vs સ્ટ્રીટફૂડ
********

હું ગર્વથી ઘણાંને કહેતો હોઉં છું કે, "લોકો જેમ વારે-તહેવારે કે અઠવાડિયે હોટલમાં જમવા જતાં હોય છે એમ અમે ક્યારેય (રિપીટ.. ક્યારેય એટલે ક્યારેય નહિ!) સ્પેશિયલ બહાર હોટલોમાં જમવા ગયા જ નથી! ..સિવાય કે બાઈક લઈને ક્યાંક ટૂરમાં ગયા હોઈએ અને ફરજીયાત જમવું પડે એમ હોય તો જ હોટલમાં જમીએ! એમાંય કોઈ મોંઘીદાટ હોટલોમાં તો ક્યારેય નહિ.. કોઈ સાદી હોટલ હોય તો હજુયે ચાલે (સૌરાષ્ટ્રમાં હોઈએ તો અન્નક્ષેત્રમાં જમવાનો લ્હાવો લેવા જેવો ખરો!) જો સ્ટ્રીટફૂડ મળે તો એનાંથીયે ચલાવી લઈએ! (હવે તો લેહ-લદાખની ટ્રીપ વખતે મીની ગેસચૂલો લઈ લીધેલો, જે બાઈક ટૂરમાં ક્યારેક એકાદ ટાઈમ મેગી કે ખીચડી બનાવવા કામ લાગી જાય છે!) એક દિવસીય પીકનીક હોય તો ફલગાવેલું કઠોળ બપોરનું ભોજન હોય, અને સાંજે 9-10 વાગતાં સુધીમાં જો ઘરે પાછાં આવી જઈએ તો સાંજનું ભોજન ખીચડી જ હોય! ફરીને આવ્યા પછી ફ્રેશ થઈએ ત્યાં સુધીમાં ખીચડી તૈયાર! શુદ્ધ અને સાદું!" 

સાચું કહું તો હું જયારે આવી કોઈ વાત કરું ત્યારે..
હોટલોમાં જમવાના શોખીન કહેવાતા મારા 'સો-કોલ્ડ હાઇ-ફાઈ' સ્ટાફમિત્રો મારા વિશે શુ વિચારે છે એ હું ઇઝીલી સમજી જાઉં છું, પણ સાચું કહું તો મને આ બાબતમાં કોઈ ફરક પડતો નથી! 
********

અમે અમારા ઘરમાં જ, લગભગ બધી જ વસ્તુઓ બનાવીએ છીએ- પાઉંભાજી, ઈડલી, ઢોંસા, ભજીયા, વડાપાઉં, પકોડી, ફાફડા, દાબેલી,  મંચૂરિયન, ચાઈનીઝ, પંજાબી.. બધું જ એટલે બધું જ! કોઈ ઑકેઝન હોય, કોઈનો બર્થડે હોય, કોઈ તહેવાર હોય કે પછી કોઈ ઉજાણી હોય.. સહપરિવાર ઘરે જ જમવાનું હોય! છેલ્લે તન્વીને પીઝા ખાવાનું મન થયેલું, ત્યારે ચાર જાતના પીઝા લઈ આવેલો.. આ વાતનેય લગભગ બે વર્ષ થઈ ગયા હશે! ચોળાફળી, ફાફડા.. બે-ત્રણ મહિને એકવાર ઘરે આવે, એમાંય આ રવિવારે ફાફડા પણ બંનેએ ભેગાં મળીને જગલરી કરતાં ઘરે બનાવેલાં!! બહાર ફરવા ગયા હોઈએ અને મોડું થાય તો જ ઘરે ચાઈનીઝ આવે.. મતલબ આજીનોમોટો માંડ વર્ષે એકવાર ઘરે આવે!

મારા એક મિત્રએ મને કહ્યું, "હોટલમાં જઈએ તો બાળકો પણ થોડાં મેનર્સ શીખે!" 
.
હું આ વાતે પૂર્ણસહમત નથી! ..કેમ કે જો બાળક મોટું થઈને ભૌતિકવાદી જીવન પસંદ કરે છે તો એ ચોક્કસ એવા મિત્રો બનાવશે કે જેમની સાથે એ વારેવારે હોટલમાં જમવા જઈ શકે અને ત્યારે એ હોટલ મેનર્સ શીખી જ જશે! બાકી, જે આપણે ના હોઈએ એવાં 'સો-કોલ્ડ મેનર્સ'વાળા દંભી મુખવટાનો હું વિરોધી છું!
************

મેં એકવાર છાપામાં વાંચેલું કે એક હોટલ, લોકોએ ખાધેલું ખાવાનું વધે, એ પાછું બીજા કસ્ટમર માટે ઉપયોગમાં લેતી હતી! મને તો એ વિચાર આવે છે કે આટલું બધું નકલી પનીર, ચીજ, માવા જેવી વસ્તુઓ પકડાય છે, હોટલોમાં જમવામાં ગરોળી, વંદા, ઉંદર, દેડકાં (માણસની આંગળીઓ પણ!!) જેવા જીવડાં મળે છે, સાવ સસ્તું મળતું ખાવાનું મોંઘુદાટ મળે છે તો ય લોકો વેઇટિંગમાં ઊંચા-નીચા થઈને રાહ જોશે.. પણ ખાવાનું તો હોટલમાં જ પસંદ કરે છે! ..પાછું આવું દિવસો સુધી ફ્રિજમાં મૂકી રાખેલું ખાવાનું ખાઈને કહેશે, "જોરદાર છે..!" 
.
અરે ભલા માણસ.. પાકિટમાંથી હજારો રૂપિયા ઓછા થયા હોય તે જોરદાર જ લાગવાનું ને??!!🤗🤗

અમારા સ્ટાફમાં પણ મોસ્ટ કોમન વાત હોટલોમાં જમવાની જ થાય..!! એક કહે, આ હોટલનું બેસ્ટ.. તો બીજા કહે, પેલી હોટલનું બેસ્ટ.. ત્રીજા કહે, ફલાણી હોટલનું બેસ્ટ.. તો ચોથાં કહે, ઢીકણી હોટલનું બેસ્ટ..!
પુરુષ મિત્રો તો ઠીક, સ્ત્રી સ્ટાફમિત્રો પણ જાત-જાતની અને ભાત-ભાતની હોટલોનાં વખાણ કરે! પુરુષોમિત્રો તો એવું ક્યારેય કહેતાં જ નથી કે એમની પત્નીજીઓ સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે.. પણ સ્ત્રીઓમાંથી પણ એકેય એમ નથી કહેતું કે મારા હાથનું ખાવાનું સ્વાદિષ્ટ બને છે! મને તો એવું લાગે છે કે એકેય સ્ત્રી-સ્ટાફમિત્રોને ખાવાનું બનાવતા પણ આવડતું હશે કે કેમ?? ..જો આવડતું હોત તો એ ગર્વથી કહેતી હોવી જોઈએ કે એમનાં ઘરનાં બધાંને હોટલ કરતાં એમનાં હાથનું બનેલું ખાવાનું વધુ ભાવે છે! ..પણ આવું તો કોઈ કહેતું જ નથી!

દંભીવેડાં નથી કરતો, પણ મને તો મારી અર્ધાંગિનીજીના હાથનું ખાવાનું ખૂબ ભાવે છે. એમાંય એ જ્યારે કશું ઉતાવળે-ઉતાવળે બનાવે ત્યારે તો ખાસ સ્વાદિષ્ટ બને છે! ..અધૂરામાં હુંય લગભગ ખાઈ શકાય એવું સ્વાદિષ્ટ ખાવાનું બનાવી જાણું છું! (તાજમહેલ ના બાંધી આપું તો કાંઈ નહિ, અર્ધાંગિનીજીને લોટ બાંધી આપું તોય ઘણું.. આખરે એ પણ જોબ કરે છે! ..વખત આવ્યે તાજમહેલનો મેળ પડશે તો જોયું જાય છે!!😁😁)
***********

એકવાર અનલિમિટેડ પીઝામાં મારા વડીલભાઈ મને લઈ પીઝા ખાવા લઈ ગયેલા! ..સાચું કહું? બે દિવસ સુધી પેટ ભારે-ભારે થઈ ગયેલું.. ભારેખમ મેંદાથી જ સ્તો! વળી, જમતી વખતે વેઈટર માથેને માથે ઉભો રહે, એ મને ખુબ ત્રાસદાયક લાગે! અમુક તો જાણીજોઈને વેઇટરોને સર્વ કરવાનું કહે.. મને તો આવું સહેજેય ના ગમે! વળી, સુપમાં નાંખેલો આજીનોમોટો જીભનો ટેસ્ટ વધારતો હશે એટલે જીભ સુન્ન થઈ જતી હોય એવું લાગે.. કંઇપણ ખાઓ.. એક જેવો જ સ્વાદ આવે! એક-એક ડિશનો ભાવ 200-300-400 થી ઓછો હોય જ નહિ, એમાંય ડિશની ક્વોન્ટિટી એટલી ઓછી હોય કે મારા જેવાં ખાઉંધરા માટે તો મુખવાસ બરાબર થાય! ક્વોલિટીમાં થતી વધ-ઘટ ગમે જ નહિ! ઘણીવાર તો એટલું વેઇટિંગ કરવું પડે કે પાપડ/સ્ટાર્ટર/કચુંબર ખાઈને ભૂખ મરી જાય! ઓવનમાં ગરમ કરેલું દિવસો પહેલાંનું ખાવાનું લોકોને ભાવતું હશે, મને તો ન જ ભાવે!

શ્રીનગરમાં હાઉસબોટમાં રોકાયેલા ત્યારે ના છૂટકે 600રૂ.નું વઝા પનીર ખાવું પડ્યું કે જે બિલકુલ ટેસ્ટી નહોતું.. એનાં કરતાં સ્ટ્રીટફૂડમાં 80રૂ.ની રાજમા-ચાવલની પ્લેટનો સ્વાદ મને આજેય યાદ છે! ..જથ્થો પણ એટલો હતો કે માંડ પૂરું થયેલું! 
રાજસ્થાન બિકાનેરમાં રેલવેસ્ટેશનની સામે જ ગુલાબી પાઘડીવાળા હોટલવાળા ભાઈએ ભરપેટ જમાડ્યા પછીય ઘી-ગોળથી લથબથ રોટલી પરાણે ખવડાવેલી! એમાંય દીકરી તન્વીને 'માતાજી' ગણી પૈસાય ન લેતાં પરાણે પૈસા આપવા પડેલા! ધર્મેન્દ્રનાં ફેન બેકરીવાળા ભાઈએ બાઇકની 'GJ' નંબરપ્લેટ જોઈને નાન-મીઠાઈનું બોક્ષ ભરી આપેલું! હું શ્યોર કહી શકું છું કે કોઈ મોટી હોટલમાં જો અમે જમવા ગયા હોત તો અમે ચોક્કસ લૂંટાયા હોત! જોધપુરના મિરચીવડા, શ્રીગંગાનગરનાં છોલે-ફૂલચા, મેકલોડગંજના મોમોસ, નાસિકનું મિસલપાવ, શ્રીનગરના રાજમાં-ચાવલ, લેહ-લદાખની મેગી, દ્રાસ-કારગિલની બિરયાની, પંજાબના વિશાળ પરોઠા અને મસમોટા ગ્લાસવાળી અમૃતસરની લસ્સી, જામનગરના ઘૂઘરા, કચ્છની દાબેલી, ચોટીલાનો આપાગીગનો ઓટલો.. આ બધાંની મજા જ કંઈ ઓર છે! 
*********

2016માં સીઆરસી હતો ત્યારે મિત્રો સાથે પોળોના જંગલમાં ફરવા ગયેલો. રસ્તામાં જમવા અમે બધા હોટલમાં ગયા. એક મિત્રએ અનલિમિટેડ હોઈ ધરાર એટલું બધું ખાવાનું બગાડેલું કે મારાથી ન રહેવાયું! મેં કહ્યું, "ખાવું નહતું તો કારણવગર સબ્જી અને નાન કેમ મંગાવ્યું?? પાછું તમે પ્લેટમાં પાણી ય નાંખી દીધું??" ..તો ઉદ્ધતાઇથી જવાબ આપ્યો, "બકવાસ ખાવાનું હોય તો શું કરવાનું?? આમેય અનલિમિટેડ છે તો બગડેય ખરાં!" શિક્ષક તાલીમમાં 45રૂ. ના બ્રેકઅપમાં આ મિત્ર શિક્ષકોને શું પીરસતાં હશે એ કહેવાની જરૂર ખરાં?? 

વર્ષો પહેલાં જર્મનીનો વાંચેલો કિસ્સો યાદ આવી ગયો.. જેમાં આવા જ સ્ટીરીઓટાઈપ 'રોકેટિયા' ભારતીય ત્યાંની હોટલમાં જમવા ગયા.. અને ખાવાનું બગાડ્યું! જવાબમાં એ જ હોટલમાં જમવા આવેલાં એક જાગૃત જર્મન નાગરિકે ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવીને એ ઉદ્ધત 'રોકેટિયા'ઓને દંડ પણ કરાવેલો અને જમવાનું પણ પેકીંગ કરાવીને જરૂરિયાતમંદોને પહોંચાડેલું! એ રોકેટિયાઓએ જ્યારે દલીલ કરી કે, "અમે પૈસા તો ચૂકવીએ છીએ ને??" ત્યારે એ જાગૃત જર્મન નાગરિકે જવાબ આપેલો, "money is yours, but resources are ours!" (પૈસા તમારા છે, પણ ખોરાક તો અમારા દેશનો છે ને??) ...અહીં કોઈ આવું કહે તો મારી જેમ ભોંઠા પડે!!

ટૂંકમાં, બહાર જ જમવું પડે એમ હોય તો હું સ્ટ્રીટફૂડ/અન્નક્ષેત્રોમાં જમવાનું વધુ પ્રિફર કરું, મોંઘી હોટલો કરતાં! ...કારણ કે મોંઘીદાટ હોટલોમાં જમવાનો ટ્રેન્ડ ખરેખર નુકસાનકારક છે.. શરીર અને પાકીટ બંને માટે..!!
***********

https://www.facebook.com/share/v/PzBRVwqdPt55vsbv/?mibextid=xfxF2i

*રણવીર બ્રાર*
ભારતનો એક જબરદસ્ત કુક..
એક સવાલ એને પૂછવામાં આવ્યો.. "સ્ટ્રીટ ફૂડ હોટલ કરતા વધુ સ્વાદિષ્ટ કેમ હોય છે?"
.
રણવીર બ્રાર એનો જે જવાબ આપે છે એ સાંભળવા જેવો છે!!

-યજ્ઞેશ રાજપુત
લ.તા.5.7.24

શુક્રવાર, 30 મે, 2025

*મેડિટેશન: ધ્યાન??!!!*

https://www.facebook.com/share/p/1DxPnELc8w/


*મેડિટેશન: ધ્યાન??!!!*
-------------------------------

"'હું 'ઓમ' કરવા બેસું ને, એટલે મને બધું ગોળ-ગોળ જ ફરતું દેખાય.."

"કોઈ વાંધો નહિ, શક્ય હોય તો તારી અંદરનાં અવાજો સાંભળવાની કોશિશ કરવાની.."

"એક-બે વખત જ ધબકારા સંભળાય.. પછી તો કંઈ થાય જ નહીં..??!!"

"ઠીક છે.. તને જ્યારે અવાજ સંભળાય એટલે તારું 'ઓમ' પૂરું.. બસ.. તારે ઉભું થઈ જવાનું.."

માંડ પાંચ મિનિટ થાય કે ન થાય.. ત્યાં તો એ ઉભી થઇ જાય.. અને કહે, "મને 'ધબકારા' સંભળાઈ ગયા.."

(તસ્વીર તન્વી અને એની સાથે મેડિટેશનમાં બેસતાં એનાં 'મની'(ટેડી)ની છે.)

*************************

હું નિયમિત રીતે ક્યારેક ક્યારેક(??!!) મેડીટેશન કરવા બેસતો હોઉં છું. જયારે મન બહુ જ ભરાઈ જાય, બહારની બાબતોથી કંટાળી જાય ત્યારે એમ થાય છે કે થોડીવાર શાંતિ મળે તો સારું? આવું થાય ત્યારે મને ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, અથવા તો મેડીટેશનમાં બેસવાનું મન થાય.. મોટેભાગે તો ચોકલેટ આઈસ્ક્રીમથી કામ પતે એવો પ્રયત્ન કરું.. છતાંય જો મેળ ના પડે તો મેડીટેશન સિવાય છૂટકો નથી એવું લાગે! કાનમાં ભૂંગળા ભરાઈને (હેન્ડ્સફ્રી, યુ નો?) શાંત-ઠંડુ મ્યુઝીક લગાવીને બેસું.. એક્ચ્યુલી બે રીતે બેસતો હોવ છું.. એક તો બહારનો કોઈ જ અવાજ અંદર ન જાય એમ ઈયરપ્લગ લગાવી દઉં, અથવા તો એ.આર.રહેમાનના કર્ણપ્રિય ગીતો સાંભળતા બેસું..!! સાચું કહું તો બેઠા પછી જો 'કમર' સાથ આપે અને ઊંડો ઉતરી જાઉં તો ઉભા થવાનું પણ મન ના થાય, અને  ક્યારેક પાસા અવળા પડવાના હોય તો બેસું પણ નહિ.. એવું મારું મેડીટેશન!! મેડીટેશન કરતી વખતે ઘણીવાર ૧/૨ કલાક રમતા-રમતા બેસી જાઉં.. અને ઘણીવાર તો પાંચ મિનીટ બી ના થઇ હોય અને ઝોલાં આવવા માંડે!! પણ.. એક વસ્તુ છે.. મેડીટેશન ચાહે જે પણ હોય.. બહુ જ અદભુત વસ્તુ છે!! હુ ઈચ્છું છું કે મારી દીકરી દંભી ધાર્મિક બને એના કરતા અદભુત આધ્યાત્મિક અનુભવ કરે! 

*************************

"જ્યાં સુધી તું 'શ્રી કૃષ્ણ શરણમ મમ' એવી ત્રણ માળા નહિ કરે ત્યાં સુધી તને ચા-બિસ્કિટ ખાવા નહિ મળે."- એવું કહી, હાથમાં માળા પકડાવી, મમ્મી મારા બાળપણમાં મને ઘરનાં મંદિર પાસે બેસવાની ફરજ પાડતાં! ચા-બિસ્કિટ ખાવાની લાલચમાં ડૂબેલો હું, મમ્મી જોવે નહિ એમ, કાણી આંખે જોતાં જોતાં બે મિનિટેય ન થાય ત્યાં તો ત્રણ વખતની માળા પૂરી કરી નાખું! આજેય હું એવું માનું છું કે 'મેડીટેશન'નાં બીજ અહીંથી જ રોપાયાં હશે!

ગિરગઢડામાં (વેલાકોટ, જી. ગીર સોમનાથ) નોકરી લાગી ત્યારે સાડા ત્રણ વર્ષ એકલું રહેવાનું થયેલું. પુસ્તક વાંચનનો શોખ કેળવેલો એટલે 'રાજયોગ' જેવું પુસ્તક વાંચવાનું થયું. એટલે 'ધ્યાન' તરફ વધુ ખેંચાયો. કોઈ સાચો 'ગુરુ' મળે તો કામ થઈ જાય, એવું વિચારતો. એકવાર મને મારો એક મિત્ર 'મજા આવશે' એવું બોલીને સ્વાધ્યાય પરિવારમાં પણ ખેંચી ગયેલો, પણ જબ્બર કંટાળો આવતા કોઈનેય ખબર ના પડે એમ ભાગીને ઘેર આવી ગયેલો. 

નજીકમાં જ જંગલ (સાસણગીર) હોઈ એક વખત સિંહ જોવાની લાલચમાં ફરેડા નજીક 'ટપકેશ્વર'નાં જંગલમાં જ રહેતાં 'અજય બાપુ' સાથે જંગલમાં રાત રોકાયો. આખી રાત એ મારી સાથે કશું જ ન બોલ્યા. કોઈ સત્સંગ જેવું નહિ. મેં કશું જ પૂછ્યું પણ નહીં. એ આખી રાત કશોક જાપ કરતાં રહ્યાં. રાતના અઢી વાગે આંખ ખુલી તો એ ન દેખાયાં. મેં બૂમ પાડી, તો જવાબ મળ્યો, "સિંહો માટે કુંડામાં પાણી ભરું છું. તમતમારે સુઈ જાઓ.".. કુંડું થોડું દૂર હતું. સિંહ તો જોવાં ન મળ્યો, પણ 'અજયબાપુ'ની નિર્ભયતાનો પ્રભાવ મન પર ઘણો થયો. ઘરે આવીને નક્કી કર્યું કે હવેથી રોજ ધ્યાનમાં બેસવું.

છ ફૂટનું સ્વામી વિવેકાનંદનું ચિત્ર ઘરની દીવાલ પર દોર્યું, અને રોજ ત્યાં જ ધ્યાન કરવા બેસતો. 'મેડિટેશન'માં બેસીને કરવાનું શુ? મને ન'તી ખબર! અવનવાં વિચારો આવે. 'ન' કરવાના વિચારો આવે. શાળા, ઘર, જંગલ, સ્વામી વિવેકાનંદ, ફિલ્મનો કોઈ સીન, મિત્રો, દુશ્મન, પાડોશીઓ, છોકરીઓ, મારામારી, ગાળાગાળી.. બધું જ દેખાય, પણ 'ધ્યાન' ન લાગે! ..કદાચ આ જ ધ્યાન હોતું હશે, એવું વિચારીનેય રોજ બેસતો! ..અને એક દિવસ.. મેં અનુભવ્યું, વિચારો બંધ થઈ ગયા! હું અઢી કલાક બેઠો, અને આંખો ખોલી ત્યારે અજીબ લાગ્યું.. શોર્ટ એન્ડ સ્વીટ, કહું તો, બસ.. મને મજા આવી હતી! 

જોકે, બીજાં દિવસથી ફરી પાછાં વિચારો આવવાના શરૂ થઈ ગયેલા.. પણ ક્યારેક ક્યારેક 'વિચારબંધ'ની મજા પણ અનુભવાતી! આવી રીતે જ ધ્યાનનાં પ્રયોગો લગભગ ત્રણેક મહિના જેટલું ચાલતાં રહયા હશે, પણ પછી મને ખબર નહિ કેમ?.. પણ જ્યારે 'મેડિટેશન'માં બેસતો, ત્યારે બીક લાગવા મંડી હતી! એક દિવસ હું આંખો બંધ કરીને બેઠો હતો અને અચાનક.. મારી અંદર જાણે કશોક 'ધડાકો' થવાનો હોય એવું લાગ્યું અને હું ડરીને તરત જ ઉભો થઈ ગયો. પછી.. ક્યારેય ન બેઠો! 

વચ્ચેનાં સમયગાળામાં ક્યારેક બેસતો, પણ એ દરમિયાન જંગલના ખરાબ રસ્તાઓમાં બાઈકનો 'થડકો' લાગતાં કમરે સાથ દેવાનું બંધ કર્યું, એટલે લાબું ન બેસાતું. બદલી થઈને અમદાવાદ આવ્યો, અને 'સર્વેન્દ્ર ભાઈ' સાથે મુલાકાત થઈ. સત્સંગ વધ્યો, અને ફરી 'મેડીટેશન' શરૂ થયું. ઉજ્જૈનના અનુભવો આજેય શરીરમાં રુંવાડા ઉભા કરી દે છે! 'મેડિટેશન' બાદ મન શાંત તો થાય, પણ 'ન થવા બરાબર' થાય! નાનકડી તન્વી કહે, "મારી સાથે રમો." એને દુઃખી કરીને ધ્યાનમાં બેસવાનો શો લાભ?? એને સમય આપવાનું શરૂ કર્યું, અને  વિચાર્યું, જ્યારે મોટી થશે ત્યારે એને પણ બેસવાનું કહીશ.

હાલ શુ સ્થિતિ છે? જો મારુ પોતાનું આંતરિક મૂલ્યાંકન કરું તો સમજાય છે કે એવી સ્થિતિએ છું કે હું સ્થિતપ્રજ્ઞતાને સમજી શકું છું. (હું 'સ્થિતપ્રજ્ઞ' છું, એમ નથી કહેતો! ..પણ અનુભવે સમજી શકું છું, એમ!) મારી આસપાસની દરેક ચીજ કે બનતી ઘટનાને જો હું, મારી જાતને, એની સાથે જોડ્યા વગર જોઉં, તો દુઃખી નથી થતો.. અને છતાંય એને જોઈને હદયમાં કનેક્શનની એક 'ટીસ' તો ઉઠે જ છે!  કોઈ મારી સાથે ખોટું કરે તો એને 'માફ' કરવાનો વિચાર આવે છે.  કોશિશ હોય છે કે એને માફ પણ કરું, પણ ક્યારેક.. નથી કરી શકતો! દંભી કર્મકાંડો, ધાર્મિક પૂજાપાઠો અને આધ્યાત્મિક અનુભવો વચ્ચેનો ભેદ થોડો થોડો સમજી શકું છું! ...અને ખાસમખાસ વાત એ કે કશું જ બોલ્યા વગર અજાણી જગ્યાએ કંટાળ્યા વગર હું કલાકો સુધી બેસી શકું છું. 

****************************

મજા આવે એવું દરેક કામ કરતી વખતે સમયભાન નથી રહેતું! એવું કામ કરતી વખતે જો ખાવાનું, પીવાનું અને 'જવાનું'ય યાદ ન આવે.. તો સમજવું કે 'આપણે' ધ્યાનમાં છીએ! વર્ગમાં બાળકોની સાથે આવું સમયભાન ન રહેતું હોય એવો દરેક શિક્ષક 'ધ્યાનસ્થ' છે. વર્ગ એ એની 'મેડિટેશન'ની જગ્યા છે. કશુંય વિચાર્યા વગર માત્ર સાહેબ'પણાંનો રોફ જમાવવા ધડામ દઈને વર્ગમાં ઘુસી જનારા દરેક એ 'ઋષિતુલ્ય' શિક્ષકનો ગુનેગાર છે.

રવિવાર, 25 મે, 2025

@ખારડુંગલા

..આજે જન્મદિવસે અદભુત ગિફ્ટ મળ્યું, અને હું મારું રડવું ખાળી ન શક્યો!
*********

18380ft ઉપર ખારડુંગ-લા એ ભારતનો હાઈએસ્ટ પિક પર આવેલો મોટરેબલ પાસ કહી શકાય એટલો ઊંચો છે. લેહ સિટીનું તાપમાન 7℃/8℃ હતું, અને ખારડુંગ-લાનું -3℃/-4℃ જેટલું! સૌથી ખતરનાક ઝોજી-લા પર  ચડતી વખતે મારી અર્ધાંગિનીજીના હાથ 0℃માં લીલા રંગનાં થઈ ગયેલા! મને ડર હતો કે ખારડુંગ-લામાં -3℃/-4℃માં તન્વીને/મને/મારા અર્ધાંગિનીને કંઈ નુકસાન થયું તો હું મારી જાતને માફ નહિ કરી શકું! વળી, 9800ftની ઊંચાઈ પર તન્વીને શ્વાસની તકલીફ થઈ હોઈ સોનમર્ગમાં સ્થાનિક પી.એચ.સી.ના ડૉક્ટર પાસે લઈ જવી પડેલી! ખારડુંગ-લા તો લગભગ ડબલ ઊંચો-18380ft પર હતો!

...ખૂબ જ અવઢવને અંતે નક્કી કર્યું, માત્ર ખારડુંગ-લા જઈશું, જો ચડી શક્યા તો ઠીક, બાકી આ વખતે કોઈ જોખમ લીધા વિના પાછા ફરીશું! ..આખરે મારી દીકરી તન્વીને દાવ પર લગાવી હું છેક નુબ્રા કે પેંગોંગ જવાનું ન વિચારી શકું!.. એ મોટી થાય પછીની વાત અલગ છે!
********

સવારે ખારડુંગ-લાનું વાતાવરણ ખૂબ જ નીચું (-9℃) હતું, એટલે બપોરે 12 વાગે ઓક્સિજન સિલિન્ડર લઈને અમે અમારી BISON પર હાઈએસ્ટ પીક સર કરવા નીકળી પડ્યા! લેહથી ખારડુંગ-લા માત્ર 40 કિમિ જેટલું દૂર છે, પણ શરૂઆત જ લગભગ 30°-40°-50° જેટલો ઢાળ ચડવાથી થાય છે. લગભગ પોણા કલાકમાં અમે 13000ft ની ઊંચાઈમાં 'લેહ વ્યૂ પોઇન્ટ' પર આવી ગયા.  હવે ક્રમશઃ ચડવાનું શરૂ થયું. માત્ર પહેલા-બીજા ગિયરમાં BISON પૂરી તાકાતથી અમને લઈને ટોચ સર કરવા ચડી રહી હતી. ભયાનક વળાંકોમાં જો સહેજ પણ ધ્યાન હટે, તો એટલાં નીચે જઈએ કે જીવતાં ન બચીએ!.. એમાંય જો તીવ્ર વળાંકોમાં કોઈ મોટું વાહન/ઇવન કાર આવે તોયે  થોડાં તો લડખડાઈએ જ!.. એકલાં બાઈક પર જવું અને ફેમિલીને સાથે બાઈક પર જવું- આ બંને બાબતોમાં ખૂબ જ અંતર છે! ફોર વ્હીલમાં સેફટી સમજી શકાય એવી છે!

..આખરે દોઢેક કલાક બાદ અમે 15300ft પર આવેલાં ચેકપોસ્ટ 'સાઉથ પુલ્લુ'માં પહોંચ્યા. એન્ટ્રી કરાવવા માટે પંદર-વીસ પગથિયાં ચડવાના હતા. એટલું ચડતાં તો મારોય શ્વાસ ફૂલી ગયો. છેક અમદાવાદથી ખારડુંગ-લા સર કરવા અમે નાનકડી 109cc ની BISON પર અત્યારસુધી લગભગ 5 સ્ટેટ ફરતાં ફરતાં 4000+કિમીનું અંતર કાપી ચૂક્યા હતા. 

હવે થોડુંક જ આગળ વધ્યા ત્યાં તો મારા હાથ ઠંડીમાં સુન્ન થઈ ગયા. શરીરમાં 0℃ ઠંડીમાં જાણે કીડીઓ ચટકા ભરે એવું ફીલ થવા માંડ્યું. મેં તરત જ હાથનાં 0℃ માં વાપરી શકાય એવા ડબલ મોજાં પહેર્યાં. મોબાઈલમાં વીડિયો ઉતારતાં મારા અર્ધાંગિનીને હું સતત મોજાં પહેરવાની ટકોર કરતો હતો, કેમ કે ઝોજી-લા વખતે એમનાં લીલા પડી ગયેલા હાથ મારાં સ્મૃતિપટલમાં હતા! સખત ઠંડી અને આટલી ઊંચાઈએ સુકડાઈને બેઠેલી તન્વીને હું થોડી-થોડી વારે પૂછતો, "બધું બરાબર છે ને બેટાં?''..એ ધ્રુજતાં અવાજે માત્ર એટલું જ બોલતી, "હા!"

રસ્તાની બંને બાજુ બરફ અને સાથે ઊંડી ખાઈ, ઓગળેલાં બરફનું પાણી, રસ્તા પરના ખરાબ પેચીસ અને 50°-60°ની સ્ટીપ ચડાઈ.. અમારી BISON ફૂલ થ્રોટલમાં પણ માંડ 10ની સ્પીડે ચડી રહી હતી! મોટાં વાહનોય હાંફી જતાં અને સ્ટીપ ઢાળ પર થોડીવાર માટે અટકી જતાં હતાં! 

...અને આખરે અમને એક બોર્ડ દેખાયું, 'WELCOME TO KHARDUNGLA PASS'! ..અને હું ખુશીથી ઝૂમી ઉઠ્યો! તન્વીએ પણ કંઈક બોલીને અને બુમો પાડીને પોતાની ખુશી જાહેર કરી! ..ખારડુંગ-લા માઇલસ્ટોન પાસે બાઈક લઈને પહોંચતા હોય એવો આખો વીડિયો સેલ્ફી મોડમાં મારા અર્ધાંગિનીજીએ ખૂબ જ યાદગાર રીતે ફિલ્માવ્યો છે!

...અમે ભારતના ટોપ મોટરેબલ પાસમાં જેની ગણના થાય છે, એવાં લગભગ 18000ft ઊંચા ખારડુંગ-લામાં પહોંચી ગયા હતા! જે લોકો અમને સતત ટ્રેક કરી રહ્યા હતા, એમાંના કેટલાંક લોકોએ અમને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું હતું! 

..આખરે થોડીવાર પછી અમે એ પીળાં રંગના માઇલસ્ટોન પાસે ફોટો પડાવ્યો!.. સૌથી યાદગાર પળ હતી એ!

અહીં મેગી ખાઈને અમારી જર્ની પૂર્ણ થઈ! હવે ઘરે પાછા ફરવા માટે પાછા નવ દિવસ થવાના હતા!
********

એક્ચ્યુઅલી મારે આગળ વધવું હતું, પણ 23/5/23ની સાંજ પછી ગૂગલમાં વાતાવરણ 50 થી 90% રેઇન ચાન્સીસ બતાવતા હતા. મેં આગળ કહ્યું એમ હું મારા ફેમિલીને જોખમમાં મૂકીને આગળ વધવા નહોતો માંગતો. વળી, મારા અર્ધાંગિનીજીએ પણ કહ્યું, "બસ હવે પાછા વળીએ." ..મેં સ્વીકાર્યું! મારી અદમ્ય ઈચ્છા હતી કે 23/5/23 એ મારા બર્થડે પર કાં તો ખારડુંગ-લા હોવું અથવા તો પેંગોંગ લેક પર હોવું! એમાંનું ખારડુંગ-લા સર થઈ ગયું હોઈ હું ખુશ હતો! ..અને અમે પાછા લેહ આવી ગયા! સાંજે શાંતિ સ્તૂપમાં એક અજીબ શાંતિનો અનુભવ થયો!
*********

23 તારીખે મારા બર્થડે પર તન્વીએ મને એની પાસે છુપાવી રાખેલું એક ચિત્ર ગિફ્ટમાં આપ્યું, અને એ જોઈને હું કશું જ ન બોલી શક્યો, માત્ર રડતી આંખે કહ્યું, "થેંક્યું!"
*********

એક અજીબ અનુભવ, ખારડુંગ-લાનાં -3℃/-4℃ ઠંડીમાં પણ ઠંડી નહોતી લાગતી! અમે હાથના મોજાં કાઢી નાખ્યા હતા, ઘણા લોકોએ તો પોતાનું જેકેટ પણ કાઢી નાખ્યું હતું! પોસીબલ છે એડ્રિંનલીન રશને કારણે થતું હોય!

અહીં ખાલી એક નાનકડો વીડિયો વિધાઉટ મ્યુઝિક મુકું છું, કેમ કે આ વિડીયોનું મ્યુઝિક હૃદયમાં વાગી રહ્યું છે. આખો વીડિયો યુટ્યુબ પર છે. અહીં લિંક મુકું છું.
👇👇👇

https://youtu.be/3ckOCbRPkkc
********

-યજ્ઞેશ રાજપૂત
લ.તા.25.5.23
#vacationonbike 

(અમારા આખા બાઈક પ્રવાસન ડે બાય ડે ના વીડિયો જોવા યુટ્યુબ ચેનલ 'Vacation on Bike' ની મુલાકાત લેશો.)
https://www.facebook.com/share/p/1GMm9qTBNq/

https://www.facebook.com/share/p/1P6NUddHQh/

શુક્રવાર, 23 મે, 2025

મિ. વાર્ધકય

*મિ. વાર્ધક્ય – યજ્ઞેશકુમાર રાજપુત*


રત્નાએ ટિફિનબોક્ષ બંધ કર્યું, એટલામાં કોમ્પ્યુટરરૂમમાંથી આયશાનો અવાજ આવ્યો :
‘દાદી, હું મમા-પાપાને વિડિયોકોલ કરું છું, તમારે વાત કરવી હોય તો આવો….’
આયશાનો અવાજ સાંભળ્યો કે તરત જ રત્નાનાં ચહેરા પર ચમક આવી ગઈ ! તેણે ટિફિનબોક્ષ બાજુમાં મૂકી તરત જવાબ આપ્યો, ‘આવું છું…..’ અને સાડીમાં હાથ લૂછતાં લૂછતાં તે રસોડામાંથી ઝડપથી બહાર નીકળી ! રસોયણ કાનુ રત્નાને ઝડપથી બહાર નીકળતાં જોઈ ધીમું હસી.
 ‘વન’ વટાવી ચૂકેલી રત્ના એટલી વૃદ્ધ નહતી લાગતી, જેટલી તે હતી ! જે તે જમાનામાં લગ્ન માટે પોતાની પસંદગીને અવકાશ ન હતો, તેથી વડીલોનાં કહેવાથી માત્ર પંદર વર્ષની નાની ઉંમરે, સાત ચોપડી પાસ રત્નાએ જનક સાથે ઘર માંડેલું ! પણ જનક ન તો સારો પતિ બની શક્યો કે ન તો સારો પિતા ! ધંધામાં દેવું થઈ જતાં તેણે રત્ના અને નાનકડાં વિનોદને રેઢાં મૂકી આત્મહત્યા કરી ! દુષ્કાળમાં અધિક માસની જેમ મોં ફાડતી મુશ્કેલીઓની વચ્ચે રત્નાએ પોતાની કોઠાસૂઝથી ધંધા અને વિનોદ – બંનેને સાચવીને મોટાં કર્યાં હતાં ! દુનિયાદારીનાં પોતાનાં અનુભવોથી ઘણું શીખી ચૂકેલ રત્ના, એક ઠરેલ અને પરિવર્તનશીલ વ્યક્તિત્વ હતું ! તેનાં હોશિયાર દીકરા વિનોદે પોતાનો ધંધો હવે બીજા દેશોમાં પણ વિસ્તાર્યો હતો ! ભાગીદારની પુત્રી માનિકા સાથે પ્રેમલગ્ન કરીને ધંધાર્થે મોટેભાગે, તે કેનેડામાં જ રહેતો અને પૌત્રી આયશા, કૉલેજ કરવાની સાથે દાદી રત્નાએ શરૂ કરેલાં ‘મહિલા ઉત્કર્ષ ફાઉન્ડેશન’માં સ્લમ વિસ્તારની મહિલાઓનાં ઉત્કર્ષનું સામાજિક સેવાનું કામ પણ કરતી હતી !




રત્ના ઝડપથી આયશા પાસે કોમ્પ્યુટરરૂમમાં પહોંચી….
‘ગુડ ઈવનિંગ મા’ વિનોદ રત્નાને જોતાં જ બોલ્યો, ‘પાય લાગું છું…’
‘અહીં તો સવાર ક્યારનીયે થઈ ચૂકી છે, દીકરા !’ રત્નાએ કહ્યું. આ સાંભળીને આયશાએ હસતાં હસતાં કહ્યું, ‘ગુડ મોર્નિંગ પાપા, ગુડ મોર્નિંગ મમા.’
‘ઓહ… હું તો ભૂલી જ ગયો કે ઈન્ડિયામાં અત્યારે સવાર હોય !’ વિનોદે હસીને કહ્યું અને પૂછ્યું, ‘તમારી તબિયત કેમ છે, મા ? એન્ડ આયશા, હાઉ આર યુ ?’
‘વી આર ફાઈન પાપા. ડુ યુ નો ?…..’ આયશાએ એકસાઈટેડ થઈને કહ્યું, ‘એક ગુડ ન્યુઝ છે… દાદીનાં ‘મહિલા ઉત્કર્ષ ફાઉન્ડેશન’ને ગઈકાલે ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ સેવાભાવી સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે !’
‘…..અને આયશા ઈન્ટર કૉલેજ ડાન્સ કોમ્પિટીશનમાં રનર્સ અપ બની છે !’ રત્નાએ ખુશ થતાં વિનોદ સામે જોઈને કહ્યું, ‘આપણી આયશા ઘણી હોંશિયાર દીકરી છે. કૉલેજમાં ભણવાની સાથે મંડળનાં કામમાં પણ મને ઘણી મદદ કરે છે.’
‘વાઉ મા, કોન્ગ્રેચ્યુલેશન્સ….’ વિનોદ ખુશ થતાં બોલ્યો, ‘એન્ડ આયશા, યુ’વ ડન અ ગ્રેટ જોબ…’ અને તેણે આયશા તરફ થમ્સઅપ કરી ફલાઈંગ કીસ કરી !
‘થેંક્સ પાપા.’ આયશાએ ખુશ થઈ હસતાં ચહેરે હાથ હલાવ્યો.
‘તમારી તબિયત કેમ છે, બેટા ? બિઝનેસ તો બરાબર ચાલે છે ને ?’ રત્નાએ પૂછ્યું.
‘મા, આપના આશીર્વાદથી જ તો અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ.’ વિનોદે બાજુમાં બેઠેલ માનિકા સામે જોઈ કહ્યું.
‘આ વખતે તમે ઘણો સમય કેનેડામાં રહ્યા છો અને હવે તમારી સાથે આમ રોજ કોમ્પ્યુટરમાં વાત કરવી નથી ગમતી ! તમે ઘરે ક્યારે આવો છો ? મારે તમારી બંનેની રૂબરૂમાં થોડી અગત્યની વાત કરવી છે.’ રત્ના થોડી ભાવુક થતાં બોલી. હરહંમેશ પ્રેમને ઝંખતી રહેલી રત્નાનો પુત્રપ્રેમ સીમાડાઓ ઓળંગી વિનોદને સ્પર્શી રહ્યો હતો અને તેનાં મમતાથી ભીંજાતા શબ્દો વિનોદને ભોંકાઈ રહ્યા હતા ! તે કશું જ બોલી ન શક્યો. છેવટે માનિકાએ સહેજ થોથવાઈને જવાબ આપ્યો :
‘અંઅ…મમ્મી… અમે બહુ જલદી અહીંનું કામ પતાવીને ત્યાં આવી જઈશું.’
માનિકાનો ફોસલાવતો જવાબ સાંભળી રત્ના કંઈ જ ન બોલી ! થોડીવાર સુધી માની લાગણી અને દીકરાની લાચારી વચ્ચે મૂંગો સંવાદ રચાયો, અને રત્નાની આંખોનાં ખૂણા ભરાઈ ગયા ! અચાનક રત્નાએ હસતાં ચહેરે આયશાનાં માથે હાથ મૂકતાં કહ્યું, ‘હંઅઅ… જો કે હું અને આયશા અહીં ઘણાં ખુશ છીએ. તમે શાંતિથી ત્યાનું કામ પતાવીને આવો. મારે કોઈ ઉતાવળ નથી. આ તો જરા અમથું…..’ તે આગળ ન બોલી શકી અને આંખો લૂછવા લાગી ! થોડીવાર પછી સ્વસ્થ થઈ ગળું સાફ કરતાં બોલી, ‘અહીં તો અમે ભલાં ને અમારું મહિલા મંડળ ભલું !!… અને પાછું આ વર્ષે મંડળમાં થોડી વધારે મહિલાઓને જોડવી છે. જો બની શકે તો…. મંડળના વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપશો તો વધુ સારું રહેશે….’
‘અમે જરૂર આવીશું મા…’ વિનોદ હર્ષભેર બોલી ઊઠ્યો અને તેની વાતમાં માનિકાએ પણ સૂર પુરાવ્યો, ‘હા, મા… અમે જરૂર આવીશું.’
ડોરબેલ રણકી ઊઠી.
‘અંઅ… લાગે છે દરવાજે મંડળનાં ટિફિન લેવા કોઈ આવ્યું છે. મારે જવું પડશે.’ રત્નાએ વિનોદ અને માનિકા સામે જોયું અને તરત જ કોમ્પ્યુટરરૂમમાંથી બહાર નીકળી ગઈ ! રત્નાને આમ અચાનક જ નિરાશ થઈને જતાં જોઈ આયશાને થોડી નવાઈ લાગી ! રત્ના ગઈ કે તરત જ વિનોદે આયશાને પૂછ્યું :
‘આયશા, વોટ ઈઝ હેપનીંગ ? હમણાં હમણાંથી મા અમને ત્યાં આવવાનું ઘણું કહે છે. એવી તો કઈ અગત્યની વાત છે કે મા પર્સનલી કહેવા માંગે છે ?’
આયશાએ વિનોદ તરફ જોયું અને ધીમેથી તેનાં ચહેરા પર હાસ્ય રેલાયું, ‘પાપા, હજુ એક ગુડ ન્યૂઝ આપું ?…’ અને આયશાએ એકદમ એક્સાઈટેડ થઈને કહ્યું, ‘દાદી ઈઝ ઈન લવ પાપા… દાદી ઈઝ ઈન લવ…!!’ … અને વિનોદનું મોં ખુલ્લું રહી ગયું ! તેણે આશ્ચર્યથી માનિકા સામે જોયું અને બંનેએ એકસાથે આયશાને જોરથી પૂછ્યું : ‘વ્હોટ…?’
આયશાએ પૂરા વિશ્વાસથી કહ્યું, ‘યસ પાપા… દાદી હેઝ ફૉલન ઈન લવ !’
‘મા ને….’ વિનોદ થોડો ખચકાયો. તેણે મીઠી મૂંઝવણ સાથે પૂછ્યું, ‘મા ને લવ થઈ ગયો છે ? બટ…હાઉ ?’
‘…એન્ડ વિથ હૂમ ?’ માનિકાએ પણ એક્સાઈટેડ થઈને પૂછ્યું.
‘મિ. વાર્ધક્ય !’ આયશાએ કહ્યું, ‘મિ. વાર્ધક્ય નામ છે… કદાચ એ પણ દાદીની જેમ એકલાં જ છે, અને હમઉમ્ર પણ લાગે છે ! દાદી એમની સાથે રોજ ચેટ કરે છે, અને એ પણ રાતે… એકલાં….’ આયશા અત્યંત તોફાની શબ્દો સાથે બોલી ! આ સાંભળી વિનોદ અને માનિકાને વધુ આશ્ચર્ય થયું ! તેમણે હસતાં હસતાં કહ્યું, ‘વેલ… એટલે કે…. મા હવે મીંગલ થવા માંગે છે, રાઈટ ?’
જવાબમાં આયશાએ હસતાં હસતાં કહ્યું : ‘…મે બી !’
‘અંઅ…આયશા… લુક….’ માનિકાએ રસ દાખવ્યો, ‘તું રત્નામા અને મિ.વાર્ધક્યની મીટીંગ ગોઠવને ! રત્નામા મિ. વાર્ધક્યની સાથે જો ખરેખર ઈન્ટરેસ્ટેડ હોય તો….’ માનિકા અટકી, અને વિનોદ સામે જોઈને પૂછ્યું, ‘…વ્હોટ ડુ યુ સે, વિનોદ ?’
‘હુ એમ આઈ ટુ સે સમથિંગ અબાઉટ ધીસ મેટર, માનિકા ?…. આઈ મીન….’ વિનોદ મૂંઝાયો અને આયશા તરફ જોઈ થોડી વાર પછી કહ્યું, 
 ‘ગો અહેડ…. આઈ’મ રેડી.’
‘ઓ.કે. ધેન….’ આયશા ખુશ થઈ ગઈ, ‘આઈ’લ એરેન્જ ધ મીટીંગ સૂન !’
****
‘મિ. વાર્ધક્ય, આજે ફરી વિનોદને મેં અહીં આવવાનું કહ્યું, જો કે હું જાણું છું કે તેઓ અહીં નહીં જ આવી શકે !’ રત્ના મિ. વાર્ધક્ય સાથે મોડીરાતે કોમ્પ્યુટર પર વોઈસકોલ કરી રહી હતી, ‘હું જ એવી અભાગી છું કે… યુવાનીમાં પતિને ખોયો, અને ઘડપણમાં પુત્રને ખોઈ રહી છું ! મહિનાઓ વીત્યા… છતાં વિનોદ અહીં આવવાનું નામ પણ લેતો નથી !’
‘….પણ તમે ઘડપણ વિશે આવું ઘસાતું શા માટે બોલો છો ?’
રત્નાએ મિ.વાર્ધક્ય સામે હૃદય ખોલ્યું, ‘શું કરું મિ.વાર્ધક્ય ? યુવાનીના સંઘર્ષકાળમાં પણ આવો વલોપાત નથી થતો, જેવો અત્યારે થાય છે ! વય વધવાની સાથે એકલતા પણ વધતી જાય છે, એટલે નિરાશ થઈ જવાય છે.’
‘તમારે એ યાદ રાખવું જોઈએ કે વધતી જતી વય એ કોઈ આફત નથી, પણ અનુભવોનું ઉચ્ચતમ એવરેસ્ટ છે ! એ એક એવી કલા છે કે જે ઘડપણમાં પણ હૃદયને યુવાન રાખે છે, અને આ કલા દરેક વૃદ્ધોએ જાતે જ શીખી લેવી જોઈએ. આપણું ઘડપણ વ્યથા, વેદના અને વલોપાતમાં જ પૂર્ણ થાય એ જરૂરી નથી, પણ જરૂરી એ છે કે આપણા બાળકોએ કરેલા નિર્ણયો પર આપણે કેટલો વિશ્વાસ મૂકીએ છીએ ?’ રાતની એકલતા અને સન્નાટામાં મિ. વાર્ધક્યનો ઘેરો અવાજ જાણે રત્નાને પરિવર્તિત કરી રહ્યો હતો…. બદલી રહ્યો હતો !… રત્ના વિચારમાં પડી ગઈ !
‘આખી જિંદગી એકલતા દૂર કરવા હું હંમેશા કોઈકને ઝંખતી રહી છું, મિ. વાર્ધક્ય ! મારા પતિને, પુત્રને અને…’ રત્ના ચૂપ થઈ ગઈ… થોડીવાર પછી તે બોલી, ‘બધી રીતે સુખ મળ્યું હોવા છતાં પણ એમ લાગે છે કે જાણે હવે હૃદય કોઈક અંગત હોય એને ઝંખી રહ્યું છે !’
થોડીવાર રૂમમાં શાંતિ છવાઈ રહી ! પછી….
‘રત્નાજી, શું હું તમારો અંગત મિત્ર બની શકું ?’
….અને રત્ના ચૂપ થઈ ગઈ ! તેનું હૃદય ભરાઈ ગયું. આંખો ભીંજાઈ અને આંસુ ગાલવાટે થઈ વહી રહ્યા.
‘મિ. વાર્ધક્ય ! એકમાત્ર તમેજ તો છો કે જેણે મને છેલ્લા છ મહિનાથી સંભાળી છે, સમજાવી છે….’ તેનો અવાજ રૂંધાઈ ગયો, છતાં પણ તે હૃદયથી બોલતી રહી, ‘…એક સાચા મિત્ર બનીને આજ સુધી મને જેણે સાચવી છે, બદલી છે…. એ તમે જ તો મારા અંગત છો, મિ. વાર્ધક્ય !’ … અને રૂમમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ !
‘દાદી….’ આયશાએ રત્નાનાં ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, ‘શું આપણે વાર્ધક્ય અંકલને મળી શકીએ ?’
*****
નવરંગપુરાની એક જાણીતી કોફીશોપમાં રત્ના અને આયશા, મિ. વાર્ધક્યની રાહ જોતા બેઠાં હતા. અડધો કલાક વીતી ચૂક્યો હોવા છતાંપણ મિ. વાર્ધક્ય ક્યાંય દેખાતાં ન હતા ! વેઈટર ત્રીજી વખત ઓર્ડર લેવા આવ્યો, તેથી આયશાએ ઓર્ડર આપ્યો, ‘ટુ કોલ્ડ કોફી…’
‘ઓ.કે. મે’મ….’ વેઈટર જતો રહ્યો અને આયશાએ રત્ના સામે જોઈ પૂછ્યું, ‘દાદી, એક વાત પૂછું ? તમે વાર્ધક્ય અંકલને જોયા છે ખરા ?’
રત્નાએ નકારમાં માથું હલાવ્યું, ‘ના.’
આયશાને આશ્ચર્ય થયું, પણ તે કશું ન બોલી અને આજુબાજુ જોવા લાગી. થોડીવાર પછી તેણે ફરી પૂછ્યું, ‘દાદી, મને એક વાત કહેશો ? તમારી અને વાર્ધક્ય અંકલની મિત્રતા કેવી રીતે થઈ ? આઈ મીન… એકબીજાને જોયાં વગર ?’
આયશાની આતુરતાથી રત્નાનાં ચહેરા પર હળવું સ્મિત ફરકી ગયું ! તેણે કહ્યું, ‘અમારી મૈત્રી આજના જેવી થોડી હોય, દીકરી ? અમારી મિત્રતા તો બસ… થઈ ગઈ ! મિ. વાર્ધક્યએ મારી સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી અને અમે ઘણી બધી, કલાકો સુધી વાતો કરતાં થઈ ગયા…! મિ. વાર્ધક્ય પોતાની વાતોથી મારી એકલતા, નિરાશા બધું જ ભુલાવી દેતાં. ઘડપણમાં કેમ જિવાય, એ એમણે મને શીખવ્યું ! એક વાત કહું દીકરી ?’ રત્નાએ આયશા તરફ જોઈ ભાવથી કહ્યું, ‘તારો ખૂબ ખૂબ આભાર, કે તેં મને કોમ્પ્યુટર શીખવાડ્યું… જેના કારણે હું મિ.વાર્ધક્ય જેવાં દોસ્તને મળી શકી !’

 આયશાને રત્નાદાદીની આંખોમાં નિર્દોષ મિત્રપ્રેમ દેખાઈ રહ્યો હતો ! થોડીવાર પછી તેણે ચહેરા પર સ્મિત કરી કહ્યું, ‘યૂ નો દાદી, થોડીજ વારમાં આપણે વાર્ધક્ય અંકલને મળવાના છીએ…. હું તો ઘણી એકસાઈટ છું, તમને કશું નથી થતું ?’
રત્નાએ આયશા સામે જોઈ શાંતિથી જવાબ આપ્યો, ‘ના, મને એવું કશું પણ નથી થતું. પણ ડર લાગે છે કે….’ રત્ના અટકી અને થોડી નિરાશાથી કહ્યું, ‘….એ નહિ આવે તો ?’
‘દાદી, મને લાગે છે કે…..’ આયશાએ એક વૃદ્ધઅંકલને પોતાની તરફ આવતા જોઈ કહ્યું, ‘વાર્ધક્ય અંકલ આવી ચૂક્યા છે !’ રત્નાએ તરત જ, આયશા જે તરફ તાકી રહી હતી, તે તરફ જોયું. સપ્રમાણ બાંધાવાળું શરીર, તદ્દન કલીનશેવ તથા ઉંમરને અનુરૂપ ગોગલ્સ અને લાઈટ રેડ કલરનું ચેક્સવાળું ઈન કરેલું શર્ટ પહેરી પાંસઠેક વર્ષની એક પ્રભાવશાળી વૃદ્ધ વ્યક્તિ સ્ફૂર્તિલી ચાલે તેમના તરફ આવી રહી હતી ! ‘શું આ જ મિ. વાર્ધક્ય હશે ?’ રત્નાનું અંતરમન પૂછી રહ્યું….. પણ ના ! એ વ્યક્તિ તો સડસડાટ તેમની બાજુમાંથી નીકળી ગઈ… આયશા અને રત્ના તેમને જતાં જોઈ રહ્યા !
‘સ્ક્યૂઝ મી, શું આપ જ રત્ના આંટી છો ?…..’ અચાનક જ કોઈનો અવાજ સાંભળી રત્ના અને આયશાએ તે તરફ જોયું. એક હેન્ડસમ યુવાન, ચહેરા પર સ્મિત સાથે, તેમને પૂછી રહ્યો હતો. રત્ના તે યુવાનની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. આયશાએ પૂછ્યું :
‘તમે કોણ ?’
‘જી. મારું નામ વિવાન છે.’ તે યુવાને પોતાનું નામ જણાવી દૂર ઈશારો કરતાં કહ્યું, ‘એક વૃદ્ધ અંકલ મને ત્યાં મળ્યા, એમણે આ કવર તમને આપવા કહ્યું છે.’ તેણે ખિસ્સામાંથી એક કવર કાઢી સામે ધર્યું. રત્ના વિવાને બતાવેલી જગ્યા તરફ મિ.વાર્ધક્યને શોધવા લાગી. આયશાએ વિવાને ધરેલું કવર હાથમાં લીધું. કવર પર લખ્યું હતું, ‘મારી અંગત મિત્ર, રત્નાજી માટે….’
‘….અને આ કવર તમારા માટે છે !’ વિવાને બીજું કવર આયશા તરફ ધર્યું. આયશા વિવાન સામે જોઈ રહી. તેણે બીજું કવર હાથમાં લીધું. તેની પર લખ્યું હતું : ‘જસ્ટ ફોર, આયશા…’
‘બાય…. સી યુ સૂન..’ આટલું બોલતાંની સાથે જ બીજી જ પળે વિવાન નામનો હેન્ડસમ યુવાન આયશાની નજરોથી અદશ્ય થઈ ગયો. વેઈટર આવ્યો અને બે કોલ્ડ કોફી ટેબલ પર સર્વ કરી જતો રહ્યો. રત્નાએ સજળ આંખોથી આયશા તરફ જોયું. પછી ધીમેથી કવર હાથમાં લીધું અને વાંચ્યું, ‘મારી અંગત મિત્ર, રત્નાજી માટે…’ થોડીવાર પછી તેણે એ કવરમાંથી કાગળ કાઢ્યો…. તેમાં લખ્યું હતું….
 એકલતા છે રત્ના માંહી; વ્યથા, વેદના અને વલોપાત,
યુવાન મન, યુવાન હૃદય, એને જ શોધી કાઢો તમે આજ !
છે વાર્ધક્ય એક અહેસાસ, નથી એ કોઈ વ્યક્તિ જીવંત,
રોજ મળીશું, રોજ બોલીશું, જ્યારે દુઃખ આવી પડે અનંત !
પ્રિય મિત્ર રત્નાજી,
વાર્ધક્ય કોણ છે ?….શું છે ? ક્યાંય ન શોધવા જશો ફરી,
વાર્ધક્ય એટલે જ છે વૃદ્ધત્વ, મળીશું આપણે વારે ઘડી !
આપનો અંગત મિત્ર,
મિ. વાર્ધક્ય.
 બીજી તરફ આયશા પોતાના કવરમાંથી કાગળ કાઢી વાંચી રહી હતી.
‘આયશા,
મારું નામ વિવાન છે. ઈન્ટર કૉલેજ ડાન્સ કોમ્પિટિશનમાં તમને પહેલીવાર જોયા. અને બસ જોતો જ રહી ગયો ! તમારા જેવી સુંદર યુવતી મેં ક્યારેય જોઈ નથી અને હવે જોવા પણ માંગતો નથી ! મારી ઈચ્છા આ ઓળખાણને પ્રેમમાં ફેરવવાની છે, અને બની શકે તો પરિણયમાં પણ ! હજુ વાતો તો ઘણી કહેવી છે… પણ હવે જો કરીશું તો રૂબરૂ જ. કારણ કે સમય અને સ્થળની નજાકતને જોતાં અત્યારે કહેવું અયોગ્ય રહેશે. બીજી અગત્યની વાત એ છે કે રત્ના આંટીનાં અંગતમિત્ર મિ.વાર્ધક્ય ક્યારેય તેમની સામે નહિ આવે. કારણ કે આ ત્રેવીસ વર્ષનો વિવાન જ મિ.વાર્ધક્ય છે, અને મિ.વાર્ધક્યને રત્ના આંટીના સાચા મિત્ર જ બની રહેવું વધુ પસંદ છે !
આયશાનાં પ્રેમને પામવા ઈચ્છુક
વિવાન.