શુક્રવાર, 30 ઑક્ટોબર, 2020

*...આખરે દીકરી પોતાનાં જન્મ પહેલાં એનાં પિતાને પોતાની પાસે બોલાવીને જ જંપી!!*

*...આખરે દીકરી પોતાનાં જન્મ પહેલાં એનાં પિતાને પોતાની પાસે બોલાવીને જ જંપી!!*

(આજની તારીખે અહીં અમદાવાદમાં હાજર થયો, એનાં ૭ વર્ષ પૂરાં થયાં હોવાની યાદમાં આ લેખ એ દરેક મિત્રોને સમર્પિત, કે જેઓ પોતાનાં વતનમાં આવવાની રાહ જોઈ રહ્યા છે.)

***********

તા.21.3.2012 ને વેળાકોટ પ્રા. શાળામાં નોકરીને 5 વર્ષ પૂરાં થયાં ને હદયમાં આનંદ થયો.. હાશ.. 2500 વાળા પાંચ વર્ષ પૂરાં થયાં..!!

********

માંડ માંડ આ વર્ષો પસાર થયેલાં.. અભાવોનાં વર્ષો હતા એ.. અને દોઢ મહિના પછી પહેલો ફૂલ પગાર 18.5.12 એ બેંકમાં જમાં થયો.. ત્યારની એ ફીલિંગ્સ હજુયે અનુભવી શકું છું! હવે ફૂલ પગારવાળી પાછલી જિંદગી જીવનસાથી અને કુટુંબ સાથે શાંતિથી વિતે એવી 'મહેચ્છાઓ' હજુ આકાર લઈ રહી હતી ત્યાં જ એક અઠવાડિયા પછી તા. 25.5.12 એ ગાંધીનગરથી ફોન આવ્યો, "હલો.. તમને ઓર્ડર મળે કે ના મળે, ગાંધીનગર આવી જજો.."

અમે તા.28.5.12 એ ગાંધીનગર પહોંચ્યા, ને પત્નીશ્રી ને નોકરીનો ઓર્ડર મળ્યો, એ પણ અમદાવાદ કોર્પોરેશનમાં! 
નોકરી મળ્યાની ખુશી અનુભવું કે પત્નીજીથી હવે અલગ રહેવાનું દુઃખ અનુભવું, એ ન સમજી શક્યો! બધી 'મહેચ્છા'ઓને 'ફ્લશ' કરીને ભારે હદયે પત્નીજીને અમદાવાદ મૂકીને પાછો ફર્યો. 

એવો ફૂલ પગાર શુ કામનો કે જેને વાપરવાવાળી જ ન હોય??!! મારું શરીર અહીં હોય, ને મન અમદાવાદમાં હોય! આંખો કેલેન્ડરમાં રજાના દિવસોની રાહ જોતી હોય..! રજા એક દિવસની હોય, બે દિવસની હોય કે પછી અઠવાડિયાની.. ભાગુ અમદાવાદ! અત્યારસુધીની 5 વર્ષની નોકરીમાં વર્ષાન્તે જે 'સી.એલ.' વાપર્યા વગર જતી રહેતી એ હવે ખૂટવા મંડી! કોડીનાર-ગાંધીનગરની એસ.ટી. બસોના ડ્રાઈવર-કંડકટર હવે ઓળખવા મંડેલા! વેલાકોટ થી અમદાવાદ પહોંચતા ૧૨ કલાક થઈ જતાં. મારા પછી બસમાં ચડતા લોકોને વચ્ચેના સ્ટેશનોએ મારા કરતાં વહેલાં ઉતરતા જોઈ એમની ઈર્ષ્યા થતી! હદય પ્રાર્થના કરતું કે કાશ.. બદલી કેમ્પ થાય અને મારો વારો અમદાવાદમાં આવે.. અને હું પણ આવી રીતે છેલ્લી વખત બસમાં બેસું.. મારો બધો સામાન લઈ અમદાવાદ જવા..!! ..પણ બદલી કેમ્પના ફોર્મ છેક ડિસેમ્બરમાં ભરાતા.. માંડ માંડ છ મહિના પસાર થયા ને અંતે ડિસેમ્બર આવ્યો..! 

બદલીનું ફોર્મ ભર્યું.. એકસો વખત ફોર્મ ચેક કર્યું હશે કે રખેને ક્યાંય કોઇ ભૂલ રહી જાય અને ફોર્મ રિજેક્ટ થાય, તો તો હું મરી જ જાઉં ને?? હજાર વખત તાલુકે પુછાવરાવ્યું કે ફોર્મ અમદાવાદ પહોંચી તો ગયું હશે ને?? ક્યાંક વચ્ચે ગેરવલ્લે તો નહી જતું રહે ને? ક્યાંક ફોર્મ લઈ જતી ગાડીને વચ્ચે એક્સીડેન્ટ ન થઈ જાય??!! ભગવાન પરની શ્રદ્ધા ઓલરેડી હતી તો ખરાં જ, પણ હતી એનાં કરતાં વધી ગઈ! ભગવાનને કરવાની પ્રાર્થના પણ ગોખાઈ ગઈ! બસ..  હવે ટ્રાન્સફરની જ રાહ જોવાતી હતી! 

એવામાં સમાચાર મળ્યા કે.. હું હજુ એક બંધનમાં બંધાવાનો હતો.. માત્ર પત્નીજી જ નહિ, પણ હવે એક નાનકડું 'બાઉં' પણ દુનિયામાં આવવાની તૈયારી કરી રહ્યું હતું.. અને હવે એ પણ મારી રાહ જોતું હતું.. કે હું ક્યારે અમદાવાદ હંમેશ માટે આવું?? 

2013 ના ઉનાળુ વેકેશને મારતે ઘોડે (સોરી.. બાઈકે!) અમદાવાદ ગયો.. વેકેશનના 35 દિવસ પછી પાછાં ફરતી વખતે અમરેલી પહોંચ્યો ને ચાલુ બાઈકે 'આંખો' ચાલુ થઈ!! ...શું કરું કાંઈ સમજાતું ન હતું!! અહીં ૪૦૦ કિમિ દૂર હું એકલો, અને ત્યાં ૪૦૦ કિમિ દૂર મારા પત્નીજી એકલાં!

***********

ખૂબ ઈચ્છા હતી કે આ સમયે પત્નીજી ભારતીય અધ્યાત્મને વાંચે અને સમજે! છેલ્લા દસેક વર્ષથી મારા ઘરે નિયમિત 'સફારી' આવે છે.. એમાં મારાં પત્નીજી માત્ર છેલ્લું જ પાનું વાંચે.. કે જે 'ગણિત'નું હોય!! હવે જેમને માત્ર ગણિત જ ગમતું હોય, એ ભારતીય અધ્યાત્મ તો કેમ વાંચે?? હું રવિવારની રજાની રાહ જોતો..

રવિવારની સવાર પડે એટલે ફોન ચાલુ થાય.. તે છેક સાંજે મુકાય! આ દરમિયાન ભારતીય ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોનું હું ખુદ વાંચન કરતો અને મારાં પત્નીજી ફોન પર સાંભળતા.. હું મને આવડે એવું અર્થઘટન કરી સમજાવતો. (ઉદાહરણ તરીકે, જુઓ.. આ લિંક.. https://youtu.be/Ltiuv2vE74c )

...એવામાં એક ખુશીનાં સમાચાર મળ્યા! એક મહિના પછી તા.13.7.13નાં રોજ મારાં નામે એક પત્ર આવ્યો.. અમદાવાદ કોર્પોરેશનમાંથી! એક અઠવાડિયા પછી તા.19.7.13નાં રોજ અમદાવાદ સ્કૂલબોર્ડનો ટ્રાન્સફર કૅમ્પ હતો, જેમાં મારે હાજર રહેવાનું હતું! હું ખુશીનો માર્યો, 19 મી તારીખે કેમ્પમાં પહોંચ્યો, અને રંગે-ચંગે મારા હાથમાં એક અઠવાડિયામાં અમદાવાદમાં હાજર થવાનો ઓર્ડર મળ્યો. 

********

"ન જાણ્યું જાનકીનાથે, કાલે શું થવાનું છે??"

..બધું બરાબર જ થાય તો જિંદગી શાની?? હું પાછો વેલાકોટ પહોંચ્યો, ત્યાં મિત્ર જગદીશ ડાંગરે એક ખરાબ સમાચાર આપ્યા.. બદલીનાં નવા નિયમાનુસાર જો શાળામાં 10 ટકા કરતાં વધુ શિક્ષકોની ઘટ હોય તો કોઈનેય છુટા કરવાના ન હતાં!! માર્યા ઠાર.. 

હું ડરતો-ડરતો જૂનાગઢ જિલ્લા મથકે પહોંચ્યો.. અને મારાં આશ્ચર્ય વચ્ચે મને જિલ્લામાંથી છૂટાં થયાનો ઓર્ડર મળી ગયો!! બસ.. હવે તાલુકે છૂટો થઈશ અને પછી અમદાવાદ!!

બીજાં દિવસે હું તાલુકા મથકે ગયો. ત્યાંના સાહેબે જાણે મારી સાથે 'બાપે માર્યા વેર..' હોય એમ વર્તન કરી મને કાઢી મુક્યો! ..અને કહ્યું, "જ્યારે તમારી શાળામાં પૂરેપૂરો સ્ટાફ હશે તો જ તમે છુટા થશો." 

હું તો રડવા જેવો થઈ ગયો..! કારણ  કે અમારી શાળામાં પૂરેપૂરો સ્ટાફ ત્યારે જ થાય જ્યારે 1 થી 5 માં હજુ વધુ 2 શિક્ષકોની ભરતી થાય! ..ખોટું નહિ કહું, પણ હું જે ગામની શાળામાં હતો, ત્યાં ભાગ્યે જ કોઈ આવવા તૈયાર થતું.. આવતું તો પણ સજામાં અથવા તો છેલ્લાં વિકલ્પે, જ્યારે બીજી કોઈ જગ્યા જ ન બચી હોય ત્યારે!! કદાચ પૂરેપૂરો સ્ટાફ થાય તો પણ સિનિયોરિટી મુજબ એક જ શિક્ષક છૂટો થાય એમ હતું, જ્યારે મારો નંબર ત્રીજો હતો!! ટૂંકમાં કહું તો.. હવે તો કોઈ 'ચમત્કાર' જ મને અમદાવાદ હાજર કરી શકે એમ હતું!!

***********

હું પાછો એક વખત જિલ્લાએ ગયો.. વિનંતી કરી..  ત્યાંથી પણ કાઢી મૂકાયો! વળતામાં મારા નામ-જોગ એક લેટર જિલ્લામથકે થી તાલુકા મથકે થયો.. અને તાલુકા મથકેથી પે-સેન્ટરે.. અને ત્યાંથી શાળામાં, કે.. "જ્યાં સુધી પૂરેપૂરો સ્ટાફ વેલાકોટ પ્રા. શાળામાં ન થાય, અને સિનિયોરિટી મુજબ મારો વારો ન આવે ત્યાં સુધી મને છૂટો ન કરવો!!"

હું સખત ડિપ્રેસડ થઈ ગયો! ઘરે આવીને રડ્યો.. કારણ કે અમદાવાદના રસ્તાઓ પણ ન જાણતાં પત્નીજી, સગર્ભા અવસ્થામાં આ શહેરમાં એકલાં ભાડે રહેતાં હતાં, અને હું અહીં કશું કરી શકું એમ ન હતો! એ ચિંતા સખત થતી કે આ દરમિયાન ન કરે ઈશ્વરને કાંઈ તબિયત ગરબડ થાય તો તાત્કાલિક કેમ છેક વેલાકોટથી અહીં પહોંચવું?? 

હું વધુને વધુ 'ચૂપ' થઈ ગયો! 

...આ દરમિયાન જ્યારે પણ રજા આવે ત્યારે પત્નીજી સાથે આખો દિવસ ભારતીય અધ્યાત્મની પુસ્તકોની ફોન પર ચર્ચા ચાલુ રાખી.. અને એક દિવસ 'કર્મનો સિદ્ધાંત' પુસ્તક હાથમાં આવ્યું!! સાવ નાનકડી એવી આ પુસ્તિકાની ચર્ચાએ મને વિચારતો કરી મૂક્યો!! આખો ઓગષ્ટ આ પુસ્તકની ચર્ચા પત્નીજી સાથે ચાલી. સમગ્ર ચર્ચાને અંતે એક નિષ્કર્ષ પર આવ્યો, "જો કર્મ બાકી હોય તો જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી એ તમારો પીછો છોડતું નથી."

..અને નિરાશા ખંખેરીને હું મારા શિક્ષક તરીકેના કાર્યમાં લાગી ગયો! હું અને બસ મારો વર્ગ.. બાળકોને શિક્ષણ આપવા સિવાયનું દરેક કર્મ મેં વર્જિત ગણ્યું!! ..આખરે મારે અમદાવાદ જવા મારો વેલાકોટનો 'કામનો ક્વોટા' પૂરો કરવો હતો!

'કર્મનો સિદ્ધાંત' પછી 'ભગવદગીતા'નો વારો હતો.. એક પછી એક અધ્યાય પૂર્ણ થતાં ગયા!! ફોન પર અધ્યાત્મની ચર્ચા જેમ-જેમ આગળ વધતી ગઈ એમ એમ ડિપ્રેશન ગાયબ થતું ગયું! 'કર્મયોગ', 'ભક્તિયોગ' અને 'જ્ઞાનયોગ'માં હું 'કર્મયોગી' જ બની શકું એમ હતો! ડિપ્રેશન થોડું ઓછું થતાં હું મારા સ્ટાફમિત્રો સાથે ફરી ક્રિકેટ રમવા લાગ્યો હતો! મને ક્રિકેટ રમતાં ઓછું આવડે, છતાંય એક ઈચ્છા રાખેલી, કે હું એક 'સિક્સ' મારું, કે જે ક્યારેય નહોતો મારી શક્યો, હંમેશા 'આઉટ' જ થઈ જાઉં!

અહીં અમદાવાદમાં નાનું 'બાઉં' પણ આવવાની તડામાર તૈયારીઓ કરી રહ્યું હતું.. મેં પત્નીજીને એક વાત કહી, "જો આવનારું 'બાઉં' એનાં નસીબમાં એવું લખાવીને આવ્યું હશે કે એનાં આવતાં પહેલાં હું ત્યાં આવીશ, તો હું ગમે તે રીતે અહીંથી છૂટો થઈને ત્યાં આવીશ, અને જો નસીબમાં એવું નહિ હોય, તો આપણે ગમે તેટલાં ધમપછાડા કરીએ.. હું ત્યાં નહિ આવી શકું!" 

હું દર શનિવારે બપોરે/રાતે બસમાં અમદાવાદ જવા બેસતો, અને માત્ર ૧૨ કલાક અમદાવાદમાં કાઢીને પાછો સોમવારે પાછો વેલાકોટમાં આવી જતો! 

*******

વર્ષ ૨૦૧૧ માં ધો.૧ લીધું ત્યારે એક સંકલ્પ કરેલો, 'આ બાળકોને હું એવું શિક્ષણ આપીશ કે તેઓ જ્યારે ધો.૩ ની પહેલી વખત લેખિત પરીક્ષા આપશે ત્યારે તેઓ તેમની જાતે જ નામ-નંબર સહિતનું આખું પેપર લખશે.. હું એમને કોઈ જ જાતની મદદ નહિ કરું!!' 

ઓક્ટોબર આવ્યો, ને સત્રાંત પરીક્ષાઓ ચાલુ થઈ! પહેલી જ વખત લેખિત પરીક્ષા આપતાં ધો.૩ ના બાળકોએ ખૂબ જ સુંદર રીતે જાતે જ પેપર લખ્યા.. નામ-નંબર સહિત! મને સંતોષ થયો.

સમગ્ર સત્રાંત પરીક્ષા પૂરી થયાં બાદ હજુ શાળા સમય પૂરો થવાને થોડો સમય બાકી હોઈ અમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.. હું જે ટીમમાં હતો એ ટીમ હારવાની નક્કી જ હતું, અને બેટિંગમાં મારો વારો આવ્યો. સામેની ટીમના કપ્તાન શિક્ષક મિત્ર જગદીશભાઈ સારું ક્રિકેટ રમતાં, અને હું મોટાભાગે એમની સ્પિન બોલિંગમાં જ આઉટ થતો. હું આગળ વધ્યો.. અને આંખો મીંચીને બેટ ફેરવ્યું, 'સિક્સ' લાગી ગઈ!!.. મારી ટીમે બુમો પાડી.. આ લખતી વખતે ય હું રોમાંચિત છું!! 

...કદાચ મારો આ જ 'કામનો ક્વોટા' બાકી રહી ગયો હતો..!! જે પૂરો થયો.. 

બીજાં દિવસથી બે દિવસની શિક્ષક તાલીમ શરૂ થતી હતી.. અને પછી દિવાળી વેકેશન!!

*********

તા.૨૯.૧૦.૧૩ શિક્ષક તાલીમનો બીજો દિવસ.. જાણવા મળ્યું કે માત્ર આ વખત પૂરતું સરકારે ૧૦% ની જગ્યાએ ૫૦% સ્ટાફને છુટા કરવાનો નિર્ણય લીધો છે. 

બે વાગે અમારાં આચાર્ય ગોપાલસાહેબ આવીને કહે, "ચલો મારી સાથે.. તમને પે-સેન્ટરના આચાર્ય બોલાવે છે."

હું આચાર્ય સાથે ઓફિસમાં ગયો, તો પે-સેન્ટરના આચાર્ય કહે, "તાત્કાલિક તાલુકે જાઓ.. તમને છુટા કરવાના છે."

જરૂરી કાગળિયા લઈને હું તાલુકે ગયો.. ત્યાંના મને જોઈને ભડકતા સાહેબે પાછી રોન કાઢી, "હું તમને છુટાં ન કરી શકું." 

આ સાંભળીને હું પાછો ગભરાયો! મેં દલીલ કરી કહ્યું, "અમારા પે-સેન્ટરના આચાર્યે તો મને એમ કહ્યું કે મને તાલુકે છુટાં કરવાના છે.."

એ સાહેબ અહંકારથી અને ગુસ્સાથી ઊભાં થઈને અંદરની મોટાં સાહેબની ઓફિસમાં ગયાં, હું પણ પાછળ પાછળ ગયો! પેલાંએ મને છૂટો ન કરવા માટે માંડીને બધી વાત કરી, ત્યાં તો પેલાં મોટાં સાહેબનો જોરથી અવાજ આવ્યો.. "છુટાં કરો આ ભાઈને.." 

એ સાહેબ બહાર આવ્યા, ને મારાં છુટાં થવાનાં કાગળો પર સહી કરી નાંખી! ...હું તાલુકેથી છૂટી તરત પે-સેન્ટરે આવ્યો. ગોપાલસાહેબની મૈત્રીક ભલામણથી પે-સેન્ટર આચાર્યે પાંચ વાગી ગયા હોવાં છતાં વધુ સમય રોકાઈને મારાં છુટાં થવાના કાગળો પર સહી કરી.. અને બીજા દિવસે.. એટલે કે આજની તારીખે ૩૦.૧૦.૧૩ એ, બરાબર સાત વર્ષ પહેલાં.. અહીં અમદાવાદમાં હાજર થવા ૨૯ ની સાંજે તાત્કાલિક બસમાં બેઠો..!

હું અહીં ૩૦.૧૦.૧૩ એ હાજર થયો.. બીજાં દિવસથી એટલે કે ૩૧ તારીખથી દિવાળી વેકેશન પડતું હતું!! 

....અને બેસતાં વર્ષે એટલે કે, મારાં અહીં હાજર થયાને બરાબર પાંચમાં દિવસે તા.૪-૧૧-૧૩ એ 'તન્વી'નો જન્મ થયો!!

...આખરે દીકરી પોતાનાં જન્મ પહેલાં એનાં પિતાને પોતાની પાસે બોલાવીને જ જંપી!!

**********

"માંડ માંડ છુટાં થયાની ફાઇલ" નામથી એક ફાઇલ મેં મારા કબાટમાં સંઘરી રાખી છે! જેમાં અમે કેટ-કેટલાં કાગળીયાઓ કરેલાં.. એની સમગ્રતયા એક એક કોપી સંઘરી રાખી છે.

**********
લ.તા. ૩૦.૧૦.૨૦

ગધા ઓર ગધેકી માં કી મઝાર

किसी मज़ार पर एक फकीर रहते थे।सैकड़ों भक्त उस मज़ार पर आकर दान-दक्षिणा चढ़ाते थे। 

उन भक्तों में एक बंजारा भी था।

वह बहुत गरीब था...

फिर भी, नियमानुसार आकर माथा टेकता...

फकीर की सेवा करता...

और...

फिर अपने काम पर जाता...

उसका कपड़े का व्यवसाय था l
कपड़ों की भारी पोटली कंधों पर लिए सुबह से लेकर शाम तक गलियों में फेरी लगाता, कपड़े बेचता।

एक दिन उस फकीर को उस पर दया आ गई, उसने अपना गधा उसे भेंट कर दिया।

अब तो बंजारे की आधी समस्याएं हल हो गईं। वह सारे कपड़े गधे पर लादता और जब थक जाता तो खुद भी गधे पर बैठ जाता।

यूं ही कुछ महीने बीत गए...

एक दिन गधे की मृत्यु हो गई।

बंजारा बहुत दुखी हुआ, उसने उसे उचित स्थान पर दफनाया, उसकी कब्र बनाई और फूट-फूट कर रोने लगा।

समीप से जा रहे किसी व्यक्ति ने जब यह दृश्य देखा, तो सोचा जरूर किसी संत की मज़ार होगी। तभी यह बंजारा यहां बैठकर अपना दुख रो रहा है।
यह सोचकर उस व्यक्ति ने कब्र पर माथा टेका और अपनी मन्नत हेतु वहां प्रार्थना की कुछ पैसे चढ़ाकर वहां से चला गया।

कुछ दिनों के उपरांत ही उस व्यक्ति की कामना पूर्ण हो गई। उसने खुशी के मारे सारे गांव में डंका बजाया कि अमुक स्थान पर एक पूर्ण फकीर की मज़ार है। वहां जाकर जो अरदास करो वह पूर्ण होती है।मनचाही मुरादे बख्शी जाती हैं वहां।

उस दिन से उस कब्र पर भक्तों का तांता लगना शुरू हो गया।

दूर-दराज से भक्त अपनी मुरादे बख्शाने वहां आने लगे। बंजारे की तो चांदी हो गई, बैठे-बैठे उसे कमाई का साधन मिल गया था।

एक दिन वही फकीर जिन्होंने बंजारे को अपना गधा भेंट स्वरूप दिया था वहां से गुजर रहे थे। 

उन्हें देखते ही बंजारे ने उनके चरण पकड़ लिए और बोला, "आपके गधे ने तो मेरी जिंदगी बना दी। जब तक जीवित था तब तक मेरे रोजगार में मेरी मदद करता था और मरने के बाद मेरी जीविका का साधन बन गया है।"

फकीर हंसते हुए बोले, "बच्चा! जिस मज़ार पर तू नित्य माथा टेकने आता था, वह मज़ार इस गधे की मां की थी।"

बस यूंही चल रहा है Incredible India!

ચાણક્યની વાર્તા

એકવાર ચાણક્યના એક શિષ્યને થોડીક હવા ભરાઈ ગઈને એણે જાહેર કરી દીધું કે હવે તલવારબાજીમાં મારો કોઈ મુકાબલો ના કરી શકે ,ખુદ ચાણક્ય પણ નહિ ,.

એમાં તો લોકોના અને ચંદ્રગુપ્તના આગ્રહ અને કુતુહલને લઈને ચાણક્ય અને પેલા ચેલા વચ્ચે મુકાબલો નક્કી પણ થઇ ગયો ,.

હવે ચાણક્યને એ ખ્યાલ કે આપણે આ ચેલુંને તલવારબાજીમાં બધું શીખવાડી દીધું છે ,પાછું એમાય ચેલો જુવાનજોધ હાન્ઢયા જેવો છે અને આપણને ઉમર થઇ ગઈ છે, ચેલાને હરાવવો અઘરો છે ,..

કરવું શું ?

વિચારીને ચાણક્યએ એક માણસને કહ્યું કે હું મુકાબલામાં મારી તલવાર બે ઇંચ વધુ લાંબી રાખવાનો છું ,.એ માણસે બીજાને અને બીજાએ ત્રીજાને ,.. એમ કરતા-કરતા ચેલા પાસે વાત પહોચી ત્યાં બે ઈંચનું બે ફૂટ થઇ ગયું,.

મુકાબલાનો દિવસ આવ્યો અને ચેલો બે ફૂટ વધુ લાંબી તલવાર લઈને મેદાનમાં ઉતર્યો ,અને ચાણક્ય રેગ્યુલર તલવાર લઈને ઉતર્યા ,. ચેલુંની તલવારનો વજન જ એવો થઇ ગયો કે એ ચપળતાથી તલવાર ફેરવી જ ના શક્યો અને હાર્યો ,..

એનું ઘમંડ ઉતર્યું ,ચાણક્યએ એને માફ કર્યો અને આ બે ઇંચ-બે ફૂટના પાઠમાંથી કૈક શીખવા કહ્યું .,,,

સ્ટેટ્સ સોર્સ: કાનજીભાઈ

શનિવાર, 29 ઑગસ્ટ, 2020

બોજો હળવો કરો

બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી. એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણ હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા. 20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ.

20માં માળ પર થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ સરળતાથી આગળ વધી રહ્યા હતા. 40માં માળ પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા. એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય.

60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20 દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા અને 80માં માળ પર આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.” નાનાએ કપાળ પર હાથ દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ રહી ગઇ.”

જીવનમાં પણ કંઇક આવુ જ બને છે પ્રથમ 20 વર્ષ સુધી આપણે માતા-પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ છીએ. 20 વર્ષ બાદ અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી. 40 વર્ષ પછી સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય. આમ કરતા કરતા 60 વર્ષ પુરા થાય પછી વિચારીએ કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું કરવી. જ્યારે 80 વર્ષે પહોંચીએ ત્યારે સમજાય કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન પુરુ થઇ ગયુ.

યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. 80 વર્ષે જે જોઇતું હોઇ એ મેળવવાની શરુઆત 20માં વર્ષથી જ કરી દેવી.

આપ નો દિવસ સુખમય રહે 

વાંચતા રહેજો જ્ઞાન સાથે ગમ્મત

રવિવાર, 9 ઑગસ્ટ, 2020

એજ્યુકેશન સિસ્ટમ અને કોમ્પિટિટિવ પરીક્ષાઓ

આ વીડિયો આપણા ઘર-પરિવાર-સમાજ-દેશનો અરીસો છે! 

ખાટલે મોટી ખોડ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં છે, જે વર્ષો પહેલાં આપણાં બાપ દાદા પારખી ગયેલા! એ આવું કહી ગયા હોવા છતાં આપણે પણ આપણાં બાળકોને 'કિતાબી જ્ઞાન(!)' આપવાની પાછળ જ પડી રહ્યા કે નઈ?? નગ્ન અને વાસ્તવિક સત્ય એ છે કે આપણે બધાં જ આપણું બાળક નાનું હોય ત્યારથી જ એવું સપનું જોઈએ છીએ કે મારું બાળક 'મોટાં સાહેબ' (મીન્સ, નોકર.. યુ નો?) બને!! એ માટે આપણે તનતોડ મહેનત કરીએ છીએ! બાળકને નાનપણથી જ 'બે પુંઠ્ઠા' વચ્ચેનું બધું આવડે એ માટે મોટી ખાનગી ઇન્ટરનેશનલ અંગ્રેજી શાળાઓમાં ભણાવીએ છીએ, મોંઘાદાટ ટ્યુશનો રખાવીએ છીએ! આપણાંમાંથી બહુ ઓછાના બાળકો માતૃભાષામાં ભણતાં હશે જોઈ લેજો!

હું જ્યારે પણ છાપામાં, ટીવીમાં, સોશિયલ મીડિયામાં કોઈ ગરીબ/મધ્યમ/તવંગર કુટુંબના ૨૫ વર્ષનાં યુવાન કે યુવતીને IAS/IPS કે UPSC જેવી એક્ઝામ પાસ કરતાં જોઉં છું ત્યારે એમનાં પર 'પ્રાઉડ' તો થાય જ છે, પણ એક વિચાર આવ્યા વગર રહેતો નથી!! આવી પરીક્ષાઓ પાસ કરવા માટે આવા યુવાનો/યુવતીઓએ ખૂબ જ મહેનત કરી હશે. એ રોજનાં પંદર-વીસ કલાક વાંચતો હશે! ઊંચી ટકાવારી અને 'વિજ્ઞાન'નો વિદ્યાર્થી હોવા છતાં તે બાળક પોતાને ઘરનાં એક ખૂણામાં પુસ્તકોનાં થોથાની વચ્ચે પૂરી દે છે! માં-બાપ પણ એની મહેનતથી ખુશ છે. એને ભણવામાં ખલેલ ન પહોંચે એ માટે એકાંતમાં રાખવાની બનતી મદદ કરે છે! એ નથી સમાજમાં/મિત્રોમાં હળતો-ભળતો, કે પછી નથી ઘરની બહાર નીકળતો! 'ઇન્ફોર્મેટિવ થોથા'ઓની સાથે સાથે 'પોઝિટિવ થીંકીંગ' અને 'મોટીવેશનલ' પુસ્તકો વાંચીને એ UPSC/GPSC/IAS/IPS જેવી કોઈ હાર્ડ એક્ઝામને પોતાની ઉંમરના ૨૫માં વર્ષે જ ક્રેક કરે છે, અને કલેકટર બને છે!

આવી અઘરી એક્ઝામો પાસ કરનાર બધાં જ ટોપરો (થ્રી ઈડિયટના) 'ચતુર' તો હશે જ, પણ એમાં 'રેંચો' કેટલાં હશે?
જેને 'ઘરનાં ખૂણા'ની જ દુનિયા જોઈ છે, એને સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ ચલાવવા આપીએ તો શું થાય?

નાની ઉંમરમાં કલેકટર બની ગયા, એટલે વાહ.. સપનું પૂરું થયું! પોતે અચાનક લાઈમલાઈટમાં આવી 'સ્ટાર' બની ગયો છે! છાપા-મીડિયા-ટીવીમાં આટલી નાની ઉંમરે એ છવાઈ ગયો છે!એનું પોસ્ટિંગ કોઈ સારી જગ્યાએ છે! માં-બાપ ખુશ છે. હવે એની પાસે જે એનું લક્ષ્ય હતું એ છે - "પાવર"! 
બ્રાવો..!

હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે...

જેણે ક્યારેય 'ઘર' સાચવવા/ચલાવવામાં પોતાના માં-બાપની મદદ પણ નથી કરી, એ નાની ઉંમરનાં 'મોટાં બાળક'ને આવી એક્ઝામ પાસ કર્યા પછી આખો 'જિલ્લો' કે પછી, પોતાનો 'ક્રાએટેરિયા' ચલાવવાનો પરવાનો મળી જાય છે! (સમજાય છે?.. નાની ઉંમરમાં 'એડમિનિસ્ટ્રેટિવ અધિકારી' બનવાનાં સપનાં ના-લાયક યુવાનો શું કામ જોતાં થઈ જાય છે?? ઘરમાં બેઠેલાં 'નવરાં'ઓ ગર્વથી એવું શું કામ કહેતા હોય છે, 'કોમ્પિટિટિવ એક્ઝામ'ની તૈયારી કરું છું??!! કેમ કે એ જાણે છે કે, 'જો એ પાસ થઈ ગયો તો 'શૂન્ય' પ્રેક્ટિકલ અનુભવે એ 'મોટો સાહેબ' બનશે!! 'ક્ષેત્ર-અનુભવ'નું અહીં કોઈ મહત્વ છે જ નહીં! સિસ્ટમમાં 'સાલું' ક્યાંક તો કશુંક ખૂટે છે!)

જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ'  રેંચો બનશે તો લોકોનું 'ભલું' કરવાં કોઈ લાલચુ નેતાની સામે પડીને પણ કામ કરશે.. બિલકુલ પ્રામાણિકતાથી! ..અને આવા નેતાની સામે પડવા બદલ સતત 'બદલીઓ'નો પુરસ્કાર અને લોકોનો આદર-પ્રેમ મેળવશે! એ એવો અધિકારી ક્યારેય નહિ બને કે જે કોઈનાં માતાપિતાને રાહ જોવડાવ્યા બાદ 'સડસડાટ' જતો રહે! 'ડાઉન ટુ અર્થ' રહીને 'ગ્રાઉન્ડ રિયાલિટી'ને આધારે પોતાનાં નિર્ણયો લેશે!

પરંતુ.. જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ' ચતુર નીકળ્યો તો..???

'ઇન્ફોર્મેટિવ થોથા' વાંચીને 'મોટા સાહેબ' બનેલાં આ યુવાને 'ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી/પુસ્તકોની બહારની દુનિયા જોઈ જ નથી! પોતાને 'થ્રી ઈડિયટ'ના 'રેંચો' માનતા આવાં 'ચતુરો' ચોર નેતાઓને એ જ દેખાડે છે, જે એ જોવા માંગે છે! ..અને એમની 'ગુડબુક'માં રહે છે! આ નેતાઓ પણ કેવા? અભણ હોય તો ય ચાલે! હું ખેડૂત નથી, તોય કૃષિમંત્રી બની શકું એવું જ કંઈક!! (એક માણસ પોતાની ભૂખ મટાડવા બીજા માણસના મરવાની રાહ જોતો એની બાજુમાં બેઠો હોય, એવો ભયંકર દુષ્કાળ જ્યારે અમુક સો વર્ષો પહેલાં ચીનમાં પડયો હતો, ત્યારે ચીનના તે સમયના રાજાને નવાઈ લાગતા કહેલું, "આ લોકો માણસને શુ કામ ખાય છે? માણસની જગ્યાએ મુરઘીનો સેરવો કેમ નથી પીતાં?!!" એ રાજા એટલી પણ ગ્રાઉન્ડ રિયાલિટી નહોતો સમજતો, કે જ્યારે કોઈ જાનવર જ બાકી ન રહ્યું હોય, ત્યારે જ લોકો એકબીજાને જ ખાવાના ને!! અંતે, એ રાજાએ લોકો પોતાનાં સંતાનોને વેચી શકશે, એવો ઠરાવેલું! ..જેથી લોકો (સેરવો!!) ખાવા પામી શકે! સંદર્ભ: માર્ચ ૨૦૨૦ સફારી!)

આ નાની ઉંમરના 'મોટાં સાહેબ' પાછાં 'ઉછળતું લોહી' હોઈ, પોતાનાં નિર્ણયોની સામે કોઈ વિરોધ કરે તો..? રિયાલિટી સમજ્યા વગર જ 'કડક હાથે પગલાં' લે! કારણ કે એણે નાનપણમાં 'મોટાં સાહેબો'ને આવાં જ 'ભાવ' ન આપતાં જોયાં છે! આવાં 'ચતુરો'નો વિરોધ કરવાં કરતાં 'ખોટું' કરવું સારું, એવું માનનારા વધે છે! પરિણામે કોઈ પણ કાર્ય, માત્ર ને માત્ર, 'પરિણામ લક્ષી' બને છે, 'વાસ્તવિક લક્ષી' નહિ! ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી સામે આંખ આડા કાન થાય છે. મતલબ કે, મારા દીકરી 'ઓનલાઈન' શિક્ષણ લઈ શકે છે, એટલે બધાં જ લોકો લઈ શકે, સમથિંગ એવું જ! હું ૨૦૦૦૦ નો ફોન રાખી શકું તો બધાં રાખી જ શકે.. એવું જ કંઈક! પોતાની આવક કરોડોમાં છે એટલે ગરીબ-મધ્યમવર્ગના લોકોની આવક ૬૦૦૦૦૦ ની ઉપર જ હોય એવું જ કંઈક!! મારુ પેટ ભરેલું છે, એટલે કોઈ ભૂખ્યું નથી એવું જ કંઈક!! પરિણામે સતત નિર્ણયો બદલાતા રહે, કોઈ કામ સ્થાયી થાય જ નહીં! પરિપત્રો 'નિર્ણય' નહિ, પણ 'પ્રયોગ' બને! પોતાનાં તુઘલખી નિર્ણયોને સાચા સાબિત કરવા 'પરિપત્ર પર પરિપત્ર' અને 'પાવર'નો ઉપયોગ થાય, અને પીસાય કોણ? કહેવાની જરૂર ખરી??!!

ક્લાસ વન એકઝામની તૈયારી કરતા 21 થી 25 વર્ષના યુવકો/યુવતીઓ, દિવસના બાર-પંદર કલાક વાંચવા માટે પોતાને ઘરના એક રૂમમાં બંધ કરીને, જયારે GPSC/UPSC જેવી એક્ઝામો પાસ કરે છે અને કોઈ મોટા હોદ્દા પર બેસે છે ત્યારે એમને સામાન્ય પ્રજાજનો/કર્મચારીઓ/પોતાના વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો શું ખ્યાલ હોય? જે હજી પરણીને ઘર ચલાવતા નથી થયા એમને પોતાના 'ક્રાયેટેરીયા' વિસ્તાર ચલાવવાનો શું અનુભવ હોય? 'યુવાનીનું ઊછળતું લોહી' પોતાના 'પુસ્તકિયા જ્ઞાન'ના જોરે એ.સી. ઓફિસમાં બેસીને 'બ્યુરોક્રસી' હેઠળ કોઈ અભણ નેતાની ઈચ્છાઓને પૂરી કરવા વાસ્તવિક દુનિયામાં એવા અવાસ્તવિક અને તુઘલખી નિર્ણયો લેતા હોય છે કે જેનાથી સામાન્ય પ્રજાજનોની કમ્મર ભાંગી જાય છે!! ..અને 'વિવેક' 'પ્રમાણિકતા' 'સત્ય' અને 'નિષ્ઠા' માત્ર કાગળ પર રહી જાય છે!! વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા.. જ્યાં વર્ષોના અનુભવીઓ નહિ, પણ 'પુસ્તકિયા જ્ઞાની'ઓ મોટા હોદ્દા પર બેસે છે, અને 'નહીવત ભણેલાં' મંત્રીઓ બને છે!

ગધેડાના લીલા ચશ્માં

પંજાબમાં એક ભાઈ જોડે એક ગધેડો હતો. પંજાબી ભાઈ એને રોજ લીલું ઘાસ આપતો.

થોડા સમય પછી પંજાબી ભાઈને આર્થિક કટોકટી આવી એટલે એ ગધેડો વેચવો પડ્યો. એ ગધેડો એક ગુજરાતી ભાઈએ ખરીદ્યો.

પંજાબી ભાઈએ કહ્યું હતું કે મારો ગધેડો ખૂબ મહેનત કરે છે. તમને ખૂબ કામ આવશે. એટલે ગુજરાતી ભાઈ તો ખૂબ રાજી હતો. 

ગુજરાતી ભાઈ ગધેડાને લઈ આવ્યો એ જ દિવસથી કામ ચાલું કરી દીધું. આખો દિવસ ગધેડા જોડે કામ કરાવ્યું. ગધેડો ખરેખર મહેનતુ હતો. એણે પણ હોંશેહોંશે કામ કર્યું. 

સાંજ પડી એટલે ગુજરાતી ભાઈએ ગધેડાને પુળા ( સૂકું ઘાસ ) આપ્યું. તો ગધેડે એ ન ખાધું.

ગુજરાતી ભાઈએ પંજાબી ભાઈને ફોન કર્યો કે આ ગધેડો તો સૂકું ઘાસ નથી ખાતો. અમારે અહીં લીલું ઘાસ ક્યાંથી લાવવું.

પંજાબી ભાઈએ કીધું કે એક કામ કરો ગધેડાને લીલા રંગના ચશ્મા પહેરાવી દો.

બસ પછી તો ગુજરાતી ભાઈએ ગધેડાને લીલા રંગના ચશ્મા પહેરાવી દીધા અને ગધેડો સૂકા ઘાસને લીલું સમજીને ખાવા લાગ્યો.

આ વાત મને હમણાં જ રાજુભાઈએ કહી છે. મેં પૂછ્યું કે અહીં ગધેડો અને ચશ્માં જેના પ્રતીક છે એ બધાને સમજાશે ખરા?

તો રાજુભાઈએ કહ્યું કે ગધેડા નહિ હોય એમને સમજાઈ જશે.

😉😉😉😉😉 

-વિકી ત્રિવેદીની વોલ પરથી
https://m.facebook.com/story.php?story_fbid=1973629572772944&id=100003777606046


હાલો ત્યારે જય માહિસમતી 😉✌️

શુક્રવાર, 31 જુલાઈ, 2020

તન્વી આંગળવાડીમાં જય છે 1.8.18

સાડા ચાર વર્ષે આજથી શુભ શરૂઆત!!

*****

"કઈ સ્કૂલમાં જાય છે??"
"તમે હજુ સુધી તન્વીને સ્કૂલમાં નથી મૂકી??"
"ક્યારે સ્કૂલમાં મૂકશો??"
"નર્સરીમાં મૂકી દેવાય, ત્યાં જતી થશે તો સ્કૂલમાં પણ બેસશે.."

અઢળક સવાલો અને સલાહો!! 
હાલ આપણા સભ્ય સમાજમાં એક ટ્રેન્ડ છે કે બાળક અઢી/ત્રણ વર્ષનું થયું નંઇ કે તરત નર્સરીમાં મૂકી દેવું! એને ત્યાં જવું ના ગમતું હોય તોય ધરાર બધાનાં બાળકો જાય છે એટલે આપણે પણ ત્યાં મોકલવાનું?!! ..પછી ભલેને એ રડતું હોય!! આ કેવું?? મહ્દઅંશે તો એવું જ લાગે છે કે દેખાદેખી અને ઈર્ષામાં જ આ 'કુંમળા છોડ'નો 'નર્સરી'માં ભોગ ચડાવાય છે!! ...અથવા તો આ 'તોફાની'થી ત્રણેક કલાક બચવાનો એક ઉપાય એટલે 'નર્સરી'!!

ઠીક છે, પણ બધાં કરતાં હોય એટલે આપણે પણ કરવું જરુરી તો નથી!! વળી, શિક્ષક હોવાને નાતે જાણું છું કે સાવ નાની ઉંમરમાં સ્કૂલનો ઓટલો ચડાવવો યોગ્ય નથી, એટલે છેક સાડા ચાર વર્ષે આ શુભ દિવસ આવ્યો!! તન્વીબેન હવેથી આંગણવાડીમાં જશે!! તન્વીબેનને ભણવાની અને અમને ભણાવવાની સહેજેય ઉતાવળ નથી, એટલે નર્સરી કરતાં આંગણવાડી ઉપર જ પસંદગી ઉતરી છે!! બસ, આ જ ઉંમર છે.. ખાઓ અને મોજ કરો, બીજું શું વળી!!