સોમવાર, 12 નવેમ્બર, 2018

“તમે તો સાહેબ કહેવાવ, તમારી પાસે થોડી પૈસાની તાણ હોય!!”

પ્રકરણ ૧

“તમે તો સાહેબ કહેવાવ, તમારી પાસે થોડી પૈસાની તાણ હોય!!” 

થોડા દિવસ પહેલા મારી જુનાગઢ (હાલ ગીર-સોમનાથ) જીલ્લાની જૂની શાળાના ગામનાં એક રહેવાસીભાઈનો મારા પર ફોન આવ્યો. અજાણ્યો નંબર જોઇને પહેલા તો મેં ફોન જ ના ઉપાડ્યો.. પણ પછી ફોન ઉપાડી ‘હેલો..’ કર્યું.

“હા, સાહેબ.. ક્યાં છો?”

“કોણ??” મેં પૂછ્યું.

“એ હું.. વેળાકોટથી –આતા બોલું. એ કેમ છો સાહેબ?”

-આતાનો અવાજ સંભાળીને પહેલાતો હું કશું જ ના બોલ્યો, પણ પછી કંટાળા સાથે કહ્યું, “બોલો –આતા..”

“શું તબિયત-પાણી મજામાં ને?”

“હા હા.. બોલોને.. શું કામ હતું?” મેં બહુ ભાવ ના આપ્યો!

“ઘરના બધા?.. મારા બેનને બધા મજામાં તો છે ને?..” એમણે પાછો ખોટેખોટો આનંદ બતાવતા પૂછ્યું.

“બોલોને –આતા, શું કામ છે? અત્યારે હું ચાલુ બાઈકે છું..” ઝડપથી વાત પતાવવા માંગતો હોઈ હું ઉતાવળે ઘરની બહાર નીકળ્યો.. જેથી રોડ પરથી પસાર થતા વાહનોના અવાજો એને ફોન પર સંભળાય..!

“તમે અત્યારે કામમાં હોવ તો હું પછી વાત કરું..” –આતાએ જુઠી સંવેદનશીલતા બતાવી.

મેં ફરી ઉતાવળ કરી કહ્યું, “નઈ નઈ.. અત્યારે જ બોલો, જે કામ હોય એ.. હું સાંભળું જ છું.. બોલો..”

“હા.. તો.. એમાં એવું છે ને કે.. દીપિકા નઈ?.. તમારા વર્ગમાં ભણતી’તી એ..??...” (છોકરીનું નામ મેં બદલ્યું છે)

“હા..હા..”

“...એના લગન જેની સાથે કર્યા છે ને.. એ અમારા જમાઈ કાલે અમદાવાદ આવવાના છે..

...આ સંભાળતાની સાથે જ હું સમજી ગયો કે છેલ્લા ચાર વર્ષથી જેણે ક્યારેય ફોન સુધ્ધાં નથી કર્યો એને આમ અચાનક જ કેવી રીતે મારી યાદ આવી ગઈ??.. છતાંય આમન્યા જાળવી મેં પૂછ્યું, “હાં  તો..?”

“..તો એ, કાનો (દીપિકાનો ભાઈ) અને એમના બે-ત્રણ દોસ્તો બધા કાલે અમદાવાદ ખરીદી કરવા આવવાના છે, તો.. તમે થોડો ટાઈમ કાઢીને એમની સાથે રહેજો ને.. એમાં એવું છે ને તમે સાથે હોવ તો થોડા ઓછા છેતરાય, એમ..!!”

એ લોકો છેતરાશે જ.. એવો એમને ચોક્કસ વિશ્વાસ હતો, એટલે મને થોડું હસવું આવ્યું!.. પણ તરત જ હસવું ખાળી મેં મારી બહાનાબાજી ચાલુ કરી, “હાં..હા.. ચોક્કસ રહેતો.. પણ એમાં એવું છે ને કે.. કાલે મારે ગાંધીનગર એક મીટીંગમાં જવું પડે એમ છે એટલે.. મને એવુ લાગે છે કે મેળ નહિ પડે..!!”

“સાંભળો સાહેબ.. એ બધા આજે રાતે નીકળવાના છે. સવારે ત્યાં આવી જશે.. તમે ના આવવાના હોવ તો કોકને મોકલજો ને એમની સાથે.. એમાં એવું છે કે કોક એમની સાથે હોય તો બિચારા ભૂલાય ના પડે અને પૈસાય ઘટે તો એમને વાંધો ના આવે ને?.. સમજ્યા તમે?.. તમે તો એમના સાહેબ કહેવાવ ને?! તમારી પાસે થોડી પૈસાની તાણ હોય?!”

.......હવે તીર બરાબર નિશાના પર લાગ્યું!! હું જાણતો જ હતો કે શું કામ હતું, અને શા માટે આ –આતાએ આટલા વર્ષે યાદ કર્યા છે??.. મારા દિમાગમાં અંદાજે દસેક વર્ષ પહેલાની વાત તાજી થઇ ગઈ!! 

દસેક વર્ષ પહેલા વેળાકોટ ગામ સજાવાળું ગામ તરીકે વગોવાયેલું હતું! અમુક કર્મચારીઓની સજારૂપે આ ગામમાં બદલી પણ થયેલી! કોઈ શિક્ષક ત્યાં રહેતું ના હતું. બધા જ આજુબાજુના ગામડામાંથી અપ-ડાઉન કરતા હતા, પણ મેં ત્યાં રહેવાનું સાહસ કરેલું!! અંદાજે સાડા ત્રણસો મકાનોવાળું ગામ, પણ એકેયના ઘરે સંડાસ નહિ!! બધા બહાર જ જાય.. અને જે વ્યક્તિ પહેલેથી જ અમદાવાદ જેવી સિટીમાં રહી હોય એને બહાર જવાનું ફાવે એમ નહતું, એટલે મેં શાળાના સ્ટોરરૂમમાં રહેવાનું શરુ કરેલું, જેથી શાળાના પ્રાંગણમાંની સુવિધાઓ વાપરી શકાય!!

એક આડવાત- એ જ સાંજે શાળા છૂટ્યા પછી ગામના ધંધાવાળા(!!) રોજની જેમ શાળાના મેદાનમાં આવી ધંધો શરુ કરેલો!! ..એમને જોઈને ડરી ગયેલો હોવા છતાં થોડી હિંમત રાખી એમને કહી દીધેલું કે, “આજ પછી અહી આવતા નઈ..!!” ગામડાઓની શાળાઓમાં શિક્ષકોનું હજુયે ઘણું માન છે. એ લોકો ત્યારપછી ક્યારેય શાળાના મેદાનમાં ડોકાયા ન હતા!! વળી, કોઈ પીધેલી હાલતમાં દેખાઈ જાય તો તરત જ સામેથી કહી દે, “માસ્તર.. આજે રહેવા દેજો.. બોલાય એવી હાલત છે નઈ..!!”

થોડા દિવસ પછી રાતે જમીને બહાર ઓટલા પર એકલો બેઠેલો, ત્યારે આપણા –આતાની દીપિકાએ આવીને કહ્યું, “સાહેબ, મારા બુપા (-એટલે કે, પપ્પા!!) તમને બોલાવે છે.”

મેં સંમતિ દર્શાવી. થોડીવાર પછી ત્યાં બેસવા ગયો. –આતા સાથે ઠીકઠાક વાતચીત થઇ. એટલામાં સંગીતા ચા લઇ આવી! ‘ચા’ પીધા પછી આતાએ ખરી વાતચીત શરુ કરી!

“પગાર તો સારો એવો હશે નઈ.. તમારો??”—આતાએ વાતની શરૂઆત કરી!

“ક્યાંથી સારો? ૨૫૦૦ રૂપિયા છે!..” મેં ચહેરો હસતો રાખી થોડી નિરાશાથી કહ્યું, “..આટલામાં ગીરગઢડામાં (ગામનું તાલુકા સ્થળ!) પૂરું નહતું થતું, એટલે તો અહી રહેવા આવવું પડ્યું!”

“અહી ગામડામાં તો તમારી પાસે પૈસા બચતા હશે નઈ? એટલો બધો ખર્ચો તો અહિયાં ના હોય ને?” –આતાની વાતોમાં રહેલી ચાલાકી સમજવા પુરતો હું સક્ષમ નહતો!

“બચે તો ખરા! ..પણ એટલાય નઈ!” મેં હસતા મોઢે કહ્યું.

“સાહેબ એમાં એવું છે ને કે..” –આતાએ ‘ચા’ પાઈને એની કિંમત વસુલવાનું શરુ કર્યું, “..મારે અત્યારે પૈસાની બહુ જરૂર છે, અને ઘરમાં અત્યારે બિલકુલ પૈસા છે જ નઈ.. તમે થોડી મદદ કરી દો તો..” –આતા ગરીબડું મો કરી અટકી ગયા! 

...આમેય નાનપણથી જ ગામડામાં રહેતા લોકો હમેશા ગરીબ જ હોય છે, એવું સિટીમાં રહેનારા મારા જેવા લોકોના મનમાં આવી માન્યતા દ્રઢપણે ઘર કરી ગઈ હોય છે!.. એટલે મેં વિના સંકોચે –આતાના નામે ત્રણસો રૂપિયાની બલી ચડાવી દીધી! ત્યારબાદ તો આ લગભગ રૂટીન જ બની ગયું હતું કે, જયારે –આતા સામેથી ‘ચા’ પીવા બોલાવે ત્યારે આ પરાણે પાયેલી ‘ચા’ની કિંમત વસુલે જ!! આમ કરતા-કરતા આ ‘માનસિક’ગરીબડા –આતાએ મારી પાસેથી એમની પાયેલી ‘ચા’ના ધીમે-ધીમે કરીને અંદાજે ત્રણેક હજાર રૂપિયા ઉસેટી લીધેલા!!

એક દિવસ તો હદ થઇ! દીપિકાના ભાઈ કાનાના લગનના ફુલેકા વખતે આ ગરીબ –આતાએ દસ-દસની નોટોના બંડલની છોળો ગામ આખામાં ઉછાળેલી!! ..અને હું ચોંકી ઉઠેલો! મેં તરત જ અમારા આચાર્યને આ વાત કરી તો એમને મને ચેતવ્યો કે આના ઘરે બહુ નઈ જવાનું!! એણે અમારા આચાર્યના પણ ઘણા રૂપિયા ઉસેટેલા!! 

...થોડા દિવસ પછી કચવાતા મને મેં એમની પાસે મારા બાકી નીકળતા પૈસાની માંગણી કરી ત્યારે એમણે ‘ખંધુ’ હસતા કહેલું, “તમે તો સાહેબ કહેવાવ, તમારી પાસે થોડી પૈસાની તાણ હોય!!” 

દસેક વર્ષ પહેલા થયેલા આ અનુભવથી હું ઘણું શીખેલો! પરિણામે –આતાના આવેલા ફોનથી જ હું સમજી ગયો હતો કે એમને મારે કોઈપણ સંજોગોમાં મદદ કરવાની નથી!! મેં એમને ટાળવા માટે તરત જ કહ્યું, “હા.. લ્યો તો જોઈશું હો.. કાનો અને જમાઈ અમદાવાદ પહોચે તો એમને કહેજો કે મને ફોન કરે..!!”

“તમારી પાસે એનો ફોન નંબર તો છે ને??” –આતાએ પૂછ્યું.

“ના.. મારી પાસે નંબર તો નથી.. એક કામ કરો ને.. મને એ નંબર પરથી એક મિસકોલ મારી દો ને.. એટલે હું સેવ કરી લઉં..!!” મેં કહ્યું.

“સારું..સારું.. હું કાનાને કહી દઉં છું કે તમને એક મિસકોલ મારી દે!!” –આતા ઉત્સાહમાં આવી ગયા!

......ત્યારબાદ ઔપચારિક વાતો કરી મેં ફોન મુક્યો! થોડીવારમાં એક મિસકોલ આવ્યો. મેં તરત જ આ બંને નંબર બ્લેકલીસ્ટમાં નાંખી દીધા!!

લ.તા. ૨૬/૦૬/૨૦૧૭


  

અહમ ઘવાય ત્યારે..!!



અહમ ઘવાય ત્યારે..!!

હું ગઈકાલેજ એ અધિકારીની ઓફિસે ગયો. એમની એસ.એસ.એ. ના અધિકારીઓ સાથે મીટીંગ ચાલતી હતી. એટલે હું બહાર ઉભો રહ્યો. લગભગ અડધી કલાક જેવું થયું હશે, ત્યાં એ અધિકારીએ મીટીંગ પતાવી, ઓફીસ બંધ કરવા માંડી. એટલે મારી જેમ એ અધિકારીને મળવા માટે બીજા બે જણા ઉભા હતા. એમાંથી એક જણ તુરંત જ અંદર ગયો. અને એના હાથમાં જે હસ્તલીખિત અરજી હતી, એ જોઇને આ અધિકારી ભડક્યા. એક તો એ બરાબર લખાયેલી જ ના હતી. અરજીની શરૂઆતમાં ના તો એણે પોતાનું નામ કે હોદ્દો લખેલો હતો કે ના બીજું કઈ!! સીધું જ ‘પ્રતિ’ કરીને એને લખેલું ‘આ.શિ.શાસનાધિકારી સાહેબ’!! ...અને આ સાહેબ ભડક્યા!! 

પેલાને તતડાવતા ગુસ્સામાં કહ્યું, “આ શું લઈને આવ્યા છો તમે? પોતાની જાતને બહુ સ્માર્ટ સમજો છો? નથી તમારું નામ લખ્યું, કે નથી તમારો હોદ્દો લખ્યો? કઈ ખબર પડે છે તમને કે અરજી કેમ લખાય? ...અને આ શુ લખ્યું છે? આ.શિ.શાસનાધિકારી એટલે શું? બોલો તો..”

પેલો ગેગેફેગે થઇ ગયો. અને કહ્યું, “આ.. એટલે આસીસ્ટન્ટ અને..”

પેલા અધિકારી વધુ ભડક્યા, “..અને આ ‘શિ’ એટલે શું? હું શિક્ષક છું કઈ? બોલો તો.. ‘શિ’ એટલે શું?”
પેલો ભાઈ ચુપચાપ ઉભો રહ્યો!!

આપણા અધિકારી સાહેબ ગુસ્સામાં સમસમી રહ્યા! અને એ કાગળ વાંચ્યા વગર જ કહ્યું, “જાઓ.. જતા રહો.. હું જોઈ લઈશ તમારું જે કામ હશે એ..” અને આટલું બોલી પેલું કાગળ ટેબલ પર જ મૂકી દીધું.

મને આશ્ચર્ય થયું!! આ અધિકારી પોતાની જાતને એક શિક્ષક સમજવામાં પણ શું ‘નાનપ’ અનુભવતા હશે?? પ્રથમ તો એ શિક્ષક જ છે ને?? ..પછી એ એક અધિકારી છે!! મારો પ્રશ્ન ત્યાં નથી કે પેલા ભાઈએ એમનું સંબોધન ખોટું કર્યું, મને તો એ પણ ખબર નથી કે પેલા ભાઈ શિક્ષક હતા કે નહિ?  ..પ્રશ્ન ત્યાં છે કે આપણા આ અધિકારીએ જે રીતે એને ગુસ્સામાં પૂછ્યું કે ‘આ ‘શિ’ એટલે શું? હું શિક્ષક છું કઈ?’ સંભાળીને જ થોડું આશ્ચર્ય થયું, કેમકે કાં તો આ અધિકારી અભિમાની છે, અથવા તો એ પોતાની જાતને ‘શિક્ષક’ સમજવામાં નાનપ અનુભવતા હશે!! છોડો, જે હોય એ.. પણ હવે મને ખાતરી હતી કે...(???????)

હવે મારો વારો હતો..

મને જોઇને એ તરત જ બોલ્યા, “તમારું તો પેલી રજા જમા કરાવવાનું કામ છે ને? આ રજા કોને જમા કરવાની છે?”

આડવાત: છેલ્લા તેર મહિનાથી (યસ.. તેર મહિના!! એક વર્ષ અને માથે એક મહિનો!!) હું મારી સી.આર.સી. કો ઓર્ડી. તરીકે વેકેશનમાં કામ કર્યા બદલની રજા સર્વિસ બુકમાં જમા કરાવવા માટે રીતસરની જહેમત ઉઠાવી રહ્યો છું. ઓફિસમાં જેને આ રજા જમા કરવાનું કામ કરવાનું છે એ ભાઈને હું રૂબરૂ રીતસરનો કરગર્યો છું, કેટલીય વાર ટેલીફોનીક વાતચીત પણ કરી ચુક્યો છું, પણ બધું જ નિરર્થક રહ્યું છે!! ઓફિસોમાં જવું હવે બેકાર છે એમ લાગતા.. હું ઓ.આઈ.સી.ટી.ટી., યુ.આર.સી.અને અનુભવી હોય એવા સી.આર.સી.ની પણ મદદ માંગી ચુક્યો છું. પણ બધું જ નકામું ઠર્યું!! છેલ્લે મારી પાસે એક જ ઓપ્શન બાકી રહ્યું હતું કે હું એસ.એસ.એ. ના અમારા ઇન્ચાર્જ વડા એવા આ સાહેબને રૂબરૂ મળું..!! આ સાહેબને પણ હું ત્રણ થી ચાર વાર આ બાબતે રૂબરૂ મળી મૌખિકમાં વિનંતી કરી, છેલ્લે લેખિતમાં પણ વિનંતી કરી, છતાંય કામ ના થયું!! ..એટલે એમણે મને એમ કહ્યું કે ‘મને તમે મેસેજ કરતા રહેજો જેથી મને ‘યાદ’ રહે..!!’ મેં એમને આ બાબતે મેસેજ પણ કર્યા છતાંય કામ ના થયું!! ..એટલે હું પાછો લેખિતમાં વિનંતી અને યાદીપત્ર (નમ્ર યાદીપત્ર!!) લઈને એમની પાસે આવ્યો હતો, અને એમને મને જોતાની સાથે જ સૌથી પહેલો જ સવાલ પૂછ્યો ‘આ રજા કોને જમા કરાવવાની છે!!'(??)

પહેલા તો હું થોડો ચુપ રહ્યો, પણ પછી કહ્યું, “સર, મુખ્ય ઓફિસે ફલાણાભાઈને જમા કરવાની છે.”

“શું કહે છે એ?”

દર વખતે એકનો એક સવાલ સાંભળીને હું કંટાળ્યો હતો. પણ કંટાળાને એકબાજુએ રાખી મેં કહ્યું, “એ ના પાડે છે.”

એ અધિકારી આ દરમિયાન મારું નમ્ર યાદીપત્ર(!!) પાના ફેરવી-ફેરવીને જોઈ રહ્યા હતા!! ..અને ત્રીજા નંબરના પાના પર આવીને એ અટકી ગયા.. અને એને ધારી-ધારીને જોયા પછી એમના ચહેરા પર ગુસ્સાની લકીરો અંકાઈ ગઈ!! એમણે ગુસ્સામાં પૂછ્યું, “આ શું છે?”

આડવાત: આ નમ્ર યાદીપત્રમાં મેં સૌથી પહેલા મારી અરજી મુકેલી.. પછી સૌથી પહેલી વખત મેં જે અરજી આપેલી એની કોપી મુકેલી, અને પછી ત્રીજા પાને મેં એમને જેટલા મેસેજ કર્યા હતા એના સ્ક્રીનશોટનું  પ્રિન્ટઆઉટ મુકેલુ, એ પણ માત્ર એમના રેફરન્સ માટે!! આપણા સાહેબ આ સ્ક્રીનશોટ જોઇને ભડકેલા!!

“સાહેબ તમે કીધું હતું કે મને મેસેજ કરીને યાદી અપાવજો, તો એ બાબતે મેં તમને જે યાદી કરાવેલી, એ છે!!”

“તમે મારા મનમાં તમારી જે છાપ હતી, એ ભૂંસી રહ્યા છો. હું તમને એક સારા વ્યક્તિ તરીકે ગણતો હતો અને તમે મારા વિરુદ્ધ આવા મેસેજોની પ્રિન્ટ કઢાવીને એવીડેન્સ તરીકે મુકો છો કે તમે મને કેટલીવાર યાદી અપાવી??”

હું સડક થઇ ગયો! મેં માત્ર રેફરન્સ માટે આ પ્રિન્ટઆઉટ મુકેલી, જેથી એ પેલા રજા જમા કરાવવાવાળા ભાઈને જોર કરીને મારી રજા જમા કરાવવાનું કહી શકે, નહિ કે આ અધિકારી વિરુદ્ધ એવીડેન્સ તરીકે!! વળી, મારા અનુભવે મેં જોયું છે કે આ અધિકારી માત્ર કાગળકામને જ ગણકારે છે, એટલે મને એમ હતું કે એ મને આવું યાદ કરાવવાનું કહેશે, એટલે એમની યાદી માટે મેં આવી પ્રિન્ટઆઉટ મુકેલી!!

“સર, એક વર્ષ અને માથે એક મહિનો થયો. તેર મહિનાથી મારું આ કામ થતું નથી એટલે મેં ખાલી તમારી યાદી માટે આ મુક્યું છે. તમારા વિરુદ્ધ...”

મારી વાત વચ્ચેથી જ કાપતા એ બોલ્યા, “દસ-દસ વર્ષથી લોકો ધક્કા ખાય છે, તોય કોર્પોરેશનમાં એમનાં કામ નથી થતા!! હું તમારી વાત સંભાળું છું તો એમાં મારો વાંક શું??”

“સર, એવું નથી. છતાંય તમને ખોટું લાગ્યું હોય તો હું માફી માંગું છું. સોરી!!” મેં માફી માંગી.

“હવે તમે આ કામ તમારી જાતે જ કરાવી લેજો. અને આજ પછી તમારું કોઈ કામ લઈને અહી આવજો. જોઉં છું કેવી રીતે તમારું કામ કરું છું??” એ અધિકારીએ ભડકીને ઓફિસનો દરવાજો બંધ કરી દીધો!!

પછી જે થયું, એ લખવાનો મતલબ નથી, કેમકે મેં રીતસરના એમની પાસે ચાર થી પાંચ વખત માફી માંગી, ‘સોરી’પણ કહ્યું. એ કશું બોલ્યા વગર, ઇવન મારી સામે જોયા વગર જ પોતાની કારમાં બેસીને ત્યાંથી જતા રહ્યા!!

મને એવું લાગે છે કે મેં એમનો ‘ઈગો’ અજાણતાજ હર્ટ કરી દીધો હતો!! કદાચ કોઈ બાબતે મારાથી એમની દુઃખતી નસ દબાઈ ગઈ હતી!! કારણ કે એ જે રીતે હર્ટ થયા હતા, એ જોઇને મને એવું લાગે છે કે કદાચ એમને પેલા રજા જમા કરવાવાળા ભાઈને સુચના આપી હોવા છતાં એણે આમની વાત માની નથી, અને વળી હું પાછો આવા યાદીપત્રો લઈને એમની પાસે ગયો હોવો જોઈએ!! વળી, આખા કોર્પોરેશનમાં આ અધિકારીની છાપ એવી છે કે એમની પાસે જાઓ તો એ આપણું કામ ચોક્કસ કરાવી આપશે! એક સારા, કડક અને કામચોર શિક્ષકોને કામ કરતા કરનાર અધિકારી તરીકેની એમની જે છાપ મારા જેવા ઘણા શિક્ષકોના મનમાં છે, એ મારા આવા યાદીપત્રોને કારણે ધોવાઇ હોવાનો પણ એમને આંતરીક ડર હોવો જોઈએ!! આ ઉપરાંત, એ પણ બની શકે કે મારાથી ખરેખર જે થયું એને કારણે પણ આ ગુસ્સો હોઈ શકે!!

માનો કે મારા જેવો જ પ્રોબ્લેમ કોઈ પોલીટીકલ પાર્ટી સાથે સાંઠ-ગાંઠ ધરાવતા વ્યક્તિને અથવા તો ગુંડાગર્દી વાળા શિક્ષકને હોત, તો એનું કામ આટલું અટક્યું હોત?? શું આ જ આપણા અધિકારી આવા વ્યક્તિને અરજી લખતા ના આવડતી હોત તો એના પર એવી રીતે, સેમ જ, ગુસ્સે થયા હોત?? હું જાણું છું કે એવા ઘણા અધિકારીઓ અને પોલીટીશીયનો છે જેમને કશુંયે આવડતું ન હોય કે ખબર સુધ્ધાં ના પડતી હોય છતાંય એની પગચંપી નથી કરવી પડતી??... આપણાથી નાના અને નબળાં પર કોણ જોર નથી અજમાવતું?.. અને એમાંય શિક્ષક જમાત હોય તો..?? ..બધાને ચડી બેસવાની મજા પડે છે!!


છોડોને.. જે હોય એ.. અને જે થયું એ..!! મને એવું લાગે છે કે આપણે સૌએ, આપણે કોઈ એવા હોદ્દા પર હોઈએ કે જેનાથી આપણે કોઈનું કામ કરી શકતા હોઈએ, તો એ કામ તરત જ કરી નાખવું જોઈએ! ઈશ્વરે કેટલો ભરોષો રાખીને આપણને આ માટે પસંદ કર્યા હશે? શક્ય છે કે મારી સાથે જે થયું, એ મેં કોઈ બીજાની સાથે આવું કર્યું હશે એનો બદલો મળ્યો હોય!! 

અત્યારે હાલને હાલ જ હું ઈશ્વરને મારા હૃદયથી પ્રાર્થના કરું છું કે જો મેં આવું કોઈની સાથે કર્યું હોય તો મને નાદાન ગણી મારી એ ભૂલની મને ક્ષમા આપે! મારે બીજું કશું જ ખુલાસો કે સ્પષ્ટતા નથી આપવું, બસ, મેં જેની સાથે આવું કર્યું હોય એની પાસેથી હું ક્ષમા માંગું છું!! ઈશ્વર મને એ ગુના માટે માફ કરે!! 

બુધવાર, 31 ઑક્ટોબર, 2018

જો સરદારદાદા અત્યારે જીવતા હોત તો...??

આજે સરદાર જયંતિ છે. આપણા લોકલાડીલા (..અને મારા પણ!! કારણ કે લોકલાડીલાનો મતલબ બધાના ગમતા હોય એ જરૂરી નથી!) નેતા વલ્લભભાઈ પટેલનો બર્થડે! સરદાર સરોવર ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી ઊંચા પૂતળાનું આજે લોકાર્પણ થવાનું છે! બધી જગ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચાઓ છે. વિશ્વનું સૌથી ઊંચું પૂતળું ગુજરાતમાં છે, અને એ પણ સરદારદાદાનું!! કયા ભારતીયની છાતી ગજ-ગજ ના ફૂલે?? અંદાજિત 3000 કરોડનો ખર્ચો થયો છે. શું કામ છાતી ગજ-ગજ ના ફૂલે ભાઈ?? મને તો બહુ ગમ્યું!! ભારત દેશની શાન સમું આ પૂતળું રહેશે, એમાં શંકા નથી!

સાચું કહું તો ગમ્યું તો છે, પણ મનમાં એક સવાલ પેદા થયા વગર રહેતો નથી!! સરદારદાદાનો એક પ્રસંગ વાંચેલો એ ઉપરછલ્લો યાદ છે, જેમાં એ એમના કુટુંબીજનને કહી રહ્યા છે કે જ્યાં સુધી હું સરકાર(=પોલિટિક્સ) માં છું ત્યાં સુધી કોઈ પણ કુટુંબીજન સરકારી નોકરી નહિ કરે! કારણ કે એ નહોતા ઇચ્છતા કે કોઈ એમને એમ કહી જાય કે પોતે રાજકારણમાં છે એટલે એમના કુટુમ્બીજનને નોકરી લગાડી આપી! વળી એવું પણ કહેવાય છે કે મરણ સમયે એમની પાસે બહુ સંપત્તિ નહતી! હવે સવાલ એ કે જે માણસ જીવ્યા ત્યાં સુધી સાદાઈથી જીવ્યા એ પોતાના પૂતળા પાછળ 3000 કરોડ ખર્ચવા દે ખરા??

હું રોજ સવારે જયારે છાપું વાંચું ત્યારે હું ઘણી એવી બાબતો વાંચતો હોઉં છું જે મને અંદરથી ડિસ્ટર્બ કરી દેતી હોય છે, જેમ કે ખેડૂતોની આત્મહત્યા અથવા તો તેઓ પોતાનો પાક મફતમાં આપી રહ્યા છે અથવા તો રોડ પર ફેંકી રહ્યા છે. કારણ કે એમને પોષણક્ષમ ભાવ મળતો જ નથી. અને એ જ વસ્તુ અમે જયારે બજારમાં ખરીદવા જઈએ છીએ, ત્યારે એનો ભાવ વધારે આપીએછીએ. આ કેવું? જીવનભર જે માણસ ખેડૂત રહ્યો/ખેડૂત માટે જ જીવ્યો એ અત્યારે હોત તો આ થવા દેત ખરા? પોતાનું 3000કરોડનું પૂતળું જોઈને એ શું કરત? જે રાજકારણીઓ સરદારદાદાના નામે રાજકીય રોટલા શેકી રહ્યા છે, એને સરદારદાદા શું કહેતા?

આખા ભારતને એક કરનાર સરદારદાદા અત્યારે જીવતા હોત તો જાતિવાદનું રાજકારણ રમી ભારતને ટુકડાઓમાં વહેંચનાર પોલિટિશ્યનોને શું કહેતા?? કાશ, હું 'મન્નુ શૅખચલ્લી' જેવો લેખક હોત તો આખો સંવાદ લખત!!

*****




જીવનમાં દર વખતે ખોદતાં રહેવું જરૂરી નથી, પણ ક્યાં અટકવું એ જાણવું જરૂરી છે!!

ઘણીવાર જીવનમાં એવું જોવામાં અનુભવમાં આવ્યું હોય છે કે 'જો હજુ થોડો પ્રયત્ન કર્યો હોતતો.. આ મળી જાત!!'  આ ફોટામાં એક ભાઈએ હજુ થોડું ખોદ્યું હોત તો.. એને હીરા મળત!! 

...પણ હું વિચારું છું કે જીવનમાં એવી ઘણી પળો ચોક્કસ આવતી હોય છે કે જ્યાંથી આપણે દેખીતો લાભ છોડીને વળી ગયા હોઈએ, અને પછી સમજાતું હોય છે કે 'સારું થયું, વળી ગયા!! બાકી આપણે પણ એમાં ફસાઈ ગયા હોત!'
એક વાર્તા યાદ આવે છે... 

એક બેકાર માણસ કામની શોધમાં જાય છે. રસ્તામાં એને એક માણસ મળે છે, જેની પાસે અઢળક ચાંદી (રૂપું) હોય છે. પેલો બેકાર માણસ એ આદમીને પૂછે છે કે આટલું બધું રૂપું ક્યાંથી લાવ્યા?' તો પેલો એક જગ્યા બતાવી જવાબ આપે છે કે 'અહી ખોદવા માંડ. તને ચાંદી મળશે. પણ જો તારે સોનું જોઈતું હોય તો મારો મિત્ર આગળ ગયો છે, એ તને બતાવશે કે ક્યાંથી સોનું મળશે?' આટલું બોલી પેલો માણસ જતો રહ્યો. આપણો બેકાર મિત્ર સોનાની લ્હાયમાં આગળ જાય છે. આગળ એને બીજો આદમી મળે છે, જેની પાસે અઢળક સોનું છે. આપણો બેકાર મિત્ર સોના વિષે એને પૂછે છે, તો પેલો એક જગ્યા બતાવી કહે, "અહી ખોદવા માંડ. તને સોનું મળશે. પણ જો તારે હીરા જોઈતા હોય તો મારો મિત્ર આગળ ગયો છે, એ તને બતાવશે કે ક્યાંથી હીરા મળશે?' આપણો બેકાર મિત્ર વિચારે છે કે સોનું લઈને જતો રહું! પણ પોતાના આત્માના અવાજને અવગણીને એ હીરાની લાલચમાં આગળ જાય છે. આગળ એને એક આદમી ઝાડની નીચે દુખી હાલતમાં જોવા મળે છે. એની આજુબાજુ હીરા વેરાયેલા પડ્યા છે, અને એના માથા ઉપર એક ચક્ર ફરી રહ્યું છે. એની આવી સ્થિતિ જોઇને આપણો દોઢો મિત્ર એને પૂછે છે, "તમે કોણ છો? આ હીરા તમારી આજુબાજુ કેમ વેરાયેલા છે? અને આ ચક્ર તમારા માથે કેમ ફરી રહ્યું છે?" ......આટલું પુછતાની સાથે જ પેલું ચક્ર આપણા બેકાર અને દોઢા મિત્રની માથે આવી ગયું. એ ચક્રના વજન અને તાપથી એ દુઃખી-દુઃખી થઇ ગયો. પેલો આદમી, કે જેના માથેથી ચક્ર હટી ગયું હતું, એ ઉભો થયો, અને જવા માંડ્યો! આપણા દુઃખી મિત્રે પેલાને અટકાવીને પૂછ્યું, "તમે મને મુકીને ક્યાં જાઓ છો? આ ચક્ર તારા પરથી મારા માથે કેવી રીતે આવી ગયું? એ મને આટલું દુઃખ શું કામ આપી રહ્યું છે?" પેલો આદમી જતા-જતા બોલ્યો, "હું પણ તારી જેમ લાલચુ બનીને અહી હીરા શોધવા આવ્યો હતો. પણ જેમ જેમ મને હીરા મળતા ગયા એમ એમ આ લાલચનું ચક્ર વધતું ગયું, અને હું દુઃખી થતો ગયો. હવે તારી હાલત પણ આજ થવાની છે, જેવી મારી હતી! હીરા શોધવા માટે તું આ જમીન ખોદતો રહે, તને હીરા ચોક્કસ મળશે, પણ તારા જીવનમાંથી સ્વતંત્રતાનું સુખ જતું રહેશે. રૂપું અને સોનાથી તું સુખેથી રહી શક્યો હોત, પણ હીરાની લાલચે તું આ લાલચ-દુઃખના ચક્રમાં ફસાયો, અને હું મુક્ત થયો. તારો ખુબ ખુબ આભાર! સમૃદ્ધિ એક એવો શાપ છે, કે જે આપણને શાંતિથી સુવા,જમવા કે રહેવા દેતું નથી."    

............દરેક વખતે ખોદવું જરૂરી નથી. કારણ કે દર વખતે હીરા જ હોય એ જરૂરી નથી!! શક્ય છે કે આગળ રાક્ષસ આપણને ગળી જવા બેઠો હોય! ટૂંકમાં, આત્મા કહે કે 'બેટા, હજી ખોદ..' ..તો ખોદવાનું!! પણ.. મન મારીને ખોદવા કરતા છોડી દેવું- જતું કરવું, સરવાળે વધુ સારું હોય છે!! ઇન શોર્ટ, ખોદકામ ઇન્ટરનલ હોય તો ચોક્કસ સુખ આપે,  એક્સ્ટર્નલ હોય તો?? ...આપણો માંહલો કહે, એમ કરવું!!