બુધવાર, 13 નવેમ્બર, 2024

એક શિક્ષક દંપતીની *જલ, સ્થલ અને વાયુની રોમાંચક સફર: "ચલો અબ કુદતે હૈ, ખોલ દો દરવાજા.. લેટ્સ જમ્પ"

https://www.facebook.com/share/p/v7kLG3H3BryvGzZp/

એક શિક્ષક દંપતીની *જલ, સ્થલ અને વાયુની રોમાંચક સફર*
********

"ચલો અબ કુદતે હૈ, ખોલ દો દરવાજા.. લેટ્સ જમ્પ"

મારા આવું કહેતાંની સાથે જ રશિયન ડાઈવર 'યૂ' અને મારી સાથેનાં ઈન્ડિયન ડાઈવર કમલે પ્લેનનો દરવાજો ખોલ્યો. 'ધડામ' દઈને ચીરી નાંખતો ઠંડો પવન જોરથી મારા મોં પર ભટકાયો. એ સાથે જ પ્લેન થોડું ડગમગાયું.. ડાઈવર કમલે મને બંને પગ ચાલુ પ્લેનની બહાર કાઢવા સૂચના આપી. ઉડતાં પ્લેનમાં સખત પવનને કારણે હું જ્યાં મારુ શરીર પણ ન હલાવી શકું, ત્યાં મારે મારા બે પગ બહાર કાઢીને વધીને અંદાજે 20 સેમી પહોળા અને 3 ફૂટ લાંબા પ્લેનનાં પાટિયાં પર મૂકીને લટકવાનું હતું. મેં બે હાથે મારા પગને સાથળેથી પકડીને પૂરો જોર લગાવીને બહાર એ સાવ નાનકડાં પાટિયાં પર મૂક્યાં. 10000 ફિટની ઊંચાઈ પર 200/350 કિમીની ઝડપે ઉડતાં ચાલુ પ્લેનમાં હું હવે લટકી રહ્યો હતો. ડાઈવર કમલે મારું માથું એનાં ખભા પર ઢાળવા કહ્યું. ..અને મારી નજર સામે કાઉન્ટ ડાઉન શરૂ થયું..

"1...2...3... અને થંબ્સ અપ.."

..એ સાથે જ દુનિયાનાં સૌથી એક્સ્ટ્રીમ એડવેન્ચર સ્કાય ડાઇવિંગની માત્ર 15 સેકંડની રોમાંચક સફર શરૂ થઈ!
**********

સ્કાય ડાઇવિંગ માટે એક મોટી રકમ મારે ભેગી કરવાની હતી. બે-ત્રણ વર્ષ પહેલાં જ હું આના માટે ગુગલ સર્ચ કરી ચૂક્યો હતો. ભારતમાં અમુક જગ્યાએ થતું હતું. પણ અમદાવાદથી ઘણું દૂર હતું. સાથે કુટુંબ અને નોકરીની જવાબદારીઓ પણ ખરાં! કોવિડમાં મજૂરો અને મોટાભાગનાં મધ્યમ વર્ગોની હાલતે એ પણ શીખવેલું કે જ્યાં સુધી એકાદ વર્ષ સુધી શાંતિથી ખાઈ શકીએ એટલું ભેગું ના થાય ત્યાં સુધી આવા ખર્ચા ન કરવા! દિવસો વીતતાં જતાં હતાં અને સ્કાય ડાઇવિંગ બકેટ લિસ્ટમાં પાછળને પાછળ ધકેલાતું જતું હતું! 

એક દિવસ અચાનક ધ્યાનમાં આવ્યું કે હરિયાણા નારગોલમાં સ્કાય ડાઇવિંગ ફેસ્ટિવલ શરૂ થયો છે. પૈસાની વ્યવસ્થા પૂરતી ન હતી. વળી, ચાલુ સ્કૂલે હરિયાણા જવું અને પાછા આવવું..?? ..મન નહોતું માનતું! કોઈને કોઈ કારણે ડિલે થતાં આખરે મન મનાવ્યું.. ફરી ક્યારેક! ત્યાં જ એક મેસેજ મળ્યો.. વર્ષોથી પેન્ડિંગ બિલના નાણાં ખાતામાં જમા થવાના હતા. આ પૈસાથી પહેલો વિચાર આવ્યો કે ઘરમાં ત્રણ વર્ષથી રંગરોગાન અને ફર્નિચરનું વિચારી રહ્યા છીએ એ કરાવીએ.. હોમ લૉન પણ ઓછી થઈ શકે એમ હતું.. દીકરીના નામે મૂકી શકાય અથવા હજુ વધુ પૈસા જોડીને એક સેકન્ડ હેન્ડ કાર પણ લઇ શકાતી હતી  જેથી ભારત ભ્રમણ થઈ શકે! ...અંતે બધું એક બાજુ રહ્યું અને નક્કી કરી નાખ્યું.. સ્કાય ડાઇવિંગ કરીશું!! 

સ્કાય હાઈ નો કોન્ટેકટ કર્યો! સૌથી પહેલી શરત જ એ હતી કે વજન વધુમાં વધુ 90 કિલો હોય તો જ સ્કાય ડાઇવિંગ થઈ શકે! મારું વજન 100 કિલો હતું. વજન ઘટાડવું કેટલું મુશ્કેલ છે એ સૌ જાણે છે. મારી પાસે દિવાળી વેકેશનનો માત્ર એક મહિનો બાકી હતો. એક મહિનામાં 10 કિલો વજન ઘટાડવાનું હતું.. અને આ સંઘર્ષ શરૂ થયો!
*********

મારો માનસિક નિર્ણય ખૂબ જ સ્ટ્રોંગ હોય છે એ હું ખૂબ પહેલાંથી જાણી ચુક્યો છું! રોજનાં 22 કિમિ ચાલીને સ્કૂલે આવવા-જવાનું હોય, 44 કિમીનું રોજનું સાયકલિંગ હોય, 8 દિવસનો નકોરડો માત્ર પાણી પરનો ઉપવાસ હોય, કે 14-14 કલાક સુધી બાઇક ચલાવવાનું હોય.. એકવાર કોઈ નિર્ણય લીધો એટલે લીધો.. હું મારી જાતને ક્યારેય બક્ષતો નથી! 

તા.29.9.24 એ સાંજે એક છેલ્લું હેવી ડિનર લીધું અને ઘરમાં જાહેર કર્યું, "કાલથી મારા માટે સવારે બે રોટી અને સાંજે એક રોટી બનાવવી, એનાંથી વધુ નહિ! ..અને હું સવારે વહેલો ઉઠી હવેથી વોકિંગ કરીશ."

સવારે અડધી કલાકના વોકિંગમાં જ પગનાં ગોટલા ભરાઈ ગયા! આખો દિવસ શરીર દુખ્યું. શાળામાં કારણ વગરનો કોઈ પણ નાસ્તો બંધ કર્યો. બેસીને ખાવાનું બંધ કર્યું. ભૂખ લાગે તો અડધી રોટલી ખાવી, પછી પાછી બે કલાક પછી અડધી રોટલી ખાઉં! બીજા દિવસે સખત થાકી ગયો હોવાં છતાં પોણો કલાક ચાલ્યો! શરીર જેમ દુઃખે, ના પાડે, ઊંઘ આવે કે ભૂખ લાગે.. એમ એક સવાલ મનમાં ઉઠે, "સ્કાય ડાઇવિંગ કરવું છે ને?? ..તો બેટા ઉઠ, ચાલ અને ખાવાનું ઓછું કર.. આના સિવાય કોઈ ઉપાય નથી!" ..અને સવારે સાડા ચારે ઉઠીને ચાલવા લાગતો! 

એક અઠવાડિયાને અંતે વજન માપ્યું.. 98.1 kg!! એક અઠવાડિયામાં લગભગ પોણા બે કિલો જેટલું વજન ઉતર્યું! રોજની 12-12 રોટલી ખાતો હું.. માત્ર બે રોટલી અને 1 ચમચા ભાત પર આવી ગયો. અને મેં નોંધ્યું કે ખરેખર આપણા શરીરને આટલા બધા ખોરાકની જરૂર છે જ નહિ! મેં ક્યાંક વાંચેલું કે 1 સમોસું 7 કિમિ ચાલવાની શક્તિ આપે છે ત્યારે હસેલો, પણ હવે સાચું લાગતું હતું!  અડધો કલાકનું ચાલવાનું હવે 2 કલાક સુધી પહોંચી ચૂક્યું હતું.. સવારનાં 5 થી 7! હજુ બીજા બે અઠવાડિયા પછી વજન માપ્યું.. 94.4!! ..મતલબ લગભગ હજુ 4 કિલો ઉતર્યું!

હરિયાણા નારગોલમાં સ્કાય ડાઇવિંગ ફેસ્ટિવલ પૂર્ણ થવાની છેલ્લી તારીખ હતી 27.10.24! એ લોકોની દિવાળી સ્પેશિયલ ઑફર પણ એ જ દિવસે પૂરી થવાની હતી, જેમાં મારે લગભગ 15-16 હજારનો ફાયદો થવાનો હતો! ..પણ મારી પાસે હવે એક જ અઠવાડિયું હતું! મેં ઇન્કવાયરી કરી.. એક પોઝિટિવ સમાચાર મળ્યા..!! હરિયાણા પછી ઉજ્જૈન-મ.પ્ર.માં 9.11.24 થી આ ફેસ્ટિવલ શરૂ થવાનો હતો! મેં નક્કી કર્યું, હવે ગમે તેમ કરી 4 કિલો વજન ઉતારવું! મેં બીજા દિવસથી દોરડાં કુદવાનું શરૂ કર્યું..!! દસ વખતની કુદમાં જ ટાંટિયા ધ્રુજી ગયા અને હું પડવા જેવો થઈ ગયો! 94.4 કિલોનું શરીર પોતાનું જ વજન ઉંચકવા સક્ષમ નહોતું!

મેં હવે અઢી કલાક સુધી ચાલવાનું શરૂ કર્યું. વચ્ચે વચ્ચે દર પંદરમી મિનિટે 10-10ના સેટમાં દોરડાં કૂદતો.. એમ કરતાં કરતાં 100 સુધી અને 5 મી તારીખે 200 વખત દોરડાં કૂદી ગયો!! હવે પાછું વજન મપાવ્યું.. 92.4 kg!! 
*********

મને ભરોસો હતો 11 મી તારીખ સુધીમાં હું 90 કિલો સુધી આવી જ જઈશ! જમવાનું પૂર્ણ કંટ્રોલમાં હતું અને હવે તો હોજરી પણ ટેવાઈ ગઈ હતી કે વધુ ખવાય તો પેટ બગડતું! ..પણ આ દરમિયાન ટ્રાવેલિંગનાં કારણે વચ્ચે 3 દિવસ સુધી ચાલી ના શક્યો! 

8 તારીખે અમે બાઇક લઈને સૌથી પહેલાં 480કિમિ અંતર કાપી ઓમકારેશ્વર પહોંચ્યા! હું નાસ્તિક બની ચૂક્યો છું એટલે મંદિરે જવાની કોઈ લાલચ નહોતી પણ નર્મદામાં નહાવાની ઈચ્છા હતી! ..એટલે નર્મદામાં ખૂબ નહાયો! લોકો ધર્મના નામે નર્મદાને જે રીતે ગંદી કરી રહ્યા છે એ જોઈને ખૂબ દુઃખી થયો!

બીજા દિવસે ઇન્દોર રોકાયા, અને પછીની સવારે વહેલાં ઉજ્જૈન સ્કાય ડાઇવિંગ કરવા બાઇકને કીક મારી!! ..અને ખબર નહિ શુ થયું કે મનમાં એક ફડક પેઠી.. "હું સ્કાય ડાઇવિંગ નહિ કરી શકું!"

મેં ઊંડો શ્વાસ લીધો! ..અને ઉજ્જૈન એરસ્ટ્રીપ પહોંચ્યા! અમારો 11/11/24નો 10 વાગ્યાનો સ્લોટ હતો! લગભગ પાંત્રીસ-ચાલીસ જગ્યાએ "તમે મરી પણ શકો છો" ની શરતોમાં સહીઓ કરી! (હું આ શરત પહેલેથી જ જાણતો હતો! સ્કાય ડાઇવિંગ દુનિયાનું સૌથી એક્સ્ટ્રિમ એડવેન્ચર છે, જેમાં કોઈ નાનકડી એરર પણ આપણા મૃત્યુ માટે કાફી છે! જોકે *કંપનીઓ નાનકડી ચૂક પણ ના થાય એ માટે પૂરતી સેફટી રાખે જ છે,* છતાંય કશું પણ ન બનવાનું બને અને મારું મૃત્યુ/ઇજા/જીંદગીભરની ખોડ થાય તો સર વિનોદ વામજાની પ્રેરણાથી બનાવેલી 'મારી ડેથવીલ' મારા નજીકના સંબંધીઓને મેં આગલે દિવસે રાત્રે જ મોકલી આપી હતી! જે અહીં વાંચી શકશો..   https://threecolour.blogspot.com/2024/11/blog-post.html  )

હવે 'હું સ્કાય ડાઇવિંગ નહિ કરી શકું' ની જે ફડક પેઠેલી એ સામે આવ્યું! મારું વજન માપવામાં આવ્યું.. 92 kg! 

છેલ્લાં એક અઠવાડિયામાં હું જે કસરત નહોતો કરી શક્યો એ નડયું.. માત્ર 400 ગ્રામ વજન જ ઘટ્યું! 
**********

"પ્રતિ kg 300 રૂ.લેખે તમારે 600 રૂપિયા એકસ્ટ્રા પે કરવા પડશે કેમ કે તમારું વજન 90 kg થી વધુ છે એટલે! અમે વધુમાં વધુ 94/95kg સુધી એકસ્ટ્રા પૈસા લઈને સ્કાય ડાઇવિંગની પરમિશન આપીએ છીએ."

"ઓ ભાઈ કોઈ વાંધો નહિ.. હું એક મહિનામાં કોઈ પણ જાતનું ડૉક્ટરી ડાયેટ કે જીમ વગર 100 kg થી 92 kg પર આવી શક્યો એમાં હું રાજી છું." મને હાશકારો થયો. 

......ખબર નહિ કેમ પણ છતાંય હજુયે એક 'દેજાવું' થતું હતું કે 'હું કદાચ આજે સ્કાય ડાઇવિંગ નહિ કરી શકું!!' 
**********

સૌ પ્રથમ મારા પત્નીજી સ્કાય ડાઇવિંગ કરી આવ્યા! (રસ્તામાં એમણે મને કહેલું, 'જો મને કંઈ થાય અને તમે આજે સ્કાય ડાઇવિંગ ના કરી શકો તો તમે પછી પણ ગમે ત્યારે કરજો ખરાં!)

સ્કાય ડાઇવિંગ બાદ પત્નીજીનાં ચહેરા પર આનંદ સમાતો નહોતો! આનંદની એટલી ઉચ્ચતમ ભવ્યતા એ અનુભવી શક્યા હતા કે એ શબ્દોમાં કશું જ વર્ણવી શકતાં નહોતાં! બસ.. એમણે જીવનની એક અદભુત મેમરી બનાવી હતી જે એમનાં ચહેરા પર જોઈ શકાતી હતી! એમણે મને કહ્યું, "જોજો.. તમને મારા કરતાં પણ વધુ આનંદ આવશે!"

એમનાં પછીના રાઉન્ડમાં મારો વારો હતો. મને મારા ડાઈવર કમલે બૂમ પાડી બોલાવ્યો! પંદર મિનિટની જરૂરી ટ્રેનિંગ આપી અને કહ્યું, "બી રેડી, આઈ વિલ કૉલ યુ આફ્ટર 5 મિનિટ! પહેલાં અવિનાશજી જશે પછી આપણે જઈશું!"

હું માનસિક રીતે ક્યારનોય રેડી હતો. મારા પહેલાં કોઇમ્બતુરથી આવેલા અવિનાશને સ્કાય ડાઇવિંગ માટે જવાનું હતું. હારનેસ પહેરાવી એમને રેડી કરવામાં આવ્યા! હું મારા વારાની રાહ જોતાં વેઈટિંગચેર પર બેઠો!
**********

થોડીવારમાં મેં જોયું કે અવિનાશ હારનેસ કાઢીને મારી બાજુની વેઈટિંગ ચેર પર આવીને બેઠો છે! મને નવાઈ લાગી.. કેમ કે અવિનાશ તો રેડી થઈને પ્લેનમાં બેસીને જવાનો હતો??!!

"શુ થયું??" મેં પૂછ્યું.

"પતા નહિ, કોઈ પોલિટિકલ એક્ટિવિટીને કારણે સ્કાય ડાઇવિંગને અટકાવી દેવામાં આવ્યું છે."

મને જે 'ફડક' સવારની પેઠી હતી એ સાચી પડી રહી હોય એવું લાગતું હતું! કોઈ પણ પોલિટિકલ એક્ટિવિટી હોય ત્યારે શું થતું હોય છે એ કહેવાની મારે જરુંર ખરી?? 

મારો ડાઈવર મારી પાસે આવ્યો અને કહ્યું, "ડયું ટુ સમ પોલિટિકલ એક્ટિવિટી, કદાચ અડધો કલાક સુધી સ્કાય ડાઇવિંગની પરમિશન નથી.. તમારે કંઈ ચા-કૉફી પીવી હોય તો કેન્ટીનમાં જઈને પી શકો છો."

હું શોકડ થઈ ગયો.. ઘણી વખત આપણી અંતરાત્મા આપણને અગાઉથી જ જે બનવાનું હોય એનો નિર્દેશ આપી દેતી હોય છે!
*************

અડધો કલાક થયો.. 
એક કલાક થયો.. 
બે કલાક થયા.. 
ત્રણ કલાક થયા..

હું નિરાશ થઈ ગયો!! મારા પત્નીજી મારો ચહેરો વાંચી શકયા અને કહ્યું, "થઈ જશે.. શુ કામ ચિંતા કરો છો??"

હું લગભગ રડવા જેવો થઈ ગયો! મેં કહ્યું, "તને ખબર તો છે કે જ્યારે કોઈ પોલિટિકલ એક્ટીવીટી હોય ત્યારે શુ થાય છે??.. મને સવારથી જ આવો જ ડર હતો કે 'હું કદાચ સ્કાય ડાઇવિંગ નહિ કરી શકું!" 

..એટલામાં સ્કાયહાઈના એક બીજા ડાઈવરે અમને સૂચના આપી કે '2000 ફીટ સુધી જ ઉડવાની મંજૂરી મળી છે. એટલામાં આપણે સ્કાય ડાઇવિંગ ના કરી શકીએ."

હું લગભગ રડું-રડું થઈ ગયો! જોકે મારા પત્નીજી હજુયે પોતે કરેલાં સ્કાય ડાઇવિંગના અનુભવને વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા હતા! મને 'થ્રિ ઈડિયટ'નો એ ડાયલોગ યાદ આવી ગયો.. "જ્યારે તમે ફેલ થાઓ છો ત્યારે તમને દુઃખ લાગે એ સ્વાભાવિક છે, પણ જો તમારો મિત્ર પાસ થઈ જાય તો તમારું દુઃખ અસહ્ય બની જાય છે."

રાહ જોવા-જોવામાં હજુ એક કલાક વીતી ગયો! ચાર-ચાર કલાકથી હું રાહ જોઈ રહ્યો હતો.. અને હજુ વધુ રાહ જોવાને બદલે મેં પત્નીજીને કહ્યું, "ચાલ આપણે ઘેર જતાં રહીએ."

પત્નીજી મારા પર અકળાઈને બોલ્યા, "થઈ જશે.. મેં કહ્યુંને??!!"
**********

સાંજે 4 વાગે કોઇમ્બતુરથી સ્કાય ડાઇવિંગ કરવા આવેલો અવિનાશ મારી પાસે આવ્યો અને કહ્યું, "હું ચા પીને આવું છું. જો રેડી થવા બોલાવે તો કહેજો."

"લાગતું નથી કે પરમિશન મળે, સાંજ તો પડી ગઈ. તમતમારે નિશ્ચિન્ત બનીને જાઓ." મેં કહ્યું.

"પોસીબલ છે કે હું ગેટ પર પહોંચું ને પરમિશન મળે.." અવિનાશે હસતાં હસતાં કહ્યું.

મારા હદયમાં કંઇક 'ક્લિક' થયું! હદયમાંથી અવાજ આવ્યો, "આ હિંટ છે બેટા.. બસ હવે પરમિશન મળી જશે." ...હું અવિનાશને ગેટ સુધી તાકી રહ્યો, એ નજરમાંથી ગાયબ થયો ત્યાં સુધી! મેં નિરાશ થઈને માથું ઢાળી દીધું, અને આંખો બંધ કરી દીધી!
*********

મારી આંખ બંધ કર્યાની બીજી જ મિનિટે મારા ડાઈવર કમલનો અવાજ આવ્યો, "યજ્ઞેશજી, બી રેડી.. પરમિશન મળી ગઈ છે. ફ્રેશ થઈ જાઓ.. પાંચ જ મિનિટમાં આપણે સ્કાય ડાઇવિંગ માટે રેડી થવાનું છે." 

...શું આ પોસીબલ છે?? પણ આવું જ થયું છે જે સત્ય છે!

મેં ઠંડા પાણીથી મોઢું ધોયું. "હવે થઈ જ જશે.." હદયમાંથી અવાજ આવતો હતો, પણ મગજ હજુ પણ શંકા કરતું હતું અને કહેતું હતું, "જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી માનવું નહિ."

(વીડિયોની શરૂઆતના ઇન્ટરવ્યૂમાં મારો નિરાશાભર્યો અને ડરેલો અવાજ શા માટે છે એ સમજી શકાશે!!)
************

હું, મારા ડાઈવર કમલ અને રશિયન ડાઈવર 'યૂ' પ્લેનમાં ગોઠવાઈ ગયા છીએ! ..પણ પાઇલટ ફોન પર ફોન કરી રહ્યો છે. મેં પૂછ્યું, "શુ થયું?"

પાઈલટે કહ્યું, "ફાઇનલ પરમિશન તો લેનાં પડતાં હૈ ના!"

મારું મગજ વિજેતા બની હસવા લાગ્યું, પણ હદય શાંત હતું! મને ચિંતા થઈ.. "ક્યાંક પાછું..??"!! હું પ્લેનમાં પરસેવે રેબઝેબ થઈ ગયો!

પંદર મિનિટ પછી ફાઇનલ પરમિશન મળી ગઈ. ડાઈવર કમલે 'થંબ્સ અપ' કરતાં કહ્યું, "આપકો ટ્રેનીંગમે જો શિખાયા ગયા હૈ, ઉસ પર ફોક્સ કિજીયે."

પાઇલટ બેસી ગયો, પ્લેન ચાલુ કર્યું! ઘરરરરર... બસ, અવાજ આવી રહ્યો છે, પણ પ્લેન ટેકઓફ નથી કરી રહ્યું!  

પાઈલટે પ્લેન ઉડાવવા વધુ ફોર્સ કર્યો! 
ઘરરરરરર... અવાજ વધુ ઘેરો બન્યો! ..પણ પ્લેન ટેકઓફ નથી થઈ રહ્યું! મારું મગજ ફરી વિજેતા બની હસવા લાગ્યું, પણ હદય શાંત હતું!

ડાઈવર 'યૂ' અને કમલ, બંનેએ પાઈલટને 'વ્હોટ હેપન્ડ'નો ઈશારો કર્યો. પાઈલટે 'નથિંગ' કહ્યું. હું ચિંતાથી પાઇલટ સામે જોઈ રહ્યો. કમલે ફરીથી મને કહ્યું, "આપકો ટ્રેનીંગમે જો શિખાયા ગયા હૈ, ઉસ પર ફોક્સ કિજીયે."

..અને અંતે પ્લેન એક નાનકડા ઝટકા સાથે ટેક્ઓફ થયું! હું ધીમે-ધીમે સ્પીડનો અનુભવ કરી રહયો હતો! પ્લેને સ્પીડ પકડી, અને હું રોમાંચિત થઈ ગયો! આખરે પ્લેન એરસ્ટ્રીપને અલવિદા કરી હવામાં ઉડયું!
************

પ્લેન ઉપર ને ઉપર જ જઈ રહ્યું છે. એને 10000 ફિટની ઊંચાઈ સર કરવાની છે. હું અનુભવી રહ્યો હતો કે સહેજ પણ પ્લેન જો આડું થાય કે ધ્રૂજે તો ચકડોળમાં બેઠાં પછી જે ડરનો અહેસાસ થાય એનાં કરતાં આ ડર અનેક ગણો વધારે હતો. જેમ-જેમ ઊંચાઈ વધતી હતી એમ-એમ કાન હવાનાં દબાણને કારણે ખોલ-બંધ થતાં હતાં. આવો જ અનુભવ અમને લેહ-લદાખની બાઇક ટ્રીપ વખતે 18380 ફિટ પર પહોંચવા દરમિયાન અનેક વખત થયેલો! થોડી-થોડી વારે ડાઈવર કમલ મને ટ્રેનીંગમાં જે શીખવાડ્યું હતું એવું કરવા કૉન્સ્ટન્ટ સૂચના આપતાં હતાં. ધરતી પરના વિશાળ ખેતરો, હાઇવે અને ઇલેક્ટ્રિક થાંભલાઓ હવે કીડી જેટલાં નાના થઈ ગયા હતા. થોડીથોડી વારે બંને ડાઈવર મને 'થંબ્સ અપ'નો ઈશારો કરી પ્રોત્સાહિત કરી રહ્યા હતા. થોડીજ વારમાં બાહ્યઆકાશ ધૂંધળું થઈ ગયું. વાદળ અને ધૂમમ્સની ઝાંયમાં હું ધરતી પરનું કશું જ જોઈ શકતો ન હતો. જાણે કે અમે ક્યાંક સ્વર્ગમાં હતા!! પ્લેનની કાન ફાડી નાંખતી ઘરઘરાટીમાં મેં જોરથી કહ્યું, "હમ ફોગ કે બીચમેં હૈ!" જવાબમાં ડાઈવર કમલે કહ્યું, "અભી તો હમ ઔર ઉપર જાએગે."

થોડીજ વારમાં મેં વાદળ/ધૂમમ્સને અને આકાશને અલગ પાડતી રેખા જોઈ. હવે અમે એકદમ સ્વચ્છ પ્રદુષણ રહિત બ્લ્યુ આકાશમાં ઉડી રહ્યા હતા. હદય શાંત હોવા છતાં ભય, રોમાંચ અને ખુશીથી ધબકી રહ્યું હતું. આટલી બધી ઘરઘરાટીમાં પણ હું મારી જાતને ફીલ કરી રહયો છું.  હું દરેક મોમેન્ટને કેપ્ચર કરી રહયો છું. 

બસ.. આજ મોમેન્ટ છે કે જ્યાં હું જોરથી બોલ્યો, "ચલો અબ કુદતે હૈ, ખોલ દો દરવાજા.. લેટ્સ જમ્પ!"

મારા આવું કહેતાંની સાથે જ રશિયન ડાઈવર 'યૂ' અને મારી સાથેનાં ઈન્ડિયન ડાઈવર કમલે પ્લેનનો દરવાજો ખોલ્યો. 'ધડામ' દઈને ચીરી નાંખતો ઠંડો પવન જોરથી મારા મોં પર ભટકાયો. એ સાથે જ પ્લેન થોડું ડગમગાયું.. ડાઈવર કમલે મને બંને પગ ચાલુ પ્લેનની બહાર કાઢવા સૂચના આપી. ઉડતાં પ્લેનમાં સખત પવનને કારણે હું જ્યાં મારુ શરીર પણ ન હલાવી શકું, ત્યાં મારે મારા બે પગ બહાર કાઢીને વધીને અંદાજે માત્ર 20 સેમી પહોળા અને 3 ફૂટ લાંબા પ્લેનનાં પાટિયાં પર મૂકીને લટકવાનું હતું! મેં બે હાથે મારા પગને સાથળેથી પકડીને પૂરો જોર લગાવીને બહાર એ સાવ નાનકડાં પાટિયાં પર મૂક્યાં. 10000 ફિટની ઊંચાઈ પર 200/350 કિમીની ઝડપે ઉડતાં ચાલુ પ્લેનમાં હું હવે લટકી રહ્યો હતો. ડાઈવર કમલે મારું માથું એનાં ખભા પર ઢાળવા કહ્યું. ..અને મારી નજર સામે ડાઈવર કમલે કાઉન્ટ ડાઉન શરૂ કર્યું..

"1...2...3... અને થંબ્સ અપ.."

..એ સાથે જ દુનિયાનાં સૌથી એક્સ્ટ્રીમ એડવેન્ચર સ્કાય ડાઇવિંગની માત્ર 15 સેકંડની રોમાંચક સફર શરૂ થઈ!
*************

હું પૂર્ણ જાગૃત અવસ્થામાં છું. હદય શાંત હોવા છતાં એનો ધબકારો અનુભવી રહયો છું. હું એકેક મોમેન્ટને કેપ્ચર કરી રહ્યો છું. કૂદતાંની સાથે જ હું પ્લેનનો ખુલ્લો દરવાજો, ચમકતો સૂર્ય, બ્લ્યુ આકાશ અને ડાઈવર 'યૂ'ને જોઈ રહ્યો છું. ઠંડો પવન મને ચીરી રહ્યો છે. હું ખુલ્લા આકાશમાં 10000 ફિટની ઊંચાઈ પર હવામાં ગુલાટીઓ ખાઈ રહ્યો છું. મને ઘડીકમાં ના સમજાયું કે જમીન/પૃથ્વી ક્યાં છે?? હું પ્રતિ સેકન્ડ 200/250/300 ફિટની ઝડપે નીચે આવી રહ્યો હોવાં છતાં ઉડી રહ્યો છું. મેં તરત જ મારા હાથ ખોલી નાંખ્યા.. આંગળા સુધ્ધાં ખોલી નાંખ્યા.. અને જાણે કે હું મારી અંદરને અંદર ઉતરી રહ્યો છું!!

"હું જોઈ રહ્યો છું કે હું કેટલો નાનો છું..આ આકાશ કેટલું મોટું છે.. આ પૃથ્વી કેટલી વિશાળ છે.. મારી નાનકડી આંખો પૃથ્વીની ગોળાઈને જોઈ રહી છે.. 360 ડીગ્રી જાણે કે મારી નજર સામે છે.. મને મૃત્યુનો કોઈ ડર નથી.. જીવનની કોઈ લાલચ નથી.. ઈચ્છા નથી.. બસ.. આ સ્પીડે ઉડતાં રહેવું છે.. ઉડતાં રહેવું છે.."

..અને એટલામાં જ એક જોરથી ઝટકો લાગ્યો, અને પેરાશૂટ ખૂલી ગયું! 
*************

આપણે કેટલી તુચ્છ બાબતોમાં આપણું જીવન વિતાવી રહ્યા છીએ?? કેટલી બધી બાબતો છે કે જે હજુ આપણે  જોઈ નથી.. જાણતાં નથી.. શીખતાં નથી.. સમજતા નથી..?? અરે.. શીખવા માંગતા પણ નથી!! આપણે બસ ધર્મ/જાતિ/ભ્રષ્ટાચાર/દંભ/પાખંડ/દેખાડા વાળું જીવન જીવી રહ્યા છીએ. આપણી મૂલ્યનિષ્ઠા આપણા જીવન અને લોકો માટેના ષડયંત્રોમાં જ સીમિત રહી ગઈ છે. જે પ્રકૃતિ છે એને ભોગવવામાં આપણે કશું બાકી રાખ્યું નથી. ચાલ્યા આવતા રીતિરિવાજો આપણને  એક માનવ તરીકે નીચેને નીચે પાડી રહ્યા હોવા છતાં આપણે ગુલામીને જ આપણી સ્વતંત્રતા માની ચૂક્યા છીએ. 

..આવી તો ઘણી બધી બાબતોમાં હું મારી અંદરને અંદર ઉતરી રહયો છું. જિંદગી સાચે જ આપણને ઘણું શીખવાડી રહી છે. મરતાં પહેલાં શીખી લેવું.. બાકી જીવીને પણ આપણે શું ઉખાડી લીધું છે?? હું જાણું છું કે થોડાં જ સમયમાં હું પાછો જાનવર જેવી રૂટિન લાઈફમાં ઘૂસી જવાનો છું, પણ મૃત્યુ સમયે કશુંક કર્યાની મેમરી મેં કલેક્ટ કરી લીધી છે!
************

જો તમને એમ લાગતું હોય કે 'જિંદગી ના મિલેગી દોબારા' મૂવીમાં જે બતાવ્યું છે એ ખાલી મૂવીમાં જ સારું લાગે, રિયલ લાઈફમાં નહિ.. તો તમે સાચું જ વિચારો છો!! આ લેખ તમારા માટે નથી.

લેહ-લદાખની બાઇક ટ્રીપ વખતના લેખમાં મેં છેલ્લે એક લીટી લખી હતી કે 'એક રોટલી ખાઓ, ..પણ ફરો.' 

હું કોઈ કરોડપતિ ફેમિલીમાંથી નથી કે નથી કોઈ કરોડપતિ! બાળપણ સખત અભાવોમાં અને ઝૂંપડામાં વીત્યું છે. ભણવાનો ખર્ચો પણ વેકેશનમાં મજૂરી કરી કાઢ્યો છે. આજેય મારી ફોન ગેલેરીમાં "Always remember what you are" નામનું ફોલ્ડર છે જેમાં મકાનભાડુ ના ભરી શકતાં મકાનમાલિકે સામાન બહાર ફેંકી દીધેલો અને ઝૂંપડામાં રહેતાં હોવાનાં ફોટા છે! ટ્યુશન વગર સખત મહેનતથી ભણ્યો છું કે જેમાં લાકડાનાં પાટિયાં પર બેસીને રાતે વાંચવાને કારણે શરીરની 'seat' પર ફોડલા થઈ ગયા હતા. નોકરી દરમિયાન શરૂઆતનાં સંઘર્ષ વિશે અને એક બાઇક લેવા માટે કંજૂસાઈની હદ સુધી જવા વિશે હું પહેલાં લખી ચુક્યો છું! આમ છતાં, બકેટ લિસ્ટમાંની ઈચ્છાઓ પૂરી કરવા અને 'શારીરિક સ્વ' પર ખર્ચો કરવાને બદલે 'આંતરિક સ્વ'ના વિકાસ માટે મહિનાઓ અને વર્ષો સુધી નાની નાની રકમ બચાવીને ઘણી મોટી સફર કરી છે. ભલે બાહ્ય સ્કેલ નાનું હોય પણ આંતરિક સ્કેલ વિશાળ છે!

અમે દરિયાની અંદર જઈ સ્કૂબા ડાઇવિંગ (જલ) કર્યું! નાનકડી બાઇક પર 5 સ્ટેટની એક અદભુત સફર કરી 18380 ફિટ ઉપર ખારડુંગ-લા (સ્થલ) પહોંચ્યા! ..અને આજે સ્કાય ડાઇવિંગ (વાયુ) કર્યું! અમારી આ જલ, સ્થલ અને વાયુની સફર દરમિયાન અમે 8 વર્ષમાં માત્ર મેમરી જ ભેગી કરી છે!! આતમરામને ઓળખવા કરોડપતિ હોવું જરૂરી નથી. એની નાનીનાની અલપઝલપ મુલાકાત કાફી છે- જીવનને માણવા, સમજવા, ઓળખવા અને સંવેદનશીલ બનવા!!

મેં એક વીડિયોમાં જોયું હતું કે કરોડપતિ લોકો પણ જ્યારે હોસ્પિટલમાં મૃત્યુની નજીક હોય છે ત્યારે એ પોતાની પાસે કરોડો રૂપિયા હોવા છતાં ખુશ નથી કેમ કે તેઓ પોતાની અંદરનાં (રિપીટ.. પોતાની 'અંદર'નાં!!) કરોડપતિને ક્યારેય મળ્યા નથી! 
************

ત્યાં કોઈએ એક ડાઈવર સાહેબને પૂછ્યું, "સ્કાય ડાઇવિંગનો અંદાજો છે મને.. છતાંય મને કહો કેવું લાગે??"

ડાઈવર સાહેબે હસતાં હસતાં કહ્યું, "Sky diving is like a virgin sex, you can't feel it without experience it."

આ દુનિયાનું એક્સ્ટ્રીમ એડવેન્ચર કહી શકાય કારણ કે આટલી ઊંચાઈ પર કશું પણ થઈ શકે છે. જો તમને ધાબા પરથી નીચે જોવામાં પણ ડર લાગતો હોય તો ખાલી-ખાલી ફિશિયારી કરવા કરતાં સ્કાય ડાઇવિંગ ના કરવું હિતાવહ છે. જો તમને તમારા શરીર સાથે પ્રેમ છે તો ન જ કરશો.. પણ 'સ્વ' સાથે પ્રેમ હોય તો એકવાર ચોક્કસ કરવું જોઈએ.

લેખનાં અંતે હું ફરીવાર લખું છું.. "એક રોટલી ખાઓ, પણ ફરો અને વાંચો."

યજ્ઞેશ રાજપુત
લ.તા.12.11.24

રવિવાર, 10 નવેમ્બર, 2024

મારું વસિયતનામુ

*મારું વસીયતનામું*

(સર વિનોદ વામજાની પ્રેરણાથી)

*આજથી હું મારું વસિયતનામું લખી રહ્યો છું. જેમાં હું જો જીવતો રહીશ તો સમયાન્તરે સમજણ વધતાં સુધારા–વધારા કરતો રહીશ. જો આજે જ મરી જાઉં તો આ જ વસિયતનામાને અંતિમ ગણવું. મારા કુટુમ્બીજનો–મીત્રોને અનુરોધ કરું છું કે પોતાના અંગત મોહને બાજુ પર રાખી આ વસીયતને અનુસરે.*

*- યજ્ઞેશ રાજપુત*

આપણાં હીન્દુશાસ્ત્રોના મુખ્ય ગ્રંથ ભાગવત ગીતા અનુસાર શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી આ મૃત શરીરની કાંઈ કીમ્મત નથી. પરંતુ હું કોઈ જ પ્રકારની આત્મામાં માનતો નથી. જેમ ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગાં મળીને પાણી બને, એમ કોઈ ચોક્કસ તત્ત્વો ભેગાં મળીને મારુ શરીર બન્યું હશે અને આવા જ કોઈ રાસાયણિક પ્રક્રિયાથી હું સજીવ થયો હોઈશ એવું હું માનુ છું. કર્મ શુ છે અને એનું ફળ મળે કે ના મળે, પુનર્જન્મ હોય કે નહિ.. આ બધા સવાલોનો જ્યાં સુધી મને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી હું કોઈ જ પ્રકારના કર્મના સિદ્ધાંતને માનતો નથી. આપણા સમાજમાં મૃતદેહને ટીલાં–ટપકાં, (ક્રીયા–કર્મકાંડ) કરવામાં આવે છે. તથા સમય, શક્તી અને સામગ્રીનો ઘણો બગાડ થાય છે. તેનાથી સમાજ અને રાષ્ટ્રને ભારે નુકસાન થઈ રહ્યું છે. રુઢી–રીવાજ–પરંપરા માત્ર બ્રાહ્મણવાદને પોષનારા રહ્યા છે. બીજી કોઈ રીતે તર્કસંગત કે અર્થપૂર્ણ લાગતા નથી, કે નથી શાસ્ત્રસંગત. નિશ્ચેતન મડદાને લાડ લડાવવા કરતાં જીવતા મનુષ્ય પ્રત્યે માનવતા દાખવવી આદર્શ ગણાય. શબ પ્રત્યે સહાનુભુતિ દર્શાવવા કરતાં તેના કુટુંબને સહકાર આપવો વધારે સારું ગણાય. હાલનાં બદલાયેલાં માનવમૂલ્યોના સંદર્ભમાં વિચારવાનો સમય પાકી ગયો છે.

મારા મૃત્યુથી તેમને દુઃખ થતું હશે જેમનો હું આધાર હતો, જેમને હું ચાહતો હતો. પરંતુ જે બની ગયું તે તો કુદરતનો ક્રમ છે. પ્રકૃતિની પ્રક્રિયા છે. મૃત્યુને નિવારી શકાતું નથી. તેથી કોઈએ શોક કરવો નહીં અને બધાએ દુઃખ ભુલી હળવા (રીલેક્સ) થવાનો પ્રયત્ન કરવો. મારા આત્માની શાંતિની ચિંતા કરવાને બદલે પોતાના જ મનની સ્વસ્થતા કેળવવી.

મારા જીવન દરમિયાન જેમણે મને પ્રેમ, લાગણી અને હુંફ આપ્યાં છે, સહકાર અને મદદ કરી છે તે સર્વનો હું આભાર માનું છું. તથા મારાથી કાંઈ ભુલ થઈ હોય, દુઃખ થયું હોય, લાગણી દુભાઈ હોય તો તે બધાની અંતઃકરણપુર્વક માફી માગું છું. જો કે મેં મારી જીન્દગીમાં કોઈને કારણ–અકારણ કષ્ટ આપવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નથી.

મારા મૃત્યુ બાદ માત્ર ઇષ્ટદેવને પ્રાર્થના કરજો. બધી ધાર્મીક વીધીનાં પ્રતીક રુપે મુખમાં તુલસીપત્ર મુકજો. પરન્તુ ગંગાજળ, ચન્દનનું તીલક કે ઘીનો દીવો વગેરે કાંઈ કરશો નહીં. સુગંધીત અગરબત્તી કરતાં રહી વાતાવરણ હળવું કરજો. મારા દેહને માટીમાં જ ભળવાનું હોવાથી નવડાવવાની વીધી કરશો નહીં.

હું કદાચ મોટો માણસ થઈ જાઉં તો પણ મારા શબને નમન કે પ્રણામ કરશો નહીં. ફુલહારના ઢગલા કે અત્તર છાંટવાની ક્રીયા કરશો નહીં. અખબારમાં ફોટા કે શ્રદ્ધાંજલી આપી છાપાંની કીમતી જગ્યા રોકશો નહીં. લાંબી સ્મશાનયાત્રા કાઢવાની ચેષ્ટા કરશો નહીં. જો કે અત્યારે મારા જેવા અતિસામાન્ય માણસ માટે આવું થવાની કોઈ શક્યતા નથી.  પણ મારો હેતુ જનસમાજને સારી પ્રેરણા મળે તે છે.

મારા મૃતદેહ સમક્ષ દર્દભરી રીતે ભજન–કીર્તન કે ધુન ગાવાં નહીં કે રોકકોળ કરવી નહીં. તેનાથી આસપાસનાં બાળકો, બીમાર અને સંવેદનશીલ માણસો પર ગંભીર માનસિક અસર પડતી હોય છે. જ્યાં ખુબ રોવાનો (છાજીયાં લેવાનો) રીવાજ હોય તે બંધ કરાવવો ઘટે. આવું કરવાથી મરનાર, જીવીત થવાનો નથી; પણ કુટુમ્બીજનોના દુઃખમાં વધારો થાય છે, એટલી સમજણ દાખવીએ; છતાં કોઈને શોક પાળવો હોય તો વ્યસન/ બીનજરુરી ખર્ચ પર કાપ મુકે. મારા શબને અગ્નિ દેવાનો અધિકાર હું મારી પત્નીને સૌ પ્રથમ આપું છું. સમાજ/કુટુંબના લોકો સ્ત્રીઓ સ્મશાને ના આવે એવું કહે એટલે મારી પત્ની મને અગ્નિસંસ્કાર ના આપે એવું ના બને. જો મારી પત્ની પોતાની ઈચ્છાથી મને અગ્નિસંસ્કાર આપવા ના માંગતી હોય તો મારી દીકરીને આ અધિકાર આપું છું. મારા અગ્નિસંસ્કાર બાબતે મેં જે કંઈ લખ્યું છે એ મારી પત્ની અને દીકરી બંનેને લાગુ પડે છે. જો એ બંને પણ પોતાની ઈચ્છાથી મને અગ્નિસંસ્કારની ના પાડે તો મારા અંગત કુટુંબીજનોમાંથી કોઈ પણ મને અગ્નિ આપી શકશે.

મારા મૃત્યુ પછી ઘરનું વાતાવરણ ઝડપથી સામાન્ય બની જાય તેમ કરવું. વાર તિથિના બાધ વગર બેસણું માત્ર એક દિવસનું જ  રાખવું. તેમાંય કોઈને આવવાનો આગ્રહ કરવો નહીં. કોણ આવ્યા ને, કોણ નથી આવ્યા તેની પુછપરછ ન કરવી. કોઈ ન આવ્યું હોય તેનું માઠું લગાડવું નહીં. સ્ત્રીઓએ પણ પુરુષોની જેમ સામાન્ય પોશાકમાં આવવું. કુટુંબીઓએ થોડા જ સમયમાં કામકાજમાં લાગી જઈ, મન હળવું બનાવવાનો પ્રત્યન કરવો. મારા જેવાનાં મૃત્યુનો કાંઈ શોક ના હોય!

લોકો તેમનાં કામધંધા, નોકરી, અભ્યાસ છોડીને મારા ઘર સુધી આવે તો જ શોક પ્રગટ થાય તેવું હું માનતો નથી. સાચું દુઃખ દિલમાં હોય છે. અને પ્રદર્શન (દંભ) વ્યક્ત કરવાનો કોઈ અર્થ નથી. અંગત લોકો સિવાય કોઈએ બહારગામથી તો આવવું જ નહીં. પોતાના ઘરે જ શોક મનાવી આશ્વાસનપત્ર વોટ્સએપ/મેસેજ/ફોનથી પાઠવે તેવું બધાને સ્પષ્ટ જણાવવું. નજીક રહેનારા  લોકો પણ આવું કરી શકે છે. આપણા સમાજમાં આ બાબતે જે ખોટા (દંભી) રીવાજો પડી ગયા છે તેને તાત્કાલીક અટકાવવા જોઈએ.

મારા મૃત્યુને કારણે પરીવારના કે સમાજના કોઈ સારા પ્રસંગને અટકાવશો નહીં. મૃત્યુ દરમિયાન કોઈ તહેવાર હોય તો ઠીક લાગે એમ કરવું પણ બાદમાં આવતાં તહેવારો મન ભરીને ઉજવવા.  એટલું જ નહીં; પણ જે સગાં–સંબંધીને ત્યાં પ્રસંગ હોય તેને સામે ચાલીને પ્રસંગ ચાલુ રાખવા સંદેશો મોકલવો. મારું મૃત્યુ રાત્રે થયું હોય તો અન્ય લોકોને સવારે જ જાણ કરાવી. રાત્રે જાણ કરી કોઈને એમની  ઉંઘમાં ખલેલ (ડીસ્ટર્બ) કરવા નહીં.

મારા મૃત્યુ બાદ મારાં પત્નીનાં કપડાં, શૃંગાર કે અન્ય અલંકાર–શોખમાં કાંઈ ફેરફાર કરવાની જરુર નથી. તે ઈચ્છે તો જરુર પુનર્લગ્ન કરે. બાળકો અંગે વિચારવાનો અધીકાર તેને જ આપવો તે ન્યાયી ગણાશે. પણ મારી દીકરી પુખ્ત હોય તો તે પોતાની રીતે જીવી શકે છે. કુટુંબનો કોઈ સભ્ય સુતક, મુંડન કે અન્ય શોક પ્રદર્શિત ન કરે. 

મારા અન્તકાળ સમયે નજીકની નેત્રહૉસ્પીટલ, મેડીકલ કૉલેજને જાણ કરી નેત્રદાન, દેહદાનની વ્યવસ્થા કરી દેવી. મારું મૃત્યુ મગજ ફેઈલથી થયું હોય તો હૃદય, કીડની… વગેરે અંગોનાં દાન કરી દેવાં. સંજોગોવસાત દેહદાન વગેરે કાંઈ ના થઈ શકે તો અગ્નિસંસ્કાર કરવો. અગ્નિસંસ્કાર વખતે જો ઉપલબ્ધ હોય તો ઇલેક્ટ્રિકરીતે શબને બાળવું. લાકડાં વાપરી પર્યાવરણને નુકશાન ના કરવું. મારું મૃત્યુ, મારા ઘર બહાર, ટ્રેન, બસ, પ્લેન કે પછી કોઈ અકસ્માત વગેરેમાં થયું હોય તો જે તે સ્થળે સમુહમાં જેમ થતું હોય તેમ કરવું.

મારું મૃત્યુ ઘર/વતનથી દુર કે હૉસ્પીટલમાં થયું હોય તો મારા દેહને ઘરે લઈ આવવાનો આગ્રહ ન રાખવો; પરન્તુ ત્યાંથી જ મારી ઈચ્છા મુજબ દેહદાન, નેત્રદાન કે ભુમીસંસ્કાર કરવાં. મારું મૃત્યુ જો કોઈ ગમ્ભીર અકસ્માત કે રહસ્યમય સંજોગોમાં થયું હોય તો અન્તીમ ક્રીયા અનુકુળતા પ્રમાણે કરવી. તેવા સંજોગોમાં પોસ્ટમોર્ટમ કે અન્ય કાનુની પ્રક્રીયાને જરુરી માન/સહકાર આપવાં.

વૃદ્ધાવસ્થાનાં અન્તીમ દીવસોમાં હું ગમ્ભીર–અસાધ્ય રોગથી પીડાતો હોઉં અને સભાન અવસ્થામાં ન હોઉં તો મને દવા–ઈન્જેક્શનથી લાંબો સમય જીવડવાનો આગ્રહ રાખશો નહીં. ઈચ્છામૃત્યુ કાયદેસર હોય તો મને દર્દરહીત મૃત્યુ આપી દેવું. અને તે દરમીયાન હૃદય, કીડની, લીવર સ્કીન વગેરે શક્ય તમામ અંગોનું દાન કરી દેવું. મારી માંદગીથી બધા હેરાન થાય, કુટુમ્બ આર્થીક બોજમાં દબાઈ જાય તેવું ઈચ્છતો નથી. માણસ કેટલું જીવ્યા કરતાં; કેવું જીવ્યો તે મહત્ત્વનું છે.

મારા મૃત્યુ નીમીત્તે કોઈ પણ પ્રકારની મરણોત્તર ધાર્મીક વીધી કરવી નહીં. બારમું–તેરમું (પાણીઢોળ) કથા–સપ્તાહ–કીર્તન, શ્રાદ્ધ, તર્પણ, વરસી, પીંડદાન, બ્રહ્મભોજન વગેરે કરાવવાં નહીં. આ બધા કર્મકાંડો બ્રાહ્મણોએ સ્વલક્ષી–સ્વહીતમાં ઉભા કર્યા છે; તે સમાજલક્ષી કે ગરીબલક્ષી થવા જોઈએ. ઘણા લોકો ટેક્સચોરી કે ગરીબોનું શોષણ કરીને આવકના 10% ધર્મ–કર્મકાંડ–મન્દીર પાછળ ખર્ચતા હોય તેનો શો અર્થ? ‘ગાય દોહીને કુતરાને પાવા જેવું!’ મારાં માતા–પિતા જીવતાં હોય તો તેઓની સામાન્ય ધાર્મિક ઈચ્છાને માન આપવું. પણ જો તેઓ કોઈ પણ જાતની પૂજા-પાઠ, ધાર્મિક વિધિ, કર્મકાંડ કે બ્રાહ્મણવાદીઓને ઉત્તેજન આપે એવું કંઈ પણ કરવાનું કહે તો પણ કશું કરવું નહિ. માત્ર આગળ જણાવ્યું તેમ મુખમાં તુલસીપત્ર મૂકવું. એનાથી વિશેષ કશું જ ન કરવું.

મેં મારું જીવન પ્રામાણીકતા અને માનવતાવાદી રીતે જીવવાનો પ્રયત્ન કર્યો છે. તેનો મને સન્તોષ છે. હું ભુત–પ્રેતમાં માનતો નથી. તો મર્યા પછી મારે કોઈને નડવાનું કોઈ કારણ નથી. આમેય કુટુમ્બ માટે આજીવન ભોગ આપનાર, મર્યા પછી અચાનક શા માટે નડે? તેમ છતાં મારી કોઈ ઈચ્છા/વાસના (હશે તો) પુરી કરવા નડવું હશે, તો દેશના દુશ્મનોને નડીશ. બધા ભારતીયો આમ કરે તો દુશ્મનો આમ જ ખતમ થઈ જાય! શું આ શક્ય છે? તો ખરેખર, સમાજને કોણ નડે છે? ‘નડતર’નો વીચાર ફેલાવનાર જ!

મારા મૃત્યુ બાદ મારી મીલકત માટે (જો હોય તો) ઝઘડવું નહીં કે વારસા સમ્બન્ધી વાદ–વીવાદ કરવા નહીં. મારા આર્થીક વીલ મુજબ મારી સમ્પત્તીની વહેંચણીની બાબતો મેં મારી પત્નીને સમજાવેલી જ છે. એ જે કરે એને માન આપવું. અને મને મારી પત્ની પર પૂર્ણ ભરોસો છે કે તે મારે જેને જે આપવાનું છે એ નિર્વિવાદ લોભ લાલચ વગર આપી જ દેશે. આ ઉપરાંત, હું ઇચ્છીશ  કે મારી પત્ની નીચેનામાંથી કંઈક સામાજિક દાન એની ઈચ્છા મુજબ કરે. 

(1) શાળાઓમાં બાળકોને નોટબુક, પેન્સીલ, પેન, ચોકલેટ, બીસ્કીટનું વીતરણ કરવું.

(2) ગરીબ વીદ્યાર્થીઓને પુસ્તકો તથા સ્કોલરશીપ આપવી.

(3) ગરીબ–પછાત લોકોને પૈસા તથા અનાજ લઈ આપવું.

(4) નજીકનાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, બહેરા–મુંગા–અન્ધજનની શાળા/આશ્રમમાં દાન અને ભોજન પ્રબન્ધ કરવો.

(5) સાર્વજનીક નેત્ર, રક્ત હૉસ્પીટલમાં દાન કે દર્દીઓ માટે દવા–ભોજન વ્યવસ્થા કરવી.

(6) યુદ્ધ–કટોકટી જેવા સમયમાં રાષ્ટ્રને મદદ કરવી તથા સૈનીકોનાં વારસદારોને આર્થીક સહાય કરાવી.

(7) અન્ય સમાજ ઉપયોગી કાર્યમાં મદદ કરવી.

(8) લાઈબ્રેરીમાં સમાજસુધારકોનાં પુસ્તકો લઈ આપવાં.

(10) સર્વ પ્રાણીઓને સમાનભાવે ઘાસચારો આપવો.

(11) મારા નામે ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરવું.

(12) આ વસ્તી વીસ્ફોટમાં નો ચાઈલ્ડ, વન ચાઈલ્ડ ગરીબ દમ્પતીને પ્રોત્સાહક પુરસ્કાર આપવાં. વસ્તી નીયન્ત્રણ આજના સમયની સૌથી મોટી સેવા છે.

લોકો આવું કરે તેવું હું ઈચ્છું છું જેથી આપણા સમાજના ઘણા પ્રશ્નો હલ થાય. ઈશ્વરના નામે સ્વાર્થી વર્ગ પ્રજાના ધનને ધર્મ/મન્દીર તરફ (પોતા તરફ) વાળે છે. તેમાં કાપ મુકવો જરુરી છે. આ વસીયત મેં મારી બુદ્ધી પ્રમાણે તૈયાર કર્યું છે. આ મારા અંગત વીચારો છે. ખામી જણાય તો મારી અલ્પમતી માટે ક્ષમા કરશો. સર્વને બધું જ સર્વસ્વીકૃત ન પણ બને. મારો હેતુ લોકો અને સમગ્ર રાષ્ટ્રના હીત માટે છે. તે સર્વ કોઈ સમજી શકશે.

– યજ્ઞેશ રાજપૂત

શુક્રવાર, 31 મે, 2024

(અંધ)ભગત સાહેબ સાથે ચર્ચા

 


આજે મારા એક વડીલ કહી શકાય એવા પરમમિત્ર (અંધ)ભગતસાહેબ સાથે ચર્ચા થઇ. એમને મને છેલ્લે જયશ્રી રામ કહીને અલવિદા કર્યું..!! કોઇપણ બાબત ફેક્ટચેક કર્યા વગર ન સ્વીકારવું એની હું હવે સ્વાભાવિક પ્રેક્ટીસ કરી રહ્યો છું! ..એટલે કોઈ બાબતને લઈને કૈક વાત થાય એટલે હું મને આવડે એવું સત્ય વડીલ સમક્ષ રજુ કરું! ..અંતે ભગતસાહેબ ‘હિંદુ-મુસ્લિમ’ ‘હિંદુરાષ્ટ્ર’ અને ‘લવજેહાદ’ પર ઉતરી આવે!

વોટ્સેપ યુનીવર્સીટી દ્વારા બ્રેઈનવોશ થયેલા ઘણા જડબુદ્ધિ ઝોમ્બીઓથી સમાજ ખદબદી રહ્યો છે! ..અને એમાંય ઉંમર વધવાની સાથે બુદ્ધિની વિચારશક્તિનું વાયરીંગ પણ હવે જામ થઇ ચુક્યું હોય એટલે અપરિવર્તનશીલ વૃધ્ધો મોટેભાગે સત્ય ન સમજી શકે કે ન સ્વીકારી શકે એવા બની ચુક્યા હોય છે! ‘પોતાને બધી જ ખબર છે અને તમને કઈ ખબર નથી’ ની જડ માનસિકતા સાથે સત્ય ન સમજે ન સમજવા માંગે.. નજર સામે દેખાતી બાબતને પણ ન સ્વીકારવું એ વૃદ્ધતાની નિશાની છે! આ બાબત કદાચ એમને ખટકી ગઈ.. અને જયશ્રીરામ કહીને અલવિદા કર્યું!

સાચું કહું તો મને કોઈ ફર્ક નથી પડ્યો આ બાબતનો! ઉલટાનું સારું થયું.. એવું લાગ્યું! ..કેમ કે જે પરીવર્તન સ્વીકારતા નથી એવા નેગેટીવ લોકોથી જેટલા દુર રહી શકાય એટલા દુર જ રહેવું યોગ્ય છે! હા.. ફર્ક એ વાતનો પડ્યો છે મારો માંહ્યલો મને જ સવાલ પૂછે છે કે બીજાને બદલવાવાળો હું કોણ? મારે શા માટે બીજાને બદલવાની કોશિશ કરવી જોઈએ? શું હું જે વિચારું છું એ સત્ય જ અંતિમ છે?? પોસીબલ છે કે એ ખોટું પણ હોય??  ..તો આનો ઉપાય શું??

..લોકો જેમ છે એમ જ રહેવા દો! મારું કામ મારા બાળકનું ભવિષ્ય સુધારવા માટે જે પણ કઈ કરી શકાય એ કરવાનું છે.. મૃત્યુની નજીક પહોચેલા બુધ્ધાઓને બદલવાનો શો મતલબ??

-યજ્ઞેશ રાજપુત

લ.તા. ૩૧.૫.૨૪  

"રણમાં ખીલ્યું ગુલાબ" સાહિદનું અપડેશન!!

 "સ્કૂલ કબ છુટેગી??" એવું બોલનાર સાહિદ આજે ધોરણ 5 માં ફરી મારા વર્ગમાં જ હતો. નવી જ બુકને અઠવાડિયામાં ફાડી નાંખનાર સાહીદ ધોરણ 5 માં 86% મેળવીને બીજા નંબરે પાસ થયો!! 

મોટેભાગે લોકોના મનમાં સરકારી શાળાની એક વિશેષ છાપ છે. અને જે સરકારી શિક્ષકો છે એ એમનાં માંહ્યલાને પૂછે તો કદાચ જવાબ મળે કે,  "90-95% શિક્ષકો બાળકોને પરીક્ષામાં જવાબો બતાવી દેવાનું શાપિત કામ કરી રહ્યા છે!" હું ગર્વથી એ કહી શકું છું કે નોકરીને આજે 19 વર્ષ થયાં, આ 19 વર્ષમાં એક પણ વખત બાળકોને પરીક્ષામાં જવાબો બતાવ્યા નથી. બસ.. બાળકોને ભણાવ્યા છે. દિલસે!!

સાહિદને આવેલા 86% એનાં પોતાનાં છે! જવાબો એણે જાતે લખેલા છે. આશા રાખું છું કે આગળ એને એવો શિક્ષક મળશે, કે જે એને 'ભણાવશે..!' અહીં 'ભણાવશે' શબ્દ પર એટલા માટે ભાર મુકું છું કેમ કે ઘણાં શિક્ષકો (ઘણાં - એટલે મેજોરીટી શિક્ષકો!) બાળકોને  માત્ર  'ઉઠાં' ભણાવતા શીખવાડી રહ્યા છે! ...અને સાચા શિક્ષકો મૂકપ્રેક્ષક બનીને જોઈ રહે છે!! 

શાહિદની ૩ ફેબ્રુઆરી 2020 ના રોજ લખાયેલી મારા બ્લોગપોસ્ટની લીંક અહીં શેર કરી રહ્યો છું! આશા રાખું છું કે આપ સૌને ગમશે!

https://threecolour.blogspot.com/2020/02/blog-post.html


સોમવાર, 3 ફેબ્રુઆરી, 2020

'રણમાં ખીલ્યું ગુલાબ!' (આર્તનાદ ભાગ ૧૩)

નવો ચોપડો લાવ્યે હજી માંડ અઠવાડિયું થયું ત્યાં તો હાલત એવી છે કે જાણે... *રણમાં ખીલ્યું ગુલાબ!!*
*******

"સ્કૂલ કબ છુટેગી?" 

જ્યારે ધોરણ ૧ શરૂ થયું ત્યારે હંમેશા રડતાં રડતાં આ સવાલ પૂછતો સાહીદ હવે આ જ સવાલ હસતાં હસતાં પૂછે છે! કારણ કે એને ખબર છે કે હું એક જ જવાબ આપીશ, "તીન બજે!!"

...બસ, ફરક એ છે કે એ હવે હસતાં હસતાં કહે છે, "તીન બજે નહીં, સાડે પાંચ બજે સ્કૂલ છૂટતી હૈ!"
********

મારાં ગુરુદેવ સાથે જ્યારે પણ વાત થાય, ત્યારે એ ચોક્કસ સવાલ પૂછે કે, "પહેલાંના સાધુઓ તપ કરવા વનમાં કેમ જતાં? કારણકે વન એ પ્રકૃતિ છે. ત્યાં તમને કોઈ ડિસ્ટર્બન્સ નહિ થાય! જે જેમ છે એમ જ દેખાશે. તકલીફ ત્યાં જ થાય છે જ્યારે આપણે એને ઉપવન બનાવવાની કોશિશ કરીએ છીએ. વનમાં જે શાંતિ મળે એ ઉપવનમાં તો ન જ મળે!"

ધોરણ ૧ માં ભણતો સાહીદ- પ્રકૃતિનો ચહેરો છે! ત્યાં કોઈ ચિંતા નથી! માત્ર હાસ્ય છે! પાનું ફાટ્યું તોય શું અને ના ફાટ્યું તોય શું? જરૂરી એ છે કે એણે લખ્યું! ..એને આવડ્યું! આટલું ગંદુ-ફાટેલું લેખન કરીને જ્યારે એ મારી પાસે 'નિર્ભયતા'થી આવે અને બતાવે, ત્યારે એની હજાર ભૂલો માફ! કારણ કે નિર્ભયતા એ જ મોટો ગુણ! 

ધોરણ ૧/૨ માં ભણતાં 'વન' 'ઉપવન' બનવાનાં જ છે.. પણ ભયભીત થઈને નહિ! ..વાર લાગશે- સમય લેશે- પણ નિર્ભયતાથી ઉપવન બનશે! 
********

*ડોન્ટ થિંક એવર*

શિક્ષકો/અધિકારીઓ જ ભયભીત હોય, તો એ ક્યાંથી નિર્ભયતા શીખવે? 'ઉપવન' બનાવવાની લ્હાયમાં ક્યાંક 'ઉકરડો' ન બની જાય!!




શુક્રવાર, 1 સપ્ટેમ્બર, 2023

વાસ્તવિક શિક્ષણ

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0GHnEQeixyniAhSMVSdPp71hTEsGqAsQLv6ezEhnf9jRRn6i9nV7v49zx5opQCBYNl&id=100002947160151&mibextid=Nif5oz



"ખોટું કહેવાય કે હું આઠ વર્ષની થઈ ગઈ હોવાં છતાં મને ઈંગ્લીશ બરાબર વાંચતા નથી આવડતું.. ગુજરાતીની જેમ હું પહેલેથી જ અંગ્રેજી લખતી અને વાંચતી હોત તો હું પણ કડકડાટ ઇંગ્લિશ વાંચતી હોત.. મારે તમારી મદદની જરૂર ન પડતી.." તન્વીએ રડતાં રડતાં એની મમ્મીને ફરિયાદ કરી..

..અને આ 'ભંગારમાં નાંખી દીધેલો લેખ' ફરી જીવંત થઈ ઉઠ્યો!!
**************

વર્ષ 2005માં પ્રાઇવેટ શાળામાં નોકરીએ લાગ્યો ત્યારે ટેક્સ્ટબુકનાં બે પુઠ્ઠા વચ્ચેનાં કન્ટેન્ટ પર સારી એવી પકડ હોવાને લીધે હું ખૂબ જલ્દીથી 'સારા શિક્ષક' તરીકે ઘણાં  બાળકોને ટ્યુશન કરાવતો થઈ ગયેલો! ભરપૂર ટ્યુશન કરતી વખતે એ નહોતી ખબર કે વાસ્તવમાં શિક્ષણ એટલે શું? ..અને શિક્ષકત્વ એટલે શું?.. 2007માં ગીરના છેવાડે નોકરી લાગી અને હું સમજી શક્યો કે વાસ્તવિક શિક્ષણ તો ટેકસ્ટબુકના બે પુઠ્ઠાની બહાર શરૂ થાય છે!! 

2013માં અમદાવાદ બદલી થઈ. જે વિદ્યાર્થીઓનું મેં અહીં ભરપૂર ટ્યુશન રાખેલું, એમને માત્ર બે પુઠ્ઠા વચ્ચેનું ભણાવ્યાનો અફસોસ હદયને કોરી ખાતો હતો! તેથી.. એક દિવસ મારાં એક વિદ્યાર્થીનું ઘર શોધતાં શોધતાં હું એના ઘરનાં દરવાજે પહોંચ્યો, અને ગભરાતા હદયથી દરવાજો ખખડાવ્યો.. દરવાજો ખુલ્યો.. વિદ્યાર્થી મને ઓળખી ગયો પણ એનાં મમ્મી-પપ્પાને મારે મારી ઓળખાણ આપવી પડી.. થોડી ઔપચારિક વાતો પછી મેં માત્ર બે પુઠ્ઠા વચ્ચેનું ભણાવ્યા બદલ એમની માફી માંગી! ..આવું કરવા બદલ હું ભોંઠો પડ્યો, પણ હદયનો ભાર હળવો થયો અને હું ત્યાંથી નીકળી ગયો! ..ફરી ત્યાં જવાની હિંમત આજ સુધી નથી કરી શક્યો! બદલી થયાં પછી અહીં પણ શરૂશરૂમાં ટ્યુશન માટેની ઓફર આવેલી, પણ સવિનય નકારી કાઢી હતી, કેમ કે બે પૂઠ્ઠા વચ્ચેનું ભણાવીને હું બે પૈસા તો કમાઈ લઈશ, પણ રાષ્ટ્રને એક વિચારશીલ નાગરિકની જગ્યાએ 'ઘેટું' ભેટ ધરીશ એનું શું??!!
***********

શિક્ષક: નીચેના..
વિ.1: નીચેના..
વિ. 2: નીચેના..

શિક્ષક: શબ્દોના..
વિ. 1: શબ્દોના..
વિ. 2: શબ્દોના..

શિક્ષક: સમાનાર્થી..
વિ. 1: સમાનાર્થી..
વિ. 2: સમાનાર્થી..

શિક્ષક: લખો..
વિ. 1: લખો..
વિ. 2: આપો..

શિક્ષક: 'આપો' નહિ.. લખો..
વિ. 2: આપો નહિ.. લખો..

શિક્ષક: હંમ.. ખાલી 'લખો' બોલવાનું.. 'આપો' નહિ બોલવાનું.. બોલ હવે.. 'લખો'..
વિ. 2: લખો..

શિક્ષક: બહુ સરસ.. ચલો હવે બોલજો હો.. પહેલો શબ્દ  છે.. આકાશ..
વિ. 1: પહેલો શબ્દ છે આકાશ..
વિ. 2: પહેલો શબ્દ છે આકાશ..

શિક્ષક: બરાબર..
વિ. 1: બરાબર..
વિ. 2: બરાબર..

શિક્ષક: આભ..
વિ. 1: આભ..
વિ. 2: આભ..

શિક્ષક: અલ્પવિરામ..
વિ. 1: અલ્પવિરામ..
વિ. 2: અલ્પવિરામ..

શિક્ષક: ગગન..
વિ. 1: ગગન..
વિ. 2: ગગન..
.
.
☝️☝️ઉપરના આખા મુદ્દામાં શિક્ષક માત્ર આટલું જ ભણાવવા માંગતા હતા કે ''આકાશ = આભ, ગગન"

ઓનલાઈન શિક્ષણમાં મારી દીકરીને શિક્ષક આ બધું ભણાવી રહ્યા હતા ત્યારે મને જોરથી હસવું આવ્યું, કેમ કે મને તો આ સમાનાર્થી શબ્દોમાં.. 

શિક્ષક બોલે, "બોલો પોપટ.. મિઠ્ઠું"
..તો પોપટ (વિધાર્થી) બોલે, "મિઠ્ઠું"

શિક્ષક બોલે, "બોલો પોપટ.. રામ.."
તો પોપટ-વિધાર્થી બોલે, "રામ.."

...એવું જ સંભળાતું હતું!
************

શિક્ષણ શબ્દનો વાસ્તવિક અર્થ તો એટલો વિશાળ છે કે એને અહીં લિમિટેડ શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરવું એટલે સાગરને ગાગરમાં સમાવવા બરાબર થાય! અમદાવાદનાં 'ટ્યુશનિયા' હોંશિયાર શિક્ષકને (..એટલે કે મને!!) પાંચ વર્ષનો ટેણીયો જ્યારે ગીરમાં સિંહોથી કેવીરીતે બચાય એ સમજાવે ત્યારે બે પુઠ્ઠા વચ્ચેનું જ્ઞાન નકામું સાબિત થઈ જાય છે! બે અક્ષર ઓછો આવડતો હોય એવું બાળક જ્યારે ગંગાસતી કે નરસિંહ મહેતાનું ભજન સમજાવી જાય ત્યારે મારાં 'ફાંકડા અંગ્રેજી'નો પોપટ બની જાય છે! શહેરોમાં (હવે ગામડાઓમાં પણ!!) અંગ્રેજી માધ્યમોની પાછળ ઘેલો થતો સમાજ જ્યારે.. 'A ફોર એપલ' જેવો બાળક 'Z ફોર ઝીબ્રા' જેવો બનીને વડીલોને માન આપતા શીખતો નથી ત્યારે... થપ્પડ મારીને પોતાનો ગાલ લાલ રાખે છે!! 

શોર્ટ એન્ડ સ્વીટ..

'પ્રામાણિકતા', 'નિષ્ઠા', 'સત્ય', 'સ્વચ્છતા', 'વિનમ્રતા'.. જેવાં અઘરાં શબ્દો વાંચનાર બાળક 'બે પુઠ્ઠા' વચ્ચેનાં શિક્ષણમાં તો હોંશિયાર થઈ જાય છે, પણ 'વાસ્તવિક શિક્ષણ'માં ઠોઠ સાબિત થાય છે! શાળાઓમાં બાળકને આવાં શબ્દો વાંચતા તો શીખવાડાય છે, પણ મૂલ્ય નહિ!! ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ રોડ પર થૂંકતા કે ટ્રાફિક રુલને તોડતાં એક સેકન્ડનો પણ વિચાર ન કરે તો શું એને શિક્ષિત કહી શકાય ખરાં?? મેં કોઈ વીડિયોમાં જોયેલું-સાંભળેલું કે જ્યારથી કેળવણીની જગ્યાએ શિક્ષણ શબ્દ વપરાતો થયો ત્યારથી મૂલ્યોની ઘોર ખોદાવાની શરૂ થઈ છે! 'વાસ્તવિક શિક્ષણ/કેળવણી' અને 'બે પુઠ્ઠા વચ્ચેનાં શિક્ષણ'માં આ જ ફરક છે!! 

'પોપટીયાં' અને 'ગોખણિયાં' એવાં બે પુઠ્ઠા વચ્ચેનાં 'પરીક્ષાલક્ષી નૉલેજ'થી, દેશમાં એક એવી પેઢી તૈયાર થઈ રહી છે કે જેમનું દિમાગ કૈક અલગ વિચારવાની જગ્યાએ.. 'બધા જે કરે છે એ જ કરવાનું (ઘેટાંચાલ.. યુ નો?!!) વિચારે છે'! નવનીતો અને ગાઈડોમાંથી માહિતીઓ ગોખી-ગોખીને હોંશિયાર થતાં વિદ્યાર્થીઓ.. મોટાં થયા બાદ કોઈ મુદ્દા/વાત/વિચાર બાબતે 'ફેક્ટચેક' કરીને સત્ય શોધવા/જાણવાની જગ્યાએ 'વોટ્સએપ યુનિવર્સિટી' નામની ગાઈડમાં ભરોસો કરતાં થઈ જાય છે! ..પરિણામે અત્યારે આપણે કયા એક જ પ્રકારનું વિચારતાં 'ઘેટાં'ઓની ભીડમાં ઘેરાયેલાં છીએ એ કહેવાની જરૂર ખરાં?? 
**************

સંસ્કૃતમાં ધો.10 માં મારે 97 માર્ક્સ છે, એનો મતલબ મને સંસ્કૃતમાં મારા વિશે 5-7 વાક્યો આવડવા જોઈએ.. પણ સંસ્કૃતમાં મને શું આવડે છે?? બાબાજીનું ..?!?!

 ..તો શું હું ખરેખર સંસ્કૃત ભણ્યો છું? ..કે ખાલી શ્લોકો અને એનાં ભાષાંતરનું જ રટ્ટૂ માર્યું છે?? ..સંસ્કૃતમાં 97 આવ્યા બદલ મને શરમ આવે છે.. મારી જાત પર! 

2015માં M.A.નું લાસ્ટ સેમ છોડી દીધું અને પરીક્ષા જ ન આપી એનું કારણ પણ આ જ!! મારુ લખાણ હું જાણું છું કેવું છે? કોઈ સબ્જેક્ટ પરનાં 'મૌલિક લખાણને કારણે આવેલી એટીકેટી' સોલ્વ કરવાં જ્યારે ફરી પરીક્ષા આપવાની થઈ ત્યારે નક્કી કરેલું કે વાંચ્યા વગર જઈશ.. અને જો પાસ થઈ ગયો તો ભણવાનું છોડી દઈશ!! ..પ્રશ્નોનાં જવાબને ગોળ-ગોળ, પાનાં ભરાય એવડો મોટો લખીને હું પાસ થઈ ગયો.. અને M.A. કમ્પ્લીટ કરવામાં માત્ર 5 પેપર બાકી હોવાં છતાં મેં ભણવાનું છોડી દીધું!! ...આજેય M.A. કમ્પ્લીટ ન કરવા બદલ મને કોઈ અફસોસ નથી!!

ગ્રેજ્યુએશનમાં પણ આ જ અનુભવ થયો.. વાસ્તવમાં બધા જ પેપરો રી-ચેકીંગ કરાવવા હતાં.. પણ માત્ર બે જ વિષય રી-ચેકીંગ થઈ શકતા હતા.. થર્ડ યરમાં ઓછાં માર્ક્સ આવવા બદલ કંટાળીને બે સબ્જેક્ટ માટે પેપર રી-ચેકીંગનું ફોર્મ ભર્યું.. અને માર્ક્સ સુધર્યા!! 
***********

ભાષામાં ચાહે કોઈપણ ધોરણ હોય.. એમાં કોઈ ચોક્કસ વસ્તુ/બાબત/મુદ્દો ભણવાનો હોય છે, નહિ કે એનું કોઈ વિષયવસ્તુ!! જેમ કે..

ધોરણ ૩માં સંવાદ ભણવાના આવે છે. કોઈ કેરેકટર કોઈ સંવાદ બોલે તો તેમાં ("...")અવતરણ ચિહ્ન ક્યાં/કેવી રીતે મૂકાય..? સંવાદ કેવી રીતે બોલાય..? બોલાતી ભાષાને કેવી રીતે લખાય..? આ બધુ શિક્ષકે બાળકને શીખવવાનું હોય છે!!

જ્યારે અહીં..?! ..શિક્ષકો માટે અગત્યનું છે- 'વાંદરાનું નામ શું હતું??' ..અલા સાહેબ.. વાંદરાનું નામ 'ખટખટ' હોય કે 'ખટમલ' હોય.. શુ ફેર પડે? વાસ્તવમાં આ પાઠમાં સંવાદ કેવી રીતે બોલાય/લખાય એ વસ્તુ અગત્યની છે!! ..અને કવિતાઓમાં પ્રાસ અગત્યનો છે!! તકલીફ ત્યાં છે કે 'વાંદરાનું નામ ખટખટ છે' એવું બોલનાર/લખનાર બાળકને હોંશિયારનું લેબલ મળે છે અને સંવાદ કેવી રીતે લખાય, એ સમજી જનાર બાળકને 'શૂન્ય'નું!!

લેખની શરૂઆતમાં શિક્ષકે બાળકોને.. પોતે જે બોલે છે એ રિપીટ કરવામાં/કરાવવામાં.. એટલી હદે પોપટ બનાવ્યા/બનાવી રહ્યા છે કે બાળક 'લખો'ની જગ્યાએ 'આપો' બોલે તો પણ શિક્ષક ચલાવી લેવાના મૂડમાં નથી!! ..પછી ભલેને બંનેનો ભાવાર્થ એક જ કેમ ના થતો હોય??!! 

(,) અલ્પવિરામના ચિહ્નને 'અલ્પવિરામ' એમ રિપીટેટિવ બોલીને ન બતાવાનું હોય.. પણ 'આભ, ગગન' બોલીએ ત્યારે જ વચ્ચે અટકીને પ્રેક્ટિકલી શીખવવું/સમજાવવું પડે!! ..ધીમે ધીમે બાળક કોઈ મુદ્દા/શબ્દોની વચ્ચે અલ્પવિરામ 'ક્યાં' આવે એ આપોઆપ સમજે/પૂછે ત્યારે 'અલ્પવિરામ'ની સમજ સ્પષ્ટ કરવી જોઈએ!!

કવિતામાં 'પ્રાસવાળા'શબ્દો તરફ બાળકનું ધ્યાન જાય તેવી પ્રવૃત્તિઓ/પ્રશ્નો પૂછવા પડે, નહિ કે 'ટીકુબેન ક્યાં છુપાયા છે', એ સવાલ!! શરૂઆતના ધોરણોમાં ગુજરાતી વિષયમાં સોમાંથી નેવું-સો માર્ક્સ લાવનાર બાળકો, ધોરણ ૧૦માં આવતાં સુધી, ગણિત કરતા 'ભાષા' વિષયમાં વધુ શા માટે નાપાસ થતા હશે, એ સમજાય છે?? 

માર્ક્સ વધુ લાવવા વિષયવસ્તુને અગત્ય આપી, અપેક્ષિત/નવનીત/ગાઈડનો ઉપયોગ કરવા ટેવાયેલાં બાળકો/શિક્ષકો.. ખરેખર શું અગત્યનું છે? ..એ શીખે/શીખવાડે/શોધે જ નહિ, તો અંતે રાષ્ટ્રને કેવી પેઢી ભેટમાં મળે??

'વોટ્સએપ યુનિવર્સિટી' નામની ગાઈડની સાચી-ખોટી બાબતોને સ્વીકારવાવાળી દંભી-ભક્ત પેઢી સ્તો!! 
**************

પ્રાઇવેટ શાળામાં બાળકોને કોમ્પિટિશન મળે છે.. બિલકુલ સાચું!! ..પણ તકલીફ એ છે કે ત્યાં પહેલો નંબર જ લાવવાનું શીખવાડે છે!! રમત-ગમત હોય કે ભણવાનો કોઈ મુદ્દો..,, બાળકને એ રમત કે મુદ્દો શીખવા/રમવાની પ્રોસેસમાં મજા આવવી/ભાગ લે.. એ વધુ જરૂરી છે!! પહેલો કે બીજો.. આવા નંબર તો માત્ર એક આંકડો છે!!

ખાનગી શાળાનાં શિક્ષક/બાળકનાં વાલી તરીકે શું આપણે ક્યારેય આપણાં બાળકને એવું શીખવ્યું છે કે હારવું-જીતવું કે પહેલો-બીજો નંબર લાવવો જરૂરી નથી.. પણ રમવું જરૂરી છે!!?? આપણે બધાં બાળકને એવું જ પૂછીએ કે, 'કેટલાં માર્ક્સ આવ્યા?' ..તો બાળક પણ એવું જ શીખે કે.. 'માર્ક્સ વધુ લાવવા જરૂરી છે, નહિ કે શીખવું/બીજાને શીખવવું!!' ..પહેલો નંબર લાવવો જરૂરી છે, નહિ કે જાણવું!! 

સતત આવું જ શીખતી પેઢી અંતે સ્વાર્થી જ બનતાં શીખે છે! ..દેશમાં કોઈ સ્ત્રી/યુવતી/છોકરીનાં 'ચારિત્ર્યહનન'નાં સમાચારથી કે પછી કોઈનાં મૃત્યુના સમાચારથી કે પછી ભ્રષ્ટાચારના સમાચારથી આપણને શા માટે ફરક નથી પડતો, એ સમજાય છે?? 

..કારણ કે આપણે એવું જ શીખ્યાં છીએ કે, મારાં માર્ક્સ વધારે આવવા જોઈએ.. બીજાનું જે થવું હોય એ થાય!! મારો જ પહેલો નંબર આવવો જોઈએ.. અને બીજાનો મારાં પછી!! ...ભૂલેચુકેય જો બીજાનાં માર્ક્સ વધારે આવે તો બાળક શેનો શિકાર બને છે? ..ઈર્ષ્યા, ગુસ્સો, સરખામણી, ફ્રસ્ટ્રેશન, તણાવ, ડિપ્રેશન વગેરે.. વગેરે..!! ..અને નાપાસ થયું તો?? 

'પાંચમા ધોરણમાં ફેઈલ થવાની બીકે બાળકે આત્મહત્યા કરી' ..શુ આવા સમાચાર કોઈને યાદ છે??
.
''છોડો યાર.. મારું બાળક તો પહેલો નંબર પાસ થયું છે ને..?? એણે આત્મહત્યા કરી એમાં મારે શું??"
**************

પ્રાઇવેટ શાળામાં કોમ્પિટિશન ચોક્કસ મળે છે, પણ સરકારી શાળામાં મળે છે.. સંવેદના, લાગણી, મદદ કરવાનો ભાવ! એકને ન આવડતું હોય તો બીજાને શીખવવાની હોડ જામે છે અહીં!! અહીં અભાવોમાં પણ ખુશ કેમ રહેવું એ આપોઆપ શીખાય છે!! અહીં કોઈ હરીફાઈ નથી.. બધા બાળકો પોતપોતાની દુનિયામાં મસ્ત છે.. બધાં પોતપોતાની ઝડપે શીખે છે! ગાઈડો અને નવનીતોથી દુર પુસ્તકમાંથી જવાબો શોધવામાં આવે છે.. અને એટલે જ સ્તો, ઓછું ભણેલો મોટેભાગે પ્રામાણિક અને મહેનતુ હશે પણ વધુ ભણેલો? ..એટલો જ વધુ ભ્રષ્ટાચારી અને ડરપોક!! ક્યારેક કોઈ જગ્યાએ ફરવા જાઓ તો જોજો કે ભણેલી પેઢી વધુ ગંદકી/અસ્વચ્છતા ફેલાવે છે કે અભણ પ્રજા?? 

આપોઆપ સમજાશે કે.. 'સ્વચ્છતા' ઇઝીલી વાંચનાર બાળક 'સ્વતંત્રતાના હકનો લુપ હોલ શોધી' કચરો ગમે ત્યાં નાંખતા નહિ અચકાય! 'સત્ય' વાંચનાર બાળક 'મૌખિક અભિવ્યક્તિની આઝાદીનો ફાયદો ઉઠાવી' ઇઝીલી ખોટું બોલશે.. અને અંગ્રેજીમાં 'help others' વાંચનાર બાળક 'સમાનતાનાં હકના ચીંથરા ઉડાવી' બીજા બાળકને ગણિતનો દાખલો નહિ શીખવાડે!!

પરીક્ષાલક્ષી 'બે પુઠ્ઠા' વચ્ચેનાં ભણતરનું આનાંથી વધુ કરુણ પરિણામ રાષ્ટ્ર માટે બીજું શું હોઈ શકે??!!
*************

ધોરણ ૧-૨માં તન્વીને મારી જ મ્યુનિસિપલ સરકારી શાળામાં ભણાવી છે! તન્વીને મારાં વર્ગમાં જ મારી સાથે જ ભણાવવા માટે હું મોટા ધોરણમાંથી ધોરણ ૧-૨ (પ્રજ્ઞા)નો શિક્ષક બન્યો! આ દરમિયાન અમને કેવાં-કેવાં વાક્યો સાંભળવા મળ્યા છે એની એક ઝલક લખું તો..

"તમે તમારી દીકરીને સરકારી સ્કૂલમાં ભણાવો છો?"
"અહીં એને કોમ્પિટિશનવાળું વાતાવરણ નહિ મળે."
"આવાં..(જાતિગત શબ્દ)..બાળકોની વચ્ચે આપણાં બાળકને થોડું ભણાવાય?"
"તમે બંને શિક્ષક છો તોય સરકારીમાં ભણાવો છો?"
"સરકારીમાં કાંઈ સારું નથી ભણાવાતું!"
"એનાં પર પર્સનલી ધ્યાન નહિ આપી શકાય"
"સાહેબ બધી વાત બરાબર.. પણ કોઈ સારી સ્કૂલમાં તન્વીને એનાં જેવાં બાળકો મળશે.. આ શાળાની બહારની વસ્તુઓ/બાળકો/લોકોને જોશે.. તો એનું વિઝન ખુલશે.."
.
.
વાક્યો તો ખૂટે એમ નથી.. ઉલ્ટામાં શિક્ષણનાં એક ઉચ્ચ અધિકારી મારી શાળાને 'ભંગાર સ્કૂલ' કહીને પણ સંબોધન કરે છે!!

આ બધામાં મારો બચાવ શુ??
.
.
"સર.. સરકારી સ્કૂલમાં 'રમતાં-રમતાં ભણવાનું' વાતાવરણ મળે.. પ્રાઇવેટ શાળામાં તો ભણવાનું જ બર્ડન મળે.." 

(પ્રાઇવેટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારા સગા ભત્રીજાનું ધો.૧નું દફતર મને વજનદાર લાગતા જોયેલું તો એમાંથી ૧૪ પુસ્તકો નીકળેલાં! ..નોટો, કંપાસ અને પાણીની બોટલનું વજન અલગ!! પ્રાઇવેટ શાળાઓમાં ગધેડાની જેમ (સોરી.. 'Z ફોર ઝીબ્રા'ની જેમ!) 'વજન ઉચકવાની કોમ્પિટિશન' જરૂરથી મળી રહે એમ છે!!)

બિલકુલ ભારરૂપ(બર્ડન) ન બને એ રીતે તન્વી ધોરણ ૧-૨ મારા વર્ગમાં જ મારા હાથનીચે 'રમતાં-રમતાં' ભણી છે! જેને હું વર્ષો પહેલાં અમુક બાળકોને બે પુઠ્ઠા વચ્ચેનું ભણાવ્યાનાં પ્રાયશ્ચિતરૂપે લખી શકું છું!!

...આમ છતાંય આ ટાઈપના વાક્યો સાંભળી-સાંભળીને (અને વર્ગ/ધોરણ/વિષય બદલી ન શકવાનાં નિયમને કારણે હવે તન્વી મારાં વર્ગમાં ભણી ન શકે!) નક્કી કર્યું કે ધોરણ-૩માં તન્વી આવે ત્યારે કોઈ સારી પ્રાઇવેટ સ્કૂલમાં અમે એપ્લાય કરીશું.. વધુમાં નક્કી કર્યું કે માત્ર એક જ સ્કૂલમાં એડમિશન માટે ટ્રાય કરીશું! ..એડમિશન મળે તો ઠીક અને ન મળે તો આપણી મ્યુનિસિપલ સરકારી શાળા ક્યાં નથી??!! 

જોઈ શકું છું કે તન્વીનું બર્ડન વધી ગયું છે! નવી નવી માહિતીઓનાં (માત્ર 'ટિપિકલ' શૈક્ષણિક ઈન્ફોર્મેશન જ.. વાસ્તવિક શિક્ષણ નહિ!!) ભાર હેઠળ બે પુઠ્ઠા વચ્ચેનું એ ભણી રહી છે!! આવાં ભણતરને લોકો 'સારું ભણવાનું' કહે છે, પણ હું નહિ!! 

ધો.૩માં મારી તન્વી જે રીતે 'પરીક્ષાલક્ષી' જ ભણી રહી છે, એ જોઈને મારો જીવ બળી જાય છે..  કેમ કે રાષ્ટ્રની હજારો શાળાઓમાં 'પોપટો' તૈયાર થઈ રહ્યા છે.. અને સારા વિચારશીલ નાગરિકો?? ..નહિવત!! 

તન્વી 'વોટ્સએપ યુનિવર્સિટીનો ગોખણીયો પોપટ' ન બને એવી ઈશ્વરને હદયથી પ્રાર્થના!!

રવિવાર, 20 ઑગસ્ટ, 2023

ધીરુભાઈ અને કોકિલાબેન

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0bodNGaCh1WFUY63FN4Men4XgoENHhNhCZEXPYYackg9osDyCuXbrDC5EqM4qaZRLl&id=100002947160151&mibextid=Nif5oz


"તમારાં મનમાં કોઈ પાપ નથી ને.. એટલે તમારાં હાથે મરી ગયેલું ઝાડવું પણ જીવી જાય છે.." ધીરુભાઈ બોલ્યા.

હું હસ્યો, "ખરેખર તો તમારી મહેનત જ આ ઝાડવાઓને જીવાડે છે. મારુ ચાલે તો આ દરેક ઝાડવાઓ ઉપર ધીરુભાઈ અને કોકિલાબેનનું નામ લખી દઉં.."
************

ધીરુભાઈ અને કોકિલાબેન...

એકદમ નિર્લેપ ભાવે જીવતાં સાધુ દંપતી!! એમનું ચોખ્ખું મન કોઈપણ અનુભવી શકે એવાં!! મારી શાળાનાં ઉજાડ પ્રાંગણને હર્યુભર્યું બનાવનાર ભગવાનના માણસ!!

ધીરુભાઈનું મૂળ કામ અમારી શાળાના સિક્યોરિટી તરીકે છે પણ શાળાને પોતીકી ગણી આખી શાળામાં જે રીતે અવનવાં ઝાડ અને શાકભાજી વાવ્યા છે એ જોઈને કોઈની પણ નજર ઠરે! કીડા કે જીવાત ન થાય એટલે ચૂલામાંની રાખ આખા બગીચામાં છાંટે! મેદાનમાં પાણી ભરાતું હતું ત્યાં પોતાનાં ખર્ચે ટ્રેકટર ભરીને માટી છાંટી દે! જ્યાં ને ત્યાં ઝાડી-ઝાંખરા હતાં એ કોઈનેય પૂછ્યા વગર જ હટાવી દીધાં.. ને આખા મેદાન ફરતે સરસ મજાનાં શાકભાજી વાવી દીધાં! 180 રૂ.ના ધાણા લાવી કોથમીર વાવી, એ ઉપરાંત, રીંગણાં, દૂધી, ભીંડા, ગલકા અને મૅની મૉર!! ફુલડાઓનો તો કોઈ તોટો નથી! જો કોઇના મનમાં એમ થતું હોય કે છોડવા તો અમે વાવેલાં, તો મારે એમને એ કહેવામાં કોઈ નાનપ નથી કે જાળવણી તો ધીરૂભાઇએ કરેલી છે. (આ હું કોને જવાબ આપું છું એ કહેવાની જરૂરત ખરી!!??)
*************

એક પરિપત્ર થયો કે શાળામાં શિક્ષકવાઇઝ ઝાડ/છોડ વાવવાની હોડ જામી હોય એવું લાગ્યું! મારે સહેજેય કશું પણ વાવવાની ઈચ્છા નહોતી પણ છેલ્લો છોડ, કે જે લગભગ મરી ગયેલો મારાં ભાગે આવ્યો.. ધીરુભાઈ કહે, "સાહેબ આ છોડ અહીં વાવી દો. સાચા ભાવથી વાવજો.. ઊગી જશે!"

મેં કહ્યું, "જો ઊગી જાય તો આ છોડ/ઝાડને હું તમારું નામ આપીશ."

..અને ખરેખર પંદર દિવસ પછી મારી પાસે આવ્યા, અને હાથ પકડી કહે, "જુઓ.. આ તમારા હાથે વાવેલો છોડ.. કેવો મસ્ત ફુલ્યો ફાલ્યો છે એ જુઓ.. મેં કીધું'તું ને સારા ભાવથી વાવજો.. એ ઊગી જશે.''

...અને બસ એમને મારા પર ભરોસો થઈ ગયો છે કે મારો હાથ સારો છે! એક આડવાત.. સારા છોડ જોઈને જે વૃક્ષો/છોડ વાવવામાં આવેલાં એ બધાં ઉગ્યા નથી!!
************

હું જાણું છું.. મને ઝાડ/છોડ/વનસ્પતિની બહુ ખબર પડતી નથી! બે પુઠ્ઠા વચ્ચે જે ભણ્યો એ જ યાદ છે.. 'વનસ્પતિને ઉગવા પાણી, ખાતર અને સૂર્યપ્રકાશ જોઈએ!' ..મારુ વનસ્પતિનું જ્ઞાન અહીં પૂરું થઈ જાય છે!! ..પણ કોઈ ગુરુ મળે તો શીખવામાં પાછો ન પડું, એ મારો સ્વભાવ હું જાણું છું. વેલાકોટ(તા.ગિરગઢડા, જી.ગીર સોમનાથ) શાળામાં રહેતો, ત્યારે મારી સાથે રહેતાં બે-ત્રણ વિદ્યાર્થીઓ સાથે ભેગાં મળીને ભીંડા અને ડોડા વાવેલાં.. ખાધેલાં ય ખરાં! ભણવામાં એ જ શીખેલો કે વનસ્પતિના બિયાંથી બીજી વનસ્પતિ ઉગે, એટલે એવી ઘણી વનસ્પતિનાં બિયાનાં અખતરા કરેલા, પણ ઉગ્યા નહોતાં, આ છોકરાઓએ એ શીખવાડેલું કે બધાનાં બિયાં ન ઉગે, બજારમાંથી જે મળે એ વધુ સારાં ઉગે! જ્યારે ભીંડાનું બીજ પહેલીવખત જોયું ત્યારે મને ખૂબ નવાઈ લાગેલી! શિક્ષક હોવા છતાંય મારાં અનેક ગુરુઓ રહ્યા છે, ધીરુભાઈ હાલ પૂરતાં મારા પર્યાવરણના ગુરુ છે. 

એકવાર મને હાથમાં પાવડો પકડાવી દીધો, અને ખાડો ખોદવા કહ્યું. મેં ખાડો ખોડવાની શરૂઆત કરી ત્યાં તો ખિજાઈને કહે, "દમ લગાવો થોડો.. આ શું કરો છો??"
આખરે ખાડો ખોદયા પછી જાંબુડીનો છોડ આપી મારા હાથે વવડાવ્યો! પછી કહે, "હવે જોજો.. આ ઉગે એ!"
એમને મારાં પર ભરોસો છે અને મને એમના પર!! અમારો એકબીજા પરનો શાળાના મેદાન બાબતે આવો ભરોસો છે. હાલ જાંબુડો ખીલ્યો છે ખરાં! 
*************

કોકિલાબેન.. 
નાના અને ગરીબ માણસોમાં હોય એ બધી જ ધાર્મિક બદીઓનો એમનાં પર ખૂબ પ્રભાવ છે! મારે શ્રાવણમાં એકટાણું હોવાં છતાં એક દિવસ દશામાંની શીરાની પ્રસાદી લઈ આવ્યા.. મેં એમનો ચહેરો જોયો.. કોઈ સાક્ષાત દેવી જેવો ચહેરો લાગ્યો.. ઉપવાસમાં ન ખવાય તોય પ્રસાદી ખાધી.. (આમેય હું કોઈ પ્રસાદી, ઉપવાસ હોય કે ના હોય, ખાવાની છોડતો નથી! યુવાવસ્થામાં ઘણીવાર મમ્મી-પપ્પા સાથે કોઈ વૈચારિક માન્યતાઓ બાબતે મતભેદ થાય, ત્યારે હું ગુસ્સામાં ખાવાનું છોડી દેતો. એ 'ભૂખ'નાં દિવસોમાં હું રસ્તામાં આવતા બધાં જ મંદિરોમાં માત્ર પ્રસાદી માટે જ જતો.. જેથી એની મુઠ્ઠી ભરીને લીધેલી પ્રસાદીમાં મારો દિવસ નીકળી જાય! કોઈ મંદિરમાં પ્રસાદી ન મળે તો બીજી વાર જવાનું પણ નહિ, હું એવો સ્વાભિમાનીય ખરો!) એ ખુશ થઈ ગયા! કોકિલાબેન દરેક રૂમના દરવાજે ઊભાં રહી પૂછે, "કચરો વાળી દઉં?"

..અને હું ખિજાઉ, કેમ કે મને એમાં મારાં મમ્મી જ કામ કરતાં દેખાય! વળી, મને એમ પણ થાય કે શિક્ષક પોતાની જાતે રૂમનો કચરો ન વાળી શકે??!! 
***********

આજે શાળાએ આવ્યો ત્યારે ધીરુભાઈ ક્યાંકથી ગાયનું છાણ લઈને એમાં પાણી નાંખીને છોડવાઓમાં નાખતા હતા. હું મારી જાતને રોકી ન શક્યો.. મેં તનુને કહ્યું, "ચલ બેટાં, તારે નાખવું હોય તો તું ય આવી જા.."

ધીરુભાઈ કહે, "સાહેબ તમે રહેવા દો.. હાથમાં વાસ બેસી જશે તો બપોરે ખાવાનુંય નહિ ભાવે."

મેં કહ્યું, "સૂગ તો મનમાં હોય.. મને એવું કંઈ નહીં થાય.. તમે મને ખાલી એટલું કહો કે નાખવાનું ક્યાં અને કઈ રીતે છે?"

બસ.. ઝાડ/છોડવાઓમાં પાણીવાળું છાણ નાખ્યું.. કૈક કર્યા/શીખ્યાનો સંતોષ થયો!! બદલામાં એ કહે, "ફુલડાંઓની વચ્ચે તમારી બેબીને ઉભી રાખી ફોટો પાડો.. મસ્ત આવશે." 
**************

અહીં મારી શાળાનો ઉજ્જડ ફોટો પણ મુકું છું, અને હાલ ધીરુભાઈને કારણે 'હરિયાળા' થયેલાં મેદાનનો પણ ફોટો મુકું છું! અમુક અમારી વચ્ચે થયેલી વાતચીતનો વિડીયો પણ મુકું છું! એક સરળ સ્વભાવનું પણ સતત ઝઘડતું રહેતું, અને છતાંય એકબીજાને પ્રેમ કરતું ગરીબ દંપતી કેવું હોય એ સમજાશે! ..નિઃસ્વાર્થ ભાવે આટલું બધું કરવાવાળા ધીરુભાઈનો સિક્યોરિટી તરીકે પગાર શું છે? મહિને માત્ર 1500₹!! 
**************

"દોઢસો રૂપિયાની તેલ થઈ ગયું.. રોજના 50 રૂપિયામાં ઘર કેમ ચલાવવું?" કોકિલાબેન આવું બોલ્યા તો મારો જીવ બળી ગયો.. કરશનભાઈનાં શબ્દો આજેય સાક્ષાત છે..

"છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું પણ દોહ્યલું,
ને અમીરોની કબર પર ઘીના દિવા થાય છે."

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

આપણામાંથી મોટાભાગનાં લોકો કેવી રીતે ભણ્યા છીએ?? ખરેખર આપણાં ઇન્ટેલેક્ચ્યુઅલો શા માટે વિદેશમાં સ્થાયી થવાનું વિચારે છે??

આપણામાંથી મોટાભાગનાં લોકો કેવી રીતે ભણ્યા છીએ?? ખરેખર આપણાં ઇન્ટેલેક્ચ્યુઅલો શા માટે વિદેશમાં સ્થાયી થવાનું વિચારે છે?? 
*********

ધોરણ ૧ માં હતો ત્યારે મને હજુયે એવું યાદ છે કે શિક્ષક પાટીમાં કોઈ મૂળાક્ષર/અંક લખી દેતાં અને કહેતા કે "આ ઘૂંટ!" ..અને હું ઘૂંટવા લાગતો! મને એ આવડતું એટલે હું હોંશિયાર કહેવાતો! 

......'પોતાનો કક્કો જ ખરો છે', એવું બાળકનાં મનમાં 'બ્રેઇન વોશિંગ'થી નાંખવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે! 

એક શિક્ષકે બાળકને 'ક' શીખવાડ્યા પછી જોયું કે બાળકે  તેની પાટીમાં 'ક' લખ્યો તો છે, પણ એ ઉંધો છે! ..એટલે સાહેબ એને ફરીથી 'ક' ઘૂંટવા આપે છે. બાળક 'ક' ઘૂંટે તો છે, પણ અનેકવાર ઘૂંટયા પછીયે એ ઉંધો જ 'ક' લખે છે! ..ઉંધો 'ક' જોઈ સાહેબ ખીજાય છે, અને બાળકને એક થપ્પડ મારી દે છે!! બાળક સમજી નથી શકતો કે સાહેબે એનાં પર કેમ ખીજાયા?? એને શા માટે થપ્પડ પડી?? એ બાળક કશુંયે બોલ્યા વિના પાછો 'ક' ઘૂંટવા લાગ્યો!!... 

સમય જતાં બાળકને 'ક' કેવી રીતે લખાય એ આવડી તો ગયું.. પણ બાળકને પડેલી આ થપ્પડની લાંબાગાળે આપણાં દેશ પર શું અસર પડી, એ જાણો છો?? 

વર્ગમાં રહેલું ભણવામાં હોશિયાર બાળક બધાને વ્હાલું લાગે છે. વર્ગમાં શિક્ષકે કહ્યું, "આ સ્પેલિંગ પાંચ વખત જોઈજોઈને લખી નાંખ." એટલે ભણવામાં હોશિયાર બાળક પોતાને એ સ્પેલિંગ આવડતા હોવા છતાં તરત જ લખવા માંડે છે! એ ક્યારેય એવું વિચારતો નથી કે શા માટે મારે આ લખવું જોઈએ? એ સવાલ નથી પૂછતો.. માત્ર આદેશને ફોલો કરે છે, અને એ વિચાર્યા વગરની વેઠ ઉતાર્યા બાદ જયારે એ શિક્ષકને પોતાનું સુંદર અક્ષરવાળું લખાણ બતાવે છે, ત્યારે સાહેબ વર્ગમાં એનાં વખાણ કરે છે. આ નકામાં વખાણની ઘેલછા બાળકને નાનપણથી જ વિવેકબુદ્ધિ વાપર્યા વિના આદેશને ફોલો કરવાની, જે કુટેવ પાડે છે એનાં કારણે લાંબા ગાળે આપણા દેશ પર શુ અસર પડી એ જાણો છો??

'ભણવું/શીખવું' એ બાળકનું મુખ્ય કામ હોય છે અને આ જ કામ કરવા માટે જો તેના વાલી એને એવું કહે કે, "તું જે-તે ધોરણમાં જો પહેલો નંબર લાવીશ/સારા ટકા લાવીશ તો તને સાયકલ/મોબાઈલ/જે માંગે એ લઈ આપીશું." ...અને બાળક ખરેખર પહેલો નંબર લાવે ત્યારે એને જે જોઈએ એ મળે છે! ...તો આની લાંબાગાળે આપણાં સમાજ પર શું અસર પડી એ જાણો છો??
*********

બાળકને શું ભૂલ છે, એ એને ખબર જ નહતી, છતાંય એને થપ્પડ પડી! એને એની ભૂલ જાતે જ સમજવાની તક જ ન મળી, એનાં કારણે એ એવું સમજતો થયો કે મારાં શિક્ષક/વાલી હંમેશા સાચા જ હોય છે! એમને બધું જ આવડે છે, અને એ ક્યારેય ખોટાં હોઈ જ ન શકે! એ જેવું કહે એવું જ કરનાર આવા કહ્યાંગરા બાળકોને વાલીઓ/શિક્ષકો હોંશિયારની કેટેગરીમાં રાખે છે. જેથી બાળકનાં મનમાં નાનપણથી જ એવું ફીડ થઈ જાય છે કે હોંશિયાર બનવા માટે વાલીઓ/શિક્ષકો જે કહે એ વિવેકબુદ્ધિ વાપર્યા વગર કે સવાલ પૂછ્યા વગર કરી નાખવું! સ્પેલિંગ આવડતા હોવા છતાં પાંચ વખત લખીને પ્રસંશા મેળવનાર બાળકમાં મોટાં થયાં પછીયે ખોટાંનો વિરોધ ન કરવાની વૃત્તિ પેદા થઈ! પહેલો નંબર/સારા પર્સન્ટેજ લાવીને પોતાને ગમતી વસ્તુ મેળવનાર બાળક મોટું થઈને જ્યારે કોઈ હોદ્દા પર બેસે છે ત્યારે પોતાનું જ કામ કરવા માટે એ લાંચની ઈચ્છા રાખતો થાય છે! 

*નાનપણથી જ જેને પોતાના વડીલ સાચું માને એવું જ કરવાની, ખોટાંનો વિરોધ ન કરવાની અને પોતાનું જ કામ કરવા માટે લાંચ લેવાની ભરપૂર પ્રેક્ટિસ મળી હોય એવું બાળક મોટું થઈને વોટ્સએપ યુનિવર્સિટીમાં/મીડિયામાં/સોશિયલ મીડિયામાં દેખાતાં સમાચારોનું તથ્ય જાણ્યા વગર જ ખોટાંને સાચું માની લે એમાં શી નવાઈ??!!*
આપણામાંથી મોટાભાગનાં આવી જ રીતે તો ભણ્યા છીએ!! 
***********

આવી જ રીતે ભણ્યા હોવાં છતાં આપણાંમાંથી જ ખરેખર 'એજ્યુકેટેડ' લોકો એવું સમજી ચુક્યા છે કે ખાટલે મોટી ખોડ ક્યાં છે??!! પોતાનું તો જે થવાનું હતું એ થયું પણ પોતાનું બાળક આવા ખોડંગાઈ ગયેલા ખાટલામાં/અંધભક્તિમાં સડે એનાં કરતાં વિશ્વની શ્રેષ્ઠ કન્ટ્રીઝમાં સ્થાયી થાય તો એનું જીવન તો સુધરે!! જેમ જંગલમાં સિંહ અગાઉના સિંહથી જન્મેલા બાળકોને મારી નાંખીને પોતાનું જિન્સ આગળ વધારે છે એમ જ માનવજીન્સનો પણ આ જ સ્વભાવ છે કે પોતાનાં જિન્સને શ્રેષ્ઠ મળે! આવી વિચારધારાથી પ્રેરાઈને લોકો હવે પોતાનાં બાળકોને વિદેશમાં મોકલવા લાગ્યા છે!

બાળક પણ જે આઉટડેટેડ છે એવો કરીક્યુલમ ભણીને વિદેશ ભણવા જાય ત્યારે સૌથી પહેલાં એને ત્યાંની શિક્ષાને અનુરૂપ બને છે! એ ત્યાં જુએ છે કે અહીંનું શિક્ષણ 'દિમાગની બત્તી' ખોલે છે. સવાલો પૂછનારને પ્રોત્સાહન મળે છે. પોતાની ભૂલ સમજવાની તક મળે છે. માનવજીવનનું મૂલ્ય અહીં કરતાં ત્યાં વધુ છે એ સમજે છે. શોર્ટ એન્ડ સ્વીટ, વૈચારિક આઝાદીનો સ્વાદ ચાખનાર બાળક પછી ઓર્થોડોકસ ગુલામીમાં ન જ જીવે! માટે એ ફરી પાછું અહીં આવતું જ નથી અને મોટેભાગે ત્યાંજ સ્થાયી થઈ જાય છે! કારણ કે ખરું શિક્ષણ તો ઓર્થોડોકસ વિચારધારાથી આઝાદી જ આપવાનું કામ કરશે!! બાકી.. ડિગ્રીધારી શિક્ષણ માટે વોટ્સએપ યુનિવર્સિટી છે જ ને??!!
**********

યજ્ઞેશ રાજપુત
લ.તા.3.8.23