હું નિયમિત રીતે ક્યારેક ક્યારેક(??!!) મેડીટેશન કરવા બેસતો હોઉં છું. જયારે મન બહુ જ ભરાઈ જાય, બહારની દુન્યવી બાબતોથી કંટાળી જાય ત્યારે એમ થાય છે કે થોડીવાર શાંતિ મળે તો સારું? આવું થાય ત્યારે મને ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, અથવા તો મેડીટેશનમાં બેસવાનું મન થાય.. મોટેભાગે તો ચોકલેટ આઈસ્ક્રીમથી કામ પતે એવો પ્રયત્ન કરું.. છતાંય જો મેળ ના પડે તો મેડીટેશન સિવાય છૂટકો નથી એવું લાગે! કાનમાં ભૂંગળા ભરાઈને (હેન્ડ્સફ્રી, યુ નો?) શાંત-ઠંડુ મ્યુઝીક લગાવીને બેસું.. એક્ચ્યુલી બે રીતે બેસતો હોવ છું.. એક તો બહારનો કોઈ જ અવાજ અંદર ન જાય એમ ઈયરપ્લગ લગાવી દઉં, અથવા તો એ.આર.રહેમાનના કર્ણપ્રિય ગીતો સાંભળતા બેસું..!!સાચું કહું તો બેઠા પછી જો 'કમર' સાથ આપે અને ઊંડો ઉતરી જાઉં તો ઉભા થવાનું પણ મન ના થાય, અને ક્યારેક પાસા અવળા પડવાના હોય તો બેસું પણ નહિ.. એવું મારું મેડીટેશન!! મેડીટેશન કરતી વખતે ઘણીવાર ૨ કલાક રમતા-રમતા બેસી જાઉં.. અને ઘણીવાર તો પાંચ મિનીટ બી ના થઇ હોય અને ઝોલાં આવવા માંડે!! પણ.. એક વસ્તુ છે.. મેડીટેશન ચાહે જે પણ હોય.. બહુ જ અદભુત વસ્તુ છે!! હુ ઈચ્છું છું કે મારી દીકરી દંભી ધાર્મિક બને એના કરતા આ અદભુત આધ્યાત્મિક અનુભવ કરે!
હું એવા લોકોને ઓળખું છું કે જેઓ દંભી ધાર્મિકતામાંથી ઊંચા જ નથી આવતા. પોતાની સાથે જે કઈ બી બને એનો દોષ તેઓ ભગવાનને જ આપે રાખે!! અલાભાઈ.. (કે પછી અલીબેન!) તું જે કરે છે એમાં ભગવાનનો શો વાંક? તું ખોટું કરે, તું ખોટું બોલે, તું અહીની વાત ત્યાં કરે અને પછી તારું નામ આવે એટલે તું પાછી એમ કહે કે.. 'એને તો ભગવાન પહોચશે!!" પાછા કર્મના સિદ્ધાંતોની વાત ઠોકવા માંડશે..!! પોતાના જેવું સુફિયાણું તો કોઈ જ નથી, એવી બડાઈઓ હાંકે રાખશે. જયારે હોય ત્યારે ભગવાનની ચોપડીઓ લઈને બેસી જાય અને આંખ-કાન તો ચારેય બાજુ ઘુમાવ્યે રાખશે!! હું પોતે શિક્ષક છું. સી.આર.સી. પણ રહી ચુક્યો હોઈ ઘણી શાળાઓમાં ફરવાનું થયેલું છે. મેં એવા શિક્ષકો અને આચાર્યો જોયા છે કે એમને જોઇને મને હવે તો ગુંગળામણ થાય છે. પોતાના વર્ગના બાળકોને સહેજેય ભણાવે જ નહિ, અથવાતો રોજ કાળું પાટિયું ભરી દેશે અને છોકરાઓને કહી દેશે કે લખી નાંખો.. એય ને પછી આખો દિવસ ફરતા ફરશે! આચાર્યો પણ મળતી ગ્રાન્ટમાંથી શું ખાવાનું મળે છે એ પહેલા વિચારશે.. અલગ ધર્મ/જાતિના બાળકો હોય તો એને ઉઠાડીને પાછલી બેન્ચે બેસાડશે.. અને પછી ધર્મની વાતો કરશે. હું એક એવી શાળામાં શિક્ષક છું જ્યાં ૯૫% બાળકો મુસ્લિમ છે. એમના વાલીયોમાં પણ મેં એમના ધર્મને લગતી આવી જ દંભી ધાર્મિકતા જોઈ છે. મારા વર્ગના એક બાળકે મને કહેલું, કે મદ્રેસામાં મૌલવી અમને એમ પૂછે કે હવે કયો તહેવાર આવશે? તો જો અમે ભૂલથી પણ એમ બોલીએ ને કે ઉતરાયણ.. તો એ સોટી લઈને મારે.. એ એવું કહે કે એ હિન્દુઓનો તહેવાર છે..! જયારે મને ખ્યાલ છે ત્યાં સુધી પતંગ હોય, રાખડી હોય કે ફટાકડા હોય.. મુસ્લિમ લોકો જ આવી વસ્તુઓ વધારે બનાવતા હોય છે!! એક નાનાં બાળને પતંગ ઉડાડવાનું મન થાય છે.. એની લાગણીનું કઈ જ નઈ?? આ તો એક ઉદાહરણ છે.. આવા તો ઘણા ઉદાહરણો છે!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો