ગુરુવાર, 28 મે, 2020

*મેડિટેશન: ધ્યાન??!!!*

*મેડિટેશન: ધ્યાન??!!!*
-------------------------------


"'હું 'ઓમ' કરવા બેસું ને, એટલે મને બધું ગોળ-ગોળ જ ફરતું દેખાય.."

"કોઈ વાંધો નહિ, શક્ય હોય તો તારી અંદરનાં અવાજો સાંભળવાની કોશિશ કરવાની.."

"એક-બે વખત જ ધબકારા સંભળાય.. પછી તો કંઈ થાય જ નહીં..??!!"

"ઠીક છે.. તને જ્યારે અવાજ સંભળાય એટલે તારું 'ઓમ' પૂરું.. બસ.. તારે ઉભું થઈ જવાનું.."

માંડ પાંચ મિનિટ થાય કે ન થાય.. ત્યાં તો એ ઉભી થઇ જાય.. અને કહે, "મને 'ધબકારા' સંભળાઈ ગયા.."

(તસ્વીર તન્વી અને એની સાથે મેડિટેશનમાં બેસતાં એનાં 'મની'(ટેડી)ની છે.)

*************************

હું નિયમિત રીતે ક્યારેક ક્યારેક(??!!) મેડીટેશન કરવા બેસતો હોઉં છું. જયારે મન બહુ જ ભરાઈ જાય, બહારની બાબતોથી કંટાળી જાય ત્યારે એમ થાય છે કે થોડીવાર શાંતિ મળે તો સારું? આવું થાય ત્યારે મને ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, અથવા તો મેડીટેશનમાં બેસવાનું મન થાય.. મોટેભાગે તો ચોકલેટ આઈસ્ક્રીમથી કામ પતે એવો પ્રયત્ન કરું.. છતાંય જો મેળ ના પડે તો મેડીટેશન સિવાય છૂટકો નથી એવું લાગે! કાનમાં ભૂંગળા ભરાઈને (હેન્ડ્સફ્રી, યુ નો?) શાંત-ઠંડુ મ્યુઝીક લગાવીને બેસું.. એક્ચ્યુલી બે રીતે બેસતો હોવ છું.. એક તો બહારનો કોઈ જ અવાજ અંદર ન જાય એમ ઈયરપ્લગ લગાવી દઉં, અથવા તો એ.આર.રહેમાનના કર્ણપ્રિય ગીતો સાંભળતા બેસું..!! સાચું કહું તો બેઠા પછી જો 'કમર' સાથ આપે અને ઊંડો ઉતરી જાઉં તો ઉભા થવાનું પણ મન ના થાય, અને  ક્યારેક પાસા અવળા પડવાના હોય તો બેસું પણ નહિ.. એવું મારું મેડીટેશન!! મેડીટેશન કરતી વખતે ઘણીવાર ૧/૨ કલાક રમતા-રમતા બેસી જાઉં.. અને ઘણીવાર તો પાંચ મિનીટ બી ના થઇ હોય અને ઝોલાં આવવા માંડે!! પણ.. એક વસ્તુ છે.. મેડીટેશન ચાહે જે પણ હોય.. બહુ જ અદભુત વસ્તુ છે!! હુ ઈચ્છું છું કે મારી દીકરી દંભી ધાર્મિક બને એના કરતા અદભુત આધ્યાત્મિક અનુભવ કરે! 

*************************

"જ્યાં સુધી તું 'શ્રી કૃષ્ણ શરણમ મમ' એવી ત્રણ માળા નહિ કરે ત્યાં સુધી તને ચા-બિસ્કિટ ખાવા નહિ મળે."- એવું કહી, હાથમાં માળા પકડાવી, મમ્મી મારા બાળપણમાં મને ઘરનાં મંદિર પાસે બેસવાની ફરજ પાડતાં! ચા-બિસ્કિટ ખાવાની લાલચમાં ડૂબેલો હું, મમ્મી જોવે નહિ એમ, કાણી આંખે જોતાં જોતાં બે મિનિટેય ન થાય ત્યાં તો ત્રણ વખતની માળા પૂરી કરી નાખું! આજેય હું એવું માનું છું કે 'મેડીટેશન'નાં બીજ અહીંથી જ રોપાયાં હશે!

ગિરગઢડામાં (વેલાકોટ, જી. ગીર સોમનાથ) નોકરી લાગી ત્યારે સાડા ત્રણ વર્ષ એકલું રહેવાનું થયેલું. પુસ્તક વાંચનનો શોખ કેળવેલો એટલે 'રાજયોગ' જેવું પુસ્તક વાંચવાનું થયું. એટલે 'ધ્યાન' તરફ વધુ ખેંચાયો. કોઈ સાચો 'ગુરુ' મળે તો કામ થઈ જાય, એવું વિચારતો. એકવાર મને મારો એક મિત્ર 'મજા આવશે' એવું બોલીને સ્વાધ્યાય પરિવારમાં પણ ખેંચી ગયેલો, પણ જબ્બર કંટાળો આવતા કોઈનેય ખબર ના પડે એમ ભાગીને ઘેર આવી ગયેલો. 

નજીકમાં જ જંગલ (સાસણગીર) હોઈ એક વખત સિંહ જોવાની લાલચમાં ફરેડા નજીક 'ટપકેશ્વર'નાં જંગલમાં જ રહેતાં 'અજય બાપુ' સાથે જંગલમાં રાત રોકાયો. આખી રાત એ મારી સાથે કશું જ ન બોલ્યા. કોઈ સત્સંગ જેવું નહિ. મેં કશું જ પૂછ્યું પણ નહીં. એ આખી રાત કશોક જાપ કરતાં રહ્યાં. રાતના અઢી વાગે આંખ ખુલી તો એ ન દેખાયાં. મેં બૂમ પાડી, તો જવાબ મળ્યો, "સિંહો માટે કુંડામાં પાણી ભરું છું. તમતમારે સુઈ જાઓ.".. કુંડું થોડું દૂર હતું. સિંહ તો જોવાં ન મળ્યો, પણ 'અજયબાપુ'ની નિર્ભયતાનો પ્રભાવ મન પર ઘણો થયો. ઘરે આવીને નક્કી કર્યું કે હવેથી રોજ ધ્યાનમાં બેસવું.

છ ફૂટનું સ્વામી વિવેકાનંદનું ચિત્ર ઘરની દીવાલ પર દોર્યું, અને રોજ ત્યાં જ ધ્યાન કરવા બેસતો. 'મેડિટેશન'માં બેસીને કરવાનું શુ? મને ન'તી ખબર! અવનવાં વિચારો આવે. 'ન' કરવાના વિચારો આવે. શાળા, ઘર, જંગલ, સ્વામી વિવેકાનંદ, ફિલ્મનો કોઈ સીન, મિત્રો, દુશ્મન, પાડોશીઓ, છોકરીઓ, મારામારી, ગાળાગાળી.. બધું જ દેખાય, પણ 'ધ્યાન' ન લાગે! ..કદાચ આ જ ધ્યાન હોતું હશે, એવું વિચારીનેય રોજ બેસતો! ..અને એક દિવસ.. મેં અનુભવ્યું, વિચારો બંધ થઈ ગયા! હું અઢી કલાક બેઠો, અને આંખો ખોલી ત્યારે અજીબ લાગ્યું.. શોર્ટ એન્ડ સ્વીટ, કહું તો, બસ.. મને મજા આવી હતી! 

જોકે, બીજાં દિવસથી ફરી પાછાં વિચારો આવવાના શરૂ થઈ ગયેલા.. પણ ક્યારેક ક્યારેક 'વિચારબંધ'ની મજા પણ અનુભવાતી! આવી રીતે જ ધ્યાનનાં પ્રયોગો લગભગ ત્રણેક મહિના જેટલું ચાલતાં રહયા હશે, પણ પછી મને ખબર નહિ કેમ?.. પણ જ્યારે 'મેડિટેશન'માં બેસતો, ત્યારે બીક લાગવા મંડી હતી! એક દિવસ હું આંખો બંધ કરીને બેઠો હતો અને અચાનક.. મારી અંદર જાણે કશોક 'ધડાકો' થવાનો હોય એવું લાગ્યું અને હું ડરીને તરત જ ઉભો થઈ ગયો. પછી.. ક્યારેય ન બેઠો! 

વચ્ચેનાં સમયગાળામાં ક્યારેક બેસતો, પણ એ દરમિયાન જંગલના ખરાબ રસ્તાઓમાં બાઈકનો 'થડકો' લાગતાં કમરે સાથ દેવાનું બંધ કર્યું, એટલે લાબું ન બેસાતું. બદલી થઈને અમદાવાદ આવ્યો, અને 'સર્વેન્દ્ર ભાઈ' સાથે મુલાકાત થઈ. સત્સંગ વધ્યો, અને ફરી 'મેડીટેશન' શરૂ થયું. ઉજ્જૈનના અનુભવો આજેય શરીરમાં રુંવાડા ઉભા કરી દે છે! 'મેડિટેશન' બાદ મન શાંત તો થાય, પણ 'ન થવા બરાબર' થાય! નાનકડી તન્વી કહે, "મારી સાથે રમો." એને દુઃખી કરીને ધ્યાનમાં બેસવાનો શો લાભ?? એને સમય આપવાનું શરૂ કર્યું, અને  વિચાર્યું, જ્યારે મોટી થશે ત્યારે એને પણ બેસવાનું કહીશ.

હાલ શુ સ્થિતિ છે? જો મારુ પોતાનું આંતરિક મૂલ્યાંકન કરું તો સમજાય છે કે એવી સ્થિતિએ છું કે હું સ્થિતપ્રજ્ઞતાને સમજી શકું છું. (હું 'સ્થિતપ્રજ્ઞ' છું, એમ નથી કહેતો! ..પણ અનુભવે સમજી શકું છું, એમ!) મારી આસપાસની દરેક ચીજ કે બનતી ઘટનાને જો હું, મારી જાતને, એની સાથે જોડ્યા વગર જોઉં, તો દુઃખી નથી થતો.. અને છતાંય એને જોઈને હદયમાં કનેક્શનની એક 'ટીસ' તો ઉઠે જ છે!  કોઈ મારી સાથે ખોટું કરે તો એને 'માફ' કરવાનો વિચાર આવે છે.  કોશિશ હોય છે કે એને માફ પણ કરું, પણ ક્યારેક.. નથી કરી શકતો! દંભી કર્મકાંડો, ધાર્મિક પૂજાપાઠો અને આધ્યાત્મિક અનુભવો વચ્ચેનો ભેદ થોડો થોડો સમજી શકું છું! ...અને ખાસમખાસ વાત એ કે કશું જ બોલ્યા વગર અજાણી જગ્યાએ કંટાળ્યા વગર હું કલાકો સુધી બેસી શકું છું. 

****************************

મજા આવે એવું દરેક કામ કરતી વખતે સમયભાન નથી રહેતું! એવું કામ કરતી વખતે જો ખાવાનું, પીવાનું અને 'જવાનું'ય યાદ ન આવે.. તો સમજવું કે 'આપણે' ધ્યાનમાં છીએ! વર્ગમાં બાળકોની સાથે આવું સમયભાન ન રહેતું હોય એવો દરેક શિક્ષક 'ધ્યાનસ્થ' છે. વર્ગ એ એની 'મેડિટેશન'ની જગ્યા છે. કશુંય વિચાર્યા વગર માત્ર સાહેબ'પણાંનો રોફ જમાવવા ધડામ દઈને વર્ગમાં ઘુસી જનારા દરેક એ 'ઋષિતુલ્ય' શિક્ષકનો ગુનેગાર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો