કામનો ઈરાદો માણસના સુખનો આધાર! - મોહમ્મદ માંકડ
એક સૂફીકથા આ પ્રમાણે છે.
એક નાનકડા ગામમાં, એક ગરીબ ભરવાડ બકરીઓ રાખીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હતો. તે બોલી શકતો હતો, પરંતુ તદ્દન બહેરો હતો.
તાજું, લીલું ઘાસ ચરાવવા માટે રોજ બકરીઓને લઈને એ ગામથી થોડી દૂર આવેલી ટેકરી ઉપર લઈ જતો હતો. એ બહેરો હતો એ ખરું, પરંતુ એથી એને કશો ફરક પડતો નહોતો. એક દિવસ એણે જોયું તો ખબર પડી કે એની પત્ની બપોરનું એનું ભાથું આપવાનું જ ભૂલી ગઈ હતી. અગાઉ આવું બન્યું ત્યારે દીકરા સાથે પાછળથી એણે ભાથું મોકલી આપ્યું હતું, પરંતુ આજે તો સૂરજ માથે આવી જવા છતાં હજુ સુધી કશું આવ્યું નહોતું.
ભરવાડે વિચાર્યું કે, હું ઘેર જઈ આવું. દિવસ આથમે ત્યાં સુધી ભૂખ્યાપેટે હું અહીં રહી નહીં શકું. એની નજર ટેકરી ઉપર ઘાસ કાપતા એક માણસ પર પડી. એની પાસે એ પહોંચી ગયો અને કહ્યું, ‘ભાઈ, મારી બકરીઓ ઉપર જરા નજર રાખતા રહેશો? એ બધી આઘીપાછી ન થઈ જાય. મારી પત્નીએ મૂર્ખાઈ કરી છે, આજે બપોરનું ખાણું મૂકવાનું જ ભૂલી ગઈ છે. એ માટે મારે ઘેર જવું પડશે.’
હવે પેલો ઘાસ કાપવાવાળો પણ બહેરો હતો. એણે એક શબ્દ પણ સાંભળ્યો નહોતો. એટલે એણે કહ્યું:
‘હું મારાં ઢોર માટે જે ચારો કાપું છું એમાંથી તને મારે શા માટે કાંઈ આપવું જોઈએ? મારા ઘેર એક ગાય અને બે ઘેટાં છે. જો તને ઘાસ આપું તો એના માટે ઘાસ લેવા માટે મારે ઘણે દૂર જવું પડશે. અત્યારે મારી પાસે થોડું ઘણું લઈ જવા માટે છે એમાંથી તને હું કશું આપવા માગતો નથી. માટે મારો પીછો છોડ.’
એણે હાથ હલાવ્યો, ‘જા ભાઈ, જા.’ અને મૂછમાં હસ્યો. પણ બકરીવાળા બહેરા ભરવાડે તો કશું જ સાંભળ્યું નહોતું. એણે કહ્યું, ‘મારા મિત્ર, સંમત થવા બદલ આભાર. હું જઈને તરત જ પાછો આવું છું. ઈશ્વરના આશીર્વાદ તમારા ઉપર હજો, તેં મારા મનને શાંતિ આપી છે. દોડતો-દોડતો એ ગામમાં પહોંચ્યો અને પોતાના ઘેર જઈને જોયું તો તેની પત્ની તાવમાં પટકાયેલી હતી અને એક પડોશી બાઈ એની સંભાળ લઈ રહી હતી. ભરવાડ પોતાનું ભાથું લઈને ફરી ટેકરી ઉપર પહોંચી ગયો. એણે બકરીઓ ગણી લીધી. પૂરેપૂરી હતી, એક પણ આઘીપાછી થઈ નહોતી.’
પેલો ચારો વાઢવાવાળો તો હજી પોતાના કામમાં વ્યસ્ત હતો. ભરવાડ મનોમન બોલ્યો, ‘ચારો વાઢતો આ માણસ કેટલો ભલો કહેવાય. એણે બરાબર ધ્યાન રાખ્યું છે કે મારું એક પણ પશુ રખડતું-ભટકતું ક્યાંય ચાલ્યું ન જાય. મારે એની આ મહેરબાની બદલ એનો આભાર ન માનવો જોઈએ? મારી આ એક નાનકડી બકરીનો પગ આમેય ખરાબ છે. હું એ બકરી જ એને ભેટ આપી દઉં તો કેમ? બકરીને એણે ખભે નાખી અને પેલા તરફ ચાલવા માંડયું. નજીક પહોંચીને કહ્યું,’જો ભાઈ, હું નહોતો ત્યારે તેં મારી બકરીઓનું ધ્યાન રાખ્યું હતું એટલે હું તારા માટે આ ભેટ લાવ્યો છું. મારી કમનસીબ પત્નીને આજે તાવ આવ્યો છે, મને લાગે છે કે, મારો આટલો જ ખુલાસો પૂરતો છે.’
પરંતુ ચારો ભેગો કરતાં એ બહેરાએ, ભરવાડના કોઈ શબ્દો સાંભળ્યા નહોતા. એ ક્રોધથી બરાડયો, ‘નાલાયક માણસ, તું નહોતો ત્યારે મેં એ તરફ નજરેય કરી નથી. તારી બકરીનો પગ લંગડો થઈ જાય એમાં હું કઈ રીતે જવાબદાર ગણાઉં? હું તો મારો ચારો કાપવામાં રોકાયેલો હતો. એ કઈ રીતે બન્યું એની મને તો કાંઈ ખબર જ નથી. જતો રહે, નહીં તો મારે તને તગેડી મૂકવો પડશે.’
ભરવાડ પેલાને ખીજાયેલો જોઈને નવાઈ પામી રહ્યો હતો. ચારાવાળો નારાજ થઈને શું બોલતો હતો તે એ સાંભળી શકતો નહોતો પરંતુ એનો ક્રોધી ચહેરો જોઈને એને આશ્ચર્ય થતું હતું. એટલે બાજુમાંથી ઘોડા પર બેસીને પસાર થઈ રહેલા એક મુસાફરને તેણે મદદ માટે બોલાવ્યો.
‘મહેરબાન, માફ કરજો. પણ મને એ કહેશો કે ચારાવાળો ભાઈ શું કહે છે? હું કાને બહેરો છું. મને એ સમજાતું નથી કે હું આ બકરી એને ભેટ આપું છું, એનો એ ઉગ્ર થઈને કેમ અસ્વીકાર કરે છે?’
ભરવાડ અને ચારાવાળો, પોતપોતાની વાત બૂમબરાડા પાડીને પેલા ઘોડાવાળા મુસાફરને કરવા લાગ્યા. હવે, સાચી વાત એવી હતી કે એ એક ઘોડાચોર હતો અને પેલા બંનેની જેમ જ બહેરો હતો. એ કશું જ સાંભળતો નહોતો. ભૂલો પડી ગયો હતો એટલે જાણવા માગતો હતો કે આ કઈ જગ્યા છે,પોતે ક્યાં આવી પહોંચ્યો છે? પરંતુ જ્યારે તેણે પેલા બે જણને ગુસ્સે ભરાયેલા જોયા ત્યારે કહ્યું, ‘હા ભાઈઓ, હું કબૂલ કરું છું કે મેં ઘોડો ચોર્યો છે, પરંતુ હું જાણતો નહોતો કે એ તમારો હશે. મને માફ કરો. મેં કોઈક નબળી ક્ષણે લાલચમાં આવી જઈને આ અવિચારી કૃત્ય કરેલું છે!’
હવે, પેલો ચારાવાળો તાડૂક્યો, ‘બકરી લંગડી થઈ ગઈ એની સાથે મારે કાંઈ લાગતુંવળગતું નથી.’
બીજી તરફ બકરીવાળા ભરવાડે ઘોડાવાળાને વિનંતિ કરી, ‘એને પૂછો કે એ મારી ભેટ શા માટે સ્વીકારતો નથી. હું તો એની તરફના આદરના લીધે આ આપવા માગું છું.’
ચોરે કહ્યું, ‘મેં ઘોડો લઈ લીધો એ હું કબૂલ કરું છું. પણ હું બહેરો છું એટલે આ ઘોડો તમારા બેમાંથી કોની માલિકીનો છે, એ હું સાંભળી શકતો નથી.’
બરાબર એ જ વખતે એક ઉંમરલાયક દરવેશ નજરે પડયા. ધૂળિયા રસ્તે ગામ તરફ એ જઈ રહ્યા હતા. ચારાવાળો એમની પાસે દોડી ગયો. એમના ઝભ્ભાની ચાળ હળવેકથી ખેંચીને કહ્યું, ‘આદરણીય દરવેશ, હું એક બહેરો માણસ છું. આ બંને જે કહે છે એમાં ધડ-માથાની મને ખબર પડતી નથી. આપ આપના ડહાપણથી એ નક્કી કરી કહો કે એ બંને શા માટે બૂમબરાડા પાડે છે.’
પરંતુ દરવેશ મૂંગા હતા. એમને વાચા નહોતી એટલે જવાબ આપી શક્યા નહીં. પણ એમની નજીક જઈને ત્રણે બહેરાઓના ચહેરા તાકીને જોવા માંડયા. બહેરાઓએ બોલવાનું બંધ કરી દીધું.
દરવેશે પોતાની તીવ્ર અને વેધક દૃષ્ટિથી પહેલાં એકની સામે અને પછી બીજાની સામે જોયું. પેલાં બંને બેચેની અનુભવવા લાગ્યા.
દરવેશની ચમકદાર કાળી આંખો સાચી કડી મેળવવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા જાણે કે ત્રાટક કરવા લાગી. બધાં ફફડવા લાગ્યા. પોતે તંત્રવિદ્યાનો કે કોઈ કામણટૂમણનો ભોગ બની જશે એ બીકે ત્રણે ડરવા લાગ્યા.
અચાનક ચપળતાપૂર્વક કૂદીને ચોરે ઘોડા ઉપર સવારી કરી લીધી અને સડસડાટ ઘોડાને મારી મૂક્યો. ભરવાડે પોતાની બકરીઓને વાળવા માંડી. ભેગી કરીને ટેકરી ઉપર લઈ જવા માંડી. ચારાવાળો આંખો નીચી કરી, ચારાની ગાંસડી બાંધી, ખભે ચડાવીને ટેકરી પરથી પોતાના ઘર તરફ ચાલવા માંડયો.
દરવેશ પણ પોતાની સફરમાં ચાલી નીકળ્યા અને વિચારવા લાગ્યા કે, ક્યારેક વાચા પણ વાતચીત કરવા માટે કેટલું બિનઉપયોગી માધ્યમ થઈ જાય છે? જાણે કે, માણસને વાચા હોય જ નહીં!
સૂફીકથાઓ જુદાજુદા સંદર્ભમાં જુદીજુદી રીતે સમજાતી હોય છે. સામાન્ય વ્યક્તિ એમાંથી અમુક અર્થ તારવે છે તો વિદ્વાન જુદો અર્થ, વધારાનો અર્થ પણ તારવી શકે છે. શ્રદ્ધાવાન કે ભક્ત વળી જુદી જ રીતે એને સમજે છે અને એટલે જ, કદાચ એ વિશાળ સમુદાયને સ્પર્શી શકે છે.
અહીં એક અર્થ એવો છે કે બહેરાંઓ મૂંગા નથી છતાં એમની વાત એ સમજાવી શકતા નથી અને દરવેશ બહેરાં નથી છતાં પોતે મૂંગા હોવાના કારણે પોતાની વાતને સમજાવી શકતા નથી. જે બોલી શકે છે એમને કોઈ સાંભળનાર નથી અને જે સાંભળે છે એ બોલી શકતા નથી.
જિંદગીમાં પણ કદાચ એવું જ બને છે કે જે લોકોના લાભ-ફાયદા માટે આખી જિંદગી આક્રોશ કરતા રહે, બોલતા જ રહે પણ એમનું કોઈ સાંભળતા જ નથી, બહેરા કાને અથડાઈને બધું પાછું પડે છે. અને કેટલાક લોકો એવા હોય છે કે જે સાંભળે છે પણ પોતાની ગમે તેવી વાત, ઉપયોગી હોવા છતાં કહી શકતાં જ નથી એવા લોકોના મૌનથી લોકોને, સમાજને, રાજ્યને ઘણું નુકસાન થાય છે.
તમે પણ તમારી રીતે આ કથામાંથી કોઈ જુદો જ અર્થ તારવી શકો છો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો