મંગળવાર, 19 મે, 2020

મારુ શાળાજીવન (આત્મવૃઅંત)

વર્ષ ૨૦૧૩માં અમદાવાદમાં હું જ્યારે જિલ્લાફેરથી આવ્યો, ત્યારે મેં જે શાળા પસંદ કરી એમાં ૨૩ જગ્યા ખાલી હતી! કોઈ એ જગ્યા લેવા તૈયાર નહતું. મેં પસંદ કરી, ત્યારે બધાએ મારી સામે અજીબ નજરે જોયેલુ! એકે પૂછ્યું પણ ખરા, "પાક્કું ને?" મેં 'હા' પાડી!!

*******

શાળાએ હાજર થયો, ત્યારે આછું આછું યાદ છે એમ ધો. ૧ થી ૫ નાં કુલ બાળકો ૧૨૪૫ (કે ૧૨૫૪) હતા! ..અને શિક્ષકો માત્ર (આચાર્ય સાથે મળીને!) ૮!! મતલબ ૧ શિક્ષક દીઠ ૧૫૦+ બાળકો!! આચાર્ય પોતાનો વર્ગ ગણે નહીં, એ લટકામાં! ભલું થાજો જિલ્લાફેર બદલીનું કે આ શાળામાં આટલાય શિક્ષકો આવ્યા, બાકી આજુબાજુના ઉછીના શિક્ષકોથી કામ નીકળતું, અથવા તો નીકાળવામાં આવતું! જેમ સેન્સેકસમાં રોજ ઉથલપાથલ થાય એમ અહીં આંકડાઓમાં રોજ ઉથલપાથલ થતી! બાળકોના એડમિશનથી માંડીને સર્ટી લઇ જવાવાળાની મોટી સંખ્યા રહેતી! આચાર્ય હંમેશા બે-ત્રણ શિક્ષકોને આંકડાઓ મળે એ માટે ધંધે લગાડે, પણ મળે જ નઈ! શા માટે આવું થતું??
******


નવો વિસ્તાર ફળવાયો, એટલે કોર્પોરેશન દ્વારા ત્યાં તાત્કાલિક વર્ષ-૨૦૧૧ માં મ્યુ.શાળા. શરૂ કરવામાં આવી! સરકારી શાળા ખુલી હોવાથી મોટાભાગના એડમિશન સાગમટે થયા! ટૂંક સમયમાં જ ૧૦૦૦ ઉપર એડમિશન થયાં! પણ શિક્ષકો ક્યાં?? આજુબાજુની શાળાઓનાં શિક્ષકો દ્વારા શાળા ચાલી! વર્ગોમાં એટલાબધાં (વર્ગદીઠ ૧૫૦+!) બાળકો બેસતાં કે છેક દરવાજા સુધી આવી જતાં! આટલા બધા બાળકોમાં શિક્ષકો બાળકોને ભણાવવા કરતા માત્ર સાચવી શકતા! (ધો.૨ માં હાઈએસ્ટ સંખ્યા લગભગ ૨૫૦! જેમાં એક જ શિક્ષિકાબેન હતા, કે જેઓ રિશેષ સુધી માત્ર હાજરી જ પૂરી શકતા! વર્ગમાંનું કોઈ બાળક બહાર નીકળે નહીં એ માટે આખું બોર્ડ શબ્દોથી ભરીને દરવાજા પાસે બેસતાં!) મોટાભાગનાં બાળકો ભાંગફોડીયા વૃત્તિ વાળા, એટલે રોજ લડાઈ-ઝઘડા થાય અને રોજ રિશેષમાં કોઈને લોહી નીકળે! પોતાના બાળકને કોઈએ માર્યું હોય એટલે તરત જ વાલીઓના ધાડા શિક્ષકો સાથે ઝઘડવા આવે! શાળામાં 'અપશબ્દો'ની રમઝટ ચાલે! વળી, શાળાની કમ્પાઉન્ડ વોલ એટલી નીચી કે ઘણાય રિશેષમાં ભાગી જાય! આટલા બધામાં કોને ખબર પડવાની? સિક્યોરિટીમાં એક કાકા હતા- ઘરડાં હોઈ એમને કંઈ દેખાતું પણ નઈ અને સંભળાતું પણ નઈ! સ્કૂલનાં જ બાળકો એમને પથ્થર મારીને ભાગી જાય! કામચલાઉ શિક્ષકો મહીને-બે મહિને કંટાળીને પોતાની મૂળ શાળાએ જતા રહે, અને બીજા આવે!....

ઘણીવખત 'અવ્યવસ્થા' જ એવી હોય કે આપણે લાખ સારું ઇચ્છવા છતાં આપણે એ જ 'અવ્યવસ્થા'નો એક ભાગ બની જતાં હોઈએ છીએ!

******

આખરે એક શાળામાંથી બે શાળા થઈ! એક ધો.૧ થી ૫ ની બપોરપાળી અને ધો. ૬ થઈ ૮ ની સવારપાળી! ...અધૂરામાં પૂરું, હિન્દી શાળાની પણ એન્ટ્રી થઈ! (જિલ્લામાં નોકરી દરમિયાન એવું સાંભળેલું કે એક જ કેમ્પસમાં જો ઘણી બધી શાળાઓ હોય તો એ કેમ્પસનો ક્યારેય વિકાસ ન થાય, કેમકે બધા પોતપોતાનું જ વિચારે!)

૧ થી ૫ ની શાળામાં અંદાજે કુલ ૧૨૦૦+ જેટલા રજી. બાળકો હતા! અને શિક્ષકો ૮! પ્રત્યેક પાસે ૧૫૦+ બાળકો! અમે બધા જિલ્લાફેરથી જ આવેલા, એટલે ખબર નઈ કેમ, પણ પહેલેથી જ કોર્પોરેશનમાં નોકરી કરતાં લોકોના ભેદભાવનો શિકાર હોય એવું મને લાગ્યું! કેમ કે ગમે ત્યાં જાઉં, એક વાક્ય તો સાંભળવા મળે જ કે 'તમારા જિલ્લામાં જે થતું હોય એ અહીં નહીં ચાલે!'

સ્કુલમાં જેટલાં શિક્ષકો હતા, એ બધા મારા કરતાં મોટા! ત્રણ શિક્ષકો તો મારા જન્મ પહેલાથી નોકરી કરે! બાકીનાને મારી ઉંમરના બાળકો હતા! મને ધો.૫ સોંપવામાં આવ્યું!

કુલ ૫ વર્ગોનું બનેલું ધો.૫! એક્ઝેકટ તો યાદ નથી પણ ૧૬૮ બાળકો હતા! મોટાભાગના મુસ્લિમ! હિંદુ બાળકો પણ હતા, પણ અમુક તોફાનિવૃત્તિવાળા મુસ્લિમ બાળકો એમને બહુ હેરાન કરતા એટલે મોટાભાગના ગેરહાજર જ રહેતા! (એક કિસ્સો જણાવું તો એક હિન્દૂ બાળકની આંખોની આઈબ્રો મુસ્લિમ બાળકોના તોફાની ટોળકીએ રસ્તામાં આંતરીને કાપી નાખેલી! કોઈ બાબતે એક શિક્ષક એક તોફાની બાળકને ખીજાયા ત્યારે એણે એ શિક્ષકના વાહનની સીટ ફાડી નાખેલી!) વર્ગમાં આટલી બધી સંખ્યા હોય તો એક આડકતરી વાત કરું તો શિક્ષક પોતે પણ ઈચ્છે કે માત્ર ભણવાવાળા બાળકો આવે તો વધુ સારું! પણ મોટેભાગે થતું ઊંધું! તોફાનીઓનાં બીકથી ઘણાં હોંશિયાર બાળકો સર્ટી લઈને જતા રહેલા! આવા બાળકોને તોફાની બનાવતું હતું કોણ??

મહદઅંશે ગરમ પ્રકૃતિવાળા/તોફાનીવૃત્તિ વાળા બાળકો માટે નાની નાની વાતોમાં 'ગાળો બોલવી અને ઝઘડવું' એ એમના માટે કોમન વાત છે! આવો ઝઘડો થાય ત્યારે એ છોકરાઓ તરત જ એમના વાલીને બોલાવે! વાલી રીતસરના 'અપશબ્દો'ની ભરમાર સાથે આવે અને પોતાના બાળકને એક જ વાત સમજાવે, "માર ખાકે નઇ આણે કા, માર કે આણે કા!" (અમુક શિક્ષકોએ વાલીઓને ઝઘડતાં અટકાવવા પોલીસ બોલાવવી પડી છે! એક વખત મારે જ બોલાવવી પડેલી! એક વખત વાલીમીટીંગમાં બે લેડીઝ (માતાઓ!!) વાળની ખેંચાખેંચી કરીને લાફાવાળી કરતા ઝઘડેલા!)

સતત આવા વાતાવરણમાં રહેતું બાળક એક વાતે તો શાશ્વત થઈ જ જાય છે કે હું ભણું કે ના ભણું, એનાથી મારા વાલીને કોઈ ફરક પડતો નથી!! ..પણ  જો હું માર ખાઈને ઘેર જઈશ તો મારા વાલી મને નઈ છોડે! બસ, આ બાબત બાળકના ભણવા પર અસર પાડે છે! એક શિક્ષક તરીકે અમે ગમે તેટલી મહેનત કરીયે, પણ બાળકને મન કોઈનો માર નઈ ખાવાનો એ વધુ મહત્વની વાત છે, પછી ભલે ને એ માર શિક્ષકોનો જ કેમ ના હોય?!!

બાળક રોજ મદરેસા જાય/બાધાઓ પૂરી કરવા મંદિરે જાય એ વાલી ઈચ્છે, પણ રોજ શાળાએ જાય કે ન જાય એનું ધ્યાન નઈ રાખે!!

બાળકોની અનિયમિતતા માટે વાલીસંપર્ક એ ઉપાય નથી! કારણ કે વાલીઓ માટે કોઈ કડક કાયદા છે જ નહિ! (એક બાળક શાળાએ નહતો આવતો ત્યારે વાલીસંપર્ક વખતે મને એનાં વાલીએ હસતાં-હસતાં કહેલું, "મૈ યહી સોચું.. કી ઇતને દિન સે મેરા લડકા પઢને નહિ ગયા તો સ્કુલસે ઉસકે સર આયે ક્યુ નહિ?!!")  વર્ષની શરૂઆતમાં વાલી પોતાનાં બાળકને રેગ્યુલર મોકલે, કેમ કે સરકાર ઘણી વસ્તુઓ ફ્રી આપે છે! આવે કે ના આવે શિષ્યવૃત્તિ પણ મળે!!  ..પણ ધબડકો શરૂઆતનાં લગભગ મહિના પછી થાય!! તહેવારો/લગ્નો/વતનમાં જવું/સાધારણ બીમારી/નાનીઓ-ખાલાઓ ઘેર આવે ત્યારે બાળકો દિવસો સુધી શાળામાં ના આવે! નિયમિતપણે અનિયમિત રહેતાં બાળકો અભ્યાસમાં લીંક ન જાળવે તો વાંચન, લેખન, ગણનમાં પણ કાચો રહે!  દર અઠવાડિયે બે દિવસ આવતું બાળક નિયમિત પણ ના કહેવાય કે અનિયમિત પણ ના કહેવાય!  બાળક શાળાએ આવે કે ના આવે 'પાસ' જ થાય! આ વાત વાલીઓ સારી રીતે જાણી ગયા છે એટલે શાળામાં મોકલવાની દરકાર ન કરે! શિક્ષકોની મહેનત દેખાય જ નહિ, છેવટે હતાશ થયેલો શિક્ષક કામચોરી કરે/ખોટું કરે!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો