રવિવાર, 12 ફેબ્રુઆરી, 2012

કદર

કદર

એક રાજા જંગલમાં શિકાર કરવા નીકળ્યો. પોતાના કાફલા સાથે જંગલમાં રખડતા એ રાજાને માંડ એક હરણ દેખાયું... અને એને જોતાની સાથે જ, પોતાની સાથે રહેલા સૈનિકોની પરવા કર્યા વિના, તેણે પોતાના ઘોડાને એ હરણની પાછળ મારી મૂક્યો. સૈનિકો એ રાજાની સુરક્ષા માટે એની પાછળ દોડ્યા...
પણ રાજા નહોતો ઈચ્છતો કે આ હરણ એના હાથમાંથી છટકી જાય!
....આખરે રાજા સૈનિકોથી ઘણો દુર નીકળી ગયો, હરણ તો છટકી ગયું પણ તે જંગલમાં ભૂલો પડી ગયો..!! તે જંગલમાં આમતેમ રખડવા લાગ્યો. 

થોડીવાર પછી તેણે જોયું કે એક માણસ જોરજોરથી બુમો પડતો તેની તરફ આવી રહ્યો હતો..! એને જોઇને એકલો રાજા થોડો મૂંઝાયો, એને લાગ્યું કે કોઈ દુશ્મન રાજાનો માણસ તેને મારવા આવી રહ્યો છે... તેને તરત જ પોતાનું બાણ ધનુષ પર ચડાવ્યું, અને એ માણસ તરફ તાક્યું... ધનુષની પણછ ખેંચી.. અને તીર છોડ્યું!! ........સનનન.. કરતુ તીર સીધું પેલા માણસને વીંધી ગયું, અને તે ત્યાં જ ઢળી પડ્યો!...

રાજાને હાશકારો થયો... એ માણસ અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો. રાજા ઘોડા પરથી નીચે ઉતર્યો અને પેલા માણસ પાસે ગયો....

"મહારાજની જય હો.." પેલો માણસ જીવનના અંતિમ શબ્દો બોલી રહ્યો હતો.

"તું કોણ છે?"

"મહારાજ,.. આપે મને ન ઓળખ્યો?".....રાજા વિસ્મયથી ભ્રમર ભેગી કરી તેને સાંભળી રહ્યો..!! 

"મહારાજ..." પેલો માણસ આંચકી લેતા બોલ્યો,"...હું આપના ઘોડાનો રખેવાળ છું. આપ હમેશા મારી પાસેથી જ તો આપનો ઘોડો લઇ જાવ છો.. શું આપે મને ક્યારેય જોયો પણ નથી?"

રાજા એ સેવકના આ વેધક સવાલને અફસોસ સાથે સાંભળી રહ્યો...!!!  

@@@@@

હાલમાં જ પ્રજાસત્તાક દિન ગયો... ઘણી સરકારી શાળાઓમાં આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં આવે છે... શિક્ષકો/બાળકો પોતાની શક્તિ મુજબ આવા કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે.

હાલમાં મારે એક આવા શિક્ષક મિત્રને મળવાનું થયું.... [{નાટકો અને ફિલ્મોનો શોખીન એવો આ મિત્ર કદાચ આખા વર્ષ દરમિયાન આવા સાંસ્કૃતિક કાર્યક્રમની જ રાહ જોતો હોય છે. આવા કાર્યક્રમ તૈયાર કરાવતી વખતે તેણે, પોતાના માટે એક નિયમ બનાવેલો છે:--પોતાનો કાર્યક્રમ ક્યારેય કોઈની કોપી ના હોવો જોઈએ, અને જો ભૂલેચૂકેય ખબર પડે કે કોઈ સ્કુલમાં આ કાર્યક્રમ ભજવાઇ ચુક્યો છે, તો તૈયાર કરેલા એ કાર્યક્રમને છેલ્લી ઘડીએ પણ રદ કરી દેવો.   ....આવા કાર્યક્રમો દ્વારા સાવ ગામડાગામમાં રહેતા બાળકો પાસેથી, શહેરની વિકસી ગયેલી દુનિયાનું આંશિક દર્શન કરાવવામાં મારો એ મિત્ર ઠીક ઠીક પ્રમાણમાં સફળ પણ રહ્યો છે!!}]

મેં પૂછ્યું, "આ વખતે શું નવું કરવાનું છે?"

"કઈ જ નહિ.." એણે જવાબ આપ્યો, "..આ વખતે કર્તા નહિ પણ મદદકર્તા બનવાનું છે, અને એ પણ શક્ય બને તો..,, બાકી એ પણ નહિ!"

મને નવાઈ લાગી. મેં પૂછ્યું, "કેમ શું થયું?"

એણે હસતા હસતા સ્ટાન્ડર્ડ જવાબ આપ્યો, "આપણે નાના કર્મચારીઓ છીએ. આપણા નાનકડા કામ માટે પણ જો કોઈ આપણને ખાલી "[{તેણે મારી પીઠ થપથપાવી..}]" આમ કરવાવાળું મળી જાયને, તો પણ આપણે ઘોડાની જેમ દોડવા માંડીએ." 

મને તેના હસવામાં પણ એક પ્રકારનું દુ:ખ દેખાયું..!! મેં કહ્યું, "હવે સરકારી નોકરીમાં પણ તું.. કોઈ કદર કરે, એવી શું કામ અપેક્ષા રાખે છે?"
"મારે મન મારી કદર એટલે માત્ર અમારા આચાર્ય મારી પીઠ થપથપાવી 'તમે બહુ સારૂ કર્યું' એટલું કહે, એ પુરતું છે.. કોઈ નાણાકીય અપેક્ષા નથી! ...અને આમ પણ, જયારે કોઈ કદર થવાની જ નથી તો..... હું મારો ૧૧ થી ૫ નો સમય સાચવું એ જ પુરતું છે. બીજું કશું સારું કરો કે ખરાબ, કોઈ ફાયદો તો થતો જ નથી."...તે ફરી ધીમું હસ્યો.

હું કશું બોલ્યા વિના તેની સામે જોઈ રહ્યો.. 

થોડીવાર પછી એણે કહ્યું, "સરકારી નોકરીઓમાં જો તમારી જ્ઞાતિ વગદાર\ ઝઘડાળું હોય, અથવા તો જો તમે પૈસાદાર હોવ, અથવા તો જો તમે ખોટા કામમાં સાથ આપવા તૈયાર હોવ, તો જ અહીયા તમારી કદર થાય છે..,, બાકી તમે ગમે તેટલું સારું કરો, એનું કશું પણ મહત્વ હોતું જ નથી!!"

મારા મનમાં તરત જ એક વિચાર ઝબકી ગયો, "સરકારી કર્મચારીઓ કદાચ આવી રીતે જ જડ બની જતા હશે."
આગળ ઘણી વાત ચાલી, પણ તે શબ્દસહ લખવા કરતા.. તેનો અર્થ સમજવો વધુ અર્થપૂર્ણ રહેશે...!!  
@@@@@

દોઢેક વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મો અંગેના મારા કેટલાક સવાલો લઈને હું ગુજરાતના જાણીતા લેખક જય વસાવડાને રૂબરૂ મળ્યો હતો..! ત્યારે એમણે મને કહેલું, "અહી જો તમારી પાસે 'સ્ટીલનો વાંહો' હશે, તો જ તમે કશું કરી શકશો.,, બાકી અહી તમારું કોઈ કશું જ નહિ સાંભળે."
.... ઉપરના વાક્યમાં જો હું 'અહી' શબ્દ કાઢીને 'ભારતમાં'  લખી નાખું, તો પણ કદાચ કશું ખોટું નહિ થાય... એમ લાગે છે!!!

@@@@@

દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક સારો કાર્યક્રમ આપતા...  મારા એ મિત્રે આ વખતે કશું પણ કરવાની 'ના' પાડી દેતા.. શાળાનો સીનીયર શિક્ષક તેને મેન્ટલી હેરાન કરવામાં કોઈ કચાશ છોડતો નથી!   

આ વખતના સાંસ્કૃતિક કાર્યક્રમનો રીવ્યુ આપતા મારા મિત્રે કહ્યું, "દુ:ખ ત્યારે વધારે થાય છે, જયારે હું, મારી નજર સામે બીજી સ્કૂલોના કોપી કરેલા કાર્યક્રમોને મારી સ્કૂલમાં થતા જોઉં છું. માત્ર ભપકો બતાવવાથી જ જો કાર્યક્રમ સારો બનતો હોય તો આપણો પ્રાચીન વારસો પણ ક્યાં ભપકેદાર નહોતો??" 

@@@@@  

તા. ૮.૨.૨૦૧૨ ગુજરાત સમાચાર\ શતદલ પૂર્તિનો લેખ- અનાવૃત--"કોઈને નાત ખટકે છે.."
તા.૫.૨.૨૦૧૨ ગુજરાત સમાચાર\રવીપુર્તીનો લેખ- સ્પેકટોમીટર--"તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે..."

...ખરેખર વાંચવા લાયક લેખો!!



@@@@@