શનિવાર, 30 મે, 2020

તન્વીની વિચાર ડાયરી

*તન્વીની વિચાર ડાયરી*

*તન્વીની વિચાર ડાયરીનું આ પાનું, એવાં દરેક બાળકોને સમર્પિત.. કે જેઓ દરરોજ એમનાં મમ્મી-પપ્પાને આવા સમયે પણ પોતાની ડ્યુટી/કામધંધો કરવા ઘરની બહાર નીકળતાં જુએ છે.*
---------------------------------------   

"પપ્પા તમારા માટે સિક્રેટ છે." 
"બોલને બેન.. શું સિક્રેટ છે?"
"મમ્મીને કહેતાં નૈ.. એમનાથી છુપાઈને હું એક ડાયરી લખું છું. એ ડાયરી મારી વિચાર ડાયરી છે. મને જે પણ કંઈ વિચાર આવે એ હું એમાં લખું છું."
"એ તો બહુ સારી વસ્તુ છે. હું પણ મારી ડાયરી લખું છું. જો.." મેં એને ફોનમાં મારો બ્લોગ બતાવ્યો. થોડી વાતો પછી એણે એની ડાયરી બતાવી. એણે આજે શુ લખ્યું એ મેં વાંચ્યું. મેં કહ્યું, "હું આનો ફોટો પાડી ફેસબુકમાં શૅર કરું?"

"હા.. પણ મમ્મીને કહેતા નઈ.. આ સિક્રેટ છે."
મેં હા પાડી.

*****************************

જ્યારથી કોરોના ઘુસ્યું છે, ત્યારથી ઘરમાં ઘૂસવું અઘરું થઈ ગયું છે. (લોકડાઉનમાં જે લોકો ઘરે બાળકો-પરિવાર સાથે રહી શકે એમ છે, એમને કારણ વગર સોસાયટીનાં નાકે-દરવાજે આખો દિવસ ટહેલતા જોઉં, ત્યારે મને એમની ઈર્ષ્યા થયાં વગર નથી રહેતી! જેને રહેવું છે, એ નથી રહી શકતાં, અને જે રહી શકે એમ છે, એ લોકો બહાર આંટા મારે છે!!) સજ્જડ લોકડાઉનમાં પણ રેશનકાર્ડ દુકાનની કામગીરી, KYC ની કામગીરી અને હવે કંટ્રોલ રૂમની ડ્યુટીમાં આખું વેકેશન ગયું. માંડ અઠવાડિયું જ ઘરે રહી શક્યો હોઈશ. એમાંય ઘરની અંદર આવતાં પહેલાંની અને પછીની તકેદારી રૂપે મારી દીકરી તન્વીને મારી નજીક પણ નથી આવવા દેતો. એ અજાણતાં પણ નજીક આવે તો એને દૂર રહેવાનું કહું. આવું ઘણાં લોકો કરતાં હશે..

આપણાં બાળકો જ્યારે 'કોરોના મહામારી'માં આપણને ઘરની બહાર નીકળતાં જુએ છે ત્યારે શું વિચારે છે?? *તન્વીની વિચાર ડાયરીનું આ પાનું, એવાં દરેક બાળકોને સમર્પિત.. કે જેઓ દરરોજ એમનાં મમ્મી-પપ્પાને આવા સમયે પણ પોતાની ડ્યુટી/કામધંધો કરવા ઘરની બહાર નીકળતાં જુએ છે.*

શુક્રવાર, 29 મે, 2020

પપ્પા મમ્મીની પહેલી યાત્રા

મમ્મીનો ૬૦ મો બર્થડે

ત્રણેક મહિના પહેલાં એક ઇચ્છા થઈ..

મમ્મી પપ્પાના હજુ હાથ-પગ ચાલે છે, ત્યાં સુધીમાં એમને શક્ય એટલાં યાત્રાધામોમાં ફેરવું તો કેવું??

....અને ઈશ્વરેચ્છાએ હરિદ્વારથી શુભ શરુઆત થઈ!! 

મેં મમ્મીને નાનપણથી જ લોકોના ઘરકામ કરતા જોયા છે, અને..હજૂયે બાપુનગરમાં રોજ સવારે છ વાગે એમ્બ્રોઇડરીનાં કારખાના સાફ કરવા પહોંચી જાય છે!! (ખુદ્દારી!!.. કોઈની પાસે હાથ ન ફેલાવવાની... બીજું શું??🤐) ....અને પપ્પા..  છેલ્લા 44 વર્ષથી રીક્ષા ચલાવે છે! 

એ બંનેને દિલ્હી સુધી વિમાનમાં સફર કરાવવાનું નક્કી કર્યું!!

...અને પહેલીવાર તેઓ વિમાનમાં બેઠાં.. ઈવન, એરપોર્ટની અંદર કેવું હોય, એ પણ રુબરુ પહેલીવાર જોયું!! (...જોકે મેં પણ આજ સુધી આ અનુભવ નથી કર્યો!! ...અને પપ્પાએ તો ન જાણે કેટલાયે પેસેન્જરને એરપોર્ટની બહાર ઉતાર્યા પણ હશે..!!)

દિલ્હી, હરિદ્વાર, મસૂરી, દહેરાદૂન, વ્ર્ન્દાવન, ગોકુળ, ऋषिकेश, મથુરા અને આગ્રાની આ યાત્રામાંથી પરત ફર્યા બાદ મેં એમને પહેલો જ સવાલ પૂછ્યો,  "કેવું રહ્યું??"

પપ્પા એક કદમ આગળ આવ્યા અને મારા માથે હાથ ફેરવીને કહ્યું, "બહું મજા આવી બેટા."

ગંગામાં એ ભલે નાહ્યા હોય, પણ એમના ચહેરા પરની ખુશી જોઈને મારા પાપ ધોવાયા હોય એવું લાગ્યું!!

એમને આ નાનકડી યાત્રા કરાવી શક્યો, એમાં મારી અર્ધાંગિનીનો પણ ફાળો નાનોસૂનો ન હતો!! એના સહકાર વિના આ શક્ય જ ન બન્યું હોત!! આ બદલ હું જાહેરમાં એનો આભાર માનું છું.

"બધા કરતા વધારે મજા વિમાનમાં બેસવાની આવી. વાદળાંઓની ઉપર ઊડતાં સ્વર્ગમાં હોઈએ ને.. એવું જ લાગે..!!"    ...જેવાં વર્ણનો કોઈને પણ રોમાંચિત કરી મૂકે!! 

👇🏽👇🏽જોઈને જ ખબર પડે છે કે તેઓએ કેટલું એન્જોય કર્યું હશે!!

..અને અડધું ભારતભ્રમણ આજે પૂરું થયું!!
પ્રથમ આખું સૌરાષ્ટ્ર, પછી ઉત્તર ભારત (દિલ્લી, હરિદ્વાર, ગોકુળ, વૃંદાવન,મથુરા..) ત્યારબાદ સપ્ત જયોતિર્લિંગ સહિત આખું દક્શિણ ભારત..
અને હવે ચારધામ (ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ)!!!
ચારધામ બાદ એમને ઇચ્છા જાહેર કરી કે ઉજ્જૈન-મહાકાલેશ્વર જવું છે.. 
મહાકાલ દર્શન પૂર્ણ થતાં એમનાં બારમાંથી અગિયાર જ્યોતાર્લિંગનાં દર્શન પણ પૂર્ણ થયા!!
યાત્રા પૂર્ણ થયે અમે બંને પગે લાગ્યા..
પપ્પાએ માથું ચૂમ્યું, અને મમ્મીએ માથે હાથ ફેરવ્યો. મેં કહ્યું,"પ્રસાદી નહિ આપો તો ચાલશે, પણ અંતરનું બધું અમને આપજો."
ઈશ્વરનાં આશિર્વાદ અને અર્ધાંગિનીનો સાથ!!
બીજું શું જોઈઅે વળી??..

ગુરુવાર, 28 મે, 2020

*મેડિટેશન: ધ્યાન??!!!*

*મેડિટેશન: ધ્યાન??!!!*
-------------------------------


"'હું 'ઓમ' કરવા બેસું ને, એટલે મને બધું ગોળ-ગોળ જ ફરતું દેખાય.."

"કોઈ વાંધો નહિ, શક્ય હોય તો તારી અંદરનાં અવાજો સાંભળવાની કોશિશ કરવાની.."

"એક-બે વખત જ ધબકારા સંભળાય.. પછી તો કંઈ થાય જ નહીં..??!!"

"ઠીક છે.. તને જ્યારે અવાજ સંભળાય એટલે તારું 'ઓમ' પૂરું.. બસ.. તારે ઉભું થઈ જવાનું.."

માંડ પાંચ મિનિટ થાય કે ન થાય.. ત્યાં તો એ ઉભી થઇ જાય.. અને કહે, "મને 'ધબકારા' સંભળાઈ ગયા.."

(તસ્વીર તન્વી અને એની સાથે મેડિટેશનમાં બેસતાં એનાં 'મની'(ટેડી)ની છે.)

*************************

હું નિયમિત રીતે ક્યારેક ક્યારેક(??!!) મેડીટેશન કરવા બેસતો હોઉં છું. જયારે મન બહુ જ ભરાઈ જાય, બહારની બાબતોથી કંટાળી જાય ત્યારે એમ થાય છે કે થોડીવાર શાંતિ મળે તો સારું? આવું થાય ત્યારે મને ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, અથવા તો મેડીટેશનમાં બેસવાનું મન થાય.. મોટેભાગે તો ચોકલેટ આઈસ્ક્રીમથી કામ પતે એવો પ્રયત્ન કરું.. છતાંય જો મેળ ના પડે તો મેડીટેશન સિવાય છૂટકો નથી એવું લાગે! કાનમાં ભૂંગળા ભરાઈને (હેન્ડ્સફ્રી, યુ નો?) શાંત-ઠંડુ મ્યુઝીક લગાવીને બેસું.. એક્ચ્યુલી બે રીતે બેસતો હોવ છું.. એક તો બહારનો કોઈ જ અવાજ અંદર ન જાય એમ ઈયરપ્લગ લગાવી દઉં, અથવા તો એ.આર.રહેમાનના કર્ણપ્રિય ગીતો સાંભળતા બેસું..!! સાચું કહું તો બેઠા પછી જો 'કમર' સાથ આપે અને ઊંડો ઉતરી જાઉં તો ઉભા થવાનું પણ મન ના થાય, અને  ક્યારેક પાસા અવળા પડવાના હોય તો બેસું પણ નહિ.. એવું મારું મેડીટેશન!! મેડીટેશન કરતી વખતે ઘણીવાર ૧/૨ કલાક રમતા-રમતા બેસી જાઉં.. અને ઘણીવાર તો પાંચ મિનીટ બી ના થઇ હોય અને ઝોલાં આવવા માંડે!! પણ.. એક વસ્તુ છે.. મેડીટેશન ચાહે જે પણ હોય.. બહુ જ અદભુત વસ્તુ છે!! હુ ઈચ્છું છું કે મારી દીકરી દંભી ધાર્મિક બને એના કરતા અદભુત આધ્યાત્મિક અનુભવ કરે! 

*************************

"જ્યાં સુધી તું 'શ્રી કૃષ્ણ શરણમ મમ' એવી ત્રણ માળા નહિ કરે ત્યાં સુધી તને ચા-બિસ્કિટ ખાવા નહિ મળે."- એવું કહી, હાથમાં માળા પકડાવી, મમ્મી મારા બાળપણમાં મને ઘરનાં મંદિર પાસે બેસવાની ફરજ પાડતાં! ચા-બિસ્કિટ ખાવાની લાલચમાં ડૂબેલો હું, મમ્મી જોવે નહિ એમ, કાણી આંખે જોતાં જોતાં બે મિનિટેય ન થાય ત્યાં તો ત્રણ વખતની માળા પૂરી કરી નાખું! આજેય હું એવું માનું છું કે 'મેડીટેશન'નાં બીજ અહીંથી જ રોપાયાં હશે!

ગિરગઢડામાં (વેલાકોટ, જી. ગીર સોમનાથ) નોકરી લાગી ત્યારે સાડા ત્રણ વર્ષ એકલું રહેવાનું થયેલું. પુસ્તક વાંચનનો શોખ કેળવેલો એટલે 'રાજયોગ' જેવું પુસ્તક વાંચવાનું થયું. એટલે 'ધ્યાન' તરફ વધુ ખેંચાયો. કોઈ સાચો 'ગુરુ' મળે તો કામ થઈ જાય, એવું વિચારતો. એકવાર મને મારો એક મિત્ર 'મજા આવશે' એવું બોલીને સ્વાધ્યાય પરિવારમાં પણ ખેંચી ગયેલો, પણ જબ્બર કંટાળો આવતા કોઈનેય ખબર ના પડે એમ ભાગીને ઘેર આવી ગયેલો. 

નજીકમાં જ જંગલ (સાસણગીર) હોઈ એક વખત સિંહ જોવાની લાલચમાં ફરેડા નજીક 'ટપકેશ્વર'નાં જંગલમાં જ રહેતાં 'અજય બાપુ' સાથે જંગલમાં રાત રોકાયો. આખી રાત એ મારી સાથે કશું જ ન બોલ્યા. કોઈ સત્સંગ જેવું નહિ. મેં કશું જ પૂછ્યું પણ નહીં. એ આખી રાત કશોક જાપ કરતાં રહ્યાં. રાતના અઢી વાગે આંખ ખુલી તો એ ન દેખાયાં. મેં બૂમ પાડી, તો જવાબ મળ્યો, "સિંહો માટે કુંડામાં પાણી ભરું છું. તમતમારે સુઈ જાઓ.".. કુંડું થોડું દૂર હતું. સિંહ તો જોવાં ન મળ્યો, પણ 'અજયબાપુ'ની નિર્ભયતાનો પ્રભાવ મન પર ઘણો થયો. ઘરે આવીને નક્કી કર્યું કે હવેથી રોજ ધ્યાનમાં બેસવું.

છ ફૂટનું સ્વામી વિવેકાનંદનું ચિત્ર ઘરની દીવાલ પર દોર્યું, અને રોજ ત્યાં જ ધ્યાન કરવા બેસતો. 'મેડિટેશન'માં બેસીને કરવાનું શુ? મને ન'તી ખબર! અવનવાં વિચારો આવે. 'ન' કરવાના વિચારો આવે. શાળા, ઘર, જંગલ, સ્વામી વિવેકાનંદ, ફિલ્મનો કોઈ સીન, મિત્રો, દુશ્મન, પાડોશીઓ, છોકરીઓ, મારામારી, ગાળાગાળી.. બધું જ દેખાય, પણ 'ધ્યાન' ન લાગે! ..કદાચ આ જ ધ્યાન હોતું હશે, એવું વિચારીનેય રોજ બેસતો! ..અને એક દિવસ.. મેં અનુભવ્યું, વિચારો બંધ થઈ ગયા! હું અઢી કલાક બેઠો, અને આંખો ખોલી ત્યારે અજીબ લાગ્યું.. શોર્ટ એન્ડ સ્વીટ, કહું તો, બસ.. મને મજા આવી હતી! 

જોકે, બીજાં દિવસથી ફરી પાછાં વિચારો આવવાના શરૂ થઈ ગયેલા.. પણ ક્યારેક ક્યારેક 'વિચારબંધ'ની મજા પણ અનુભવાતી! આવી રીતે જ ધ્યાનનાં પ્રયોગો લગભગ ત્રણેક મહિના જેટલું ચાલતાં રહયા હશે, પણ પછી મને ખબર નહિ કેમ?.. પણ જ્યારે 'મેડિટેશન'માં બેસતો, ત્યારે બીક લાગવા મંડી હતી! એક દિવસ હું આંખો બંધ કરીને બેઠો હતો અને અચાનક.. મારી અંદર જાણે કશોક 'ધડાકો' થવાનો હોય એવું લાગ્યું અને હું ડરીને તરત જ ઉભો થઈ ગયો. પછી.. ક્યારેય ન બેઠો! 

વચ્ચેનાં સમયગાળામાં ક્યારેક બેસતો, પણ એ દરમિયાન જંગલના ખરાબ રસ્તાઓમાં બાઈકનો 'થડકો' લાગતાં કમરે સાથ દેવાનું બંધ કર્યું, એટલે લાબું ન બેસાતું. બદલી થઈને અમદાવાદ આવ્યો, અને 'સર્વેન્દ્ર ભાઈ' સાથે મુલાકાત થઈ. સત્સંગ વધ્યો, અને ફરી 'મેડીટેશન' શરૂ થયું. ઉજ્જૈનના અનુભવો આજેય શરીરમાં રુંવાડા ઉભા કરી દે છે! 'મેડિટેશન' બાદ મન શાંત તો થાય, પણ 'ન થવા બરાબર' થાય! નાનકડી તન્વી કહે, "મારી સાથે રમો." એને દુઃખી કરીને ધ્યાનમાં બેસવાનો શો લાભ?? એને સમય આપવાનું શરૂ કર્યું, અને  વિચાર્યું, જ્યારે મોટી થશે ત્યારે એને પણ બેસવાનું કહીશ.

હાલ શુ સ્થિતિ છે? જો મારુ પોતાનું આંતરિક મૂલ્યાંકન કરું તો સમજાય છે કે એવી સ્થિતિએ છું કે હું સ્થિતપ્રજ્ઞતાને સમજી શકું છું. (હું 'સ્થિતપ્રજ્ઞ' છું, એમ નથી કહેતો! ..પણ અનુભવે સમજી શકું છું, એમ!) મારી આસપાસની દરેક ચીજ કે બનતી ઘટનાને જો હું, મારી જાતને, એની સાથે જોડ્યા વગર જોઉં, તો દુઃખી નથી થતો.. અને છતાંય એને જોઈને હદયમાં કનેક્શનની એક 'ટીસ' તો ઉઠે જ છે!  કોઈ મારી સાથે ખોટું કરે તો એને 'માફ' કરવાનો વિચાર આવે છે.  કોશિશ હોય છે કે એને માફ પણ કરું, પણ ક્યારેક.. નથી કરી શકતો! દંભી કર્મકાંડો, ધાર્મિક પૂજાપાઠો અને આધ્યાત્મિક અનુભવો વચ્ચેનો ભેદ થોડો થોડો સમજી શકું છું! ...અને ખાસમખાસ વાત એ કે કશું જ બોલ્યા વગર અજાણી જગ્યાએ કંટાળ્યા વગર હું કલાકો સુધી બેસી શકું છું. 

****************************

મજા આવે એવું દરેક કામ કરતી વખતે સમયભાન નથી રહેતું! એવું કામ કરતી વખતે જો ખાવાનું, પીવાનું અને 'જવાનું'ય યાદ ન આવે.. તો સમજવું કે 'આપણે' ધ્યાનમાં છીએ! વર્ગમાં બાળકોની સાથે આવું સમયભાન ન રહેતું હોય એવો દરેક શિક્ષક 'ધ્યાનસ્થ' છે. વર્ગ એ એની 'મેડિટેશન'ની જગ્યા છે. કશુંય વિચાર્યા વગર માત્ર સાહેબ'પણાંનો રોફ જમાવવા ધડામ દઈને વર્ગમાં ઘુસી જનારા દરેક એ 'ઋષિતુલ્ય' શિક્ષકનો ગુનેગાર છે.

બુધવાર, 27 મે, 2020

ડિવોર્સ

કદાચ છ-સાત વર્ષ તો થઈ જ ગયા હશે.. આ પોસ્ટ સાચવ્યાને..!  એ પણ વર્ડ ફાઈલમાં! આજે અચાનક હાથે ચડી ગઈ. આ વાર્તા ઓરિજનલી જેની પણ હોય એની.. એટલી ગમી ગયેલી કે એને સાચવી રાખી. મૂળ અંગ્રજી વાર્તા પોસ્ટને અંતે, જેમ છે એમની એમ, કોઈ જ ફેરફાર વગર મુકેલી જ છે. (ફેસબુક પર RVCJ (rajnikant v/s c.i.d. jokes) નામના પેજ પર આ પોસ્ટ શેર થયેલી. એટલે મૂળ વાર્તા કોની છે, એ ખબર નથી.) આ મૂળ અંગ્રેજી વાર્તાના વિચારનું સંપૂર્ણ ક્રેડિટ હું જેની કોપીરાઈટ છે/હશે એને જ આપું છું. મારે કોઈ ક્રેડીટ કે નામ કમાવવાનું નથી.. બસ, ત્યારે લખવાનો કીડો બહુ સળવળતો, (હજુયે ક્યારેક ઉથલો તો મારે જ છે!😊) એટલે વિચાર્યું કે આ વાર્તાને જો ઇન્ડિયન સ્ટાઇલમાં લખવી હોય તો કેવી રીતે લખાય? ..અને બસ, લખવાનું શરૂ કરી દીધું! મૂળ અંગ્રેજી વાર્તામાં મુખ્ય પાત્ર જેનને અંતે 'કેન્સર' નિદાન થાય છે, મને આ ન ગમ્યું? એટલે વાર્તા પૂરેપૂરી લખ્યા બાદ મેં અમુક પોસીબીલીટીસ મૂકી! વિચાર્યું હતું કે કોઈ આ પોસીબીલીટીસમાંથી જે અંત કહેશે, એ રીતે અંત બતાવીશ! .. પણ ખબર નહિ, કોઈએ વાર્તા વાંચી પણ હશે કે કેમ? હવે તો બસ, આ વાર્તા હદયની નજીક છે એટલે સાચવી રાખી છે. નવરાશની પળો માટે..☺️☺️


----------------------------------------------------

"ડિવોર્સ"
********

મુખ્ય પાત્ર: અમિત
               રશ્મિ (અમીતની પત્ની)
               માયા (અમિતની પ્રેમિકા)
               નયન (અમિત-રશ્મિનો છ વર્ષનો પુત્ર)
               માયાના મમ્મી-પપ્પા
               અમિત-રશ્મિનો પાક્કો મિત્ર
*******************************************
(૧)
સ્થળ :- અમિતનું ઘર (ઇન્ડોર)
સમય :- રાતનો.. 
(અમિત અને રશ્મિ)

“ટ્રીન.. ટ્રીન..””

...રશ્મીએ તરત જ ઘડિયાળમાં જોયું. રાતના ૧૧:૦૮ વાગ્યા હતા! તે કંટાળીને ડાઈનીંગ ટેબલ પરથી ઉભી થઇ, અને દરવાજો ખોલ્યો. સામે અમિત ઉભો હતો! હમણાં-હમણાંથી રોજ મોડા આવવાનું જાણે તેનું શીડ્યુલ જ બની ગયું હતું! તે ચુપચાપ અંદર આવ્યો અને ઓફીસબેગ સોફા પર મુકીને સીધો વોશરૂમમાં ઘૂસી ગયો! મનમાં અનેક સવાલો ભરીને રશ્મી તેને જ જોઈ રહી હતી, પણ તેણે એકવાર પણ રશ્મી સામે જોવાની તસ્દી ના લીધી! રશ્મિને થોડું અજુગતું લાગ્યું! ..પણ કશું બોલ્યા વિના તેણે દરવાજો બંધ કર્યો, અને જમવાનું પાછુ ગરમ કરવા રસોડામાં લઇ ગઈ!..

અમિતે મોઢા પર જોરથી પાણીની છાલક મારી, અને પોતાને અરીસામાં એકીટશે જોઈ રહ્યો! થોડીવાર પછી સ્વગત બબડ્યો.. ‘આજે તો રશ્મિને વાત કરી જ દઉં.. બહુ બધા દિવસોથી ડીલે કરી રહ્યો છું!’ 

નેપ્કીનથી મોઢું-હાથ લૂછતાં અમિત વોશરૂમમાંથી બહાર આવ્યો, અને નેપ્કિનને ડાઈનીંગ ટેબલ પર જેમ-તેમ ફેકી ચેર પર બેઠો! રશ્મી રસોડામાંથી બહાર આવી, અને ગરમ સબ્જીનું બાઉલ નીચે મૂકયું, એ સાથે જ એની નજર નેપ્કિન પર પડી! તેણે તરત જ આંશિક ગુસ્સાથી અમિત સામે જોયું, અને નેપ્કિનને હેન્ગર પર વ્યવસ્થિત ટીંગાડતા સહેજ ગુસ્સાથી કહ્યું, “કેટલી વાર લાગતી આને અહિયાં ટીંગાડતા?..” 

અમિતે રશ્મી સામે જોયું ન જોયું કરી, તેની વાત પર સહેજેય ધ્યાન ના આપ્યું!! ...અને બાજુની ચેર ખાલી જોઈ પૂછ્યું, “નયન ક્યાં છે?”

“તમારી રાહ જોઈજોઈને ઊંઘી ગયો..!!” અમિતની પ્લેટમાં જમવાનું સર્વ કરતા રશ્મીએ થોડી નારાજગી સાથે કહ્યું.

“હંઅ..” અમિતે હુકાર કર્યો.  ‘કઈ રીતે વાતની શરૂઆત કરું?..’ તેણે વિચાર્યું, અને આમતેમ જોવા લાગ્યો! 

આખરે થોડીવાર પછી અચકાઈને વાતની શરૂઆત કરી, “અં.. રશ્મી.. એક્ચ્યુઅલી મારે તને એક વાત કહેવી છે..”
અમિતનો બોલવાનો કઈક અલગ ટોન સાંભળી રશ્મીએ તેની સામે જોયું, પણ કોઈ વાતનો અંદાજો ના આવતા તેણે માથું હલાવી પૂછ્યું, “હંઅ..??”

“અંઅ..” અમિતે હોઠ પર જીભ ફેરવી અને અચકાતા કહ્યું, “હું અને માયા.. અમે બંને.. એકબીજાને ખુબ જ પ્રેમ કરીએ છીએ.. અને લગ્ન કરવા માંગીએ છીએ!!”

.....અને રશ્મિનું હદય એક ધબકારો ચૂકી ગયું!! 

અત્યારસુધી બધું જાણતી હોવા છતાં તેણે આજ દિન સુધી આ બાબતે એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નહતો, માત્ર એ જ વિશ્વાસે કે બધું બરાબર થઇ જશે! ..પણ હવે? ..હવે બહુ મોડું થઇ ગયું હતું! તેણે અમિત સામેથી નજર હટાવી, બાઉલ નીચે મુક્યું અને ડાઈનીંગ ટેબલની ચેર પર ફસડાઈ ગઈ!

.....રૂમમાં સન્નાટો વ્યાપી ગયો હતો!!

થોડીવાર પછી અમિતે ધીમેથી પોતાનો હાથ રશ્મીના હાથ પર મૂક્યો, અને કહ્યું, “મારે ડિવોર્સ જોઈએ છે, રશ્મી.”
રશ્મિનું દિમાગ સુન્ન થઇ ગયું! શું બોલવું?.. એ કશું સમજી ના શકી! તેની આંખોના ખૂણા ભીના થઇ ગયા, અને ગળે એક ડૂમો ભરાઈ ગયો! આખરે ગળગળા થઇ તેણે ધીમેથી પૂછ્યું, “કેમ??”

.......જવાબમાં અમિતે કશુયે બોલ્યા વગર પોતાનો હાથ રશ્મીના હાથ પરથી હટાવી લીધો! આંસુ ભરેલી આંખે રશ્મી અમિતના જવાબની રાહ જોઈ રહી!... પણ અમિતે કોઈ જ જવાબ ના આપતા તે જોરથી ચિલ્લાઈ, “..પણ કેમ??” 

અમિત ચુપચાપ તેની સર્વ કરેલી પ્લેટને જોઈ રહ્યો! છેવટે થોડીવાર પછી કહ્યું, “તું બધું જાણે તો છે.. તો પછી શું કામ પૂછે છે??”

“તું માણસ નથી અમિત.. જાનવર છે, જાનવર!!..” આંસુ ભરેલી આંખે રશ્મી વિવશતાથી બોલી. બીજી જ પળે એ ગુસ્સાથી સમસમીને ઉભી થઇ અને બેડરૂમમાં જતી રહી!
અમિત પોતાની સર્વ કરેલી પ્લેટને જોઈ રહ્યો!.. તે એ ના સમજી શક્યો કે રશ્મિને કેમ સમજાવવું કે તે  હવે એને નથી ચાહતો!.. તેણે બેડરૂમ તરફ નજર કરી, રશ્મીના રડવાનો અવાજ આવી રહ્યો હતો!!

.................................................................

(૨)
વાર્તાની પ્રસ્તાવના:

રશ્મી અને અમિતના લવમેરેજ હતા, અને તેમના લગ્નને દસ વર્ષ થઇ ચૂક્યા હતા! ..ફળસ્વરૂપે છ વર્ષનો નાનકડો નયન પણ ખરો!! થોડા વર્ષો પહેલા એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારની જોબ કરતો અમિત, સ્વભાવે ખુબ સાહસી હતો! તેણે પોતાનો એક નાનકડો બીઝનેસ શરુ કર્યો, પણ ફાઈનાન્સના અભાવે તેનું ‘બાળમરણ’ થઇ ગયું! એવામાં અમિતના જીવનમાં રશ્મીએ પ્રવેશ કર્યો. તે અમિત કરતા ઊંચા હોદ્દા પર હતી! કામઅર્થે વારેઘડીયે થતી મુલાકાતોમાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો!.. પણ થોડા જ સમયમાં એ વખત આવી ગયો કે રશ્મીએ જોબ અથવા  અમિતમાંથી, એકની પસંદગી કરવી પડે એમ હતી!!.. તેણે અમિતને પસંદ કર્યો! ફેમીલીવાળા ના માન્યા તો ફેમીલીને પણ છોડી દીધી! ..અને અમિતનો ઘરસંસાર બખૂબી સાચવવા લાગી! 

અમિત પણ સમય જતા પોતાની કોઠાસુઝથી ‘મરી પરવારેલા’ એ ધંધાને જીવતો કરવામાં સફળ રહ્યો!.. આજે સોસાઈટીમાં તેઓ, લવમેરેજનું એક સફળ ઉદાહરણ હતા! ...પણ છેલ્લા એક વર્ષથી તેઓ એક છતની નીચે રહેતા હોવાછતાં એકબીજાથી અજાણ્યા બનીને રહી ગયા હતા! બીઝનેસ વિકસાવવાની લ્હાયમાં ને લ્હાયમાં અમિત, રશ્મીથી એટલો દુર થતો ગયો કે તેના મનમાં ‘રશ્મી’ નામની ખાલી પડેલી જગ્યા એક બીજી સ્ત્રીએ પૂરી કરી! ..તેનું નામ માયા હતું! ...‘બ્યુટી વિથ બ્રેઈન ફ્રોમ અમેરિકા!!’...સતત કામમાં ડૂબેલા રહેતા અમિતનો સૌજન્યપૂર્ણ વ્યવહાર એને તેની નજીક ખેંચી લાવ્યો! ...જોકે અમિત કોઈ ‘ટીપીકલ’ લેભાગુ પુરુષ નહતો! તે માનતો હતો કે બીઝનેસ વિકસાવવા આવો સ્વભાવ જરૂરી છે!.. અને માયા પણ સમજદાર હતી! કોઈનું ઘર તોડાવીને પોતાનું ઘર વસાવવાની એને કોઈ જ ઈચ્છા નહતી!!.. 
......................................................................

(૩)
સ્થળ: ઓફિસનું કેન્ટીન
(અમિત અને માયા બંને કોફી પીતાં વાતો કરે છે.)


 “માયા.. આયમ વેરી ક્લીયર નાઉ! આઈ વોન્ટ ટુ મેરી વિથ યુ. હું લગ્ન કરવા માંગું છું તારી સાથે!!”

અચનાક જ અમિતની આવી સાંભળી માયા થોડીવાર સુધી તેને આશ્ચર્યથી જોઈ રહી! તે થોડો હેરાન થયેલો લાગતો હતો, તેથી માયાએ કોફીનો મગ નીચે મૂકયો, અને કહ્યું, “ઓકે અમિત, ફૂલ ડાઉન.. પહેલા તો મને એ કહે કે થયું શું? વ્હોટ હેપન્ડ?” 

“હું તને ચાહું છું માયા, રશ્મિને નહિ!” અમિતે માયાની આંખોમાં જોઈ ભાર દઈ કહ્યું, “..છેલ્લા એકાદ વર્ષથી અમારી વચ્ચે કશું જ થયું નથી!.. હું એની સાથે કોઈ પણ પ્રકારની ફીલિંગ્સ કે ઈન્ટીમસી નથી અનુભવી રહ્યો!! રશ્મી સાથે ઘરમાં હવે મને ગુંગળામણ થાય છે! મને તું ગમે છે, એ નહિ!.. મારે તારી સાથે રહેવું છે, રશ્મી સાથે નહિ!.. જ્યાં ફિઝીકલી કે મેન્ટલી કોઈ જ પ્રકારનું એટેચમેન્ટ રહ્યું ન હોય, ત્યાં હું કેવી રીતે રહી શકું?.. ટેલ મી?..” અમિત અટક્યો, અને આજુબાજુ જોવા લાગ્યો! થોડીવાર પછી એ થોડો નરમ થઇ બોલ્યો, “મેં કાલે એને કહી દીધું, કે ‘મારે ડિવોર્સ જોઈએ છે!!..”

“વ્હોટ??!!..” માયાને આશ્ચર્ય થયું!!

“હા,” અમિતે પણ તરત જ જવાબ આપ્યો, “કહી દીધું મેં એને કાલે, ‘મારે ડિવોર્સ જોઈએ છે!!..’ ..કહેતાની સાથે જ મને ‘જાનવર’ કહીને સવાલોનો મારો ચાલુ કરી દીધો! હું બને એટલો શાંત રહીને બધું પતાવવા માંગતો હતો, તો રડવાનું ચાલુ કરી દીધું!”

“આર યુ ક્રેઝી અમિત?.. તું શું બોલી રહ્યો છે, એનું તને ભાન છે? તમારા લગ્નના દસ વર્ષ થઇ ચુક્યા છે, અને હવે તારે એની સાથે ડિવોર્સ લેવા  છે?..” માયાએ આર્ગ્યુમેન્ટ કરી.

“વ્હોટ્સ રોંગ ઇન ઈટ?.. મોટા-મોટા માણસો પણ આવું કરતા હોય છે. ફિલ્મસ્ટારોના ઉદાહરણો ક્યા નથી આપણી સામે?”

“અમિત આ કોઈ ફિલ્મ નથી.. અને નથી આપણે કોઈ ફિલ્મસ્ટાર!!.. વી આર કોમનમેન યાર! દસ-દસ વર્ષથી જે તારા માટે આટલો ભોગ આપી રહી હોય, તું એને આટલો ઇઝીલી કેવી રીતે છોડી શકે?”

“હું કશું જ સાંભળવા માંગતો નથી, અને પ્લીઝ.. આવી સેન્ટિમેન્ટલ વાતો કરવાની બંધ કર!” અમિતે માયાની બધી જ આર્ગ્યુમેન્ટનો છેદ ઉડાવતા કહ્યું. 

માયા ચુપ થઇ ગઈ!!.. થોડીવાર સુધી બંનેમાંથી કોઈ જ ના બોલ્યું! છેવટે અમિતે સ્પષ્ટતા કરવા ભાર દઈ પૂછ્યું, “તું મારી સાથે લગ્ન કરવા તો માંગે છે ને?”

માયાએ અમિત સામે જોયું, અને નરમાશથી કહ્યું, “હા અમિત.. પણ કોઈને દુઃખી કરીને નહિ!!”

“મારી સાથે લગ્નની ‘ના’ કરીને તું મને તો દુ:ખ પહોચાડી જ રહી છે!!”

“...અને તારી સાથે લગ્ન ના કરીને હું પણ સુખી નથી!!” માયાએ તરત જ જવાબ આપ્યો! 

“...તો પછી છોડને રશ્મિની વાતો!! ..શું કામ એનો પક્ષ ખેંચી રહી છે??..” અમિત હેરાનીથી બોલ્યો. 

“હું કોઈ એનો પક્ષ નથી ખેંચી રહી અમિત.. પણ હું એક સ્ત્રી છું એટલે રશ્મિની હાલત સમજી શકું છું!!”

“ઓઓહ...” અમિતે હતાશ થઇ નિ:સાસો નાંખ્યો, અને ખુરશીને ટેકો દઈ બેસી ગયો!! થોડીવારમાં પોતાની કોફીનો મગ ઉપાડ્યો, અને ચુપચાપ પીવા લાગ્યો! 

“અમિત તું આવું ન કરીશ યાર.. નિરાશ ના થઈશ.” માયાએ અમિતની નારાજગીને દુર કરવા કહ્યું.

 “તું મારી સાથે લગ્ન કરવા માંગે છે?... કે નહીં?..” અમિતે એકદમ ધીમેથી અને ભાર દઈને ફરીથી પૂછ્યું.

“જો રશ્મી તને ડિવોર્સ આપવા તૈયાર હોય.. તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.” માયાએ સ્પષ્ટ કર્યું.

““ઓકે..”” અમીતે રીલેક્ષ થતા કહ્યું, “મેં લોયર સાથે વાત કરી હતી. ડિવોર્સ એગ્રીમેન્ટના પેપર્સ માટે એમણે આજે જ મને બોલાવ્યો છે. હું જેમ બને એટલુ જલ્દી આ બધું પતાવવા માંગું છું.” 

અમિતની વાત સાંભળી માયા વિચારમાં પડી ગઈ!!.. તેણે કોફીનો મગ ઉપાડ્યો અને એક સીપ લેતા પૂછ્યું, “અમિત.. આપણે ઉતાવળ તો નથી કરી રહ્યા ને?..”” 

“અમિતે પણ પોતાની કોફી પૂરી કરી મગ પાછો ટેબલ પર મૂકતા કહ્યું, “ના, બિલકુલ નહિ!!” ..તું પણ તારી કોફી પૂરી કર. હું બિલ ચૂકવીને આવું છું..”” આટલું કહેતા અમિત ઉભો થયો!

““એક મીનીટ અમિત..”” માયાએ અમિતને અટકાવતા કહ્યું, ““..મારે તને એક વાત કહેવી છે.”” તેણે એક ઊંડો શ્વાસ લીધો, અને અમિતની આંખોમાં આંખો મિલાવી કહ્યું, “હું પણ તને ચાહું છું અમિત, અને તારી સાથે રહેવા માંગું છું!.. હું જાણું છું કે હું રશ્મિને હર્ટ રહી છું, છતાંય તારી સાથે લગ્ન કરવા તૈયાર છું! ...પણ એક વાત ધ્યાનથી સાંભળી લે અમિત, જો હવે તે સહેજ પણ પીછેહટ કરી છે ને?.. કે પછી મને છેતરવાનું વિચાર્યું પણ છે ને?... તો તું યાદ રાખજે... આ જ કેન્ટીનમાં.. આ જ બધાની વચ્ચે.. હું તને થપ્પડ મારતા સહેજ પણ નહિ અચકાઉં!!..”

અમિતને માયાની આવી વાતથી ખુબ જ નવાઈ લાગી!.. તે માયાની સામે જોઈ રહ્યો!.. તે મક્કમ બનીને પોતાની વાત કરી રહી હતી!...
......................................................................

(૪)
સ્થળ: અમિત -રશ્મિનું ઘર (બેડરૂમ)
સમય : સવાર (ઓફીસ ટાઈમ)
(અમિત ડિવોર્સની ફાઇલ રશ્મિને આપે છે)


અમિતે ડિવોર્સ પેપરની ફાઈલ હાથમાં લીધી, અને બેડરૂમના દરવાજા પાસે આવીને થોડીવાર સુધી ઉભો રહયો!.. ‘રશ્મિને કેવી રીતે આમાં સહી કરવાનું કહેવું?’ એ વિચારીને તે એમાં પ્રવેશ્યો.. નયન હજુ સુધી ઊંઘી રહયો હતો! ..અને રશ્મી? ..દરરોજ તો આટલા વાગે તૈયાર પણ થઇ જતી!! ..પણ આજે? ..તે નયનની બાજુમાં જ ઘૂંટણ પર મો ટેકવીને બેઠી હતી! તેની આંખો સૂઝેલી અને લાલ દેખાતી હતી! કદાચ તે આખી રાત રડતી રહી હશે! અમિતને તેની આવી હાલત જોઇને દયા આવી.. પરંતુ વધુ કશું વિચાર્યા વિના તેણે ફાઈલ રશ્મી પાસે મૂકતા કહ્યું, “આ ફાઈલ એકવાર વાંચીને પછી સહી કરજે. આપણા ડિવોર્સ પછી હું નથી ઈચ્છતો કે તું..” અમિત થોડો અટક્યો, અને પછી બોલ્યો, “..દુઃખી થાય!”

........અને એ છેલ્લું વાક્ય રશ્મિને ફરી રડાવી ગયું!! તેણે હતાશ ચહેરે ઉપર જોયું, અને તરત જ આંસુ લૂછી ફાઈલ હાથમાં લીધી. ફાઈલ જોતાની સાથે જ તેનું હૃદય ભારે થઇ ગયું, અને આંખમાંથી આંસુ નીચે વહી ગયું!! થોડીવાર પછી તેણે ફાઈલ બંધ કરી અમિત તરફ ફેકતા બોલી, “આપણા ડિવોર્સ પછી તું તો ખુશ હોઈશને, અમિત??..”

રશ્મીના આ સવાલનો અમિત પાસે કોઈ જ જવાબ ન હતો!! ...રશ્મીએ તરત જ બીજો સવાલ કર્યો, “..તો પછી શું તને એમ લાગે છે કે તારા ઘર, કાર અને ત્રીસ ટકા સ્ટેકથી હું બહુ સુખેથી રહી શકીશ??..”

અમિત ફરી નિ:શબ્દ બની ઉભો રહ્યો!!  

“રહેવા દે અમિત, મારે તારી દયાની કોઈ જ જરૂર નથી!!.. મારે જે જોઈએ છે એ તું મને નહિ આપી શકે..!!”

અમિત રશ્મી સામે કશુયે બોલ્યા વિના જોઈ રહ્યો! ...રશ્મી પણ ધારદાર સવાલોભરી નજરોથી અમિતને જોઈ રહી!!... બેડરૂમમાં અજંપાભરી શાંતિ છવાઈ રહી!! 

...અને અમિત ફાઈલ ત્યાં જ રહેવા દઈને બેડરૂમની બહાર નીકળી ગયો!! સોફા પાસે પડેલી પોતાની ઓફિસબેગ ખભે નાખી, ઘરનો દરવાજો ખોલી બહાર નીકળી ગયો! 

રશ્મીના સવાલોથી ભારે થઇ ગયેલા ઘરના વાતાવરણમાંથી બહાર આવીને તેણે તરત જ ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો, અને મેસેજ ટાઈપ  કર્યો- ‘વી આર ગોઇંગ ફોર લોંગ ડ્રાઈવ. બી રેડી માયા.” ...મેસેજ સેન્ટ કરી ફોન પાછો ખિસ્સામાં મુક્યો, અને કારમાં બેસી કાર હંકારી મૂકી!!.. 
..............................................................

(૫)
સ્થળ: અમિત-રશ્મિનું ઘર
સમય : મોડી રાતનો..
(અમિત માયા સાથે લોન્ગ ડ્રાઇવ પરથી પાછો ઘરે આવે છે)


અમિતે જોયું કે ઘરનો દરવાજો પોતે સવારે જેમ રાખીને ગયો હતો એમ જ.. ખુલ્લો હતો!! તે ઘરમાં પ્રવેશ્યો, ઓફીસ બેગ સોફા પર નાંખી ટાઈ લુઝ કરી. આજે તેણે આખો દિવસ માયા સાથે ક્વોલીટી સમય પસાર કર્યો હતો, એટલે ખુબજ થાકી ગયો હતો!.. તેણે વોલ કલોક પર નજર કરી.. રાતના ૧:૫૦ થયા હતા!! રશ્મી ક્યાંય દેખાતી ન હતી.. તેણે ઘરમાં ચારેબાજુ જોયું, અને પછી બેડરૂમ તરફ આગળ વધ્યો.. રશ્મી બેડરૂમના રાઈટીંગ ટેબલ પર બેસીને કશુક કરી રહી હતી!!.. તેને નવાઈ લાગી, પણ પછી કશું જ બોલ્યા વિના તે ફ્રેશ થવા વોશરૂમમાં જતો રહ્યો...!!

થોડીવારમાં હાથ-મોઢું લૂછતાં તે બહાર આવ્યો... અને ત્યા જ ઉભો રહી ગયો!! ..રશ્મી ડાઈનીંગ ટેબલ પર જમવાનું સર્વ કરીને પોતાની રાહ જોતા બેઠી હતી!.. 

અમિતે સર્વ કરેલી પ્લેટ સામે અને ત્યારબાદ રશ્મી સામે જોયું, અને ધીમેથી બોલ્યો, “હું બહાર જમીને આવ્યો છું.”

...આ સાંભળી રશ્મી અમિત સામે જોયા વગર જ ઉભી થઇ, અને સર્વ કરેલી પ્લેટસ ઉપાડી કિચનમાં જતી રહી!! ..રશ્મીએ કોઈ જ આર્ગ્યુમેન્ટ ના કરી, એટલે અમિત પણ ચુપચાપ ઉભો રહી તેને કિચનમાં જતા જોઈ રહ્યો!!. તે સમજી ગયો કે રોજની જેમ આજે પણ રશ્મીએ પોતાના ઓફિસેથી પાછા આવવાની રાહ જોવામાં કશું જ ખાધું નથી!! 

થોડીવારમાં રશ્મી બહાર આવી, અને ડાઈનીંગ ટેબલ પર બેઠી!!..

“હવેથી જમવા માટે મારી રાહ જોવાની જરૂર નથી...” થોડુ હેરાનીથી બોલતો-બોલતો અમિત અંદરના રૂમમાં જતો રહ્યો! 

...રશ્મી ત્યાં જ બેઠી રહી!!
......................................................................

(પછીની સવારે)

અમિત અંદરના રૂમમાંથી બગાસું ખાતા ધીમેધીમે બહાર આવ્યો અને રશ્મિને હજુયે ત્યાં જ.. ડાઈનીંગ ટેબલની ચેર જ પર બેઠેલી જોઇને ઉભો રહી ગયો!!.. તેને નવાઈ લાગી! 

“હું તને ડિવોર્સ આપવા તૈયાર છું અમિત.” 

“હંઅ..??” અચાનક જ આ સાંભળીને અમિતને નવાઈ લાગી!! તેણે ફરી પૂછ્યું, “શું કહ્યું??”

રશ્મીએ ફરી દ્રઢતાથી કહ્યું, “હું તને ડિવોર્સ આપવા તૈયાર છું.”

અમિતે તરત જ ડાઈનીંગ ટેબલની એક ચેર ખસેડી, અને રશ્મી સામે બેસતા પૂછ્યું, “આર યુ શ્યોર??.. મને તો એમ હતું કે તું..”

“...પણ મારી કેટલીક શરતો છે.” રશ્મી અમિતની વાત અધવચ્ચેથી જ કાપતા બોલી!!

અમિત થોડીવાર સુધી આશ્ચર્યથી રશ્મી સામે જોઈ રહ્યો! ..પછી પૂછ્યું, “કેવી શરતો??” 

“મારે તારી પાસેથી કશું જ નથી જોઈતું.. પણ હું ઈચ્છું છું કે ત્રણ દિવસ પછી નયનની એકઝામ્સ શરુ થાય છે, એટલે જ્યાં સુધી એની એકઝામ્સ ના પતે ત્યાં સુધી.. મતલબ કે આવનારા પંદર દિવસ સુધી આપણે અલગ નહિ થઈએ.” રશ્મીએ અમિતની આંખોમાં આંખો મિલાવી કહ્યું. 

અમિત રશ્મિની સામે હજુયે હેરાનીથી જોઈ રહ્યો હતો!!.. તેણે મનમાં થોડું વિચાર્યું, અને કહ્યું, “ઓકે.. આઈ એગ્રી વિથ યુ!”

“અને હવે બીજી શરત.” તેણે એક ઊંડો શ્વાસ લીધો, અને કહ્યું, “..તને યાદ છે?.. જયારે આપણા લગ્ન થયા એ વખતે તું ઓફિસે જતા પહેલા.. દરરોજ મને બેડરૂમમાંથી ઉચકીને આપણા ઘરના દરવાજા સુધી લઇ આવતો.. પછી મને એક પ્રેમાળ હગ કરતો.. અને પછી તું ઘરની બહાર નીકળતો.. હું આપણા ઘરની બાલ્કનીમાંથી તને જતા જોઈ રહેતી.. અને તું પણ પાછું ફરીને મને જોતો.. એક મીઠું સ્માઈલ આપતો.. અને પછી તું ઓફિસે જતો.”

“તો..??” અમિતે આશ્ચર્યથી પૂછ્યું, “..તું કહેવા શું માંગે છે?”

રશ્મી પહેલા તો કશું જ ના બોલી, પણ પછી કહ્યું, “આ પંદર દિવસો દરમિયાન આપણે દરરોજ.. ફરીથી.. આપણી એ જ નોર્મલ લાઈફ જીવીશું!!”

“આર યુ મેડ?..” અમિત આંશિક ગુસ્સાથી બોલ્યો!

“ના અમિત..” રશ્મીએ સ્વસ્થતાથી કહ્યું, “..મારે તારી પાસેથી આ જ જોઈએ છે. બીજું કઈ નહિ!! બોલ... આપી શકીશ??” 

અમિત ચુપચાપ રશ્મિને જોઈ રહ્યો!!
......................................................................

(૬)
સ્થળ: (અમિત અને માયા કારમાં સાથે છે. અમિત કાર ડ્રાઇવ કરી રહ્યો છે. બન્ને વાતો કરી રહ્યા છે.)
સમય: દિવસનો


“તે શું જવાબ આપ્યો?..” માયાએ કાર ડ્રાઈવ કરી રહેલા અમિતને પૂછ્યું.

“હું શું જવાબ આપું?..” અમિતે ચહેરા પર ગંભીરતા લાવી કહ્યું, “..આટલા વર્ષો તો એની સાથે કાઢ્યા જ છે?.. પંદરેક દિવસ હજુ વધારે!!... બીજું શું??”

“પંદર દિવસ?..” માયાએ પણ સીરીયસ થઇ પૂછ્યું, “પંદર દિવસ બહુ લાંબો સમય હોય છે, અમિત!” ..માયાની વાતમાં ચિંતા હતી!

“નયનની એક્ઝામ્સ પણ આ જ વીકમાં છે, માયા.” અમિત બોલ્યો, “..ટ્રસ્ટ મી, જેવી એની એક્ઝામ પૂરી થશે કે તરત જ આપણા મેરેજની પ્રોસીઝર શરુ થઇ જશે!.. અને હા.. તને એક વસ્તુ તો બતાવવાની જ રહી ગઈ..!!” 

અમિતે ડેસ્ક પર પડેલી ફાઈલ તરફ ઈશારો કરતા કહ્યું, “જો તો.. એ ફાઈલમાં શું છે??..”

“શું છે??” 

અમિતે થોડા અહંકારથી કહ્યું, “તું જો તો ખરા..!!”

માયાએ ફાઈલ હાથમાં લીધી અને તરત જ અમિત સામે જોયું... એ ડિવોર્સ પેપરની ફાઈલ હતી!!

“હવે તું અંદર જો..” 

માયાએ ફાઈલ ખોલી.. જોયું તો રશ્મીએ ડિવોર્સ માટે સહી કરી દીધી હતી!! ...સહી જોતા જ માયાએ આશ્ચર્યથી કહ્યું, “ઓહ.. મતલબ કે એ પણ તારાથી છૂટવા જ માંગે છે એમ ને??”

...જવાબમાં અમિત હળવું હસ્યો!! માયા રશ્મીની સહીને જોઈ રહી!.. 

થોડીવાર પછી તે અમિતની સામે જોયા વિના જ બોલી, “મને એક વાત નથી સમજાતી અમિત..” એ થોડીવાર અટકી, અને પછી અમિતની સામે જોઈ કહ્યું, “...જો એ પણ તારાથી છૂટવા જ માંગતી હોય?.. તો પંદર દિવસ આવી રીતે પહેલાની જેમ નોર્મલ લાઈફ જીવવાનો કોઈ અર્થ ખરો??..”

...આ સાંભળી અમિતે માયા સામે જોયું, પણ તે કશો જવાબ ના આપી શક્યો!! 

થોડીવાર પછી માયાએ જ થોડી હેરાનીથી કહ્યું, “કેવી મૂરખ સ્ત્રી છે એ?!.. પોતાનો પતિ બીજાને ચાહે છે એ જાણતી હોવા છતાંપણ..  એનું લગ્નજીવન બચાવવાનો આવો નકામો પ્રયાસ કરી રહી છે!!..”  આટલું બોલીને તે થોડું હસી, અને કારની બહાર પસાર થતી શહેરની ઝાકમઝોળને જોઈ રહી! 
......................................................................

(૭)
સ્થળ: અમિત-રશ્મિનું ઘર
સમય : (સવારનો ઓફીસ ટાઈમ)
(શરતનો પહેલો દિવસ)


“શેલ વી સ્ટાર્ટ..?” અમિતે પૂછ્યું.

રશ્મી વોર્ડરોબના ફૂલસાઈઝ મિરરમાં જોઈ તૈયાર થઇ રહી હતી! તેણે એ મિરરમાંથી જ અમિત સામે જોયું.. જાણે એક મહિના માટે કોઈ ડ્યુટી બજાવવાની હોય એમ એ ખભે ઓફિસબેગ રાખીને ઉભો હતો!!

“હું તો દરરોજ તૈયાર જ હોઉં છું, અમિત.. પણ હવે તારી પાસે ટાઈમ હોતો નથી!!” રશ્મી મિરરમાંથી જ જોતા બોલી! 

રશ્મીના આવા જવાબથી અમિત થોડો કચવાયો!.. અને મિરરમાં દેખાતી રશ્મિને જોઈ રહ્યો!.. રશ્મી સીધી ફરી, અને અમિતની આંખોમાં ‘પહેલાનો અમિત’ શોધી રહી!! 

...તે કશુંય બોલ્યા વિના નીચે નમ્યો અને બે હાથે રશ્મિને ઉચકી!! ...તેને ઉચક્તાની સાથે જ એ થોડો લડ્ખડાયો, પણ તરત જ બેલેન્સ જાળવી લીધું!!.. રશ્મિને પણ થોડું અન-કમ્ફર્ટેબલ ફીલ થયું! ...તે માંડ-માંડ પોતાના બંને હાથ અમિતના ગળે વીંટાળી શકી!!..

“એ..! એ..! એ..!” બેડ પર બેઠો-બેઠો ડ્રોઈંગ કરી રહેલો નયન, આ જોઈ તરત જ ખુશીથી ઉભા થઇ બુમો પાડતા કુદકા મારી તાળીઓ પાડવા લાગ્યો!!

અમિતે રશ્મિને ઉચકીને ચાલવાનું શરુ કર્યું..!!  ..રશ્મીએ ધીમેથી એનું માથું અમિતની છાતી પર ઢાળી દીધું.. અને પોતાની બંને આંખો બંધ કરી ધીમેથી કહ્યું, “એક વાત કહું અમિત?.. નયનને ક્યારેય આપણા ડિવોર્સની વાત ન કરતો.”

...આ સાંભળી અમિતે રશ્મી સામે જોયું, અને કોઈપણ જાતનો જવાબ આપ્યા વગર બેડરૂમથી ઘરના દરવાજા સુધીનું દસેક મીટરનું અંતર યંત્રવત પૂરું કર્યું!.. રશ્મિને દરવાજા પાસે નીચે ઉતારી, અને તરત જ ઘરનો દરવાજો ખોલી બહાર નીકળી ગયો!!.. 

રશ્મીને થોડી નવાઈ લાગી, પણ પછી કશું જ બોલ્યા વિના તે ઝડપથી બાલ્કનીમાં ગઈ! ...પણ અમિત ઉપર બાલ્કનીમાં જોયા વગર જ કારમાં બેઠો અને જતો રહ્યો!!
અમિતે શરતનું પાલન નહતું કર્યું, એટલે રશ્મી ભારે મનથી તેને જતા જોઈ રહી!!.. 
................................................................

(૮)
સ્થળ: અમીતની ઓફીસ
(માયા અમિતને રશ્મિની શરત વિશે પૂછે છે.)


“આજે બે દિવસ થયા અમિત.. તે કોઈ અપડેટ નથી આપ્યા.” માયાએ અમિતની ઓફીસના ટેબલ પર હાથ ટેકવતા કહ્યું.

અમિતનું ધ્યાન કોમ્પ્યુટરમાં હતું, તેણે કોઈ જ જવાબ ના આપ્યો! માયાએ ફરી પૂછ્યું, “આજે બે દિવસ થયા અમિત.. રશ્મી વિશે તે મને કશું જ નથી કહ્યું.” 

અમિતે કોમ્પ્યુટરમાંથી ધ્યાન હટાવ્યું અને માયા સામે જોઈ પૂછ્યું, “હંઅ.. વ્હોટ હેપન્ડ?”

...તરત જ માયાના ચહેરા પર એક સ્મિત આવી ગયું!  થોડીવાર સુધી તે અમિતને પ્રેમથી જોઈ રહી, અને પછી નકારમાં માથું હલાવતા બોલી, “કઈ નઈ.” …અને ત્યાંથી જવા પગ ઉપાડ્યા!! 

“વેઇટ માયા..” અમિત પોતાની ઓફિસચેર પરથી ઉભો થયો, અને માયાની પાસે આવી, ટેબલને ટેકો દઈ ઉભો રહ્યો, અને ધીમેથી પૂછ્યું, “ટેલ મી, ..વ્હોટ હેપન્ડ?” 

માયા ચુપચાપ અમિતને જોઈ રહી, પછી ચહેરા પર હળવું સ્મિત કરી નીચું જોતા અચકાઈને કહ્યું, “આઈ વોઝ ટેલીંગ યુ ધેટ.. અંઅ.. રશ્મી સાથેની તમારી શરતનું શું થયું?”

“ઓ.. હો..” અમિતને જોરથી હસવું આવી ગયું, “..તો તારે એ જાણવું છે કે હું અને રશ્મિ શું કરીએ છીએ એમ??..” 

“આજે બીજો દિવસ પણ થઇ ગયો, એન્ડ યુ ડીડન્ટ ટેલ મી એનીથિંગ.. સો આઈ..” રશ્મીએ થોડા નારાજ થઈને ઇનસિક્યોરીટી ફીલ કરતા કહ્યું.

“હંમ..” અમિતે હસવાનું બંધ કરી કહ્યું, “ઓકે.. તો હું એને શરત પ્રમાણે બેડરૂમમાંથી ઉચકીને ઘરના દરવાજા સુધી લાવું છું.. અને પછી એને ત્યાં ઉતારીને ઓફિસે આવું છું!!” 

“બસ??..” માયાએ કન્ફર્મ કરવા પૂછ્યું. 

“હા..” અમિતે મસ્તી કરતા કહ્યું, “..કેમ??.. હજુ કઈ વધારે હોવું જોઈતું હતું??..”

જવાબમાં માયાએ ‘નકાર’માં માથું હલાવી કહ્યું,  “ના..!!” 

..થોડીવાર પછી એ થોડી ગંભીર બની અને ચહેરા પર થોડી ચિંતા સાથે કહ્યું, “મેં મારા પેરેન્ટને કાલે આપણા વિશે વાત કરી.. એ નારાજ થઇ ગયા છે!” 

આ સાંભળી અમિત પણ સીરીયસ થઇ ગયો, અને પૂછ્યું. “કેમ??..”  

“મેં એમને તારા બેકગ્રાઉન્ડ વિશે વાત કરી...” માયા થોડું અટકી અને નિરાશ થઈ કહ્યું, “...કોના પેરેન્ટ એવું ઈચ્છે કે એમની છોકરી કોઈ બીજવરને પરણે??..” 

અમિત થોડીવાર સુધી કશું જ બોલ્યા વગર માયા સામે જોઈ રહ્યો!!.. છેવટે પૂછ્યું. “તારી શું ઈચ્છા છે?” 

માયાએ અમિતના ચહેરા સામે જોયું, તે ગંભીરતાથી પૂછી રહ્યો હતો!.. તેથી પોતે પણ થોડી મજાક કરવા વાતને વધુ ગંભીર બનાવતા કહ્યું, “હું એમને કહીશ, કે મારે અમિત સાથે લગ્ન કરવા છે, અને એની સાથે જ લગ્ન કરવા માંગું છું. જો તમે ખુશી-ખુશી ‘હા’ પાડતા હોવ તો સારું, નહીતર...” 

 “...નહીતર શું??” અમિતે ચિંતાતુર થઇ પૂછ્યું,

“નહિતર..” રશ્મી ફરી અટકી! .....અને ચહેરા પર સ્મિત કરી હળવાશથી કહ્યું, “અમિત, ડોન્ટ બી સો સીરીયસ!.. મારા પેરેન્ટ કોઈ ટીપીકલ ઇન્ડિયન પેરેન્ટ નથી.. કે મારે આ વાતમાં મરી જવાની ધમકી આપવી પડે!!.. હા.. થોડા નારાજ છે, પણ અંતે તો એ સામેનું પાત્ર કેવું છે એના પર જ વધુ ફોકસ કરશે! તું કોઈ સ્ટુપીડ, મારુ શારીરિક શોષણ કરીને અથવા તો પૈસા લઈને ભાગી જવાવાળો હોત... તો તો મેં જ તને પસંદ ના કર્યો હોત! મારા મમ્મી-પપ્પાને મારા પર એટલો ભરોસો તો હશે જ ને?.. કે મેં કોઈ લલ્લુ-પંજુ સાથે મારા લગ્ન કરવાની વાત નહિ કરી હોય?!!” તે અટકી અને અમિતનું રીએક્શન જોઈ રહી!.. 

એ ચુપચાપ બધું સાંભળી રહ્યો હતો! તેણે અમિતને ભરોસો આપવા તેનો હાથ પકડ્યો, અને કહ્યું, “ટ્રસ્ટ મી, માની જશે એ!!”

“હંમ..” અમિતે થોડીવાર પછી વિશ્વાસથી માથું હલાવ્યુ! ...માયા તેની સામે હળવું સ્મિત કરતા જોઈ રહી!! 
.................................................................

(૯)
સ્થળ: અમિત-રશ્મિનું ઘર
સમય : (સવારનો ઓફીસ ટાઈમ)
(શરતનો ત્રીજો દિવસ)


અમિત ઓફિસે જવા રેડી થઈને કિચન પાસે આવીને ઉભો રહ્યો! રશ્મી ઝડપથી કામ આટોપી રહી હતી! તે કશું બોલ્યા વગર ચુપચાપ રશ્મીને જોઈ રહ્યો!!.. ‘બસ.. હવે થોડા જ દિવસોમાં પોતે રશ્મીને છોડીને માયા સાથે રહેવા જતો રહેશે! માયા રશ્મી કરતા કેટલી સુંદર લાગે છે! ..પાછી ફોરવર્ડ પણ ખરી!.. એકબાજુ એ છે, અને એકબાજુ આ છે.. ધારત તો ક્યાંથી ક્યાં પહોચી શકે એમ હતી! ..મોસ્ટ સીનીઅરની પોસ્ટ તો હતી જ, પાછો પાંચ આંકડાનો પગાર પણ ખરો!! ..તો ય બધું છોડી દીધું! ...ફેમીલીને પણ! ..અને ખાલી હાઉસ વાઈફ બનીને રહી ગઈ!!..’ તે મનોમન હસવા લાગ્યો!!

“ઓહ.. જસ્ટ ટુ મિનીટ હં..” અમિતને ઉભેલો જોઈ રશ્મી બોલી ઉઠી.

રશ્મીના બોલવાથી અમિતનો વિચારભંગ થયો! ...પણ તે કશુયે બોલ્યા વગર ચુપચાપ ઉભો રહ્યો!! 

તે તરત જ વોશરૂમમાં ગઈ, અને થોડીવારમાં નેપકીનથી હાથ-મો લૂછતાં બહાર આવી. નેપકીનને હેન્ગરમાં લટકાવી ઉતાવળે બેડરૂમમાં જઈ વોર્ડરોબ ખોલી ઉભી રહી! ...અમિત આ દરમિયાન રશ્મીને જ જોઈ રહ્યો હતો! ...કદાચ કયા કપડા પહેરવા?.. એ નક્કી ના કરી શકતા તેણે વોર્ડરોબ બંધ કર્યો, અને મિરરમાં જોઈ તૈયાર થવા લાગી!!... 

“આર યુ રેડી?” અમિતે ઉતાવળ કરતાં પૂછ્યું. 

“હા..હા..” રશ્મીએ વાળ સરખા કર્યા, અને અમિત સામે ફરીને ઉભી રહી!! 

...તે આગળ વધ્યો, અને રોજની જેમ રશ્મિને ઉચકવા માટે નીચે નમ્યો!.. આજે તે એને વધારે કમ્ફર્ટેબલી ઉચકી શક્યો હતો!.. કદાચ એ છેલ્લા બે દિવસની પ્રેકટીસનું પરિણામ હતું! ..રશ્મીએ પણ પોતાના બંને હાથ અમિતના ગળે વીંટાળી દીધા!.. અને માથું તેની છાતી પર ઢાળી, આંખો બંધ કરી દીધી!! 

અમિતે ચાલવાનું શરુ કર્યું!.. અનાયાસે એની નજર રશ્મી પર પડી, અને એ થોડો હેરાન થઇ ગયો.. ‘ખબર નઈ કેમ?.. પણ આજે રશ્મી થોડી બદલાયેલી લાગતી હતી!!..’

“એક વાત કહું?..” રશ્મીએ આંખો બંધ રાખીને જ પૂછ્યું!

..તરત જ અમિતે રશ્મી પરથી પોતાની નજર હટાવી લીધી!.. “આજે મને દરવાજા પાસે ઉતારીને એક પ્રેમભર્યું હગ કરજે.. કારમાં બેસતા પહેલા એક મીઠું સ્માઈલ આપજે.. અને પછી તારી ઓફિસે જજે!.. છેલ્લા બે દિવસથી તું આ નથી કરી રહ્યો!” રશ્મીએ અણગમા સાથે કહ્યું.

ઘરના દરવાજા પાસે અમિતે રશ્મિને ધીમેથી નીચે ઉતારી! 

..હવે જે કરવાનું હતું, એ બાબત અમિતને થોડું ઓકવર્ડ ફીલ કરાવતી હતી.. પણ તેણે, વધુ કશું વિચાર્યા વિના રશ્મીને બાંહોથી પકડી, અને ધીમેથી પોતાની તરફ ખેંચીને એક કેજ્યુઅલી હગ કર્યું!.. ’એના શરીરમાંથી હજુ પણ એવી જ સુગંધ આવી રહી હતી, જેવી સુગંધથી એ પહેલા ઉત્તેજિત થઇ જતો હતો!!’.. એણે તરત જ રશ્મીને પોતાનાથી અળગી કરી, અને સડસડાટ ઘરની બહાર નીકળી ગયો!.. કાર પાસે પહોચી બાલ્કનીમાં જોયા વગર જ અંદર બેઠો અને કાર સ્ટાર્ટ કરી!! ...પણ એ અટકી ગયો!! ...ધીરેથી કારની વિન્ડોમાંથી જ એણે ઉપર જોયું!! ..રશ્મી બાલ્કનીમાં જ ઉભી હતી!! ..તેના ચહેરા પર વેદનાભર્યું સ્મિત હતું, અને આંખો આંસુથી ભીની થયેલી હતી!!.. તે રશ્મિના દુ:ખને કદાચ સમજી શકતો હતો, પણ વધુ નજર ના મિલાવતા, તેણે એક્સેલેટર આપ્યું.. અને કારને હંકારી મૂકી!!..
...........................................................

(૧૦)
સ્થળ: ઓફીસ કેન્ટીન
(અમિત અને માયા બંને સાથે બેઠા છે. અમિત થોડો પરેશાન લાગી રહ્યોંછે.)


“તું મારાથી કશું છુપાવી તો નથી રહ્યોને?..” અમિતનું ધ્યાન ક્યાંક બીજે હોવાનું ફીલ કરી રહેલી માયાએ સીધું જ અમિતને પૂછી લીધું!!

“હંઅ..??..” અમિતે માયા સામે જોયું, અને ચેરને એડજસ્ટ કરી બરાબર બેસતા કહ્યું, “ના..ના.. એવું કઈ નથી!!”

“..તો પછી કેમ આમ સાવ ઉખડયો-ઉખડયો લાગે છે??” માયાએ ફરી સવાલ પૂછ્યો.

“ના.. ના..” અમિતે ચહેરા પર હળવું સ્મિત કરતા ફરીથી કહ્યું, “..એવું કઈ નથી!!”

માયા અમિતના એબ-નોર્મલ બીહેવને થોડીવાર સુધી જોઈ રહી!.. આખરે ધીમેથી પૂછ્યું, “શું થયું?.. એની પ્રોબ્લેમ?..”

“અંઅ...” અમિતે માયા સામે જોયું!.. એક પળ માટે તેને ઈચ્છા થઇ આવી કે તે રશ્મી વિશે વાત કરે.. પણ તરત જ વાત ટાળતા કહ્યું, “..એ તો જસ્ટ એમ જ.. વર્કલોડ વધી ગયો છે ને, એટલે.. નથીંગ એલ્સ..!!”

“અમિત, મેં તને આના કરતા પણ વધારે ક્રીટીકલ સિચ્યુએશનમાં ઇઝીલી કામ કરતા જોયો છે! ..અને અત્યારે તો પાછુ કઈ ખાસ કામ છે પણ નઈ! ..તો પછી શું કામ આપણી ટ્રીટ બગાડે છે?”  

“શ્યોર... શ્યોર...” અમિતે હસતા હસતા કહ્યું, અને મેનુકાર્ડ માયાને આપતા કહ્યું, “..પ્લેસ ધ ઓર્ડર!!”

માયાએ મેનુકાર્ડ લીધું, અને ડીનર માટે મેનુ જોવા લાગી!!.. અમિત હસવાનું બંધ કરીને માયાને જોઈ રહ્યો!!.. 

‘રશ્મીનું વેદનાભર્યું સ્મિત અને ભીની થયેલી આંખો..’ ... એ ભૂલી નહતો શકતો!!..
...................................................................

(૧૧)
સ્થળ: અમિત-રશ્મિનું ઘર
સમય : (સવારનો ઓફીસ ટાઈમ)
(શરતનો આઠમો દિવસ)


“પપ્પા, આજે તમારે મમ્મીને ઉચકવાનું નથી?” નાનકડા નયને અમિત પાસે આવીને પૂછ્યું. 

અમિત સોફા પર બેસીને શૂઝ પહેરી રહ્યો હતો. નયનના સવાલથી તે હળવું હસ્યો, અને વ્હાલથી કહ્યું, “જા.. તારી મમ્મીને કહે, પપ્પા તમને ઉચકવા આવે છે.”

નયન તરત જ ખુશીથી દોડતો બેડરૂમમાં જતો રહ્યો!.. અમિત પણ શૂઝ પહેરીને નયનની પાછળપાછળ બેડરૂમમાં ગયો! ..જોયું તો, રશ્મી વોર્ડરોબ ખોલીને ઉભી હતી!!

“હું કઈક મદદ કરુ?..” અમિતે પૂછ્યું.

રશ્મીએ અમિત સામે આશ્ચર્યથી જોયું, આજે સામેથી તેણે કોઈ સવાલ પૂછ્યો હતો! ..“હા, જો ને.. કયો ડ્રેસ પહેરું?.. એ ખબર જ નથી પડતી!” રશ્મી બોલી.

અમિતે નજીક આવી વોર્ડરોબ તરફ જોયું. એ આખું ડ્રેસથી જ ભરેલું હતું!.. તેને થોડી નવાઈ લાગી! તેણે કહ્યું, “આટલા બધા ડ્રેસ તો છે!?” 

“..પણ આમાંથી એક પણ ડ્રેસ હવે મને નથી થતા.” રશ્મીએ થોડા નિરાશ થતા કહ્યું.

“કેમ?” 

......રશ્મી કોઈ જ જવાબ ના આપ્યો, અને મોઢું ફેરવી વોર્ડરોબમાં જોવા લાગી!.. અમિતને નવાઈ લાગી!!.. 

ધીમેથી તેની નજર રશ્મિની બોડી પર પડી... ‘તે કેટલી બધી સુકાઈ ગઈ હતી! કેટલા બધા દિવસથી પોતે રશ્મી સામે જોયું પણ ન હતું?!’.. અમિતને થડકો લાગ્યો!! ..તે કશું બોલ્યા વિના રશ્મીના ઢીલા પડી ગયેલા કપડાં સામે જોઈ રહ્યો!!.. તેને પોતાની જાત પર થોડો ધિક્કાર થયો!! 

‘વોર્ડરોબ આખું ભરેલું હોવા છતાં તે રશ્મી માટે સાવ નકામું જ હતું!’ ..તે ત્યાંથી ડ્રોઈંગરૂમમાં આવી ઉભો રહ્યો!!.. ‘પહેલા પોતે કેવો દર મહિનના અંતે રશ્મી માટે એક ડ્રેસ લઇ આવતો?!!.. અને હવે?.. કદાચ છેલ્લા એક વર્ષથી તેણે રશ્મિને કશું જ નહોતું લઇ આપ્યું! ..અને પાછું રશ્મીએ પણ આ બાબતે તેને કશું જ નહોતું કહ્યું! કોઈ બીજું હોત તો અત્યારસુધીમાં તો કેટલીય વાર પોતાની સાથે ઝઘડી ચૂકયું હોત!’..આવો વિચાર આવતા તે સોફા પર બેસી ગયો!

“આ પહેરું તો તને ગમશે ને?..” રશ્મીએ એક વ્હાઈટ ડ્રેસ અમિતને બતાવતા પૂછ્યું.

અમિતે ઉપર જોયું, અને ‘હકાર’માં માથું હલાવી કહ્યું, “હંઅ..” ...અને પાછો વિચારે ચડ્યો, ‘એકવાર પણ એને આ બાબતે ફરિયાદ નથી કરી! જે હતું, એનાથી ચલાવ્યું! ન કશું માંગ્યું, કે ન કશું માંગવાની ઈચ્છા કરી! આખું ઘર સાચવવામાં એણે પોતાના શરીરને બરબાદ કરી નાંખ્યું! પોતે તો એક નેપકીન પણ ઠેકાણે મૂકી શકતો નથી... ઇવન પોતાની ઓફિસબેગ પણ રોજ જ્યાંને ત્યાં સોફા પર મૂકી દે છે! જો રશ્મી ના હોત, તો આ ઘરની શું હાલત હોત?.. પોતે ક્યારેય વિચાર્યું છે?.. શું માયા આ બધું કરશે ખરા?.. પોતે તો હમણાં હમણાંથી રોજ મોડો ઘેર આવે છે, તોયે રશ્મી જમવામાં પોતાની રાહ જોતી બેસી રહે છે! ..પોતે ક્યારેય વિચાર્યું ખરા કે ભૂખને કારણે રશ્મિની શું હાલત થતી હશે?.. શું માયા આવી રીતે જમવામાં પોતાની રાહ જોશે ખરા?..’ 

“હું તૈયાર છું, અમિત!” ...રશ્મિની બુમ સંભળાઈ!!

રશ્મીના અવાજથી તે ઉભો થયો, અને બેડરૂમના દરવાજા પાસે આવી ઉભો રહ્યો! નયન બેડ પર બેઠો-બેઠો મલકી રહ્યો હતો! ..અને રશ્મી..? ‘વ્હાઈટ ડ્રેસ પણ એને ઢીલો જ પડી રહ્યો છે!’ તેને ખુબ જ અફસોસ થયો! તે થોડો કચવાયો.. અને ભારે પગલે રશ્મી પાસે આવી ઉભો રહ્યો!! રશ્મી નયનની સામે જોઇને હસી રહી હતી!!.. 

‘કેટલું આસાનીથી એ નયનને ખબર પણ નહોતી પડવા દેતી કે થોડા દિવસમાં તે એમની વચ્ચે રહેવાનો નથી, અને અહીંથી જતો રહેવાનો છે!’ ..અમિતના મનમાં વિચારોનું ઘમાસાણ મચ્યુ હતું! 

..તે નીચે નમ્યો, અને રશ્મિને ઉચકી લીધી. ‘રશ્મી વજનમાં કેટલી બધી હલકી થઇ ગઈ છે! પોતે કેટલુ આસાનીથી હવે એને ઉચકી શકતો હતો?!’ ..તે રશ્મિની સામે ભાવથી જોઈ રહ્યો! ..રશ્મીએ ધીમેથી તેના હાથ અમિતના ગળે વીંટાળ્યાં અને રોજની જેમ માથું છાતી પર ઢાળી, આંખો બંધ કરી દીધી!.. ‘રશ્મી કેટલી સેલ્ફલેસ છે! કોઈ પણ જાતની અપેક્ષા વગર મને અને આ ઘરને સાચવી રહી છે! ભયંકર વેદનામાંથી પસાર થઇ રહી હોવા છતાં હસતે મોઢે બધું સહન કરી રહી છે!’ રશ્મીના શરીરમાંથી આવતી સુગંધને એ અનુભવી રહ્યો!! ...આજે તેને ફરીથી રશ્મિ સાથે સહવાસ કરવાની ઈચ્છા થઇ આવી!! ‘રશ્મી કેટલી સુંદર લાગી રહી હતી!’...

...ઘરનો દરવાજો નજીક આવતા તેણે રશ્મિને નીચે ઉતારી! નયન પણ હસતો-હસતો એમની બાજુમાં આવીને ઉભો રહ્યો! રશ્મીએ આંખો ખોલી અને અમિત સામે જોયું.. અમિતના મનમાં ચાલી રહેલા વિચારોને તે કદાચ વાંચી શકતી હતી!!.. 

‘શું રશ્મી સાથેની પોતાની ફીલિંગ્સ પાછી ફરી રહી છે?.. શું પોતે એની સાથે ઇન્ટીમેટ થઇ રહ્યો છે?’ ..તેણે હળવેથી રશ્મીનો ચહેરો પકડ્યો!! ..તેના ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી! ..હોઠ ફીકા અને કાળા પડી ગયા હતા! ..માથાના વાળ પણ રુક્ષ થઇ ગયા હતા!.. અને આંખો નિસ્તેજ બનીને ઊંડી ઉતરી ગઈ હતી!.. પોતાને અને પરિવારને સાચવવા માટે એણે એની જિંદગીના દસ વર્ષ હોમી દીધા હતા, અને એ પણ કોઈ જાતના સ્વાર્થ વગર!!.. કશું બોલ્યા વગર પણ એ કેટલું બધું બોલી રહી હતી!.. જાણે કે પૂછી રહી હોય કે એનો વાંક શું?!’ ...તેણે ધીમેથી રશ્મિને પોતાની તરફ ખેંચી અને પ્રેમથી પોતાના બાહુપાશમાં સમાવી લીધી! ..રશ્મીએ પણ આ પળને પોતાની અંદર સમાવી લેવા આંખો બંધ કરી દીધી!!.. આજે સમય પણ ધીમો પડી ગયો હતો!! બંને એકબીજાને પ્રેમથી વળગી રહ્યા હતા!.. સમજી રહ્યા હતા!.. એકબીજાની નજીક આવી રહ્યા હતા!..

“મને પણ.. મને પણ..” નયને કુદકા મારીને બંનેને જોરથી હલાવ્યા! 

અમિતે તરત જ નયન સામે જોયું, તે પોતાને ઉચકી લેવા જીદ કરી રહ્યો હતો! રશ્મીએ ધીમેથી પોતાના હોઠ ફફડાવ્યા, અને અમિતને કહ્યું, “પ્લીઝ અમિત!” ..તેણે ફરી નયન સામે જોયું, એક વ્હાલભર્યું સ્મિત કર્યું, અને ઉચકી લીધો!

......ત્રણેય એકબીજાને થોડીવાર સુધી વળગી રહ્યા!

.....અચાનક જ અમિતે રશ્મીને પોતાનાથી દુર હડસેલી દીધી, અને નયનને નીચે ઉતારી દીધો! આંશિક નફરતથી તે રશ્મીની સામે જોઈ રહ્યો!.. ‘આ હું શું કરી રહ્યો છું?!!’ તેનું દિમાગ ચીલ્લાયું, અને તે ઓફિસબેગ ખભે નાંખી અને ઘરની બહાર નીકળી ગયો! કાર પાસે પહોચ્યો ત્યાં જ.....

“બાય બાય પપ્પા..” ...ઉપર બાલ્કનીમાંથી નયનનો અવાજ આવ્યો!!.. 

...તેના હદયમાં કંપારી ઉઠી, અને ધીમેથી ઉપર જોયું!! 

નાનકડો નયન હાથ હલાવી પોતાને ‘બાય બાય’ કરી રહ્યો હતો!!.. તેણે પણ પોતાનો હાથ હલાવી ‘બાય બાય’ કર્યું, અને હળવું સ્મિત કર્યું!.. બાજુમાં રશ્મી પણ ઉભી ઉભી તેને જોઈ રહી હતી!! ...એના પર નજર પડતા જ તે તરત નીચું જોઈ ગયો, અને કારનો દરવાજો ખોલી અંદર બેઠો અને કાર સ્ટાર્ટ કરી!.. ગીયર પાડી એક્સેલેટર આપ્યું, અને કારને હંકારી મૂકી!.. ‘આ બધું મારી સાથે શું થઇ રહ્યું છે?’ તે પોતાની જાત પર મનોમન ગુસ્સો કરવા લાગ્યો!! ..‘હું શું કરું? કોની પાસે જઉં? એકબાજુ માયા છે, જેને હું ઝંખુ છું..અને બીજી બાજુ રશ્મી છે, જે મને ઝંખે છે.. અતુટ પ્રેમ કરે છે!.. એક બાજુ મારા બીઝનેસને ટોચ પર પહોચાડનારી માયા છે, તો બીજી બાજુ કોઈપણ જાતની અપેક્ષા વગર જિંદગીના દસ વર્ષ હોમી દેનાર રશ્મી છે! મારે શું કરવું જોઈએ?’ ........તેણે કારની ઝડપ વધારી મૂકી!!
................................................................

(૧૨)
સ્થળ: અમિત-રશ્મિનું ઘર
સમય : સાંજનો.. 
(શરતનો ચૌદમો દિવસ)
(અમિતની જાણ બહાર રશ્મિએ અમિત સાથેનાં લગ્નજીવનના ૧૦ વર્ષ પસાર થતાં હોઇ ઘરે અંગત મિત્રોની હાજરીમાં એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું છે. ચાલુ પાર્ટીએ માયાનો ફોન આવે છે.)


“ઓ અમિત, અમિત... ટુડે આયમ વેરી હેપી, વેરી વેરી હેપી નાઉ!...” માયાએ ખુશ થતા ચિલ્લાઈને કહ્યું, “ડુ યુ નો, આજે શું થયું?.. મમ્મી-પપ્પાએ આજે મને અચાનક સામેથી ફોન કર્યો, અને કહી દીધું કે, ‘અમિત યોગ્ય છોકરો હોય, તો અમને કોઈ વાંધો નથી!!” ...મતલબ કે એ મારા લગ્ન તારી સાથે કરાવવા તૈયાર છે!..” માયાએ રીતસરની ચીસ પાડતા કહ્યું, “..એન્ડ ડુ યુ નો? તારી સાથે લગ્ન કરવા માટે મેં એમને રીતસરના બ્લેકમેલ જ કર્યા હતા!.. છેલ્લા ત્રણ દિવસથી એમની સાથે બોલવાનું પણ બંધ કરી દીધું હતું! મને ખબર જ હતી કે એ એમની એકની એક લાડકી દીકરી સાથે વધારે સમય વાત કર્યા વગર નહિ રહી શકે! ...છેવટે સામેથી એમને કોલ કરવો જ પડ્યો!! ...એટલે હવે સમજો કે ટૂંક સમયમાં આપણા લગ્ન પાકા!!” એણે ફરી રાજી થઇ ચીસ પાડી, અને પોતાની વાત આગળ વધારી, “લીસન, એ લોકો કાલે અહી આવવાના છે! એ તને એકવાર મળવા માંગે છે! બસ.. બધું બરાબર સેટ થઇ જાય, પછી તો આપણે હંમેશને માટે સાથે રહેવા ક્યાંક દુર જતા રહીશું! ..જ્યાં તારા અને મારા સિવાય બીજું કોઈ જ નહિ હોય! કેટલી મઝા આવશે નઈ?..” માયા ખુશીથી ગોળ-ગોળ ફરવા લાગી!.. “આપણે છે ને?.. આ દિવસને બહુ જ ગ્રેટલી મનાવીશું. આખો દિવસ સાથે રહીશું, મુવી જોઈશું અને મસ્ત મઝાની હોટલમાં જમવા જઈશું.. ઓકે?”

સામેથી કોઈ જ જવાબ ના આવતા માયા ઉભી રહી, અને મોબાઈલ સામે જોઈ ફરી બોલી, “હલો.. અમિત.. ડુ યુ હિયર મી?.. કાલે આપણે આખો દિવસ સાથે રહીશું, મુવી જોવા જઈશું અને મસ્ત મઝાની હોટલમાં જમીશું.. ઓકે?..”

“ઓકે માયા..” અમિતે હકારમાં માથું હલાવ્યું, અને ફોન ખિસ્સામાં મુક્યો. તેના ચહેરા પર માયાની વાતની કોઈ જ ખુશી ન હતી!!.. 

....તે નીચે ઝૂક્યો અને ફૂંક મારી પોતાની અગિયારમી મેરેજ અનીવર્સરીની મીણબત્તી બુઝાવી!! એ સાથે જ આજુબાજુમાં ઉભેલા બધા લોકોએ તાળીઓના ગડગડાટથી એને અને રશ્મિને વધાવી લીધા! એમના એક પાકા ફેમીલી ફ્રેન્ડે તો જોરથી સીટી પણ મારી! અમિતે કેક કાપી, અને તેનું પહેલુ બાઈટ રશ્મિને ખવડાવ્યું! બીજું બાઈટ એમની વચ્ચે ઉભેલા નયનને ખવડાવ્યુ..  અને બાકીનો ભાગ નીચે મૂકી દીધો!! ખિસ્સામાંથી રૂમાલ કાઢી હાથ સાફ કરી બધાની સામે જોયું, અને માંડ-માંડ હસ્યો!!..

રશ્મીએ એ કેકના ટુકડા સામે જોયું, અને થોડી નિરાશ થઇ! ..ત્યારબાદ તેણે અમિત સામે જોયું, તે પરાણે સ્માઈલ કરી રહ્યો હતો!.. લોકોને વધારે કોઈ શંકા જાય એ પહેલા રશ્મીએ પરિસ્થિતિ સંભાળતા કહ્યું, “ગાય’ઝ.. ગાય’ઝ.. થેંક યુ. થેંક યુ વેરી મચ.. આજે અમારા લગ્નજીવનના સફળ દસ વર્ષ પુરા થાય છે. મને ગર્વ છે કે અમિત મારો પતિ છે, અને નયન મારો પુત્ર!! દસ વર્ષના અંતે જો મને કોઈ પૂછે કે તને શું મળ્યું?.. તો હું ગર્વથી કહીશ, કે અમિત જેવો હસબન્ડ કમ ફ્રેન્ડ અને ધીસ લીટલ સ્માર્ટ બોય, નયન!! એ લોકો મારી કીમતી એસેટ્સ છે!!.. જે કોઈ મારાથી છીનવી શકે એમ નથી!!..” રશ્મી થોડું અટકી, અને અમિત સામે જોઈ ભાર દઈ પાછું બોલી, “..કોઈ જ નહિ!!” તેણે ફરી બધા સામે જોયું, અને પોતાની વાત આગળ ધપાવી, “પરિવાર શું હોય છે?.. એ હું હવે સારી રીતે જાણું છું. જે પ્રેમ મને મારા કુટુંબે આપ્યો છે, મારા પતિએ આપ્યો છે, અને મારા નયને આપ્યો છે, એ હું ક્યારેય ભૂલી શકું એમ નથી! હા... હું તમારા બધાની સામે મારા આ અતૂટ પ્રેમનો સ્વીકાર કરું છું!! હું ચાહું છું મારા પરિવારને, મારા ઘરને, મારા પતિને અને મારા પુત્રને.. કદાચ મારા જીવથી પણ વધારે!.. અને એમાં મને કોઈ જ શંકા નથી!!”  .....અમિત અપલક નજરે રશ્મિને ગુસ્સાથી જોઈ રહ્યો હતો! “..તમે બધા અમારા આ સુખમાં.. આ ખુશીમાં ભાગીદાર થવા આવ્યા છો, એ માટે તમારો ખુબ-ખુબ આભાર! થેંકયુ, થેંક્યું વેરી મચ!!.. અને હા.. મન ભરીને પાર્ટી એન્જોય કરજો, અને ધરાઈને જમજો.. શું ખબર?..” રશ્મીએ અમિત સામે જોયુ, અને કહ્યું, “..કદાચ અમે કાલે સાથે સાથે હોઈએ, ના હોઈએ!!” 

બધા એ ફરી તાલીઓના ગડગડાટથી રશ્મિની સ્પીચને વધાવી લીધી! અમિત અને રશ્મી બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા..!! થોડીવાર પછી તેમણે હસતા મોઢે બધાનું અભિવાદન કર્યું!!.. ઘરના મેઈનહોલમાં ધીમેં ધીમે વાગતું રોમેન્ટિક મ્યુઝીક થોડુ લાઉડ થયુ, લોકો વિખરાયા અને પાર્ટી શરુ થઇ!!

........નયન બધાની વચ્ચે ઉભો રહી, પોતાની વાત કરી રહ્યો હતો.. “ડુ યુ નો?.. મારા પપ્પા રોજ મારી મમ્મીને ઉચકીને લઇ જાય છે, અને પછી એ બંને કિસ કરે છે!”

“કિસ કરે છે?”

“હા.. એ મને પણ ઉચકે છે, અને કિસ કરે છે!”
આજુબાજુમાં ઉભેલા બધા લોકો આ સાંભળી હસવા લાગ્યા! રશ્મીએ પણ હળવું હસતા ‘નકાર’માં માથું હલાવી થોડી શરમથી કહ્યું, “એ એને કિસ કરે છે, મને નહિ!” 

........ઘરમાં ખુશીનો માહોલ છવાયો હતો અને અમિત ઘરની બાલ્કનીમાં એકલો ઉભો સીટીલાઈટ્સ જોઈ રહ્યો હતો!! રશ્મી તેની પાછળ આવીને ઉભી રહી! છતાંય અમિતે ધ્યાન ના આપતા તે તેની બાજુમાં આવીને ઉભી રહી!!..

અમિતે તેની સામે જોયું, અને ગુસ્સામાં બોલ્યો, “આવું બધું કરવાની શું જરૂર હતી, એ પણ મારી ગેરહાજરીમાં?.. આપણું લગ્નજીવન બચાવવાનો તું શું કામ નકામો પ્રયાસ કરી રહી છે? હું તારી સાથે રહેવા નથી માંગતો.. તું આ વાતને જેટલું જલ્દી સ્વીકારી લે, એ જ આપણા બંને માટે સારું રહેશે!!!” 

...રશ્મી કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર અમિતને ગુસ્સામાં બોલતા સાંભળી રહી! થોડીવાર સુધી તે એની સામે જોઈ રહી! ..પછી નજર હટાવી નીચું જોવા લાગી!  

મેઈનહોલમાંથી મ્યુઝીકનો અવાજ ધીમેધીમે બહાર આવી રહ્યો હતો! ...અને રશ્મીએ પોતાની વાત શાંતિથી શરુ કરી, “હું તો માત્ર મારી શરતનું જ પાલન કરી રહી છું! બાકી રહેલો એક દિવસ પણ હું તારી સાથે એ જ રીતે... ખુશી–ખુશી જીવી લેવા માંગું છું, જે હું આપણા લગ્નની શરૂઆતે જીવતી હતી!”

“શું શરત?..” અમિત કંટાળીને ગુસ્સામાં બરાડ્યો, “..આ બધી ફિલ્મી વાતો કરવાનું બંધ કર! તું જાણે છે મને આ નથી ગમતું, તો પણ તું..” અમિત અટકી ગયો, અને આગળ શું બોલવું?..તે એ ના વિચારી શક્યો! 

..થોડીવાર સુધી શાંતિ પથરાઈ રહી! ..અને પછી અમિતે પોતાની વાત પાછી આગળ વધારી, “દસ વર્ષ પહેલાની વાત અલગ હતી, અને અત્યારે વાત અલગ છે! હું માનું છું કે મેં તારી જિંદગીના દસ વર્ષ બગાડ્યા છે, પણ એનો મતલબ એ નથી કે હું હવે મારી બાકીની જિંદગી પણ તારી સાથે રહેવામાં ખર્ચી નાંખું!! ..જયારે હવે તો હું તને પ્રેમ પણ નથી કરતો!!”

“દસ વર્ષ?.. તારા માટે મારા પ્રેમની કિંમત માત્ર આ દસ વર્ષ જ છે અમિત?!....” રશ્મીથી ઊંડો નિ:સાસો નંખાઈ ગયો!! ..તેનું દિલ તૂટી ગયું, અમિતની આવી વાત સાંભળીને!! તે હતાશ થઇ ગઈ, અને ફરી નીચું જોઈ ગઈ!! ..થોડીવારમાં રશ્મિની આંખો આંસુથી ભરાઈ, અને તેના ટીપાં ગાલને ભીંજવી રહ્યા!... 

“ઠીક છે અમિત...” થોડીવાર પછી તેણે હાથેથી આંસુ લૂછ્યા અને સ્વસ્થ થતા કહ્યું, “..હું જતી રહીશ! મારા જવાથી જ જો તને ખુશી મળતી હોય, તો હું તારી જિંદગીમાંથી જ જતી રહીશ.. અને એ પણ હંમેશને માટે! ..પછી ક્યારેય પાછી નહિ આવું!” રશ્મીનો અવાજ ધીમો પડી ગયો! 

અમિતના મનમાં ઘમાસાણ મચ્યું!! તે અનિર્ણાયક બનીને ઉભો રહ્યો! તેને પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો!..

“લે, તમે બંને અહિયાં ઉભા છો?.. અરે ચાલો અંદર. બધા ફરમાઈશ કરી રહ્યા છે કે તમે બંને એક નાનકડો યાદગાર ડાન્સ કરો.” પેલાં પાક્કા મિત્રે બહાર બાલ્કનીમાં આવી કહ્યું. 

રશ્મીએ તરત જ હસતા ચહેરે કહ્યું, “બસ, બે મિનીટ, હમણાં જ આવીએ છીએ!”

..અને પેલો મિત્ર પાછો જતો રહ્યો. બાલ્કનીમાં ફરી શાંતિ છવાઈ ગઈ! થોડીવાર સુધી બંનેમાંથી કોઈ કશું જ ના બોલ્યું!..  

“શેલ વી ડાન્સ અમિત, ફોર ધી લાસ્ટ ટાઈમ.. પ્લીઝ!!” રશ્મીના અવાજમાં વેદના હતી!! 

..........પિયાનો એક રોમેન્ટિક મ્યુઝીક રેલાવી રહ્યું હતું, અને.. અમિત અને રશ્મી, બંને એકબીજાની આંખોમાં જોઈ ધીમે ધીમે ડાન્સ કરી રહ્યા હતા!..  અમિતની આંખોમાં પોતાના પરના ગુસ્સા સાથેની દિલગીરી હતી, તો રશ્મિની આંખોમાં અમિતના છેલ્લી વખતના સહવાસનું દુઃખ હતું!!..
......................................................................

(૧૩)
સ્થળ: માયાનું ઘર
(શરતનો પંદરમો દિવસ)
(માયાના મમ્મી-પપ્પા આવ્યા હોઇ અમિત માયાના ઘરે છે. બધાં ડાઇનિંગ ટેબલ પર જમવા માટે બેઠાં છે. માયાના મમ્મી-પપ્પા અમિતને મળીને ખુશ છે. પણ અમિત અસમંજસમાં છે.)


અમિત એકીટશે માયાના ચહેરાને જોઈ રહ્યો!.. માયાના સુંદર ચહેરામાં તેને રશ્મીનો કરચલીવાળો નિ:સ્તેજ ચહેરો દેખાતો હતો!.. માયાની આંખોમાં તેને રશ્મિની ઊંડી ઉતરી ગયેલી આંખો દેખાતી હતી!.. માયાના સિલ્કી વાળમાં તેને રશ્મીના રુક્ષ થઇ ગયેલા વાળ અનુભવાતા હતા!... અને માયાના સુંદર હોઠમાં એને રશ્મીના ફીકા પડી ગયેલા કાળા હોઠ દેખાતા હતા!.. માયાના પરફ્યુમની માદક સુગંધમાં તેને રશ્મિની સુગંધ આવતી હતી!.. આજે એ માયામાં ‘માયા’ને નહિ, પણ ‘રશ્મિ’ને શોધી રહ્યો હતો!.. તેના ચહેરા પર પહેલીવાર માયા માટે અણગમો હતો!!

“શું થયું છે અમિત? કેમ મારી સામે તું આવી રીતે જોઈ રહ્યો છે?” માયાએ થોડા હેરાન થતા પૂછ્યું.

"હા, જોને.. કશું જમી પણ નથી રહ્યો." માયાની મમ્મી બોલી.

આખરે અમિતે હિંમત કરી કહ્યું, “સોરી માયા.. હું એને નહિ ભૂલી શકું!!”

માયાએ અમિતની સામે જોયું, અને બધું જ સમજી ગઈ!! તેણે અમિતના કપાળે હાથ મુક્યો, અને પૂછ્યું, “તારી તબિયત તો બરાબર છે ને, અમિત??” 

“હા માયા, હું એને ડિવોર્સ નહિ આપી શકું!!”

........માયા સ્તબ્ધ થઇ ગઈ! તે ચુપચાપ અમિતની આંખોમાં જોઈ રહી, અને હેરાનીભર્યું હસતા બોલી, “તું આ શું બોલી રહ્યો છે અમિત?”

“હું એને ડિવોર્સ નહિ આપી શકું, માયા!” અમિતની આંખોમાં રશ્મી સાથે ખોટું કર્યાનો ભાવ હતો, “અમારી વચ્ચે થયેલી નાનીનાની મિસ-અન્ડરસ્ટેન્ડિંગ મેં ક્યારેય ક્લીયર કરવી જરૂરી જ ના સમજી!! ..પરિણામે હું રશ્મીથી એટલો બધો દુર નીકળી ગયો કે, એ હવે મને યુઝલેસ લાગવા માંડી! અમારી વચ્ચે પડેલું અંતર માત્રને માત્ર મારી બેદરકારીનું જ પરિણામ છે! બિઝનેસ વિકસાવવાની લ્હાયમાં હું એની સામે જોવાનું પણ ભૂલી ગયો, તો એટેચમેન્ટની તો વાત જ કયાં રહી??.. આ દરમિયાન તું મારી જીંદગીમાં આવી, અને હું તારી તરફ આકર્ષાયો, અને એની જરૂરિયાતો પ્રત્યે ક્યારેય ધ્યાન જ ના આપ્યું!!.. અને  અમારી વચ્ચે એક એવી ખાઈ રચાઈ ગઈ કે એને પાર કરીને મારા દીકરા સુધી પહોચવાનું પણ મારા માટે અશક્ય બની ગયુ!!.. દરેક પતિ-પત્નીની વચ્ચે આવી કેટલીક નાની-નાની બાબતો જ તો હોય છે, જે એમને ભેગા રાખે છે, એમને પ્રેમ કરતા શીખવાડે છે!! હું એજ નાનીનાની બાબતો હવે તારામાં શોધવા લાગ્યો હતો!! આ વાત મને સારી રીતે સમજાય છે કે એણે મને અને મારા કુટુંબને સાચવવા માટે નિ:સ્વાર્થભાવે પોતાની યુવાની હોમી દીધી, કેરિયર દાવ પર લગાવી દીધી અને પોતાની જિંદગીના દસ વર્ષ બગાડી નાખ્યા!!” ..તે અટક્યો, અને થોડીવાર પછી ઊંડો નિ:સાસો નાંખી બોલ્યો, “મેં એની જિંદગીના દસ વર્ષ બગાડી નાખ્યા છે, માયા!.. હું કેટલો સ્વાર્થી બની ગયો છું?.. કે તને પામવા માટે મેં એનો એક પળ માટે પણ વિચાર ના કર્યો, અને એને ડિવોર્સ આપવા માટે તૈયાર થઇ ગયો?!!..”

...થોડીવાર સુધી શાંતિ છવાઈ રહી! 

..માયાની આંખોના ખૂણા આંસુથી ભરાઈ ગયા!! તેના ગળે ડૂમો બાઝી ગયો!! ..તે ધીમેથી બોલી, “આઈ લવ યુ, અમિત.. હાઉ કેન યુ લીવ મી લાઈક ધીસ??..  હું પણ તને એવી રીતે જ સાચવીશ.. બધુ જ છોડી દઈશ!!” 

“..બટ શી લવ્ઝ મી માયા.. એ મને ચાહે છે..!!” અમિત માયાની વાત અધવચ્ચેથી કાપતા ભાર દઈને મક્કમતાથી બોલ્યો. 

...માયા ચુપ થઇ ગઈ! ..તેણે અમિત સામેથી નજર હટાવી, અને આજુબાજુ જોવા લાગી!! ..અને થોડીવાર પછી ભારે હૃદયે પૂછ્યું. “તો..? હવે હું શું કરું?.. શું જવાબ આપું મારા મમ્મી-પપ્પાને?..” 

અમિત માયાની સામે કશું જ બોલ્યા વગર જોઈ રહ્યો! 

..માયા સમજી ગઈ કે તેની પાસે પોતાના સવાલનો કોઈ જ જવાબ નહતો! 

“ઓકે અમિત, લેટ્સ ગો!!” માયાએ રુક્ષ અવાજે અમિતનો હાથ ખેંચી ઉભા થતા કહ્યું. 

અમિત ઉભો થયો. માયા તેને ઘરની બહાર કાર પાસે ખેંચી ગઈ! એનાં મમ્મી-પપ્પા પણ ડઘાઈને બધું જોઈ રહ્યા! 

“અંદર બેસ.” માયાએ અમિતને કારમાં બેસવાનું કહી પોતે ડ્રાઈવિંગ સીટ પર જઈને બેઠી!.. 

“ગીવ મી અ કી..” તેણે હાથ આગળ ધરી કારની ચાવી અમિત પાસેથી માંગી! ..અમિતે કશું બોલ્યા વગર કારની ચાવી તેના હાથમાં મૂકી અને તરત જ માયાએ કાર સ્ટાર્ટ કરી, જોરથી એક્સેલેટર દબાવી કારને હંકારી મૂકી! 
.............................................................

(૧૪)
સ્થળ: માયા રોડ પર ઝડપથી કાર ડ્રાઇવ કરી રહી છે.
............................................................

(૧૫)
સ્થળ: ઓફીસ કેન્ટીન


માયાએ કાર ઉભી રાખી, અને અમિતને કહ્યું, “ચલ.. હજુ એક કામ અધૂરું છે!!” 

તે કારની બહાર નીકળી અને અમિત જે બાજુ બેઠો હતો એ બાજુ આવીને કારનો દરવાજો ખોલ્યો, અને કહ્યું, “બહાર નીકળ અમિત..”

અમિત માયાની સામે જ જોઈ રહ્યો હતો!.. તે બદલાયેલી અને ગુસ્સામાં લાગતી હતી!.. અમિત બહાર નીકળ્યો. માયાએ જોરથી કારનો દરવાજો બંધ કર્યો, અને અમિતનો હાથ ખેંચીને ઓફીસ કેન્ટીન તરફ લઇ ગઈ! 
કેન્ટીનમાં આજે ખાસી એવી ભીડ હતી!! તેણે અમિતને કેન્ટીનની વચ્ચોવચ લાવી ઉભો રાખ્યો!! ...બે પળ માટે તેની સામે જોયું! અને...... 

...........’સટ્ટાક!!’

માયાએ અમિતના ગાલ પર જોરથી એક થપ્પડ ઝીંકી દીધી!.. થપ્પડના અવાજથી કેન્ટીનમાં પણ સોંપો પડી ગયો!.. બધા અવાજની દિશામાં અમિત અને માયાની સામે જોઈ રહ્યા!.. અમિત કશું જ બોલ્યા વગર પોતાના ગાલ પર હાથ રાખી હેરાનીથી માયાને જોઈ રહ્યો..!! તેની આંખો ભીની હતી, પણ ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો!.. થોડીવાર પછી માયાએ અમિતના હાથમાં કારની ચાવી મૂકી, અને સડસડાટ કેન્ટીનની બહાર નીકળી ગઈ!!.. અમિત ત્યાં જ ઉભો રહી ગયો!!.. તે સમજી ગયો કે માયા કેન્ટીનમાંથી જ નહિ, પણ પોતાની જિંદગીમાંથી પણ હંમેશને માટે જઈ રહી હતી!.. 

...કેન્ટીનમાં બધા અમિતની સામે આશ્ચર્યથી ડઘાઈને જોઈ રહ્યા હતા!!

............થોડીવારમાં અમિતના મનમાં ‘રશ્મી’નો વિચાર ઝબકયો, અને તેના ચહેરાના હાવભાવ બદલાયા! ‘હવે પોતે હંમેશને માટે રશ્મી પાસે જઈ શકશે’ એ વિચાર માત્રથી તેના શરીરમાં ખુશીની એક લહેર દોડી ગઈ! તે રશ્મિને ફરીથી પામવા માટે અધીરો બન્યો, અને કેન્ટીનમાં આજુબાજુ જોયા વગર જ ચાલવાનું શરુ કર્યું!.. કેન્ટીનની બહાર નીકળ્યો, અને સાથેસાથે પોતાની ચાલવાની ઝડપ પણ વધારી!.. આટલું પણ પુરતું ના લાગતા તેણે દોડવાનું શરુ કર્યું!.. 

કાર પાસે આવી, કાર સ્ટાર્ટ કરી અને હંકારી મૂકી!.. 

રસ્તામાં તે વારેઘડીયે હોર્ન મારીને બીજા વાહનોને ઓવરટેક કરી રહ્યો હતો!!.. જેટલું બને એટલું જલ્દી તેને રશ્મી પાસે પહોચવું હતું!.. પોતાની ભૂલની માફી માંગવી હતી! ..અને કહેવું હતું કે ‘રશ્મી, હું તને ચાહું છું. પ્લીઝ, મને આમ છોડીને ના જઈશ’!!.. 

રસ્તામાં તેની નજર એક ‘બુકે’વાળા પર પડી!! તેણે તરત જ કાર રોકી અને રશ્મિને પસંદ એવા ‘ગુલાબના ફૂલો’ નો એક મોટો બુકે ખરીદી લીધો!! ...અને ઝડપથી કાર હંકારી મૂકી!!..

.................................................

આ વાર્તાનો અંત શું હોઈ શકે??...
(૧) અમિતનો એક્સીડન્ટ થાય અને તે મૃત્યુ પામે...
(૨) રશ્મી કોઈ ગંભીર બીમારીનો ભોગ બની હોય અને તે મૃત્યુ પામે...
(૩) રશ્મી હંમેશને માટે ક્યાંક ચાલી જાય, અને અમિત એકલો પડી જાય.. 
(૪) રશ્મી અમિતના લાખ મનાવવા છતાં તેની સાથે રહેવા ના આવે..
(૫) રશ્મી અને અમિત ખુશી-ખુશી સાથે રહી પોતાનું જીવન ગુજારે..
(૬) અમિત પાછો માયા પાસે આવે.. અને માયા તેને ના સ્વીકારે..
(૭) અમિત પાછો માયા પાસે આવે.. અને તે એને સ્વીકારે..
(૮) માયા હંમેશને માટે ક્યાંક ચાલી જાય અને અમિત એકલો રહી જાય..
(૯) નાનકડો નયન કોઈ મહત્વનો કિરદાર નિભાવે, અને અમિત-રશ્મી ભેગા થાય..
(૧૦) માયા કોઈ મહત્વનો કિરદાર નિભાવે અને અમિત-રશ્મી ભેગા થાય..
.........પોસીબીલીટી કોઈ પણ હોઈ શકે છે. મહત્તમ લોકોને જે પસંદ પડે એ રીતે વાર્તા પૂરી કરવાની ખાતરી આપું છું!!      ............................****************************................................
66666Yagnesh Rajput shared Rajnikant V/s CID Jokes's post.
Yesterday at 9:06am · 

Rajnikant V/s CID Jokes
Married Or Not, Must Read It !
Whether you are married or not, you must read this blog post about a marriage that was ending. The man was in love with another woman and the wife could barely endure the process. When you find out the truth of it all in the end, you’ll break down into tears:

When I got home that night as my wife served dinner, I held her hand and said, I’ve got something to tell you. She sat down and ate quietly. Again I observed the hurt in her eyes.
 Suddenly I didn’t know how to open my mouth. But I had to let her know what I was thinking. I want a divorce. I raised the topic calmly. She didn’t seem to be annoyed by my words, instead she asked me softly, why?
I avoided her question. This made her angry. She threw away the chopsticks and shouted at me, you are not a man! That night, we didn’t talk to each other. She was weeping. I knew she wanted to find out what had happened to our marriage. But I could hardly give her a satisfactory answer; she had lost my heart to Jane. I didn’t love her anymore. I just pitied her!
With a deep sense of guilt, I drafted a divorce agreement which stated that she could own our house, our car, and 30% stake of my company. She glanced at it and then tore it into pieces. The woman who had spent ten years of her life with me had become a stranger. I felt sorry for her wasted time, resources and energy but I could not take back what I had said for I loved Jane so dearly. Finally she cried loudly in front of me, which was what I had expected to see. To me her cry was actually a kind of release. The idea of divorce which had obsessed me for several weeks seemed to be firmer and clearer now.
The next day, I came back home very late and found her writing something at the table. I didn’t have supper but went straight to sleep and fell asleep very fast because I was tired after an eventful day with Jane. When I woke up, she was still there at the table writing. I just did not care so I turned over and was asleep again.
In the morning she presented her divorce conditions: she didn’t want anything from me, but needed a month’s notice before the divorce. She requested that in that one month we both struggle to live as normal a life as possible. Her reasons were simple: our son had his exams in a month’s time and she didn’t want to disrupt him with our broken marriage.
This was agreeable to me. But she had something more, she asked me to recall how I had carried her into out bridal room on our wedding day. She requested that every day for the month’s duration I carry her out of our bedroom to the front door ever morning. I thought she was going crazy. Just to make our last days together bearable I accepted her odd request.
I told Jane about my wife’s divorce conditions. She laughed loudly and thought it was absurd. No matter what tricks she applies, she has to face the divorce, she said scornfully.
My wife and I hadn’t had any body contact since my divorce intention was explicitly expressed. So when I carried her out on the first day, we both appeared clumsy. Our son clapped behind us, daddy is holding mommy in his arms. His words brought me a sense of pain. From the bedroom to the sitting room, then to the door, I walked over ten meters with her in my arms. She closed her eyes and said softly; don’t tell our son about the divorce. I nodded, feeling somewhat upset. I put her down outside the door. She went to wait for the bus to work. I drove alone to the office.
On the second day, both of us acted much more easily. She leaned on my chest. I could smell the fragrance of her blouse. I realized that I hadn’t looked at this woman carefully for a long time. I realized she was not young any more. There were fine wrinkles on her face, her hair was graying! Our marriage had taken its toll on her. For a minute I wondered what I had done to her.
On the fourth day, when I lifted her up, I felt a sense of intimacy returning. This was the woman who had given ten years of her life to me. On the fifth and sixth day, I realized that our sense of intimacy was growing again. I didn’t tell Jane about this. It became easier to carry her as the month slipped by. Perhaps the everyday workout made me stronger.
She was choosing what to wear one morning. She tried on quite a few dresses but could not find a suitable one. Then she sighed, all my dresses have grown bigger. I suddenly realized that she had grown so thin, that was the reason why I could carry her more easily.
Suddenly it hit me… she had buried so much pain and bitterness in her heart. Subconsciously I reached out and touched her head.
Our son came in at the moment and said, Dad, it’s time to carry mom out. To him, seeing his father carrying his mother out had become an essential part of his life. My wife gestured to our son to come closer and hugged him tightly. I turned my face away because I was afraid I might change my mind at this last minute. I then held her in my arms, walking from the bedroom, through the sitting room, to the hallway. Her hand surrounded my neck softly and naturally. I held her body tightly; it was just like our wedding day.
But her much lighter weight made me sad. On the last day, when I held her in my arms I could hardly move a step. Our son had gone to school. I held her tightly and said, I hadn’t noticed that our life lacked intimacy. I drove to office… jumped out of the car swiftly without locking the door. I was afraid any delay would make me change my mind… I walked upstairs. Jane opened the door and I said to her, Sorry, Jane, I do not want the divorce anymore.
She looked at me, astonished, and then touched my forehead. Do you have a fever? She said. I moved her hand off my head. Sorry, Jane, I said, I won’t divorce. My marriage life was boring probably because she and I didn’t value the details of our lives, not because we didn’t love each other anymore. Now I realize that since I carried her into my home on our wedding day I am supposed to hold her until death do us apart. Jane seemed to suddenly wake up. She gave me a loud slap and then slammed the door and burst into tears. I walked downstairs and drove away. At the floral shop on the way, I ordered a bouquet of flowers for my wife. The salesgirl asked me what to write on the card. I smiled and wrote, I’ll carry you out every morning until death do us apart.
That evening I arrived home, flowers in my hands, a smile on my face, I run up stairs, only to find my wife in the bed – dead. My wife had been fighting CANCER for months and I was so busy with Jane to even notice. She knew that she would die soon and she wanted to save me from the whatever negative reaction from our son, in case we push through with the divorce.— At least, in the eyes of our son—- I’m a loving husband….
The small details of your lives are what really matter in a relationship. It is not the mansion, the car, property, the money in the bank. These create an environment conducive for happiness but cannot give happiness in themselves.
So find time to be your spouse’s friend and do those little things for each other that build intimacy. Do have a real happy marriage!
If you don’t share this, nothing will happen to you.
If you do, you just might save a marriage. Many of life’s failures are people who did not realize how close they were to success when they gave up.”
Don’t give up on the love you find. It is a rare gift that should be cherished, even when you feel like you are burdened and angry. 

સોમવાર, 25 મે, 2020

ફોરવર્ડ કરેલું.. સુખનો આધાર આંધળે બહેરુ કુટાય

https://www.facebook.com/100000085403295/posts/3152659821413500/

કામનો ઈરાદો માણસના સુખનો આધાર! - મોહમ્મદ માંકડ
 
એક સૂફીકથા આ પ્રમાણે છે.

એક નાનકડા ગામમાં, એક ગરીબ ભરવાડ બકરીઓ રાખીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હતો. તે બોલી શકતો હતો, પરંતુ તદ્દન બહેરો હતો.

તાજું, લીલું ઘાસ ચરાવવા માટે રોજ બકરીઓને લઈને એ ગામથી થોડી દૂર આવેલી ટેકરી ઉપર લઈ જતો હતો. એ બહેરો હતો એ ખરું, પરંતુ એથી એને કશો ફરક પડતો નહોતો. એક દિવસ એણે જોયું તો ખબર પડી કે એની પત્ની બપોરનું એનું ભાથું આપવાનું જ ભૂલી ગઈ હતી. અગાઉ આવું બન્યું ત્યારે દીકરા સાથે પાછળથી એણે ભાથું મોકલી આપ્યું હતું, પરંતુ આજે તો સૂરજ માથે આવી જવા છતાં હજુ સુધી કશું આવ્યું નહોતું.

ભરવાડે વિચાર્યું કે, હું ઘેર જઈ આવું. દિવસ આથમે ત્યાં સુધી ભૂખ્યાપેટે હું અહીં રહી નહીં શકું. એની નજર ટેકરી ઉપર ઘાસ કાપતા એક માણસ પર પડી. એની પાસે એ પહોંચી ગયો અને કહ્યું, ‘ભાઈ, મારી બકરીઓ ઉપર જરા નજર રાખતા રહેશો? એ બધી આઘીપાછી ન થઈ જાય. મારી પત્નીએ મૂર્ખાઈ કરી છે, આજે બપોરનું ખાણું મૂકવાનું જ ભૂલી ગઈ છે. એ માટે મારે ઘેર જવું પડશે.’

હવે પેલો ઘાસ કાપવાવાળો પણ બહેરો હતો. એણે એક શબ્દ પણ સાંભળ્યો નહોતો. એટલે એણે કહ્યું:

‘હું મારાં ઢોર માટે જે ચારો કાપું છું એમાંથી તને મારે શા માટે કાંઈ આપવું જોઈએ? મારા ઘેર એક ગાય અને બે ઘેટાં છે. જો તને ઘાસ આપું તો એના માટે ઘાસ લેવા માટે મારે ઘણે દૂર જવું પડશે. અત્યારે મારી પાસે થોડું ઘણું લઈ જવા માટે છે એમાંથી તને હું કશું આપવા માગતો નથી. માટે મારો પીછો છોડ.’

એણે હાથ હલાવ્યો, ‘જા ભાઈ, જા.’ અને મૂછમાં હસ્યો. પણ બકરીવાળા બહેરા ભરવાડે તો કશું જ સાંભળ્યું નહોતું. એણે કહ્યું, ‘મારા મિત્ર, સંમત થવા બદલ આભાર. હું જઈને તરત જ પાછો આવું છું. ઈશ્વરના આશીર્વાદ તમારા ઉપર હજો, તેં મારા મનને શાંતિ આપી છે. દોડતો-દોડતો એ ગામમાં પહોંચ્યો અને પોતાના ઘેર જઈને જોયું તો તેની પત્ની તાવમાં પટકાયેલી હતી અને એક પડોશી બાઈ એની સંભાળ લઈ રહી હતી. ભરવાડ પોતાનું ભાથું લઈને ફરી ટેકરી ઉપર પહોંચી ગયો. એણે બકરીઓ ગણી લીધી. પૂરેપૂરી હતી, એક પણ આઘીપાછી થઈ નહોતી.’

પેલો ચારો વાઢવાવાળો તો હજી પોતાના કામમાં વ્યસ્ત હતો. ભરવાડ મનોમન બોલ્યો, ‘ચારો વાઢતો આ માણસ કેટલો ભલો કહેવાય. એણે બરાબર ધ્યાન રાખ્યું છે કે મારું એક પણ પશુ રખડતું-ભટકતું ક્યાંય ચાલ્યું ન જાય. મારે એની આ મહેરબાની બદલ એનો આભાર ન માનવો જોઈએ? મારી આ એક નાનકડી બકરીનો પગ આમેય ખરાબ છે. હું એ બકરી જ એને ભેટ આપી દઉં તો કેમ? બકરીને એણે ખભે નાખી અને પેલા તરફ ચાલવા માંડયું. નજીક પહોંચીને કહ્યું,’જો ભાઈ, હું નહોતો ત્યારે તેં મારી બકરીઓનું ધ્યાન રાખ્યું હતું એટલે હું તારા માટે આ ભેટ લાવ્યો છું. મારી કમનસીબ પત્નીને આજે તાવ આવ્યો છે, મને લાગે છે કે, મારો આટલો જ ખુલાસો પૂરતો છે.’

પરંતુ ચારો ભેગો કરતાં એ બહેરાએ, ભરવાડના કોઈ શબ્દો સાંભળ્યા નહોતા. એ ક્રોધથી બરાડયો, ‘નાલાયક માણસ, તું નહોતો ત્યારે મેં એ તરફ નજરેય કરી નથી. તારી બકરીનો પગ લંગડો થઈ જાય એમાં હું કઈ રીતે જવાબદાર ગણાઉં? હું તો મારો ચારો કાપવામાં રોકાયેલો હતો. એ કઈ રીતે બન્યું એની મને તો કાંઈ ખબર જ નથી. જતો રહે, નહીં તો મારે તને તગેડી મૂકવો પડશે.’

ભરવાડ પેલાને ખીજાયેલો જોઈને નવાઈ પામી રહ્યો હતો. ચારાવાળો નારાજ થઈને શું બોલતો હતો તે એ સાંભળી શકતો નહોતો પરંતુ એનો ક્રોધી ચહેરો જોઈને એને આશ્ચર્ય થતું હતું. એટલે બાજુમાંથી ઘોડા પર બેસીને પસાર થઈ રહેલા એક મુસાફરને તેણે મદદ માટે બોલાવ્યો.

‘મહેરબાન, માફ કરજો. પણ મને એ કહેશો કે ચારાવાળો ભાઈ શું કહે છે? હું કાને બહેરો છું. મને એ સમજાતું નથી કે હું આ બકરી એને ભેટ આપું છું, એનો એ ઉગ્ર થઈને કેમ અસ્વીકાર કરે છે?’

ભરવાડ અને ચારાવાળો, પોતપોતાની વાત બૂમબરાડા પાડીને પેલા ઘોડાવાળા મુસાફરને કરવા લાગ્યા. હવે, સાચી વાત એવી હતી કે એ એક ઘોડાચોર હતો અને પેલા બંનેની જેમ જ બહેરો હતો. એ કશું જ સાંભળતો નહોતો. ભૂલો પડી ગયો હતો એટલે જાણવા માગતો હતો કે આ કઈ જગ્યા છે,પોતે ક્યાં આવી પહોંચ્યો છે? પરંતુ જ્યારે તેણે પેલા બે જણને ગુસ્સે ભરાયેલા જોયા ત્યારે કહ્યું, ‘હા ભાઈઓ, હું કબૂલ કરું છું કે મેં ઘોડો ચોર્યો છે, પરંતુ હું જાણતો નહોતો કે એ તમારો હશે. મને માફ કરો. મેં કોઈક નબળી ક્ષણે લાલચમાં આવી જઈને આ અવિચારી કૃત્ય કરેલું છે!’

હવે, પેલો ચારાવાળો તાડૂક્યો, ‘બકરી લંગડી થઈ ગઈ એની સાથે મારે કાંઈ લાગતુંવળગતું નથી.’

બીજી તરફ બકરીવાળા ભરવાડે ઘોડાવાળાને વિનંતિ કરી, ‘એને પૂછો કે એ મારી ભેટ શા માટે સ્વીકારતો નથી. હું તો એની તરફના આદરના લીધે આ આપવા માગું છું.’

ચોરે કહ્યું, ‘મેં ઘોડો લઈ લીધો એ હું કબૂલ કરું છું. પણ હું બહેરો છું એટલે આ ઘોડો તમારા બેમાંથી કોની માલિકીનો છે, એ હું સાંભળી શકતો નથી.’

બરાબર એ જ વખતે એક ઉંમરલાયક દરવેશ નજરે પડયા. ધૂળિયા રસ્તે ગામ તરફ એ જઈ રહ્યા હતા. ચારાવાળો એમની પાસે દોડી ગયો. એમના ઝભ્ભાની ચાળ હળવેકથી ખેંચીને કહ્યું, ‘આદરણીય દરવેશ, હું એક બહેરો માણસ છું. આ બંને જે કહે છે એમાં ધડ-માથાની મને ખબર પડતી નથી. આપ આપના ડહાપણથી એ નક્કી કરી કહો કે એ બંને શા માટે બૂમબરાડા પાડે છે.’

પરંતુ દરવેશ મૂંગા હતા. એમને વાચા નહોતી એટલે જવાબ આપી શક્યા નહીં. પણ એમની નજીક જઈને ત્રણે બહેરાઓના ચહેરા તાકીને જોવા માંડયા. બહેરાઓએ બોલવાનું બંધ કરી દીધું.

દરવેશે પોતાની તીવ્ર અને વેધક દૃષ્ટિથી પહેલાં એકની સામે અને પછી બીજાની સામે જોયું. પેલાં બંને બેચેની અનુભવવા લાગ્યા.

દરવેશની ચમકદાર કાળી આંખો સાચી કડી મેળવવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા જાણે કે ત્રાટક કરવા લાગી. બધાં ફફડવા લાગ્યા. પોતે તંત્રવિદ્યાનો કે કોઈ કામણટૂમણનો ભોગ બની જશે એ બીકે ત્રણે ડરવા લાગ્યા.

અચાનક ચપળતાપૂર્વક કૂદીને ચોરે ઘોડા ઉપર સવારી કરી લીધી અને સડસડાટ ઘોડાને મારી મૂક્યો. ભરવાડે પોતાની બકરીઓને વાળવા માંડી. ભેગી કરીને ટેકરી ઉપર લઈ જવા માંડી. ચારાવાળો આંખો નીચી કરી, ચારાની ગાંસડી બાંધી, ખભે ચડાવીને ટેકરી પરથી પોતાના ઘર તરફ ચાલવા માંડયો.

દરવેશ પણ પોતાની સફરમાં ચાલી નીકળ્યા અને વિચારવા લાગ્યા કે, ક્યારેક વાચા પણ વાતચીત કરવા માટે કેટલું બિનઉપયોગી માધ્યમ થઈ જાય છે? જાણે કે, માણસને વાચા હોય જ નહીં!

સૂફીકથાઓ જુદાજુદા સંદર્ભમાં જુદીજુદી રીતે સમજાતી હોય છે. સામાન્ય વ્યક્તિ એમાંથી અમુક અર્થ તારવે છે તો વિદ્વાન જુદો અર્થ, વધારાનો અર્થ પણ તારવી શકે છે. શ્રદ્ધાવાન કે ભક્ત વળી જુદી જ રીતે એને સમજે છે અને એટલે જ, કદાચ એ વિશાળ સમુદાયને સ્પર્શી શકે છે.

અહીં એક અર્થ એવો છે કે બહેરાંઓ મૂંગા નથી છતાં એમની વાત એ સમજાવી શકતા નથી અને દરવેશ બહેરાં નથી છતાં પોતે મૂંગા હોવાના કારણે પોતાની વાતને સમજાવી શકતા નથી. જે બોલી શકે છે એમને કોઈ સાંભળનાર નથી અને જે સાંભળે છે એ બોલી શકતા નથી.

જિંદગીમાં પણ કદાચ એવું જ બને છે કે જે લોકોના લાભ-ફાયદા માટે આખી જિંદગી આક્રોશ કરતા રહે, બોલતા જ રહે પણ એમનું કોઈ સાંભળતા જ નથી, બહેરા કાને અથડાઈને બધું પાછું પડે છે. અને કેટલાક લોકો એવા હોય છે કે જે સાંભળે છે પણ પોતાની ગમે તેવી વાત, ઉપયોગી હોવા છતાં કહી શકતાં જ નથી એવા લોકોના મૌનથી લોકોને, સમાજને, રાજ્યને ઘણું નુકસાન થાય છે.

તમે પણ તમારી રીતે આ કથામાંથી કોઈ જુદો જ અર્થ તારવી શકો છો.

મંગળવાર, 19 મે, 2020

તમારી પાસે રાષ્ટ્રનો ખજાનો છે, એને યોગ્ય દિશામાં લઈ જવાની જવાબદારી તમારા પર છે.

"તમારી પાસે રાષ્ટ્રનો ખજાનો છે, એને યોગ્ય દિશામાં લઈ જવાની જવાબદારી તમારા પર છે."
*****

"એકવાર અનાયાસે જ મને તન્વીની વાર્તા મળી ગઈ. મેં એને ત્રીજા ધોરણના બાળકોને બતાવી તો એમને ખૂબ મજા આવી." આ શબ્દો છે શ્રેષ્ઠ શિક્ષકનો નેશનલ એવોર્ડ જીતનાર નવા નદીસર- મસ્તી કી પાઠશાલાના રાકેશ પટેલના! 

આજે ઇનોવેશન ફેર અંતર્ગત અમદાવાદ શહેર ડાયેટમાં રાકેશભાઈ સાથે બીજી વખત રૂબરૂ મુલાકાત થઈ. 'તન્વીના પપ્પા' તરીકે ઓળખાવું ખૂબ ગમ્યું!! આમેય દીકરી/દીકરા થી જ્યારે પિતાની ઓળખાણ થાય ત્યારે થતી ખુશી પિતા સિવાય કોઈ જ ન સમજી શકે! 2020 ના નવા વર્ષનો પહેલો જ દિવસ - 1-1-20 યાદગાર બની રહયો! ...અને એમાંય ખાસ ત્યારે કે જ્યારે રાકેશભાઈએ મને કહ્યું, "તમારી પાસે રાષ્ટ્રનો ખજાનો છે. એને યોગ્ય દિશામાં લઈ જવાની જવાબદારી તમારા પર છે."

તન્વી દોઢેક વર્ષની હશે અને ટેવ પડી ગયેલી કે વાર્તા સાંભળે ત્યારે જ ઊંઘે! મને ભયાનક ઊંઘ આવતી હોય અને એ મારા ઉપર આવીને પડે અને વાર્તા કહેવાનું કહે! ઘણીવખત એવું બન્યું છે કે વાર્તા કહેતાં કહેતાં હું ઊંઘી ગયો હોઉં અથવા તો ઊંઘમાં બીજું જ કશુંક બોલી જાઉં! 
..અને એ એની નાની આંખોથી મને આશ્ચર્યથી ઊંઘતા જોઈ રહી હોય! બહુ જ જલ્દી એ બોલતા શીખી ગયેલી! એને કૈક કીધું હોય એ એને યાદ જ હોય! એવું ઘણી વખત બન્યું છે કે એકાદ વર્ષ પહેલાંની વાત પણ એને યાદ હોય! ..અને એ બોલે એ ફાઇનલ જ હોય, એમાં કોઈ ચૂક ન થાય!

પહેલી વખત એણે ચાલુ બાઈક પર કહેલું, "હું તમને એક વાર્તા કહું?" મેં હા કહ્યું એટલે એણે 'સમજુ બકરીઓ' વાર્તા કહી! ત્યારે એ માંડ ત્રણ વર્ષની હતી! "GUJARATI STORIES BY TANVI" યુટ્યુબ ચેનલ પર અત્યારે વાર્તાઓનો સ્કોર 60 પહોંચ્યો છે! જાણી-અજાણી જગ્યાઓએ રેકોર્ડ ના કરેલી વાર્તાઓ પણ જો ગણતરીમાં લઉં તો આ સ્કોર ૧૦૦ થી પણ ઉપર પહોંચે એમ છે! એને તાત્કાલિક વાર્તા કહેવાનું કહીએ તો એકેય વાર્તા યાદ ન હોય, પણ વાર્તા વિશે/શીર્ષક પુછીયે તો જવાબ મળે, "એ વાર્તા તો મને આવડે છે."

વાર્તા પોતાની રીતે બોલવાની સ્વતંત્રતા છે, પણ ક્યારેક અવળે પાટે ચડી જાય તો વાર્તામાં પણ વાર્તા કરી નાખે! પછી તો એને બોલતા પણ અટકાવવી પડે! આ દુનિયામાં એ ચોક્કસ કોઈ કામ નિશ્ચિત કરવા આવી હશે! ઈશ્વરને પ્રાર્થના કે એ જીવનમાં હંમેશા એવાં જ કામ કરે, એવાં જ નિર્ણયો લે જેનાંથી સમગ્ર વિશ્વ અને વિશ્વજનોનું ભલું જ થાય! ક્યારેય ગુલામ ન બને કે ન બેડીઓમાં જકડાય! વિશ્વચેતના એની સાથે હંમેશા જોડાયેલી જ રહે!

https://m.facebook.com/story.php?story_fbid=2597022383739308&id=100002947160151

Look, how did she draw it??

"પપ્પા.. આજે આપણે એક પેઇન્ટીંંગ કરવાનું છે."

"..તો કરોને..!!" મેં કહયું.

"પણ પપ્પા.. આપણે પીંછી કલર કરવાના છે.. અને હું કયું ચિત્ર દોરું એ ખબર નથી પડતી..!!"
...
...
...
  ......અંતે થોડીવાર પછી ઉતરાયણનું ચિત્ર દોરવાનુ નક્કી થયું!!

…Look, how did she draw it??

આપણી શિક્ષણ પદ્ધતિમાં આપ સૌનું સ્વાગત છે!!

એક ઇન્સપેક્ટર શાળામાં આવ્યા, એક વર્ગમાં ગયા..
અને બાળકોને તપાસવાનું શરૂ કર્યું. આ ઇન્સપેક્ટર પોતે હમણાં જ ખાતાકીય પરીક્ષા પાસ કરીને ઇન્સ્પેક્ટર બન્યા હતા, એટલે 'આજે તો આ સ્કૂલમાં મારો 'છાકો' પાડી દેવો છે' એવો પહેલેથી જ પૂર્વગ્રહ બાંધીને આવ્યા હતા.

પોતાના આયોજન મુજબ એમણે બાળકોની સામે જ પોતાનાથી ૨૦ વર્ષના વધુ અનુભવી અને ખરેખર હજારો બાળકોના માર્ગદર્શક એવા સાચા શિક્ષકને નાની નાની વાતમાં ધમકાવાનું શરૂ કર્યું!!

"આને કેમ આટલુય વાંચતા નથી આવડતું?"

"સાહેબ આ છોકરો રેગ્યુલર શાળાએ આવતો નથી, કેમકે એનાં.."
"હવે તમારા જેવા માસ્તરો હોય તો છોકરા ક્યાંથી આવે, હંમમ??" 

....આપણે વિચારી શકીએ કે એ ઇન્સપેક્ટરે કેવી રીતે બધાને તતડાવ્યા હશે?!!

હવે આપણી કલ્પના એક કદમ આપણે આગળ વધારીએ..
માનો કે આ જ શાળામાં કોઈ એક નેતાનું સગું-વ્હાલું કે ભારોભાર વગવાળું શિક્ષક હોય તો શું થાય??

"ખરેખર આ શાળામાં શિક્ષકો તો કામ કરે જ છે, પણ વાલીઓ એવા છેને, કે શાળામાં બાળકોને મોકલતા જ નથી..!!"
...અથવા તો વાઈસેવરસા આવું જ કોઈ સ્ટેટમેન્ટ એ ઇન્સપેક્ટર આપે!! કદાચ આપ સૌ મારી આ વાત સાથે સંમત હશો..

*****

મેં એક ફોટો જોયો હતો..

કીડી, ઉંદર, પક્ષી, વાંદરો, કૂતરો, હાથી અને માછલી ભણવા બેઠા છે.. સામે એક સાહેબ એમની પરીક્ષા લઇ રહ્યા છે, અને પરીક્ષામાં પૂછ્યું છે, "સામે રહેલા ઝાડ પર જે પહેલા ચડી જાય એ પરીક્ષામાં પાસ!!"

https://m.facebook.com/story.php?story_fbid=2650222041752675&id=100002947160151

આપણી શિક્ષણ પદ્ધતિમાં આપ સૌનું સ્વાગત છે!!

 વર્ગમાં એક બાળક કીડી જેવું હોય, જેને શારીરિક કામ જ ગમતું હોય.. વર્ગમાં એક બાળક ઉંદર જેવું હોય, જેને નુકસાન-તોફાન કરવું ગમતું હોય.. વર્ગમાં એક બાળક પક્ષી જેવું હોય, જેને પોતાના ગગનમાં ઉડવું ગમતું હોય.. વર્ગમાં એક બાળક વાંદરા જેવું હોય, જે નકલચી-ગોખણિયું હોય.. વર્ગમાં એક બાળક કૂતરા જેવું હોય, જે વફાદાર/ઝગડાખોર હોય.. વર્ગમાં એક બાળક એક બાળક હાથી જેવું હોય, જે કૌટુંબિક(નાના ભાઈબહેન માટે જ આવતું હોય)/મિડ-ડે મિલ માટે જ આવતું હોય..
અને વર્ગમાં એક બાળક માછલી જેવું હોય, જે શિક્ષણની દુનિયાનું જ ન હોય, એની દુનિયા જ કોઈ બીજી હોય!!

આવી સમજદારી કોઈ ઇન્સપેક્ટરમાં ક્યારે આવે??..

આ ઇન્સ્પેક્ટર પોતે જ સાદી ગાણિતિક ક્રિયાઓ કોમ્પ્યુટરની એક્સલ શીટમાં કરતો હશે.. અને બાળકોને ૨૦ સુધીના ઘડિયા મોઢે ના આવડવા બદલ શિક્ષકને ધમકાવતો હશે..!!

આ ઇન્સ્પેક્ટર પોતાના બાળકને ક્યારેય સરકારી શાળામાં ભણવા નહીં મૂકે, અને સરકારી શાળાના 'બિચારા ગરીબ' બાળકોને ભણાવવાની દુહાઈઓ આપતો હશે..!!

વિચારો, આપણા ઘરમાં 'હાંડલા કુસ્તી કરતા હોય', તો શું આપણું મન ક્યાંય લાગશે ખરા?? શુ આ જ પોઝિશન બાળકોની પણ ન હોય શકે?? 
નાનકડું બાળક મોબાઇલ ઓપરેટ કરવા માંડે, તો આપણે ગર્વથી કહીશું, 'આજના જમાનાના છોકરાવને બધી ખબર પડે છે!!'...
.....પણ મોટાં હોવા છતાંય આપણને ખબર નથી પડતી કે કોઈ બાળકને 'બે પૂંઠા વચ્ચેનું' કેમ નથી આવડતું, એમાં ઘણા કારણો હોઈ  શકે.. સામાજિક, કૌટુંબિક, વાતાવરણીય, માનસિક, શારીરિક.. શક્ય છે કે એના ઘરમાં પણ 'હાંડલા કુસ્તી કરતા હોય'!!

જે ખરેખર શિક્ષકમિત્રો છે, એ ચોક્કસ જાણતાં હશે કે જે બાળકને કશું જ ન આવડતું હોય, એ પણ દરરોજ શાળાએ આવતું હશે તો થોડા મહિના બાદ આપોઆપ એને કશુંક તો આવડવા જ મંડશે!! ...અને હોંશિયાર બાળકના ઘરમાં ઉપર મુજબની કોઈ એક પણ તકલીફ આવે તો એને નબળું/મધ્યમ બનતા પણ જોયું હશે!!  ...સમગ્ર શાળાકીય વર્ષો દરમિયાન સાવ જ ઠોઠ રહેલું બાળક અચાનક જ દસમા/બારમાં ધોરણમાં રેન્કર સાબિત થયાના ઘણા દાખલા આપણી નજર સામે હશે, શક્ય છે કે આપણાંમાંનું જ કોઈ આનું જીવતું ઉદાહરણ હોય!! કુછ ભી હો શકતા હૈ!!

*****
મારા સાહેબ મને હંમેશા કહેતા કે જેને પોતાના કામથી પ્રેમ નથી એ ડરે, જેને પ્રેમ છે એ ન ડરે!!

...અને છતાંય ડર (સૌથી મોટો ડર અપમાનનો જ હોય!!) લાગતો હોય તો..?? આપણાથી નાના માણસોનું આપણે ઘણીવાર કશું જ નથી બગાડી શકતા.. એમ સમજવાનું કે આવેલ અધિકારી આપણાં શિક્ષકત્વનાં અનુભવથી ઘણો નાનો છે!! ...ચૂપ રહેવું!!

*****

વરસાદથી બચવાના બે જ ઉપાય છે, કાં તો છત્રી ઓઢી લેવી, કાં તો બાજ બનીને વાદળથી પણ ઊંચું 'વજૂદ' મેળવી લેવું.

-યજ્ઞેશ રાજપૂત.

પપ્પા ગુજર ગયે. ગલે ફાંસા ખા લિયા.

https://m.facebook.com/story.php?story_fbid=2698407773600768&id=100002947160151

તા.૧૫.૨.૨૦ ની વાત:-

અલ્લારખાં ભણવામાં એવરેજ-હોંશિયાર છે. મોટેભાગે તો અઠવાડિયામાં ચારેક દિવસ તો હાજર હોય જ! અચાનક બે અઠવાડિયા સુધી શાળાએ ન આવતાં મેં બાળકોને પૂછ્યું, "અલ્લારખાં ક્યુ નહિ આતા? કિસીને ઉસકા ઘર દેખા હૈ?"

"હાં.. સર.. મૈને દેખા હૈ." હસનૈન બોલ્યો.

"વો સ્કૂલ ક્યુ નહિ આતા?" મેં પૂછ્યું.

"ઉસકે પપ્પા મર ગયે હૈ."

"શું?" મને ફાળ પડી. હું મળ્યો છું એના પપ્પાને! કાઠી મજૂરી કરતાં એકવડીયા બાંધાનાં એનાં પપ્પા એમ કેમ મરી ગયા? હું રૂબરૂ તપાસ કરીશ, એમ વિચાર્યું! હજુ વધુ ચાર દિવસ પછી (૨૦.૨. ના રોજ) અલ્લારખાંને એની બહેન શાળાએ મુકવા આવી. હું મધ્યાહ્નન ભોજનની વ્યવસ્થામાં બાળકો સાથે શેડ નીચે હતો. અલ્લારખાંને આવેલો જોઈ હું શેડમાંથી ઉતર્યો અને બહેનને પૂછ્યું, "ક્યાં હુઆ??"

"મેરે પપ્પા ગુજર ગયે. ગલે ફાંસા ખા લિયા." આટલું બોલતાં તો એની આંખમાં પાણી આવી ગયા, "ઇસલિયે હમ નહિ આતે થે."

"કોઈ વાંધા નહિ. ખાના બાકી હૈ? બાકી હો તો બૈઠ જાઓ." મેં સ્થિતિને અનુરૂપ બહેન રડી ના પડે એ માટે વાત ઝડપથી કાપી.

"નૈ ખાના." કહી એ બંને ઝડપથી વર્ગ તરફ જતા રહ્યા.
*****

અલ્લારખાં ધો.૧માં જ છે, મારા જ વર્ગમાં! એની બહેન પણ અમારી શાળામાં જ ઉપલા ધોરણમાં છે. ઘરેલું ઝઘડામાં પત્ની બાળકો સાથે ઘર છોડીને જતી રહી, એ જીરવી ના શકતા લગભગ મારી જ ઉંમરની આસપાસનાં એનાં પપ્પાએ ઘરમાં જ આત્મહત્યા કરી લીધી. હું એમ પણ નથી કહી શકતો કે હું નાનકડાં બાળકનું દુ:ખ સમજી શકું છું! ..અને નથી સમજી શકતો એવું પણ નથી! 

 આજે અલ્લારખાં શાળાએ તો આવ્યો, પણ ન તો પુસ્તક લાવ્યો, ન તો નોટ! બસ.. બીજાં બાળકો સાથે ભરપૂર મસ્તી કરી! વર્ષ ૨૦૧૩ અહીં બદલી થઈ ત્યારથી આવાં નાના-મોટાં હદયદ્રાવક ઘણા કિસ્સા જોયા-સાંભળ્યા-અનુભવ્યા છે. મોટો ડર હંમેશા એક જ વાતનો રહયો છે- મોટાભાગના બાળકો આવી સિચ્યુએશન પછી શાળાએ અનિયમિત થઈ આવતાં જ બંધ જાય છે અને ખરાબ લોકોની સંગતે ચડી વ્યસની/ગુંડા બની જાય છે! આવાં બાળકો સાથે જિંદગી એટલી કઠોર હોય છે કે એમને અક્ષરજ્ઞાન શીખવું (મૂલ્યશિક્ષણની તો આપણી શિક્ષણ વ્યવસ્થા ના પાડે છે! વળી, મૂલ્યશિક્ષણ માટે બાળક પણ રોજ શાળાએ આવે એ જરૂરી છે!)  કે મારી બાજુમાં બેસાડું, એ જ નથી સમજાતું! ઈશ્વરને પ્રાર્થના કે આ અલ્લારખાં સાથે આવું ન થાય!

નીચેનો વીડિયો પ્રતીકાત્મક છે.. વીડિયોમાં મને તો દીકરી જ દેખાય છે.👇👇

https://m.facebook.com/story.php?story_fbid=2692048110903401&id=100002947160151

https://m.facebook.com/story.php?story_fbid=2692048110903401&id=100002947160151



શુભેચ્છાઓ..💐💐 શુભેચ્છાઓ..💐💐

👇👇જેનાં બાળકો બોર્ડમાં નથી એવાં ૮૦% વાલીઓને ગમશે અને જેનાં બાળકો બોર્ડમાં છે એવાં ૮૦% વાલીઓને નહિ ગમે એવું લાગે છે..!! પણ.. કડવું છે પણ સત્ય છે!!

👇👇👇

 ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આપ સૌનું સ્વાગત છે💐💐

શાળાકીય તથા એસ.એસ.સી./એચ.એસ.સી. બોર્ડની એક્ઝામ આપનારા દરેક બાળકોના વાલીઓને શુભેચ્છાઓ..💐💐

આખું વર્ષ ભણ્યા પછી માત્ર ત્રણ કલાકમાં તમારું બાળક જવાબવહીમાં કેટલું ઓકી શકે છે, એના આધારે એનું ભવિષ્ય નિદાન કરનારા દરેક વાલીઓને શુભેચ્છાઓ..💐💐

ભારતીય શિક્ષણ પ્રણાલી નક્કી કરનારા દરેક 'અંગ્રેજ જમાનાના મોટાં કારકુની સાહેબો'ને શુભેચ્છાઓ..💐💐

દર વર્ષે "બસ.. તું આ એકઝામમાં સારા ટકા/પરસેન્ટાઇલ લાવી દે.. પછી શાંતિ!" પોતાનાં બાળકને આવું ગાજર લટકાવનારા મારાં જેવા દરેક વાલીને શુભેચ્છાઓ..💐💐

રિઝલ્ટ વખતે "તમારું બાળક કેટલાં ટકા/પરસેન્ટાઇલ ઓકી શક્યો છે?" એવું પૂછીને બળતામાં ઘી હોમનારા દરેક લોકોને પણ શુભેચ્છાઓ..💐💐

સારાં ટકા આવી જાય પછી શું? એની જ બિલકુલ ભી ખબર ના હોય એવાં દરેક વાલીઓને શુભેચ્છાઓ..💐💐

ઓછાં ટકા આવે તો મોં છુપાવીને ફરતાં લોકોને પણ શુભેચ્છાઓ..💐💐

દર વર્ષે બાળકોને/વાલીઓને અવાસ્તવિક દુનિયા દેખાડનારા દરેક સ્કૂલ/ક્લાસિસના સંચાલકોને પણ શુભેચ્છાઓ..💐💐

ગોખણીયા જ્ઞાનીઓ અને સમજીને પરીક્ષા આપનાર દરેક બાળકને શુભેચ્છાઓ..💐💐

બેરોજગારીના ફાલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટો વધારો કરનારાં દરેક નેતા/રાજકારણીઓને પણ શુભેચ્છાઓ..💐💐

"અક્ષરજ્ઞાની"ને હોશિયાર સમજનારા અને "મૂલ્યશિક્ષિતો"ને નબળાં ગણનારા દરેક લોકોને શુભેચ્છાઓ..💐💐

શુભેચ્છાઓ..💐💐 શુભેચ્છાઓ..💐💐