રવિવાર, 31 જુલાઈ, 2022

"મુજે ભી જલપરા બનના હૈ."

https://youtu.be/XvMnp8JTPuM

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0vgtziBeCjmpAkfXkxwLEonB496Ekb4svj7iGUFSCtSoDu6m7D4hJeuDNAZxdu3qpl&id=100002947160151

"મુજે ભી જલપરા બનના હૈ."

********   

હું અને મારા શ્રીમતી લગ્ન પહેલાં એકવાર દિવ ફરવા ગયેલાં, (મારી જોબ/ઘર દિવથી 25 કિમિ જ દૂર હતી!) ત્યારે દરિયામાં એ છેક દૂર સુધી તરતાં તરતાં ગયેલાં. મેં જોરથી બૂમ પાડીને એમને પાછા બોલાવ્યા, કેમ કે જો કશું ન થવાનું થાય અને એ દરિયામાં ડૂબી જાય તો બધાને શુ જવાબ આપવો? એ તો દરિયામાં તરીને બહાર આવીને ખુશ હતા.. પણ મારા મનમાં એક ખટકો રહી ગયેલો, "એમને જે કરવું ગમતું હતું, મેં એમને એ કરતાં રોક્યા હતા..''

...બસ, ત્યારથી જ મનમાં નક્કી કરેલું, કે હું પણ તરવાનું શીખીશ તો ખરાં જ! ..પછી બંને દરિયામાં તરીશું, ...અથવા તો ડુબીશું!!😊😊

લગભગ 14 વર્ષ પછી આ ખટકો દૂર કરવાની તક મળી, તન્વીને સ્વિમિંગ શીખવવાના બહાના હેઠળ!! હું આ તક ચૂકી શકું એમ નહોતો.. આખરે દરિયામાં તરવાનું જાતને જ પ્રોમિસ જે આપેલું હતું!!

**********

હું જે દિવસે તરવાનું શીખવા ગયો ત્યારે મારી સાથે તરવાનું શીખવા આવેલાં, અમે ચાર-પાંચ મિત્રો હતાં! કોચ જોયસરે થોડી પ્રાથમિક સૂચનાઓ આપતાં કહ્યું, "જો અત્યારે તમે કોઈ શારીરિક કસરત કરતાં હોવ તો કરવી નહિ, અને નાસ્તો તરવાના બે કલાક પહેલાં કરવો."
...આ સાંભળી મારા માટે તો 'ભાવતું હતું ને વૈદ્યે કીધું' જેવો ઘાટ થયો, કેમ કે હું આમેય કસરતનો શોખીન માણસ નથી! વધેલું વજન ઘટાડવાના પ્રયાસ રૂપે 21 સૂર્યનમસ્કાર કરતો થયેલો, એ હવે પાછું બંધ કરવાનું થયું!

પહેલાં દિવસે તો અમને નાનાં બાળકોનાં સ્વિમિંગ પૂલમાં, કે જે ત્રણેક ફૂટ પાણીનું હતું, એમાં 'ફ્લોટિંગ' કરવાનું કહ્યું! ફ્લોટિંગ એટલે શ્વાસ રોકીને શરીરને પાણીની ઉપર રાખવું - આ તો મને આવડતું હતું, કેમ કે જ્યારે જ્યારે ગલતેશ્વર કે કોઈ નદી કિનારા વાળી જગ્યાએ ગયા ત્યારે હું આવું કરતો જ હતો, એટલે પહેલાં જ દિવસે પૂલની દીવાલ પકડ્યા વગર સરસ ફ્લોટ કરવા લાગ્યો! ..એટલે જોય સરે પૂછ્યું, "પહેલાં ક્યાંય તરવાનું શીખ્યા છો? કુવા તળાવ નદી કે ગમે ત્યાં?" મેં ના પાડી!

હું હંમેશા મારી જાતને 'કવીક લર્નર' માનતો હતો, એટલે પ્રથમ બે દિવસ દરમિયાન હું સરસ ફ્લોટ કરતો રહ્યો! વાતવાતમાં જોય સરે કહ્યું, "જો આવડે તો, ઘણાં લોકો એક વખતનાં ફ્લોટીંગમાં જ આખો પૂલ પાર કરી નાંખે!"

...અને બસ, મારા મનમાં રાઈ ભરાઈ ગઈ- 'હું એટલો શ્વાસ રોકુ કે આખો પૂલ પાર કરી દઉં..!' હું આખું પેટ ભરીને શ્વાસ રોકતો, અને પૂલ ક્રોસ કરવાનો પ્રયત્ન કરતો, પણ થોડું તો રહી જ જાય!

મને આજે સમજાય છે કે આવું કરવાની જરૂર જ નહોતી! અહીં મારે માત્ર ફ્લોટ કરવાનું હતું, આ કોઈ હરીફાઈ નહોતી, કે હું એકજ વારમાં આખો પૂલ ક્રોસ કરીને 'વાહવાહી' મેળવું!! માનવમન પ્રસિદ્ધિ ભૂખ્યું જ રહેવાનું, ન કરવાની બાબતમાં મહેનત કરીને મૂર્ખ ઠરે! હું પણ મૂર્ખ જ હતો કેમ કે બાળપણથી જ પહેલાં નંબરે પાસ થવાની રેસમાં દોડ્યો હોઈ દરેક જગ્યાએ પહેલો નંબર લાવવા, રેસ ન હોય તોય માનસિક રેસ ઉભી કરીને, ન કરવાની મહેનત કરવા લાગ્યો હતો! વળી, આવી રેસમાં દોડતાં લોકો પોતાનાં જેવાં હોંશિયાર મિત્રને પણ હરીફ માનીને દુશ્મનની નજરે જોવે! મેં પણ એક મારાં જેટલું જ સારું ફ્લોટ કરતાં એક મિત્રને માનસિક હરીફ માની લીધો હતો, અને એનાં કરતાં વધુ દૂર સુધી ફ્લોટ કરવાની નકામી કોશિશ કરતો હતો! જોકે, એ પણ મને હરીફ માની જ ચુક્યો હતો, એવું મને લાગ્યા વગર ન રહ્યું! ..કેમ કે એ પણ મારાથી વધુ દૂર ફ્લોટ કરવાની કોશિશ કરતો હતો. વળી, હું બધાની જોડે વાત કરતો, પણ એ મને જોઈ મોં ફેરવી લેતો!

ટૂંકમાં, હું મૂર્ખ હતો કે જે કરવાનું હતું એ કરવાની જગ્યાએ ન કરવાનું કરીને મારી શક્તિ વેડફી રહ્યો હતો!
*******

ત્યારપછીનાં બે દિવસ પ્રવેશોત્સવનાં કારણે હું સ્વિમિંગ પૂલમાં ના જઈ શક્યો! બે દિવસ રજા પાડી રવિવારે હું પાછો પૂલમાં પહોંચ્યો તો જોયું કે મારી સાથેનાં એ બધાં 4-5 શિખાઉ  મિત્રો મોટાં સ્વિમિંગ પૂલમાં પહોંચી ગયા હતાં! મને કોચ જોયસર ના દેખાયાં એટલે મેં ત્યાં બેઠેલાં બીજા કોચ મનોજ સરને કહ્યું, "મારો આજે ત્રીજો દિવસ છે. હું નાનાં પૂલમાં હતો."

એમણે કોઈ જ રિએક્શન વગર મને મોટાં સ્વિમિંગ પૂલમાં ઉતરવા ઈશારો કર્યો અને કહ્યુ, "ભલે.. આમાં ઉતરી જાઓ અત્યારે.. અને કીકિંગ ચાલુ કરો."

મોટાં સ્વિમિંગ પૂલમાં ઉતરવાનું હોઈ હું ખુશ થયો, કેમ કે મારે મન હું સરસ ફ્લોટ કરી શકતો હતો એટલે નાના પૂલમાંથી મોટાં પૂલમાં પ્રમોશન થયેલું! હું રાજી ખુશી છ ફૂટ પાણીવાળા મોટાં સ્વિમિંગ પૂલમાં ઉતર્યો, અને કીકિંગ ચાલુ કર્યું! કીકિંગમાં પૂલની દીવાલ પકડી પગ હલાવવાના હોય છે, એવું મેં બધાને કરતાં જોયેલાં, એટલે હુંયે એવું જોરજોરથી કરવા લાગ્યો!

...હજુ તો માંડ બે મિનિટ થઈ હશે કે મારા પગની નસ ચોંટી ગઈ! સાથળ જામ થઈ ગયું, હું વધુ જોરથી કરવા લાગ્યો! ચોથી મિનિટમાં તો હું થાકી ગયો! ..અને પૂલમાં ઉભો રહી ગયો! મેં થોડે દૂર મારાં પેલાં હરીફ મિત્ર તરફ નજર કરી તો જોયું કે એ તો હજુયે કીકિંગ કરી રહ્યો હતો, એટલે એને જોઈને મને પાછું જોમ ચડ્યું! હું બમણાં જોરથી કીકિંગ કરવા લાગ્યો.. પરિણામ સ્વરૂપ બીજા સાથળની પણ નસ ચોંટી ગઈ! માત્ર પાંચ-સાત મિનિટનાં કીકિંગમાં જ હું સખત થાકી ગયો!

થોડીવારમાં હાથની મુવમેન્ટ શરૂ થઈ ત્યારે મને અને મારા પગને હાશ થઈ!! હાથની મુવમેન્ટ એટલે પૂલની દીવાલે પીઠ ટેકવીને જાણે તરતાં હોઈએ એમ હાથ હલાવવાનાં! હું તો બધાં કરતાં હતાં એવું કરવા લાગ્યો! જાણે પાણીમાં નાચતો હોઉં એમ દેખાદેખીમાં હાથનું મુવમેન્ટ કરવામાં માત્ર પાંચ મિનિટમાં જ, ન ફક્ત બાવડાં, પણ ખભો ય દુઃખી ગયો!

પછી શરું થયું.. બેલેન્સ કીક અને બેલેન્સ હાથ! બેલેન્સ કીકમાં મારો પગ પાણીની ઉપર આવે જ નહિ, અને બેલેન્સ હાથમાં નાકમાં અને મોંમાં પાણી ઘૂસી જાય!!

લગભગ અડધો કલાકની આ કસરત પછી મનોજસરે બધાને બહાર આવવાનું કહ્યું, અને જમ્પ લગાવવા સૂચના આપી! હું બધાનાં દેખાદેખી કરી રહ્યો હતો. મારો વારો આવ્યો, અને મેં જમ્પ લગાવ્યો!

જમ્પ લગાવતાંની સાથે જ નાકમાં પાણી ઘૂસી ગયું! છતાંય હું દસેક ફૂટ (..રિપીટ, દસ ફૂટ જ!) તર્યો હોઈશ અને દીવાલ પકડી લીધી! ઉધરસ ખાતાં ખાતાં હું બહાર નીકળ્યો અને ફરી કૂદવા લાઈનમાં ઉભો રહી ગયો! મને મજા આવી, કેમ કે હું દસ ફૂટ તો દસ ફૂટ, તર્યો હતો!

બીજો જમ્પ લગાવ્યો..

...અને હું તરવાની જગ્યાએ ડૂબવા જેવો થઈ ગયો! ડૂબતાં બચવા, છ ફૂટના મારી ઊંચાઈના જ સ્વિમિંગ પૂલમાં પણ, મારો પગ નીચે અડયો જ નહિ!! હું હવાતિયાં મારતો મારતો માંડ દીવાલ પાસે આવ્યો અને બહાર નીકળ્યો અને ત્રીજા જમ્પ માટે લાઈનમાં ઉભો રહી ગયો! અચાનક મારી નજર મારાં પેલાં હરીફ મિત્ર ઉપર પડી! એ તો જમ્પ માર્યા પછી  દસ મીટર જેટલું તરીને બહાર નીકળતો હતો! ..અને મારી સાથે તરવાનું શીખવા આવેલાં એ બધાં 4-5 મિત્રો એ જ રીતે દસ મીટર જેટલું તરીને બહાર નીકળતાં હતાં! મેં જોયું કે અમારાં ગ્રુપમાં માત્ર હું એકલો જ બહાર નીકળવા હવાતિયાં મારતો હતો!

મેં ત્રીજો જમ્પ લગાવ્યો..

..અને આ વખતે તો હું લિટરલી ડૂબી જ ગયો!.. ન પગ નીચે અડે કે ન દીવાલ હાથમાં આવે.. કાનમાં પાણીનાં બુડબુડિયા બોલી ગયા.. નાકમાં, મોઢામાં અને માથામાં પાણી ચડી ગયું.. પાણીનો મોટો બુડકો પણ પીવાઈ ગયો..! આંખો લાલ લાલ થઈ ગઈ.. ઉધરસ તો બંધ જ ના થાય! ..હું માંડ માંડ બહાર આવ્યો! મેં કોઈને કહ્યું જ નહિ કે હું પાણીથી ડરી ગયેલો, ગભરાઈ ગયેલો!

હું જે બે દિવસ નહોતો આવ્યો એ બે દિવસ દરમિયાન એવું તો કશુંક શીખવાડેલું જ કે, જે હું ચૂકી ગયેલો! હું માનસિક ડિસ્ટર્બ થઈ ગયો.. ઘરે જઈને પણ એટલું જ બોલ્યો, "આજે જમ્પ લગાવવાની મજા આવી!''

..પણ મારી તનુ નારાજ હતી, કેમ કે એ હજુ નાના પૂલમાં હતી, અને હું મોટાં પૂલમાં ટ્રાન્સફર થયેલો! મતલબ કે મને એનાં કરતાં વધુ આવડ્યું હતું, એવું એ માનતી હતી, પણ વાસ્તવિકતા અલગ હતી!
**********

આવનારાં ત્રણેક દિવસ બહુ ખરાબ રહ્યા! હું જમ્પ લગાઉં અને ડૂબી જ જાઉં! હવે તો પાંચ ફૂટ પાણીમાંય જમ્પ લગાવતાં મને ડર લાગવા માંડ્યો હતો! મને એ જ નહોતું સમજાતું કે પહેલી વાર જમ્પ માર્યો ત્યારે હું દસેક ફૂટ તરેલો, પણ હવે શું ભૂલ કરું છું કે નથી તરાતું??!! હાથ તો હલાવતો જ હતો, તોયે ડૂબી જતો હતો!

...અને એક જમ્પ તો એટલો ખરાબ રહ્યો, કે મારે ઉભું રહેવા અને ડૂબતું બચવા કોચ મનોજ સરને પકડવું પડ્યું! એ તરત જોયસરની સામે જોઈ બોલ્યા, "આ ભાઈને કાલથી પાછો તમારી જોડે નાના પૂલમાં રાખો.. એ બિલકુલ તરતાં જ નથી, કીકિંગ પ્રેક્ટિસ કરાવો આમને..!!"

ઉધરસ ખાતાં ખાતાં મેં આ સાંભળ્યું, અને 'હું કવીક લર્નર છું' એવી મારી ભ્રમણા ભાંગીને ભુક્કો થઈ ગઈ!

જોયસરે મને પાછું નાનાં પૂલમાં આવવા કહી દીધું!! આગળ વધીને પાછાં જવું.. મતલબ કે પ્રમોશનથી ડિમોશન થવું બહુ દુઃખદાયક હોય છે!

ઘરે સાંજે જમતી વખતે સ્વિમિંગની જ વાતો થતી! હું પાછો નાનાં પૂલમાં તન્વીની સાથે આવી ગયેલો એટલે મારી તનુ ખુશ હતી! શ્રીમતીજીએ પણ એમનાં સ્વિમિંગના પ્રોગ્રેસ વિશે કહ્યું કે એ તો આખો નાનો પૂલ તરીને ક્રોસ કરી નાંખતા હતા!

'ડિમોશન' થવાથી મને મારી જાત પર શંકા થવા લાગી હતી કે 'હું તરવાનું શીખી શકીશ કે કેમ?'! એક અઠવાડિયું વીતી ગયેલું. મારાં ગ્રુપના (..અને ઘરનાં પણ!!) બધા તરતાં હતા, સિવાય કે હું!!

તન્વી અને શ્રીમતીજીની સ્વિમિંગની વાતો બંધ નહોતી થતી એટલે હું થોડો નારાજ થઈને બોલ્યો, "હા હવે.. તમને આવડી ગયું છે તો બહુ બોલ બોલ ના કરો ને.. હું તો ડૂબી જ જાઉં છું!"

'થ્રી ઈડિયટ'માં સાચું જ કહેલું, "આપણે નાપાસ થઈએ, એનાં કરતાં મિત્ર પાસ થાય, એનું દુઃખ વધુ લાગે છે!" હું નાપાસ થયો, એ બાબતે તનુ ખુશ હતી, પણ મારા શ્રીમતીજી એક જ અઠવાડિયામાં નાનો સ્વિમિંગપૂલ આખો તરી લેતાં હતાં, એ જાણીને મને દુઃખ લાગતું હતું!
**********

પછીનાં દિવસે હું સ્વિમિંગ પૂલમાં નિરાશ થઈને બેઠો હતો. હું મારાં પગને જ જોઈ રહ્યો હતો અને મનોમન વિચારતો હતો કે 'આ કીકિંગ કેમ નથી કરતાં?' ...મેં મારા પગ અને આંગળીઓ હલાવ્યા અને બબડયો કે, 'આ અહીં તો હલે છે, પણ પાણીમાં કેમ નથી હલતાં?' - આવાં વિચારો અટકતાં જ ન હતા!

"સર તમે જેવું કહો એવું હું ના કરી શકું તો મને જાહેરમાં થપ્પડ મારજો." મેં પૂર્ણ ઈરાદાથી એ દિવસે કોચ જોયસરને કહ્યું! ..એ દિવસે જોયસરે કીકિંગની સાચી રીત સમજાવી! હું પગ ખૂબ જ કડક રાખતો હતો, એટલે નસ ચોંટી જતી હતી! હું ઘૂંટણ ભેગાં રાખી માત્ર પગ ઢીલા કરીને કીકિંગ કરવાનું સમજ્યો! એ દિવસ આખો કલાક માત્ર કીકિંગ જ કરી! જોયસર એકદમ શાર્પ નજરે મને જોતાં, અને થતી ભૂલો સુધારતાં, સાચી ટેક્નિક બતાવતાં! મારું આ બીજું અઠવાડિયું રનિંગ હતું, મારી સાથેનાં જે મિત્રો હતાં એ તો બહુ આગળ વધી ગયેલાં, અને પેલો હરીફ મિત્ર તો હવે દસ મીટરથીય વધુ તરી લેતો હતો! હું ડિમોશન પામીને બીજાં અઠવાડિયાના શિખાઉ મિત્રો સાથે થઈ ગયો હતો!

મને સમજાઈ ચૂક્યું હતું કે હું કવીક લર્નર નથી! મને એ પણ સમજાઈ ચૂક્યું હતું કે આપણે આપણાં બાળકો પર કેટલું બધું પ્રેશર આપીએ છીએ - કશુંક નવું શીખવા માટે! બિચારું બાળક પણ મારી જેમ કોશિશ તો કરતું જ હશે ને?.. છતાંય ના શીખી શકે તો આપણે કેટલું જોર લગાવીએ છીએ?? મારી દિકરીમાં જે પણ કાંઈ ઇર્ષ્યાનું તત્વ છે, એ એને મારામાંથી જ મળ્યું હોવું જોઈએ, એ પણ હું સમજી ચુક્યો હતો! હું સમજ્યો હતો કે દરેકનો શીખવાનો સમય એકસરખો ના હોઈ શકે, એટલે ઇર્ષ્યા કરવી નકામી છે! માનસિક રેસ ઉભી કરવાથી દુઃખી તો આપણે જ થઈએ છીએ! આવી સમજણ સાથે હું મારાં એક અઠવાડિયા પછીનાં શિખાઉ મિત્રો સાથે બિલકુલ ઇર્ષ્યા વગર હદયની મિત્રતાથી વધુ ખીલ્યો!

..અને સાચું કહું તો, આ સમજણ આવતાંની સાથે જ, મારું શરીર મારાં પગ અને શરીરનાં બધાં જ અંગો જાણે કે માનસિક બોજથી મુક્ત થઈને જાતે જ તરવા તૈયાર થઈ ગયા!! ..અને હું નાના પૂલમાં સરસ તરવા લાગ્યો! જોયસરનો આભાર માનુ છું કે એમણે મારો હાથ પકડીને સમજાવ્યું કે હું તરતી વખતે શુ ભૂલ કરતો હતો??!!

...હું બીજા દિવસે પાછો 6 ફૂટ પાણીનાં મોટાં પૂલમાં ટ્રાન્સફર થઈ ગયો! ..અને તનુ પાછી થોડી નારાજ થઈ ગઈ!

"બેટા એવું ન માન કે હું પાછો મોટા પૂલમાં ગયો, એટલે મને તારા કરતાં વધુ આવડી ગયું છે! તું ઈર્ષ્યા ન કર. બસ, તું તરવામાં ધ્યાન આપ. તું મારા કરતાં પણ વધુ ઝડપે શીખીશ. ઈર્ષ્યાનો બોજ મનમાં રાખીશ, તો મારી જેમ પાછું આવવું પડશે.. અને આવો માનસિક બોજ લઈને આપણે તરવાનું કેવી રીતે શીખીશું??" - મારી આંતરિક ઇર્ષ્યામુક્તિ બાદ હું હવે મારી દીકરીને આ શીખ આપી શકતો હતો.
*************

નેકસ્ટ ડે, હું જમ્પ લગાવવા તૈયાર હતો! મેં સ્વિમિંગ પુલનાં વમળો લેતાં પાણીને જોયું.. આજે જાણે કે એ મને પરખવા માંગતું હતું કે શું હું ખરેખર માનસિક હલકો થયો છું કે નહિ?? ..કૂદતાં પહેલાં મેં એક સેકન્ડનો પોઝ લીધો.. આંખો બંધ કરી અને.. જમ્પ લગાવ્યો!!

જમ્પથી ઉઠેલાં પાણીનાં બુલબુલાનો અવાજ મારા કાનમાં આવી રહયો હતો!.. એ અવાજથી ગભરાઈને, ડૂબતા બચવા, ફરીથી પહેલાંની જેમ હું હવાતિયાં મારવાનું શરૂ જ કરવાનો હતો કે મને કોચ જોયસરનાં મારો હાથ પકડીને કહેલા શબ્દો યાદ આવ્યા, "જમ્પ માર્યા પછી તરવા માટે સૌથી પહેલાં કીકિંગ કરવાનું..!"

..તરત જ મેં મારા મનમાં, મારી જાતને જોરથી બૂમ પાડી આદેશ આપ્યો, "ના.. હવાતિયાં નથી મારવાના.. હાથ ભેગાં કર.. અને કીકિંગ શરૂ કર."

...એ સાથે જ ઝાંવા મારવા ખૂલેલાં મારા હાથ પાછાં ભેગાં થઈ ગયા! ..અને પગનું કીકિંગ શરૂ થયું! ..હું ધીમેથી તરતો તરતો પાણીની બહાર આવ્યો! ..પાણીનાં બુડબુડીયાનો અવાજ શાંત થઈ ગયો હતો! ..અને હું પહેલીજ વાર દસ મીટર જેટલું તર્યો! ના તો નાકમાં પાણી ઘુસ્યું કે ના ઉધરસ આવી! હું મારી જાતને પાણીની ઉપર તરતાં, મને ખુદને જોઈ શકતો હતો! હું ખૂબ જ ખુશ થયો.. અને બીજાં જમ્પની રાહ જોવા લાગ્યો!

બીજો.. ત્રીજો.. ચોથો.. અને પાંચમો!! પાંચેય જમ્પમાં હું તર્યો!! ..દર વખતે દસેક મીટર જેટલું! નો ડાઉટ, તરવામાં થાક બહુ લાગે, એટલે જબ્બર થાકી ગયો હતો, પણ હું ખુશ હતો, કેમ કે હું તર્યો હતો!

એ દિવસને અંતે મેં જોયું કે મનોજસરે એ હરીફ મિત્ર અને મારી સાથેના પ્રથમ દિવસનાં શિખાઉ 4-5 મિત્રોને સાડા આઠ ફૂટ પાણીમાં 25-50 મીટર લેંથમાં, કોચ સમીરભાઈ પાસે જવા સૂચના કરી! આ જોઈ હું ખરેખર ખુશ થયો.. કેમ કે મારી ઇર્ષ્યાને મારી નાંખવા હસમુખભાઈનું દ્રષ્ટાંત જ કાફી હતું!

હસમુખભાઈ!! - ઉંમરમાં એ સાઈઠની નજીક પહોંચ્યા હશે. તરવાનું શીખવા આવ્યે બીજો મહિનો ચાલુ હતો, તોયે હજુ તરવાનું તો દૂર રહ્યું, પણ કીકિંગ પણ બરાબર નહોતા કરી શકતા! પંદર દિવસ તો એ બાળકોનાં નાના પૂલમાં રહ્યા હશે! છતાંય એ હજુયે એવાં જ જુસ્સાથી સ્વિમિંગ પૂલમાં તરવાનું શીખવા આવતા હતા. જાણે કે પહેલો દિવસ ના હોય! એમની સાથેની બેચવાળા તો હવે જાણકાર પણ બની ગયા હશે..!! કોઈ એમની ઉપર હસે કે ગુસ્સે થાય, તોયે એ એક 'ફાઇટર'ની જેમ બસ, ઇર્ષ્યા કર્યા વગર  પોતાનું તરવા શીખવાનું કામ ચાલુ રાખે છે!! મેં એમને કહ્યું, "કાકા, તમે મારા ઇંસ્પિરેશન છો. તમારી જગ્યાએ બીજું કોઈ હોત.. તો અત્યારસુધી ક્યારનુંયે સ્વિમિંગ છોડી દીધું હોત!"

************

હવે છ ફૂટ પાણીમાં પંદર-વીસ મીટર હું ઇઝીલી તરી લેતો હતો, થાક્યા અને ગભરાયા વગર, શાંતિથી! તરતો ત્યારે પાણીય ન હલે, એમ! ..માટે માત્ર પાંચ દિવસમાં જ મને સાડા આઠ ફૂટ ઊંડાઈના પૂલમાં 25/50 મીટરની લેંથ માટે સમીરભાઈ પાસે મોકલી દેવામાં આવ્યો- કે જ્યાં મારી સાથેની બેચનાં મારા 4-5 મિત્રોને પહોંચે ઓલરેડી પાંચેક દિવસ થઈ ચૂક્યા હતા! મારો પેલો હરીફ મિત્ર મને ત્યાં જોઈને બહુ ખુશ થયો હોય એવું મને ના લાગ્યું! ..કેમ કે એ મારી વાતને ટાળતો-કાપતો અને જમ્પ લગાવવાની લાઈનમાં મારાથી સુપિરિયર હોવાનું વર્તન કરતો! ..જોકે મને કોઈ ફેર નહોતો પડતો કેમ કે હું તો મારી બીજા અઠવાડિયાની બેચના મિત્રો (ઉત્સવ, પરીક્ષિત, પ્રકાશ, ગઢવી, રાસીદ, દીપ, સુરેશભાઈ અને હસમુખકાકા તથા જલાલ પણ ખરાં! ) 25/50 મીટરની લેંથમાં ક્યારે મારી પાસે આવે એની રાહ જોતો હતો!

***********

અહીં મારે પૂલનાં સાડા આઠ ફૂટ ઊંડાઈવાળા ભાગમાં જમ્પ લગાવીને 25 કે 50 મીટર લેંથ તરવાનું હતું.. મૂળ તો હવે સ્ટેમીના ટેસ્ટ હતો, કે આપણે કેટલું તરી શકીએ છીએ?! અહીં પહેલાં દિવસે તો હું 25 મીટરની બે લેંથમાં જ એટલો થાકી ગયેલો, કે બોલવાનોય હોંશ નહોતો રહ્યો!

મારી આપેલી શિખામણની તનુમાં કશુંક તો ફેર આવ્યો હોય એવું ચોક્કસપણે લાગતું હતું! એ હવે માત્ર પોતાનાં સ્વિમિંગમાં જ ધ્યાન આપતી હોય એવું લાગ્યું! સાચું કહું તો, પ્રથમ દસ દિવસ દરમિયાન એને જોઈને એવું લાગતું હતું કે એ સ્વિમિંગ જલ્દી નહિ શીખી શકે! ..પણ હું ખોટો હતો! એણે સ્પીડ પકડી હતી! હું જે દિવસે સાડા આઠ ફૂટના પૂલમાં 25/50 મીટરની લેંથમાં ટ્રાન્સફર થયો, એનાં બીજા જ દિવસે એ પણ મોટાં સ્વિમિંગ પૂલની ટેસ્ટમાં પાસ થઈ ગઈ અને મારી સાથે સાડા આઠ ફૂટનાં પૂલમાં 25/50 મીટરની લેંથમાં આવી ગઈ!

"જોયું ને બેટા.. મેં કહેલું ને?.. કે તું હજુ નાના પૂલમાં છે અને હું મોટાં પૂલમાં છું એનો મતલબ એ નથી થતો કે મને વધારે આવડ્યું અને તને ઓછું..!!'' મેં તનુને કહ્યું અને એ સાથે જ એ ખીલખીલ હસવા લાગી! એનું ઇર્ષ્યા અને અફસોસ વગરનું એ હસવું મને યાદ છે!

*************

ત્રીજું અઠવાડિયું હવે પૂરું થવામાં જ હતું! હું નક્કી કરીને આવેલો કે 'આજે ચાહે જે થાય એ.. પણ હું 50 મીટરની લેંથ મારીને જ રહીશ!'

જેવું 25 મીટરની લેંથ પૂરી થઈ કે શરીર થાકવા લાગ્યું.. છતાંય હું તરતો રહ્યો! જેમ જેમ પાણી છીછરું થતું જાય એમ એમ 50 મીટર પૂરું કરવામાં તાકાત લગાવવી પડતી હતી! કોચ જીગાભાઈ અને ચેતનભાઈ મને જોઈને એક જ વાત કહે, "માસ્તર.. કીકિંગ કરો અને ઘૂંટણ ભેગાં રાખી છેક સુધી વાળો.. ખભો ઢીલો કરો.." ..હું બનતી કોશિશ કરતો જ હતો! ..આખરે એક 50 મીટરની લેંથ પૂરી થઈ!!

પૂલમાંથી બહાર નીકળ્યો, ત્યારે હાથ-પગ દુઃખી ગયા હતાં! ..ખભો ટાઈટ થઈ ગયેલો! ..શ્વાસ એટલો ફૂલી ગયેલો કે બોલવાનાંય હોંશ નહોતા! ..છતાંય બીજી લેંથ મારવાનું મેં મનોમન નક્કી કર્યું! બસ.. અહીં મેં એક મોટી ભૂલ કરી નાંખી કે જે મારે નહોતી કરવી!

*********

બીજી 50 મીટરની લેંથ મારવાનું નક્કી કરીને મેં જમ્પ લગાવ્યો. હું ધીમે ધીમે તરી તો રહ્યો જ હતો, પણ સાથે સાથે હું અનુભવી શકતો હતો કે અતિશય થાકને કારણે મારો માત્ર ડાબો પગ જ કીક કરતો હતો, જમણો નહિ! ખભો તો ઓલરેડી ટાઈટ થઈ જ ગયો હતો એટલે હાથની મુવમેન્ટ પણ ભારે થઈ ગઈ હતી! ..શ્વાસ ફૂલવાને કારણે મોંઢેથી જોરજોરથી શ્વાસ/ફૂંક મારી રહ્યો હતો!! ..છતાંય હું તરતો રહ્યો! ..મને માત્ર 50 મીટર પૂરી થયાની દીવાલ દેખાતી હતી!

..પણ જેવું 25 મીટર ક્રોસ થયું, કે મને સમજાઈ ગયું કે અતિ-આત્મવિશ્વાસમાં મેં મારી ગજા બહારની લિમિટ નક્કી કરી નાંખી હતી! હું પૂલની માત્ર ત્રણ ફૂટ દૂર રહેલી કિનારવાળી દીવાલને પકડવા માંગતો હતો, પણ હું ત્યાં વળી પણ નહોતો શકતો.. પગે તો ઓલરેડી કીકિંગ બંધ જ કરી દીધું હતું.. હું માત્ર હાથની મૂવમેન્ટને આધારે જ હજુયે પાણીની ઉપર હતો.. હું સમજી ગયો હતો કે આઠ ફૂટ પાણીમાં હું અતિશય થાકને કારણે ડૂબવાનો છું.. ડૂબી ના જાઉં એટલે મારું હાથ-પગનું મુવમેન્ટ ઝડપી થઈ ગયું.. દસ-બાર ફૂટ દૂર ઊભેલાં કોચ જીગાભાઈ સામે મેં ડર અને લાચારીથી જોયું.. પણ આંખોમાં ધોળે દિવસે તારા દેખાયાં અને પછી અંધારું થઈ ગયું.. મને છેલ્લે જીગાભાઈનો એટલો જ અવાજ સંભળાયો કે, "વડીલ.. થાય એટલું કરો.. બાકી કિનારે આવી જાઓ.."

હજુ તો હું આ સાંભળું જ છું ત્યાં તો હું ડૂબી ગયો...

ફેફસાંની હવા ખાલી થઈ ગયેલી એટલે એક મોટો પાણીનો બુડકો પીવાઈ ગયો.. પાણીમાં ડૂબતાંની સાથે જ મેં ઉપર જોયું.. વધીને એક ફૂટ જેટલો જ હું પાણીની અંદર હતો.. બહાર આવવા મેં હાથ હલાવ્યા છતાંય ઉપર નહોતો આવી શકતો.. કીકિંગ પણ કર્યું પણ પૂલનું તળિયું જાણે કે હતું જ નહિ.. મોં અને નાકમાંથી નીકળતી હવા/શ્વાસને કારણે નીકળતાં પાણીનાં પરપોટા મને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતાં.. પાણીનાં બુડબુડીયાનો અવાજ પણ સંભળાતો હતો જે ક્રમશઃ ધીમો થઈ રહ્યો હતો.. બસ.. આ મારી અંતિમ ક્ષણ હતી અને હું ડૂબીને મરવાનો જ હતો એવું લાગ્યું!!

...પણ અચાનક જ મને મારી બાજુમાં જ જાણે કોઈએ જમ્પ લગાવ્યો હોય એવું લાગ્યું!! ..અને મને નીચેથી જોરથી કિનારા બાજુ ધક્કો માર્યો!!

શ્વાસ લેવા હવાતિયાં મારતો હું.. જેવો બહાર આવ્યો કે  ફેફસામાં હવા ભરવા જોરથી મોંએથી શ્વાસ લીધો.. અને એ સાથે જ નાક અને મોંમાં પાણી ઘુસી ગયું અને જોરથી ઉધરસનું આક્રમણ આવ્યું..!!

નીચેથી કિનારા બાજુ ધક્કો લાગ્યો હોઈ મેં તરત જ પૂલની દીવાલ પકડી લીધી.. અને ઉધરસ ખાતાં-ખાતાં હું, અતિશય થાકને કારણે, ત્યાંજ માથું ઢાળીને પૂલની દીવાલે લટકી રહ્યો!! ..આ બધું થવામાં માત્રને માત્ર પાંચ થી છ સેકન્ડ જ થઈ હશે..!! પણ જાણે કે મેં મૃત્યુ સમયે થતી ગૂંગણામણનો અનુભવ કરી લીધો હતો!!

ઉધરસ સ્થિર થતા માથું ઉઠાવી મને કોણે બચાવ્યો એ જોવા મેં પાછળ જોયું!! ..મારી પાછળ પાણીમાં કોચ જીગાભાઈ મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા હતા!! ..મેં અહોભાવથી એમની સામે જોયું, અને માત્ર એટલું જ બોલી શક્યો, "થેન્ક યુ."

"આ જ અમારું કામ છે.. એમાં શેનું થેંક્યું??!!" એ માત્ર આટલું જ બોલ્યા!

હું લગભગ ત્રણેક મિનિટ પછી પૂલની બહાર આવ્યો અને ત્યાં જ લગભગ બે મિનિટ સુધી બેસી રહ્યો!! આ અનુભવ મને લાઈફટાઈમ યાદ રહેવાનો છે એમાં કોઈ શંકા નથી!

અતિ-આત્મવિશ્વાસ આપણને ડુબાડીને જ જંપે- એ હું સમજ્યો છું! ગજા બહારનું લક્ષ્ય ના રાખવું- એ પણ હું સમજ્યો છું! સફળતા મેળવવા નાના નાના સ્ટેપ લેવા- એ પણ સમજ્યો છું! ..અને થાય એટલું કરવું- એ તો મને મારી નોકરીમાંય કામ લાગે એવું છે!!

આ ઈંસિડેન્ટ પછી બીજા જ દિવસે મને મારી શરૂઆતની બેચ સાથેનાં 4-5 શિખાઉં મિત્રોની સાથે કોચ આરીફસર, કે જે તરવાનાં જાણકાર હોવાનું ફાઇનલ પરિણામ આપે છે એમની પાસે મોકલવામાં આવ્યો! હું મારા ડૂબવાના અનુભવ પરથી ઘણું શીખ્યો હતો.. એટલે મેં, જ્યાં સુધી પૂર્ણ વિશ્વાસ ન બેસે ત્યાં સુધી, 'આગળ' ના વધવા, મતલબ કે આરીફસર પાસે ના જવા નકકી કરી લીધું!!

**********

આરીફ સર-બિલકુલ નારિયેળ જેવું વ્યક્તિત્વ! ઉપરથી કડક પણ અંદરથી સાવ નરમ! ..પણ આટલાં દિવસથી હું આરીફસરને જોઈને નોંધતો હતો કે એમની પાસે પહોંચ્યા પછી જો કોઈ ડૂબે તો એ એમનાં પર થોડાં કડક બનીને જાતે બહાર આવવા કહેતાં! મારી અંદર થાકી ગયા પછી પાણીમાં ડૂબવાનો એક એવો ડર બેસી ગયેલો કે, મારે પૂર્ણ આત્મવિશ્વાસ વિના એમની પાસે નહોતું જ જવું.. છતાંય ત્યાં જવું પડ્યું! ત્યાં 50 મીટરની એક લેંથ પૂરી કરવામાં મેં ત્રણ બ્રેક લીધાં!

બીજા દિવસે નક્કી કરી લીધું કે હું ત્યાં નહિ જઉં..!! ..અને મારી આ જીદ સફળ રહી! મને પાછો 25/50 મીટરની લેંથમાં રહેવા મંજૂરી મળી ગઈ!!

**********

એક મહિનાનું કઢાવેલું શિખાઉ કાર્ડ પૂરું થવામાં છેલ્લું અઠવાડિયું રહ્યું! શ્રીમતીજી માત્ર પંદર જ દિવસમાં 300/350 મીટર તરી લેતાં હોઈ એ જાણકાર બની જ ગયેલાં. એ માત્ર ફોર્માલિટી ખાતર 'શિખાઉ' તરીકે મહિનો પૂરો કરી રહ્યા હતા. તન્વીએ પણ તરવામાં સ્પીડ પકડી હોઈ માત્ર બે જ દિવસમાં આરીફસર પાસે ટ્રાન્સફર થઈ ગઈ! હવે તન્વી પણ ઇઝીલી 300 મીટર જેટલું તરી લેતી હતી! બાકી રહ્યો હું, કે જે 50-50 મીટરની બે લેંથમાં પણ હાંફી જતો હતો!!

************

આજે તન્વીની ફાઈનલ ટેસ્ટ હતી. લગભગ 320/350 મીટર જેટલું તરવાનું હતું. ઉપરાંત, દસેક મિનિટનું સ્ટેન્ડિંગ અને બે વખત આઠ ફૂટ પાણીમાં છેક નીચે સુધી ડુબાડીને જુએ કે વ્યક્તિ જાતે જ બહાર આવી શકે છે કે નહિ?!

...તન્વીએ ઇઝીલી ટેસ્ટ પાસ કરી નાંખી!

..અને આ દરમિયાન પણ ખબર નહિ કેવી રીતે, પણ હું પણ 50 મીટરની પાંચ લેંથ મારી શક્યો હતો!! પહેલીવાર જ્યારે પાંચ લેંથ પૂરી કરી, ત્યારે કોચ સમીરભાઈ હસતાં હસતાં બોલ્યા, "પાંચ લેંથ પૂરી કરી લીધી એટલે આજે માસ્તર આપણને પાર્ટી આપશે."

હું ક્યાં પાછો પડું એમ હતો?.. લઈ આવ્યો નાસ્તો!! બધાં કોચ સાથે મળીને ઉજાણી કરી!!

********

હવે હું પૂર્ણ આશ્વસ્ત હતો, કે હું થાકને કારણે ડુબીશ તો નહિ જ!! આરીફસર જોડે ટ્રાન્સફર થયો! બિલકુલ ડર્યા વગર પાંચ લેંથ ઇઝીલી પૂરી કરી! એમણે મને પગની કીકિંગ પર ધ્યાન રાખવાનું કહ્યું, જે હવે આસાન હતું!

પરંતુ એક મહિનો પૂરો થયો હોઈ મેં આરીફસરને પૂછ્યું, "સર કાર્ડ પૂરું થયુ છે.. હવે પાંચ લેંથ તો ઇઝીલી મારી જ લઉં છું.. જો આપ મારી ટેસ્ટ લઈ લો તો કાર્ડ રીન્યુ ના કરાવું તો ચાલશે..??"

આરીફસરે થોડું વિચારીને કહ્યું, "બે દિવસમાં તારી ટેસ્ટ લઈ લઈશ.. રીન્યુ ના કરાવતા.."

બધાની સાથે પરીક્ષા આપવી ઇઝી હોય છે, પણ એકલાં પરીક્ષા આપવી એટલી જ કઠિન!! મને નહોતી ખબર, કે એકલાં પરીક્ષા આપવી મારા માટે ખરેખર લિટમસ ટેસ્ટ સાબિત થશે!!

**************

જનરલી જ્યારે બધાની સાથે ટેસ્ટ લેવાય ત્યારે લગભગ 320/350 મીટર જેટલું તરવાનું હોય છે. જેમાં બધાંએ લાઈનસર તરવાનું હોય એટલે પોતાનો વારો આવે ત્યાં સુધી બે-પાંચ મિનિટનો વચ્ચે રેસ્ટ મળી જાય! (તન્વીએ આવો જ ટેસ્ટ આપેલો!) ..પણ એકલાં ટેસ્ટ આપવામાં આવો રેસ્ટ ના મળે! વળી, આરીફસરનું ધ્યાન સતત ટેસ્ટ આપનાર પર જ હોય, એટલે એવો રેસ્ટ લેવા પણ ન દે!!

સ્વિમિંગ પૂલ 50 મીટર લાંબો હતો. એક છેડેથી જમ્પ લગાવીને તરવાનું શરૂ કરીએ અને બીજે છેડે બહાર નીકળ્યા વગર લંબચોરસ આકારમાં U-ટર્ન લઈ બહાર નીકળીએ, ત્યારે 100 મીટર જેટલું તો થઈ જ જાય! ..આવા બે U-ટર્ન!! ઉપરાંત, 60/65 મીટરના બે ક્રોસ! ..અને 50 મીટરની બે લેંથ!!.. ટોટલ કરો તો, લગભગ 420/450 મીટર જેટલું થાય!!

હું એકલો જ ટેસ્ટ આપવાનો હોઈ બે દિવસની ટેસ્ટમાં આરીફસરે પહેલાં દિવસે લગભગ 350/380 મીટર જેટલું તરાવ્યું! ..અને બીજા દિવસે 420/450 મીટર જેટલું તરાવ્યા બાદ લગભગ પંદર મિનિટ જેટલું સ્ટેન્ડિંગ , એ પણ સ્વિમિંગ પૂલની વચ્ચે જઈને!!

સહેજ અટકું ત્યાં તો પાછી સીટી વાગે! "કૂદ.. કૂદ.. લેંથ માર.." જેવાં આદેશો છૂટતાં ગયા અને હું તરતો રહ્યો! બે દિવસની ટેસ્ટમાં લગભગ 800 મીટર ઉપરાંત તર્યો હોઈશ!

સ્ટેન્ડિંગ વખતે એટલો થાકી ગયેલો, કે હું લિટરલી વચ્ચે બાંધેલી દોરીના પાર્ટીશન પર લટકી ગયેલો! ..ત્યાં તો પાછી સીટી વાગી, "કર.. કર.. સ્ટેન્ડિંગ ચાલુ રાખ."

છેલ્લે વારો આવ્યો.. ડૂબાડવાનો!

મને એમ કે કોઈ કોચ આવશે કે જે અચાનક ડૂબાડશે! ..પણ આ ટેસ્ટ લેવા ખુદ ઓથોરાઈઝ પર્સન વત્સલભાઈ આવ્યા! મેં એમને એક મિત્ર મનિષને ડૂબાડતાં જોયેલાં, એટલે હું થોડો ચિંતામાં હતો, પણ કદાચ એ મારો ચહેરો વાંચી ગયા હશે એવું લાગ્યું. એમણે મને ફૂલ સપોર્ટ કર્યો. પાંચ વખત 8 ફૂટ પાણીમાં ડૂબાડયો અને શીખવ્યું કે ગભરાયા વગર બહાર કેમ આવવું?! હું જાતે બહાર આવ્યો ય ખરાં! ..પણ અતિશય થાકી ગયો હતો! ઇચ્છતો હતો કે મને થોડો રેસ્ટ મળે!

...અંતે મારી એક્ઝામ પૂર્ણ થઈ! મને પાસ કરવામાં આવ્યો!!

**********

એક્ઝામ પાસ કર્યા બાદ હું શાવર લઈ બહાર નીકળતો હતો ત્યારે મને મારો પેલો હરીફમિત્ર સ્વિમિંગ પૂલમાં આવતો દેખાયો! એ 'જાણકાર' બની ગયાની વત્સલભાઈની સહી કરાવવા માટે ત્યાં આવ્યો હતો. એણે મારી સામે જોઈ વિજયી અદામાં એનાં હાથમાં રહેલું 'જાણકાર'નું ફોર્મ ફરફરાવ્યું! મારી પાસેથી ક્રોસ થતી વખતે એણે એ રીતે મારી સામે જોયું કે જાણે મને કહેતો હોય કે, "જોયું?.. તારા કરતાં પહેલાં હું જાણકાર બની ગયો!!"

મેં એની સામે જોઈને માત્ર હળવું સ્મિત કર્યું! ..કેમ કે સ્વિમિંગ શીખનાર માત્ર સ્વિમિંગ નથી શીખતો, એ ઈચ્છે તો ઇર્ષ્યા અને અફસોસથી મૂક્ત થઈ આત્મવિશ્વાસનું લાઈફ લેશન પણ શીખે છે!!  ..અને આમેય એને ક્યાં ખબર હતી કે હું પણ 'જાણકાર' બની જ ગયો હતો!!

************

બબીતાને સ્વિમિંગ શીખવતાં જોઈ જેઠાલાલ બોલે છે, "મુજે ભી જલપરા બનના હૈ." સ્વિમિંગ શીખવાનું શરૂ કરતાં પહેલાં હું મજાકમાં આવું બોલેલો, ત્યારથી મારી તનુ મારી પાછળ પડેલી, "પપ્પા, જેઠાલાલની જેમ બોલોને, મુજે ભી જલપરા બનના હૈ. હું તમારો વિડીયો લઈશ."

..અને એને વિડીયો ચાલુ કરી દીધો! આખરે મારે બોલવું પડ્યું, "મુજે ભી જલપરા બનના હૈ."

*************

નેકસ્ટ ટાર્ગેટ.. પોરબંદરનાં દરિયામાં તરવું છે! જોઈએ, ઈશ્વર સાથ આપે તો હું, મારા શ્રીમતીજી અને તન્વી સાથે મળીને તરીશું.. અથવા ડુબીશું!☺️☺️

-યજ્ઞેશ રાજપુત
લ.તા. 31.7.22
(જાણકાર તરીકે તરીને આવ્યા બાદનું આખું લખાણ!)

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0vgtziBeCjmpAkfXkxwLEonB496Ekb4svj7iGUFSCtSoDu6m7D4hJeuDNAZxdu3qpl&id=100002947160151


સોમવાર, 21 ફેબ્રુઆરી, 2022

..અને મેં મારા શ્રીમતીજી સાથે ફરીથી લગ્ન કર્યા એટલે અમે આજેય અમારી બે લગ્નતારીખ ઉજવીએ છીએ!

..અને મેં મારા શ્રીમતીજી સાથે ફરીવાર લગ્ન કર્યા એટલે અમે આજેય અમારી બે લગ્નતારીખ ઉજવીએ છીએ!



(મેં મારા વડીલની વાત માની હોત તો કદાચ આજે હું મારા 'ગમતાં પાત્ર'ને સોશિયલ સાઇટ પર શોધતો હોત! ..કોઈ જુએ નહિ એમ એની ડીપી/પ્રોફાઈલ ચેક કરતો હોત! ..અથવા એને કોઈ કાળીયા/ભદ્દાં વ્યક્તિ સાથે પરણેલી જોઈને કે ડીડીએલજે મુવી જોઈને ક્યારેક તો અફસોસ કરતો જ હોત કે.. 'કાશ મેં થોડી હિંમત કરી હોત તો આજે એ મારી સાથે હોત!')
************

''અમે સમાજમાં જે વહેવાર કર્યો હોય એ ઘરનાં આવા લગ્ન પ્રસંગોમાં તો પાછો આવે!'' ઘરનાં વડીલે દલીલ કરી.

એમની આવી દલીલમાં મારો જવાબ હતો.. ''પાછો મેળવવાની લાલચે થતાં વહેવારને કે સમાજને હું માનતો નથી. તમે માનતા હોવ તો ભાઈના લગ્નમાં એવી ઈચ્છા રાખજો. પાંચ-પચ્ચીસ હજારના વહેવારને પાછો લેવા માટે હું લગ્નમાં લાખો ખરચું, એવો ગાંડો નથી!''

"..પણ તમારે લગ્ન તો કરવા જ પડશે." વડીલે જીદ કરી!

"..તો હું ક્યાં ના પાડું છું?" મેં કહ્યું, "મારી ત્રણ શરતો છે.. તમે એ માનો.. તો હું તૈયાર જ છું! ..બાકી અમે જેવી રીતે રહીએ છીએ એમાં મને તો કોઈ વાંધો દેખાતો નથી!"

મારી આ વાત સાંભળીને વડીલે ગુસ્સામાં મોં ફેરવી લીધું! એટલે મેં મારી શરતો કહેવાનું શરૂ કર્યું, "પહેલી શરત.. સ્ત્રીનાં ઘેરથી કંઈ જ માંગવાનું નહિ, કે કંઈ મળે એવી ઈચ્છા પણ રાખવાની નહિ! બીજી શરત.. લગ્નનો સંપૂર્ણ ખર્ચ હું જ કરીશ, તમારે તમારો એક રૂપિયોય ખર્ચવો નહિ! ..અને ત્રીજી શરત.. મારા સાવ નગણ્ય પગારમાં સમાજના ચાર કુટુંબને જ તમે બોલાવી શકશો.. હવે કયા ચાર કુટુંબને લગ્નમાં બોલાવવા એ તમારે નક્કી કરવાનું!"

હું જાણતો જ હતો કે મારા લગ્ન માટેની આ શરતો મંજુર થવાની જ છે, કેમ કે 'જ્ઞાતિ અને સમાજ'ને ખૂબ માનતા મારા વડીલને 'સમાજના ખણખોદીયા' લોકોનાં સવાલોથી બચવા ભાઈના લગ્ન વખતે અમને સામેલ કર્યા વિના છૂટકો ન હતો! ..પછી ભલે એ અમારા મેરેજનોંધણીનાં સર્ટિફિકેટને સ્વીકારે કે ના સ્વીકારે!!
***********

બાર વર્ષની તરુણાવસ્થામાં મારા મિત્ર નીરવ પટેલને ઘેર 'ડિસ્કવરી'માં ઉદબિલાવ/જળબિલાડીનાં બચ્ચાંની જીવનીનો એક એપિસોડ જોયેલો! માતા ઉદબિલાવ પોતાનાં નાજુક બચ્ચાંને જન્મ આપ્યા બાદ 'સર્વાઇવલ' માટે બધું જ શીખવાડે છે! ..પણ પછી બચ્ચું મોટું થતાં, એ જ માતા ઉદબિલાવ, પોતાનાં બચ્ચાંને જાતે જ ત્યજી દે છે. બચ્ચું ભયાનક જંગલમાં ટકી રહેવા, જીવતું રહેવા ખૂબ સંઘર્ષ કરે છે, અને પોતાનાં 'સર્વાઇવલ' માટે પોતાનાથી પણ ખૂબ મોટાં અને ખૂંખાર ઉદબિલાવ સાથે ફાઈટ કરે છે. એ ઘવાય છે પણ અંતે એને ફાઈટમાં હરાવે છે. ઘવાયેલું બચ્ચું એ નદીકિનારાની સુંદર જગ્યાને પોતાનું ઘર બનાવે છે. થોડાં સમય બાદ.. એ યુવાન બચ્ચું એક સુંદર જીવનસાથીને મેળવે છે, અને પોતાનો 'જિન્સ' આગળ વધારે છે. એ બચ્ચું પોતાનાં 'દમ' પર પોતાનું જીવન જીવે છે.

આ એપિસોડથી હું એટલો પ્રભાવિત થયેલો કે બસ.. મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે 'હું પણ મારાં દમ પર જીવીશ અને લગ્ન પણ મારા દમ પર કરીશ.'
*********

ધો.7માં પહેલાં નંબરે પાસ થઈને આગળ ભણવાનો ખર્ચ જાતે જ ઉઠાવવા, બાપુનગર અંબર ટોકીઝ પાસે 'દિલખુશ રસ સેન્ટર'માં સવારના નવ વાગ્યાથી રાતનાં અગિયાર વાગ્યા સુધી સતત ચૌદ કલાક ઊભાં રહીને, શેરડીનો રસ પીવા આવતા ગ્રાહકોને પાણી પીવડાવવા દરરોજના માત્ર 20₹ લેખે વેકેશનના 35 દિવસનાં લગભગ 700₹ જ્યારે વડીલના હાથમાં આપ્યા, ત્યારે જ સમજાઈ ચૂક્યું હતું કે 'રૂપિયા કમાવા અને જાતે જીવવું સહેલું તો નથી જ!' 

..બસ એ પછી, ધો.૮માં પાકીટ બનાવવાના કારખાને, ધો.૯માં પાણીની પરબે, ધો.૧૦ હીરાનાં કારખાને, ધો.૧૧ ગેરેજમાં અને ધો.૧૨ ચોપડા બનાવતી ગોપી કંપનીમાં લેબરવર્ક કરી ભણવાનો ખર્ચ જાતે જ ઉઠાવવા દરેક વેકેશને કોઈને કોઈ કામે લાગી જતો! તરુણાવસ્થાને અંતે શિક્ષક તરીકેના (ખાનગી શાળા+ટ્યુશનનાં) 1200₹ નો પહેલો પગાર ઘરનાં વડીલના હાથમાં આપતાં જ્યારે એવું કહ્યુ કે, "આને મારા ખાધા-ખોરાકીના ખર્ચ તરીકે ગણજો. હવેથી હું એક રૂપિયોય તમારી પાસેથી નહિ લઉં! હું જે પણ કરીશ, ખુદ કરીશ.. બાકી નહિ કરું!" ..ત્યારે મારામાં એ ઉદબિલાવની જીવનીનું 'સર્વાઈવલ'નું રોપાયેલું બીજ હવે વૃક્ષ બની રહ્યું હતું! થોડાં જ સમયમાં વધુ ટ્યુશન કરીને ખાધા-ખોરાકી અને ઘરભાડાનાં ખર્ચા બાદ કરીને જે પૈસા બચેલા એ બેંકમાં મૂકવા સ્ટાફમિત્ર (અને એફબી મિત્ર પણ!) ડૉ.પ્રભાબેન પટેલને ગેરંટર બનાવી ખુદનું પહેલું ખાતું ખોલાવ્યું ત્યારનો આનંદ અવર્ણનિય હતો! 2007માં નોકરી લાગ્યા બાદ  'ખૂંખાર ઉદબિલાવ'ને હરાવવા જે આંતરિક અને માનસિક 'ઇનફાઈટ' થઈ એનાં વિશે આગળ (https://www.facebook.com/100002947160151/posts/2651717768269769/) લખી ચુક્યો છું! હું જાણ્યે-અજાણ્યે એ ઉદબિલાવને અનુસરી રહ્યો હતો! 

વર્ષ 2009 દરમિયાન હું નોકરીમાં સ્ટેબલ થઈ ચૂક્યો હતો! ત્યારે ડાયરી લખવાનો શોખ હતો. મારા એક મિત્રનાં લગ્ન થતાં મેં એ દિવસે ડાયરીમાં છેલ્લી લીટી લખી, "કાશ.. હવે આ ખાલીપો દૂર કરવા કોઈ મારાં જીવનમાં પણ પ્રવેશે એવી ઈશ્વરને પ્રાર્થના!' 

...અને ઈશ્વરે જાણે કે મારી ડાયરી વાંચી હોય એમ મારી અંદરનો ઉદબિલાવ પાછો સળવળ્યો!!
*********

ડાયરી બંધ કર્યાને બીજે જ દિવસે સીઆરસી તરફથી મેસેજ મળ્યા કે 'મારે માસ્ટર ટ્રેનર તાલીમ લેવાં ગાંધીનગર જવાનું છે!' મારું વતન અમદાવાદ, એટલે ઘરેય જવા મળે, એ લાલચે મેં 'હા' કહી! ..અને હું ગાંધીનગર - કોબા ખાતે પહોંચ્યો!

હું અને બીજા બે-ત્રણ મિત્રો તાલીમમાં મોડાં પહોંચ્યા હોઈ સ્ટેટ અધિકારીએ અમને ખૂબ ખખડાવ્યા! હું કશુંયે બોલ્યા વિના નીચી મૂંડી કરીને બેસી ગયો! ..થોડીજ વારમાં મારા જિલ્લા પ્રતિનિધિ તાલીમનું મટીરીયલ લઇને મને આપવા મારી પાસે આવ્યા એટલે મેં માથું ઊંચું કરી એમની તરફ જોયું અને એમને જોતાં જ જાણે કે હદય એક 'ધબકારો' ચૂકી ગયું! ..હું પહોળી આંખે એ પ્રતિનિધિને જોઈ રહ્યો..!!
.
.
'શું સમય ક્યારેય થંભે ખરા?'
.
.
..હા, થંભે છે! ..મેં પહેલીવાર અનુભવ્યું!!

એ 'બે સેકન્ડ'નો સમય મારા માટે ખૂબ ધીમે ચાલ્યો! બધું જ જાણે કે સ્લોમોશનમાં ચાલતું હતું! એ 'જિલ્લા પ્રતિનિધિ'એ મને જે કહ્યું એ આજેય એમનાં રણકતાં અવાજમાં ક્લિયર સંભળાય છે, "આમાં અત્યારે દિવાસ્વપ્ન નથી. આજ સાંજ સુધીમાં તમને આપી દઈશ." ('દિવાસ્વપ્ન' ગિજુભાઈ બધેકાનું પુસ્તક છે.)

એ બે સેકન્ડનો સમય સાચે જ 'દિવાસ્વપ્ન' નહોતો! એ જિલ્લા પતિનિધીને જોઈને હદયમાં ઘંટડી વાગી કે 'લગ્ન કરવા તો આની સાથે, બાકી નહિ!'

ઉંમરના ચોવીસનાં પડાવે પહોંચવા દરમિયાન જેટલી લેડીઝના સંપર્કમાં આવેલો, એમની સાથે ભાગ્યેજ વાત કરી હશે! ..અને ક્યારેક વાત કરવાની થાય તો પણ પરસેવે રેબઝેબ થઈ જતો! ..જીભ થોથવાઈ જતી! ..'એ થપ્પડ મારશે તો..?' એવી બીક પણ લાગતી!.. 
(કેશોદમાં ચૂંટણી અધિકારી તરીકે ગયો ત્યારે અમારી સુરક્ષા માટે પંજાબી બ્લેક કમાન્ડો હતા. રાત્રે એમની સાથે સત્સંગમાં બેઠો ત્યારે એમણે મારા 6 ફીટ અને 52 કિલો વજનના સુકલકડી શરીરને જોઈને પૂછ્યું, "સાહબ, આપકી કોઈ ગર્લફ્રેન્ડ હૈ ક્યા?" મેં 'ના' પાડી તો મને કહે, "આપ ગર્લફ્રેન્ડ બના લો, આપકા વજન બઢ જાયેગા!") 
  ..પણ અહીં જાણે ઈશ્વરીય સંકેત હતો! હિંમત એકદમ ખુલી ગયેલી! મનોમન નક્કી કર્યું કે 'આ ત્રણ દિવસની તાલીમમાં એવું તો કંઇક કરી જ દેખાડવું કે એ 'જિલ્લા પ્રતિનિધિ'ની નજરમાં આવી જઈએ!'

..અને કુદરતી થયું પણ એવું જ! મારા પર્ફોર્મન્સનાં જોરે હું એ 'જિલ્લા પ્રતિનિધિ'ને ઠીક ઠીક પ્રભાવિત કરી શક્યો! જિલ્લાના માસ્ટર ટ્રેનર તરીકે અંતિમ દિવસે મેં સામેથી એમની પાસે જઈ એમનો કોન્ટેકટ નંબર માંગ્યો. નંબર સેવ કરતા મેં એમને કહ્યું, "હું તમારા નામની પાછળ 'બેન' નહિ લખું!''

..આ સાંભળતા જ એમણે તરત મારી સામે જોયું! સ્ત્રી સહજ છઠ્ઠી ઇન્દ્રિયથી એ સમજી જ ગયા હશે કે 'હું શું કહેવા માંગતો હતો!!?'

અંતિમ દિવસે એમણે મને બે 'દિવાસ્વપ્ન' આપેલાં! થોડાં દિવસની ફોનમાં થયેલી ફોર્મલ વાતચીત અને ટ્રેનિંગ દરમિયાનની મુલાકાતમાં એમણે એવું કશુંક તો મારામાં જોયું જ હશે કે જેનાંથી અમે નજીક આવી શક્યા!
**********

હું દસ-બાર વર્ષનો હોઈશ ત્યારે સરસપુરની એક ચાલીમાં ભાડે રહેતા હતા! ઘરમાં ટીવી નહોતું એટલે 'શક્તિમાન' જોવા બાજુના ઘરમાં જતો! મને પાણીની તરસ લાગી તો એ પડોશી 'ભલીબાઈ'એ મને પાણી પીવા આપ્યું! મેં એમનાં ઘેર પાણી પીધું એમાં મારા વડીલ મને ખૂબ વઢેલા, કેમ કે હું એમને મન 'અભડાઈ' ગયેલો!

(મને મળેલાં આ 'ઠપકાં'ના બદલામાં મારા મિત્ર રાજેશ પરમારના ઘેર મેં ખાવાનું શરૂ કરી દીધેલું અને મારા વડીલને કહેલું, "મારે જોઉં છે કે એમનાં ઘેર ખાવાથી મને શું થાય છે?" ..હું સ્વીકારું છું કે સમયાંતરે ઘરનાં વડીલોનાં આવા ઘણા રૂઢિચુસ્ત વિચારોની સામે મારા બંડખોર સ્વભાવે મને માનસિક રીતે ધીમે-ધીમે એમનાંથી દૂર કર્યો છે!)

હવે જે કુટુંબની વિચારધારામાં 'પોતાની જ'  જ્ઞાતિ અને સમાજનું પ્રભુત્વ હોય ત્યાં મને ગમતાં બીજી જ્ઞાતિનાં પાત્રને તેઓ કેવી રીતે સ્વીકારે?? વળી, અમારી વચ્ચે ઉંમરનો પણ ગૅપ હતો! સખત દલીલોની વચ્ચે મેં દ્રઢતાથી કહ્યું, "..પણ મને એ ગમે છે!"  ..એ દિવસે સખત શાબ્દિક અપમાન થયું! આ અપમાન અસહ્ય હતું. 

મેં કશું બોલ્યા વિના મારી બેગ ભરી અને વેકેશન હોવા છતાં, પાછા નોકરીના સ્થળે પહોંચી જવા ઘરેથી તાત્કાલિક વિદાય લીધી! આઠેક કિમી ચાલતા ચાલતા હું એસ.ટી. પહોંચ્યો ત્યારે બપોરના એક વાગી ચૂક્યો હતો! છ કલાક પછી સાંજે સાત વાગ્યે ઉનાની બસ હતી. વડીલને આ રીતે ગુસ્સામાં છોડી જવું યોગ્ય નહોતું લાગતું, એટલે મનમાં નક્કી કર્યું કે 'જો આ છ કલાકો દરમિયાન વડીલ તરફથી મને એક પણ ફોન આવશે તો હું પાછો ઘેર પાછો ફરી જઈશ!' 

સાંજે સાત વાગ્યા, પણ વડીલ તરફથી એકપણ ફોન ન આવ્યો! હું હજુયે રાહ જોવા તૈયાર હતો.. સાત પછી આઠ વાગ્યાની બસ હતી.. અને છેલ્લી બસ સાડા આઠે હતી! મેં સાડા આઠ સુધી, ઘરેથી એક પણ ફોન (છેવટે મિસ્કોલ પણ!) આવે એની રાહ જોઈ, પણ કોઈ ફોન ન આવ્યો!

વડીલ તરફથી તો છોડો, પણ ઘરનાં કોઈ બીજા સભ્યોએ પણ મને કોઈ જ ફોન ન કરતા હું સખત નિરાશ થયો! 'મેં એવું તો શું કરી નાંખેલું કે ઘરે કોઈને મારી જરૂર જ ન હતી'.. એ હું સમજી ન શક્યો! મેં સાડા આઠની ગાંધીનગર-કોડીનાર બસમાં બેસી અમદાવાદથી વિદાય થવાનું નક્કી કર્યું.
************

ઘરેથી નીકળ્યે આઠ મહિના જેટલો સમય વીતી ચૂક્યો હતો, છતાંય વડીલ તરફથી ન તો કોઈ જ ફોન આવ્યો, કે ન મેં એમની સાથે ક્યારેય વાત કરી! આ દરમિયાન હું ભલે અમદાવાદ જતો નહોતો, પણ મને ગમતાં એ 'જિલ્લા પ્રતિનિધિ' પોતાની જોબને કારણે જ્યારે ગાંધીનગર જાય ત્યારે અમદાવાદ મારા ઘરે બધાને મળવા ચોક્કસ જતા! મારા વડીલ મારી સાથે ચાહે જેવું વર્તન કરે, પણ મારા 'ગમતાં પાત્ર' સાથે હંમેશા સારી રીતે વર્તતા હતા! 

'વડીલ સામે શું જીદ કરવી?' એવું વિચારી એકદિવસ મેં સામેથી, ફરીવાર મને 'ગમતાં પાત્ર' બાબતે વાત કરવા વડીલને ફોન કર્યો, પણ હજુયે એ મારી સાથે સરખી રીતે વાત કરવા તૈયાર ન હતા! એમણે ફોન ઉપાડ્યો તો ખરાં, પણ મારો અવાજ સાંભળીને બાજુમાં મૂકી દીધો!! હું 'હેલો.. હેલો..' કરતો રહ્યો, પણ ઘરનાં કોઈએ વાત કરવાની પણ તસ્દી ન લીધી! મેં મારો 'ટાટા'નો ફોન ત્યારે ગુસ્સામાં પછાડી તોડી નાંખેલો! હું સમજી ચુક્યો હતો કે હવે મારા ઘરે વડીલ તરફથી કોઈ પણ પ્રકારની આશા રાખવી નકામી છે. 
***********

આ સમય દરમિયાન હું મારા 'ગમતાં પાત્ર'ની સાથે નિયમિત ફોન કોન્ટેકટમાં હતો! મારા મનની બધી 'ભડાશ' હું 'સાથી' સાથે શૅર કરતો. કલાકો સુધી ફોન પર વાતો થતી. એકાદ દિવસની રજામાં ક્યારેક રૂબરૂ પણ મળતા. 

એકવાર 'સાથી'એ મને એની મોટીબેનને મળવા બોલાવ્યો. એમણે જે રીતે એમની મોટીબેનનું વર્ણન કરેલું..?!! ..એ જોતાં નક્કી જ હતું કે એ મને ચોક્કસ જાહેરમાં થપ્પડ મારશે! ..હું ડરતાં ડરતાં પણ ફૂલ લઈને ગયો, અને એમની 'આંખમાં આંખ' મિલાવીને હિંમતથી એમને ફૂલ આપ્યું!! ..પછી શું??...
.
.
કશું ખોટું કરવાનો ભાવ હદયમાં હોય જ નહિ, તો કોઈ થપ્પડ શું કામ મારે??

નાનકડાં ગામમાં આવી વાત બહુ વધુ સમય છુપાયેલી રહેતી નથી! સ્થાનિક આગેવાન કહી શકાય એવાં એક વ્યક્તિને અમારી કોઈક રીતે ખબર પડી ગઈ! મારું 'ગમતું પાત્ર' અને એ આગેવાન એક જ જ્ઞાતિનાં હતા. એણે મને ફોન કરી બોલાવ્યો, અને 'કરડાકુ' મોં કરી કહ્યું, "તું જે કરે છે એ બંધ કરી દેજે." ..એની આવી વાતથી હું તો ડરી ગયેલો, કારણ કે હું એની આર્થિક, સામાજિક અને રાજકીય.. બધી જ પ્રકારની વગથી થોડો ઘણો પરિચિત હતો! 

જો કે મને સૌથી મોટો ડર 'છોકરી' તરફનો જ હતો, કેમ કે જો અણીનાં સમયે છોકરી ફરી જાય તો પોલીસ 'ઢાંઢા' ભાંગી નાંખતા સહેજેય વિચાર ન કરે! મારા ઘરની બાજુમાં ગીર-જંગલનો એક ડુંગરો હતો. ત્યાં એક મંદિર હતું. હું ત્યાં એકલો જઈને બેઠો, અને વિચારે ચડ્યો, 'ઘરનો તો કોઈ સપોર્ટ છે જ નહિ, કે નથી આખા સૌરાષ્ટ્રમાં કોઈ સગુ-વ્હાલું! નોકરી વગર છોકરી લાવું તો એને ખવડાવવું શું?..' 

લગભગ ત્રણેક કલાક બાદ મેં આખરે એક નિર્ણય કર્યો..!!
**********

"જો.. મારો પગાર ખાલી ૨૫૦૦₹ છે! આઠ આનાનુંયે કોઈ જાતનું વ્યસન નથી! તને એવું લાગતું હોય કે તું આટલા રૂપિયામાં ઘર સંભાળી શકીશ, તો હું મેરેજ માટે તૈયાર છું! મારા ઘરનાં દરવાજા તારા માટે ખુલ્લાં જ છે, આવી જા ઘરે! ભરોસો રાખજે, જેટલું શક્ય બનશે એટલું સારી રીતે તને રાખીશ, ભૂખે નહિ રહેવા દઉં!" મેં દ્રઢતાથી મારાં 'ગમતાં પાત્ર'-એ પ્રતિનિધિને કહ્યું.

મારા 'ગમતાં સાથી'નો રિસ્પોન્સ પોઝિટિવ જ હતો! ..એટલે મેં એમને એમનાં ઘરે મારી વાત કરવા કહ્યું. થોડાં દિવસ પછી જવાબ મળ્યો, "વેઈટ એન્ડ વૉચ!"
**********

એકાદ-બે મહિના માંડ વીત્યાં હશે ત્યાં એવું થયું કે અમારે ઘરે કોઈનેય જાણ કર્યા વિના જ તાત્કાલિક 'કોર્ટમેરેજ'નો નિર્ણય કરવો પડ્યો! મારી શાળાનાં ભૂતપૂર્વ આચાર્ય પ્રધાન સાહેબ, કે જેઓ એલ.એલ.બી. હતા, મેં એમને ફોન કર્યો અને બધી જ વાત કરી કહ્યું, "સાહેબ, અમારે કોર્ટમેરેજ કરવા છે."

લાંબી મૂછો અને સ્વભાવે નીડર એવાં પ્રધાન સાહેબે પ્રાથમિક સવાલો પૂછ્યા બાદ અમારા જવાબથી સંમત થઈ 'તથાસ્તુ' કરતાં જ અમે અમારાં ડોક્યુમેન્ટ એમને આપ્યા, અને પંદરેક દિવસમાં અમારા હાથમાં લીગલી 'કોર્ટમેરેજ'નું સર્ટી હતું! તારીખ હતી.. 21.2.10, એટલે કે બરાબર બાર વર્ષ પહેલાંની.. આજની!

મેરેજનોંધણી બાદ અમે લીગલી તો પતિ-પત્ની બની ચુક્યા હતા, છતાંય સાવ અંગત મિત્રો સિવાય કોઈનેય અમારા મેરેજની જાણ ન હતી! ગિરનારીબાબાનાં ચરણોમાં, ગિરનાર પર્વતનું 'પચાસમુ પગથિયું' એક દિવસની રજામાં એકબીજાને મળવાનું અમારું નિશ્ચિત સ્થાન બની ચૂક્યું હતું! લગભગ ત્રણેક મહિના સુધી આમ ચાલ્યું હશે, પણ સાવ ઓછાં પગારમાં વારેઘડીએ ગિરનાર આવવું-જવું મને પોસાતું ન હતું. આખરે મેં જીદ કરી, "હવે એક દિવસ નક્કી કરી લો.. અને આવી જાઓ મારા ઘરે!"

અર્ધાંગિનીજીએ કહ્યું, "તમે એક સારું મકાન રાખી લો, હું આવી જઈશ!"

એમની જિલ્લા પ્રતિનિધિની જોબ હજુ ચાલુ હતી એટલે મેં પૂછ્યું, "..પણ તમારી નોકરી ચાલુ છે ને?"

"કેમ?.." એમણે મારી સામે જોઈ પૂછ્યું, "તમે છો ને..?"

"હું તો છું જ..!" મેં દ્રઢતાથી કહ્યું, "..પણ તમને એવું તો નહિ લાગે ને, કે મારા કારણે તમારે નોકરી છોડવી પડી?"

"એપ્રિલમાં મારો અગિયાર મહિનાનો જોબ-કોન્ટ્રેક્ટ પૂરો થાય છે. મે મહિનામાં હું આવી જઈશ."
**********

મે-૨૦૧૦ ની પહેલી તારીખ, વેકેશનની શરૂઆતે ગોપાલસાહેબની મદદથી મેં એક મકાન ભાડે રાખ્યું! મારા અર્ધાંગિની એ દિવસે મારો સામાન હેરફેર કરવા પણ આવ્યા અને સાંજે પાછા ફરતી વખતે કહ્યું, "હું ત્રણ દિવસ પછી ચાર તારીખે સાંજે અહીં આવી જઈશ. મને બસ સ્ટેન્ડે લેવા આવજો!"

....અને ચાર તારીખ સવારથી અર્ધાંગિનીનો ફોન સ્વીચઓફ આવતો હતો!

અમદાવાદ છોડયે એક વર્ષ પસાર થઈ ગયું હતું! મેં આમેય ઘર-કુટુંબ તરફથી બધી આશા છોડી દીધેલી, એટલે કોર્ટમેરેજ કરી લીધાંની હજુયે કોઈને જાણ નહોતી કરી! ...અને એ જ દિવસે મારા વડીલ અને ભાઈનું નવા ઘરે આગમન થયું!! ...કેમ કે મારા ભાઈની સગાઈ નક્કી થઈ હતી!
**********

છેક.. એક વર્ષ પછી વડીલને ઘરે જોઈને રાજી થવાને બદલે મારી ચિંતા બેવડાઈ ગઈ હતી! 

બિલકુલ સામાજિક રીતરિવાજ મુજબ જ ભાઈની સગાઈ કરવાની હોઈ જો હું જ સગાઈમાં હાજર ન હોઉં તો મારા વડીલ, સમાજનાં લોકોને શુ જવાબ આપે?? ..એટલે એમનું મારા ઘરે આવવું વાજબી જ હતું! વળી,
સાંજે ચાર વાગે મારા અર્ધાંગિની આવશે કે નહિ, એ એમનો ફોન સ્વીચઓફ આવતો હોઈ મને ખબર જ નહતી! ..અને બીજું, વડીલને કેવી રીતે કહેવું કે ભાઈના લગ્ન પહેલાં મેં મેરેજ કરી લીધાં છે?? ..અને આજે પાછા મારા અર્ધાંગિની 'ગૃહપ્રવેશ' પણ કરવાનાં છે, જો આવી જશે તો..!!

ચાર વાગતાં પહેલાં મેં જેમતેમ કરીને ભાઈ અને વડીલને મારી બાઈક આપી સોમનાથ દર્શન કરી આવવા મનાવી લીધા! ..અને હું બસ સ્ટેન્ડે પહોંચી ચાર વાગ્યાની રાહ જોવા લાગ્યો! હું સતત મારા અર્ધાંગિનીને કૉલ કરી રહયો હતો પણ ફોન હજુયે સ્વીચઓફ જ આવતો હતો! ઘડિયાળનો કાંટોય ખસતો જ નહતો! 

'અર્ધાંગિનીજીએ એમનાં ઘેર શુ કહ્યું હશે?', 'કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને?', 'ફોન કેમ સ્વીચઓફ હશે?', 'અર્ધાંગિનીની જગ્યાએ જો ક્યાંક પોલીસ આવી તો?', 'ભરબજારમાં વડીલની સામે ઈજ્જતના ધજાગરા છૂટી જશે?!' ...અનેક સવાલોથી માથું ભમી રહ્યું હતું!!

..બરાબર ચારને પાંચે બસ આવી! 

મારા પર પૂર્ણ ભરોસો રાખીને મારી 'જીવનસાથી', પોતાની જોબ-કુટુંબ છોડીને, બે બેગ લઈને, હંમેશ માટે મારી સાથે રહેવા, બસમાંથી નીચે ઉતરી! ..એમને જોઈને મારા શરીરમાં વિજળીવેગે એક ઝણઝણાટી પસાર થઈ ગઈ! ..'હાશકારા' સાથે મારી અંદર મિશ્ર ભાવો દોડી રહ્યા હતા! હું સંપૂર્ણ સભાન અવસ્થામાં જાણતો હતો કે 'હવે આ 'જીવનસાથી'ને સાચવવાની સંપૂર્ણ જવાબદારી મારી છે!'

મેં એમની બેગ લીધી, અને તરત જ કહ્યું, "અમદાવાદથી વડીલ અને મોટાભાઈ આવ્યા છે! શું કરવું એ મને કંઈ ખબર નથી પડતી!"

અમદાવાદથી વડીલ આવ્યાની વાત સાંભળી શ્રીમતીજીનાં ચહેરા પર આવેલી સફેદીને હું જોઈ રહ્યો! ..પણ મને ગળા સુધી ખાતરી હતી કે, 'મેં પસંદ કરેલું પાત્ર મારા કરતાં વધુ મેચ્યોર છે! એ ચોક્કસ બધું સાંભળી લેશે!'

મોટાભાઈ અને વડીલને સોમનાથ મોકલેલાં એટલે એમની ગેરહાજરીમાં મારા અર્ધાંગિનીજીએ 'ગૃહપ્રવેશ' કર્યો અને થોડી જ વારમાં એક ચમત્કારિક મેસેજ મળ્યા..
.
'સરકારે મારો ફિક્સ પગાર 2500₹ થી વધારીને 4500₹ કર્યો હતો!'

'હાશ.. હવે શ્રીમતીજીને હું વધુ સારી રીતે રાખી શકીશ!' મારા મનમાં થયું! ..જોકે બધી ખુશી વડીલ ઘરે આવે ત્યારે શું થશે, એનાં પર હતી!!
***********

અંતે એ જ થયું..!!
વડીલ બીજા જ દિવસે કશું જ બોલ્યા વિના અમદાવાદ જવા રવાના થઈ ગયા! 

મેં રોક્યા પણ નહિ, કેમ કે મને હજુ 'સ્થાનિક ડર' હતો! વડીલની સામે 'કશું ન બનવાનું બને' એનાં કરતાં, એમને અહીંથી જવા દેવાનું જ મને ઠીક લાગ્યું! મારા શ્રીમતીજીની 'મક્કમતા' જ મારા સ્થાનિક ડરની સામે મારી ઢાલ બનીને ઉભી હતી' -એ હું સારી પેઠે જાણતો હતો! 

મનમાં સખત ડર વચ્ચે પંદરેક દિવસ બાદ શ્રીમતીજીના ઘરેથી ફોન આવ્યો, "તમે બંને ઘરે આવો."

મારામાં એવો કોઈ 'એબ' નથી, કે જેનાં કારણે મારો કોઈ અસ્વીકાર કરે, એવું હું આજેય મારા માટે માનુ છું! પૂર્ણ નિષ્ઠાથી મારી ફરજ બજાવુ છું અને કોઈ જ જાતના ખોટાં રસ્તે ફસાયેલો નથી. બને એટલું સત્યની નજીક રહેવા પ્રયાસ કરું છું અને જ્ઞાતિવાદને બિલકુલ ગણકારતો નથી. જે પણ કર્યું હતું એ પૂર્ણ હિંમત અને સંપૂર્ણ જવાબદારીથી કર્યું હતું, એમાં મારો સ્વીકાર કરવો જ રહ્યો! 

શ્રીમતીજીનાં ઘરેથી આજે પણ સૌ એમની દીકરી, એટલે કે મારા અર્ધાંગિનીજી બાબતે બિલકુલ નિશ્ચિંત છે!!
************

સમાજમાં મારા વડીલને કોઈ સવાલોના જવાબ આપવા ન પડે, એટલે દોઢેક વર્ષ સુધી હું અમદાવાદ આવવાનું ટાળતો રહ્યો! ..જોકે નજીકના કુટુંબીજનોને તો ખબર પડી જ ગઈ હતી કે અમે કોર્ટમેરેજ કરી લીધા છે!

આખરે ભાઈના લગ્નની તારીખ નજીક આવતા વડીલે જીદ કરી કે 'અમે સામાજિક રીતરિવાજ મુજબ ચાર ફેરા ફરીને લગ્ન કરીએ, જેથી સમાજમાં સૌ અમને સ્વીકારે!'

મારા અભાવોમાં વીતેલાં બાળપણમાં સમાજનું કોઈ ક્યારેય અમારા ઘરે આવ્યું જ નહતું કે ના અમે ક્યારેય કોઈનાય ઘેર ગયા! ..એટલે હું ભાગ્યેજ જ્ઞાતિસમાજના કોઈને ઓળખું છું અને કદાચ એટલે જ, મારે મન જ્ઞાતિસમાજનું આજેય કોઈ મહત્વ નથી! મારે મન હંમેશા જ્ઞાતિ-સમાજ કરતા વ્યક્તિનું મહત્વ વધુ રહ્યું છે. હવે હદયમાં જ્યાં 'વસુધૈવ કુટુંબકમ્'નો ભાવ પ્રબળ હોય ત્યાં 'જ્ઞાતિસમાજ-કુટુંબ' ગૌણ બની જાય છે. 

વડીલની જીદને કારણે હું ફરીવાર મારી જ 'અર્ધાંગિની' સાથે લગ્ન કરવા તૈયાર તો થયો, પણ હું જાણતો જ હતો કે.. સમાજમાં લગ્ન બાબતે ચાલ્યા આવતાં રીતિરીવાજોની સામે મારો બંડખોર સ્વભાવ મને, ફરીથી મારા જ વડીલ/કુટુંબની સામે સંઘર્ષમાં ઉતારશે!!
********

લગ્ન એટલે બે વ્યક્તિ 'સ્વેચ્છા'થી એકબીજાને પસંદ કરી પોતાનું જીવન રાજીખુશીથી વિતાવે છે એવું હું માનું છું! માતા-પિતાએ પોતાનાં બાળકોને એટલાં કેપેબલ તો બનાવવા જ જોઈએ કે એ સાચા-ખોટા વ્યક્તિની કંઈક અંશે પરખ કરી શકે, અને બાળકોએ પણ સાવ માતા-પિતા પર ડિપેન્ડ રહેવું ના શોભે! દુષ્યંત-શકુન્તલાના 'ગાંધર્વ વિવાહ' અને સુભદ્રા-અર્જુનના ભાગીને કરેલાં લગ્ન પણ મારા મતે એટલાં જ પવિત્ર છે જેટલાં રામ-સીતાના લગ્ન! ..કેમ કે અંતે તો સ્ત્રીને જ 'સ્વયંવર'નો હક છે. 

આપણાં પિતૃપ્રધાન સમાજમાં હાલ સાવ ઊલટું છે! છોકરાંવાળા મૂછો ઊંચી રાખે છે, જ્યારે છોકરીવાળા 'બિચારાં' બને છે! લગ્ન પછી અપાતાં 'સાજ-સામાન' નવદંપતિ પોતાનું જીવન જાતે જ જીવે/સહવાસ કરે એ માટે હોવો જોઈએ, નહિ કે સમાજમાં પોતાનું 'સ્ટેટ્સ' દેખાડવાનાં મોહ માટે! આજેય શા માટે લગ્ન પછી છોકરીને આપવાના સામાનના ટ્રેકટર/ખટારાઓ ભરાય છે?? ખટારાઓ ભરાય એટલું કોઈ માંગે તો 'ખતરો' સમજવું જોઈએ!

ખરેખર તો, મધ્યમવર્ગના દરેક લોકોએ છોકરીઓને લગ્ન બાદ સામાનના ખટારાઓની જગ્યાએ લગ્ન પહેલાં ભરપૂર શિક્ષણ આપવાની જરૂર છે. લગ્નમાં દંભ-દેખાડા માટે થનારાં ખર્ચની રકમને ઓછી કરી, નવદંપતિ જાતે જ એમની 'જીવનનૈયા' પાર પાડે એ માટે એમની 'ભવિષ્યનિધિ' તરીકે ઇન્વેસ્ટ કરી આપવી જોઈએ. ..જેથી મુશ્કેલીનાં સમયમાં વ્યક્તિ ખુદદાર બની એ રકમનો ઉપયોગ કરી શકે! અહીં માત્ર મધ્યમવર્ગની જ વાત થાય છે, જો તમે કરોડોપતિ હોવ તો વાપરોને.. કોણ રોકે છે? ..પણ દેખાદેખીમાં 'ઘર બાળીને ઘી ન પીવું જોઈએ!'
***********

હવે લગ્ન અંગેના મારા આવા વિચારોની સામે મારા વડીલની સમાજના લોકોને 'અમે લગ્ન કરીએ છીએ' -એ દેખાડવાની જીદને હું એમને એમ તો પૂરી કરું એમ હતો નહિ! ..એટલે મેં લગ્ન માટેની ત્રણ શરતો રાખી! (જે લેખની શરૂઆતમાં જ બતાવી છે.) 

દોઢેક મહિનાનાં અબોલા પછી મારી ત્રણેય શરતો મંજુર થઈ, અને એ સાથે જ મારી પેટા શરતો ચાલુ થઈ!
.
'લગ્ન ગાયત્રી મંદિરમાં સાદાઈથી થશે!'
'લગ્નમાં પહેરવાનાં કપડાં એવાં હોવા જોઈએ, કે જેને રૂટિનમાં અમે પહેરી શકીએ.. હું નથી ઇચ્છતો કે મોંઘભાવના કપડાં માત્ર એક દિવસ પહેર્યા પછી કબાટમાં જગ્યા રોકે!'
'સ્ત્રીનાં ઘેરથી કોઈ વસ્તુ આવે તો એ વસ્તુ સ્ત્રીધન છે. એ વસ્તુ વાપરીએ એમાં હરકત નહિ, પણ એમાં આપણો કોઈ હક જતાવવો નહિ!'
'લગ્નમાં હું કોઈને હેરાન કરવા માંગતો નથી, એટલે લગ્નમાં મહેમાનોને સીધાં હોટલમાં જમવા લઈ જઈશું, જેથી તેઓ જમ્યા બાદ સીધાં પોતાનાં નિશ્ચિત ટાઈમટેબલ પ્રમાણે પોતાના કામે જઈ શકે!'

'કોર્ટમેરેજ થકી પહેલેથી જ અર્ધાંગિની' એવી મારી પત્નીજીને પણ મેં અંગતમાં પહેલેથી જ એવું કહી રાખેલું કે, ''હું તમને આપું એ, અને તમારા ઘેરથી તમને મળે એ જ તમારું છે! મારાં ઘેરથી તમને કંઈ પણ મળે એ તમારું નથી, એ યાદ રાખજો! મારા ઘેરથી મળેલી વસ્તુઓ કોઈ પાછી માંગે તો રાજીખુશીથી આપી દેજો, એમાં કોઈ હક રાખતા નહિ.. ઈવન મંગળસૂત્રમાં પણ નહિ!! હું તમને જ્યારે ખુદના દમ પર મંગળસૂત્ર લઈ આપું ત્યારે જ તમે મંગળસૂત્ર પહેરજો, બાકી ના પહેરતાં!''

...અને આખરે ગાયત્રી મંદિરમાં લગ્નની નિશ્ચિત તારીખ 6.11.11 આવી ગઈ! વહેલી સવારે હું જ મારાં લગ્નના હાર-ફૂલ લેવા ફુલબજારમાં ગયેલો! બાપુનગર ગાયત્રી મંદિરે સવારે જઈ મેં જ ખુરશીઓ ગોઠવેલી! સવારે નવ વાગ્યે લગ્ન શરૂ થયા.. સાડા અગિયારે લગ્નવિધિ પતી, અને ત્યાંથી સીધા હોટલમાં મહેમાનોને જમાડી સાડા બાર સુધીમાં બધાં છૂટાંય પડી ગયા! મારી બચતનાં ૩૫૦૦૦₹ માંથી ૨૮૦૦૦₹માં લગ્ન પણ ખુદના દમ પર જ કર્યા!

..અને આ રીતે અમે બંને મારા ભાઈના લગ્નમાં હાજર રહેવા લાયક બન્યા- લગ્નનો સામાજિક દેખાડો કરીને!!
થોડાં જ વખતમાં મારા અર્ધાંગિનીજીએ લગ્નમાં ઘરેથી મળેલી દરેક વસ્તુઓ પરત કરી દીધી.
*************

અમે આજેય અમારી બે લગ્નતારીખ ઉજવીએ છીએ. મોટેભાગે હું 21.2.10 વાળી લગ્નતિથીને વધુ માનું છું. 

લગ્નતિથી નિમિત્તે છેલ્લાં કેટલાંક વર્ષોથી મારા શ્રીમતીજીને નિશ્ચિત કંઈક ભેટ આપું છું. ભેટ પણ કેવી હોય??.. કે જે અમારું ઘર સાચવવાની એમની મહેનતને ઓછી કરે!.. મતલબ કે.. મીક્ષર, સેન્ડવીચ ટોસ્ટર, વોશિંગ મશીન, બ્લેન્ડર, ઘરઘંટી, ઓનલાઈન કલાસ લઈ શકે એ માટે ફોન, વોર્ડરોબ, જયુપીટર.. અને સાથે એક મસ્ત મજાનું ફૂલ પણ ખરું!! 

લગ્નના અગિયાર વર્ષ પછી છેક ગયે વર્ષે એમને મંગળસૂત્ર આપી શક્યો..!! ઘરનાં સાદા કપડાંમાં જ્યારે એમને મંગળસૂત્ર પહેરાવ્યું ત્યારે.. જાણે કે અમે પહેલીવાર લગ્ન કર્યા હોય એમ એમનો ચહેરો મહેકી રહ્યો હતો!

આજ સુધી એમને મારી પાસેથી એક જ વસ્તુ માંગી છે, જે હું મોટેભાગે હસીને ટાળી દઉં છું!
"એય સાંભળો ને.. તમારાં માટે કપડાં લઈ આવીએ!"
**********

મારા શ્રીમતીજી ઉંમરમાં મારા કરતાં ચાર વર્ષ મોટાં છે! ..અને અમારી આ સ્ટોરી જાણતાં એક મિત્ર કહે, "રાજાને ગમે એ રાણી, ખરું ને?"

"રાજા બનવા માટે જરૂરી છે કે ઘરની સ્ત્રીને 'ખુદના દમ' પર રાણી બનાવીને રાખીએ, બાકી બાપાનાં પૈસે રાજા બનવાવાળા ઘણાં છે!" મેં કહ્યું.
**********

-યજ્ઞેશ રાજપૂત
લ.તા.21.2.22
 
 


ગુરુવાર, 17 ફેબ્રુઆરી, 2022

વેલેન્ટાઈન વિરલાઓ 'એરેન્જ મેરેજ'માં મળે કે 'લવમેરેજ'માં?? (ભાગ ૧)

વેલેન્ટાઈન વિરલાઓ 'એરેન્જ મેરેજ'માં મળે કે 'લવમેરેજ'માં?? 
************

અત્યારે લગ્નોની ધૂમ સિઝન ચાલી રહી છે. ઘણાંને લગ્નોમાં મહાલવું બહુ ગમતું હોય છે, પણ મને સહેજેય નહિ! ક્યાંક લગ્નમાં જવું જ પડે એમ હોય તો જમવાના સમયે જ જાઉં, જેથી જમીને તરત ભાગી શકાય! લગભગ તો કોઈને કોઈ બહાનું કરીને ન જ જાઉં, કેમ કે લગ્નપ્રસંગ એ સામાજિક દેખાડા અને ભપકાથી વિશેષ કશું જ નથી, એવું હંમેશા લાગ્યું છે! વ્યક્તિ ધનાઢય હોય અને લગ્નપ્રસંગમાં કરોડો રૂપિયા ખર્ચે તો સમજી શકાય છે, પણ હંમેશા દેખાદેખીમાં માનતો મધ્યમવર્ગ, પોતાનાં જીવનઆખીની કમાણી લગ્નોમાં 'ધામધૂમ' કરી ઉડાવી દે, એ મારે મન નરી મુર્ખતા જ છે! ખરેખર તો, યુવાનોએ 'એક દિવસનાં રાજા' બનવા ખુદના દમ પર (માં-બાપના નહિ!) 'ચાદર જેટલાં જ પગ' તાણવા જોઈએ, એવું હું પર્સનલી માનું છું! લગ્નો રાજશ્રી મૂવીઝની જેમ ઇઝીલી તો નથી જ થતાં!
**********

મહત્તમ મધ્યમવર્ગીય ઘરોમાં બાળક યુવાન થાય એટલે એ પગભર થયો હોય કે ના થયો હોય, એને વેળાસર 'ખીલે બાંધવા' માં-બાપ તરફથી થતી મથામણો ખૂબ વહેલી શરૂ થઈ જતી હોય છે! સૌથી પહેલાં તો પોતાની જ્ઞાતિમાં જ લગ્નલાયક છોકરો/છોકરી શોધવા માં-બાપ ધંધે લાગે છે! પોતાનાં બાળકનું સમાજમાં માર્કેટિંગ કરવા ભરપૂર જૂઠનો પણ સહારો લેવામાં આવે છે. જો લગ્નલાયક છોકરો/છોકરી પોતાની જ્ઞાતિ/સમાજમાંથી મળી જાય, એટલે પછી બંને પક્ષે શરૂ થાય છે એકબીજા પર 'પ્રભાવ' પાડવાની હરીફાઈ અને પોતાનું ઘર, કુટુંબ, જ્ઞાતિ અને સમાજમાં પોતાનું 'સ્ટેટ્સ' દેખાડવા અને જોવાની પરંપરા!

સમાજનાં લોકો ચીંધે એ વિજાતીય પાત્રને ઘરે જઈને, ચા-નાસ્તો-સમોસા ખાઈને, બંને પક્ષના વડીલો એકબીજાની આર્થિક અને સામાજિક ક્ષમતા ચેક કરે છે, અને એમનાં યુવાન લગ્નલાયક બાળકને, જેની સાથે આખી જિંદગી વિતાવવાની છે એની સાથે, ચાર-પાંચ રૂબરૂ મુલાકાત અને દરરોજની રાત્રી-ટેલિફોનિક વાતચીત પરથી પસંદ કે નાપસંદ કરવાની ફરજ પાડે છે! 
'તને ગમશે તો જ આગળ વધીશું'- વાળું બ્રહ્મવાક્ય વારંવાર બોલીને વડીલો દ્વારા બાળકોનાં મનમાં એવું ઠસાવવામાં આવે છે કે 'જીવનસાથીની પસંદગીનો નિર્ણય તેનો પોતાનો છે!' ..જોકે માં-બાપે તો પહેલેથી જ 'મનોમન' નક્કી કરી લીધું હોય છે કે 'પોતાનું બાળક આને પસંદ કરે અને આને ના-પસંદ કરે!'

હવે જે માં-બાપે આખી જિંદગી પોતાનાં બાળકોને એવું શીખવાડ્યું હોય કે 'અજાણ્યા સાથે ન બોલવું' ..એ જ માં-બાપ અચાનક જ, પોતાનું બાળક કોઈ અજાણ્યા સાથે આખી જિંદગી વિતાવે એ માટે, પરણાવી દેવાં તૈયાર થઈ જાય છે! 'હું તો મારાં મમ્મી-પપ્પા જ્યાં કહેશે ત્યાં જ જ્ઞાતિમાં જ પરણીશ!' ..વાળી વિચારધારાવાળા બાળકો સમાજમાં આદર્શ બાળકો કહેવાય છે! ..પછી ભલે ને એ તારક મહેતાવાળા 'પોપટલાલ'  કેમ ન બની જાય?!

જો લગ્નપ્રસંગ સમોસુતરો પાર પડે અને છોકરો/છોકરી સારાં નીકળે તો માં-બાપ પોતાનાં કુટુંબ/સમાજ/જ્ઞાતિમાં ગર્વથી જશ લેતાં થાકતા નથી કે, ''જોયું??.. મારાં બાળકોને મેં કેવી સારી જગ્યાએ ધામધૂમથી પરણાવ્યા?!!' 

..પણ જો કુંડળીનાં 36 ગુણ મળતાં હોવા છતાંય જો થોડાં જ સમયમાં કુટુંબ/નવદંપતિમાં મનમેળ ન બેસે અને ઝઘડા શરૂ થઈ જાય તો..??? 'તને ગમશે તો જ આગળ વધીશું'- એવું બ્રહ્મવાક્ય બોલવાવાળા માં-બાપ યુ-ટર્ન લઈને 'મેં તો પહેલાંથી જ કહ્યું હતું..' ટાઈપના વાક્યો સંભળાવીને બધો બ્લેમ બાળકો પર જ નાંખી દેતાં સહેજ પણ અચકાતાં નથી! 

..આખરે રોજેરોજના ઝઘડાથી કંટાળીને, પોતાની આખી જિંદગીની કમાણી ખર્ચીને, પોતે કરાવેલા લગ્નને ટકાવવા, માં-બાપ/નવદંપતિ એકબીજાને ઇમોશનલી બ્લેકમેઈલ અથવા સામાજિક/માનસિક દબાણ કરે છે! માં-બાપ દ્વારા 'લગ્નમાં કરેલું આર્થિક ઇન્વેસ્ટમેન્ટ' જ એટલું બધું હોય છે કે  નવદંપતી મને-કમને પણ કુટુંબની અને પોતાની સામાજિક ઈજ્જત બચાવવા જીવનભર સાથે રહેવા અથવા માં-બાપથી દૂર રહેવા તૈયાર થઈ જાય છે! આમ, 'એરેન્જ કરેલાં મેરેજ' યેનકેન પ્રકારે ટકી જતાં 'એરેન્જ મેરેજ જ સારાં' એવું સમાજને સર્ટિફિકેટ આપી શકાય છે!

..પણ એક મિનિટ!
..લગ્નની આ બધી ભાંજગડ પહેલાં જ યુવાન બાળક બીજા કોઈ છોકરાં/છોકરીને પહેલેથી જ પ્રેમ કરતું હોય તો?? ..અને એની સાથે જ પરણવા માંગતું હોય તો??..

વેઇટ.. વેઇટ!!..
જો બાળકની પસંદગીના પાત્રને અપનાવવાની રૂઢી-વિરુદ્ધની હિંમત કે સામાજિક આઝાદી માં-બાપમાં ના હોય અને પોતાને ગમતાં 'સાથી'ની સાથે લવમેરેજ કરીને એને સાચવવાની કે આપેલાં વચનો નિભાવવાની ત્રેવડ કે તાકાત બાળકોમાં ના હોય, તો એકબીજાની ઈજ્જત ના જાય એટલે પોતાની આખી જિંદગીને દાવ પર લગાવી, માં-બાપની પસંદગીનાં પાત્ર સાથે જ પરણી જવામાં જ બાળકોની ભલાઈ છે, એ હું ભારપૂર્વક માનું છું! 

માત્ર 'અફેક્શન'ને જ સાચો પ્રેમ માની, મેચ્યોરિટી વગર જ અને 'પગભર' થયાં વગર જ, માત્ર 'શારીરિક ભૂખ'નો પરણ-'વા' ઉપડે એટલે જીવનની કડવી વાસ્તવિકતાને નજરઅંદાજ કરીને ભાગી જતાં બીમાર માંયકાંગલા હૈયાઓ જ મોટેભાગે લવમેરેજ નિષ્ફળ જવાનું કારણ બને છે! શારીરિક ભૂખ તૃપ્ત થયાં પછી ખિસ્સું ખાલી થાય અને પેટની ભૂખ લાગે ત્યારે ખબર પડે છે કે 'પ્રેમથી પેટ ભરાતું નથી!' 

નાદાન બાળકો એકબીજાની આવી દુર્દશા ના કરે એ હેતુસર લવમેરેજ કરતાં, 'એરેન્જ મેરેજ' વધુ વિશ્વાસપાત્ર છે! ..પછી ભલેને પોતાનાં ગમતાં પાત્રને, બીજાની સાથે પરણેલાં જોઈને જિંદગીભર ઝુરવું કેમ ના પડે??!! ..અને ડીડીએલજે મુવી જોઈને 'થોડીક હિંમત કરી હોત તો આજે હું પણ મારા 'ગમતાં પાત્ર'ની સાથે હોત' -વાળો ડાયલોગ 'મનોમન' બોલીને જિંદગીભર અફસોસ કેમ ના કરવો પડે??!!

સમાજમાં એવાં વિરલાઓ બહુ ઓછાં હોય છે કે જે 'લગ્ન' નામનાં કૂવામાં પડવાનું જ હોય તો, સમાજનાં લોકો ભેગાં થઈને, ઉંચકીને, કોઈ અજાણ્યા પાત્ર સાથે કૂવામાં ફેંકે એના કરતાં.. પોતાને જ 'ગમતાં' અને જાણીતાં પાત્ર સાથે, જાતે જ કૂવામાં કુદવાનું વધુ પસંદ કરે છે! આવાં વિરલાઓ પોતાનાં કુટુંબ/જ્ઞાતિ/પરિવાર/સમાજ સામે ઝઝૂમીને પોતાને 'ગમતાં પાત્ર'ને જીતે છે, અને જિંદગીભર  સુખદુઃખમાં સાથે રહીને વટથી લવમેરેજને સાર્થક કરે છે!

તમારી આજુબાજુમાં/કોન્ટેક્ટમાં આવાં વિરલાઓ ચોક્કસ હશે જ કે જે એરેન્જ મેરેજની આંટીઘૂંટીમાં પડ્યા બાદ 'લવ' કરવાને બદલે, પહેલાં 'લવ' કરીને પછી મેરેજનું એરેન્જમેન્ટ કરે છે!! ..અને પાછાં આ ચક્રવ્યૂહને ભેદીને જીવનભર એકબીજાનાં 'વેલેન્ટાઈન' બની રહે છે!! ...છે કોઈ? ..યાદ આવ્યું??
**********

લેખનો બીજો ભાગ
તા. 21.2.22 એ..

-યજ્ઞેશ રાજપૂત