મંગળવાર, 13 નવેમ્બર, 2018

આર્તનાદ (ભાગ 5) :- તમે ક્યારે તમારું બંડલ મને મોડરેશન માટે આપશો??

"તમે અમને ક્યારે તમારું બંડલ આપશો? આજે પરીક્ષા પત્યાને આઠમો દિવસ છે..!!" મેં મારા એક શિક્ષકમિત્રને પૂછ્યું. (આ શિક્ષકમિત્ર અને હું સી.આર.સી.માં  સાથે જ હતા. એ હંમેશા પોતાનું સી.આર.સી.પદુ છોડી દેવાનું કહેતો, અને મેં છોડીને બતાવેલું!! કારણ કે.. એક્ચ્યુઅલી ઘણા કારણો છે. પણ એની વાત ફરી ક્યારેક.. અથવા તો જે-તે બ્લોગ દરમિયાન થતી રહેશે!!)

સત્રાંત પરીક્ષાનું પ્રથમ પેપર તા.24/11/18 થી શરુ થતું હતું. અને નવી પરીક્ષા પદ્ધતિ અંતર્ગત પરીક્ષાના માર્ક્સ તા.26/11/18 એટલે કે ત્રીજા દિવસથી અપલોડ થવાના શરુ થઇ ગયા હતા. મતલબ કે પરીક્ષા જેમજેમ પતતી જાય એમ એમ એ વિષયના માર્ક્સ ઓનલાઇન અપલોડ કરી એ વિષયની પ્રિન્ટઆઉટ જે-તે મોડરેટરને આપવાની હતી! પણ મારા આ મિત્ર બીજા  પેપરના માર્ક્સ પરીક્ષાના આઠમા દિવસે પણ અપલોડ નહોતા કરી શક્યા!! ઉપરોક્ત સંવાદ થયો ત્યારે તે એકસાથે ત્રણ પેપરના માર્ક્સ અપલોડ કરી રહ્યા હતા. અને એમના તેવર જોઈને એવું લાગતું  હતું કે એમનો વિચાર બધા જ વિષયના માર્ક્સ એકસાથે અપલોડ કર્યા પછી જ 25% પેપર મોડરેશન માટે આપવાનો હતો!

એ મિત્રે પોતાની દોઢાઈમાં મને પેપર મોડરેશન માટે ના આપ્યા! (સાચું કહું તો, એ સ્કૂલમાં ત્રણ કે ચાર સી.આર.સી.ઓ શિક્ષક તરીકે પરત મુકાયા છે. અને એમની સામે આચાર્યનું કશું જ ના ચાલતું હોય એવું લાગ્યું!!) એ શિક્ષકમિત્રનું કહેવાનું એમ હતું કે,''હું તને નથી ઓળખતો. હું તારી સ્કૂલને ઓળખું છું. એટલે હું તને પેપર ના આપી શકું. તું પેપરો ક્યાંક ખોઈ નાખે તો કોની જવાબદારી?? અને પેપર મોડરેટ કરાવવાની ગરજ અમારી છે. તો તું શું કામ અહીં આવ્યો? અમે આવીશું તારી સ્કૂલમાં પેપરો લઈને!!"



અંતે  થોડી રક્ઝક પછી પેપર ના આપવાના કારણ અંગેનું લેખિતમાં બાંહેધરી લઈને હું રવાના થયો!! મારા આ શિક્ષકમિત્રની સી.આર.સી. તરીકેની એમની છાપ  આમેય  'દોઢ' તરીકેની છે. અને એના ક્લસ્ટરના શિક્ષકોને (અમુક વ્હાલા-દવલાંને છોડીને) હેરાન કરવામાં એણે કશુંયે બાકી નહોતું રાખ્યું.  (હું જે ઝોનમાં સી.આર.સી. હતો, ત્યાંનાં એક ભુતપૂર્વ સી.આર.સી. મિત્રે મને પહેલા જ દિવસે જે કહ્યું હતું એનો ટૂંકસાર કંઈક એવો હતો કે "બધા શિક્ષકો/આચાર્યોને ખખડાવતું જ રહેવાનું! બહુ ના માને તો ખુલાસાઓ માંગવાના! થોડા ડરાવવાના એટલે પછી બહુ સામે નહિ બોલે!" મતલબ કે ડરનું રાજકારણ રમવાનું!!)

*****

"રિવેન્જ" એક શક્તિશાળી વિચાર છે, રામાયણ હોય કે મહાભારત.. બદલાની ભાવના આપણા રગેરગમાં દોડે છે!! ઉપરની શાળામાં થયેલા કડવા અનુભવને કારણે મારા મનમાં એ શિક્ષકમિત્ર માટે 'બદલા'ની ભાવના જાગે એ સ્વાભાવિક હતું!! 'ક્ષમા વિરસ્ય ભૂષણમ' લેખે હું તો ડરપોક હતો.. મતલબ કે એને તપાસેલાં પેપરો બિલકુલ ચેક કર્યા વગર 'બરાબર છે'-નું પ્રમાણપત્ર આપવું નહતું!! સાચું કહું તો, જો એણે મારુ અપમાન ન કર્યું હોત તો હું એમ જ કરવાનો હતો! પણ… હવે મારો વારો હતો. અને હું બિલકુલ પણ માફ કરવાના મૂડમાં નહોતો!! મતલબ કે એકદમ સાચું મોડરેશન કરવાનો હતો.

*****

તા. 3/11/18 સત્ર પૂરું થવાનો છેલ્લો દિવસ. અને મેં એના આચાર્યને ફોન કર્યો, કહ્યું કે, "તમારો પેલાં સી.આર.સી.શિક્ષકે મને કહ્યું હતું કે પેપરો મોડરેશન માટે એ અમારી શાળામાં આવશે. આજે એને મોકલજો. કારણ કે એ અમારી શાળાના આચાર્યને ઓળખે છે, મને નહિ!!"

બપોરના 2 વાગ્યા, છતાંય એ પેપરો લઈને ના આવ્યા. 3:30 વાગે શાળા છૂટવાની હતી. એટલે મેં પાછો ફોન કર્યો. તો જવાબ મળ્યો, "કોઈ આવી શકે એમ નથી. હું બંડલ તમારી શાળાના એક શિક્ષિકાબેન જોડે મોકલાવી દઉં છું. મોડરેટ થઇ જાય એટલે તમે પાછા આપી જજો."

"અંતે આવવાનું તો મારે જ ને??" મેં પૂછ્યું. ...ત્યાં તો એ સી.આર.સી.શિક્ષકમિત્ર આચાર્યના ફોન પર આવ્યો, મને કહે, "ભાઈ યજ્ઞેશ, મોડરેશનના બંડલમાં તારી સહી હું કરી દઉં??"

"બિલકુલ પણ નહિ!!" મેં કહ્યું.

...અંતે મારે જ પાછું એમની શાળામાં જવું પડ્યું!! એમણે પ્રિન્ટઆઉટમાં મોડરેશન કરેલા માર્ક્સ મૂકી દીધા હતા. હું ગયો, તો મને પ્રિન્ટઆઉટ આપતા કહે, "લો, નીચે તમારી સહી કરો. અમે તમારું મોડરેશન કરી દીધું છે!!"

"કોને પૂછીને કર્યું?.." મેં પૂછ્યું, "..મારે કરવાનું છે, તમારે નહિ!! લાવો પેપરોના બંડલો!!"

તેઓએ મને કમને જ બંડલો આપ્યા હશે, એવું મને લાગ્યું!! એમણે જે બાળકોનું મોડરેશન કરી રાખ્યું હતું, એ જ બાળકોના પેપરનું મેં મોડરેશન શરુ કર્યું. કુલ 48 બાળકોના વર્ગમાંથી મેં 25% લેખે 12 પેપરોનું મોડરેશન કર્યું. અને એમાંથી 10 પેપરોના માર્ક્સ સુધર્યા!!



દિલ થામ કે બૈઠીયે!! ખરી બાબતો હવે શરુ થાય છે. 12 માંથી એક પણ પેપર મને એવું ન લાગ્યું કે જેમાં બાળકે જાતે જ કશું લખ્યું હોય!! એકેય બાળકને એક પણ 'રોકડીયા માર્ક' વાળો જવાબ ખોટો નહતો!! વિચારો, એ કેવી રીતે શક્ય બને?? એકેય બાળકને "રોકડીયા માર્ક' વાળો એકેય જવાબ ખોટો નહિ?? હું છાતી ઠોકીને કહું છું કે પરીક્ષાના પેપરોમાં શિક્ષકે કાં તો જાતે લખ્યું હતું અથવા તો બાળકોને ટોળે વળીને પેપર લખાવી દીધેલું હતું!! કારણ કે મહત્તમ બાળકોના પેપરની ઉપર લખેલા નામના અક્ષરો અલગ હતા અને પેપરમાં લખેલા જવાબોના અક્ષરો અલગ હતા!! 


વળી, એકાદ-બે પેપરોમાં તો નિરીક્ષકની સહી પણ નહતી!! ગેરહાજર બાળકને પરીક્ષામાં હાજર બતાવવા પેપરની ઉપર એ બાળકનું માત્ર બોલપેનથી નામ જ લખેલું હતું!! સ્પષ્ટ ખબર પડી આવતી હતી કે એ નામ જે-તે શિક્ષકે લખેલું છે, કેમકે એવા 'ઘેર'-હાજર બાળકના પેપરમાં માત્ર 'રોકડીયા'-16 ગુણના જ જવાબો લખેલા હતા, અને એ પણ બધા સાચા! ધન્ય છે એ શિક્ષકને.. કે જે એવું માનતો હતો કે મને આવી કોઈ જ ખબર નઈ પડે!!


મેં એકદમ સાચું મોડરેશન કર્યું. એક પણ બાળકના માર્ક ઘટ્યા નહિ, બધાના વધ્યા!! કારણ કે બાળકે જાતે લખેલા લગભગ બધા જ જવાબો ભૂંસવામાં આવ્યાહતા, અને સાચા જવાબો લખાવવામાં આવ્યા હતા!! અને આવું મેં બે શાળામાં મોડરેશન કર્યું, એ બંનેમાં જોવામાં આવ્યું!! દુઃખ થાય છે.. જયારે શિક્ષકો ખોટું કરે છે ત્યારે..!! 
(ઉપરોક્ત લખાણનો પેપરોનો આખો વીડિયો મારી પાસે છે.)

*****

માનો કે મારા બાળકની આજે પરીક્ષા છે. એ પેપર આપીને ઘરે આવ્યું. મેં એને એવું પૂછ્યું, "બેટા.. પેપર કેવું ગયું?" ..અને મારુ બાળક મને જવાબ આપે કે, "પેપર સારું જ જાય ને.. બધું સાહેબ/બેન લખાવી જ દે છે!!" 

શું મારા બાળકનો આ જવાબ મને ગમશે?? ગિરેબાનમાં ઝાંખીને જાતને પૂછી જોવો કે એક પિતા તરીકે તમને ખરેખર ગમશે??

......મને તો નહિ ગમે!! 

આપણે માત્ર એટલા માટેજ પેપરો લખાવી દઈએ છીએ કે….. જેથી કરીને કોઈને એવું ના લાગે કે આપણે બાળકને ભણાવી શક્યા નથી!! ...અથવા તો ભણાવ્યું જ નથી!! ….અથવા તો આપણા બાળકો પર આપણને જ ભરોસો નથી કે એ જાતે લખી શકશે!! ...અથવા તો આપણે એમને આપણા બાળકો ગણતા જ  નથી!! ...અથવા તો એ એવી કોઈ હાઈ-સોસાયટીના બાળકો નથી!! ...અથવા તો આપણે 'બીકણ સસલી' બની ગયા છીએ!! ...અથવા તો એને કશું જ આવડતું નથી!! …અથવા તો...?????????

*****


અમારા શાસનાધિકારીશ્રી અમારી શાળામાં પરીક્ષા દરમિયાન વિઝિટમાં આવ્યા. અને મારુ તપાસેલું બંડલ ચેક કરવા માંગ્યું. એમણે જોયું કે મેં 'pansil' લખેલા સ્પેલીંગને અડધો માર્ક આપ્યો છે. તો એ કહે, "આ સ્પેલિંગ ખોટો છે, તો પણ તમે એને સાચો આપ્યો છે, કેમ?"


મેં કહ્યું, "બેન, મારા મતે બાળકે એ સ્પેલિંગ જાતે જ લખવાનો પ્રયત્ન કર્યો છે. એ મારા માટે સારી વાત છે.. એટલે એના પ્રયત્નનો અડધો માર્ક મેં એને આપ્યો છે."


"તમારો બેઝિક પણ હું અડધો કરી દઉં તો??"


સીધી જ પગાર કાપવાની વાત કરી એટલે હું સડક થઇ ગયો.. છતાંય મેં કહ્યું, "તમને ઠીક લાગે એ કરો બીજું શું?" 


"આવું ના ચાલે ને.. ખોટું છે તો ખોટું આપો.. અડધો માર્ક પણ શું કામ આપો છો? તમે બહુ ઉદાર દિલે માર્ક આપ્યા છે.."

"બેન, હું ભણાવામાં એટલો જ કડક છું.. અને આમેય આપણી શિક્ષકજાત બીજાની ભૂલો જોવા જ ટેવાયેલી હોય છે!!" આટલું બોલીને મેં ચુપ્પી સાધી લીધી!! 

બાળકે કરેલા પ્રયત્નની કોઈ કિંમત જ નહિ?? જો મેં એ સ્પેલિંગ જાતે જ સુધારીને પૂરો માર્ક આપ્યો હોત તો ચાલત એમ ને?? મતલબ કે હું ખોટું કરું તો સાચો અને સાચું કરું તો ખોટો??  મારો પગાર ચાલુ રહે એ માટે મારે ખોટું કરવાનું? કદાચ.. અધિકારીઓ આવા પ્રયત્નોની કિંમત નહીં જ સમજી શકતા હોય.. પછી  ભલે ને એ પ્રયત્ન બાળકનો હોય કે શિક્ષકનો!! કદાચ એટલે જ શિક્ષકો પેપરમાં લખાવી દેતા હશે અથવા તો ખુદ લખતા હશે!!

'યથા રાજા તથા પ્રજા' શું આ કહેવત હજુ પણ લાગુ પડતી હશે ખરા??!!

*****

"હેલો.. તમે મારા બંડલ મોડરેશનમાં ચેક કર્યા હતા, એ યજ્ઞેશભાઈને??"

"હા.. બોલો શું કામ હતું??"

"તમે મારા બંડલમાં આટલા બધા સુધારા શું કામ કર્યા છે? મેં પણ તમારી સ્કૂલના બંડલ ચેક કર્યા છે, પણ મેં આવા કોઈ સુધારા નથી કર્યા, મેં તો સીધી સહી જ કરી દીધી છે!! એક કામ કરો, તમારી સ્કૂલના બંડલ લઈને અત્યારેને અત્યારે જ અહીં પાછા આવો.. મારે પણ સુધારા કરવા છે!!" એ બેન એકદમ ગુસ્સાથી બોલ્યા.

"મારા આચાર્યને મળો.." કહીને મેં ફોન મૂકી દીધો!

ફોન મુક્યાં પછીનું રિ-એક્શન એ આવ્યું કે થોડી જ વારમાં મારા બીજા એક સી.આર.સી.મિત્રનો ફોન મારા પર આવ્યો. કારણ કે આ બેન એમના નજીકના સગામાં થતા હતા!!  મારે એમને ફોન પર અડધા કલાક સુધી ખુલાસાઓ આપવા પડ્યા!! ...માત્ર એટલા માટે કેમ કે એ મારા મિત્ર છે! સાચું કરવાનું ખરેખર ખાંડાની ધાર પર ચાલવા જેવું છે!!

*****

કોણે આ બેનને રોક્યા હશે સાચી રીતે બંડલ ચેક કરતા?? કદાચ.. એ જાણે છે કે બધાએ એવી રીતે જ મોડરેશન કર્યું હશે, જેવી રીતે એમણે કર્યું!! ..અને હું માનું છું કે મારી શાળાના જે ધોરણના એમણે મોડરેશન કર્યું હશે, એ પેપરો આવી રીતે જ લખાયા હશે!! બીજું શું??
 "આવ ભાઈ હરખા, આપણે બે સરખા.."

હવે માનો કે આ બેન મારા બન્ડલ મોડરેશનમાં ચેક કરવા આવે તો એ મારા બાળકોએ કરેલા પ્રયત્નોને સમજી શકશે ખરા??

*****

મારા એ શિક્ષકમિત્રે પરીક્ષા પત્યાને બીજા દિવસે પોતે (એટલે કે બધા શિક્ષકોએ!!) કેવું ઝડપથી પરીક્ષાનું સંપૂર્ણ કામ પૂરું કર્યું, એની આત્મ્શ્લાઘી પીઠ થાબડતી પોસ્ટ ફેસબુકમાં શેર કરી! ..અને પોતે કેવું પરાક્રમ કર્યું છે એનાં વખાણ કર્યા!! બ્રાવો!!

*****


શું આપણે આપણી ગિરેબાનમાં કયારેય ઝાંખીશુ ખરા કે આપણે કેવા બની ગયા છીએ?? ચાર ઓપશનમાંથી કયો જવાબ સાચો?.. જો એ આપણે આપણા બાળકોને પસંદ નહિ કરવા દઈએ તો મોટા થઈને એ સાચો નેતા કેવી રીતે પસંદ કરશે?? ખોટો તો ખોટો એને જવાબ લખવા દો.. એને પ્રયત્ન કરવા દો.. તમે જોશો કે ખરેખર બાળક પાસિંગ માર્ક જેટલું લખવાનો પ્રયત્ન તો કરે જ છે!! ..અને આ જ વિશ્વાસ આપણને નિર્ભયતા આપે છે!! 

*****

ડોન્ટ થિન્ક એવર 

હું મારી દીકરીને મારી શાળામાં જ (મ્યુનિસિપલ શાળા) ભણાવવાનો છું. કેમ કે મારા કરતા શ્રેષ્ઠ શિક્ષક આ દુનિયામાં બીજો કોણ હોઈ શકે?? 

સોમવાર, 12 નવેમ્બર, 2018

બાળક પરીક્ષામાં લખી નથી શકતું... શા માટે??

"આવું ના કરશો, મોટા બેન.. છોકરાઓના પેપરમાં કશું જ ના લખશો. એમને જે લખ્યું છે એ સ્વીકારો.  કમ સે કમ એમને પરીક્ષાની ગંભીરતા તો સમજવા દો."  મેં કહ્યું.

"મને ખબર છે.. પણ હું શું કરું? તમે જુઓ તો ખરા.. છોકરાઓ કશું લખતા જ નથી. એમને આમ સાવ જ ઝીરો માર્ક કેમ આપી દઉં?" મોટાબેને લાચારી બતાવી.

ઉપરનો સંવાદ પરીક્ષા શરુ થઇ ત્યારથી રોજેરોજ મારી અને  મોટાબેન વચ્ચે થતો. મોટાબેન સાચા હતા. ખરેખર અમારા બંનેના ધોરણ 5 ના વર્ગો 42-42 ના હતા. માંડ-માંડ 15 બાળકો 40 માંથી 14 અથવા 14+ માર્ક લાવી શકતા હતા. હું પોતે પણ પરીક્ષાના બાળકોએ પેપરને જોઈને નિરાશ હતો. પણ શું થાય? વિલનો ઓછા ન હતા.

*****

બાળક પરીક્ષામાં લખી નથી શકતું... શા માટે??



આ વખતે સત્ર-વર્ષની શરૂઆત જ રમઝાન માસથી થઇ હતી. અમારી શાળામાં લગભગ 90% બાળકો મુસ્લિમ છે. (મારા વર્ગમાં 42 માંથી માત્ર 6 જ બાળકો હિન્દૂ છે.રમઝાન માસમાં આ બાળકો મહદંશે શાળામાં આવતા જ નથી. (રમઝાન માસમાં વર્ગની એવરેજ હાજરી માત્ર 9-10!!) રમઝાન ઈદ પછી તરત જ 'વિશ્વ યોગ ડે' અને 'પ્રવેશોત્સવ'!  માંડ એમાંથી ઉકલ્યા ત્યાં 'ડોનેટ ટુ રીડ' અને 'ઓરી-રુબેલા રસીકરણ' ચાલ્યું. ('ડોનેટ ટુ રીડ' માં તો ફરજીયાત શિક્ષકદીઠ 35 પુસ્તકોનો ટાર્ગેટ અપાયો હતો!!) ખબર નહિ પણ, મુસ્લિમ એરિયામાં એવી અફવા ફેલાયેલી કે 'હમારે વંશ કો ખતમ કરનેકે લિયે યે ઇન્જેક્શન દીયે જા રહે હૈ..' આને કારણે પાછી બાળકોની શાળામાં આવવાની સંખ્યા ઠપ થઇ ગઈ! માંડ એ પત્યું, ત્યાં 'મિશન વિદ્યા' હાજર થઇ ગયું. દોઢ મહિનો એમાં ઘુસ્યો. (એકદમ સાચું કહું તો, ખરેખર જે બાળકો માટે મિશન વિદ્યા હતું, એ બાળકો જ રેગ્યુલર શાળાએ નથી આવતા! જો શાળામાં આવતા હોય તો મિશન વિદ્યાની જરૂર જ ના પડત!! કાશ.. આરટીઈ ની જેમ વાલીઓ માટે પણ એવો કાયદો ઘડાયો હોત કે જેમાં વાલીને પણ બાળકોને શાળાએ ન મોકલવા બદલ દંડ થાય. ભારતમાં ગાયકવાડ જેવા રાજાની ખોટ વર્તાય છે. કે જેમણે બાળકોને શાળાએ ન મોકલવા બદલ વાલીઓને દંડ કરેલો!! વિચારો, ગાયકવાડ અને અકબર ઓછું ભણેલા/અભણ હતા એટલે જ એ શિક્ષણનું મહત્વ સમજતા હતા! આપણે અહીંયા તો વધુ ભણેલા અભણ અધિકારીઓ ડોક્ટરેટ ની પદવી મેળવીને સરકારી સ્કૂલોના બાળકો પર જાત-જાતના પ્રયોગો કરી રહ્યા છે.. જાણે કોઈ ડોક્ટર મેડિસિનના પ્રયોગો અબોલ જાનવરો પર ન કરતો હોય એમ!! ...અને એ પણ માત્ર આપણા પોલિટિશિયનોને ખુશ રાખવા! ઈશ્વર માફ નહિ કરે આવા તલવા ચાટવાવાળાઓને!!) આ બધું ચાલુ હતું, એ દરમિયાન 'બી.એલ.ઓ. કામગીરી', 'અવનવા ઉત્સવો/તાયફાઓ/ફતવાઓ/મેળાઓ', 'તાલીમો',  'ઓનલાઇન ઍન્ટ્રીઓ', 'બેન્ક ના ધક્કાઓ', 'બદલાયેલા પુસ્તકોના પુરા કરવાનો અભ્યાસક્રમનું પ્રેશર કુકર' તો સીટીઓ મારી જ રહ્યું હતું!! (જેમ કે, ફરજીયાત ખાદી ગ્રામોદ્યોગમાંથી 2000 રૂ. ની ખરીદીનું બિલ લાવો!!)છેલ્લા એક મહિનામાં વળી પાછું ધોરણ 3 થી 5 માં પિરિયડ પદ્ધતિ કરી! હજુ ઓછું પડતું હોય એમ નવરાત્રીનું વેકેશન જાહેર કર્યું!! અધૂરા માસે જન્મેલું બાળક તરત દોડતું ના થાય, પણ સરકારને તરત દોડતું કરવું હતું એટલે વળી પાછું પરીક્ષા પદ્ધતિમાં ભારેખમ ફેરફારો ર્યાં!! ફેરફારો તો ચાલો હજી ઠીક છે..  પણ પેપર ચેકીંગ, ઓનલાઇન માર્ક્સ અપલોડિંગ અને બીજી શાળાના 25% પેપર મોડરેટિંગનું કામ ફરજીયાત પરીક્ષા પત્યાને એક જ દિવસમાં પતાવી દેવાનું!! (??!!.. હા, પતાવી દેવાનું!!)  આમાંનું કશુંયે પાછું ખાનગી સ્કૂલોને લાગુ ના પડતું હોય(કારણ કે ખાનગી શાળાઓમાં આ જ અધિકારીઓના બાળકો ભણે છે!!) માત્ર સરકારી સ્કૂલોમાં જ લાગુ પડતું હોય!!(કેમ કે સરકારી શાળાઓમાં ગરીબ બાળકો ભણે છે!!) એમાંય વળી કોર્પોરેશનનો પોતાનો વહીવટ!! ....એટલે ઓનલાઇન એન્ટ્રીઓ સ્ટેટમાં પણ કરવાની અને કોર્પોરેશનમાં પણ કરવાની!! હજુ વેકેશન પછી રાષ્ટ્રીય ગણિત-વિજ્ઞાન અમદાવાદમાં યોજવાનો છે, એટલે આ લોકો આખા કોર્પોરેશનના શિક્ષકોને બાનમાં લેશે! (હે ભગવાન, બચાવો અમ અબોલ શિક્ષકોને!! આવા ટૂંકી દ્રષ્ટિવાળા અધિકારીઓ બાળકોને ભણાવવા દેતા નથી. અને એમને બધ્ધુંજ આવડવું જોઈએ, એવો દુરાગ્રહ પણ રાખે છે. બાળકો મશીન નથી, એ જીવતીજાગતી ચેતના છે. શીખવું/શીખવવું એ લાંબા ગાળાની પ્રોસેસ છે, જેમાં શિક્ષક અને બાળક નામના બંને ધ્રુવો આ પ્રોસેસ માટે તૈયાર હોવા જોઈએ. પંક્ચરવાળા વાહનને તમે એક્સપ્રેસ હાઇવે પર 100ની સ્પીડે દોડાવી શકતા નથી!) આ બધી બાબતોમાં બાળક સાથે શિક્ષક તરીકે લય નથી મેળવી શકાતો!! અને.. પરિણામ એટલું ગંભીર આવે છે કે બાળક પરીક્ષામાં કશું જ લખી નથી શકતો!! (નવરાત્રી વેકેશન એટલું બધું નડ્યું છે કે પરીક્ષા પહેલાની છેલ્લી ઘડીનું રીવીઝન જ ના થયું! પરિણામે સત્રાંત પરીક્ષાના બાળકોના પરિણામ પર ખુબ જ ગંભીર અસર થઇ છે. ઓનલાઇન માર્ક્સની એન્ટ્રીઓમાં આ ઓછા પરિણામના સાચા મૂલ્યાંકનની સજારૂપે  પાછું મિશન વિદ્યા ચલાવવાનું છે!!)

બાળક પરીક્ષામાં નથી લખી શકતું એનું સૌથી મોટું કારણ તો એક ઉદાહરણ આપીને સમજાવું....

મારા ફ્લેટમાં 5 ફ્લોર છે. ફ્લેટની વીજળી બચે અને સ્વાસ્થ્ય પણ સારું રહે એ માટે એક નિયમ બનાવવામાં આવે છે કે ફ્લેટમાં બપોરના 12 થી 5 સૌએ સ્વેચ્છાએ સીડીનો ઉપયોગ કરવો. આ નિયમ સારો છે અને મારે એ કરવું છે એટલે હું કરીશ. પણ હવે આ નિયમ મારા ફ્લેટના બધા રહેવાસીઓ કરે એ જરૂરી નથી! અમુક કરશે, અમુક નહિ કરે! હવે વિચારો, બધા આ નિયમનું પાલન કરે એ માટે કોને દંડ કરવો જોઈએ? એને કે જે નિયમમાં માનતા નથી કે પછી એને કે જે નિયમ ફોલો કરે છે?? સોચો... સોચો...  વિચારો... વિચારો...

તમે માનો યા ના માનો... દંડ ફ્લેટના સેક્રેટરીને થાય છે!! કારણ કે એ બધાને નિયમમાં ના રાખી શક્યો!! ....અને દંડ પણ કેવો? ફ્લેટનું જેટલું લાઈટબીલ આવે છે એ સેક્રેટરીએ ભરવાનું!! ..અને સિડી ચડીને જેના પગ દુઃખતા હોય એને પગ દબાવી આપવાના!! ફ્લેટના બધા રહેવાસીઓના આરોગ્યનું ધ્યાન રાખવાનું!! બધાના બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવાના!! આધાર કાર્ડ કઢાવી આપવાના!! ફ્લેટના લોકોની માહિતીઓ રાખવાની!!આ ઉપરાંત, ફ્લેટની સફાઈ કરવાની, મંત્રીઓના કાર્યક્રમોમાં જવાનું, ઉત્સવો ઉજવવાના..  વગેરે.. વગેરે..!! પાછું આ બધ્ધું સેક્રેટરી પોતે જ કરે છે, એ બતાવવા રાજાને ફોટા/અહેવાલો પણ મોકલવાના!! હવે.. વર્ષાન્તે રાજાના મંત્રીઓ આવીને એ સેક્રેટરીનું મૂલ્યાંકન કરશે કે બધા ફ્લેટમાં સીડી ચડે છે કે નઈ?? જો નઈ ચડતા હોય તો બધા ફ્લેટમાં સીડી ચડતા થાય એ માટે 'સેક્રેટરી'(!!) ને સીડી ચડવાની તાલીમ આપવામાં આવશે!! રોજેરોજ કેટલા લોકો સીડી ચડ્યા અને કેટલા લોકો લિફ્ટમાં ગયા એના આંકડા માંગવામાં આવશે!! ફ્લેટના બીમાર, વૃદ્ધો અને એવા લોકોં કે જે ક્યારેય સીડી ચડતા નથી, એવા લોકોની કમિટી બનાવી સેક્રેટરીનું ધ્યાન રાખવાનું કહેવામાં આવશે કે સેક્રેટરી નિયમિત લિફ્ટની લાઈટ ચાલુ કરે છે કે નઈ!! ....અને છતાંય જો લોકો સીડીનો ઉપયોગ નહિ કરતા થાય તો સેક્રેટરીનો પગાર કાપી લેવામાં આવશે!! ..............બોલો, 'અંધેરી નગરી ને ગંડુ રાજા..." વાર્તા જેવું છે કે નઈ??

બસ.. હવે, ડિટ્ટો ટુ ડિટ્ટો.. ઉપરના ઉદાહરણને શિક્ષણમાં લાગુ કરો!!

બપોરે/સવારે શાળાએ જવું, ભણવું એ નિયમ સારો છે. પણ બાળકો સ્કૂલમાં આવે કે ના આવે એમને પાસ કરવાના!! ભણે કે ના ભણે, શિષ્યવૃત્તિઓ-નોટ-ચોપડા-દફતર-ગણવેશ બધ્ધું આપવાનું!! વધારામાં.. સરકારના પણ કાર્યક્રમોમાં પણ જવાનું!! 
ઉત્સવો ઉજવવાના!! આંકડાઓ/અહેવાલો/ફોટાઓ મોકલવાના!! બધ્ધું કરવાનું!! પણ.. બાળકોને ભણાવવાં દેવાના નઈ!! અને... છેલ્લે રિઝલ્ટ માંગવાનું!! જો રિઝલ્ટ સારું ના મળે તો શિક્ષકોને દંડવાના!! બાળકને શાળાએ ના મોકલવા બદલ વાલીને બિલકુલ જવાબદાર નહિ ગણવાના!! શિક્ષકને શાળામાં/વર્ગમાં ના રહેવા દેવા બદલ ખુદ સરકારને પોતાને દોષિત નહિ ગણવાનું!! પણ.. શિક્ષકોને જાહેરમાં  ભાંડવાના!! અંધેરી નગરી ને ગંડુ રાજા (આ કોણ??.. સમજી ગયા ને??), ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા!!    

*****                              

બાળક પોતે પરીક્ષામાં લખતો થાય એ માટે સૌથી પહેલા તો એને પોતાને જ ભણવામાં રસ હોવો જોઈએ!! બાળકને ભણવામાં લગની હશે, તો શિક્ષકને પણ ભણાવવાની  મજા આવશે!! (ડો. બાબાસાહેબ આંબેડકરનું જીવન આનું  જીવતુંજાગતું ઉદાહરણ છે!!) માતા-પિતા પણ બાળકના અભ્યાસને લઈને ગંભીર હોવા જોઈએ. બાળક-વાલી, શિક્ષક અને સરકાર-સમાજ આ ત્રણેયમાંથી એકેય નબળું જણાય તો એને તાત્કાલિક દંડ આપવો જોઈએ!! પછી ભલે એ ખુદ સરકાર પોતે જ કેમ ના હોય?? 

*****

પરીક્ષાનો છેલ્લો દિવસ બાકી હતો ને આસિ. શાસનાધિકારીશ્રી સ્કૂલ વિઝિટમાં આવ્યા. તપાસેલાં પેપરો જોવા માંગ્યા. મેં આપ્યા. જેમ-જેમ પેપરો ચેક કરતા ગયા એમએમ ભૂલો પકડાતી ગઈ. અને એ ભૂલો કોની પકડાઈ?? અમારા મોટાબેનની!! ..અને ત્યારપછી મોટાબેને નક્કી કર્યું કે હવેથી કોઈ દિવસ આવું ખોટું નહિ કરું!!

*****

ડોન્ટ થિન્ક એવર 

આધ્યાત્મિક દુનિયામાં ક્યારેય કોઈ વસ્તુ સાચી કે ખોટીએ આપણા  હોતી જ નથી. વસ્તુ સાચી કે ખોટી ત્યારે જ હોય છે  જયારે આપણા મનમાં એની વ્યાખ્યા બંધાય છે!! અમારા મોટાબેન આ વાત સમજી મને માફ કરે!!
   




“તમે તો સાહેબ કહેવાવ, તમારી પાસે થોડી પૈસાની તાણ હોય!!”

પ્રકરણ ૧

“તમે તો સાહેબ કહેવાવ, તમારી પાસે થોડી પૈસાની તાણ હોય!!” 

થોડા દિવસ પહેલા મારી જુનાગઢ (હાલ ગીર-સોમનાથ) જીલ્લાની જૂની શાળાના ગામનાં એક રહેવાસીભાઈનો મારા પર ફોન આવ્યો. અજાણ્યો નંબર જોઇને પહેલા તો મેં ફોન જ ના ઉપાડ્યો.. પણ પછી ફોન ઉપાડી ‘હેલો..’ કર્યું.

“હા, સાહેબ.. ક્યાં છો?”

“કોણ??” મેં પૂછ્યું.

“એ હું.. વેળાકોટથી –આતા બોલું. એ કેમ છો સાહેબ?”

-આતાનો અવાજ સંભાળીને પહેલાતો હું કશું જ ના બોલ્યો, પણ પછી કંટાળા સાથે કહ્યું, “બોલો –આતા..”

“શું તબિયત-પાણી મજામાં ને?”

“હા હા.. બોલોને.. શું કામ હતું?” મેં બહુ ભાવ ના આપ્યો!

“ઘરના બધા?.. મારા બેનને બધા મજામાં તો છે ને?..” એમણે પાછો ખોટેખોટો આનંદ બતાવતા પૂછ્યું.

“બોલોને –આતા, શું કામ છે? અત્યારે હું ચાલુ બાઈકે છું..” ઝડપથી વાત પતાવવા માંગતો હોઈ હું ઉતાવળે ઘરની બહાર નીકળ્યો.. જેથી રોડ પરથી પસાર થતા વાહનોના અવાજો એને ફોન પર સંભળાય..!

“તમે અત્યારે કામમાં હોવ તો હું પછી વાત કરું..” –આતાએ જુઠી સંવેદનશીલતા બતાવી.

મેં ફરી ઉતાવળ કરી કહ્યું, “નઈ નઈ.. અત્યારે જ બોલો, જે કામ હોય એ.. હું સાંભળું જ છું.. બોલો..”

“હા.. તો.. એમાં એવું છે ને કે.. દીપિકા નઈ?.. તમારા વર્ગમાં ભણતી’તી એ..??...” (છોકરીનું નામ મેં બદલ્યું છે)

“હા..હા..”

“...એના લગન જેની સાથે કર્યા છે ને.. એ અમારા જમાઈ કાલે અમદાવાદ આવવાના છે..

...આ સંભાળતાની સાથે જ હું સમજી ગયો કે છેલ્લા ચાર વર્ષથી જેણે ક્યારેય ફોન સુધ્ધાં નથી કર્યો એને આમ અચાનક જ કેવી રીતે મારી યાદ આવી ગઈ??.. છતાંય આમન્યા જાળવી મેં પૂછ્યું, “હાં  તો..?”

“..તો એ, કાનો (દીપિકાનો ભાઈ) અને એમના બે-ત્રણ દોસ્તો બધા કાલે અમદાવાદ ખરીદી કરવા આવવાના છે, તો.. તમે થોડો ટાઈમ કાઢીને એમની સાથે રહેજો ને.. એમાં એવું છે ને તમે સાથે હોવ તો થોડા ઓછા છેતરાય, એમ..!!”

એ લોકો છેતરાશે જ.. એવો એમને ચોક્કસ વિશ્વાસ હતો, એટલે મને થોડું હસવું આવ્યું!.. પણ તરત જ હસવું ખાળી મેં મારી બહાનાબાજી ચાલુ કરી, “હાં..હા.. ચોક્કસ રહેતો.. પણ એમાં એવું છે ને કે.. કાલે મારે ગાંધીનગર એક મીટીંગમાં જવું પડે એમ છે એટલે.. મને એવુ લાગે છે કે મેળ નહિ પડે..!!”

“સાંભળો સાહેબ.. એ બધા આજે રાતે નીકળવાના છે. સવારે ત્યાં આવી જશે.. તમે ના આવવાના હોવ તો કોકને મોકલજો ને એમની સાથે.. એમાં એવું છે કે કોક એમની સાથે હોય તો બિચારા ભૂલાય ના પડે અને પૈસાય ઘટે તો એમને વાંધો ના આવે ને?.. સમજ્યા તમે?.. તમે તો એમના સાહેબ કહેવાવ ને?! તમારી પાસે થોડી પૈસાની તાણ હોય?!”

.......હવે તીર બરાબર નિશાના પર લાગ્યું!! હું જાણતો જ હતો કે શું કામ હતું, અને શા માટે આ –આતાએ આટલા વર્ષે યાદ કર્યા છે??.. મારા દિમાગમાં અંદાજે દસેક વર્ષ પહેલાની વાત તાજી થઇ ગઈ!! 

દસેક વર્ષ પહેલા વેળાકોટ ગામ સજાવાળું ગામ તરીકે વગોવાયેલું હતું! અમુક કર્મચારીઓની સજારૂપે આ ગામમાં બદલી પણ થયેલી! કોઈ શિક્ષક ત્યાં રહેતું ના હતું. બધા જ આજુબાજુના ગામડામાંથી અપ-ડાઉન કરતા હતા, પણ મેં ત્યાં રહેવાનું સાહસ કરેલું!! અંદાજે સાડા ત્રણસો મકાનોવાળું ગામ, પણ એકેયના ઘરે સંડાસ નહિ!! બધા બહાર જ જાય.. અને જે વ્યક્તિ પહેલેથી જ અમદાવાદ જેવી સિટીમાં રહી હોય એને બહાર જવાનું ફાવે એમ નહતું, એટલે મેં શાળાના સ્ટોરરૂમમાં રહેવાનું શરુ કરેલું, જેથી શાળાના પ્રાંગણમાંની સુવિધાઓ વાપરી શકાય!!

એક આડવાત- એ જ સાંજે શાળા છૂટ્યા પછી ગામના ધંધાવાળા(!!) રોજની જેમ શાળાના મેદાનમાં આવી ધંધો શરુ કરેલો!! ..એમને જોઈને ડરી ગયેલો હોવા છતાં થોડી હિંમત રાખી એમને કહી દીધેલું કે, “આજ પછી અહી આવતા નઈ..!!” ગામડાઓની શાળાઓમાં શિક્ષકોનું હજુયે ઘણું માન છે. એ લોકો ત્યારપછી ક્યારેય શાળાના મેદાનમાં ડોકાયા ન હતા!! વળી, કોઈ પીધેલી હાલતમાં દેખાઈ જાય તો તરત જ સામેથી કહી દે, “માસ્તર.. આજે રહેવા દેજો.. બોલાય એવી હાલત છે નઈ..!!”

થોડા દિવસ પછી રાતે જમીને બહાર ઓટલા પર એકલો બેઠેલો, ત્યારે આપણા –આતાની દીપિકાએ આવીને કહ્યું, “સાહેબ, મારા બુપા (-એટલે કે, પપ્પા!!) તમને બોલાવે છે.”

મેં સંમતિ દર્શાવી. થોડીવાર પછી ત્યાં બેસવા ગયો. –આતા સાથે ઠીકઠાક વાતચીત થઇ. એટલામાં સંગીતા ચા લઇ આવી! ‘ચા’ પીધા પછી આતાએ ખરી વાતચીત શરુ કરી!

“પગાર તો સારો એવો હશે નઈ.. તમારો??”—આતાએ વાતની શરૂઆત કરી!

“ક્યાંથી સારો? ૨૫૦૦ રૂપિયા છે!..” મેં ચહેરો હસતો રાખી થોડી નિરાશાથી કહ્યું, “..આટલામાં ગીરગઢડામાં (ગામનું તાલુકા સ્થળ!) પૂરું નહતું થતું, એટલે તો અહી રહેવા આવવું પડ્યું!”

“અહી ગામડામાં તો તમારી પાસે પૈસા બચતા હશે નઈ? એટલો બધો ખર્ચો તો અહિયાં ના હોય ને?” –આતાની વાતોમાં રહેલી ચાલાકી સમજવા પુરતો હું સક્ષમ નહતો!

“બચે તો ખરા! ..પણ એટલાય નઈ!” મેં હસતા મોઢે કહ્યું.

“સાહેબ એમાં એવું છે ને કે..” –આતાએ ‘ચા’ પાઈને એની કિંમત વસુલવાનું શરુ કર્યું, “..મારે અત્યારે પૈસાની બહુ જરૂર છે, અને ઘરમાં અત્યારે બિલકુલ પૈસા છે જ નઈ.. તમે થોડી મદદ કરી દો તો..” –આતા ગરીબડું મો કરી અટકી ગયા! 

...આમેય નાનપણથી જ ગામડામાં રહેતા લોકો હમેશા ગરીબ જ હોય છે, એવું સિટીમાં રહેનારા મારા જેવા લોકોના મનમાં આવી માન્યતા દ્રઢપણે ઘર કરી ગઈ હોય છે!.. એટલે મેં વિના સંકોચે –આતાના નામે ત્રણસો રૂપિયાની બલી ચડાવી દીધી! ત્યારબાદ તો આ લગભગ રૂટીન જ બની ગયું હતું કે, જયારે –આતા સામેથી ‘ચા’ પીવા બોલાવે ત્યારે આ પરાણે પાયેલી ‘ચા’ની કિંમત વસુલે જ!! આમ કરતા-કરતા આ ‘માનસિક’ગરીબડા –આતાએ મારી પાસેથી એમની પાયેલી ‘ચા’ના ધીમે-ધીમે કરીને અંદાજે ત્રણેક હજાર રૂપિયા ઉસેટી લીધેલા!!

એક દિવસ તો હદ થઇ! દીપિકાના ભાઈ કાનાના લગનના ફુલેકા વખતે આ ગરીબ –આતાએ દસ-દસની નોટોના બંડલની છોળો ગામ આખામાં ઉછાળેલી!! ..અને હું ચોંકી ઉઠેલો! મેં તરત જ અમારા આચાર્યને આ વાત કરી તો એમને મને ચેતવ્યો કે આના ઘરે બહુ નઈ જવાનું!! એણે અમારા આચાર્યના પણ ઘણા રૂપિયા ઉસેટેલા!! 

...થોડા દિવસ પછી કચવાતા મને મેં એમની પાસે મારા બાકી નીકળતા પૈસાની માંગણી કરી ત્યારે એમણે ‘ખંધુ’ હસતા કહેલું, “તમે તો સાહેબ કહેવાવ, તમારી પાસે થોડી પૈસાની તાણ હોય!!” 

દસેક વર્ષ પહેલા થયેલા આ અનુભવથી હું ઘણું શીખેલો! પરિણામે –આતાના આવેલા ફોનથી જ હું સમજી ગયો હતો કે એમને મારે કોઈપણ સંજોગોમાં મદદ કરવાની નથી!! મેં એમને ટાળવા માટે તરત જ કહ્યું, “હા.. લ્યો તો જોઈશું હો.. કાનો અને જમાઈ અમદાવાદ પહોચે તો એમને કહેજો કે મને ફોન કરે..!!”

“તમારી પાસે એનો ફોન નંબર તો છે ને??” –આતાએ પૂછ્યું.

“ના.. મારી પાસે નંબર તો નથી.. એક કામ કરો ને.. મને એ નંબર પરથી એક મિસકોલ મારી દો ને.. એટલે હું સેવ કરી લઉં..!!” મેં કહ્યું.

“સારું..સારું.. હું કાનાને કહી દઉં છું કે તમને એક મિસકોલ મારી દે!!” –આતા ઉત્સાહમાં આવી ગયા!

......ત્યારબાદ ઔપચારિક વાતો કરી મેં ફોન મુક્યો! થોડીવારમાં એક મિસકોલ આવ્યો. મેં તરત જ આ બંને નંબર બ્લેકલીસ્ટમાં નાંખી દીધા!!

લ.તા. ૨૬/૦૬/૨૦૧૭