ગુરુવાર, 5 ડિસેમ્બર, 2019

"તમે મારું ટોર્ચર કરો છો!!" (આર્તનાદ ભાગ 11)


"તમે મારું ટોર્ચર કરો છો!!"
 આર્તનાદ
(ભાગ 11)

********

સરકારી પ્રાથમિક શાળાઓમાં કોઈ બાળક સતત ગેરહાજર રહેતું હોય તો પ્રથમ ૩ દિવસ ન આવે તો બાળક દ્વારા, ૭ દિવસ ના આવે તો શિક્ષક દ્વારા, ૧૫ દિવસ ના આવે તો આચાર્ય દ્વારા, પછી એસએમસી દ્વારા અને સીઆરસી કો ઓર્ડિ. દ્વારા એમ લગભગ ૫/૬ વખત વાલીસંપર્ક કરવામાં આવે છે. એ જાણવા કે બાળક શા માટે નથી આવતું? યોગ્ય કારણ હોય તો ઠીક છે, બાકી સતત ૧ મહિના ગેરહાજર રહેતાં બાળકનું નામ માત્ર 'હાજરીપત્રક'માંથી જ કમી કરી શકાય છે! ..આ ૧ મહિના પછી ગમે ત્યારે, જો એ બાળક અને તેના વાલીને શાળાએ જવાનું/મોકલવાનું આત્મજ્ઞાન થાય તો શાળાએ એ બાળકને ફરી હાજરીપત્રક પર ચડાવવો પડે! (આવું કેટલી વખત કરવાનું, એની કોઈ સ્પષ્ટતા જ નથી!! મતલબ કે સતત એક મહિનો કોઈ પણ યોગ્ય કારણ વગર ગેરહાજર રહેનાર બાળક દર બીજા મહિને ધારે તો શાળામાં પાછું ફરી શકે છે!! આમ વર્ષાનતે 10 કરતાં પણ ઓછાં દિવસ આવીને એ બાળક જે-તે ધોરણ પૂરું કરી શકે છે, અને બધાં જ સરકારી લાભો પણ મેળવી શકે છે!! RTE મુજબ એને નાપાસ પણ કરી શકાતો નથી કે નથી એનું નામ કમી કરી શકાતું!! ..પછી બુમરાણ મચે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં આટલાં બાળકો ભણવામાં નબળાં અને બોર્ડમાં આટલાં નાપાસ!!)

આ નિયમ કેટલો સરસ લાગે છે નૈ??

....પણ વાસ્તવિકતા સાવ ઉલટી છે!! જેમને ખરેખર ભણવું જ છે અને જેમને પોતાનાં બાળકોનાં ભણતરની ચિંતા છે, એવાં બાળકો અને વાલીઓ, ગમે તેવા સંજોગોમાં પણ પોતાનાં બાળકને ભણાવે જ છે અને બાળકો પણ ભણે જ છે!! વંદન છે એવાં વાલીઓ અને બાળકોને!!  ..પણ જેને નથી જ ભણવું.. માત્ર અને માત્ર સરકારી ફાયદાઓ જ ઉઠાવવા છે એનું કોઈ કશુંયે તોડી-ઉખાડી શકાતું નથી!!

મોટાંભાગના વાલીઓ સુપેરે જાણે જ છે કે એનું બાળક શાળાએ જાય કે ન જાય, શિક્ષકો એનું નામ કમી નથી કરી શકવાના! ..શિષ્યવૃત્તિ પણ મળવાની જ! ..પાસ પણ થવાના જ! ..અને શાળાએ પણ ન જવાની કોઈ સજા જ નહિ! ..એટલે આવાં લુપ-હોલ્સ જાણનાર અને પોતાના બાળકોની કશી જ પડી ના હોય એવા.. (રિપીટ કરું છુ.. જે વાલીઓ આવા ધડ-માથા વગરના નિયમો જાણે છે અને પોતાના બાળકોની બિલકુલ નથી પડી 'એવાં જ' નપાવટ વાલીઓ!!) ..લુખ્ખા વાલીઓ દિન-બદીન એટલી હદે વધતા જાય છે કે ક્યારેક શિક્ષકો અને શાળાને પણ હેરાન કરવામાં/દાદાગીરી કરવામાં પાછી પાની કરતા નથી! પોતાના જ બાળકોને ક્રિમિનલ બનાવવાની નાનપણથી જ ટ્રેનિંગ આપતા આવા સમાજ માટે ખતરારૂપ વાલીઓ મોટેભાગે તો સ્થાનિક રાજકારણીઓનાં ચમચા જ હોય છે! શાળાને મદદરૂપ થવાને બદલે વારેઘડીએ નાનીનાની વાતોમાં ટોળાં ભેગાં કરવા, રૂપિયા પડાવવા અને ધમકીઓ આપવી એ એમના માટે રમત વાત છે! વળી, સરકારી શાળાઓના અગણિત સારા પાસાઓને ક્યારેય ઉજાગર ના કરીને ટીવી અને પ્રિન્ટ મીડિયા પણ જાણે શાળાઓ એમની 'સૌતન' હોય એમ મારી-મચેડીને ખરાબ પાસું જ બતાવવાની હોડમાં લાગેલી હોય છે!  પાછા આવાં જ લોકો સરકારી શાળાઓ મરવા પડી છે ની સૌથી વધુ કાગારોળ મચાવતા હોય છે!!

આવા બે-જવાબદાર વાલીઓ વિશે લખવાનું કારણ દુર્ભાગ્યે કાલે જ બન્યું! મારાં જ વર્ગમાં ભણતી એક બાળકી (..એક્સ્ટર્નલ ભણતી કહી શકાય, કેમ કે એ બાળકીનું જૂન મહિનામાં એડમિશન થયા બાદ એ આજની તારીખ સુધીમાં ૭૦ થી ૮૦% દિવસ ગેરહાજર/ABSENT રહી છે!) સતત ૭-૮ દિવસ ના આવે એટલે મારો ફોન વાલીને જાય! એ વાલીનો એક જ જવાબ હોય, "કાલથી આવશે!" ..એટલે એકાદ દિવસ આવે અને પછી પાછું 'જૈસે થે' જ હોય! સતત શાળાએ ન આવે એટલે ભણવાનું પણ ન જ આવડે! વળી, આ બાળકી વાલીની એટલી માથે ચડાવેલી કે જ્યારે શાળામાં આવે ત્યારે કોઈને કોઈ ફરિયાદ હોય જ!! કોઈની નોટ/ચોપડીનું પાનું ફાડી નાંખે, પેન્સિલની અણી ઘુસાડી દે, વસ્તુ ચોરી લે, ઝઘડે-ચૂંટણી ખણી લે અને ભણવા-લખવાનું તો નામ જ નહીં! (ઓફિસમાંથી એને ચૂપચાપ ચોક લેતાં એક શિક્ષકે જોયેલું ત્યારે એણે કહેલું, "મેરી મમ્મીને બોલા હૈ ચોક લે આને કો!")

બાળકની આવી બાબતોનો એક શિક્ષક તરીકે બહુ રિસ્પોન્સ ન આપતા એને મારી બાજુમાં જ બેસાડું! ઘણી વખત અનુભવ્યું છે કે આવું બાળક શિક્ષકની બાજુમાં પણ બેસતું થાય તો પણ વર્તનમાં ઘણો ફરક પડી જતો હોય છે, પણ એ પોઝિટિવ ફરક માટે બાળકનું શાળામાં રેગ્યુલર આવવું જરૂરી છે! ..એ બાળકી રેગ્યુલર તો છે જ નહીં! બે દિવસ આવે પછી ચાર દિવસ ના આવે, અને પછી અચાનક એક દિવસ પ્રગટ થયા પછી પાછી એબ્સન્ટ!! આવી પરિસ્થિતિમાં હું એના પપ્પાને ફરિયાદ કરું! રોજ શાળાએ મોકલવા, અને ભણવા પર ધ્યાન આપવા કહું!

કાલે અચાનક એનાં પપ્પાનો ફોન આવ્યો, અને ગુસ્સામાં મને કહે કે "મને તમારાથી તકલીફ છે. તમારું નામ પ્રગનેશ છે એ મને યાદ છે અને હું તમારી છેક ઉપરના લેવલ સુધી ફરિયાદ કરવાનો છું કારણ કે તમે મને મેન્ટલી ટોર્ચર કરો છો."

"હેં.." મને નવાઈ લાગી, "શુ કીધું? ટોર્ચર?"

"હા.. ખાલી મને જ નહીં, પણ સ્કૂલના બધા જ વાલીઓ પર તમે ટોર્ચર કરો છો." એ કહે, "મને વારેઘડીએ ફોન કરીને તમે 'મારી છોકરી ભણવા નથી આવતી..' અને 'ઘરે ભણવા બેસાડો..' અને 'વર્ગમાં કશું લખતી નથી..'..ને આવું બધું કહી કહીને તમે મને અને બીજા વાલીઓને ટોર્ચર કરો છો એટલે હું મારી છોકરીને તમારી સ્કૂલમાંથી ઉઠાવી લઈને તમારાં મોટાં સાહેબો સુધી છેક ઉપરનાં લેવલ સુધી હું તમારી ફરિયાદ કરવાનો છું કે તમે મને અને બીજા વાલીઓને મેન્ટલી ટોર્ચર કરો છો."

મેં પૂછ્યું, "બાળક સ્કૂલમાં નિયમિત આવે જ નૈ, ભણવામાં ધ્યાન જ ન આપે કે પછી કશું ન કરવાનું કરે.. તો એની જાણ અમે તમને કરીએ એને તમે મેન્ટલી ટોર્ચર કહો છો?"

"હા.." એ કહે, "મેન્ટલી ટોર્ચર જ કહેવાય ને! તમારું કામ બાળકોને ભણાવવાનું છે અને સંસ્કાર આપવાનું છે. નાનું બાળક સ્કૂલે આવે કે ના આવે એ તમારે નથી જોવાનું!"

(એની સાથે અડધી કલાક થયેલી વાતચીતના કેટલાંક અંશો રજૂ કરું છું:-)

"એ જ્યારે સ્કૂલમાં આવે ત્યારે એને ભણાવવાનું હોય.."
"નાનું બાળક છે એ.. સ્કૂલમાં આવે પણ ખરા અને ના પણ આવે.."
"તમારું કામ એને સંસ્કાર આપવાનું અને સુધારવાનું છે.." "એને મારો અને સુધારો.."
"હું ક્યારેય તમને એવું કહેવા નહીં આવું કે તમે એને કેમ માર્યું?"
"બોલો ઉઠાવી લઉં તમારી સ્કૂલમાંથી.. બોલો.."
"રીસેસમાં બાળક ઘેર આવી જાય એમાં શુ ફોન કરવાનો.. એ તો બાળક છે, એને તો એમ જ લાગે ને કે સ્કૂલ છૂટી ગઈ!"
"હું રાતના બાર વાગે ઘેર આવું છું.."
"ના.. મેં એની નોટ ક્યારેય ચેક નથી કરી.."
"તમારા આચાર્યને તમારી ફરિયાદ એકવાર તો કરવી જ પડશે.."

(પ્રજ્ઞા વર્ગમાં બાળકે ટુકડી પ્રમાણે કલાસ બદલવાના હોય છે એ બાબતે..અંદાજે ૩ મહિના પહેલાં 'આ જ વાલીએ' મારાં પ્રજ્ઞા વર્ગ ટુકડીના પાર્ટનર શિક્ષિકાબેન સાથે અભદ્ર વ્યવહાર કરતા એવું કહેલું, "આ બધી શું ભવાઈઓ માંડી છે?.. ગુજરાતી અહીં ભણવાનું અને ગણિત બાજુમાં..!! શું નાટક કરો છો તમે બધા ભેગાં થઈને..? મારી છોકરીએ આજે અહીં બેસવાનું અને કાલે બાજુમાં..!! મારી છોકરીને તમારે વર્ગમાં બેસાડવી નથી એમ કહોને..!")
.
.
.
...અડધો કલાક વાત ચાલી! છેલ્લે એને એની ભૂલ સમજાતા "સોરી સાહેબ.. કઈ બોલાઈ ગયું હોય તો.." કહીને ફોન મૂક્યો! મારી ગરિમા/સ્વમાનનું હનન કરીને એનાં તુચ્છ "સોરી"નું મારે મન કોઈ મૂલ્ય જ નથી!

મફતમાં બધું મળે છે, એટલે આવાં વાલીઓને મન સરકારી શાળા 'ગામભાભી' બનીને રહી ગઈ છે! હજારોની ફી લેતી ખાનગી શાળા હોત તો RTE ને ભૂલીને તાત્કાલિક સર્ટી આપી દેત! ..અને બીજું સત્ય એ પણ છે જ કે ખાનગી શાળામાં હજારો ની ફી ભર્યા પછી પણ એ ત્યાં એવું ના કહી શકતો કે "તમે મારુ ટોર્ચર કરો છો!''

શિક્ષક પર ભરોસો જ ના હોય એવાં વાલીઓને તાત્કાલિક સર્ટી આપી દેતાં આચાર્યો અને અધિકારીઓ ભૂતકાળમાં હતાં, હજીયે ક્યાંક હશે! અમારે તો આવાને સર્ટી આપીએ તો RTE નામે ધમકાવવાવાળા પડ્યા છે!!

વંદન એવાં ખુમારી વાળા આચાર્યોને અને અધિકારીઓને, કે જેઓ પોતાનાં શિક્ષકોનું સ્વમાન હણાવા દેતાં નથી!!


*ડોન્ટ થિંક એવર*

મેં ક્યાંક વાંચેલું છે કે આપણાં ગુજરાતમાં જ એવો એક રાજવી થઈ ગયો કે જેણે ફરજીયાત શિક્ષણ દાખલ કરેલું! ..અને જો વાલી બાળકને નિયમિત શાળાએ ના મોકલે તો એની પાસે દંડ ઉઘરાવવાની તથા જેલ મોકલવા સુધીની જોગવાઈ કરેલી! ધન્ય છે એ રાજવી!! અત્યારે તો માત્ર વૉટબેન્ક જોવાય છે! દેશનાં એ 562 રજવાડાઓ પ્રજાનું વધારે ભલું કરતાં હશે, આ આજનાં 2-3 લાખ નેતાઓ કરતા!!

મો.રફીકભાઈ જેવાં હજારો વાલીઓને પણ વંદન, કે જેમને ઘર બદલ્યાને ચોથા જ દિવસે પોતાની દીકરી રૂકસારનું સર્ટી લઈને બીજી શાળામાં નામ લખાવી દીધું, જેથી એનું ભણતર ના બગડે!!

મંગળવાર, 3 ડિસેમ્બર, 2019

થોડાં દિવસ પહેલાની આ બે સત્ય ઘટનાઓ શેર કરું છું..

(૧)
એક મોટાં અધિકારી મારી શાળામાં આવ્યા. એમને જાણવામાં આવ્યું કે મારી દીકરી મારી શાળામાં જ ભણે છે. તો એમને ભારોભાર નવાઈ લાગી! શાળાનાં વર્ગોની વિઝીટ પછી મને અને મારી અર્ધાંગિનીને એમણે પૂછ્યું, "તમે તમારી દીકરીને અહીંયા ભણાવો છો તો તમને બધાં કૈક તો કહેતાં હશે ને?"

(૨)
ગુણોત્સવ સંદર્ભે SI (સ્કૂલ ઇન્સ્પેકટર) શાળાઓમાં આવવાના હોઈ એક અધિકારી મારા પ્રજ્ઞા વર્ગ મુલાકાતમાં આવ્યા. મારી દીકરીને જોઈને કહે, "તમે અહીં કેમ તમારી દીકરીને ભણાવો છો?"

******

લગભગ આવા જ એકસરખાં સવાલો મને (..અને મારી જીવનસંગીનીને પણ!!) હજારો વખત પુછાય છે! મારી પાસે આનો કોઈ જવાબ નથી! ..પણ બે વાર્તાઓ છે:

(૧)
એક વખત એક સ્ત્રી પોતાના બાળકને લઈને તથાગત બુદ્ધ (..કે પછી ગાંધીજી હોય, ખબર નઈ! મને ભગવાન બુદ્ધ વધુ સ્યુટેબલ લાગે છે!) આવી. તે કહે, "ભગવન, મારું બાળક માત્ર ગોળ જ ખાય છે. એને બીજું પણ કંઈક ખાવા સમજાવો. એ મારું માનતો નથી."

બુદ્ધે એને પંદર દિવસ પછી આવવા જણાવ્યું!
પંદર દિવસ પછી તે સ્ત્રી ફરી ભગવાન બુદ્ધ પાસે ગઈ, અને પોતાનાં બાળકની તકલીફ કહી. બુદ્ધે તે બાળકને પોતાની પાસે બેસાડી માત્ર ગોળ ન ખાવા સમજાવ્યું.

સ્ત્રીને નવાઈ લાગી! તેણે તથાગતને પૂછ્યું, "આજ વાત તમે પંદર દિવસ પહેલાં પણ કહી શક્યા હોત! મારે બે ધક્કા ન થાત ને??!!"

બુદ્ધે કહ્યું, "ત્યારે હું પણ ગોળ ખાતો હતો! જો હું જ ગોળ ખાતો હોઉં તો તમારા બાળકને કેવી રીતે ન ખાવા  કહી શકું? પંદર દિવસથી મેં ગોળ ખાવાનો બંધ કરી દીધો છે, એટલે હવે એને માત્ર ગોળ ન ખાવાનું કહી શકું છું."

(૨)
એક ગામ હતું. એ ગામમાં એક હોટલ હતી. એ હોટલમાં 'મફતમાં કહી શકાય' એવાં સસ્તા દરે એટલું સારું ખાવાનું મળતું કે ગામના ગરીબ-તવંગર બધાં ભેગા મળીને ભેદભાવ રાખ્યા વગર એ હોટલમાં સાથે જ જમતા! સરપચ પણ ત્યાં જ કુટુંબ સાથે જમવા જતા!

એક દિવસ એ ગામમાં એક ધનવાન વેપારી રહેવા આવ્યો. ગામની હોટલને ધમધોકાર ચાલતી જોઈ એના વેપારી દિમાગમાં એક હોટલ ખોલવાનો વિચાર આવ્યો. પણ જ્યાં ગામનો સરપંચ પણ મફતમાં જમતો હોય ત્યાં એની હોટલમાં પૈસા આપીને કોણ ખાવા આવે? સહેજેય નિરાશ થયા વગર એ ગામના સરપંચને ઘરે એક મોંઘી ગીફ્ટ લઈને ગયો. મોંઘીદાટ ગીફ્ટ જોઇને સરપંચ તો ખુશ થઇ ગયો! ધીમે રહીને  એણે સરપંચને કહ્યું કે, "તમે આ ગામનાં રાજા છો. તમારે ગામનાં સમૃદ્ધ લોકો સાથે જમવું જોઈએ. ગરીબ લોકો સાથે જમવાથી તમારું સ્ટેટ્સ નીચું જાય છે."

સરપંચના મનમાં આ વાત તીરની જેમ ખૂંચી ગઈ! એણે વેપારીને પૂછ્યું, "તો મારું સ્ટેટ્સ જાળવવા મારે શું કરવું જોઈએ?'' તરત જ લાગ જોઇને એ વેપારીએ કહ્યું, ''ગામના સમૃદ્ધ લોકો પોતાનું સ્ટેટ્સ જાળવી શકે એ માટે હું અહી ગામનાં પાદરે એક 'સમૃદ્ધ હોટલ' ખોલીશ! બદલામાં હું તમને મારી હોટલની કુલ આવકનો અડધો હિસ્સો આપી દઈશ. વળી, તમારે જયારે પણ જમવાની ઈચ્છા થાય ત્યારે ત્યાં આવી જવાનું! તમારી પાસેથી તો હું એક રૂપિયો પણ નહિ લઉં!!"

વેપારીની આ વાત સરપંચના મનમાં ઉતરી ગઈ! સરપંચ હવેથી જયારે પણ ભૂખ લાગે ત્યારે ગામના પાદરે આવેલી 'સમૃદ્ધ હોટલ'માં જમવા જતો! ધીમે-ધીમે ગામના બધા પૈસાદાર લોકોએ પોતાનું સ્ટેટ્સ જાળવવા  'સમૃદ્ધ હોટલ'માં જમવા જવાનું શરુ કર્યું, જેમાં ગામમાં 'મફત'માં ચાલતી હોટલનો માલિક પણ સામેલ હતો!!

થોડાંક સમયમાં એવો વખત આવી ગયો કે ગામની 'મફત'માં ચાલતી હોટલમાં સારામાં સારું ખાવાનું મળતું હોવા છતાં ઘરાકી ઘટવા લાગી! હવે આ હોટલમાં માત્ર ગામના ગરીબ લોકો જ જમવા આવતા! ગ્રાહકો ઘટવાથી હોટલ બંધ થઇ જવાની અણી પર આવી ગઈ! સરપંચથી માંડીને ગામના બધા લોકો આ હોટલ કેવી રીતે ચાલતી રહે, તે વિચારવા લાગ્યા! હોટલને સરસ મજાનું બિલ્ડીંગ બનાવી આપવામાં આવ્યું. ઘરાકોને જાતે કશું ના કરવું પડે, એ માટે હોટલમાં વેઈટર-સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો. જે આ હોટલમાં ખાવા આવે એમને સામેથી પૈસા પણ આપવાની જાહેરાતો થઇ! હોટલના આખા સ્ટાફને આ જાહેરાતો બધા સુધી પહોચે એ માટે ગામે-ગામ મોકલી દેવામાં આવ્યા.

...પણ બધું જ વ્યર્થ!!  કેમ કે સરપંચથી માંડીને હોટલના કર્મચારીઓ સુધ્ધા પણ હવે પોતાનું સ્ટેટ્સ જાળવવા પેલી 'સમૃદ્ધ હોટલ'માં જ ખાવા જાય છે! વળી, જાહેરાતોથી લલચાઈને જયારે પણ કોઈ આ હોટલમાં ખાવા આવે ત્યારે એમની સેવામાં કોઈ કર્મચારી/સ્ટાફ હાજર જ નથી હોતો! કેમ કે બધા આ હોટલની જાહેરાતના કામોમાં જ રોકાયેલા હોય છે! આ હોટલની આવી હાલત માટે બધા એકબીજાને ખો આપે છે. માલિક કહે છે કે કર્મચારીઓ ખરાબ છે, અને કર્મચારીઓ કહે છે કે માલિકની નીતિઓ ખરાબ છે!!

શું થશે આ હોટલનું??

કદાચ.. ૧૦૦%.. આ હોટલ ડૂબશે!!

*******

શિક્ષણ ખાતાનું પણ આવું જ છે!!..

શિક્ષણ ખાતામાં જ કામ કરતા ૯૯.૯૯% ઉપરથી માંડીને નીચે સુધી બધાં જ (રિપીટ.. ૯૯.૯૯%બધાં જ!!) પોતાના બાળકોને મોટી-મોટી ઇન્ટરનેશનલ સ્કૂલોમાં ભણાવે છે, અને સરકારી શાળાઓ ડૂબવાની અને બંધ થવાની કાગારોળ મચાવે છે!! જ્યાં હોટલનો માલિક પોતે જ બીજે ખાવા જતો હોય તો એની હોટલમાં કોણ ખાવા આવશે?? ખરેખર તો, સરકારી સ્કૂલોને બચાવવું એ 'આંધળાઓનાં નગરમાં અરીસો વેચવા જેવું છે!!" કોઈ બાબતને મઠારવાનું આપણા હાથમાંથી જતું રહ્યું હોય ત્યારે એનાં ઉપર જાતજાતનાં અભિગમો અને પ્રયોગો લાદવા કરતાં એને એની હાલત પર છોડી દેવું જોઈએ! સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ અનુસાર એનામાં તાકાત હશે તો જીવશે, નહીતર મરશે!

********

"અમારી દીકરીને નાનપણથી જ અમે કોઈ જ જાતનું 'ભણવાનું' બર્ડન નહી આપીએ!





હાલ જ 'મેન્ટલ એરીથમેટીક' શીખવવા મારી દીકરીને એક કલાસીસ જોઈન કરાવ્યું! પ્રથમ લેવલ પાર કરતાં સુધીમાં જ હું અનુભવું છું કે ખાનગી સંસ્થાઓ બાળકોને 'બાળક' તરીકે નહિ, પણ 'હ્યુમન રોબોટ/મશીન' તરીકે જુએ છે, અને વાલીને 'રૂપિયા ઓકતાં ગરજાઉ ઘરાક' તરીકે! મને આજ સુધી મારી દીકરી કેવાં વર્ગમાં ભણે છે, તે પણ જોવાંની પરમીશન નથી આપતા! બે કલાકનાં શિક્ષણકાર્યમાં એ લોકો એટલું બધું હોમવર્ક આપે છે કે સામાન્ય બાળકની બુદ્ધિ બહેર મારી જાય! ધન્ય છે મારી દીકરી અને એનો ગ્રાસ્પિંગ પાવર! આ નાનકડાં પાવરહાઉસને મેં ક્યારેય થાકતા નથી જોયું, પણ ત્રણ દિવસ પહેલાં મેં એનાં ચહેરાં પર થાક જોયો!














શિક્ષણ નામનું જહાજ તરશે કે ડૂબશે??
GOD KNOWS..

સોમવાર, 25 નવેમ્બર, 2019

'મૂછાળી માં' રીટર્ન્સ!!

'મૂછાળી માં' રીટર્ન્સ!!

*********

આ લેખ સંપૂર્ણપણે કાલ્પનિક છે! પ્રસંગોનો આધાર ગીજુભાઈ બધેકાના પાત્ર 'લક્ષ્મીરામભાઈ માસ્તર'નાં 'દિવા સ્વપ્ન'માંથી લેવામાં આવ્યાં છે, જેની સંપૂર્ણ ક્રેડીટ હું 'ગીજુભાઈ બધેકા'ના લેખનને અને તેમના જે આધારભૂત માલિકો છે તેમને આપું છું! કોઈનોય યશ લેવાનો મારે મન સહેજ પણ ઈચ્છા નથી! પીટીસીમાં ભણતી વખતે જયારે 'દિવા-સ્વપ્ન' અને 'તોતોચાન' વાંચેલું ત્યારે વિચાર હતો કે જેવું લક્ષ્મીરામભાઈ માસ્તર બાળકોને ભણાવતા, એમ ભણાવીશું! ...પણ વાસ્તવિક દુનિયામાં જયારે 'સરકારી માસ્તર' તરીકે શિક્ષક બન્યો ત્યારે આ જીવતાં-જાગતાં હયાત 'લક્ષ્મીરામભાઈ માસ્તર'(...એટલે કે હાલના પ્રાથમિક શિક્ષકો!!)ની શી વલે થાય છે? એ સંપૂર્ણપણે કાલ્પનિક રીતે વર્ણવ્યું છે! કોઈનાય નિર્ણયોને હું પડકારતો નથી કે નથી વિરોધ કરતો! આ માત્ર મનોરંજન માટે લખેલો લેખ છે!

********

ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે. (સોર્સ: વિકિપીડિયા)

********

પ્રથમ ખંડ
પ્રયોગની શરૂઆત

(૧)

હું મારા બધા જ સર્કેટીફીકેટ લઈને કેળવણીના વડા પાસે ગયો અને પ્રાથમિક શાળાનો એક વર્ગ સોંપવાની માંગણી કરી. ઉપરી સાહેબ હસ્યા અને કહ્યું, "તમારા બધા જ ડોક્યુમેન્ટ તો બરાબર છે, પણ તમે ટેટ પાસ નથી એટલે તમે નોકરી કરવાને લાયક બનતાં નથી! મહેરબાની કરીને તમે પહેલા ટેટ પાસ કરી આવો પછી હું તમને એક પ્રાથમિકનો વર્ગ સોપું!"

હું મૂંઝાયો, કહ્યું,"ટેટ પાસ કરવી જરૂરી છે? મેં ઘણું વાંચ્યું વિચાર્યું છે. શિક્ષણ પ્રત્યેની મારી કલ્પનામાં કેટલું સત્ય છે એ મારે વાસ્તવિકતા આણવી છે જેથી મને સમજાય કે કેટલું સત્ય છે અને કેટલું પોલાણ?"

"એવું ના ચાલે.. તમે કહો એટલે મારે કરવાનું?!.." ઉપરી ખીજાયા, "જુઓ, મારે ઘણા કામ છે. તમે ટેટ પાસ કરીને આવો પછીં વાત કરીએ!આવી રીતે તો ઘણા લોકો પ્રયોગો કરવા આવે! ..અને એનો અબાધિત અધિકાર તો અમારી પાસે છે."

એટલામાં એ ઉપરીનો મોબાઈલ રણક્યો, સામે છેડેથી કોઈ એમનું પણ ઉપરી બોલતું હતું! ફોન મૂક્યા પછી એ સાહેબ હસતાં હસતાં બોલ્યા, "તમારે પહેલાં કહેવું જોઈએ ને તમે મોટાં સાહેબના ઓળખીતા છો! આ બધી ભાંજગડ જ ના થાય ને??"

હું મરક્યો! ઉપરી સાહેબે વધુ સમય બગાડ્યા વગર કહ્યું, "પણ તમારે શિક્ષક બનવા માટેનો બ્રિજકોર્ષ કરવો પડશે. એ સિવાય નહિ ચાલે!"

 "ચોક્કસ કરી લઈશ. મને ખાલી જણાવજો કે ક્યારે ફોર્મ ભરાય છે?"

જવાબમાં એ સાહેબે ચશ્માંમાંથી આંખો બહાર કાઢી કહ્યું, "છાપું અથવા શિક્ષણની સાઈટ જોતું રહેવાનું! ખબર પડી જશે કે ક્યારે ફોર્મ ભરાય છે? વારુ, બોલો ત્યારે કઈ જગ્યાએ પ્રાથમીકનો વર્ગ આપું?"

મેં મારા ઘરનું સરનામું ધર્યું, જેથી મને મારા ઘરની નજીક શાળા મળી શકે! મારે આમેય ખાલી શિક્ષણ  સુધારણાના  પ્રયોગો  જ કરવા હતા!

"લોકો દસ-દસ વર્ષ સુધી રાહ જોવે છે ત્યારે માંડ-માંડ એમને વતન નસીબ થાય છે! તમે નસીબદાર છો કે તમને ઘરની નજીકની જ શાળા મળશે." પેલાં ઉપરીએ કહ્યું, "બહાર થોડીવાર બેસો.. હું તમારો ઓર્ડર કઢાવું છું."

અડધો કલાક વીતી ગયો હોવા છતાં ઓર્ડર ના મળતા હું ઓફિસમાં ગયો, અને ઓર્ડર વિષે પૃચ્છા કરી! જવાબ મળ્યો, "રિશેષ પડી ગઈ છે એટલે બધા ક્લાર્કો જમવા બેઠા છે. થોડીવાર લાગશે!" એટલે હું પોતે પણ ભૂખ્યો થયો હોવા છતાં ઓફિસની બહાર બાંકડા પર બેસી રહ્યો! ત્યાં અનુભવ્યું કે કેટલાંક શિક્ષકો પોતાનાં નાના-મોટાં કામો સર્વિસ બુકમાં ના નોંધાવા બદલ અકળાઈને બેઠાં હતા!

આખરે રિશેષ પૂરી થઇ અને મને પ્રવાસી શિક્ષકનો ઓર્ડર મળ્યો! મેં ઉપરીને વિનંતી કરી, "મહેરબાની કરીને શાળામાં એવું ના કહેતાં કે હું કોણ છું? જો શાળા-સ્ટાફ જાણશે કે હું ગાંધીનગરવાળા સાહેબનો પરિચિત છું તો મારાથી સજાગ બની જશે! મારે તો શાળા, શિક્ષક અને બાળકોની વાસ્તવિકતા જોવી અને જાણવી છે!"

સાહેબ મંજુર થયા, અને મને શિક્ષક-બોન્ડ પર સહી કરાવી! આ બાબતની પૃચ્છા કરતા ઉપરીએ કહ્યું કે, "જુઓ તમે એક વર્ષ સુધી નોકરી નહિ છોડી શકો!"

આ સાંભળી હું અંદરથી રાજી થયો! તેઓએ મને પ્રવાસી શિક્ષકની  નિયમાવલી આપી! પગારભથ્થા ન લેવા મેં કહ્યું તો કહે, "જો પગારભથ્થા નહિ લો તો બધાને ખબર પડી જશે કે તમે કોણ છો?" છેવટે મેં સ્વીકાર્યું અને નિયમાવલીને આદરથી જોઈ ગયો!

"કયું વર્ષ (ધોરણ!!) મને આપશો?" મેં પૂછ્યું! ..તો ઉપરીએ સંભળાવ્યું, "એ આચાર્ય નક્કી કરશે. મોટેભાગે તો જે ધોરણમાં શિક્ષકો ઓછા હશે એ જ મળશે! ..અને બીજી વાત એક વખત ધોરણ સ્વીકાર્યા પછી ત્રણ વર્ષ સુધી બદલી નહિ શકો!!"

આખરે મેં ઓર્ડર ખિસ્સામાં મૂક્યો. એ સાહેબ હું બહાર નીકળું એ પહેલા છેલ્લી વખત બોલ્યા, "તમારે  જે કરવું હોય એ છૂટ, પણ બધું નિયમોમાં રહીને કરજો! તમારે પરિપત્રોને પણ અનુસરવાના રહેશે અને અઠવાડિક પરીક્ષાને આધારે તમારું મૂલ્યાંકન થશે.. એ યાદ રાખજો!"

મેં કહ્યું, "કબૂલ છે. આપ મને અખતરા કરવાની છૂટ આપો છો તો આપને જ મારૂ કામ બતાવી સંતોષ પામીશ. આપ જ મારી સફળતા-નિષ્ફળતાના કારણો સમજી શકશો!"

આટલું બોલી હું ઓફિસમાંથી બહાર નીકળ્યો!

(૨)

પ્રવાસી શિક્ષકનો ઓર્ડર લઈને હું સીધો જ શાળાએ પહોચ્યો. જેથી ખબર પડે કે કયું વર્ષ મને અખતરાઓ માટે મળવાનું છે? શાળાનાં મેદાનમાં બે-ત્રણ છોકરાઓને જોઇને 'ઓફીસ ક્યાં છે?' એવું પૂછ્યું, તો એમણે મને સામો સવાલ પૂછ્યો, "કઈ ઓફીસ? હિન્દીવાળાની, ગુજરાતીવાળાની  કે ઉર્દુવાળાની?"

હું મૂંઝાયો! મેં ઓર્ડર ખિસ્સામાંથી બહાર કાઢ્યો, અને 'ગુજરાતી શાળા નં ૪' લખેલું જોઇને કહ્યું, "ગુજરાતી ઓફીસ"

પેલાં છોકરાઓએ બતાવેલી દિશામાં હું આગળ વધ્યો અને ઓફિસમાં દાખલ થયો. ઓફિસમાં પાંચ-પાંચ જણને જોઇને કોણ આચાર્ય હતું, એ સમજાયું જ નહિ! બે જણ કોમ્પ્યુટર પાસે બેઠા હતા! બે જણ ફાઈલો ખતાળી રહ્યા હતા, અને એક જણ તિજોરી પાસે ઉભું હતું! બધાં પરસેવે રેબઝેબ હતા! મને એ બધાને ડીસ્ટર્બ કરવાનું યોગ્ય ના લાગ્યું, પણ હવે હું પણ આ શાળાનો સભ્ય હોઈ આદરથી પૂછ્યું, "આ ગુજરાતી શાળાની જ ઓફિસને??"

આ સાંભળી ફાઈલ ખતાળી રહેલાં એક બેન ફરિયાદની ભાષામાં બોલ્યા, "મોટાંબેન, મુસ્કાનના વાલી આવી ગયા છે. એનું સર્ટી લેવા!!"

તિજોરીમાંથી ડોકું નાખીને કૈક શોધી રહેલાં મોટાંબેને આ સાંભળીને ડોકું બહાર કાઢ્યું, અને એકદમથી ખીજાઈને બોલ્યા, "કેમ મુસ્કાન ભણવા નથી આવતી? એક મહિનો થયો.. કેટલી વાર ફોનો કરવાના તમને? પાછાં ફોનેય બંધ રાખો છો અને ઘરે પણ કોઈ હોતું નથી! અમારે શું કરવાનું બોલો??"

આવા સ્વાગતથી હું ડઘાઈ ગયો!! મેં તરત જ હાથમાંનો ઓર્ડર પેલાં 'વિકરાળ' મોટાંબેન સામે ડરતાં ડરતા લંબાવ્યો!! 'સરકારી' કાગળ જોઈ પેલાં બેન ચોક્યા, અને કોમ્પ્યુટરમાં કામ કરતાં ભાઈને કહ્યું, "ઓ મુકેશભાઈ, આ જોવો તો શું છે?" ..એટલું બોલીને એ પાછા તિજોરી ખાતાળવા લાગ્યા!

"લાવો.." મુકેશભાઈએ મારી સામે હાથ લંબાવ્યો. કાગળ જોઈ એ બોલ્યા, "મોટાબેન આ તમારા કામનું છે. શાળામાં નવા શિક્ષક આવ્યા છે."

આ સાંભળીને મોટાબેનનાં ચહેરાં પર તરત જ ચમકાવી ગઈ! એમણે તીજોરી છોડી મારો ઓર્ડર હાથમાં લીધો અને પ્લાસ્ટીકની 'નબળી' ખુરશી બતાવી બેસવા ઈશારો કરી ખુશ થતાં કહ્યું, "ભલું થાજો બાપા.. આખરે શિક્ષક મળ્યા ખરા!!"

..પછી સાડીના છેડાથી પરસેવો લુંછતા મને 'મુસ્કાનના વાલી' સમજવા માટે મોટાબેને માફી પણ માંગી અને એ પણ જણાવ્યું કે કેવી રીતે ઉપલી ઓફિસોમાંથી અડધા જ કલાકમાં તાત્કાલિક બધી માહિતીઓની હાર્ડ અને સોફ્ટ કોપી મંગાવવામાં આવી હોઈ બધા વર્ગો ભેગા કરીને શાળાનાં ચાર શિક્ષકોને વર્ગ છોડીને ઓફિસમાં રોકવામાં આવ્યા હતા!!






રવિવાર, 24 નવેમ્બર, 2019

સફાઈ પણ જોઈએ અને કપડાં પણ ગંદા ના થવા જોઈએ! (આર્તનાદ ભાગ 10)

*'સફાઈ પણ જોઈએ અને કપડાં પણ ગંદા ના થવા જોઈએ' એટલે શું?*
આર્તનાદ
(ભાગ 10)
*********

થોડાં દિવસ પહેલા અચાનક અમારી શાળામાં મધ્યાહ્ન ભોજનનું ચેકિંગ આવ્યું! એમ.ડી.એમ.યોજનાનાં કોઈ અધિકારી બાળકોને અપાતા મીડ-ડે ભોજન વિષે થોડી પૃચ્છા કરવા/જાણવા માંગતા હતા! અમારા આચાર્યશ્રીએ એમની સમક્ષ મારી સામે આંગળી ચીંધી કહ્યું, "આ સાહેબ મીડ-ડે ભોજન ઘણીવાર ચાખતા હોય છે. તમે એમને જ પૂછો, જે પૂછવું હોય એ!!"

એ અધિકારીએ મને પૂછ્યું, "ભોજન કેવું આવે છે? કોઈ સુધારો હોય કે પછી કોઈ ફરિયાદ હોય તો કહો."

સૌથી પહેલી નવાઈની વાત તો એ હતી કે જયારે એ અધિકારીઓ આવ્યા ત્યારે શાળામાં મધ્યાહ્ન ભોજન ચાલુ જ હતું!! ..અને એ અધિકારીઓ મધ્યાહ્ન ભોજનનાં શેડમાં જઈને બાળકોને રૂબરૂ આ સવાલ પૂછવાની જગ્યાએ ઓફીસમાં બેસીને મને પૂછી રહ્યા હતા! મતલબ કે પોતાનાં પ્રોડક્ટ વિશે એ પોતાના ગ્રાહકોને નહિ, પણ થર્ડ પાર્ટીને અભિપ્રાય આપવાનું કહેતા હતા!

મેં એમને એકદમ વિનમ્રતાથી સીધો જ સવાલ પૂછ્યો, "તમે પોતે ક્યારેય ભોજન કેવું આવે છે એ ચાખ્યું છે ખરા?"

...તો એ અધિકારી ખંધુ હસતાં હસતાં, અને સાચું કહું તો 'સોગીયું' મોઢું કરી કહે, "ના, મેં તો ક્યારેય ચાખ્યું જ નથી!"

"..તો તમારે એકવાર તો ચાખવું જ જોઈએ.." મેં કહ્યું, "..પૂછવાની જરૂર જ નહિ પડે કે કેવું આવે છે?!!"

મને એમ હતું કે એ 'ભોજન' મંગાવશે અને ચાખશે! ..પણ એવું કશું જ ના બન્યું!! એ કશું જ ના બોલ્યાં! ચૂપ રહ્યા! થોડાં મૂંઝાયા.. એમનું મો જોઇને એવું લાગ્યું કે જાણે એ એવું વિચારતા હોય કે 'અહી ક્યાં આવી ગયા?!!'

જોકે વાંક એમનો નથી.. વાંક અમારો છે!! અમે ક્યારેય કોઈનેય સાચું કહી શકતા નથી! કોઈ અધિકારી કોઈ બાબતે પૂછે કે 'તમને આ ગમ્યું?' ત્યારે અમને 'ના' ગમતું હોવાં છતાં અમારામાંથી મોટાભાગનાં એમની 'ગુડ બુક'માં રહેવા માટે અને એમની ખુશામત કરવા માટે 'હા' પાડીએ છીએ! ..પછી આવા જ ખોટાં અભિપ્રાયોથી શિક્ષણને લાગતો કોઈ નવો અભિગમ/નિયમ આવે ત્યારે બુમરાણ મચાવીએ છીએ! અમુક સાચાબોલા શિક્ષકોનો અભિપ્રાય લઘુમતીમાં હોય એટલે એમનું કોઈ સાંભળે જ નહિ! ..અંતે ઘોર તો 'શિક્ષણ'ની અને 'બાળકો'ની જ ખોદાય!

મધ્યાહ્ન ભોજનમાં અમુક સુધારા કરવા જેવી બાબતો એમને કહી તો એ અધિકારી કહે, "આની આગળ તો અમને આવું કોઈએય કહ્યું નથી!"
"નહિ કહ્યું હોય.. હું તો કહું છું!!" મેં કહ્યું. અંતે એ આ 'સુધારા' લખીને ગયા તે ગયા.. આજ સુધી ડોકાયા નથી!! 'સફાઈ પણ જોઈએ છે, અને કપડાં પણ ગંદા ના થવા જોઈએ' તે આનું નામ!!

સોમવાર, 18 નવેમ્બર, 2019

એક BLO ની બબાલ!! (આર્તનાદ ભાગ ૯)

એક BLOની બબાલ!!
(આર્તનાદ ભાગ ૯)

*******

*આ ૧૦૦% સત્યઘટનાઓ છે!!*

સત્યઘટના ૧ :-

હજુ તો એ શિક્ષિકાને નોકરી લાગ્યાને ત્રણ જ દિવસ થયેલાને બી.એલ.ઓ.નો ઓર્ડર આવી ગયો! રવિવારે મતદારયાદી સુધારણામાં શાળાએ બેસવાનું હતું. બીએલોના કામના બિનઅનુભવી એ શિક્ષિકા પાસે એક મુસલમાન ભાઈ નવું ફોર્મ-૬ ભરાવવા આવ્યા. એ શિક્ષિકાએ ફોર્મમાં સરનામાંની કોલમ ભરવા એ ભાઈને પૂછ્યું, "ક્યાં રહો છો?"

"પાકિસ્તાનમેં.." એ ભાઈ બોલ્યા.

પાકિસ્તાનનું નામ સાંભળીને એ શિક્ષિકાબેન ચોકયાં! એમણે વિચાર્યું, 'આ ભાઈ તો પાકિસ્તાનથી આવેલા લાગે છે!' એમણે એ ભાઈને થોડીવાર ઉભું રહેવા જણાવ્યું. થોડીવાર પછી એક બીજા મુસ્લિમભાઈ ફોર્મ ભરાવવા આવ્યા. એ શિક્ષિકાબેને પૂછ્યું, "ક્યાં રહો છો?"

એ ભાઈ દાઢીએ હાથ ફેરવતા બોલ્યા, "પાકિસ્તાનમેં.."

હવે આ શિક્ષિકા ખરેખર મૂંઝાયા! એ તરત જ એમના સિનિયર કામચલાઉ આચાર્ય પાસે ગયા, કે જેઓ પોતે પણ બીએલો(!!??) જ હતા, અને કહ્યું, "પેલાં બે મુસ્લિમ ભાઈઓ પાકિસ્તાનથી આવ્યા છે, એવું કહે છે, તો શું કરું??"

એ આચાર્યે હસતા હસતા કહ્યું, "પાકિસ્તાન એટલે.. આપણી સ્કૂલની બાજુમાં વસંતગજેન્દ્રગડકરનગર છે ને?.. ત્યાં બધા મુસલમાનો જ રહે છે એટલે બધાએ એનું નામ પાકિસ્તાન પાડી દીધું છે! એ કઈ અસલીમાં પાકિસ્તાનમાં નથી રહેતા. તમતમારે એમના ફોર્મ ભરી નાખો."

સત્યઘટના ૨:-

(પાંચેક વર્ષ પહેલાની આ ઘટના યાદ આવતાની સાથે જ હું આજે પણ ફફડી જાઉં છું!! (બી.એલ.ઓ.મતલબ.. બીએલો- 'બી ગયેલો'..યુ નો??)

સાંજના સવા છ વાગી ગયા હતા. શિયાળાનો સમય એટલે અંધારું પણ ઘેરાયું હતું. રજાના દિવસે વધારે કામ થાય એ હેતુથી હું સવારથી જ અહી બી.એલ.ઓ.ના કામ માટે આવી ગયેલો!  સાંજ સુધીમાં ચાર માળીયાઓમાં સીડીઓ ચડી-ચડીને અને ફરી-ફરીને હું સજ્જડ થાકી ગયેલો. આખા દિવસમાં માંડ હું આઠ બ્લોક ફરી શકેલો. કોઈ પાણીનોય ભાવ પૂછતું નહતું! ઘર ખખડાવીએ એટલે શંકાની નજરે જુએ! કોઈ અજાણ્યા આદમીને જોતાની સાથે જ 'કોન હો તુમ?' 'કહાં સે આયે હો?'.. જેવાં ભારેખમ વાક્યો બોલતા બધા ભેગા થઈ જાય અને પોલીસ કરતાંય ખતરનાક ઇન્વેસ્ટીગેશન કરે એવી આ જગ્યા!!

હજુ ઘણું કામ બાકી હતું. જુના શિક્ષકોએ મને એટલો તો ચેતવેલો કે 'રાતે આ જગ્યાએ કામ નઈ કરવાનું..!' ..પણ મેં હોશિયારી કરીને હજુ એક બ્લોક ફરવાનું વિચાર્યું! યાદીમાંથી ઘર નંબર જોયો અને બ્લોકમાં ઘૂસીને ઘર શોધ્યું. દરવાજાની તિરાડમાંથી લાઈટનો પ્રકાશ આવતો હતો, એટલે મેં દરવાજો ખખડાવ્યો! લોબીમાં સાવ અંધારું થઇ ગયું હતું.

મેં નોંધ્યું કે દરવાજો ખખડાવતાની સાથે જ અંદર આવતા અવાજો બંધ થઇ ગયા હતા. થોડીવાર સુધી કોઈએ દરવાજો ના ખોલ્યો.. એટલે મેં ફરી દરવાજો ખખડાવ્યો, અને બુમ લગાવી, "ખોલો.."

થોડીવાર પછી દરવાજો સહેજ ખુલ્યો! અંદરથી એક 6 ફૂટ ઊંચા પઠાણ જેવા લગતા ભાઈએ થોડું માથું કાઢી પૂછ્યું, "કિસકા કામ હૈ?"

"યે ચૂંટણીકાર્ડકા કામ હૈ.." મેં યાદીમાં નામ જોઈ પૂછ્યું, "..યે.. ..ભાઈ યહાં રહેતે હૈ?"

"ચૂંટણીકાર્ડ??.." પેલાં પઠાણીએ પૂછ્યું.

""હાં.."  મેં કહ્યું.

"તુમ યહાં કા ચૂંટણીકાર્ડ બનાતે હો??.." પેલાંએ ફરી પૂછ્યું.

"હાં.." હું અકળાઈને બોલ્યો! ...તરત જ એ પઠાણી મુસલમાને ઘરનો દરવાજો ખોલ્યો અને મારો હાથ પકડીને ઘરની અંદર ખેંચી લીધો!!

એકદમ થયેલા આવા રી-એક્શનથી હું તો ડઘાઈ જ ગયો! ઘરમાં ખેંચતાની સાથે જ એણે દરવાજો બંધ કરી દીધો.. અને દરવાજે ઉભો રહી ગયો!! માત્ર ચંદ સેકન્ડોમાં એટલું બધું થઇ ગયું કે હું કઈ સમજી જ ના શક્યો! મેં ઘરમાં નજર ફેરવી .. નીચે ફર્શ પર બીજા ત્રણ પઠાણી લોકો બેઠા હતા! એ લોકો મને જોઇને.. કાં તો ડરેલા હતા..અથવા.. ખબર નઈ, ..પણ 'એલર્ટ' તો થઇ જ ગયા હતા!! ઘરમાં કોઈ સામાન દેખાતો નહતો! ખૂણામાં બે -ત્રણ બેગ હતા અને વચ્ચે કૈક નાસ્તો કરી વધેલાં  ડુંગળી-મરચાંવાળો કાગળ પડ્યો હતો!!

"તુમ્હેં જીતને પૈસે ચાહિયે લે લો.. લેકિન હમે ઇહાં કા ઈલેક્શન કાર્ડ બના દો." દરવાજે ઉભેલો પેલો પઠાણી બોલ્યો.

ચાર-ચાર છ ફૂટિયા પઠાણી લોકો વચ્ચે ઘેરાયેલો હું જબ્બર ડરી ગયો! ..પણ થોડી બહાદુરી રાખી કહ્યું, "દેખિયે.. મૈ સિર્ફ ઈલેક્શન કાર્ડ દેતા હું.. બનાતા નહિ હું!!"

"અભી તુમને બોલા ને? કી તુમ કાલા ફોટુ બનાતે હો??!!" પેલાએ પાછા ભારેખમ અવાજે પૂછ્યું. મેં નોંધ્યું કે પેલાં બેઠેલાં ત્રણ પઠાણીઓ મને વિચિત્ર નજરે ઘૂરી રહ્યા હતા! મેં હિંમત રાખી કહ્યું, "ઐસે થોડી નાં બનતાં હૈ કાલા ફોટુ?.. સબ પુરાવે તો ચાહિયે ના?"

"કોઈ ભી પુરાવે નઈ હૈ.. ઇસીલિયે તો બોલ રહે હૈ, જીતના ચાહિયે ઉતને પૈસે લે લો.."

મેં થોડું ગભરાઈને કહ્યું, "પહેલે દરવાજા ખોલો. મૈ બાદ મેં બતાતા હું ક્યાં કરના હૈ?!!"

પેલાં પઠાણીએ નીચે બેઠેલાં લોકો સામે જોયું, પછી મારી સામે જોયું.. અને દરવાજો ખોલ્યો!

હું તરત જ ઘરની બહાર નીકળી ગયો અને બોલ્યો, "કોઈ ભી પુરાવે કે બગેર ચૂંટણીકાર્ડ બનાના હો તો કલેકટર ઓફીસ ચલે જાઓ.. વાડજ મેં! વહાં કોઈ ભી પુરાવે કી જરૂરત નહિ રહેતી. આધે ઘંટેમે બના દેંગે."

પેલાં બધા થોડાં ગુસ્સા/નિરાશાથી મને ઘુરકી રહ્યા હતા!

"કિતને પૈસે લોગે?" પેલાએ ફરી ઓફર આપી!

"પચ્ચીસ રૂપયે! વહા પચ્ચીસ રૂપયે મેં હિ બનતાં હૈ!" આટલું બોલીને હું ત્યાંથી, સાચું કહું તો, ભાગ્યો છું! 'મતદારયાદી ગઈ તેલ પીવા' જાન બચી તો લાખો પાયે.. એવું વિચારીને હું બહાર નીકળ્યો, અને બાઈક ચાલુ કરીને સીધો ઘરભેગો થઇ ગયો!!

******

અમદાવાદની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોને ઇ.ડબલ્યુ.એસ. (શહેરી ગરીબ આવાસ યોજના)ના મકાનો ફાળવાયા, જેને 'ચાર માળીયા' પણ કહે છે!! અહી લગભગ ૯૦% પબ્લિક તો શાંતિપ્રિય જ છે, પણ પાંચ થી દસ ટકા મકાનો એવા છે કે જ્યાં આ ચાર 'માલિયા' વિજય 'માલિયા'ની જેમ જ ઘણા ભાગેડુ અને ગુનાઇત લોકોનું આશ્રયસ્થાન બન્યું છે!! (દોઢેક માસ પહેલા જ અહીંથી 'બાળતસ્કરી'(અથવા તો બાળકો પાસે ભીખ મંગાવવાનું!)નું મોટું કૌભાંડ પોલીસે પકડી પાડેલું! છાપામાં વાંચ્યા મુજબ ૧૫ જેટલાં બાળકોને આ ચુંગાલમાંથી પોલીસે બચાવેલા! અંદાજે દર મહીને/પંદર દિવસે આ ચાર માળિયા છાપામાં પ્રગટ્યા જ હોય! બે-ત્રણ વર્ષ પહેલાં કોઈ પોલીસની બંદુક પણ ચોરી ગયેલું એવું સાંભળવામાં આવ્યું હતું! ..અને રેપકેસ અને મારામારી તો ખરા જ!!  )

કુલ મળીને ૨૦૦ થી પણ વધારે ચારમાળિયાનું વિકટ જાળું છે આ વિસ્તાર! પ્રત્યેક બ્લોકમાં ૩૨ મકાનના હિસાબે કુલ ૬૪૦૦ થી પણ વધુ મકાનો! શરૂઆતમાં કોઈપણ પ્રકારનું નામકરણ ના થયું હોઇ, આ વિસ્તાર માત્ર 'શહેરી ગરીબ આવાસ યોજના' નામે ઓળખાતો! પણ સ્થાનિક લોકોએ પોતપોતાની રીતે એનાં નામ પાડી દીધા છે! નામ પણ કેવા??!! ..'હિન્દુસ્તાન', 'પાકિસ્તાન', અને 'શ્રીલંકા'!!

(૧) સ્કૂલથી  જમણી બાજુ ૪૯ બ્લોક (૧૫૬૮ મકાનો!), કે જ્યાં લગભગ બધા જ મુસ્લિમ પરિવાર રહે છે! તેનું વાસ્તવિક નામ 'વસંતગજેન્દ્રગડકરનગર' એવું લંબુલચક છે, પણ સ્થાનિકો એને 'ક્યાં રહો છો?' એવું પૂછીએ તો  'પાકિસ્તાન' કહે છે!!

(૨) આ 'વસંતગજેન્દ્રગડકરનગર'ની બાજુમાં બ્રિજ છે. બ્રિજ ઓળંગો, એટલે ૭૭ બ્લોક (૨૪૬૪ મકાનો!) છે, કે જ્યાં હિન્દૂ-મુસ્લિમનાં ભેગા મકાનો ફાળવાયા છે! સૌથી જોખમી અને નાજુક એવાં આ વિસ્તારનું વાસ્તવિક નામ 'સદભાવનાનગર' છે! પણ હિન્દૂ-મુસ્લિમના પરિવારો ભેગા રહેતા હોવાથી સ્થાનિકો એને 'હિન્દુસ્તાન' કહે છે.

(૩) શાળાની પાછળ કુલ અંદાજે ૨૮ બ્લોક (૮૯૬ મકાનો!) છે, કે જ્યાં ૭૦/૩૦ મુજબ મુસ્લિમ/હિન્દૂ પરિવારો છે. વાસ્તવિક નામ 'શ્યામાપ્રસાદમુખર્જીનગર' છે, પણ સ્થાનિક નામ છે- શ્રીલંકા!!

(૪) એની આગળ છે 'ઇન્સાનીયતનગર'! હાલમાં જ લોકોને ત્યાં મકાનો ફાળવવામાં આવ્યા છે! (એટલે માત્ર ૧૨ બ્લોક જાણમાં છે!)

(૫)એની બાજુમાં હજુ બ્લોકો ખાલી પડેલા છે. આ ખાલી બ્લોકો જ ગુનાઈત પ્રવૃત્તિઓનું જડ છે, એવું હું માનું છું!! (શાળાની પાછળના બ્લોકો, કે જે 'શ્યામાપ્રસાદ મુખર્જી નગર/શ્રીલંકા છે, એ ફાળવાયા નહોતા ત્યારે ત્યાં 'નશીલા પદાર્થોનું વેચાણ', સૃષ્ટિ વિરુદ્ધની 'અસામાજિક પ્રવૃત્તિઓ' અને ખાલી બ્લોકોની બારી-બારણાં-પાઈપ ચોરીની બીનાઓ શાળાની બારીમાંથી નજરે જોયેલી છે!)

(૬) સ્કૂલની ડાબી બાજુ ૩૦ બ્લોક (૯૬૦ મકાનો), કે જ્યાં બધા જ હિન્દૂ પરિવાર રહે છે! જેને 'કુશાભાઉઠાકરેનગર' કહે છે!

(૭) ઈન્સનીયત નગરની બાજુમાં જ ઉમંગ ફ્લેટ છે. ઉમંગ ફ્લેટવાળા વિસ્તારને માનવનગર કહે છે. નર્ક એટલે શું?.. જો એ જાણવું હોય તો અહીં મુલાકાત કરવી રહી! બ્લોકોની વચ્ચે વરસાદ અને ગટરના પાણીથી બારેમાસ ભરાયેલાં વિશાળ ખાબોચિયામાં 'દેશી'(!!) વસ્તુઓનું લારીમાં વેચાણ થતું જોવા મળે! લોકો નશામાં ધૂત થઈને ખાબોચિયામાં પણ પડેલાં જોવા મળે! અહીં જવું એટલે સામે ચાલીને જોખમ વહોરવું કેમ કે અહીં ભરબપોરે તમે લૂંટાઓ એ શક્ય છે! અહીં હું પોતે જતાં ગભરાઉ છું, માટે સાચું કહું તો પાક્કી તો ખબર જ નથી કે કેટલાં બ્લોક છે, પણ અંદાજે 22 બ્લોકો હોવાનું જાણમાં છે!

(૮) હજુ થોડા આગળ વધી રોડ ક્રોસ કરો એટલે સદભાવના ચોકી પાસે મદ્રાસી મંદિર પાસે હાલમાં જ 'દેવીનગર' એવું ઘરઘરાઉ નામ આપેલા બ્લોક જોવા મળે! એ દેવીનગરમાં આમ તો કુલ બ્લોક 30 જેટલા છે પણ 10-12 બ્લોકમાં લોકો રહેવા આવ્યા છે, કે જેઓએ ઓનલાઈન ઇલે.કાર્ડનું ફોર્મ ભરીને તાજેતરમાં જ ઇલે.કાર્ડ મેળવેલા છે. અહીં રસ્તાની એકબાજુ મુસ્લિમ લોકો વધુ છે અને રસ્તાની બીજી બાજુ હિન્દુઓની મેજોરીટી છે!

(૯) સદભાવના નગર/હિન્દુસ્તાનની સામે ઝુંપડ પટ્ટી છે. જેમાં રહેતાં લોકો પણ આ જ મતવિસ્તારમાં આવતા હોઈ અમારે એનું પણ બી.એલ.ઓ.નું કામ કરવાનું હોય છે. આ ઝૂંપડપટ્ટીની પાછળ જ રેલવે સ્ટેશન પાસે ખંડેર થઈ ગયેલા બ્લોકોમાં અમુક નટ-બજાણીયા લોકોને ઘર ફળવાયા છે એટલે એનું નામ ખબર નથી!

(૧૦) ..અને છેલ્લે આ બધાની આજુબાજુમાં નવાં ફલેટ્સ બન્યા છે! જેમાં રહેતા લોકો પણ અમારા મતવિસ્તારમાંથી જ પોતાના નવાં ચૂંટણી કાર્ડ બનાવે છે.

આમ, અંદાજીત ૮૫૦૦ જેટલાં મકાનો માં રહેતાં અંદાજીત ૧૩૦૦૦ થી ૧૫૦૦૦ લોકોનું કરોળિયા જાળા સમાન ગીચોગીચ વિસ્તાર એટલે અમારો બી.એલ.ઓ.મતવિસ્તાર!

ચાર માળીયા વિસ્તારમાં ઘૂસો એટલે જો તમે એમ વિચારતા હોવ કે પહેલા નંબરના બ્લોકથી આપણે કામ કરવાનું શરુ કરીએ તો તમને પહેલાં નંબરનો બ્લોક શોધતાં જ દસ મિનીટ લાગવાની એ પાકું!! ગંદકીનો પાર નહિ!! બ્લોકમાં ઘૂસો એટલે પહેલા તો તમારે ડાઘીયા કૂતરાઓનો સામનો કરવો પડે! ઘણી વખત તો કુતરા પાછળ પડે એ લટકામાં! બ્લોક પાસે જ મોટાભાગે ખાટલાઓ ઉપર ચાર-પાંચ લોકો નવરાધૂપ બેઠેલાં જોવા મળે! ભૂલે ચુકે પણ જો એ લોકો તમારા હાથમાં મતદારયાદી જોઈ જાય તો તરત જ ટોળે વળી, તમને પૂછવા માંડે, "મેરા નામ ઇસમેં હૈ કે નહિ દેખોના.." મેરે નામમે ગલતી હૈ.." "મેને ફોરમ ભરેલા લેકિન અબી તક ઈલેક્શન ફોટુ આયેલા નઈ હૈ.." ..વગેરે!! મતદારયાદી હાથમાંથી ઝુટવી લેવા સુધી પહોચી જાય! મતદારયાદીમાં એટલી બધી ભૂલો છે કે એક પણ ઘર લાઈનસર જોવા ના મળે! ઘર તો છોડો, એક જ કુટુંબમાં રહેતાં સભ્યો પણ એક જ મત વિભાગમાં ના હોય! લગભગ ૫૦% કુટુંબોમાં માતા-પિતાનું નામ એક ભાગ નંબરમાં અને એમનાં  બાળકોનું નામ બીજા વિભાગમાં છે! લગભગ 10% લોકો એવા છે કે જેમના નામ એક કરતાં વધુ વિભાગમાં છે, કારણ કે ચૂંટણી કાર્ડની એક જ હોવું જોઈએ એ એમને ખબર જ નથી!! નામ ભૂલ થઇ હોય તો એ વ્યક્તિ ફરી ફોર્મ ભરી નવું કાર્ડ કઢાવે!! ઘર બદલ્યું હોય તો પાછું નવું કાર્ડ કઢાવે! ઘણી વખત એક કરતા વધુ વિભાગમાં/એક જ વિભાગમાં રીપીટેડ નામ હોવા છતાં મતદારને કાર્ડ મળ્યું જ ન હોય/એક જ કાર્ડ મળ્યું હોય/એક કરતા વધુ કાર્ડ એની પાસે હોય!! એમને કશું પૂછીએ તો સાચું જણાવે જ નહિ, શંકા કરે! ..કારણ કે ૨૦ થી ૩૦% લોકો ગેરકાયદેસર ભાડે રહે છે/બંધ મકાનમાં ઘુસણખોરી કરીને રહે છે! ઇવન લાઈટ પણ 'બે નંબરની' વાપરતા હોય! બદલામાં બાજુના ઘરમાં દર મહીને ૧૦૦/૨૦૦ રૂપિયા આપી દે! ૬૦ થી ૭૦% ઘરોમાં  દિવસના તાળા જ હોય! કામ-ધંધાર્થે ગયા હોય જે રાત સિવાય ઘરે આવે નહિ! ..અથવા તો મકાન ભાડે ચડાવી પોતે બીજે રહેતાં હોય, અને ભાડુઆતને કડક સુચના આપી હોય કે 'કોઈનેય એવું નહિ કહેવાનું કે આ મકાન ભાડે આપેલું છે, એવું કહેવાનું કે મકાન માલિક મારા સગામાં છે.'!! આવા લોકોના ફોન નંબર માંગીએ તો દે નહિ! ..અને નંબર દે તો મોટેભાગે રીચાર્જ જ ના કરાવ્યું હોઈ બંધ જ આવે/બંધ નંબર જ આપે! બહાના કરે.. 'ઘરમે ફોન હૈ ઈજ નઈ/ઉસકે પપ્પા લે ગયે હૈ/નંબર નઈ પતા/રીચાર્જ નહિ કરવાયા/ફોન ખો ગયા' વગેરે..!! ઘરનો દરવાજો થોડોક ખોલીને શંકાથી જુએ અને 'ધડામ' કરીને બંધ કરે! કોઈ મતદાર હાજર ના હોય તો રોજકામ/પંચકામમાં કોઈ સહી કરે જ નહિ! ઘણા ઘર તો એવા છે જ્યાં સ્કુલ/ટ્યુશન/દવાખાના/ફેક્ટરી/કારખાનું ચાલતું હોય! સ્ત્રી બી.એલ.ઓ. હોય કે પુરુષ બી.એલ.ઓ... જોખમ તો સરખું જ! ક્યારેક નાની-નાની વાતોમાં ધર્મના તણખા ઝરે! કોક વખત સાચી અને મોટેભાગે તો ખોટી જ હોય એવી અફવાઓનો તો પાર નહિ!.. 'બચ્ચે પકડને વાલે આયે હૈ.', 'હિંદુ-મુસલમાન કા ઝગડા હુઆ હૈ', રેપ હુઆ હૈ', મર્ડર હો ગયા હૈ..' વગેરે!! બાજુમાં જ રહેતાં પડોશીઓ પણ ઘરની બાજુમાં કોણ રહે છે એ ન જાણે!! ..અને જાણતા હોય તો કહે નહિ!! મતદારયાદીની કોઈ બાબતમાં સહી કરવાની હોય તો ૬૦% લોકો કરે જ નહિ!! ૫૦ થી ૬૦% લોકોના નામ/સરનામાં/ઉંમર/ફોટામાં ભૂલ હોય! ૯૯% મતદારયાદીમાં એક જ સરનામું છે.. 'શહેરી ગરીબ આવાસ યોજના'!! નવું ફોર્મ-૬ ભરીએ ત્યારે ઉલ્લેખ કરીએ કે વસંતગજેન્દ્ર નગર/સદભાવના નગર/શ્યામા પ્રસાદ મુખ્ર્જીનગર.. તોય જયારે કાર્ડ બનીને આવે ત્યારે લખ્યું હોય.. 'શહેરી ગરીબ આવાસ યોજના'!! ઉદા. તરીકે.. 

ધારો કે કોઈ એક મતદાર કાર્ડમાં સરનામું આવું લખ્યું હોય કે.. 'બ્લોક નં-10/૨૪૦, શહેરી ગરીબ આવાસ યોજના'.. તો આ સરનામું.. છ જગ્યાએ જોવા મળે.. કારણ કે બ્લોક નં-10/૨૪૦ નંબરનું મકાન વસંતગજેન્દ્રનગરમાં પણ છે, સદભાવનાનગરમાં પણ છે, કુશાભાઉઠાકરેનગરમાં પણ છે, ઈન્સાનિયત નગરમાં પણ છે, માનવનગરમાં પણ છે અને દેવીનગરમાં પણ છે!! હવે આ મતદારને શોધવા માટે અમારે બી.એલ.ઓ.એ છ જગ્યાએ ફરવાનું!! ..છેક ચોથા માળ સુધી ચડવાનું.. ત્યારે એ ઘર મળે! ..અને ઘર મળ્યા પછી ખબર પડે કે 'મહેરબાન મતદારશ્રી'  ત્યાં નથી રહેતો/મકાન ખાલી કરી દીધું છે/કારખાનું ચાલે છે/તાળું છે/બીજે રહેવા જતા રહ્યા છે/નામ-સરનામાં ભૂલને કારણે ખોટી જગ્યાએ આવ્યા છે.. ત્યારે એટલો ગુસ્સો ચડે કે બધું ફેંકીને ઘરે જતા રહીએ! ગમે તેટલી વાર સુધારા ફોર્મ ભરીએ, સાલ્લુ.. ૭૦% વસ્તુ સુધરે જ નહિ!! કોઈ સાચો મતદાર મળે તો.. મોટેભાગે તો જરૂરી ડોક્યુમેન્ટ હોય જ નહિ! ..કાં તો જન્મ સર્ટી  ના હોય/એલ.સી. ના હોય/સરનામાં નો કોઈ પુરાવો ના હોય/ઘણી વખત તો મરણ સર્ટી પણ ના હોય!! આ બધી જફા પછી પણ માત્ર ૪૦ થી ૫૦% જ કામ થાય, પણ વાર લાગે! ચૂંટણી ઓફિસે આપેલી સમય મર્યાદામાં ના થાય, કારણ કે અમારું મુખ્ય કામ 'શિક્ષક' તરીકેનું તો માથે ઉભું જ હોય! જેમાં.. ઉત્સવો/પરીક્ષાઓ/અઠવાડિક/માસિક/ઓનલાઈન હાજરી/પેપરો/અભ્યાસક્રમ/મેળાવડા/વાલીસંપર્ક/રિઝલ્ટ્સ/પેપર ચેકિંગ/ભીડ ભેગી કરવી.. આ બધાં કામ પછી છેક છેલ્લે 'ભણાવવાનું' તો ખરું જ!! ઘણાં શિક્ષકોનો રોજનો પગાર ૧૫૦૦ થી ૨૦૦૦ છે, અને બી.એલ.ઓ.ના ધમપછાડામાં વાર્ષિક ૩૦૦૦ મળતા હોય તો કોણ રસ લે? પાછા આ ૩૦૦૦ પણ ટાઈમસર ના મળે! ઓફીસોવાળા ટટળાવે!! કામ ના થાય તો કશુંયે તકલીફો સાંભળ્યા વગર ધમકીઓ આપે/નોટીસો આપે/ઘણીવખત નોકરી મુકાવા સુધી જાય!! શિક્ષણ ખાતું અને ચુંટણી ખાતું બંને ભેગા મળીને શિક્ષકને સેન્ડવીચ બનાવે અને એમાં મૂળ કામ 'બાળકોને ભણાવવાનો' છૂંદો નીકળી જાય! પોતાના બચાવમાં શિક્ષક ખોટું કરતો થાય! અને જે શિક્ષક પોતે જ ખોટાનો સહારો લઈને ઘર ચલાવતો હોય/ડરતો હોય એ શું આ પેઢીને બહાદુર બનાવે? ..નિર્ભય રહેતાં શીખવે?

******

બે વર્ષ પહેલાની વાત છે. અચાનક જ એવાં મેસેજ મળ્યા કે ગાંધીનગરથી ઇલેક્શનની ટીમ આવે છે! હું શ્યોર અને  નિશ્ચિંત હતો. આપેલી સમય મર્યાદામાં કામ પૂરું થયું છે કે નહિ એ જોવા એ લોકો આવવાના હતા! સાડા ત્રણ વાગે ટીમ આવી. ચાલુ ક્લાસમાંથી અમને ચાર બી.એલ.ઓ.ને બોલાવવામાં આવ્યા! અમે અમારું મુખ્ય કામ 'ભણાવવાનું' છોડીને ઓફિસમાં આવ્યા. જોયું તો, નાયબ કલેકટર થી માંડીને આખું ધાડું આવ્યું હતું! ગાંધીનગરથી આવેલા સાહેબે અમને વિનમ્રતાથી (..ખરેખર વિનમ્રતાથી જ!! 'માણસ પરખાય વાણીથી' પાઠ યાદ કરો તો સમજાય કે 'ચા કરતાં કીટલી ગરમ હોય છે!') પૂછ્યું, "કેટલું કામ થયું?"

"કામ ચાલુ છે." અમે બોલ્યા.

"હજી કામ બાકી છે.. કેમ?" એ સાહેબ બોલ્યા.

બધાં ચૂપ થઈને ઉભા રહ્યા!! હું બોલ્યો, અને ઉપર જણાવેલી બધી જ તકલીફોની વિગતો વિગતવાર કહી! શિક્ષકોની દરેક વાતો પર ભરોસો ના કરવાની એક ફેશન બની ગઈ હોવાથી સાથે આવેલાં એક અધિકારી કહે, "એ તો કામ ના થયું હોય ને એટલે બહાના કરે!"

"મારી પાસે મારા કરેલાં કામની વિગતો અને પુરાવાઓ છે!" મેં કહ્યું.

..તો એ સાહેબ કહે, "તમારું મતદારયાદીનું મટીરીયલ ક્યાં છે?"

"અહિયાં નથી, ઘરે છે." મેં કહ્યું.

"કેમ ઘરે? તમારે બી.એલ.ઓ.નું આ કામ નથી કરવાનું?"

"ચાલુ શાળાએ કામ કરીએ તો અમારા શિક્ષણખાતાના મોટા સાહેબ બોલે છે. એટલે શાળા સમય પહેલા કે પછી જ કામ કરીએ. આટલું બધું મટીરીયલ ઉચકીને કેમ ફરવું? એટલે ઘરે રાખ્યું છે. મારું ઘર નજીક જ છે એટલે તરત લઇ આવીએ." મેં કહ્યું.

"કેટલી વાર લાગશે એ બધું મટીરીયલ લઈને આવતા?" એ સાહેબે પૂછ્યું.

"દસ મિનિટ થશે."

"જાઓ લઇ આવો." સાહેબે આદેશ કર્યો, એટલે વર્ગ પડતો મૂકીને હું ઘરે ગયો. અને દસ મીનીટમાં બધું મટીરીયલ લઈને હાજર થયો.

"લાવો તમારી બધી વસ્તુઓ.." સાહેબે માંગી. મેં બધું મટીરીયલ એમને આપ્યું. અને સમજાવ્યું કે કેવી રીતે અમારે એક મતદારનો કોન્ટેક્ટ કરવા ચાર ચાર જગ્યાએ ચાર ચાર માળિયા ઉપર ચડવું પડે છે અને છતાંય કામ પૂરું થતું નથી?!! તો એમને કહ્યું, "સુધારાયાદીના ફોર્મ ભરી ને આપતા હોય તો આ સરનામાં સુધરી જાય ને?"

"દર વખતે નવું ફોર્મ ભરતી વખતે ચોક્કસ સરનામું લખીએ છીએ. છતાંય જયારે કાર્ડ બનીને આવે છે ત્યારે 'શહેરી ગરીબ આવાસ યોજના' જ લખેલું આવે છે! પાછા દર વખતે અમે જે ભાગમાં કામ કર્યું હોય એ જ ભાગ મળતો નથી! ..એટલે દર વખતે અમારે એકડે એક થી કામ કરવું પડે છે." મેં કહ્યું.

હવે એ સાહેબે સીધા જ કલેકટર સાહેબને સૂચનાઓ આપી કે 'બી.એલ.ઓ.ની તકલીફો સાંભળો. અને આવા પ્રશ્નોનું નિરાકરણ લાવો.' ...કલેકટર સાહેબે અમને કહ્યું કે 'તમે હજી એક વખત સાચું કામ કરો. તમારા આ વિસ્તારના બી.એલ.ઓ. માટે થોડો વધુ સમય દર વખતે આપીશું. અને બધાના સરનામાં સુધારીને આપો. અમે  કોશિશ કરીશું કે બધા મતદારોના સરનામામાં સુધારો થાય.'

..આ બીના પછી હું અને અમારા એક બીજા બી.એલ.ઓ. શિક્ષકસાહેબ અમે બંને સુધારા માટે મંડી પડ્યા! દસ દિવસની સખ્ખત મહેનત અને બધા બ્લોકોની 'ચઢાઈ' કરી-કરીને અમે બધાના સરનામાં સુધાર્યા અને બધું મટીરીયલ જમા કરાવ્યું.

...અઢી વર્ષ પછી પણ બધાના સરનામાની સ્થિતિ "જૈસે થે" જ છે!! હવે સાચું કહીએ તો, અમે એટલા નિરાશ થયા કે હવે કોઈ પણ જાતનું બી.એલ.ઓ.નું કામ કરતાં પહેલા જ "હથિયાર હેઠા મૂકી દીધા છે!"

*********

હાલ પાછુ બી.એલ.ઓ.નું એક અઘરું કામ સરકારે હાથમાં લીધું છે! EVP પ્રોગ્રામ હેઠળ બધા જ મતદારોનું ઓનલાઈન વેરીફીકેશન કરવું! આ કાર્યક્રમ હેઠળ સૌથી પહેલા એવું કહેવામાં આવ્યું કે તમામ બી.એલ.ઓ.એ ઘરે ઘરે જઈને બધા જ મતદારોનાં સ્માર્ટફોનમાંથી એમનું વોટર વેરીફીકેશન કરવું! 'હાઈબ્રીડ બી.એલ.ઓ' નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહ્યું. ઘણાના ફોનમાં એપ્લિકેશન જ ઇન્સ્ટોલ ના થઇ! અમે સુપરવાઇઝરોને આ બાબતની ફરિયાદ કરી, તો એ 'ઓફિસે જાઓ..' કહીને હાથ ઊંચા કરે! આ એપ્લિકેશનના ત્રણ-ચાર વર્ઝન પણ આવ્યા! છેવટે સાઇટે 'નાદારી' નોંધાવતા, 'વોટર હેલ્પલાઇન' એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું! ..અને હું 'બુઠ્ઠી તલવારે જંગ જીતવા મેદાને પડ્યો!' ..મતલબ કે આ કામગીરી કરવા હું પાછો બ્લોકોમાં ગયો!!

મોટાભાગના મજુરીયા માણસો એટલે સાદો જ ફોન વાપરતા હોય! જેમાં વોટર વેરીફીકેશન થાય જ નહિ!! ચોથા ઘરે સ્માર્ટફોન મળ્યો! મતદાર ભાઈ થોડા ભણેલાં હોઈ વેરીફીકેશન માટે તૈયાર પણ થયા! એપ્લીકેશન ડાઉનલોડ કરી અને જેવું કામ ચાલુ કર્યું કે 'ચકરડું' ફર્યા જ કરે!! મતલબ કે સાઈટ ચાલુ થાય જ નહિ!! માંડ સાઈટ ચાલુ થઇ તો માત્ર એમનું જ કાર્ડ વેરીફીકેશન થયું! ફેમિલી ટ્રી બનાવવા એમની વાઈફ, અને માતા-પિતાનું નામ એટેચ કરવા પાછું 'ચકરડું' ચાલુ થઇ ગયું!! પેલાં ભાઈ મને કહે, "દેખીયે.. મુજે કામ પે જાના હૈ.. તુમ તો નવરે હો.. સુભે-સુભે આ જાતે હો.. મેને સબ સમજ લિયા હૈ.. તુમ બાદ મેં આના.. વરના મેં ખુદસે કર લુંગા!!'"

"'તુમ તો નવરે હો.." ..આ સાંભળીને એવો ગુસ્સો આવ્યો..! ..પણ ગુસ્સાને હું યુધિષ્ઠિરની જેમ ગળી ગયો!! ઘડિયાળમાં જોયું તો માત્ર એક જણનું વેરીફીકેશન કરવામાં મને પોણો કલાક થઇ ગયેલો!! પાછું આજુબાજુમાં ભેગાં થઇ ગયેલા શંકાશીલ લોકોને સમજાવવું પણ પડે કે આ 'વેરીફીકેશન' શેનું છે?.. નહિતર પાછા એવું સમજી બેસે કે 'હું એમનું મકાન પડાવી લેેેવા આવ્યો છું!!' ..એટલે વધુ સમય થાય!! બીજા બ્લોકમાં ગયો.. તો ઘર બંધ મળ્યું! ..બાજુમાં ગયો તો.. બધા ડોક્યુમેન્ટ 'ઉસકે પાપા કે પાસ હૈ' કહ્યું! શાળાનો સમય થઇ ગયો હતો એટલે હું શાળાએ જવા રવાના થઇ ગયો! પછી વિચાર્યું.. ઘરે જઈને બધાને ફોન કરીને શાળાની રીશેષમાં આવવા કહીશ! ઘરે ગયો.. બધા જ મતદારોના નંબર સેવ કરી વોટ્સ એપ ગ્રુપ બનાવ્યું! શાળા એ આવવા મેસેજ કર્યો. બીજા દિવસે જોયું તો માત્ર ત્રણ મતદારે જ મેસેજ વાંચેલો!! એ પણ આવ્યા તો નહિ જ! જીઓ ફોનમાં રોજના ૧૦૦ મેસેજ ફ્રી મળતા હોઈ લગભગ બધાને પર્સનલી મેસેજ કર્યા! એક જ મતદાર આવ્યો.. અને વેરીફીકેશન થયું! ઘણાના વળતા ફોન આવ્યા.. તો ફોન પર સમજાવ્યું! અમુકના ઘરે પણ ગયો! પંદર દિવસમાં માત્ર ૫૦/૬૦ લોકોનું વેરીફીકેશન કરી શક્યો!! ..અને એટલામાં કામગીરી ન થઇ હોવાને કારણે અમને બધાને નોટીસો મળી!! નોટીસનો જવાબ આપવા હું આ બધું લખીને ગયો! ..તો ત્યાં જઈને જોયુ તો ઓફિસવાળાઓએ 'કોથળામાંથી બીજું કૈક બિલાડું' બહાર કાઢેલું!! એમને સુચના આપી કે 'હવે તમારે ઘરે ઘરે ફરીને આ બધું કરવાની જરૂર નથી. તમારા ફોનમાંથી જ આ બધું તમે કરી શકશો. ખાલી તમારે ઘરે-ઘરે જઈને લાઈટબીલ લઇ લેવાના!!" હું મનમાં ખિજાયો. "પહેલાથી જ આ કરવું હતું ને?!! અમારા ધક્કા તો મટી જાત!!"

ઓફિસે એક સાઈટ/લિંક બતાવી. અમે ત્યાંજ.. ઓફિસે જ એ સાઈટ ખોલી!! ..તો પાછુ પેલું 'ચકરડું' ફરવા લાગ્યું!! સાઈટ ખુલે જ નહિ!! મેં કહ્યું, "સાઈટ નથી ખુલતી!" તો જવાબ મળ્યો, "એ તો બધા એક સાથે સાઈટ ખોલે છે ને એટલે!!"

મેં કહ્યું, "અમે માંડ પચાસ જણ સાઈટ ખોલીએ ત્યાં સાઈટ નથી ખુલતી.. તો અમે આ કામ કેવી રીતે કરીશું?"

"કોશિશ કરતુ રહેવાનું એટલે થઈ જશે.." ઓફિસમાં બેઠેલાં એક બેન બોલ્યા! હું મનમાં બોલ્યો, "અલ્યા અમારે બીજા કોઈ કામ-ધંધા છે જ નહિ કે અમે આખો દિવસ ફોનની સામે 'ચકરડું' ફરતા જોઈ રહીએ?" ત્યાં એમની જ ઓફિસમાં બેઠેલાં એક કોમ્પ્યુટર ઓપરેટ કરતા ભાઈએ બુમ પાડી કે, "સાહેબ ને કહો કે આ સાઈટ ખુલતી જ નથી.." અને મને હસવું આવી ગયું!!

પાછા બ્લોકોમાં બની શકે એટલાં ઘરોમાં ચઢીને-ફરીને જેટલાના મળ્યા એટલાના લાઈટબીલ ઉઘરાવ્યા અને થઇ શકે એટલું અમારા મોબાઈલમાં કામ કર્યું!!

...અને હવે ઓફિસેથી આદેશ આવ્યો છે કે "તમે જે લોકોના ઘરે ઘરે જઈને આ કામ કર્યું છે.. એમની નિયત નમુનામાં સહીઓ લઈને આવો.!!" મતલબ કે હવે અમારે પાછા બધાને ઘેર ફરી-ફરીને/ચાર માળિયા ચડી-ચડીને બધાની સહીઓ લેવા જવાની છે!! પહેલેથી જ આ કાગળો આપી દીધા હોય તો અમારે આ મજુરી ના કરવી પડે ને?? કોણ સાંભળે આ??!! બહેરા કાનોમાં અમારો અવ્વાજ જતો જ નથી!!

..તૂટી ગયો છું હવે!! આ બધાની અસર ક્યારેક ઘરે/શાળામાં દેખાય છે!! મગજ હેંગ થઇ ગયું છે!! 'આ બધું મનમાં નહિ લેવાનું' આ બ્રહ્મ વાક્ય જાણતો હોવા છતાં 'સેન્સીટીવ' સ્વભાવને કારણે ગુલામ બની ગયો હોવાનો ભાવ આવે છે! મેં જસ્ટ મારી દીકરીને કહ્યું, "મોટી થઈને મારી જેમ ગુલામ તો ના જ બનતી!!"

*********

*ડોન્ટ થીંક એવર*

ગુલામી વખતે દેશને આઝાદ કરવા માટે પોતાની વાત અંગ્રેજોના કાને નાંખવા માટે ભગત સિંહે કોર્ટમાં ધડાકો કર્યો હતો.. જેથી બહેરા કાનોમાં એમનો અવાજ સંભળાય!! આ ધડાકા માટે ઘણાં શિક્ષકો શિક્ષકસંઘવાળાઓને ગુહાર લગાવે છે! પણ.. કશુંયે વળતું નથી!!  ભારત દેશ ગુલામ હતો ત્યારે પણ અંગ્રેજો અને ગુલામો હતા.. અને અત્યારે પણ  જ!!  બસ.. એમની ભાષા આપણા જેવી છે અને બધા જ ભારતીય છે!

ક્લાસ વન એકઝામની તૈયારી કરતા 21 થી 25 વર્ષના યુવકો/યુવતીઓ, દિવસના બાર-પંદર કલાક વાંચવા માટે પોતાને ઘરના એક રૂમમાં બંધ કરીને, જયારે GPSC/UPSC જેવી એક્ઝામો પાસ કરે છે અને કોઈ મોટા હોદ્દા પર બેસે છે ત્યારે એમને સામાન્ય પ્રજાજનો/કર્મચારીઓ/પોતાના વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો શું ખ્યાલ હોય? જે હજી પરણીને ઘર ચલાવતા નથી થયા એમને પોતાના 'ક્રાયેટેરીયા' વિસ્તાર ચલાવવાનો શું અનુભવ હોય? 'યુવાનીનું ઊછળતું લોહી' પોતાના 'પુસ્તકિયા જ્ઞાન'ના જોરે એ.સી. ઓફિસમાં બેસીને 'બ્યુરોક્રસી' હેઠળ કોઈ અભણ નેતાની ઈચ્છાઓને પૂરી કરવા વાસ્તવિક દુનિયામાં એવા અવાસ્તવિક અને તુઘલખી નિર્ણયો લેતા હોય છે કે જેનાથી સામાન્ય પ્રજાજનોની કમ્મર ભાંગી જાય છે!! ..અને 'વિવેક' 'પ્રમાણિકતા' 'સત્ય' અને 'નિષ્ઠા' માત્ર કાગળ પર રહી જાય છે!! વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા.. જ્યાં વર્ષોના અનુભવીઓ નહિ, પણ 'પુસ્તકિયા જ્ઞાની'ઓ મોટા હોદ્દા પર બેસે છે, અને નહીવત ભણેલાં મંત્રીઓ બને છે!


-યજ્ઞેશ રાજપુત
લ.તા. 19-11-19


ગુરુવાર, 7 નવેમ્બર, 2019

બા દાદાનાં ઘરે તન્વી જાય ત્યારે ઇઝીલી પૈસા વાપરે! ક્યારેક કોઈ બજારમાં ગયા હોય ત્યારે એ તરત કહે કે, મારે આ લેવું છે! જમવામાં પણ નખરાં! ખાવાની વસ્તુ મળે ત્યારે પૂરી ન ખાય, વેરે, ઢોળે, અધૂરી રાખે! મને ના ગમે! મને ઘણીવખત વિચાર આવે કે એને રૂપિયા અને ખોરાકનું મહત્વ કેમ સમજાવવું? આખરે એ સમય આવી ગયો.. નક્કી થયું કે જો તન્વી 10₹ પોતાની જાતે કમાઈને આપે તો એ રકમથી સોગણી વધુ રકમના ફટાકડા લઈ આપવા!

બે વર્ષ પહેલાં રમત-રમતમાં એણે બાઈક સાફ કરી ત્યારે મેં એને 5 ₹ વાપરવાં આપેલા! એ યાદ કરીને એણે અમારા બે વાહનો બાઈક અને સ્કુટરને સાફ કરી 10₹ કમાવાનું નક્કી કર્યું! હું આ વખતે થોડો કડક બન્યો અને મનથી નક્કી કર્યું કે જો તે બરાબર બાઈક સાફ કરશે તો જ 5₹ આપવા, બાકી જેવું કામ એટલાં રૂપિયા! એ આવી અને કહે કે એણે સ્કૂટર અને બાઈક સાફ કરી દીધું છે! સ્કુટર જેવું-તેવું સાફ કરીને મમ્મી પાસેથી તો 5₹ તરત મળી ગયા! ..પણ બાઇકમાં ચોંટેલી ધૂળ સાફ કરવા એણે હાથ પણ ન અડાડયો! મેં કહ્યું, "આના તને ત્રણ રૂપિયા જ મળશે."

..અને 5₹ મેળવવા એની બાઇકની ધૂળ કાઢવાની મહેનત ચાલુ થઈ જે અડધી કલાક સુધી ચાલી! (પોતાની ધૂળ નીકળી ગઈ!) નાનકડી તન્વીની મહેનત જોઈને મને એક હજાર વખત વિચાર આવી ગયો કે 'છોડને યાર, જવા દે!'  ..પણ રૂપિયા અને ખોરાક- બંનેનું મહત્વ સમજાવવા આ જરૂરી છે, એમ વિચારી થોડો કઠોર બની રહ્યો!

10₹ મેળવ્યા પછી એણે મને આપ્યા. મેં કહ્યું, "આ રૂપિયા તારી મહેનતના છે. મારે નથી જોઈતા." અને.. તે રડી પડી!! થોડીવાર સુધી રડવા દીધી. પછી પૂછ્યું, "કેમ રડે છે?"

એનો જવાબ તમે જ સાંભળો..
એનો અદભુત જવાબ સાંભળી હું તો હસી પડ્યો!!

તમારું બાળક આવો જવાબ આપે તો તમે કેવું ફીલ કરશો??

******

નાનપણમાં પૈસા કમાવા હું પોતે શું કરતો, જાણો છો??
વાંચો.. મારો બ્લોગ: "એ ટેણી.. બે કટિંગ લઇ આવ!"

https://threecolour.blogspot.com/2014/01/blog-post_16.html?m=1

******

બાય ધ વે, દાદાની રીક્ષા પણ સાફ કરીને તન્વીએ 15 ₹ કમાયા હોઈ 1500₹ ના ફટાકડા કાલે જ લાવ્યા! બજારમાંથી તેણે શું ખરીદ્યું, જાણો છો?? 150₹ ની ચોકલેટ!!

****












*"હિંદુ સારા કે મુસ્લિમ સારા??"*

*નાનકડાં બાળકોની અંદર આ કોમવાદનું ઝેર નાનપણથી જ શું કામ રોપવામાં આવતું હશે, એ નથી સમજાતું!!*
*"હિંદુ સારા કે મુસ્લિમ સારા??"*
મારી શાળામાં લગભગ 95℅ બાળકો મુસ્લિમ કોમ્યુનીટીમાંથી આવે છે. આજે તન્વીની એના મિત્રવૃંદ સાથે શું વાત થઈ, તે નાનકડી તન્વીના મોઢે જ સાંભળો! મને નથી સમજાતું, 5 વર્ષના બાળકોની અંદર આ કોમવાદનું ઝેર શું કામ નાંખવામાં આવતું હશે? મને ગર્વ છે, મારી દીકરી તન્વી પર..! જેણે વળતો આવો જવાબ આપ્યો..!!
તન્વીની રોજનીશીનો આજનો હિસ્સો (છેલ્લાથી બીજી લીટી!!) વાંચી વીડિયો ચોક્કસ જોવા વિનંતી..
********
તન્વીની રોજનીશી (તા.15.10.19)




ફેસબુક પર વિડીઓ જોવા નીચેની લીનક પર ક્લિક કરો :





રવિવાર, 3 નવેમ્બર, 2019

આર્તનાદ (ભાગ 8):- "કોણ બોલ્યું એ??"


આર્તનાદ (ભાગ 8)
"કોણ બોલ્યું એ??"

******

એ કોણ દાર્શનિક છે? ..અને કોણ સરમુખત્યાર?..
એ તો યાદ નથી.. પણ કિસ્સો અકબંધ વાંચનસ્મૃતિમાં સચવાયેલો છે!!

એક દાર્શનિક પોતે યુવાન હતો તે સમયનાં સરમુખત્યાર શાસકે કરેલા અન્યાયો વિશે પોતાના શિષ્યોને બધું જણાવી રહ્યો હતો. બધાં લોકો કેવી રીતે એ શાસકની ખુશામતખોરી કરતા હતા અને સત્ય બોલનારને કેવી યાતનાઓ ભોગવવી પડતી હતી તે કહી રહ્યો હતો.

"..તો તમે એનો વિરોધ કેમ ના કર્યો?" એક શિષ્યે વચ્ચે જ અટકાવતા પૂછ્યું.

તરત જ એ દાર્શનિકે જોરથી ટેબલ પર હાથ પછાડયો અને એકદમ ગુસ્સામાં જોરથી બોલ્યો, "કોણ બોલ્યું એ? કોણ બોલ્યું?"

પોતાના ગુરુને આટલાં ગુસ્સામાં જોઈ બધા ચૂપ થઈ ગયા. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. પૂછનાર શિષ્યને
 લાગ્યું કે હવે તો તેનું આવી જ બન્યું!!

થોડીવારનાં સન્નાટા પછી એ દાર્શનિક પાછો હળવા મૂડમાં બોલ્યો, "મેં પણ આ જ કર્યું હતું.. ચૂપ થઈ ગયો હતો!"

બધા શિષ્યોને સમજાઈ ગયું કે જો ગુરુએ એ શાસકનો વિરોધ કર્યો હોત તો આજે એ જીવતા ના હોત!!

********

ચાણક્ય વિદેશી આક્રમણથી સાવચેત થવા વિલાસી ધનનંદને ચેતવવા જ્યારે દરબારમાં જાય છે, ત્યારે તે જુએ છે કે ધનનંદ ખુશામતખોરોથી ઘેરાયેલો છે. આ ખુશામતખોરો રાજ્યનાં એ વિદ્વાન માણસો છે, કે જેઓએ પોતાનું ઘરપરિવાર/ગુજરાન ચલાવવા ધનનંદની ખુશામતખોરીનો આશરો લીધેલો કારણ કે ધનનંદના કોઈ પણ નિર્ણયનો વિરોધ કરવો એ મૃત્યુનાં સ્વીકાર કરવા બરાબર હતું! ચાણક્ય ધારત તો એ પણ ખુશામતખોરી કરી શક્યો હોત, પણ એણે સ્વીકાર્યું અપમાન!
....થોડાં જ વખતમાં ધનનંદ અને તેનાં રાજ્યનું પતન થયું!

*********

પેલાં વિદેશી દાર્શનિક અને આપણાં દેશી ચાણકયમાં ફરક શું? ભારતનો ભૂતકાળ ભવ્ય હતો, છે અને રહેશે!!

...પણ વર્તમાન નહિ!!

*********

આપણી આસપાસ થતું ઘણું ખોટું, આપણે સુપેરે જાણતાં હોવા છતાં આપણે તેનો વિરોધ નથી કરી શકતા! વિરોધ ના કરવાનાં કારણોમાં મોટેભાગે તો 'મારે શું?' અને 'મારું શું?' જ હોય છે! ..પણ હમણાં હમણાંથી અનુભવાય છે કે 'મારે શું?' અને 'મારું શું?' કરતાંય વિશેષ ડર, બની બેઠેલાં ધનનંદોનો છે કે જેઓ ચાતક નજરે રાહ જોઇને બેઠા હોય છે કે ક્યારે કોઈ એમનો વિરોધ કરે અને એ આવા વિરોધીઓને વેંતરીને એમનું શક્તિપ્રદર્શન કરે?!! મતલબ કે પોતાની ભૂલો તરફ કોઈ આંગળી ન ચીંધે એટલે 'ડરનું રાજકારણ' રમીને પોતાનો બચાવ કરતા આવા વિદ્વાનો દેશને બરબાદ કરવામાં એટલા જ જવાબદાર રહેશે જેટલાં જવાબદાર ધનનંદનાં વિદ્વાનો હતા! ભૂતકાળનાં ચાણકયએ તો વિરોધ કરીને અપમાનના કડવા ઘૂંટ ગળ્યા, પણ વર્તમાનનાં ચાણકય ક્યાં?? પોતાની નોકરી બચાવવા/ઘર ચલાવવા માટે કરવામાં આવતી ખુશામતખોરીની કોઈ હદ તો હોય ને?? કૂતરો જેમ ઘર ભાળે તેમ આવી ખુશામતખોરીનાં ઓઠા હેઠળ આચરવામાં આવતી કામચોરીમાં ચાણકય નહીં પણ ચંચિયાઓ પેદા થઈ રહ્યા છે! આવા વિદ્વાન ચાંચિયાઓ શાળાઓમાં એક આખી પેઢીને બરબાદ કરીને પાછા એવા બણગાં ફૂંકે છે કે "શિક્ષક કભી સાધારણ નહિ હોતા!' વર્તમાન સંજોગોમાં આમેય કશુંયે ના બની/કરી શકનાર શિક્ષક બનવાનું/ટ્યુશનનું જ વિચારતો હોય છે. નાનપણથી જ શિક્ષક બનવાનો ગોલ નક્કી કરીને શિક્ષત્વ કરનારા આપણી આસપાસ કેટલાં?? લગભગ નહિવત!! ..પછી ચાણકય ક્યાંથી પેદા થાય??!! ખુશામતખોર, આળસુ, કામચોર અને આંખ મીંચીને ખોટું કામ કરનારા અને પોતાનાં માથે આવેલી જવાબદારીને યેનકેન રીતે બીજાને માથે ધકેલવાનું જાણનાર 'બોલબચ્ચન બિરબલો' જ પેદા થાય ને!! (બિરબલ એટલાં માટે કે તેઓ પોતાની છેતરામણી વાકપટુંતાથી ગમે તેવાને બાટલીમાં પુરી શકતા હોય છે!)

*******

હું સી.આર.સી.કૉ ઓર્ડિ. હતો, ત્યારે એક ટ્રેનીંગમાં મળેલી ગ્રાન્ટના લગભગ 6800+૱ રિટર્ન કર્યા, ત્યારે બીજા ચાર સી.આર.સી.ઓએ મને રૂપિયા રિટર્ન ના કરવા સમજાવતા કહ્યું કે, "ગ્રાન્ટ પાછી નહિ કરવાની!" વધુ તકલીફ ત્યારે થયેલી કે જ્યારે મારી નજરમાં આદર્શ એવાં અધિકારીએ પણ આ જ કહ્યું ત્યારે સાચું પૂછો તો હું મૂંઝવણમાં મુકાયો હતો! ગ્રાન્ટ ખાવી કે વાપરવી? ઘરે ગયો અને મારી નાનકડી દીકરી તન્વીનો ચહેરો જોયો, વિચાર આવ્યો કે આ મોટી થઈને કશુંક ખોટું કરશે તો હું એને શું કહીશ? એ જાણશે કે મારા પપ્પા આવુ કરતાં હતાં ત્યારે હું શું મોં બતાવીશ?.. એક વર્ષમાં જ મેં સી.આર.સી. પદ ઈજ્જતથી છોડી દીધું! (પદ સામેથી છોડવાનાં ઘણા કારણોમાંનું એક કારણ આ પણ છે!!) એક સાચાં વડીલ  શિક્ષિકાબેનશ્રી આનંદીબેનનું આ દરમિયાન મારાથી કોઈ કારણસર અપમાન થયેલું, તે માટે દિલગીરી વ્યક્ત કરવા બે વર્ષે હું હિંમત ભેગી કરી શક્યો.. એમની માફી માંગી!! ("સી.આર.સી.નું સરવૈયું" આર્તનાદ ભાગ 7 લ.તા.31/3/16 વાંચો:- http://threecolour.blogspot.com/2016/03/blog-post.html )

********

દાર્શનિક જેવું કરું તો મારાં બાળકો પણ અન્યાય સામે ચૂપ થઇ જાય અને ચાણકય જેવું કરવા જાઉં તો સામે ધનનંદો બેઠા છે! શેક્સપિયરન કેરેકટર જેવી 'ટુ બી ઓર નોટ ટુ બી' જેવી સ્થિતિમાં બેઠો હતો, ત્યાં મારી દીકરી મારી પાસે આવીને મને કહે, "તમે નિરાશ કેમ છો?"

મેં કહ્યું, "હું નિરાશ નથી પણ મારા ઉપરી અધિકારીઓ  મને ધરાર ખોટું કરવાની ફરજ પાડે તો મારે શું કરવું મને નથી સમજાતું એટલે થોડો મૂંઝવણમાં છું. શું તું મને કહીશ મારે શું કરવું??"

એનો જવાબ આ વીડિયોમાં છે. હાલ તો નક્કી જ છે કે દીકરીએ જે કહ્યું એ કરવું.. બાકી પછી જે થાય એ સમય અને સંજોગો જોઈને 'પડશે એવાં દેવાશે!' ...બીજું શું??








રવિવાર, 20 ઑક્ટોબર, 2019


બાહ્યનિરીક્ષકનું નિરીક્ષણ:
આર્તનાદ (ભાગ 7)

*****

હું બપોરે 2:30 વાગે બાહ્યનિરીક્ષકની કામગીરી પૂરી કરી સ્કૂલે પહોંચ્યો. ઘણા બાળકો એવા હતા જે રેગ્યુલર આવતા હતા, પણ હવે નહોતા આવતા! કેમ કે ભરચક ભીડ જેવા ક્લાસમાં કોણ બેસે? રોજ ગણિત કોણ ભણે? (120+ રજીસ્ટર બાળકો, એ પણ ધો.૧/૨ના, એમાંથી લગભગ 80+ હાજર રહેતાં હોય, એમાંય 1 જ શિક્ષક!!)
તન્વી મને જોઈને દોડીને મારી પાસે આવી અને રડવા મંડી! કારણ પૂછતાં જાણવા મળ્યું કે.. (વાંચો - તન્વીએ આજની રોજનીશીમાં એનું કારણ લખ્યું છે!)

*****

"સાહેબ હું ધો.૧/૨ પ્રજ્ઞા શિક્ષક છું. મારે વર્ગ ચાલુ રાખવાનો છે. મારુ નામ બાહ્યનિરીક્ષકમાં છે, તો મારે શું કરવાનું?" મેં મારા એસ.એસ.એ.ના ઉપરી અધિકારીને જાણીજોઇને પૂછ્યું.

"કંઈ નૈ, ઓર્ડર આવ્યો છે તો કરવાનું."

'એઝ એક્સપેક્ટેડ' જવાબથી નિરાશા થઈ! થોડો ગુસ્સો પણ હતો, કેમ કે બાહ્યનિરીક્ષક તરીકેની કામગીરીમાં મારા આદર્શોને લઈ હું બીજી સ્કૂલો સાથે થનારા સંઘર્ષથી બચવા માંગતો હતો. 

*****

સાચું પૂછો તો બાહ્યનિરીક્ષકની કામગીરીમાં "ખાયા-પિયા કુછ નહીં, ઔર ગ્લાસ તોડા બારાના" જેવું થયું!! બાહ્યનિરીક્ષકની કામગીરીમાં બીજી સ્કૂલમાં જવાનું હોઇ મારી સ્કૂલ/વર્ગમાં પડતી મારી સતત ગેરહાજરીને કારણે મારા ધો.૧/૨નાં વર્ગમાં રેગ્યુલર આવતાં બાળકોની સંખ્યામાં આપણી ઇકોનોમિની જેમ ધરખમ મંદી આવી ગઈ!! ...અને બીજી સ્કૂલોમાં બાહ્યનિરીક્ષક તરીકે મારે કશું ઉખાડવાનું નહતું!! સુપરવિઝન કરતાં શિક્ષકોએ તો જે કરવાનું હતું, એ જ કર્યું!! મારા આદર્શો મારા સુધી જ સીમિત  રહયા, કેમ કે કામ સારી/સાચી રીતે કરવામાં ઘણીવખત પીઠ પાછળ મજાક બનીએ એ વધારામાં!!

'ઘર કા ભેદી લંકા ઢાયે' ની જેમ હું કોઈ 'ઘરકા ભેદી' તો નથી કે 'સ્કૂલ'ની લંકા ઢાઉ?!! ..અને માનો કે હું લંકા ઢાઈ બી દઉં તો પછી શું?? એકે તો પોતાની પહોંચ બહુ ઉપર સુધી અને મીડિયામાં પણ છે, એ પણ બતાવ્યું!

******

★કોઈ ઉપરી અધિકારી આવે ત્યારે જો હું એવો દેખાડો કરું કે હું બાહ્યનિરીક્ષણ કરું છું, તો વાસ્તવમાં હું ડરપોક છું! ઓફિસમાં બેઠાં બેઠાં ઝોલા ખાવા/ગપ્પા મારવા હોય તો ઈજ્જતથી ખાવા જોઈએ, પછી ભલે ગમે તે આવે!! ડરવું ના જોઈએ.

★અધિકારીઓનાં આવતા પહેલા એવાં પાક્કા મેસેજો કેવી રીતે આવી જતા હશે કે, 'તેઓ આવે છે..!!' ..શું એટલા માટે કે ઈશુ/બુદ્ધે કહ્યું હતું કે 'જેણે પોતાની લાઈફમાં ક્યારેય પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારે..' ના ન્યાયે 'મારા ત્યાં આવતા પહેલા તમે બધું બરાબર કરી નાંખો, જેથી મારે પથ્થર મારી મારા પાપ-પુણ્યની પોટલીમાં વધારો ના કરવો પડે!'

◆મિત્રની સ્કૂલમાં હોઈએ તો બે બાજુનું દુઃખ!! કહીએ તો ય દુઃખ અને ના કહીએ તોય દુઃખ! હદય આત્માને ઉધઈની જેમ કોરી ખાય એ લટકામાં! મેં ઘરે આવીને ઈશ્વરને સિરિયસલી પ્રાર્થના પણ કરી કે, "હે પ્રભુ, તું મને સત્ય શું અને અસત્ય શું એ સમજાવ! હું જે કરું છું એ સાચું કે બધા જે કરે છે એ સાચું??!!"

◆આ કામગીરીમાં જે ખરેખર 'સાચા શિક્ષકો' છે, એમનાં ઉપર અવિશ્વાસ રાખ્યાનું દુઃખ કમસે કમ મારા માટે તો 'પીરાણાનાં કચરાના ડુંગર' જેવડું છે!આવા અવિશ્વાસનું વાતાવરણ ઉભું કરવાનો કોઈ મતલબ ખરા?

◆બાહ્યનિરીક્ષક પોતે જે શાળામાંથી આવે છે, એ શાળામાં પરીક્ષા દરમિયાન એની ગેરહાજરીને કારણે એના વર્ગના વિદ્યાર્થીઓની હાજરી ઓછી થાય જ છે.. પૂછો કોઈ બી શિક્ષકને!! પ્રાથમિક વર્ગોમાંના નાનાં બાળકો માટે એમનાં શિક્ષક, ચાહે ગમે તેવા હોય, સર્વસ્વ છે! એ કહે એ જ સાચું! એની ગેરહાજરીમાં બાળક ઘરે જઈને એકવાર તો એવું ચોક્કસ બોલતું હશે કે, "મારા સર/ટીચર નથી આવતા. મારે પણ નથી જવું." (આ મુદ્દો મારી ધારણા છે અને ખોટું પડવાની સંભાવના ઓછી છે!)

******

પરીક્ષામાં પુછાયેલો એક પ્રશ્ન જુઓ:- 'આખા દિવસ દરમિયાન તમારી આંખમાં પાટો બાંધી રાખવામાં આવે તો..? તમારા અનુભવો લખો.'
આપણાં માટે કદાચ સહેલો લાગે તેવો પ્રશ્ન છે, પણ બાળક જવાબમાં શું લખે છે, એનો આધાર માત્ર તેના અગાઉના ધોરણોમાં થયેલી માનસિક કસરતને આધારિત છે! સરકારી શાળાઓમાં ભણતા મોટાભાગના સામાજિક/માનસિક/આર્થિક ગરીબ/નબળા વર્ગના બાળકોની સ્વતંત્ર વિચારધારા વિકસે અને તેમની વૈચારિક ક્ષમતા વધે તે હેતુસર જો આવા પ્રશ્નો સરકારી શાળામાં પુછાતા હોય તો ખાનગી શાળાઓમાં કેમ નહીં? આ પદ્ધતિ શ્રેષ્ઠ છે તો ઉપરી અધિકારીઓ પોતાના બાળકોને શા માટે સરકારી શાળામાં નથી ભણાવતા?? શિક્ષણખાતાના જ 99% લોકો ખાનગી શાળામાં પોતાના બાળકને કેમ ભણાવે છે?? આ મોટો સવાલ છે!!

પ્રાઇવેટ સ્કૂલવાળાએ તોતિંગ ફી ઉઘરાવી હોવાના કારણે જાણીતા પબ્લિકેશન્સવાળાઓની 'મોસ્ટ આઈએમપી' જેવી હાસ્યાસ્પદ પ્રશ્નાવલીઓમાંથી જ પેપરો કાઢતા હોય છે! સરવાળે બાળકની ગોખણપટ્ટીનું જ માપ નીકળે છે. ખાનગી શાળામાં 5-6 માસના અભ્યાસક્રમને ગોખીને ત્રણ કલાકની પરીક્ષાઓમાં બાળકે યાદશક્તિની કેટલાં માર્કસની ઉલટી કરી એના આધારે એ કેટલો હોંશિયાર કે નબળો છે, એ જોવામાં આવે છે!! ..અને માર્કશીટમાં દેખાતી આવી સારી ટકાવારી જ ઉચ્ચ અભ્યાસમાં કામ લાગે છે, વૈચારિક ટકાવારી માર્કશીટમાં દેખાતી નથી!!

******

*મારા બ્લોગમાં લખેલાં આ કિસ્સાઓ 100% સત્ય સાથે આજે પણ યથાવત છે:*

બ્લોગ:-૧(પરીક્ષા બાબતે)

"હું હજુયે કહું છું, છોકરાઓને પરીક્ષામાં બતાવી દેવાનું બંધ કરી દેવું જોઈએ." મેં દલીલ કરી.

"...પણ એનાથી થશે શું?" મારા કરતા સીનીયર એવા એક શિક્ષકે વળતો સવાલ કર્યો.

હું થોડીવાર સુધી એમની સામે જોઈ રહ્યો, પછી કહ્યું, "જસ્ટ વિચારો, એક બાળક ઘરેથી તૈયારી કરીને નિશાળે પરીક્ષા આપવા આવે છે. પ્રશ્નપેપરમાં એક ખાલી જગ્યાના ત્રણ ઓપ્શનમાંથી તે, સાહેબે શીખવાડેલું અને વાંચેલું યાદ કરીને એક ઓપ્શન પસંદ કરે છે, અને જ્વાબવહીમાં પૂર્ણ આત્મવિશ્વાસથી તે લખે છે! અચાનક જ... એક શિક્ષક પરીક્ષાખંડમાં પ્રવેશે છે, અને ઝટકાથી તેણે લખેલો જવાબ જોઇને કહે છે, "આ નહિ...  પણ આ  જવાબ સાચો છે, એ લખી નાંખ...!!" એ તો બાળક છે, શું ખોટું શું સાચું, એનું એને તો ભાન નથી..એ તો તમે કીધું તે તરત જ લખી નાંખશે..  પણ એક શિક્ષક તરીકે તમે ક્યારેય વિચાર્યું છે, એ બાળકની નિર્ણયશક્તિનું શું થયું હશે?? એ ભફ.. દઈને છેક ઉપરથી નીચે એવી રીતે પછડાઈ હશે કે પછી ક્યારેય ઉભી જ નહિ થઈ શકે !!.."

મેં આવું કહ્યું  તેથી ખબર નહિ કેમ? ..પણ એ સાહેબને હસવું  આવ્યું. તેને કહ્યું, " જો આપણે તેને નહિ લખાવીએ તો આપણે, ડાબા હાથે એ લખવું પડશે. એના કરતા તો એ સારું નહિ,  કે આપણે જ એમને લખાવી દઈએ. આપણું કામ તો ઘટી જાય ને?"

*****

બ્લોગ:૨ (સ્વતંત્ર લેખન બાબતે)

એક ઉપરી અધિકારીશ્રી અમારી શાળામાં પરીક્ષા દરમિયાન વિઝિટમાં આવ્યા. અને મારુ તપાસેલું બંડલ ચેક કરવા માંગ્યું. એમણે જોયું કે મેં એક પેપરમાં 'pensil' લખેલા સ્પેલીંગને અડધો માર્ક આપ્યો છે. તો એ કહે, "આ સ્પેલિંગ ખોટો છે, તો પણ તમે એને સાચો આપ્યો છે, કેમ?"

મેં કહ્યું, "બેન, બાળકે એ સ્પેલિંગ જાતે જ લખ્યો છે. એટલે એના પ્રયત્નનો અડધો માર્ક મેં એને આપ્યો છે."

"તમારો બેઝિક પણ હું અડધો કરી દઉં તો??"

સીધી જ પગાર કાપવાની વાત કરી એટલે હું સડક થઇ ગયો.. છતાંય મેં કહ્યું, "તમને ઠીક લાગે એ કરો બીજું શું?"

"આવું ના ચાલે ને.. ખોટું છે તો ખોટું આપો.. અડધો માર્ક પણ શું કામ આપો છો? તમે બહુ ઉદાર દિલે માર્ક આપ્યા છે.."

"બેન, હું ભણાવામાં એટલો જ કડક છું.. અને આમેય આપણે શિક્ષકો બીજાની ભૂલો જોવા જ ટેવાયેલાં હોઈએ છીએ, પ્રયત્નો નહિં!!" આટલું બોલીને મેં ચુપ્પી સાધી લીધી!!

*બાળકે કરેલા પ્રયત્નની કોઈ કિંમત જ નહિ?? જો મેં એ સ્પેલિંગ જાતે જ સુધારીને પૂરો માર્ક આપ્યો હોત તો ચાલત એમ ને?? મતલબ કે હું ખોટું કરું તો સાચો અને સાચું કરું તો ખોટો??  મારો પગાર ચાલુ રહે એ માટે મારે ખોટું કરવાનું? કદાચ.. અધિકારીઓ આવા પ્રયત્નોની કિંમત નહીં જ સમજી શકતા હોય.. પછી  ભલે ને એ પ્રયત્ન બાળકનો હોય કે શિક્ષકનો!! કદાચ એટલે જ શિક્ષકો પેપરમાં લખાવી દેતા હશે અથવા તો ખુદ લખતા હશે!!*

'યથા રાજા તથા પ્રજા' શું આ કહેવત હજુ પણ લાગુ પડતી હશે ખરા??!!

******

બ્લોગ 3 (મોડરેશન અંગે)

"હેલો.. તમે મારા બંડલ મોડરેશનમાં ચેક કર્યા હતા, એ જ ને??"

"હા.. બોલો શું કામ હતું??"

"તમે મારા તપાસેલા બંડલમાં આટલા બધા સુધારા શું કામ કર્યા છે? મેં પણ તમારી સ્કૂલના બંડલ ચેક કર્યા છે, પણ મેં આવા કોઈ સુધારા નથી કર્યા, મેં તો સીધી સહી જ કરી દીધી છે!! એક કામ કરો, તમારી સ્કૂલના બંડલ લઈને અત્યારેને અત્યારે જ અહીં પાછા આવો.. મારે પણ સુધારા કરવા છે!!" એ બેન એકદમ ગુસ્સાથી બોલ્યા.

"મારા આચાર્યને મળો.." કહીને મેં ફોન મૂકી દીધો!

ફોન મુક્યાં પછીનું રિ-એક્શન એ આવ્યું કે થોડી જ વારમાં મારા બીજા એક સી.આર.સી.મિત્રનો ફોન મારા પર આવ્યો. કારણ કે આ બેન એમના નજીકના સગામાં થતા હતા!! મારે એમને ફોન પર અડધા કલાક સુધી ખુલાસાઓ આપવા પડ્યા!! ...માત્ર એટલા માટે કેમ કે એ મારા મિત્ર છે! સાચું કરવાનું ખરેખર ખાંડાની ધાર પર ચાલવા જેવું છે!!*

*કોણે આ બેનને રોક્યા હશે સાચી રીતે બંડલ ચેક કરતા?? કદાચ.. એ જાણે છે કે બધાએ એવી રીતે જ મોડરેશન કર્યું હશે, જેવી રીતે એમણે કર્યું!! ..અને હું માનું છું કે મારી શાળાના જે ધોરણનું એમણે મોડરેશન કર્યું હશે, એ પેપરો પણ આવી રીતે જ લખાયા હશે!! બીજું શું??
 "આવ ભાઈ હરખા, આપણે બે સરખા.."

હવે માનો કે આ બેન મારા બન્ડલ મોડરેશનમાં ચેક કરવા આવે તો એ મારા બાળકોએ કરેલા સાચા પ્રયત્નોને સમજી શકશે ખરા??

******

*ડોન્ટ થિંક એવર*

તમારું બાળક પરીક્ષા આપી ઘરે આવે અને કહે કે 'મેં તો બધું આજુબાજુમાંથી જોઈ લીધું/સાહેબે બતાવ્યું' તો શું તમને ગમે?? ઘણાને ગમતું હશે પણ... મને તો નહિ ગમે!

ઈશ્વરની સાક્ષીએ જવાબ આપજો, "શું તમને ગમશે?"

********

બુધવાર, 25 સપ્ટેમ્બર, 2019

મજૂર વર્ગ

અમારા ઘરની નીચેની કરિયાણા-જનરલ સ્ટોરમાં રોજ સવારે મજૂર વર્ગમાંથી આવતા લોકો જે વસ્તુઓ ખરીદે છે એ જોઈ વિચાર આવ્યા વગર નથી રહેતો કે આ લોકો લગભગ રોજ કમાય અને રોજ ખાવા વાળા લોકો છે. એમને ખરીદવાની વસ્તુઓની લિસ્ટ જુઓ તો..
10 ₹ નું તેલ
1 કપડાં ધોવાનો સાબુ
1 નાની દૂધની થેલી
10₹ ની મોરસ
1 પડીકું 5₹ વાળું
5 ફરસી પુરી
1 મરચાં ની પડીકી
10 ₹ની ડુંગળી (જેમાં ૩/૪ નાની ડુંગળી હતી!)
10 ₹ ના ગાંઠિયા
......અને આવું જ કંઈક બીજી નાની નાની વસ્તુઓ!!
જેનું કુલ બિલ ૮૦₹ જેવું થયું!!

હવે એ વિચાર આવે કે કામધંધે જતી વખતે એક બાઈક પર મિનિમમ ૩ જણ બેસીને જાય ત્યારે એમના મનમાં પોતાના રોડ એક્સીડેન્ટના જોખમના વિચાર કરતા એ વિચાર વધુ રહેતો હશે કે કાશ આજે કોઈ પોલીસ એમને ન પકડે, નહિતર એમને દંડ ભરવામાં બીજા દિવસે ઘરના તેલ-ચોખા નહીં આવે!

એમની આંખોમાં જોઈએ તો ખ્યાલ આવે કે બે-પાંચ ટકાને બાદ કરતાં એ સાદા લોકો છે, જે રોજ કમાય છે અને રોજ ખાય છે. બે-ચાર બાળકો વાળું કુટુંબ હોય છે એમનું! કે જે રોજ સવારે ઉઠીને પાણી ભરવા જતું હોય છે. શરીરે પરસેવાથી ખદબદતા કપડાં પહેરતા હોય છે. જનરલી એમના બાળકો ભણવા નથી જતા હોતા, પણ પુરુષ 20₹ની પોટલીમાં ખુશ થાય છે અને બાળકો 5₹ ના પડીકામાં! ઘરની સ્ત્રીના કેડે ઓલટાઇમ એક સેડા લૂછતું બાળક હોય છે, જે પોતાની નાની આંખોથી બધું જ વિસ્મયતાથી જોતું હોય છે! એ બાળકોને ન તો વાહનોનો ડર છે, ન તો હાઇજીનનો! આપણાં સૌના મનમાં એ બાળકોની એવી છાપ હોય છે કે જ્યારે આપણું બાળક બીમાર પડે ત્યારે એવું વિચારીએ છીએ કે રોડ પર રહેનારા બાળકો ક્યારેય બીમાર નથી પડતા! ..પણ વાસ્તવિકતા એ હોય છે કે જ્યારે એ બાળકો જ્યારે બીમાર પડે છે ત્યારે આપણે જોઈ નથી શકતા!

આવા દરેક મજૂર વર્ગના સાચ્ચા માણસો માટે ઈશ્વરને પ્રાર્થના કે તેઓ ખુશ રહે.

સોમવાર, 12 ઑગસ્ટ, 2019

અલ્લારખાં: ચીંથરે વીંટયું રતન!! આર્તનાદ (ભાગ ૪)

અલ્લારખાં: ચીંથરે વીંટયું રતન!!
આર્તનાદ (ભાગ ૪)
******

"હેલો.. અલ્લારખાં કે પપ્પા બોલ રહે હો?" શાળા છૂટી ગઈ હોવા છતાં ધો.૧માં ભણતા નાનકડા અલ્લારખાંને કોઈ લેવા ન આવ્યું. એટલે મેં એના પપ્પાને ફોન કર્યો! (નામ જાહેર કરી શકાય એમ ન હોઈ બાળકનું નામ 'અલ્લારખાં' રાખું છું, કારણ કે આવા બાળકોને ભગવાન જ રાખતા હોય છે!)

"હાં સાહબ.. ક્યાં હુવા?"

"અરે સ્કૂલ છૂટ ગઈ ફિરભી કોઈ ઉસે લેને નઈ આયા ઇસલિયે ફોન કિયા.." મેં કહ્યું.

"દસ મિનિટ લગેગી.. મેં આ રહા હું."

"જલ્દી આઓ.. સબ ચલે ગયે હૈ!" મેં કહ્યું. સામેથી ફોન કટ થયો.. અને હું એ નાનકડા બાળકની સાથે વાતે વળગ્યો. મેં પૂછ્યું, "તુમ તો રોજ અપને ભાઈ કે સાથ જાતે હો, આજ ક્યુ નહીં ગયે?"

એ કંઈ ન બોલ્યો! આમેય અલ્લારખાં મારા વર્ગમાં આવ્યો ત્યારથી ચુપચુપ જ રહેતો. બસ એ એની સગામા થતી બેન જોડે જ બેસતો, બોલતો અને ખીલતો! બીજા સાથે બેસાડું તો કરમાઈ જાય! મેં ફરીથી પૂછ્યું તો એ માત્ર એટલું જ બોલ્યો, "પપ્પા આયેંગે.."

દસ મિનિટ થઈ છતાં એના પપ્પા ના આવ્યા એટલે મેં એને મારી બાઈક પર બેસવા કહ્યું. શરૂઆતમાં તો એ ન બેઠો.. સ્પષ્ટ હતું કે એને એના પપ્પા સાથે જવું હતું! ..પણ પછી બેઠો. બાઈક ઝાપાની બહાર નીકાળી, ત્યાં એના પપ્પાએ એકદમ બાજુમાં એક્ટિવાને જોરથી બ્રેક મારીને ઊભી રાખીને કહ્યું, "સોરી સર,  થોડી દેર હો ગઈ.."

"દેખો તો સહી.. ૨૦ મિનિટ હો ગઇ સ્કૂલ છુટે.." હું અકળાઈને બોલ્યો. એના પપ્પા આખા ધ્રુજી રહ્યા હતા! આંખો લાલઘૂમ અને ઊંડી ઉતરી ગઈ હતી! વાળ વિખરાયેલા હતા! અલ્લારખાં તરત જ મારી બાઈક પરથી ઉતરીને એના પપ્પાની આગળ એક્ટિવા પર ચડી ઉભો રહી ગયો!

"આપ મેરે બચ્ચે કે સાહેબ હો.. આપ સે ક્યાં છુપાઉ?.." કહીને એ નાનકડા અલ્લારખાંના પપ્પાએ બોલવાનું શરૂ કર્યું, "મૈં અભી જ જેલ સે છુટકર આ રહા હું! મૈને ઇસે બોલેલા મેં લેણે આઉંગા ઇસલિયે એ ઉસકે ભાઈ કે સાથ નઇ આયા..!"

આ સાંભળીને હું છક્કડ ખાઈ ગયો! એક નાનકડું બાળક પોતાના પિતાનું રાહ જોતું હતું- કે જે આજે જેલમાંથી છૂટીને આવવાના હતા! (શું વાંચનાર એની આંખો જોઈ શકે? વાંચી શકે? મેં એની આંખો જોઈ છે!)

"ક્યાં હુઆ થા?" મેં ધીમેથી પૂછ્યું.

એના પપ્પાએ ધ્રુજતા ધ્રુજતાં કહ્યું, "આપસે મૈં બિલકુલ જૂઠ નહીં બોલુંગા.. મૈં સુપારી લેતા હૂઁ! સબકો મારને કી.. એ દેખીયે.." કહીને એણે આજુબાજુ જોયું અને ધીમેથી મોટું ખંજર બતાવ્યું! મારી મુલાકાત કોઈ દિવસ આવા કોઈ વ્યક્તિત્વ સાથે નહતી થઈ, મને ડર લાગવો સ્વાભાવિક હતો-એમાંય 'સસલાના કૂળ'ના પ્રોફેશનમાં ખાસ!

એના પપ્પાએ આગળ ચલાવ્યું, "ગુજરાતમેં ઐસી એક ભી જેલ નહીં જહાં મેં ના ગયા હોઉં! એ દેખીયે.. ઔર ભી હૈ.." કહીને એણે મોબાઈલ કાઢ્યો અને એના 'કરતૂતો'ના ફોટા દેખાડ્યા! "દેખા..? યહાઁ દેખો.." કહીને એણે પોતાનું ગંદુ ટી શર્ટ થોડું ઊંચું કરી તીક્ષ્ણ વસ્તુના ઊંડા ઘા દેખાડ્યા!

હું સાવ હબકી ગયો! ફિલ્મી ક્રિમિનલ અને આમાં કોઈ ફરક નહતો! એણે આગળ ચલાવ્યું, "અબ એ સબ કરને મેં ક્યાં હૈ.. ગોલી કી ટેવ પડ ગઈ હૈ.. ૨૫૦૦ રૂપએકી આતી હૈ.. હરરોજ પીની પડતી હૈ.." ..કહેતાક એણે નાક પાસે હાથ લઇ જઇ સૂંઘવાનો ઈશારો કર્યો! "..જબ તક નૈ પીઉંગા તબ તક સાલા કુછ કરનેકો મન નૈ કરેગા."

"ઇસિલિયે ઇતના હિલ રહે હો?" એના ધ્રુજતા શરીરને જોઈને મેં પૂછ્યું.

"હા.. એ ઉસીકી વજહાં સે હૈ!"

"કિતને બચ્ચે હૈ તુમ્હારે?" મેં પૂછ્યું.

"ચાર.. એ અલ્લારખાં તીસરે નંબર કા હૈ!"

"બચ્ચો કે સામને દેખો.. ઔર યે સબ છોડ દો" મેં કહ્યું.

"નહીં હોગા." એણે ચોખ્ખી જ ના પાડતા કહ્યું, "વો ઇન્સ્પેક્ટર ભી બોલ રહે થે.. તું એ સુપારી લેણે કા ધંધા બંધ કર દે.. મૈને ઉનકો દારૂ ઓર પાઉડર બેચને કો બોલા.. તો ઉંનોને ભી બોલા..જો કરના હૈ કર.. લેકિન ક્યાં હૈ.. કભી વો ગોલી કે પૈસે નૈ મિલતે ને? ..તબ બહોત દિકકત હોતી હૈ."

આટલું સાંભળ્યા પછી હું શું બોલું? મેં ખાલી એટલું કહ્યું, "જો કરો વો.. બચ્ચોકી પઢાઈ ચાલુ રખના!"

"અરે સાહબ.. અબ જો ભી કરતા હું ઇનકે લિયે તો કરતા હું. મેરા નંબર તો હૈ ને તુમ્હારે પાસ..? કભી ભી.. કુછ ભી.. રાત કો ભી કુછ જરુર પડે યા કોઈ લફડા હો તો તુરંત ફોન કરના યા ફિર ગેટ કે પાસ વો લારીવાલા હૈ ને.. ઉનકો પૂછના *** કહાં હૈ? મુજે સબ યહાં ઇસી નામ સે જાનતે હૈ!"

"ઠીક હૈ.. જો ભી હો.. તુમ બચ્ચોકો પઢાના.." કહી મેં બાઈક ચાલુ કર્યું. એણે પણ એકટીવા ચાલુ કર્યું અને જે ઝડપે આવ્યો હતો એ જ ઝડપે ભગાવ્યું!

હું થોડીવાર એને જતાં જોઈ રહ્યો! પછી મેં પણ ઘર તરફ પ્રયાણ કર્યું. ૧૦૦ મીટર આગળ જોયું તો અલ્લારખાં ચાલીને ઘેર જઇ રહ્યો હતો! મેં બાઇક ઉભી રાખી પૂછ્યું, "તારા પપ્પા ક્યાં?" એણે હાથના ઇશારાથી બતાવ્યું. એના પપ્પા એમનાં જેવા મિત્રો સાથે ઉભા હતા!

..આખરે એ છોકરાને એકલા જ ઘેર જવું પડ્યું!
*******

બાળકના કૌટુંબિક ઇતિહાસ જાણવાના હેતુસર મેં નાનકડી  'X' ને પૂછ્યું, "તારા પપ્પા શુ કરે છે?"

એણે સહજ નિર્દોષતાથી જવાબ આપ્યો, "વો તો દારૂ બેચતે હૈ."

"..અને મમ્મી?"

"મમ્મી ભી ઘર પે દારૂ બેચતી હૈ."
********

પોતાની દાદીના ઘેર રહેતી 'Y' ના પપ્પા વધુ દારૂ પીવાથી અને મમ્મી એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે! દીકરાની એક ઓળખસમી 'Y'ને દાદી પોતાના કામધંધાને કારણે રેગ્યુલર સ્કૂલે નથી મોકલી શકતાં!
********

ઘરેલુ ઝઘડામાં ધો.૧માં નામ લખાવ્યા બાદ માત્ર બે દિવસ જ શાળાએ આવી શકેલો 'Z' હવે શાળાએ આવ્યો ખરો, પણ એનું ધ્યાન ભણવામાં નથી લાગતું! એ નાની નાની વાતોમાં રડવા લાગે છે! એને ઘેર જવું છે! પાછો શાળાએ આવતો બંધ થતાં જાણવા મળ્યું કે એની મમ્મીને એના સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકી છે, એ પણ સામાનસહિત!
*********

બાળકી 'O' છેલ્લા એક માસથી શાળાએ આવી શકી નથી! પિતાને આ બાબતની પૂછપરછ કરતા જાણવા મળે છે કે એની મમ્મી એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે અને ઘરમાં એને સાચવવાવાળું કોઈ નથી એટલે એ એની મમ્મી સાથે હોસ્પિટલમાં જ રહે છે!
*********

'A' નામના બાળકના મમ્મી છે જ નહીં! વિગતે જાણવા મળ્યું કે એના મમ્મી એને મૂકીને બીજા જોડે જતી રહી હોઈ માંના પ્રેમથી વંચિત 'A'નું તોફાન દિનપ્રતિદિન વધી રહ્યું છે! વર્ગમાં એ 'ન્યુસન્સ' બની રહ્યો છે!
*********

આવા કઇ કેટલાયે અલ્લારખાં દિલમાં ઘણું છુપાઈને આવે છે! *એ શા માટે ભણવામાં નબળા છે? એ શા માટે એકલાં એકલાં રહે છે? એ શા માટે ચૂપચાપ રહે છે? એ શા માટે મૂંઝાય છે? એ શા માટે તોફાન કરે છે? એ સમજાય છે??*

જે બાળકને માત્ર એટલી જ ખબર પડતી હોય કે એના પપ્પા એને લઈને ઘેર ન ગયા, એને ભણવાનું મન ક્યાંથી થાય? ખરેખર એને અત્યારે જરૂર છે, માત્ર હૂંફની!! જાણો છો?? અલ્લારખાંને હું ખાલી એમ કહું કે, "બેટા મારી પાસે બેસ" તોય ઘણું! ભણવાનું તો એને આવડી જ જવાનું છે! યાદ રહે, નાનપણમાં પ્રેમભરી હૂંફ ન મેળવી શકનારા વધુ ભણેલા લોકો જ 'બ્રેઇન વોશિંગ'નો સૌથી વધુ શિકાર બની આતંકવાદી બનતા હોય છે! મારી શાળાના આવા દરેક અલ્લારખાં માટે મારું હદય કરુણામય છે!

અસંવેદનશીલ બની ગયેલા, માત્ર રોફ જમાવવા આવતા, અવાસ્તવિક સૂચનાઓ લખતાં અને આપતા, મનમાં પડી ગયેલી 'ખરાબ શાળા'ની છાપને ભૂસવા તૈયાર ના હોય એવાં જડભરત અધિકારીઓ આવા સમયે પણ શું કહે??.. ''અલ્લારખાંને વાંચતા કે લખતા કેમ નથી આવડતું?"

અરે સાહેબ, આના માટે કાન અને હદય બંને જોઈએ! અને અફસોસ કે આમાંનું એકેય તમારી પાસે નથી, કારણ કે તમે બહુ જ ભણેલા છો!!
********

યજ્ઞેશ રાજપૂત
લ.તા. ૧૨.૮.૧૯

રવિવાર, 4 ઑગસ્ટ, 2019

આપણે બાળકો શું કામ પેદા કરીએ છીએ? ક્યારેય વિચાર્યું છે? (આર્તનાદ ભાગ ૩)

આપણે બાળકો શું કામ પેદા કરીએ છીએ? ક્યારેય વિચાર્યું છે?
(આર્તનાદ ભાગ ૩)

*******

હું મારી ઉંમરના ૩૩ માં પડાવે છું. એવી જગ્યાએ નોકરી કરું છું, જ્યાં હમઉમ્ર ઓછા છે, અને વડીલો વધારે! ઘણા વડીલો મારા જન્મ પહેલાથી નોકરી કરે છે, અને મારી ઉંમરના પોતાના બાળકો છે!! મોટાભાગનાને હમેશા પોતાના ગુણગાન ગાતા સાંભળ્યા છે, કે એમને કઈ રીતે 'પેટે પાટા બાંધીને' પોતાના સંતાનોને મોટા કર્યા, ઘર કર્યું, નોકરી કરી.. વગેરે..! અજીબ લાગે છે, જયારે હું એમના દંભીપણાને નજરે જોઉં છું! સાચું કહું તો, ઉંમરના અમુક પડાવે પહોચ્યા પછી દરેક લોકો શા માટે માતા-પિતાને સાચવવાની વાતો કરવા માંડે છે, એ નથી સમજાતું!! શું એમને એવો ડર હોય છે કે એમનું સંતાન એમને નહિ સાચવે? કે પછી, પોતે જે નથી કરી શક્યા, એ બાળક પણ નહિ કરી શકે એની બીક હોય છે?  ઘણીવાર વાત થાય ત્યારે મારી દલીલ એવી હોય છે, કે *'ખરેખર માં-બાપે જ એવા ખમતીધર થવું જોઈએ, કે એમને બાળકોના ઓશિયાળા ના થવું પડે!'* આપણે બાળકો શું કામ પેદા કરીએ છીએ? ક્યારેય વિચાર્યું છે? શું આપણે એટલા માટે બાળકને જન્મ આપીએ છીએ, કેમ કે શારીરિક ઉંમર થઇ ગઈ છે? કે પછી એટલે, કે લગ્નને આટલા વર્ષ થઇ ગયા હોવા છતાં એક પણ સંતાનને જન્મ નથી આપ્યો? કે પછી એટલે, કે ઘરના વડીલો પોતાને દાદા-દાદી કે નાના-નાની બનાવવાની જીદ લઈને બેઠા છે? કે પછી એટલે, કે વંશવેલો આગળ વધે? કે પછી.. બીજાને છે અને મારે નથી એમ દેખાદેખીમાં? કે પછી.. આપણે પણ સામાજિક છીએ એ દેખાડો બતાવવા?.. કે પછી માત્ર આપણા સ્વાર્થ ખાતર જ?.. મારા ઘડપણમાં મને સાચવવા માટે મારું પોતાનું બાળક હોય તો કેવું સારું? અથવા તો મારી પાસે જે મારી સંપત્તિ છે એ હું મારા બાળકને આપીશ.. મહદઅંશે આપણે બધા આપણા ભવિષ્યમાં આપણને સાચવી શકે એવા એક વ્યક્તિત્વને જાણે-અજાણે પણ પેદા કરીએ છીએ, એવું લાગે છે! બાળકને માત્ર બાળક તરીકે ટ્રીટ નથી કરી શકતા, પણ સ્વાર્થી બનીને નાનપણથી જ આપણું ભવિષ્ય સુરક્ષિત કરવા આપણે "માં-બાપને ભૂલશો નહિ" ટાઈપનાં સુત્રો અને 'બાગબાન' ટાઈપની ફિલ્મો બાળકના મનમાં એટલી હદે નાંખીએ છીએ કે બાળક નાનપણથી જ ક્યાંકને ક્યાંક એવું વિચારતો થઇ જાય છે કે ''જો હું આમ નહિ કરું તો મારા મમ્મી-પપ્પાને નહિ ગમે.. હું આમ કરીશ તો મારા મમ્મી-પપ્પા રાજી થશે..!!" એક્ચ્યુલી, "અમે તને પેદા કરીને જો અમે તારા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે?!" ની લઘુતાભાવગ્રંથી બાળકના મનમાં નાનપણથી જ રોપી દેતા હોઈએ છીએ! એ બાળક ક્યારેય "પોતાને ગમે છે કે નહિ?" એવું નથી વિચારતો, પરિણામે પોતાની આઇડેન્ટિટી ક્રમશઃ જેમ જેમ મોટો થતો જાય છે, એમ એમ ગુમાવતો જાય છે! શું ખરેખર આપણે લાયક હતા, એટલે માં-બાપ બન્યા કે પછી માત્ર લોકલાજે?! મારા આ સવાલોથી ઘણા મને એવું કહેતા હોય છે કે તમે હજી અમારી ઉંમરે નથી પહોચ્યા એટલે તમને એવું લાગે છે! ..ત્યારે હું મારી જાતને આ સવાલ પૂછું છું તો મને એવું નથી લાગતું કે એમની ઉંમરે મને આવા ઓશિયાળા બનવું ગમશે! વાસ્તવમાં હું એવું માનું છું કે સમય વર્તે જો આપણે ન બદલાઈયે, અથવા તો આપણે આપણા સંતાનોની નજરમાં 'ચંપકલાલ' જેવા *પૂજનીય વડીલ* તરીકેનું ઉદાહરણ ના બની શક્યા હોઈએ તો ઓશિયાળા બનવું પડે! પોતે જીવનમાં મોટેભાગે નિષ્ફળ ગયા હોય અને બાળકોને નાની નાની વાતોમાં સલાહ આપીએ તો ક્યારેક તો બાળકને એ જ્ઞાન લાધે જ છે કે નાનપણમાં 'હીરો' રહેલા એના માં-બાપ વાસ્તવમાં તો 'હિટલર' છે!!
*****

એક સવાલ: શું તાલી એક હાથે પડે?

એક સાંભળેલો જોક યાદ આવે છે.. એક ડોશીમાં એની 'ઓટલા'પાર્ટનર ડોશીને કહે છે.. "મારો જમાઈ તો એટલો સારો કે મારી દીકરીનું બહુ ધ્યાન રાખે! રોજ હોટલમાં જમવા  લઇ જાય. ઘરના કામમાં મદદ કરાવે. એ માંગે એ વસ્તુ હાજર કરી દે. અને મારો દીકરો સાવ બાયલો!! રોજ વહુને બહાર જમવા લઇ જાય. ઘરના કામમાં મદદ કરાવે. માંગે એ વસ્તુ હાજર કરે. વહુનું બહુ ધ્યાન રાખે." સ્વાભાવિક છે કે ઉપરની ડોશીમાને પોતાના 'બાયલા' સંતાનના ઓશિયાળા બનવું પડે! પોતાના પિતાને નાનપણથી જ માતાના પગ દબાવતા જોતો પુત્ર પોતાની સ્ત્રીના પણ પગ દબાવવાનો જ! આમાં ક્યાં બાયલાપણું આવ્યું? અને જો આવ્યું હોય તો ક્યાંથી આવ્યું? સોચો..સોચો..

ઘણા વડીલોને પોતાના પર એટલું બધું અભિમાન હોય છે કે એ પોતાના બાળકોને ગણકારતા જ નથી હોતા! એમને ક્યારેય પોતાના બાળકો પર ભરોષો હોતો જ નથી. પરિણામે એવા લોકો પોતાના બાળકોને કશું જ પસંદ નથી કરવા દેતા! નિર્ણયો લેવા દેતા જ નથી! પોતાના સંતાનની દરેક બાબતમાં એમને ખોટ જ દેખાતી હોય છે. એવા વડીલો મને એવું લાગે છે કે જલ્દી પોતાના સંતાનોને ગુમાવે છે.

'રહેવા દે તને નહિ આવડે'.. 'તું નહિ કરી શકે'.. 'તું આટલું પણ નથી કરી શકતો'.. ટાઈપના ''ટોકણસિંહ'      માં-બાપના સંતાનો હંમેશાથી 'તને નહિ આવડે'-ટાઈપના જ વખાણ એનાં માં-બાપના મોઢેથી સાંભળતો હોય છે! લગ્ન બાદ જયારે વહુ રૂપી સિંહણ એનાં ઘેટાં બની ગયેલા પતિ-સિંહને યાદ અપાવડાવે કે 'તમે પણ બધું કરી શકો છો.." ત્યારે એ સંતાન પોતાનું સિહત્વ સાબિત કરવા સૌથી પહેલા 'ઘેટાના ટોળા'રૂપી માં-બાપને જ છોડતા હોય છે. હવે આમાં વાંક કોનો ગણવો? વહુનો? સંતાનનો? કે પછી માં-બાપનો?

'સમય વર્તે સાવધાન' વહેતી નદી ચોખ્ખી રહે, પણ બંધિયાર ખાબોચિયું? અલબત્ત, ગંધાશે જ! ''ભાઈ, મેં તો મારા દીકરાને કહી દીધું છે કે તને કોઈ ગમતું હોય તો કહી દે. લગ્ન કરાવી દઈશું. પણ શરત એટલી જ, એ આપણા સમાજની જ હોવી જોઈએ!" હવે, આનો શું મતલબ થાય? સમાજના વાડામાંથી બહાર ના નીકળતા માં-બાપના સંતાનો જયારે પરનાતની 'રાણી' લાવે ત્યારે એ ગમે તેટલી સારી હોય, (સ્વભાવે પણ!!) તોય એવા માં-બાપ પોતાના સંતાનની 'પસંદ'ને 'ના-પસંદ' ગણીને જે રીતે કજીયો કરે..! અરે ભાઈ, બહારના ધાંધિયા ઓછા છે કે સંતાન ઘરમાં આવીને પણ આજ સાંભળે? બહેતર છે કે "પ્રેમ જળવાઈ રહેતો હોય તો થોડા દુર રહેવું સારું!"

"વહુને બહુ બહાર નહિ નીકળવા દેવાની" ટાઈપના લોકો જયારે બીજાની સ્ત્રીઓને ચબરાક જુએ છે ત્યારે ઘરની લક્ષ્મી એમને 'મણીબેન' લાગે છે. અરે ભાઈ, પોતાના દીકરાને રાજા જોવો હોય તો, ઘરની સ્ત્રીને રાણી બનાવતા શીખવું પડે? બાકી, 'મણીબેન'નો પતિ 'મણીભાઈ'જ હોવાનો! "વહુને બહુ પિયર નહિ જવા દેવાની" ટાઈપના લોકોએ સમજવું રહ્યું કે રસ્તામાં ઘર આવતું હોય તો પુત્ર-વહુ સાથે 'વહુના પિયરે' આંટો મારી આવે!" એક આખી સ્ત્રી પોતાના ઘરને છોડીને પરાયા માં-બાપને પોતાના કરવા લાગી હોય, તો શું પુત્ર અડધો સ્ત્રીના માં-બાપનો ના થઇ શકે?

"સ્ત્રીધન" અને "સ્ત્રી"ને બાપીકી જાગીર સમજનારા 'ના-સમજ' માં-બાપના 'સમજુ' પુત્રો વારેવારે પોતાની સ્ત્રીનું અપમાન જોવાને બદલે એમનાથી દુર થવાનું મુનાશીબ સમજે છે.
*******

શું આપણે ક્યારેય એમ વિચારીને બાળકને જન્મ ના આપી શકીએ કે, "બેટા, મને તારા તરફથી કોઈ જ અપેક્ષા નથી! મારું કામછે, તને એવી રીતે તૈયાર કરવાનું કે તું તને પામી શકે અને સમાજ પ્રત્યેની તારી જવાબદારી શુભ નિષ્ઠાથી અદા કરી શકે! તું મારી બિલકુલ ચિંતા ના કરતી.. મેં કઈ એટલા માટે તને જન્મ નથી આપ્યો, કે હું ખુશ થઈશ કે નહિ, એ વિચારીને તું દુઃખી થતી રહે..? વાસ્તવમાં મને તો એવું લાગે છે કે ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે કે હું સમાજને એક સારી નાગરિક આપી શકું.

હું એવું ચોક્કસ ઈચ્છીશ કે તું દરેકને માન આપતા શીખે. એનો મતલબ એ પણ નથી કે તું ખોટાને પણ માન આપે!! તારે દરેકને માન આપવાની જરૂર નથી, પણ હા, કોઈનેય કારણ વગર અપમાનિત ન કરતો! 

હું તારો એવો પાલક બનવા માંગું છું કે તું અધિ-સત્યને જ સાથ આપતા શીખે! સત્ય બે પ્રકારના હોય છે. એક એવું સત્ય, કે જેને લોકો સાચું માનતા હોય, અને એક એવું સત્ય કે જેને તું સાચું માનતી હોય!  'દ્રશ્યમ' મુવીમાં આઈજી દેશમુખ (તબ્બુ) પોતાના દીકરાના હત્યારાની પૂછપરછ કરે છે એ સત્ય છે. અને વિજય (અજય દેવગણ) કોઈપણ હિસાબે પોતાના પરિવારનું રક્ષણ કરે છે એ અધિ-સત્ય છે! સત્યની ઉપરનું સત્ય એટલે અધિ-સત્ય! તું તારા સત્યના માર્ગે ચાલજે! કુદરતે એમને જ મહાન બનાવ્યા છે, જેમણે પોતાનો રસ્તો જાતે જ બનાવ્યો હોય!

ભવિષ્યમાં લોકલાજે ક્યારેય હું કશુક ખોટું કરું, અથવા સમય વર્તે ના બદલાઉં અને તારા પર કારણ વગરના રીસ્ટ્રીકશન મુકું તો તું મને એ સમયના સાચા-ખોટાનું ભાન કરાવજે. અને છતાંય જો હુમારી જડતાને ના છોડું, તો તું મને માફ કરીને તારા રસ્તે આગળ વધજે! અર્જુનની જેમ પોતાના ખોટા હોય એવા સગાઓને જોઇને હથિયાર હેઠા ના મૂકી દેતી.

બધા ઘરડા ખોટા નથી એમ બધા સાચાય નથી! ઘણા માં-બાપોને પોતાના સંતાનોને કારણ વગરનું દુઃખ આપતા સહેજેય સંકોચ નથી થતો. એમના સંતાનો જયારે લોકલાજે એમની મુર્ખામીઓ સહન કરે છે, ત્યારે એ લોકો એવું કહીને પોતાનો 'ઈગો' સંતોષતા હોય છે કે, "જોયું, મારૂ સંતાન કેવું સારું છે!" ..પણ જયારે એ સંતાનો એમની હદ બહારની મુર્ખામી સહન ના કરી શકે ત્યારે એ લોકો પોતાના સંતાનોને વગોવતા વાર નથી લગાડતા! *યાદ રહે, મોટાભાગના સંતાનો પોતાના માં-બાપને સુખી જોવા જ માંગતા હોય છે, પણ ઘણીવાર માતા-પિતાની ભેદભાવની નીતિ અને સમય સાથે ના બદલાવાની જડતાને કારણે ઘરડાઘરો ઉભરાય છે!* આવા જડભરત વડીલોને તું દુરથી જ સલામ કરજે. નહીતર એ તારા પણ સુખી પરિવારમાં આગ લગાડતા વાર નહિ લગાડે!

કોઈને પણ સમજી વિચારીને પગે લાગજે! સમય આવ્યે તને સમજાશે કે કોને પગે લાગવા જેવું છે અને કોને નહિ? બધા કરે છે એટલે તારે કરવું જરૂરી નથી. તારી વિવેકબુધ્ધિનો ઉપયોગ કરજે. 

તારી નાની નાની ભૂલો કે નિષ્ફળતાઓમાં હું ગુસ્સો કરીશ.. પણ એનો મતલબ એ નથી કે હું તને ધિક્કારું છું. ખરેખર તો જયારે જયારે હું સફળ નથી શક્યો, ત્યારે ત્યારે તારી નિષ્ફળતાઓ પર ગુસ્સો કર્યો છે! સફળ થવાનો દિલથી પ્રયાસ કરજે. પણ ના થાય તો ચિંતા ના કરતી. તારા પિતા પણ અનેક સફળતા અને નિષ્ફળતાઓનું પોટલું જ છે. શક્ય છે કે તારી નિષ્ફળતામાં હું તારી પાસે ના હોઉં! બસ.. તું આગળ વધતી રહેજે અને તારા જેવી બનજે! મારા જેવા થવાની કોશિશમાં આત્મહત્યાનું પાપ ના વહોરતી!

તારા નિર્ણયોને ઘણીવાર બધા તારી તોછડાઈ અથવા તો મુર્ખામી સમજશે, એમાં હું પણ સામેલ હોઈ શકું છું!! ..પણ જો તને તારા પર કશુક કરવાનો ભરોષો હોય તો તું મારી પરવા ના કરતી! ..એવું માનીને આગળ વધજે કે હું તારો પિતા છું, સર્જનહાર નહિ! તારી સર્જનહાર તો તું જ છે. તું ચાહે તો સારી બની શકે છે. અને ચાહે તો ખરાબ!

એક પિતા તરીકે હું તને હમેશા સર્વશ્રેષ્ટ જ આપવાનો પ્રયાસ કરીશ. જીવનમાં રૂપિયાનું મુલ્ય સમજજે. સાચા રસ્તે જાતે કમાજે અને મહેનતનો રોટલો ખાજે! મારી સંપત્તિ પર આશા રાખવા કરતા તારો બંગલો તારી જાતે જ બનાવજે. પછી ભલે ને એ બંગલો ૧૦/૧૦ નો જ કેમ ના હોય? અને એ પણ ના બનાવી શકે તો પણ કોઈ વાંધો નહિ!

સીધા જ મારી ખુરશી પર બેસવાને બદલે નીચલી પાયરીથી શરૂઆત કરજે, જેથી તું નાના માણસોનાં આર્તનાદને ભૂલી ન જાય! યાદ રાખજે, નાના માણસોની કદી 'હાય' ના લેતી, એ લોકો તારી દરેક સ્થિતિમાં તને કોઈપણ જાતની અપેક્ષા વગર પણ તને બોલાવશે!

તારા નિર્ણયો તું જાતે જ લેતા શીખજે, જેથી તારા જીવનસાથીને તું જાતે જ પસંદ કરી શકે! પ્રેમની બાબતમાં એક સત્ય કહું તો જયારે તું તારા જીવનસાથીને જુએ ત્યારે તારા દિલને પૂછજે, શું એ તારે લાયક છે? શું તું એને લાયક છે? થોડો સમય વ્યતીત થવા દેજે. એક પળ એવી ચોક્કસ આવશે કે સમજાશે કે તારે એની સાથે જોડાવું કે નઈ? અને એકવખત 'આતમરામ'નો અવાજ સંભળાય, પછી મારા અવાજની કોઈ વેલ્યુ રહેતી નથી કેમકે મારે નહિ, પણ તારે એની સાથે જીવન વ્યતીત કરવાનું છે! પણ.. હા, જો એમ છતાંય જો તું પસંદગીમાં નિષ્ફળ જાય તો રાજીખુશીથી અલગ થાજો. પણ, હા.. અલગ થતા પહેલા એ વાત ચોક્કસ યાદ રાખજો કે એની અસર ઘણી જિંદગીઓ પડશે અને કોઈના જવાથી આપણે અટકી જવાનું નથી! નદીની જેમ આગળ વધતું રહેવાનું છે.

મારું કામ તને તારી યુવાવસ્થા સુધી યોગ્ય ઘડતર કરવાનું છે, નહિ કે તને જીવનભર ગળે લગાડવાનું! મતલબ એ નથી કે મોટા થયા પછી 'તું તારા રસ્તે, અને હું મારા રસ્તે!' પણ એનો મતલબ એ થાય છે કે આપણે બંને આપણા પુરક બનીશું. ઘણી બાબતો એવી હશે કે મને ન સમજાય તો તું સમજાવજે. અને ઘણી બાબતો તને નહિ સમજાતી હોય તો હું તને સમજાવીશ! કારણ વગરની સલાહો આપવાથી મને.. અને ખોટા નિર્ણયો લેવાથી તને.. ઈશ્વર બચાવે એવી પ્રાર્થના!!

સંતાનોની બાબતમાં તને એવું લાગે કે તું માં-બાપ બનવાને લાયક છે, તો જ બનજે! શારીરિક ઉંમર વધવાથી લોકલાજે બાળક પેદા કરીને તારી અપેક્ષાઓ એના પર થોપીને તું ઈશ્વરની ગુનેગાર ના બનતી! સંતાન એ પ્રભુની પ્રસાદી છે. એની સાથે નારીયેલ જેવી બનજે. ઉપરથી કડક અને અંદરથી નરમ! ભરપુર પ્રેમ આપજે, પણ કડક હાથે કામ લેજે! તારું કામ કુમળા છોડને વટવૃક્ષ બનાવવાનું છે, જેથી તે સમાજને મીઠા ફળ આપી શકે!

સમાજના ઘણા રીતી રીવાજો એવા છે કે જેમાં તને સવાલો થશે. ગુસ્સો આવશે, પણ ગુસ્સાને નવી દિશામાં પરિવર્તિત કરજે!

જ્યાં જરૂર હોય, ત્યાં પાંચની જગ્યાએ પચાસ ખર્ચજે, પણ જ્યાં જરૂર ના હોય ત્યાં પાંચીયુંય ના ખર્ચતી! પરિવારની બાબતોમાં કરકસર કરજે, અને પોતાની બાબતોમાં કંજુસાઈ!

બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા પગારના અઢી ટકા સારા કામમાં વાપરજે, અને દસ ટકા બચતમાં! બેંક બેલેન્સ મજબુત કરવાને જગ્યાએ આશીર્વાદનું બેલેન્સ મજબુત કરજે!

વહુ બનવા કરતા દીકરી બનજે, અને જમાઈ બનવા કરતા દીકરો બનજે! વડીલોની બાબત પસંદ ના પડે તો ચૂપ રહેજે! અને.. છતાંય સહન ના થાય તો આગળ વધજે! તારી જીવનસાથીને પણ આ વાત પ્રેમથી સમજાવજે!

સમયસર બધું કરજે, પછી ભલે એ લગ્ન હોય કે નોકરી! ..અને સમયસર બધું છોડજે, પછી ભલે એ સત્તા હોય કે ઓફીસ!!

યાદ રહે કે તારી નબળી અવસ્થામાં તારું કુટુંબ અને તારા અંગત મિત્રો તારી સાથે હશે, માટે એમના માટે ગમે તે ભોગે સમય ફાળવજે! ..પણ દિવસનો અડધો કલાક તને જે ગમતું હોય એ કામ કરજે, અને એ પણ ભૂલ્યા વગર!

તારા સપનાઓને મારતી નહિ, કારણ કે એ અંતિમ સમયે પણ પુરા થતા હોય છે!

દંભી ધાર્મિકતા કરતા નાસ્તિક થવું સારું, એ યાદ રાખજે!

ખુશ હોય ત્યારે જોરથી હસજે, અને દુઃખી હોય ત્યારે શાંતિથી બેસજે, છતાંય ન રહેવાય તો જોરથી રડજે!

રજાઓમાં નવી જગ્યાએ ફરવા જજે! ભગવાન અને તું, તારી અંદર જ છે, એમને બહાર ના શોધતી!

આશીર્વાદ સહ..
*******

મેં મારા આતમરામને પૂછ્યું, "આટલું બધું લખ્યા પછી પણ જો તું વૃદ્ધાવસ્થામાં સંતાનો પાસેથી અપેક્ષા રાખતો હોઈશ તો?"

"..પણ હું તને વૃદ્ધ થવા દઈશ તો ને??!!" આતમરામે સિક્સર મારી!!
*******

યજ્ઞેશ રાજપુત
નાનકડી દીકરી તન્વીને અર્પણ.
લ.તા. ૪.૮.૧૯



















































સોમવાર, 29 જુલાઈ, 2019

*શિષ્યવૃત્તિ* (આર્તનાદ ભાગ ૨)

*શિષ્યવૃત્તિ*
(આર્તનાદ ભાગ ૨)

 *અહીં ખાસ નોંધ લેશો કે સદામને નિમિત્ત બનાવી મેં સમગ્ર વાલીવર્ગ અને શિક્ષકવર્ગની વેદના વર્ણવી છે. કારણ કે આવું કદાચ આખા ગુજરાતના બાળકો અને વાલીઓ સાથે થતું જ હશે, એમાં કોઈ શંકા નથી!!*

*****

"લો, આ બોનફાઇડ લઇ જાઓ, અને સદામનું આધારકાર્ડ બનાવવાનું છે. ગામની ઝોનલ ઓફિસે ૨૫-૩૦ રૂપિયા લેશે અને તમને બનાવી આપશે." મેં ધોરણ ૧ માં નવા દાખલ થયેલા સદામની મમ્મીને કહ્યું.

"ઇતને મેં બન તો જાયેગાના?? કિ જ્યાદા પૈસે લગેન્ગે??" રોજ માત્ર ૨૦૦-૩૦૦ કમાતા હોય અને ૭-૮ સભ્યોવાળા પરિવારનું માંડ ઘર ચાલતું હોય એવા સદામના મમ્મી પૈસાની ચિંતા કરી આવો સવાલ પૂછે એ સ્વાભાવિક હતું.

"ઇતને હી લેંગે.. અગર આપ પ્રાઇવેટમેં બનાઓગે, તો જ્યાદા પૈસે લગતે હૈ." મેં એમને થોડું ચિડાઈને કહ્યું, કારણ કે ધો.૧ ના મારા વર્ગમાં કુલ ૬૦ બાળકોમાંથી લગભગ ૮૦℅ બાળકોના આધારકાર્ડ અને બેંક એકાઉન્ટના ફોર્મ ભરીને મારે એમને આપવાના હતા. અત્યારે હું પોતે લગભગ ૪-૫ વાલીઓથી ઘેરાયેલો હતો.

"નઈ, ઉસમેં ક્યાં હૈ? મેરે તીન બચ્ચે યહાઁ પઢતે હૈ.. સબકે આધારકાર્ડ નિકલવાને કે હૈ.. તો ખબર પડે ને, કિ કિતને પૈસે લગેન્ગે.. ઇસલિયે પુછા." સદામની મમ્મીએ ચોખવટ કરી.

"સુબહ જલ્દી જાના.. ઝોનલ ઑફિસમેં રોજ કે સિર્ફ ૩૦ લોગો કે હી આધારકાર્ડ નિકલતે હૈ.. ઔર હા, સદ્દામ કો સાથ લેતે જાના, ઉસકી ઉન્ગલીઓકી છાપ લગેગી." મેં જરૂરી સૂચનાઓ ઝડપથી આપી એમને રવાના કર્યા.

ગામડાઓમાં સરકારીશાળા જ સર્વસ્વ હોય, એટલે મોટા-નાના બધા એ જ શાળામાં ભણે! (જો કે ગામડામાં પણ હવે તંત્રની મહેરબાનીથી ખાનગી શાળાનું દુષણ ઘુસી ચૂક્યું છે!) પણ શહેરોમાં દર એક કિલોમીટરે દુકાનોમાં પણ ખાનગી શાળાઓ ચાલતી હોય છે! વળી, આવી શાળાઓ 'દેખાડામાં' માનતા અને 'કહેવાતા' સમૃદ્ધ હોય એવા બાળકોને જ એડમિશન આપે, એટલે અભણ અને મજૂર વર્ગમાંથી આવતા જેમને મન 'રોજની કમાઈ'નું વધુ મહત્વ છે, એવાં વાલીઓ પોતાના બાળકોને સરકારી મ્યુનિસિપાલીટી સ્કૂલમાં દાખલ કરતા હોય છે. (સમૃદ્ધ અને સાક્ષર વાલીઓના બાળકોના એડમિશન મ્યુનિસિપલ સરકારી શાળામાં એવરેજ માત્ર ૨% થી ૧૦℅!!)
*****

૨ દિવસ પછી સદ્દામ શાળાએ આવ્યો! મેં પૂછ્યું, "ક્યાં હતો ૨ દિવસ??"

"વો આપને જો કાગઝ દીયેલા ને.. આધારકાર્ડ કે લીયે.. વહાં ગયેલે.." સદામની મમ્મીએ કહ્યું.

"બન ગયા આધારકાર્ડ?? વો પ્રિન્ટ લાયે?" એક બાળકનું આધારકાર્ડ બન્યાના ઉત્સાહમાં મેં પૂછ્યું.

"નહીં.. દો દિન સલિંગ ગયે, લેકિન વહાં બહોત બડી લંબી લાઈન લગતી હૈ.. ઔર ફિર ઇસકે પપ્પાકો ભી સુબહ કામ પે જાના હોતા હૈ.. તો એક દિન મૈને ભી કામ પે રજા રખ્ખી.. લેકિન વહાં વો બોલતે હૈ, પુરાવા લાઓ.. અબ પુરાવા કહાં સે લાએ.. હમ તો ભાડે સે રહેતે હૈ.."

"..તો ભાડા કરાર બનવા લો ના." મેં કહ્યું.

"અબ મકાનમાલિક કહાં ભાડા કરાર કરને દેતે હૈ? માન લો કર ભી દિયા, તો ફિર ૧૧ મહિને મેં મકાન ખાલી કરના પડતા હૈ.. વારેઘડીએ મકાન ખાલી કરને મેં બહોત તકલીફ પડતી હૈ.."

"પ્રાઇવેટમે બનવા લો.." મેં કહ્યું.

આ વાતચીત ચાલતી હતી એ દરમિયાન એક વાલીએ તરત જ કહ્યું, "પાંચસો રૂપિયે લેતે હૈ પ્રાઇવેટવાલે! આપકો તો સિર્ફ બોલના હૈ.. લેકિન ૨-૩ બચ્ચે હો તો એક-દો હજાર કહાં સે લાયે??"

હું ચૂપ થઈ ગયો!

થોડીવાર પછી મેં ધીમેથી કહ્યું, "કુછ ભી કરો, આધારકાર્ડ ઔર બેંક એકાઉન્ટ નહીં હોગા તો શિષ્યવૃત્તિ કે પૈસે નહીં આયેંગે."
******

૧૫-૧૬ દિવસ પછી સદામના મમ્મી સદામનું આધારકાર્ડ લઈને હાજર થયા! મેં પૂછ્યું, "કૈસે નિકલા?"

"૨૦૦૦ રૂપયે લગ ગયે.. તીન બચ્ચો કા આધારકાર્ડ નિકલવાને મેં..!"

સદામની મમ્મીની આંખોમાં પોતાની 'રોજની કમાઈ'ના અમુક દિવસો પડ્યા, અને અંદાજે ૨૦૦૦ રૂપિયાથી ઘરમાં જે ખાડો પડ્યો, એની વેદના સ્પષ્ટ દેખાય છે!! (સાચું કહું તો એક શિક્ષક તરીકે જ્યારે હું આવી વેદનામયી આંખો કે ચહેરો જોઉં છું, ત્યારે મને સરકાર અને તંત્ર પર ગુસ્સો આવે છે. એ લોકો આવા નાના માણસોનો બિલકુલ વિચાર નહીં કરતા હોય?!! આ ફરિયાદ તો ઈશ્વરને પણ છે!!)

"અબ બેંક એકાઉન્ટ ભી ખુલવા લો.. શાયદ યહાં પૈસે નહીં લગેન્ગે. તુમ્હારા એક ફોટો ઔર સદામ કે દો ફોટો લગેન્ગે." મેં કહ્યું.

"સદામ કે ફોટો પડવાને પડેન્ગે.. દો દિન બાદ દૂગી"
*******

બે દિવસ પછી સદામના મમ્મીએ મને ફોટા આપ્યા એટલે મેં એમને 'ઝીરો' પૈસાથી બેંક એકાઉન્ટ ખુલે એનું ફોર્મ ભરી આપ્યું. બે દિવસ પછી એ પાછા મારી પાસે આવ્યા..

"આપ તો બોલતે થે કુછ પૈસે નહીં લગેન્ગે, વો બેંકવાલે ખાતા ખુલવાને કે લિયે ૧૦૦૦ રૂપયે માંગતે હૈ.. અબ મૈં હજાર રૂપયે કહાં સે લાઉ??"

હું શોકડ થઈ ગયો! તરત જ એ બેનને અમારા આચાર્ય  પાસે લઈ ગયો. મેં આખી બીના જણાવી એમને કહ્યું, "હવે આ બેનને ત્રણ બાળકો છે, તો ખાતા ખોલાવવા માટે ૩૦૦૦ રૂપિયા ક્યાંથી લાવે બોલો??"

અમારા આચાર્યબેન તંત્રએ માંગેલા 'આંકડાઓમાં' વ્યસ્ત હતા! એ બોલ્યા, "જેટલું થાય એટલું કરો."

મેં સદામની મમ્મીને કહ્યું, "ખાતું ખૂલે તો ખોલાવો.. ના ખુલે તો વાંધો નહીં." (બેંકવાળાઓને દંડવાવાળું કોઈ જ નથી!! અંધેરી નગરી છે આ!! હદયનો આર્તનાદ છે આ!!)
******

શિષ્યવૃત્તિનું ખાતું 'ઝીરો' પૈસાથી ખોલવાનું હોવા છતાં આ બેંકવાળાઓ જે રીતે નાના માણસોને હેરાન કરે છે, એ અસહ્ય છે. જ્યારે બાળક પાસે આધારકાર્ડ કે બેંક એકાઉન્ટ નથી હોતું, ત્યારે એક પણ અધિકારી એ સાંભળવા તૈયાર નથી કે શા માટે નથી? કેટલા બધા પ્રોબ્લેમ છે વાલીઓના? આવા બધા દૌડા કરે તો એમની 'રોજની કમાઈ' ગુમાવે છે. ભાડેથી રહે છે. પોતાના પણ પુરાવા હોતા નથી. (શા માટે નથી?.. એ પાછો અલગ મુદ્દો છે!) માત્ર એક બાળક હોય તો હજુ એ પહોંચે પણ ૩-૪ હોય તો ક્યાં જાય? એમાંય વળી લાંબી લાઈનો, અને ધક્કા પર ધક્કા!! બાળકોની નિશાળમાં ગેરહાજરી વધે! વાલીઓ ઘણીવખત તો બાળકને શાળાએ મોકલવાનું જ બંધ કરી દે! ..અને વિચારે, આના કરતાં બાળકને પોતાની સાથે મજૂરીએ લઇ જવું વધુ સારું!! શુ તમે વિચારી શકો.. ક્રિમિનલો મોટેભાગે અભાવોમાં રહેતા લોકો જ શા માટે હોય છે?? ..અને એક્ચ્યુઅલ ક્રિમિનલ કોણ??
******

૧૫ દિવસ પછી સદામના મમ્મી ઉપરની ચિઠ્ઠી લઈને મને આપી! હું એ આપને શેર કરું છું. ખાસ જોશો કે બેંકવાળાએ કેટલા રૂપિયાથી ખાતું ખોલી આપ્યું છે?!!

-યજ્ઞેશ રાજપૂત
 (આર્તનાદ ભાગ ૨)