રવિવાર, 17 ઑક્ટોબર, 2021

..જયારે એક ભાભાની લોલુપતા દુનિયાને 'ક્રૂર' બનાવે છે.

હું જ્યારે પણ આ ટાઈપના ફોટા જોઉં ત્યારે મને થયેલો આ અનુભવ હું ક્યારેય ભૂલી શકતો નથી!
*********
એ દિવસોમાં હું દર શનિવારે રાતે ઉનાથી એસટીમાં બેસતો અને રવિવારે અમદાવાદ આવતો.. પાછો રવિવારે રાતે અમદાવાદથી ઉના/કોડીનારની બસમાં બેસી સોમવારે ત્યાં! ત્યારે એસટીમાં રિઝર્વેશન જેવું ચલણ હતું પણ બહુ ઓછું! બસોમાં ભાગ્યેજ પાંચ-દસ સીટનું રિઝર્વેશન થતું.. એટલે હું અચાનક ઘણીવાર શનિવારે બપોરે 12 વાગ્યાની અમદાવાદ આવતી બસમાં પણ ચડી જતો જેથી રાતે 11:30 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી શકાય! 

એક દિવસે આવી જ રીતે હું ઉનાથી અમદાવાદની બસમાં બપોરે બેઠેલો. બપોરની બસમાં ભીડ વધારે હોય! ઘણીવાર ચાર-પાંચ કલાક ઉભા રહેવું પડે! એમાંય કોલેજીયનોથી તો બસ ઉભરાય! મને માંડ ખાંભાથી સીટ મળી. ચલાલાથી એક ઘરડાં કાકા ચડ્યા. હાંફ ચડી ગયેલી. પરસેવે રેબઝેબ. મારી સીટ બસના દરવાજા પાસે જ હતી. એમણે આખી બસમાં જોયું.. ક્યાંય ખાલી સીટ ન હતી. ઘણાં લોકો આવા કોઈ બસમાં ચડે એટલે સીટ ન આપવી પડે એટલે ખાલી ખાલી આંખો બંધ કરીને સૂઈ જાય! ..અથવા પોતાનાં નાના છોકરાંઓને પણ ખોળામાંથી ઉતારી બારી બાજુની સીટમાં બેસાડી પહોળાં થઈને બેસે! હું આવો ઢોંગ ન કરું.. એટલે મારા પર, મને માંડ મળેલી સીટ પરથી ઉભા થઈને આ ઘરડાં ભાભા માટે  એમને સીટ આપવાનું, સામાજિક અને માનસિક રીતે દબાણ વધ્યું! આવા સમયે ભયંકર માનસિક સંઘર્ષ થતો હોય છે, કેમ કે હજુ સાત-આઠ કલાકની મુસાફરી બાકી હોય અને જો સીટ જતી કરું તો છેક બોટાદ-સારંગપુર સુધી સીટ મળવાની સંભાવના ન રહે! મેં એ ભાભાને પૂછ્યું, "કેટલે સુધી જવું છે?" એ ભાભા માંડ-માંડ હાંફતા-હાંફતા બોલ્યા, "આયાં... અમરેલી લગણ.." મેં મારી જાતને મનમાં કહ્યું, 'અડધો-પોણો કલાક ઉભું રહેવામાં શુ જાય છે?! હું એટલું તો ઉભો રહી શકીશ. અમરેલી આ ભાભો ઉતરે એટલે પાછો બેસી જઈશ.'

"લો.. અહીં બેસી જાઓ." મેં શિષ્ટાચાર રાખી સીટ પરથી ઉભા થઇ એમને સીટ આપી. ચાલતી બસમાં બીજી સીટોને પકડતાં માંડ એ ભાભા સીટ પર બેઠાં. હું એમની બાજુમાં ઉભો રહ્યો. 

સીટ પર બેસતાની સાથે જ એ ભાભાનાં મોંઢાના હાવભાવ બદલાઈ ગયા! હાંફ અચાનક ગાયબ થઈ ગયો. પરસેવો ઉડી ગયો. એમણે મારી સામે જોઈ કોઈ 'આભાર'ની લાગણી તો ન દર્શાવી, ઉલટાનું એમણે ટટ્ટાર થઈને પોતાની મૂછો પર એવી રીતે તાવ દીધો કે જાણે ખુદની 'એક ઘરડાં - થાકી ગયેલાં - જમાનાનો ત્રાસ સહન કરેલાં - પરસેવે રેબઝેબ ભાભા'ની ઓસ્કાર વિનિંગ એક્ટિંગ પર પોતાની પીઠ ન થપથપાવતાં હોય!!??

હું સમસમી ગયો..! પંદરેક મિનિટ થઈ હશે ત્યાં એક ગામનું સ્ટેશન આવ્યું. ગામમાં પ્રસંગ હશે તે ત્યાંથી વીસેક જાનૈયા જેવા લોકો ચડ્યાં. એ બધાં બસમાં ચડ્યા કે બારીમાંથી જોઈ નીચે ઊભેલાં લોકોને "આવજો.. આવજો.."ની બુમો પાડવા લાગ્યા. એ જાનૈયાઓમાં એક સરસ તૈયાર થયેલી સ્ત્રી, કે જે મારી સીટ પાસે આવી ઉભી હતી, એણે સીટની બારી પાસે પોતાનું મોં ઘાલી બૂમ પાડી, "એ બોટાદ મારે ઘેર આવજો હો માસી.." ...અને એ સ્ત્રીને પોતાની આટલું નજીક નમેલી જોઈને એ 'ઠરકી ભાભો' વધુ જુવાન બની ગયો! 

હું સમજી ગયો કે આ 'કલબલાટ' બોટાદ સુધી ઉતરવાનો નથી! આખું ટોળું કંડકટરની સીટ પાસે બુમબરાડાં પાડતું હતું એટલે જેવી બસ ઉપડી ત્યાં તો પેલાં કંડક્ટરે મને જોઈ બૂમ પાડી, "ઓ ભાઈ.. પાછાં ખસો થોડાં.. જોતાં નથી.. આખી બસ ભરાઈ ગઈ છે?"

હવે જો હું આ ભાભાને આપેલી સીટ પાસેથી ખસુ તો મારી સીટ મને જ ન મળે એ બનવાજોગ હતું, છતાંય હું એ ભાભા પર એવો ભરોસો રાખી પાછળ ખસ્યો, કે 'એ અમરેલી ઉતરે ત્યારે મને જ એ સીટ પાછી આપશે!' ..એવી એ ભાભા પર સંપૂર્ણ શ્રદ્ધા રાખી હું પાછળ તો ખસ્યો, પણ મારી નજર તો મારી સીટ પર જ ખોડાયેલી રહી.. કેમ કે અમદાવાદ હજુ ઘણું દૂર હતું..! ..અને જો સીટ જતી રહી તો ચાર-પાંચ કલાક ઉભા રહેવું પડે એ જોખમ પણ! 

મેં જોયુ કે પેલો 'ઠરકી ભાભો' એ સરસ તૈયાર થયેલી સ્ત્રીને જ જોઈ રહ્યો હતો. બસ આગળ ચાલી રહી હતી. આ જાનૈયાઓના ચડવાથી બસમાં 'પરસેવા મિશ્રિત પરફ્યુમ'ની વાસ ફેલાઈ રહી હતી. મારી સીટથી ઘણો દૂર ઉભેલો એવો હું, લોલુપતાથી મારી સીટને જોઈ રહ્યો!

....અને અચાનક પેલો ભાભો ઉભો થયો અને પેલી સ્ત્રીને સીટ ધરતાં બોલ્યો, "લો આયાં બેહી જાઓ."

....આ જોઈ હું ડઘાઈ ગયો! 'આ ભાભો આ શું કરી રહ્યો છે?' મેં મનમાં ચીસ પાડી!

"ના..ના.. ભાભા.. તમે બેહો તમતમારે.." પેલી સ્ત્રીએ શિષ્ટાચાર દાખવી પેલાં ઠરકી ભાભાને કહ્યું! એ ભાભાનાં ચહેરા પર પોતાનું 'ઠરકપણું' નાચી રહ્યું હતું! ખંધુ હસતાં હસતાં એ બોલ્યો, "અરે એમ થાય કાંઈ? લો.. લો.. બેહો આયાં.." 

પેલી સ્ત્રી આખરે 'મારી સીટ' પર બેઠી! ..જાણે મારી આબરૂના એ ભાભાએ ભરબજારે ધજાગરા ઉડાડયા હોય એમ હું ગુસ્સામાં અને આશ્ચર્યથી એને જોઈ રહ્યો! ..અને એ લુચ્ચો ભાભો લોલુપતાથી.. એ સ્ત્રીને! 

એ ભાભાએ દસેક મિનિટ ધરાઈને પેલી સ્ત્રીને જોયાં બાદ મારી સામે 'તીરછી' નજરે જોયું.. હું ગુસ્સાથી એને જ જોઈ રહ્યો હતો.. એ જોઈ એણે નજર ફેરવી લીધી! અમરેલી આવતાં પહેલાં એ ભાભો બસમાંથી ઉતરી ગયો.. અને મારી નજરમાંથી પણ! અમરેલીથી કોલેજીયનો ચડવાના હતાં એ હું જાણતો હતો.. અને એ પણ જાણતો હતો કે હવે બોટાદ સુધી મારે ઉભું રહેવાનું હતું.. એ પણ બસમાં છેક પાછળની સીટ પાસે!

..એક હરામી ભાભાને કારણે બસમાં કોઈનો પણ હસતો ચહેરો મને મારી સામે જોઈ મારી મજાક ઉડાવતો હોય એવું લાગતું! મેં નક્કી કર્યું કે હવેથી ક્યારેય હું કોઈને પણ મારી સીટ નહિ આપું.. શિષ્ટાચાર ગયો તેલ પીવા! જાતને દુઃખી કરીને ગામઆખાને ખુશ કરવા ન જવાય!!

એક 'નાલાયક ભાભા'ની લુચ્ચાઈ-લોલુપતાએ બીજાં ખરેખર સીટની જરૂરિયાતવાળા લોકોની સીટ છીનવી લીધી!! ..અને આ ફોટામાં લખ્યું છે એમ દુનિયાને 'ક્રૂર' બનાવી દીધી!!

-યજ્ઞેશ રાજપુત
લ.તા.૧૮.૧૦.૨૧