સોમવાર, 16 જાન્યુઆરી, 2017

....જયારે માંહ્યલો ગબ્બરસિંગ બુમો પાડે છે, "કબ હૈ ગુનોત્સવ, કબ હૈ??"

....જયારે માંહ્યલો ગબ્બરસિંગ બુમો પાડે છે, "કબ હૈ ગુનોત્સવ, કબ હૈ??"

@@@@@@

http://threecolour.blogspot.in/2016/01/blog-post.html

ગુનોત્સવ અંગેની છેલ્લી પોસ્ટ વોટ્સએપ પર વાઈરલ થઇ રહી છે, એ જાણીને આનંદ થાય છે! ...અને વાઈરલ કરનાર પોતાના લખાણના નામે સુધારા કરીને વાઈરલ કરી રહ્યો છે, એ જાણીને દુઃખ થાય છે! ઠીક છે, ઈશ્વરને ગમ્યું એ ખરું!!

@@@@@@

એક બીઝનેસમેન એમ ઈચ્છે કે એનું સંતાન પોતાના બિઝનેસને આગળ લઇ જાય, એક ડોક્ટર એમ ઈચ્છે કે એનું સંતાન ડોક્ટર બને, એક વેપારી એમ ઈચ્છે કે એનું સંતાન એના વેપારને બે-ગણો કરે, એક નેતા એમ ઈચ્છે કે એનું સંતાન પોલીટીક્સમાં આવે.. લગભગ ૧૦૦ માંથી ૮૦ જણા એવું ઈચ્છે કે એમનું સંતાન એમના સ્થાપિત કૌટુંબિક ઉત્પાદનમાં જોડાય!! ...પણ આપણામાંથી કેટલા સરકારી કર્મચારી (...માત્ર શિક્ષકો જ નહિ, હો ભાઈ!! ..રીપીટ, બધા સરકારી કર્મચારી!!) એવા હશે જે એમ ઈચ્છે કે પોતાનું સંતાન સરકારી સ્કુલમાં ભણે??...  (પ્રાઇવેટ/ઇન્ટરનેશનલ સ્કૂલોમાં ભણ્યા પછી સરકારી નોકરી મળે એવી ખેવના રાખનાર તો ઘણા હશે!!) જે માલિક પોતાની જ હોટલમાં ના ખાતો હોય એ હોટલ કેવી હશે??

બસ, અહીંથી આપણો આંતરિક ગુણોત્સવ (...ગુનોત્સવ નહિ!!) શરુ થાય છે!!

@@@@@

બાળક ભણવામાં સારા ટકા લાવ્યો લાવ્યો તો, એના માતાપિતા એને ડોક્ટર બનાવવાનું વિચારશે! થોડા ઓછા ટકા આવે તો કદાચ એન્જીનીયર અથવા એની સમકક્ષ કઈક બનાવવાનું વિચારશે! .....પણ સાવ પનો ટૂંકો પડે તો??.. "બેટા, તું બી.એડ. કરી લે, ક્યાંક શિક્ષકમાં ગોઠવાઈ જાય તો ય ઘણું!!"

 નિવૃત્તિના પાંચ-સાત વર્ષ બાકી રહ્યા હોય એવા દરેક શિક્ષકોના ઘરની આર્થિક પરિસ્થિતિ જૂની વાર્તાઓના બ્રાહ્મણની જેમ હમેશા કથળેલી જ હતી, પરિણામે એ વધુ ભણી નહોતા શક્યા!!  એ સમય એક કહેવત પ્રચલિત હતી... 'ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નબળી નોકરી'!! (હવે, ઉલટું છે!!) એટલે એ સમયે નબળી આર્થિક પરિસ્થિતિ હોઈ ઇઝીલી મળી જતી જોબ એટલે કે 'શિક્ષકપણું' એમને સ્વીકારી લીધું હતું! આવા શિક્ષકોમાંથી ઘણા લોકો ઘરના વિરોધ વચ્ચે પણ પોતાના કામને શ્રેષ્ઠ સાબિત કરતા આદર્શ શિક્ષકો બન્યા છે. (સેલ્યુટ!!) ....પણ જે મોજમજા ખાતર ટક્યા એ 'પાપી'ઓ આજે પણ માથે હથોડા ઝીંકે છે!! આમાંથી કેટલાના મોઢે આપણે એમ સાંભળ્યું હશે કે 'મારે શિક્ષક બનવું હતું એટલે જ હું શિક્ષક બન્યો છું!'

યંગ જનરેશનમાંથી પણ... મેડીકલમાં આસાનીથી પ્રવેશ મળે એવા ટકા આવ્યા હોય તોય પહેલેથી જ 'શિક્ષક બનવું છે' એવું નક્કી કર્યું હોઈ, 'શિક્ષકપણું' સ્વીકાર્યું હોય એવા કેટલા યંગ શિક્ષકો હશે??

ઘણા લોકો તો પોતાની દીકરીને પી.ટી.સી./બી.એડ.પણ એટલા માટે જ કરાવતા હોય છે કે એ શિક્ષક બને!! ...અને એમાં 'દીકરીને પોતાને ગમતું શું ભણવું છે?' એ પ્રશ્ન સાવ ગૌણ બની જાય છે!!

અહીંથી આપણો આંતરિક ગુણોત્સવ શરુ થાય છે!!

@@@@@

ચાણક્યનું એક પ્રખ્યાત ક્વોટ છે કે, "શિક્ષક કભી સાધારણ નહિ હોતા, ક્યુકી પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ!!"
એક્ચ્યુલી ચાણક્યનું ક્વોટ આમ હશે, મને એવું લાગે છે, "કોઈ સાધારણ આદમી કભી શિક્ષક નહિ હોતા, ક્યુકી પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ!!"

મને નીચલું વાક્ય વધુ સ્પર્શે છે. કેમકે એ સત્યની વધુ નજીક જણાય છે! આજેય વિશ્વના ઘણા દેશોમાં શિક્ષક બનવા માટે ઘણી અઘરી પરીક્ષાઓ પાસ કરવી પડે છે. પ્રેક્ટીકલી પણ બહોળો અનુભવ ધ્યાને લેવામાં આવે છે!! અહી તો સારી એવી વગ હોય અને થોડા સમૃદ્ધ હોઈએ તો એક પણ પ્રેક્ટીકલ પાઠ આપ્યા વગર પણ શિક્ષક બની ગયાનું 'સર્ટીફીકેટ' મળી જાય છે!! (...પછી ભલે ધોરણ ૧ થી ૮/૧૨ ના અભ્યાસક્રમવાળું 'ટેટ/ટાટ' અઘરું પડે!)

શિક્ષક નામની જમાતને જ આપણે/આપણી સીસ્ટમે 'ટેકન ફોર ગ્રાન્ટેડ' બનાવી લીધી છે!! સૌથી પહેલા પગભર થવા શિક્ષક બની જાવ.. પછી વધુ સારા પગારની નોકરી શોધો! ...નોકરી મળે તો જતા રહો, અને ના મળે તો??.. તો શિક્ષકની નોકરીને જ 'પાર્ટ ટાઈમ' કરી નાંખી, કૌટુંબિક ધંધાને/પોતાના બીઝનેસને ફુલ ટાઈમ આપી દો!! જસ્ટ ટેક ઈટ ઇઝી!! એમાં સકસેસ નાં થઈએ તો શિક્ષક તો છીએ જ ને?? ....ક્યુકી શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ!!

ધનનંદે ચાણક્યનું અપમાન કર્યું, તો એણે એનું સામ્રાજ્ય જ ઘાસની જેમ ઉખાડીને ફેકી દીધું!! ...અને આપણે શિક્ષણ સિવાયની તમામ કામગીરી પણ ના-છૂટકે કરવી પડે છે!! (...એમાં હુંયે આવી ગયો, ભાઈ!! જોકે હવે હું પણ ચાણક્યની જેમ 'અસાધારણ' બનવાનું વિચારું છું.. બસ, અમદાવાદમાં ક્યાંક ઘાસવાળી જમીન દેખાય, તો ચાણક્યની જેમ ચોટલી રાખું, અને ઘાસ ઉખેડીને ફેંકતા નિશ્ચય કરું કે હવે હું શિક્ષણ સિવાયની કામગીરી નહિ કરું!!) હવે, આમાં આપણે કોનો પ્રલય કરીએ, અને કોનું નિર્માણ કરીએ?? લ્યો, આપો જવાબ!! નોકરીને અંતે એક 'ઘરનું ઘર' થાય તો ય ઘણું!!

અહીંથી આપણો આંતરિક ગુણોત્સવ શરુ થાય છે!!

@@@@@

'બીકણ સસલુ' વાર્તા યાદ છે??..

એમાં સસલું બુમો પાડતું-પાડતું ભાગે છે.. "આભ પડ્યું રે આભ.. ભાગો રે ભાઈ ભાગો!!" મને ઘણા શિક્ષકોને જોઇને એમાં એ બીકણ સસલું દેખાય છે, જે "ગુનોત્સવ આવ્યો રે ગુનોત્સવ.. ભાગો રે ભાઈ ભાગો!" ...એવું બુમો પાડતા દેખાઈ રહ્યા છે!!

જે શિક્ષકોએ વર્ગમાં પોતાના બાળકોની વચ્ચે સમય ફાળવ્યો છે, એ ગુનોત્સવથી ભાગી નથી રહ્યા.. પણ, રાહ જોઈ રહ્યા છે, "..આવવા દે!!" ટૂંકમાં, જેઓ પોતાના કામને પ્રેમ કરે છે, તેઓ ડરી નથી રહ્યા!! અને બાકીના... જેમણે 'હારાયા ઢોર'ની જેમ ચરી જ ખાધું હોય એ શું કરે?? બીકણ સસલાની જેમ બુમો પડતા ભાગે!!

જે વ્યક્તિ ડરતો હોય, એ ભારતના ભાવીને શું બહાદુર બનાવાનો??

અહીંથી આપણો આંતરિક ગુણોત્સવ શરુ થાય છે!!

@@@@@

મારા પર્સનલ અનુભવે સમજી શક્યો છું કે વર્ગ સિવાયની દરેક કામગીરી મને થકવી નાંખે છે. બી.એલ.ઓ. જેવા સૌથી અઘરા કામની અસર મારા વર્ગ પર પડે છે, અને પડી પણ છે.. એ હું જાહેરમાં સ્વીકારવા તૈયાર છું.
આ પરિસ્થિતિમાં એટલુ બધું ઓકવર્ડ ફિલ થઇ રહ્યું છે કે હું આપણી જમાતને મંદિરમાં લટકાવેલો ઘંટ સમજવા માંડ્યો છું!! બસ, જે આવે એ....(એક લાંબુ બીપ!!)

@@@@@

એક અન્ડરકરંટ હું અનુભવી રહ્યો છું. આવનાર પેઢી હવે સરકારી નોકરી કરતા પોતાનું જ નાનું-મોટું કામ/બીઝનેસ કરવામાં વધુ રસ દાખવે છે. (બીજી ભાષામાં કહીએ તો... સ્ટાર્ટ અપ! યૂ નો?) પોતાના કૌશલ્ય આધારિત કામને પ્રાધાન્ય આપીને એ વધુ સરસ કામ કરી રહ્યા છે. કારણ કે લેખન એને કોમ્પ્યુટર પર કરવાનું છે, વાંચન સોશિયલ સાઈટ પર કરવાનું છે, અને ગણન કેલ્કયુલેટર પર કરવાનું છે!!

@@@@@

સાવ 'ઠોઠીયું' બાળક જો મોટો થઈને પોતાના કુટુંબનું સારી રીતે ભરણપોષણ કરી શકતો હોય તો એને નિષ્ફળ કેમ ગણવું? ...અને સાવ 'થોથીયું' બાળક જો મોટો થઈને પોતાનું પણ પૂરું ના કરી શકતો હોય તો એને સફળ કેમ ગણવું? ભણવા સિવાય પણ એવા ઘણા ક્ષેત્રો છે જેમાં બાળક પાવરધું હોઈ શકે છે, પણ એવી કોઈ પ્રતિભાનું આ ગુનોત્સવમાં મૂલ્યાંકન થવાનું નથી.

@@@@@


લખ્યા તારીખ ૧૬ .૧.૨૦૧૭ આજે મારી શાળામાં ગુનોત્સવ પૂરો થયો. હોઈ શકે કે આ વાંચીને ઘણાના ભવાં ઊંચા થશે. ભલે થતા.. બીજું શું??